Category Archives: ગદ્ય

વાર્તા, કથાઓ, સાહિત્ય લેખો, નિબંધ,

બોલબાલા અબોલાની…

Standard

લેખક – લલિત પરીખ

વિશાળ  એવા ‘પ્રસન્ન પ્રાસાદ’માં કેવળ માત્ર અવસાદ જ અવસાદનો પ્રસાર હતો.મૌન જ મૌનનું સામ્રાજ્ય હતું.અબોલાની બોલબાલા બિચારી સાવ મૂંગે મોઢે, ચુપચાપ તમાશો જોતી રહેતી હતી -રણજીત અને રંજીતા નામધારી  બે  પરિણીત પ્રેમીઓની પારસ્પરિક મૂક તકરારનો.’ઘર’ પર્દાઓથી શોભતું, સુંદર રંગેલી દીવાલોનું, રાચરચીલાથી સજેલું-સજાવેલું  એક શોભા માત્રનું  ‘મકાન’ માત્ર બનીને રહી ગયું હતું.સમ ખાવા પૂરતા પણ એ મકાનમાં ન સંવાદ બોલાતા -સંભળાતા હતા,ન ટી .વી ચાલવાનો અવાજ સંભળાતો હતો કે ન ભજન કે જુના -નવા ગીતો-ગાયનોની કોઈ કેસેટ પણ વાગતી સંભળાતી હતી.અરે ત્યાં સુધી કે ફોન પણ ડેડ  કરી દેવામાં આવ્યો હતો.હસતા બોલતા ઘરને કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગતું હતું.રણજીત-રંજીતા વાત ન કરે એ તો સમજાય;પણ આ તો નજર પણ મેળવતા બિલકુલ બંધ થઇ ગયા હતા.પોતપોતાના સમયે પોતાની કારમાં ચુપચાપ ચા- કોફી નાસ્તા વી.ને ન્યાય પણ આપ્યા વગર રણજીત પોતાની પેથોલોજીકલ  લેબ તરફ રવાના થઇ જતો અને રંજીતા પોતાના ગાયનિક ક્લિનિક તરફ યંત્રવત દોડતી.

બેઉ પરાણે પરણેલા કે લાકડે માંકડે વળગાડી દીધેલા પતિ -પત્ની તો નહોતા જ. એક જ શહેરની મેડિકલ કોલેજમાં બેઉ સાથે દાખલ થયેલા, એક જ બેચમાં હોવાથી પરિચય વધતા પ્રેમમાં પડેલા અને માતા પિતાની રાજી ખુશી સાથે ધામધૂમથી પરણેલા એવા પોતાની કોલેજમાં અને જ્ઞાતિમાં લવ બર્ડ્સ તરીકે પંકાયેલા પ્રેમીઓ હતા.

સહિયારી લોન લઈને  રંજીતાના  પિતાએ આપેલા પ્લોટ પર ‘પ્રસન્ન પ્રાસાદ’નું નિર્માણ  કરી તેઓ બેઉ હોંસે  હોંસે  ગૃહપ્રવેશનો સમાંરભ  ઉજવી, પોતાના ટેસ્ટ પ્રમાણે તેને ફર્નિશ કરી સજાવી કરીને, રહેવા આવી ગયેલા.રંજીતાની પ્રેક્ટિસ  તો  પહેલા દિવસથી જ જોરદાર ચાલી પડેલી.રણજીત સિદ્ધાંતવાદી અને સત્યવાદી યુધિષ્ઠિર હોવાથી કોઈ કરતા કોઈ ડોક્ટરને કમિશન ન આપવાનો દુરાગ્રહી હોવાથી જોઈએ એટલો સેટલ નહોતો થઇ શકેલો.પરંતુ તેમ છતાં તે દર્દીઓ સાથેના પોતાના સદ્વ્યવહાર અને સહાનુભૂતિના કારણે સ્લો પણ  સ્ટેડી ગતિથી જામી તો રહ્યો જ હતો.બેઉને લોન પર લીધેલી પોતપોતાની કાર પણ હતી.પરણ્યાના દસ બાર વર્ષ વીત્યા બાદ પણ સેંકડો ડીલીવરી કરાવનારી રંજીતાને પોતાને ડીલીવરી ન આવતા માબાપના એકના એક દીકરા એવા રણજીતનું મન  કૈંક ઉદાસ થવા લાગ્યું.તેના મનમાં કોઈ અનાથ બાળકને ખોળે લઇ પોતાની અને એ દત્તક બાળકની  પ્રસન્નતા વધારવાનો વિચાર રંજીતા સામે મૂક્યો.રંજીતાની દલીલ એમ હતી કે પોતાને ડીલીવરી નથી જ આવવાની એવું તો પોતે પણ ગાયનિક હોવાથી વૈજ્ઞાનિક રીતે જાણતી હતી.કોઈ બાળકને દત્તક લીધા પછી પોતાને બાળક થાય તો લાંબે ગાળે દત્તક બાળકની માનસિકતા એક સમસ્યા બની શકે એટલે તે પોતે  દત્તક બાળક લેવાના વિચાર સાથે સહમત  ન થઇ.છેવટે સહમત થઇ તો પણ  દીકરો દત્તક લેવો કે દીકરી દત્તક લેવી તે પણ ચર્ચાનો વિષય બની ગયો.રણજીતને દત્તક દીકરો જોઈતો હતો અને  રંજીતાને  દત્તક દીકરી જોઈતી હતી.બસ, આમાં જ બોલાબોલી શરૂ થઇ ગઈ અને એ એટલી તીવ્ર થઇ ગઈ કે અંતે અબોલામાં પરિણમી.સવારે એક વાર આવી બેઉ ટાઈમની રસોઈ કરી જનાર બહેનને  પણ આવું જોઈ- જાણી  જબરી નવાઈ  લાગતી કે આવું અબોલાનું સામ્રાજ્ય ક્યાં સુધી ચાલશે?

પરંતુ, આવી અબોલાની  સ્થિતિ-પરિસ્થિતિનો કોયડો એકાએક ઉકેલાઈ ગયો જયારે બેઉના માબાપે સરપ્રાઈઝ પાર્ટી રાખી રંજીતાનું બેબીશાવરનું ફંક્શન યોજ્યું અને જેમાં પ્રસન્ન પ્રસન્ન એવા રણજીતે રંજીતાને ભેટીને અભિનંદન આપ્યા અને તેમાં ય જયારે હરખાઈ હરખાઈને રંજીતાએ જાહેરકર્યું  કે  પોતાને ટ્વિન્સ  આવવાના છે અને  બાબલો-બેબલી જન્મવાના છે.

બાબલા -બેબલીના સમાચારે રણજીત -રંજીતાના અબોલાનો અણધાર્યો સુખદ અંત આણી દીધો અને રણજીત કોઈ ગીત ગાવા લાગી ગયો: “..એક સે હુએ દો  ઔર અબ દો સે હોંગે ચાર,તૂ તો મેરી યાર યાર યાર ! વાહ રે હમારા પ્યાર !”

(સમાપ્ત)

Advertisements

સાચી ઓળખ

Standard

લેખક  – જોસેફ મેકવાન

[જોસેફ સાહેબની વાર્તા શૈલી એવી હોય છે કે જાણે કોઈ ઢાળ ઉતરતાં હોઈએ એમ સડસડાટ વાર્તામાંથી પસાર થવાનું બને છે. એક વાર શરૂ કર્યા પછી ક્યાંય અટકી શકાતું નથી. તેમની આ પ્રસ્તુત વાર્તા તેનો ઉત્તમ નમૂનો છે. સૂક્ષ્મ સંવેદનાઓને તેમની કલમ આબાદ ઝીલી લે છે. જેમાંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે તે ‘ચાકડો’ એ જોસેફ સાહેબની ઉત્તમ કૃતિઓનો જતનપૂર્વક સંપાદિત કરેલો સંગ્રહ છે. તેનું સંપાદન  આગ્નેસબેન વાઘેલા તેમજ શ્રી રમેશભાઈ વાઘેલાએ કર્યું છે.]

સૌરભ સાથેનો મારો પરિચય ગાઢમાંથી ઘનિષ્ઠ બનતો નેહમાં નિખરવા લાગ્યો ત્યારે મારા શુભચિંતકોએ સૌ પ્રથમ મને ચેતવેલી : ‘સૌરભની મમ્મીને ઓળખે છે ! બહુ કાઠી બાઈ. તારે ને એને ઊભા રહ્યે નહીં બને. ઝેર જેવી જિંદગી કરી મેલશે તારી, પરથમથી જ વિચારી લેજે !’
આ ચેતવણીમાં ઈર્ષ્યાય હતી અને અદેખાઈ પણ હતી. સૌરભ જેવો સુશીલ, દેખાવડો અને ઉમદા ચારિત્ર્ય સાથે ઊંચા દરજ્જાની નોકરી કરતો યુવાન હું મારા રૂપે-ગુણે જ મેળવી રહી છું અને મારાં મા-બાપને પૈઠણ કે પહેરામણીમાં જરા જેટલુંય ચિંતા કરવાપણું નહીં રહે. એવું જાણનારાં સહેજે જ મારા સદભાગ્યની ઈર્ષ્યા કરે એ દેખીતું હતું. પણ બીજી બાજુ સૌરભનાં બા વિશેના અભિપ્રાયમાં થોડુંક વજૂદ પણ હતું. એ હંમેશાં પોતાના પરિવારમાં ગૂંથાઈ રહેતાં. કદીયે કોઈની ચર્ચા-ચોવટમાં ના પડતા. સાચું લાગે એ જરાય સાડીબાર રાખ્યા વિના સંભળાવી જ દે. કોઈનો ઝાઝો ઘરોબોય ના રાખતાં અને સ્વભાવનાં આકરાં ગણાતાં. એટલે લોકો, ખાસ કરીને સ્ત્રીઓ એમને અતડાં ને ઘમંડી ગણતાં. એમાં પૈસાપાત્ર હોવાના ગર્વની વાત પણ ભળતી.
આપણે કોઈના માટે ગમે તેટલી સારી ધારણા ભલેને બાંધીએ પણ લોકાપવાદ આવા ચાલતા હોય ત્યારે દિલમાં શંકા ઘોળાયા વિના ના રહે. પરિણામે મેં એક વાર સૌરભને પૂછી નાખ્યું :
‘સૌરભ, બા વિશે તરેહવારની વાતો થાય છે, એમાં સાચું શું છે ?’
એક પળવાર મારી સામે ટીકી રહ્યો, અપલકભાવે. એ મને ચાહતો હતો એટલે આવી પૃચ્છાનું એણે માઠું ના લગાડ્યું. મને તાગતો હોય એમ એ બોલેલો: ‘મારાં મમ્મી વિશે પૂછે છે ને ? હું કહું એ તને ખપ નહીં લાગવાનું. તું ખુદ ખાતરી કરી લે.’ હું વિમાસણમાં પડી ગયેલી. મારા સવાલ પછી સૌરભ જાણે મૂરઝાઈ ગયેલો. ખાસ તે સમયે એ તો પછી ઊઘડ્યો જ નહીં. અમે છૂટ્ટાં પડતાં હતાં ત્યારે એણે કહેલું :
‘સમાચાર મોકલું ત્યારે માનસિક રીતે સજ્જ થઈને આવજે ! હું તને મારાં મમ્મીની મુલાકાત કરાવીશ.’
હું અસંમજસમાં પડી ગઈ હતી. પહેલીવાર સૌરભનાં મમ્મીને મળવાનું હતું. હકીકતે તો પોતાના એકના એક દીકરાને મોહી લેનારી વીસનખાળી કેવી છે એ જ એ પારખવા માગતાં હતાં ! આમ મારાં બાથી એ પરિચિત હતાં જ; પણ હું ગુરુકુલમાં ભણી અને પછી શાંતિનિકેતનમાં ‘ફાઈન આર્ટ્સ’નું પૂરું ભણવા ગઈ એટલે મને તો એમણે જોયેલી જ નહીં. લોકો તો મને ચેતવતાં હતાં, પણ આકરી કસોટી તો મારી હતી. સૌરભનાં મમ્મી – મારાં ભાવિ સાસુમાની પરીક્ષામાં મારે પાસ થવાનું હતું. સૌરભે એકવાર કહેલું, મજાક સ્તો ! ‘હું તો તારા મોહનો માર્યો તને ડિસ્ટિંકશન માર્કસ આપી દઉં; પણ મારાં બા તને પચાસ ટકાય આપે તો તારે માની લેવું કે તું ‘ફર્સ્ટ કલાસ ફર્સ્ટ’ થઈ ગઈ !’
ને હું ભગવાન બુદ્ધની યશોધરા ગાતી હતી તેમ :
રે મન આજ પરીક્ષા તેરી
બિનતી કરતી હૂં મૈં તુઝસે, બાત ન બિગડે મેરી !

