Tag Archives: Dolat Bhatt

ઇન્દોર ના રાજમાતા

Standard

હાલો રાજમાતાના મહેલને ટેકો દેવા!

અહલ્યાબાઇએ ઇંદોરની રાજગાદી પર ૩૦ વર્ષ રાજ્ય કારોબાર સફળતા સાથે ચલાવ્યો હતો. સારૂ રાજ્ય ચલાવવા માટે તેમણે તુકાજી હોલકર નામના પરાક્રમીને સેનાપતિ બનાવ્યો હતો

પિયુના પ્રેમનીપછેડી ઓઢી સુખનિદ્રામાં પોઢેલી નવવધુના નેત્રમા રમતા સોણલા જેમ મધ્ય પ્રાન્તને વીંધતી સરિતા વહી રહી છે.

તો બીજી બાજુ જાણે મોતી જડયા હોય એવું રૂપ ધરીને સરોવરના જળ ચંદ્રના શિતળ કિરણો ઝીલી રહ્યાં છે.

ઇન્દ્રના બગીચામાં આળઓટીને દોટે ચડેલો પવન ફંગોળાઇ રહ્યો છે. ભગવાન શિવના મંદિરના શિખરને શોભાવતી ધજા ફરકી રહી છે. શરમાળ છોકરીની જેમ મધરાત ધીરાં ધીરાં ડગ્લા દઇ રહી છે. જીવન માતર જંપી ગયા છે.

એવે ટાણે મંદિરની પરસાળમાં ભુદેવો ભેળા થઇને લીલાગર ઘૂંટી રહ્યા છે. ત્રાંબાના દમડા-દોકડા નાખીને કેફમાં ઉમેરો કરી રહ્યા છે. શિવશંકર ને કરૃણાશંકર દુર્ગાશંકરને જટાશંકર મૂળશંકરને મણિશંકરના વિશાળ ભાલમાથે ત્રિપુંડ તણાયેલા છે. ત્રાંબાવરણા ઉઘાડા ડીલ માથે જનોઇના ત્રાગડા યમુનાના પ્રવાહમાથે ગંગાજળના લીસોટા જેવા તરી આવતા દેખાઇ રહ્યા છે. હાથ હાથની શિખાઓ ગરેડી જેવા કાંધ માથે ગૂજલી રહી છે. બુદ્ધિના અને ભુજના બળિયા બ્રાહ્મણો લીલાગર (ભાગ)નો કેફ કરવા આતુર થઇ રહ્યા છે. અધરાતના આભમાંથી સુધા નીતરે એમ ત્રબક … ત્રબક… ભાગ. કટોરામાં ગળાવવામાંડી એક પછી એક કટોરામાં ભૂદેવોના પેટમાં ઉતરવા લાગ્યા. એક બે અને ત્રીજે કટોરે તો ભુદેવોને ભોમકા ધણેણતી દેખાવા માંડી.
કરૃણાશંકર..!

બોલ દુર્ગાંશકર તારૂં શું કે’વું થાય છે ?

”આ ધરતી ઘણેણે છે.”

હા ધધેધે છે.

હમણા બધુ ડટ્ટ પટ્ટણ.

બીજાએ વાતને આધાર દેતા કહ્યું.

”આપણા રાજમાતાનો મહેલ પડશે.”

”તે પડેજ ને”

રાજમાતા તો ગૌ – બ્રાહ્મણ પ્રતિપાળ લેખાય એના મહેલને હાલો ટેકો દેવા.

