Tag Archives: વાર્તા

!!એક મંગળસુત્રને ખાતર!!

Standard

સવારનો મંદ મંદ પવન નાનકડાં શહેરને પ્રાણવાન ઉર્જા આપી રહ્યો હતો. ‘ખોડલ સ્ટોન એન્ડ સેનિટેશન વેર” દુકાનનાં માલિક પ્રદીપ ભાઈ અને તેનો પુત્ર અલકેશ દુકાન ખોલીને બેઠાં હતાં, નાનકડાં શહેરમાં એનું નામ હતું, પ્રદીપભાઈને તો આ ત્રીજી પેઢીનો ધંધો હતો,ઉત્તમ પ્રકારનો માર્બલ,ગ્રેનાઇટ,કોટા અને રાજુલાનો પાણીદાર પથ્થર આ એકમાત્ર દુકાને મળતો, એટલામાં ફોનની ઘંટડી રણકી, અલ્પેશે ફોન ઉપાડ્યો સામેથી કોઈ છોકરી બોલી રહી હતી, ઝરણાં ના મધુર નાદ સમા અવાજે એણે પૂછ્યું

” ક્યાં મેં ખોડલ સ્ટોનકે માલિક પ્રદીપભાઈ સે બાત કર સકતી હું, મૈં મકરાણા રાજસ્થાન સે “યુનિવર્સલ સ્ટોન ફેકટરી” કી ઓરસે અંચલ બોલ રહી હું.”

” બોલીએ મેડમ મૈં પ્રદીપભાઈ કા લડકા અલકેશ બોલ રહા હું”
” આપને જો સ્ટોન નં. 230 સે લેકર 238 તક કી જો એજન્સી લેને કી બાત કહીથી વો હમારે ફેકટરીકે માલિકને મંજુર કર લી હૈ, ઔર કુછ કાગજાત પે સાઈન કરની પડેગી,ઔર કુછ રૂલ્સ ઔર રેગ્યુલેશન, ફોર્માલિટીઝ કરની પડેગી, તો આપ ઐસા કીજીએગા કી અગલી બારહ તારીખ કો પ્રદીપભાઈ કો યહાઁ આના પડેગા,ઔર સાથમે પાંચ લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝીટ કે રૂપમે જમા કરવાના પડેગા વો આપ હમારે અકાઉન્ટ મેં 10 તારીખ સે પહલે જમા કર દીજીએગા.”

“વો તો સબ ઠીક હૈ લેકિન મેરે પાપાકી તબિયત અચ્છી નહિ ચલ રહી હૈ તો ઉનકી બજાય મૈં આ જાઉં તો નહિ ચલેગા” અલ્કેશે પૂછ્યું.
” આપ આ સકતે હૈ, લેકિન આપકે પાપાકો આના ભી જરૂરી હૈ, વરના હમ આપકો સ્ટોન કી એજન્સી નહિ દેંગે,ઐસા હમારે શેઠજીને કહાં હૈ.” એવું બોલીને અંચલે ફોન કાપી નાંખ્યો…

અલ્પેશે પ્રદીપભાઈ સામે જોયું, બોલ્યો “પપ્પા તમારી તબિયત સારી નથી, આપણે નથી જોઈતી એજન્સી” પ્રદીપભાઈ કાંઈ બોલ્યા નહિ… એણે મકરાણા પાછો ફોન લગાવ્યો, વાત થઇ પણ વળી એજ વાત આવીને ઉભી રહી કે તમો રૂબરૂ આવો તો જ તમને એજન્સી મળશે…

” અલકેશ પરમ દિવસે આપણે નીકળીએ, દામોદરને કહી દે ‘ડસ્ટર’ લઈને જવાનું છે, વળતાં આપણે શ્રીનાથજી, અને અજમેર પણ થતા આવીશું અને હા આજ તું પાંચ લાખ રૂપિયા સામેવાળી પાર્ટીમાં ટ્રાન્સફર કરી દેજે” આટલું બોલ્યાં ત્યાં પ્રદીપભાઈ ને હાંફ ચડી ગયો.

પ્રદીપભાઈ વરસોનાં અનુભવી વેપારી હતાં.જે સ્ટોનની એજન્સી તે રાખવા જઇ રહ્યા હતાં તે પત્થર મકરાણામાં ફક્ત અને ફક્ત “યુનિવર્સલ સ્ટોન ફેકટરી”ની ખાણોમાંજ મળે એમ હતો,એયને એકદમ સફેદ,ઈટાલિયન મારબલને પણ આંટી મારે એવો ક્રિસ્ટલ ક્લિયર,માર્બલ,ગ્રેનાઇટ,અને કોટા,વળી આ પ્રથમ એવો સ્ટોન હતો કે જે કુદરતી રીતે આઠ રંગોમાં ઉપલબ્ધ હતો. બસ એક જ નવાઈ હતી કે માલિક તેને રૂબરૂ શા માટે બોલાવે છે. એટલે જ તેઓ પોતાનાં પુત્ર અલકેશ ને ડ્રાઈવર દામોદર સાથે મકરાણા જવા નીકળ્યાં. દોઢ દિવસે તેઓ મકરાણા પહોંચ્યા. કંપનીના પાર્કિંગમાં ગાડી ઉભી રાખી. તેઓ સિક્યુરિટી ગેટ પાસે ઉભા રહ્યા.થોડી વાતચીત પછી તરત આગળની ભવ્ય બિલ્ડીંગમાંથી એક 30 વર્ષનો છોકરો હાથમાં એક આઈ ફોન સાથે,આંખોમાં રે બનનાં ગોગલ્સ ને તેજ ભરી ચાલ સાથે આવી રહ્યો હતો. તેને જોતા જ ચારે તરફ વાતાવરણમાં એક જાતની જાગરૂકતા ફેલાઈ ગઈ.

” શેઠ જી ખુદ આ રહે હૈ” કહકર ચોકીદારોએ સલામી તૈયાર કરી. યુવાન આવ્યો. ઘડી ભર પ્રદીપભાઈ, અને અલકેશને તાકી રહ્યો.અને પછી રે બન ના ગોગલ્સ ઉતારર્યા આંખો માં સહેજ ભેજ જણાયો અને એ બોલ્યો
” ઓળખ્યો મારો બાપ , માલો બાપ” અને એણે પ્રદીપ ભાઇનાં ચરણ સ્પર્શ કર્યા. અને શેઠને નવાઈ ભર્યો ઝાટકો લાગ્યો. અરે આતો પોતાને ત્યાં કામ કરતો ચેદિરામ નો છોકરો રઘુ છે.

