Tag Archives: kavita

એક સુંદર કાવ્ય..!!

Standard

ભૂલથી પણ કોઈની આંતરડી તારાથી કદી કકળાય ના,
ભાવ રાખો તો સદા માટે ,ત્યાં પથમાં પડતો એ મૂકાય ના.

પંખી આભે ઊંચે ઉડતા જોઈને જાગ્યો ચકિતનો ભાવ આજ,
ત્યારે પંખી બોલ્યું અફવાથી વધારે કોઈને ઉડાય ના.

શબ્દો આજે ધાર કાઢી કાઢી માનવ વાપરે તલવાર જેમ,
ભાઈ ! સમજો ,સાચવો શબ્દોને એને જ્યાં ત્યાં તો ફેંકાય ના.

પહેલા આશા ને તરસ મળવાને માટે મુજને અતિશય તો હતી!
પણ હવે ભૂલેચૂકે જીવનમાં ક્યારે તે મને અથડાય ના.

દોસ્તો પાસે જઈને હું આભાર બોલું કે પછી ફરિયાદી થાવ!
તેનું કારણ એટલું કે દોસ્તો વિણ મારા ચરણ લથડાય ના.

મારા પોતાના તો તમને મેં ગણ્યા પણ તે કરી મુજ અવદશા !
એ સમય મુજને થયું દેવાય સઘળું પણ હૃદય દેવાય ના.

વાતે વાતે આટલું શેનું તને ખોટું સતત લાગ્યા કરે,
ચાર દિનની જિંદગીમાં આ ઝઘડવું મુજને તો પોષાય ના.

આદતો કેવી આ વિસ્તારી છે તુજ જીવનમાં માનવ આ બધી,
યાર ખુદની ચિંતા કર બીજાના જીવનમાં કદી ડોકાય ના.

મનમાં આવે તું સદા બોલી દે છે ને તું અસરથી બેખબર,
ભાઈ! વાગે ને હૃદયના ચીરા થાયે તેવું તો બોલાય ના.

આંખ આપી તે છતાં તું ક્યાં ક્યાં અથડાયો તું જીવનમાં બધે,
ફૂલ છે કે પથરો અથડાયો તો પણ તુજને હવે પરખાય ના ?

ગૂઢ છે, સાથે અકળ છે માનવી જે હાથમાં ક્યાં આવે છે?
નાગ પણ પકડાય, પણ માનવના નિજ ભાવો કદી પકડાય ના.

વાત માં ક્યાં કોઈ દમ કે એને તું જાહેરમાં લઈ જાય છે,
તણખો છે ઠારી દે એને તેલ દઈને આમ તું સળગાય ના.

આંખ વરસે છે હૃદયના ભાવમાં આવી તો તું સમજાવ,કે
આમ ભાવોને ખુલ્લા મૂકીને અનરાધાર તો વરસાય ના.

ગૂંગળામણ છેલ્લા શ્વાસે શેની છે તે કોને જઈને હું પૂછું,
શ્વાસ કોનામાં આ અટક્યા કે સહજ મુજમાંથી શ્વાસો જાય ના.

ઓળખું છું વાત કાયમ મુજને ખોટી લાગી ,કારણ એટલું
પુસ્તકો ઉપલક તું વાંચે પણ મનુજ ઉપલક કદી વંચાય ના.

ફૂલને સૂંઘે પછી તોડે ને પગ નીચે તું કચડે કેમ છે?
ફૂલ કોમળ છે સદા સચવાય એને પગ તળે કચડાય ના.

જિંદગીના દાખલા થોડા આ અઘરા આવ્યા તો શું છે ‘પ્રકાશ’!
આમ જીવન દાખલાને કોરા તો ક્યારેય આ છોડાય ના.

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી ‘પ્રકાશ’

કચ્છ કીર્તિ-શાશ્વત પ્રયાસ

Standard

કચ્છ કીર્તિ-શાશ્વત પ્રયાસ

કાઠિયાવાડમાં ભુલા પડી લીધું હોય તો કચ્છ માં આવ ભગવાન,
ડોલરીયા આ દેશ તણી તને માયા લગાડું શાશ્વત.

રણ,તળાવ ને ડુંગરાઓ,જંગલ ને જળધોધ
નોખીભાષા,પહેરવેશ ને સંસ્કૃતિ અનોખી, માયાળુ આવા માણસો નહિ મળે જગત આખામાં શોધ.

