Tag Archives: hanuman

ઝંડ હનુમાન

Standard

વડોદરાથી લગભગ ૯૦ કિલોમીટરના અંતરે , પાવાગઢથી ૩૨ કિલોમીટર પર અને જાંબુઘોડાથી ૧૧ કિલોમીટરે આદિવાસી વિસ્તારમાં “ઝંડ હનુમાન” બિરાજ્યા છે.
શનિવારે, હનુમાનજીના વારે, અચાનક જ આ ઝંડ હનુમાનના મંદિરે દર્શન કરવાનો મોકો મળી ગયો.

સામાન્યરીતે નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ પગપાળા કે પોતાની સગવડ અને પોતાની શક્તિ પ્રમાણે પાવાગઢ માતાજીના જરૂર જાય.
પણ મારા મિત્ર શ્રી. આશુતોષભાઈ બુચ અને હું હનુમાનજીની નિશ્રામાં પહોંચી ગયા.

પાવાગઢ સુધી ઘણીવખત જવાનો મોકો મળ્યો હતો પણ એનાથી આગળ જવાનો આ પહેલો મોકો હતો

એમ કહેવાય છે કે ઝંડ હનુમાનજીની જગ્યાએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો અને દ્રૌપદી એકવર્ષ સુધી રહયા હતા.

જે તે સમયે તેઓની હાજરીની શાક્ષીના પુરાવાઓ અજેય અહીં મોજુદ છે.

એમ મનાય છે આ જગ્યાએ એ અતિપ્રાચીન શિવમંદિર છે જયાં પાંડવો નિયમિત પૂજા કરતા હતા એ સદીઓ પુરાણુ શિવમંદિર આજેય ખડેર હાલતમાં અહીં મોજુદ છે.

ઝંડ હનુમાનજીની લગભગ ૧૮ ફૂટની એક જ પથ્થરમાંથી કોરેલી મૂર્તિ અહીં બિરાજમાન છે

લોકોક્તિ પ્રમાણે ઝંડ હનુમાનની મૂર્તિ પોતાના નખ વડે ભીમે જાતે કોરી કાઢી હતી.

ઝંડ હનુમાન , નામ બાબત પણ બે અલગ અલગ લોકોક્તિ પ્રચલિત છે

૧. ઝંડ હનુમાનજીની મૂર્તિમાં દર્શાવ્યા પ્રમાણે તેમના ડાબા પગ નીચે એમણે પનોતીને કચડી છે. એટલે પોતાને પનોતીના નડતર સમયે લોકો અહીં આવી અને પનોતીના કષ્ટ નિવારણ માટે બાધા અથવા માનતા રાખે છે.
વળી હજુ થોડા વર્ષો આ મંદિરમાં “ઝંડ” અથવા “ભૂત” નિવારણની વિધિ કરતી હતી જે હવે અંધશ્રદ્ધાના નિવારણરૂપે બંધ કરાઈ છે.
૨. અહીંના સ્થાનિક આદિવાસીઓ હનુમાનજીની લાંબી પૂંછડીને ઝંડ તરીકે ઓળખે છે એટલે આ મંદિરને ઝંડ હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવૅ છે.

જમીન તળથી લગભગ ૫૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થાપિત આ મંદિરથી લગભગ ૧૦૦ ફૂટ દૂર એક મીઠા પાણીનો કૂવો છે. જે આજેય મીઠા પાણીથી હંમેશા ભરેલો રહે છે અને એ ઉભરાતા પાણીનો રેલો આજુબાજુના ગામો માટે મીઠા પાણીનો એકમાત્ર સ્તોત્ર છે.
એમ મનાય છે કે અહીં ગુપ્તવાસમાં રહેવા આવ્યા બાદ દ્રૌપદીની પાણીની તરસ લાગી હતી ત્યારે અર્જુને જે તે જગ્યાએ પોતાનું એક બાણ ચલાવ્યું જેના પ્રતાપે અહીં મીઠા પાણીનો આ કૂવો બન્યો છે.

