Tag Archives: Gujarati

સોરઠી – કાઠિયાવાડી બોલી અને એનો અર્થ ટૂંકમાં : તળપદી ભાષા ની મીઠાશ

Standard

સોરઠી – કાઠિયાવાડી બોલી અને એનો અર્થ ટૂંકમાં : તળપદી ભાષા ની મીઠાશ

અખાજ: અખાદ્ય
અખિયાત: આખું, સુવાંગ
અટવાવું: ગૂંચવાઈ જવું
અડવું (અંગ): ખાલી, અલંકાર વગરનું
અડાબીડ: સંખ્યાબંધ, ભરપૂર
અણખંડીઃ અખંડિત
અધગાળેઃ વચ્ચે
અનરાધાર, અંદ્વાધાર, ઇંદ્રાધાર: મોટી ધારે વરસતો વરસાદ. (ઈંદ્ર મહારાજ વરસાવે સામાન છે એવી લોકકલ્પના છે.)
અનિયાઃ અન્યાય
અમલઃ અફીણનો કૅફ
અરઘવું: ઓપવું, શોભવું
અસમદનાં પગલાં, અસમેરનાં પગલાં, અસમાનનાં પગલાં: આસમાનમાં પગલાં, મૃત્યુકાળે પગે ચાલીને સ્મશાનમાં જઈ ચિતા પર ચડવાની વિધિ.
અસરાણપતઃ અસુરો (યવનો)નો પતિ
અંજળ: અન્નજળ, પરસ્પરની લેણાદેણી
અંતરિયાળ: નિર્જન પ્રદેશમાં, મુકામથી દૂર, નિરાધાર સ્થળે
અંબોડાળી. (ભેંસ): જેનાં શીંગડાં આંટા લઈ ગયેલાં હોય છે તે. (સ્ત્રીના માથાના અંબોડાની કલ્પના છે)
આઈ: કાઠી કોમમાં સ્ત્રીઓને બે જ સંબોધન કરાય છે: વડપણના સ્થાને બેઠેલી સ્ત્રીને ‘આઈ’, અને યુવાન સ્ત્રી અને સાસુ વગેરેને ‘ફૂઈ’.
આઉ: પશુઓને સ્તનપ્રદેશ
આકોટોઃ કાનની બૂટમાં પહેરવાનું ઘરેણું
આખાબોલો: ઉદ્ધત
આગેવાળઃ ઘોડાના આગળના ભાગનો સામાન
આગોણ: ચૂલાનો આગળનો ભાગ
આછટવું: પ્રહાર કરવો
આછો ડાબો: ધીરાં પગલાં (ઘોડાનાં)
આડસરઃ મકાનના છાપરાની વચ્ચોવચનું મોટું લાકડું
આડહથિયાર: દુરથી ફેંકીને નહિ, પણ હાથમાં રાખીને જ જેનો ઉપયોગ થાય તેવાં, તરવાર જેવાં. હથિયાર
આડું ભાંગવું: પ્રસવ થઈ જવો
આણાત: આણું વાળીને સાસરે ગયેલી સ્ત્રી.
આણું: લગ્ન પછી પહેલીવાર પિયર આવેલી કન્યાને વિધિપૂર્વક સાસરે વળાવાય પ્રસંગ,ઓંજણું.
આતો: કણબી અને ખાંટ કોમમાં વડીલને ‘આતો’ કહેવાય (મૂળ અર્થઃ પિતા)
આથમણું : સુર્યાસ્તની દિશામાં પશ્ચિમે
આથેય : ગમે તે
આદો : આવ્યો (ચારણી શબ્દ)
આફળવું : અફળાવવું, લડવું
આભલાં: (1) અરીસા, (2) અરીસાના કાચનાં નાનાં ચગદાં (અસલ સ્ત્રીઓના ભરતકામમાં હતાં.)
આરદા : પ્રાર્થના
આરો: બચાવ (મૂળ અર્થ : કિનારો)
આવડ : એ નામની દેવી
આસેં : અહીં
આંબવું : પહોંચવું, પકડી પાડવું
ઉગમણું : સૂર્ય ઊગવાની દિશા
ઉચાળા : ઘરવખરી
ઉતાર (અફીણનો) : અફીણ વખતસર ન ખાવાથી અંગમાં આવેલું નિશ્ચૈતન્ય
ઉનત્ય : ઊલટી, વમન
ઉપરવાસ : નદીનું વહેણ આવતું હોય તે દિશા
ઊગટો:(ઘોડાનો) તંગખેંચવાની વાધરી
ઊજળે મોઢે: આબરૂભેર
ઊભા મોલ : તૈયાર પાક ઉભે ગળે : સારી પેઠે
ઊંડવઢ : ઊંડો રસ્તો
એકલોયાઃ એક જ લોહીના, દિલોજાન
એન : સારી પેઠે
ઓઘો : કડબનો ઢગલો
ઓડા : અંતરાય, આડશ
ઓણ સાલ : આ વરસ, આ સાલ.
ઓતરાદું : ઉત્તર દિશાનું
ઓથ: આશરો
ઓર : જન્મેલા બચ્ચાને શરીરે બાઝેલું ચામડીનું પડ
ઓરમાયો : સાવકો
ઓરવું: નાખવું
ઓરિયો : માટી
ઓલ્યા : પેલા.
ઓસાણ (ઓહાણ) : સ્મરણ
ઓળઘોળ : ન્યોચ્છાવર
ઓળીપો : ગારગોરમટી, લીંપણ
ઓંજણઃ પિયરથી સાસરે આવતી ગરાસણીનું વેલડું

કગરુ: હલકા દૂધ (વર્ણ)ના ગુરુ
કટક: સૈન્ય
કટાબ : કોરેલ (કાપડું) જેના ઉપર ઝીકસતારાનું ભરતકામ થાય છે તે કપડું
કડાકા : લાંઘણ, ઉપવાસ
કડે કરવું : અકુંશમાં લાવવું
કઢીચટ્ટા : એંઠ ખાનાર, ઓશિયાળા, દાસ
કણરોઃ કોનો (મારુ શબ્દ)
કણસવું: ખટકવું
કનેરીબંધ નવધરું : લાલ મધરાશિયાને લાંબુ સંકેલીને વચ્ચે વચ્ચે કનેરી મોળિયું વીંટીને પાઘડી બંધાય છે; રાજા કે વરરાજા બાંધે રાજા પાઘડી ઉપર નવ ગ્રહથી ખચિત શિરપેચ ગુચ્છો લગાવે છે. આવી કનેરીબંધ (નવગ્રહના ગુચ્છપેચવાળી) પાઘડી
કબંધ : ધડ
કમણ (ચારણી શબ્દ) : કોણ
કમૉત : ખરાબ રીતે થયેલું મોત
કરડાકી : કડકપણું, સખતાઈ
કરમાળ : તરવાર
કરલ : કરચલી
કરાફાતઃ અજબ બલવાન
કરિયાવ૨: દીકરીને પહેરામણી.
કરોઃ ઘરની બાજુનો ભાગ(પાછલી પછીત અને બાજુના કરા કહેવાય)
કવાળસઃ કૈલાસ
ક’વાયઃ કહેવાય
કસટાવું : કષ્ટ પામવું, ‘અરરર! અરરર!’ કરવું
કસાયેલ : કસેલું, જોરાવર
કસુંબલ, કડિયા ભાત : કાળા પોતમાં ગોળ ઝીણી ઝીણી, ભાત, બોરિયું
કસુંબો: અફીણના ગોટાને ખરલમાં ઘૂંટીને, તેમાં પાણી નાખી પાતળું પ્રવાહી બનાવીને બંધાણીઓ પીએ છે. તેનો રંગ ઘેરો લાલ હોવાથી ‘કસુંબલ’ પરથી ‘કસુંબો’ કહેવાય છે.
કળવળથી: યુક્તિથી
કળશિયો : લોટો
કળશી : 20 મણ (અનાજનું વજન); કોઈક 16 મણ પણ ગણે છે.
કળાયું (સ્ત્રીના હાથની) : કોણીથી કાંડા સુધીનો ભાગ
કાટકવું: હલ્લો કરવો
કાટલ: કટાયેલ
કાઠાની કદાવર: શરીરે પડછંદ
કાઠું: અસલના વખતમાં ઘોડા ઉપર માંડવાની લાકડાની બેઠક
કાતરા (દાઢીના) : દાઢીની બેઉ બાજુએ વધારેલ લાંબા વાળ
કામવું: રળવું
કામળો (ગાયનો) : કંઠે ઝૂલતું ચામડીનું પડ
કારસોઃ કળા, ઇલાજ
કાલી: ગાંડી
કાળકમો : કાળાં કામ કરનાર
કાળજ: કલેજું
કાળમીંઢ: કાળા કઠણ પથ્થરની જાત
કાળમુખી: અમંગળ
કાળો કામો: ખરાબ કૃત્ય, હલકું કામ
કાંકરીઃ સોગઠી (ચોપાટની)
કાંટ્ય: ઝાડી
કીડીઓનું કટક : હારબંધ એકી સાથે કીડીઓની જેમ ચાલવું તે
કીરત : કીર્તિ
કિસેથી : ક્યાંથી (ચારણી શબ્દ)
કુડલો : (1) ઘાડવો, (2) તેલ રાખવાનું ચામડાનું વાસણ
કુંખઃ ગર્ભ, પેટ
કુંડળ્યઃ કુંડળી, લાકડી, જડવાની ભૂંગળી
કુંભીપાક: નરક
કુંવરપછેડો: રાજાઓના પુત્રના જન્મ વખતે થતી પહેરામણી
કૂડી કૂડી : વીસની સંખ્યાબંધ, અનેક
કૂબા : (1) ઢાલ ઉપરનાં ચાર ટોપકાં, (2) માટીનાં નાનાં ઘર
કૂમચી : ચાબુક
કેની કોર : કઈ બાજુ
કોકરવાં : કાનની વચ્ચે પુરુષને પહેરવાનાં
કોટિયું : મુખ્યત્વે પુરુષને પહેરવાનું ઘરેણું, ચોરસી, કાંઠલી
કોઠો : (1) કિલ્લાનો કોઠો, (2) હૃદય
કોલું : શેરડીનો રસ કાઢવાનો સંચો
કોળી : હાથના પંજામાં પકડી શકાય તેટલું માપ
ક્યડી: જે ઘોડીની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો ને શરીર રાતું હોય, તેને ક્યડી કહેવાય.

ખડકીના ઠેલ : બારસાખની અંદરના ભાગે બારણું ટેકવવાનું લાકડું
ખડાં છોગાં : મોટાં, ઊભાં છોગાં
ખપેડા : દેશી ઘરના છાપરામાં નળિયા નીચે વળીઓ ઉપર વાંસની ચીપોને સીંદરીથી બાંધી નળિયાં રહી શકે તેવો માળખો તૈયાર થાય તે
ખમૈયા: ક્ષમા
ખરચીઃ પૈસો
ખવીસઃ ભૂતપ્રેત
ખળાવા (જમીન) : પંદરેક ફૂટ ત્રિજ્યાની જમીન (જેના પર ખળું થઈ શકે)
ખળું: સીમમાં પાકેલાં ડૂડાં લણીને ગામને પાદર લાવી ગાર લીંપી તેમાં ઢગલો કરી, તે પછી બળદનું હાલરું કરી ડૂંડાંમાંથી દાણા છૂટા પાડવાની જગ્યા
ખળું થઈ જવું : ઢગલો થઈ જવો.
ખળેળવું: મૂત્ર કરવું
ખંડાવું : ખંડિત થવું
ખંપાળી: ખેડૂતોનું લાકડાનું દાંતાવાળું પાવડાના આકારનું ઓજાર
ખાજલી, લેરિયું અને સાંકળી ભાત : ગોળગોળ જલેબીના ગૂંચળા જેવી ભાત, દરિયાનાં મોજાં જેવી તરંગિત લીટીની ભાત, સાંકળ જેવી ભાત (રોટલા ઘડનારના હાથનાં ઘરેણાથી રોટલામાં પડતી ભાત)
ખાડું: ભેંસોનું ટોળું
ખાબકવું : ઝંપલાવવું
ખાલ : ચામડી
ખાસદાર : ઘોડાનો રખેવાળ
ખાંપણઃ કફન
ખુટામણ: વિશ્વાસઘાત
ખૂટલ : વિશ્વાસઘાતી
ખૂંટ: જમીનની સીમા દર્શાવતું નિશાન
ખૂંદણઃ (ઘોડાં) પગ પછાડે તે
ખેપટ : ધૂળ
ખોઈ : પછેડીના છેડા સામસામે બાંધી બનાવેલી ઝોળી
ખોખરધજ : ઘરડું, જબ્બર શરીરવાળો પુરુષ (‘કુક્કુટધ્વજ’ પરથી ખોખડધજ)
ખોટીલાં (ઘોડાં) : ખામીવાળાં(આંખ નીચે, દાઢી ઉપર, હૃદય ઉપર, ડોકના મૂળમાં, કાન પાસે, ઢીંચણ ઉપર, જમણે પગે વગેરે સ્થાને ભમરી હોય એ ઘોડાં ખોટીલાં ગણાય)
ખોભળ : કુંડલી, ભૂંગળી
ખોભળા : વઢિયારા બળદનાં શીંગડાંને પહેરાવવાનો ભરત ભરેલો શણગાર
ખોળાધરી : બાંયધરી, જામીન
ખોળો ભરવો : સ્ત્રીનું સીમંત ઊજવવું