બન્ની,પચ્છમ ને અબડાસો વળી કંઠી ને માઘપટ્ટ,
વાગડ,ચોરાડ ને મચ્છુ કાંઠો બૃહદ કચ્છદેશ નો વટ્ટ.

ગઢ,કિલ્લા,મહેલો ને ભુંગા વળી છૂટક છવાયા નેશ,
કણ-કણ માં ઇતિહાસ છે,એક મીઠાશ છે એવો ડોલરીયો કચ્છદેશ.

જદૂવંશ માં જાડેજાઓ ની કીર્તિ તણા જ્યાં કોટ છે,
આ મહાદેશ ને સર્વાંગી રીતે ક્યાં સેની પણ ખોટ છે…?

જ્ઞાતિ-જાતિ ને ધર્મ બધા સંપીને સૌ જીવે છે,
સમભાવના ના પાણી કચ્છી માડુઓ પીવે છે.

આવતો હોય તો આવજે માતાજી ને ય ભેગા લાવજે,
‘શાશ્વત’ સંભારણું રહ્યુ કેવું ? સાચે સાચું જણાવજે.

– કચ્છ,નામ માં જ એક વિશાળ અસ્તિત્વ ધરાવતો દેશ જે પ્રાચીનતામાં હિમાલય નો પણ દાદો કહેવાય, જીવ વિજ્ઞાન માં જીવાસ્મિઓ ની ખાણ કહેવાય, ભુગોળ માં તમામ પ્રકાર ની ભૌગોલિક સ્થિતિ ધરાવતો અદભુત દેશ.
ઇતિહાસ માં સિંધુખીણ અને તેનાથી પણ પ્રાચીન વૈદિક સંસ્કૃતિના નગરો પોતાના પેટાળ માં ધરબીને બેઠેલો ઇતિહાસિક દેશ.
સંસ્કૃતિ માં પોતાની સ્વતંત્ર ભાષા, પહેરવેશ,તહેવારો,જીવનધોરણ અને વૈવિધ્ય ધરાવતો સાંસ્કૃતિક દેશ.
રાજાશાહીમાં વર્તમાન ગુજરાતમાં સૌથી મોટું રાજપૂત સામ્રાજ્ય અને ગાયકવાડ બાદ દ્વિતીય વિશાળ સતા અને સામ્રાજ્ય ધરાવતો બૃહદ કચ્છદેશ.
અર્થ વ્યવસ્થામાં ભારત અને ગુજરાતના વ્યાપરનું વડુ મથક કંડલા અને રાજ્ય ની કુલ અર્થ વ્યવસ્થામાં મહત્તમ ઉત્પન્ન કરી આપતો સક્ષમ દેશ.
એકંદરે કચ્છ એટલે કચ્છ(અનન્વય અલંકાર) તેની તુલના ન થઈ શકે કે તેને કોઈ રૂપક કે ઉપમા ન આપી શકાય.
કચ્છ ની મહાગાથાઓ, કીર્તિગાથાઓ અને ઇતિહાસ ભલે એટલા ઉજાગર ન થયા હોય પણ આ ધરતી ઘણું સંઘરી અને પચાવી ને બેઠી છે.
વર્તમાનમાં ભલે ગુજરાત રાજ્ય ના એક જીલ્લા તરીકે કચ્છની ગણતરી થતી હોય પણ કચ્છ એ એક દેશ હતો, દેશ છે અને કચ્છદેશ જ રહેશે.
હું આહ્વાન કરું છું પ્રત્યેક કચ્છીને જેના હ્ર્દયમાં અને જીવનમાં કચ્છીયત છે જેના રક્ત અને DNA માં કચ્છીયત છે.
હે કચ્છી માડુઓ કચ્છી અસ્મિતા ને સમજો અને કચ્છ અલગ બને એના માટે પ્રવૃતિશીલ બનો.
કચ્છ અલગ રાજ્ય બનશે ત્યારે જ આપણે ખરા કચ્છી કહેવાશું
અને આ ધરતી તેમજ આપણા પૂર્વજો નું ઋણ ચૂકવી શકીશું.

