Tag Archives: kathi

ઘોડીને ઘોડેસવાર :- “રંગ ઘેાડી – ઝાઝા રંગ !”

Standard

ઘોડી ને ઘોડેસવાર


ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા

એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.

ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર.

ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને !

મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ​ફૂલમાળ, રેશમ, વાંદર્ય…વગેરેની વાતો નીકળી. એક જણે ડુંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું, “એ બાપ ! જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો !”

એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.

“કાં બા, હસો કાં ? મેાટા અસવાર દેખાઓ છો !”

“અસવાર હું તો નથી, પણ એવા એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!”

“ત્યારે, બા, કહો ને એ વાત ! પણ વાતમાં મોણ ન ઘાલજો ! જોયું હોય એવું જ કહી દેખાડજો.”

ખોંખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એણે ડાયરાને કહ્યું : “ બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે, પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લાડ લડાવ્યા વગર તો નહિ રહેવાય.”

હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી.

વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઈતરિયા ગામે સૂથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે. પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીને ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના સુવાવડ પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીના – એમ ચાર- ચાર મહિનાના વિજોગ થયા એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે ?

એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇંદ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ-જમીનનાં ​વારણાં લેવા માંડી. સાત-સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં.

પછી તો, વાંદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંઠે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રેાવા માંડ્યાં. પાતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા ‘કે હૂ…ક! કે હુ…ક !’ શબ્દ ગેહકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ ‘ઢેકૂક !… ઢેકૂક!’ કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી. આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું . એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા.

મેંકડે પહેાંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય ! એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય ? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો : દિવસ અને રાત આભ ઇંદ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવાં પરનાળાં ખોરડાંનાં નેવાંમાંથી મંડાઈ ગયાં. એ પાણીની ધારો નહોતી વરસતી. પણ આપાને મન તે ઇંદ્ર મહારાજની બરછીએા વરસતી હતી ! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ એાઢણાનો છેડોયે નજરે ન પડે ! એમ ત્રણ ​દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે, “મારે તો આજે જ તેડીને જાવું છે.”

સાસુ કહે : “અરે બાપ ! આ અનરાધાર મે’ મંડાણો છે… એમાં ક્યાં જશો ?”

“ગમે ત્યાં – દરિયામાં ! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખેાટી થાય છે.”

આપાને શાની વાવણી ખેાટી થાતી હતી ! – હૈયાની વાવણી !

ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : “આપા ! તમને ખબર છે? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઊતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઊતરશો ?”

“ત્યાં વળી થાય તે ખરું, પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.”

“ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે’ વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ.”

તે દિવસ આપો રોકાણા. બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તેાળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ[૧] દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું ​એાળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.

મેંકડા અને ઈતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડીતૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.

ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હું ય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં – જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય ! જોગમાયાના સમ શું એ રૂપ ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત !

આપા સૂથાએ ત્રાપાવાળાને પૂછ્યું : “ સામે કાંઠે લઈ જશે ?”

કોળીઓ બોલ્યા : “દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓ ને – બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે !”

“પાણી ક્યારે ઊતરશે ?” ​ ”કાંઈ કહેવાય નહિ.

ગાડાવાળા પટેલે આપાને કહ્યું : “આપા ! હવે ખાતરી થઈ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું.”

“હવે પાછાં વળીએ તો ફુઈ (સાસુ) ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે ! પાછાં તો વળી રિયાં, પટેલ !”

આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં’ – એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. “ કોઈ રીતે સામે પાર ઉતારશો ?”

“કેટલાં જણ છો ?” લાલચુ ત્રાપાવાળાએાએ હિંમત કરી.

“એક બાઈ ને એક બચ્યું. બોલો, શું લેશો ?”

“રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ.”

“ સોળના કાકા !” કહી આપાએ કમરેથી વાંસળી છોડીને “ખડિંગ….ખડિંગ” કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી “ઊતરો હેઠાં.”

કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઈ એ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ ! જાણે પગની પાનીએામાંથી કંકુની ઢગલી થાતી જાય. કસૂંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું માં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બ આંખો : અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી : હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું : માથે લીલાં લીલાં છૂંદણાં : બંસીધારી ​કા’ન અને ગોપીનાં એ મોરાં : અને હેમની દીવીમાં પાંચ- -પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબા-જમણા હાથની પાંચ-પાંચ આંગળીઓ : મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાંય બોલી ઊઠ્યાં : “આપા, ગજબ કાં કરો ? આવું માણસ ફરી નહિ મળે, હો ! આવું કેસૂડાના જેવું બાળક કરમાઈ જાશે. આપા, પસ્તાશો; પોક મૂકીને રેાશો.”

“જે થાય તે ખરી, ભાઈઓ ! તમારે કાંઈ ન બોલવું.” આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો, કાઠિયાણીને કહ્યું : “બેસી જાઓ.”

જરાયે અચકાયા વિના, કાંઈ યે પૂછપરછ કર્યા વિના, “જે માતા !” કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખેાળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો ! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહેાંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં – એવા અડગ વિશ્વાસથી એ ઊભેા હતેા. માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઉતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા-ન-છબ્યા પગે એ ઊભી છે.

ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક ​નદીની લીલા નિહાળીને ઘુઘવાટા દેતું ઊછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં.

“ભૂંડી થઈ!” એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો.

“ગજબ થયો !” બેય કાંઠાના માણસો એ જાણે પડઘો દીધો.

આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી; વાંભ એક લાંબો, એક કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં. ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલાંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો, બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને “ફૂં…” અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી ! એ ન થડકી. એનાં નેત્રો તેા નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી “જે મા !… જે મા ! ”ના જાપ ઊપડ્યા.

“આપા, ગજબ કર્યો !” માણસો એકશ્વાસે બોલી. ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું, રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી :

“ એ જુવાનો ! સામા કાંઠા સુધી રાંઢવું ન છોડજો, હો ! સો રૂપિયા આપીશ.”

ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા : આ શી તાજુબી ! સો રૂપિયા બીજા ! પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનું છેટું ! ‘વોય બાપ !’ ​ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું; “ ઢબ – ઢબ – ઢબાક ! ” ઢબતા ઢબતા બેય જણા કાંઠે નીકળી ગયા.

રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી…. ઘરરર ! ઘરરર ! ત્રાપો તણાયો. “એ ગયો…. એ ગયો… કેર કર્યો આપા ! – કેર કર્યો” એવી રીડિયારમણ બેય કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી – એના બાળક ઉપર છે; અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. ‘જે જગદમ્બા ‘નો મૃત્યુ-જાપ જપાતો જાય છે.

આપો જુએ છે કે કાઠિયાણી ચાલી ! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાને સંસાર કલ્પી લીધો, અને –

ડુંગર ઉખર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,
જાકી હેડી હલ ગઈ, વો કા બુરા હવાલ.

અને –

કંથા પહેલી કામની, સાંયા , મ માર્યે,
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.

– એવા એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું ?

કાઠીએ માણકીની વગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડેાય ઉતારી લીધો. ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી, ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણીકા-મણીકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહેાંચી. આ બધું વીજળીને વેગે બન્યું.

“બાપ માણકી! મારી લાજ રાખજે !” કહીને ઘોડીના ​પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. “ ધુખાંગ” દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી. ચારે પગ લાંબા કરીને એ પાણીમાં શેલારો દેવા લાગી, પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તલવાર વાઈઃ “ડુફ ” દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડયું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું.

“ રંગ આપા ! વાહ આપા!” નદીને બેય કાંઠેથી લેાકેાએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંદા બેાલ્યા.