ગજાદારઃ ઊંચા કદનો
ગજાસંપત : યથાશક્તિ
ગડેડવું : ગર્જના કરવી.
ગઢવો : ચારણ (અસલ ચારણને ગઢની ચાવીઓ સોંપાતી તે પરથી)
ગણ : ગુણ, ઉપકાર
ગદરવું : ગુજારો કરવો
ગબારો : આકાશ સુધી ઉછાળો
ગભરુડાં : ગરીબડાં
ગભૂરડા : નાના નિર્દોષ બાળકો
ગરજાં : ગીધ
ગલઢેરો: કાઠી દરબાર
ગલઢો : ઘરડો
ગસત : ગિસ્ત, ફોજ
ગહેકાટ : ટૌકાર
ગળ: ગોળ
ગળથુથી: જન્મેલા બાળકને ગોળનું પાણી પાવાની વિધિ
ગળહાથ, ગળાત: ગળાના સોગંદ, ગળાથ, ગળે હાથ, સોગંદ (જે માણસના સોગંદ ખાવાના હોય તેની ગરદને હાથ મુકાય છે.)
ગળામણ : મિષ્ટાન્ન
ગળા સુધી : ઠાંસી ઠાંસીને
ગળ્યું : મીઠું
ગંગા-જમની તાર : હોકામાં મઢેલા, સોના-રૂપાના તાર
ગાડાખેડુઃ ગાડું હાંકનાર
ગાડાના ગૂડિયા : પૈડાં પાછળ રહીને, નીચે રહીને
ગાડાંની હેડ્ય : ગાડાંની હાર
ગાભા જેવી : ઢીલી
ગાભો : લૂગડાંનો ડૂચો
ગામડી : ગામડું
ગામતરું : પ્રવાસ
ગામતરુ થવું : મૃત્યુ થયું
ગામોટ: ગામનો બ્રાહાણ, જે સંદેશો લઈ જવા વગેરેનું કામ કરે છે.
ગાળ બેસવી : કલંક લાગવું
ગાળી : ખીણ, નળ્ય
ગાંદળું : પિંડો
ગિસ્ત : ફોજ
ગીગી : દીકરી
ગૂડી : ભેંશના ગોઠણ
ગૂઢાં : ઘેરાં, કાળા ભૂખરા રંગના
ગોકીરો : બૂમાબૂમ
ગોઠ: ઉજાણી, ગોષ્ઠી, આનંદ-પ્રમોદ
ગોબો : ગઠ્ઠાવાળી લાકડી
ગોરમટી : લીંપણ કરવાની ધોળી માટી
ગોલકીનો : ગુલામડીનો (કાઠીઓમાં પ્રચલિત ગાળ)
ગોલા : ગુલામ, રાજમહેલના ચાકરો
ગોવાતી : ગોવાળ

ઘર કરવું : લગ્ન કરવું
ઘાણ્ય : ગંધ
ઘારણ : ગાઢ નિદ્રામાં પડવું
ઘાંસિયા: ઘોડાના પલાણ પર નાખવાની. ગાદી
ઘુઘવાટ: ગર્જના
ઘેઘૂર : મસ્ત.
ઘેરો: ટોળું
ઘોંકારવું : ઘોંચવું

ચડભડવું : બોલાચાલી થવી
ચડિયાતી આંખો : આંખના ગોખલામાંથી બહાર નીકળતી, મોટી આંખો
ચરણિયો : ઘાઘરો
ચસકાવવું : ત્વરાથી પીવું
ચંભા : તોપથી નાની બંદૂકોના મૂઠી જેવડા ગોળા
ચાડીકો : તપાસ રાખનાર
ચાડીલો: હઠીલો
ચાપડા ભરેલી (લાકડી) : ત્રાંબા- પિત્તળના તારથી ગૂંથીને ચોરસ ભાત પાડેલી
ચાપવું : પુરુષના કાનની બૂટમાં પહેરવાનું સોનાનું ઘરેણું
ચારજામો : ઘોડા પરનું પલાણ
ચાળો : વિચિત્ર હાવભાવ
ચાંદરાત : બીજની તિથિ
ચાંદૂડિયાં : વાંદરા-નકલ
(ઘોડી) ચાંપવી : દોડાવી મૂકવી
ચિચોડો : શેરડીનો રસ કાઢવાનો સંચો, કોલુ
ચૂડાકર્મ : વિધવા થતાં સ્ત્રીની ચૂડી ભાંગવાની ક્રિયા
ચે : ચેહ, ચિતા
ચોકડું : લગામ
ચોથિયું : ચોથો ભાગ
ચોલટા : ચોર
ચોળિયું : પાણકોરું
ચોંપ : ઝડપ, સાવચેતી

છાપવું : પ્રવાહી વસ્તુની અંજલિ લેતાં હથેળીમાં પડે તે ખાડો
છાલકાં : ગધેડાં પર બોજો ભરવાનું સાધન
છૂટકો : નિકાલ
છોઈફાડ : લાકડામાંથી છોઈ ઊતરે તેટલો, લગાર

જગનકુંડ : યજ્ઞકુંડ
જડધર: શંકર
જનોઈવઢ ઘા : જનોઈનો ત્રાગડો પહેરાય તે રીતે, ડાબા ખભા ઉપરથી ગળા નીચે થઈને હૃદય સુધીનો ઘા
જબરાઈ: બળાત્કાર
જમણ : દિવસ
જરવું : પચવું
જવાસાની ટટ્ટી : સુગંધી વાળાનો પડદો.
જંજરી : હોકો
જંજાળ્ય : મોટી બંદૂક
જીએરાઃ કચ્છના રાજાને લગાડવામાં આવતું સંબોધન (મૂળ અર્થ ‘જીવો રાજા’)
જાંગી : સીંચોડાનું મુખ્ય લાકડું
જીમી : કાઠિયાણીને ઘાઘરાને બદલે પહેરવાનું લુંગી જેવું છૂટું વસ્ત્ર
જુગતિ : યુક્તિ, જોવા જેવું
જુંબેદાર : જામીન, ખોળાધર
જેતાણું : જેતપુર
જોગટો : દંભી જોગી
જોગમાયા : દેવી
જોગાણ : ઘોડાને ખવરાવવાની ચંદી
જોડીદાર : સાથી, સરખી જોડીનો
જોધારમલ : અલમસ્ત

ઝડ : લૂંટ
ઝડવઝડ (દિવસ) : સૂર્યાસ્તનો સમય
ઝંઝાળ : જુઓ જંજાળ્ય
ઝંટિયાં: વાળનાં જુલ્ફાં
ઝાઝી વાત : મોટી વાત છાલકાં.
ઝાટકા : તરવારના ઘા
ઝાપટવું : ખંખેરવું
ઝાંત૨ : ગાડાની નીચેના ભાગમાં ચીજો મૂકવાનું ખાનું (ભંડારિયું).
ઝીંકવું : ઝંપલાવવું
ઝૂમણું : ડોકનો દાગીનો
ઝૂંપી : ચિતા
ઝોક : ઢોરને રાખવાનો વાડો
ઝોંટ : આંચકો

ટપારવું : પ્રશ્ન કરવો
ટપુડિયાં : નાનાં
ટશિયો : ટીપું (લોહીનું)
ટાટકવું : હલ્લો કરવો
ટંક : જમવાનું ટાણું
ટંટાળ : ઉપાધિ
ટાઢી છાશ : શિરામણ
ટાઢો : ઠંડો
ટાબરિયાં : છોકરાં
ટારડી : હલકી ઘોડી
ટીલડી : કપાળનું મધ્યબિંદુ
ટીંબી : ગામ ખંડિયેર થઈને દટાયા પછી ઢોરો થઈ જાય એ જમીન, ટીંબો
ટૂટજૂટઃ તૂટેલી
ટૂંપાવો (જીવ): મૃત્યુ વખતે પ્રાણ દુખી થાય, જીવ જલ્દી ન નીકળે તે
ટેવવું : અનુમાન કરવું
ટોયલી : નાની લોટીયા
ટૌકો : અવાજ

ઠબવું: અડવું
ઠાણ: ઘોડાર
ઠામ: વાસણ,
ઢુંગો : કસુંબો લીધા પછી ખાવામાં ગળ્યો નાસ્તો
ઠેરવવું: નિશાન તાકવું
ઠોંઠ ઠાપલી: તમાચો

ડણક (સિંહની): ગર્જના
ડમ્મર : વંટોળિયાની ડમરી
ડંકવું : વેદનાના સ્વરો કાઢવા
ડાટો : ઢાંકણ (બૂચ)
ડાઢવું : કટાક્ષ વચન બોલવું
ડાબા : ડાબલા, ઘોડાના પગની ખરી
ડાભોળિયું : ઘાસનો કાંટો
ડાલા : સુંડલા
ડૂકવું : થાકી જવું
ડૂંઘો : હોકો
ડેરા : તંબૂ
ડોર : માળાનો મેર
ડોઢી : મકાનને દરવાજે બંને બાજુ રાખેલી બેઠક
ડોરણું : બોરિયું, બટન
ડોંચવું: ખેંચવું

ઢાળું : ઢળેલું – તરફ
ઢાંકેલ-ઢૂંબેલ : સહીસલામત
ઢીબવું: મારવું

તમુંહી: તમને (કાઠી શબ્દ)
તરકટ : કાવતરું
તરઘાયો ઢોલ : યુદ્ધ વખતનો ઘેરા અવાજે વાગતો ઢોલ
તરફાળ : ખભે રાખવાનું ઝીણા. પોતનું ફાળિયું, ઉપવરત્ર
તરિયા : તરનાર માણસો
તરિંગ : (ઘોડાની) પીઠનો પાછલો ભાગ
તળાજું : તળાજા ગામનું હુલામણું નામ
તા : ઉશ્કેરાટ
તાજમ: અદબ વ્યક્ત કરતી ચેષ્ટા
તાણ : આગ્રહ
તારવવું : માર્ગ બદલવો
તાશેરો : બંદૂકોના સામટા ભડાકા
તાંત: કપાળે પહેરવાનું ઘરેણું
તાંસળી : કાંસાનો મોટો વાટકો
તેરમું : મૃત્યુ પછી તેરમા દિવસનું જ્ઞાતિભોજન
તરેલું : બળદની જોડી
તોરીંગ : ઘોડા
તોળવી (બરછી) : ઉગામવી

ત્રસકાં : ટીપાં
ત્રહકી રહી : નીતરી રહી
ત્રાટકવું : હલ્લો કરવો
ત્રાંબા જેવા : ત્રાંબાવરણી ભાત ઊપસે એટલા શેકીને કડકડા બનાવેલા (રોટલા)

થાનેલેથી : સ્તન પરથી
થાનેલું (લો) : સ્તન
થેપાડું : પ્રૌઢ વયની સ્ત્રીઓ ચણિયાને સ્થાને પહેરે છે તે લાલ રંગનું વસ્ત્ર, જેને નાડી નથી. હોતી પણ ગાંઠ વાળવામાં આવે છે.

