Tag Archives: Krushna

મુચકુંદ ગુફા

Standard

જૂનાગઢ માં આવેલી રહસ્યમય મુચકુંદ ગુફા જયાં છુપાયેલો છે ભગવાન રણછોડ શ્રી કૃષ્ણ, મહારાજા મુચકુંદ અને અજેય કાલયવન રાક્ષસ ના વધનો ભેદ …

સંતો અને શૂરા ની ભૂમિ એટલે રૂડું સોરઠ. એ સોરઠ નું અતી પૌરાણીક નગર એવું જુનાણું એટલે જૂનાગઢ અને જૂનાગઢ ને યાદ કરતા જ યાદ આવે, માં અંબા અને ભગવાન ગુરૂદત્ત જેના શિખરો શોભાવી રહ્યા છે એવો ગરવો ગઢ ગિરનાર. તેની સામે ગૂગળ માં લોબાન ભળી રહ્યો હોય તેવી પ્રતિતિ કરાવતો ગરવો દાતાર જેના શિખર પર બિરાજે છે જમિયલશા પીર દાતાર.

હિંદુ ધર્મની શૈવ, શાક્ત અને વૈશ્ર્ણવ પરંપરા તેમજ ઇસ્લામ અને જૈન ધર્મ ના સંગમ સમી આ સોરઠી ધરા પોતાના માં કંઇક રહસ્યો સમાવીને બેઠી છે. જેમાંની એક કથા છે આ મુચકુંદ ગુફાની કે જ્યાં યાદવેન્દ્ર ભગવાન શ્રી ક્રૃષ્ણએ પોતાના અજોડ બુધ્ધિ-ચાતુર્ય થી અજેય કાલયવન રાક્ષસ ને અપાવ્યું હતું નિર્વાણ અને મહારાજા મુચકુંદ ને આપ્યું હતું ભક્તિ નુ વરદાન.

કથા આ પ્રમાણે છે. ઋષિ શેશિરાયણ ત્રિગત રાજ્ય ના કુલગુરૂ હતા અને તેઓ એક અનુષ્ઠાન કરી રહ્યા હતા જેથી તેમને 12 વર્ષ બ્રહ્મચર્ય નું પાલન કરવાનું હતું. કોઇ એ તેમને નપુંષક છો એવુ કેહતા તેમને લાગી આવ્યુ અને તેમણે ભગવાન મહાદેવ ની તપસ્યા કરી અને મહાદેવ પ્રસન્ન થતા તેમણે મહાદેવ પાસે એક એવા પુત્ર નું વરદાન માંગ્યું કે જે અજેય હોય, કોઇ તેને હરાવી ના શકે અને બધા શસ્ત્રો તેની સામે નિસ્તેજ થઇ જાય જેથી કોઇ તેનો સામનો ના કરી શકે. ભગવાન મહાદેવ એ તથાસ્તુ કહ્યું અને અપ્સરા રંભા થી ઋષિ શેશિરાયણ ને એક બાળક નો જન્મ થયો.

યવન રાજ્ય ના મહારાજ કાલજંગ ને કોઇ સંતાન ન હોવાથી તેમણે ઋષિ શેશિરાયણ પાસે આ બાળક ની માંગણી કરી અને ઋષિ શેશિરાયણ એ આ બાળક તેમને આપી દિધું અને ત્યાર થી આ બાળક નું નામ પડ્યું કાલયવન અને તે યવન રાજ્ય નો રાજા બન્યો.

મહાદેવ ના વરદાન થી સુરક્ષિત અજેય કાલયવન ને કોઇ હરાવી નહોતું શક્તું જેથી તેની અનિષ્ટતા અને દુરાચાર વધતો જતો હતો. એક વાર કાલયવને નારદજી ને પુછ્યું કે તે કોની સાથે યુદ્ધ કરે જે પોતાના સમાન વીર હોય. ત્યારે નારદજી એ કાલયવન ને યદુકુળમણિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાનું કહી તેનું મૃત્યુ નિશ્ર્ચિત કરી દિધું અને નારદ્જી એ ભગવાન મધુસુદન નો પરિચય પણ કાલયવન ને આપ્યો કે ભગવાન કેવા લાગતા હશે.