હાલો કહેતા ભાગના ઘેનમાં ચકચૂર થયેલા ભુદેવોએ પટોપટ પાઘડી માથે મુકી દોટ દીધી, ઇન્દોરના રાજ મહેલ ઢાળી તેદિ’ ઇન્દોર ઉપર અહલ્યાબાઇ હોલકરના રાજ તમે ઉદધિ જેવા ઉદરવાળી ઉદારતાની અવધિ જેવી મા નર્મદાનાનીર જેવી રાજમાતા અહલ્યાબાઇ એટલે અમીરાતનો છલ્લો છલ્લ કૂંપો જોઇલો,સત્તાનો મદ જેને છળ્યો નહીં, કુડ કપટની જેની પાસે કારી ફાવે નહીં બદમાસી જેનાથી બોંતર ગાઉ અળગી રહે. જેની રંગે રંગમાં નરી ખાનદાનીનું લોહી વહે. જેની નજર અઢારેપ આલમને એક સરખી ભાળે જેના પૂણ્યના બળે તેદિ’ ઇદોરની રાજગાદી અદકેરી અરધી ઉઠી હતી. એવી અહલ્યાબાઇના રાજ મહેલને પડતો બચાવવા વગડો વીંધીને ભૂદેવો ભાંગના ઘેનમાં પુગ્યા ત્યારે પ્રાગડયના દોર ફૂટી ગયા હતા. પક્ષીઓના ટહુંકા વેરાઇ રહ્યા હતા. દેવમંદિરોમાં દુન્દુભી વાગી રહ્યા હતા. મંગળ તુરીના, નાદના ઇન્દોર તરબોળ થઇ રહ્યું હતું ઘંટારવ અને મંત્રોચ્ચારે દેવળોના ગુંબજો ગુંજી રહ્યા હતાં.

ઝરૂખે ઊગતા અરુણના દર્શન કરવા ઊભેલા રાજમાતાએ અચરજ દીઠું ભૂદેવો પોતાની પાઘડીથી મહેલને બાંધી પડતો બચાવવા દાખડો કરી રહ્યા હતાં. રાજમાતાએ તરતજ મહેલમાંથી માણસ મોકલી તપાસ કરવા કહ્યું.

હડી કાઢી માણસો મહેલ પાછળ પૂગ્યા તાડૂકીને બોલ્યાં.

‘મા’રાજ આ શું કરો છો ?’

‘એલા ભાન છે કે નહિ આ ધરતીકંપ થાય છે તે રાજમાતાને બચાવવા આ મહેલને ટેકો દઇ રહ્યા છીએ.’
રાજમહેલના માણસો બ્રાહ્મણોની વાતનો મરમ પારખી જઇ પાછા વળી ગયા.

અહલ્યાબાઇને જઇને કહ્યું. ભાંગના ઘેનમાં બ્રાહ્મણોને લાગ્યું કે ધરતીકંપ થઇ રહ્યો છે. તેથી મહેલ પડશે મહેલ પડે તો રાજમાતા દટાશે એવું માનીને આવી ચેષ્ટા કરી રહ્યાં છે.

માણસોનો ઉત્તર સાંભળી હળવું હસી સવારના કાર્યમાંથી પરવારી રાજકચેરીમાં બેઠા !

પહેલો હુકમ છૂટયો, બોલાવો બ્રાહ્મણોને પાંચેય બ્રાહ્મણો હાજર થયા એટલે અહલ્યાબાઇ બોલ્યાં,

ભૂદેવો તમે અભાન અવસ્થામાં મારા કલ્યાણનો જે વિચાર કર્યો તેની કદર રૂપે આ બે હજારની ઉપજનું ગામ હું તમને બક્ષીસ આપુ છું. તેનો આ લેખ.

વધુ માહિતી.

ભારતના ઇતિહાસમાં જેનું પુણ્યવંત નામ અમર થયું છે તે રાજમાતા અહલ્યાબાઇએ ઇંદોરની રાજગાદી પર ૩૦ વર્ષ રાજ્ય કારોબાર સફળતા સાથે ચલાવ્યો હતો. સારું રાજ્ય ચલાવવા માટે તેણીએ તુકાજી હોલકર નામના પરાક્રમીને સેનાપતિ બનાવ્યો હતો જે રાજ્ય લોભ વગરનો અને વફાદારએ બહાદુર હતો.

– ત્રીસ વર્ષ સુધી ઇંદોરના ઇતિહાસમાં ઇદી નહોતી અનુભવી એવી ન્યાયી રાજ્ય વ્યવસ્થા લોકોએ અનુભવી.

– રાજમાતા બપોરના બે વાગ્યાથી છ વાગ્યા સુધી રાજકચેરીમાં બેસીને કારોબાર ચલાવતા હતા તે પછી રાતના નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કારોબાર માટે બેસતા હતા.