આસ્થાળુ આજેય ત્યાં પાણી પીને પોતાની તરસ બુઝાવે છે અને પોતાના સ્વજનો માટે એ કુવામાંથી પાણી ભરીને પોતાના ઘેર પણ લેતા જાય છે.
જોકે અમે એ પાણીમાં અસંખ્ય નાનામોટા સાપ તરતા જોયા

અહીં ઝાડના થડની બખોલમાં એક મંદિર છે
જે શિવમંદિર તરીકે પ્રસ્થાપિત થયેલ પણ તેમાં ક્યારેય શિવલિંગનું સ્થાપન થયું નથી.

અહીં લગભગ ૭૦૦ ફૂટ દૂર એ ખુબ જ મોટી પથ્થરની ઘંટી આજેય જોવા મળે છે.
એનું કદ અને વજન એટલુ બધુ હોવાનું મનાય છે કે કદાચ એકસાથે ૪૦ – ૫૦ શક્તિશાળી લોકોએ એના પડને ફેરવવા પ્રયત્ન કરે તો પણ એ હાલી શકે તેમ નથી.

આ બધી લોકોક્તિઓ પાંડવોની જે તે સમયે અહીં હાજરી હોવાની શાક્ષી આપે છે.

જાંબુઘોડાથી આ મંદિર સુધી પહોંચવાના રસ્તે બંને તરફ છવાયેલી વનરાજી પણ તમારૂ ધ્યાન ખેંચે છે.
જાંબુઘોડાના જંગલોમાં અને અભ્યારણ વચ્ચે આવેલ આ મંદિર ખરેખર જોવા લાયક છે

ક્યારેક માર્ગમાં મોટામસ સાપ કે નાગ અને દીપડાઓ જોવા મળી આવે છે.

આપણે ચારધામ , વૈષ્ણોદેવી કે એવા જ ખ્યાતિ પ્રાપ્ત મંદિરોમાં દર્શન કરવા જવા ટેવાયેલા છીએ અને એ મંદિરોએ જવામાં ગૌરવ અનુભવીએ છીએ પણ ક્યારેય આપણી આજુબાજુ કે નજીકમાં આવેલા ઝંડ હનુમાનજીના મંદિરના દર્શને પણ જતા નથી કે એની કથાવાર્તા કે જે તે ધાર્મિકસ્થળના ઐતિહાસિક મહત્વને જાણવાની કોશિશ પણ નથી કરતા.

આ મંદિરે શનિજયંતીના દિવસે, હનુમાનજયંતીના દિવસે, દરેક શનિવારે , દરેક અમાસના દિવસે , દરેક શનિવારી અમાસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શને ઉમટે છે.

કહેવાય છે કે અહીંના પૂજારી સાથે અહીં બિરાજેલા હનુમાનદાદા વાર્તાલાપ કરે છે.

ચોમાસામાં આજુબાજુના ડુંગરાઓ પરથી આવતા ઝરણાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

હવે તમે પાવાગઢ જાવ ત્યારે પાવાગઢની ડુંગરમાળામાં ભાગમાં વસેલ ઝંડ હનુમાનજીના દર્શન કરવા જરૂર જજો.

“હનુમંતની હાકલ”

Standard

જય પવનપૂત દૂત રામ મારુત કરત હૂપ હૂપ લંક માં,
કેસરી સૂત નિરખત ભાગત ભૂત ભેંકર શંક માં,
ગરજત્ત સતત લગત્ત સમરત રત્ત રટણો રામ ને,
અનંત આપત સત્ત ધરપત ધરત રાખત ધામ ને,

મૈદાન મર્કટ કટ્ટ હઠ ભર અસુર દળ દટ પ્રાછટે,
બળ પ્રબળ ખળભળ દંત દબવણ મચણ રણમેં નાં હટે,
સુર દેવ નિરખત રાજ કપિયણ સમર બજરંગી ડટે,
અનંત આંગણ ગદા ગાંગણ ભાર ભાંગણ લડ પટે,

લૈ કંધ ડૂંગર ટૂંક ફૂંકે કંકરી ચાળો કરે,
વિધવંશ વિધવિધ શસ્ત્ર થી અસુરાણ અંતર ફડફડે,
ખડખડે તીરો ત્રાણીયા હનુમંત હાકલ જો ભરે,
અનંત અડડડ ધરણ ધડડડ ગદા જયારે ગડગડે…
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

