Tag Archives: Joravarsinh Jadav

કાષ્ઠકલાનું પ્રતીક પિત્તળ જડિત પટારા

Standard

કાષ્ઠકલાનું પ્રતીક પિત્તળ જડિત પટારા (Brass mounted wooden)

લોકજીવનની સાથે લોકકલા ઓતપ્રોત થઈ હોવાને કારણે લોકજીવન સદાયે કળાનું રસિયું રહ્યુ છે. ઘરમાં અને સમાજ જીવનમાં તથા માંગલીક પ્રસંગોએ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ એવા તો નમણા રૂપ એણે આપ્યા છે જે જોનાર બે ઘડી મન મોકળું કરીને બસ નિરખ્યા જ કરે.
આજે સંસ્કૃતિએ વિકાસની હરણફાળ ભરવા માંડી છે ત્યારે લોકજીવનમાંથી આવા ઘણાય પ્રતીકો વીસરાઈ ચુક્યા છે અથવા વીસરાતાં જાય છે. લોકસંસ્કૃતિનાં પ્રતીકો તરીકે જેણે મોખરાનું સ્થાન જાળવી રાખ્યુ હતુ તે પટારો આજે લોકજીવનમાંથી ભુલાવા માંડ્યો છે. અત્યારે તો લોકો સ્ટાઈલીશ તીજોરીઓ અને કબાટ વાપરતા થઈ ગયા છે. ગામડામાં વસતી કેટલીક જાતીઓ જેમણે પોતાની જૂની લોકરૂઢીઓ જાળવી રાખી છે ત્યાં એ આજે પણ ક્યાંક સચવાઈ રહ્યો છે.

◆ કાષ્ઠકલાનું બેનમૂન પ્રતીક

મજૂડાં અને ડામચિયાનો વપરાશ શરૂ થયો પછીથી લોકજીવનની જરૂરીયાતમાંથી ઉદૃભવેલુ પ્રતિક તે પટારો છે. જુનાં વખતમાં લોકો નાણાં, ઘરેણાં વગેરે જમીનમાં દાટી રાખતા. ધીમે ધીમે માનવીને એનાં ગેરલાભો જણાતાં તેણે આ બધી વસ્તુઓ મુકવા માટે નવુ સાધન શોધી કાઢ્યુ તે સાધન હતુ પટારો.પટારામાં ગાદલાં, ગોદડાં, આણા-પરિયાણાનો સામાન, ઘરેણાં તથા રોકડ નાણું મુકવામાં આવતુ.

◆ પટારાનું ઘડતર અને જડતર

પટારો એ ગુજરાતી કાષ્ઠકલાનું બેનમૂન પ્રતીક છે. ગુજરાતનાં સુથારો આખો પટારો લાકડામાંથી ઘડતા અને એના ઉપર એવુ તો આકર્ષક અને મજબુત જડતર કરતા કે ભલભલા ચોર અને લુંટારુઓ એને સહેલાઈથી તોડી શકતા નહોતા. પટારાની લંબાઈ 5 થી 7 ફૂટ અને પહોળાઈ 4 થી 5 ફૂટ જેટલી હોય છે. એનુ લાકડુ ન દેખાય એ રીતે અને ગીલેટવાળાં પતરાથી મઢવામાં આવે છે. પટારા સાગ, હરદળવો અથવા સાજડનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આગળનો ભાગ સીસમનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. પતરા પર રંગબેરંગી મોર, પોપટ, ચકલીઓ, ગણેશ, ઘોડા, વાઘ, હાથી, હરણ, ફુલ, કોડી, વેલ વગેરે જેવા પશુ-પક્ષી કે ફુલ છોડનાં ભાતપ્રતીકોથી સુશોભિત કરવામાં આવતા. અંદર રૂપિયાની વાંસળિયું મુકવાનાં નાના મોટા ખાના હોય છે. ગામડાનાં અભણ સુથારો આ પટારામાં એવા ચોર-ખાનાં બનાવતા કે રીઢો ચોર પણ ગોથું ખાઈ જાય.
પટારાની નીચે ચાર પૈડા હોય છે. જેથી તેને સહેલાઈથી હેરવી-ફેરવી શકાય. પટારો ઉપરથી ઉઘડે છે અને એનાં પાંદડિયું અને નકુચામાં ખંભાતી તાળાં વાસવામાં આવે છે.
આ પટારાની બાજુઓ સીધી હોય છે. તેના ઉપરનો ભાગ વળાંકવાળો હોય છે. બંને બાજુના ભાગ અને પાછળનાં ભાગને પિત્તળની પટ્ટીઓ વડે ફીટ કરી મજબુત કરવામાં આવે છે. પાછળનો ભાગ દીવાલ સામે હોય છે અને નીચેનો ભાગ ભોંયતળિયા પર આવતો હોય છે. લાકડાની ધારો, પિત્તળનાં પતરા, માથા વગરની ખીલીઓથી જોડવામાં આવે છે. પટારાને ઢાંકવા માટે તેની આગળ અર્ધગોળાકાર ભાગ હોય છે જે ‘પાવડીના’ નામે ઓળખાય છે.
પટારાની બાજુઓ ઉભા પાટિયાને ખીલાસરીથી જોડીને બનાવવામાં આવતા હોય છે. આ સામેના ભાગને સુથાર ‘દર્શનભંગ’ જેવુ સુંદર નામ આપે છે. જ્યારે બે બાજુના ભાગોને ‘બાજુના કરા’ કહેવાય છે. નીચેના ભાગને ‘તળિયુ’ કહે છે. આગળના ભાગને પિત્તળની પટ્ટીઓ મઢવામાં આવે છે.
પટારાના આગળનો ભાગ જેને દર્શનભંગ કહેવાય છે તેના પર ભાત પાડેલા બીબામાં ઢાળેલા ભાતપ્રતિકો પિત્તળના ચોરસ આકારો પર ‘સ્ટેમ્પીંગ’ કરવામાં આવે. તેમજ પટારાના કરાઓને પંચીંગ વડે કાણા પાડીને ઝીણી કારીગરી ઉપસાવવામાં આવે છે. આ રીતે અનેક ભાત, ભાતપ્રતિકો અને ઝીણવટથી કાપેલી કોરો વડે પટારાના બાજુઓને અલંકૃત બનાવવામાં આવે છે. જ્યારે આ કામ પુરુ થઈ જાય ત્યારે મીજાગરા, હાથા અને આંગળી ફીટ કરવામાં આવે છે જે લુહાર બનાવે છે. પટારાનાં લાકડાનું મુખ્ય કામ સુથાર બનાવે છે.
જેમ જામનગર,કચ્છ અને રાજસ્થાની બાંધણી, ઘોઘાનાં ઘોડલા, ગીરના દેશી બળદ, કાંકરેજની ગાયો, પાટણનાં પટોળા, સુરતની બારબંધવાળી બંગડી, હાલારનાં હાથીડા અને સંખેડા તથા મહુવાનું લાકડાકામ વખણાતુ કે વખણાય છે એમ ધોલેરા, ભાવનગર, મહુવા, બોટાદ, લીંબડી અને વીરમગામનાં પટારા ખુબ વખણાતા. એમાં ગુજરાતમાં પટારા ખરીદવા માટે ધોલેરા, ભાવનગર અને વિરમગામ તો ખુબ જાણીતા મથકો હતા. લોકો દુરદુરથી ગાડા જોડીને પટારા લેવા આવતા. આ પટારાની કિંમત થોડાક સમય પહેલા 500 થી માંડીને 5000 રૂપિયા જેટલી હતી જે તે સમયમાં ખુબ મોંઘી કિંમત ગણી શકાય. જોકે પટારાની કળામાં આજે ઓટ આવવા માંડી છે. જુના વખતનાં મજબુત પટારા અને એવુ જડતરકામ આજે તો ક્યાંક જ જોવા મળે.