મથુરા પર ચડાઇ કરતી વખતે શૈલ્ય એ જરાસંધ ને કાલયવન ને પણ યુદ્ધમાં શામેલ કરવા કહ્યું અને કાલયવન માની ગયો અને જરાસંધ ની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી અને મથુરા ને ઘેરી લીધી. કાલયવન એ મથુરા નરેશ પર સંદેશ મોકલાવ્યો અને એક દિવસ ની મુદત આપી. ભગવાન કૃષ્ણ એ પણ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ એક શરત રાખી કે યુદ્ધ કાલયવન અને પોતાની વચ્ચે જ થવું જોઇએ આટલી મોટી સેનાઓ ને શું કામ લડાવવી. આ સાંભળી કાલયવન હસવા લાગ્યો પરંતું તેને એ ખબર નહોતી કે હવે તેનુ મૃત્યુ નજીક છે. કાલયવને કોઇ દિવસ ભગવાન કૃષ્ણ ને જોયેલા નહી પણ તેને નારદજી આપેલો પરિચય યાદ હતો.

જેવું યુધ્ધ શરૂ થયું અને કૃષ્ણજી મથુરામાંથી બહાર આવ્યા કે તરત જ કાલયવન એ જોયું કે જેવું નારદજી એ કહ્યું હતું એ પ્રમાણે વર્ણ શ્યામ પણ સુંદર હતો, મસ્તક પર મોરપિંછ લહેરાતું હતું, તેજોમય લલાટ પર શોભી રહેલું ચંદ્રવંશી તિલક અને તાજાં તાજાં ખિલેલા કમળ સમાન નેત્રો, તેમના મુખારવિંદ પર રમી રહેલું એ ત્રિભુવનવિમોહીત સ્મિત સૌને દંગ કરી રહ્યું હતું.

સિંહ સમાન છાતી પર કૌસ્તુભમણી અને સ્ફટિક માળા લહેરાય રહી હતી અને વક્ષઃસ્થળ પર શ્રી વત્સ ચિહ્ન શોભાય રહ્યું હતું. એ કસાયેલા ખભા ઉપર પિતાંબર ચળકી રહ્યું હતું અને સાવજ સમા ડગલાં માંડતા ભગવાન ને જોઇ ને કાલયવન ઓળખી ગયો કે આજ વાસુદેવ છે. તેમના હાથ માં કોઇ શસ્ત્ર ન હોવાથી કાલયવન એ પણ નિર્ણય કર્યો કે પોતે પણ તેની સાથે શસ્ત્ર વગર જ યુદ્ધ કરશે. જેવો કાલયવન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે દોડ્યો કે ભગવાન પોતાની પીઠ દેખાડી ને ભાગવા લાગ્યા. બધા અચરજ પામી ગયા કે શ્રી કૃષ્ણ આવી રીતે પીઠ દેખાડી ને ભાગે અને આથી જ તેમનુ નામ “રણછોડ” પડ્યું.

ભગવાન રણછોડ આગળ ભાગી રહ્યા છે અને કાલયવન પાછળ પાછળ છે તેને એવુ લાગી રહ્યુ છે કે હમણાં પકડ્યો હમણાં પકડ્યો પણ જે સમસ્ત બ્રહ્માંડ માં વ્યાપ્ત છે એ તુચ્છ કાલયવન ના હાથ માં કેમ આવે! કાલયવન પોતાના પાછલા જન્મ મા કરેલા પુણ્યો ના કારણે ભગવાન થી બચી રહ્યો હતો આથી ભગવાન તેમની પીઠ દેખાડી ભગવાન ની પીઠ ના દર્શન કરવાથી કાલયવન ના પુણ્યો સમાપ્ત થવા લાગ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ ભાગતા ભાગતા રેવતાચલ પર્વત ની એક ગુફા માં પ્રવેશ્યા. તેમની પાછળ પાછળ કાલયવન પણ એ ગુફા મા પ્રવેશ્યો. ભગવાન કૃષ્ણ ગુફા માં છુપાઇ ગયા એટલે કાલયવન ને કોઇ દેખાયુ નહી પણ કોઇ પિતાંબર ઓઢી ને ત્યાં સુતું હતું એ નજરે પડ્યું. તેને કૃષ્ણ સમજીએ વિચારમાં પડી ગયો કે મને આટલો દોડવીને આ કૃષ્ણ અહિયાં આરામ કરે છે. તેણે એ સુતેલા પુરૂષ ને લાત મારી અને વર્ષો થી નિંદ્રાધીન એ વ્યક્તિએ જ્યાં ઉઠી ને કાલયવન ની

