Tag Archives: Kalapi

કશ્મીરમાં વિયોગ – કલાપીનો કેકારવ

Standard

વાદળે જળે ભરેલે આવી વીંધ્યા ડુંગરોને,
કોતરોની માંહીંથી પાણી વહે છે તે થકી:
વાદળું વિયોગનું ભર્યું આ આવ્યું મન પર,
અશ્રુધારા વહે દિનરાત ચક્ષુ માંહીંથી,

વિજળીનો કડેડાટ તોડી પાડે શિખરોને,
વિરહનો માર છેદે હ્રદયના મર્મને;
વૃક્ષના ઘસારા થકી પર્વતોમાં આગ બળે,
શશાંક સમીર થકી દિલ ખાખ થાય છે.

છરેરા ને ખીણ બધાં છાઈ ગયાં ઘાસ વડે,
ઝૂકી રહી હાર, ઝાડ, વેલી પર પુષ્પની;
કામથી રોમાંચ વાર વાર થાય શરીરમાં,
થર થર ધ્રુજે દેહ મદનપીડા થકી.

બરફના કણ ઘણા ચોટી રહ્યા ટોચ પર
જીગરમાં પડ્યાં કાણાં મનોજનાં શરથી;
દિસતો સૂરજ નથી, અંધકારમાં વ્યાપી ગયો,
જીવ કેમ જતો નથી શરીરની મહીંથી?
– કલાપી

કાશ્મીરનું સ્વપ્ન – કલાપી નો કેકારવ

Standard

image

ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,
વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;
ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં,
જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે,
નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;
ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને,
તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,
કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી;
વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી,
કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,
એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?
કલાપી
૧૮૯૨

કેલિસ્મરણ – કલાપી નો કેકારવ

Standard

image

લતા સુભ્રની ચડતી વિલાસે: પયોધરો ગાઢ હલે હુલાસે:
વિશાળ નેત્રો રતિમાં વિકાસે: પ્રફુલ્લ સુપલ્લવ લાલ ભાસે!

સીત્કાલ શબ્દો મુખથી નિકાસે: પ્રભા પ્રિયાના મુખથી પ્રકાશે:
ઉરોજ કંપે કૃષ ઉદરીનું: કપોલમાં પરસ્વેદબિન્દુ!

નૂપુર છંદો ઝમકી રહે છે: પુષ્પો ગતિથી સરકી પડે છે:
છૂટેલ બાલો વિખરાઈ જાયે: શ્રમિત અંગે લપટાઇ જાયે:

શિથિલ બાલા સુકુમાર કાયે: સ્વહસ્ત ઢીલા જરી ના હલાવે:
નિતમ્બભારે લચકી પડે છે: કટિ સ્તનોના ભયથી લડે છે:

અઢેલી પ્યારા પિયુને ઉભે છે: પતિથી ટેકો દઈને હલે છે:
જરા ખસી ચુંબનને જુવે છે: કટાક્ષ મારી ચપલા હસે છે:

‘પ્રભુ!’ કહી તે પતિ સાથ લે છે: અગાસિયે તે ઝટ સંચરે છે!
જુવે પતિનું મુખ સર્વ પહેલી જુવે નિશા ચાંદની પ્રેમઘેલી!

પ્રિયા ન એવી નિરખી, અરે! મેં: પ્રિયા ન એવી રીઝવી અરે મેં!
પ્રિયા ન એવી લીધી ઉર, રે! મેં: વસંતકેલિ ન કીધી, ખરે! મેં!
કલાપી
૧૮૯૨

દિલને રજા – કલાપી નો કેકારવ

Standard

છંદ = વસંતતિલકા

image

ફાટે કે ન ફાટે તું, ચીરા કે ન ચીરા તું,
અરે દિલ! તેં કર્યો બેહાલ: મારે કે ન મારે તું!

ભલે ધડકી રહે છાનું, ભલે બળી કોયલો થા તું,
ખરી જા તું મને તો શું? ઠરી જા તું મને તો શું?

રખે કાંટો તને લાગે, કમલ જાણી તને રાખ્યું,
પરન્તુ તું જ કાંટો છે, ઉડી જા તું: ગળી જા તું!

દુનિયા છે તને ખારી, હવે છે તું મને ખારૂં,
તું કોઈનું નથી તો હું ન ત્હારો છું ન મ્હારૂં તું!

જુની પ્રીતિ ગઈ તૂટી! નથી તૂટી તણી બૂટી!
ખૂટી ગઈ વાટ દીવાની, પછી બળવું રહ્યું ક્યાંથી?

હવે બ્રહ્માંડમાં હું છું: હવે બ્રહ્માંડમાં તું છે:
પ્રીતિ તો આપણી એ છે! મિલાવો આપણો એ છે!
કલાપી
૨૨-૧૨-૯૨

એક પ્રેમ- કલાપી નો કેકારવ

Standard

image

હકીમ કે તબીબની તલબ નથી મને!
નફસની પરવા નથી: ન ઇશ્કની મને!

માશૂક નથી મિસ્કીન છું: જહાંગીર છું મને!
ખલ્કની તમા નથી: સુલતાન છું મને!

પરિવાર મ્હારો હું જ છું: મસ્તાન છું મને!
બેઝાર હું આજે ફરું: ગુલતાન છું મને!

પ્રેમગુલ ચૂમ્યાં ઘણાં: ખાર ભોંકાયા મને!
દફે-ખૂન દિલ દર્દ-કર્તા દસ્ત લાધ્યું ના મને!