– આ રાજમાતા ઇ.સ.૧૭૯૫માં અવસાન પામ્યા હતાં.

– તેમણે ૩૦ વર્ષની વયે રાજ્યની લગામ હાથ પર લીધી હતી. ૬૦ વર્ષની વય સુધી તેમણે રાજ્ય કર્યું હતું.

તણખો :

કેળવણીએ અતિ મહત્વનો મુદ્દો છે. આપણે ખરા અર્થ સમજયાજ નથી હસ્ત ઉદ્યોગએ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં અંતરાય રૃપ નથી. સાહિત્યના શિક્ષણથી જે સંકારિકતા મળે છે તેવી ખેતીના કામથી પણ મળે છે.

ધરતી નો ધબકાર – દોલત ભટ્ટ

“બાપ, કહુંબાનો દેનાર ગયો..!” – દોલત ભટ્ટ

Standard

બાપ, કહુંબાનો દેનાર ગયો !’
ઘૂંઘટ ઊપડતાં જ નવોઢાના ગોરા ગોરા ગાલ પર શરમની સુરખીઓ છવાય એમ ઉગમણા આભમાં અરુણના અજવાળાની રાતાશ છવાઈ ગઈ છે. ઉષાનો ઉઘાડ થતાં જ લોકજીવન શરૃ થઇ રહ્યું છે.
ગવતરીના ગાળા છૂટયા, પંખીઓએ માળા છાંડયા. ખેડૂતોએ સાંતી જોડી. વાડી ખેતરના મારગ સાંધ્યા.
આવા ટાણે ગઢુલા ગામને દરબારગઢની દોઢીએ ગંગાજળિયા ગોહિલો કહુંબો કરવા ભેળા થયા છે. આરસની ખરલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને કસુંબલ રંગ ધારણ કરેલા કહુંબાના કટોરા ભરાઈ રહ્યા છે. ડાયરો બધો રંગમાં છે.
લાંબો પલ્લો પાર કરીને અવસ્થાને આંબું આંબું થઈ રહેલા ગઢવીએ ડાયરાને રામરામ કહેતા ઘોડાના પેગડા છાંડયા. ગામધણીએ ઊભા થઈને દેવીપુત્રને આવકારો દીધો.
ભલે આવ્યા ગઢવી ‘ધન્ય ઘડી ધન્ય ભાગ્ય’. બાપુનો માણસ ઘોડાને લઈ ગયો. પાખરુ ઉતારી મૂઠી ફાટે એવા બાજરાના જોગાણનું પાવરું બાંધ્યું.
ગઢવીએ ડાયરામાં બેઠક લીધી. રૃપાના પતરા જેવી દાઢી, કાંડા ઉપર બેરખો. ગળામાં મા જગદંબાને આરાધવાની માળા છાતી ઉપર ઝૂલી રહી છે.
‘મરદ એને જાણીએ
માંગતા આવડે મોત,
માંગ્યું કીરતિ સોત
કેવળ એક કાથડીએ.’
દૂહો લલકારીને દરબારગઢના દરબારીઓ આગળ ગઢવીએ એક વાર્તા પૂરી કરી. વાર્તા પૂરી થતાં જ દરબારે કહ્યું, ‘લો ગઢવી, કહુંબો લ્યો !’
કસુંબાનું નામ પડતાં જ ગઢવીએ કહ્યું : ‘બાપ, કહુંબાનો દેનાર ગયો.’
દરબારનો લંબાયેલો હાથ એમ જ થંભી ગયો. ગઢવીની મર્મવાણી કોઈ કળી ન શક્યું. એટલે ફરીને તાણ કરી અને કીધું, ‘દેવીપુતર બેઠા રે, અને અમે એકલા કહુંબો ઢીંચી જાઈં ઈ ઠીક નો કે’વાય.’
‘દરબાર, અવળો અરથ નોં કરો. હું જાણું છું. તમે રાજનું કુળ છો. પણ દરબાર, વાત એમ છે કે મને કહુંબો ચડતો નથી ને કહુંબો ઊતરતો ય નથી.’