લોકજીવનનાં ઘરની શોભારૂપ પટારા વિનાનું ઘર ખાલીખમ લાગતુ. રાજપૂત, ભરવાડ, કણબી, કાઠી, મેર, આહિર અને બીજી કેટલીક જાતીઓના ઘરોમાં નજર કરીએ તો બબ્બે પટારા જોવા મળતા. સામાન્ય રીતે બેઠક-ઉઠક માટે ઉપયોગમાં લેવાતા ઓરડામાં અવનવા આળેખોથી ઓપતી બે હાથ પહોળી અને વેત ઉંચી પેડલી ઉપર પટારા મુકવામાં આવતા તેના પર ત્રાંબા-પિત્તળના બેડાની માંડ્ય અને માંડ્ય ઉપર કલાત્મક માળી હોય છે.
પરણીને સાસરે જતી કન્યાને જુના વખતમાં આણમાં પટારો આપવામાં આવતો. આજે તો પટારાનું સ્થાન લાકડાનાં કબાટોએ અથવા સ્ટાઈલીશ તીજોરીઓએ લઈ લીધુ છે. તેમ છતા કેટલીક જાતીઓએ આ પટારાઓ સાચવી રાખ્યા છે. એક પટારો મારા ઘરે હમણા સુધી હતો પણ બહુ જુનો હોવાને કારણે તુટી ગયેલો.

◆ પાટુ રે મારી પટારો તોડ્યો

ઘણીવાર પટારાનો ઉપયોગ માણસને સંતાડી રાખવા પણ થતો. પટારામાં પુરીને દુશ્મનોને મારી નાખ્યાનાં દાખલા પણ નોંધાયા છે. સામાન્ય રીતે પટારો એટલો મજબુત હોતો કે જલદી તુટતો નથી પરંતુ બળિયા લોકોને તો એવા પટારા કોઈ વિસાતમાં હોતા નથી. સોરઠમાં વાવડી ગામનાં વીર રામવાળાએ તો આવો પટારો પાટુ મારીને તોડી નાખ્યો હતો. તે જ તેમની બહાદુરી બતાવે છે. રામવાળાનાં રાસડામાં પણ આવે છે કે-
“પાટુ રે મારી પટારો તોડિયો;
કંઈ વાગી છે ડાબા પગમાં ચૂંક
ઘેલી ગરના રાજા…”

આજે પણ ગુજરાતને ગામડે-ગામડે ચારસો-પાંચસો વર્ષ જુના પટારા ક્યાંક સચવાયેલા મળી આવે છે. આવા પ્રતિકોનો અભ્યાસ હાથ ધરાય તો લોકસંસ્કૃતિનાં રસિયાઓને ઘણી સામગ્રી હાથ આવે તેમ છે.

સંદર્ભ: લોકજીવનના મોતી, ખરક જાતીની કલા-સંસ્કૃતિ અને મારા દાદાની જાણકારી મુજબ.
✍ ચેતનસિંહ ઝાલા
——————————————————————

‘નટડા’