ચારે દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે ! કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે : મા-દીકરાનાં મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તેા આરો અર્ધો ગાઉ આઘે રહી ગયેલો; સામે પાણી- એ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં નદીના બેડા માથેાડું-માથેાડું ઊંચા! કેવી રીતે બહાર નીકળવું ?

“બાપ માણકી! બેટા માણકી !” કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી.

“કાઠિયાણી, હવે તારું જીવતર રાંઢવામાં છે, મા બરાબર ઝાલજે.” કાઠીએ કહ્યું.

કાઠિયાણીએ બાળકને પલાંઠીમાં દબાવ્યો : બે હાથે રાંઢવું ઝાલ્યું, રાંઢવાના છેડા આપાએ કાઠાની મૂંડકીમાં ​ભરાવ્યેા. માણકી કાંઠા પાસે પહોંચી, એના પગ માટી ઉપર ઠેરાણા.

“કાઠિયાણી ! ઝાલજે બરાબર !” કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું-માથોડું ભેડા ઉપર છલાંગ મારી… પણ ભેડા પલળેલા હતા, માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પાછો પછડાણો. મા-દીકરા મૂંઝાઈને પાછાં શુદ્ધિમાં આવ્યાં.

“બાપ માણકી !” કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવાં મેાજાં જાણે ભેાગ લેવા દોડ્યાં આવ્યાં.

ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી : “કાઠી, બસ ! હવે ત્રાપો મેલી દ્યો ! તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તે બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા.”

“બોલ મા ! – એવું વસમું બોલીશ મા ! નીકળીએ, તો ચારે જીવ સાથે નીકળીશું; નીકર ચારે જણાં જળસમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે – કાં ઈતરિયાને એારડે, ને કાં સમદરના પાતાળમાં.”

“માણકી ! બાપ ! આંહી અંતરિયાળ રાખીશ કે શું ?” કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. “રંગ આપા ! રંગ ઘોડી !” એમ કિકિયારી કરતાં માણસો ટેાળે વળ્યાં, આપા માણકીને પવન નાખવા ​મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી : એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા.

માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યેા હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. “બાપ માણકી ! મા માણકી !” – એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું, ત્યાં ને ત્યાં જળ મૂકયું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યાં જતાં હતાં.

એંસી વરસનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર તો જાતવંત ઘોડાં હતાં : પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો.

“ રંગ ઘેાડી – ઝાઝા રંગ !” એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.
તસ્વીર- પ્રતિકાત્મક છે
નોંધ :-
કાઠિયાણીઓ અને ચારણ્યો આઇ ઓ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ઘુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો, સોંઘા નામનો ‘પોમેટમ’ જેવો જ ચીકણો. પદાર્થ પણ તે સ્ત્રીઆ જાતે તૈયાર કરતી. એાળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. પણ એ સોપો ભરીને સ્ત્રીએ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી

​ઉપાસના પવઁ જુના સુરજદેવળ

Standard

ઉપાસના પવઁ જુના સુરજદેવળ

===================

તા-16-04-2018 થી 19-04-2018

——————‘

( સંકલન ભનુભાઈ ખવડ સેજકપર )

===================

   સુરેન્દ્રનગર જીલ્લાના પૌરાણિક નગરી એટલે થાનગઢ થી પુવઁ દિશામાં 1 કિ.મી.ના અંતરે પ્રાચીન સમયનુ સુયઁનારાયણનુ મંદિર આવેલુ છે. જેને જુના સુરજદેવળ તરિકે ઓળખવામાં આવે છે.તે સ્થાન ને કાઠીદરબારોનુ મુખ્ય ઉપાસના સ્થાન માને છે. આજે પણ ચૈત્ર અમાસથી વૈશાખ સુદી ચોથ સુધી  કાઠીદરબારો ઉપવાસ કરે છે. તયાના હાલના મહંતશ્રી પુ.દિલીપબાપુ ભગત અને ભગત પરિવાર તેમજ સેવાસમિતી દ્વારા ઉપાસકો માટે સારી એવી સેવા કરી રહયા છે તે વંદનિય છે. 

         આ પ્રાચીન સથાન નગરી નુ કેન્દ્ર બિંદુ છે. પ્રાચીન સમયથી માંધાતા ના સમયથી સુયઁનારાયણ ની સ્થાપના માનવામાં આવે છે . તેમજ એવુ પણ કહેવામાં આવેછે કે 13 મી સદીમાં વાળા વળોચજીએ બંધાવેલ અથવા જિણોઁધાર કરેલ છે . પરંતુ મુલતાની શૈલીનુ એક ઉત્કૃષ્ટ નમૂનો છે તે નિરવિવાદ છે. 

     કાઠીદરબારો એ યુધ્ધ કાળમાં અલગ અલગ સમયે અલગ અલગ સમુહમાં સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેમા એક સમુહ 13મી સદીમાં કચ્છમાંથી થાનગઢ પાસે આવ્યો , તેના સરદાર વાળો વળોચજી હતા. 

    તે સમયે કાઠીદરબારો ઉપર જામ અબડાજી નુ આકૃમણ ચાલુ હતુ, (જામ અબડાજી નામ એક કરતા વધુ પણ મળે છે) તે સંકટ સમયમાં વાળા વળોચજીએ અલગ અલગ રાજપુત સમાજમાંથી સહકાર લઇ એક તાકાતવાન સમુહ ઉભો કયોઁ . તે સંકટ સમયમાં વાળા વળોચજીને સુયઁનારાયણ સવપનમાં આવયા અને કહયુ કે વળોચજી મુંજાઇશ નહિ હુ તારી રક્ષા કરીશ , એમ પણ કહેવાયછે કે સુયઁનારાયણે એવો સંકેત આપેલો કે હુ તને સોનાની સાંગ આપુછુ , તે સાંગ મળેલી (ઉલ્લેખનીય છે કે કાઠીદરબારોનુ મુખ્ય હથિયાર સાંગ છે ) 

        જામ અબડાજી સાથે વાળા વળોચજીની આગેવાની નિચે ભયંકર યુદ્ધ થયુ અને સુયઁનારાયણ ની સહાયથી જીત પણ થઈ. તે યુધ્ધ માં ઝાલોરના કેશદેવજી ચૌહાણ પણ વાળા વળોચજી ના પક્ષમાં લડયા હતા. તેમને વાળા વળોચજીએ પોતાના પુત્રી સોનબાઇબા ને કેશદેવજી સાથે પરણાવયા અને જુના સુરજદેવળની પુજા આપી. તે કેશદેવજી પાછળથી વાલેરા જળુ તરિકે ઓળખાયા , તેમના જ વંશમાં ધાનાબાપુ થયા તેમના પુત્ર ગેબીપરંપરામાં જાદરાબાપુ ભગત થયા , ઉલ્લેખનીય છે કે તે જાદરાબાપુ પરિવાર ના જ પુ .મહંતશ્રી દિલીપબાપુ બિરાજે છે.તે જાદરાબાપુ પરિવાર માં પુજય કિશોરબાપુ સોનગઢ લાખાબાપુની જગ્યાના મહંત છે . તેમજ ધજાળા પુ.ભરતબાપુ (લોમેવધામ ધજાળા) અને પુ.રામકુબાપુ (ભાણેવધામ ધજાળા ) જાદરાબાપુ ની ભક્તિપરંપરાને વધારી રહયા છે તેમના ચલણોમાં વંદન.સોનગઢના પુ.જીવાબાપુ ભગત પણ જુનાસુરજદેવળે ખુબજ ઉપાસના કરતા હતા. 

       વાળા વળોચજીને સુયઁનારાયણ સવપનમાં આવેલ તે બાબતનુ એક બારોટી કવિત મળે છે તે ડો.પધૃમનભાઇ ખાચરે કાઠીઓ અને કાઠીયાવાડ નામના તેમના પુસ્તકમાં લખેલ છે.

           કવિત

           ====

સંવત બાર છતિસ માસ વૈશાખ મળતે,

શુકલ પક્ષ રવિ ચોથ , રાત અડધ રહતે.