કેસરી કહુંબો ભરેલે દરબારનો હાથ એમ જ થંભીને રહ્યો જેવો પહેલો હતો. ડાયરો તાજુબ થઈને સાંભળી રહ્યો.
‘એનું કારણ, ગઢવી ?’
‘કારણ તો ઘણું ગૂઢ છે. કે’વું નકામું છે.’
‘કાં તો કારણ કે’વું પડશે, કાં તો આ કહુંબો પીવો પડશે.’ દરબારે હઠ કરી.
‘કહુંબો તો આ ભવમાં નહીં લેવાય.’
‘તો ગઢવી, કારણાને છતું કરો, સારી વાત તમારી.’
‘તો સાંભળો.’ જિંદગીની અરધી અવધિ પૂરી કરીને આરે બેઠેલા ગઢવીએ દાઢીના થોભિયા ઉપર હાથ ફેરવ્યા.
ભેટને જરા કસકસાવીને બાંધી. ઊંડી ઊતરી ગયેલી આંખ્યું બેઠેલા ડાયરા ઉપર ફેરવી દીધા પછી ગઢવીએ વાત માંડી.
‘વૈશાખનો તડકો ભોમકાના સાતે ય પડને તપાવીની પોતાના શેરડા પાતાળ સુધી પુગાડી, પાતાળનાં પાણીને ધગાવી રહ્યા છે. પગ મૂકતાં જ ઝળેળા ઊપડે એવી ભોમકા ધગી ગઈ છે. એવે ટાણે હું ભૂતિયા ગામના ચોરે આડે પડખે થ્યો’તો. એમાં એકાએક કહુંબો ઊતરી ગયો. ડાબળી કાઢીને જોઈ તો ઈ ખાલી. કહુંબો તો સણોસરે માકશ્ઠની હાટડી વગર મળે નઈ. ત્રણ ગાઉં ને તરભેટે કહુંબો લેવા જાઈ કોણ ? કહુંબાના ઉતારાથી મારા ગૂડા ગળી ગયા’તા.
‘ધોમ તડકામાં ગામમાં માણસો જંપી ગ્યા’તા. પશુપંખીનાં પેટ ધમણની જેમ હાંફતાં’તાં. આવા આકરા ટાણે કોઈ ફરકતું નો’તું.
‘એમ કરતાં કરતાં આભમાં ઊભે પગે ઉભેલો સૂરજ જરાક પડખવા નમ્યો ને રોંઢો ઢળ્યો. ઈ વખતે ગઢ ભણીથી એક તરવરિયા જુવાને ઘોડે ચડીને આવતો ભાળી મારા રૃંવે રૃંવે ચેતના જાગી. જુવાન બરાબર ચોરાના કટઝોડા પાસે પૂગ્યો. ને મેં પડકાર્યો.
‘એલા, જુવાન ઊભો ‘રે.’
‘જુવાને ઘોડાનું ચોકડું ડોચ્યું, ને પછી મારી સામે મીટ માંડી કીધું : બોલો ગઢવી, શું કામ પડયું ?’
‘કામ તો વસ્તાર વગરનું છે. આ કહુંબાનો ઉતાર આવી ગયો છે ને ડાબળી ખાલી છે. સણોસરે જઈને પાવળીનું અફીણ લઇ દે.’
‘અબઘડી ઘોડીને અવાડે પાણી દેખાડી ઊપડું છું. તમે ગઢમાં કે’વરાવઈ દેજો કે, કાથડ સણોસરે અફીણ તોલાવવા ગ્યો છે.’
‘મેં કીધું, ભલે બાપ. પણ ક્યાંય ખોટી થાતો નઈ. કહીને હું ખાટલામાં પાછો આડે પદખે થ્યો. કાથડ મારતે ઘોડે સણોસરે પૂગ્યો તો ખરો, પણ માકા શેઠની હાટડી સિવાય કળીએ મળવી મુશ્કેલ. હટાણે માકા શેઠની વાટ જોતો કાથડ ગામમાં આડો આવળો થ્યો.’