Standard

સિંધમાંથી આવીને સૌરાષ્ટ્રમાં વસેલી એક વિશિષ્ટ કોમ ઃ નટડા
અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો આવ્યા. જૂના કાળે સૌરાષ્ટ્ર સમૃધ્ધ પ્રદેશ હોવાથી સ્થળ મારગેથી પશુપાલકોના ટોળાં અને પાટીદાર ખેડૂતોના જૂથો આવ્યાં. પશુપાલક એવા રબારી, ભરવાડ અને આયરો આવ્યા. કુંભાર, વણકર, સુથારો, સોની જેવા કારીગરો આવ્યા. ભ્રમણશીલ જાતિઓમાંથી ગધઈ, ગાડલિયા, તરિયાતાઈ, ભાંડ, ભોપા, મકરાણી, મતવા, મારવાડા, મદારી, વણઝારા, વાઢાળા, વાળંદ, વાઘેર, વાંઝા, સલાટ, સગર, સિપાઈ, સિદ્દી હાટી, ઓડ, અતીત જેવી સો ઉપરાંત જાતિઓનું સંગમસ્થાન જૂનાકાળથી સૌરાષ્ટ્ર બની રહ્યું છે. આ બધી જાતિયોએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ધબકતી રાખી છે. પણ આજે એવી જ એક હિંદુ-મુસ્લિમ બંને કોમોના રીતરિવાજો પાળતી સૌરાષ્ટ્રની હિંદુ ગણાતી નટડા કોમ અને એમની સંસ્કૃતિનો અછડતો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.
સૌરાષ્ટ્રમાં સોરઠ અને મધ્ય સૌરાષ્ટ્રમાં નટડા નામની લોકજાતિ જોવા મળે છે. નટથી આ જુદીકોમ છે. તેમના પહેરવેશ અને બોલી પરથી ખ્યાલ આવે છે કે તેઓ સિંધમાંથી અહીં આવીને વસ્યા છે. જૂનાકાળે સૌરાષ્ટ્રમાં આવીને અહીંની ભાષા તેમણે અપનાવી લીધી જણાય છે. કોમ નાની છે અને ફરતલ-ભટકતું જીવન ગુજારે છે. તેઓ ગધેડા રાખે છે. તેની ઉપર પોતાનો ઘરવખરીનો અને દંગાનો સામાન રાખી એક ગામથી બીજે ગામ ફરે છે,અને નાનો મોટો ધંધો કરે છે. તેઓ પડાવ માટે નદીનો વિશાળ પટ કે ગામના પાદરનું ખેતર પસંદ કરી ત્યાં રાવટીઓ નાખે છે. નટકા ઘર બાંધીને સ્થાયી રહેતા નથી. ઉપર આભ અને નીચે ધરતી બેની વચ્ચે બાંધેલી રાવટી એ એમનું ઘર. તેમનું ધંધાનું કામ પૂરું થઈ જતાં એક ગામ છોડીને ઉચાળા ભરી બીજે ગામ જાય છે ને ત્યાં પોતાનો પડાવ નાખે છે. સામાજિક સંપર્કો જળવાઇ રહે એ માટે વારતહેવારે નિયત કરેલાં ઉના, જૂનાગઢ, અમરનગર, રાજકોટ જેવા સ્થાનોએ ભેગા થાય છે.
શરીરે ઘઉંવર્ણા અને મજબૂત બાંધો ધરાવતા નટડા પોતાને હિંદુ ગણાવે છે. તેમની અટકો રાઠોડ, પરમાર વગેરે રાજપૂતોને મળતી આવે છે. આમ છતાં સિંધની જૂની અસર અને ત્યાંના મુસ્લિમ સહવાસને લઈને તેમનામાં કરીમ, જીભો, ઇસો, હમલો ઇત્યાદિ મુસ્લિમ નામો અને મુસ્લિમ સમાજની ભાષા અને સામાજિક રીતરિવાજોની અસર આજેય તેમનામાં જોવા મળે છે. નટડા નારીઓ મુસ્લિમ સ્ત્રીઓ જેવી જ બંગડીઓ પહેરે છે. આંખોમાં આંજણ આંજે છે. પરસ્પર વ્યવહારમાં તેઓ ઉર્દુ મિશ્રણવાળી ભાષા વાપરે છે. ઇતર કોમો સાથે ગુજરાતીમાં વાતો કરે છે. નટડાઓનો મુખ્ય વ્યવસાય ગામડાંમાંથી ઘેટાં-બકરાં વેચાતાં રાખીને શહેરોમાં વેચવાનો છે. તેમની સ્ત્રીઓ ગામડાંમાં કાચની બંગડીઓ, સોય અને સુરમો જેવી ચીજો વેચે છે અને પૂરક આવક મેળવે છે. શિક્ષણનું પ્રમાણ નહીંવત્ છે અને તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી જોવા મળે છે. તેમ છતાં લગ્ન જેવા પ્રસંગોમાં ખૂબ જ પૈસા વાપરે છે.
નટડાઓના સામાજિક જીવન પર ઉડતી નજર કરીએ તો જણાય છે કે તેમનામાં બાળલગ્નોની પ્રથા બિલકુલ નથી. ૧૮ થી ૨૦ વર્ષનો દીકરો અને ૧૭ થી ૧૮ વર્ષની કન્યા થાય ત્યારે જ સગાઈ નક્કી થાય છે. સગાઇ નક્કી કરવા માટે ઘરનો બાપ અને પાંચ નાતીલા કન્યાને ઘેર જાય છે. સગાઇ નક્કી કરીને સામસામા ગોળ ખાય છે. જૂના કાળે દીકરાનો બાપ દીકરીવાળાને રૂ. ૨૫ આપતો. લગ્ન વખતે રૂ. ૬૦ અને લગ્ન પછી રૂ. ૩૦૦ દર વરસે વીસ વીસના હપ્તાથી દીકરીના બાપને આપવા પડતા. દીકરાના બાપની આર્થિક સ્થિતિ સારી ન હોય તો સામે પોતાની કે પોતાના કુટુંબની દીકરી વરાવતા.