ગાતી ગાતી એક અસહ્ય બોજ સાથે સૌરભના ઘરે પહોંચી હતી. મેં ‘અસહ્ય’ શબ્દ વાપર્યો ને ! હા, સૌરભે મને ફોન પર નિમંત્રણ આપ્યું ત્યારે મેં પૂછી નાખેલું : ‘મારે તને પરણવાનું છે કે તારી બાને ?’
ને એણે જરાય ક્ષોભાયા કે થોથવાયા વિના સ્પષ્ટ કહી દીધું હતું : ‘મારી માનાં અરમાનોને…!’ ને પછી રિસીવર મૂકી દીધું હતું. એકવાર તો મારું મન આળું થઈ ઊઠ્યું હતું : ‘હું એકવીસમી સદીમાં જવા થનગની રહેલ નારી છું. મારું સ્વમાન છે, ગૌરવ છે ને પરિણય એ બે યુવાન હૈયાંની અંગત મૂડી છે. કોઈનેય એમાં દખલ કરવાનો અધિકાર શાનો હોઈ શકે ?’ પણ જે સંસ્થાએ મને કેળવી હતી, મારા સંસ્કારોનું પરિમાર્જન કર્યું હતું, એ મને મર્યાદા લોપવા નહોતી દેતી. હૃદય કહેતું હતું : ‘જેમની સાથે રહેવાનું છે, જેમના સંગે જીવનવ્યવહારોની પ્રીત બાંધવાની છે એ સૌનો રાજીપો રળી લેવો એ જ ભારતીય લગ્નજીવનમાં નવવધૂની સિદ્ધિ છે. આ ભારત છે, યુરોપ કે અમેરિકા નથી. સ્ત્રી માત્ર એક પુરુષને નથી પરણતી; એનાં પરિવારજનોના, આપ્તજન-પરિજનોના, મિત્રોના, સંબંધીઓના સૌના સંબંધે સંબંધાય છે. લગ્ન એ માત્ર બે હૈયાં વચ્ચેની સ્નેહગાંઠ જ નથી; પારિવારિક અને સામાજિક સ્નેહ-સંવાદિતાની સરવાણીઓ વહેતી કરનાર જીવંત જીવનસ્ત્રોત છે એ !’ આ શિક્ષણ નર્યા આદર્શો ન હતું. એમાં વિચારોના-પરંપરાઓના નિષ્કર્ષો હતા. એટલે જ સૌરભે વાત કાપી નાંખ્યા પછી તો એનાં મમ્મીને જીતી લેવાનો જાણે મને પાનો ચડ્યો. મારા રૂપનું, મારા ગુણોનું, મેં જાળવીને જતન કરેલા મારા સંસ્કારોનું ને મારા પોતીકાપણાનું મને સહેજે અભિમાન હતું, મને એની ઓથ હતી. એટલે કોઈ પણ પ્રકારની કસોટીને પહોંચી વળવાના દઢતર સંકલ્પો સહિત હું જ્યારે સૌરભના ઘરે સૌપ્રથમ પહોંચી ત્યારે મારા સાનંદાશ્ચર્યનો પાર ના રહ્યો.
કડપ વરસાવતી કઠોર મુખમુદ્રા, આરપાર વીંધી નાખી તાગ લેવા તાકતી વેધક આંખો, પ્રેમમાં પડેલી છોકરી હંમેશાં નકામી ને નખરાળી જ હોય એવા પૂર્વગ્રહથી પીડાતી મનોવૃત્તિ ને એ બધા જ આવેશોના પરિણામે ચહેરે ઝલકતી વિરૂપતા મેં ન્યાળવા-નીરખવા ધારી હતી, એના બદલે હૈયાનો સાચકલો હરખ જેમના મુખડે વિલસતો હતો અને જેના મનોભાવને કે આંખોની પરખને વ્યક્ત કરાતા હેતનો જરાય અંતરાય નહોતો નડતો એવા જાજવલ્યમાન દેહસામર્થ્ય ધરાવતાં ને પહેલી નજરે જ પોતીકા પ્રભાવે કરીને જીતી લે એવાં સૌરભનાં બાને જોઈને એક પળ હું મારા અસ્તિત્વનેય વીસરી ગઈ. સાંભળેલી વાતોને કારણે બાંધેલી ધારણાઓને લીધે ઊલટાના મારા ચહેરે ક્ષોભનાં વાદળ છવાઈ ગયાં હશે ને મારી સાચી સુંદરતાને એ નડતર બની રહ્યાં હશે, એવા થડકારે અને દિલના પરિતાપે મારી આંખો ભરાઈ આવી. અનાયાસે મારા હૈયામાંથી બા કે મમ્મી નહીં – ‘મા…..આ…..!’ ઉદ્દગાર સ્ફુરી પડ્યો ને મને ભાનેય ના રહ્યું ને ચરણસ્પર્શ કરવા નમેલો મારો દેહ એમની સ્નેહાળ ભુજાઓમાં આબદ્ધ થઈ ગયો. મારાં આંસુથી એમની છાતી ભીંજાઈ હશે તેના આંચકા સહિત મારા બંને ખભા પકડી એમણે મને અળગી કરતાં મારી આંખોમાં આંખો માંડી :
‘અરે ! તું રડે છે ! સાચ્ચેસાચ્ચ રડે છે ! અરે, આજની આ ઘડીએ રુદન શાનું, હેં ગાંડી….!’
‘હા મા. તમારે માટે મારા મનમાં બંધાયેલી ખોટી ધારણાનો એ પરિતાપ છે !’
‘તે પહેલી મુલાકાતમાં અને એક જ નજરમાં તેં મને પારખી લીધી, એમ !’
‘હા મા, જોવાની આંખ હોય તો અંતરને કશુંય અજાણ્યું નથી રહેતું !’ ને એમણે ફરી એકવાર મને છાતી સરસી ચાંપી દીધી.
પછી એમના કામઢા હાથોમાં મારો ચહેરો સમાવી લઈ મારા કપાળે એક પ્રગાઢ બોસો દીધો, ને ફરી ધીરે સાદે બોલ્યા : ‘ત્રણ વાર તેં મને ‘મા’ કહી, સાચું ને ! જો, આપણા મેળાપના નાટકને વાંકા સ્મિત વડે હૈયે ઉતારતા જરાક આઘા ઊભા રહ્યા છે તે મારા કુળદીપક શ્રી સૌરભભાઈ ! શાળામાં જતા હતા ત્યાં સુધી મને તુંકારે બોલાવતા હતા. કૉલેજમાં ગયા પછી હું એમને માટે આદરવાચક ઉદ્દગાર પાત્ર ઠરી ગઈ છું. ને આ બાજુ-જમણી ગમ જો, એ તોફાની આંખોવાળી છોકરી છે તે તારી નણંદ પ્રીતિ છે. કહેવા પૂરતી જ એ પ્રીતિ છે, બાકી આખીય અપ્રીતિ છે. તું આવવાની છે એમ જાણ્યું એટલે જમાઈને ધરાર પડતા મેલી ગઈકાલની અહીં આવી પહોંચી છે, તારા સત્કારમાં કશી કમી ના રહે એ જોવા. એ મને મમ્મી કહીને બોલાવે છે. મને એમ કે તું વળી ફોરેન ફરી આવી છું એટલે પેલું હમણાં ચલણમાં ચાલ્યું છે ને… ‘મામ’ એવું કંઈક કહીને મને બોલવશે, પણ આજથી હું, તેં કહ્યું તેમ તારી મા. મારી પ્રીતિએ મારી દેખરેખમાં આઠ વરસ આ ઘર પર રાજ કર્યું. તું આવ પછી મારે તો વિધિવત તારી તાજપોશી કરવી છે. બોલ બેટા, ક્યારે આવે છે ?’
શિષ્ટ-શાલીન ભાષા, જરાય કૃતજ્ઞતા કે દેખાડો નહીં. જે કાંઈ શબ્દરૂપે કે ક્રિયા અન્વયે ટપકે તે સાવ સ્વાભાવિક જ લાગે એવો એમનો વ્યવહાર પામીને હું તો એટલી ઓળઘોળ થઈ ગયેલી કે એમના સવાલનો ઉત્તર ‘અબઘડી’ એમ દેતી હોઉં એ રીતે પૂરી શક્તિથી મેં એમને ભીંસી લીધાં. ત્યાંથી સહેજ છૂટી થઈ કે મારાં નણદલબા ધસી આવ્યાં : ‘ભાભી ! પહેલી જ મુલાકાતમાં હું તમારી વેરવણ થઈ ગઈ. મારી મમ્મીને તમે આખીયે જીતી લીધી, હવે એ જરાક-તરાક મારી હતી તેય નહીં રહેવાની !’ દેખીતી રીતે જ પ્રીતિની આ સરસ અને વાજબી કૉમ્પ્લીમેન્ટ્સ હતી. એ ભાવ મનેય સ્પર્શી ગયો : ‘તમે ઉતાવળ કરી પ્રીતિબહેન સાસરે જવામાં. તમને પીઠી અને મેંદી ચડાવવાના મારા ઓરતા તમે છીનવી લીધા. એકાદ વરસ તમારા સહીપણામાં જીવવાનું મળ્યું હોત તો !’
બસ, આ મુલાકાત પછી તો સૌરભ કરતાંય એનાં બાના સાંનિધ્યમાં પહોંચી જવાની મને તાલાવેલી લાગી. તાજેતરમાં જ અમેરિકા પાછા ગયેલા મારા ભાઈને ફરી પાછા આવવાની ફરજ પડી અને ખૂબ જ આનંદોલ્લાસથી હું અને સૌરભ પરિણયસૂત્રે બંધાઈ ગયાં.
એક સાવ અજાણ્યા પરિવેશમાં જતાં, જિંદગીનો સુવર્ણયુગ જેમાં માણ્યો એવું બાપીકું ઘર છોડતાં અને માની મમતા પરહરતાં શ્વસુરગૃહે વિદાય થતી કન્યા હીબકે હીબકે રુએ છે એ ઘડી હૃદયવિદારક હોય છે. ધીરગંભીર મારા બાપુજી કશીક મહામૂલી નિધિ ખોઈ બેઠા હોય એમ ભારઝલ્લા હૈયાને પાંપણની ધારે પરાણે રોકી રાખી ઓશિયાળા ભાવે મને નીરખી રહ્યા હતા. લગભગ અમેરિકન થઈ ગયેલાં મારાં ભાઈ-ભાભી પણ આ ક્ષણે અસ્સલ ગુજરાતી રંગે રંગાઈ ગયાં હતાં. ભાઈનાં આંસુ વહેતાં હતાં ને ભાભી મને ધીરજ બંધાવવાના શબ્દો ગોતી રહી હતી. મારી મમ્મી કેમ કર્યાંય આંસુ ખાળી નહોતી શકતી ને એક હું હતી કે આંખમાં આંસુ છતાં સાચું રોઈ નહોતી શકતી. લાગતું હતું કે એક એવા પરમ વિશ્વાસના આવાસે જઈ રહી છું, જ્યાં જવાથી મારા માતૃઘર સાથેનો મારો સંબંધ વધુ દઢ થશે. મારી સહિયરોમાંથી એક જણી ખાસ મને સંભળાવવા જ કહી રહી હતી : ‘પ્રેમ કરીને પરણી રહી છે ને સદગુણી વર પામી છે એટલે લાડી ઝાઝું રડતાં નથી, પણ એકવાર સાસુને હાથે પલોટાવા તો દો, પછી ખબર પડી જશે !’ મારું શંકાળું મન એ પળેય જરાક અસ્વસ્થ થઈ ગયું હતું; પણ મારા અનુભવી હૈયે એના પર વિજય મેળવી લીધો હતો. ને તોય મારાં સાસુની સાચી ઓળખ થવાની હજી મને બાકી હતી !
અમારાં લગ્ન પછીનો એ પંદરમો દિવસ હતો. સૌરભ સેન્ટ્રલ બૅંક ઑફ ઈન્ડિયાની મુંબઈ શાખાનો ઑફિસર હતો. દિવસો ડિસેમ્બરનાં હતાં એ જ કારણે અને સૌરભને ખાસ એવી રુચિ પણ નહીં. એને લીધે અમે હનીમુન જેવું કશું જ વિચાર્યું નહોતું. બસ, સ્વર્ગીય સુખ આપતા લગ્નજીવનના અમારા આરંભના એ રોમાંચકારી દિવસો અનેરા ઉત્સાહમાં પસાર થતા હતા. વહેલી સવારનો સમય હતો. મારી તંદ્રીલ આંખોમાં હજી નીંદરનો ભાર હતો ને મારી સાસુનો અવાજ સંભળાયો :
‘પ્રીતિ ! ઊઠ જોઈએ બેટા ! પાંચ વાગ્યાનો નળ શરૂ થયો છે. જોતજોતામાં સાત વાગ્યે જતો રહેશે. આજે તો ઢગલાબંધ લૂગડાં ધોવાનાં છે. ધોબી તો એના દેશ ગયો છે પણ અધૂરામાં પૂરું આપણી કામવાળી ય મહિનાની રજા લઈ એના છોકરાને પરણાવવા ગઈ છે. ચાલ જલદી કર.’ હઠ કરીને અને સાસરિયાંની ઉપરવટ થઈને મારાં નણંદ પ્રીતિબહેન અમારાં લગ્નને કારણે વીસ-એકવીસ દિવસ અગાઉથી પિયર આવ્યાં હતાં. એમની પોતાની નણંદના પણ લગ્ન હતાં. અમારી સગવડ સાચવવા એમણે તારીખ-વાર બદલ્યાં હતાં, છતાં પ્રીતિબહેન એ કશું ગણકારતાં નહોતાં. ને વરસેકની નાની દીકરી પૂર્વીને લઈને એ હજીય પિયરમાં જ પડી રહ્યાં હતાં. સાસુમાનો અવાજ સાંભળતાં જ હું સડાક કરતીકને બેઠી થઈ ગઈ. સૌરભ હજી મજાની નીંદર લઈ રહ્યો હતો. હૂંફાળી શૈયા છોડવાનું મનેય ગમતું નહોતું પણ સાસુનો અવાજ આદેશાત્મક હતો. અમારા રૂમનું બારણું ઊઘડતું ભાળતાં જ સાસુ ત્યાં ધસી આવ્યાં. સહેજ ધીરા પણ હુકમ કરતા સ્વરે એ બોલ્યાં : ‘દિવ્યા ! તું પાછી જા, ઊંઘ ના આવે તો ય હું ના કહું ત્યાં સુધી તારે તારા રૂમમાંથી બહાર નીકળવાનું નથી.’
મેં સહેજ પ્રતિવાદ કર્યો : ‘નાની પૂર્વીએ એમને મોડે સુધી ઊંઘવા નહોતાં દીધાં. ભલે પ્રીતિબહેન સૂઈ રહ્યાં. તમે મને બતાવો મારે શું કરવાનું છે ! પ્રીતિબહેન એકલા થાકી જાય છે.’ મારી વાતથી રાજી થવાને બદલે સાસુ નારાજ થઈ ગયાં.
‘તને હાલ ને હાલ નહીં સમજાય ! આ બધું જ કામ પ્રીતિએ કરવાનું છે. તું જા, કહું છું એમ કર.’
ને મેં જોયું તો મારાં સાસુએ પ્રીતિબહેનનું ઓઢણું ખેંચી લીધું : ‘ક્યારની બૂમો પાડું છું, સંભળાતું નથી ! નળ જતો રહેશે તો આખું ઘર ઉકરડો બની રહેશે !’
ખાસ્સી નારાજગી ને અકળામણ વ્યકત કરતાં નણંદબા ઊઠતાં હતાં એ હું મારા રૂમમાં રહી રહી પણ અનુભવી રહી. મને સમજાતું નહોતું. અનુભવે જાણવા મળેલું કે પિયરમાં આવેલી પુત્રીને મા જીવની જેમ જાળવે ને એના કોડ પૂરાં કરે. વહુને માથે આખોય ઢસરબોળો હોય પણ નણદલને ખસ ના કહેવાય. ‘ચાલ તારે તો સાસરે પછી કરવાનું જ છે ને ! અહીં મારા ઘરે તો આરામ કર થોડોક !’ આવાં જ દરેક માનાં વેણ હોય છે. પણ મારી સાસુનાં વેણ જુદાં હતાં, વ્યવહાર પણ જુદો જ હતો. નવેક વાગવા આવે ને હું પરવારી રહું કે સાસુમા મને લઈને કોઈક સંબંધીને ત્યાં જવા નીકળે, કાં મને કશુંક આંટાફેરાનું કામ સોંપે કાં ઘરમાં જ કશુંક એવું કામ બતાવે જે કામ જ ના હોય. રસોઈ આખીય પ્રીતિબહેનને માથે.
‘વહુ નવી નવી છે ને તેં બહુ લાડ કર્યા છે. હવે તો તું અહીં જ્યારે પણ આવે ત્યારે તારે જ ઘરની જવાબદારી ઉઠાવી લેવાની. વળી તારા હાથની રસોઈ દિવ્યા જમે તો એનેય ખ્યાલ આવતો રહે કે આપણે કેવા સ્વાદથી ટેવાયાં છીએ !’ પ્રીતિ આનો જવાબ ના આપતી. એના મોઢા પર અકળામણના ભાવ આવતા. ક્યારેક એ વાસણના પછડાટમાં વ્યક્ત પણ થતા. કવચિત અકારણ જ આંખની કીકી જેવી મીઠડી પૂર્વી પર ગુસ્સો ઠાલવી દેતાં. સાસુ આ બધું જોતાં છતાં આંખ આડા કાન કર્યા કરતાં.
શરૂઆતમાં તો મને લાગેલું કે પરણ્યાના પાંચ દહાડા પૂરા થશે એટલે સાસુ આ બધી જવાબદારી મને સુપરત કરી દેશે. પણ આજે પંદરમો દિવસ પસાર થવા છતાં એવુંતેવું કાંઈ મને સોંપાતું નહોતું. ઊલટું મને એ દિવસે આગ્રહ કરીને એ દેવદર્શને સાથે લઈ ગયાં. ઘેર બે મહેમાન જમવા આવવાના હતા છતાં એમણે મને રસોડામાં જવા ન દીધી. અલબત્ત, પૂર્વીને સાથે લીધી હતી. રસ્તે મેં વાત કાઢી :
‘મા, પ્રીતિબહેનને માથે આજે ઝાઝું કામ છે. મને ઘેર રહેવા દીધી હોત તો…. સૌરભે પણ મને તાકીદ કરી હતી.’
‘શું કરવું શું નહીં તેની મને બધી ખબર છે. તું હું કહું એથી એક અક્ષર પણ વધુ ના વિચારીશ.’ એ દિવસે પ્રીતિબહેને જાણીજોઈને રસોઈ કથળાવી. સાસુએ એ જોયું. એક શાક એમણે પોતે બનાવી લીધું ને બાકીનું બજારમાંથી તૈયાર મંગાવીને એમણે ખાસ ઊણપ ના વર્તાવા દીધી. પણ મહેમાનોના ગયા પછી એ રીતસર પ્રીતિ ઉપર જાણે ઓરમાન મા હોય એમ તૂટી જ પડ્યાં: ‘મહેમાન આવવાના હોય એવી એક ટંક પણ તારાથી સારી રીતે ના સચવાઈ ! આવું રાંધતાં મેં તને શીખવ્યું છે ?’
‘પણ મમ્મી ! કામવાળીય નહીં, બધું મારે એકલીને જ કરવાનું. મદદમાં કોઈ નહીં ને…..’ પ્રીતિનો અવાજ રડમસ થઈ ગયો, એની દરકાર કર્યા વિના સાસુ તાડૂક્યાં :
‘ચૂપ રહે, તું એકલી પચ્ચીસ જણની રસોઈને પહોંચી વળે એટલી સાબદી મેં તને કરી છે !’ એ સાંજે અમારો પિક્ચરનો પ્રોગ્રામ હતો. પ્રીતિબહેનની ઈચ્છા હતી પણ સાસુમાએ એને સાંજની રસોઈ સોંપી અને પોતે બોરીવલી એક સ્નેહીની ખબર કાઢવા જતાં રહ્યાં.
રસ્તે અમને અમારી કામવાળી જમના મળી ગઈ. મારા પતિ ઘરમાં કામની ટકટક થતી એથી થોડાક અવગત થયેલા તે ગૃહસ્થને છાજે એવી ગંભીરતાથી જમનાને કહેવા લાગ્યા : ‘તમે તો કાંઈ દેખાતાં જ નથી. હજીય તમારા દીકરાનાં લગ્નમાંથી નથી પરવાર્યાં ?’
જમના હસી પડી : ‘કેવો દીકરો ને કોનાં લગ્ન ? મને તો બાએ ઑર્ડર દીધો છે, એ ના કે’વડાવે ત્યાં લગી મારે કામે નહીં આવવાનું ! પગાર પણ આગમચથી આલી લીધો છે !’ હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગઈ. મેં સૌરભ સામે જોયું. એય મૂંઝવણમાં પડી ગયો હતો. મારા મનમાં ફરી પાછી શંકા ઘોળાવા લાગી : છેલ્લા પંદર પંદર દિવસથી હું જોતી આવી હતી, મારાં સાસુ એમની પેટની દીકરી પર બરાબરનો કડપ વર્તાવી રહ્યાં હતાં. એમની એક વાત સાચી હતી: મેં નવું નવું લગ્નજીવન આરંભ્યું હતું એટલે મારે હરવાફરવાના દિવસો હતા. પણ સામે પક્ષે પ્રીતિબહેન મહેમાન હતાં, ઘરની દીકરી હતાં, યુવાન હતાં. અને મા સગી દીકરી પર નોકરાણી કરતાંય આકરો અત્યાચાર ગુજારી રહ્યાં હતા. મારા મને વિચાર્યું કે પ્રીતિ દ્વારા આ દાખલો મારા પર બેસાડાઈ રહ્યો છે. સગી દીકરી સાથે જે મા આમ વર્તે એ વહુ પર સારી રીતે કેમનાં વર્તે ! પ્રીતિબહેન અહીંથી જશે એટલે એ તમામ કામનો બોજો મારે માથે મારવાનાં. ‘મારી સગ્ગી છોકરી કરતી’તી. તું નવી નવાઈની ક્યાંથી આવી ?’ એમ ટોણો દેવાનાં. લોકો સાચાં હોય છે – પોતાના પ્રત્યાઘાત આપવામાં, ‘પલોટે ત્યારે જોજે.’
‘કેમ સાવ મૌન બની ગઈ !’ અચાનક સૌરભે પૂછ્યું ને હું મનના પ્રદેશમાંથી વાસ્તવ જગતમાં આવી ગઈ.
આજે અમે આકસ્મિક જ ફિલ્મ જોવાનું નક્કી કર્યું હતું, એટલે ઍડવાન્સ બુકિંગ કરાવ્યું નહોતું. ટૉકિઝ પર ટિકિટોના બ્લૅકમાં ભાવ બોલાતા હતા. અમે બેએક ટૉકિઝ ફર્યા. બધે જ એ જ હાલ. સૌરભ કદીયે બ્લૅકમાં ટિકિટ ના જ ખરીદે. આખરે બ્લૅકમાં અપાત એટલા જ પૈસા ટેક્સીમાં ખર્ચીને અમે પાછાં ફર્યાં. આમેય જમનાની વાત સાંભળી ત્યારથી મારું મન જરાક આળું થઈ ગયું હતું. મને બનાવટ નહોતી સદતી ! સાસુજી મારી સાથે સીધી રીતે નહોતાં વર્તતાં એનું મને દુઃખ હતું. સાંતાક્રુઝ સ્ટેશને ઊતરીને અમે ઘરભણી ચાલતાં હતાં ને સૌરભના એક મિત્ર મળ્યા. એમને સૌરભનું ખાસ કામ હતું એટલે એમનો આગ્રહ છતાં હું સાથે ના ગઈ. ઘરે જઈ મારે પ્રીતિબહેન સાથે થોડીક પેટછૂટી વાતો કરવી હતી. હું ઘરે પહોંચી. મુખ્ય દ્વાર માત્ર આડું જ કરેલું હતું. ધીરે રહી એ ખોલીને હું અંદર ગઈ તો મેં જોયું પ્રીતિબહેન કોઈને ફોન કરી રહ્યાં હતાં. એમની પીઠ મારા ભણી હતી અને એટલાં તો મગ્ન હતાં, આવેશમય હતાં કે હું આવી ગઈ છું એનો એમને ખ્યાલેય નહોતો આવતો. એ કહેતાં હતાં :
‘નિખિલ પ્લીઝ ! આજે જ-અબઘડી આવ અને મને લઈ જા. મારી મમ્મી આટલી વહુઘેલી હશે એ તો મેં ધાર્યું જ નહોતું. સગ્ગી છોકરી સાથેનો આવો વ્યવહાર ! હવે મારાથી ઝાઝું નથી ખમાતું. લોકો સાચું કહે છે, પરણ્યા પછી પિયરના ઝાઝા ઓરતા ના રાખવા ! ગુસ્સો કરીને ઘરેથી ચાલી આવી હતી. નણંદના લગ્ન કરતાં મારા ભાઈના લગ્નને મેં વધારે પડતું મહત્વ આપ્યું. મારા ઘરનો વ્યવહાર ના સાચવ્યો. આપણાં મમ્મીનેય આવેશમાં આવીને થોડુંક અજુગતું બોલી ગઈ છું. પણ….પણ….’
પ્રીતિના અવાજમાં આદ્રતા ભળતી હતી. એ રડી પડે ને એની હું સાક્ષી બનું તો એ ઉચિત નહીં નીવડે એમ માની બિલ્લીપગલે હું બહાર નીકળી ગઈ અને રિસીવર મૂકવાનો અવાજ થયો ત્યારે જ ડૉરબેલ દબાવ્યો. પ્રીતિબહેન બારણે આવ્યાં. એમના મુખ પર ગ્લાનિ હતી. આંખોનાં પોપચાં ભારે હતાં.
‘કેમ પાછાં ? શું થયું ?’
‘ટિકિટ ના મળી !’
પ્રીતિબહેન એમનાં અને પૂર્વીનાં વસ્ત્રો એકઠાં કરવામાં લાગી ગયાં. હજી એમણે સાંજની રસોઈ માટે કશું જ નહોતું કર્યું. ત્રાસીને એ પિયરઘર છોડી જવાનાં હતાં અને હવે પછીથી રસોઈ મારે માથે જ પડવાની હતી. તો ચાલ, આજથી જ એના શ્રીગણેશ કરી દઉં, એમ વિચારી મેં પ્રીતિબહેનને પૂછ્યું :
‘પ્રીતિબહેન ! તમે કહો તો હું રસોઈ કરું ? શું રાંધવાનું છે ?’
‘હાંડવો આથી મૂક્યો છે. હમણાં ચડાવીએ છીએ. ભાઈને ભાખરી વિના નહીં ચાલે. પણ તમે રહેવા દો, હું હમણાં કણક બાંધું છું !’ થોડી વાર થઈ ને મારાં સાસુ આવ્યાં. રસોડું શાંત જોઈ એ અકળાવાં જોઈતાં હતાં, પણ એ કાંઈ જ ના બોલ્યાં. સહેજ ત્રાંસી નજરે એમણે પ્રીતિ ભણી જોઈ લીધું. પછી મને કહે : ‘દિવ્યા ! આજે તારા હાથે રસોઈનાં શુકન કરાવવાં છે. તું તૈયાર થઈ જા.’
એ બોલી રહ્યાં ને બારણે ડૉરબેલ વાગ્યો. જઈને મેં જોયું તો મારા નણદોઈ નિખિલકુમાર ! સાસુ તો સાવ આશ્ચર્યમાં પડી ગયાં હોય એમ બોલી ઊઠ્યાં : ‘અરે તમે ! ફોન તો કરવો’તો ! અચાનક !!’
‘હા, બા. પ્રીતિ આવે તો મારે અત્યારે સાથે જ લઈ જવી છે. લગ્ન આડે હવે દસ જ દિવસ બાકી છે. અને મારાં મમ્મી કહ્યા કરે છે કે, પ્રીતિ અને પૂર્વી વિના ઘર સૂનું લાગે છે.’ પપ્પાને જોઈને પૂર્વી ખુશખુશાલ થઈ ગઈ. પ્રીતિની આંખોમાં મેં સ્વમાનનો ઝબકારો જોયો. હોંશે હોંશે મેં શીરો બનાવ્યો. મારાં સાસુએ બાકીની રસોઈ કરી. જમાઈને હેત-હરખથી જમાડ્યા. સૌરભ ટૅક્સી લઈ આવ્યા. પ્રીતિબહેન કશું જ બોલતાં નહોતાં. એ વિદાય લેતાં હતાં ત્યારે મેં મારી પાસેની મોંઘામાં મોંઘી સાડી, જે પ્રીતિબહેનને ખૂબ પસંદ હતી-એનું પૅકેટ એમને આપતાં મારી આંખો પણ સહેજ ભીની થઈ ગઈ, પણ મારાં સાસુમા અચળ હતાં.
ટૅકસી પસાર થઈ અને અમે બેઠકમાં આવ્યાં. અવશપણે મજબૂરીએ કશુંક નામરજીનું કરતાં રહ્યાં હોય અને એમાંથી છુટકારો મળતો હોય એવી હળવાશ ધારણ કરતાં સાસુમા સૉફા પર બેઠાં. મારી સામે એ જરાક વાર નજર નોંધી રહ્યાં ને પછી ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડ્યાં. હું અને સૌરભ બંને અવાક થઈ ગયાં. સૌરભ પોતેય નહોતો ધારતો કે એનાં બા આમ મન મોકળું મૂકીને રડે ! આવું તો એ પ્રીતિનું પહેલીવાર આણું વળાવ્યું ત્યારેય નહોતાં રોયાં. હું પાણીનો ગ્લાસ લઈ આવી. બે ઘૂંટ પાણી પીને જરાક સ્વસ્થ થતાં એ બોલ્યાં:
‘દિવ્યા ! આ પ્રીતિ મારી સાત ખોટની દીકરી, સૌરભ જેટલી જ વહાલી, લાડકોડને કારણે સ્વભાવે જરાક આકળી બની. એની સાસુ મારી સહેલી છે, ને મારા કરતાંય સારી છે. પણ આ છોકરી સાસરામાં કોઈને ગણકારે જ નહીં. સાસુ સાથે વઢીને-ઝઘડીને અહીં લગ્નમાં વીસ દહાડા પહેલેથી જ આવી. લગ્ન પત્યે સૌ ગયાં પણ એ હજીય અહીં જ રહી. જમાઈ ખૂબ સમજદાર. અમે બંનેએ પ્રીતિને રાગે લાવવાનું નક્કી કર્યું. મેં નોકરાણીને એક પગાર મફતનો આપીને આ મહિનો કામ પર આવવાની ના પાડી. તનેય કશું જ ના કરવા દીધું. કામનો આખોય બોજો એના માથે નાખ્યો. એ પહેલેથી જ થોડીક આળસુ છે. મેં છાતી પર પથ્થર મેલીને એને કામ તો કરાવ્યું જ. કવચિત કડવા બોલ પણ કહ્યા છે. આજે સવારે જ એ મારી સામે દલીલ કરવા માગતી હતી, ત્યારે મેં એને સંભળાવી દીધું હતું : ‘જ્ઞાન અને ગુમાન બધુંય પોતાના ઘરે જ શોભે !’ ને આજે જ બોરીવલીથી મેં જમાઈને ફોન કરીને કહ્યું હતું કે, ‘પ્રીતિનો ફોન આવે તો મારતે ઘોડે ધસી આવજો !’ નિખિલકુમાર ખૂબ શાણા માણસ. બીજો હોય તો આ ઘર ભાંગ્યા વિના ના રહે. ને મને લાગે છે કે પ્રીતિના ઘડતરમાં મારી આટલી કસૂર રહી ગઈ હતી તે આ ફેરા મેં પૂરી કરી નાખી !’
એક વાર ફરી મને મારાં સાસુની સાચી ઓળખ લાઘી અને હું આંસુસભર આંખે એમને વળગી પડી : ‘મા ! મને માફ કરજો, એક વાર ફરી મેં તમારે માટે ખોટી ધારણા બાંધ્યાનો અપરાધ કર્યો છે !’