” હા બાપ, હા બાપ” કહીને તેને રઘુને ગળે વળગાડ્યો, બેયની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. અલકેશ સહીત સૌ આ વિસ્મયકારક ઘટનાને જોઈ રહ્યા હતા. શેઠ પ્રદીપભાઈ અને રઘુ 30 વરસ પહેલાના સમયમાં પાછા સરકી ગયા હતાં.

છેદી રામ પ્રદીપભાઈને કામ કરતો, એક વખત રાજસ્થાનથી ટ્રક સાથે આવેલો અને કીધું કે આ પથ્થરનો સારો કારીગર છે. પથ્થરનું કટિંગ,મોલ્ડિંગ,અને ફિનિશિંગ, જેટલું રાજસ્થાની કારીગર કરે એટલું સારું અહીંના સ્થાનિક કારીગર ના કરી શકે એટલે પ્રદીપભાઈ એ પોતાના ‘ખોડલ સ્ટોન’ માં રાખી લીધો. વરસ દિવસમાં તે એક દમ કુશળ કારીગર તરીકે નામના મેળવી લીધી. પ્રદીપભાઈએ તેમનો પગાર પણ ડબલ કરી દીધો. એક વરસ પછી પોતાની પત્ની ખેમીને તેડી આવ્યો.ખોડલ સ્ટોનના છેવાડે બે ઓરડીમાં છેદિરામ અને ખેમી રહેવા લાગ્યા. ખેમી એકદમ સંસ્કારી પત્ની, સદા ઘૂંઘટ તાણેલો હોય, બસ પ્રદીપ ભાઈ નાં મમ્મી કે એની પત્ની આવે તો જ ખેમી આવે આ બાજુ નહીંતર એ પોતાની ઓરડી પાસે રાજસ્થાની ગીત ગાતી હોય, કશુંક ને કશુંક કામ કરતી હોય.

એક વરસ બાદ છેદિરામ દીકરાનો બાપ બન્યો, રઘુ એનું નામ પાડ્યું. શેઠે પાછો પગાર વધાર્યો, રઘુ નાનપણ થી જ ચબરાક છોકરો,ભલે રાજસ્થાની રહ્યો પણ જન્મ ગુજરાતમાં એટલે મિશ્ર ભાષા શીખ્યો અને પછી કડકડાટ હિન્દી, ગુજરાતી બેય બોલે, એક વર્ષ નો હતો ત્યારથી રઘુ પ્રદીપભાઈના ખોળામાં રમતો, એય સવારે પોતાની ઓરડીમાંથી છેદિરામ નીકળે,પોતાના રાજસ્થાની પોશાકમાં સજ્જ એવા રઘુને લઇ. શેઠજી રઘુને લઇ લે પોતાની ઓફિસમાં અને કાચના ટેબલ પર રમાડે. છેદી રામ પથ્થર કાપવાનાં, ઘસવાના,ફિનિશીંગ ના કામ માં હોય અને અહીં પ્રદીપભાઈ રઘુ સાથે રમે

” જો તાલો બાપ” એમ કહીને રઘુને તે છેદિરામ તરફ આંગળી ચીંધે… રઘુ એકશન કરે કાલીઘેલી ભાષામાં બોલે. પછી તો રઘુ જેમ જેમ મોટો થયો એમ પ્રદીપભાઈની સાથે રહેવા લાગ્યો. એ વખતે પ્રદીપભાઈ ને કોઈ સંતાન નહોતું. પછી પ્રદીપભાઈ ત્યાં અલકેશનો જન્મ થયો ત્યારે રઘુ પાંચ વરસનો હતો. એક વરસ પછી શેઠ અલકેશને લઈને ક્યારેક દુકાને આવે કે તરત જ રઘુ એની પાસે જાય અને અલકેશ ની આંગળી શેઠ તરફ કરે અને બોલાવે ” બોલ તાલો બાપ” અને પછી આંગળી બહાર કામ કરતા છેદી રામ તરફ રાખીને રઘુ બોલતો ” માલો બાપ”

હવે રઘુ દસ્ વર્ષનો થયો,શેઠે એને સ્થાનિક નિશાળમાં ભણવા પણ બેસાડ્યો. સાથો સાથ એ કામ શીખવા લાગ્યો.અને કઠણાઈ પણ શરુ થઇ, ખેમી બીમાર પડી,છેદિરામને પીવાની લત પડી, પ્રદીપભાઈ ધમકાવે પણ ખેમી અને રઘુ નજર સામે આવે એટલે નોકરીમાંથી ના કાઢે પણ હવે છેદિરામ શેઠની નજર માંથી ઉતારી ગયો. નિશાળેથી આવેલા રઘુ પાસે છેદિરામ બધું કામ કરાવે,પથ્થર કપાવે અને રાતે મોડે સુધી ઘસાવે.

અને ક્યારેક સવારે ચોકીદાર કહે ત્યારે ખબર પડે કે રાતે ખેમીને અને રઘુને છેદીરામે માર્યા. શેઠ હવે ગળે આવી ગયાં, થોડાક સમયમાં જ ખેમીનું અવસાન થયું, એના પછીના છ જ મહિનામાં જ ગામની એક ઉતાર કહી શકાય એવી બાઈને છેદીરામે ઘરમાં બેસાડી, અને હવે ફુલ પીવાનું શરુ થયું, અને રઘુ પર ત્રાસ શરુ થયો. બધું કામ બેય જણાં રઘુ પાસે કરાવે. શેઠે પોતાની ઓરડી ઓ ખાલી કરાવી. પણ રઘુને નોકરીએ રાખી લીધો, એટલા માટે કે આ છોકરો છેદીરામ પાસે રહે તો સતત માર ખાય. અને શેઠે એવી શરત કરીકે રઘુનો જેટલો પગાર હતો એ બધો છેદીને મળી જશે. એણે ક્યારેય અહીં ના આવવું, માની મમતાથી વિમુખ થયેલા, ને બાપના પરાક્રમથી ત્રાસેલાં છોકરાની સ્થિતિ ભયકર હતી. શેઠ એને પોતાના દીકરા કરતા પણ વિશેષ સાચવતાં. પણ રઘુ હવે પેલા જેવો નહોતો,આંખોમાં હંમેશા ગુસ્સો રહેતો અને એક દિવસ એક ઘટના બની…