આ કોમની લગ્નવિધિ પણ અત્યંત સાદી, સરળ અને સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહે એવી છે. આપણે ત્યાં સગાઇ, લગ્ન, મરણ કે શ્રાદ્ધ માટે બ્રાહ્મણ હોય છે. પણ નટડાઓને બ્રાહ્મણ, ગોર કે કુળગોરની જરૂર પડતી નથી. લગ્ન વખતે જે કન્યા પરણતી હોય તેનો દિયર લગ્નવિધિ કરાવી દે છે. આ વિધિ પણ જરાય અટપટી કે શાસ્ત્રીય નહીં. લગ્ન વખતે દિયર કન્યાને ભાવિ પતિને સંબોધીને ‘તમે મારા ધણી છો’ અને વરને ભાવિ પત્નીને સંબોધીને ‘તું મારી સ્ત્રી છે’ આટલું બોલાવે એટલે નાતના રિવાજ મુજબ લગ્ન થઈ ગયા ગણાય. આટલી સાદી વિધિ પછી ચૉરી બાંધવામાં આવે. દિયરની હાજરીમાં ચૉરી ફરતા વરકન્યા ચાર ફેરા ફરે. પછી હાજર નાતીલાઓ વરકન્યાને ચાંલ્લો આપે છે.
નટડા કોમમાં મામા ફોઇના દીકરા-દીકરીને વરાવવાનો ચાલ ખરો. લગ્નમાં જાનને ત્રણ દિવસ રોકવામાં આવે. લગ્ન પૂર્વે વરરાજાને બે દિવસ અગાઉ પીઠી ચોળવામાં આવે. ત્રીજે દિવસે નવરાવીને પછી લગ્ન લેવાય. લગ્ન પ્રસંગે લગ્નગીતો અને ઉઘાડા ફટાણાં પણ ગવાય. ફટાણાં ને ગીતોમાં હિંદી-ઉર્દુ મિશ્રિત શબ્દો સાંભળવા મળે. આ કોમમાં બીજી કોઈ પેટા નાત નથી. પોતાની નાતમાંથી દીકરી લે છે ને દે છે. ઘંટિયા કોમ સાથે નટડાને ભાણાં વ્યવહાર (જમવાનો) ખરો પણ દીકરી લેવાદેવાનો વ્યવહાર નહીં.
નટડા પુરુષોનો પોષાક જોઈએ તો તેઓ ગુઢવાણી ચોરણો, પહોળી બાંયનું કુડતું અને તેની ઉપર સીંધી ઢબની બંડી (જાકીટ) પહેરી માથે ફેંટો બાંધે છે. બંડીમાં કોઈ કોઈ વળી રૂપાના ઘુઘરીવાળા બટન પણ રાખે છે. જુવાનો દાઢી નથી રાખતા પણ વયસ્કો, વૃધ્ધો દાઢી રાખે છે. સૌ કોઈ માથે ઓડિયા (વાળ) રાખે છે. ફેંટો બાંધે ત્યારે ઓડિયાં બહાર દેખાય એમ બાંધે છે. એમનાં બૈરાંઓ બાર વારનો ઘેરદાર ઘાઘરો, કસોવાળું પેટઢંક અને હાથના પોંચા સુધી પહોંચે એવું છ રાગનું પહેરણ અને માથે છૂટ્ટું ઓઢણું ઓઢે છે. દીકરી કુંવારી હોય ત્યાં લગી સીંધી ઢબની ચોરણી પહેરે છે અને લગ્ન પછી ઘાઘરો પહેરવો શરૂ કરે છે. સધવા સ્ત્રી ગમે તે રંગનો પોષાક પહેરી શકે પણ વિધવા નારી માટે કાળો પોષાક ફરજિયાત છે. સ્ત્રીઓ ઘરેણાંની શોખીન છે. તેઓ પગમાં ઝાંઝરી અને અઠાસિયા પહેરે છે. હાથમાં ચાંદીની બંગડી અને માઠી પહેરે છે. પુરુષો કોઈ કોઈ વાર ચાંદીની વીંટી પહેરે છે. સ્ત્રી અને પુરુષ બંને ડોકમાં સોનાબીયા અને કેરબાની હારડી પહેરે છે. ચાલુ દિવસે ઘરેણાં પહેરે ન પહેરે પણ લગ્ન પ્રસંગે તો ખાસ પહેરે છે. આ કોમમાં પુરુષોની લાજ કાઢવાનો ચાલ બીલકુલ નથી. આમ છતાં કુટુંબના વડીલોની મર્યાદા જાળવે છે. કોઈ વડીલ સામેથી આવતો હોય તો લાજ ન કાઢતાં સ્ત્રી મોં ફેરવીને ઊભી રહી જાય છે.
આ જ્ઞાતિમાં દેરવટા અને પુનર્લગ્ન (નાતરા)નો રિવાજ જોવા મળે છે. સવેલી (કોઇની પરણેતરને) ઉપાડી જવા પર કડક પ્રતિબંધ છે. દેરવટુ (પતિ ગુજરી જતાં દિયર સાથે લગ્ન) કરે ત્યારે પાંચ નાતીલાને જમાડીને દિયર-ભાભી સાથે ઘરસંસાર માંડે છે. બીજી કશી વિધિ આ પ્રસંગે કરવામાં આવતી નથી. પુનર્લગ્ન પ્રસંગે પુરુષે વિધવા અથવા ત્યકતાના પિતાને રૂ. ૨૦૦ આપવાનો, બાઈને ત્રણ જોડી નવાં કપડાં આપવાનો અને પાંચ નાતીલાને જમાડવાનો રિવાજ છે.
નટડા કોમના ઇતર સામાજિક રિવાજો જોઈએ તો તેમનામાં સિમંતનો રિવાજ નથી. સુવાવડમાં બાઈ સાત દિવસનું સૂતક પાળે છે. સાતમે દિવસે ન્યાતને જમાડીને પ્રસૂતા નારીને નવડાવવામાં આવે છે. બાળકને ગળથુથી પાવાની અને છઠ્ઠીની વિધિ કરવામાં આવે છે. ગળથુથીમાં ગધેડાની લાદ અને ગોળ ભેગા કરી જૂના કાળે બાળકને પીવરાવવામાં આવતા. (આ અભણ લોકોને એની આયુર્વેદિક જાણકારી અવશ્ય હોવી જોઈએ.) છઠ્ઠી પ્રસંગે ઘીનો દીવો કરી બાળકને પગે લગાડે છે. આ વખતે બાળકના નામકરણની વિધિ પણ કરવામાં આવે છે. નામસંસ્કરણ પ્રસંગે માતા બાળકને તેડે છે. ‘છટ માતાજી’ (ષષ્ટિ દેવી) આગળ દીવો કરી બાળકને પગે લગાડે છે. આ વિધિ વેળાએ ન્યાતની સ્ત્રીઓ, બાળકના હાથમાં આઠ આઠ આના આપતી જાય અને જે નામ પાડયું હોય તે નામે બોલાવતી જાય. બાળકના ‘બાળમોવાળા’ ઉતારવાનો રિવાજ ખરો પણ કુળદેવીના સ્થાનકે નહીં પણ ગમે ત્યાં ઉતરાવી લે છે.