સખા જોયા મેં ઘણા: સખી જોઈ એક મેં!
ઉમેદ બર આવી નહીં: શું કહું ખાલેક નેકને!

દ્વૈતપ્રેમી જે હતો અદ્વૈતપ્રેમી હું થયો!
બ્રહ્માંડ મ્હારું: બ્રહ્મ મ્હારું: બ્રહ્મવાદી હું થયો!

કલાપી

૧૪-૧૨-૯૨

અશ્રુસ્થાન – કલાપીનો કેકારવ

Standard

image

ના પાડ હે મન અરે! કદિ પ્રેમબિંદુ:
ના ઢોળ હે મન! અરે! કદિ પ્રેમસિન્ધુ:
ના રેડ અમૃતઝરો કદિ પ્રેમઇન્દુ:
નીચોવ ના રસભર્યું કદિ પ્રેમલીંબુ!

નિઃશ્વાસ અશ્રુ દપટી ધર ધીર સ્નેહી:
ના રોળ ક્ષારભૂમિમાં ફુલડાં સુપ્રેમી:
હૈયે દબાય કદિ જો કુમળું સુહૈયું,
રો રો ભલે ટપકતે નયને પછી તું!

રોવા ભલે વિજન, કહિં સ્થાન શોધી:
આંસુ ભલે વિખરતાં રડતાં સુમોતી:
જા જંગલે નિડર તું પડ વૃક્ષખોળે,
આંસુઝરો જલઝરે જ વરાળ બોળે!
– કલાપી
૧૩-૧૨-૯૨

તારામૈત્રક: મુગ્ધ પ્રેમ કલાપી નો કેકારવ

Standard

image

સંધાડી પ્રેમદોરી મેં, મચાવી મિષ્ટી ગોષ્ઠી મેં,
પ્હેરાવી પ્રેમમાલા મેં, જગાવી પ્રેમજ્યોતિ મેં!

ઉડાવ્યું પક્ષી પ્રીતિનું, ઝીલ્યું સુપુષ્પ ચક્ષુનું!
કરાવ્યું સ્નાન પ્રીતિનું, કર્યું મેં પાન પ્રીતિનું!

સુધાના નીરમાં ન્હાયાં, અમે પ્રેમી રમ્યાં મ્હાલ્યાં!
પડ્યાં ત્યાં સ્નેહફાંસામાં, છૂટ્યાં તે ના, વછૂટ્યાં ના!

મદિરા નેત્રનખરાંનો પી પી ભાન ભૂલ્યો હું:
થયો હું હોલો! તે હોલી! થયો તે હું! થઈ તે હું!

પછી રતિનાવ ઝીંક્યું મેં કપાળે હાથ દઈ દરિયે!
બોળે કે બચાવે તે સુકાની પ્રાણપ્યારી છે!
– કલાપી
૩૦-૧૧-૯૨

પરિતાપ – કલાપીનો કેકારવ

Standard

image

દિલ અશ્રુ થકી પલળ્યું, છલક્યું:
દપટ્યું દિલમાં દિલનું દુખડું:

ન સખો ન સખી દિલથી લપટ્યું:
ફટક્યો ભટકું! ફટક્યો ભટકું!

નથી ભાન હવે!
નથી હામ હવે!

નવ પ્રીતિની દોરીથી હું લટકું:
નવ કો મનમાં કદી હું ખટકું:

નથી આશ મને : અવકાશ મને!
ભટકું ફટક્યો! ફટક્યો ભટકું!

મન હર્ષ હવે –
મન શોક હવે –

તજ નિર્લજ! તું તજ તું: તજ તું!
મુજ પ્રેમ હવે દરિયે પટકું!

મુજ પ્રાણ ન કાં દરિયે પટકું!
ફટક્યો! ફટક્યો! ભટકું! ભટકું!
– કલાપી
૨૭-૧૧-૯૨

ભોળા પ્રેમી – કલાપી નો કેકારવ

Standard

કમળ ભોળું, કુમુદ ભોળું, ભ્રમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

ભ્રમર ગુંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તેઓ તણાં નભમાં, પ્રેમી પ્રેમી જૂઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશીને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા, કુમુદ જેવું હૃદય મ્હારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાછું, પ્રેમી પહાડ પાણો છે!

ઇચ્છે દાસ થાવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડુ-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”
– કલાપી
૯-૧૧-૧૮૯૨

હૃદયક્મલની જૂઠી આશા – કલાપી નો કેકારવ

Standard

image

છંદ : શાર્દૂલવિક્રીડિત

રે ભોળી! જલઝૂલતી કમલિનિ! કાં ભૂલ? વ્હાલી સખી-
જોઈ પૂર્વદિશામુખે પ્રસરતી લાલાશ આ ઊજળી?
આશા વ્યર્થ ધરે રવિ સુકરની સંધ્યા સમે, બાપલા!
એ તો હિમપતિ શશી નિકળશે, ના ના પતિ, હે હલા!

એ પોચું દિલ તું સમું સુમન છે, તેણે ગૃહી આશ’તી:
જાણ્યું સૂર્ય થઈ પ્રફુલ્લ કરશે પ્રેમી તણી પ્રીતડી;
ના તે તે નિકળી હતી શશી સમી, હિમે હણ્યું કાળજું;
જૂઠી આશ દઝાડતી સુમનને, ભુલે ન તે ઝાળ તું!