( સમાપ્ત )

એલચીની સુગંધ

Standard

લેખક – ગિરીશ ગણાત્રા

વર્ષોથી નાનકડા શહેરની એક શાળામાં આચાર્ય રહી ચૂકેલા રમણભાઈ ભટ્ટ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી અમદાવાદ રહેવાનું નક્કી કર્યું એટલે નાનકડો ફ્લૅટ કે ટેનામેન્ટ શોધવા માંડ્યા. નિવૃત્ત થયા પછી હાથમાં સાઠ હજાર રૂપિયા જેટલી રકમ આવેલી. જિંદગીભરની બીજી બચત પણ ઘર પાછળ રોકી દેવાનો નિર્ણય કર્યો. જાતે તો મકાનની શોધ કરી શકે એમ નહોતા, એટલે અમદાવાદમાં વસતા એક સજ્જન મિત્રની ભલામણથી મોહનભાઈ મકાન-દલાલને આ કામ સોંપ્યું.

મોહનભાઈ વર્ષોથી મકાનદલાલીની લડાઇમાં, પણ બહુ કમાયા નહોતા. કડદા કરતાં આવડે નહીં, સીધી રાહે ભોળાભાવે કામ કરે અને દલાલીના ભાવતાલ કર્યા વિના ગ્રાહક જે કંઈ આપે તે પત્રમ્‍ પુષ્પમ્‍ સમજીને લઈ લે.

મોહનભાઈએ રમણભાઈ માટે શહેરના સીમાડે બંધાતી એક સોસાયટીમાં નાનકડું ટેનામેન્ટ શોધી કાઢ્યું. રમણભાઈને જોકે એ દૂર પડતું હતું, કારણ કે નિવૃત્ત થયા પછી એ ટ્યૂશનો અને એક શાળાની પાર્ટ-ટાઈમ નોકરી કરતા હતા. છતાંય દીકરાઓએ સલાહ આપી કે લઈ લ્યો. ખૂટતા કરતા અમે ભરીશું. એટલે સવા લાખમાં ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું. બીલ્ડર જોડે થયેલી મોહનભાઈની વાત પ્રમાણે એવું નક્કી થયું કે ચાળીસ હજાર બ્લેકના ને બાકીના વ્હાઇટમાં પહોંચાડો એટલે દસ્તાવેજ કરી કાઢીએ. ટેનામેન્ટ આમ તો તૈયાર હતું પણ અંદર ટાઇલ્સ લગાડવાનું બાકી હતું, એટલે પંદર-વીસ દિવસમાં પઝેશન મળે એમ હતું.

આજે સાંજે પંચોતેર હજાર રૂપિયા રોકડા લઈને એ મોહનભાઈને ઘેર આવ્યા. મોહનભાઈ ઘેર બેઠા હતા. એમની પત્ની કોઈને ત્યાં બેસણામાં જઈ શાકભાઈ લઈને ઘેર આવવાના હતાં એટલે મોહનભાઈએ જાતે ચા બનાવી.

રમણભાઈએ મોહનભાઈને પંચોતેર હજાર રૂપિયા આપ્યા. મોહનભાઈએ કહ્યું :

‘આજે તબિયત બરોબર નહોતી એટલે બીલ્ડર પાસેથી કૉન્ટ્રેક્ટ-ફોર્મ લેવા નહોતો જઈ શક્યો. કાલે સવારે કૉન્ટ્રેક્ટ-ફોર્મ લઈ સહીસિક્કા કરી લેશું, એટલે જો કાલે સવારે આ પૈસા લઈને આવો તો અંકે સો કરી લઈએ.’

‘અરે ભગવાન !’ રમણભાઈથી નિસાસો નખાઈ ગયો. ‘બપોરે બૅન્કમાંથી પૈસા કાઢ્યા ત્યારથી બિલાડીના બચોળિયાની જેમ આ પૈસાનું પડીકું સાચવતો આવ્યો છું. બસમાં આવ્યો ત્યારેય સાચવીને લાવ્યો છું. હવે પાછો જઈશ ત્યારેય… એના કરતાં તમે રાખો ને. સવારે કાલે તમારે ઘેર આવું છું.’ મોહનભાઈએ બહુ આનાકાની કરી તોયે રમણભાઈ ન માન્યા એટલે પૈસાનું કવર લઈને એમણે કબાટમાં મૂકી દીધું. કબાટની ચાવી ઝભ્ભાની નીચે પહેરેલા જાકીટના ખિસ્સામાં મૂકી દીધી – વૃદ્ધ માણસોની ખાસિયત પ્રમાણે.

બીજે દિવસે સવારે રમણભાઈ મોહનભાઈને ઘેર આવ્યા ત્યારે મોહનભાઈના ઘર આગળ ખભે ધોતિયાં નાખી ડાઘુઓ નનામી બાંધતા હતા.

‘કોણ ગયું ?’ રમણભાઈથી પુછાઈ ગયું.

‘મોહનભાઈ – મોહનભાઈ મકાનદલાલ.’ એક ડાઘુએ કહ્યું.

રમણભાઈ એક ધબકારો ચૂકી ગયા. હવે મૃત્યુના પ્રસંગવાળા ઘરમાં કહેવું પણ કોને ? છતાંય, વારંવાર આ ઘેર આવતા હોવાથી એ મોહનભાઈનાં પત્ની કંકુબહેન આગળ ખરખરો કરવા ગયા, પણ બૈરાઓની વચ્ચે વીંટળાઈને કંકુબહેન છાતીફાટ વિલાપ કરતાં હતાં એટલે રમણભાઈથી કંઈ બોલાયું નહીં.

મોહનભાઈના બે છોકરાઓ આજુબાજુ જ રહેતા હતા. એની સાથે એ મોહનભાઈની સ્મશાનયાત્રામાં જોડાયા, પણ ત્યાંય કંઈ વાતચીત ન થઈ શકી.

છેવટે સાંજે ફરી એને ઘેર ગયા અને છોકરાઓને વાત કરી. છોકરાઓએ એની બાને વાત કરી. ક્યા કબાટમાં પૈસાનું કવર મૂક્યું હતું એની એંધાણી આપી.

કબાટ ખોલ્યું. રમણભાઈએ આપેલું કવર ક્યાંય હતું નહીં. આખું કબાટ ફેંદી વળ્યા પણ કવર ન મળ્યું તે ન જ મળ્યું.

રમણભાઈની હાલતની તો કલ્પના કરવી જ રહી ! જિંદગીભરની કમાણી આ કવરમાં હતી. એ કવર એમનું સ્વપ્ન હતું – ઘડપણનું ઘર હતું, પણ મોહનભાઈના બન્ને છોકરા સમજુ ને શાણા હતા. એકે કહ્યું :

‘જુઓ રમણભાઈ, તમે પૈસાની જરાયે ચિંતા ન કરો. મારા બાપાએ આજ સુધી કોઈના પૈસા ઓળવ્યા નથી. એમના સ્વભાવમાં જ એ નથી. ઘણાને ઘર લઈ આપ્યાં છે, બંધાવી આપ્યાં છે, દલાલી આપતી વખતે ઘણાએ અખાડા કર્યા છે, બે ટકા કહીને માત્ર પા ટકો જ દલાલી આપી છે, છતાંય બાપાએ ‘હશે’ કહીને હસતાં મોંએ ઝેર પચાવ્યું છે. ખુદ બિલ્ડિંગ કૉન્ટ્રાક્ટરો બાપાના આ ભોળિયા સ્વભાવ માટે ટકોર કરે છે. કેટલાકે તો માથે રહીને દલાલી અપાવી છે. તમે ચિંતા નહીં કરો. કોનું ટેનામેન્ટ તમે નક્કી કર્યું છે તે કહો તો ત્યાં પૂછપરછ કરીએ.’

રમણભાઈએ નામ આપ્યું.

નાના દીકરાને મૂકી મોટો રમણભાઈને સ્કૂટર પર બેસાડી બીલ્ડરને ઘેર ગયો. બીલ્ડર અંદર ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા હતા એટલે દિવાનખંડમાં બેઠા.

બીલ્ડર જમીને બહર આવ્યા એટલે મોહનભાઈના પુત્રે હળવેકથી કહ્યું :

‘બાપા સવારે પાંચ-છ વાગ્યે ગુજરી ગયા છે…’

‘અરેરે ! કેમ કરતાં બન્યું ?’

‘કશી ખબર નહીં. બા સવારે ઉઠાડવા ગઈ ત્યારે એમનો પ્રાણ ઊડી ગયો હતો…’

‘અરેરે !’

‘હશે, ભગવાનને જે ગમ્યું તે ખરું, પણ માથે ધર્મસંકટ આવી પડ્યું છે. આ ભાઈને તમારું ટેનામેન્ટ બાપા અપાવી દેવાના હતા. સાંજે પંચોતેર હજાર રોકડા બાપાને આપી ગયા ને…’ કહી એણે બધી વાત કરી.

બીલ્ડરે બન્‍નેની સામે વારાફરતી જોયું. રમણભાઈનો ચહેરો ને મોહનભાઈના છોકરાના ચહેરા સામે નજર કરી કહ્યું :

‘તમને ચાનું કહેવું કે ન કહેવું એની મને સમજણ પડતી નથી. મારે ઘેર આવેલો કોઈ ચા વિના ગયો નથી. આજે સવારે જ તમારા બાપાનું અવસાન થયું છે એટલે…’ કહી એ થોડું અટક્યા. ને પછી બોલ્યા, ‘વાંધો નહીં. આજે ચા પીઓ. સ્વર્ગમાં બેઠેલા મોહનભાઈ ધોખો કરશે તો પ્રાયશ્ચિત હું ભોગવી લઈશ. હવે વાત જાણે એમ છે કે ગઈકાલે આ ભાઈ ગયા પછી દસેક મિનિટે હું તમારે ત્યાં આવ્યો હતો. મોહનભાઈને છાતીમાં દુખતું હતું એટલે બપોરે મારે ત્યાં આ ટેનામેન્ટના દસ્તાવેજના કાગળો લેવા આવવાના હતા તે ન આવ્યા. એટલે હું જાતે જ તમારે ઘેર આવી ગયો. મને એમણે પંચોતેર હજાર આપી દીધા છે. મેં દસ્તાવેજના કાગળો પર સહી કરી બધું એમને આપી દીધું છે. તમે ઘરમાં, ખાસ કરીને એમના ચામડાના દફ્તરમાં તપાસ કરો. મકાનના દસ્તાવેજ એમાં પડ્યા હશે. જો ન મળે તો બીજો દસ્તાવેજ કરી આપીશ, પણ મળશે જ, કારણ કે મારા દેખતાં એમણે એ કાગળો ચામડાના દફ્તરમાં મૂક્યા છે.’ કહીને એ ઊભા થઈને અંદર ગયા ને કબાટમાં સો-સોની કેટલીક નોટો લઈને આવ્યા ને છોકરાના હાથમાં નોટો મૂકતાં કહ્યું :

‘આ એની દલાલીના.’ કહી એમણે રમણભાઈને કહ્યું: ‘માસ્તર સાહેબ, તમે કોઈ વાતે ચિંતા ન કરશો. અત્યારે આપણે એગ્રીમેન્ટ ઑફ સેલ કયું છે. બાકીના પૈસા મને પહોંચાડી દેશો એટલે પાકા દસ્તાવેજ કરી દઈશું. તમારું ઘડપણ અને મોહનભાઈનું મૃત્યુ હું નહીં બગાડું…’

અંદરથી એલચીની સુંગધવાળા ત્રણ કપ ચાના આવ્યા.

( સમાપ્ત )

ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !

Standard

ફુવડ સ્ત્રી અને એક ગુલાબ !” – ડો.આઇ.કે.વીજળીવાળા

એક ગામમાં એક અત્યંત ફૂવડ સ્ત્રી રહેતી હતી. એ એટલી બધી ગોબરી હતી કે કોઈ એના ઘરે જવાનું પણ પસંદ ન કરતું. એને જોઈને લોકો મોં બગાડતા, છતાં એ સ્ત્રીના વર્તનમાં કોઈ જ ફેરફાર થતો નહીં.

એક દિવસ કોઈએ એ સ્ત્રીને એક ગુલાબ ભેટમાં આપ્યું. લાંબી ડાળખી સાથે એ ગુલાબનું ફૂલ ખૂબ જ સુંદર લાગતું હતું. એ ફૂવડ સ્ત્રીને પણ ગુલાબનું સૌંદર્ય અત્યંત આકર્ષી ગયું હતું. એણે એના ટેબલ પર પડેલા ફલાવરવાઝ (ફૂલદાની)માં એ ગુલાબને ગોઠવી દીધું, પરંતુ એ સાથે જ એક તકલીફ ઊભી થઈ. ગુલાબનું ફૂલ એટલું બધું સરસ લાગતું હતું કે પેલી ફૂલદાની એની પાસે ગંદી દેખાવા લાગી. એના પર દિવસોની ધૂળ જામી હતી એ સ્પષ્ટ દેખાવા લાગ્યું.

એ ફૂવડ સ્ત્રીએ થોડીક વાર સુધી તો એ જોયું ન જોયું કર્યું, પરંતુ પછી એનાથી ન રહેવાયું. ઘણાં વરસ પછી એણે એ ફૂલદાનીને બરાબર ધોઈને ચોખ્ખી કરી નાખી. ચકચકિત ફૂલદાનીમાં ડાંડલી સાથેનું એ ફૂલ એણે ગોઠવી દીધું. પછી એ કેવું લાગે છે તે જોવા એ બે ડગલાં પાછળ હટી, પરંતુ એ સાથે વળી એક ઉપાધિ ઊભી થઈ ! હવે ટેબલ ગંદું દેખાતું હતું ! આટલા સરસ ગુલાબની આજુબાજુ ટેબલ પર પડેલ કચરો એ સ્ત્રીથી સહન ન થઈ શક્યો. એણે આખું ટેબલ સાફ કરી નાખ્યું. એને એ પણ યાદ નહોતું કે છેલ્લે એણે એ ક્યારે સાફ કરેલું ! ટેબલ સાફ કરી, એના પર પેલી ગુલાબના ફૂલ સાથેની સ્વચ્છ ફૂલદાની ગોઠવતાં એને અત્યંત ખુશી થતી હતી. હવે એ સહેજ દૂર ઊભી રહીને આ દશ્ય જોવા લાગી. પરંતુ સૌથી મોટી ઉપાધિ તો બાકી જ હતી ! હવે એને ટેબલની સરખામણીમાં આખો રૂમ જ ગંદો લાગવા માંડ્યો હતો ! જોતજોતામાં એ સ્ત્રીએ પોતાનું ઘર તેમ જ આંગણું વાળીને ચોખ્ખું ચણાક કરી નાખ્યું !

ઉપસંહાર :
જિંદગીના એકાદ ખૂણે થોડોક જ પ્રકાશ ફેલાય તો આપણે સમજી પણ શકીએ એ પહેલાં આપણા જીવનનો ખૂણેખૂણો પ્રકાશિત અને ઊજળો બની જતો હોય છે. બસ, જરૂર હોય છે એક કિરણને અંદર આવવા દેવા જેટલી જગ્યા કરવાની !

પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા

Standard

ઘોડાં, ભેસું, ઊંટ, ગાયો એ બધા સોરઠી લોકજીવનમાં એનો સંસ્કારફાળો કેટ્લો ભાતીગળ છે, અને કેટલે રોમાંચક અને સંવેદનકારક હતો, તે વખતે પશુધન કેવળ આર્થિક ધન નહોતું,
પણ લલિતાઓર્મિઓનું ધન હતું, સાહસનું સાથી હતું, વાચાવિહોણુ તોયે વાતું કરનારુ હતું, અને કવિતાઓનું પ્રેરક હ્તું, ઘોડો એટ્લે જીવનના ત્રિવિધ સાફલ્યતા માંહેનુ એક સાફલ્ય :

તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ;
જનમ આકરણ હી ગયો , ગોરી ગળે ન લગ્ગ..

તેજસ્વી ઘોડા જો ન માણ્યા, સુભટ શત્રુનાં શિર પર જો સમશેર ન ભાંગી,
અને ગોરી નારી જો ન લાગી, તો તો જન્મ વ્યર્થ ગયો કહેવાય!

પતાળ લોક ની નાગપાદમણી આવુ બિરૂદ મેળવેલી ભેંસો. જેણે લોકકવિ ઓના નયનોમાં જે કાવ્યાંજન આંજતી તે આજની બબ્બે ચોટ્લા વાળતી સુંદરીઓથી જરાક પણ ઊતરતું નહોતું..