દખણાદું : દક્ષિણ દિશામાં
દડેડા : ધારાઓ
દવલું (દુ+વહાલું) : અપ્રિય
દૃશ્ય: દિશા
દસ્તો: ભોગળ
દહાડી: રોજિંદી મજુરી
દાખડો: મહેનત
દાગવું: પેટાવવું, સળગાવવું
દાણઃ વેરો
દાણિયા: દાવ
દાણિગરઃ કરજ
દીમની : દિશામાં
દૂડદમંગળ : મોટી
દૂધમલિયું: દૂધ ખાઈ ખાઈને જોરાવર ને કાંતિવાન થયેલું
દૂધિયું: ઠંડાઈ (બદામ, તરબૂચનાં બી, ખસખસ, તીખાં, ગુલાબની સૂકી પાંખડી વાટી-પલાળીને ખાંડ ઉમેરીને ઉનાળામાં પિવાનું દૂધનું પીણું)
દેકારા: શૌર્યોત્તેજક હાકલા
દોઢી : દરવાજાની ડેલીના નીચેના બંને ઓટલા
દોઢ્ય : વચ્ચેથી બેવડાવેલું

ધડકી: ગોદડી
ધધડાવવું : ઠપકો દેવો
ધમાકા દેતી : વેગવંત ગતિથી
ધમેલ : ધગાવેલ
ધરપતઃ ધીરજ
ધરવવું : તૃપ્ત કરવું
ધરાવું: તૃપ્ત થવું
ધા : નિસાસો
ધા નાખવી : દુઃખ પડ્યાના પોકાર કરવા, ધાપોકાર કરવો
ધામોડા : અવાજ
ધાર : નાની ટેકરી
ધારોડા: ધારાઓ
ધીંગા: જાડા, મજબૂત
ધીંગાણું: લડાઈ
ધૂડિયું વરણ : ધૂળમાંથી અન્ન પકવે એ વર્ગ, ખેડૂતો
ધૂંધળઃ ધૂલિ-ધૂરાર, ધૂળ ઊડવાને લીધે ભૂખરો થયેલો
ધોખો : મનદુઃખ
ધોબોઃ એક હાથનો ખોબો
ધોમચખ : ખૂંખાર
ધોમ તડકો : સખત તાપ
ધોળી શેરડીઃ ભરૂચી દેશી શેરડી
ધાગડિયું : મજબૂત
ધ્રાસકો : ફાળ
ધ્રોપટઃ વેગથી
ધ્રોપટ: સોંસરવઢ, આરપાર

નખ્ખેદ: તોફાની
નગરનો ફાળિયો : વીસ હાથનું જામનગરમાં વણેલું માથાબંધણું; તેના વણાટવાળા કાળા છેડામાં સોનેરી તાર વણેલા હોય છે.
નરપલાઈ : હરામખોરી
નવઘરું: પાઘડી
નવા દીઃ નવરાત્રિથી માંડી દિવાળી સુધીના દિવસો
નળગોટાં : ગળાનો હરડિયો
નળો (હાડકાનો) : પગનું હાડકું
નળ્યા : ઊંડો ને સાંકડો રસ્તો
નંદવાય (ચૂડલી) : સધવા નારીની ચૂડલી તૂટે તેને ‘નંદવાય’ કહેવાય. (‘તૂટવું’ એ અ-મંગળ શબ્દ હોઈ વૈધવ્ય વખતના ચૂડીકર્મનું સૂચન કરે છે.)
નાડાછોડ: પેશાબ
નાતરું: પુનર્લગ્ન
નાનડિયા: નાની ઉંમરના
નામચા: નામના
નિવેડો : નિર્ણય
નેરું : નાની, ઊંડી નદી
નેવણ: ડામણ
નોખનોખા: જુદા
નોંધવુંઃ તાકવું

પખતી: પહોળી
પખાળવું : પ્રક્ષાલવું, ધોવું
(કુળનાં) પખાં: (માતૃ-પિતૃ બંને) પક્ષો
પઘડાં : સોગઠાં
પછીત : ભીંતનું પછવાડું
પટાધર : થોભાદાર, શૂરવીર
પડઘિયાવાળું : નીચે છાજલીવાળું
પડધારા : ડુંગરની ઢળતી બાજુ, ઢોળાવ
પતીકાં: ટુકડા
(ત્રણ) પરજ : કાઠી કોમની ત્રણ શાખા : ખાચર, ખુમાણ ને વાળા.
પરજેપરજા : ટુકડેટુકડા
પરડિયા : બાવળની શીંગો
પરનાળાં : પ્રણાલિકા, ધારાઓ
પરબોળિયા : વાડ પર ચડતી જાંબલી ફૂલવાળી વેલ થાય તેની શીંગો.
પરમાણ : સાર્થક
પરવાળા : ઘેરા ગુલાબી, પ્રવાલ જેવા
પરિયાણ : પ્રયાણ, તૈયારી
પરિયા : પૂર્વજો
પરોણાગત : મહેમાની
પરોણો : મહેમાન
પલાણ : ઘોડા ઉપરનો સામાન
પલાણવું: ઘોડે ચડવું
પહર: રાત્રિને પાછલે પ્રહરે ભેંસને ચરવા લઈ જવી તે
પળી બે પળી : પાશેર, અધશેર
પંગત : પંક્તિ, હાર
પંચાતિયા: વિષ્ટિકારો
પંથક: પ્રદેશ
પંડે : પોતે
પાકટ (ઉંમર) : વૃદ્ધાવસ્થા
પાઘડુ (પેંગડું) : ઘોડે ચડવાની રકાબ
પાટકવું : ભટકવું
પાટિયો : અનાજ રાંધવાનું માટીનું
પાટી : કાઠીઓમાં પુત્રોને વારસામાં જમીન વહેંચાય અને જે ભાગ મળે તે
પાટી (માથાની) : સેંથાની બંને બાજુએ લમણા પર ચપટા ઓળેલા સ્ત્રીના વાળ
(લોહીનાં) પાટોડાં : ખાબોચિયાં
પાઠાંઃ ઘોડા પરના કાઠાની બે બાજુનાં લાકડાં
પાણકોરું : ધોયા વગરનું જીન નામનું કાપડ
પારખવું: ઓળખવું
પારેવડાં: કબૂતર જેવાં ગરીબડાં બચ્ચાં
પાલવડાં: વસ્ત્રો (‘પલ્લવ’ પરથી)
પાસાબંધી કેડિયાં : લાંબી બાંય, છાતી ઉપર કસો અને પેટ ઉપર ઘેરવાળું દેશી પ્રજાનું પુરુષ-વસ્ત્ર
પાળ : સૈન્ય
પાળ્ય : ગામના રક્ષણને બદલે અપાતું મહેનતાણું
પાંખા : આછા, છૂટાછવાયા
પાંદડી : કાનના ઉપલા ભાગમાં પહેરવાનું ઘરેણું
પાંભરી: ‘ટાઈ ઍન્ડ ડાઈ,’ બાંધણથી બનાવેલો રેશમી રૂમાલ, પુત્રજન્મ થતાં તેને પાંભરી અને પુત્રી જન્મ થતાં ચૂંદડી ઓઢાડાય
પાંસળઃ પાસે
પિયાલા (જેવી તલવાર) : પ્રિયાલ (વીજળી) જેવી ચમકતી અને ગતિમાં ત્વરિત ફરતી તલવાર
પીંગલેઃ ઘોડિયે
પીંછી : (તલવારની) અણી, પૂંછડાનો ભાગ
પુલકાતળ : રોમાંચ
પૂછ્યાનું ઠેકાણું : સલાહ લેવા લાયક
પેટ પીડ : પેટનો દુઃખાવો
પેટ સારુ : આજીવિકા માટે
પેડાં : દહીં જમાવવાનાં માટીનાં દોણાં
પેનીઢક : પગની પાની સુધી ઢળકતો (પહેરવેશ).
પેપડી : પીપરના ઝાડનાં કૂણાં ફળ
પો ફાટવાનો સમય : સૂર્યોદય પહેલાંનો સમય
પોગવું : પહોંચવું
પોટલીએ : કુદરતી હાજતે.
પોડાં : પડ
પોતિયું : નાહવા માટેનું ધોળું ઝીણું પનિયું, ધોતિયું
પોથી : એ નામની વનસ્પતિ જેનાં બિયામાંથી દાંત રંગાય છે.
પોથીના લાલ રંગમાં રંગેલા દાંત : લાલ મજીઠ – પોથીના ગોળ રૂપિયા જેવડાં પતીકાં આવે છે. તેનાથી સ્ત્રીઓ દાંત રંગે છે. (રાત્રે મોંમાં આંબલિયા વિનાની આંબલી ઠાંસોઠાંસ ભરીને ઓટલા પર બેસીને સ્ત્રીઓ મોંમાંથી લાળવહેતી મૂકે;
સવારે આંબલી કાઢી નાખે ત્યારે દાંત અંબાઈને ખાટા થઈ ગયા હોય, તેના પર પોથીનાં પતીકાં મૂકી, મોઢું બીડીને સ્ત્રી સૂઈ જાય. સાંજે ઊઠે ત્યારે ખાટા દાંત પર પિયાલા જેવી મજીઠનો લાલચોળ રંગ બેસી ગયો હોય.)
પોરસ : ઉત્સાહ
પોરસ : હોંશ, ગર્વભર્યો આનંદ
પોરસીલો : ઉદાર
પોરો : વિસામો
પ્રજરાણ : ત્રણે પરજ (શાખા)ના કાઠીનો શિરોમણિ
પ્રલેકા૨ : પ્રલય, જળબંબાકાર
પ્રાગડના દોરા : પ્રભાતનાં કિરણ.
પ્રાગડ વાસી : પ્રભાતનં કિરણા

ફટકો : ધાસ્તી
ફટાયો : નાનો કુંવર (રાજ્યને બે કુંવર હોય તેમાં મોટો યુવરાજ ને નાનો ‘ફટાયો’ કહેવાય. મોટાને વારસામાં ગાદી મળે, નાનાને ગરાસ મળે.)
ફડકો : બીક
ફડશ : અરધોઅરધ
ફણું (ભાલા-બરછીનું) : ઉપરનો લોઢાનો મુખ્ય ભાગ
ફસફસવું : ખદખદવું
ફાટ્ય : અભિમાન, ખુમારી
ફાટી પડવું : મરી જવું
ફાળિયું : ખેસ, દુપટ્ટો
ફાંદ્ય : પેટ
ફાંફળ : લાંબો રસ્તો, જેમાં વચ્ચે ગામડું ન આવે
ફુઈયારું : ફોઈબાને આપવાની ભેટ
ફુલેકો : વરઘોડો (અસલ શબ્દ ‘ફુલેકું’)
ફૂટ્ય : જખમ
ફૂલ : પુરષના કાનની ઉપલી ફાટકમાં પહેરવાનું ગોળ મોટું ઘરેણું
ફેરમાં (જવું) : ફરીને લાંબે રસ્તે
ફેરો : લૂંટ
ફેંટા : ઉભડક સાફા

બખોલ : ભોંયરું
બગબગું : મોંસૂઝણું
બટકાવવું : બુકડાવવું
બટકાં લેવરાવવાં : સામસામા કોળિયા ભરાવી જમવું – જમાડવું
બઘડાટી બોલાવવી : ત્રાસ વર્તાવવો
બડૂકો : ધોકો
બતક : પાણી ભરવાનો બતક આકારનો કુંજો
બથોડાં : તોફાનમસ્તી
બલોયાં : અસલી ચૂડલી (સંસ્કૃત ‘વલય’ પરથી)
બંકો: બહાદુર
બાઉઝત : બાઉના અથવા બાઉ કુળના પુત્ર
બાઘોલું : દિગ્મૂઢ
બાટકવું: લડવું
બાટાચૂટ : ઝપાઝપી
બાધી : બધી
બાનડી : બાંદી, દાસી
બાવળો : જેના ચારે પગ અને ગરદન સફેદ હોય, ને શરીરના શ્વેત રંગપર રાતી ભાત હોય તે પ્રાણીનો રંગ ‘બાવળો’ કહેવાય
બાંડિયો : ઠીંગણો
બીઠું : બેઠું
બુંબાડ : બુમરાણ, રીડિયામણ
બૂડી : ભાલાનો નીચેલો છેડો
બૂંગણ : પાણકોરામાંથી સીવીને તૈયાર કરેલું મોટું પાથરણું, મોદ
બેરખ : આરબની પલટન
બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય, તાજણ : ગુણ-સ્વભાવ પ્રમાણે કાઠીઓમાં ઘોડીને અપાતાં કેટલાંક નામ.
બેલડી : યુગલ
બોકાસાં : ચીસો
બોખ : ડોલ, બાલદી
બોઘરાં : પિત્તળનાં બનેલાં દૂધ દોહવાનાં વાસણ

ભગદાળું : ખાડો
ભટકાવું : અફળાવું
ભરખ : ભક્ષ
ભરણ : આંખમાં આંજવાની ચિમેડની દવા
ભલકારા : ‘ભલે! ભલે !’ કહીને શાબાશી દેવી
ભલકી : ભાલું
ભળકડું: વહેલી સવારનો થોડોક ઉજાસ, મોંસૂઝણું
ભળકડું (મોટું) : રાત્રિનો છેલ્લો પ્રહર
ભંભલી : પાણી રાખવાનો માટીનો મોટો ચંબુ
ભંભોલા : ફોલ્લા
ભાઠાળી : ભાઠાવાળી (ઘોડાની પીઠ ઉપર પલાણ ઘસવાથી જખમ પડે છે, તેને ભાઠું કહે છે.)
ભાઠો: પથ્થર
ભાણું: થાળી, વાસણ
ભાણું સાચવવું : કાળજીપૂર્વક જમાડવું
ભાતભાતના પારા : રંગબેરંગી મોટાં મોતી
ભાતલું : સવારનો નાસ્તો
ભાભી : ચારણ અને કાઠી કોમોમાં ભાઈની ભાભી ન કહે, નામથી બોલાવે ભાભી સંબોધન અપમાન કારક ગણાય.
ભારથ : યુદ્ધ (મહાભારત પરથી)
ભાવેણું : ભાવનગરનું હુલામણું નામ
ભીનલો વાન : સહેજ શ્યામ રંગ
ભુજાની અંજલિ : હથેળી સંકોચીને છાપવું કરી તેમાં ભરેલો કસુંબો
ભૂખલ્યાં : ક્ષુદ્ર
ભે : ભય
ભેડા : નદીના કાંઠા
ભેરવ : એ નામનું પંખી જેની ડાબી દિશાની વાણી અમંગળ મનાય છે
ભેળવું : ખાઈ જવું, ઢોર ખેતરમાંથી છાનામાના ચરી જાય, ત્યારે ‘ખેતર ભેળ્યું’ કહેવાય.
ભેળાવું : વધવું
ભેળું થવું : પહોંચવું
ભેંકારઃ ભયંકર
ભોજપરા : કાળા કસબ ભરેલા છેડાવાળાં ધોતિયાં, જે માથા પર બંધાતાં
ભ્રૂકુટિ સામસામી ખેંચાઈ જવી : ભ્રમર ચડી જવી, અત્યંત આશ્ચર્ય થવું