દિવાળી, હોળી અને નવરાત્રીના તહેવારોનું આ કોમમાં ઘણું માહાત્મ્ય મનાય છે. હોળી પ્રસંગે નદીમાં કે ખુલ્લા મેદાનમાં તેઓ હુતાસણી પ્રગટાવે છે. ખડકેલી છાણ-લાકડાની હોળીની એક બાજુ માંડવો નાખી તેમાં લાલ રંગના કપડાના કટકામાં પિત્તળની ઘોડી ઉપર ખોડિયાર માતાજીની મૂર્તિ પધરાવી દરેક સ્ત્રી-પુરુષો હાથમાં નાળિયેર અને પાણીનો કળશો લઈ સમૂહમાં હોળી ફરતાં ફરે છે. એ દરમ્યાન માતાજીનો ભૂવો રૌદ્ર અવાજ સાથે માથાની સવા હાથની ચોટલી છૂટી મૂકીને હાઉ… હાઉ… હાઉ કરતો ધૂણવા માંડે છે. ત્યારે સમૂહમાં હોળીની પરિક્રમા કરતા લોકો તાનમાં આવી જઈ હાથમાં રહેલાં નાળિયેર જોરજોરથી હોળીમાં હોમતા જાય છે. નાળિયેર હોમીને સૌ ભૂવાને પગે લાગે છે. ચાર છ માસના નાના બાળકોને પણ ભૂવાને પગે લગાડરાવે છે. આ પછી હોળીનું છાણું લઈ જયાં દેવીનો માંડવો નાખ્યો હોય ત્યાં પધરાવે છે. જૂના કાળે માતા આગળ બોકડાનો ભોગ આપી સૌ પ્રસાદી લેતા. નવરાત્રીમાં છઠથી નોમ સુધી ખોડિયાર માતાનો માંડવો નંખાય છે. ભૂવો હોમહવન કરે છે. દિવાળીનો તહેવાર પણ માતાજીને લાપસીના નૈવેદ્ય કરીને ઉજવે છે.
આમ નટડા કોમ દેવીપૂજક અને વહેમી પણ ખરી. ભૂત, ભૂવામાં શ્રધ્ધા ધરાવે. ખોડિયાર, મેલડી, છટ જેવી દેવીઓ અને ભૂચર તથા સુરધનમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. ભૂચર નામે જૂના કાળે નટડા કોમમાં કોઇ ભગત થઇ ગયા. એનો ઇતિહાસ કે વિગત કોઇ જાણતું નથી. શ્રધ્ધેય કુળદેવ તરીકે આ લોકો પરંપરાથી તેમનામાં અપાર આસ્થા રાખે છે. માંદગી જેવા પ્રસંગે દવા ન લેતાં ભૂવા પાસે નડતર જોવરાવી તેનું નિરાકરણ કરાવે છે. ભૂવા ધૂણાવીને દાણા જોવરાવે. ભૂવો દાણા ચવરાવે. ભૂત, ભૂવા ને ડાકલામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. તહેવારોમાં માતાજીના માંડવા સ્થાપે તે સિવાય ભટકતી કોમ હોવાથી માતાજીને કોથળીમાં પોતાની સાથે રાખે છે અને જયાં જાય ત્યાં સાથે લેતા જાય છે. માતાજી તેમની રક્ષા કરે છે એવી એમની દ્રઢ માન્યતા છે.
આ કોમમાં નાતનું વર્ચસ્વ ઘણું મોટું છે. કુટુંબના કે અંદરોઅંદરના ઝઘડા નાત દ્વારા પતાવે છે. નાતનો કોઈ મુકરર પટેલ નહીં પણ જે તે સમયે ઝઘડો પતાવવા પાંચ દસ નાતીલાને બોલાવવામાં આવે છે. તેઓ જે ફેંસલો આપે તે બેય પક્ષ માન્ય રાખે છે. નાત સર્વોપરી ગણાય છે. જ્ઞાતિનું બંધન તેમનામાં જરા પણ ઢીલું થયું નથી. એમ કહેવાય છે કે અત્યાર સુધીમાં આ કોમમાંથી ગુનો કરીને કોઇ માણસ જેલમાં ગયાનું જાણમાં નથી. આ નિરુપદ્રવી કોમના માણસો રજવાડાના સમયમાં ગામડાંમાં જતાં ત્યાં પટેલ કે મુખીને વાકેફ કરી, નામ નોંધાવીને તે ગામમાં થોડા દિવસ ધંધાપાણી માટે રોકાતા.
નટડા પોતાને હિંદુ કહેવરાવે છે પરંતુ મરણ પ્રસંગે તેઓ મુસલમાનની માફક શબને દાટે છે. મરણના ત્રીજા દિવસે શબને દાટવામાં આવ્યું હોય તે જગ્યા પર બકરાની લીંડિયું પાથરી ધૂણી કરે છે. ત્રીજે દિવસે મૃતકનું કારજ કરે છે. કારજમાં માત્ર મગની દાળ અને રોટલો પીરસાય છે. મૃતકનું શ્રાધ્ધ પણ કરે છે. શ્રાધ્ધ પક્ષના પંદરે દિવસ શ્રાધ્ધ પાળે છે.
શારીરિક સંપત્તિ ધરાવતી અને જીપ્સીઓ જેવી ખડતલ અને વિચરતી નટડા કોમ નાની સંખ્યામાં સૌરાષ્ટ્રમાં બહારથી આવીને વસી હતી. આજે તો તેઓ છૂટાંછવાયા નગરોમાં જઇને વસી ગયા છે. અમદાવાદમાં પણ તેઓ આવીને રહ્યા છે. સ્ત્રી અને પુરુષો હાથલારી ચલાવી મહેનત મજૂરી કરીને પોતાનો નિર્વાહ કરે છે. પરંપરિત વેશભૂષા જાળવી રાખી હોવાને કારણે નટડા સ્ત્રીઓ આજે ય ઓળખાઇ આવે છે.

