Tag Archives: Dharmrajsinh Vaghela

“મહારાવલ જયદીપસિંહ સૌભાગસિંહજી બારિયા”

Standard

મહારાવલ જયદીપસિંહ સૌભાગસિંહજી બારિયા
ખિચી ચૌહાણ રાજવંશ (૨૪ જૂન ૧૯૨૯ ઈ. સ. થી ૨૦ નવેમ્બર ૧૯૮૭ ઈ. સ.) દેવગઢ બારીયા રાજ્ય, અત્યારે જિ. દાહોદ.

આજે તારીખ ૨૪ જુન મહારાવલ જયદીપસિંહ સૌભાગસિંહજી બારિયાનો જન્મ દિવસ છે, આ મહાનવ્યક્તિત્વ અબે પ્રજાવત્સલ રાજવી વિષે જાણી ચોક્કસ ગર્વ થશે.

બારીયા રાજ્યનો ઈતિહાસ ટૂંકમાં :-
ચાંપાનેરના અંતિમ રાજવી રાવલ પતાઈજીના પુત્ર રાયસિંહજીના બે પૌત્ર એ અલગ અલગ રાજ્યોની સ્થાપના કરી જેમાં મોટા પૌત્ર રાવલ પૃથ્વીરાજજીએ છોટાઉદેપુર સંસ્થાન વસાવ્યું અને નાના ડુંગરજી એ
ઈ. સ.1524 માં બારીયા રાજ્યનો પાયો નાખ્યો જે આજે દેવગઢ બારીયા તરીકે ઓળખાય છે, આમ બારીયા રાજ્યના 16માં અને અંતિમ રાજવી મહારાવલ રણજીતસિંહજી માનસિંહજીએ તેમના પૌત્ર જયદીપસિંહજી સૌભાગસિંહજીના હસ્તે પોતાનું 09ગન સેલ્યુટ ધરાવતું રાજ્ય માં ભારતીના ચરણોમાં 10 જૂન 1948ના રોજ સમર્પિત કર્યું હતું. એ મહારાવલ જયદીપસિંહજીએ અજમેરની મેયો કોલેજ અને બાદમાં કેમ્બ્રિજ યુનિ. માં અભ્યાસ કર્યો હતો. મહારાવલ જયદીપસિંહજીના પિતા સૌભાગસિંહજીનું યુવરાજ પદ પર જ અવસાન થયેલ આથી તેઓ આઝાદી સમયે બારીયા રાજના યુવરાજ હતા. ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓમાં શિર્ષસ્થાન ધરાવતા હતા.

મહારાવલ જયદીપસિંહજીની કારકિર્દી અને કીર્તિ :-

મહારાવલ જયદીપસિંહજી આઝાદી બાદ બારિયા નગરપંચાયતના પ્રમુખ બન્યા, દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય, આઠમી લોકસભાના સાંસદ, ત્રીજી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ,ખેતીવાડી અને આરોગ્ય ખાતાના માન મંત્રીશ્રી, ગુજરાત ટુરીઝમના ચેરમેન તરીકે ટુરિઝમનો પણ વિકાસ કર્યો હતો. તેઓએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન ડૉ. સામ પિત્રોડાની સ્કીલને પારખી તેમની મુલાકાત પોતાના દિલ્હી ખાતેના બંગલે ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરાવેલ, તેમણે ડૉ. સામની ભલામણ કરી જેને કારણે ભારતે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી હતી. રમત ગમત (સ્પોર્ટ્સ) જયદીપસિંહજી બારીયાનું ગુજરાત જ નહીં સમગ્ર રાષ્ટ્રક્ષેત્રે અમૂલ્ય યોગદાન રહ્યું, પોતે આધુનિક પોલોની રમતના ખ્યાતનામ ખેલાડી હતા, સાથે અન્ય રમતો જેવીકે લૉનટેનિસ, ક્રિકેટ, ચેસ, તીરંદાજી, એથ્લેટીક્સ વગેરે રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓ દેશને આપવા બારીયામાં ઉતરુષ્ઠ મેદાનો, શ્રેષ્ઠ કોચ તેઓએ નીમ્યા હતા, મહારાવલ રણજીતસિંહજી જીમખાના તેમણે ગુજરાત સરકાર(જ્યાં અત્યારે જયદીપસિંહ બારીયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામ્યું છે)ને ડોનેટ કરી દેવગઢ બારીયાને ગુજરાતના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે વિકસાવ્યું હતું.
રમત ગમત ક્ષેત્રે પોતાની સ્કિલ અને પ્રેમના લીધે ઓલિમ્પિક અને એશિયાડ રમતોમાં તેઓએ ભારત સરકારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. જયદીપસિંહજી બારિયા એથલેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચૂંટાયેલા પ્રમુખ પણ રહ્યા હતા. દેવગઢ બારિયામાં પોતાનો જૂનો મહેલ દાન કરી યુવરાજ સૌભાગસિંહજી કોલેજ શરુ કરી તેમણે ઉચ્ચ શિક્ષણનો પાયો નાંખ્યો હતો. તેઓ શ્વાનપ્રેમી પણ હતા, તેમની પાસે સારા જાતવાન અનેક શ્વાન હતા. તેથી ઓસ્ટ્રલીયામાં યોજાયેલા વર્લ્ડ ડોગ શો માં તેઓ નિર્ણાયક પણ રહ્યા હતા.
આમ તેમના રમત ગમત ક્ષેત્રના અમુલ્ય યોગદાનની કદર કરતા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ ખુલ્લા વિભાગમાં વિજેતા થનાર ખેલાડીઓને યોજનાની સ્કીમ અનુસાર 100ગુણ મેળવે તેને જયદીપસિંહજી બારીયા સીનિયર તથા જુનિયર એવોર્ડ દર વર્ષે એનાયત કરવામાં આવે છે, જેમાં જુનિયરમાં 10,000/- રોકડ પુરસ્કાર અને એવોર્ડ, તથા સીનીયરમાં 20,000/- રોકડ પુરસ્કાર અને આપવામાં આવે છે, ૨૦ નવેમ્બર ૧૯૮૭ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું, હતું . મારી ઉંમર જેટલો સમય તેમના સ્વર્ગવાસને થયો છતાં દેવગઢ બારીયાના પ્રજા જનોના હૃદયમાં આ રમતપ્રિય અને પ્રજા વત્સલ રાજવીનું સ્થાન ચિરંજીવ છે..
લેખન/સંપાદન : ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)

ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત

Standard

ક્ષત્રિયો ની ઉત્પત્તિ આ સંસારમાં રક્ષણ માટે થયેલી પણ વર્તમાન એવો છે કે અત્યારે ક્ષત્રત્વનું અસ્તિત્વ જ જોખમમાં છે. અત્યારે ભારત ગણતંત્ર કે લોકશાહી દેશ છે સૌ એવું માને છે કે પોતે જ સર્વેસર્વા છે ઈવા સમયે આપણી સંસ્કૃતિ, પરમ્પરા, ધર્મ અને સંસ્કારને ટકાવી રાખવા એ મોટો પડકાર છે. એ પડકારને ઝીલી એનું રક્ષણ કરવું એજ ક્ષત્રિયનો આજે ધર્મ છે એવું હું માનું છું.

આમ ક્ષાત્રકર્મ માં દાન, સંઘર્ષ થી ન ભાગવું, ક્ષમભાવ, શૌર્ય, તેજ અને સમસ્ત કાર્ય-કલામા દક્ષતા એનો નિભાવ એટલે ક્ષાત્રધર્મ. આમ પોતાની પાસે જે કાંઈ છે તે સમાજને-સંસારને આપવું એ ભાવ સર્વોપરી છે, ધ્રુવરાજસિંહમાં આ ભાવ ખૂબ ભરેલો છે. તલવારબાજી એ પણ એક વિશિષ્ટ કલા છે, એ ધ્રુવરાજસિંહ ભાઈને ક્ષત્રિય હોવાથી વારસા માં મળી છે થોડી એમની મહેનત થી એમણે સંવારી છે, એ કલાને સમાજમાં ટકાવી રાખવા એ અથાગ પ્રયત્નશીલ છે.