‘ધરતી ઉપર આંખ્યું ઠરી જાય એવી નમણી સાંજ ઢળી, ને માકાશેઠનું ગાડું પાદરમાં પૂગ્યું. આ શેઠ ને કાથડે રસ્તામાં જ આંતર્યા ને કીધું કે, ‘શેઠ, પાવલીનું અફીણ તોળી દ્યો.’
‘શેઠનું ગાડું પરભારું હાટડી તરફ હાલ્યું. દુકાન ઉઘાડી, અફીણ તોળી પડીકું વાળી જ્યાં કાથડના હાથમાં મૂક્યું ત્યાં તો પાદરમાં બંદૂકનો ભડાકો થયો. એના પડઘા ઠરે ઈ પે’લાં ઉપરાઉપરી ધડીં… ગ…ધડીં…ગ.. મંડયા જામગરીના ભડાકા થવા. માકા શેઠ હાટડી બંધ કરી ગૂણ્યું આડા ઊતરી ગ્યા.’
‘કાથડ ઘોડાને પાછો મરડીને ભુતિયે આવવા નીકળ્યો. નીકળતાં જ ભેટો થઈ ગ્યો. ત્રણે ય આડે ઘોડાને ઊભો રાખીને કાથડે કીધું : પાચ વળો. આ ગામનું તણખલું પણ તમારાથી નહીં હલાવાય.’
‘કાથડ, તું તારે મારગ હાલતો થા. આ ક્યો બાપીકું ગામ છે તે હાથે કરીને કાળને વળગવાના કોડ જાગ્યા છે ?’
‘હું જીવતાં કોઇથી ગામમાં પગ નઈ મંડાય.’
‘તો થઈ જા મરદ !’
‘ત્રણ ત્રણ લુંટારાઓને કાથડે પડ દીધું. ને આવો બાપ ! એવો કાળને આવકારો દઈને એ ધીંગાણે ચડયો. સામસામી બટાઝટી બોલી. બે જણા કાથડની તંતે વેતરાઇ ગયા. એક ભાગ્યો. કાથડ પડયો. રૃંવાડે રૃંવાડેથી લોહીની વારોડીઓ વે’તીતી. મડદા ભાળીને આભમાં ઘેઢડા ઊડવા લાગ્યા.’
‘ઈ ટાણે એક જણ હડી કાઢીને આવ્યો. કાથડનો જીવ ટૂંપાતો’તો, એટલે એણે પૂછયું, કેમ જુવાન, કાંઈ કામ બાકી રઈ જાય છે ?’
‘કાથડે પાઘડીને છેડે બાંધેલ અફીણનું પડીકું આપ્યું અને આખરી દમ ખેંચતાં કાથડે કીધું. આ કહુંબો મારા ગામને ચોરે બેઠેલા ગઢવીને પૂગાડી દેજો, ને ખોટીપા માટે દયા માંગજો. નકર અધૂરો પેરો રઈ જાશે. કાથડે કેડે બાંધેલ પછેડીની ભેટ છોડી ‘ને એનો પ્રાણ સરગાપરને મારગે વે’તો થ્યો.’
‘હું તો કાગડોળે કહુંબાની વાટ જોતો બેઠો’તો. એમાં મારતે ઘોડે એક જણ આવ્યો ને મારા ખોળામાં અફીણનો ઘા કરીને પાછો વળતાં કે’તો ગ્યો કે કાથડ ધીંગાણામાં તમને હંભારતાં હંભારતાં મરાયો છે.’
‘આ તે ‘દિથી એના મરશિયા ગાતાં ગાતાં કહુંબો પીધો. ઈ ધરવાધરવ કહુંબાનો કેફ કોઈ ‘દિ ઊતર્યો જ નઇં.’
‘આ તે ‘દિથી કહુંબો મોઢે અડાડવો અગરાજ.’
ડાયરો સાંભળી રહ્યો, ને ગઢવી પછેડી ખંખેરીને ગઢુલાના ચોરેથી રામ રામ કરીને હાલતા થયા.
(ધરતી નો ધબકાર – દોલત ભટ્ટ)