મણીકું : એક મણ વજનનું તોલું
મમાઈનો મઢ : મહામાયાનું સ્થાનક
મરકવું : સ્મિત કરવું
મરફો : યુદ્ધનું નગારું
મરશિયા : મૃત્યુનાં શોકગીત
મરેલા ઢોરની માટી : મરેલા ઢોરનું માંસ
મલક : મુલક
મલીર : કાઠિયાણીનું ઓઢણું
મવાડું : માલઢોર અને ઘરવખરી સાથે દુષ્કાળમાં હિજરત કરી જતું માલધારીનું કુટુંબ, પેડું. ઉચાળો, ગવાળો.
મસાણ: સ્મશાન
મસાલ : ભેટ
માગતલ : માગનાર
માટીઃ માંસ
માટીવટ : પૌરુષ, સ્વામીભાવ
માડુ: મરદ (કરછી શબ્દ)
માઢ : મેડી
માઢમેડી : દરવાજા પરની મેડી
માતમ : માહાત્મ્ય, મોટાઈ
માતેલી : મદોન્મત્ત
માત્યમ : મહિમા
માથાના ચોટલા (પુરુષના) : માતાજીના ભક્તો અને કાઠી પુરષો અરધા માથે ચોટલા રાખે છે.
માથાની પાટી : સ્ત્રીઓ જ્યારે માથાની વચ્ચોવચ સેંથો પાડીને માથું ઓળી બંને બાજુના વાળને હાથે દબાવી ઓળે તે બંને બાજુની પાટી
માદળિયાં : શેરડીના સાંઠાની છાલ ઉતાર્યા પછી પાડેલાં પતીકાં
માનખ્યો : મનુષ્યાવતાર
માપી લેવું : શક્તિનું પારખું કરી લેવું
માફો : રથ પરનો કાપડનો ઘુમ્મટ
માયરું : લગ્નમાં પોંખણા પછી વર-વહુને સામસામે બેસાડી હસ્તમેળાપ કરાવાય, કન્યાદન અપાય એ પ્રસંગ
માયલીકોર : માંહેની બાજુ
મારતલ : મારનાર
મારું પેટ : મારું સંતાન
માલ : ઢોર
માલમી : વહાણની સુકાની
માલધારી : ઢોર ઉપર નભનાર ભરવાડ, કાઠી, ચારણ વ.
માળીડાં : મુકામ
મિયાણા : સૌરાષ્ટ્ર-કચ્છના સીમાપ્રદેશમાં વસતી મુસ્લિમ જાતિ
મીઠો મહેરામણ : મીઠા જળથી ભરપૂર સમુદ્ર, મહેરામણ મહાર્ણવ
મીંડલા : માથાના વાળની બંને બાજુ ગૂંથેલા વાળના ગુચ્છ
મૂઠ : તલવારનો હાથો
મૂલ : મજૂરીના પૈસા
મૂંડકી : ઘોડાના કાઠાનો, મુગટ આકારનો મુખ-ભાગ
મેરનું ફૂમકું : મુખ્ય પારાનું ફૂમતું
મેરાબ : મસ્જિદમાં નમાજની જગ્યા સામેની ક-આ-બાની આકૃતિ
મેલા (દેવતા) : અમંગળ દેવ
મેલાં પેટ : કૂડકપટ
મેલીકા૨ : લૂંટારાની ટોળી
મેંગળ : હાથી.
મોકળા : છૂટા.
મોડબંધો : વરરાજા – જેને માથે હજુ મોડિયો (લગ્નનો મુગટ) બાંધેલો હોય
મોટું ભળકડું : વહેલી પરોઢનો સમય
મોટેરા : વડીલ
મોઢા આગળ : મોખરે
મોતનાં પરિયાણ : મોત પ્રતિ પ્રયાણ, મોતની તૈયારી
મોરડો : ઘોડાના મોં પરનો શણગાર
મોરાં : આકૃતિ, છબી
મોર્ય : આગળ
મોવડ : ઘોડાના મોઢા પરનું ઘરેણું
મોસરિયું : દાબી લપેટી માથા પર બાંધી લેવાનું કપડું
મોસાળું : પરણનાર વર કે કન્યાના માતાના પિયરથી માતાને જે ભેટ આવે તે (માતાના મહિયરથી આવે એ મામેરું)
મોળપઃ ફિક્કાશ
મોળો : નબળો
મોંસૂઝણું: મોં સૂઝે તેટલો જ પ્રકાશ હોય તેવો પ્રભાતનો સમય

રખેલિયો : સીમનો રખેવાળ
રજકો : પશુને ખવરાવવાનું વાડીમાં કરેલું ચારોલું
રજાઈ : ભાતીગળ ગોદડું
રણસગો : માણસ મૃત્યુ પામે એ જગ્યાએ એક-એક પથ્થર મૂકીને કરવામાં આવતો ઢગલો, પાળિયાનો એક પ્રકાર
રવાજ : રાવળ લોકોનું વાદ્ય
રંગાડા : કડાંવાળા, પહોળા મોંવાળા ચરુ (રંગેડા ઉપરથી)
૨ંડવાળ્ય : રાંડરાંડ
રાચ : વસ્તુ, જણશ
રાજીપો : રાજીખુશીથી
રાઠોડી હાથ : જોરદાર ભુજાઓ
રાત રાખવો : અધવચ્ચે રખડાવવો
રાતબ : ઘોડાને ખવરાવવામાં આવતાં ઘી-ગોળ
રાતવળા મૉત : બીજા કોઈ ન જોઈ શકે એવું પોતાનું મૃત્યુ
રાતીચોળ ચટકી : લાલ રંગની ટશર. આંખના નાક પાસેના ખૂણામાં જે રતાશ હોય. એ નારીના સૌંદર્ય અને નરવાઈ સૂચવે છે.
રાબ : જુવારને ભરડી, પાતળી. પાણી જેવી રાંધી, મીઠું નાખી પિવાય છે.
રામપાતર : માટીનું નાનું પાત્ર, શકોરું.
રાશ : બળદની લગામ (સંસ્કૃત ‘રશ્મિ’ પરથી)
રાશવા : બળદની લગામ જેટલે દૂર
રાંગમાં : બે પગ વચ્ચે (ઘોડી ઉપર બેઠેલ માણસને માટે કહેવાય કે એની રાંગમાં ઘોડી છે.)
રાંઢવું : દોરડું
રાંપી : ચામડાં કાપવાનું મોચીનું ઓજાર
રીડિયારમણ : બૂમાબૂમ
રૂડપ: સુંદરતા
રૂપાના સરલ : પુરુષના હાથનું ઘરેણું
રૂંવે રૂંવે : રોમે રોમે
રેગાડા : ધારાઓ
રેણાક : વસવાટ
રોગી સોપારી જેવો : ગોળ સોપારી જેવો ઠીંગણો
રોંઢાટાણું : મધ્યાહ્ન પછીનો સમય

લકૂંબઝકૂંબક : ફળથી લચી પડેલું
લખણું : છૂટાછેડાનું લખત
લખી : વાંદરી જેમ શરીર વીંડોળીને ઠેકડે કૂદતી ઘોડીનું નામ
લટૂરિયાં : વાળની લટો
લબાચા : સરસામાન
લંગર : બેડી
લાલ કીડિયાભાતની પછેડી : લાલ ગવનની ચૂંદડી (કન્યા માહ્યરામાં બેસે ત્યારે પાનેતરની લાજ કાઢવી માથે મોડિયા મૂકે, મોડિયા ઉપર ગવનની ચૂંદડી ઓઢાડી તેની લાજ કઢાવે – આમ બે ઘૂમટા થાય છે.)
લાંપડિયાળ : લાંપડા નામના ઘાસવાળી
લીરો : કાપડનો ફાટેલો ટુકડો
લૂણહરામી : નિમકહરામી, દગાબાજ
લેરે જાતું જોબન : ખીલતી જુવાની
લોઢ : મોજાં
લોથ: મુડદું
લોંઠકાઃ બળવાન

વખાની મારી : દુઃખની મારી
વગદ્યાં : વિલંબ કરવાનાં બહાનાં
વગાડવું : ઇજા કરવી, મારવું
વગોવવું : નિંદવું
વજ્રબાણ છોડવા : મહેણાંટોણાં મારવા
વાટાવવું : ઓળંગવું
વડલી : વડ
વડારણ : દાસી
વડિયો : સમોવડિયો
વદાડ : કરાર
વધારવું : વધેરવું, કાપવું
વધાવાના : ચાંદલાના, હાથગરણાના
વરતાવું : જાણવું
વરૂડી : વરૂવડી દેવી (જુઓ વાર્તા “રા’નવઘણ”)
વશેકાઈ : વિશિષ્ટતા
વસતીની વેલડી કોળાવી મૂકવી : સ્થળનો પુનર્વસવાટ કરાવવો
વસ્તાર : ઓલાદ
વહરું : કદરૂપું, બિહામણું
વળોટવું : ઓળંગવું
વાઈ (તરવાર) : મારી
વાગડના ધણી : આહીર જાતિ અસલ કચ્છ-વાગડમાંથી આવેલી હોવાથી આહીરને ‘વાગડના ધણી’ કહી બિરદાવાય છે.
વાગડિયા બળદ : ઉત્તર ગુજરાતના વાગડ-વઢિયાર પ્રદેશના બળદ; એ ઓલાદ ઉત્તમ ગણાય છે.
વાઘ : ઘોડાની લગામ
વાઘિયા : લગામના બંને બાજુના બે પટ્ટા
વાજ: વેગથી
વાજાં : (1) ઘોડાં, (2) વાજિંત્રો
વાજોવાજ : વેગથી
વારણાં : મીઠડાં
વારવું : અટકાવવું
વાળાક : વાળા રાજપૂત અને વાળા કાઠીઓનો પ્રદેશ
વાંઢ્યો : દુકાળમાં ઢોરઢાંખર, ઘરવખરી સાથે સલામત પ્રદેશમાં હિજરત કરે તે
વાંધાળું : વાંધા-વચકાવાળું, તકરારી
વાંસળી : રૂપિયા રાખવાની સાંકડી થેલી કે જે કમરની આસપાસ બંધાય છે.
વાંભ : (1) ગાયભેંસોને બોલાવવાની ગોવાળોની બૂમ, (2) લંબાવેલા બે હાથ જેટલું માપ
વીજળી : તલવાર
વીયા : સંતાન
વેકરો : રેતી
વેઢ : ફેરવીને નાનું-મોટું થાય તેવું આંગળીનું ઘરેણું, ફેરવો (ભારતની તળપદ જાતિઓના પુરુષો વિશેષ પહેરે છે)
વેણ્ય : નાની નદી
વેધ વચકા : રિસામણાં, મનદુ:ખ
વેન : હઠ
વેંતવા : વેંત જેટલું
વોડકું : પહેલી જ વખત વિંયાવાની તૈયારી હોય તે ગાય
વોળાવિયા : મુસાફરીમાં રખેવાળ
વોંકળો : નહેર, નાની નદી
વ્યાળું : વાળુ, રાત્રિનું ભોજન
વ્રહમંડ : બ્રહ્માંડ, આકાશ

શાદૂળો : સિંહ (શાર્દૂલ પરથી)
શામધર્મ : સ્વામી-ધર્મ, નિમકહલાલી
શેલાયું (નોંજણું) : દોહતી વખતે ગાયના પાછલા પગ બાંધવાનું ટૂંકું દોરડું. પગ છોલાય નહીં માટે એ ગાયપુચ્છ કે બકરીના વાળમાંથી બનાવે (શેળાયું પરથી)