નામ- ધ્રુવરાજસિંહ જાડેજા
ગામ – જાખોત્રા
તાલુકો – સાંતલપુર
જિલ્લો – પાટણ
મોસાળ – વણા(ઝાલાવાડ)
રહેઠાણ – આદિપુર(કચ્છ)
સંપર્ક – ૭૩૮૩૬૦૨૬૭૯

કાર્ય :-
તલવારબાજી એ અમુક ક્ષણે શૂરાતન જગાવવાનું સાધન છે એવી આદિપુર માં તલવારબાજી ટિમ તૈયાર કરીને એ ટિમ સાથે ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યો માં ફરી ક્ષત્રિય યુવાઓને તલવારબાજીની સાથે સાથે ક્ષાત્રધર્મનો મર્મ સમજાવી અવિરત તાલીમ આપી રહ્યા છે, આ સિવાય જનસેવા, કલા, વાંચન, અધ્યાત્મ દાદાબાપુ શ્રી ઠા.સા.ચંદ્રસિંહજી પાસેથી વારસામાં મળેલા છે. તેમણે BCA તથા BA નો અભ્યાસ કરેલો છે MA ઇતિહાસ પરની તૈયારી કરી રહ્યાં છે. તેઓ આ અભ્યાસ સહ સારા ક્રિકેટ, વોલીબોલ માં આઇકોન પ્લેયર સાથે વિચારક, વિવેચક અને લેખક પણ છે. તેઓ ઇતિહાસ, ધર્મ, સાહિત્ય, મનોવિજ્ઞાન, અને તર્કશાસ્ત્ર માં ઊંડો રસ અને માહિતી ધરાવે છે. એમાં તેમના મુખ્ય વિષય ક્ષાત્રધર્મ, અસ્મિતા, વૈચારિક ક્રાંતિ, યુવાક્રાંતિ અને રાષ્ટ્ર નિર્માણ વગેરે છે. આ પ્રકારના તેમના જ્ઞાનથી તેઓ માં ભગવતી ના ટપાલીનું કાર્ય કરતા ભગવતી જે વિચારો આપે તેને સમાજ સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. ગુજરાતમાં અમુક વ્યક્તિઓ સુધી સીમિત રહેલી તલવારબાજીની કલાને રાષ્ટ્રીય રૂપ આપીને 10 રાજ્યો સુધી પહોંચાડતા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ૧ અથવા ૨ દિવસની તાલીમ શિબિર યોજી તલવારબાજી, સાફા, સંસ્કાર નિર્માણ, ક્ષાત્રધર્મ અને વ્યસનમુક્તિ પર માર્ગ દર્શન આપતા 4 વર્ષથી તલવારબાજી ટિમ આદિપુર ની અખંડ ધૂણી ચાલુ એક પણ રવિવાર રજા નહિ આ એક વિક્રમ છે.
તેઓ પોતે દરેક પ્રકારની મનોવૃત્તિ વાળા વ્યક્તિઓ સાથે આત્મીયતા સાધી લેવાની ખાસિયત ધરાવે છે. આમ ધ્રુવરાજસિંહભાઈ એ જે નેની ઉંમરમાં આરંભ્યું છે તેમાં માં ભગવતી કાયમ તેમને સફળ બનાવે તેવી ભગવતી ને પ્રાર્થના આ અમાટે આવા ક્ષાત્રબાળો માટે પંક્તિ લખવાનું મન થાય,

અજાન અગ્નિ પ્રગટાવી, રોકી ન શકાય આકાશ ઊડતી જાળ ને ;
(એમ) લક્ષ્ય જાણી નિજ ઉભો ન રહે, લાખ અવરોધો તોય ક્ષાત્રબાળ ને ||

એક હી લક્ષ્ય એક હી નારા
અમ્ર રહે ક્ષાત્ર ધર્મ હમારા

લિ. ધર્મરાજસિંહ વાઘેલા(છબાસર)

।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।|

તેમણે લખેલા લેખ તથા કાવ્ય રચનાઓમાંથી નીચે આપેલા અમુક અંશો.

1. ચિંતન- દેવ બનવુ હોય તો દેવત્વ કેળવવું પડે

2. કચ્છ કીર્તિ-શાશ્વત પ્રયાસ

3. ગામ નામ નો મહિમા

4. ચિંતન-રક્ષિત સ્મારકો નું વર્તમાન

5. ચિંતન-સાચી મર્દાનગી

6. ભીંયા કક્કલ

7. ચિંતન-અગવડતા

8. તલવાર માં ચમકે છે અને પાઘડી માં વળ ખાય છે

9. ચિંતન-મૌલિકતા

10. ચિંતન-આતમ ખોજ અલખ જગાવ

11. હું ઉભો છું

12. ચિંતન-વિકાસ પર વિમર્શ

13. ચિંતન-માતૃભાષા

14. ચિંતન-વૈચારીક પતન

15. ચિંતન-પહોંચાડો એ પ્રત્યેક લંપટ,આવારા,કાયર,હરામી,નરાધમો સુધી જે પોતાને ક્ષત્રિય કહેવડાવે છે અને અને સ્ત્રી નું સન્માન જાળવી શકતો નથી.

16. ચિંતન

17. ચિંતન-પ્રસિદ્ધિ હંમેશા જવાબદારીઓ વધારતી હોય છે

18. ચિંતન-વિચારો ની પ્રચંડ શક્તિ થી અસંભવ લાગતા કાર્યો પણ સરળતા થી કરી શકાય છે.

19. ચિંતન-શું રાજપુતો માત્ર યોદ્ધા જ હતા…?

20. ચિંતન-શક્તિ નું મહત્વ

21. કાળ ની થપાટ ભાગ-3

22. કાળ ની થપાટ ભાગ-2

23. કાળ ની થપાટ

24. ચિંતન-અસ્તાંચલની છેલ્લી જ્યોત

ધર્મરાજસિંહ વાઘેલા “અજાન”

Standard

ગુજરાત રાજપૂત સમાજમાં વર્તમાનમાં પણ ઘણા એવા વિરલાઓ રહેલા છે જે અલગ અલગ ક્ષેત્રોમાં જોડાયેલા છે, અને સમાજ ને ગૌરવ અપાવી રહ્યા છે. પરંતુ સમાજના મોટા ભાગના વ્યક્તિઓને તેમનો ખ્યાલ જ નથી હોતો, સંસારના કોઈ પણ એક ક્ષેત્રમાં જોડાવું તે પ્રતિભા છે અને એક કરતાં વધારે કળાને હસ્તક કરવી તે બહુમુખી પ્રતિભા છે. આજે આપણે આવી જ એક બહુમુખી પ્રતિભાની વાત કરવી છે.

નામ :- લેફ્ટનન્ટ ધર્મરાજસિંહ જે. વાઘેલા (પાઘડીવાળા)
ગામ :- છબાસર
તાલુકો:- બાવળા
જિલ્લો :- અમદાવાદ
મોસાળ :- જલાલપુર(ગોહિલ,ગોહિલવાડ)
રહેઠાણ :- રાજકોટ
સંપર્ક :- 9903554075

સમાજ માંથી લુપ્ત થઈ રહેલી પાઘડીની પરંપરા ને જાળવવા અને તેનું જતન કરવા માટે ધર્મરાજસિંહ ભાઈએ સ્વયં મોટાભાગના પ્રદેશો અને રાજ્યો ની પાઘડી વિશે જાણકારી મેળવી, અને તેને બાંધતા શીખ્યા. તથા ગુજરાત ના અલગ અલગ સ્થળોએ પ્રદર્શનો રાખી સમાજ ના પ્રત્યેક નાગરિક સુધી પાઘડી અને સાફાના જ્ઞાન ને પહોચાડ્યું. વિસરાઈ રહેલી રાજપુતી પરંપરાને ઉજાગર કરવાના પ્રયત્નના ભાગરૂપે ધર્મરાજસિંહભાઈએ “શ્રી રાજ ક્ષાત્ર ગૌરવ સાંસ્કૃતિક સંસ્થાન”ની શરૂઆત કરી અને પરંપરાની ધૂણી ને સદાય પ્રજ્વલિત રાખવા નો પ્રયાસ આદર્યો. પાઘડી સાફાની સાથે સાથે ધર્મરાજસિંહભાઈએ બીજી કળાઓ હસ્તગત કરી છે, જેમકે રાઇફલ શૂટિંગ માં તેઓ રાષ્ટ્રીય કક્ષાએ જઇ આવ્યા છે, હોકીમાં પણ તેઓ રાષ્ટ્રીય કક્ષાએ જઇ આવ્યા છે. તેઓ એક ઉમદા ચિત્રકાર અને રચનાકાર પણ છે. સાથે સાથે સારા એવા અશ્વ-અસવાર પણ છે. ધર્મરાજસિંહભાઈ ઇતિહાસ વિષયમાં પણ ઊંડું જ્ઞાન ધરાવે છે.