છેદિરામ સવારના નવ વાગ્યે જ રાબેતા મુજબ શરાબ પીને ફુલ થઈને પોતાની નવી બાઈને લઈને રઘુ પાસે આવ્યા અને ગાળો બોલીને પૈસા માંગ્યા, છેદી આવે એટલે પ્રદીપભાઈ એને બહારથી જ વળાવે અને જોતું કારવતું આપી દે બાપ દીકરાને ભેગા ના થવા દે.પણ આજ પ્રદીપ ભાઈ ન્હોતા અને રઘુ પથ્થર કાપતો હતો, અને છેદીરામે રઘુની માં વિષે કઈ ગાળ બોલ્યો ને રઘુનો મગજ ગયો. ફરીથી છેદીરામે રઘુની મા સામે ગાળ બોલ્યોને આ વખતે રઘુની નવી માં હસીને, તરત જ બાજુમાં પડેલો એક બે બાય બે નો ગ્રેનાઇટનો ટુકડો છેદીરામ તરફ ફેંકાયો, જે છેદીની છાતીમાં વાગ્યો, લથડિયા ખાતો છેદી પડ્યો અને રઘુએ નવી માનો ચોટલો પકડીને રોડ પર ઢસડી. ટોળું ભેગું થયું ના હોત કે જો પોલીસ ના આવી હોત તો આજ રઘુ આ બેયને પતાવી દેત, પણ દૂરથી પોલીસની જીપ દેખાણી કે તરત જ રઘુ ભાગ્યો પોતાની જૂની ઓરડી ટપી, પાછળના ખેતરમાં ભાગ્યો, ત્યારે એ લગભગ 14 વર્ષનો હતો. એ ભાગ્યો પછી પ્રદીપભાઈ એ ગોતવા ઘણી મહેનત કરી પણ રઘુ ના જડ્યો તે છેક આટલા વરસે આ રીતે તેમનો ભેટો થયો.
” ચાલો બાપા જમી લઈએ” ઓફિસમાં બેઠેલા અને ભૂતકાળમાં ખોવાઈ ગયેલા પ્રદીપભાઈને રઘુએ હાથ પકડીને કહ્યું. રઘુ આટલા સમયે પણ કડકડાટ ગુજરાતી બોલતો હતો. અલકેશને રઘુ એ પોતાની પાસે બેસાડ્યો અને રઘુ એ આજે ભોજન પીરસ્યું.શેઠે પહેલો કોળિયો હાથમાં લીધો અને રઘુ પાસે આવ્યોને યંત્રવત શેઠનો હાથ રઘુના મો પાસે ગયો અને રઘુ શેઠના હાથનો કોળિયો ખાધો. અલકેશ આ જોઈ જ રહ્યો. વરસો પહેલા ક્યારેક રઘુ જમતો નહિ એને એની મા યાદ આવતી ત્યારે શેઠ એની પાસે આવીને જમાડતાં.

એનો બાપ તો પડ્યો હોય પેલી ગામની ઉતાર સાથે!! જમતાં જમતાં રઘુએ બધી વાત કરી કે કેવી રીતે તે અહીંયા પહોંચ્યો. તે દિવસે તે ભાગીને રેલવે સ્ટેશન પર પહોંચ્યો ને ત્યાં એક માલગાડી ઉભી હતી,તેના ખાલી વેગન માં બેસી ગયેલો, ગાડી બેંગ્લોર પહોંચી ત્યાં એ ઉતરી ગયો, બેંગ્લોરમાં એણે પથ્થરનું જ કામ કર્યું, થોડા પૈસા ભેગા કર્યા, અને પછી ત્યાંથી કેવી રીતે તે પાછો મકરાણા પહોંચ્યો એની બધી વાત કરી.મકરાણા માં આ ખાણ ફેઈલ ગયેલી પણ રઘુ એ એ ફેઈલ ગયેલી ખાણ રાખેલી ત્યારે આજુબાજુના લોકો હસેલા પણ પછી એ ખાણમાંથી એટલો સુંદર પથ્થર નીકળ્યો કે બધાં મોઢાંમાં આંગળા નાખી ગયાં.રઘુ એ જીવનમાં ખુબ જ સંઘર્ષ કર્યો હતો. પ્રદીપભાઈ અને અલકેશ સાથે રઘુએ ઘણી વાતો કરી.

ફોર્માલિટી પતાવીને રઘુ એ પ્રદીપભાઈને આજીવન એજન્સી આપી દીધી ફક્ત તાલુકાની જ નહિ આખા જિલ્લાની સ્ટોનની એજન્સી “ખોડલ સ્ટોન”ને મળી ગઈ. પ્રદીપભાઈ શેઠને અને અલકેશને હવે નીકળવું હતું. અલકેશ ને રઘુ ભેટ્યો. શેઠ ને પગે લાગ્યો, અને એક સૂટકેશ આપીને કીધું ” બાપા આ પાંચ લાખ લેતા જાવ” અમારા રૂલ્સ મુજબ ડિપોઝીટ બતાવવી પડે છે પણ તમારી પાસેથી હું ડીપોઝીટ ના લઇ શકું તમે તો નાનપણથી જ મારું જીવનનો એક ડીપોઝીટ તરીકે ઉછેર કરેલ છે અને તમારી ડીપોઝીટ અમે બતાવી દીધી છે આ મારા તરફથી ભેટ વગર ડિપોઝીટ અમે કામ ના કરી શકીયે, રઘુની જીદ આગળ શેઠ ઝૂક્યા ને છેલ્લે રઘુ એ પૂછ્યું કે

” પેલો શું કરે છે અને ક્યાં છે?”
“કોણ તારો બાપને ” શેઠે કિધુને રઘુ નફરતથી બોલ્યો,,
“મારો બાપ નહિ પણ પેલો નાલાયક’ ગુસ્સાથી રઘુનો ચહેરો તમતમી ઉઠ્યો.