સામે જોયું ત્યાં જ તેના શરીર માં પ્રચંડ આગ સળગી ઉઠી. થોડી જ ક્ષણોમાં કાલયવન બળી ને ભસ્મ થઇ ગયો. ભગવાન કૃષ્ણ આ દ્રશ્ય ગુફામાં છુપાઇને જોઇ રહ્યા હતા. વર્ષો થી આ ગુફામાં નિંદ્રા કરી રહ્યા હતા મહારાજા મુચકુંદ અને તેમની દ્રષ્ટિ માત્ર થી અજેય કાલયવન રાક્ષસ ના ભસ્મ થઇ જવા પાછળ નું કારણ હતું દેવરાજ ઇંદ્ર તરફ થી તેમને મળેલુ વરદાન. આવો જાણીએ મહારાજા મુચકુંદ ની કથા.

મહારાજ મુચકુંદ ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતા ના પુત્ર હતા અને ભગવાન રામચન્દ્ર ના તેઓ પુર્વજ હતા. દેવતાઓ પણ રાક્ષસો સામે યુદ્ધ કરવા માટે મહાપરાક્રમી અને સંગ્રામવિજયી મહારાજ મુચકુંદની સહાય લેતા. એક વાર રાક્ષસોથી ભયભીત થઇ ને દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને રાક્ષસો સામે યુદ્ધ માં સહાય કરવા પ્રાર્થના કરી.

મહારાજ મુચકુંદ દેવતાઓ સાથે રાક્ષસો સામે યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધ સદી ઓ સુધી ચાલ્યું, ત્યારબાદ કાર્તિકેયના રૂપ માં એક સમર્થ સેનાપતી મળવાથી દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને અરજ કરી કે હે! મહારાજ આપ સદીઓથી અહીં યુદ્ધમાં સહાય કરી રહ્યા છો આપ નું કુટુંબ પણ કાળના પ્રભાવ માં નષ્ટ થઇ ચુક્યુ હશે આપ હવે વિદાય લો. દેવરાજ ઇંદ્રએ મહારાજ મુચકુંદ ને કહ્યુ કે માંગો મહારાજ આપ ને શું ઇચ્છા છે? બસ એક મોક્ષ નહી માંગતા કેમકે એ તો માત્ર ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ જ આપી શકે. મહારાજ મુચકુંદ આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ પણ ઉંઘ્યા ન હતા, તેથી તેમણે દેવરાજ ઇંદ્ર પાસે માંગ્યું કે હું હવે આરામ કરવા માંગુ છુ આપ મને નિંદ્રાનું વરદાન આપો. ઇંદ્રદેવ એ તથાસ્તુ કહ્યુ અને એ પણ કહ્યુ કે જે કોઇ મૂર્ખ આપને આપની નિંદ્રામાંથી જગાડશે તેના પર આપની દ્રષ્ટિ પડતા જ એ બળી ને ભસ્મ થઇ જશે. ત્યારબાદ મહારાજ મુચકુંદ એક ગુફામાં આવી અને નિંદ્રાધીન થયા.