ગામડાંઓની ભજનમંડળી ઓનો રસપ્રદ ઇતિહાસ

Standard

આપણે આદરપૂર્વક અને માતૃભાષા કહીને ગૌરવ લઈએ છીએ એ ગુજરાતી ભાષાના અગણિત શબ્દો અનેક અર્થોની છાયા ધરાવે છે. એ જાણવું હોય તો આપણે ગોંડળના પૂર્વ સાહિત્યપ્રેમી રાજવી ભગવતસિંહજીએ તૈયાર કરાવેલ ‘ભગવદ્ગોમંડલ’ના નવ ગ્રંથો પર નજર કરવી પડે. ઉ.ત. એક શબ્દ લઈએ ‘ભજન’. ભજન સંદર્ભે કેટકેટલા શબ્દો સાંપડે છે ? ભજન એટલે ઈશ્વર સ્મરણ, સ્તૃતિ, પ્રાર્થના, ભક્તિ, નામસ્મરણ. બીજો અર્થ છે પદ, ગરબી, લાવણી વગેરે ઈશ્વર સંબંધી કવિતા ભક્તિનું કાવ્ય કે ગાન.

ભજનિયાં અર્થાત્ ભજનનાં ગીત, કીર્તન, ભજનમાં વગાડવાના કાંસીજોડાં, કરતાલ વગેરે. ભજનિયા સંભળાવવા-ગાળો ભાંડવી, ભજન સાથે જોડાયેલા શબ્દો – ભજનિક – ભજન કરનાર, ભજન કીર્તન, ભજનાનંદ, ભજનાવલિ, ભજનમંડળ, ભજનભવન, ભજનિયો, ભજની (ભજન કરતાં હાથમાં ફેરવવાની માળા), ભજનીય, ભજનોપદેશક (ભજન દ્વારા ઉપદેશ દેનાર) ઈત્યાદિ, પણ મારે આજે વાત ઉઘાડવી છે ગુજરાત સૌરાષ્ટ્રના ગામડાંઓની ભજન મંડળીઓની.
જૂના જમાનામાં આજના જેવા રેડિયો, ટી.વી., ફિલ્મો, સીડીઓ અને પ્રચાર માધ્યમોની ભરમાર નહોતી ત્યારે કુદરતના ખોળે વસેલાં ગામડાંઓની ગ્રામપ્રજાના નિજાનંદ માટે સ્વયંભૂ રચાયેલી ભજન-મંડળીઓ ઠાકર મંદિરે, ચોરે કે હનુમાનજીના ઓટે બેસીને રાતવરતના ભજનવાણીની ઝૂક બોલાવતી. રાત ઝમઝમઝમ વહેતી જાય. ગળતી રાતે ભજનિકોના તંબૂરના તાર પરથી ટપકતાં નરવા-સરવા સુરિલા સાદે ગવાતાં ભજનો ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના માટે તો હતાં જ પણ એમાં મોંઘો મનખાદેહ મળ્યો છે તો પ્રભુભજન કરીને, આત્મચિંતન કરીને પુણ્યનું ભાથું બાંધવાની વાત આવે. એમાં પરોપકારનું, સમાજ સુધારણાનું અને સદ્વિચારો માટેના ઉપદેશનું ઝીણુંઝીણું જંતર સાંભળવા મળે. આપણે જેમને અભણ ગામડિયાઓની વાણી કહીને અવગણીએ છીએ એમની પાસે ભજનોનો કેવો ભરપૂર ભંડાર ભર્યો છે! લોકકંઠે ગવાતાં ભજનોના પ્રકારો પણ કેટકેટલાં !
૧. સંધ્યા ૨. આરતી ૩. રામગરી ૪. કીર્તન ૫. પદ ૬. ધોળ ૭. કાફી ૮. ચાબખા ૯. સોળા ૧૦. સલોકા ૧૧. સરજુ ૧૨. આરાધ ૧૩. આગમ ૧૪. કટારી ૧૫. પ્યાલો ૧૬. આંબો ૧૭. ઝાલરી ૧૮. બારમાસી ૧૯. બંગલો ૨૦. ચૂંદડી ૨૧. ચાદર ૨૨. ચરખો ૨૩. માળા ૨૪. મોરલો ૨૫. હેલો ૨૬. સાવળ ૨૭. આરણ્યું ૨૮. છીપા ૨૯. પ્રાર્થના ૩૦. ભમરો, ૩૧. અવળવાણી ૩૨. પ્રભાતી ૩૩. પ્રભાતિયાં વગેરે. સૌરાષ્ટ્રમાં ગવાતાં ભજનો સંધ્યાથી શરૂ થાય અને વહેલી સવારના મોં સૂઝણા વેળાએ પ્રભાતિયાથી પૂરાં થાય. વરસોથી ચાલી આવતી આ પરંપરા છે. ડાયરાના કામોમાં સૌ પ્રથમ વિઘ્નહર્તા દુંદાળાદેવ ગણેશના ભજનથી એનો આરંભ થાય. સરજુ આરણ્યું રબારીઓમાં ગવાય છે. એના સૂરો સંભળાય પણ શબ્દો આપણને ન સમજાય તેવાં. વિદ્વાનો માને છે કે આ સરજુગાન સામવેદનું સંગીત છે. હજારો વર્ષથી આ પરંપરા રબારીઓએ જીવની જેમ જતન કરીને જાળવી રાખી છે. ગામડાઓમાં માતાનો માંડવો નંખાય ત્યારે માચી માથે બેસીને રાવળદેવ ડાકલા માથે આરણ્યું ગાઈને મેલડી, શિકોતર વગેરે માતાઓને આહ્વાન કરે છે. સાવળો ગાય છે. આ પરંપરા પરિવર્તનોની વચ્ચે પણ જળવાયેલી જોવા મળે છે. અહીં મારે વાત કરવી છે ગુજરાતની વિવિધ જ્ઞાતિઓની કેટલીક ભજનમંડળીઓની. સુરેન્દ્રનગરના માલધારી ભરવાડોની ભજન મંડળી શક્તિપરા હનુમાજીના ઓટે ભજન માટે દર શનિવારે ભેગી થાય છે.