” એને હવે કોઈ રોગ થયો છે, એની સાથેની બાઈ તો ભાગી ગઈ એક ટ્રક વાળા સાથે, પછી પીવા જોઈ એટલું કામ કરે ને જ્યાં ત્યાં પડ્યો રે મારી પાસે આવે કરગરે, હું આપું સો કે બસો રૂપિયા પાછો જાય આવે , રખડ્યા કરે ટીબી થઇ ગયો છે હવે, એક પગ સડ્યો છે, ચહેરા પર ચાઠા પડ્યા છે હવે હાથ પણ ધ્રૂજે છે, બહુ ભૂંડી દશા છે એની”

” હોવી જ જોઈએ,!! હોવી જ જોઈએ!! બાપા!! તમને ખબર છે એ મારી માને કેટલો મારતો,રાતે પીને કેવા ભવાડો કરતો, બાપા તમે તો એ વખતે દુકાને ના હોવને માર ખાઈને પણ મારી મા એને ઉલ્ટી થાય ને તો પણ મીઠું લોહીને દોડતી, એનો માર ખાઈને પણ મારી મા એની ઉલટી સાફ કરતી એને ખવડાવતી!!એ નાલાયક કૂતરાને મોતે મરશે કૂતરાને મોતે!!! રઘુ ચિત્કાર પાડીને બોલ્યો… જોરથી મુઠ્ઠી પછાડી ટેબલનાં કાચ પર અને કાચ તુટી ગયો.!! એક કાચની કટકી રઘુની હથેળીમાં ખૂંચી ને લોહીની ધાર થઇ. સેક્રેટરી અંચલે તરત જ પાટો બાંધ્યો. રઘુ હજુ પણ હિબકા ભરતો હતો, ગુસ્સાથી હોઠ ધ્રુજતા હતા. આખું શરીરમાં લખલખું પસાર થઇ જતું હોય એમ લાગતું હતું. પંદર મિનિટ સુધી રોયા પછી રઘુ શાંત પડ્યો.. પ્રદીપભાઈએ એને બાથમાં લઈને શાંત પાડ્યો.અલકેશે પણ એને સાંત્વના આપી.

“બાપા એક બીજું કામ કરશો, ખાવ ભગવાનના સોગંદ, કે મારું આટલું કામ કરશો,” રઘુ એ બે હાથ જોડીને કહ્યું.

” હા બોલ” પ્રદીપભાઈ પણ લાગણી વશ થઇ ગયાં.

રઘુ એક રૂમમાં ગયો, એક બીજી સૂટકેશ લાવ્યો. ખોલી ને બતાવી એમાં પાંચ લાખ રૂપિયા હતા. રઘુ બોલ્યો

” આમાંથી પેલાની દવા કરાવજો. જે ઓરડીમાં અમે રહેતાં હતાં ત્યાં રાખજો એને, બાપા પૈસા ઘટે તો મંગાવી લેજો, પણ એને પૂરતું ખાવાનું આપજો,, એટલા માટે નહિ કે એ નાલાયક મારો બાપ હતો….. એટલા માટે પણ નહીં કે મારે ને એને લોહીનો સંબંધ હતો….. બસ આ તો મારી માં માટે … મારી માં એનું “મંગળસૂત્ર” પેરતી તી,,, આટલો આટલો માર ખાતી મારી માં એ વખતે ભગવાનને પ્રાર્થના કરતી કે મારા મંગળસુત્રને કાયમી રાખજો. મારી માં મરતી વખતે મને કહેતી ગઈ છે અને મારા હાથમાં એણે મંગળ સૂત્ર આપીને ભલામણ કરીને પછી જ એણે આંખો મીંચી છે !!મારી માના મંગળ સૂત્ર માટે હું આટલું કરું છુ બાપ…. મંગળસૂત્ર માટે… મંગળસૂત્ર માટે….” રઘુ જમીન પર ફસડાઈ પડ્યો, અલ્કેશે એને ઉભો કર્યો. આજુબાજુ ચારે બાજુ સ્તબ્ધતા છવાઈ ગઈ.શેઠે આકાશ સામું જોયું અંતરિક્ષમાં પડઘા સંભળાંતા હોય એવું લાગ્યું… ‘મંગલ સૂત્ર માટે… મંગળ સૂત્ર માટે…. રઘુ એ આકાશમાં નજર કરી તેને તેની માં ખેમીની આંખમાં ખુશીના આંસુ હોય એવો ભાસ થયો…. એક મંગળસુત્રને ખાતર રઘુ આજ એના બાપને બચાવી રહ્યો હતો.એની સારવાર કરાવી રહ્યો હતો!!

પ્રદીપભાઈ અને અલ્કેશે વચન આપ્યું કે છેદી રામની એ સારવાર કરશે અને પોતાના કારખાનામાં એ જ ઓરડીમાં રાખશે અને પુરતું ખાવાનું આપશે. ફરી વખત રઘુ બધાને ભેટી પડ્યો. અને પ્રદીપભાઈ શેઠ અને અલકેશે વિદાય લીધી…✍🏻રાજ

“મોભ કે આડી”

Standard

​”મોભ કે આડી

                           (૧)

               સોળે શણગારો સજ્યા,

                      સોના ચૂડલો સાર :

               ઝાલ ઝુમણાં દામણી,

                      કોટે મોતી માળ ;
     સોળે શણગાર સજીને કસ્તુરી મેડીએ ચઢી. એને મન તો આજે દિવાળીનો ઉત્સવ હતો. માબાપે મોટી ઉંમરની કરી અને આખરે વર પણ સારો મળ્યો.

     મેડીને દાદરે ઝાંઝરનો ઝમકાર થયો એટલે મેડીએ બેઠેલ અમરચંદ પણ પોતાની ભવિષ્યની ભાગીદારને સત્કારવા તૈયાર થયો.

     પરણ્યાની પ્રથમ રાત્રીનું વર્ણન કોણ કરી શકે? એ વર્ણન ના પાનાઓ ન ભરાય, એતો અનુભવીઓ જ જાણે.

