Tag Archives: Kalapi. Kekarav. Gohil.

કલાપી – ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી

Standard
જન્મ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૨૬મી જાન્યુઆરી ૧૮૭૪
લાઠી
મૃત્યુ ૯મી જૂન ૧૯૦૦
લાઠી
વ્યવસાય લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી
રાષ્ટ્રીયતા ભારતીય
સમયગાળો ૧૮૯૨-૧૯૦૦
મુખ્ય રચનાઓ કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહિલ (દીર્ઘકાવ્ય), કાશ્મીરનો પ્રવાસ, સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર,માયા અને મુદ્રિકા

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬મી જાન્યુઆરી ૧૮૭૪, જૂન ૯ ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. દરમિયાન ૧૮૮૯ માં રોહા (કચ્છ)નાં રાજબા (રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા એમને ૧૮૯૫ માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, અને એને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી અને એમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે એમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યું. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.

ઘણું ઓછું ઔપચારિક શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષકો રોકી અંગ્રેજી-સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું, ફારસી-ઉર્દૂનો પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઈતર ભાષાઓના સાહિત્યગ્રંથોના વાચને તેમ જ વાજસૂરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્કે એમની સાહિત્યિક દ્રષ્ટિ અને સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું હતું.

કલાપીનો કેકારવ – મસ્ત ઇશ્ક કલાપી

Standard

image

અયે કાતીલ! સીને તું સૂતું રહેજે; પડ્યું રહે તું:
નથી તકસીર તહારી એ: ગુનેહગારી હમારી છે!

બિસમિલ્લાહ ખતમ થઈ જા: જિકર કર ના : જિગર ગમ ખા!
હ્રદય નાદાન પ્રેમીલા, દિગમ્બર રાખ ચોળી થા!

કિતાબો ઇશ્કની ખોળી: ઉથાપ્યાં પ્રેમનાં પોથાં:
વિષમ છે ડંખ પ્રીતિનાં : વિકટ છે સ્નેહરસ્તા ત્યાં!

આશક આ પડ્યો બેહોશ : મરી જાશે હિજરાઈ:
આ ફરહાદની કબરે નથી શિરીન સૂવાની!

બસ કમ્બખ્ત દિલ ભોળા! ઉધામા છોડ ઉલ્ફતના:
ન કર મુફ્ત અફસોસી: મળશે દાદ ના અહિંયાં!

આ દરબાર દરવાઝે ડંકા પ્રેમના બાજે:
પરન્તુ બેવફાઇનાં ઉપર નિશાન ફરકે છે!

કરી ખામોશ પછડા માં: આ તો ખ્વાબનાં નખરાં:
આ ગુલઝાર જાદૂનો: ફરેબી ને દગાવાળો!

મળે જો ના તને હીરો લગાવી કોયલો કાળો,
બન્યું રહે મસ્ત મસ્તાનું અખંડાનન્દમાં રાચી!

માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો:
બન્યું રહે મસ્ત મસ્તાનું; મસ્તીનો તું લે લ્હાવો!

૭-૪-૧૮૯૩