વંકા કુંવર વિકટ ભડ,વંકા વાડીઅ વચ્છ,
વંકા કુંવર તડેં થીયે,જ પીયે પાણી કચ્છ.

।। જીએ રા ।। ।। જય કચ્છ ।।

– ધ્રુવરાજજી જાડેજા જાખોત્રા(શાશ્વત)

….મેઘનાદ મરતા….

Standard

દુહો

ઊલટ્યો દધિ આઠમો, મરતા મેઘનાદ
છૂટા થયા સુરો સદા, શક્તિ કરતા સાદ

છંદ-ત્રિભંગી
રણ લંકા રણ માં દૈત દમનમા રાવણ રણ મા જોઇ રીએ
હટ હટ કર હાકા ધક બક ધાકા બહુ નર વાકા રીંછ બીએ
લડવા સબ લાગા ખોણીત ખાગા દુશ્મન દાગા પાવ દિએ
મેઘનાદ મરતા લઇ ખપરાતા પરધમ ચામુંડ રેર પીએ…૧
રાક્ષસ રડવતા દડદડ દડતા તબ તફડતા ભોમી તળે
હાહાકારી હટતા શિરવાણ ચડતા શત્રુ પડતા ભોમી સરે
ઊઠો અરિ આખા જોઇ કવિ ઝાંખા દશ મુખ દાખા દોટ દિએ..
મેઘનાદ મરતા…૨
રાવણ અકળાયો મેઘ મરાયો જાગે જાયો જોર કરી
બજવે ખૂબ બાજા જોર થી ઝાઝા નાથ લંકા નાદ કરી
ઉઠો બધું આજે લંકા લાજે આ યુધ્ધ સાજે હાથ લિએ
મેઘનાદ મરતા…૩
રીંછ લાગા લડવા પદ પ્રભુ પડવા હથ હડબડવા કોણ હલે
એ નાથ ઉગારો શ્યામ સંભારો પ્રભુ પધારો આવી પલે
એમ વાણી ઉચ્ચારી ચિત સંભારી ભય દુઃખ ભારી એમ ભયે
મેઘનાદ મરતા…૪
ગર્જો કુંભ ગાંડો જોર થી જાડો, ઉભો આડો પહાડ ખડે
ક્રોધે મંડાણો રગત રંગાણો ડુંગર પાણો પાવ પડે
રીંછ કૈક રડાયા ધડવડ ધાયા રણ સવાયા કોણ રિએ મેઘનાદ મરતા…૫
સુણી રામ ચિડાયો કૌશલ જાયો ધનુષ ઉઠાયો બાહુ વડે
ઉલટ્યો દધિ આખો પ્રખગ પાખો દુશ્મન લાખો શિશ દડે
તબ તીર માર્યો છાતી નિકાર્યો દૈત સંહાર્યો રાડ દિએ મેઘનાદ મરતા…૬
ભાગ્યા દૈતા ભારી આત્મ ઉગારી બચવા બારી એક ન મળે
સૌ મળી સાહેલી અંગ અલબેલી નાર નવેલી નીર ઢળે
હરિ મેલે હડસેલી કોણ હોય બેલી,લાર લવેલી કોણ લિયે
મેઘનાદ મરતા…૭
કરે પ્રેત કકળાટો વૈતલ વાટો શક્તિ સપાટો શ્રોણ પીએ
પાપી રાક્ષસ પૂરા આયુષ્ય અધુરા એમ અસુરા માર દીએ
‘નાજા’ નર નાથે બળિયા બાથે ભડ ભારથે ભાજ દીએ મેઘનાદ મરતા…૮

📌~કવિ શ્રી નાજાભાઇ બારોટ

ભીતર નો ભીંજાણા

Standard

કાળમીંઢ પત્થરા કેરા ભીતર નો ભીંજાણા,
મૂશળધાર માથે બારેય મેહુલા મંડાણા.
સંતના સમાગમથી જરા નવ સમજ્યા,
માયા મમતામાં જેના મનડાં મૂંઝાણા.
કાળી ઉન કેરાં કાપડ કોઇ રંગરેજથી,
લાખ ઉપાયે બીજા રંગે નો રંગાણા.ફુલડાંની સેજે એને નીંદરાયું નાવે,મછિયાંની ગંધે એના તનડાં ટેવાણાં.
પિંગલ કહે છે પ્યાલા દૂધ ભરી પાયું,

વિષધરનાં વર્તન જરિયે નવ બદલાણા.