આ વરદાન વિશે શ્રી કૃષ્ણ જાણતા હતા તેથી જ તેઓ યુદ્ધમાંથી ભાગ્યા અને જે ગુફા માં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફામાં જઇ મુચકુંદ ને પોતાનું પિતાંબર ઓઢાડી દિધુ જેથી કાલયવન મહારાજ મુચકુંદ ને જગાડે અને તેમની દ્રષ્ટિ પડતા કાલયવન બળી ને ભસ્મ થઇ જાય. મહારાજ મુચકુંદ એ જગી ને જોયું તો કાલયવન ભસ્મ થઇ ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ ના તેજ થી આખી ગુફા જળહળી રહી હતી. તેઓ થોડા સમય સુધી ભગવાન ને ઓળખી ના શક્યા પણ પછી જાણ થતાં જ તેઓ ભાવવિભોર થઇ ભગવાન ને વંદન કરવા લાગ્યા.

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે તે પરમ બુદ્ધિમાન મહારાજ મુચકુંદે ભગવાન ની શરણ માંગી. ત્યારે યદુકુળશિરોમણી ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે! રાજન આપ આપના મનોભાવો અને મન ને મને સમર્પિત કરી દો. આપે જે પાપ કર્યા તેને મારા નામ સ્મરણ થી નાશ કરો અને આપ આવતા જન્મમાં એક બ્રાહ્મણ થઇ ને જન્મ લેશો ત્યારે આપને ભક્તિ થી ફરી વાર મારા દર્શન પ્રાપ્ત થશે. એમ કહેવાય છે બીજા જન્મ માં મહારાજ મુચકુંદ નરસિંહ મહેતા થઇ ને જન્મ્યા અને આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતાના કાર્યો કરવા ભગવાન શ્રી કૃષ્ણ જુનાગઢ આવ્યા હતા.

આ રેવાતાચલ પર્વત એટલે ગિરનારની ગુફા જ્યાં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફા આજે પણ વર્તમાન છે. જુનાગઢ શહેર થી ભવનાથ તરફ જતા જ્યાં દામોદર કુંડ આવેલો છે ત્યાં દામોદર ભગવાન માધવરાય ના મંદીર થી જમણી બાજુ તરફ સાવ નજીક ના અંતરે આ રહસ્યમય તેમજ રસમય ગુફા આવેલી છે. આ ઐતિહાસીક અને પૌરાણિક ગુફા ના દર્શન કરવા એક લ્હાવો છે.

સોરઠ ની ધરા માટે એમ કહી શકાય કે દરેક પથ્થર ઉંચકાવીએ તો એક કથા આપણ ને મળી આવે. આપણા આ અમુલ્ય ધાર્મિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી ફરજ તો છે. આ વારસા ને જાણી ને આપણે ગર્વ અનુભવવો જ રહ્યો. આ કથા ઓ માત્ર આપણા સૌરાષ્ટ્ર માં આપણા ગુજરાત માં કે આપણા ભારત માં જ સંભવી શકે એમા કોઇ બે મત નથી…….

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો…

Standard

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે. એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.) જંગલમાં ફરવા માટે ગયા. સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા. કૃષ્ણએ કહ્યું, “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી. સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો. આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે. એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય. સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા. હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી. પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ.

અને છેલ્લે…

જીંદગી ક્યાં સહેલી છે,
એને સહેલી બનાવવી પડે છે.
કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅદાંજ થી