સૌરાષ્ટ્રમાં તો ભાગ્યે જ કોઈ ગામ બાકી હશે જ્યાં ભજન મંડળી ન હોય, જૂનાગઢના ભવનાથના મેળામાં તો સાધુ સંતો અને ગામોગામથી ભજન મંડળીઓની રાવટિયું પડે, સવારોસવાર સુધી સંતવાણીના મધુર સ્વરો, દોડક (તબલાં)ની થાપ અને મંજિરાના રવ સંભળાય. ઉગતા ભજન ગાયકો અહીં આવીને ભજન ગાવા બેસી જાય. સાંભળનાર ભાવવિભોર બની જાય. ભજનાનંદનો કેફ એવો છે. જાણીતા ભજનગાયકો આ મેળામાં આવવાનું ભાગ્યે જ ચૂકે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અડાલજ, કુડાસણ, ઉવારસદ, શાપુર, કોલવડા, વાવોલ, પુંધરાસણ વગેરે ગામોમાં ઠાકોર ભાઈઓની ભજનમંડળીઓ જોવા મળે છે. આ બધી મંડળીઓમાં સૌથી જાુદી તરી આવતી પોર (જિ. ગાંધીનગર) ગામના ઠાકોરોની ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે જોડાયેલી ભૂંગળ ભજન મંડળી, સામાન્ય રીતે ભજન મંડળીના વાદ્યોમાં સૂર માટે એકતારો, ક્યારેક સિતારી, હાર્મોનિયમ, દોકડ અને મંજિરા હોય. ‘પોર’ની ભજન મંડળીમાં જૂના કાળે ભવાઇમાં વપરાતાં પખાવજ, અને ભૂંગળ તથા મંજિરા ઉપયોગમાં લેવાય છે. આ મંડળી મંદિરોના ઉત્સવોમાં, જૈનોના અને લગ્નના વરઘોડામાં કાર્યક્રમો આપવા જાય છે.
સો વરસ જેટલાં જૂના પોર ભજન મંડળમાં પખવાજી છે. ભૂંગળિયા-ભૂંગળવાદકો છે. (ભૂંગળ વગાડતા શીખવાની કળા ઘણી અઘરી છે. બધા ભૂંગળ નથી વગાડી શકતા.) આઠેક જણ મંજિરાવાદકો છે. તેમનો પહેરવેશ પરંપરાગત છે. માથે સાફો સફેદ અગરખું અને ધોતી પહેરે છે. અંગરખા માથે રંગીન બંડી પહેરે છે. ભજન ગાવા બેસે ત્યારે ગોળ મીંડલું વળીને બેસે. વચ્ચે પખવાજી અને કોરેમોરે બે ભૂંગળિયા બેસે. ફરતા ફરતા મંજિરાવાદકો બેસે. ગણપતિની સાખીથી ભજન શરૂ થાય.
ગવરી તારા પુત્રને સમરે મધુરા મોર

દિએ સમરે વાણિયા ને રાતે સમરે ચોર


ગુરૂ ગુરૂ સબ કહે ગુરૂ કૈસા જગ ભરમાયા,

ગુરૂ હૈ સબસે ન્યારા તાકા ભેદ કોઈ સંતને પાયા.


ત્રણ રે પાંદાનો ગુરૂ મારો વડલો રે ઊગ્યો

ચોથા રે પાંદાની ગુરૂ મને ખબર્યું નથી

પે’લા રે પાંદામાં ગુરૂ આકાશ સમાણા

આકાશ સમાણા નવ લાખ તારા સમાણા

બીજા રે પાંદામાં ગુરૂ પાતાળ સમાણા

પાતાળ સમાણા, વસિયે નાગ સમાણા

ત્રીજા રે પાંદામાં ગુરૂ નવખંડ ધરતી સમાણી

ધરતી સમાણી આખું જગ સમાણું

ઓતર દિશાથી એક જોગીડો આ’યો

જોગીડો આયો સાથે તુંબડી લા’યો

એ રે તુંબડીમેં આખો વડલો સમાણો.
એક પૂરું થાય ન થાય ત્યાં તો સમૂહમાં બીજું ભજન શરૂ થાય.
આવો આવો ને મારા રઢિયાળા રણછોડ રે

વા’લા તમારી જોઊં છું વાટલડી રે

કાચી માટીની ઇંટલડી પડાવો રે

વાલા તમારા મંદિરિયા ચણાવો રે

લીલાપીળા વાંસડિયા વઢાવો રે

વાલા તમારા મંદિરિયા શણગારો રે

કંકુ કેસરની ગાર્યો નંખાવો રે

વાલા એમાં ઓકળિયું પડાવો રે

આસોપાલવની પાનસેરો મંગાવો રે

વાલા તમારા ઘરે તોરણિયા બંધાવો રે

વાલા તમારી જુગતી જોયા જેવી રે

વાલા તમારા નવખંડ રહી ગ્યા નામ રે.
ભજનની માલીપા અવળવાણીની સાખી આવે, કબીરના દૂહા આવે, ભોજા ભગતના ચાબખા અને અખાના છપ્પાય આ અભણ ઠાકોરોના હૈયે અને હોઠે રમતા સાંભળવા મળે.
દાતણ કર્યે દરિદ્ર વસે,નાહ્યે નખોદ જાય