ધર્મરાજસિંહ ભાઈનું કાર્ય જોઈને એક પંક્તિ યાદ આવે,
“હમને જબ ભી પંખ ખોલે હૈ ઉડાન કે લિયે,
ચુનોતી બન ગયે હૈ આસમાન કે લિયે..”

  • લિ. ધ્રુવરાજસિંહ જાડેજા (જાખોત્રા)

તેમણે લખેલા લેખ તથા કાવ્ય રચનાઓમાંથી નીચે આપેલા અમુક અંશો..

  1. લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ

  2. “ગોંડલ રાજ્ય”

  3. “ગૌરક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપનાર શૂરવીર રાજપૂતોની બિરદાવલીનું કાવ્ય.” 

  4. “શિરસ્ત્રાણ – ભાગ :-૧” 

  5. “એક રાજા, ચારણ, વાણિયો અને એક નાનકડી નાર આ ચાર જીવ એવા કે જેને જલ્દી ભક્તિ લાગે નઈ અને જો લાગીજાય તો બેડોપાર” 

  6. શસ્ત્રો જ રાષ્ટ્રની રક્ષા કરી શકે..

  7. આ ઘટનાની આખા વિશ્વએ નોંધ લીધી છે..

“ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ”

Standard

“ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક
નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ”

મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.
આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે….

“નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ.”

આમ આ પાંચાળ નો મોટો ભાગ જેના રાજ્યની હદ માં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતર ના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્ર સમાજ લઇશકે, ઠાકોર શ્રી કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો.
તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૃ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા..

તરણેતરનો ટુંકો ઈતિહાસ :-

ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.

તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે.
આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદ્ભુત છે,

લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) ના જય શંકરના…

“ગોંડલ રાજ્ય”

Standard

“ગોંડલ રાજ્ય”
‘અને તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર મહારાજા ભગવતસિંહજી અને મહારાણી નંદકુંવરબા’રાજકોટ ના ઠાકોર સાહેબ શ્રી મેહરામણજી ના ફટાયા કુંવર કુંભાજીએ ઈ.સ. ૧૬૩૪ માં ગોંડલી નદીના કિનારે ગોંડલ રાજ્યની સ્થાપના કરી અને આજુબાજુ ના પ્રદેશને સામ, દામ, દંડ, ભેદથી જીતી ગોંડલનો વિસ્તાર કર્યો તેમણે ઈ.સ. ૧૬૭૯ સુધી રાજ્ય કર્યું, ત્યારબાદ સંગ્રામજી-૧,- હલોજી,- કુંભોજી-૨,- સંગ્રામજી-૨, – મુળુભા, – દાજીભા, – દેવાજી, ના ચારેય પુત્રો અનુક્રમે ગાદીએ આવ્યા જેમાં નાથુજી, – કનુજી,- ચંદ્રસિંહ તથા ભાણજી ત્યારબાદ તેમના પુત્ર સંગ્રામજી- ૩જા ગાદીએ ત્યારબાદ મહારાજા ભગવતસિંહજી કે જેમણે ગોંડલ રાજ્ય ને એક આદર્શ રાજ્ય બનાવ્યું અને પ્રજાના કલ્યાણાર્થે ઘણા કર્યો દ્વારા ચિરંજીવી નામના મેળવી ભગવતસિંહજી ૧૯૪૪ માં સ્વર્ગે સિધાવ્યા, તેમના પુત્ર ભોજરાજસિંહજી એ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ લોકકલ્યાણાર્થે દેશને સમર્પિત કર્યું ત્યારે આ રાજ્યની આવક અંદાજે રૂ. આંઠ લાખ જેટલી અને ૧૧ ગન ની સેલ્યુટ નું માન ધરાવતું રાજ્ય હતું.
ઠાકોર સાહેબ ભોજરાજસિંહજી બાદ તેમના પુત્ર વિક્રમસિંહજી બાદ હાલ ઠાકોર સાહેબ શ્રી જ્યોતીન્દ્રસિહજી હયાત છે, અને યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી કે જેઓ પોતાના પૂર્વજોની કીર્તિને વધારી રહ્યા છે, તેઓ વિન્ટેજ કારો તથા નુતન કારો નું સુંદર કલેકશન ધરાવે છે, ગોંડલ ખાતે નો પેલેસ પણ આકર્ષણ નું કેન્દ્ર છે, ત્યાં અવાર-નવાર ગુજરાતી, હિન્દી ફિલ્મો અને સિરિયલો નું શુટિંગ પણ થાય છે.ગોંડલ ને આદર્શ રાજ્ય બનાવવા માં મહારાજા ભગવતસિંહજી અને મહારાણી નંદકુંવરબા નો મોટો ફાળો છે તો તેમના જીવન ની મહત્વની ઘટનાઓ ને ટુકમાં રજુ કરું છું.ગોંડલ નરેશ શ્રી ભગવતસિંહજી જાડેજા :-નામ :ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
ઉપનામ :ગોંડલ બાપુ
જન્મ : 24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ ભાણજી જાડેજા
રાજ્યાભિષેક :- ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી.
લગ્ન – (ચાર રાણીઓ):- પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા.
સંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ : નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા,
1887 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
વ્યવસાય : રાજકર્તા
1887 – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હજૂર બંગલો) શરૂકરી.
1895 – માં ફર્ગ્યુંસન કોલેજ, પૂ ના ને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રીઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સીટી ને પણ દાન આપ્યું.
1900 – માં ગોંડલ ગરાસીયા કોલેજની સ્થાપના કરીજે હાલ સંગ્રામજી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે.
1919 – માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી.
1924 – માં ગોંડલ માં ઈલેક્ટ્રીસીટી નો પ્રારંભ કર્યો.
1928 – માં કે.કા. શાસ્ત્રી અને અન્ય વિદ્વાનો ને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે- નવ ભાગ – માં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે.
1934 – માં બિહાર માં ધરતીકંપ આવતા ૧ લાખ રૂપિયા ની સહાય આપી.
1934 – માં ગોંડલ કોઈપણ કરવેરા રહિત નું રાજ્ય બનાવ્યું.
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી? અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી,ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
1936 – માં વાઇસરોય લોર્ડ વિલિંગટન ની ગોંડલ રાજ્ય ની મુલાકાત.
વૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
સન્માન
1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિતરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1915 – માં ૨૭ જન્યુઆરી માં મહારાજા ની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔશધાલય માં રાજવૈધ જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ (ભુવનેશ્વરી પીઠ) દ્વારા ગાંધીજી ને “મહાત્મા” ની પદવી થી નવાજ્યા હતા.
1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
અવસાન : 9 મી માર્ચ 1944.ગોંડલના મહારાણી નંદકુંવરબા :-
પટરાણી – નંદકુંવરબા મહારાજ ભગવતસિંહજી ના પ્રથમ ધર્મપત્ની અને ધરમપુર માં મહારાજા
રાણા નારાયણદેવજી રામદેવજી ના કુંવરી હતા.
તેમણે મહારાજા ની અનુમતિ મેળવી કન્યા કેળવણી ફરજીયાત બનાવી,
સ્ત્રી શિક્ષણ અને જાગૃતિ ના કર્યોકર્યા ૧૮૮૯ માં પડદા પ્રથા બંધ કરાવી.
આથી તેમને પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે ૧૮૯૨ માં રાણી વિક્ટોરિયા દ્વારા તેમને સી.આઈ.ઈ ( ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’) નો ખિતાબ આપેલો હતો.
મહારાણીએ મહિલાઓ ના વિકાસ તેમજ અધિકારો માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.આમ ગોંડલ ના રાજવી તરીકે મહારાજા ભગવતસિંહજી એક ઉમદા રાજવી હતા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હતા તેમણે પોતાના રાજ્ય ઓદ્યોગિક વિકાસ નો પાયો નાખ્યો તથા પોતાના કર્યો દ્વારા પ્રજા ના હૃદય માં “ભગાબાપા” તરીકે ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું.લીખીતન : ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર) રાજકોટ. ના જય માતાજી.