📌કવિઃ પિંગળશીભાઇ ગઢવી.

આવી કવિતા કેવા વંટોળમાંથી જન્મી હશે? – વિનુ બામણિયા

Standard

:::::::::::::::::::

મનની મુરાદ મનના મેળા મનના મૂળમાં રોગ,
મનની મોજ માણો જોગી
આઠે પ્રહરા ભોગ.

ઘોર વગડો જાળું ઝરણાં ડાળ ટહુકે ને અજવાસ,
ચાસ વગરની ખેડ ફકીરા ઠૂંઠે થાય અમાસ.

ભરમાંડોની કાળાશ પહેરી ડોશી ખી ખી કરતી,
પળ ચૂકેલા મનવા તારી શ્વાસ રજોટી ખરતી.

કૂવાને કાંઠલિયે બેઠો ફણીધર ઝાંખે અંદર
એક કમંડળ જળ ભરવાને સાતે દરિયે ચેત મછંદર.

ભળી ગયા તે ભળી ગયા છે ડૂબી ગયા કે તર્યા?
ચપળ જનતો ચપ ચપ ચાલ્યા
ડૂબ્યા એવા સર્યા.

ચલ મન અલખ અનંત ઓટલે ભીતરનો ભપકાર,
બેઠે ડાયરે ઘૂંટ ભર્યો ત્યાં રણઝણયા છે તાર.

તું ગયો છે હું ગયો છું ચાલે વળી સરકાર,
મારે તળિયે મૂળ ક્યાં જોડી તરંગ અપરંપાર.

ડૉ રાજેશ વણકર

   અખંડ પંચમહાલમાં સાહિત્ય ક્ષેત્રે કેટલાંક નામ હોઠ પર રમતા હોય છે.જેમાં રાષ્ટ્રીય પુરસ્કૃત સર્જકો માં પ્રવીણ દરજી પછી તરત રાજેશ વણકર યાદ આવે.મણીલાલ હ પટેલ,કાનજી પટેલ,વિનોદ ગાંધી ને આ લખનાર સહિત સાહિત્યને ગુજરાતની ભૂમિ પર રમતું ભમતું ને ગમતું કરનાર એક એવું નામ જેને આખું ગુજરાત એના કામથી ઓળખે તો મનેય થયું ,મારા મનને થયું કે ચાલ મન આ કવિતા ને જ રમતી મુક..