મેયું અંબોડાળિયું , દો દો શીંગડા વટ ,
શેડ્યુંરા ધમોડા મચે, તલ માચે ગેગટ..”

આંટા લઇ ગયેલાં બેઉ શીંગડારૂપી બે અંબોડા વડે શોભતી ભેંસો હોય અને એનાં દૂધની ધારઓ દોહતી વેળાએ ગુંજતી હોય , ત્યારે જીવનમાં મસ્તી મચે.

આ માટે તો કવિઓએ ભેંસ માટે બિરુદ-ગાન પણ બાનાવ્યું છે…. પચ્ચીસ વર્ષના એક કવી ગીગા બારોટ દ્વારા રચાયેલું પશુધન માટેનું કાવ્ય..

ગણું નામ કુઢી તણાં , નાગલ્યું ગોટક્યું,
નેત્રમ્યું, નાનક્યું શિંગ નમણાં.

ગીણલ્યું , ભૂતડ્યું , ભોજ , છોગાળિયું,
બીનડ્યું , હાથણી , ગજાં બમણાં.

ભીલીયું , ખાવડ્યું , બોઘડ્યું , ભૂરીયું ,
પૂતળ્યું ઢીંગલ્યું ,નામ પ્રાજા.

ભગરીયું ,વેગડ્યું , વાલમ્યું , ભાલમ્યું,
રાણ ખાડુ તણાં જાણ રાજા !

દાડમ્યું , મીણલ્યું , હોડક્યું દડકલ્યું ,
ગેલીયું , મુંગલ્યું , રૂપ ગણીએ.

સાંઢીયું , બાપલ્યું , ધ્રાખ ને સાકરું ,
પાડ ગાડદ તણા કેમ ગણીએ.

ઉપર પંક્તિઓમાં નામો હતાં અને હવે ભેંસોના રૂપ વિશે એઓ લખે છે :

ઓપતાં કાળીયું , શિંગ આંટાળીયું,
ભાળીયું પીંગલાં આઉ ભારે ;

ધડા મચરાળીયું , ડુંગરા ઢાળીયું,
હાલીયું ગાળીયું , ખડાં હારે.

એકલું રૂપ જ નહિં પણા એના બચ્ચા પરનું મસ્ત વાત્સલ્ય, એ એના રૂપનો અનિવાર્ય અંશ હતો, તે વગર તો પયદાત્રી જનેતાની શોભા શી !

હાલીયું પારવાં પરે હેતાળીયું,
ઝરે પરનાળીયું મેઘ જેવાં.

દાખતાં વીરડા જેમ દુધાળીયું,
મોંઘ મૂલાળીયું દીએ મેવા.

ચારણ ગીત : રચનાર ગીગા બારોટ

આઈ સુંદરબાઈ

Standard

(છત્રાવા)

            અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું.આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને અહીં ઠલવાય છે અને અહીંનો કાપ દરિયા ભેળો થાય છે.

            ચોમાસાના ચાર મહિનાતો આ પ્રદેશ પાણીથી ઘેરાયેલો રહે.કોઇ મહેમાન આવી ચડે અને એકાદ વરસાદ થઇ ગયો તો થયું.પછી દિવાળી સુધી ઘરે જવાપણું નહિ.ધેડ પ્રદેશમાં ચાર-પાંચ નદીઓ ભાદર, ઓઝત, મીણસાર, ઉબેણ છલી વળે એટલે પોરબંદરથી માધવપુર સુધીનો મુલક પાણીમાં તરતો હોય.દર વરસે વહેણ અને રસ્તા બદલતા રહે.ચોમાસામાં આ દશા ત્યારે ઉનાળામાં પાણી પીવા મળે નહિ.નીચે જમીનનું તળ ખારચ, પણ કાંપને હિસાબે શિયાળુ મોસમમાં જુવાર-ક્પાસનો પાક મબલક ઊતરે.

            ગામની નજીક્માં ભાદર નદી એટલે ઘેડ પંથકના નામધારી માણસોના સગાં-સાગવાં છત્રાવામાં બહુ જ રહે.સૌ કોઇ દીકરી દેવા કરે કરે કે દીકરીને પાણીની તો ઉપાધી નહિ ! ગાઉ ગાઉ પાણી ભરવા જવુ પડે અને એમા પણ વાટકીયે વારો.છોકરું ઘોડીયામાં રડી રડીને વિસમી રહે ત્યારે મા પાણીનું બેડું ભરીને આવે.પણ એ તક્લીફ છત્રાવામાં નહિવત ગણાતી, કારણકે છત્રાવા ગામડું નદીનાં કાંઠાનું એટલે રિધ્ધિસિધ્ધિવાળું ખરું.મોટા પ્રમાણમાં મેરની વસ્તી.પચીસેક ધર મજૂરોનાં, સાત-આઠ ઘર મહાજનનાં અને દસ-બાર ચારણ કુટુંબના.

             ચારણ કુટુંબમાં સુંદરબાઇ કરીને એક માતાજી થઇ ગયા.આઇની ઉંમર તો માંડ ત્રીસેક વર્ષનીજ હશે.સંતાનમાં આઠેક વર્ષની સતબાઇ દીકરી અને પાંચ વર્ષનો નાનુભાઇ દીકરો.

            આઇના પતિ ધાનો લીલો દોઢેક વર્ષ પેહલા ગુજરી ગયા છે.છોરું અમુક વખત છત્રાવા રહે અને અમુક વખત પોતાના માવતર ડુંગાયચ લાંગાને ત્યાં ખીજદડ ગામે રહે.

        આઇ પાસે પંદર પ્રાજા જમીન છે.તે ગામના જેઠા મેર પાસે ભાગવી ખેડાવતાંને તેમાંથી પોતાનો નિભાવ કરતાં.આઇ સુંદર બાઇ હરપલ માતાજી જોગમાયા નવલાખ લોબડીયારીનું સતત સ્મરણ કરતા.  જીવન આખું ભક્તીમય.ધરની બહાર નિક્ળતા નહિ. બહુ શાંત અને અબોલ આંખોમાં કરુણાં અને કાંઇક ઉદાસ જેવા જ રેહતાં હતા.
     
       સંસાર ઉપરનો વેરાગતો ધાનો લીલો ગુજરી ગયા ત્યારથી હતો.પોતે સત લેવા ચાલી નીક્ળેલ.પણ કુટુંબના અને ગામના માણસોએ આઇને ખૂબ ખૂબ આજીજી કરી કે, “આ નાનુ દીકરો અને સતબાઇ દીકરી બહુનાના છે તે કોને ભળાવવા? આપ તો જોગમાયા જ છો.આપ સત લિયો તો જ સતી કેહવાય એવુનથી.આઇ આપ તો મહાસતી અને સાક્ષાત જગદંબા સ્વરૂપ જ છો.આઇ નાગબાઇએ સતનોતુ લીધું તો પણ સતી કેહવાયા. માટે આપ કૃપા કરીને સત નહિ લેતા અમારા સૌની ઉપર અમીની નજર રાખો.અમે તમારા થકી ઉજળા છીએ.” કુટુંબીજનોના આગ્રહ અને દીકરા-દીકરીના બાળપણ, આવા કારણસર આઇએ સત લેવાનું બંધ રાખેલ.

        અખાત્રીજના સપરમાં દિવસોમાં સુંદરબાઇ આઇની દીકરી સતબાઇ સાથે બોધરા મેરની દીકરી રૂડકીએ કોડીઓની રમતમાં ક્ચ કરી.એટલે માજનની છોકરીઓ અને સતબાઇ હાલી નીક્ળી.રૂડકીની ઉંમર તો દશેક વર્ષની પણ બહુ ધુતારી.બાધોડકી પણ એટલીજ.જીભની ભારે જોરાવર.આખા ગામને આંટો લઇને આવે તોય વધે.

         રૂડકી સામે બાધવામાં કોઇ મેરની દીકરી પોંહચે નહિં.આ તો બોધરાની દીકરી.વડ એવા ટેટાને આહાર એવો ઓડકાર.બોધરો મેર એટલે છત્રાવામાં મોટામાં મોટો ડાંડ માણસ.વાતની વાતમાં જેના તેના સામે બાધે.નીતિ ધર્મનું તો નામજ નહિ.માણસાઇ એનાથી સો-સો ગાઉ છેટી રહે.મોટું આફ્તનું જ પડીકું સીમમાંથી ચોરી કરવી, જેના તેના મોલ ભેળવવા, કોઇના કાલરાં સળગાવી દેવા, ગરીબોને સંતાપવા, કામ કરાવી મજૂરી આપવી નહિ, મેધવાળ મૂલી તો બોધરાથી તોબા પોકારતા.બોઘરાનો ત્રાસ કહ્યો જાય નહિ.ઉડતા પાણા પગમાં લિયે.કોઇપણ કારણ વિના કૌક્ને રંજાડે.

           બોઘરો કારણ વિના મરજી પડે તેના સાથે બાધે તો આજ તો કારણ મળી ગયું.રૂડકીને ખંભે બેસાડીને આઇ સુંદરબાઇને ત્યાં હાલ્યો આવે છે.

            રસ્તામાં સામે મળતા જેઠામેર અને માજને “સતના પારખા ન હોય” એમ કહી સમજાવ્યો.પણ બોધરે આઇને ધેર આવીને બોલવામાં માજા મૂકી છે.બોઘરાના ક્ડવા વેણ સાંભળ્યા જતા નથી.કાનમાંથી કીડા ખરે છે.એટલે આઇ ઘરની બહાર નીક્ળીને નાકા ઉપર આવ્યાં.બોઘરોતો વધારેને વધારે અવાજ કરવા લાગ્યો,એટલે ફરીયામાંથી આઠ દશ ચારણોના આદમી પણ નાકા ઉપર આવ્યા.ચારણોને આવતા જોઇ બોધરો વધારે ભુરાયો થયો અને ચારણોની સામે જોઇ બોલવા લાગ્યો.”બધાય એક થઇને કાંવ કરવા આવ્યાસ? બોઘરાની પછવાડે કાંવ બધાય મરે ગાસ? ચાચંડની જીં ચોરે નાખાં ઓરખોસ મને?હું બોધરો!” આવો આવાજ સાંભળતા બોઘરા પક્ષના મેર પણ ત્યાં ભેળા થઇ ગયાં.

         ‘વીરા બોઘરા! તું અથર્યો થા મા.’ સુદર આઇએ કહ્યુઃ ‘તારી સામે કોઇ ન બોલે,કોઇ ને બોલવા દઉં નહિ, પણ તું તારી જીભને વશ્ય રાખ્ય તો સારી વાત છે.’બોધરાની જીભ એમ વશ રહે? માંડ્યો તકરાર કરવા.મેર અને ચારણો ભેગા થઇ ગયા. સામાસામા પક્ષ ખેંચાણા.

            આઇ સુંદરબાઇ તકરાર શેની થવા દિયે ! ચારણોને તો માં એ સમજાવીને રોકી દીધા. બે હાથ જોડી મેરના ડાયરાને સમજાવે છે: “ભાઇ તમે સૌ ઘેર જાવ અને આ બોધરાને અહીંથી તેડી જાવ.એના વેણ મને રૂંવાડે રૂંવાડે આગ મૂકે છે. અને હવે હદ થાય છે, માટે ભલા થઇને જાવ.આવી નજીવી વાતમાં કાળો કેર શા માટે વોરો છો મને સંતાપો મા !”

           ‘કાંવ બોલ્યમાં તી ? તું નાગબાઇ થે ગીસ? ઇ ધુતારા વેરા મારી પાસે ની ચાલે. કાઢ ઇ છોકરીને, બારી કાઢ્ય. મારી રૂડકીને  મારી સે ઇ તાં હું એકની લાખેય નીં સાંખાં.’

         આઇ સુંદરબાઇએ દીકરી સતબાઇની પીંખડી ઝાલીને ફંગોળિયો કર્યો કેઃ ‘આ લે ભાઇ, મારી નાખ્ય.’

          આઇએ સતબાઇનો જે ફંગોળિયો કર્યો એવી બોઘરે હડી કાઢીને સતબાઇ ઉપર પાટુનો ઘા કર્યો.

ચારણને સંતાપમાં વહરાં બોલી વેણ,
જાતો રે જીવલેણ બાળમાં કાળજા બોધરા.

          બોધરે પાટુનો ધા તો કર્યો પણ ‘જાઇશ જાનબાઇના ઝાખી ! તુંને ભુખિયું ભરખે બોધરા.’એમ કહી માતાજીયે હાક્લ દીધી.પ્રંચડ અવાજનો પડઘો પડયો.લાલ ધમેલ પતરાં જેવી આઇની મુખમુદ્રા થઇ ગઇ.જાણે જવાળા ભભૂક્વા લાગી.ખરેખર ચંડીકા રૂપ ધારણ કર્યુ.જાણે મહિસાસુર સંહારવા જોગણી ઉતરી કે શું? હમણા જ ભરખી જાશે આવું સ્વરૂપ દેખાણું. હાથનો પંજો ધરણી ઉપર પછાડયો.લોહીની શેડયુ છુટી.હાથ ઝંઝેડીને બોધરા માંથે લોહીનાં છાંટણા કર્યાને મોટે અવાજે શ્રાપ દીધો કે “બોધરા, તું તો શું પણ, છત્રાવીયા મેરનો જો દીકરીએ દીવો રહેવા દઉં તો હું ચારણ્ય નહિં.”

          બધા મેર ભયંકર રૂપ જોઇને ભાગી છુટયા.બોધરાના પણ ટાટીયાં ધ્રુજવા લાગ્યાં.ઊભી શક્યો નહિ ભાગી છુટયો,પણ ભાગતા ભાગતા બબડયો,” ઇ કાંવ થોડે મરે જાશ્યું ?”
આઇએ કહયું “મર્ય નહિને તું જીવ ખરો?”

ત્રીસાં માથે તોય  બે  દિ જીવે  બોધરો;
(તો) નાગાઇ પાડુસુંનોય,તલ જેટલું જ તાહરૂં.
ચક્મક લોઢાની ક્ડી પન્નગઝેર પરાં;
અમૃત પીધે ઉગરીશનહી ચારણવેણ બરાં.

         જેઠોમેર આઇનો ખેડુ આ ચમત્કાર જોઇ નોધારી લાક્ડી પડે તેમ આઇના પગમાં પડી ગયોઃ ‘માતાજી ખમયા કરો, ધરતી સરગી ઉઠશે આઇ આવો કોપ તમારાથી ન થાય.તમારે તો દયા રાખવી જોયે અમારા અવગુણ સામું તમે ના જુઓ!’ આમ કાક્લૂદી કરે છે.આઇના મુખમાંથી શાપ નીક્ળી ગયો છે એ શાપ ફરે નહિ એમ જેઠો મેર સમજતો હતો, એટલે વળી બોલ્યોઃ  “આઇ ! મારું શું થશે ? આ તો સુકા ભેરું લીલુ બરે સ.આઇ તમારે શરણે છું.હું તમારો છોરું દયા કરો માં.”
          
            આઇએ જેઠામેર ને બેઠો કરીને કહ્યું ‘જેઠા ! વેણ તો નીક્ળી ગયું છે. છત્રાવીયા મેરનું નામ રહે તો મારું ચારણપણું જાય, પણ તે મારી નોકરી બહુ કરી છે.દીકરાની જેમ કામીને ખવરાવ્યું છે.એટલે એટલું કહું છું કે તું તારી જિંદગી પૂરી ભોગવીશ.બાકી બીજા છત્રાવીયા મેર ક્મોતે મરશે તેમાય બોઘરો ત્રીસ દિવસ ઉપર એક દિ જીવે તો જાણજે હું ચારણ્ય નો’તી બોલી.

સતી કુળ સતી નીપજે, સતી કુળ સતી થાય;
છીપ મહેરામણ માંય, ડુંગર ન થાય દાદવા.

             આઇ સુંદરબાઇ માતાજીએ શ્રાપ આપ્યો.એટલે શ્રાપ આપનારે પોતાનુ જીવન સમેટી લેવુ જોઇએ અગનકાટ અને કાં હિમાળો.ચારણો અપવાસ પર ઉતર્યા પછી ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ સાત દિવસમાં સમાધાન ન થાય તો ધરણે બેસે.એટલે જ્ઞાતીના માણસ ત્યાં આવીને સહકાર આપે.છેલ્લે દિવસે ત્રાગા કરી લોહી છાંટે.કોઈ આત્મહત્યા પણ કરે.ચારણોમાં મોટામાં મોટું શસ્ત્ર અપવાસ ગણાતું.આજે છત્રાવે તમામ ચારણોએ અપવાસ કર્યો અને સવારે સુંદરબાઇએ સત લેવાનું નકકી કર્યું.

        બરાબર અરધી રાતના સુમારે બરડામાં બખરલા ગામે વૈદ ખૂંટીને સ્વપનુ આવ્યું.જાણ્યે આઇ સુંદરબાઇ કહે છે કેઃ “ભાઇ વૈદ, સવારે સત લેવુ છે તો સતની સામગ્રી ધૃત, શ્રીફ્ળ લઇને મહારાજ ઉગતાં છત્રાવા આવી છેલ્લુ કાપડું આપી જા.” વૈદ વર્ષો થયાં સુંદરબાઇ આઇને કાપડું દેતો.છત્રાવામાં પોતાન સગાં સાંગવાને ત્યાં આવે જાય.આઇની પવિત્રતા અને જોગમાયા છે એવું જાણ્યા પછી દર વર્ષે પસલીની નોમ ઉપર ઘેડમાં ગમે તેવા છેલપાણી હોય તો પણ કાપડું લઇને આવતો.આઇએ તેમને ધર્મનો ભાઇ માનેલ.

             વૈદને સ્વપનું આવતા હાંફ્ળોફાંફ્ળો બેઠો થયો.ઘરવાળીને જગાડીને વાત કરી કેઃ “સુંદર આઇ સવારે સત લીયે છે, મારી પાસે છેલ્લુ કાપડું માંગે છે, મને સ્વપનું આવ્યું.” ઘરવાળીએ કહ્યુઃ ‘એ તો આળપંપાળ છે .આમ ઓચિંતું આઇને સત લેવાનું કારણ શું હોય? છતાં જાવું હોય તો ભલે.’

            વૈદે તો એ જ ટાણે ઘોડી ઉપર ઘીના ઘાડવા ને નાળીયેર લઇને છત્રાવાના રસ્તે રવાના થયો.

            અખાત્રીજને દિવસે સવારના પોહરમાં ગામને ઉગમણે ઝાંપે ઝૂંપી ખડકાવી આઇ સુંદરબાઇ સત લેવા હાલ્યાં.

            બાઇઓ, ભાઇઓ માતાજીની સ્તુતી કરે છે.ચારણો ગળામાં અંતરવાસ પાઘડી નાખીને દેવિયાણ બોલે છે.

             આઇએ આંખની નેણ સુધી ભેળિયો ઓઢીયો છે.ગૂઢી જીમી અને લાંબા પેટનું કાપડું પેહર્યા છે.ધીમે ધીમે ડગલે પગ માંડે છે.દીકરી સતબાઇ અને દીકરા નાનુ ઉપર હાથ મુકતા આવે છે. સૌને ભલામણ કરે છે. સૌ ને ભલામણ કરે છે. “સૌ સંપીને રેહજો, ક્ળજુગ કારમો છે, ચારણપણાંની ચીવટ રાખજો.ધર્મ તો રાખ્યો રહે.” આમ કેહતા ગામને ઝાંપે આવ્યાં.

          બરાબર ગાયોના ગાળા છૂટીયા ને સૂરજનારાયણે કોર કાઢી એવે ટાણે આઇ સુંદરબાઇ ‘જય અંબે’ કહીને ચિતા ઉપર બેઠાં.સૂરજ સામે હાથ જોડ્યા.ધી, નાળિયેર હોમાણાં.બધાને દૂર ખસી જવાનું કહીને અગ્ની પ્રગ્ટાવ્યો.ત્યાં ઘીના ઘાડવા લઇને બખરલા ગામેથી વૈદ ખૂંટી આવી પોંહચ્યો.

આઇ બોલ્યાઃ “આવી પોંહચ્યો ને ભાઇ?”

         ‘હા, માડી ! ‘ કેહતાં વૈદે સામે હાથ જોડયાં. કાંઇ બોલી શકતો નથી, હદય ભરાઇ ગયું છે.