રાણિક દ્રષ્ટાંત કથા – ધૃતરાષ્ટ્રની પૂર્વ જન્મની કથા

Standard

મહાભારતનું યુદ્ધ સમાપ્ત  થઇ ચુક્યું હતું.  યુદ્ધમાં કૌરવો એમનાં પ્રાણ ખોઈ બેઠાં હતા. કૌરવોનાં પિતા ધૃતરાષ્ટ્ર  પાંડવોની સાથે રહેતાં હતા. પાંચે ભાઈઓ એમની પિતાતુલ્ય સમાન સેવા કરતાં હતા. નિત્ય સવારે તેમને નમન કરવા આવતાં હતાં.  તેમની દરેક ઈચ્છા અને નાનામાં નાની વસ્તુઓનું પાંચે ભાઈઓ કાળજી રાખતા હતા  .
ભીમ તેમનાં  ભોજનનું ધ્યાન રાખતો અને રોજ  વિવિધ પકવાન બનાવી જમાડતો હતો પરંતુ  જમ્યા બાદ એ એક કટુવચન સંભળાવતો હતો : “સૌને તો  ખાઇ ગયા, અને હજીએ તમારું પેટ ભરાયું નથી?”
ધૃતરાષ્ટ્ર ઝેરનો આ કડવો ઘુંટડો  મૂંગે મોઢે પી જતા. મનમાં ને મનમાં સમસમીને બેસી રહેતા.  મોઢેથી એક શબ્દ પણ બોલતા નહિ. ભીમસેનના આ અંગારા જેવા શબ્દો દઝાડતા. રોજરોજ સાંભળી એમને રોમરોમમાં આગની જવાળા વ્યાપી જતી. એમનું ખાધુપીધું બધું યે બળી જતું , પણ એના જવાબમાં ધૃતરાષ્ટ્ર  કંઈ જ કહેતા નહિ . પોતાનાં અનેક પુત્રોનો વધ કરનાર ભીમ કયા કારણસર આવું બોલે છે તે ધૃતરાષ્ટ્રને સમજાતું ન હતું . મનોમન સોસવાયા કરતાં  .
એક દિવસ એમને શ્રી કૃષ્ણ એમને મળવા આવ્યા. કુશળ સમાચાર પૂછતાં કહ્યું “મહારાજ  , કહો મજામાં છો ને ?”
આ સાંભળી ધ્રુતરાષ્ટ્રનાં મુખ પર  વેદના તરી આવી . શ્રી કૃષ્ણની ચકોર નજરે એ આછી વેદનાને રાખો પકડી લીધી. પળવાર એમનાં પ્રજ્ઞાચક્ષુઓ  અંધકારને મમળાવી રહ્યાં  પછી આસ્તેથી કહ્યું , “મહારાજ , આમ તો બધી રીતે પાંડવો મારા પુત્રો કરતાં પણ વિશેષ દેખભાળ  રાખે છે , દરરોજ મળવા આવે છે અને રાજની ખબર આપે છે અને મસલત પણ કરે છે. ખાવા પીવડાવામાં પણ ઘણી કાળજી રાખે છે પણ એક વેદના …” આમ કહેતાં ધૃતરાષ્ટ્ર  અટકી ગયા.
કેશવે કહ્યું ” શી વેદના છે ? વિના સંકોચે કહો ”
ધૃતરાષ્ટ્ર કહે છે ” માધવ , વેદના માત્ર એ  છે કે જેણે મારા પુત્રોનો વધ કર્યો એ જ ભીમસેન રોજ મને સારી રીતે જમાડી મને એક કટુ વચન સંભળાવે છે :”સૌને તો ખાઈ ગયા, અને હજીએ તમારું પેટ ભરાયું નથી?” બસ આ સાંભળી મારા કાનમાં ધગધાગતું સીસુ રેડ્યું હોય એવી અસહ્ય પીડા થાય છે , મારું મન અત્યંત ક્રોધે ભરાય છે પણ વૃદ્ધતા અને અંધત્વ મને લાચાર બનાવી દે છે આથી આ અપમાનનો ઘુંટ ચુપચાપ પી જાવ છું  .
ધૃતરાષ્ટ્રની આ વાત સાંભળી , શ્રી કૃષ્ણે  એમનાં ખભા પર હાથ મૂકી ગંભીરતાથી  બોલ્યા ” આ વાકયમાં તમારાં પૂર્વ જન્મની કથા છુપાયેલી છે “. આશ્ચર્યચકિત થઇ ધૃતરાષ્ટ્રે  માધવને વિનંતી કરી “જો આ કથાથી મારા મનની પીડા ઓછી થતી હોય તો આપને વિનંતી કરું છું કે એ કથા આપ મને અવશ્ય સંભળાવો “.