સવપને આવેલ સુરજ, વેળા જુઓ વિચારી.

શકિત તણો પૃતાપ , ઉઠમત લયો અમારી.

બદલાય દવેશ કાઠી બની, ખંડયત વાતો માનો ખરી.

પટગર નાર પરણતા  , વાળા વંશ વધારો વરી.

===============

   મંદિર ની રચના

  ——————-‘

એક સમયે રુષિમુનિઓની તપસ્યા ભૂમિનુ મુળસથાન ને પાછળથી મુલતાન તરિકે ઓળખવા લાગ્યા. તે મુલતાન એક સમયે સુયઁનારાયણની ઉપાસનાનુ મહત્વનુ કેન્દ્ર હતુ , તે આ મંદિરની રચના મુલતાન શૈલીનુ અનુસંધાન કરાવે છે.આ મંદિર પુવાઁભિમૂખ છે અને ફરતા ગોખમાં સુયઁની ઉભેલી આકૃતિઓ છે. બારશાખમાં સૂયઁમુતિઁ ઉતકટિકાસનમાં બિરાજે છે. એક માન્યતા એવી પણ હતી કે મંદિરની રક્ષા માટે ગૃહની આકૃતિઓ રાખવામાં આવતી , તો અહિ બારશાખમાં ઓતરંગમાં નવગૃહની આકૃતિઓ બેઠેલી બતાવે છે. શિલ્પની પરિભાષામાં મંડપ ભદૃ અને પૃતિરથની રચનાને કારણે ત્રીરથ પૃકારના છે.ગભઁગૃહ અને મંડપનુ તલમાન 2:1 ના પૃમાણનુ છે. 

      મુતિઁવિધાન પૃમાણૈ

     =============

(1) સાત ઘોડાના રથ ઉપર કમલાસનમાં બિરાજતા સુયઁનારાયણ ના બનને હાથમાં કમલ પણ હોય છે.

(2) સાત ઘોડાના રથ ઉપર બિરાજતા સૂર્ય ને ચાર હાથ હોય છે, જેમાં બે હાથમાં કમળ અને બે હાથમાં લગામ હોય છે, બન્ને બાજુ ઉષા અને પૃતયુષા અનુચરિ હોય છે, તેની સાથે બે અથવા ચાર પત્નીઓ હોય છે , કોઈ જગ્યાએ દંડ અને પિંગલ પુરુષ પણ હોય છે.રાણીઓમાં રાજ્ઞિ (રાંદલ) રિક્ષુભા (ધૌ) , છાયા, પૃભા વિગેરે પણ હોય છે.

     પૃતિકોની વિશેષતા

     ============

* કમળ ઉગતા સૂર્ય નુ પૃતિક છે.

* સાત ઘોડા સાત વારના પૃતિક છે ( જેને સાત રશમિઓ પણ કહે છે )

* રથના બે પૈડા બે પખવાડિયાના પૃતિક છે.

* ઉષા અને પૃતયુષા અંધકારના ભેદકના પૃતિક છે.

*સિહ ધ્વજ ધમઁ ભાવનાનુ પૃતિક છે 

        આમ જોતા સુયઁ ઉપાસના પ્રાચીન સમયથી ચડતી પડતીની થપાટો ખાઈને પણ આજે સુયઁ ઉપાસના ચાલુ છે તે ગવઁની બાબત છે.

      આ જુના સુરજદેવળે આજે પણ કાઠીદરબારો ઉપવાસ પવઁ ઉજવી રહયા છે .

====================

        સંદર્ભે 

       ====

(1) આપણી લોક સંસકૃતિ- જયમલભાઇ પરમાર

(2) રાજપુત વંશ સાગર- અજિતસિહ ગોહિલ

(3) કાઠીઓ અને કાઠીયાવાડ – ડો.પધૃમનભાઇ ખાચર

(4) ગુજરાતનો રાજકિય અને સાંસ્કૃતિક ઇતિહાસ – સોલંકીકાલ

====================

(ભનુભાઈ ખવડ સેજકપર ના જય સુયઁનારાયણ )

ઘોડાંની પરીક્ષા

Standard

ઘણું કરીને તો
એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની તો શી વાત કરવી ! લખીને બનાવીને ભગવાને હાથ જ ધોઈ નાખ્યા છે. હવે તો લખી આખા કાઠિયાવાડનાં ઘોડાંને લજવેછે.”

ચાડીલો બાવો કોઠી ગામના લૂણા ખાચરની લખી નામની ઘોડીનાં આવાં વખાણ હવે તો સાંખી શકતો નહોતો. એણે એક જાતવંત વછેરી લીધી; મંડ્યો એની ચાકરી કરવા : દૂધભર રાખી; પછી કૌવત આપનારા ભાતભાતના ખોરાક ખવરાવ્યા. બે વરસે ચડાઉ કરી, બીજાં ચારવરસ સુધી કસી. છ વરસની થઈ એટલે એને માથે હેમના મોવડ અને કિનખાબના ચારજામા સજીનેબાવોજી કોઠી ગામે ગયા; જઈને કહ્યું : “આપા લૂણા ! આજ આપણી બેય ઘોડિયું ભેડવવીછે.”

આપો લૂણો હસીને બોલ્યા :“અરે બાવાજી, માળા બાપ ! ભણેં તાળી પંખણીને માળી ગલઢી લખી કીં પોગે ! હું તો ગરીબ કાઠી કે’વાઉ ! માળી ઠેકડી રે’વા દે, બાવા !”

“ના આપા ! નહિ ચાલે. રોજરોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લૂણાની લખી ! આપાની લખી ! એને કોઈ આંબે નહિ ! માટે આજ તો તમારી લખીનું પારખું લીધે જ છૂટકો છે. આપા ! છ વરસની મારી મહેનત હું પાણીમાં નહિ જાવા દઉં, હાલો; થાવસાબદા.”

“છ છ વરસ થયાં દાખડો કરી રહ્યો છો, બાવા ? ઈમ છે? ઠીક કબૂલ. ભણેં, આજ રાત રોકા. કાલ્ય સવારે ભેડવીએ.”

બાવાજી રાત રોકાણા. આપા લૂણાએ બેય ઘેાડીને રાતબ ખવરાવી; જોગાણ દીધાં. સવારે પહર છૂટ્યા વખતે આપા લૂણાએ જોગીને કહ્યું : “ભણેં બાવાજી, ઊઠ્ય, માળા બાપ ! પલાણ માંડ્ય તાળી પંખણી ઉપર, હુંય માળી ટારડી ઉપર ગાભો નાખું લઉ !”

બેય અસવાર ઊપડ્યા; બે ગાઉ ગયા. ચાર ગાઉ ગયા, દસ ગાઉની મજલ કરી. તડકા ખૂબ ચડી ગયા. છાશ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું : “આપા, હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ. હાલે, હવે ઘોડી પાછી વાળીનેભેડવીએ.”

આપાએ કહ્યું : “ભણેં બાવાજી, આંસેં થડમાં જ આપડી ગગીનો ગામ છે, થોડોક કામ પણ છે. હાલ્ય, કામ પતાવું ને પાછા વળુ નીકળીએં.”

આપાએ બાવાને ઉપાડ્યો. આ ગામ, પેલું ગામ, એમ કરતાં કરતાં બરાબર મધ્યાહ્નનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો, તે ઘડીએ બેય ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઊભી રહી. પચીસ-ત્રીસ ગાઉનો પંથ કાપીને પરસેવે નીતરતી ઘોડીઓહાંફી રહી હતી.

આપો લૂણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા : “ભણેં બાવાજી ! આપડે તો મારગ ભૂલ્યા. મુંહેં તો કાંઈ દશ્ય જનો સૂઝી ! ભારે કરી ! આ તો ભણેં લીંબડી ! લ્યો હાલો પાછા.”

“ના આપા ! એમ તો ઘેાડી ફાટી જ પડે ને ! હવે તો પોરો ખાઈએ.”

આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો. કહ્યું : “બાવાજી, ભણેં આપડાસારુ સુખડી અને ઘોડિયું સારુ રજકો લઈ આવ્ય.”

લીંબડીને પાદર ઝાડની છાંયડીમાં ચારે જણાંએ તડકા ગાળ્યા; ધરાઈને ખાધું-પીધું. રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું : “ભણેં બાવાજી, હવે ઊઠ્ય, તાળી પંખણીને સાબદી કરું લે, હુંય માળી ટારડીનો તંગ તાણું લઉં. હાલ્ય, હવે ઘર દીમની ઘોડિયું વે’તી મૂકીએ, એટલે કોઠીના પાદરમાં પારખુંથઉં રે’શે.”

બેય જણા અસવાર થયા. આપો કહે : “ભણેં બાવાજી, લીંબડીની બજાર બહુ વખાણમાં છે. હાલ્ય, ગામ સોંસરવા થઈનેજોતાં જાયેં. ”

બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે. દુકાનમાં એક છોકરો બેઠો છે, ગળામાં બેએક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે, કપાળમાં મોટો ચાંલ્લો છે. મેલાં, પીળા ડાઘવાળાં લૂગડાં પહેરેલાં છે.

આપા લૂણાએ બરાબર એ દુકાનના થડમાં ઘેાડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું : “શેઠ, પછેડીછે કે ? ”

શેઠ એવો ઈલકાબ મળવાથી મોઢું ભારેખમ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી. આપાએ ઘોડી પર બેઠાં બેઠાં પછેડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને આપાએ કહ્યું : “આ લે, કાગળમાં વીંટુને પછેડી લાવ્ય.”

પછેડી કાગળમાં વીંટીનેએ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભોથયો, અને આપાની સામે જેવો એણે હાથ લંબાવ્યો, તેવો જ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો; પોતાના ખોળામાં બેસાડી લીધો, લખીના પડખામાં એક એડી મારી અને સાદ કર્યો : “ભણેં બાવાજી, હાલ્ય, હાંક્યે રાખ્ય તાળી પંખણીને ! હવે ઘોડાં ભેડવવાને મજો આવશે.”

“અરે આપા ! ભૂંડી કરી !” કહીને બાવાએ પણ પોતાની ઘોડી ચાંપી. ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો. ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઊતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા: “એ જાય ! ચેાર જાય ! વરરાજાને ઉપાડી જાય ! કાઠી જાય ! ”

ગામના નગરશેઠનો દીકરો : મોડબંધો વરરાજો : અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું ! એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનોમાનો બેઠો રહે કદી ? કડિંગ ધીન કડિંગધીન ! કોઠા ઉપર મરફો થયો, અને પલક વારમાં તો પાંચસો ઘોડેસવારો લૂંટારાની બે ઘોડાએાની પાછળ ચડી નીકળ્યા.

પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે. પણ બેય ભાઈબંધની રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડાં પહોંચી શકે તેમ નથી. હરણાંની માફક ફાળ ભરતી ભરતી ને ઘડીક વળી પારેવાંની જેમ તરવર તરવર પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાંની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર નાખતા આવે છે, વરરાજો તો ધાકમાં ને ધાકમાં હેબતાઈ ને ચુપચાપ બેઠો છે. એમ કરતાંકરતાં આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડાંમાંથી પાંચ-દસ, પાંચ- દસ ધીરેધીરે ડૂકતાં આવે છે, અને મોયલાં ઘોડાં થોડું થોડું અંતર ભાંગતાં જાય છે. એમ કરતાંકરતાં સાંજ પડી. કોઠી ગામનાં ઝાડવાં દેખાણાં. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું તો પાંચસો અસવારમાંથી માત્ર પચાસેક ઘોડાં પવનને વેગે પંથ કાપતાં આવે છે, અને બાવાની ઘોડી પણ હજુ નથી ડૂકી.

આપાને વિચાર થયો :“આ તો ફોગટનો આંટો થયો. ઘોડીનું પારખું તો પડ્યું નહિ અને આ તો ગામનાં ઝાડવાં દેખાણાં. એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વિણાઈ ને બાકી રહેલ પચાસ ઘોડાં હવે મને છોડશે નહિ. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે. મારી લાજ જાશે. હવે કરવું શું ? હે સૂરજ ધણી ! સમી મત્ય દેજે !”

આપાને કાંઈક વિચાર આવ્યો. એણે ચોકડું ડોંચ્યું, લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટ્યમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા. પચાસ અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડાં જાણે સંતાકૂકડીની રમત રમવા લાગ્યાં. દિવસ ઝડવઝડ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી; ડાબલાના પડઘા ગાજતા હતા.

એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક વોંકળો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે પચાસશત્રુઓ. હવે આપો લૂણો ક્યાંથી છટકે? ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો.

આપા લૂણાએ વોંકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ઝીંકી. વાંસોવાંસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીંકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો, પણ ભેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી; આપાએ લખીને જરા પાછી ફરીવાર દાબી. બચ્ચાં સોતી વાંદરી જેમ છલંગ મારીને જાય તેમ લખી બે જણાને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ, પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું. બીજી વાર ને ત્રીજી વાર એની ઘોડી ભટકાઈને પાછી પડી, એટલે પછી ગભરાઈને બાવાએ. બૂમ પાડી : “આપા, મને રાતરાખ્યો !”

ત્યાં તો પાછળનાં પચાસ ઘોડાં ભેખડ ઉપરથી વેકરામાં. ખાબક્યાં.

બાવો કહે : “એ આપા !”

આપા બોલ્યા : “કાં, ભણેં બાવાજી ! ઘેાડી ભેડવી લીધી ! લાવ્ય લાવ્ય, તાળો હાથ લંબાવ્ય.”

બાવાએ હાથ લંબાવ્યો. આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચે તેાળી લીધો. પોતાની બેલાડ્યે બેસાડ્યો, અને પછી લખીને મારી મૂકી. થોડી વારમાં લખી અલેાપ થઈ ગઈ. એના ડાબલાના પડઘા જ સંભળાતા હતા.

પચાસ ઘેાડાં વોંકળામાં ઊભાં ઊભાં સામસામાં જોઈ રહ્યાં; કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત નહોતી રહી. પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ વોંકળો વીંધીને વેકરો ખૂંદતા ખૂંદતા ઘોડેસવારો ઘણી વારે બહાર નીકળ્યા. રાત પડી હતી. આસપાસનાં ગામોમાં આંટા માર્યા, પણ ચોર હાથ લાગ્યો નહિ.

લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે, કોઠી ગામના આપા લૂણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજુંનથી કે આવી હિંમત કરી શકે. ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા. આપા લૂણાની ડેલીએ જઈને પૂછ્યું :

“આંહીં લૂણો ખાચરરહેછે ને?”

“હા ભણેં, માળો જ નામ લૂણો. હાલ્યા આવો બા, કીં કામ છે ? કીહેંથીઆવડું બધું કટક આદું ?”

ઢોલિયામાં પડ્યાપડ્યા આપો હોકો પીતા હતા – જાણે એક ગાઉની પણ મુસાફરી કરી નથી એવી લહેરમાં પડ્યા હતા.

“આપા, અમે લીંબડીના અસવાર છીએ. અમારા નગરશેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો, તે સોંપીદો.”

“ભણેં જમાદાર ! તમે ઘર ભૂલ્યા લાગો છો !”

“ના, આપા ! ઉડામણી કરો મા, નીકર ધીંગાણું થાશે. ”

“ધીંગાણો ! તો ભણે હુંયે કાઠીનો દીકરો છું. માળી પાંસળ દસ કાઠી છે. ધીંગાણો કરવો હોય તોય ભલે ! બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે, તેા યાને માળા ખોળામાં બેઠેલો માનજો. ભણેં, કાલ્ય સવારે ધીંગાણો કરશું; અટાણે તો વ્યાળુ કરો, હોકો પીવો, નીંદર કરો, ઘોડાને ધરવો, સવારે પછી ધીંગાણો કરશું. એમાં શું બા ! લીંબડીની ફોજ હારે આફળીએ ઈ તો ઝાઝી વાતકે’વાય ને !”