        ‘ બાપ ! આયાં નજીક આવ્ય.’ આઇએ કહ્યુઃ ‘ભાઇ, આ ગામનું તોરણ તારે બાંધવાનું છે.તારો પરિવાર ખૂબ પાંગરશે, સુખી થાશે, મારગ મૂકશો નહિ, ગરીબોને કોચવશો નહિ.’ આમ ભલામણ કરી આઘો ખસી જવાનું કહ્યું. વૈદ દૂર ખસ્યો, ત્યાં અગ્નીએ સ્વરૂપ બદલાવ્યું.શીખો નીક્ળવા લાગી.આઇ ‘જય અંબે, જય અંબે’ એવા ઉચ્ચાર કરવા લાગ્યાં.

           દીકરી સતબાઇને થયું કે કાયમ ખોળામાં બેસાડી માથું ઓળી મીંડલા લઇ દસેય આંગળીના ટચાકાં ફોડનારી જનેતા મારી માં આજ મને કોના વસુ મૂકી જાય છે?
             
       સતબાઇએ દોટ દીધીઃ ‘એ મા, મા, મા, બળતી જવાળામાં જઇને આઇના ખોળામાં  બેસી ગઇ.

ઉમર વરસાં આઠ બાળા જે સતબાય;
ચોપેથી કાટે ચડી મા ભેળી મહામાય.

              થોડી વારમાં મા-દીકરીના દેહ બળીને ખાખ થયા.કુટુંબીજન વાની પૂજીને હાલી નીક્ળ્યા.અખાત્રીજ જેવા સપરમાં દિવસે આખું ગામ સૂનકાર થઇ ગયું.સાંજ સુધી એક માણસ બહાર નીક્ળ્યું નહિ.ચારણ કુટુંબે આજે બીજી લાંઘણ ખેંચી. છોકરાને ધાવણ અને ઢોરને નીરણ-પાણી બંધ છે.

            સાંજે બધા મેર ભેળા થયા કે ગામના ઝાંપામાં ચારણ્ય બળી મૂઇ એટલે એ ઝાંપો હવે ગોઝારો થયો.માટે એ બંધ કરીને ગામની દખણાદી બાજુ ઝાંપો પાડીએ.એ ઝાંપે હાલતાં-ચાલતાં બધાના મન કોચવાશે.આઇનો અગનકાટ નજર સામે તાજો થયા કરશે ગામનાં માણસો સંમત થયા.

                  થોર કાપતાં કાપતાં કોઇનો ધા બોધરાના દીકરાને વાગી ગયો ને બોધરે જીભને વેહતી મૂકી છે. સામે મેરના દીકરા છે.એ કાંઇ બોધરાથી ગાજ્યાં જાય એમ નથી.માંડ્યા પક્ષી ખેંચવા ને અંદરોઅંદર તકરાર જામી.પછી તો દ્યો દ્યો બીજીવાત નહીં.આ બધું પાપ બોધરાનું છે, એને તો ટૂંકો કરો.માંડ્યા કુહાડીઓ ઝીંક્વા.સામ સામા અરધો અરધ પક્ષ પડી ગયા.હથિયાર કોઇને લેવા જવું પડે તેમ ન હતું.માંડ્યા સોથ વારવા.ખરેખર જાદવાસ્થળી જામી.બોપરટાણું થયું ત્યાં મેરના માણસો કપાઇ મૂઆ.

ઝાંપે બધા ઝાખિયું, ખારે ખપી ગયા;
રોવા રહિયું ના, ચોતા જેટલું છોલરું.

         આઇનો કોપ માની ગામની બાઇઓ,ભાઇઓ સૌ સૌનાં છોકરાંછૈયા લઇને માવતર-મોસાળે ભાગી છૂટ્યાં.છત્રાવિયાનું એક છોકરું ગામમાં મળે નહિ.

           છ-આઠ મહિને વૈદ ખૂંટીએ આવીને ગામનું નવું તોરણ બાંધ્યું.તેના ભેળા બે દીકરા આવ્યા, વાધો ને ભોજો.આત્યારે આ બેય ભાઇઓનો મોટો વિસ્તાર છે.ભોજાના ભોજાણી અને વાઘાના વાઘાણી આવી બે પાંખી છે.છસોથી સાતસો માણસની એકજ કુટુંબની વસ્તી છે.
               આઇએ જે ઠેકાણે સત લીધું ત્યાં પાણાનું ઘોલકું છે.થોડે છેટે આઇની દેરી છે.દેરી પાસે દીકરી સતબાઇનો પાળીયો છે.નવરાત્રીમાં ગામ તરફથી હવન થાય છે. સવંત ૧૬૯૫ના વૈશાખ સુદ ત્રીજને શુક્ર્વારના રોજ સુંદરબાઇ આઇએ સત લીધું. જેને આશરે ૩૭૮ વર્ષ જેટલો સમય થયો. આ પ્રસંગની નોંધ ભાણવડ પાસે આંબલિયારા ગામનાં ચારણોના બારોટના ચોપડામાં લખેલી છે.

સવંત સોળપંચાવન વદાં માસ  વૈશાખ,
સત લીધુ તે ચારણી સુંદરબાઈ સમરાથ.

પખ ઉજ્જવળ ત્રુતિયાં તીથિ, વળતો શુક્રવાર,
ચડી કાટ તું ચારણી, આઈ સુંદર અવતાર.

અવતાર  અંબા બહુચરી, કે ખોડલી તું ખૂબડી ,
મોણીઆની માત નાગલ, માત ભીને વરવડી.

ત્રિશુલ હાથાં આડય, ભાલે રંગ ગૂંઢે લોબડી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

મત કમત બેઠી કાંધ માથે, ભાન સઘડી ભુલીયા,
બોલી કથોરા વેણ કડવા, બાઈ કાળજ બાળીયા.

મહામાય  મતીયા ફેર મેહરે, કોચવી બહુ કળકળી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.!

બેફામ  યાતુધાના ફરતા,વણય કારણ વીફરી,
હેરાન કરતા પાપ હાથે, કંઈક તે અધરમ કરી.

અસરાંણ ના ઉત્પાત દેખી, હાક મારી હૂકળી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

જાપે બરાબર જૂદ્ધ જામ્યું, મામલોં  એવો મચ્યો,
ખપીયા ઘડીકમાં જંગ ખેલી, પચા ઉપર પાંચસો.

છતરાવિયા ચડી ચોંટ લીધા, વાર પલમાં વરવડી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

📌 લેખકઃ
પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી
📌 પ્રેષિત-ટાઇપઃ
મયુર સિધ્ધપુરા-જામનગર

લંગડી જિંદગી

Standard

લેખક – સુમંત રાવલ

મોટેભાગે લોકો તેની પીઠ પાછળ તેના નામને બદલે બીજો શબ્દ વાપરતા હતા : લંગડી ! તે જન્મજાત લંગડી હતી.. તેનો ડાબો પગ ઘૂંટીએથી વળેલો હતો.. તેનાં માબાપે આ ખોટ દૂર કરવા ખૂબ મહેનત કરી, પાણી જેમ પૈસો વેર્યો.. અમદાવાદના હાડકાના ખાસ ડૉક્ટર પાસે લઈ ગયા, પણ ડૉક્ટરે લાચાર બની બંને હાથ ઊંચા કરી દીધા : ઑપરેશનથી કંઈ ફાયદો નહીં થાય, ઊલટાનું નુકસાન થશે. એક વૈદરાજે ઘૂંટી પર માલિશ કરવાનું તેલ આપ્યું, દિવસમાં ચાર વખત માલિશ કરવાનું હતું. તેલની તીવ્ર ગંધ માથું ફાડી નાખતી હતી, છતાં તેની માએ દિવસમાં ચાર વખત પોતાની અપંગ દીકરીના પગે માલિશ કર્યું, છ મહિનાનો પ્રયોગ હતો.. દીકરીના પગની ખોડ દૂર ન થઈ પણ તેની માને માથાના દુખાવાની બીમારી લાગુ પડી ગઈ. ગંધીલી વાસને લીધે તેનું માથું ભમી ગયું.

તેનું નામ મીના હતું, પણ પરિવારના લોકો જ મીના કહીને બોલાવતા હતા. અજાણ્યા લોકો તો તેના ઉપનામનો ઉપયોગ કરતા હતા. કોણ પેલી લંગડી વિષે વાત કરો છો.. કોઈક તો નામ પાછળ ઉપનામનું પૂછડું લગાવી દેતું હતું : મીના લંગડી !

તે શાળામાં દાખલ થઈ. ગામથી સ્કૂલ એક કિલોમીટર દૂર હતી. તે ખભે દફતર લટકાવી ધીમે ધીમે ચાલતાં સ્કૂલે જતી, તેનાં માબાપે ટ્રાયસિકલ અપાવવાની વાત કરી પણ તે ચિડાઈ ગઈ.. ના ટ્રાયસિકલ પર બેઠા બેઠા હું ભદ્દી થઈ જઈશ, ચાલવાની કસરત થાય છે તે બંધ થઈ જશે.. તેનાં માબાપે તેની વાત માની લીધી. મીના કેટલી ડાહી છે. પોતાના શરીરની કેટલી ચિંતા કરે છે.. બે ચોપડી ભણશે એટલે નોકરી મળી જશે અને નોકરી મળી જશે તો આછુંપાતળું ઠેકાણું મળીજશે.. દરેક માબાપને પોતાની દીકરી ઘરેબારે થાય તેની ચિંતા સતાવતી હોય છે.. એ રીતે મીનાનાં માબાપ પણ મીનાની ચિંતા કરતાં હતાં.

પણ મીના ભણવામાં અવ્વલ હતી. સાતમા ધોરણ સુધી પરીક્ષામાં તે મોખરે રહી હતી. રોજ ચાલીને સ્કૂલે જતી, એટલે તેનો લંઘાતો પગ સુધરતો જતો હતો. શરીરનું વજન ન વધે તેની ખાસ કાળજી રાખતી હતી. ભણવામાં હોશિયાર હોવાથી તેનું માન સ્કૂલમાં વધી ગયું. બધા તેને મીનાબહેન કહીને બોલાવતા હતા.. સોળ વરસની ઉંમરે તો તે હાઈસ્કૂલમાં આવી ગઈ. પણ અફસોસ, માધપુર જેવા ગામમાં હાઈસ્કૂલ નહોતી, રાણીંગપુર ગામે સ્કૂલ હતી, ત્યાં જવા માટે મીનાએ સવારમાં નવની બસ પકડવી પડતી હતી. પ્રતાપપુરથી બસ આવતી અને રાણીંગપુર સુધી જતી હતી. મીના વહેલી જાગી જતી. ન્હાઈ ધોઈ તૈયાર થતી ત્યાં મા ટિફિન તૈયાર કરી દેતી… બસસ્ટેશન દૂર હતું એટલે દફતરનો થેલો ખભે ભેરવી, અંદર ટિફિન મૂકી તે ધીમે ધીમે ચાલતાં બસ સ્ટેશને પહોંચી જતી. ક્યારેક તેના બાપા પણ તેને બસસ્ટેશને મૂકવા આવતા.. બસનો કંડક્ટર ચંદુ મહેતા ઘણો માયાળુ હતો.

ચંદુ મહેતાનો રૂટ હતો પ્રાતપપુરથી રાણીંગપુર ! ચંદુ મહેતા પણ વહેલો જાગી જતો.. તેની પત્ની રમા ચા બનાવતી ત્યાં એ ન્હાઈ લેતો. ધૂપદીપ કરતો, ચા પીતો.. અને સીધો એસટી ડેપોએ પહોંચી જતો. ત્યાં બસનો ડ્રાઈવર રઘુનાથ આવી જતો. તે આઠ વાગે બસને પ્લેટફૉર્મ પર ગોઠવતો. બસના કાચ પર બોર્ડ ચાડવતો : પ્રતાપપુરથી રાણીંગપુર !

માધાપુર આવતું ત્યારે એક બુઝર્ગ પોતાની જુવાન દીકરીને મૂકવા આવતા હતા, દીકરીનો ડાબો પગ લંઘાતો હતો, ઘૂંટીએથી વળેલો હતો, એ પગને ફિટ થાય તેવા વળેલા બૂટને પગથિયાં પર ગોઠવતાં તે ધીમે ધીમે ચડતી હતી, ચંદુ મહેતા તેનો હાથ પકડીને ટેકો આપતો, ત્યારે છોકરી સ્મિત કરીને કહેતી, ‘થૅક્યૂ સર !’ ચંદુ મહેતાને સર કહીને બોલાવનારી આ પહેલી છોકરી હતી.. જોકે તે સ્કૂલ યુનિફૉર્મમાં વધુ સુંદર લાગતી હતી. બ્લૂ લૉંગ ફ્રૉક અને ખભા પર દફતર, પગમાં બૂટ મોજા.. પેલો આધેડ બાપ પણ ભલામણ કરવાનું ચૂકતો નહોતો : ‘માસ્તર સાહેબ.. મારી મીનાને સાચવીને રાણીંગપુર ઉતારી દેજો.’

‘ચિંતા ન કરતા વડીલ !’ ચંદુ મહેતા કહેતો ત્યારે પેલા આધેડને સંતોષ થતો..

‘મીનાબહેન આ લેડીઝ સીટ પર બેસો ! તમારા માટે અનામત રાખી છે..’

ચંદુ મહેતા પણ મીનાને મીનાબહેન કહીને સંબોધન કરતો તે મીનાને ગમતું. બસ દોડવા લાગતી.. અને ચંદુ મહેતા ટિકિટ કાપવા લાગતો.. મીના પોતાનો પાસ કાઢી બાતાવતી. એક પછી એક સ્ટૅન્ડ આવતાં જતાં, ચંદુ મહેતા પણ મીનાની બાજુની ખાલી સીટ પર મહિલા જ બેસે તેની કાળેજી લેતો. કારણ કે આજકાલ છેડતીના કિસ્સાનું પ્રમાણ વધી ગયું હતું.

એક વાર તેણે મીનાને કહ્યું : ‘મને સરબર નહીં કહેવાનું.. મારું નામ ચંદુ છે, ચંદુભાઈ કહેશો તો ય ચાલશે.’

‘હવેથી ચંદુભાઈ કહીશ..’ તેણે કહ્યું અને હસી પડી. તેનું હસવું પણ સુંદર હતું. ધીમે ધીમે પરિચય વધતો ગયો.. તેના દફતર પર લખ્યું હતું એમ.કે.રાઠોડ.. ચંદુએ પૂછ્યું : એમ કે રાઠોડ એટલે ? મીના કાલિદાસ રાઠોડ ! તેણે જવાબ આપ્યો.

ઘણી વાર આખી બસ ભરેલી હોય, કોઈ સીટ ખાલી ન હોય, મુસાફરો પણ એંગલ પકડી ઊભા હોય ત્યારે ચંદુ મહેતા ઊભો થઈ જતો અને મીનાને પોતાની કંડક્ટરની સીટ પર બેસાડતો. મીના આનાકાની કરતી, પણ ચંદુ પરાણે બેસાડતો. તે આભારવશ નજરે તાકી રહેતી.

જોતજોતામાં ત્રણ વરસ પસાર થઈ ગયાં.. મીના મૅટ્રિકમાં આવી ગઈ. પરીક્ષા નજીક હતી એટલે તે બસમાં જ ચોપડી ખોલી વાંચવા લાગતી તે કહેતી કે અભણ અને આંધળા બેઉ બરાબર.. અમારા ઘરમાં બધાં અભણ છે, ફક્ત મારા બાપુ થોડું ઘણું લખી વાંચી શકે છે.. એટલે મારે ખૂબ ભણવું છે અને કૈંક કરી બતાવવું છે. તન ભલે અપંગ રહ્યું, પણ મન મજબૂત છે. મગજ બહુ દોડે છે.

મને ખબર છે.. ચંદુ મહેતા કહેતો..

મીના બસમાંથી ઊતરતી અને લંઘાતી ચાલતી ત્યારે જુવાનિયા હસતા અને ચંદુ મહેતા ચિડાઈ જતો : તમારા ઘરમાં કોઈ લૂલુ લંગડું નથી ?

ના.. એક છોકરો કહેતો.

તો ભગવાન પેદા કરશે એટલે તનેય ખબર પડશે.

ચંદુ મહેતા મીનાના બૂટના આકારને જોતો અને એક સવાલ તેના હોઠ પર આવી જતો પણ હોઠ ફફડીને રહી જતા, સવાલ પૂછવાની હિંમત નહોતી ચાલતી, છેવટે એક વાર લાગ જોઈ સાહસ કરી દીધું : મીનાબેન ! આ તમાર પગના ખાસ પ્રકારના બૂટ કોણ બનાવી આપે છે ? ‘અમારા ગામનો બચૂ મોચી.. એ મોટો કારીગર છે. પહેલાં તે ભીની માટીવાળા કૂંડામાં મારો પગ ખૂંચાડે છે પછી હું પગ બહાર કાઢું એટલે એ માટીમાં મારા પગનું ચિહ્ન ઊપસી આવે છે. માટી સુકાય એટલે તેનું માપ લઈ ચામડું ગોઠવી વાંકોચૂકો બૂટ તૈયાર કરી આપે છે.. પહેલાં હું ચંપલ પહેરતી પણ એ પગમાંથી નીકળી જતાં પણ આ બૂટ ફિટ આવી જાય છે, પગની ચામડી છોલાતી નથી..’ એટલું કહી તે એસટી સ્ટૅન્ડના ખાલી બાંકડે બેસી જતી અને દોરી છોડી બૂટ બહાર કાઢીને ચંદુ મહેતાને બતાવતી.. ચંદુ મહેતા એ બૂટ હાથમાં પકડીને ગોળ ગોળ ઘુમાવતો અને આશ્ચર્ય મિશ્રિત નજરે જોયા કરતો : કમાલનો કારીગર કહેવાય.. પછી તેની નજર મીનાના મોજાવાળા પગ પર પડતી, મીના મોજુંય કાઢી નાખતી.. અને ચંદુ મહેતાના મોંમાંથી અરેરાટી નીકળી જતી.. કુદરતનો આ તે કેવો કોપ.. પગ પાનીએથી ત્રાંસો વળેલો હતો ! અને માંસ સુકાઈ ગયું હતું.

તેણે લાચાર નજરે જોતાં કહ્યું કે ઑપરેશનથી પણ કાંઈ ફેર પડે તેમ નથી, પગમાં હાડકાં જ નથી, નર્યું માંસ છે !

ચંદુ મહેતાનું હૃદય ભરાઈ આવ્યું, તે દિવસે તે પોતાનું ટિફિન પણ ન જમી શક્યો.

ત્યાં અચાનક ચંદુ મહેતાની ડ્યૂટીનો રૂટ બદલાઈ ગયો, નવા બદલાઈને આવેલા ડીપો મૅનેજરે ચંદુ મહેતાને નાઈટ ડ્યૂટી આપી દીધી. ડીપો મૅનેજર બહુ કડક હતો. નવો રૂટ પ્રતાપપુરથી પેથાપુર હતો, રસ્તો કાચો હતો અને ધૂળ બહુ ઊડતી હતી.. બપોરે પ્રતાપપુરથી નીકળી રાતે પેથાપુર પહોંચવાનું અને ત્યાં નાઈટહોલ્ટ કરી સવારે ડાઉન થવાનું ! બસમાં પ્રાતઃક્રિયા પતાવી, ગલ્લે ચા પીને આઠ વાગે બસ ઉપાડતા.

ક્યારેક બસમાં બેઠા બેઠા ચંદુ મહેતા વિચારતો કે મીનાનું શું થયું હશે ? બસની મુસાફરી પણ જીવનની મુસાફરી જેવી હોય છે, માયા બંધાય અને માયા તૂટી જાય. પંખીનો માળો હતો ! પંખી માળામાં બેસતાં અને ઊડી જતાં હતાં. મીના યાદ આવતી એટલે ચંદુનો જીવ બળતો.. બિચારી અપંગ છોકરી ભણી ઊતરી હશે કે પછી પરણી ગઈ હશે.. ક્યારેક એ રૂટના કંડક્ટરને પૂછપરછ કરતો પણ કંડક્ટર ઉડાઉ જવાબ આપી દેતો – લૂલા લંગડા, આંધળા બહેરા ઘણાય ચડે છે.. આંઈ કોણ ધ્યાન રાખે છે !