સગતળિયું : જોડાની અંદરનું પાતળું અસ્તર
સનકારા : આંખોના ઉલાળા, ઇશારા
સફરી : (સફર કરના૨) વહાણ
સમ વરળક : ભાલાના ચમકારાનું દૃશ્યાત્મક વર્ણન
સમણવું : વીંઝવું
સમસ્યા : સંકેત, યુક્તિ
સમો: સમય
સરગાપર : સ્વર્ગ
સંચોડા : કુલઝપટ
સંજળ : જળથી ભરપૂર
સાબદી : તૈયાર
સામધર્મ : સ્વામીભક્તિ
સાં : છાયા
સાંકળ : ડોક
સાંગ : ભાલાને મળતું શસ્ત્ર
સાંઢ્ય : સાંઢણી.
સાંતી: એકસો વીઘાં જમીન, (25 વીઘા = એક એકર), એક ખેડૂત એકલપંડ્યે, એક હળ ખેડી, વાવી, લણી શકે તેટલી જમીન
સિસકારો : દાંતમાંથી નીકળતો વેદના-સ્વર
સીરખ : (1) પરણતી વખતે કાઠિયાણી પહેરે છે તે પાનેતર, (2) બનાત
સીસાણો : સીંચાણો, બાજ, શકરો બાજ
સુખડી : ભાતું, ટીમણ
સુખડું : મીઠાઈ
સુગલો : આનંદ
સુરાપરી : સ્વર્ગાપુર
સુવાણ : આરામ
સૂરજ-દેવળ : થાન પાસેનું સૂર્યદેવનું મંદિર; કાઠીઓના ઇષ્ટદેવનું નામ
સૂરાપૂરાનું પતરું : કુળદેવતાઓની આકૃતિવાળું ચાંદીનું પતરું જે સ્ત્રીઓ ડોકમાં પહેરે છે
સેંસોટ: શરણાઈના સૂર
સોજીર : સોલ્જરને કાઠિયાવાડીઓ ‘સોજીર’ કહેતા, જેમ કે વાઘેરોને વિષે દુહો કહેવાય છે : માણેક સીચોડો માડિયો, /ધધકે લોહીની ધાર,/ સોજીરની કીધી શેરડી,/વાઘેર ભરડે વાડ.
સોટી જેવા ગૂડા : પાતળા પગ
સોણું : સ્વપ્ન
સોતી : સહિત
સોપો : સુષુપ્તિ (તે પરથી રાત્રિએ સર્વ ગામલોકો સૂઈ ગયા હોય તે સમયને સોપો પડી ગયો કહેવાય છે.)
સોંડાવવું : સાથે તેડી જવું, નિમંત્રવું (લગ્નમાં)
સોંધો : કાળો, ચીકણો અને સુગંધી, હાથે બનાવેલો ‘પોમેડ’ જેવો વાળ માટેનો કાળો લેપ
સોંયરું : સૂરમો
સોંસરી : આરપાર

હડી : દોટ
હથાળો : દૃઢ.
હથેવાળો : હસ્તમેળાપ, લગ્ન
હનો : ઘોડેસવારની ચીજો રાખવા માટેનું ખાનું (ઘોડાના પલાણમાં)
હરમત : હિમ્મત
હરામ : ત્યાજ્ય, અગરાજ
હરીસો : કાઠી લોકોનું એક જાતનું પકવાન
હલક્યા : ઊમટ્યા
હાકલો : હાકલ
હાથગણું : હાથગરણું, લગ્નપ્રસંગે અપાતો ચાંદલો
હાથલા થોર : એક જાતનો થૂવર જેને હાથના પંજા જેવડાં પાંદડાં થાય છે.
હાવળ : ઘોડાનો હણહણાટ
હાંસડી : ડોકે પહેરવાનો, રૂપાનો વાળો
હિલોળવું : ઝુલાવવું
હિંગતોળ : વાણિયો (તિરસ્કારમાં)
હીણું : નબળું, દૂબળું
હુલાવવું : ઘોંચવું
હઠવાસ : નદી જે દિશામાં વહેતી હોય તે દિશા, નીચો વાસબ
હેઠળ : નીચે
હેડ્ય (ગાડાંની) : હાર્ય, સમૂહ
હેબતાવું : ચકિત બનીને અચકાવવું
હેમખેમ : ક્ષેમકુશલ
હેમવરણું : સુવર્ણરંગી
હેલ્ય: બેડું
હૈયાફૂટું : ભૂલકણું

(સાભાર : વોટ્સએપ, ખરેખર જે પણ મિત્ર એ આ મેહનત થી સોરઠી બોલી ના શબ્દો નું સંકલન કરી અહીં આપ્યા છે એ મિત્રનો હૃદયપૂર્વક આભાર – દિવ્યરાજસિંહ સરવૈયા)

કોઈ પણ શબ્દ ના અર્થ મા ભૂલ હોય તો કૉમેન્ટ કરી જણાવજો

તમે આમાંથી કયો શબ્દ પહેલા ક્યારેય નહોતો સાંભળેલ એ કૉમેન્ટ કરી જણાવો 🌼

આભાર : પોસ્ટ વધુ મા વધુ શેર કરજો જેથી લોકો આપડી તડપદી ભાષા ને જાણે ને ગર્વ કરી શકે.

ગુરુદક્ષિણા

Standard

ગુરુદક્ષિણા

– અંજલિ શેઠ

“અને એકલવ્યએ એક જ ઝાટકે કટારથી પોતાનો અંગૂઠો કાપી દ્રોણાચાર્યના ચરણોમાં ધરી દીધો.” જાનકીબેન ઇતિહાસ ભણાવવામાં એટલા ડૂબી ગયા હતા કે સમય ક્યારે પૂરો થઇ ગયો તેની ખબર જ ના પડી. જો કે બધા વિદ્યાર્થીઓને પણ ક્યાં ઉતાવળ હતી ! જાનકીબેનની વિષયને વર્ણવવાની રીત જ એવી કે પાઠમાં રસ ન પડે તો જ નવાઈ.

૧૯૪૫ની એ શાળાઓ, આઝાદીની લડાઈ માટે દેશભક્તિનો ચારેબાજુ ફૂંકાતો વંટોળ, ગરીબ તથા અશિક્ષિત ભારતીયો વચ્ચે શિક્ષણ અને જીવનના મૂલ્યો શીખવવાની જ્યોત હંમેશા સળગતી રાખવી કોઈ નાની વાત તો નહોતી જ ! બસો વર્ષના ઇતિહાસમાં અંગ્રેજ સરકારે દેશની સ્થિતિ ખોખલી અને લાચાર બનાવી દીધી હતી. રાજા રામમોહનરાય, માદામ કામા જેવા મહાન સમાજ સુધારકો સાથે જાનકીબેન જેવા નાના નાના તારલાઓ શિક્ષણ અને સદવિચારોના બીજ ભાવિ પેઢીમાં રોપવા સતત સમર્પિત રહેતા હતા. જાનકીબેન જેવા દૂરંદેશી શિક્ષિત લોકોને ખબર હતી કે આ દેશના યુવાનોને સ્વતંત્રતા મળ્યા પછી પણ પ્રગતિ અને મૂલ્યોની જાળવણી માટે શિક્ષણ તો આપવું જ રહ્યું. બાળલગ્નનો શિકાર બન્યા પછી નાની ઉંમરે વિધવા હોવાનું કારમું દુઃખ ગુનેગારની જેમ ભોગવ્યા છતાં જાનકીબેને સમાજ અને દેશનો એક નાનકડો ખૂણો પ્રકાશિત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. સતયુગ હોય કે કલયુગ હજારો જાનકીએ અગ્નિપરીક્ષા પાસ કરી જ છે. જાનકીબેન પણ ક્યાં એ સામાજિક ક્રૂરતાની અગ્નિપરીક્ષામાંથી બચી શક્યા હતા?

બાળકો અને સ્ત્રીઓના ભવિષ્યને ઉજાગર કરવા પ્રયત્નશીલ એવા જાનકીબેન ગુજરાતના દાહોદની એક નાનકડી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. આગળ પાછળ કોઈ ન હોવાથી બીજી કોઈ ચિંતા તો નહોતી. છત વિનાની શાળાઓ અને ભૂખથી ટળવળતા વિદ્યાર્થીઓને ક્યારેક વર્ગમાં બેસાડવામાં પણ ઘણી મેહનત કરવી પડતી. ક્યારેક તો બાળકો જાનકીબેન પાસે વાર્તાઓ અને પાઠ શીખવા એટલે જ આવતા જેથી એટલા સમય દરમ્યાન પેટની ભૂખ ભૂલી જવાય. વળી ક્યારેક જાનકીબેન જાતે જ ખીચડી કે ભાત જેવું કૈંક બનાવી એ વિદ્યાર્થીઓની પેટની ભૂખને વિરામ આપતા. એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ લગભગ દેશના બધા જ ગામડાઓમાં હતી. દુધીમતી નદી અને દધીચિ ઋષિની તપસ્વી ભૂમિની આસપાસ વસેલા દાહોદ જેવા નાના ગામડાઓમાં આવા ચિત્રની કોઈ જ નવાઈ નહોતી. માંડ ચાલીસ-પચાસ બાળકોને ભેગા કરી આવી શાળા કાર્યરત રહેતી જેમાં જાનકીબેન જેવા સામાજિક નિષ્ઠાથી ભરેલા શિક્ષકો ફરજ બજાવતા હતા.

શાળાનો સમય શરૂ થયો એટલે અડધા કે ફાટેલા કપડાં પહેરેલા લગભગ બધાં જ ભૂલકાંઓ ભણવાની આશાએ ગોઠવાઈ ગયા. જાનકીબેને પ્રાર્થના, દેશભક્તિ ગીત અને સુવિચારોનું પઠન કરી આજે ફરીથી ઇતિહાસ નો પાઠ ભણાવવાની શરૂઆત કરી ત્યાં જ… “બેન નમસ્કાર! આ મારો નાનકો. અહીં તમારા વર્ગમાં બેસાડવા કહ્યું છે.” એક મુસ્લિમ પ્રૌઢ પઠાણી ડ્રેસમાં સજ્જ જાનકીબેનના વર્ગમાં આવી બાર-તેર વર્ષના એક ભૂલકાને બેસાડી ગયા. જાનકીબેને આવકાર આપી બેસાડ્યો અને એકલવ્યની ગુરુનિષ્ઠાની વાર્તા આગળ વધારી… “એકલવ્યનો અંગૂઠો ગુરુદક્ષિણામાં માંગી દ્રોણાચાર્યને અર્જુનને પૃથ્વી ઉપરનો શ્રેષ્ઠ ધનુર્ધર સાબિત કરવો હતો. પરંતુ એકલવ્ય જેનું નામ, તેને તો ધનુર્વિદ્યાનું એટલું ઘેલું કે હાથનો અંગૂઠો નથી તો શું? ઈશ્વરે પગમાં પણ અંગૂઠો તો આપ્યો જ છે ને ! એકલવ્ય દ્રોણાચાર્યની મૂર્તિને વંદન કરી પગના અંગૂઠાનો ઉપયોગ કરી પોતાના બાણોને ગતિ આપવા લાગ્યો. જોતજોતામાં તો એટલી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લીધી કે પોતે એક આખી સૈન્ય બનાવી લીધી.” જાનકીબેન વચ્ચે વચ્ચે નવા આવેલા બાળક સામે દ્રષ્ટિ કરી લેતા, તેની તલ્લીનતા જોઈ ખુશ થયા. બીજા બાળકોને શબ્દો લખવાના આપી એ નવા બાળકને પોતાની પાસે બોલાવી પૂછ્યું, “શું નામ છે બેટા?”

“અશરફ.”

“અશરફ, તને વાર્તા ગમી?”

“હા બેન, મને એકલવ્ય જેવા જ બનવું છે..”

“અરે વાહ! તને મહાભારત વિષે ખબર છે?”

“ના બેન, ક્યારેક મારા અમ્મી મને કુરાન અને પયગંબરસાહેબની વાર્તા વાંચી સંભળાવે છે.”

અશરફની નિર્દોષતા જાનકીબેનને સ્પર્શી ગઈ.

“તને ખબર છે? ખુદા અને ભગવાન એક જ છે. બસ, આપણે તેમના નામ અશરફ અને અર્જુન કરી નાખ્યા છે.”

“બેન, મને ભણવાનું, વાર્તા સાંભળવાનુ ખૂબ ગમે છે. અમારા સલાટવાડમાં બધા છોકરાઓ આખો દિવસ ગંજીફા રમ્યા કરે છે એટલે અમ્મી-અબ્બા મને તેમની સાથે મજૂરીએ લઇ જાય છે. બે પૈસા વધારે રળી શકાય તો ઘરમાં મદદ રહે.”

“મારું ઘર સલાટવાડના છેડે જ છે. તું ઈચ્છા થાય તો આવી શકે છે. તને ચોપડીઓ અને પાટી પેન પણ આપીશ.” જાનકીબેને પ્રેમાળ હાથ અશરફના માથા ઉપર ફેરવતાં કહ્યું.