નાહી ધોઈને તિલક કરે એનું જડામૂળથી જાય.
નવાઈ પમાડે એવી વાત છે. દાતણ કરવાથી દરિદ્રતા-ગરીબાઈ આવે. નહાવાથી નખ્ખોદ જાય. નાહી ધોઈને તિલક કરે એનું બધું જડમૂળથી જાય. સાખીનો રચયિતા આવી અવળી સલાહ થોડો જ આપે ? દાતણ કરવા માટે લીલા ઝાડની ડાળી કાપવાથી કર્મ બંધાય છે. શરીરને રોજ સ્નાન કરાવો ને દિવસમાં દસવાર ટીલાંટપકાં કરો તોય એક દિવસ મરી તો જવાનું છે. નશ્વર દેહ નાશવંત છે. માટે હરિભજન કરો, ભજનની જ્ઞાનગંગામાં સ્નાન કરો. સદ્ગુરૃને ઓળખો. એના શરણે જાવ. એ ગુરૂ જ તમને ઈશ્વરીય આનંદની અનુભૂતિ કરાવશે. આ ગુરૂ ગામની વાત છે ભાઈ.
માયા તજે મુરખો, ધન ભેગું કરે ભૂત,

બેની વચ્ચે રહીને રમે ઈ મોટો અવધૂત
મળનારી માયાને તજી દે ઈ માણસ મુરખામાં ખપે છે. અપાર સંપત્તિ-ધન ગાંડાની જેમ ભેગું કરે છે તે ભૂતમાં ખપે છે. આ બેની વચ્ચે રહી જે મધ્યમમાર્ગી બને છે તે સાચો અવધૂત ગણાય છે. સાખીઓ વ્યવહાર જ્ઞાન આપી શાંતિથી જીવવાનો સંદેશ પણ આપે છે.
એક પછી એક ભજનની ઝૂક બોલવા માંડે મંજિરા-વાદકોમાંથી બબ્બે જણ ઊભા થઈને મંજિરા વગાડતાં વગાડતાં ભાવાવેશમાં આવીને નાચવા માંડે. ચલતીની રમઝટ પછી વળી વચ્ચે વચ્ચે હાસ્યરસની સાખીઓ બોલાય ને ભજનની સરવાણી આગળ વહેવા

માંડે ઃ
ઝીણી ઝીણી મોરલિયું વાગે છે

મોરલિયો વાળા કાન

મોરલિયું વાગે છે.

* * *

ભૂખે મરતો ભગત થયો

કાનમાં ઘાલી કડી,

અખો ભગત કહે છે જુઓ

ભાઈ ચકલી ફૂલેકે ચડી….

ઝીણી ઝીણી મોરલિયું વાગે છે

મોરલિયો વાળા કાન

મોરલિયું વાગે છે

* * *
કાળોજી કટારી રાખે, કુકડવેલા કાપે,

ઉગમણી બૂમ પડે તો આથમણો ભાગે. ઝીણી ઝીણી….

* * *

પાનસે રૂપિયાની બૈરી લાવ્યા તા’ણે

એનામાં અક્કલ નઇં,

સિમાડે બાંધ્યું છાપરું

તાંણે જંતર વગાડતી જઈ….ઝીણી ઝીણી….

* * *
આજથી સવાબસો વર્ષ પૂર્વે છપૈયાથી નીકળીને સહજાનંદ સ્વામી સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી પર આવ્યા ને અજ્ઞાનતામાં સબડતી પ્રજાને લૂંટફાટ, ચોરી, જુગાર, દારૂ જેવા વ્યસનો છોડાવીને સત્સંગી ભણી વાળ્યા. એ સમાજ સુધારણાનું કામ આ ભજનમંડળીઓ આજેય ભજનો દ્વારા સ્વયંભૂ રીતે કરે છે.
સાખી ઃ

બે રૂપિયાનો દારૂ પીધો, લૂગડાંનું ઠેકાણું નઇં,

સવારે ઊઠીને જોયું તો એનું માથું ગટરની મઇં….

* * *
છોડી દે દારૂવાળી પ્યાલી દારૂડિયા છોડી દે દારૂની પ્યાલી

તારું ઘર થાશે ધૂળધાણી દારૂડિયા….
પોતાના છોકરાં ભૂખે મરે ને બીજાનાં છોકરાં જીવાડે

પરનારીની સંગે ફરતો પોતાની નારીને નથી ગણતો દારૂડિયા….
પંડના છોકરાં ઘેરઘેર ભટકે કોઈ ઊછીનું ન આલે

પોતાની નારી ભૂખામણ દે તો ખાય લાકડીનો માર દારૂડિયો….
હાટ બજારે તું વ્યવહાર ગુમાવે, ઈજ્જત આબરૂ ગુમાવે

હાથે કરીને તું જેલ ભોગવે, વેવાઈને જામીન કરાવે …દારૂડિયા
પોતાના કુટુંબમાં કલેશ કરીને ભાઈઓમાં કુસંપ કરાવે

રવજીરામ ચરણે દાસ જીવો કહે છેલ્લી શિખામણ સાચી. દારૂડિયા
છેલ્લે ભજન મંડળીના આગેવાન સાખીમાં પોતાની ઓળખ પણ

આપી દે.
ગાંધીનગર જિલ્લાનું માનવી, મોર મારું ગામ.

આનંદને માટે આવિયો મફાજી ઝાલા મારું નામ.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