ચંદુ મહેતાની નોકરી પૂરી થવા આવી. રમાએ દીકરીના હાથ પીળા કરી દીધા અને દીકરો નોકરી મળતાં અમદાવાદ ચાલ્યો ગયો, ફરી બંને એકલાં થઈ ગયાં. ચંદુ મહેતા નિવૃત્ત થઈ ગયો હતો, બાંસઠ વરસ થઈ ગયાં હતાં, એટલે શારીરિક રીતે પણ અશક્ત થઈ ગયો હતો.. પતિપત્ની બંને ઘરડાં થઈ ગયાં હતાં, સાજાં માંદાં રહેતાં હતાં ! હરદ્વારની જાત્રાએ પણ જઈ આવ્યાં હતાં. થોડી ઘણી મૂડી હતી તે મકાનના સમારકામમાં વપરાઈ ગઈ હતી.. એસટી તરફથી પેન્શન મળતું નહોતું, છતાં અમદાવાદથી તેનો દીકરો મહિને ખાધાખરચીની રકમ મોકલતો હતો એટલે ગાડું ગબડતું હતું. !

તેની સાથે નોકરી કરનારમાં એક રઘુનાથ રામાનૂજ હયાત હતો. તેની સાથે ફોન પર વાત થતી હતી.. તે તંદુરસ્ત હતો, પણ ત્યાં એક વાર તેની પત્નીએ ફોન પર માઠા સમાચાર આપ્યા : રઘુનાથને હાર્ટઍટેક આવી ગયો હતો અને રામશરણ થઈ ગયો હતો ! ચંદુ મહેતાનો એક મિત્રનો નાતો પણ તૂટી ગયો. રઘુનાથ બસનું સ્ટિયરિંગ હાથમાં પકડી સીટ પર બિરાજમાન થતો ત્યારે ચંદુ મહેતા કહેતો હવે નિરાંત થઈ ગઈ.. મારા રથના સારથિ કિશન ભગવાન આવી ગયા ! પણ કિશન ભગવાન બસ નહીં આખા સંસારને છોડીને ચાલ્યા ગયા હતા. દુઃખ એ વાતનું હતું કે રઘુનાથને સંતાન નહોતું, તેની ઘરવાળી ઈન્દુમતી એકલી પડી ગઈ. બંને મોટા શહેરમાં રહેતા હતા. સરસ મકાન પણ બનાવ્યું હતું.

ચંદુ મહેતા અને રમા મહેતા રઘુનાથના ઘરે મળવા ગયાં. ઈન્દુમતી તો ચંદુ મહેતાને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.. ચંદુ ગળગળો થઈ ગયો, માંડ બોલી શક્યો : ‘ભગવાનના હાથની વાત છે.. જીવન એ જ આપે છે.. અને જીવન એ જ લઈ લે છે..’ ઈન્દુમતીના પિયરમાંથી તેનાં ભાઈબહેનો આવ્યાં હતાં. એ બધાંના આગ્રહને કારણે બારમા સુધી રોકાઈ જવું પડ્યું, બધી વિધિ એ લોકોએ ચંદુ મહેતા પાસે કરાવી. ચંદુ પાસે કાગવાસ નંખાવી.. હાથમાં ખીર પૂરીનો વાટકો અને બીજાહાથમાં પાણીનો લોટો લઈ તે સીડી મારફત અગાસીમાં જતો હતો, ત્યાં પગ લપસ્યો. અને ધડામ્‍ કરતો જમીન પર અપટકાયો.. સદ્‍નસીબે માથું બચી ગયું પણ ડાબા પગનો ઢીંચણ ભાંગી ગયો.. તેણે ચીસ નાખી પછી પીડાને લીધે બેહોશ જેવો થઈ ગયો.

નજીકમાં જ ‘અસ્થિસર્જન’ નામની હૉસ્પિટલમાં એમને લઈ ગયા. કેસ કાઢાવ્યો : નામ : ચંદુલાલ શિવલાલ મહેતા ઉંમર : ૬૨ વર્ષ ધંધો : એસ ટી કંડક્ટરમાંથી નિવૃત્ત. એક્સ-રે કઢાવવો પડ્યો / ઍક્સ-રૅ સાથે ફાઈલ તૈયાર થઈને ઍર્થોપેડિક સર્જન પાસે ગઈ.. સર્જને કહ્યું : ઈમરજન્સી કેસ છે.. તાત્કાલિક મેજર ઑપરેશન કરવું પડશે.. લોહીની વ્યવસ્થા કરો..

ચંદુ મહેતાની પત્ની ચિંતામાં પડી ગઈ અજાણ્યું શહેર.. ખિસ્સામાં પૂરતી રકમ નથી અને સ્પેશલ રૂમનું બિલ, લોહીનું બિલ, ઑપરેશન બિલ, દવાનું બિલ.. તેનું દિલ ધડક્‍ ધડક્‍ થવા લાગ્યું. ઑપરેશન સફળતાપૂર્વક પૂરું થયું.. દોઢ કલાક ઑપરેશન ચાલ્યું.

ઓપરેશન પૂરું થયું એટલે ચંદુ મહેતાને ઈમરજન્સી વૉર્ડમાં ખસેડ્યો.. હજુ તે ભાનમાં આવ્યો નહોતો, ડાબા પગના ઢીંચણથી પિંડી સુધી પ્લાસ્ટર હતું, લોખંડના સ્ટૅન્ડ પર પગને સીધો ગોઠવ્યો હતો અને એડી નીચે વજન લટકાવ્યું હતું. ચંદુ મહેતા ચત્તો પાટ પડ્યો હતો, બૉટલ વડે સેલાઈન અને બ્લડ શરીરમાં દાખલ થતું હતું.. ધીમે ધીમે તે ભાનમાં આવી રહ્યો હતો, બંધ આંખો ખૂલતી નહોતી. એટલે જોઈ શકાતું નહોતું. ફક્ત કાન વડે સાંભળી શકાતું હતું, બે સ્ત્રીઓ વાતો કરતી હતી.. વાતોના ટોન ઉપરથી મહેતા સમજી ગયો એક લેડી ડૉક્ટર હતી અને બીજી નર્સ.. ‘મીસ શર્મા, આ પેશન્ટ મારા રિલેટીવ છે.. તેમને કંઈ તકલીફ ન પડે તેની કાળજી રાખજો..’ લેડી ડૉક્ટરનો અવાજ હતો..

‘યસ ડૉક્ટર..’ નર્સે બહુ શાંતિથી કહ્યું.. ‘મને ખબર છે ડૉક્ટર.. આપે કેસ પેપર પર જ લખી દીધું છે, નો ચાર્જ. સ્પેશ્યલ રૂમ ઍન્ડ સ્પેશ્ય ટ્રીટમેન્ટ..’

‘ધેર યુ આર !’ મહેતાએ કાન સરવા કર્યા, અવાજ પરિચિત ન લાગ્યો, મગજ પર ભીંસ દઈ યાદ કરવાની કોશિશ કરી, પણ કંઈ યાદ આવતું નહોતું, જરૂરી સૂચના આપી લેડી ડૉક્ટર ચાલતાં થયાં.. ચંદુ મહેતાએ બળપૂર્વક આંખો ખોલી, કોણ હશે આ પોતાના રિલેટીવ ડૉક્ટર જેણે ચાર્જ લેવાનો ઈન્કાર કરી દીધો હતો..પેલી નર્સે મોં નજીક લાવતાં કહ્યું : વાઘેલા મૅડમનું ઑપરેશન ક્યારેય ફેલ જતું નથી.. મિસ્ટર મહેતા હવે તમે ચાલી નહીં પણ દોડી શકશો..

ચંદુ મહેતાએ મહામહેનતે આંખો ખોલી તો નર્સનો ધૂંધળો ચહેરો નજરે પડ્યો. એસી રૂમમાં ઠંડક હતી અને કાચની બારીમાંથી ઝાંખા ઉજાસમાં ચાલી જતાં ડૉક્ટરની પીઠ અને પછી પગ પર નજર નાખી. તો ડાબા પગના બૂટનો વાંકોચૂકો આકાર નજરે પડ્યો.. ધીમે ધીમે લંઘાતા પગે શરીર લચકતું લચકતું પગલાં ભરી રહ્યું હતું !
(સમાપ્ત )

સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ

Standard

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ’થીશક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજઆપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતુંપરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૃપે લોકજીવનઅને લોકધર્મ સાથે ઓતપ્રોત થઈ ગયું છે.શક્તિપૂજાનો એક ફંટાયેલો પ્રવાહ ધુણ્ય, ઓતાર,ફરુકો અને રાવળદેવના ડાક-ડમરું સાથે પરાપૂર્વથીજોડાયેલો જોવા મળે છે. નવરાત્રી પ્રસંગે એનુંમહત્ત્વ સવિશેષ જોવા મળે છે. વિશ્વનો સૌથીલાંબો ઉત્સવ એ આપણી નવરાત્રી છે.

આસો સુદ એકમથી ગુજરાતમાં અને દેશભરમાંઆરંભાય છે નવરાત્રીનો નવલો ઉત્સવ. ગામડાંઅને નગરજીવન રાસ-ગરબાની રમઝટથી ગુંજીઊઠે છે. ગ્રામપ્રજા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વકનવરાત્રી ઊજવે છે. ઉગમણે સૂરજ તોરણ બાંધેછે. કુંવારકા કૂવે જઈ કોરા ઘડામાં પાણી ભરી લાવેછે. ઘરોઘર બાજોઠ સાથે ઘટ-ઘડાનું સ્થાપન કરીરામપાતર કે કુંડામાં માતાના જવારા વાવે છે.ભક્તો પોતાની કુળદેવીનો મઢ સુપેરે શણગારે છે.મઢે માતાનો માંડવો નંખાય છે. પહેલા નોરતેરાવળદેવ ઘરેઘરે અને માતાના મઢે ફરીને વિલંબિતઅને દ્રૂત ગતિમાં ડાક વગાડતો વગાડતો માતાજીનીરેગડી, આરાડી-આરણ્યું, હાલરુ અને ઝીલણિયાંગાય છે. આજે મારે નોરતાં, શક્તિપૂજા કેડાકવાદનની નહીં પણ ઘૂઘરિયાળી ડાક વગાડતારાવળદેવની દુનિયામાં ડોકિયું કરવું છે.

રાવળને નામે ઓળખાતી આ કોમ ગુજરાત અનેસૌરાષ્ટ્રના નાનામોટા દરેક સ્થળે જોવા મળે છે.તેઓ કહે છે કે ડાક વગાડવાનો અમારો વ્યવસાયઆદિઅનાદિકાળથી ચાલતો આવ્યો છે. ભૂવા-ભારાડીના સ્થાન હોય ત્યાં તેઓ વસતા આવ્યાછે. અભણ અને પછાત પ્રજા તેમનામાં અપારઆસ્થા ધરાવે છે, શિક્ષિત પ્રજાને આમાં કંઈ રસરહ્યો નથી એટલે ડાકવાદનનું મહત્ત્વ ઘટવાનેપરિણામે રાવળો અન્ય ધંધા તરફ વળવા માંડયાછે. કોઈ દોરડાં વણે છે. ઊંટ, અશ્વ કે બળદોનાશણગારો બનાવે છે. ખેતમજૂરી કે ગધેડાં રાખીમાલની હેરફેર કરતા થયા છે.

સૌરાષ્ટ્રમાં રાવળોની આઠેક શાખાઓ જોવા મળેછે. ડાકલિયા રાવળ, દેવમંગા પંચમિયા રાવળ,ભોમજોગી રાવળ, રાવળદેવ કે રખૈયા રાવળ,સોરઠિયા રાવલ, કચ્છી રાવળ, ઢાઢી રાવળ, ચુનારારાવળ, છાલકિયા રાવળ. આ સિવાય હળવદબાજુના બ્રાહ્મણોમાં રાવલ શાખ જોવા મળે છે.પણ તેમને આ રાવળ કોમ જોડે કોઈ નિસ્બત નથીએમ જ.મ. મલકાણ ‘સૌરાષ્ટ્રની પછાત કોમો’માંનોંધે છે. તેમના મંતવ્ય મુજબ રાવળ લોકોનાઇતિહાસ અને ઉત્પત્તિ અંગે કેટલીક માન્યતાઓજોવા મળે છે. તે મુજબ આ લોકો મૂળે પશુપત યાતો લકુલીશ સંપ્રદાયના છે. જો કે આ સંપ્રદાયો તોઆજે લુપ્ત થઈ ગયા છે. પરંતુ રાવળોમાં જે પાટબેસાડવાની વિધિ છે તે પાશુપતો અને લકુલીશસંપ્રદાયની પાટની વિધિને મળતી આવે છે. આવિધિ સાથે કામ-ઇચ્છા એક યા બીજી રીતેજોડાયેલી જોવા મળે છે. તેઓના કેટલાક મંત્રોમાંઆ વસ્તુ સ્પષ્ટ તરી આવે છે.

રાવળોની ઉત્પત્તિ અંગેની દંતકથાનું પગેરું ભગવાનશિવજી સુધી પહોંચે છે. કહેવાય છે કે એકવારભગવાન તપ કરવા બેઠા ત્યારે કામદેવે તેમાં વિક્ષેપનાખવાનો પ્રયત્ન કર્યો. શિવજી ડગ્યા નહીં પણતેમના કપાળે પરસેવો વળી ગયો. તેને આંગળીથીલૂછતાં પરસેવાનું એક ટીપુ ધરતી પર પડયું. તેનુંઇંડું બંધાણું. પૃથ્વીને ખબર પડી કે શિવજી તપ કરેછે એટલે તેમણે ભગવાનની રક્ષા કરી. આઇંડામાંથી બાળકનું નિર્માણ થયું. પૃથ્વીએ એને મોટુંકરવા માંડયું. નારદજી દ્વારા શિવજીને ખબર પડી.શિવે આ પોતાના પુત્રને વધાવી લીધો. આ પુત્રનાવંશજો રાવળ જોગી તરીકે ઓળખાયા. એનેઆધાર આપતી સાખીઓ પણ સાંપડે છે.

આદ્ય શિવે ઉત્પન્ન કર્યો, જન્મજોગી જેહ;

માતા કહેવાય પૃથ્વી, જાણે રાવળદેવ

***

કુળદેવી છે જોગણી, મંદિર કૈલાશ ધામ,

સાંગામાચી બેસણાં, દેવે ધરિયા નામ.

***

રાવલ કેરા દીકરા, પૂંછે રહેલા ચાર,

સાત દ્વીપ, નવખંડમાં તેનો છે વિસ્તાર.

રાવળોની પેટા શાખાઓ જોઈએ તો ડાકલિયારાળળનો ધંધો ડાકલાં વગાડી માતાજીની આરણ્યું-રેગડી ગાવાનો છે. ધાર્મિક પ્રસંગે માતાના મઢે કેમાંડવે ડાકલાં વગાડવાનો તેમનો હક્ક ગણાય છે.નોરતાંમાં માતાના મઢે ભૂવા એક બે રાત ધૂણે છે તેદરમ્યાન રાવળો આખી રાત ડાકલાં વગાડે છે.એના બદલામાં એમને મહેનતાણું મળે છે. જેરાવળો કચ્છમાં જઈને વસ્યા તે કચ્છી રાવળકહેવાણા. તેઓની બોલી કચ્છી છે. તેઓ ફૂલગજરા ગુંથવાનો ધંધો કરે છે. કેટલાક રાવળોપોતાની જાતને ભોમ જોગી રાવળ તરીકેઓળખાવે છે. તેઓ પોતાને આ રાવળથી જુદાગણે છે. તેની વિશેષ માહિતી મળતી નથી.

રખૈયા એ વહીવંચા રાવળ છે. તેઓ જનોઈ ધારણકરે છે, અને બારોટની જેમ અમુક કોમોનીવંશાવળી રાખે છે. એમની વસતી ધ્રાંગધ્રા અનેહળવદ પંથકમાં વિશેષ જોવા મળે છે. તેમનીઉત્પત્તિ અંગેનો એક મત સૌરાષ્ટ્રની પછાત કોમોમાંઆ મુજબ મળે છે. આ લોકો મૂળે તો હળવદનાબ્રાહ્મણ રાવળ છે. આ કુળના કોઈ બ્રાહ્મણચારણને ત્યાં લગ્નમાં ગયેલ. ત્યાં ભૂલથી કંઈકતેમના ઘરનું ખાવાથી અભડાયેલ. આથી અન્યબ્રાહ્મણોએ તેમને જ્ઞાાતિમાં ન ભેળવ્યા. પરિણામેજે કોમથી વટલાયા તે કોમનું બારોટપણું ચાલુ કર્યુંઅને વહીવંચા રાવળ થયા. બીજી એક માન્યતામુજબ બ્રાહ્મણોએ પછાત ગણાતી કોમનું રક્ષણકરેલું. એ કરવા જતાં તેમને વટલાવું પડયું.પરિણામે નાત બહાર મૂકાયા. એ રખૈયા કહેવાયાઅને વહીવંચા તરીકે રહેવા લાગ્યા. તેઓ પરજિયાચારણોમાં ભવાઈ રમે છે અને રખૈયા માતાને પૂજેછે.

ઢાઢીરાવળ ગામડામાં લગ્ન જેવા પ્રસંગે માગવાનીકળે છે, જ્યારે ચૂનારા રાવળ ચૂનો પાડવાનોધંધો કરે છે. છાલકિયા રાવળ ગધેડાં ઉપર છાલકાંભરી માટી લઈ આવવાનો, ખડી, ખારો, ધોળી ધુડયવેચવાનો વ્યવસાય કરે છે. દેવમંગા, પંચમિયારાવળ પોતાને રાવળ કે રાવળ જોગી તરીકેઓળખાવે છે. રાજકોટ, જૂનાગઢ તરફ રહેતા આરાવળો સાવરણી, સૂંથિયાં, ઇંઢોણી વગેરેબનાવવાનું કામ કરે છે. દેવમંગા રાવળ ઝાલાવાડઅને ગોહિલવાડ તરફ વધુ જોવા મળે છે. તેઓખેડૂતોને ખપમાં લાગે તેવાં રાંઢવા, રાસ, દોરડાંવગેરે બનાવીને વેચે છે. તેઓ પોતાને શિવના પુત્રગણાવે છે. માત્ર દેવમાં જ માગે છે એટલે કે દેવનામઢે ડાક વગાડવા જાય છે. શ્રધ્ધાળુ લોકો તેમનેઘેર આવી ભિક્ષા આપી આવે છે કે તેમની ઝોળીમાંનાખે છે. પોતે સામે ચાલીને માંગવા ન જાય એટલેતેઓ પોતાને દેવમંગા રાવળ કહેવરાવે છે. તેઓપશ્ચિમ તરફથી આવીને વસ્યા હોવાથી પંચમિયાદેવમંગા રાવળ કહેવાય છે.

દેવમંગા પંચમિયા રાવળ કેડિયું, પહેરણ, કબજો,કોટ, પછેડી પહેરે છે અને માથે ભગવી પાઘડી બાંધેછે. તેમની અટક સોલંકી પરમાર, મકવાણા,પઢિયાર, ચૌહાણ, રાઠોડ, નાથ, ભારતી, ભક્તિ,જોગણી હિરાણી જેવી શાખો જોવા મળે છે.રાવળો શિવભક્ત ગણાય છે પણ આજે ઘણારામાપીરને માને છે. તેમની નાત તેર તાલુકાનીમનાય છે. બહુચરાજી, ચામુંડા, ખોડિયાર,જોગણી, બુટમા, કાળકી વેરાઈ, અંબાજી,વહાણવટી આ બધી એમની કુળદેવીઓ ગણાયછે. રાવળની શેરીમાં જોગણીમાતાનું સ્થાનકઅવશ્ય જોવા મળે. તેઓ વીસો પાટ બેસાડે ત્યારેઅન્નનું શિવલિંગ તૈયાર કરે છે.

જે સાધુ બાવામાં શબને સમાધિ દેવાનો રિવાજ છેત્યાં સમાધિ સમયે રાવળની હાજરી વગર શબનેસમાધિમાં મૂકી શકાતું નથી. કોળી વગેરે કોમોમાંમરનાર પાછળ જમણમાં પહેલું જમણ રાવળને જઆપવું પડે. રાવળ જમાડયા વગર કોઈ વ્યક્તિજમી શકતી નથી. આ વિધિને ‘પાત્ર’ પૂરવાની ક્રિયાકહે છે. તુંબડામાંથી બનાવેલા પાત્રને ‘તુંબીપાત્ર’ કહેછે. રાવળને પાંચ તુંબીપાત્ર ભરીને આપવામાં આવેછે. આ પંચપાત્રમાં જળ, પૃથ્વી, ગાય, શ્વાન અનેરાવળ એમ પાંચનો ભાગ કાઢવામાં આવે છે.