શાહબુદ્દીન રાઠોડ કહે છે કે તું કયા વેંતનો પડી રહ્યો છે? આ બુદ્ધ, મહાવીર,ભર્તૃહરી એક ક્ષણની થપાટમાં બહાર નીકળી ગયા.કદાચ કવિના ચિત્તમાં આવી કોઈ ક્ષણનો ઝબકાર આવી કવિતા પોતાની કલમવાટે પ્રસવવા આવી હશે.આ મન માણસને બધું કરાવે. સતીષ પ્રિયદર્શી ની પંક્તિઓ છે કે
-આ મન કેવું ચરાડું છે
ઢોર જાણે કે અરાડું છે.
“મન હોય તો માળવે જવાય”આપણું લોક કહે છે એમજ મન જો હોય તો -આગ પણ બાગ બને અને આધુનિકોની જેમ ચોમેર ઉત્સવ આનંદની વચ્ચે મન એકલું પણ હોય.પણ આ મનની મોજને પામી જનાર ચિત્તનો ચિદાનંદ પામી શકે છે.આ કવિતા કોઈ સ્વરૂપમાં બંધાતી નથી.સહજ સ્ફુરેલી કવિની વાણી છે. વાલ્મિકીને આમજ લય મળ્યો હતો અને એ લયને બધાએ ભેગા મળી કોઈ નામ આપ્યું હતું.એમ આ સર્જન પણ એક ઉચ્છવાસ છે.એમાં જીવનનાં અનેક સત્યો છે.
     વિચારોના વગડામાં કોઈ ટહુકાર કહો કે કોઈ ચમકાર કહો કે કોઈ આધ્યાત્મિક  મિલન ચાસવિના જ ખેડ કરી આપે અને જીવન લહેરાઈ ઉઠે એમ પણ બને.
    “ભરમાંડો કાળાશ” એટલે આખું ભ્રહ્માંડ બ્લેક છે કાળાશ છે.ક્યાંક ક્યાંક અજવાસ છે.પેલી ડોશી રૂપી પ્રકૃતિ માણસને ક્યાંક ને ક્યાંક ચૂકાવીદેવા માટે પ્રયત્નો કરે છે.આ પ્રકૃતિના હાથમાં ન આવવું અને પોતાના મનને ઉજ્જવલ ચિદાનંદમાં મસ્ત રાખવું એ નિયતિમાં વહેવું.
   આગળની પંક્તિનો ફણીધર  ઝેરી છે એ ગમે ત્યારે ડંખ મારી દેશે અને પાડી દેશે નામશેષ કરી દેશે એટલેજ ચેતવું એક કમંડળ જેટલું સાચું જીવન જીવવા માટે સાત જનમ સુધી રાહ જોવાની.જીવવું મરવું મરવું જીવવું ક્રમ જારી જ રહે છે અને સાચું જીવન પકડાતું નથી એ ફક્ત નાનકડું એક કમંડળ ભરાય એટલુંજ પણ એની શોધમાં જન્મજન્માંતર વહી જાય છે.
    આ સંસારમાં આવીને કેટલાય મનુષ્યો નોકરી, ધંધો, પત્ની,બાળકો,મકાન,ગાડી,દવાખાના,શિક્ષણ વગેરેમાં ભળી જાય છે એક પ્રવાહ બની જાય છે.પ્રવાહમાં ઢસડાતા કોઈ રજકણ જેવું જીવીને ચાલ્યા કરે છે.અસ્તિત્વનું ભાન પણ ખોઈ બેસે છે પરંતુ અંદર રહીને પણ પોતાના અસ્તિત્વની સભાનતા ન ગુમાવે ડૂબે છતાં સ્વ-મોજમાંજ સરે એ જીવનની કવિ હિમાયત કરે છે.
     અને અંતિમ પડાવ સુંધી પહોંચતાં તો કવિ અલખ ઓટલે લઈ જાય છે.પોતાની ભીતરના ભપકાર ના તેજે જિંદગી ગુમાવવાની હિમાયત કરે છે. અને એટલે જ ક્યાંય કશી શોધની દોડાદોડ સંતો મહંતો મંદિરો મસ્જિદો,ગુરુદ્વારા કશામાં ન જતાં બેઠા બેઠાજ  પોતાની અંદરના એકતારાથી તારને જોડી દેવાથી જીવન સંગીત ગૂંજવા લાગે છે.
    અંતિમ પંક્તિઓમાં કવિ કોઈને ઉદ્દેશીને કદાચ ભાવકને ઉદ્દેશીને કહે છે કે “તું ગયો છે હી ગયો છું’ બધા ક્યાંકને ક્યાંક અટવાયા છે સંસારની જાળ જ પેલા કબૂતરોની જાળ જેવી છે.દરેક ક્ષણ ક્યાંકને ક્યાંક કોઈને કોઈના હવાલે કરી દેવાઈ છે.કોઈ નોકરીના કોઈ સંસારના કોઈ રાજકારણના કોઈ ધર્મના કોઈ જાતિના અનેક વાડાઓ-બંધનોમાં આપણે છીએ ને ઉપરની સરકાર એટલે કે આ સૂર્ય ચન્દ્રનું ઉગવું, ફૂલોનું ખીલવું, પાંદડાનું ફૂટવું,વૃક્ષોની ડાળીઓનું તૂટવું અને ફૂટવું સતત ચાલ્યા કરે છે પણ પેલો ચેતી ગયેલો મનુષ્ય તો એમ કહે છે કે મનુષ્યને નહિ પણ ખભાની જોડી ને કહે છે કે વિરામ કરશું તો ક્યાંક અટવાશું ચાલ ભાઈ ચાલ આપણે ક્યાંય મૂળિયા નાખવા નથી આ અનેક તરંગો આપણી અંદર છે એના નિજાનંદે બસ આગળને આગળ જવું છે
       કવિને આવી ચિત્ત-ચૈતન્ય-વિલાસની કવિતા સર્જવા બદલ અભિનંદન.મનોસાગરના આવા આવા અનેક મોતી સાહિત્યમાં મનુષ્ય ચિત્તમાં સીંચતા રહે એના અજવાળે આપણે જીવીએ તો  ભયો  ભયો…..