“ગૌરક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપનાર શૂરવીર રાજપૂતોની બિરદાવલીનું કાવ્ય.”

Standard

“ગૌરક્ષા કાજે પોતાના પ્રાણોના બલિદાન આપનાર શૂરવીર રાજપૂતોની બિરદાવલીનું કાવ્ય.”
રચના:- વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર)
પ્રસ્તાવના :
ભારતવર્ષના સનાતન ધર્મ અને પ્રાચીન આર્ય સંસ્કૃતિમાં આદિકાળથી પરમાર્થ કે લોકહિત કાજે નિસ્વાર્થ પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર ને લોકમાતા કે લોકદેવ તરીકે આપણો સમાજ પૂજે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી આર્યસંસ્કૃતિમાં નદી, વૃક્ષ (વડ, પીપળો, તુલસી વગેરે) પ્રાણીઓ માં ગાય, અશ્વ, વૃષભ વગેરેની પૂજા કરવામાં આવે છે નદી નિસ્વાર્થ પોતાનું જળ આપી સંસારને જીવંત રાખવામાં મોટોભાગ ભજવે છે માટે આપણી સંસ્કૃતિમાં તેને લોકમાતા તરીકે પૂજવામાં આવે છે, આમ ગાય તો આપણને માંની જેમ દૂધ પાય છે માટે આપણે તેનામાં ૩૩ કરોડ દેવના દર્શન કરીએ છીએ અને લોકમાતા તરીકે પૂજીએ છીએ આથી ગાયું માટે કે પરમાર્થ કાજે પોતાના પ્રાણો ના બલિદાન આપનાર શૂરવીરોના પાળિયાને આપણે લોક્દેવતા ના સ્થાને પૂજીએ છીએ, મારું આ કાવ્ય લોકમાતા ગાયું ને માટે નિઃસ્વાર્થ પોતાના ગૌ બ્રાહ્મણ પ્રતિપાળના ધર્મે લીલા માથાનું બલિદાન આપનાર ‘ક્ષાત્રત્વ’ ને સમર્પિત છે. જેનો ભાવાર્થ મારી લાગણી અને વિચારો મુજબ છે જે બાદમાં રજુ કરશું…

ચિત્ર વિશે : – એક રાજપૂત જે રણ મેદાનમાં પોતાનો ક્ષાત્રધર્મ બજાવવા જાય છે એ સમયે તે મીટ માંડી કૈક જાણે પૂછે છે ખાલી માથા(પ્રાણોનું જ બલિદાન) આપવા ના હોય તો તો ઠીક પણ માં-બાપ (પુત્રધર્મ) પત્ની-પ્રેમિકા (પતિધર્મ), સંતાન(પિતાધર્મ) વગેરે કરતા આજ ક્ષાત્રધર્મ શ્રેષ્ટ ગણી બધુ ભુલી ને જાઉં છું શામાટે??? ….
(કાવ્ય) :—— રણ ચડ્યાતા(આ) રાજપૂતો… :——–
ધડ-માથા ધીંગાણે એના, ને પાળિયા પાદરમા છાજે;
રણ ચડ્યાતા(આ) રાજપૂતો, લોકમાત ગાયુની કાજે…….૧
નોતી ફિકર વરમાળ તણી, મંગળ ગીત કે ઢોલ ભલે બાજે;
સાદ સાંભળી દેવલઆઈનો, (તેદી)તેગ તાણી તી વચ્છરાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો…૨
રાવ સાંભળી ગોવાળો તણી, બુંગીયો ને સિંધુડા ગાજે;
રણવાટ પકડીતી રખાયત જેઠવે, ધરી કેશરીયા સાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો…૩
વડ રૂવે લોહીની ધારે, કોણ પૂછે એને આ શિદને કાજે;
મરવા હાલ્યો માંગડાવાળો, પ્રીતભૂલી રાજપૂતી રિવાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૪
રણવાટ ચઢો વેગે વર્ણવો, જોજે આજ ગાવલડીના લાજે;
ધડ કરે ધીંગાણું પરમારનું, પાણ થઇ મસ્તક ધેન ધા’જે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૫
પ્રાણ દઈ કંથને રણ વળાવતી, રાજપૂતાણી કોન મલાજે;
રોમ રોમ કેશરિયો કાથડજી, ચડ્યો તુરી જેમ કાળ બિરાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૬
મીંઢળ બંધા ને ચોરીએ ચડેલા, ભલે શરણાયુંના સુર બાજે;
કાપી તલવારથી વરમાળને હાલ્યા ભાથી ભીડભાંગવા કાજે.
રણ ચડ્યાતા(આ) રાજપૂતો….૭
તારીખ: ૨૩-૦૩-૨૦૧૪ સ્થળ: રાજકોટ..
કોટી કોટી વંદન ક્ષાત્રત્વ ને …… ધર્મરાજસિંહ જે. વાઘેલા (આભાર) જય માતાજી

“શિરસ્ત્રાણ – ભાગ :-૧”

Standard

“શિરસ્ત્રાણ – ભાગ :-૧”