“દક્ષિણ આફ્રિકામાં જઈને પરાક્રમનો પરચો આપનારા ભાવનગરના સપૂત હનુભા”

Standard

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
દક્ષિણ આફ્રિકામાં જઈને પરાક્રમનો પરચો આપનારા ભાવનગરના સપૂત હનુભા
દક્ષિણ આફ્રિકામાં યુદ્ધે ચડેલી અંગ્રેજ સરકારને મદદ કરવા માટે ભાવનગર નરેશ દોઢસો યોદ્ધાઓને હનુભાની આગેવાનીમાં મોકલ્યા હતા
ભરનીંદરમાં પોઢેલી પોયણીને સોણે આવેલ સલુણા સાયબા જેવો સૂરજ ઉગમણા આભને આંગણે આવીને પ્રીતના પાલવડે પરવશ બનેલી પ્રેમઘેલીની ઉજાગરે અંજાયેલી આંખમાં ઘંૂટાયેલી રાતડય જેવો રતુંબડો રંગ રેલાવી રહ્યો છે.
પંખીઓએ માળા છોડયા છે. ગણતરીના ગાળા છુટી ગયા છે એવે ટાણે કંથારીયા ગામમાં વિદાયનાં વાજા વાગી રહ્યાં છે. ઢોલ – ત્રાંસા ધડૂકી રહ્યાં છે. ફુલમાળાને ગજરા મહેંકી રહ્યા છે. કંકાવટીએ કેસર ધોળીને હનુભાને તિલક થઇ રહ્યાં છે. દેવકન્યા જેવી ગામની દીકરીઓ હનુભાને વિજય વરીને વહેલા પાછા વળવા વેણ વદી રહી છે. છોકરા – છાબરા સહિત આખું વાગડ કંથારીઆ ગામના પાદરમાં પગ ખોડીને ઉભું છે. ને રાંગમાં ઘોડો રમાડતા ચુડાસમા નુખના હનુભાના અંગ માથે મૂછોના કાતરા ઓતરદખ્ખણ વાયરે ફગફગી રહ્યા છે. ખભામાં બે જોટાળી જંજાલ્ય ઝૂલી રહી છે. લોખંડી લખતર છાતીને ભીડીને પડયું છે.
લશ્કરી લિબાસમાં કરડાને કદાવર લાગતા રાજપૂતે ગામની વિદાય લઇને ઘોડાને એડી મારી ત્યારે ‘વહેલા પાછા વળજો..વહેલા પાછા વળજો’ના સાદ જાણે ગામના સીમાડા સુધી સગડ દબાવતા સંભાળતા રહ્યાં.
વાત એમ હતી કે અંગ્રેજ સરકાર દક્ષિણ આફ્રિકામાં યુદ્ધે ચડી હતી. હિન્દના સરસેનાપતિ ફીલ્ડ માર્શલ અર્લ કિચનર પંડયે ટ્રાન્સવાલના મોરચે મરદાનગીનો માંડવો નાંખીને પડયો હતો. દેશનાં દેશી રજવાડાંઓ કિચનની ભેર કરી રહ્યા હતા. ત્યારે ેભાવનગરના ભૂપાળ ભાવસિંહજીનો હનુભા ઉપર હુકમ છુટયો કે કિચનરની ભેર કરવા ટ્રાન્સવાલ પૂગો. ઠાકોર ભાવસિંહજીના હુકમને માથે ચડાવીને ચુડાસમો રાજપૂત દોઢસો ઘોેડેસ્વાર ભાવનગરને બંદરેથી વહાણમાં ચઢાવીને ટ્રાન્સવાલની ધરતી માથે પગ મૂકવા પાણી ખાંપવા લાગ્યો.