     અમરચંદે કસ્તુરીને હિંડોળાખાટ પર બેસાડી. નીચી ઢળેલી એ આંખ્યો, શરમના શેરડા પડતું એ મુખ, કઈ ન સમજી શકાય એવા ભાવથી ધડકતું એ દિલ અત્યારે પતિને ચરણે અર્પણ થવાને તૈયાર હોય એમ લાગ્યું.

     બંનેમાંથી કોઈ કઈ બોલતું ન હતું. માત્ર દિલની અંદરના તાર વાત કરતા હોય એમ દિલના થડકા વધતા જતા હતા. આખરે અમરચંદે શબ્દોનો સંબંધ કર્યો.

     “મારી એક પ્રતિજ્ઞા છે, હું જે પૂછું તેનો જવાબ આપ્યા પછી હું તને મારી અર્ધાંગના તરીકે સ્વીકારીશ.”

     કસ્તુરીએ મરોડથી પોતાની ડોક સહજ ઊંચી કરી, અને પતિ સામે સ્નેહભાવથી જોયું.

     “બોલ, હું પૂછું તેનો જવાબ આપીશ?”

     જવાબમાં કસ્તુરીએ સ્મિત હાસ્ય ફરકાવ્યું.

     “મારી સાથે પરણવામાં તે ભૂલ કરેલી નથી લાગતી? ઘરમાં સાસુ નહીં, સસરા નહીં, દેર-જેઠ કોઈ નહીં, માત્ર તું ને હું. અને તેમાંય હું એટલે શું એની ખબર તને હવે પડશે.” અમરચંદના શબ્દોમાં કંઈક અભિમાન તરવા માંડ્યું.

     કસ્તુરી હવે સહેજ ગંભીર બની. તે પોતાના પતિનું આ અણમોલી પ્રથમ રાત્રીનું આવું વિચિત્ર વર્તન જોઈ આશ્ચર્ય પામી. કસ્તુરીમાં સ્ત્રીત્વનનો સંપૂર્ણ વિકાસ થયેલો હતો. કસ્તુરીમાં નાનપણથી સ્તરીજીવન વિષે ઊંચા સંસ્કાર દાખલ થયા હતા. સ્ત્રી એટલે “કુંભારનું હાંડલું” અથવા “કહ્યું ખાસડું” એ માન્યતાને તે ધિક્કારનારી હતી. ‘સ્ત્રી એટલે ગૃહદેવી, સ્ત્રી એટલે પુરુષ જેટલા જ હક વાળી અર્ધાંગના’ એ સંસ્કારો કસ્તુરીમાં તેની માતા તરફથી ઉતર્યા હતા. અને એ સંસ્કારોના બળથી જ તેનું આવડી મોટી ઉંમરે લગ્ન થયું હતું.

     તેણે હવે પતિ સામે નયન કર્યા અને સહજ મૃદુ પણ શક્તિભર્યા શબ્દો ઉચ્ચાર્યા.

     “હું આપથી અજાણી નથી, મારે સંસારમાં ગૃહદેવ અને ગૃહદેવીના સ્વપ્નાં સાચા પાડવા છે. એટલેજ આપણો સંબંધ બંધાયો છે.”

     “પણ હું એ તારી માન્યતાથી જુદો પડું તો?”

     “એ હવે પછી જોઈ લેશું, અત્યારે તો આપ એ વાત જવા દો તો ઠીક.”

     “એ કેમ બને? મારો એક પ્રશ્ન છે તેનો તું જવાબ આપ ત્યારપછી જ હું તને મારે લાયક ગણી શકું.”

     “પૂછો આપને પૂછવું હોય તે ખુશીથી પૂછો.” કસ્તુરી પણ હવે પૂર બહારમાં બહેકી.

     “આ મેડીમાં મોભ અને આડી બંને છે તે ત્હેં જોયા?”

     “હાં” 

     ત્યારે કહે મોભને આધારે આડી કે આડીને આધારે મોભ? જવાબમાં કસ્તુરીનાં નયનો નાચ્યા અને તે હસી. 

     “આપ શું માનો છો?”

     “હું ગમે તે માનતો હોઉં, હું તો તને પૂછું છું. આ જવાબ ઉપર જ આપણા ભવિષ્યનું નિર્માણ થયું છે.” 

     “ત્યારે હું આપને કહું છું કે આ મોભને આધારે આડી અને આડી ને આધારે મોભ છે-બેય ને એકબીજાના આધાર છે.”

     “એમ નહીં, મોભ ન હોય તો આડી રહી શકે?”

     “હા, એમ પણ બને.”

     “મોભના આધાર વિના આડી ટકે?”

     “જરૂર ટકે.” કસ્તુરીએ ભાર દઈને કહ્યું.

     “પસ્તાઈશ હો ! બોલ્યા પહેલા બે વખત વિચાર કરીને બોલ.”

     “એમાં પસ્તાવા જેવું શું છે? આપે પ્રશ્ન પૂછ્યો છે ને એનો સાચો ઉત્તર આપ માંગો છો.”

     “તે આપેલો ઉત્તર સાવ સાચો છે? તું હિમ્મતથી કહે છે?”

     “હું તો એથી આગળ વધીને કહું છું કે કોઈ વખત તો આડીને આધારે જ મોભ રહે છે.”

     “તું આ બધું સમજીને બોલે છે?”

     “સમજ્યા વિના કાઈ આપના પ્રશ્નનો ઉત્તર અપાય?” કસ્તુરીનાં શબ્દોમાં કંઈ ન સમજી શકાય તેવી શક્તિ છુપી હતી.

     અમરચંદે તેની સામે મીટ માંડી.