ભારતીય સંસ્કૃતિ સંપૂર્ણ વિશ્વમાં પોતાની વૈવિધ્યતાને કારણે હંમેશા આકર્ષણ નું કેન્દ્ર રહી છે. આ વૈવિધ્યતા જ તેને સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ટ સંસ્કૃતિ સાબિત કરે છે, ભારતીય સંસ્કૃતિ એ મૂળ આર્ય સંસ્કૃતિ પરથી ઉતરીઆવેલી છે અને ‘આર્ય’ શબ્દનો અર્થજ ‘શ્રેષ્ટ’ એવો થાય છે.
ભારતીય સંસ્કૃતિ ને બોલચાલ ની ભાષામાં ‘ભાતીગળ સંસ્કૃતિ’ એમપણ કહેવામાં આવે છે, ભારત ના વિવિધ પ્રાંતોમાં વૈવિધ્ય, એ પ્રાંતો માં વસતા લોકોમાં વૈવિધ્ય, એ લોકોની ભાષા-બોલી, રહેણ-સહેન, રીતિરીવાજો, પહેરવેશ, ધર્મ અને એમાંય સંપ્રદાયો માં પણ વૈવિધ્ય વગેરે. આ સિવાય કલાઓ, સંગીત, બાંધકામ ની શૈલી વગેરેમાં પણ વૈવિધ્ય જોવામળે આમાં અમુક વૈવિધ્યતા વિદેશી સંસ્કૃતિ સાથે ના સમન્વય થી પણ ઉદભવેલી જોવા મળે છે,
આમ ભારતીય સંસ્કૃતિ માં પહેરવેશ અને એમાંય ‘શિરસ્ત્રાણ’ નું પણ આગવું મહત્વ જોવા મળતું.
શિરસ્ત્રાણ માં મુગુટ, પાઘ, પાઘડી, સાફા અને ટોપીઓ નો સમાવેશ થાય છે, આમ મુગુટ(શોભા માટે અને યુદ્ધમાં મસ્તકના રક્ષણ માટે), પાઘ અને પાઘડી એ ભારત ની મૂળ સંસ્કૃતિ છે, જયારે સાફા અને ટોપીઓ આયાતી સંસ્કૃતિ છે. ભારતમાં ઈ.સ. પૂર્વે ૩૨૩ દરમિયાન થી વિદેશી આક્રમણો થતા આવ્યા છે સૌપ્રથમ યુરોપ થી સિકંદર નું આક્રમણ થયું પણ એની અસર સંસ્કૃતિ પર થઇ નહિ પછી ઈ.સ. ૭૧૫ પછી અફઘાન અને તુર્ક આક્રમણો થયા ત્યાર થી ભારતીય મૂળ સંસ્કૃતિ પર વિદેશી સંસ્કૃતિ ની અસરો થવાની શરુ થઇ ત્યારબાદ ઈ.સ.૧૦૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણ અને ઈ.સ. ૧૩૦૪ માં કર્ણદેવ વાઘેલા ની વીરગતિ બાદ ભારત માં સંપૂર્ણ પાણે મુસ્લિમ સત્તા સ્થપાતિ ગઈ ઈ.સ.૧૫૦૦ આજુ બાજુ અફઘાની પઠાણો ના ભારત આગમન બાદ “સાફા” નું ભારત માં આગમન થયું અને એ આપડા રાજવીઓ એ અલગ અલગ સ્વરૂપ આપી અપનાવ્યો અને તે બંધાવા લાગ્યો જેથી ભારત માં તેનું ચલણ વ્યાપવા લાગ્યું અને આપણી મૂળ સંસ્કૃતિ પાઘ અને પાઘડી ને એની માઠી અસર થઇ જે પરિણામે આજે લુપ્તતા ને આરે પોહચી છે.
બાદમાં ઈ.સ.૧૬૦૦ માં પાછા યુરોપીયનો ભારત માં વ્યાપાર અર્થે આવ્યા હતા પરંતુ ભારત ની રાજનૈતિક પરિસ્થિતિ ની અરાજકતા જોઈ તેમણે એ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો અને ભારત ને પાયમાલ બનાવ્યું તેથી લોકો ગરીબ થતા ગયા અને એલોકો અમીર લેખાવા લાગ્યા હકીકતે સંસ્કૃતિક દ્રષ્ટીએ તો આપડે વિશ્વમાં સૌથી અમીર હતા પરંતુ દુર્ભાગ્યે આપડે એ તરફ વિચારવાને બદલે એલોકો ના રહેણ સહેન અને પહેરવેશ થી અંજાઈ એમનું અનુકરણ કરવા લાગ્યા અને પરિણામે ભારતીય સંસ્કૃતિ જે આપડા માટે સહજ હતી તે દુર્લભ બની અને પાઘ પાઘડી ભૂલી ટોપીઓ આપનાવવા લાગ્યા આમ અંગ્રેજો સાથે ભારતમાં ટોપીઓ આવી.
આ ટોપીઓ ના પણ વિવિધ પ્રકારો જોવા મળે છે. જે નીચે મુજબ છે
જેમાં મુખ્ય ૧૨ પ્રકારો છે અને બીજા પણ ગૌણ પ્રકારો જોવા મળે છે જે નીચે મુજબ છે.
૧. બોવ્લેર, ૨. ઈવી કેપ, ૩. ફેડોરા, ૪. બોએટર, ૫. ટ્રાયલબી, ૬. કાઉબોય,
૭. ટોપહેટ, ૮. પોરકીપ, ૯. હોમ્બર્ગ, ૧૦. એસ્કોટ કે બેરેટ, ૧૧. પનામા, ૧૨. ન્યુંસબોય અને ગૌણ માં ૧. પી કેપ, ૨. ઓફિસર કેપ, ૩. રાઉન્ડ કેપ. ૪. હેલ્મેટ.. આસિવાય પરિવર્તિત ટોપીઓ માં ૧. ગાંધી કેપ, ૨. ચાઇનીઝ કેપ, ૩. ઉત્તરાખંડ ની કેપ, ૪. મુલ્લા કેપ, ૫. વોરા ની કેપ વાગેરે જોવા મળે છે…

લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) હાલ રાજકોટ
મો. ૯૯૦૯૩ ૫૪૦૭૫ Email : djvaghela12raj@gmail.com

“એક રાજા, ચારણ, વાણિયો અને એક નાનકડી નાર આ ચાર જીવ એવા કે જેને જલ્દી ભક્તિ લાગે નઈ અને જો લાગીજાય તો બેડોપાર”

Standard

“એક રાજા, ચારણ, વાણિયો અને એક નાનકડી નાર આ ચાર જીવ એવા કે જેને જલ્દી ભક્તિ લાગે નઈ અને જો લાગીજાય તો બેડોપાર”

રાજા એટલે ક્ષત્રિય (રાજપૂત) ચારણ (ગઢવી) વાણિયો અને નાનકડી નાર આ ચર્જીવો ને કોઈપણ ક્ષેર્ત્રે જલ્દી ચિત લાગે નઈ (ભક્તિ) અને જો લાગે તો એનો છેડો ગોત્યા વગર મુકેનઈ એમાય રાજપૂત નેતો યુદ્ધ હોય વૈરાગ્ય ભક્તિ, પ્રીતિ કે અન્ય ક્ષેત્ર હોય એમાં જો ચિત લાગે તો એમાં વિજય કે શહાદત બેમાંથી એક તો મેળવી ને જ રહે એ એના લોહીના ગુણધર્મો છે … ઈશ્વરભક્તિ કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ ક્ષત્રિયો પોતાનો ભવ્યાતી ભવ્ય ફાળો આપ્યો છે એમાં અગણિત નામો છે.. રાજા વિશ્વરથ કે ભરથરી સહીત નવનાથ હોય બુદ્ધ, મહાવીર હોય, મીરાંબાઈ કે ગંગાસતી હોય રામદેવપીર કે જેસલપીર હોય ભક્ત બોડાણા (વિજયસિંહ વાઘેલા) કે રવિભાણ સાહેબ (થરાદ ઠાકોર સાહેબ) હોય અત્યારે રાજશ્રીમુનીજી અને લાલબાપુ જેવા અગણિત સંતો આ સમાજ કે રાષ્ટ્રની સંસ્કૃતિ અને ધર્મના પૃથ્વીવલ્લભો કહીશાય એવું અમુલ્ય યોગદાન આપ્યું છે પણ આજે મારે એવી વિભૂતિ વિશે કેહવું છે કે એમાંથી એકે ભારત ની આર્ય સંસ્કૃતિ ના સનાતન ધર્મ ના પાયામાં મહત્વનું ચણતર કર્યું અને એકે એ ઈમારત ને આજદિન સુધી ટકાવી રાખી છે….

મિત્રો આપ જાણતા હશો કે આપડો ધર્મ એટલે સનાતન ધર્મ અને ધાર્મિક મૂળ ગ્રંથો વેદો ને અપૌરુષેય (ઈશ્વર દ્વારા સ્થાપિત કોઈ પુરુષ કે વ્યક્તિ દ્વારા નહિ) માનવામાં આવે છે અને ચાર વેદો માં ઋગ્વેદ ને પ્રથમ વેદ માનવામાં આવે છે તેને આધારે બાકીના વેદો અને વૈદિક સાહિત્ય રચાયું એવું આપણે જાણીએ છીએ ઋગ્વેદ માં ૧૦ મંડળો, ૧૦૨૮ શ્લોકો (૧૦૧૭ સૂક્ત અને ૧૧ વલાખીલ્ય) અને ૧૦,૬૦૦ મંત્રો છે, એમાં પ્રથમ અને છેલ્લા બે મંડળો બાદમાં ઉમેરવામાં આવ્યા છે અને ૨ થી ૮ મંડળો એટલે કે કુલ સાત મંડળો પ્રાચીન માનવામાં આવે છે જે બ્રહ્મપ્રેરણાથી સપ્તઋષિઓ દ્વારા રચવામાં આવ્યા છે એમાં નું બીજું મંડળ સપ્તઋષિ માના એક મહર્ષિ વિશ્વામિત્રએ રચ્યું જે જન્મે ક્ષત્રિય અને સંસારિક જીવનમાં દિગ્વિજયી રાજા વિશ્વરથ હતા તેમણે બીજા મંડળ માં સૌપ્રથમ “ગાયત્રી મહામંત્ર” ની રચના કરી જે સૂર્ય દેવને સમર્પિત છે જેને વેદોની માતા કેહવામાં આવે છે આ મહામંત્ર મહા કલ્યાણ કારી ગણવામાં આવે છે આસિવાય તેમણે યજુર્વેદ નો ઉપવેદ ધનુર્વેદ ની રચના કરી જે યુધ્ધકળા નો પાયો છે.