રાવળ દેવદેવીઓના ઉપાસક હોવાથી મંત્ર, તંત્રઅને જંત્રમાં પણ વિશ્વાસ ધરાવે છે. આ નિમિત્તેમાગવાનો તેમનો હક્ક-લાગો હોય છે. શીતળાસાતમના વારપરબે રાવળિયાણીઓ માટીમાંથીમૂર્તિ બનાવી એને કોડીની આંખો કરે છે. આ મૂર્તિનેતેઓ ગામના સીમ-સીમાડાના તળાવને આરેઅથવા ઝાડના છાંયડે સ્થાપે છે. જૂના કાળેગામડાંની બાઈઓ ત્યાં આવતી. માતાને મીઠોભોગ ધરાવી ટાઢા વડાં કે થેપલાં આણ્યાં હોય તેખાતા. પછી માથે પાણી રેડી ભીનાં વસ્ત્રો કરીમાતા સમક્ષ આળોટતી. ગામથી દૂર લોકદેવીનુંસ્થાનક બનાવે એટલે તે શીતળામાતા હોઈ શકે!માતાનું આવું સ્થાનક સ્થાપવાનો હક્ક પણરાવળિયાણીનો જ મનાય છે.

ચોમાસું બેસી ગ્યું હોય ને મેઘરાજા રીંસાઈ પડયાહોય ત્યારે મેઘારાજાને પ્રસન્ન કરવાનું કામ પણરાવળિયાણીઓ જ કરે. પાંચ રાવળિયા બાઈઓમાથે માટીના ઘડા મૂકી મેઘલાને મનાવવા નીકળેઅને ગાય.

ઢુંઢિયા બાપજી મેહ વરસાવો

ઘરડી ડોશીનાં તામે છાપરાં પલાળો.

ધાનના ઢગલા, મોલ પકવાવો

ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો

ગાળાને નીવડે ને કોડીની આંખડી

મેહ વરસાવીને પકવો ધાનની ઢગલી

ઢુંઢિયા બાપજી મેહ વરસાવો

ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો.

આમ રાવળિયાણીઓ ગાતી ગાતી ગામમાં નીકળે.ઘેર ઘેર ફરે. ઘરની સ્ત્રીઓ પાણિયારેથી પાણીનાઘડા ભરીને હડી કાઢે ને બાઈઓના માથા પર રેડે.મેડીવાળું ઘર હોય તો મેડી માથેથી રેડે. કહેવાય છેકે આ વિધિથી વરસાદ આવે જ એવી લોકમાન્યતાઆજેય જાણીતી છે.

રાવળ કોમના સામાજિક રિવાજો પણ રસપ્રદરહ્યા છે. પ્રથમ ગર્ભાધાન પછી વહુને સાતમે માસેખોળો ભરાવે છે. એને ખોળે સાત ખોટયનો દીકરોઅવતરે ત્યારે ખોડિયારમાને લાપશી ધરાવે. છઠ્ઠેદિવસે બાળકની છઠ્ઠી કરે. ફઈબા આવીને નામપાડે. બાળક મોટું થાય એટલે બાળમોવાળાઉતરાવી અનુકૂળતા મુજબ ગુરુધારણા લે.નજીકની જગામાં વસવાટ કરતા વિશ્વાસુ સાધુમહારાજને બોલાવે. નાગા બાવા પર વિશેષપસંદગી ઊતારે. કૂબામાં અંદરના ભાગે પાટ માંડે.ત્યાં આ બાવો પલાંઠી વાળીને બેસે. આડો પડદોરાખે. પછી જેણે કાન ફૂંકાવવાનો હોય તે અંદરજાય. ગુરુ તેને મંત્ર આપે. આ રીતે ગુરુધારણનીવિધિ કરાવે. રાત્રે ભજનોની રમઝટ બોલે. ગુરુનેદક્ષિણામાં નવી ચાદર આપે. ગુરુધારણ ન કરનાર’નૂગરો’ ગણાય, પણ કોઈ ‘નૂગરો’ રહેવાનું પસંદકરતું નથી. મૃત્યુ પછી મૃતદેહને બાળવાને બદલેદાટવાની પ્રથા છે. જો કોઈ ભગત હોય તો સમાધિઆપી માથે દેરી ચણાવે છે.

રાવળોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથીપરંપરાથી ગરીબીમાં અને અજ્ઞાાનતામાં આ કોમજીવતી આવી છે. ઝઘડો થાય તો કોર્ટમાં જવાનેબદલે નાતપંચ દ્વારા તે નીપટાવે છે. કોઈ વ્યક્તિગુનેગાર હોય તો સાચજૂઠના પારખાં કરવાઉકળતા તાવડામાં પૈસો નાખી એને કાઢી લેવાનુંકહે છે. જો દાઝી જાય તો ગુનેગાર ગણાય છે. આપરીક્ષાને કારણે ગુનેગાર જુઠું બોલતાં અચકાય છે.દાઝવાની ભૅથી સાચું બોલી જાય છે ને ગુનો હોયતો કબૂલી લે છે એમ કહેવાય છે. આઝાદીનાંઅજવાળાં હજુ રાવળોની ઝૂંપડીઓ સુધી જોઈએએવાં પહોંચ્યાં નથી.

ડો. શરદ ઠાકર ની કલમે…

Standard

ડો. શરદ ઠાકર ની કલમે…

(સૌને દિવાળી મુબારક…)

*આ ટેરવાંની ટોચ પર દેરી બનાવીએ, ને ૧૦૮ મણકાઓને એમાં સ્થાપીએ*

લો, ત્રિવેદીસાહેબ! શું આપું? તમે મારી ઘરવાળીને જીવનદાન આપ્યું છે. હું બહુ રાજી થયો છું. જે માગો તે આપવા તૈયાર છું. બોલો, શું જોઇએ છે?’ આજથી બરાબર એક વર્ષ પહેલાં પ્રદીપભાઇ પાટની નામના એક રાજસ્થાની સજજને ઉપરના વાકયો ડો.. ત્રિવેદી સાહેબની સામે જોઇને ઉરચાર્યા. ડો.. ત્રિવેદી સાહેબ એટલે અમદાવાદની કિડની ઇન્સ્ટિટયૂટના સંસ્થાપક અને ડિરેકટર ડો..એચ.એલ. ત્રિવેદી.

પ્રદીપભાઇની ભામાશાઇ ઓફર સાંભળીને ડો.. ત્રિવેદી સાહેબ હસ્યા, ‘તમે જો આપવા માટે તૈયાર હો, તો મારે એક ચીજની જરૂર છે. પણ જોજો હોં, એક વાતની ચોખવટ પહેલાં જ કરી લઉ છું. તમને ચૂકવવા માટે મારી પાસે ફૂટી કોડિયે નથી.’

આ શબ્દો કાનમાં જાય અને આંખોમાંથી આંસુ ખરી પડે એવી આ કબૂલાત છે કારણ કે મૂળ વાત સ્વૈરિછક ગરીબીની છે. એક જમાનામાં કેનેડામાં સૌથી ધનવાન ઇલાકામાં પોશ બંગલામાં રહેતો અને દેશભરમાં સૌથી મોટી રકમનો ઇન્કમટેકસ ચૂકવતો આ સૂટેડ-બૂટેડ જીનિઅસ દેવદૂત એ કુબેરનો વૈભવ છોડીને પોતાના વતનના ગરીબ સુદામાઓના ઉદ્ધાર માટે અમદાવાદમાં આવી ગયો અને સેવાની ધૂણી ધખાવીને બેસી ગયો.

રોલ્સ રોયસ ખરીદી શકવાની ત્રેવડ ધરાવતો માણસ અત્યારે ગાલ પરની કરચલીઓમાંથી ભોળુ સ્મિત ઊપસાવીને નિખાલસપણે કબૂલી રહ્યો હતો, ‘ભાઇ, મારી પાસે પૈસા નથી.’

બેરિસ્ટર બન્યાં છતાંયે જીવનભર લંગોટી પહેરીને ફરેલા મહાત્મા યાદ આવી જાય. ભારતના નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી હોવા છતાં તૂટેલી દાંડલીવાળા ચશ્માની એક જ જોડથી આયખું પૂરું કરી નાખનાર સરદાર પટેલ યાદ આવી જાય. મુખ્ય કારણ સ્વૈરિછક ગરીબીનું છે.

ભિખારીની ગરીબી જોઇને આપણો હાથ ખિસ્સામાં જાય છે, મદદનું પાકીટ કાઢવા માટે, પણ મહાનુભાવોની ગરીબી જોઇને હાથ ખિસ્સામાં જાય છે એ આંસુ લૂછવાનો રૂમાલ કાઢવા માટે.

ત્રિવેદી સાહેબ અને પ્રદીપભાઇ વચ્ચે થયેલા આ સંવાદ પાછળ પથરાયેલી ઘટના શી હતી? ૨૦૦૭ની સાલ. ડિસેમ્બરની ઘટના. જયપુરમાં વસેલા પ્રદીપભાઇના પત્ની સરોજબહેનની બંને બાજુની કિડની ખલાસ થઇ ગઇ. ડાયાલિસીસ કરાવી-કરાવીને શારીરિક, આર્થિક અને માનસિક રીતે તૂટી ગયાં. આખરે કો’કે માહિતી આપી, ‘બેસી શું રહ્યાં છો? પહોંચી જાવ અમદાવાદ. બેસાડી આવો નવી કિડની.’

આંગળી ચીંધનાર તો પુણ્ય કમાઇને સરકી ગયો. પ્રદીપભાઇ મરણોન્મુખ પત્નીને લઇને ત્રિવેદી સાહેબ પાસે હાજર થયા.

ડો.. ત્રિવેદી સાહેબે સરોજબહેનની તપાસ કરી. લોહીના પરીક્ષણો કરાવ્યા. સીરમ ક્રિયેટીનનું પ્રમાણ ભયજનક હદે ઊચું હતું. એમણે કહ્યું, ‘ભાઇ, તમારા પત્નીની હાલત તો તદ્દન ખરાબ છે. ઓપરેશન કરવામાં સહેજ પણ મોડું થશે તો સો ટકા…’

‘આપણે મોડું નથી કરવું, સાહેબ! તૈયારી શરૂ કરી દો.’ પ્રદીપભાઇ એમની સમજ પ્રમાણે બોલી ગયા. પણ તબીબી શાસ્ત્રની સમજ કંઇક બીજું જ કહી રહી હતી. સરોજબહેન માટે જે બે-ત્રણ નિકટના દાતાઓ પોતાની કિડની આપવા માટે તૈયાર થયા, એમાંથી એક પણ જણની કિડની એમનાં શરીરમાં ભાણે ખપતી ન બેઠી. હવે શું કરવું?

આ સવાલનો જવાબ કદાચ ભગવાન પાસે હતો. સુરત ખાતે રહેતાં રમાબહેન વિરડિયા નામનાં વૃદ્ધ બ્યાંસી વર્ષની ઉમરે મૃત્યુ પામ્યાં. એમનાં સ્વજનોએ કિડનીદાનનો પવિત્ર સંકલ્પ જાહેર કર્યો.

ત્રિવેદી સાહેબને જાણ કરવામાં આવી. બધું નેશનલ સિકયોરિટી ગાર્ડઝના કમાન્ડો ઓપરેશનની જેમ ગોઠવાઇ ગયું. સ્ફૂર્તીપૂર્વક, ચોક્કસાઇપૂર્વક અને સલામતીપૂર્વક.

ચોથી ડિસેમ્બરના રોજ શસ્ત્રક્રિયા સંપન્ન થઇ ગઇ. એક આથમી ગયેલી કારનું એન્જિન બીજી ખોટકાઇ પડેલી કારનાં બોડીમાં ફરી પાછું ધબકતું થઇ ગયું. આશા ગુમાવીને આવેલો પતિ જીવતી-જાગતી, સાજી-સમી પત્નીને લઇને જયપુર જવા માટે તૈયાર થયો.

છેલ્લા દિવસે મળવા માટે ડો.. ત્રિવેદી સાહેબની ચેમ્બરમાં આવ્યો, ‘રજા આપો, સાહેબ! જઇએ છીએ.’

‘બિલની રકમ ભરી દીધી?’ ડો.કટર સાહેબે ચશ્માના કાચમાંથી વેધક સવાલ પૂછી લીધો.

‘ભરી દીધી.’

‘સો એ સો ટકા પૈસા ભર્યા ને! તમારી રાજસ્થાની લોકોની આદત હું જાણું છું. તિજોરીમાં લાખો રૂપિયા હોય તેમ છતાં ફીમાં માફી માગવામાં તમે પાછાં ન પડો.’ સાહેબે હળવી મજાક કરી.‘સાહેબ, તમારો અભિપ્રાય ખોટો નથી, પણ અમે મારવાડીઓ પણ ઘર જોઇને વાત કરીએ છીએ.’

‘તો કરો વાત… અમારું ઘર જોઇને શું કહેવાનું મન થાય છે?’

‘સાહેબ, સાચું કહું? સારવારનો તમામ ખર્ચ પૂરેપૂરો ચૂકવ્યા પછી પણ મને એમ થયા કરે છે કે અમે હજુ તમને કશું જ આપ્યું નથી. બોલો, શું જોઇએ છે? તમે જે માગશો તે આપીશ.’

‘ભાઇ, મારે એક ચીજ માગવી છે, પણ જોજો હોં! મારી પાસે તમને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી.’ સત્યોતેર વર્ષના ત્રિવેદી સાહેબ સાત માસના બાળક જેવું નિર્દોષ હસી પડયા.

પ્રદીપભાઇ લગભગ રડી પડયા, ‘સાહેબ, તમે જ આપેલી જિંદગી છે. જો કહો તો માથાં ઉતારી આપીયે.

‘ના ભાઇ, મારે તો એક સરસ્વતી માતાની મૂર્તિ જોઇએ છે.’

‘કેટલા કદની?’

‘બહુ મોટી નહીં. એ તો મોંઘી પડે. બસ, આ મારા અડધા હાથ કરતાંયે નાની હશે તો ચાલશે, મારા ટેબલ ઉપર મૂકી શકાય તેવડી. આપી શકાશે?’ ‘જોઉ છું.’ પ્રદીપભાઇ હસ્યા, પત્નીની સામે જોયું અને પછી રવાના થઇ ગયા.

દિવસો ગયા, સપ્તાહો વિત્યા, મહિનાઓ પસાર થઇ ગયા. મૂર્તિ ન આવી. ત્રિવેદી સાહેબે પણ એ વાત મનમાંથી કાઢી નાખી. બરાબર એક વર્ષ પૂરું થવા આડે એક મહિનાની વાર હતી, ત્યારે જયપુરથી રવાના થયેલો એક ટ્રક કિડની સંસ્થાના આંગણે આવીને ઊભો રહી ગયો.

પ્રદીપભાઇએ ત્રિવેદી સાહેબ સમક્ષ આવીને બે હાથ જોડયા, ‘પધારો, સાહેબ! મા સરસ્વતીની મૂર્તિનો સ્વીકાર કરો!’ ત્રિવેદી સાહેબને જે દ્રશ્ય જોવા મળ્યું તે સ્તબ્ધ કરી મૂકે તેવું હતું. ટ્રકમાં તેર આવરણની અંદર એક વિશાળ કદની સંગેમરમરની રૂપાળી મૂર્તિ હતી.

એ મૂર્તિનો આપનાર વિનમ્ર ભાવે બોલી રહ્યો હતો, ‘માફી ચાહું છું, સાહેબ, આટલી બધી દેરી થઇ ગઇ એના માટે. પણ થયું એવું કે મારી ઇરછા એવી હતી કે આખી મૂર્તિ આરસના એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે. તકલીફ ત્યાં જ ઊભી થઇ.

આરસની ખાણમાંથી એક મોટો પથ્થર ખોદીને બહાર કાઢવામાં આવ્યો, પણ એમાં સહેજ સાજ ડાઘા હતા. માતાની મૂર્તિમાં દાગ હોય તે કેમ ચાલે? પથ્થર રદ કરી દીધો. બીજી વાર મોટો ખડક જેવો ચોસલો ખોદી કાઢયો. એ સાફ જણાયો. મૂર્તિની કોતરણી ચાલુ કરી દેવામાં આવી, પણ અડધે પહોંરયા ત્યાં એક નાનો ડાઘ દેખાયો. એ ચોસલું પણ રદ કરી દીધું.’

‘અરે, એવું શા માટે કર્યું? એવો એકાદ ડાઘ તો ચાલે.’

‘ના, સાહેબ, ન ચાલે. મૂર્તિ કોની બનાવવાની હતી! અને કોના માટે બનાવવાની હતી! આખરે ત્રીજી વારનો માર્બલ સ્વરછ, એક પણ ડાઘ વિનાનો નીકળ્યો. જયપુરના શ્રેષ્ઠ શિલ્પકારોએ એમાંથી મા સરસ્વતીનો આકાર ઘડયો.

એ ખંડિત ન થાય એ ખાતર એની ફકત તેર-તેર નવાનકોર ગાદલાનું પેકિંગ વિંટાળ્યું અને…’ ‘એક વાત પૂછું, ભાઇ! આ મૂર્તિ પાછળ ખર્ચ કેટલો થયો?’

‘એંશી હજાર રૂપિયા થયા, સાહેબ! મા સરસ્વતીની સંગેમરમરની આ દિવ્ય મૂર્તિ કિડની સંસ્થાની પાછળના ભાગમાં આવેલા સભાગૃહના પ્રવેશદ્વાર પાસે વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા પામ્યાં પછી અત્યારે શોભી રહી છે.

આ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પણ વાઘબારસના શુભ દિવસે સંસ્થાના જ એક દર્દી વિરંચી પાઠકે કરાવી આપી. એમણે કહ્યું ત્યારે ખબર પડી કે વાઘબારસ એટલે ખરેખર તો વાક્બારસ છે! વાણીની ઉપાસનાનું પર્વ અને વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીને સુયોગ એ સાચે જ કેવી પવિત્ર ઘટના ગણાય!

સાભાર : ખંજન અંતાણી

!!એક મંગળસુત્રને ખાતર!!

Standard

સવારનો મંદ મંદ પવન નાનકડાં શહેરને પ્રાણવાન ઉર્જા આપી રહ્યો હતો. ‘ખોડલ સ્ટોન એન્ડ સેનિટેશન વેર” દુકાનનાં માલિક પ્રદીપ ભાઈ અને તેનો પુત્ર અલકેશ દુકાન ખોલીને બેઠાં હતાં, નાનકડાં શહેરમાં એનું નામ હતું, પ્રદીપભાઈને તો આ ત્રીજી પેઢીનો ધંધો હતો,ઉત્તમ પ્રકારનો માર્બલ,ગ્રેનાઇટ,કોટા અને રાજુલાનો પાણીદાર પથ્થર આ એકમાત્ર દુકાને મળતો, એટલામાં ફોનની ઘંટડી રણકી, અલ્પેશે ફોન ઉપાડ્યો સામેથી કોઈ છોકરી બોલી રહી હતી, ઝરણાં ના મધુર નાદ સમા અવાજે એણે પૂછ્યું

” ક્યાં મેં ખોડલ સ્ટોનકે માલિક પ્રદીપભાઈ સે બાત કર સકતી હું, મૈં મકરાણા રાજસ્થાન સે “યુનિવર્સલ સ્ટોન ફેકટરી” કી ઓરસે અંચલ બોલ રહી હું.”

” બોલીએ મેડમ મૈં પ્રદીપભાઈ કા લડકા અલકેશ બોલ રહા હું”
” આપને જો સ્ટોન નં. 230 સે લેકર 238 તક કી જો એજન્સી લેને કી બાત કહીથી વો હમારે ફેકટરીકે માલિકને મંજુર કર લી હૈ, ઔર કુછ કાગજાત પે સાઈન કરની પડેગી,ઔર કુછ રૂલ્સ ઔર રેગ્યુલેશન, ફોર્માલિટીઝ કરની પડેગી, તો આપ ઐસા કીજીએગા કી અગલી બારહ તારીખ કો પ્રદીપભાઈ કો યહાઁ આના પડેગા,ઔર સાથમે પાંચ લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝીટ કે રૂપમે જમા કરવાના પડેગા વો આપ હમારે અકાઉન્ટ મેં 10 તારીખ સે પહલે જમા કર દીજીએગા.”