શ્રી કૃષ્ણે કથાનો આરંભ કરતાં  કહ્યું ,” તમે છેલ્લાં સો જન્મોથી રાજપદ પ્રાપ્ત કરતાં આવ્યા છો. એ દરેક જન્મોમાં તમે બહુ ઉચ્ચ કોટિનાં ધર્માત્મા રાજા હતા , આ સો જન્મનાં તમે એટલાં પુણ્ય ભેગાં કર્યાં હતા કે તમારે ક્યારે પણ કોઈ દુ:ખ ભોગવવા પડ્યા ન હતા. તમારા આગલા ભવની આ વાત છે , તમારા પૂર્વના કોક પાપનો ઉદય શરૂ થયો હતો  આથી તમને કોઢનો રોગ થયો હતો  , આખું શરીર પર એક ચળ આવતી રહેતી અને તમને રાત્રે પણ નીંદર આવતી ન હતી.
એક સમયની વાત છે ,  એક વખત હિમાલયમાં ભયંકર ઠંડી પડી અને માનસરોવર  સુદ્ધા થીજી ગયું. અને ત્યાં રહેતા રાજહંસોની સામે જીવન કેમ ટકાવી રાખવું એ ગંભીર સમસ્યા આવીને ઉભી રહી. એટલે એ રાજહંસોએ માન  સરોવરનો ત્યાગ કરી એક ઋતુ માટે જ્યાં સ્વચ્છ નિર્મળ પાણીનો ભંડાર અખૂટ ભર્યો હોય એવું સ્થાન શોધી ગ્રીષ્મ ઋતુ સુધી રહેવાનો નિર્ણય કર્યો . તે સહુએ પોતાનાં ૧૦૦ બાળકો સાથે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તમારું રાજ્ય આવતું હતું એટલે તે દિવ્ય પક્ષીઓ તમારા રાજઉદ્યાનમાં આવી ઉતર્યા જ્યાં તમે એ સહુનું આદરપૂર્વક આતિથ્ય કર્યું . તમારી પરોણાગત જોઇને એ રાજ હંસ બહુ પ્રસન્ન થયા અને તમને કહ્યું કે જો એક ઋતુ પર્યંત જો તમે એમના બાળકોનું ધ્યાન રાખશો તો અમે જ્યારે પાછા ફરશું ત્યારે તમારા રોગનું હંમેશ માટે નિદાન કરી આપશું .  અમારે દક્ષિણ તરફ લાંબા અંતર સુધી જવાનું છે અને આટલો લાંબો પ્રવાસ કરવાનું બાળકોનું ગજુ નથી.  તમે એ પ્રસ્તાવ તરત સ્વીકારી લીધો. અને એ સહુ રાજ હંસના બચ્ચાઓને પોતાના ઉદ્યાનમાં રહેવાનું  સ્થાન આપ્યું.  એ ઉદ્યાનનો માળીને તાકીદ કરવામાં આવી કે આ હંસોનું યોગ્ય કાળજી રાખવામાં આવે .
એ ભવમાં તમને સામીષ (માંસાહારી ) ભોજન અતિ પ્રિય હતું  અને તે રોજ ખાવાનો તમને શોખ હતો , જો કોક દિ એ ખાવામાં ન હોય તો તમે ખુબ ક્રોધિત રહેતાં હતાં .  એ હંસના બચ્ચાઓ આવ્યાનાં થોડા દિવસ પછીની આ વાત છે , એક  દિવસે રાજ રસોઈયાને  આખા રાજમાંથી રાંધવા માટે જોઈતું માંસ ના મળ્યું  આથી તેણે શાકાહારી ભોજન બનાવ્યું. એ દિવસે તમને ચેન નાં પડ્યું અને આજ્ઞા કરી કે ગમે તે સંજોગોમાં કાલે ભોજન સામીષ  બનવું જોઈએ . પરંતુ બીજા દિવસે પણ એવા સંજોગો ઉભા થયાં અને ફરી શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું , આથી તમ અત્યંત ક્રોધિત થઇ ગયા અને રસોઈયાને  ચેતવણી આપી કે જો હવે તમને કાલે સામીષ ભોજન નહીં મળ્યું તો તેને આકરો દંડ આપવામાં આવશે.