જે મંત્રની રચના એક ક્ષાત્રઋષિ દ્વારા થઇ એ મંત્રને અને તેની પરંપરાને આજે પણ એક મહાસમર્થ ક્ષાત્રઋષિ લાલબાપુ (ગધેથર) આગળ ધપાવી રહ્યા છે અને સંસાર માં ધર્મને ટકાવવા પૃથ્વીવલ્લભ ની ભૂમિકા ભજવી રહ્યા છે જે ખુબ જ ગર્વ અનુભવવા જેવું અને ક્ષત્રિય સમાજે તેમાંથી પ્રેરણા લેવી રહી.
લીખીતન : વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર) ના જય અંબા-ગાયત્રી ..

શસ્ત્રો જ રાષ્ટ્રની રક્ષા કરી શકે..

Standard

“शस्त्रेण रक्षति राष्ट्र, शास्त्र चर्चा प्रवर्तते”
– શાંતિ પર્વ મહાભારત (દેવવ્રત ભીષ્મ યુધિષ્ઠિર ને કહે છે.)
(શસ્ત્રો જ રાષ્ટ્રની રક્ષા કરી શકે આમ એ માધ્ય્મથી રક્ષિત રાષ્ટ્ર(દેશ) માજ શાંતિ સ્થપાય છે અને શાંતિ હોય તો શાસ્ત્રાર્થ થાય, એટકે કે શાસ્ત્રોની રચના, એના પર ટીકા, સંશોધન, વિચાર, ચર્ચા કરી શકાય કે વિકાસની કે અન્ય બાબત પરની વિચારણા.)

જય માતાજી,

વિજયાદશમીનો મહાપર્વ, અધર્મ પર ધર્મના વિજયનો આ મહાપર્વ ખાસ કરીને ક્ષત્રિયો માટે વિશેષ મહત્વ ધરાવે છે ક્ષાત્રકુલ શિરોમણી સુર્યવંશ દિવાકર શ્રીરામચંદ્ર મહાપ્રભુ એ રાવણ રૂપી અધર્મનો નાશ કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરી, આપણી રગોમા એમનું જ લોહી વહે છે, આમ આપણે આ ઉત્સવને ખુબ જ ઉમળકાથી ઉજવીએ છીએ. અને પરંપરાગત પરિધાન શિરસ્ત્રાણ સાથે ભવ્ય રેલીઓનું આયોજન કે શાસ્ત્રપુજનનું આયોજન કરીએ છીએ.
પણ એક ક્ષત્રિય તરીકે આપણે આપણા પરંપરાગત અસ્ત્ર-શસ્ત્ર વિષે કેટલું જાણીએ છીએ? શસ્ત્ર ધારણ કરનારમા વિવેક, વિનય અને ધૈર્ય ખુબ જ જરૂરી છે, પણ આપણે દશેરા કે લગ્નના પ્રસંગે ઉન્માદમાં એજ ચુકી જઈએ છીએ, કે આપણા પૂર્વજો એ ધારણ કરી રણમેદાન મા શત્રુદળમાં હાહાકાર મચાવતા શત્રુઓના મસ્તાકોના ના ઢગ કરી એનાપર સુર્ય સામાન શોભતા એની તેઓ પૂજા આરાધના કરતા, એ આપણા પરંપરાગત અસ્ત્ર-શસ્ત્રોમા વિવિધ પ્રકારના ખડગ, ખાંડા, તલવાર, કટાર, ચક્ર, ગદા, મગદળ, અંકુશ, પાશ, વિવિધ પ્રકારના શૂળ (ભલા, સાંગ, બરછી વગેરે), દ્વીશુળ, ત્રિશુલ, વિવિધ પ્રકારના બાણ, ધનુષ્ય વગેરે જેમાં ખાસ કરીને ખડગ, ખાંડું કે તલવારને વિશેષ સ્થાન છે, તલવારના ઘણા સ્વદેશી અને વિદેશી પ્રકારો છે જેમાં તેગ, અફઘાની પુલ્વાર, તુર્કી કિલ્જ, અરબની સૈફ, ઈરાની શમશીર, સુલેમાની, જમધર, ગંગાજમની જેવા સ્વદેશી સાથે જાપાની કટાનાં, ચાયનીઝ અને સમુરાઈ સમુદાયની સમુરાઈ, ફિરંગી, ક્રીચ(સ્વોર્ડ) વગેરે જે એના પાના અને મુઠ પરથી ઓળખી શકાય છે આમ પાના અને મુઠ ના પણ વિવિધ પ્રકારો છે, એના પાનાં બનાવવાની પ્રાચીન રીત ખુબ જ વિશિષ્ટ હતી તલવારના પાના બનાવવા ઉપયોગમાં લેવાના પોલાદના પટ્ટાઓ ને વિશિષ્ટ જડીબુટ્ટીઓ લગાવી જમીનમા મોટો ખાડો કરી એમાં છાણ સાથે વિશિષ્ટ રસાયણો નાખી એ પાટાઓને એમાં દાટી દેવામાં આવે કેહવાતું કે એના પર રસયણો ને જડીબુટ્ટીના પ્રભાવથી ચોક્કસ વીજળી પડતી અને ખાડામાંનું છાણ બળી જતું અને એ વીજળી પાછી ઉપર ચડવાને બદલે એ પોલાદમા સમાઈ જતી જેથી એ શક્તિ (પાવર)થી એ શક્તિપુંજ સામાન બની જતી, એવા દિવ્ય શસ્ત્રોને આપણે માત્ર ભભકા માટે જેમ ફાવે તેમ પ્રદર્શિત કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે એ આપણા માટે શક્તિ (ભગવતી)નું પ્રતિક છે, શક્તિ પુંજ છે, પૂજા કરવાનું સાધન છે, નઈ કે પ્રદર્શન નું, આમ એ ક્યારે બહાર આવે એના વિષે એક સુંદર શ્લોક છે,
मिम्यक्ष येषू सुधिता ध्रुताची हिरण्यनिर्णीगुपरा न रुष्टा I
गुहा चरन्ति मनुषो न योषा सभावती विदथ्येव सं वाक् II
(મેઘ મંડળમાં સ્થિત વિધુત એટલેકે વીજળી સમાન, ક્ષત્રિયોના મજબુત હાથોમાં સોનાની જેમ ચળકાટ કરતી તલવાર આવરણમાં એટલેકે મ્યાનમાં, મર્યાદામાં રેહતી સ્ત્રી સામાન છુપાઈ રહે છે, એ વિદ્વાનોની વાણીની જેમ વિશિષ્ટ પરિસ્થિતિ માંજ બહાર આવે છે.) આમ જેમ તેમ બહાર ન કાઢવી.