અશરફ ક્યારેક એ જ બધા મહોલ્લાના મિત્રો સાથે રમી લેતો પરંતુ મનનાં એક ખૂણે ભણી ગણીને મોટા સાહેબ બનવાના અને અબ્બા-અમ્મીને રોજેરોજ ની મજૂરી અને ગરીબીમાંથી છુટકારો અપાવવાના સપના જીવંત રાખતો. પછી તો દરરોજ અશરફ જાનકીબેન સાથે કેટલી બધી વાતો કરતો અને કેટલા બધા પ્રશ્નો પૂછતો. જાનકીબેન પ્રેમથી બધા પ્રશ્નોના જવાબ આપી તેને ભણવા માટે પ્રોત્સાહિત કરતા. એકલવ્ય, કર્ણ, અકબર, મહારાણા પ્રતાપ અને એવા કેટલાય પાત્રો અશરફ માટે જાણીતા બની ગયા.

એક વહેલી સવારે આઝાદીની મશાલ સાથે ‘હિન્દ છોડો’ આંદોલનના નારા સાંભળી અશરફ રસ્તા ઉપર દોડતો આવી ગયો. બ્રિટિશરાજના અન્યાયી કાયદાઓનો વિરોધ કરવા કેટલા બધા દેશવાસીઓ ઠેર ઠેર શહેરો, ગામડાંઓમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જાનકીબેન કેસરી સાડીમાં રાષ્ટ્રધ્વજ લઇ એ સરઘસમાં સ્ત્રીઓને દેશદાઝ અને આઝાદીનું મહત્વ સમજાવતા હતા. “સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે..” એવા બાળગંગાધર તિલકના નારાને ઉજાગર કરતા અવાજો ચારે બાજુ વાતાવરણમાં ગુંજતા હતા.

“અશરફ…..અશરફ…” જાનકીબેન રસ્તાની બીજી બાજુએથી અશરફને સરઘસમાં જોડાવા બોલાવતા હતા. અશરફ તરત જ એક રાષ્ટ્રધ્વજ ફરકાવતો “જય હિન્દ”ના નારા સાથે સરઘસમાં દોડ્યો. બ્રિટિશ સરકારનો એ જ જોહુકમી ક્રૂર લાઠીચાર્જ અને પાછી ભાગંભાગ… બે-ત્રણ દંડા તો અશરફને પણ પડ્યા… બધું શાંત થતા જાનકીબેન અશરફ ને સાથે લઇ દુધીમતીના કિનારે બેઠા.

“અશરફ, તને ખબર છે માણસની અંદર જ એક રાક્ષસ જીવતો હોય છે. જયારે જયારે એ રાક્ષસ માથું ઊંચકે ત્યારે ત્યારે એ ક્રૂરતા, લોભ જેવા વિકારો તરફ પ્રેરાય છે.”

“ઈશ્વર બધાને એક જ માટીમાંથી બનાવે છે છતાં કેટલીક માટીમાંથી ઉગતો છોડ વૃક્ષ બની વાતાવરણમાં ઠંડક અને નિરાધારને આશ્રય આપે છે, જયારે કેટલીક માટીમાંથી ઉગતો છોડ કાંટા દ્વારા બીજાને છિન્ન ભિન્ન કરી દે છે.”

“માણસજાતે ધર્મના નામે ચાલતા આડંબરને પોષ્યા વગર મનુષ્ય ધર્મને સ્થાપિત કરવો જોઈએ . આ દેશ અને સમાજનું કલ્યાણ તેમાં જ છે…”

“બેન, ચારેબાજુ ભયનું વાતાવરણ ક્યારેક વિચાર કરતા મૂકી દે છે… આટલા મોટા દેશને સાચવવામાં આપણા જેવા એકલ દોકલની શું વિસાત?”

“અશરફ, આ દેશને તારા જેવા યુવાધનની જરૂર છે. ભગતસિંહ, રાજગુરુના લોહીથી સિંચાયેલી આ ધરતીને આઝાદી તો ચોક્કસ મળશે પણ એ આઝાદીની ગરિમા તારા જેવા યુવાનોએ જ જાળવવાની છે.”

બીજે દિવસે સવારે રાબેતા મુજબ શાળા શરૂ થઇ. બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા પરંતુ અશરફની ગેરહાજરી જાનકીબેનને ઉડીને આંખે વળગી. કદાચ બીમાર હશે.. જાનકીબેન બીજા વિદ્યાર્થીઓને ભણાવવામાં તલ્લીન થઇ ગયા. બે-ત્રણ દિવસ સુધી અશરફ ન જોવાતા તે શાળા છૂટ્યા પછી સીધા અશરફના ઘરે ગયા તો ઘર બંધ હતું.

પંદર દિવસ પછી અશરફને અબ્બા પાછા નિશાળે મુકવા આવ્યા. “અશરફ, ક્યાં હતો આટલા દિવસ?”

જાનકીબેનથી રહેવાયું નહિ.. અશરફ કંઈ પણ જવાબ આપ્યા વગર બેસી રહ્યો. તેની આંખોમાં પેહલા જેવો આનંદ કે ઉત્સાહ જોવાતા નહોતા. જાનકીબેને પાસે જઈ ફરીથી પૂછ્યું, “અશરફ, કંઈ બોલતો કેમ નથી?” અશરફના ચોળાયેલા કપડાં અને ઉતરેલો નિરાશ ચહેરો કંઈક નિરાશામય ઘટનાની ચાડી ખાતા હતા. જાનકીબેને વધારે પૂછ્યા વગર ભણાવવાનું શરૂ કર્યું. પણ અશરફ સૂનમૂન એક જ જગ્યાએ બેસી રહ્યો. શાળા પૂરી થતા જાનકીબેન અશરફ પાસે આવ્યા અને ફરી પૂછ્યું, “કેમ કંઈ બોલતો ન..?” હજી વાક્ય પૂરું કરે એ પેહલા જ અશરફ ડૂસકા લઇ રડવા લાગ્યો.

“બેન, અઠવાડિયા પહેલા અમ્મીને પેટમાં તકલીફ હોવાથી શહેરની હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ પૈસાના અભાવે પૂરતી સારવાર ન મળતા…” અશરફ આગળ કઈ બોલી શક્યો નહિ, બસ ડૂસકાનો અવાજ દબાઈ ગયો…

“ઓહ ભગવાન…” જાનકીબેનના મોંમાંથી આશ્વાસનના બે જ શબ્દો નીકળ્યા… આંખોમાં આવેલા આંસુઓને દબાવી અશરફના માથે હાથ ફેરવતા બોલ્યા, “હું સમજી શકું છું બેટા, એક માની ગેરહાજરી જીવનમાં કેટલો ખાલીપો લાવતી હોય છે.. પણ, તું તો મારો સમજદાર ને હોંશિયાર શિષ્ય છે.”

“બેન, અલ્લાહ આટલો નિર્દય કેમ બનતો હશે?”

“તે ક્યારેય કોઈ માટે નિર્દય નથી બનતો બેટા, બસ આપણે તેના નિર્ણયને ક્યારેક સમજી નથી શકતા.”

“અશરફ, જીવનમાં ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જયારે આપણે ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. પણ યાદ રાખજે હંમેશા એક રસ્તો બંધ થાય તો બીજા નવા રસ્તા આપણા માટે ખુલતાં જ હોય છે… ક્યારેક ન ધારેલી ઘટનાઓ અને વ્યક્તિઓ આપણા જીવનને બદલી નાખતા હોય છે… કદાચ નવી દિશાઓ તરફ વાળતા હોય છે. નક્કી આપણે કરવાનું હોય છે યોગ્ય દિશા કઈ છે !” જાનકીબેનની લાગણી અને પ્રેમપૂર્વકના વર્તને અશરફને થોડી શીતળતા આપી.

અશરફ હવે મહોલ્લાના મિત્રો સાથે વધારે સમય પસાર કરવા લાગ્યો… સંગતની અસર થોડી થવા લાગી પણ જાનકીબેનનું વાક્ય તેને બરાબર યાદ રહી ગયું હતું, “નક્કી આપણે કરવાનું છે યોગ્ય દિશા કઈ !”

આમ ને આમ સમય વીતતા એક દિવસ દેશવ્યાપી આંદોલનો અને ગાંધીજી, સરદાર જેવા નેતાઓના પ્રયત્ને અંગ્રેજ સરકારે ભારત છોડી હંમેશને માટે સ્વદેશ પાછા જવાનો નિર્ણય જાહેર કર્યો. આખા દેશમાં ઉત્સાહ અને દેશભક્તિના નારા સાથે આનંદ છવાઈ ગયો. આઝાદીનો નવો સૂરજ ઉગતો જોવા દરેક દેશવાસીની આંખો આતુર બની હતી… પણ આ શું??

“પાકિસ્તાન?”

“આ દેશના ભાગલા?”

ઓહ ! ભારતમાતાના હ્રદયના બે ટુકડા ! “ભારત” અને “પાકિસ્તાન” એમ બે લોહીથી નીતરતા ટુકડાઓએ આઝાદીના સપનાને ઘણે અંશે રોળી નાખ્યું. ઠેર ઠેર “મારો…” ” કાપો…” “હિન્દુ છે?” “મુસ્લિમ છે?” એવી ચીસો અને ક્રૂરતાએ ઘણા હ્રદયો, ઘરો અને દેશભક્તોને આઘાતના બોજ તળે દાટી દીધા. સ્ત્રીઓની ઈજ્જત સરેઆમ બેશરમીપૂર્વક ચીસો અને રોકકળ વચ્ચે વેચાવા લાગી હતી.

આવી જ એક અંધારી રાત્રે સલાટવાડના કેટલાક નપાવટ યુવાનોનું ટોળું જાનકીબેનના ઘરને ઘેરી વળ્યું. જાનકીબેન ગભરાયેલા, ધડકતા હૈયે એક જ ઝાટકે ઉઠી ગયા. બહારથી આવતા લાકડીઓના અવાજથી જાનકીબેનને ધ્રાસ્કો પડ્યો… તે “બચાવો… બચાવો…”ની ચીસો પાડવા લાગ્યા, પણ જ્યાં બધું જ લૂંટાવા બેઠું હોય ત્યાં કોણ કોને બચાવે? ચારે બાજુ કેરોસીન છાંટી આગ ચાંપવામાં આવી. જાનકીબેન પાછલા દરવાજેથી દોડ્યા… ટોળામાંથી બે ચાર નરપિશાચ બદ ઈરાદાથી પાછળ દોડ્યા… આજે તો શિક્ષક હોય કે સ્ત્રી, માતા હોય કે બહેન બધું જ આગમાં એકસરખું સળગી રહ્યું હતું. જાનકીબેન ચીસો પાડતાં, લથડિયાં ખાતાં લાજ બચાવવા દુધીમતી તરફ દોડ્યા, ત્યાં જ એક કૃષ્ણ સમો પડછાયો આજે ફરી દ્રૌપદીની લાજ બચાવવા પાછળથી જાનકીબેનનો પીછો કરતો આવ્યો… જાનકીબેનને પકડી લીધા અને લગભગ બેભાન હાલતમાં જ તેમને ઉપાડી ફટાફટ પોતાની ઝૂંપડી તરફ ભાગ્યો…
ગુરુદક્ષિણાનું ઋણ જે ઉતારવાનું હતું !

ગુજરાતી વ્યાકરણ

Standard

●અક્ષરો બે પ્રકારના છે,
૧ સ્વરો
૨ વ્યંજનો

●સ્વરો –
જે અક્ષરો એકલા,સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તેવા હોય તેમને સ્વરો કહે છે.

●વ્યંજનો–
જે અક્ષરો એકલા,સ્વતંત્ર રીતે,સ્વરો મેળવ્યા વગર ઉચ્ચારી શકાતા નથી તે વ્યંજનો કહેવાય છે.
વ્યંજનોમાં ફક્ત એક જ અપવાદ ‘ઋ’ નો છે જે સ્વતંત્ર રીતે સ્વર મેળવ્યા વગર પણ ઉચ્ચારી શકાય છે.

●સ્વરો-
અ, આ, ઇ, ઈ, ઉ, ઊ વગેરે…

●વ્યંજનો–
ક્ ખ્ ગ્ … વગેરે તથા ઋ

•આ સ્વરો અને વ્યંજનોને બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે•

●લઘુ અથવા હ્રસ્વ અક્ષરો
સ્વર–અ,હ્રસ્વ ઇ,ઉ

●વ્યંજન – ક, કિ, કુ, ઋ વગેરે

ટૂંકુ રૂપ – ‘લ’

ચિહ્ન : U કે I

ઉચ્ચાર કોમળ છે અને બોલવામાં ઓછો સમય લાગે છે.

●ગુરુ અથવા દીર્ઘ અક્ષરો

●સ્વર–
આ, ઈ, ઊ, એ ઐ, ઓ, ઔ, અં, અઃ

●વ્યંજન–
કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ, કં, કઃ વગેરે

ટૂંકુ રૂપ – ‘ગા’

ચિહ્ન :  ¯ કે =

ઉચ્ચાર ભારે છે અને બોલવામાં લઘુ અક્ષરોથી વધારે સમય લાગે છે.