ઘોડેસવારોની નાડીમાં જીવ આવ્યો. નીચે ઊતર્યા. પચાસે ઘોડાંને આપાએ પાલી પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું. પણ ચાળીસ ગાઉનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાંએ બાજરો સૂંઘ્યોયે નહિ. સામે જ આપા લૂણાની લખી ઊભી ઊભી બાજરો બટકાવતી હતી. ઘોડેસવારો પણ દિંગ થઈ ગયા કે લીંબડી જઈને આવનારી આ ઘેાડી શી રીતે બાજરો કકડાવતી હશે ?

ઘોડેસવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી, સવાર પડ્યું એટલે જે વાણિયાને ઘેર આપાએ વરરાજો સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો, કહ્યું: “લ્યો બાપ. સંભાળી લ્યો ! આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પે’રામણી.” એમ કહીને રૂપિયા બસોની ઢગલી કરી. વરરાજાના અંગ ઉપરની સોનાની એક રતી, પણ એાછીનહોતી થઈ. વરરાજો પણ ખુશ હાલતમાં હતો.

ઘોડેસવારોએ અાપાને પૂછ્યું : “આપા, ત્યારે આ છોકરાને લાવ્યું કોણ ? અનેશા માટે લાવેલ?”

“ભણેં બા ! આ બાવોજી વેન લઈને બેઠો હુતો કે હાલ્ય ઘોડાં ભેડવવા ! હાલ્ય ઘોડાં ભેડવવા ! પણ માળી લખી એકલી એકલી કોને એનો પાણી દેખાડે? લખીનો પાણી જોનાર માણસ તો જોવે ને ! હવે જો તમુંહીં ભણીંયે કે હાલો બા, માળી લખીની રમત જોવો, તો તમે પાંચસો જણા કીં બા’ર નીકળત ! માળે તો તમુંને બા’ર કાઢવા હુતા. બાકી, આ છોકરાના અંગની સોનાની કટકીયે ગૌમેટ બરાબર ! હું જાણતો સાં કેઈ મોડબંધો વરરાજો કે’વાય ! એનાં પાલવડાં ચૂંથું તો સૂરજ ધણી માળો કાળો કામો સાંખે નહિ !”

આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘેાડેસવારો ઘોડાં છોડી લીંબડી જવા માટે ચાલ્યા. પણ ઘોડાં ખીલેથીએક ડગલુંયે દેતાં નથી. એના પગ તળવાઈ ગયેલા; અતિશય થાક લાગેલો.

આપો હસવા લાગ્યા.

ઘોડેસવારો હાથ જોડીને બોલ્યા : “આપા, બીજું તો કાંઈ નહિ, પણ આ વરરાજાનાં માવતરનાં ખોળિયાંમાં અત્યારે પ્રાણ નહિ હોય; લીંબડીમાં રોકકળ થાતી હશે. ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તોબસ.”

આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો, એ જ લખી ફરી વાર ત્રીસ ગાઉની મજલ ખેંચીને આપા લૂણાના દીકરાને લીંબડી ઉપાડી ગઈ. ત્યાં જઈ ને ખબર દીધા કે, “તમારો વરરાજો સહીસલામત છે, આવતી કાલે આવીપહોંચશે.”

બીજે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા. પછી આપો લૂણો બાવાજીને વારે વારે કહેરાવતા : “ભણેં બાવા, હાલ્ય ને ઘોડિયું ભેડવિયેં !”

કવેણને ખાતર સિંહનો શિકાર

Standard

લોકકથાની વાતો – ડો.પ્રદ્યુમ્ન ખાચર

કાઠિયાવાડની ધરતીનાં નદી-કૂવાનું પાણી જ એવું છે કે તે પીનારા માણસો વટ, વચન, રખાવટવાળા ને ઝિંદાદિલ હોય છે. જ્યારે પણ કાઠિયાવાડના આબરૂદાર કે પાણીદાર માણસને કોઈ માંયકાંગલો મહેણું મારી જાય કે કવેણ બોલી જાય તો તે તલવારની જેમ જ તેના શરીરમાં ઊતરી જાય છે. એ મહેણું ભાંગવા તે વ્યક્તિ પોતાની જાતને જોખમમાં મૂકી દેતાં પણ અચકાતી નથી. આજે આવા જ એક નિર્ભય ભડવીર કાઠી દરબાર કાથડ ખુમાણની વાત માંડવી છે. એ સમયના માણસોને સામેની વ્યક્તિના બોલની કેવી કિંમત હતી ને તેઓ કેવી મર્દાનગીથી જીવતા હતા તેનો દાખલો કાથડ ખુમાણ પૂરો પાડે છે.

આ વાર્તાનો પ્રસંગ ઈ. સ. ૧૮૩૫ની આસપાસ સાવરકુંડલા પાસેના સેંજળ ગામમાં બન્યો હતો. સેંજળિયા નામની નદીની બાજુમાં વસેલું ઘટાટોપ ઝાડીમાં વસેલું પાઘડીપને પથરાયેલું કાઠિયાવાડના છોગા જેવું નાનકડું, રૂપકડું ખુમાણ દરબારોનું ગામ એટલે સેંજળ.

આ ખુમાણો એટલે કાઠિયાવાડના ત્રણ પરજના કાઠી દરબારો ખાચર ખુમાણ અને વાળા. એમની એક પરજનું ઉચ્ચ કુળ જેમાં લોમા ખુમાણ, જોગીદાસ ખુમાણ જેવા અનેક નરપુંગવો પાક્યા છે. આવા અડીખમ ન રૂંવે રૂંવે ખાનદાનીના પરપોટા બાજેલા છે એવા કુળમાં સેંજળમાં સાદુળ ખુમાણ પોતાના ગામગરાસનું રક્ષણ કરી જીવતર ગુજારી રહ્યા છે. પોતે શિકારના જબરા શોખીન ને અન્યોને રંજાડતા દીપડા કે જાનવરને ભાળે તેને સાદુળ ખુમાણ પળવારમાં ભોં ભેગા કરી દે. સાદુળ ખુમાણને ત્યાં સૂરજ નારાયણે આભને ટેકો દે એવા બે દીકરાઓ દીધા ત્યારે કાઠી કુળના રિવાજ મુજબ ફઈબાએ એકનું નામ પાડ્યું કાથડ ને બીજાનું માણશિયો. બંને ભાઈઓએ કાયમ શૂરાતનનાં જ ધાવણ ધાવ્યાં હતાં. કોઈને અન્યાય થતો જુએ કે એવી વાત સાંભળે ત્યાં તો બંને ભાઈઓનાં રૂંવાડાં ઊભાં થઇ જાય. રામ-લક્ષ્મણ જેવી આ જોડીના રૂંવાડે રૂંવાડે મરદાનગી આંટો વાઢી ગઈ હતી. એવામાં એક દિવસ સેંજળના મેપા ભરવાડનું ગાડું ગામની પાસે જ મદાવાના બાવળના ડુંગર પાસે પડ્યું જેમાં એક ડાલામથ્થો નરકેસરી આવ્યો ને એક નવચંદરી ભગરી ભેંસને થાપો મારી પછાડી દીધી. જીવની જેમ ઉછેરેલી નવચંદરી પરની તરાપ મેપો થોડો સાંખી લે. એ તો તરત જ કુહાડી લઇ દોડ્યો ને સાવજને જોઈ સોય ઝાટકીને કુહાડી ફટકારી દીધી. એટલામાં ગામના લોકોનો ગોકીરો સાંભળી સિંહ મારણ પડતું મૂકીને બાવળની કાંટમાં સંતાઈ ગયો.