———————————-

(આવતા ભાગ માં વધુ…)

To be continued…

​વ્હોટસએપ્પની વાર્તા

Standard

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ
‘મામાનું ઘર કેટલે…..??’
મયંક પોતાના મનને મનાવીને મામાના ઘરે દસ વર્ષ પછી આવ્યો હતો.
ખૂબ જાહોજલાલી અને ભૌતિક સુખો વચ્ચે આળોટેલા મયંકને તો ગામડાંમાં જવું એ જ સજા હતી, અને તેમાં પણ ખૂબ સિધ્ધાંતવાદી અને સમયના આગ્રહી મામા પાસે મયંકનો ક્યારેય મનમેળ નહોતો થતો.
મામા શહેરની દુનિયાથી ઘણે દુર સાવ આદિવાસી અને અંતરીયાળ સરહદી ગામમાં ફરજ બજાવતાં. જો કે મામા માત્ર ફરજ નહી પણ તે ગામને સમર્પિત થઇ ગયા હતા.
મમ્મી તો આખાય રસ્તામાં એક જ 

ગીત ગણગણી રહી હતી… ‘મામાનું ઘર કેટલે…..? દિવો બળે એટલે….!!’
મયંક્ને આ ગીતથી ભારે ચીડ થઇ ગઇ હતી.
અને આખરે તેઓ પહોંચ્યા મામાના ઘરે…
‘આવ,ભાણા….બહુ વર્ષે તને જોયો…. પણ આ માથે કેમ મુંડન કરાવ્યું છે…???’ મામાએ માથે હાથ ફેરવતા જ મયંકને તેમના બોલેલા શબ્દો સોટીની જેમ વાગ્યા… જે વાળની ફેશનથી મયંક કોલેજમાં ફુટબોલનો મેડ્રીડ હીરો ઓળખાતો તે અહીં મામાની નજરમાં મુંડનમાં ખપી ગયું….!’
મા પણ મામાના શબ્દો સાંભળી હસી પડી.

જો કે મયંકે તો મોમ સામે તીખી નજરે જોયું તો તે ચુપ થઇ ગઇ. પણ મનમાં તે હસી રહી હતી.
‘મોમ… જલ્દી મારો મોબાઇલ ને લેપટોપ ચાર્જ કરી દે… મારે…!!’
‘ભાણા… આ ગામમાં ત્રણ દિવસ લાઇટ આવવાની નથી…!!’ મામાએ ભાણાની ઇચ્છા પર પાણી ફેરવી દીધું.
‘ત્રણ દિવસ.. લાઇટ વગર…. ઓહ માય ગોડ….અહીં તો ત્રણ મિનિટ પણ ના રહેવાય…!’ ભાણાએ તો ચોખ્ખે ચોખ્ખુ મામાને કહ્યું. 
મામાએ તો મયંકને પોતાના આલિંગનમાં લીધો અને કહ્યું, ‘તું ચિંતા ન કરીશ.. આ તારો મામો છે… તને કોઇ તકલીફ નહી પડે…!’
પણ પહેલો દિવસે મયંક માટે અસહ્ય થઇ પડ્યો… વ્હોટસ અપનાં બંધાણી મયંક્નું મન તો ક્યારનું’યે મામાનું ઘર છોડીને ભાગી ગયુ હતું.
વળી બન્યું એમ કે લાઇટ વગર સાથે લાવેલી ચોકલેટ્સ, બ્રેડ, પાંઉ , ચીઝ બધુ બગડી ગયું…મયંક્ને મન તો આ જ તેનો સ્વાદિષ્ટ ખોરાક હતો. અહીં કોલ્ડ્રીંક્સ કે આઇસ્ક્રીમને તો બાર ગાઉનું છેટું હતું.
મયંક તો તેનો બધો ગુસ્સો વારેવારે તિરસ્કારભરી નજરે મમ્મી પર ઉતારી રહ્યો હતો.
રાત્રે અંધારામાં ખાવાનું પણ મયંકને ખૂબ અસહ્ય લાગ્યું. મનની અનિચ્છા પણ ભોજનને વધુ બેસ્વાદ બનાવી દે છે તેવો અનુભવ મયંકને થયો.
‘એક કામ કર તો કાલે સવારથી મારી સાથે સ્કુલે આવ…. ત્યાં તારે લાઇટની જરુર જ નહી પડે..!’ મામાએ કહ્યું.
‘આ વેકેશનમાં સ્કુલે થોડું જવાનું હોય..??’ મયંકને તો આશ્ચર્ય થયું.
મામા આ સાંભળતા ખખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘એ તો તમે શહેરના લોકો ખુબ ભણો એટલે થાકી જાવ.. એટલે તમારે વેકેશન જોઇએ.. અમારે અહીં તો ભણવાનો કોઇને ક્યારે થાક જ નથી…!’
‘મયંક, તું મામાની સ્કુલ જોઇ લે જે, તને મજા આવશે…!’ મમ્મીએ પણ મામાનો સાથ પુરાવ્યો.
‘હા.. એ તો આવશે… મામાના ઘરે આવ્યો છે.. તો મામા સાથે રહેવુ પણ પડે….’ મામાએ પડછંદ અવાજમાં કહ્યું.
અનિચ્છાએ મયંકે  ડોકુ હલાવ્યું તો ખરું.
બીજા દિવસે સવારે પાંચ વાગે તો મામાએ મયંકનું ગોદડું ખેંચી લીધુ અને મામાએ જલ્દી તૈયાર થવાનો આદેશ આપી દીધો.
‘સારુ બ્રશ કરી લઉં અને નાહી લઉં…!’ મયંકે ઉભા થતા કહ્યું.
‘એ બધું સ્કુલે જઇને…!’ મામા તો મયંકને ખભે કરીને ઓસરી સુધી લઇ આવ્યાં.
‘હેં સ્કુલે..??’ મયંક તો સમજી ના શક્યો.
અને બન્ને સ્કુલ તરફ ચાલ્યા. રસ્તામાં મામાએ એક ઝાડની ડાળખીનું દાતણ આપ્યું અને રસ્તામાં જ મયંકને કુદરતી બ્રશ કરવાનો પહેલીવાર અનુભવ થયો.
મામા સ્કુલે પહોંચ્યા તો સ્કુલમાં પાંચથી પંદર વર્ષ સુધીના ચાલીસેક છોકરા હાજર હતા. બધાની હાલત અતિ સામાન્ય કક્ષાની હતી. તેમના પહેરવેશ અને આંખો જ તેમની અત્યંત ગરીબીની ચાડી ખાતી હતી.
મામાને જોઇને બધા તેમને પગે લાગ્યાં.
‘મામા.. સ્કુલમાં શું ભણાવશો..? કોઇ ચોપડીઓ તો લાવ્યું જ નથી…’ મયંકે છોકરાઓની હાલત જોઇને પુછી લીધું.