●અનુસ્વાર વાળા અક્ષરો

અનુસ્વાર વાળા અક્ષરો સામાન્ય રીતે ઉપર જણાવેલા નિયમ મુજબ ગુરુ અક્ષર ગણાય છે પણ ગુજરાતીમાં જે શબ્દો તળપદી બોલીમાંથી આવ્યા હોય ત્યાં અનુસ્વારવાળા અક્ષરને લઘુ પણ ગણી શકાય છે.

દા.ત.

સુંવાળી – લગાગા
સુંવાળું – લગાલ
ચાળું – ગાલ
કાણું – ગાલ
કંઈ – લલ અથવા ગા

જો કે અનુસ્વારનો ઉચ્ચાર કઠોર થતો હોય ત્યાં તેને લઘુ ગણી શકાય નહીં.

દા.ત.

અંધ – ગાલ
કુંભાર – ગાગાલ
જંજાળ – ગાગાલ

●વિસર્ગવાળા અક્ષરો

વિસર્ગવાળા અક્ષરો ગુરુ ગણાય છે, જેમ કે

અંતઃકરણ – ગાગાલગા

●જોડાક્ષરો

જોડાક્ષરોને જો મૂલતઃ સંસ્કૃતમાંથી આવેલા અને તળપદી બોલીમાંથી આવેલા એમ બે વિભાગોમાં વહેંચીએ તો તેમના ઉચ્ચાર દરમ્યાન જોડાક્ષરના આગળના અક્ષરને લાગતા થડકા પરથી તે લઘુ છે કે ગુરુ તે નક્કી કરી શકાય. સામાન્ય રીતે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા શબ્દોમાં જોડાક્ષરની આગળના અક્ષરને થડકો લાગે છે, અહીં જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણાય છે.

જેમ કે

સત્ય, કૃત્ય, પુષ્પ વગેરેનું લગાત્મક સ્વરૂપ ‘ગાલ’ થાય છે.

તળપદા જોડાક્ષરો કોમળતાથી બોલાય છે,આગળના અક્ષરને થડકો લાગતો નથી,તેથી આગળનો અક્ષર લઘુ હોય તો લઘુ જ રહે છે.

જેમ કે,

સાંભળ્યું – ગાલગા

●બે લઘુ = ગુરુ

સંસ્કૃતમાં બે લઘુ અક્ષર લઘુ જ રહે છે, પણ ગઝલના છંદોમાં શબ્દોના ઉચ્ચાર દરમ્યાન લાગતા વજનના લીધે બે લઘુનો એક ગુરુ ગણી શકાય છે.

જેમ કે,

અમર, નયન – લગા
કુશળ, વિગત – લગા
કસરત, મનહર – ગાગા
ટર્મિનસ – ગાલગા

●●●● પાસપાસેના બે લઘુઓ માટે અપવાદો—

૧.પાસપાસે આવેલા બે લઘુઓમાં એક કે બંને લઘુઓ હ્રસ્વ ઈ કે ઉ સ્વરભાર વાળા હોય ત્યાં બંને લઘુ તરીકે જ રહે છે,

જેમ કે,

સુખ, ઋણ, કુળ, રવિ, પિયુ વગેરેનું ‘લગા’ત્મક સ્વરૂપ – ‘લલ’ જ થાય છે. કામિલ જેવા છંદમાં પાસપાસે બે લઘુઓ લઘુ તરીકે જ નિભાવવાના હોય છે.

૨.શબ્દ બે શબ્દોના વિન્યાસથી બન્યો હોય અને આગલો શબ્દ લઘુથી અંત પામતો હોય અને બીજો શબ્દ લઘુથી શરૂ થતો હોય ત્યાં બંને લઘુ,લઘુ જ રહે છે,

જેમ કે,

રાજરમત = રા-જ-ર-મત = ગા-લ-લ-ગા
કુવચન = કુ-વ-ચન = લ-લ-ગા
અસહાય = અ-સ-હા-ય = લ-લ-ગા-લ

●પંક્તિને છેડે લઘુ

ગઝલના છંદોમાં પંક્તિને છેડે આવતો લઘુ અક્ષર છંદમાં અનિવાર્ય ન હોય ત્યાં આગળન લઘુ કે ગુરુ સાથે મેળવી ગુરુ ગણવામા આવે છે, કાં તો એ લઘુનો લોપ કરવામાં આવે છે.

●●●●હવે ઉપરોક્ત નિયમોને અનુસરીને જોઈએ કેટલાક શબ્દોના ‘લગા’ત્મક સ્વરૂપો●●●●●

ગુરુ, તિથિ, ક્રમ, ઋણ, કૃમિ, શ્રૃતિ, વધુ, ગુણ = લલ = ગા

વન, હઠ, ઝટ, મન, ગમ = ગા

કૈં, જૈ, થૈ = ગા

પ્રમુખ, વિમુખ, શિશિર, ગણિત, ચક્તિ, શ્રમિત, તિમિર, કુસુમ = (કુ-સુમ) = લગા

મુક્ત, શાંત, ધર્મ, સૌમ્ય, કાર્ય, અશ્રુ, મિત્ર, ભ્રષ્ટ = (ભ્રષ-ટ) = ગાલ

સરવર, થાક્યું, ગણના, જીપ્સી, સૌરભ, અત્રે, અક્ષર, અડિયલ = (અડિ-યલ) = ગાગા

સંયુક્ત, આકૃષ્ટ, નિર્મુક્ત, વિશ્વાસ, નિર્વિર્ય, ધિક્કાર, દિલચશ્પ, ઇજનેર, સ્મરણીય = (સં-યુક્-ત) = ગાગાલ

કૂદકો, અક્ષરો, ખુશખબર, મશ્કરી, બરતરફ, સંકુચિત = (સં-કુ-ચિત) = ગાલગા

સરોવર, જણાવ્યું, ગણતરી, ભિખારણ, ફિરંગી, સમયસર = (સ-મય-સર) = લગાગા

સરિતા, કુવચન, અતિશય, કુલટા = (કુ-લ-ટા) = લલગા

વિભક્ત, વિચિત્ર, પર્યાપ્ત, કુનેહ = (વિ-ચિત્-ર) = લગાલ

હંમેશા, સળવળતો, ઘરવખરી, છૂમંતર = (છૂ-મં-તર) = ગાગાગા

માણસાઈ, એકતારો – (એ-ક-તા-રો) = ગાલગાગા

પયગમ્બરી, વાતાવરણ = (વા-તા-વ-રણ) – ગાગાલગા

રાજકમલ, કામગરું, હાથવગું = (હા-થ-વ-ગું) = ગાલલગા

●શબ્દોને બોલીને તેના ઉચ્ચાર દરમ્યાન અક્ષરો પર આવતા વજનને અનુસરીને લઘુ ગુરુની માપણી કરી શકાય છે, મહાવરે આ સરળ બની રહે છે. ઘણી વખત એક જ અક્ષરનો ઉચ્ચાર સમાન વપરાશ છતાં અલગ હોવાથી માપ અલગ આવે છે, જેમ કે પરણ્યો અને અરણ્યો બંનેમાં ‘ણ’ છે, પરણ્યોમાં ‘ણ’ નું વજન આગળના અક્ષર પર ઢળતું નથી,તેથી તેનું માપ પર+ણ્યો = ગાગા થશે જ્યારે અ+રણ્+યો = લગાગા ગણાશે. ક્ષણિક અને રણક્ષેત્રમાં પણ આવો તાત્વિક ભાર ભેદ રહે છે, ક્ષણિકમાં ‘ક્ષ’ લઘુ થશે જ્યારે રણક્ષેત્રમાં સામસિક શબ્દ હોવાથી ‘લગા’ત્મક સ્વરૂપ લગાગાલ નહીં થાય, ગાગાલ થશે.

આપણું ભાષા ગૌરવ !!!

Standard

આપણું ભાષા ગૌરવ !!!

1
લગભગ 1981-82ની વાત છે. હું ત્યારે ધર્મજ (મૂળ ખેડા જિલ્લો) રહેતો હતો. અમારી પાડોશમાં રહેતા કાકા-કાકીને ત્યાં એમના દીકરાની નાની દીકરી લંડનથી આવી હતી. લગભગ 8-9 વર્ષની ઉંમર હશે. નાજુક મજાની ગુડિયા જેવી હતી. અમે પાડોશી અને અમારા ઘરે 6-7 સભ્યો એટલે એ અમારા ઘરે જ રમતી. ગુજરાતી આવડે નહિ એટલે એ મોટેભાગે મારા મોટાભાઈ અને મારી સાથે વાતો કરતી. અમે એની સાથે કેરમ અને પત્તાં રમતા રમતાં એને થોડું થોડું ગુજરાતી બોલતા શીખવતાં. એક દિવસ એ આવી અને મને કહ્યું કે એ આજે ગુજરાતીમાં નવો શબ્દ શીખી અને મોટેથી અમને કહી બતાવ્યો. #*@%. અમે બધા જ સડક થઇ ગયા. મેં તેને અંગ્રેજીમાં સમજાવ્યું કે આ ખરાબ શબ્દ છે એમ ના બોલાય. એ છોભીલી પડી ગઈ.

2
1992ની વાત. હું અમૅરિકામાં લગભગ નવો હતો. બે ત્રણ વર્ષ થયા હતા. ઇલેક્ટ્રોનિક કંપનીમાં પરચેઝિંગ મેનેજરનું કામ કરતો ત્યારે અમારી કંપનીમાં કામ કરતી બેટ્સી સાથે ક્લચર બાબતે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો થતી. એ ભારતીય સંસ્કૃતિ વિષે જાણતી અને મને અમેરિકન ક્લચર શીખવા મળતું. એક દિવસ એ આવીને મને કહ્યું કે, “અજય, વ્હોટ ઇઝ મીનિંગ ઓફ माँ की #$&@ ? ” હું ડઘાઈ ગયો. મેં પૂછ્યું ક્યાંથી આ વર્ડ શીખી લાવી? તો ખબર પડી કે એના પાડોશી એક પંજાબી હતા.

3
2000ની વાત. એન્જીયનયરીંગ ડિપાર્ટમેન્ટ માં કામ કરતો દ્રાફ્ટસમેન સ્પેનિશ હતો. બહુ મશ્કરો હતો. એને કોઈકે ગુજરાતીમાં ગાળ #$%& શીખવાડી. એ જર્સી સીટી ના ઇન્ડિયન વિસ્તારમાં ગાડીમાંથી મ્હોં બહાર કાઢીને મૉટેથી બોલ્યો. બીજે દિવસે આવીને મને હસતા હસતા કહ્યું કે મેં આવું કર્યું. તો પછી મેં કહ્યું કે હું એના કરતા વધારે ખરાબ શબ્દ શીખવાડું. આવતી કાલે આવું બોલજે કે ‘મને માફ કરો મારો ભાઈબંધ ગધેડો છે!’. એણે એમ કર્યું તો ત્યાં ઉભેલા બે ચાર જણાએ એને સામેથી હાથ હલાવીને બુમ પાડીને પ્રોત્સાહિત કર્યો તો એ બે ચાર વાર એમ બોલ્યો. બધાને મજા આવી અને એને પણ. પાછું એણે જે વ્યક્તિએ ઓરીજીનલ ગાળ શીખવાડી હતી એને જઈને એ કહ્યું. ત્યારે પેલા ભાઈ મારો આશય સમજી ગયા.

4
2015ની વાત. મારી નવી બોસ ગુજરાતી છોકરી છે જે અમેરિકામાં જન્મી છે અને કેનેડા-અમેરિકામાં ઉછરી છે. ગુજરાતી માંડ દસ-બાર વાક્ય આવડે છે. એ અને એનો ભાઈ ઇન્ડિયા ગયા હતા તો ત્યાં કોઈએ એના ભાઈને ગાળ શીખવાડી. એના ભાઈએ એ ગાળ ઘરે આવીને બોલી બતાવી, તો મા-બાપ ડઘાઈ ગયા. અને પાછું મારી બોસે એ વાત આવીને અક્ષરસ: મને કહી તો હું ડઘાઈ ગયો.

આ ખરેખર બનેલા પ્રસંગ છે. બસ એક આયનાની જેમ બધાની સામે ધરું છું. આપણે આપણી પોતાની માતૃભાષાનું કેટલું સન્માન કરીએ છે.? શું આ સન્માન થયું કે અપમાન? ગઈકાલે મેં એક પોસ્ટ મૂકી હતી. સત્યઘટના જ હતી કે ચાલુ લૅક્ચરે બેધ્યાનપણે હું એક વાક્ય ગુજરાતીમાં બોલી ગયો. 90% લોકોએ કલ્પી જ લીધું કે હું ગાળ બોલ્યો હોઈશ.