રાજ રસોઈયો ખળભળી ગયો અને રાજ ઉદ્યાન તરફ વિચાર કરતો ચાલવા લાગ્યો , ત્યાં એને નજર હંસોના બચ્ચાઓ પર પડી  અને તેનાં મનમાં વિચાર ચમક્યો. તેણે માળીને આજ્ઞા કરી કે એક હંસનું બચ્ચું રાજ રસોઈમાં મૂકી જવા કહ્યું . માળીનાં મનમાં તો એમ જ કે રાજ આજ્ઞા હશે અને એણે એ પ્રમાણે કર્યું.
રસોઈયાએ  એક બચ્ચાને મારીને એનું ભોજન તમને પીરસ્યું, તમને એ બહુ સ્વાદિષ્ટ લાગ્યું અને આજ્ઞા કરી કે રોજ આ જ વાનગી પીરસવામાં આવે . આથી રસોઈયાએ રોજ એક બચ્ચું મારીને તમને ખાવડાવાનું શરુ કર્યું  . થોડા સમયમાં તમારો કોઢનો રોગ મટવા લાગ્યો અને રાત્રે નિંદર પણ આવવા લાગી. આમ કરતાં ૧૦૦ દિવસ વીતી ગયાં.
અને ૧૦૧માં  દિવસે પેલાં રાજ હંસો પાછા રાજ્યમાં આવ્યા , તમે ફરી તેમની પ્રેમથી પરોણાગત કરી  અને રાજહંસોએ પોતાનાં બાળકોને લઇ જવાની ઈચ્છા પ્રગટ કરી.  તમે  તરત માળીને બોલાવી હંસોના બચ્ચાઓને સોંપણી કરવા કહ્યું  . હવે માળી મુંઝાઈ ગયો અને કહ્યું કે આનો જવાબ તો રાજ રસોઈયા પાસે છે.
તમે રસોઈયાને બોલાવી પૂછ્યું કે “હંસોના બાળક ક્યાં છે ?” રસોઈયાએ જણાવ્યું કે એ તો સહુ તમારાં અન્નાશયમાં પહોંચી ગયા છે પછી ૧૦૦ દિવસ પહેલા શાકાહારી ભોજનને કારણે તમે હુકમ કર્યો હતો કે તમને જો સામિષ્ટ ભોજન નહિ મળે તો દંડ આપશો આથી એણે હંસનું એક બચ્ચાને મારી તમને ભોજન કરાવ્યું અને તમને એટલું ભાવ્યું કે તમે રોજ એ વાનગી બનાવાની આજ્ઞા કરી હતી આથી એ ૧૦૦ રાજ હંસના બચ્ચાઓ મારી ચુક્યા છે . આ સાંભળી તમે બહુ વ્યથિત થઇ ગયા અને ગભરાઈને રાજ હંસો સમક્ષ માફી માંગી .
આ સાંભળી એ રાજ હંસો અત્યંત ક્રોધે ભરાયા અને તમને શ્રાપ આપ્યો કે “અમે આટલાં સમય દૂર રહી અમારા બાળકોને જોવા તરસી રહ્યાં , આથી અમે શ્રાપ આપીએ છીએ કે આવતાં ભાવમાં તમે સશક્ત ,સમૃદ્ધ અને તમારા બાળકોની સન્મુખ હોવા છતાં તમારાં બાળકોને જોઈ નહિ શકો.  તમે જન્માંધ થશો. અમારામાંથી એક રાજ હંસ ફરી જન્મ લેશે અને એ ભવમાં તમારાં ૧૦૦ પુત્રોનો વધ કરશે ” આટલું કહી એ દિવ્ય પક્ષીઓ ત્યાંથી જતા રહ્યા .
કૃષ્ણ ભગવાન કથાનો અંત કરતાં કહ્યું , “મહારાજ , તમે પાલક હતાં , તમારો ધર્મ એ બાળકોની રક્ષા કરવાની હતી , તે છતાં તમે તમારા સ્વાર્થ (ભૂખ) માટે અજાણતાં પોષણ ન કર્યું અને વિશ્વાસઘાત કર્યો , આથી તમને એ સજાનાં ફળ રૂપે આ જન્મમાં ૧૦૦ પુત્રોનો નાશ જોવો પડ્યો અને એક મહેણું સાંભળવું પડશે .
આ કથા સાંભળી ધૃતરાષ્ટ્ર ગમગીન થઇ ગયાં અને પોતાનાં પૂર્વ જન્મોનાં કુકર્મોનું ફળ સાંભળી દુ:ખી થઇ ગયાં