‘ભાણા… અહીં તો જીવનનું ભણતર ચાલે છે…ચોપડીઓનું નહી…!સરકારી ચોપડે ભલે રવિવાર, દિવાળી કે ઉનાળું વેકેશન હોય પણ અમારે તો રોજ ભણતર ચાલુ જ હોય..!..’ 

મામા થોડીવાર રોકાઇને ફરી બોલ્યા, ‘ અરે.. હું તારો પરિચય આ છોકરાઓને આપી દઉં..!’

મામા છોકરઓને ભેગા કરી બોલ્યા, ‘આ છે મારો ભાણો..મયંક ઉર્ફે મેડ્રીડ….!’

‘હેં મુંડી….!’ તેમાનો એક છોકરો જોરથી બોલ્યો અને બધા હસી પડ્યાં.
મયંક તો અંદરથી ધુંઆપુંઆ થઇ ગયો. 

મામાએ તેમની આંખોની ધાર તેજ કરી તો બધા શાંત થઇ ગયા.
‘સારુ છોકરઓ પહેલા આપણે ન્હાવા જઇએ…!’ મામાએ બધાને આદેશ કર્યો.

બધા સ્કુલથી થોડે દુર નદીએ પહોંચ્યા. બધાને કિનારે ઉભા રાખ્યા અને કહ્યું, ‘આજે જોઇએ સામે કિનારે કોણ પહેલા પહોંચે છે..??’
મયંક ખુશ થયો. તેને મનમાં થયું કે  આજે આ બધાને બતાવી દઉં કે પોતે સ્વિમીંગ માસ્ટર છે.
સૌએ એકસાથે  છલાંગ લગાવી.

મયંક તો શહેરના સ્વિમીંગ પુલના પાણીમા તરેલો. નદીના પ્રવાહમાં કેવી  તકલીફો પડે છે તે તો સોએક મીટર પછી ખબર પડી. થોડીવારમાં તો તે સાવ થાકી ગયો. સાવ ગામડીયા જેવા લાગતા દરેક છોકરા તેની આગળ નીકળી ગયા હતા. અને તે નદીની વચ્ચે ફસાઇ ગયો.
મયંક્ને નદી વચ્ચે ફસાયેલો જોઇ બધા એકસાથે તેની તરફ પાછા ફર્યા અને જે જોરથી ‘મુંડી’ બોલ્યો તો તેને જ મયંકને ખભે કરી સહારો આપ્યો.
મયંક્ને યાદ આવ્યું કે તે  એકવાર સ્વિમીંગ કોમ્પીટીશનમાં તે થાકીને ડુબી રહ્યો હતો છતાં કોઇ તેને બચાવવા તૈયાર નહોતું કારણ કે ત્યારે સૌને પ્રથમ આવવાની હોડ હતી. 
મયંક પોતાને સ્વિમીંગ માસ્ટર માનતો હતો પણ અહીંનો નાનો ટાબરીયો પણ તેના કરતા વધુ સારો તરવૈયો હતો.

મામા આ બધું જોઇ રહ્યા હતા.
બધા નદીમાંથી નીકળ્યા પછી તેમની બીજી રમત શરુ થઇ. જે હતી આંબલી-પીપળી.

ઝાડ પર ચઢ્વાનુ અને ઉતરવાનું…શહેરની આર્ટીફીશીયલ એડવેન્ચર એક્ટીવીટી કરતા અહીં તો અનેકગણી મજા હતી…
પછી મયંકને મનગમતી રમત ફુટબોલ શરુ કરી.

મયંકને તો હતુ કે આ ગેમનો હીરો તો પોતે જ હશે.પણ તે ગામડાના સાવ આદીવાસી છોકરઓની રેસમાં તે સાવ માયકાંગલો લાગ્યો.

તે સૌની ચપળતા ખાડા ટેકરાવાળા મેદાનમાં પણ અદભૂત હતી. મયંક પોતાને મેડ્રીડ માની રહ્યો હતો પણ અહીં તે એક પણ ગોલ નહોતો કરી શક્યો.

આખરે તેને બળજબરીથી દોડ લગાવી અને પછડાયો. પગના બન્ને ગોંઠણ છોલાઇ ગયા.
‘ઓ..મા…!’  કરતો મયંક મેદાન વચ્ચે બેસી ગયો.

‘બેન્ડેજ હોય તો લાવો…..!’ મયંક બરાડી ઉઠ્યો.
એવામાં એક છોકરાએ મેદાનમાં ઉગેલા એક છોડના પાનને મસળીને તેના ઘાવ પર લગાવી દીધું.
‘શું કરે છે ઇન્ફેક્શન લાગશે….!’ મયંકે તેનો હાથ પકડ્યો.

‘આ તો પાક્યાના પાન છે… કોઇ’દી કોઇને પાકે નહી … અમારા આખા ગામમા આજ દિન સુધી કોઇને ઇન્ફેકશન થયું નથી. તેનુ કારણ આ પાન છે.’ એટલું કહી પેલા’એ તો ઘાવ પર થોડીવાર ફરી મસળ્યું.

થોડીવાર લ્હાય ઉઠી પણ પછી તેમા ઠંડક લાગી.
થોડીવાર પછી ફરી ફુટબોલ ગેમ શરુ થઇ. આજે મેડ્રીડની ટીમ હારી ગઇ હતી. રીયલ મેડ્રીડ આજે થાકીને લોથ થઇ ગયો હતો.
અને પછી સૌ સ્કુલે ભેગા થયા. સ્કુલમાં મામાએ એકાદ કલાક સૌને ભણાવ્યું. આ ભણતરમાં કોઇ ચોપડીની તેમને જરુર નહોતી. સૌ કોઇ ખુશીથી ભણી રહ્યા હતા. 
ખરેખર અહીં કોઇને વેકેશનની જરુર નહોતી કારણ કે અહીં આ રીતે ભણવાથી કોઇ થાકી જાય તેમ નહોતું.
બપોરે સૌ સાથે જમવા બેઠાં. સૌ કોઇ પોતાના ઘરેથી ટીફીન લાવ્યા હતા. મામા પણ બે ટીફીન સાથે લાવેલા.