હનુમંત વંદના

Standard

.                            || હનુમંત વંદના ||
.                 રચના : જોગીદાન ગઢવી (ચડીયા)
.                              છંદ : રેણંકી

image

હુંહું કટ કર હાક ડાક પડ દશમન કડડ થડડ કપી યંત કિયો,
ધણણણ ધ્રુજ ધરણ ખડગ હથ ખણણણ ગણણ વ્યોમ હનુમંત ગિયો,
હણણણ ભયી હૂપ સૂપ અન સણણણ ભણણ ભગણ અહૂરાણ ભયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૧

દુસમન દસકંધ બંધ સૂત બરણન ધરણ ઢંક અખિયંક ધસ્યો,
ટણણણ ટંકાર તાણ ધનુ તણણણ હણણણ કાજ હનુ માન હસ્યો,
અખરણ ભૂહ ખરણ ચરણ હનવણ ચટ ઢરણ ધરણ પદ દેહ ઢયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૨

ડગ મગ દિગ્ગ પાલ કાલ દત કડડડ કૌપ મનોહરી કંથ કિયો,
ઘુઘુ ઘુઘુ ઘૂઘવાટ ફાટ દધી ફડડડ હુડુડ હુડુડ જળ હબક હીયો,
ગણણણ ગ્રજ ગોમ ધણણ પડ ધુરજણ ડણક હાક હનુમંત ડયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૩

સણણણ સૂર મૈધ બક્ત લબ બણણણ રણગણ રાવણ હ્રદય રીઝે,
દરસત દ્રગ રક્ત તક્ત નભ ધરણણ ખણણણ ઇન્દર જીત્ત ખીજે,
હુંહું કાર ખાર ઉદગાર ઉચરણણ ગણણણ દશસિર સૂત ગયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૪

હુંહું હહા કર હાસ પાસ બ્રમ પણસત ડણસત દીખ હનુમાન ડર્યો,
ફણસત લજ ફોગ ઓગ ઘટ અણસત ધરણ લાજ નિજ દેહ ધર્યો,
બંધન બદનાય વદન હસ જગમગ અડગ અંજની લાલ અયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૫

દૈખત દસ કંધ બંધ વપુ બંદર અંદર સે અટ્ટ હાસ અચ્યો,
કટકટ કપી દંત દેખ કુળ દૈતણ મંદ ઉદરી મન ફાટ મચ્યો,
કડડડ કડડાટ ત્રુટત દીખ તંગડ બંગડ જ્યો બણણાટ બયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૬

ધણણણ બજ ધૌસ પૌછ જલવણ કજ અડડ સબ અહર અસૈ,
જણણણ ઘટ જંજ બજત નિત જોગડ હડડ હડડ હનુમંત હસૈ,
રટગ્યો  હનુમંત રપટ ઘટ રસણન જયજય જય રઘુવીર જયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૭

હડડડ હનુમાન કિયો હૂપ હૂપ હૂપ રૂપ રૂપ જ્યોં નટરાજ નમ્યો,
જળળળ જોગીદાન જાળ ભયી જળળળ ભળળ ભૂપ ભય ભીત ભમ્યો,
અડડડ ભયી આગ જડડ હડ જપટણ લપટ ઝપટ જદ લંક લયો,
ચડીયા ચરી તંગ સંગ જપ સમરણ રુદય રંગ બજરંગ રયો…૮

.                       છપ્પય
કડડ દંત કડેડાટ, નાટ નટરાજ નચાયો,
ધડડ ધરા ધડેડાટ, દાટ દૈતાણ ડચાયો,
હડડ ધસ્યો હનુમાન, દાન જોગડ દરસાયો,
ગણણણ કરતો ગાન, જાન કી વર નભ ગાયો,
લંક અટંકણ ડંક દીણ, સમરથ રઘુવીર સંગ હૈ,
મરકટ ભડ મહાવીર સમ, હ્રદય રંગ બજરંગ હૈ.
🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