આ વાવડ સાદુળ ખુમાણના ડાયરામાં પહોંચ્યા કે ભરવાડે આવું પરાક્રમ કરી દેખાડ્યું. આ સાંભળી સાદુળ ખુમાણના નાના દીકરાને એમ થયું કે અરે ભરવાડ, તેં એ સિંહને જીવતો જવા દીધો. લે હું આવું છું ને સિંહને ગોતી કાઢી અધૂરું કાર્ય પૂરું કરું. માણશિયા ખુમાણે સિંહને હાકલા-પડકારા કરી બહાર કાઢ્યો ને બંદૂકની ગોળીએ ગોંડલના રાજકુમાર નટવરસિંહજીની અદાથી ઠાર માર્યો. સેંજળના માણશિયા ખુમાણની આ અડગતા ને વીરતાની વાતો કાઠિયાવાડના ચોરે ને ચૌટે રમતી મેલાણી. સરસ્વતીપુત્રોએ અને શીઘ્ર કવિઓએ તરત જ ગીત અને દુહાઓની બિરદાવલીઓ રચી કાઢી. સાદુળ ખુમાણના ડાયરામાં સિંહની વાતો ને બિરદાવલીઓ ગવાવા લાગી. આ સાંભળીને થાકેલા સાદુળ ખુમાણનો મોટો દીકરો કાથડ ખુમાણ કહે કે બાપુ, ભાઈએ બંદૂકે સિંહ માર્યો તો એમાં આ લોકો આટલાં બધાં વખાણ આપણને ફૂલવવા કરે છે કે શું? ડાયરામાં આટલું સાંભળતાં એક અળવીતરો કાઠી મહર બોલ્યા વિના ન રહી શક્યો કે સાદુળબાપુ, આપડા કાથડભાઈ તો બંદૂકને અડ્યા વિના જ તલવારથી સિંહને મારી નાખે એવા જોરાવર છે હોં.

સીધીસાદી વાતે અવળો રંગ પકડ્યો. કાઠી કુળની તમામ મરજાદને ઓળખનાર કાથડ ખુમાણ ડાયરામાં તો પોતે કાંઇ સાંભળ્યું જ નથી એમ મૂંગો રહ્યો, પણ મનમાં ગાંઠ વાળી લીધી કે કાઠી તારા વેણને સાચું ન પાડું તો સૂરજનો સંતાન નહિ. સાદુળ ખુમાણ સમજી ગયા કે આ કાઠીની અળવીતરી બોલીએ જુવાન દીકરાને વટના રસ્તે ચડાવી દીધો છે એટલે હવે તેને ક્યાંય સિંહ આવ્યાના સમાચાર પહોંચાડવા દેતા નથી, નહીંતર આ કાથડ ખુમાણ ગયા વિના રહે જ નહિ.

પણ આવી વાતોને કેટલુંક બાંધીને છાની રાખી શકાય? સેંજળમાં તો છાશવારે સિંહ આવે ને મારણ કરીને ચાલ્યા જાય. એમાં એક દિવસ સિંહ પીઠવડીની વાડીમાં દેખા દે છે ને આપા સાદુળની ગાયને મારીને મારણ ખાઈ રહ્યો છે. ગામના એક કોળીએ આ સમાચાર આપ્યા કે બાપુ સિંહ આવ્યો છે ને મારણ કરીને બેઠો છે ત્યાં તો કાથડ ખુમાણની કહુ તૂટવા માંડી. તરત જ ઊભો થયો ને ઢાલ-તલવાર હાથમાં ઉપાડી.

આ જોઈ ગાયોના ગોવાળ જીવલાને પણ થયું કે બાપુને એકલા થોડા જવા દેવાય. તે પણ કાથડ ખુમાણ સાથે હાલી નીકળ્યો. બંનેએ સિંહનો શિકાર કઈ રીતે કરવો એ નક્કી કરી લીધું. કાથડ ખુમાણ કહે કે જીવલા, તું આથમણી બાજુ રહેજે ને હું ઉગમણી બાજુ ઊભો રહીશ. જીવલાએ સાવજને પડકાર્યો, પણ સાવજ તો કાથડ ખુમાણ તરફ જ ગોળીની જેમ દોડ્યો ને ફટાક દઈ તરાપ મારી. ચપળ કાઠી બચ્ચાએ સમય પારખી ગોઠણિયાં વાળી લીધા. ડાબા હાથે ઉગામેલી ઢાલની ઉપર સિંહનો પંજો પડ્યો. કાથડે પોતાનું રક્ષણ કરી લીધું ને તમામ બળ વાપરી ઊંટનાં પાંસળાં જેવી તલવારનો ઘા કરીને સાવજની કાયા સોંસરવી કાઢી નાખી. છતાં સાવજે થોડો સામનો કર્યો ને ઢાલ મોઢામાં લઇ લીધી પણ આખરે નિષ્પ્રાણ થઇ પડ્યો. આપા કાથડ ખુમાણ પણ લોહીલુહાણ થઇ પડ્યા.

બીજી બાજુ સાદુળ ખુમાણ શિકારી સહિત આવી પહોંચ્યા. દીકરાને લોહીલુહાણ દશામાં જોઈ બોલ્યા, અરે બેટા, જાનવરે લગાડ્યું કે શું? આપા કાથડ ખુમાણ કહે, ના બાપુ, આ તો પેલા ભાગીને ભરાઈ ગયેલા સાવજનું લોહી છે તે મેં મહરમાં બોલેલા કાઠીના વેણ ખાતર શિકાર કરી બતાવ્યો છે. પછી તો આ પ્રસંગ બનતાં વળી પાછા સેંજળના ખુમાણને બિરદાવતાં કેટલાંક ગીતો ને દુહા રચાયાં હતાં.

કાઠિયાણી

Standard

કાઠિયાણી

કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાઈ આવે.

બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણઝણતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાનાં પૈડાંમાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી. ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણે સૂરની જમાવટમાં ભળી જતા હતા. બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટનાં ધીરાં-અધીરાં મેાજા વગડાના સૂસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતાં હતાં. બળદને અંગે ઝૂલતી હીરભરી ઝુલ્યોમાંથી અને બળદનાં શીંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડાં આભલાં જાણે સૂરજનાં કિરણોની સામે સનકારા કરી રહ્યાં હતાં. એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજુ કોણ કરી જાણે?

એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકુંકાઢીને કાઠિયાણી ગાડાખેડુને ટૌકા કરતી હતી કે, “ભાઈ ! હાંક્યે રાખ્ય, મારા વીર ! ઝટ વાળુ ટાણે પોગી જાયેં.”

કાઠિયાણીને આજ રાતે પહોંચીને એના રંગભીના કંથની પથારી કરવાના કોડ હતા.

રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળેાટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ, તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડ્યો વછૂટતી હતી. વટેમાર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથાં વગરના ખવીસ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઊતરતા હતા.

કેડાને કાંઠે એક ખેતર હતું. તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેલડું જોતાં જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ દીધી, પણ રીડ ન પાડી. હાંફતો હાંફતો એ વેલડાને અાંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા મંડ્યો : “જુવાન્યો ! કિયા ગામની વેલ્ય છે ?”

“ રાજપરાની.” વાળાવિયે કહ્યું.

“ કીસેંથી આવતા સો, બાપ ?”

“ પાંચાળમાં ભાડલેથી.”

“ વેલડામાં કમણ બીઠું સે ?”

“ આઈ સજુબાઈ : રાજપરા-હાથિયા ધાધલનાં ઘરવાળાં : દેવાત ખાચરનાં દીકરી.”[૧]

“જુવાન્યો ! ભૂંડો કામો કર્યો. આ મોતને મારગતમુંહીં કુંણે દેખાડ્યો !”
“કાં ?”

“આંસે નજર કરો. સામી દેખાય ઈ ભીમડાદ દરબારની મેડિયું. ગામને સીમાડેથી સારું બાઈમાણસ આબરૂ સોતું નસેં, મોળા બાપ ! ગજબ કર્યો.”