સૌએ પોત-પોતાની વસ્તુ એક્મેકને વહેંચી..તે દરેક્ની થાળીમાં રાતનો સુકાયેલા રોટલો અને લાલ ચટણી હતી.
મયંક તેમની વચ્ચે બેસી ગયો. તેમાંથી એકની થાળીમાંથી બટકુ રોટલો લઇને તે ચટણી ખાધી.

કાલ રાતના ભૂખ્યા અને ખૂબ થાકેલા મયંકને તે કોળીયામાં અદભૂત સ્વાદનો અનુભવ થયો. 

બપોરે સૌ મોટા વડલા નીચે ભેગા થયા અને સૌ આડા પડખે થયા. ડનલોપની ગાદી કે એસીની ઠંડક વિના પણ આજે મયંક એક મિનિટમાં ઘસઘસાટ ઉંઘી ગયો.

જાગ્યો ત્યારે ખબર પડી કે તે બે કલાક સુધી જમીન પર સુઇ ગયો હતો.
ઉઠીને તેને જોયું તો મામા સૌને સાફ –સફાઇ કરાવી રહ્યાં હતા.  મયંક પણ તેમની સાથે જોડાઇ ગયો.
અને સાંજે ઘરે પાછા ફર્યા.
રાત્રે વાળું કર્યા પછી મયંકે દુર ફળીયામાં પોતાનો ખાટલો લીધો અને આડા પડખે થયો. બધાના ઘરની બારીમાંથી સળગતા દિવાનો પ્રકાશ અને ચાંદની તે જ આ ગામની રોશની હતી.
એવામાં માં પાસે આવી. અને મયંકના ખાટલે માથાની નજીક બેસી અને બોલી, ‘ સોરી મેડ્રીડ… હું તને પરાણે અહીં લઇ આવી. તું મારા પર ગુસ્સે થયો હોઇશ. આજે તને આમ એકલવાયો જોઇને લાગે છે કે મેં તને સાથે લાવવાની ખોટી જીદ કરી. અહીં લાઇટ, સારુ પાણી, તને ભાવતું ભોજન, તને ગમતી એક્ટીવીટી  જેવું કશુ જ નથી…. કાલે જ આપણે અહીંથી સ્પેશ્યલ કાર કરીને નીકળી જઇશું..!’
મયંકે તરત જ તેનુ માથું માંના ખોળામાં મુકી દીધું અને કહ્યું,  ‘માં તુ પેલુ ગીત ગાતી’તીને કે મામાનું ઘર કેટલે..?? દિવો બળે એટલે…!!. જો તે દિવો સામે દેખાય છે… આજે મને લાગ્યું કે આ મામાના નાનક્ડા દિવાનું અજવાળું શહેરની ઝગમગતી રોશની કરતા અનેક ગણું વધારે છે… વેકેશન, રવિવાર  કે જાહેર રજા શોધતા શિક્ષકો કરતા તો મારા મામા જુદી જ માટીના છે…! તેં કીધુ કે અહીં મારુ ભાવતું ભોજન નથી… પણ આજે ખરેખર બપોરે ખૂબ થાક્યા પછી મેં જ્યારે સુકો રોટલોને ચટણી ખાધી તો લાગ્યું કે જમવાનો સ્વાદ વ્યંજનોમાં નહી ભૂખમાં હોય છે…. આજે મને બપોરે જમીન પર જે ઊંઘ આવી તેનાથી પણ હું શીખ્યો કે ઊંઘને એસી કે ડનલોપની નહી થાક્ની જરુર છે….. શહેરમાં એક્ટીવીટીમાં કેમ જીતવું તે જ શીખવાડાય છે, પણ અહીં તો બધાની સાથે કેમ રમવું તે મામા ખૂબ સારી રીતે શીખવાડે છે… મામા એક પરફેક્ટ કોચ પણ છે…! અરે થોડું વાગે તો મેડીકલ કીટ શોધતા આપણે સૌ કેવા માયકાંગલા છીએ… અહીંયા તો દરેક છોકરાને એક એક વનસ્પતિમાં મેડીકલ કીટ દેખાય છે. આ જો કોઇ વનસ્પતિના પાંદડાનો રસે મારા ઘાવને મિનિટોમાં સારો કરી દીધો..!!’

‘ઓહ… મેડ્રીડ.. તને ક્યારે વાગ્યું….??’ માં એ તેના વાગેલા ઘાવ પર હળવેથી આંગળીઓ ફેરવી.
મયંક હજુ પણ આગળ કહી રહ્યો હતો…’મોમ… તું  ઉપર તો જો… કેવું વિશાળ અને સ્વચ્છ આકાશ.. મેં સ્કાય અએન સ્ટારનાં ઘણા પ્રોજેક્ટ ઇન્ટરનેટ પરથી  ડાઉનલોડ કર્યા પણ આકાશની આટલી ભવ્યતા તો આ મામાનાં ટમટમતા દિવાથી જ દેખાણી…!  મામા એટલે માં શબ્દ બેવડાય છે, તે મને આજે સમજાયું…. મા તુ મને પાસે રહીને પ્રેમ કરે છે.. પણ આજે મામાએ મારા બધા કોચ ન શીખવી શકે તેવી જિંદગીની ઘણી હકીકતો શીખવી છે….  આ મામા તો ખાલી કટપ્પા મામા નહી પણ મારી બે મા ભેગી થાય તેવા અનોખા મામા છે…! મોમ.. મારે હવે આ વેકેશન મામાના ઘરે જ રહેવું છે.. જો તું હા કહે તો…..!!’
માં તો રાજીના રેડ થઇ ગઇ અને મયંકનાં કપાળે ચુમીને  ગાઇ ઉઠી… ‘મામાનું ઘર કેટલે…..!!’

મયંક તરત જ જોરથી બોલ્યો, ‘દિવો બળે એટલે…..!’

અને બન્ને હસી પડ્યાં.

સ્ટેટસ

કહ્યુ છે કોઇએ સાચુ કે મામા એટલે બે માં…!!

ભાણા-ભાણીને તો જીવની જેમ રાખે હાં…!!
લેખક

 

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

તા. ૨૩-૫-૨૦૧૭