આફ્રિકાની ધરતી પર અગનજવાળાઓ ભભૂકી ઉઠી. અઢળક સોનું પકવતી ભોમકાના ચારેય સીમાડા સળગી ઉઠયાં છે.
રણસંગ્રામનાં રણશિંગા ફુંકાઇ રહ્યાં છે. અંગ્રેજોનું દળકટક દુશ્મનોનો દાળોવાટો કાઢતું આગળ ધપી રહ્યું છે. વાગડ કંથારીઆનો હનુભા હૈયામાં હામ ભરીને લોર્ડ કિચનરનું પગલે પગલું દબાવતો દુશ્મનોને ડોળા દેખાડતો મર્દાનગીની જડાસ મશાલનાં અજવાળાં પાથરતો પડયો જાય છે. બંદૂકોની બઘડાટી બોલી રહી છે.
પરાજય પામતા શત્રુઓ શૂરવીરતાની આખરી જયોતને જલતી રાખવા મેદાને જંગ ખેલી રહ્યા છે. સેનાપતિ લોર્ડ અર્લ કિચનર આગવને આગળ કૂચ કરી રહ્યો છે. ભાવનગરના દોઢસો ઘોડા ટ્રાન્સવાલની ધરતી માથે ડાબા દઇ રહ્યાં છે. ચકોર ચુડાસમાની આંખ ચારે દિશાને માપી રહી છે. જેની માથે હિન્દના હાકેમના રખવાળાની જુમ્મેદારી છે તે કિચનરનો વાળ પણ વાંકો ન થાય એ માટે હનુભા શત્રુના સાણસાવ્યૂહને ઉકેલતો કિચનરનું પડખું દબાવીને મોરચાની મોવડયમાં રણસંગ્રામ ખેલી રહ્યો છે.
ટ્રાન્સવાલના આભની અટારીથી અરૃણ અજવાળું સંકેલતો સંધ્યાના આથમણે ઓરડે ઉતરી રહ્યો છે. લોહીભીની ધરતી સૂર્યના છેલ્લા કિરણો ઝીલતી કળેળી ઉઠી છે. લાશોના ખડકલા વચ્ચે કણસતા સૈનિકોની છેલ્લી ચીસો ઉઠી રહી છે. કલેજા કંપાવતી કિકિયારીઓ ધડીમ..ધડીમ છુટતાં બંદૂકોના અવાજમાં ઓગળી રહી છે. ત્યાં તો કિચનરના મોતનું નિશાન નોંધીને દુશ્મનની બંદૂકમાંથી ગોળી છૂટી. ચૂડાસમાને કિચનરનો ખાતમો કરાવવા આવતી ગોળીને પંડયના બખતર ઉપર ઝીલીને લોર્ડ કિચનરનો જાન બચાવી લીધો. એ જોઇને લોર્ડ કિચનર હનુભાને બાથમાં લઇને ભાવથી ભેટી પડયો. ત્યાં કિચનરની આંખમાં આભારના ભાવ અંજાઇ ગયા હતા. ભાવનગર રાજ્યને વિશ્વમાં વિખ્યાત કરનાર જવામર્દ હનુભા રણછોડ ચુડાસમાને દરબાર ભરી તલવાર અને જાગીર ભેટ આપી બહાદુરીની કદર કરી હતી. અંગ્રેજ સરકારે ભાવનગરના રાજ્યનાં બે મોઢે વખાણ કર્યા હતા અને ધન્યવાદ આપ્યા હતાં.

આ બનાવ ઇ.સ.૧૯૦૫માં બન્યો હતો. પહેલા વિશ્વયુદ્ધ વખતે હિન્દના સેનાપતિ લોર્ડ કિચનરને ઇગ્લેન્ડનાં વિગ્રહપ્રધાન બનાવવામાં આવ્યા હતાં.
તણખો :

વર્તમાનમાં એવી વિચારધારા વહેતી કરનારા છે કે જેઓ શાસ્ત્રો – પુરાવો  – કર્મકાન્ડને નિરર્થક પુરવાર કરવા મથે છે. જયોતિષ શાસ્ત્રના પારંગત ન હોય એવા લોકો અજમાયશ કરે અને નિષ્ફળ જાય તેથી જયોતિષ શાસ્ત્ર પાખંડ છે એવું પુરવાર ન થાય. જેમ કે જે તબીબ પાસે રોગનું નિદાન કરવાની સમજણ ન હોય ને દર્દીને સાજો ન કરી શકે તેથી તબીબી વિજ્ઞાાન નિષ્ફળ કે ખોટું છે એમ કહી શકાય નહીં.