–  જન કલ્યાણ – “મહાભારત અંક”

હે કૃષ્ણચંદ્રવંશ શિરોમણી… હે દ્વારકાધીશ…

Standard

image

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।।
           મહાભારત નાં મેદાન માં કૃષ્ણે એમ કહ્યું હતું કે ધર્મ પર સંકટ હશે, અધર્મ નું આચરણ વધશે ત્યારે તે યુગે હું પુનઃ અવતાર ધરીને આવીશ. આવું દ્વાપરયુગ માં કીધું હતું.
          હવે કલિયુગ ચાલે છે અંદાજે કૃષ્ણ ને પાંચ-સાડા પાંચ હજાર વર્ષ થયા. તે સમય અને આ સમય જુદો છે. દરેક રીતે. કપડાં થી માંડી ભાષા સુધી. રહેણીકરણી થી લઇ ખોરાક સુધી દરેક પદાર્થો બદલાઈ ગયા છે. હવે તો કદાચ કાનુડો અવતાર લઇ ને આવે તો જીન્સ નું પેન્ટ ટીશર્ટ હાથ માં વાંસળી ની રિંગટોન વાળો ફોન લઇ ને સામો ઉભો હોય તો ય ખબર નો પડે કે વા’લો આવી ગયો.
          ભારત પ્રગતિશીલ દેશ છે. સોને કી ચીડિયા. જ્યાં કૃષ્ણ નાં સમય માં સોના ની ખાણો હતી ત્યાં આજ સોના નો ભાવ સાતમા આસમાને, મુરલીધર ના સમય માં પરસ્ત્રી સામે આંખ ઊંચી કરી જોઈ નાં શકાતું ત્યાં આજે ૧૫ વર્ષ નાં કિશોર દ્વારા ૯ વર્ષ ની બાળકી પર અત્યાચાર થઇ રહ્યો છે. એક કૃષ્ણ હતો જે દ્વારકા બેઠા બેઠા હસ્તિનાપુર માં દ્રૌપદી નાં ચીર પૂર્યા હતા, ને આજ ની પેઢી થી ઘર ની બહાર અન્યાય વિરુદ્ધ અવાજ પણ નથી નીકળતો.
          કૃષ્ણ નો સમય વીત્યો, રાજપૂતો નાં શાશન આવ્યા, એ શાશનકાળ માં પણ પ્રજા ને એટલી મુશ્કેલી ઓ નહોતી જેટલી આજે છે, મુઘલો આવ્યા, એમને તો કટ્ટરપંથી ની આગ માં કૈક ને હોમી દીધા, અંગ્રેજો આવ્યા, ભારત નો અમુલ્ય ખજાનો પોતાના દેશ ભેગો કરી દીધો.
          ને હવે…!! હવે તો આવ્યું લોકતંત્ર, લોકશાહી, જ્યાં કોઈ કોઈ નું સાંભળવા તૈયાર નથી…! કોની પાસે જઈ ફરિયાદ કરવી એજ ખબર પડે એમ નથી. ક્યાંક લાંચ-રીશ્વત, તો ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક વળી આંતકવાદ તો ક્યાંક ધરણાં-આંદોલન.
          એ માધવા…!! હવે કોની રાહ છે તારે..? ખાલી એમનમ એકાદો આંટો તો મારી જા..! અવતાર તને મન પડે ત્યારે લેજે…

History & Literature