(શસ્ત્રપૂજન વિધિ વિષે) :-
શસ્ત્રપૂજન એ શાસ્ત્રોક્ત વિધિ છે પેહલાના જમાનામાં એના પૂજન માટે કે શસ્ત્ર/યુધ્ધ અભ્યાસ ની શરૂઆત કરતા ક્ષાત્રબાળ માટે એક વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવતું, પરંતુ એના સીવાય પરંપરાગત વિધિ પણ પ્રચલિત છે જે અત્યારે જુજ કે નહીવત ક્ષત્રો કરે છે, જે નીચે મુજબ છે.
નોમના મા ભગવતી કુળદેવીના નીવેધ કરી ભગવતીની આરાધના પૂજા કરી એ રાત બ્રહ્મચર્ય પાળી બીજે દિવસે વિજ્યાંદશમીની સવારે (ઘણા સાજે પણ આવીધી કરે છે) યોગ્ય મુહુર્ત મા જો રેગુલર જનોઈ ધારણ ન કરતા હોવ તો ૫૧ ગાયત્રીમંત્ર જપ કરી જનોઈ ધારણ કરી માત્ર ત્રીવસ્ત્ર (ધોતી, ઉપવસ્ત્ર અને જનોઈ) ધારણ કરી કુળદેવીના પૂજા સ્થાનપર એક બાજોઠ પર કેશરી કપડું પાથરી તેના પર પોતાના પૂજનીય શસ્ત્રોને સ્થાપિત કરી વૈદિક મંત્રોચાર( ક્ષાત્રઋષિ વિશ્વામિત્ર રચિત યાયુંર્વેદના ઉપવેદ ધનુર્વેદમાં દર્શાવેલ ખડગ સ્તુતિના શ્લોકો) જો એ ના ફાવે તો નીચે દર્શાવેલ પ્રાથના થી પૂજન કરવું, પ્રથમ ગણેશને યાદ કરી ભગવતીને યાદકરી શક્તિ ને સમરવી પ્રથમ તલવાર રૂપી શક્તિને મ્યાનથી બાર કાઢી તેને જળ અભિષેક, ત્યારબાદ દૂધ અભિષેક કે છાસ ત્યારબાદ ઘીનો અભિષેક, ત્યારબાદ સિંધુર થી એને ચાંદલા કરવા, અને તલવારને મ્યાન કરી ચુંદડી ચડાવવી (એને મ્યાન સહીત ચુંદડી બાંધવી) ત્યારબાદ એની આરતી કરવી.
(ભગવદ્ગોમંડલ પ્રમાણે)
• તલવારમાં કોઈદિવસ તમારું મોઢું જોવું નહિ
• જો યુંદ્ધ સમયે તલવાર પોતાની હાથે મ્યાન બહાર આવે તો યોદ્ધો અવશ્ય વિજયી થાય છે, અમુકના કેહવા પ્રમાણે શસ્ત્રગારમા ઘણી પડેલી તલવારમાંથી જે સંકેત આપે એને રાજા યુંદ્ધમાં ધારણ કરતા,
• કીર્તિ કે સમૃદ્ધિની આશા હોય તો તલવાર્પર રુધિર અભિષેક કરવો. (અમુક શાસ્ત્રોમા સ્વરુધીર અભિષેક વર્જિત માનતો કારણ કે ધનુર કે ઝેરી પાનાથી નુકશાન થઇ એ હોઈ શકે)
• સંતતિ ની આશા હોય તો ઘી થી અભિષેક કરવો,
• સંપત્તિની આશા હોય તો પાણીણો અભિષેક કરવો.
આમ પૂજન કે યુધ્ધ સિવાય તેને મ્યાનથી સંપૂર્ણ બહાર કાઢવી નહિ.

(ક્ષત્રિય તરીકે શસ્ત્રશક્તિને પ્રાર્થના):-
મૂળ આ હિન્દીમાં છે મેં ગુજરાતી ભાષાંતર કરેલ છે, જે નીચે મુજબ છે..
“શસ્ત્ર પૂજા હેતુ હે પ્રભુ વિનય અમને આપજો
રહે સમર્પિત ગુરુચરણ એવું હૃદય અમને આપજો
પ્રભુ વિનય અમને આપજો…….૧)

આપજો સદભાવના, સદકામના, સતસાધના
શક્તિને પ્રતિ ભક્તિથી કરીયે અમે શસ્ત્રોપાસના
ન્યાયના પથ પર નિરંતર અભય અમને આપજો
પ્રભુ વિનય અમને આપજો…….૨)

રાષ્ટ્રથી રક્ષિત રહીએ અમે રાષ્ટ્રની રક્ષા કરીએ
આપજો આદેશ અમને રક્ષા અમેં નિર્બલની કરીએ
હર ક્ષેત્રમાં ધર્મકાર્ય હેતુ વિજય અમને આપજો
પ્રભુ વિનય અમને આપજો…….૩)

શસ્ત્ર પૂજા હેતુ હે પ્રભુ વિનય અમને આપજો
પ્રભુ વિનય અમને આપજો……….

(આપણી પ્રચલિત પારંપરિક ખડગ/તલવાર યુંદ્ધકળા પ્રદર્શન/નિદર્શન વિષે) :-
૧) દાવ :- (તલવારબાજી)
પ્રાચીન યુધ્ધકલા મા દાવનું મુખ્ય સ્થાન હતું એ યુધ્ધ અભ્યાસમા કરવામાં આવતા યોગ્ય ગુરુ પાસે ક્ષાત્રો તેનો અભ્યાસ કરતા યજુર્વેદ પ્રમાણે મૂળ ૧૨ પ્રકારે ખડગ-કવચ (તલવાર- ઢાલ)ના દાવો હતા, અને દરેકના પેટા પ્રકારો હતા, સમયાંતરે એમાં ઉમેરો થતો જતો. જે મૂળ કળા હતી જે અત્યારે દક્ષિણ મા ક્યાંક કયાંક જોવા મળે છે બાકી એ લુપ્ત થઇ છે એ સિવાય લાઠીના દાવો પ્રચલિત હતા.
૨) તલવાર સમણવી:- (તલવારબાજી)
આ અર્વાચીન કળા છે જે મૂળ તો દાવ પરથી જ ઉતરી આવી છે જે મુખ્ય રીતે ગુજરાતમાં જ વધારે પ્રચલિત છે આજથી ૭૦-૮૦ વર્ષ પેહલા અનુ અસ્તિત્વ ના હતું એવું મારું માનવું છે, પણ એનું આજે વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તલવારની ચમકના ભભકા ને કારણે ભારે રોમાંચ જગાવે છે, પણ તલવાર સાથે ક્ષત્રિયને જોડીરાખવાનું આજે એ કામ કરે છે, બુન્ગીયાના નાદમાં ક્ષણમાટે એને સમણતા શુરાતન રૂપે ક્ષાત્રત્વનો સંચાર જરૂર કરે છે, આ કલાને મેર લોકોએ તેમના પ્રાચીન મણીયારા રાસ (મણીયારો મૂળ દાંડિયા સાથેજ લેવાતો)મા તલવાર ઉમેરી શિવજીના હાલરડા ને એ ઢાળમાં સુંદર રાસ તૈયાર કરેલ છે જેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે, તેમાં રાણાભાઈ સીદા ને એમની ટીમ ખુબ પ્રસિદ્ધ છે, ક્ષાત્રયુવાઓને આ અંગે તાલીમ આપવાનું બીડું ઘણા ક્ષાત્રગ્રુપ કરી રહ્યા છે જેમાં આદિપુર સ્થિત તલવારબાજી ટીમ (ધ્રુવરાજસિંહ અને તેમની ટીમ) મુખ્ય છે તથા શ્રી રાજ ક્ષાત્રગૌરવ સાંસ્કૃતિક સંસ્થાનની મારી ટીમ દ્વારા પણ અમે પ્રયત્નો કરીએ છીએ.
આમ વર્તમાન યુગમાં આપડા આ પરંપરાગત શસ્ત્રોનું સ્થાન આધુનિક રાઈફલ, મિસાઈલ, રેન્ક , ફાઇટર્સ વગેરે એ લીધું છે અને આપડા આ પરંપરાગત શસ્ત્રોની જરૂર આજનાયુદ્ધમા ઓછી છે પરંતુ આજે પણ એ રીત શસસ્ત્રદળો પણ જાળવે છે ઓફિસરને પી.ઓ.પી. મા સ્વોર્ડ આપવામાં આવે જ છે અને તાલીમ મા ઉત્તમ પ્રાદર્શન કરનારને સ્વોર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, શસ્ત્રપુજનમા એ આધુનિક હથિયારોની પણ પૂજા કરી શકાય રિવોલ્વર, પિસ્તોલ. વગેરે પરંતુ અપડા પારંપરિક શસ્ત્રો એ શક્તિનું રૂપ છે, શક્તિ પુંજ છે, એને ક્ષત્રિય તરીકે ઘરમાં રાખવાથી અને પૂજવાથી આયુંગમાં પણ આત્મ વિશ્વાસ ગજબ વધે છે, કોઈપણ ક્ષેત્રમાં સંઘર્ષ મા એ વિજય અપાવે છે, એ નક્કી છે, અંતે ક્ષત્રિય તરીકે શસ્ત્રને સમજીએ એની આમાન્યા જાળવીએ અસ્તુ.
લીખીતન : શ્રી રાજ ક્ષાત્રગૌરવ સાંસ્કૃતિક સંસ્થાન વતી
વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર)
સાભાર: રાજભા ઝાલા (વાંકાનેર) અને કિશોરભાઈ પટગીર..

આ ઘટનાની આખા વિશ્વએ નોંધ લીધી છે..

Standard

આ ઘટનાની આખા વિશ્વએ નોંધ લીધી છે. આ સ્ટેચ્યુ (શિલ્પ) હાલ પણ જામનગરના લાખોટા ખાતે છે.

જામ રણજીની યાદમાં ભારત દેશમાં ક્રિકેટની રમતમાં અત્યંત મહત્વની તેમ જ પ્રથમ કક્ષામાં ગણાતી રણજી ટ્રોફી રમાય છે. પણ તેઓ શિલ્પોના ય શોખીન હતા. તેમની અશ્વશાળામાં અનેક જાતવાન કાઠિયાવાડી અશ્વોનું હયદળ હતું. એ સમયે વધુ અશ્વ ધરાવનાર શાહુકાર ગણાતા હતા. ગોધન (ગાયોરુપી ધન), વાજીધન (અશ્વોરુપી ધન)નો ખૂબ જ મહિમા હતો.

જામ રણજીને એવી ઇચ્છા થઈ કે કાઠિયાવાડી જાતવાન અશ્વ પર આરૃઢ હોય એવા પોતાના વડવા જામ રાવળનું આદર્શ સ્ટેચ્યૂ બનાવવું…! આ માટે એમણે દુનિયાભરના અચ્છા શિલ્પીઓની શોધ આદરી, આખરે એમનું મન મૂળ અમેરિકાના વતની અને પેરિસમાં રહેતા વિશ્વના પ્રખ્યાત ‘ઈક્વાઈન સ્કલપ્ચર એક્સપર્ટ’ આલ્બર્ટ હેસ્ટેલાઈન પર સ્થિર થયું… તેમને નિમંત્રણ આપી જામનગર તેડાવવામાં આવ્યો, એ એમના કેમેરા સાથે જામનગર આવ્યો ત્યારે એમને જામ રણજીએ કહ્યું કે, “જેન્ટલમેન, આપની પાસે મારા દાદા કાઠિયાવાડી અશ્વ પર બિરાજમાન હોય એવું સ્ટેચ્યૂ બનાવવું છે.” એ માટે જામ રણજીએ શિલ્પીને પોતાનું ક્રિકેટ પેવેલિયન ખાલી કરી દીધું. વીરપુર સ્ટેટ પાસે કાઠિયાવાડી અશ્વ “બૃહસ્પતિ” હતો, જૂનાગઢના નવાબ મહોબતખાનજી પાસે “અશ્વિનીકુમાર” નામે અશ્વ હતો, એ પણ અસ્સલ કાઠિયાવાડી અશ્વ હતો. આ અશ્વને શિલ્પી આલ્બર્ટ હેસ્ટેલાઈન સમક્ષ રજૂ કરાયો અને આ અશ્વનું અદ્દલ સ્ટેચ્યૂ બનાવવાનું હતું. આ માટે જેટલાં નાણાં વાપરવાં પડે એ મંજૂર છે – એમ કહેવાયું!

સ્ટેચ્યૂ બનાવવા માટે આલ્બર્ટ ત્રણ માસ જામનગર રોકાયો. બાકીનું કામ તેણે પેરીસ જઈ અરબી ઘોડાને સામે રાખી પૂરું કરવાનું નક્કી કર્યું. જોકે રણજીએ તુરંત જ કહ્યું, “ના, મારે અરબી અશ્વની શિલ્પમાં એક પણ લકીર ન જોઈએ! જીવથી પણ વિશેષ વહાલા મારા અશ્વિનીકુમાર અશ્વને સ્ટીમરમાં બેસાડીને હું આપના સ્ટુડિયોમાં મોડેલિંગ માટે મોકલીશ.” આ વાત સાંભળી શિલ્પી આલ્બર્ટ ચમકી ગયો. બીજી બાજુ અશ્વિનીકુમાર કાઠિયાવાડી અશ્વની સારસંભાળ રાખતા જીરૃઝ્રઈજી (સાયસ) મહંમદભાઈને જામ રણજીએ રાજમહેલમાં બોલાવ્યા અને કહ્યું, “તમારે અશ્વિનીકુમાર અશ્વને લઈને એના મોડેલિંગ માટે આલ્બર્ટ હેસ્ટેલાઈનના સ્ટુડિયોમાં પેરિસ જવાનું છે, તમો જવાની તૈયારી કરો…!”

આ અશ્વને પેરિસ-ફ્રાન્સમાં લઈ જવા માટે ખાસ પ્રકારનું શીપ તૈયાર કરાયું. એમાં અશ્વિનીકુમાર અશ્વને ભાવતાં ભોજનનો સ્ટોક, ઘાંસ, બે વર્ષ કે તેથી વધુ લાગલગાટ ચાલે એવી વ્યવસ્થા કરાઈ અને જામનગરથી ૬૦૦૦ માઈલ દૂર આવેલા પેરિસ જવા શીપ રવાના થયું. અશ્વવિદ્યાના જાણકાર ભૂતપૂર્વ ડી.એસ.પી. રઘુરાજસિંહ ઝાલાના કહેવા પ્રમાણે, “મોડેલિંગ માટે એક અશ્વને આટલાં લાંબા અંતરે રૂબરૂ મોકલવાનો વિશ્વનો આ પ્રથમ બનાવ હતો.”

લાંબી મુસાફરી બાદ આ અશ્વ પેરિસના ગેરે-દ-લીયોન બંદરે આવી પહોંચ્યો ત્યારે સમગ્ર ફ્રાન્સ દંગ થઈ ગયું. બ્યુટીફૂલ અશ્વ અશ્વિનીકુમારને જોવા પેરિસના લોકોએ બંદર પર પડાપડી કરી મૂકી હતી!! બધાંનાં મુખમાં એક જ વાક્ય હતું, “હાઉ બ્યુટીફૂલ હોર્સ…!” બંદરના અધિકારીઓ, પોલીસ પણ અચંબામાં પડી ગયા હતા. ૧૯૨૪ની સાલમાં આ બનાવની નોંધ વિશ્વનાં અનેક અખબારોએ લીધી હતી. એ જમાનામાં લંડનના “ઈલસ્ટ્રેટેડ વીકલી” નામના પ્રખ્યાત અખબારે અશ્વના આગમન વખતે એમના સ્પેશ્યલ રિપોર્ટરોને અને ફોટોગ્રાફરોને ગેરે-દ-લીયોન બંદરે રિર્પોટિંગ માટે રૂબરૂ મોકલ્યા હતા. જેનો અહેવાલ આખું પાનું ભરીને પ્રગટ કર્યો હતો. આ અખબારની નકલ પોરબંદરના અશ્વપ્રેમી રાજેન્દ્ર જાડેજાએ સંભારણાં તરીકે હજુ સાચવી રાખી છે.

એક અશ્વને મોડેલિંગ માટે હજ્જારો માઈલ દૂર પેરિસમાં મોકલવાની વિશ્વમાં આ પ્રથમ ઘટના હતી. આલ્બર્ટ હેસ્ટેલાઈને જે દિલ રેડીને સ્ટેચ્યૂ બનાવ્યું તે વિશ્વના ઉમદા પ્રકારના “હિરોઈક ઈકવેસ્ટેરિયન” તરીકે ગણાવાય છે. આમ, જામ રણજીએ કાઠિયાવાડી અશ્વનું જ અદ્દલ સ્ટેચ્યૂ બને એ માટે કેટલી વિશાળ કવાયત કરેલી એ ઘટના નોંધનીય છે. પરફેક્શન માટે એમણે કોઈ બાંધછોડ ન સ્વીકારી અને અશ્વને છેક પેરિસ મોકલ્યો.