“પણ છે શું ? “

“આ માઢમેડી જોઈ? ભીમડાદનો દરબાર ખોખરો શેખ મેડીએ બીઠો બીઠો આખી સીમમાં શકરાના જેવી નજરું ફેરવ્યા કરે છે. ચારે ફરતાં કાઠીએાનાં ગામડાં ઉપર ટાંપે ટાંપેને કાઠિયાણિયુંની ગારગોરમટી નરખે છે, કાઠિયાણિયુંની માંડછાંડનાં ઈને સપનાં આવતાં સેં. કાઠિયાણીનાં મોઢાંનો તો ઈ કાળમુખો જાપ જપતો સે, બાપ ! એક રાત ઈની મે’માનગતિ ચાખ્યા વન્યા કોઈ રેઢું ઓંજણું જાવા પામતું નથી. જોવો બાપ, નદીને કાંઠે ઈની માઢમેડી ઝપેટા ખાતી સેં. નદીનાં પાણી ઈના મોલ હારે થપાટાં ખાતાં સેં. ભા ! ગજબ કર્યો તમે !”

“બીજો કોઈ મારગ છે ? ”

“ ના રે, મોળા બાપ ! મારગ કે બારગ? કાંણુંય ન મળે. જીસેં જાઓ તીસે બબે માથેાડે નદીના ભેડા ઊભા છે. ગામ સોંસરવા થઈને આ એ જ મારગ એાલ્યે કાંઠે જીસેં.”

“ત્યારે ગામ વચ્ચોવચ જ હાલવું પડશે?”

“ બીજો ઉપા’ નસેં બાપ !”

વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સજુબાઈએ ડોકું કાઢ્યું : ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું. જાણે કાંઈયે આકુળવ્યાકુળતા ન હોય, તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો: કાળાભમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા, અને અાંખમાં સતધર્મનાં તેજ જોઈ એ આદમીને પારખ્યો, પૂછ્યું:

“દેવીપુતર લાગો છો, બાપ !”

“હા, આઈ ! ચારણ સાં. ગજબ…”

“કાંઈ ફકર નહિ, ભા ! કાંઈ હથિયાર રાખો છો ?”

ચારણની કેડે કટાર ખેાસેલી હતી. ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી. આઈએ તે ઉપાડી લઈને કહ્યું :

“રંગ તુને ! હવે મૂઠિયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા, અને કાઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજ ધણીની મરજી, મારા વીરા !”

ભેંસનું ખાડું રેઢું મેલીને ચારણે ડાંફો ભરવા માંડી.

વેલડું હાલ્યું. નદી વળોટી. ગામ વીંધ્યું. સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખેપટ ઊડતી ભાળી. જોતજોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા. આઈ એ એના વોળાવિયાને ચેતવ્યા : “ખબરદાર! અધીરા થાશો નહિ !”

વોળાવિયાએાએ હાથમાં ઉગામેલાં ભાલાં પાછાં મૂકી દીધાં. તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બેય કાઠીએાની ભ્રૂકુટિ સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો :

“વેલ્યુને પાછી વાળો, અટાણે નહિ હાલવા દેવાય; દરબારનો હુકમ છે. અહીં ચોર-લૂંટારાનો ભો છે.”

વેલડાનો પડદો ફરી ખસ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકતાં તો ભીમડાદના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતનીકળીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી.

“અમને ક્યાં લઈ જાવાં છે ?” આઈ એ મીઠે સાદે પૂછ્યું.

“અમારા શેખસાહેબનાં મે’માન થાવા.” અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું.

“એ… એ…મ ? શેખસાહેબને તો અમેય જાણીએ છીએ, ભા ! એમના મે’માન થવાની તો સહુને હોંશ હોય, પણ આમ સપાઈ-સપરાંની સાથે હાલ્યાં આવે ઈ તો કોક ગોલાં હોય ! અમે એમ નો આવીએ. જઈને દરબારને કહો કે મે’માનગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય; બાકી, તમથી તો વેલ્યુ નહિ પાછી વળે.”

અસવારોએ એકબીજાની સામે નજર નેાંધી, આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો. બાકીના નવ જણા વેલડાને વીંટીને ઊભા રહ્યા.

ખોખરા શેખને ઘોડેસવારે જઈને ખબર દીધા. એમણે ઇશ્કનો લેબાસ સજ્યો. હીનાનું અત્તર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી, અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડે ચડીને વેલ્ય ભણી વહેતો થયો.

કાઠિયાણીએ ફરી વાર ડોકું કાઢ્યું, છાતી પણ બહાર બતાવી. એના કાંડાની ઘૂઘરીજડિત ચૂડીઓ રણઝણી ઊઠી. માથેથી આછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું, હેમની દીવીમાં પાંચ વાટ્યો પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીએાવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠીયાણી જાણે આફરીન થઈને શેખસાહેબ ઉપર કામણગારુંરૂપ ઢોળવા લાગી.

“આવો ને અંદર !” એટલાં જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યાં, નેણ ઊછળ્યાં ! વોળાવિયા કાઠીઓનાં માથાં જાણે ફાટી પડ્યા. ખોખરો ઘોડેથી ઊતરીને વેલ્યમાં ચડવા ગયો, કેડ સુધી અંદર દાખલ થયો. હાથ પહોળાવીને માશુકને છાતીએ ચાંપવાની જ વાર હતી: એક જ વેંતનું અંતર હતું : ત્યાં તો ભોંણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઊતરી ગઈ. ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસીભીસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો : “ દગા ! દગા ! દગા !”

સિંહણ ત્રાડ દે તેમ સજુબાએ ચીસ પાડી : “તૂટી પડો ! કટકેાય મેલશો મા ! ”

વેલ્યમાં ખોખરાનાં આંતરડાંનો રાતોચોળ ઢગલો થયો; બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી. તાશેરો કરનાર સિપાઈઓ મર્યા, બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીએાના પણ કટકેકટકા ઊડી ગયા.

અંધારાં ઘેરાતાં હતાં. કાઠિયાણીની લોહિયાળી કટાર ચાંદરડાંને અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ધાધલની વહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસાબંધી કોડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંડિકામટીને એણે જોબનના શણગાર સજ્યા. એની આંખમાં કંથડો કાંઈક જોઈ રહ્યો.

ચારણે જોયું કે ભીમડાદના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયેા હોય એવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાડે પડી હતી.

રાતોરાત ચારણ ભડલી પહેાંચ્યો; ત્યાંના કાઠીએાને કહ્યું : ”હાલો બાપ, આકડે મધ અને માખિયું વિનાનું છે. ભીમડાદના તાલુકા ઉપર તમારી નોબત્યું વગડાવીને નેજો ચડાવી દ્યો.”

ભડલીવાળા આળસુ કાઠીએાએ કહ્યું : “ હા બા, સવારે પરિયાણ કરશું.” અને વધામણી લઈને આવનારા ચારણનો એમણે કાંઈ આદર ન કર્યો.

રાતોરાત ચારણ ભાગ્યો : કુંભારા ગામમાં જઈને મેરામ ખાચરને ખબર દીધા : “બાપ, જોગમાયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસીને ભીમડાદ તને દે છે, લેવું છે ?”

એ મેરામ ખાચર કોણ ? એાળખાણ આપીએ : પાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર. સાવકી મા હતી. નવાં આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું. મોતની પથારી પથરી પથરાણી. દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પાંત કરવા લાગી : “કાઠી ! તમારું ગામતરું થયે મારા છોકરાનું શું થાશે ? આ મેરામ મારા પેટને વીઘોય જમીન નહિ ખાવા દે, હો ! ને હું રઝળી પડીશ.”

આવું આવું સાંભળીને આપા માચાનો જીવ ટૂંપાતો હતો. એનું મોત બગડતું હતું.

મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસેઆવીને એણે માળા ઉપાડી; બોલ્યા : “આઈ, શીદને ઠાલાં મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો ? આ લ્યો, સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે. અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાયે નહિ ભૂંસી શકે. જાઓ, આઈ ! મેાજ કરો. અને બાપુ, તમારા જીવને સદ્દગતિ કરો.”

માચા ખાચરનો દેહ છૂટી ગયેા. આઈ એ પસ્તાવો કર્યો. એણે ઘણા કાલાવાલા કરી જોયા : “બાપ મેરામ, તું તારા ભાગનો ગરાસ તો પૂરેપૂરો લે.”

પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહિ. એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી. પોતે પાળિયાદમાંથી રહેણાક કાઢી નાખ્યાં અને સરવે જઈ રહ્યા.
એવા મેરામ ખાચરને ચારણે ભીમડાદના વાવડ દીધા. જગદંબાએ જ જાણે કે મહેર કરી. રાતોરાત મેરામ ખાચરે ભીમડાદનો કબજો લીધો.

સવારે ભડલીવાળા ઝોકાં ખાતા ખાતા ભીમડાદ આવ્યા. ચારણે કહ્યું : “કાં બાપ ! ઊંઘી લીધું ? જાવ, તમને ગરાસ કમાતાં નો આવડે.”

પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે સખપર ગામ ભડલીને આપ્યું. સારંગપર ગામ ચારણને મળ્યું. ચારણોએ એની બિરદાવલી લલકારી :

મેરામણ મેલ્યે, મહીપત બીજ માગવા,
(ઈ તો ) કુંજર ઠેલે કરે, મેંઢે ચડવું માચાઉત !

એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાએાની પાસે યાચવા જવું એ તો હાથીને છોડી ઘેટા ઉપર ચઢવા જવા બરોબર કહેવાય. મેરામ ખાચર એટલો બધો ઉદાર છે.

ઉન્નડ ગઢડે અન્ન દીએ, જીવો હાડીકે જે,
જેરુ કોટ મછરાજરો, ત્રીજો ટોડો તે.

જેમ ગઢડામાં ઉન્નડ ખાચર ને હાડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે છે, તેમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામ ખાચર છે.

રણવિર કાઠી ચાંપરાજ વાળાના દુહા

Standard

​            માલા નરેલા કૃત

        

        પોતાના પરાક્રમ અને શૌર્ય થી ક્ષાત્રધર્મ ની પરીપાલના મા તત્ત્પર રણવિર કાઠી ચાંપરાજવાળા (જેતપુર)ના કબંધ યુધ્ધ ની કથા જગ પ્રસિધ્ધ છે, 

      જેતપુર મા કાઠી વાળા રાજકુળ નો સૂર્ય દૈદિપય્માન રહ્યો છે  અનેક બહાદુર નરબંકા વિરો એ પોતાનુ 

અમર નામ રાખ્યુ અને તેજોમય કાઠીયાવાડ ની અસ્મિતા ના સ્તંભરુપ બન્યા છે. ચારણ કવિ માલા નરેલા એ રચેલી  ચાંપરાજવાળા ની દુહા સામગ્રી માંથી અત્રે અમુક  ચુંટેલા દુહાઓનો રસાસ્વાદઃ
           ||શ્રી રામઃ ચાંપવાળા ના દુહા॥

॥શ્રી ગઢવી માલા નરેલ ના(લા) કહેલઃ લઃ ગાઃ મૂલ જેસા રતનઃ  સવંત ૧૮૫૯  ના મહાવદ ૧૩ ને  ને દિ માંડા છે॥

(જુના યુગ ના કવિ ગઢવી માલા નરેલા કૃત આ દુહાઓ ચારણ જસા રત્નુ એ સવંત ૧૮૫૯ મહાવદ ૧૩ ના રોજ સંગ્રહ મા લખેલ છે.)
વાળુ વાતે સણે, ઇતા દળ અસપતિ તણા

કર નાચિઉ કરે, ઉભા એભલ રાઉત

      (ચાંપરાજવાળાએ વાત સાંભળી કે ‘આટલું પ્રચંડ બાદશાહી સૈન્ય આવી રહ્યુ છે. ત્યાં તે ઉભેલો એવો એભલવાળાનો એ પુત્ર એવા મહાન શત્રુદળ સામે યુદ્ધ ખેલવાનું મળશે એવા યુદ્ધોત્સાહમાં નાચવા જ માડી પડ્યો.)
તાંહી તળઇતે, રેહુ સુ રાડે કરેઅવા

ભોમ નગુ ભાગે, ઊચી એભલરાઉત

     (હું તો અહી જેતપુરને પાદર જ સંગ્રામ ખેલવા અને રણક્ષેત્રમાં વીરગતી પામવા રહીશ. એમ કહી એ એભલવાળનો પુત્ર નાસી જઇ પહાડી ધરતીમાં ભરાયો જ નહીં.)
ધ્રુસક ઢોલ તણે, કાએર નર કુદે ગિઆ

વાળા વાહી તે, તુ આળસેઉ એભલરાઉત

     (જ્યા લડાઇના ઢોલ ધ્રુસક્યા ત્યાં તો કાયર નરો હરણાં માફક કુદતા નાઠા, પણ હે વાળા હે એભલના પુત્ર તારી આળસને ધન્ય છે કે તું તો તલભાર પણ ચસ્ક્યો જ નહી. જ્યાનો ત્યાં જ ખોડાઇ રહ્યો.)
ફરે અફરી ફુટા, બીબા બાણઊળી તણા

તનેવ દાખી ના ઉભત એભલરાઉત

        (અફર એવી શાહી ફોજને તેં ફેરવી પાછી હઠાડી દીધી, ત્યારે એ ફોજ આડ હથીયાર મુકીને ધનુષબાણ ગ્રહ્યા અને એના નીશાન બીંબારૂપ તું વિંધાઇ ગયો. તો પણ હે એભલના પુત્ર ચાંપરાજવાળા તે શત્રુઓના આ દગાની પણ જરા જેટલી નીંદા ન કરી.)
વાળુ વેત્રીતિ , ભલખંડ ભોંઇ પએઉ નહી

નાગ નલેગ થીઇ, ઉઠે એભલરાઉત

     (એભલવાળાનો પુત્ર જ્યારે ઘામાં વેતરાઇને કટકે કટકા થઇ ગયો ત્યારે પણ એના કપાંઇ ગયેલાં અંગોને ધન્ય છે કે તે પૃથ્વી ઉપર પડ્યાજ નહી. તેનો આત્મા તો અનેક નાગોરૂપે રણભુમિમાં પ્રગટિ ઉઠયો)
વરમાળા વઢતાં, જોએ આવટિઓ એભઉત

ચિતિ ચડે ન ના, રથે તોએ રાવ તાહળી

     (એભલવાળાના પુત્ર જો તો ખરો. આ અપ્સરાઓએ તને વરમાળા વડે આવરી લીધો છે. અને તે સૌ તને વરવા માટે અંદરઅંદર કલહ કરી રહી છે. તો પણ રણરંગી એવો તું પ્રણયરંગી થઇને તું એને રથે ચડતો નથી. આ સુંદરીઓ તારે ચીતે ચડતી નથી એની એ રાવ કરે છે)
જો માગી ઇ મસાણી, અવલે એભલ રાઉત

સઠો સાજે પાણી ઢુલતિઓ ઢીલે કરે

   (અવ્વલ એવા જેતાણા ધણી એભલવાળાના પુત્ર ચાંપરાજવાળાની ઉદારતા કેવી છે? જો તમે એના સ્મશાને જઇને આશા કરશો- યાચશો તો પણ તમે પાણીદાર અને સર્વાંગ સુંદર ઝૂલતો અશ્વ પામી જશો)
કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન

ઇષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ વિજયતે

🔅🔆🔅🔆🔅🔆🔅