“વો તો સબ ઠીક હૈ લેકિન મેરે પાપાકી તબિયત અચ્છી નહિ ચલ રહી હૈ તો ઉનકી બજાય મૈં આ જાઉં તો નહિ ચલેગા” અલ્કેશે પૂછ્યું.
” આપ આ સકતે હૈ, લેકિન આપકે પાપાકો આના ભી જરૂરી હૈ, વરના હમ આપકો સ્ટોન કી એજન્સી નહિ દેંગે,ઐસા હમારે શેઠજીને કહાં હૈ.” એવું બોલીને અંચલે ફોન કાપી નાંખ્યો…

અલ્પેશે પ્રદીપભાઈ સામે જોયું, બોલ્યો “પપ્પા તમારી તબિયત સારી નથી, આપણે નથી જોઈતી એજન્સી” પ્રદીપભાઈ કાંઈ બોલ્યા નહિ… એણે મકરાણા પાછો ફોન લગાવ્યો, વાત થઇ પણ વળી એજ વાત આવીને ઉભી રહી કે તમો રૂબરૂ આવો તો જ તમને એજન્સી મળશે…

” અલકેશ પરમ દિવસે આપણે નીકળીએ, દામોદરને કહી દે ‘ડસ્ટર’ લઈને જવાનું છે, વળતાં આપણે શ્રીનાથજી, અને અજમેર પણ થતા આવીશું અને હા આજ તું પાંચ લાખ રૂપિયા સામેવાળી પાર્ટીમાં ટ્રાન્સફર કરી દેજે” આટલું બોલ્યાં ત્યાં પ્રદીપભાઈ ને હાંફ ચડી ગયો.

પ્રદીપભાઈ વરસોનાં અનુભવી વેપારી હતાં.જે સ્ટોનની એજન્સી તે રાખવા જઇ રહ્યા હતાં તે પત્થર મકરાણામાં ફક્ત અને ફક્ત “યુનિવર્સલ સ્ટોન ફેકટરી”ની ખાણોમાંજ મળે એમ હતો,એયને એકદમ સફેદ,ઈટાલિયન મારબલને પણ આંટી મારે એવો ક્રિસ્ટલ ક્લિયર,માર્બલ,ગ્રેનાઇટ,અને કોટા,વળી આ પ્રથમ એવો સ્ટોન હતો કે જે કુદરતી રીતે આઠ રંગોમાં ઉપલબ્ધ હતો. બસ એક જ નવાઈ હતી કે માલિક તેને રૂબરૂ શા માટે બોલાવે છે. એટલે જ તેઓ પોતાનાં પુત્ર અલકેશ ને ડ્રાઈવર દામોદર સાથે મકરાણા જવા નીકળ્યાં. દોઢ દિવસે તેઓ મકરાણા પહોંચ્યા. કંપનીના પાર્કિંગમાં ગાડી ઉભી રાખી. તેઓ સિક્યુરિટી ગેટ પાસે ઉભા રહ્યા.થોડી વાતચીત પછી તરત આગળની ભવ્ય બિલ્ડીંગમાંથી એક 30 વર્ષનો છોકરો હાથમાં એક આઈ ફોન સાથે,આંખોમાં રે બનનાં ગોગલ્સ ને તેજ ભરી ચાલ સાથે આવી રહ્યો હતો. તેને જોતા જ ચારે તરફ વાતાવરણમાં એક જાતની જાગરૂકતા ફેલાઈ ગઈ.

” શેઠ જી ખુદ આ રહે હૈ” કહકર ચોકીદારોએ સલામી તૈયાર કરી. યુવાન આવ્યો. ઘડી ભર પ્રદીપભાઈ, અને અલકેશને તાકી રહ્યો.અને પછી રે બન ના ગોગલ્સ ઉતારર્યા આંખો માં સહેજ ભેજ જણાયો અને એ બોલ્યો
” ઓળખ્યો મારો બાપ , માલો બાપ” અને એણે પ્રદીપ ભાઇનાં ચરણ સ્પર્શ કર્યા. અને શેઠને નવાઈ ભર્યો ઝાટકો લાગ્યો. અરે આતો પોતાને ત્યાં કામ કરતો ચેદિરામ નો છોકરો રઘુ છે.

” હા બાપ, હા બાપ” કહીને તેને રઘુને ગળે વળગાડ્યો, બેયની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. અલકેશ સહીત સૌ આ વિસ્મયકારક ઘટનાને જોઈ રહ્યા હતા. શેઠ પ્રદીપભાઈ અને રઘુ 30 વરસ પહેલાના સમયમાં પાછા સરકી ગયા હતાં.

છેદી રામ પ્રદીપભાઈને કામ કરતો, એક વખત રાજસ્થાનથી ટ્રક સાથે આવેલો અને કીધું કે આ પથ્થરનો સારો કારીગર છે. પથ્થરનું કટિંગ,મોલ્ડિંગ,અને ફિનિશિંગ, જેટલું રાજસ્થાની કારીગર કરે એટલું સારું અહીંના સ્થાનિક કારીગર ના કરી શકે એટલે પ્રદીપભાઈ એ પોતાના ‘ખોડલ સ્ટોન’ માં રાખી લીધો. વરસ દિવસમાં તે એક દમ કુશળ કારીગર તરીકે નામના મેળવી લીધી. પ્રદીપભાઈએ તેમનો પગાર પણ ડબલ કરી દીધો. એક વરસ પછી પોતાની પત્ની ખેમીને તેડી આવ્યો.ખોડલ સ્ટોનના છેવાડે બે ઓરડીમાં છેદિરામ અને ખેમી રહેવા લાગ્યા. ખેમી એકદમ સંસ્કારી પત્ની, સદા ઘૂંઘટ તાણેલો હોય, બસ પ્રદીપ ભાઈ નાં મમ્મી કે એની પત્ની આવે તો જ ખેમી આવે આ બાજુ નહીંતર એ પોતાની ઓરડી પાસે રાજસ્થાની ગીત ગાતી હોય, કશુંક ને કશુંક કામ કરતી હોય.

એક વરસ બાદ છેદિરામ દીકરાનો બાપ બન્યો, રઘુ એનું નામ પાડ્યું. શેઠે પાછો પગાર વધાર્યો, રઘુ નાનપણ થી જ ચબરાક છોકરો,ભલે રાજસ્થાની રહ્યો પણ જન્મ ગુજરાતમાં એટલે મિશ્ર ભાષા શીખ્યો અને પછી કડકડાટ હિન્દી, ગુજરાતી બેય બોલે, એક વર્ષ નો હતો ત્યારથી રઘુ પ્રદીપભાઈના ખોળામાં રમતો, એય સવારે પોતાની ઓરડીમાંથી છેદિરામ નીકળે,પોતાના રાજસ્થાની પોશાકમાં સજ્જ એવા રઘુને લઇ. શેઠજી રઘુને લઇ લે પોતાની ઓફિસમાં અને કાચના ટેબલ પર રમાડે. છેદી રામ પથ્થર કાપવાનાં, ઘસવાના,ફિનિશીંગ ના કામ માં હોય અને અહીં પ્રદીપભાઈ રઘુ સાથે રમે

” જો તાલો બાપ” એમ કહીને રઘુને તે છેદિરામ તરફ આંગળી ચીંધે… રઘુ એકશન કરે કાલીઘેલી ભાષામાં બોલે. પછી તો રઘુ જેમ જેમ મોટો થયો એમ પ્રદીપભાઈની સાથે રહેવા લાગ્યો. એ વખતે પ્રદીપભાઈ ને કોઈ સંતાન નહોતું. પછી પ્રદીપભાઈ ત્યાં અલકેશનો જન્મ થયો ત્યારે રઘુ પાંચ વરસનો હતો. એક વરસ પછી શેઠ અલકેશને લઈને ક્યારેક દુકાને આવે કે તરત જ રઘુ એની પાસે જાય અને અલકેશ ની આંગળી શેઠ તરફ કરે અને બોલાવે ” બોલ તાલો બાપ” અને પછી આંગળી બહાર કામ કરતા છેદી રામ તરફ રાખીને રઘુ બોલતો ” માલો બાપ”

હવે રઘુ દસ્ વર્ષનો થયો,શેઠે એને સ્થાનિક નિશાળમાં ભણવા પણ બેસાડ્યો. સાથો સાથ એ કામ શીખવા લાગ્યો.અને કઠણાઈ પણ શરુ થઇ, ખેમી બીમાર પડી,છેદિરામને પીવાની લત પડી, પ્રદીપભાઈ ધમકાવે પણ ખેમી અને રઘુ નજર સામે આવે એટલે નોકરીમાંથી ના કાઢે પણ હવે છેદિરામ શેઠની નજર માંથી ઉતારી ગયો. નિશાળેથી આવેલા રઘુ પાસે છેદિરામ બધું કામ કરાવે,પથ્થર કપાવે અને રાતે મોડે સુધી ઘસાવે.

અને ક્યારેક સવારે ચોકીદાર કહે ત્યારે ખબર પડે કે રાતે ખેમીને અને રઘુને છેદીરામે માર્યા. શેઠ હવે ગળે આવી ગયાં, થોડાક સમયમાં જ ખેમીનું અવસાન થયું, એના પછીના છ જ મહિનામાં જ ગામની એક ઉતાર કહી શકાય એવી બાઈને છેદીરામે ઘરમાં બેસાડી, અને હવે ફુલ પીવાનું શરુ થયું, અને રઘુ પર ત્રાસ શરુ થયો. બધું કામ બેય જણાં રઘુ પાસે કરાવે. શેઠે પોતાની ઓરડી ઓ ખાલી કરાવી. પણ રઘુને નોકરીએ રાખી લીધો, એટલા માટે કે આ છોકરો છેદીરામ પાસે રહે તો સતત માર ખાય. અને શેઠે એવી શરત કરીકે રઘુનો જેટલો પગાર હતો એ બધો છેદીને મળી જશે. એણે ક્યારેય અહીં ના આવવું, માની મમતાથી વિમુખ થયેલા, ને બાપના પરાક્રમથી ત્રાસેલાં છોકરાની સ્થિતિ ભયકર હતી. શેઠ એને પોતાના દીકરા કરતા પણ વિશેષ સાચવતાં. પણ રઘુ હવે પેલા જેવો નહોતો,આંખોમાં હંમેશા ગુસ્સો રહેતો અને એક દિવસ એક ઘટના બની…

છેદિરામ સવારના નવ વાગ્યે જ રાબેતા મુજબ શરાબ પીને ફુલ થઈને પોતાની નવી બાઈને લઈને રઘુ પાસે આવ્યા અને ગાળો બોલીને પૈસા માંગ્યા, છેદી આવે એટલે પ્રદીપભાઈ એને બહારથી જ વળાવે અને જોતું કારવતું આપી દે બાપ દીકરાને ભેગા ના થવા દે.પણ આજ પ્રદીપ ભાઈ ન્હોતા અને રઘુ પથ્થર કાપતો હતો, અને છેદીરામે રઘુની માં વિષે કઈ ગાળ બોલ્યો ને રઘુનો મગજ ગયો. ફરીથી છેદીરામે રઘુની મા સામે ગાળ બોલ્યોને આ વખતે રઘુની નવી માં હસીને, તરત જ બાજુમાં પડેલો એક બે બાય બે નો ગ્રેનાઇટનો ટુકડો છેદીરામ તરફ ફેંકાયો, જે છેદીની છાતીમાં વાગ્યો, લથડિયા ખાતો છેદી પડ્યો અને રઘુએ નવી માનો ચોટલો પકડીને રોડ પર ઢસડી. ટોળું ભેગું થયું ના હોત કે જો પોલીસ ના આવી હોત તો આજ રઘુ આ બેયને પતાવી દેત, પણ દૂરથી પોલીસની જીપ દેખાણી કે તરત જ રઘુ ભાગ્યો પોતાની જૂની ઓરડી ટપી, પાછળના ખેતરમાં ભાગ્યો, ત્યારે એ લગભગ 14 વર્ષનો હતો. એ ભાગ્યો પછી પ્રદીપભાઈ એ ગોતવા ઘણી મહેનત કરી પણ રઘુ ના જડ્યો તે છેક આટલા વરસે આ રીતે તેમનો ભેટો થયો.
” ચાલો બાપા જમી લઈએ” ઓફિસમાં બેઠેલા અને ભૂતકાળમાં ખોવાઈ ગયેલા પ્રદીપભાઈને રઘુએ હાથ પકડીને કહ્યું. રઘુ આટલા સમયે પણ કડકડાટ ગુજરાતી બોલતો હતો. અલકેશને રઘુ એ પોતાની પાસે બેસાડ્યો અને રઘુ એ આજે ભોજન પીરસ્યું.શેઠે પહેલો કોળિયો હાથમાં લીધો અને રઘુ પાસે આવ્યોને યંત્રવત શેઠનો હાથ રઘુના મો પાસે ગયો અને રઘુ શેઠના હાથનો કોળિયો ખાધો. અલકેશ આ જોઈ જ રહ્યો. વરસો પહેલા ક્યારેક રઘુ જમતો નહિ એને એની મા યાદ આવતી ત્યારે શેઠ એની પાસે આવીને જમાડતાં.

એનો બાપ તો પડ્યો હોય પેલી ગામની ઉતાર સાથે!! જમતાં જમતાં રઘુએ બધી વાત કરી કે કેવી રીતે તે અહીંયા પહોંચ્યો. તે દિવસે તે ભાગીને રેલવે સ્ટેશન પર પહોંચ્યો ને ત્યાં એક માલગાડી ઉભી હતી,તેના ખાલી વેગન માં બેસી ગયેલો, ગાડી બેંગ્લોર પહોંચી ત્યાં એ ઉતરી ગયો, બેંગ્લોરમાં એણે પથ્થરનું જ કામ કર્યું, થોડા પૈસા ભેગા કર્યા, અને પછી ત્યાંથી કેવી રીતે તે પાછો મકરાણા પહોંચ્યો એની બધી વાત કરી.મકરાણા માં આ ખાણ ફેઈલ ગયેલી પણ રઘુ એ એ ફેઈલ ગયેલી ખાણ રાખેલી ત્યારે આજુબાજુના લોકો હસેલા પણ પછી એ ખાણમાંથી એટલો સુંદર પથ્થર નીકળ્યો કે બધાં મોઢાંમાં આંગળા નાખી ગયાં.રઘુ એ જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો હતો. પ્રદીપભાઈ અને અલકેશ સાથે રઘુએ ઘણી વાતો કરી.

ફોર્માલિટી પતાવીને રઘુ એ પ્રદીપભાઈને આજીવન એજન્સી આપી દીધી ફક્ત તાલુકાની જ નહિ આખા જિલ્લાની સ્ટોનની એજન્સી “ખોડલ સ્ટોન”ને મળી ગઈ. પ્રદીપભાઈ શેઠને અને અલકેશને હવે નીકળવું હતું. અલકેશ ને રઘુ ભેટ્યો. શેઠ ને પગે લાગ્યો, અને એક સૂટકેશ આપીને કીધું ” બાપા આ પાંચ લાખ લેતા જાવ” અમારા રૂલ્સ મુજબ ડિપોઝીટ બતાવવી પડે છે પણ તમારી પાસેથી હું ડીપોઝીટ ના લઇ શકું તમે તો નાનપણથી જ મારું જીવનનો એક ડીપોઝીટ તરીકે ઉછેર કરેલ છે અને તમારી ડીપોઝીટ અમે બતાવી દીધી છે આ મારા તરફથી ભેટ વગર ડિપોઝીટ અમે કામ ના કરી શકીયે, રઘુની જીદ આગળ શેઠ ઝૂક્યા ને છેલ્લે રઘુ એ પૂછ્યું કે

” પેલો શું કરે છે અને ક્યાં છે?”
“કોણ તારો બાપને ” શેઠે કિધુને રઘુ નફરતથી બોલ્યો,,
“મારો બાપ નહિ પણ પેલો નાલાયક’ ગુસ્સાથી રઘુનો ચહેરો તમતમી ઉઠ્યો.

” એને હવે કોઈ રોગ થયો છે, એની સાથેની બાઈ તો ભાગી ગઈ એક ટ્રક વાળા સાથે, પછી પીવા જોઈ એટલું કામ કરે ને જ્યાં ત્યાં પડ્યો રે મારી પાસે આવે કરગરે, હું આપું સો કે બસો રૂપિયા પાછો જાય આવે , રખડ્યા કરે ટીબી થઇ ગયો છે હવે, એક પગ સડ્યો છે, ચહેરા પર ચાઠા પડ્યા છે હવે હાથ પણ ધ્રૂજે છે, બહુ ભૂંડી દશા છે એની”

” હોવી જ જોઈએ,!! હોવી જ જોઈએ!! બાપા!! તમને ખબર છે એ મારી માને કેટલો મારતો,રાતે પીને કેવા ભવાડો કરતો, બાપા તમે તો એ વખતે દુકાને ના હોવને માર ખાઈને પણ મારી મા એને ઉલ્ટી થાય ને તો પણ મીઠું લોહીને દોડતી, એનો માર ખાઈને પણ મારી મા એની ઉલટી સાફ કરતી એને ખવડાવતી!!એ નાલાયક કૂતરાને મોતે મરશે કૂતરાને મોતે!!! રઘુ ચિત્કાર પાડીને બોલ્યો… જોરથી મુઠ્ઠી પછાડી ટેબલનાં કાચ પર અને કાચ તુટી ગયો.!! એક કાચની કટકી રઘુની હથેળીમાં ખૂંચી ને લોહીની ધાર થઇ. સેક્રેટરી અંચલે તરત જ પાટો બાંધ્યો. રઘુ હજુ પણ હિબકા ભરતો હતો, ગુસ્સાથી હોઠ ધ્રુજતા હતા. આખું શરીરમાં લખલખું પસાર થઇ જતું હોય એમ લાગતું હતું. પંદર મિનિટ સુધી રોયા પછી રઘુ શાંત પડ્યો.. પ્રદીપભાઈએ એને બાથમાં લઈને શાંત પાડ્યો.અલકેશે પણ એને સાંત્વના આપી.

“બાપા એક બીજું કામ કરશો, ખાવ ભગવાનના સોગંદ, કે મારું આટલું કામ કરશો,” રઘુ એ બે હાથ જોડીને કહ્યું.

” હા બોલ” પ્રદીપભાઈ પણ લાગણી વશ થઇ ગયાં.

રઘુ એક રૂમમાં ગયો, એક બીજી સૂટકેશ લાવ્યો. ખોલી ને બતાવી એમાં પાંચ લાખ રૂપિયા હતા. રઘુ બોલ્યો

” આમાંથી પેલાની દવા કરાવજો. જે ઓરડીમાં અમે રહેતાં હતાં ત્યાં રાખજો એને, બાપા પૈસા ઘટે તો મંગાવી લેજો, પણ એને પૂરતું ખાવાનું આપજો,, એટલા માટે નહિ કે એ નાલાયક મારો બાપ હતો….. એટલા માટે પણ નહીં કે મારે ને એને લોહીનો સંબંધ હતો….. બસ આ તો મારી માં માટે … મારી માં એનું “મંગળસૂત્ર” પેરતી તી,,, આટલો આટલો માર ખાતી મારી માં એ વખતે ભગવાનને પ્રાર્થના કરતી કે મારા મંગળસુત્રને કાયમી રાખજો. મારી માં મરતી વખતે મને કહેતી ગઈ છે અને મારા હાથમાં એણે મંગળ સૂત્ર આપીને ભલામણ કરીને પછી જ એણે આંખો મીંચી છે !!મારી માના મંગળ સૂત્ર માટે હું આટલું કરું છુ બાપ…. મંગળસૂત્ર માટે… મંગળસૂત્ર માટે….” રઘુ જમીન પર ફસડાઈ પડ્યો, અલ્કેશે એને ઉભો કર્યો. આજુબાજુ ચારે બાજુ સ્તબ્ધતા છવાઈ ગઈ.શેઠે આકાશ સામું જોયું અંતરિક્ષમાં પડઘા સંભળાંતા હોય એવું લાગ્યું… ‘મંગલ સૂત્ર માટે… મંગળ સૂત્ર માટે…. રઘુ એ આકાશમાં નજર કરી તેને તેની માં ખેમીની આંખમાં ખુશીના આંસુ હોય એવો ભાસ થયો…. એક મંગળસુત્રને ખાતર રઘુ આજ એના બાપને બચાવી રહ્યો હતો.એની સારવાર કરાવી રહ્યો હતો!!

પ્રદીપભાઈ અને અલ્કેશે વચન આપ્યું કે છેદી રામની એ સારવાર કરશે અને પોતાના કારખાનામાં એ જ ઓરડીમાં રાખશે અને પુરતું ખાવાનું આપશે. ફરી વખત રઘુ બધાને ભેટી પડ્યો. અને પ્રદીપભાઈ શેઠ અને અલકેશે વિદાય લીધી…✍🏻રાજ