કોઈ વ્યક્તિ બીજી ભાષાની વાત કરે ત્યારે આપણે આપણી ભાષાની મહત્તા સાબિત કરવા વિવાદ કરીએ છે પણ આપણે પોતે જ એનું અપમાન કરતા વિચાર કરતા નથી. તો પછી મહત્તા માટેનો વિવાદ કેમ કરવાનો? ફક્ત આપણે સાચા છે એવું સાબિત કરવા માટે? ખોટું લખતા કે ખોટું બોલતા આપણે શરમાતા નથી. પણ આપણી જાતને મહાન સાબિત કરવા વિવાદ કરવામાં આપણે સુરા છીએ એવું ગઈકાલે પ્રતીત થયું. ભાષા એ અભિવ્યક્તિનું સાધન છે તો એ અભિવ્યક્તિ આપણે કોઈપણ ભાષામાં કરી જ શકીએ. જો સાચી રીતે ભાષાનો અભ્યાસ કરો, એ ભાષાનું સાહિત્ય વાંચો તો દરેક ભાષા એકસરખી રીતે મહાન લાગશે. આપણે આપણી માતૃભાષાનું હંમેશા સન્માન કરવું જ જોઈએ. હું હંમેશા કરું છું અને કરતો રહીશ જ.પણ બીજી કોઈપણ ભાષાને ઉતારી પાડીને તો નહિ જ. મને દરેક ભાષામાં લાલિત્ય જણાયું છે.

ભાષા એ અભિવ્યક્તિનું સાધન છે તો એ અભિવ્યક્તિ આપણે કોઈપણ ભાષામાં કરી જ શકીએ.

મારી માતૃભાષા ગુજરાતી છે તો એ મને વધારે ગમે છે. લોકો ગુજરાતી ભાષાને મા કહે છે પણ હું હંમેશા એમ કહું છું કે ગુજરાતી ભાષા મારી પ્રેયસી છે. એની સાથેની છેડછાડ હું ચલાવી લેતો નથી. મારો 90% સમય અંગ્રેજી વાતાવરણમાં પસાર થાય છે. વાઈફ અને સંતાનો મહદ અંશે અંગ્રેજી જ ઉપયોગ કરે છે તો પણ હું રાત્રે આવતાં મારા સ્વપ્નો ગુજરાતીમાં જ જોઉં છું. આજે આ સંદર્ભમાં ઇટાલિયન મિત્ર માઈક સાથે આ બાબતે વાત થઇ તો એ પણ આશ્ચર્ય પામ્યો કે એ બધા ઇટાલિયન, ક્યુબન, કોરિયન અને અમેરિકન મિત્રો મારા સ્વપ્નોમાં ગુજરાતીમાં જ સંવાદ કરે છે.

“અભરામ ભગત”

Standard

અભરામ ભગત

જન્મ: ૨૪-૧૦-૧૯૨૦। મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮

સ્વ. અભરામ ભગતનો જન્મ આજથી ૯૦ પહેલા સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું.તેમના પિતા પોલીસખાતામાં નોકરી કરતા હતા.પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તેથી માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. પછી થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં દાખલ કરવામાં આવ્યો.પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા… આવી હાલતમાં ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ ગયા.ત્યાં ઈબ્રાહીમના જીવનમાં જબરજસ્ત વળાંક આવ્યો.જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!
થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે ‘ભગત’ તરીકે ઓળખાતા ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો ‘અભરામ’ તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું ‘અભરામ ભગત’. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ.

જેતપુર નજીકના વડિયા ગામના દરબારે અભરામ ભગતને જમીન આપી.તે જમીન પર ભગતે મકાન બાંધીને પત્ની હલીમાબાનુ સાથે પોતાનો સંસાર વસાવ્યો.
તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ અગ્રીમ સ્થાન મેળવ્યું.
ભજન ઉપરાંત અભરામ ભગત ‘આખ્યાન’ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી! તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!
અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા. એ 1973ની સાલ હતી. ભગતને ‘અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ’, ‘સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ’ જેવી સંસ્થાઓ તેમજ ‘ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી’ ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત ‘રાજકુમાર કોલેજ’ માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. “તાનપૂરાનો એક તાર તૂટી ગયો!”- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોકગીત કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ…..

“ગુજરાતી વ્યાકરણ”

Standard

૧)ઈ તથા ઇ બાબત :

* બધા જ ઈ મોટા કરવા… દા. ત.

જોઈએ., હોઈએ, હોઈ, કોઈ, ખવાઈ, કોઈ, દઈશું, નવાઈ વગેરેમાં બધી જ જગ્યાએ ઈ મોટો કરવો….. અપવાદ ઇતિહાસમાં ઇ નાનો કરવો.

* જ્યારે પણ જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષરની આગળનો અક્ષર ઇ નાનો કરવો દા.ત. ઇચ્છા, ઇક્ષુ, ઇક્કડ, ઇજ્જત, ઇઠ્યાશી, ઇન્ડિયા, ઇશ્ક વગેરેમાં પછીનો અક્ષર જોડાક્ષર હોવાથી ઇ નાનો થશે.. અપવાદ ઈશ્વર. (ઈશ્વર કદી નાનો ન હોય)

બધા જ અંગ્રેજી શબ્દોમાં જ્યાં પણ ઇ આવે ત્યાં હ્રસ્વ (નાની ) ઇ જ કરવી. જેમ કે આઇડિયા/ મેઇલ/ ગેઇમ/ વગેરે

ખાસ વિનંતી : આ નિયમો યાદ ન રહે તો પછી આંખો મીંચીને બધે ઈ મોટા કરજો કારણ કે નાના ઇ નો વપરાશ ઓછો હોવાથી સુધારવામાં તકલીફ ઓછી પડશે.
(૨)

* નહીં માં જો હી દીર્ઘ કરો તો મીંડું મૂકવાનું પરંતુ નહિ હ્રસ્વ હિ હોય તો મીંડું ન કરવું.
(૩)

* મૅનેજમૅન્ટમાં બન્ને મૅ પહોળા ઉચ્ચારવાળા કરવા; એવી જ રીતે ટૅક્નોલૉજીમાં…બધી જ લૉજીમાં – બધે જ એમ કરવું.

કેટલાક અંગ્રેજી શબ્દોમાં કોઈ ઉચ્ચાર પહોળો થતો હોય છે જેમ કે મેનેજ, બ્લોગ, કેપ્ટન વગેરેમાં મૅ, બ્લૉ તથા કૅ ઉપર ઊંધો માત્ર કરવો.
(૪) ભેગા લખવાના અક્ષરો (પ્રત્યયો) :

** નો,ની,નું,ના વગેરે શબ્દની જોડે જ લખાય…દા. ત. તેનું. આપવાનું, દશરથને, વગેરે;

** માં /થી / એ / જેવા પ્રત્યયો પણ ભેગા જ લખાશે. ભાણામાં, તેનાથી વગેરે

** પરંતુ વડે, દ્વારા, થકી, પર, જેવા પ્રત્યયો જુદા લખવા;
(૫) અનુસ્વાર બાબતે :

* ક્રિયાપદોના મૂળ રૂપને છેવાડે હંમેશાં અનુસ્વાર આવશે જેમ કે : મૂકવું, ગમવું, ચાલવું, નોતરવું

* ઉપરાંત ગમતું, હસતું, પોસાતું, વગેરેમાં પણ અનુસ્વાર કરવો.

* શું, હું, છું, તું વગેરે ઉકારાંત એકાક્ષરોમાં હ્રસ્વ ઉ કરીને અનુસ્વાર કરવો;

૧) નર જાતિના શબ્દોનું બહુવચન થાય તો પણ અનુસ્વાર નહીં કરવો જેમ કે, પથ્થરો પડ્યા; પુરુષો જમ્યા; તારા ખર્યા, વગેરે

૨) નારી જાતિના શબ્દોનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર કરવા જેમ કે, બહેનો ગયાં, (સમજવા માટે દાખલો : “કસ્તુરબા માંદાં પડ્યાં ને બાપુને વઢ્યાં”…..એમ લખાય પણ “ગાંધીજી માંદા પડ્યા પણ રડ્યા નહીં”….એમ લખાય ! (પુરુષ જાતિને ચાંદલો ન કરવો)

૩) નાન્યતર જાતિના શબ્દોનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર કરવાના જેમ કે,

ઘેટાં દોડ્યાં, છાણાં સળગ્યાં, બારણાં ભીડાયાં.

(યાદ રાખવા માટે : “નારી જાતિને ચાંદલો કરવાનો)

નાન્યતર જાતિ કે નરનારી બધાં ભેગાં હોય ત્યારે નારીના માન ખાતર ચાંદલો કરવાનો : ભાઈઓ–બહેનો બધાં જતાં હતાં……
(૬) દ્ધ અંગે ખાસ :

સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે

પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….

ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.

બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :

ખાસ નોંધ : આ યાદીનો હેતુ લેખકોની ભૂલો ઓછી કરીને પ્રૂફરીડરોને રાહત આપવાનો પણ છે !! તેથી કેટલાક નુસખામાં ક્યાંક છૂટછાટ દેખાય તેવું બને. પરંતુ આ છૂટછાટ જોડણીને ખોટી કરવા અંગેની નથી.

૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.

૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.

જોડણીના સામાન્ય નિયમો..!

Standard

જોડણીના સામાન્ય નિયમો!

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર. 
આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે. 
1)   ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
 દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે… 
2)  ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
 દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે…
3)   બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં  દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ ‘ઇ’– િ ની માત્ર કરવી.
દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે… 
4)   ‘ઇત’ પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી 
દા.ત.  પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે…. 
પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા  શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ’ –િ ની માત્ર કરવી. 
     દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે… 
૬) ‘ઈયા’ પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
 દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે… 
૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી. 
દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે…
૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો …
સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ 
 
(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.

કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.

અપવાદ – ઉર્વશી 
(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.

ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો. 
(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.

અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.
(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.

તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની. 
(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.

દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા. 
(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે – 

દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.

અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.
(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.

 હું અને તું, મેં, તેં, સર્વનામમાં-

 બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-

 બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-

 પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં…. 

 ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.

 ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર 
સૌજન્ય  : નાથાલાલ ર. દેવાણી

“ગુજરાતી ભાષાનું ગૌરવ”

Standard

અંગ્રેજીમાં આ શબ્દો નહીં મળે ગુજરાતી હોવા નું ગર્વ !! 

આપણી ભાષામાં વપરાતા શબ્દોના તત્સમ શબ્દો બહુ ઓછી ભાષામાં જોવા મળે છે.
જેમકે દોરીના ટુકડાને જુદા જુદા નામે ઓળ ખાવવામાં આવે છે
દોરી – કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે
જાળી – ભમરડો ફેરવવા માટે
રાશ – બળદને કન્ટ્રોલ કરવાની લગામ
વરત – પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
વરતડી – પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
નાથ – બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
રાંઢવુ – જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી

નાડી – ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
નોંજણું – ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
ડામણ – ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારેતેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ જડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
જોતર – બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
નેતર – છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી
આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.
શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
સૂતળી – શણમાં થી બનાવેલી દોરી
વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી.
કાથી – નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી
તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,
ચાકળો- સુતરોઉં સૂતરઉં કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
ચોફાળ – પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
બુંગણ – ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો.
પનિયું- કમરે બાંધવાનું કાપડ.
ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
મોસાતું- રસોડામાં વપરાતું હાથ લસવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.
પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
અબોટિયું – પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
લુગડું – સાડીને લુગડું પણ કહે છે.
ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો
પરોણો – બળદને હાંકવા માટેની લાકડી
કળીયુ – ખેતી માટેનું સાધન
બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
ફાળ – હળનો નીચેનો ભાગ
કોંશ – ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
કોસ (ઉ. કોહ) – કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
સુંઢ – કોસનો ચામડાનો ભાગ
ગરેડી – કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
પાડો – બળદગાડીના પૈડામાંથી પસાર થતીએક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
તરેલું – કોસમાં બળદને જોડવાનું સાધન
ધોંસરુ – ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
પાટ – ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
ઈંસ – ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
ઉપલું – ખાટલામાં વપરાતા બે ટુંકા
લાકડા

પાંગથ – ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
તગારું – સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
ઘમેલું – કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
બકડીયું – તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
સૂયો – કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
રાંપ – ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
રંધો – સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
નેવા – છાપરામાંથી પાણી પડવાના ભાગ
મોભ – છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
વળી – મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
સાલ – ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
વિંધ – સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલણને વિંધ કહે છે.
પાયો – ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
ઢોલિયા – મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
નીક – ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
ધોરિયો – મોટી નીક ને ધોરિયો કહે છે.
છીંડું – વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
ખળું – અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
કેડો – રસ્તો
કેડી – પગ રસ્તો
વંડી – દિવાલ
કમાડ – મોટું બારણું.
ડેલો – મોટા કમાડવાળું બારણું…