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

Standard
છેલ્લું દર્શન  રામનારાયણ પાઠક
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-૦-

વૈશાખનો બપોર – રામનારાયણ પાઠક

Standard
વૈશાખનો બપોર  રામનારાયણ પાઠક
[ મિશ્રોપજાતિ ]
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કૈં રજાનો.
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યાં હતાં આળસમાં હજી જનો,
જંપ્યાં હતાં બાળક ખેલતાંયે,
ટહુકવું કોકિલ વીસર્યો’તો,
સંતાઇ ઝાડે વિહગો રહ્યાં’તાં,
ત્યારે મહોલ્લા મહીં એક શહેરના
શબ્દો પડ્યા કાનઃ ‘સજાવવાં છે
ચાકુ સજૈયા છરી કાતરો કે?’

ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા,
માથે વીંટી ફીંડલું લાલ, મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમેઃ
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉગાડે પગયે ઉઘાડે,
આઠેકનો બાળક એક દૂબળો.
‘બચ્ચા લખા! ચાલ જરાક જોયેં
એકાદ કૈં જો સજવા મળે ના,
અપાવું તો તૂર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યોઃ
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’

એ બાળના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ.
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા છરી કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે!

ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું: ‘અલ્યા તું કહીંનો, કહે તો!’
‘બાપુ! રહું દૂર હું મારવાડે.’
દયા બીજાને થઈને કહેઃ ‘જુઓ!
આવે જનો દૂર કહીં કહીંથી?
જુઓ જુઓ દેશ ગરીબ કેવો!’
અને કહે કોઈ વળી ભણેલોઃ
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ;
ચાલે નહિ આવી સરાણ હાવાં!’
ને ટાપશી પૂરી તહીં બીજાએઃ
‘નવી સરાણે જણ એક જોઈએ
પોસાય ત્યાં બે જણ તે શી રીતે? ‘

‘બાપુ સજાવો કંઈ ‘ ‘ ભાઈ ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’
અને ફરી આગળ એહ ચાલ્યો
‘સજાવવાં ચપ્પુ છરી!’ કહેતો;
ને તેહની પાછળ બાળ, તેના
જળે પડેલા પડઘા સમું મૃદુ
બોલ્યોઃ ‘છરી ચપ્પુ સજાવવાં છે?’

જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડીઃ
‘બચ્ચા લખા! ધોમ બપોર ટહેલ્યા
છતાં મળી ના પઈની મજૂરી! ‘
ને ફેરવી આંખ, દઈ નિસાસો
બોલ્યોઃ ‘અરે ભાઈ ભૂખ્યા છીએ, દ્યો,
આધાર કૈં થાય જરાક પાણીનો!’
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે
‘અરે! બધો દેશ ભર્યો ગરીબનો,

કોને દિયેં ને દઈએ ન કોને?’
કોઇ કહેઃ ‘એ ખરી ફર્જ રાજ્યની!’
ને કો કહેઃ ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય!’
ત્યાં એકને કૈંક દયા જ આવતાં
પત્ની કને જ કહ્યું : ‘કાંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દો!’
‘જોવા સિનેમા જવું આજ છે ને!
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે,
ભૂલી ગયા છેક જ આવતાં દયા?’
દયાતણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સુઝ્યું ન આપવાનું!
ને ત્યાં સિનેમા સહગામી મિત્ર કહેઃ
‘દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બૂઝર્વા જન માત્ર કલ્પિત!’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર,
‘મજૂરી કે અન્નની આશ ખોટી!’
છતાં વધુ મન્દ થતાં અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને!’

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતાં ગાંઠ અને પડીકાં
હાંલ્લાં, જરા કૈં બટકાવવાને.
બોલાવિયા આ પરદેશી બેઉનેઃ
‘અરે જરા ખાઈ પછીથી જાજો!’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યુ.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
હતી તહીં કેવળ માણસાઈ!

-૦-

પરથમ પરણામ – રામનારાયણ પાઠક

Standard

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.
– રામનારાયણ પાઠક

-૦-

“બેફામ”

Standard

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

-બરકત વિરાણી ‘બેફામ’

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . ~~- કવિ દાદ

Standard

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…
ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી….