Tag Archives: Natvar Maheta

જિંદગી – એક સફર

Standard

મોહન કે જે મકના હુલામણા નામે ઓળખાતો હતો એ અને એની પત્ની સીતા એમને નૂવાર્કના લિબર્ટી ઇંટરનેશનલ એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા.

‘ડે…ડ, ટેઇક કેર….!!’ મેકે ધીરૂભાઇ સાથે હસ્તધુનન કરતાં કહ્યું, ‘વી આર વેરી સોરી…અમે કોઇ તમારી સાથે આવી નથી શકતા…યૂ નો અવર સિચ્યુએશન..!!!’

‘ડોંટ વરી સન…!! તારી મોમ છે ને મારી સાથે…?!’ મ્લાન હસીને ધીરૂભાઇ બોલ્યા.

‘ડે…એ…એ….ડ…!’ ધીરૂભાઇને ભેટી પડતા મેક ભાવુક થઇ ગયો.. ‘હવે મોમ ક્યાંથી આવવાની….?’

સહુને બા…ય….કહી ધીરૂભાઇ જંબો વિમાનમાં દાખલ થયા.

‘લેટ મી હેલ્પ યૂ સર….’ બિઝનેસ ક્લાસની એરહોસ્ટસે ધીરૂભાઇના હાથમાંથી હળવેકથી હેંડબેગ લઇ ઓવર હેડ લગેજ સ્ટોરેજમાં મૂકી…

‘ટેઇક કેર…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘અંદર ઘણો જ કિંમતી સામાન છે!’

‘આઇ વિલ..’ હસીને એરહોસ્ટેસ બોલી.

ધીરૂભાઇએ લિવાઇઝના નેવી બ્લ્યુ જીન્સ પર વાદળી કોટન શર્ટ અને બ્લ્યુ બ્લેઝર પહેરેલ હતું તે બ્લેઝર કાઢી એરહોસ્ટેસને સોંપ્યુ.

બોર્ડિંગ કાર્ડ પર સીટ નંબર ફરી તપાસી એ પોતાની પહોળી લેધર ચેર પર ગોઠવાયા. ટેઇક ઓફ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી.

‘ડુ યૂ નીડ એનીથિંગ સર…?’

‘નોટ નાઉ…’ બેક-રેસ્ટ પુશ કરી આરામથી બેસતાં ધીરૂભાઇએ આંખો બંધ કરી…

અઢાર કલાકનો પ્રવાસ હતોઃ નૂવાર્કથી મુંબઇનો….વાયા પેરિસ….

-કેટલાં ય વખતથી દેશ જવાનું વિચારતા હતા…!! કાંતા સાથે…

-અને આજે…??

-આજે પણ કાંતા તો સાથે જ છે ને….??

-અસ્થિ સ્વરૂપે…!!

-ઓહ…..કાંતા…..!!! એમનાથી ઑવરહેડ સ્ટોરેજ તરફ એક નજર થઇ ગઇ. એમાં મુકેલ સેમ્સોનાઇટ બેગમાં હતી…કાંતા…!!!અસ્થિ સ્વરૂપે…!! ઓમ શાંતિ…ઓમ…લખેલ સરસ રીતે પેક કરેલ બોક્ષમાં સમાઇ હતી કાંતા…!!

એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી… જવું હતું તો કાંતા સાથે દેશમાં ચારધામની યાત્રાએ..એની ખાસ ઇચ્છા હતી.. દુનિયાના ઘણા દેશો ફરી લીધા હતા…આખું અમેરિકા…યૂરોપ….ઓસ્ટ્રેલિયા…આફ્રિકા…બસ, ઘણા લાંબા સમયથી દેશ જવાયું ન હતું.

ધીરૂભાઇ આજથી બેતાલીસ – તેતાલીસ વરસ પહેલાં અહીં યૂએસ આવ્યા હતા અને આજે એઓ છાસઠના થયા.

-કેટલો લાંબો સમય થઇ ગયો…??!!

છાસઠ વરસની ઉમર એમના શરીર પરથી લાગતી ન હતી..એકવડું પોણા છ ફૂટનું ચુસ્ત કદ….એમણે શરીરને બરાબર જાળવ્યું હતું…બસ, એક ચશ્મા હતા…નખમાં ય રોગ ન હતો… હા, વાળ જરૂર ઓછા થઇ ગયા હતા… પણ માંડ પચાસના લાગતા હતા..

‘વી આર રેડી ટુ ટેઇક ઓફ….’ પાઇલટ કેપ્ટન સિન્હાનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગૂંજ્યો, ‘પ્લીસ ફાસન યોર સીટ બેલ્ટ….!!’

-હિયર વી ગો કાંતા!! ધીરૂભાઇ સ્વગત બબડ્યા….સીટ બેલ્ટ બાંધી બેક રેસ્ટ એમણે યથા સ્થાને ગોઠવ્યું.

જમ્બો વિમાન ટરમેક પરથી ધીમેથી બેક-અપ થયું…રનવે પર ગોઠવાયું, દોડ લગાવી પલકવારમાં હવામાં અધ્ધર થયું….થોડાં સમયમાં તો ત્રીસ-બત્રીસ હજાર ફુટની નિર્ધારીત ઊંચાઈએ પહોંચી ગયું…

સીટ બેલ્ટની સાઇન ઑફ થઇ.

ચપળ એર હોસ્ટેસ એમની પાસે આવી, ‘વોટ વિલ યૂ લાઇક ટુ ડ્રીંક….??’

‘બ્લેક લેબલ ઓન ધી રોક્સ…!!!’

ચળકતા ક્રિસ્ટલ ગ્લાસમાં આઇસ ક્યુબ ભરી, બ્લેક લેબલ વ્હિસ્કીથી ગ્લાસ ભરી એર હોસ્ટેસ બીજાં પ્રવાસીઓની સરભરામાં પરોવાઈ…

વ્હિસ્કીનો ઘૂંટ ચૂસતા ચૂસતા ધીરેથી ગળા નીચે ઉતારી ધીરૂભાઇએ આજુ-બાજુ સહ પ્રવાસીઓ તરફ નજર કરી.

-સહુ કેટકેટલાં પાસે હતા..!! છતાં પણ જાણે પોત પોતના કોચલામાં પૂરાયેલ હતા… ટોળામાં જાણે સહુ એકલવાયા…!!! અને હવે તો ધીરૂભાઇ પણ સાવ એકલવાયા જ થઇ ગયા હતાને ?? નવેક મહિના પહેલાં મધ્યરાત્રિએ કાંતાને અચાનક હાર્ટ-એટેક આવ્યો. પોતે તો ભર ઊંઘમાં હતા…નિંદ્રાદેવીનું એમને વરદાન હતું. કાંતાએ જેમ તેમ કરીને ઢંઢોળ્યા. જાગ્યા…નાઇન વન વન….પાંચ મિનિટમાં તો એમ્બ્યુલંસ આવી ગઇ….પણ કાંતાનું હ્રદય બે-ત્રણ મિનિટ માટે ધબકવાનું ચૂકી ગયું. ઇએમએસ વાળાએ વાળાએ જંપ આપ્યો…શોક આપ્યો ને..હ્રદય ફરી ધબકવા તો માંડ્યુ પરતું, કાંતા ફરી ધબક્તી ન થઇ… ફેફસામાં પાણી ભરાઈ ગયું…વળી મગજને લોહી ન મળતાં મગજમાં ક્લોટ થઇ ગયો…ફેફસાએ જવાબ આપી દીધો…રેસ્પિરેર્ટર- લાઇફ સપોર્ટ પર મૂકી દેવાઇ…જિંદગીમાં પુર્ણવિરામ પહેલાં કોમા આવે એ ત્યારે ધીરૂભાઇએ જાણ્યું….દશ દિવસ બાદ નિર્યણ લેવાનો હતો.

-શું કરવું….??

પણ કાંતાએ એ પ્રશ્ન જ ઉભો ન થવા દીધો..

પોતે જ હરિના મારગે ચાલી નીકળી….ધીરૂભાઇને સાવ એકલા મૂકીને….

દશ દિવસ એ બેહોશ રહી..ધીરૂભાઇ કાંતા પાસે બેસી રહેતા એ આશામાં કે ક્યારેક તો આંખ ખોલે….કઈંક બોલે…એની આખરી ઇચ્છા કહે….પણ…!!!

કાંતા ધાર્મિક હતી. એની ખાસ ઈચ્છા હતી કે એક વાર દેશમાં ચારધામની યાત્રા કરવી…ધીરૂભાઇને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાંબી લાઇનો…મંદિરોની ગંદકી…ઘેરી વળતા પંડાઓ…ખોટા ખોટા શ્લોક બોલતાં બ્રાહ્મણો….એમને પસંદ ન હતા. એઓ નાસ્તિક ન હતા…પરંતુ, ધર્મની એમની વ્યાખ્યા સાવ અલગ હતી….

માનવ ધર્મ !! ધર્મ માટે મંદિરના પગથિયા ચઢવા જરૂરી ન હતા એમના માટે….

લો’રિયાલ કોસ્મેટિકમાં સિનિયર કેમિસ્ટથી શરૂ કરેલ ત્રીસ વરસની કારકિર્દિને અંતે રિસર્ચ એંડ ડેવલેપમેંટના વાઇસ પ્રેસિડેંટ તરીકે ધીરૂભાઇ રિટાર્યડ થયા. હવે તો બસ કાંતા સાથે આખી દુનિયા ફરવી એવા એઓના અરમાન હતા. રિટાયર થયાના બીજા અઠવાડિયે તો ત્રણ આઠવાડિયાની ક્રુઝ-દરિયાઇ મુસાફરીએ જવાનું નક્કી જ હતું…પણ પ્રભુને કંઈ જુદું જ મંજૂર હતું. કાંતા સ્વર્ગના કદી ય પાછા ન ફરનારા પ્રવાસે ચાલી નીકળી એકલી…ધીરૂભાઇને એકલા મૂકીને…!

ધીરૂભાઇને બે પુત્રો હતા…મોહન – મેક કે જે ન્યુ જર્સી ખાતે ફાઇઝર ફાર્માસ્યુટિકલ્સમાં ક્લિનીકલ ટ્રાયલ્સનો હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ હતો…જ્યારે નાનો નીક કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફ્ટમાં પ્રોડેક્ટ ડેવલપમેંટનો પ્રેસિડેંટ હતો… બંને પરણીને ઠરી-ઠામ થઇ ગયા હતાઃ મેક સીતાને અને નીક ઇટાલિયન છોકરી મારિયાને….!! બંનેને ધીરૂભાઇ ખૂબ જ ભણાવ્યા હતા… બંન્નેના પોતાના આલિશાન ઘરો હતા…બાળકો હતા…કાંતાના અવસાન બાદ બંને એ ધીરૂભાઇને. એઓના ઘરે આવી સાથે રહેવા કહ્યું….અરે…!! મારિયાએ તો ઘણો જ આગ્રહ કર્યો… પણ ધીરૂભાઇએ સહુને નમ્રતાથી ના પાડી અને પોતે એકલા જ જીવવાનુ નક્કી કર્યું. એઓ માનતા હતા: શરૂઆતમાં તો સહુને સારું લાગે પણ સમય જતા પોતાનાનો પણ સ્વજનને બોજ લાગવા માંડે….અતિ નિકટતા આકરી લાગે…નડતર લાગે…. એના કરતાં દૂર રહીને વધુ પ્રેમ પામવો જ સારો….!!! પૈસાનો તો એમને કોઇ સવાલ જ ન હતો…રિટાયર થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા….સ્ટોક ઓપ્શન….સ્ટોક માર્કેટમાં પણ એમણે સારૂં રોકાણ કરેલ હતું….પેન્શન અને સોશિયલ સિક્યુરિટીના પણ પૈસા આવતા હતા…. છોકરાઓને તો એમના પૈસાની કોઇ જરૂર ન હતી… એઓ પોતે જ ખૂબ કમાતા હતા !!

કાંતાના સ્વર્ગવાસ પછીના શરૂઆતના દિવસો તો ઝડપથી પસાર થયા. પણ પછી ધીરે ધીરે ધીરૂભાઇને એકલતા સતાવવા લાગી. પળ કલાક જેવી અને દિવસ યૂગ જેવો લાગતો…. થોડાં સમય પહેલાં ખૂબ જ પ્રવૃત્ત હતા. પોતાના કામને કારણે- વાઇસ પ્રેસિડેંટ ઓફ આર એંડ ડીના કારણે…દિવસની બેત્રણ તો મિટિંગો હોય….બસો અઢીસો ઇમેઇલ…વિડિયો કોન્ફરંસ….વરસમાં ચાર-પાંચ વાર તો હેડ્ક્વાર્ટર ફ્રાંસ – પેરિસના આંટા થતા! દર વખતે કાંતા તો સાથે જ હોય….!!પણ હવે એઓ સાવ એકલા થઇ ગયા હતા..

નિયમિત કસરત, યોગાસન, પ્રાણાયમ – મેડિટેશન મારફતે તન-મન તંદૂરસ્ત રાખ્યું હતું. પણ કાંતા વિના જાણે હવે બધું ય નકામું હતું…એના સરળ સહવાસ વિના એઓ મુંઝરાતા, મુંઝાતા, અકળાતા છટપટતા હતા… ખરે સમયે જ કાંતા છેહ દઇ ગઇ…!! આવી અસીમ એકલતા આમ વેંઢારવી પડશે એવી કલ્પના તો સ્વપ્નેય ન હતી…!! પોતાના પુત્રો સાથે રહેવા જવું ન્હોતું…ટીવી, કોમ્પ્યુટર, ઇંટરનેટથી પણ સમય કપાતો ન્હોતો…કાંતા સાવ છેતરી ગઇ હતી…એના વિના જીવન જાણે એક સજા લાગતી હતી…જીવવું આકરૂં લાગતું હતું !!!

ફ્લાઇટમાં ડિનર સર્વ થયું..ડિનર પત્યા બાદ ધીરુભાઇએ લૅપટોપ ચાલુ કર્યું… ઇમેઇલ ચેક કરી.. મારિયાની ઇમેઇલ હતી… મારિયા નાની પુત્રવધુ રોજ એકાદ ઇમેઇલ તો કરતી જ! એને છેલ્લી ઇમેઇલમાં ધીરૂભાઇએ પુછ્યું હતું કે ઇંડિયાથી એના માટે શું લાવવું?? એણે જવાબ આપ્યો હતોઃ સરપ્રાઇઝ મિ!!! એના આ જવાબથી ધીરૂભાઇ હસી પડ્યા…બીજી ઇમેઇલ નવસારીથી હોટલ સૌરસના મેનેજરની હતી…એમના રિઝર્વેશનનું કન્ફરમેશન અંગે હતી… મુંબઇના સહાર એરપોર્ટ પર એરકંડિશન કાર એમને લેવા આવનાર હતી તેનો રજીસ્ટ્રેશન નંબર અને ડ્રાયવરનું નામ હતું.. છેલ્લાં કેટલાંય વરસોથી એઓ દેશ ગયા ન હતા. નવસારીની બાજુમાં આવેલ ગામ જલાલાપોર એમનુ વતન હતું…ત્યાં એમનું ઘર હતું.. જે વરસો પહેલાં વેચી દીધેલ… એ ઘર જોવું હતું… ગામ જોવું હતું…જે મહોલ્લામાં વરસો પહેલાં ક્રિકેટ રમેલ એ મહોલ્લાની ધૂળ કપાળે ચઢાવવી હતી..!! શક્ય હોય, બને તો જે ઘરમાં એમનું બાળપણ વીત્યું હતું…જે ઘરમાં યૂવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો એ ઘરમાં એક ડગ માંડવો હતો….!!

જ્યારે ધીરૂભાઇએ અમેરિકા જવાનું નક્કી કર્યું અને ઘરમાં જણાવ્યું ત્યારે એમના પિતા હરિભાઇ ખૂબ જ નારાજ થયા હતા. એમની માએ તો રડવાનું ચાલુ કરી દીધું. ધીરૂભાઇ એમનું એકનું એક સંતાન હતા. એઓ એમને આમ અમેરિકા મોકલવા રાજી જ ન હતા. ધીરૂભાઇને એમ કે બા-બાપુજી તો માની જશે….સમજી જશે…!! પરતું હરિભાઇ ન માન્યા તે ન જ માન્યા…!! ધીરૂભાઇએ માતા-પિતાને અમેરિકા બોલાવવા માટે ય ઘણા પ્રયત્નો કર્યા. પણ હરિભાઇ શાના માને…?? પછી તો હરિભાઇએ ધીરે ધીરે પુત્ર પર પત્ર લખવાનું ય બંધ કરી દીધું અને ધીરૂભાઇને પણ લખી નાંખ્યુ કે આપણા સબંધ આટલે જ થી અટકી જાય તો સારૂં !! તારે અમારી સાથે સબંધ રાખવા હોય તો દેશ આવીને રહે અમારી સાથે…!!! પિતાએ જાણે જાકારો જ આપી દીધો….!!! ધીરૂભાઇ ઘણું કરગર્યા!! કાલાવાલા કર્યા….!! પણ હરિભાઇ એક ના બે ન થયા તે ન જ થયા અને ધીરૂભાઇ અમેરિકા છોડીને દેશ આવી ન શક્યા….!! ધીરૂભાઇને મા-બાપને નારાજ કર્યાનો ઘણો જ વસવસો રહી ગયો હતો…એમના મા-બાપનું ઘડપણ એઓ સાચવી ન શક્યા….એમની સેવા-ચાકરી ન કરી શક્યા….એમની અંતિમ ક્ષણે એઓ હાજર ન રહી શક્યા….!!મા-પિતાએ જે ઘરમાં છેલ્લો દમ તોડ્યો એ ઘરમાં જઇને રડવું હતું…!! માત-પિતાને નામે વૃધ્ધાશ્રમમાં દાન કરી, થાય એવું તર્પણ કરવું હતું…

મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પ્લેન હળવેકથી ઊતર્યું….ગ્રીન ચેનલમાંથી ધીરૂભાઇ આસાનીથી કસ્ટમ ક્લિયર કરી બહાર આવી ગયા… બિઝનેસ ક્લાસની મુસાફરીને કારણે એમને પુરતો આરામ મ્ળ્યો હતો એટલે તરો-તાજા લાગતા હતા… મુંબઇની મધ્યરાત્રીની હવામાં જાન્યુઆરી મહિનાની માદક ઠંડક હતી… એરાઇવલની લોંજમાં ડ્રાઇવર એમના નામનું પ્લેકાર્ડ લઇને ઉભો હતો તેના તરફ હાથ હલાવી ઇશારો કરી ધીરૂભાઇએ હાસ્ય કર્યું.

‘ધીરૂભાઇ….??’ ડ્રાવયરે પૂછ્યું. એ પચ્ચીસેક વરસનો યુવાન હતો, ‘માયસેલ્ફ ઇસ સતીશ. સર!! હાઉ ડુ યૂ ડુ…??’

‘ફાઇન!! થેન્ક યૂ!!’

ધીરૂભાઇના હાથમાંથી બેગની ટ્રોલી સતીશે પોતે લઇ લીધી, ‘હાઉ વોઝ યોર ફ્લાઇટ…?’

‘વેરી ગુડ…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘સતીશ, મને ગુજરાતી આવડે છે અને આપણે ગુજરાતીમાં જ વાત કરીશું….’

‘ઓકે…..!!’ હસી પડતાં સતીશ બોલ્યો, ‘આપણે ચારેક કલાકમાં નવસારી પહોંચી જઇશું.. તમો આરામ કરજો… તમારે તો આત્યારે અમેરિકાના ટાઇમ મુજબ દિવસ ચાલે છે.. બરાબરને…??’

‘હં !!!’

સતીશે વ્હાઇટ હુંડાઇ સોનાટાનો પાછળનો દરવાજો સલૂકાઇથી ખોલ્યો..ધીરૂભાઇએ વિચાર્યું: નાઇસ કાર….!!!

સતીશે સામાન ડિકિમાં ગોઠવ્યો.. કુલરમાંથી મિનરલ વોટરની એક બોટલ કાઢી. પાછળ આવેલ બોટલ હોલ્ડરમાં ગોઠવી…

‘નીકળીશું…?’

‘યસ….સ…તી…શ…!!’ ધીરૂભાઇ હસીને બોલ્યા..

‘રસ્તે એક-બે ચેકપોસ્ટ આવશે…પાસપોર્ટ તૈયાર રાખશો…ઉપરનું બીજૂં બધું હું સંભાળી લઇશ….એમનો ભાવ નક્કી જ છે…પાસપોર્ટ દીઠ પાંચસો….!!’

‘પાંચસો…??’

‘હા, પોલિસને આપવા પડે….લાંચ…!!’

ધીરૂભાઇ હસી પડ્યા…. ‘પોલિસને પાંચસોનો ચાંદલો કરવાનો એમ કહેને….!!’

મુંબઇના અંધેરી પરાને પસાર કરી સોનાટા હાઇવે નંબર આઠ પર આવી ગઇ.. રસ્તામાં કોઇ તકલીફ ન પડી…વહેલી સવારે તો નવસારી પહોંચી ગયા. હોટલ સૌરસનો રૂમ પણ સરસ હતો…ચેક-ઇન થયા પછી મેનેજર પણ રૂબરૂ આવીને મળી ગયો…

શાવર લઇ ધીરૂભાઇ હળવા થયા..રૂમ સર્વિસથી કોફી મંગાવી કોફી પીધી…કફની-સુરવાલ પહેરી એ નીચે ફૉઇઅરમાં ગયા.

‘ગુડ મોર્નિંગ સર…!!’ મેનેજરે હસીને કહ્યું, ‘યૂ શુડ ટેઇક રેસ્ટ…!!!’

‘ઇટ્સ ઓકે…!! આઇ એમ ફાઇન….!! મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે… મારે અહીં ખાસ કોઇ રિલેટિવ્સ, સગા-સબંધી નથી…ને મારે થોડાં કામો વ્યવ્સ્થિત રીતે પતાવવાના છે.. સમયનો સવાલ નથી. આઇ હેવ ઓપન ટિકિટ…!!!મારે જે કંઇ કરવું છે તે વ્યવ્સ્થિત કરવું છે…..!!’

‘જેમકે…??’

‘એક તો મારે હરદ્વાર જવું છે….અસ્થિ વિસર્જન માટે…બીજું, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..!! ત્યારબાદ, જો મન થાય તો દેશમાં ફરીશ….!!’ સહેજ અટકીને એ બોલ્યા, ‘અ….ને અફકોર્સ !! આજે જ બપોરે, લંચ બાદ મારે જલાલપોર જવું છે…સતીશ ઇસ ગુડ…!! જો એની સાથે….!!’

‘એ આવશે..એના મોબાઇલ પર રિંગ કરી દઉં છું…અમારા એન. આઇ. આર મહેમાનો માટે અમે એને રિઝર્વ જ રાખ્યે છીએ…એ ભણેલ છે…એ સ્પેશ્યલ છે…..!!’

‘મને પણ એનો નંબર આપો…હું પણ મારા સેલમાં એંટર કરી દઉં….!!!’

સતીશનો નંબર મોબાઇલમાં એંટર કરી ધીરૂભાઇએ અમેરિકા મેક -નીકને ફોન કરી દીધા પોતે સુખરૂપ નવસારી પહોંચી ગયા છે એમ જણાવી દીધું.

‘તમારા હરદ્વાર અને ભારત દર્શન માટે ‘ઓમ ટ્રાવેલ’ના મેનેજરને સાંજે બોલાવીશ…ધે આર વેરી ગુડ….!! ધે વીલ મેનેજ એવરીથિંગ….!!’

‘ગુ…..ડ….!!’

‘સતીશને ત્રણ વાગ્યાનું જણાવી દઉં??’ મેનેજરે પૂછ્યું…

બપોરે હળવું લંચ લઇ ધીરૂભાઇએ વામકુક્ષી કરી… જેટ-લેગની કોઇ ખાસ અસર લાગતી ન હતી… બપોરે ત્રણ વાગ્યે સતીશ તાજો-માજો થઇ હાજર થઇ ગયો.

‘આપણે જલાલપોર જવાનું છે…!! કેટલું રોકાવું પડે તે કંઇ ખબર નથી…!! જલાલપોર મારૂં વતન છે….મારી જન્મભૂમિ….!!પણ વરસોથી જઇ શકાયું નથી…બસ, એક આંટો મારવો છે….કોઇ ઓળખીતું-પારખીતું મળવાના તો કોઇ ચાંસ નથી….તારે કોઇ એપોઇંટમેન્ટ તો નથીને….??’

‘ના….ના… મેનેજરે મને તમારા માટે જ રિઝર્વડ રાખ્યો છે…!!’

લગભગ સાડા-ત્રણ વાગ્યે તો જલાલપોર પહોંચી પણ ગયા….રસ્તો તો એ જ હતો…રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે ચાર-પાંચ માળના એપાર્ટમેંટ ઊગી નીકળ્યા હતા.

‘ક્યાં લેવાની છે….??’

વાણિયાવાડમાં પોતાના જુના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર ધીરૂભાઇએ કાર ઉભી રખાવી…કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઊઠીને સમી ગયું..

કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જુના ઘરની જગ્યાએ બે માળનુ મકાન ઉભું થઇ ગયું હતું….એમનું જુનું ઘર તો એક માળનું બેઠા ઘાટનું હતું.. થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી ધીરૂભાઇ કારની બહાર આવ્યા… એક ઊંડો શ્વાસ લઇ વતનની તાજી હવા ફેફસામાં ભરી એમણે આંખો બંધ કરી…બાપુજીની યાદથી હૈયું ભરાય આવ્યું. રિમલેસ ચશ્મા કાઢી, પેપર ટિસ્યુથી આંખમાં તરી આવેલ ભીનાશ લૂંછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર દોડાવી…થોડે દૂર આવેલ દેરાસરના શિખર પર ધજા મંદ મંદ ફરકતી હતી…મહોલ્લામાં પણ બીજાં ત્રણ ચાર કાચા મકાનોની જગ્યાને મોટાં પાકા મકાનો બની ગયા હતા… ધૂળિયા રસ્તાની જગ્યાને આલ્સ્ફાટનો રોડ થઇ ગયો હતો….

-હવે ??

-પોતાનું ઘર પારકાનુ મકાન બની ગયું હતું….!!

થોડો વિચાર કરી એઓ ઓટલાના ચાર પગથિયાં ચઢ્યા. એટલાંમાં જ ઘરમાંથી એક યૂવાન બહાર આવ્યો.

‘આ….વો….!!’ ધીરૂભાઇના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંગણામાં ઉભેલ સોનાટા જોઇ યૂવાને એમને આવકાર આપ્યો…

‘થેં….ક્સ…..!!!’ ચંપલ ઓટલા પર બહાર કાઢી ધીરૂભાઇ સહેજ ખંચકાઈને બેઠક ખંડમાં દાખલ થયા.

‘અહીં હીંચકો હતો…!!’ એમનાથી સહજ બોલાય ગયું.

‘આપની ઓળખાણ ન પડી….અંકલ…!!!’

‘ઓ….હ…!! આઇ એમ સોરી…..!!’ ધીરૂભાઇએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘માયસેલ્ફ ધીરૂભાઇ…!!’ બેઠકખંડમાં મુકેલ લાકડાના સોફા પર બેસતા ધીરૂભાઇ બોલ્યા, ‘તમો મને ઓળખતા નથી…હું ન્યુજર્સી… અમેરિકાથી આવું છું….!!’ જરા અટકીને એ બોલ્યા, ‘તમને તકલીફ આપવા બદલ સોરી….!!! મારાથી રહેવાયું નહિં !! વરસો પહેલાં આ અમારું ઘર હતું….ડુ યૂ નો….વોટ આઇ મીન ટુ સે….!!!’

‘ઓ…..હો….!!! તો તમે અહીં રહેતા હતા….?!’ યૂવાને સાશ્ચર્ય કહ્યું…

‘હા!! વરસો પહેલાં…!!!’

એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઇ આવી ધીરૂભાઇને પાણી આપ્યું. ‘થેં…ક્સ….!!’ બે ઘૂંટ પી ધીરૂભાઇ અટક્યા, ‘મીઠા કૂવાનું…..??’

‘હં…!!’ સ્ત્રી હસીને બોલી, ‘પણ હવે તો નળ આવી ગયા છે….મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે આવે છે….!!’

‘ઓ…હ…!! ગુડ…ગુડ…!!’ ધીરૂભાઇએ ગ્લાસ ખાલી કરી ધીમેથી બાજુની ટિપાઇ પર મૂક્યો, ‘તમો અહીં કેટલા વખતથી રહો છો….?? તમો જ ઘરના માલિક છો કે પછી ભાડે…..!!’

‘અમો ઘણા વખતથી છીએ….!! મારા પપ્પાનો નવસારીમાં હીરાનો બિઝનેસ છે….!!અમે જુનું તોડી નવું ઘર બંધાવ્યું હતું….!!’

‘એ તો લાગે જ છે….!!! અમારૂં જુનું ઘર તો એક જ માળનું હતું…!!! મારી એક રિક્વેસ્ટ છે….વિનંતી છે….!! જો તમને કોઇ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે..ઇફ યૂ ડોન્ટ માઇન્ડ…!!’

‘અ…..રે…..!!! અમને શું વાંધો હોય…?? આવો…અંદર આવો….’ સ્ત્રીએ રાજી થતાં કહયું….’તમે ચા-કોફી શું લેશો….??’

‘બ….સ…., કંઇ નહિ…!! તમે મને ઘરમાં દાખલ થવા દીધો એ જ વધારે છે !! આમ અચાનક આવીને મેં તમને મૂંઝવણમાં તો નથી મુક્યાને….??’

‘ના…..રે…!’ યૂવાને ધીરૂભાઇને ઘરમાં દોરતા કહ્યુ, ‘આવો અંદર આવો…!’

ધીરૂભાઇ બેઠક-ખંડમાંથી અંદરના ઓરડામાં ગયા….

-અહીં બાનો ખાટલો રહેતો….!!

જાણે પ્રદક્ષિણા ફરતાં હોય તેમ ધીરૂભાઇએ ત્યાં એક આંટો માર્યો…બાનો હેતાળ ચહેરો મન-દર્પણ પર ઉપસી આવ્યો….એમની આંખ એમની જાણ બહાર ફરી ભીની થઇ ગઇ…!!

રસોડું પાછળ પેજારીમાં રહેતું ત્યાં માર્બલનું રસોડું થઇ ગયું હતું…ત્યારે વાડામાં એક નાળિયેરીનું વૃક્ષ હતું ….આજે એ વાડામાં પથ્થરો જડાઈ ગયા હતા..ત્યારે લાકડાનો દાદર હતો, હવે પથ્થરનો…!! એ દાદર ચઢી ધીરૂભાઇ ઉપરના માળે ગયા…એમની પાછળ પાછળ યૂવાન અને સ્ત્રી સાશ્ચર્ય દોરવાતા હતા…ઉપર આગળનો ઓરડો હવે તો ખાસો મોટો લાગતો હતો…

-આ જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો….

-કદાચ!!! બાપુજીએ છેલ્લાં શ્વાસ અહીં જ લીધા હશે…!

-ઓહ…બાપુજી….!! મને માફ….કરજો….!!!

પિતાને યાદ કરતા આવેલ હીબકું ધીરૂભાઇએ માંડ માંડ રોક્યું…

થોડાં ડગલા ચાલીને એઓ બારી પાસે ગયા. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી.

-આ રહ્યું સામે જમુભાઇ ફોજદારનુ ઘર….! આ પેલો હસુ વાણિયાનો બંગલો…!! ને આ રહી પાનાચંદકાકાની હવેલી….!!

ધીરૂભાઇની નજર પાનાકાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઇ…હવેલી હજુ એવી ને એવી જ હતી…સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે….!! ઊંચા ઓટલા પર ધૂળના થરના થર બાઝી ગયા હતા…દીવાલ પર પોપડા ઊખડી ગયા હતા અને પીપળાનું ઝાડ ઊગી ગયું હતું….

-કેવી ભવ્ય જાહોજલાલી હતી એ હવેલીની !!!

એમની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં જ ચોંટી ગઇ !!

-વરસો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી!!!

-એમાંથી એક નજર કાયમ એમને તાકી રહેતી…એમને માટે તડપતી રહેતી…. તરસતી રહેતી…

-ઓહ….!

-સરલા… સરળ સરલા..!!! મુગ્ધ…મનોહર… મધુરી… સરલા.. !!!

જાણે હજુ ય એ બંધ બારીઓમાંથી સરલા તાકી રહી હોય એવું આજેય અનુભવ્યું ધીરૂભાઇએ !!

-સ..ર…લા…..!

સરલાની યાદનુ બીજ મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઇ ગયું હતું તે એકદમ જાણે સ્ફુરિત થઇ ગયું….

પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું ધીરૂભાઇએ….!!!

બે હાથો વડે બારીની બારસાખ પકડી લીધી. ધીરૂભાઇએ….!

એમની વ્યાકુળ થઇ ગયેલ નજર હવેલીની એ બંધ બારીઓ પરથી હટતી જ ન હતી…!

‘આ પાનાકાકાની હવેલી કેમ બંધ છે…?’ હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી એ બોલ્યા.

‘અમને કંઇ ખબર નથી…એમની એક છોકરી થોડા સમય રહી હતી પણ હાલે ક્યાં છે એની અમને કંઇ ખબર નથી…!!’

‘સ…..ર…..લા…!’ એક એક શબ્દ છુટ્ટો પાડી એ બોલ્યા.

‘હા, એવું જ કંઇ નામ હતું પણ એ બાઇ કોઇ સાથે બહુ ખાસ વાત ન હતી કરતી…અને હવે તો એ હવેલી પણ પડું પડું થઇ રહી છે…!!’

ધીરૂભાઇએ ફરી વાર એ બંધ બારીઓ પર એક નજર કરી : કાશ….!!હવાના ઝોકાંથી એ બારીઓ ખુલી જાય ને…….!!!

એક ઊંડો નિઃશ્વાસ નાંખી માંડ એ બારીઓથી દૂર ખસી દાદર ઉતરી એઓ નીચેના બેઠકખંડમાં આવ્યા.

‘થેંક યૂ વેરી મચ…!! આપનો ખૂબ ખૂબ આભાર….!!! હું હવે નીકળીશ….!! મેં તમારો ઘણો સમય લીધો…..!!’

ઓટલા પરથી ચંપલ પહેરી ધીરૂભાઇ કારમાં ગોઠવાયા…અહીંથી જાણે નીકળવાનું એમને મન થતું જ ન્હોતું….ન જાણે કેમ વતનની હવાથી મન પ્રફુલ્લિત થવાને બદલે ગમગીન થઇ ગયું !!

-સ…ર….લા……!!!

સરલાએ આચાનક મન પર કબજો જમાવી દીધો….

આજ સુધી કદી ય સરલાના વિચારો આવી રીતે આવ્યા ન હતા..!!

-સ…ર….લા……!!!

યૂવાનીમાં ડગ માંડતી સરલાના મનમાં ધીરૂભાઇ વસી ગયા હતા..ધીરૂભાઇ કરતાં પાંચ-છ વરસ નાની હતી એ….સહેજ ભીને વાન…નમણી…નાજુક…યૂવાનીના સૌંદર્યથી શૃંગારિત સરલા….!!એના કપાળમાં દેરાસરના કેસરનું નાનકડું તિલક એને વધુ આકર્ષક બનાવતું!! એના મોહક સૌંદર્ય અને તિરછી નજરોથી કોઇ પણ યૂવાન ઘાયલ થઇ જાય એવી સુંદર સરલા….!! પણ ધીરૂભાઇ ઘાયલ ન થયા તે ન જ થયા…!! ધીરૂભાઇએ તો ગમેતેમ કરીને પરદેશ જવાનું ધ્યેય રાખ્યું હતું….અને એ હાંસલ કરવામાં એમને કોઇ અવરોધ જોઇતો ન હતો….કોઇ અંતરાય એમને રોકી શકે એમ ન હતો…!!

સરલા ધીરૂભાઇની દિવાની હતી….!! એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર….!! એ ધીરૂભાઇને દિલો-જાનથી ચાહતી….ખૂબ જ પ્રેમ કરતી…!!

ધીરૂભાઇ એને સમજાવતાઃ હું તારા નસીબમાં નથી સરલા …

સરલાએ હસીને કહેલું: ધીરેન, ભલે તું મારા નસીબમાં નથી..પણ હું તારા નસીબમાં જરૂર છું !! તારૂં નસીબ જાગશે ને તું મારી પાસે આવવા ભાગશે….!!!

-ઓહ સરલા!! મારૂં નસીબ તો જાગી ગયું છે. પણ તું છે ક્યાં…??? બસ એક વાર મળવું છે તને…!

‘તમે કંઇ કહ્યું સ…ર…??’ સતીશે ધીરૂભાઇને પુછ્યું…ધીરૂભાઇના મનના વિચારો એમની ધ્યાન બહાર જ એમના હોઠો પર આવી ગયા એની ખુદ એમને ય જાણ ન થઇ.

‘ઓહ….!!! નો…..નો…!!’ ધીરૂભાઇને જાણે વર્તમાનમાં આવવું જ ન હતું.

કેમેસ્ટ્રીમાં એમ એસસી થયા બાદ ધીરૂભાઇએ અમેરિકન કંપનીઓમાં નોકરી માટે અરજીઓ કરી…એમના એક પ્રોફેસર અમેરિકા સ્થાયી થયા હતા એમનો પણ સંપર્ક કર્યો…અને એક કંપની તરફથી એઓ પસંદ થઇ ગયા…એ કંપનીએ એમ્પ્લોયમેંટ વાઉચર મોકલતા એમને યૂએસ કોન્સુલેટ જનરલે અમેરિકાના વિઝા આપ્યા… ને ધીરૂભાઇ પોતાના ધ્યેયમાં સફળ થયા. એમના પિતાશ્રીનો તો ઘણો જ વિરોધ હતો…પરતું ધીરૂભાઇની જીદ આગળ કોઇનું કંઇ પણ ન ચાલ્યું તો બિચારી સરલાના પ્યારની દીવાલ તો એમને કેવી રીતે રોકી શકે…..??

સરલા મળવા આવી હતી ધીરૂભાઇ અમેરિકા જવાના તેની આગલી રાતે..

રડી રડીને એની આંખોમાં જાસૂદ ઊગી ગયા હતા.

‘મેં તને કહ્યું હતું સરલા….’ ધીરૂભાઇ પતરાની પેટીમાં પોતાના કપડાં-સામાન મૂકી રહ્યા હતા, ‘મને તું પ્યાર ન કર…પ્રેમ ન કર…!! ભૂલી જા મને….!! અને સાચુ કહું તો તું મને થોડાં જ વખતમાં ભૂલી પણ જશે…!!’

સરલા એ ડૂસકું ભર્યું, ‘ધી…..રે……ન…..!! પોતાના આંસુ માંડ માંડ ખાળી રડતા રડતા ભીના અવાજે એ બોલી, ‘ધી…..રે……ન….. હું તારી રાહ જોઇશ…!!!’

‘એવી ભૂલ તો કરતી જ નહિં…!!’ હસીને ધીરૂભાઇ બોલ્યા, ‘એને બદલે કોઇ સારૂં ઘર ને સારો વર જોઇને પરણી જજે…!!’

‘ધી…રે….ન…!’ સરલાના આંખમાં સરોવરો સહેજ વધુ છલકાયા, ‘લે…, આ….’ સાથે લાવેલ એક બંધ પરબીડિયું-કવર એણે ધીરૂભાઇને આપ્યું, ‘લે….!! આ, ત્યાં અમેરિકા જઇને વાંચજે…!!’ પછી એ દોડીને ઘરની બહાર જતી રહી….બસ…ફરી કદી ય ન મળી…!!

ધીરૂભાઇને ઘણા કામો હતા…ને સમય ઓછો હતો…નારાજ મા-બાપને રાજી કરવાના હતા…સામાન પેક કરવાનો હતો….વહેલી સવારે વીરમગામ પેંસેજર પકડી મુંબઇ જવાનું હતું…એમણે સરલાએ આપેલ કવર કપડાં સાથે બેગમાં મૂકી દીધું…

અમેરિકા અવ્યા બાદ લગભગ બે-ત્રણ અઠવાડિયા પછી એ પત્ર એમને હાથે ચઢ્યો…પત્ર ખોલ્યો…ધીરૂભાઇએ વાંચ્યો….

–આપણારસ્તાઓહવેસાવજુદાથઇગયા
હતાતમોમારાસનમ, હવેખુદાથઇગયા.

પત્ર લખ્યો હતો સરલાએ….પ્રેમ-પત્ર…!! પત્રના શબ્દે શબ્દે નીતરતો હતો નર્યો પ્રેમ…!!

હસી પડ્યા ધીરૂભાઇ: ગાંડી…!! મને, એક નાચીઝને, ખુદા બનાવી દીધો….!!પગલી..!!

‘ઓ….પ્રભુ…!’ ધીરૂભાઇથી મોટેથી બોલાઈ ગયું.એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી…

‘સ…ર….!! તમને કં…ઈ થાય છે…?? આર યૂ ઓકે….!!’ સતીશને ચિંતા થઈ આવી…એણે કારની ઝડપ ઓછી કરી.

‘ના…..ના…. આઇ એમ ફાઇન….!! આ તો પુરાણી યાદોએ મને વિહ્વળ બનાવી દીધો…!! આઇ એમ ઓકે….!!!’

સૌરસ હોટલ આવી ગઈ..સતીશને પાંચ હજાર રૂપિયા આપી પોતાના રૂમમાં ગયા. જાણે પોતે માઇલોની મેરેથોન દોડી આવ્યા હોય એમ એમને લાગતું હતું…ખાસ તો સરલાએ જે રીતે એમના મન પર કબજો જમાવી દીધો એનાથી એઓ વિચલિત થઇ ગયા….એ વિશે એમને ખુદને નવાઈ લાગતી હતી…

-સરલાનો પ્યાર એક તરફી હતો…!! સાવ યૌવન સહજ આકર્ષણ!!

-કે પછી ધીરૂભાઇ પણ અંદર અંદર સરલાને ચાહતા હતા કે શું.. ?? એમના મને એમને તીક્ષ્ણ સવાલ પૂછ્યો….!!

-ના, એવું નથી…

-તો પછી આટલા વરસ પછી સરલા કેમ આમ યાદ આવવા લાગી…?? સતાવવા લાગી….??

-એક વાર બસ એક વાર મળવું છે એ…ને…!!

-ક્યાં શોધવી હવે એને…??

સાથે લાવેલ બ્લેક લેબલ ની બોટલમાંથી અડધો ગ્લાસ વ્હિસ્કી ભરી, ગ્લાસ આઇસ ક્યુબથી ભરી દીધો…રૂમના ખૂણામાં રાખેલ સોફા પર બેસી એક ઘૂંટ ભર્યો….એમને વરસોથી સાંજે નિયમિત બે પેગ વ્હિસ્કી પીવાની આદત હતી..

-ફરગેટ હર….!! હવે તો કોણ જાણે ક્યાં હશે એ…..??!! કોક વેપારી વાણિયાને પરણીને ઠરી-ઠામ થઇ ગઈ હશે….!!

એટલામાં ફોન રણક્યો….સૌરસના મેનેજરનો જ ફોન હતો..ઓમ ટ્રાવેલનો મેનેજર આવી ગયો હતો….એમને બન્નેને ઉપર રૂમમાં આવવાનું જણાવતા બન્ને ધીરૂભાઇના રૂમમાં આવ્યા. હાય…હલ્લો થયું…ધીરૂભાઇએ વ્હિસ્કીની ઓફર કરી હસીને કહ્યું, ‘આઇ હેવ પરમિટ….લિકર પરમિટ…!! માટે ડરતા નહિ…આઇ નો…!! ગુજરાત ડ્રાય સ્ટેટ છે…!!!’

બન્નેએ નમ્રતાપુર્વક ના પાડી….

ઓમ ટ્રાવેલ્સના મેનેજરને ધીરૂભાઇએ પોતાના પ્રવાસની માહિતી આપી…ત્રણ-ચાર દિવસમાં આઇટેનરી સાથે એર અને કાર મારફતે પ્રવાસની પૂરી માહિતી સહિત ફરી મળવા અંગે જણાવ્યું.

‘સર…!’ સૌરસના મેનેજરે પુછ્યું, ‘આપ કંઇ વૃધ્ધાશ્રમ અંગે કહેતા હતા…!!’

‘હા…, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે. કોઈ વ્યસ્થિત ચાલતા આશ્રમમાં બહુ હો- હા કર્યા વિના દાન કરવું છે… !! પણ એ પહેલાં, મારે જાતે એ વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..એની પ્રવૃત્તિઓ વિશે જાણવું છે….!!’

‘સ…મ…જી ગયો….!! અહીં વલસાડ નજીક તિથલ ‘ખાતે દીકરાનું ઘર’ કરીને એક આશ્રમ છેલ્લા કેટલાંક વરસોથી ચાલે છે. મને એની ખાસ માહિતી ન હતી. પણ આપના ગયા બાદ તપાસ કરાવી તો મને થયું કે……’

‘તો પછે ત્યાં….થી જ શરૂઆત કરીએ…!’ હસીને ધીરૂભાઇએ કહ્યું, ‘શુભસ્ય શીઘ્રમ….!! કાલે સવારે તિથલ જઇશ…અગાઉથી જાણ કરવાની કે દાનની વાત કરવાની નથી…નહિતર ખરી હકીકત જાણવા ન મળે ….!!’

‘બ..રા….બ….ર……!!!’ મેનેજરે સમજી જતાં કહ્યું… ‘સવારે કેટલા વાગે નીકળવું છે…?? તિથલ પહોંચતા કલાક-સવા કલાક થાય….!’

‘તો પછી અહીંથી સાત સવા સાતે સતીશ સાથે નીકળીશું…તો નવેક વાગ્યે તો ત્યાં…!’

બીજો પેગ પી ડિનર લઈ ધીરૂભાઇ નિંદ્રાધીન થયા.

કોઈ દિવસ નહિ ને આજે સપનામાં પણ સરલા આવી !! આજ સુધી કદી ય સરલાનું સ્વપ્ન આવ્યું ન હતું…સદાય પ્રફુલિત ઊઠનારા ધીરૂભાઇનું મન સવારે ઊઠ્યા ત્યારે બેચેન હતું !! હોટલની હેલ્થ ક્લબમાં અડધો કલાક વર્ક આઉટ કરી આવ્યા…શાવર લઇ ડબલ ઑમલેટ-બ્રેડ, ઓરેંજ જ્યૂસનો નાસ્તો કરી તૈયાર થયાને સતીશે બારણે ટકોરા માર્યા.

‘ગુડ મોર્નિંગ સર…!! મને મેનેજરે કહ્યું કે તિથલ જવાનું છે…કો…ઇ આશ્રમમાં…?’

‘હા…. તને સરનામું આપ્યું..??’

‘હા…, કંઇ લેવાનું છે સાથે…? મિનરલ વોટર તો ગાડીમાં છે જ…..’

‘બ…સ, તો ચાલો….!’

જાન્યુઆરી મહિનાનો સુરજ પુર્વાકાશમાં ઘૂંટણિયા કરી રહ્યો હતો…

સવા કલાકના પ્રવાસ બાદ તિથલના દરિયા કિનારાથી થોડે દૂર, એક કમ્પાઉંડની બહાર સતીશે હળવેકથી કાર ઉભી રાખી…

‘અંદર લેવી છે…?’ કમ્પાઉંડનો મોટો દરવાજો બંધ હોય સતીશે પુછ્યું.

‘ના….ના…… તું બહાર જ રાખ…! તારે અહીં કશે ફરવું હોય…., સાંઈબાબાના દર્શન-બર્શન કરવા હોય તો કરી આવ…મને કદાચ વાર લાગે…!! તારો સેલ નંબર તો મારી પાસે જ છે એટલે મને કાર જોઇશે ત્યારે રિંગ કરીશ…!!’ કારમાંથી ઉતરી ધીરૂભાઇએ કહ્યું

મોટા દરવાજાની બાજુમાં આવેલ નાનો ઝાંપો ખોલી ધીરૂભાઇ અંદર દાખલ થયા. બેઠા ઘાટનું પચ્ચીસેક ઓરડાનું, ત્રણેક એકરમાં પથરાયેલ મકાન હતું. કમ્પાઉંડમાં મકાન તરફ જતાં રસ્તાની બન્ને તરફ નાળિયરી અને આસોપાલવના વૃક્ષોની હારમાળા હતી…દરિયા પરથી ફૂંકાઈ રહેલ પવનમાં નાળિયેરી પાન હલવાને કારણે લયબધ્ધ સુરિલો અવાજ થતો હતો..પંખીઓને મધુરો કલરવ વાતાવરણમા સંગીત રેલાવી રહ્યો હતો. ધીરૂભાઇએ શાલ બરાબર ઓઢી…આજે ઠંડક વધારે હતી…થોડાં વૃધ્ધો કંમ્પાઉંડમાં ગોઠવેલા બાકડાં પર, તો કેટલાંક આરામ ખુરશીમાં બેસી તડકામાં શરીર તપાવી રહ્યા હતા.. તો કેટલાંક વડીલો સળગી રહેલ તાપણાની આજુબાજુ બેસી ઠંડી ઉડાડી રહ્યા હતા… અંદર ક્યાંક વાગી રહેલ ભજનની મધુરી સુરાવલિ સંભળાઇ રહી હતી : અબ તો આવો ગિરધારી….લાજ રાખો હમારી…..!!

થોડું વિચારી ધીરૂભાઇ વૃધ્ધોના ટોળાં પાસે ગયા…

‘જે શ્રી કૃષ્ણ…..!!’

‘જે…..જે….ભાઇ…!’ એક બોખાં વડીલે સહેજ હસીને પુછ્યું, ‘આવો…આવો….!! દાખલ થવા આવ્યા…એકલા….?! છોકરો ઊતારીને જતો પણ રહ્યો….?!’ વૃધ્ધે કારને જતી જોઇ હતી, ‘અંદર પણ ન આવ્યો….!! જમાનો બહુ ખરાબ આવી ગયો, ભાઇ…..!!’

ધીરૂભાઇને એમના બાપુજીની તીવ્ર યાદ આવી ગઈ….

‘ચા…લો…!! ચા…લો…!! દાદા…!!’ અંદરથી એક બાર-તેર વરસનો છોકરો સ્ટીલની થોડી તાસકોમાં નાસ્તો લઇ ઝડપથી આવ્યો, ‘આજે…તો મહારાજે શીરો બનાવ્યો છે…!! ટેસ્ટી…!! ગરમાગરમ…!! તમારે ચાવવાની જરૂર જ નહિ….!! ગળા નીચે ઊતરી જાય સીધો સડસડાટ…!!’

અચાનક છોકરાની નજર ધીરૂભાઇ પર પડી ને અજાણ્યાને જોઇ એ ચમક્યો, ‘ત…મે….?? કોને મળવું છે….??’

‘મારે મેનેજરને મળવું છે…!! જો…હોય તો…’

‘આવો….., તમે ઓફિસમાં બેસો….’ ધીરૂભાઇને એક ઓરડા તરફ દોરતાં એ બોલ્યો., ‘અહીં બેસો…હું મોટાબેનને મોકલું છું…’

છોકરાની પાછળ પાછળ ધીરૂભાઇ એક ઓરડામાં બનાવવામાં આવેલ ઓફિસમાં ગયા. એક મોટા ટેબલની આગળ ત્રણ ખુરશી અને પાછળ એક ખુરશી ગોઠવેલ હતી. ટેબલ પર ખાદીનો ટેબલક્લોથ પાથરેલ હતો. બારી પર સહેજ ઝાંખા પડી ગયેલ ખાદીનાં પડદા લટકતા હતા. દીવાલ પર બંધ પડી ગયેલ ઘડિયાળમાં સમય જાણે થીજી ગયો હતો..દીવાલ પર ગાંધી, જવાહર અને સરદાર પટેલની તસ્વીર લટક્તી હતી.. ધીરૂભાઇ ટેબલ આગળની એક ખુરશી પર હળવેકથી ગોઠવાયાં….

‘હું બા-બહેનને મોકલાવું છુ..!! તમે બેસો….!’ કહી છોકરો બહાર દોડી ગયો…

થોડાં સમય પછી એક બહેન ઓફિસમાં આવ્યા…એમણે ગુલાબી કોટન સાડી પહેરી હતી…

‘ન….મ…સ્તે….!! હું અહીં ઓફિસનું તથા દેખ-ભાળનું કામ કરૂં છું.. !’ બહેને બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું…

ઉભા થઇ ધીરૂભાઇએ બે હાથો જોડ્યાં..અ…..ને..એમના હાથ જોડેલ જ રહી ગયા….!!

ધીરૂભાઇને લાગ્યું કે, એમનુ હૃદય એક વાર ધબકવાનું ચૂકી ગયું અને પછી બમણા જોરથી ધબકવા લાગ્યું…ધક… ધક… ધક… ધક… ધક…!!!

‘બે….સો…!’ ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં સાડીનો પાલવ બરાબર વીંટાળી ગોઠવાયા…એમને ઠંડી લાગી રહી હોય એમ લાગતું હતું…

ધબ દઈને ખુરશી પર બેસી પડ્યા ધીરૂભાઇ…!!

એમણે ઓઢેલ કાશ્મિરી શાલ પણ ખભા પરથી સરી ગઈ. સ્વયમ્‍ પર જાણે કોઈ કાબૂ જ ન રહ્યો ધીરૂભાઇનો….!!!

‘બો…..લો.. શું કામ પડ્યું….? આશ્રમનું…?!’ ટેબલ પરના કેટલાંક અસ્ત-વ્યસ્ત પત્રો વ્યવ્સ્થિત કરતાં એ બહેન બોલ્યા, ‘આપને આશ્રમની કોઇ માહિતી જોઇએ છે….? કોઈને આશ્રમમાં મૂકવા હોય તો….’

‘…………………!!’ ધીરૂભાઇ અવાક…નિઃશ્બ્દ….!! શબ્દો જાણે હવા થઇ ગયા…!!

‘હાલે અહીં જગ્યા નથી…! હાલે બાવીસ વૃધ્ધો અને પંદર માજીઓ છે…!! જે પણ વધારે છે….!!’

-એ જ ર…ણ….કા….ર…..!!! એ જે વીંધી નાંખનારી કાતિલ નશીલી નજર…!! ઘંઉવર્ણા ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઇ છે….!! પણ એ કરચલીઓ ચહેરાની આભામાં વધારો કરી રહી છે….!! ને કપાળમાં પેલું એ જ ટ્રેડમાર્ક સમું દેરાસરના કેસરનું તિલક..! એ જ છે….!! એ જ છે….!!!

-સરલા જ છે….!! એમનું મન કહેતું હતું…સરલા જ છે….!! ઓહ…!! પણ એ અહીં ક્યાંથી…!?

-શું એણે મને ઓળખ્યો હશે…!?

-પણ ક્યાંથી ઓળખે….?! ત્યારે તો મને કાળ દેવાનંદ સ્ટાઇલના ઘુંઘરાળા વાળ હતા અને હ…વે ટાલ….!!

ધીરૂભાઇ શબ્દ્શઃ ધ્રૂજતા હતા…. ઉત્તેજનાથી…! કોઇ અગમ્ય આવેશથી!! શબ્દો મળતા ન હતા એમને….!!

પોતાના જ હ્રદયના ધબકાર કાનમાં સંભળાઈ રહ્યા હતા…. ધક… ધક… ધક…!!!

જીભ લોચા વાળતી હતી…

‘પા…..પા….આ…આ….ણી મળશે પીવા માટે…?!’ સામે ટેબલ પર મિનરલ વોટરની બોટલ હોવા છતાં ધીરૂભાઇએ પાણી માંગ્યુ.

આટલી ઠંડીમાં ય એમને પરસેવો વળી ગયો… જે મનમાં હતી…જે ક્યાંક દિલમાં સંતાયેલ હતી… સ્વપ્નમાં સતાવતી હતી એ સરલા આજે સામે હતી…રૂબરૂ હતી…!જેની હતી જૂત્સજૂ થઈ ગઈ હતી એ અચાનક રૂબરૂ…! હૂબહૂ…!!

‘ચો…ક્ક…સ…!!’ થોડી નવાઇ સાથે બહેન ઉઠીને બહાર ગયા. ઓટલા પર મૂકેલ માટલામાંથી ગ્લાસમાં પાણી ભરી, જાતે લઇ આવી ધીરૂભાઇને આપ્યું.

-તો મને નથી ઓળખ્યો…!!

-અને ઓળખે પણ કેવી રીતે….??

-પણ એ અહીં ક્યાંથી….!?એ પણ આ વૃધ્ધાશ્રમમાં….!?

પ્રશ્નોની ધાણી ધીરૂભાઇના મનમાં ફૂટી રહી હતી..જમણા કાન પાછળ પરસેવાનો રેલો ધીમેથી ઉતરી રહ્યો હતો…શરીર પાણી પાણી થઇ ગયું હતું….

‘આપને કંઈ થાય છે…?’

‘ના…ના..!! આઇ એમ ઓકે…!!’ એકી ઘુંટે ગ્લાસ ખાલી કરી ધીરૂભાઇ બોલ્યા…એઓ હાંફતા હતા…શ્વાસ માટે જાણે વલખાં મારતા હતા….

‘અહીં આશ્રમમાં અઠવાડિયામાં બે વાર ડોકટર આવે છે…!! આ….જે…..!!’

‘વેઈટ અ મિનિટ….!!’ બહેનને વચ્ચેથી અટકાવતા મોટેથી ધીરૂભાઇએ અચાનક કહ્યું, ‘વેઈટ અ મિનિટ….!!’ પણ પછી શું કહેવું-કરવું એ સમજ ન પડતા એઓ સાવ મૌન થઇ ગયા!

‘બો……લો…!’ એમના મોટા અવાજને કારણે બહેન પણ સહેજ ચમક્યા!

ખુરશી પરથી ધીરૂભાઇ ધ્રુજતાં ધ્રુજતાં ઉભા થયા. હાથ પર સરકી ગયેલ શાલ હળવેકથી ખુરશીના હાથા પર મૂકી, ત્રણેક ડગલા પાછળ હટીને, બારણાની વચ્ચે ટટાર ઉભા રહી ધીમેથી સંયત અવાજે બોલ્યા, ‘મને ન ઓળખ્યો…સરલા…?! તા…રા….ધીરેનને….?’

હવે ચમકવાનો વારો હતો સરલાનો…!

‘ધી……રે….એ….એ…..ન…??!! ઓ પ્રભુ….!! તું…??’

સરલા ચમકી…ઝડપથી એ ખુરશી પરથી ઉભી થઇ. ધીરૂભાઇ કંઈ સમજે તે પહેલાં તો એણે આગળ વધીને નમીને ધીરૂભાઇના ચરણસ્પર્શ કર્યા, ‘પ્ર…ભુ આવ્યા મારે આંગણે ને હું પામર એને જ ન ઓળખી શકી…!!’ સરલાની આંખમાંથી શ્રાવણ – ભાદરવો વહેવા લાગ્યો.. ધ્રૂસકે ચઢી એ ધીરૂભાઇને એકદમ ભેટી પડી…!! ધીરૂભાઇના નયનો પણ છલકાયા…સહેજ સંકોચથી ધીરૂભાઇએ સરલાની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો…

સમય જાણે થંભી ગયો.

ડૂસકાં ભરતી સરલા ખુરશી પર ફસકાઈ ગઈ… ધીરૂભાઇ એની બાજુની ખુરશી પર બેસી ગયા…હજુ ય એ માની જ શકતા ન હતા કે એઓ સરલા સાથે બેઠાં છે….! સરલા પાસે બેઠાં છે…!!

‘ધી…..રે…એ….ન…..!!! ધી…..રે…એ….ન…..!!’ ધીરૂભાઇની આંખમાં આંખ પરોવી રડતા રડતા હસી પડતા સરલા બોલી, ‘મને ખાતરી હતી….!! મને શ્રધ્ધા હતી, તું આવશે….જરૂર આવશે…જ !!’ રડતા રડતા ભીગી ભીગી આંખે હસી રહેલ સરલા દિવ્ય લાગતી હતી…ભવ્ય લાગતી હતી… અદ્ભુત લાગતી હતી….પ્યારી પ્યારી લાગતી હતી….!! હર્ષાશ્રુથી ભીંજાયેલ સરલા અદ્વિતીય લાગતી હતી…

‘પ….ણ….તું અહીં..?!વૃધ્ધાશ્રમમાં…??’ એના જમણા હાથનો પંજો પોતાના બન્ને હાથોમાં લઇ પંપાળતા પંપાળતા ધીરૂભાઇએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘તારૂં ફેમિલી …??’

‘આ જ મારૂં ફેમિલી ….!! પણ તારી વાત કર મને….!! કેમ કરીને તેં મને શોધી કાઢી….??’

‘અ…..રે….ભા…ઇ!! હું તો આવ્યો હતો વૃધ્ધાશ્રમમાં દાન કરવા માટે….!!’ સહેજ અટકીને ધીરૂભાઇ બોલ્યા, ‘એમ જોવા જઇએ તો બાપુજીએ જ મેળવ્યા છે આપણને….!! એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવું છે…હું બે જ દિવસ પહેલાં આવ્યો અમેરિકાથી….!!’

‘એ….ક….લો…?’ સરલાએ એકદમ પુછ્યું

‘હા….એકલો….! સાવએકલો…!!’ ધીરૂભાઇએ સાવ શબ્દ પર ભાર દેતાં કહ્યું, ‘પ…..ણ…!’ સહજ વિચારી એ અટકી ગયા….

‘કેમ અટકી ગયો…..?!’

‘હ…વે…મને તારી વાત કર…!’

‘મારી વાત…??’ સરલા અટકી ને સહેજ મરકતા બોલી, ‘મારી વાત તો તારી આગળ આવીને અટકી જાય છે ધીરેન…!! મેં તો તારી રાહ જોઈ જિંદગીભર…!! અ…ને…જો, તું આજે મારે આંગણે આવીને ઊભો છે….!’

‘શું વા……ત કરે છે…?!!’ ધીરૂભાઇ માની જ ન શક્યા…

‘મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ…..!! અ…..ને….મેં જોઈ તારી રાહ…..!!’

સાવ અવાચક જ રહી ગયા ધીરૂભાઇ…!!

-આવો ભવ્ય ત્યાગ….!! આ…વો અમર પ્રેમ….!!!

‘તું તો જતો રહ્યો હતો અમેરિકા મને પાછળ સાવ એકલી મૂકીને….!! તરફડતી છોડી ગયો હતો મને….!! પહેલાં તો મને થયું કે કેમ જીવાશે તારા વિના…!! પણ પછી મને રાહ મળી ગયો….જિંદગીનો…!!’પ્રેમભરી નજરે ધીરૂભાઇ તરફ જોતાં સરલા બોલી, ‘રસ્તો મળી ગયો જિંદગીનો….!! તારી યાદ….!!તારી મધુરી યાદ મારા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ…!! જ્યાં જોઉં હું ત્યાં તને જ જોતી….!! શું કામ શોધું હું તને આસપાસમાં….?? તું તો વસ્યો હતો મારા શ્વાસે શ્વાસમાં….!! મીરાંએ માધવને ચાહ્યો છે એના કરતાં વધુ તીવ્રતાથી મેં તને ચાહ્યો છે…!! મીરાંએ તો વિષનો પ્યાલો પીધો હતો….જ્યારે મેં તો તારા અમર પ્રેમનો પ્યાલો પીધો….!! પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન…..!!’ એક શ્વાસ લેવા સરલા અટકી….પણ એની નજર ધીરૂભાઇ પરથી જરાય હટતી ન હતી…એણે વાતનું અનુસંધાન કરતાં કહ્યું…. ‘પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન….!! વસ્યો હતો દિલમાં મારા, સાજન મારો મનભાવન….!! મનોરોગીની કક્ષાએ જઈને મેં તને મહોબ્બત કરી છે…માણ્યો છે તને…!! તારી સાથે સવંનન કર્યું છે….તારી સાથે એકલી એકલી વાતો કરતી…લડતી, ઝગડતી રહી છું…!! અરે! પેટી ભરીને પ્રેમપત્રો લખ્યા છે તને…. કાવ્યો રચ્યા છે તારા અમરપ્રેમના ….!!’ ડૂસકું ભરવા સરલા અટકી….ધીરૂભાઇ સ્તબ્ધ બની જાણે કોઇ દિવ્ય વાણી સાંભળી રહ્યા હતા… ‘મોટાભાઈએ તો બહુ આગ્રહ કર્યો…! સમજાવી કે પરણી જા…!’સરલા પોતાના પિતા પાનાચંદકાકાને મોટાભાઈ કહેતી હતી, ‘પણ મારી જીદ મેં ન છોડી તે ન જ છોડી…!! ને તું જ કહે કેમ કરીને પરણું હું પારકાને જ્યારે મનથી વરી ચૂકેલ હું તને..?! કેમ કરીને છેતરું મને અને અન્યને…?!’ સરલાની આંખો વહેતી હતી, ‘પછી તો મને નોકરી મળી ગઈ ગામની સ્કૂલમાં શિક્ષિકાની. મોટાભાઇના સ્વર્ગવાસ પછી તો હું સાવ એકલી થઈ ગઈ…!!મોટાભાઈએ ખૂબ જ જીદ કરી હતી, મને પરણાવવા માટે….!!તારી યાદનો એક મજબુત સહારો હતો…!! એક તરાપો હતો ઝંઝાવાત ભર્યા જીવનસાગર તરી જવાનો…પણ ક્યારેક થઈ આવતું કે દીક્ષા લઈ લઉં….!! છોડી દઉં આ સંસાર….ને થઈ જાઉં સાધ્વી…!!’ સરલા સ્થાનકવાસી જૈન હતી, ‘વિરકત થઈ જાઉં સંસારથી..!! પણ એ મારૂં તપ ન્હોતું…એ તો એક બહુ સરળ ઉપાય હતો…ભાગી છૂટવાનો…!! …અને મેં તો તારા અમર પ્રેમની દિક્ષા લીધેલ તે કઈ રીતે લઉં હું બીજીવાર દિક્ષા..?!’

‘ઓ…હ સરલા…!!’ ધીરૂભાઇ ઉભા થયા અને નમીને ખુરશી પર બેઠેલ સરલાના લલાટે એક પ્રેમાળ ચુંબન કર્યું…!!

સરલા યંત્રવત ખુરશી પરથી ઉભી થઈ…પોતાના પગના પંજા પર ઊંચી થઇ ધીરૂભાઇને પાગલની જેમ ચૂમવા લાગી..એમના કપાળ પર…ગાલ પર….આંખ પર….હોઠ પર…ગરદન પર…!! પાવન પ્રેમ….!! નર્યો સાત્વિક સ્નેહ નીતરતો હતો….!! સરલાના બધા બંધનો તૂટી ગયા…. પાવક પ્રેમની સરિતા બન્ને કિનારે વહેવા લાગી….!! ચૂંબનો કરતાં કરતાં સરલા ક્યારેક હસતી હતી…તો ક્યારેક રડતી હતી…!! સાંઠ વરસની સરલા જાણે સોળ વરસની મુગ્ધા બની ગઈ !! ષોડશી બની ગઈ….!! હાંફતી હાંફતી સરલા પાછી ખુરશીમાં ફસડાય પડી….

‘ઓ…હ સરલા…!!! ઓ…હ સરલા…!!!’ એક અસીમ પસ્તાવાની આગમાં સળગવા લાગ્યા ધીરૂભાઇ… સરલાના બન્ને હાથના પંજાઓ પોતાના હાથોમાં પ્રેમથી જકડી ધીરૂભાઇ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા…માંડ હીબકું ખાળી, આક્રંદ રોકી એ બોલ્યા, ‘તારે મને સહજ જાણ તો કરવી હતી પગલી…!! હું જ મૂરખ તારા અમર પ્યારને સમજી ન શક્યો….!! મને માફ કર સરલા…!!’

ધીરૂભાઇએ પહેરેલ ચશ્મા કાઢી ટેબલ પર મૂકી પોતાના પાલવથી ધીરૂભાઇના આંસુઓ સ્નેહથી લૂછતા સરલા સહજ મરકીને બોલી, ‘તારો કોઇ દોષ નથી ધીરેન !! તેં તો મને વારી જ હતી…પણ હું જ તારા પર વારી ગઇ હતી…!! રોજ તારા માટે મહાવીરસ્વામીને પ્રાર્થના કરતી…!! વિનવતી કે હે વર્ધમાન, મારા ધીરેનને એના જીવનમાં સફળતા આપજે…..!! એના ચરણકમળમાં સુખના સુમનો પાથરજે….!! તારો કોઇ જ દોષ નથી….!! બસ, મારા નસીબમાં એ જ લખેલ હતું !! મોટાભાઇના ચાલી ગયા પછી મે હવેલી વેચી દીધી… સ્કૂલમાં હું મુખ્ય શિક્ષિકા બની ગઈ હતી એમાંથી રિટાયર થઈ….અહીં આશ્રમમાં માણસની-વ્યસ્થાપકની જરૂર હતી…ટ્ર્સ્ટીઓ મને ઓળખતા હતા…ને અહીં આવી ગઈ….સહુ વડીલોની સેવા માટે….!! બસ, મારી યૂવાનીમાં તારો એટલો જ સાથ હતો…. સહવાસ હતો…પણ…….’

‘પણ…….!!’ ધીરૂભાઇએ સરલાની વાતનુ અનુસંધાન કરતાં કહ્યું, ‘હવે હું તને લેવા આવ્યો છું.. મારી સાથે તારે આવવાનું જ છે…!! અ…..ને જો તું ન આવી શકે તો, મને તારા આશ્રમમાં સ્થાન આપી દે…!!’ ગળગળા થઇ જતાં ધીરૂભાઇ સરલાના હાથના બન્ને પંજાઓ પકડી સરલાના પગ પાસે ફરસ પર જ બેસી પડ્યા. જાણે ભીખ ન માંગતા હોય…!!

ખુરશી પર બેઠાં બેઠાં જ સરલાએ એમના બન્ને હાથો પોતાની ભીની ભીની આંખોએ અંજલિ લેતી હોય એમ અડાડ્યા, ‘ધીરેન…. ધીરેન…. ધીરેન….!!’ સરલા ફરીથી રડી પડી…

યાચક નજરે ધીરૂભાઇ આતુરતાથી સરલાને જોતા હતા…ધ્રૂજતા હતા….

સરલાએ ધીરૂભાઇના બન્ને હાથ જોરથી પકડી રાખ્યા હતા તે એના હ્રદયે લગાવી સહેજ હસીને સરલા બોલી, ‘તારૂં સ્થાન તો અહીંયા છે…!! મારા ઉરમાં…મારા હ્રદયમાં છે…!!’એની આંખમાથી અશ્રુધારા વહેતી હતી, ‘ઓ મારા પ્રાણનાથ, મેં તો તારે નામ મારી આ અને આવનારી હરેક જિંદગી કરી છે…આ આખી જિંદગી મેં તારી બંદગી કરી છે…ધીરેન, હવે….’ એ સહજ અટકી, ‘હવે તો જિંદગીની આ સફરમાં તારે ડગલે મારે મારૂં ડગલું ભરવું…ને તારી સાથે જ જીવવું ને તારી સાથે જ મરવું….!!’

‘મરવાની વાત ન કર…સરલા!! હવે જ તો શરૂ થાય છે…આપણી જિંદગીની ખરી સફર….!!’ સરલાને ખભાથી પકડી બે હાથો વડે ઊભી કરતાં ધીરૂભાઇ આભારપૂર્વક હેતથી ભેટી પડ્યા..

પછીની વાત તો છે….બહુ ટૂંકી !!!

સરલાએ વૃધ્ધાશ્રમ છોડ્યો… ધીરૂભાઇ સાથે ચારધામની યાત્રા કરી…ભારે હૈયે બન્નેએ કાંતાની અસ્થિનું ગંગાના પવિત્ર જળમાં વિસર્જન કર્યું…સરલાનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર થયો…એને સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા…ધીરૂભાઇએ મારિયાને ઇમેઇલ કરીઃ ગેટ રેડી ફોર સરપ્રાઈઝ…! ધ બીગ સરપ્રાઇઝ….!!!

વૃધ્ધાશ્રમમાં બાપુજીના નામે પચાસ લાખનું દાન કરી ધીરૂભાઇ અને સરલા આજે નૂવાર્કના લિબર્ટી ઈંટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરતા હતા….

(સમાપ્ત…..)

– નટવર મહેતા

સરપ્રાઈઝ

Standard

– નટવર મહેતા

હેલ્લો…. કોણ ?!’ કૉલર-આઈડી માં નંબર ન પડતાં મે પૂછ્યું.
‘હું નીલ… અંકલ !’ સામેથી ઘેરો અવાજ આવ્યો. એ નીલનો ફૉન હતો.
‘ઓહ ! ની…ઈ…ઈ…લ !! આફટર અ લૉંગ ટાઈમ !’ મેં કહ્યું.
‘સોરી… અંકલ ! યુ નો અવર લાઈવ્સ…’
‘યા…યા…. !’ સોફા પર પગ લંબાવી મેં આરામથી બેસતાં કહ્યું, ‘તારી જૉબ કેમ છે ? આઈ.બી.એમ કે બીજે ક્યાંક ?’
‘આઈ.બી.એમ ? ઈટ્સ કુઉઉલ !!’ નીલે હસતાં હસતાં કહ્યું. નીલ સૉફટવેર ઍન્જિનિયર હતો. એણે આગળ વાત કરતાં કહ્યું, ‘યુ નો અંકલ, આજકાલ જૉબ માર્કેટ ડાઉન છે. પણ અત્યારે તો જોબ છે. બાકી કહેવાય છે ને કે…. યુ કેન નોટ રિલાય ઓન થ્રી ડબ્લ્યુઝ ઈન યુ.એસ ! વર્ક…… વેધર…. ઍન્ડ…..!’
‘વુમન…..!!’ હસતાં હસતાં મેં એનું વાક્ય પૂરું કર્યું. નીલ મારા મિત્ર કરસનનો દૂરનો ભત્રીજો હતો. કરસને જ એને દેશથી અમેરિકા બોલાવ્યો હતો…..ભણાવ્યો હતો…. પરણાવ્યો હતો… અને ઠેકાણે પણ પાડ્યો હતો. ‘અંકલ, હાઉ ઈઝ રાધા આન્ટી ?’
‘એઝ યુઝઅલ, શી ઈઝ બીઝી ઈન કિચન…’
‘અંકલ, કેકે અંકલની બર્થ ડે છે….યુ નો ?’ એને વાત વાતમાં ‘યુ…નો’ બોલવાની આદત હતી.
‘યસ, આઈ નો.’
‘તો એમના માટે સરપ્રાઈઝ બર્થ-ડે પાર્ટી એરેન્જ કરવાની છે. એમને ફિફ્ટી થવાના. યુ નો. ગોલ્ડન જ્યુબિલી ! તમારે, આન્ટીએ અને સોનીએ તો ખાસ આવવાનું જ છે. યુ નો ! આ સરપ્રાઈઝ પાર્ટી છે.’
‘યસ !’
‘એટલે જ ઈન્વીટેશન કાર્ડ કે એવું કંઈ નથી. ખાસ રિલેટિવ્ઝ, ફ્રેન્ડ્ઝ અને અંકલનું ક્લોઝ સર્કલ છે. એબાઉટ 150 થઈ જશે.’ એ અટક્યો અને ઊમેર્યું, ‘આઈ નીડ યોર હેલ્પ. પ્રોગ્રામની આઉટ લાઈન અને ગેસ્ટ લીસ્ટ તમને ઈ-મેઈલ કરું છું. પ્લીઝ, ચેક ઈટ. તમારે કંઈ ચેઈન્જ કરવું હોય, એડ કરવું હોય….જસ્ટ ડુ ઈટ… યુ નો, કેકે અંકલની સહુથી કલોઝ હોય તો તમો જ છો !’

કેકે એટલે કરસન ! કરસન કડછી ! મારો લંગોટિયો સીધો સાદો ભોળિયો કરસન કડછી.. હું અને કરસન વરસો પહેલા દેશમાં એક જ સ્કુલમાં સાથે ભણ્યા હતા. એક જ આસને ભોંય પર બેસતા હતા. કરસન, મોહન કડછીનો એકનો એક પુત્ર….. અમારી ગામમાં ખેતીવાડી હતી. બે માળનું ઘર હતું, જ્યારે કરસન બ્રાહ્મણ ફળિયામાં એક ખોરડામાં એના પિતા મોહનકાકા સાથે રહેતો હતો. મોહનકાકા રસોઈયા હતા. સમાજમાં લગ્ન પ્રસંગ હોય કે મરણનું જમણ હોય, મોહનકાકાની રસોઈ વગર પ્રસંગ અધૂરો ગણાતો. એમની દાળ એટલી સ્વાદિષ્ટ બનતી કે બધા એમને કડછી કહેતા અને પછી એ એમની અટક બની ગઈ ! કરસન પણ એમની સાથે મદદે જતો. એ જમાનામાં લાપસી, રીંગણ બટાકાનું શાક અને દાળભાતનું જમણ લગ્ન પ્રસંગે સર્વમાન્ય ગણાતું. મોહનકાકાની દાળનો સ્વાદ આટલા વરસે પણ મારા મોઢામાં પાણી લાવી દેતો હતો !!

કરસન પણ પિતાની સાથે સાથે રસોઈ બનાવતા શીખી ગયો. અમે બંને હાઈસ્કુલ સાથે ભણ્યા. ભણવામાં એ સામાન્ય હતો. નિર્દોષ, ભોળિયો અને કોઈ ખોટી લાગણી નહીં, કોઈ ખોટી માંગણી નહીં. સમયના રોજ બદલાતા જતા ચોકઠામાં ગોઠવાઈ જવાનું જો શીખવું હોય તો કરસન પાસે જ શીખવું પડે. હાઈસ્કુલ પછી હું સુરત ‘ગાંધી એન્જિન્યરિંગ કૉલેજ’ માં ઈજનેરીનું ભણવા લાગ્યો અને કરસન પિતાની સાથે ખાનદાની ધંધામાં જોડાયો અને ધીરે ધીરે રાંધવાની કળામાં પાવરધો બની ગયો. મોહનકાકાની તબિયત નરમ-ગરમ રહેતી પણ કરસને એમની સાથે રહી યુવાન વયે જ એમની બધી કળા આત્મસાત્ કરી લીધી. હું આ દરમિયાન ગાંધી કૉલેજમાં ભણી ઈલેક્ટ્રીકલ એન્જિનિયર બની ગયો અને કરસન અવ્વલ રસોઈયો !! મને સુરત મ્યુનિસિપાલીટીમાં નોકરી મળી ગઈ અને કરસન લગ્નની સિઝનમાં બીઝી રહેવા લાગ્યો. એના જીવનમાં પણ તકલીફો રહેતી પરંતુ એ જિંદગી જેવી હતી એવી અપનાવતા શીખી ગયો હતો. જિંદગી વિશે કદી કોઈ કડવી વાત, ફરિયાદ એના મોંએથી નીકળી ન હતી. થોડા સમય બાદ તો મોહનકાકા સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા હતા. કરસનની આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી, પણ એ હરદમ હસતો રહેતો. હું એની પરિસ્થિતિ સમજતો અને મારાથી બનતી મદદ કરતો. અરે ! મારા પહેરેલા કપડાં એને આવી રહેતા અને એ પણ એ રાજીખુશીથી પહેરતો !

જિંદગીનું ચગડોળ નિરંતર ફરતું રહેતું હોય છે. નજીકના ગામના એક અંબુ પટેલ અમેરિકાથી એમના કુટુંબ સાથે દરેક શિયાળામાં આવતા. પટેલ ફળિયામાં એમનું મહેલ જેવું ઘર હતું. અમેરિકામાં એમનો ઈલેક્ટ્રોનિક્સ આઈટમનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો બહોળો બિઝનેસ હતો અને ગામમાં ખેતી. ગામમાં એમણે રાધા-કૃષ્ણનું ખૂબ મોટું મંદિર બંધાવ્યું હતું અને મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વખતે બહુ મોટો જમણવાર રાખેલો. એ જમણવારમાં પણ રસોઈ તો કરસનની જ ! અંબુભાઈએ એ વખતે કરસનના હાથની દાળ પહેલીવાર ચાખી અને આંગળા ચાટતા રહી ગયા. એમને પોતાના ગામના ઘર માટે આવા જ કોઈ માણસની જરૂર હતી. તેથી એમણે કરસનને પોતાના ઘરે રાખી લીધો. કરસન તો બટાકા જેવો હતો !! ગમે તે શાકમાં ગમે તે રીતે વાપરી શકો ! થોડા સમયમાં તો ઘરના માણસની જેમ અંબુભાઈના કુટુંબનો જ સભ્ય બની ગયો.

અંબુભાઈએ બે-ત્રણ વાર દેશ-પરદેશ કર્યું પણ અમેરિકા આવ્યા બાદ એમને કરસનની દાળ યાદ બહુ આવતી. કરસનની દાળ વિનાનું જમણ એમને અધુરું અધુરું લાગવા માંડ્યું. એક વખતે જયારે તેઓ દેશ આવ્યા ત્યારે તેમણે કરસનને અમેરિકા આવવા માટે કહ્યું. કરસનને શો વાંધો હોય ? મોહનકાકા તો સ્વર્ગે સિધાવી ચુક્યા હતા. વળી એ જમાનામાં આજની જેમ ઈમિગ્રેશન-વીઝા-પાસપોર્ટની લમણાઝીંક પણ ન હતી. થોડા જ સમયમાં તો કરસન ગામથી માયામીમાં આવી ગયો…

આ સમય દરમિયાન હું પણ મારી પત્ની રાધાની પાછળ પાછળ અમેરિકા આવ્યો. રાધા અમેરિકાની સિટિઝન હતી એટલે જલ્દી આવી શકાયું. કરસનના આવ્યા બાદ લગભગ છ-એક મહિને હું અહીં ન્યુજર્સી આવ્યો. અમારે રોજ ફોન પર વાતો થવા માંડી.

કરસને અંબુભાઈને જીતી લીધા હતાં. રસોઈકળામાં તો એ પાવરધો હતો જ. ટીવી જોઈ, પુસ્તકો વાંચી કરસન રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં પારંગત બની ગયો. અંબુભાઈએ પણ એને મોકળું મેદાન પૂરું પાડ્યું. કહેવાય છે કે દિલ જીતવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે ! અંબુ પટેલે કરસનની કળા પારખી. એ તો પોતે ડૉલરના ડુંગરા પર બેઠા હતા જ, ધન ક્યાં રોકવું એ પ્રશન હતો ! આ બધાનું પરિણામ એ આવ્યું કે એક દિવસ કરસન કડછીની આગેવાની હેઠળ માયામીમા એશિયન રેસ્ટોરાં, ‘કડછી’ નું ઉદ્દઘાટન માયામીના મેયરે કર્યું. રેસ્ટોરાં માટે ‘કડછી’ નામ પણ અંબુભાઈએ પસંદ કર્યું.

ખાવાના શોખીનો તો ક્યાં ન હોય ? વળી, માયામી બહુ મોટું ટુરિસ્ટ પલેસ. કરસનની ‘કડછી’ ધમધોકાર ચાલવા માંડી. અંબુભાઈની ધંધાકીય સૂઝ અને કરસનની મહેનતથી સ્વાદનો સપ્તરંગી સાગર અમેરિકામાં ફેલાઈ ગયો. કરસન પછી ‘કેકે’ તરીખે ઓળખાવા લાગ્યો. રેસ્ટોરાંનું ધ્યાન રાખવા છતાં સવારસાંજ અંબુભાઈના ઘરની રસોઈ પણ એ જાતે જ બનાવતો. એની વિનમ્રતા, ભલમનસાઈ અને પ્રમાણિકાતામાં વધારો થતો ગયો. અંબુભાઈએ તેની ભલમનસાઈની કદર કરીને એને ‘કડછી’ રેસ્ટોરાંમાં પાર્ટનર બનાવી લીધો. માયામીમાં કરસન માટે સરસ મજાનું ત્રણ બેડરૂમનું હાઉસ ખરીદ્યું, એને પરણાવ્યો અને સેટલ કર્યો.

પછી તો ‘કડછી’ બ્રાન્ડ નેઈમ બની ગયું. ‘કડછી’ ચેઈન રેસ્ટોરાં અમેરિકામાં ફેલાવા લાગી…. ન્યુર્યોક, શિકાગો, વોશિંગ્ટન, બોસ્ટન, એલ.એ – ‘કડછી’ ની શાખાઓ ખુલતી ગઈ. કેકે વ્યસ્ત રહેવા લાગ્યો પણ તેમ છતાં મારી સાથે દિવસમાં એક વાર વાત કર્યા વિના એ સુતો નહિ. રાત્રે-મધરાત્રે એનો ફોન આવે જ અને ન આવે તો હું કરું. અમારી મિત્રતા પણ મજબૂત થતી ગઈ.

અંબુભાઈ સ્વર્ગે સિધાવ્યા ત્યારે બોર બોર આંસુએ મારા ખભા પર માથું રાખી નાના બાળકની જેમ રડ્યો હતો. કેકે હવે રેસ્ટોરામાં સર્વેસર્વા હતો. પ્રોફિટની રકમમાંથી ભાગીદારીના પૈસા તે અંબુભાઈના સંતાનોને આપી દેતો. વળી, એમના સંતાનોને તો પોતાના ધંધામાંથી સમય ન હતો એટલે ‘કડછી’ ની પૂરેપૂરી માલિકી કેકે ને જે સોપી દીધી. કેકેએ દેશમાંથી પોતાના અનેક સગાવહાલા, મિત્રો, રસોઈયાઓને બોલાવ્યા સાથે રાખ્યા, ભણાવ્યા અને ઠેકાણે પાડ્યા.

કેકેની પત્ની પણ સંસ્કારી હતી. તેને દરેક પગલે સાથ આપતી. એનો પુત્ર શ્યામ પણ હોટલનું ભણ્યો અને માયા નામની સુશીલ કન્યા સાથે પરણ્યો. તેઓ શિકાગોમાં રહેવા લાગ્યા. કેકેની પુત્રી પાયલ સોફટવેર ઈજનેર બની ન્યુયોર્ક સેટલ થઈ હતી. માયામીથી બિઝનેસ ચલાવવો અઘરો લાગતા કેકે દશ-બાર વર્ષ પહેલા એડિસન, ન્યુજર્સી સેટલ થયો. અને આમ એ જીવનમાં સતત પ્રગતિ કરવા લાગ્યો. આવો મારો પરમમિત્ર કેકે, પચાસનો થઈ ગયો હતો, લાખો ડોલરનો માલિક છતાં કોઈ અભિમાન નહીં, કોઈ દેખાડો નહિ. બીજા માટે જીવતો, દાન કરતો, બધાની તકલીફો સમજતો. ખૂબ સાદુ અને સરળ જીવન જીવતો.

હવે આવા કેકેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હતી ! ન જાણે શું હશે એનો પ્રતિભાવ. એના ભત્રિજા નીલની ઈમેઈલ મેં જોઈ. ખૂબ ધ્યાનપૂર્વક મહેમાનોનું લીસ્ટ બનાવેલું. અહીંના ‘રોયલ આલ્બર્ટ પેલેસ’નો ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ બુક કરાવ્યો હતો. અનેક વાનગીઓનું તો મેનુ !! નીલની પુત્રી આ પોગ્રામમાં ભરતનાટ્યમ કરવાની હતી અને ખૂબ મોજમજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા માટે તો આ પાર્ટી સૌથી અગત્યની હતી કારણકે મારા જીગરી દોસ્ત કેકેની સરપ્રાઈઝ પાર્ટી હતી !

મારી જવાબદારી સહુથી વિચિત્ર હતી. મારે કેકેને અને એની પત્ની શાંતાને પાર્ટીમાં લઈ આવવાના હતા અને એ પણ એમને જરાય જાણ ન થાય એ રીતે ! એનો પ્લાન મારે વિચારવાનો હતો. મેં અને રાધાએ નક્કી કર્યું કે અમારી એનિવર્સરીની વાત ઉપજાવી કાઢીને કેકેને પાર્ટીમાં લઈ જઈશું. મને ખાત્રી હતી કે કેકે કદી ના નહીં પાડે અને તેથી મેં કેકેને ફોન જોડ્યો.
‘હલ્લો કેકે’ મેં કેકેને ફોન કર્યો.
‘બોલ… તુ કેમ છે ?’ સામે કેકે બોલ્યો.
‘બસ જલસા છે. તુ કહે……’
‘અમારે તો કડછીમાંથી ઊંચા આવીએ તો ને….ઘણા વખતથી મળવું છે પણ મળાતું નથી.’
‘તેં તો મારા મોંની વાત છીનવી લીધી. લિસન કેકે, આવતા સન્ડે આપણે મળીએ છીએ. કોઈ બહાના નહીં. અને માત્ર તું, ભાભી, હું અને રાધા – બસ ચાર જ જણ કારણકે મારી મેરેજ એનિવર્સરી છે. બરાબર છના ટકોરે હું તને હાઉસ પર લેવા આવીશ.’ મેં વાત બનાવી અને કેકેની સંમતિ લઈ લીધી.

રવિવારે હું અને કરસન નીકળીએ એટલે મારે નીલને મેસેજ આપી દેવાનો હતો. મેં આલિશાન લિમોઝીન કાર ભાડે કરી. નીલે એના મિત્રને અમારી ગાડીનો પીછો કરવા મુક્યો હતો. બરાબર છ ને પાંચે ગાડી કેકેના બારણામાં ઊભી રહી. કેકે અને શાંતાભાભી તૈયાર જ હતા. સાટીનના સુરવાલમાં કેકે માંડ ચાલીસનો લાગતો હતો !
‘અરે બહુ પૈસા વધી પડ્યા છે તારી પાસે ?’ કેકે લિમોઝીન જોઈને બોલ્યો.
‘યાર મારી મેરેજ એનિવર્સરી છે. આટલા વરસોથી અમેરિકામાં છીએ પણ આલિશાન કારમાં કદી બેઠા નથી. ચલ જલ્દી કર, ભાડુ વધી જશે.’
‘યસ યસ’ કહી એ અને શાંતાભાભી ઝડપથી ગાડીમાં ગોઠવાયા. મેં નીલને મેસેજ આપી દીધો અને વીસ મિનિટમાં તો અમે ‘રોયલ આલ્બર્ટ પેલેસ’ પર પહોંચ્યા.

‘અલ્યા, આલ્બર્ટમાં જ ખાવું હતું તો આપણે ઘેર શું ખોટું હતું ?’ કેકે બોલ્યો.

‘જસ્ટ ચેઈન્જ !’ મેં એની સાથે નજર મેળવ્યા વિના જ કહ્યું. મારું દિલ ધક ધક થતું હતું. રાધા એનો ચૂડીદાર દુપટ્ટો સરખો કરતી હતી. શાંતાભાભી બહાર નીકળ્યા. મેં ડ્રાઈવરને પચાસની નોટ ટીપમાં આપી તો કેકેની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ !

‘આલ્બર્ટ પેલેસ’ વાળા જો કેકેને ઓળખી જાય તો લોચા પડી જાય તેથી મેં એને અને શાંતાભાભીને ઝડપથી ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ તરફ દોર્યા. હોલમાં દોઢસો જેટલા માણસો ટાંકણી પડે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિથી અંધારામાં બેઠા હતા.

મેં હૉલનો મેઈન ગેઈટ ખોલ્યો અને ધીરેથી કેકેને અંદર ધકેલ્યો.
‘સ…ર…પ્રા….ઈ….ઝ !!’ હોલમાં સહુ એક સાથે પોકારી ઊઠ્યા. હોલ ઝળહળા થઈ ગયો. ‘હે…પ્પી… બર્થ…ડે…. ટુ…. કે…કે…..’
આશ્ચર્યથી હક્કો-બક્કો થઈ ગયો કેકે…. એના ડોળા ચકળવકળ થવા લાગ્યા. આંખ ભીની થઈ… ‘ઓહ…નો!!’ એ બધા તરફ જોવા લાગ્યો… ચક્રાકારે સહુએ એને ઘેરી લીધો હતો. હું એની એકદમ નજીક હતો. એ મારા તરફ ઢળ્યો. મેં એને સંભાળી લીધો.. એનો હાથ છાતી પર ભિંસાયો.. મને-અમને કોઈને કશી સમજ ન પડી.
‘કે…કે….?!…કે….કે ?!!’ બધાએ એને ઘેરી લીધો… પણ, કેકે બધાને છોડીને જતો રહ્યો હતો.. એને માસિવ હાર્ટ એટેક આવ્યો હતો. અમો કંઈ પણ કરી ન શક્યા.. અમને બધાને સરપ્રાઈઝ આપી ગયો, કેકે !

( સમાપ્ત )

– નટવર મહેતા

ખેલ

Standard

ખેલ… ~ નટવર મહેતા
ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો.
આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોકરીના શરૂઆતના વરસોમાં એ અઘરું હતું. પણ સમય જતા એઓ સમજી ગયા કે એમણે એવી નોકરી સ્વીકારી છે કે જેમાં કાયમી નોકરી પર હોય એવું લાગ્યા કરે. શિવાંગી સાથે લગ્ન થયા બાદ એમને ખ્યાલ આવ્યો કે જીવન જીવવાની રીત બદલવી પડશે. એઓ જીવનમાં સંતુલન શીખ્યા શિવાંગી પાસે. પણ આ સંતુલન હમણાં હમણાં ખોરવાય ગયું હતું….ફક્ત એક કેસને કારણે…અજય ખન્ના ખૂનકેસને કારણે…!!
અજય ખન્ના ‘ખન્ના ગૃપ ઑફ ઈંડસ્ટ્રીસ’ના સર્વેસર્વા હતા. ખન્ના ગૃપનો છેલ્લા દશબાર વરસોમાં હરણફાળ વિકાસ થયો હતો. અજય ખન્ના મૂળ તો લખનૌના હતા. એમની શરૂઆત થઈ હતી ભિંવડીથી એમની ખન્ના વીવિંગ પાવર લુમ્સની હારામાળાથી…! ધીરે ધીરે એમણે ટેક્ષટાઈલથી શરૂઆત કરી અન્ય ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને આજે તો મુંબઈ અને પરા વિસ્તારમાં ખન્ના કન્સ્ટ્રક્શન, ખન્ના ડાયમંડસ્, ખન્ના સુપર બીગ બઝાર…વગેરે વગેરે ધંધાઓ ધમધમતા હતા. આવા ખન્ના સામ્રાજ્યના સ્વામી એવા અજય ખન્નાના કોઈએ બેરહમીથી રામ રમાડી દીધા હતા.
‘ઈંસપેક્ટર અનંત…’ કમિશ્નર રિતેષ દેશમુખના શબ્દો ઈ. અનંતના મનમાં ગુંજ્યા રાખતા હતા, ‘અજય ખન્ના કેસ હવે તમને સોંપવામાં આવી રહ્યો છે. યુ સી. ઈટ ઈસ અ વેરી હાઈ પ્રોફાઈલ કેસ. કેસમાં ઘણા ગૂંચવાડા ઉભા થયા. અને આઈ એમ નોટ હેપી વિથ વિજય! અજય ખન્નાની બોડી આઈ મીન સ્કેલેટનને ગટરમાંથી મળ્યાને ય એક મહિનો પુરો થવા આવવાનો. ને વ્હોટ વી હેવ…!! ફ્યુ નેઈમ્સ…એસ અ સસ્પેક્ટ…!! ધેટ્સ ઈટ…!! વિ આર લાઈક ઓન ધ ડેડ એંડ…!! હોમ મિનિસ્ટ્રીમાંથી પણ પ્રેસર વધી રહ્યું છે…અને યસ્ટરડે આઈ ટોલ્ક્ડ ટુ સીએમ…!! હિ વોંટ સમ રિઝલ્ટ…!!’
સબ ઈંસ્પેક્ટર વિજય વાઘમારે પહેલાં અજય ખન્ના કેસનું ઈન્વેસ્ટીગેશન કરતા હતા. ખન્ના ખૂન કેસ બહુ ગૂંચવાય ગયો હતો; ચૂંથાઈ ગયો હતો. અને એક પોલીસ અધિકારીના હાથમાંથી બીજાના હાથમાં તબદીલ થવાથી એમાં ગૂંચ વધી હતી. ખન્નાકેસની શરૂઆત થઈ હતી એક કિડનૅપ કેસ તરીકે…!! અપહરણ થયું હતું અજય ખન્નાનું આજથી દોઢેક વરસ પહેલાં. દશમી જુન ૨૦૦૭ના રોજ એક ફોન આવ્યો. વિકી ખન્નાએ એ ફોન રિસિવ કર્યો. વિકાસ ઉર્ફે વિકી ખન્ના અજય ખન્નાનો નાનો ભાઈ…ફોન પર સીધો સાદો સંદેશો: અજય ખન્ના અમારા કબજામાં છે. જો જીવતા છોડાવવા હો તો દશ ખોખા એટલે દશ કરોડ રૂપિયા તૈયાર રાખો. પોલીસને જાણ કરી તો અજય ખન્નાકો ટપકા દેંગે…! સમજા ક્યા…??
હવે…!? વિકાસ ખન્ના ત્રીસેક વરસનો ફુટડો યુવાન. અજયનો એકનો એક નાનો ભાઈ. એ ડરી ગયો.
-ભાઈસાબ કો કિસીભી તરહ સે બચાના ચાહીએ!!
અજયને વિકી ભાઈસાબ કહેતો. એણે એક નાદાની એ કરી કે એણે કોઈને ય ભાઈસાબના અપહરણની વાત ન કરી. અરે! એની પ્યારી ભાભી ગરિમા ખન્નાને પણ જરા જાણ ન થવા દીધી. ભાઈસાબ કિસી કામસે દિલ્હી જાને વાલે થે.. મિનિસ્ટ્રીસે કામ નિકલવાના હૈ એમ કહી ભાભીને પણ અજાણ રાખ્યા.
પૈસાનો તો કોઈ સવાલ ન્હોતો. ચારેક કલાકમાં તો પૈસાની વ્યવસ્થા કર્યા બાદ એ બીજા ફોનની રાહ જોવા માંડ્યો. પોલીસને જાણ કરી ભાઈસાબની જિંદગી એ ખતરામાં મૂકવા માંગતો ન્હોતો. થોડા સમય પહેલાં જ કોલકાતામાં પણ બિઝનેસ ટાયફૂન નિર્મલ ચેટરજીનું પણ આમ જ કિડનૅપ થયેલું. એના સગાવ્હાલાઓએ પોલીસની મદદ લીધેલ ને નિર્મલની લાશના રેલ્વેના પાટા પરથી ટૂકડે ટૂક્ડા મળેલ. ના, પૈસા કરતા ભાઈસાબની જાન વ્હાલી. પોલીસ પર વિકીને વિશ્વાસ ન્હોતો. પોલીસને જાણ કરી ભાઈસાબના મોતને એ નોતરું મુકવા માંગતો ન્હોતો. અરે!! ગયા મહિને જ ખટાઉશેઠની પણ કોઈએ ગેમ બજાવી દીધેલ. ચાલતી ગાડીએ જ વીંધી નાંખેલ…!! મુંબઈ પોલીસને ક્યા કિયા?? કુછભી નહિં…!! આ ભાઈલોગ ક્યારે શું  કરે કહેવાય નહિ…!!
-રોકડા તૈયાર હૈ…?! રાત્રે એક વાગે ફરી ઘરની લેંડલાઈન રણકી. ધ્રૂજતા અવાજે વિકીએ વાત કરી. ભાઈસાબ સાથે એક વાર વાત કરવા માટે વિનવણી પણ કરી. પણ સામેથી બે કોથળામાં રોકડા ભરી તૈયાર રાખવાનો આદેશ મળ્યો. સ્પોટ માટે દશ મિનિટમાં જણાવવામાં આવશે. બીજી કોઈ વાત ન થઈ ને ફોન તરત કટ થઈ ગયો. વિકીએ પૈસા બેગમાંથી કોથળામાં ભર્યા. ને એ કોથળાઓ એની લેંડરોવરમાં મૂકી આવ્યો. એક પળ પણ એ ખોવા માંગતો ન્હોતો.

મુકેશ મિલ…!! આઠમી મિનીટે ફરી ફોન આવ્યો, મુકેશ મિલ…કોલાબા..!! રાતકો ઢાઈ બજે…!! કિસીકો સાથ મત લાના…!! કિસીકોભી નહિ…સમજે ક્યા..!? મિલકે કમ્પાઉન્ડ કે  અંદર એક કમરા હૈ. રાઇટ સાઈડમેં…!! ઉસકા દરવાજા નીલે રંગ કા તૂટા હુઆ હૈ..! ઉસમેં દોનો કોથલે છોડ કે પતલી ગલીસે નિકલ જાનેકા…!! મુડકે દેખના ભી નહિ…! અજય ખન્ના સુબહ આ જાયેંગે…!! સમજા ક્યા…?? જરાભી ગલતી કી તો તુમેરે ભૈયાકી ગેમ બજા ડાલેંગે…!!
વિકીએ બરાબર એમ જ કર્યું. ચુપચાપ. વરસોથી બંધ પડેલ અવાવરુ મુકેશ મિલના સુમસામ વેરાન કમ્પાઉન્ડમાં તૂટેલ લીલા રંગના દરવાજા વાળા ઓરડામાં રૂપિયાથી ઠાંસોઠાંસ ભરેલ બે કોથળાઓ એ ધબકતે હ્રદયે મૂકી આવ્યો. આખી રાત એ જાગતો રહ્યો. સવાર થઈ…!! બપોર પડી…!! સાંજ થવા આવી…!! ને ભાઈસાબનો કોઈ પત્તો ન્હોતો…!! સેલ પર રિંગ કરી તો આઉટ ઑફ એરિયા…!! હવે…એ ગૂંચવાયો…!! મૂંઝાયો…!! ભાભી ગરિમાજીને વાત કરી. ભાભીએ તો તરત હૈયાફાટ રુદન જ શરૂ કરી દીધું!!  વધુ રાહ જોવી કે કેમ એની પણ વિચારણા થઈ. મિત્રો સાથે એણે મિટિંગ કરી. ભાઈસાબને એ કંઈ થવા દેવા માંગતો ન્હોતો. છેવટે પોલીસને જાણ કરવાનું નક્કી થયું.
વિકીએ ઉપરની સર્વે વાતો પોલીસને કરી.
ત્યારે અંધેરી મુખ્ય પોલિસથાણાના પોલીસ ઓફિસર હતા હેમંત આમટે.
ઇન્સ્પેક્ટર આમટેએ પહેલાં તો વિકીને જ બરાબર ખખડાવ્યો. એણે પોલીસને જ પહેલાં જણાવવું જોઈતું હતું. પોલીસ પાસે જ પ્રથમ આવવું જોઈતું હતું. રાતોરાત પોલીસ સક્રિય થઈ. મુકેશ મિલ પર તુરંત ડોગ સ્કોવડ્ મોકલવામાં આવી. પણ દશમીએ જુને પડેલ સીઝનના પહેલા ધોધમાર વરસાદે સર્વે નિશાનીઓ…ગંધ વગેરે દૂર કરી દીધેલ…!! કૅનલ ટીમ નિષ્ફળ ગઈ. મુકેશમિલની આજુબાજુ ફેરિયાઓ, ટેક્ષીવાળા-રિક્ષાવાળા સર્વને રાઉન્ડઅપ કરવામાં આવ્યા. એમની કાળજીપુર્વકની ઊલટતપાસ લેવામાં આવી. એક ટેક્ષીવાળાએ રાત્રે વિકીની લેંડરોવર જોયેલ એ જણાવ્યું પણ બીજી કોઈ ચહલ પહલ એના ધ્યાનમાં આવી ન્હોતી અને તોફાની વરસાદી રાતને કારણે ઘરાકી મંદી હોય એ ઘરે જતો રહેલ. આમ પણ મુકેશમિલની આસપાસ રાત્રે નીરવ શાંતિનું સામ્રાજ્ય હોય છે. અલબત્ત, એક વાર જ્યારે એ મિલ ધમધમતી હતી ત્યારની વાત અલગ હતી. કોલાબા વિસ્તારના છૂટક ટપોરીઓની સામૂહિક ધરપકડો કરવામાં આવી. પણ એઓએ કોઈ માહિતી ન આપી.
એ દિવસે અજય ખન્નાની ઘરે આવેલ ફોનની પ્રિંટ આઉટ મેળવવામાં આવી. એમાંથી જાણવા મળ્યું કે બે ફોન પબ્લિક ફોનબુથ પરથી થયા હતા. ત્રણે ફોનના લોકેશન અલગ. એક નવી મુંબઈમાં આવેલ મૉલમાં ગોઠવેલ પબ્લિક કોનથી. બીજો શાંતાકૃઝ એરપોર્ટના બૂથ પરથી. ત્રીજો અને છેલ્લો ફોન કે જેમાં મુકેશમિલનું સ્પોટ બતાવેલ એ થોડો શંકાસ્પદ હતો. એમાં ઈંટરનેશલ ફોન થયાનું જણાતું હતું પણ લોકેશન મળતું ન્હોતું. મોટેભાગે ફોન કાર્ડનો ઉપયોગ થયાની શંકા થતી હતી. અને ફોનનું ઉદ્ગમ સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું! ભારતીય સંચાર નિગમની વધુ મદદ લેવામાં આવી પણ એમાં કંઈ સ્પષ્ટ માહિતી મળતી ન્હોતી. ફોનની હકીકત પરથી એવો નિષ્કર્ષ નીકળતો હતો કે સ્થાનિક ગેંગની સાથે સાથે આંતરરાષ્ટ્રિય કનેક્શનો જોડાયેલ હોય શકે. બે દિવસ પછી અજયની સફેદ એસ્ટીમ બોરીવલી નેશનલ પાર્કના પાર્કિંગ લોટમાંથી મળી આવી. એની પણ બરાબર તપાસ કરવામાં આવી. પરંતુ એમાંથી કોઈ પણ દિશાસૂચક પરિણામ ન મળ્યું! કારમાં એમની, વિકીની કે એમના ડ્રાયવરની જ ફિંગરપ્રિન્ટસ્ મળી. કોઈ અજાણી નિશાની કે ફિંગરપ્રિન્ટસ્ ન મળી. એ દિવસે એઓ પોતે જ ડ્રાઈવ કરેલ. ડ્રાયવર તો ગરિમા ખન્ના સાથે આખો દિવસ રોકાયેલ હતો.
એ અઠવાડિયાના અજયના દરેક પ્રોગ્રામ, મિટિંગસ્, એપોઈંટમેંટની વિગતો એકત્ર કરવામાં આવી. અજય ખન્ના બહુ સક્રિય રહેતા હતા. એમની એક એક મિનિટનો હિસાબ મળ્યો. એ ઘરે આવવા નીકળ્યા ત્યારે જ  એમનું અપહરણ કરવામાં આવ્યું હોય એમ લાગતું હતું. પણ ક્યાં થયું હોય એની જાણ થઈ શક્તી ન્હોતી. એ દિવસે અજય ભિવંડી ખાતે એમની ખન્ના પાવર લુમ્સની મુલાકાતે ગયા હતા. આખો દિવસ ત્યાં રોકાયા હતા. કંઈ યુનિયનનો મામલો હતો. ત્યાં એમની સાતસો લુમ્સ કાર્યરત હતી અને બે હજારથી વધુ કામદારો એમની ખન્નાગૃપ ઓફ બેઝિક ટેક્ષટાઈલમાં કાર્યરત હતા.
દિવસો પસાર થતા હતા.
અજય ખન્નાનો કોઈ સુરાગ મળતો ન્હોતો. પૈસા આપવા છતાં પણ એ આમ ગુમ થયા એ વધુ આશ્ચર્યજનક અને અણધાર્યું હતું. થોડા દિવસ ટીવી ચેનલ અને સમાચારપત્રોને કાગારોળ મચાવી. પોલીસને માથે માછલા ધોવામાં કંઈ બાકી ન રાખ્યું. પોલીસ પણ જાણે અંધારાંમાં  તીર ચલાવી રહી હોય એમ લાગતું હતું! અગાઉ કોઈએ પણ અજય ખન્ના પાસે પ્રોટેક્ષન મની કે ખંડણીની ઉઘરાણી કરી ન્હોતી. જો કરી હોય તો ખન્નાબંધુઓએ એ છુપાવી પણ હોય. કારણ કે, આવી વાતો કોઈ પોલીસને સામાન્ય રીતે જણાવતું નથી. જરૂર એવું કંઈક થયું હોવું જોઈએ કે અજય ખન્નાને ખતમ કરી દેવા સિવાય કિડનેપર પાસે કોઈ ઉપાય ન હોય. કદાચ, એઓ કિડનેપરને ઓળખી ગયા હોય તો પણ કિડનેપરે કાંટો કાઢી નાંખ્યો હોય. અજય ખન્ના પચાસેક વરસના હટ્ટાકટ્ટા તંદુરસ્ત વ્યક્તિ હતા. એમનું અપહરણ કરવામાં આવે તો એઓ જરૂર પ્રતિકાર તો કરે જ. એમ થયું હોય અને એમાં કંઈ આડુંઅવળું થયું હોય અને એમણે જાન ખોયો હોય એવી પણ શક્યતાઓ હતી. દરેક હોસ્પિટલને એમના ફોટાઓ મોકલવામાં આવ્યા.  કોઈ લાવારિસ લાશ મળી આવે તો વિકી દોડી આવતો.
છ મહિના પસાર થઈ ગયા.
અજય ખન્નાની કોઈ માહિતી ન મળી.  વિકીએ ખન્ના ગૃપનો કારોબાર ધીરેધીરે બરાબર સંભાળી લીધો. પણ પોલીસની કાર્યવાહીથી એ ખૂબ ખફા હતો. ખન્ના બંધુઓની ઘણી વગ હતી રાજકારણમાં કે પછી કોઈ અન્ય કારણ હોય ઈંસ્પેક્ટર હેમંત આમટેની બદલી થઈ ગઈ સોલાપુર…!! અને અજય ખન્ના કિડનૅપ કેસ સોંપાયો ઈ. વિજય વાઘમારેને…!! વાઘમારે સક્રિય થયા. ખન્ના જે રીતે કિડનૅપ થયા એ પરથી વિજયને યાકુબ યેડા એન્ડ કંપની પર વધુ શક જતો હતો. યાકુબ યેડા બેંગકોકથી એના ઓપરેશન પાર પાડતો હતો. મોટેભાગે કિડનૅપ કરી પૈસા મેળવતો. આ ઉપરાંત એ મુંબઈના બિલ્ડરો, બાર માલિકો અને ઝવેરીઓ પાસે નિયમિત ખંડણીના પ્રોટેક્ષન મની મેળવતો. હવાલા મારફતે એના નાણાં બેંગકોક અને દુબઈ પહોંચતા. હમણાં એવી  માહિતી આવી હતી કે દુબઈની ડી-કંપની સાથે એને અણબનાવ થઈ ગયો હતો. ખાસ તો ડી-કંપની જે રીતે હવે ટેરેરિસ્ટ સાથે જોડાય હતી એ કારણે યાકુબ યેડાએ ડી-કંપની સાથે ધીમે ધીમે સંબંધો કાપી નાંખવા માંડ્યા હતા. યાકુબને પકડવો અઘરો હતો  કારણકે એ પોતે સીધો ચિત્રમાં આવતો નહિ. એની ટીમનો એક ખેલાડી હતો સુભાષ સુપારી. સાયન-કોલીવાડાનો સુભાષ સુપારી. ફાંદેબાજ…લુચ્ચો..કાતિલ…અને લોમડી જેવો ચતુર…!! સુભાષની વગ રાજકારણમાં પણ ખરી. એના છોકરાઓને એ છ મહિના કે વરસથી વધારે અંદર થવા દેતો નહિ. ઈ. વિજયને લાગતું હતું કે સુભાષ સુપારી ખન્નાકેસમાં સંડોવાયેલ હોવો જોઈએ. એની સાથે બેઠક થવી જરૂરી હતી. પણ સુભાષને એમ હાથમાં આવે એમ ન્હોતો. એને સપડાવવો જરૂરી હતો.
ઈ. વિજય આ સિવાય બીજી અન્ય થિયરીઓ પર પણ વિચારતા હતા. અજય ખન્નાના અપહરણ પાછળ ઘરના કે ખન્ના ગૃપના કોઈ પણ વ્યક્તિનો પણ હાથ હોય શકે. ખન્નાની જે રીતે પ્રગતિ થઈ એ કોઈની ખૂંચતી હોય અને એણે અપહરણ કરાવી પૈસા મેળવી એમનો કાંટો કાઢી નાંખ્યો હોય. ખન્ના ગૃપ ઘણું મોટું હતું.
કોણ…? કોણ…?? કોણ…?!
અજય ખન્ના નિઃસંતાન હતા. એમના ચાલ્યા જવા બાદ સહુથી વધારે ફાયદો કોને થવાનો હતો?
-એમની પત્ની ગરિમાદેવીને…!
-ત્યારબાદ વિક્રમને…!!  વિકી ખન્નાને….!!
વિકી ખન્ના કુંવારો હતો. પાર્ટી એનિમલ હતો. જ્યાં સુધી અજય ખન્ના જીવતા હતા ત્યાં સુધી તો એ ખન્ના ગૃપમાં બહુ સક્રિય ન્હોતો…!! રોજ એ ફક્ત અડધો દિવસ ખન્ના ટાવરની એની ઑફિસમાં આવતો ત્યારબાદ તો એ એનો સમય ક્યાં તો પબ, બિયર બાર કે ડિસ્કોમાં અથવા તો રૅવ પાર્ટીમાં જ પસાર થતો. એના આવી પ્રવૃત્તિથી એના પ્યારા એવા ભાઈસાબ એનાથી થોડા ખફા ખફા રહેતા એવું જાણવા મળેલ. વિકી અજય ખન્નાના ગુમ થયા બાદ ગંભીર બની ગયો હતો. જાણે રાતો રાત એનું પરિવર્તન થઈ ગયું હતું. ઈ. વિજય વાઘમારેએ અજયની પર્સનલ સેક્રેટરી મિસ પિંટો સાથે ઘણી વાતો કરી. મિસ પિંટો અજયની એક એક પળનું આયોજન કરતી. ઈ. વિજયે સીધે સીધું મિસ પિંટોને પુછેલ: અજય અને વિકીને કેવું બનતું? કદી વિકીએ..
‘નો…વિકી ઈસ કાઈંડ અ પ્લેબોય…!! બટ નો…!! હિ લવ્સ બોસ..!! વો અપને ભાઈસાબ કો ખુદાસેભી જ્યાદા ચાહતા હૈ…!!’ મિસ પિંટોએ ઈ. અજયની વાત તરત જ કાપી નાંખેલ. પણ મિસ પિંટો કંઈ પોલીસ ઓફિસર ન્હોતી. ખન્ના ગૃપની એક કર્મચારી હતી. ઈ. વિજયે મિસ પિંટો સાથે વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું. કારણ કે ખન્ના ગૃપના કોઈ કર્મચારીઓનું પણ આ કારસ્તાન હોઈ શકે. એ માટે મિસ પિંટો જેવો માહિતીનો સ્રોત બીજો કોઈ હોય ન શકે.
મિસ પિંટો પાસે એક અન્ય રસપ્રદ માહિતી એ મળી કે ખન્ના ગૃપમાં પાંચેક વરસથી યુનિયનની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. એ કારણે ખન્ના ગૃપને તકલીફ પડી હતી. ગઈ દિવાળીએ તો વીસ ટકા બોનસ માટેની યુનિયનની માંગણી સંતોષવી પડી હતી. એ ઉપરાંત દર વરસે દરેક કર્મચારીઓને નિયમિત પગાર વધારાની માંગણી સાથે સાથે મેડિકલ એલાઉન્સ અને રજાઓમાં વધારાની  માગણીઓ તો ઊભી જ હતી અને ગમે ત્યારે હડતાળ તોળાઈ રહી હતી. અપહરણ થયેલ એ દિવસે અજયની મિટિંગ યુનિયન લીડર બાબુ બિહારી સાથે હતી. બાબુ બિહારી ખન્ના વિવિંગ્સમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. બાબુની જબાનમાં જાદુ હતું. નેતૃત્વની એક આગવી કળા હતી. મુળ ઝારખંડનો હતો. ન જાણે એ કેટલા સમયથી ભિવંડી રહેતો હતો અને જ્યારથી અજયે નાના પાયે લુમ્સની શરૂઆત કરી ત્યારથી જ એ ખન્ના ફેમિલી સાથે સંકળાયેલ. જેમ જેમ ખન્ના બંધુઓના ધંધાનો વિકાસ થતો ગયો એમ એમ બાબુ બિહારીનો હોદ્દો પણ વધતો રહ્યો. બાબુએ પેટમાં  પેસીને પગ પહોળા કર્યા હતા અને ખન્ના ઈન્ડ્રસ્ટીસમાં યુનિયનની સ્થાપના કરવામાં એ સફળ થયો હતો. અજય ખન્નાએ એને બહુ સમજાવ્યો હતો કે યુનિયનબાજી બંધ કરે. પૈસાની, ઘરની લાલચ આપી હતી. ધમકી પણ આપી હતી! પણ બાબુ એકનો બે ન થયો. એને લીડર બનવું હતું. વળી એને દત્તા સાવંતનો સાથ હતો. દત્તા સાવંત અખિલ ભારતીય મજદૂર સંગઠનના સર્વે સર્વા હતા. લાખો મજદુરો એમના નામે મરવા તત્પર રહેતા. દત્તાએ જ બાબુ બિહારીનો હાથ પકડ્યો હતો. એને દોર્યો હતો. દત્તા સાવંત અખિલ ભારતીય મજદૂર સંગઠનમાં રેલ્વે, મુંબઈ-બેસ્ટ, ટેક્ષી-રિક્ષા ડ્રાવયર એસોશિયેસન વગેરે જોડાયેલ હતા અને દત્તાએ એમાં વધારે ને વધારે યુનિયનો જોડાવાની જાણે એક ઝુંબેશ ઉપાડી હતી.  એ દિવસની બાબુ બિહારી સાથેની મિટીંગમાં દત્તાજી પણ હાજર રહેવાના હતા પણ એમને  અચાનક કોલકાતા જવું પડેલ એટલે એ હાજર રહી શક્યા ન્હોતા. મિટીંગમાં બાબુ સાથે ઘણી ચણભણ થઈ હતી. અને કોઈ નિર્ણય લેવાયો ન્હોતો. આમ છતાં અજય ખન્ના અને બાબુ બિહારી બન્ને આજય ખન્નાની ગાડીમાં જ મુંબઈ આવવા નીકળ્યા હતા. આ વાત મિસ પિંટોએ કહી ત્યારે ઈંસપેક્ટર વિજય વાઘમારેને દાળમાં કંઈક કાળું દેખાયું હતું.
‘બાબુએ રજાઓ મૂકી હતી.’ મિસ પિંટોએ કમ્પ્યુટરના મોનિટર પર નજર કરી કહ્યું, ‘બાબુ કો જાના થા ધનબાદ. એની ફ્લાઇટ સાંતાક્રુઝ પરથી હતી. એટલે એ બોસ સાથે એમની ગાડીમાં જ મુંબઈ આવ્યો હતો. એ દિવસે જ અજય ખન્નાનું અપહરણ થયું હતું.’
ઈંસપેક્ટર વિજય વાઘમારે એ વાત નોંધી લઈ અગિયારમી જુનની ધનબાદ જતી ફ્લાઈટના પેસેંજરોની યાદી મેળવી. બાબુ બિહારી જેટ એરવેઈઝની સવારની છ પચાસની  ફ્લાઇટ નંબર 9W2153 મારફત કોલકાતા ગયાનું જાણવા મળ્યું.
-તો શું બાબુ બિહારી આ ખેલનો ખેલાડી હતો? અહિં સ્થાનિક ગેંગને કામ સોંપી એ ધનબાદ પહોંચી ગયો હોય??
-રેન્સમ મની દશમી જુને મુકેશ મિલમાં છોડવામાં આવ્યા હતા. બીજે દિવસે એટલે અગિયારમીએ બાબુ બિહારી કોલકાતા ગયો હતો. શું એની સાથે પૈસા હતા?
એણે બે બેગો ચેક-ઈન કરી હતી.
-એ બેગમાં શું હતું?
બાબુને શોધવા માટે ચક્રો ગતિમાન થયા. કોલકાતા સુધી પગેરું મળતું હતું. ત્યારબાદ બાબુ હવામાં ધુમ્રસેર ભળે એમ ગાયબ થઈ ગયો હતો. એ ધનબાદ એના ઘરે પહોંચ્યો જ ન્હોતો. એના બુઢાં મા-બાપે તો બાબુને વરસોથી જોયો ન્હોતો.
ત્યાંથી બીજી માહિતી એ મળી કે બાબુનો ભાઈ સુબોધ બિહારી ઝારખંડ મુક્તિ મોરચાનો આગળ પડતો કાર્યકર હતો અને હવે નેક્સલાઈટ બની ગયો હતો. એના નામની ધાક બોલતી હતી ઝારખંડમાં. ઝારખંડ પોલીસને પણ એની તપાસ હતી. ગરીબ આદિવાસીઓમાં સુબોધ બિહારી ઘણો જ પ્રિય હતો. એ કારણે એને પોલીસ શોધી શકતી ન્હોતી. એ અમીર જમીનદારોને, વેપારીઓને લૂંટી એમાંના પૈસા ગરીબોમાં વહેંચી દેતો. એટલે એ સુબોધ ‘સહાય’થી ઓળખાતો.
-તો શું બાબુ સુબોધને પૈસા પહોંચાડતો હતો એની નેક્સાલાઈટ પ્રવૃત્તિ માટે…
-સુબોધને આદિવાસીઓનો પુરો સાથ હતો. એ કારણે જ એ પકડાતો ન્હોતો. એની પાસે વફાદાર માણસોની ટોળી હતી. હથિયાર હતા. ગામડામાં આવેલ જમીનદારોને એઓ લૂંટતા. એવું પણ જાણવા મળ્યું કે સુબોધે થોડા દિવસમાં જ આધુનિક હથિયારોનું મોટું કંસાઈનમેંટ મેળવ્યું હતું.
-એના પૈસા ક્યાંથી આવ્યા?
વિકી ખન્ના જ્યારે તક મળતી ત્યારે પોલીસની નાકામી પર ઝેર ઓકતો રહેતો. વળી એણે એના બડે ભૈયાને શ્રદ્ધાંજલિ રૂપે એક બ્લોગ શરૂ કર્યો હતો. જેના પર એણે વિજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એને લાગતા શંકાસ્પદ વ્યક્તિઓની છણાવટ અને પોલીસની કુથલી એ કરતો રહેતો અને એના મિત્ર વર્તુળમાંથી એને વિવિધ કોમેંટ્સ મળતી. એ કારણે અખબારોને અને ટીવી ચેનલોને પણ મસાલો મળી રહેતો હતો.
અજય ખન્નાના કોઈ સગડ મળતા ન્હોતા. બાબુ બિહારી સાવ ગુમ થઈ ગયો હતો.
વિકીએ એના ભાઈની કોઈપણ માહિતી માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.
બાબુ બિહારીને શોધવા માટે રેડ કૉર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. આકાશ પાતાળ એક કરી નાંખવામાં આવ્યા હતા. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો પર અને પુરા ઝારખંડમાં બાબુ બિહારીના ફોટાઓ પહોંચાડવામાં આવ્યા. આમ મુખ્ય શકમંદ હતો બાબુ બિહારી. હવે એ સાવ અદૃશ્ય થઈ ગયો હતો. ઝારખંડની પોલીસનો સહકાર મળતો ન્હોતો. આ આખું ઓપરેશન પાર પાડવાની બાબુની ઓકાત ન્હોતી એ સ્વાભાવિક હતું.
-એને કોણે મદદ કરી?
-શું એના ભાઈ સુબોધ સહાય અને એની ટોળકી મુંબઈ આવી હતી આ કિડનૅપ માટે?
સુબોધ સહાયની પણ કોઈ માહિતી મળતી ન્હોતી. એનો ફોટાઓમાં પણ ઘણી વિવિધતાઓ જોવા મળતી હતી. વેશ પરિવર્તનમાં એ પાવરધો હતો. સ્થાનિક રાજકારણીઓનું પણ એને બેકઅપ રહેતું હતું તો પોલીસને એ બન્ને હાથોમાં રમાડતો હતો.
દિવસો પસાર થઈ રહ્યા હતા. અજય ખન્ના કિડનેપ કેસ ઘણો જ ગૂંચવાય ગયો હતો. ઈ. વિજય વાઘમારેની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી થઈ ગઈ હતી. વિકી ખન્નાને પણ પોલીસની કામગીરીથી  ભારે અસંતોષ હતો. હોમ ડિપાર્ટમેન્ટમાં એની વગ વધી હતી.  શાસક પાર્ટીને એણે ચૂંટણી ભંડોળમાં ખાસ્સું ડોનેશન આપ્યું હતું. હોમ મિનિસ્ટરે પણ હવે સીધો ખન્ના કેસમાં સીધો રસ લેવા માંડ્યો હતો. અને એ કારણે પોલીસની કાર્યવાહી પર પણ અસર થતી હતી. વિકીએ વિજય વાઘમારેના હાથમાંથી કેસ લઈ બીજા કોઈ કાર્યદક્ષ ઑફિસરને સોંપવા માટેનું દબાણ વધારવા માંડ્યું હતું . ઈ. વાઘમારેની તકલીફ વધી રહી હતી. વિજય ખન્નાના દુશ્મનોની એક યાદી બનાવવામાં આવી. એમાં એક નામ ધ્યાનાકર્ષક હતું રાજીવ રાહેજાનું! રાજીવ અને અજય ખન્ના એક વાર કન્સટ્રક્ટશન બિઝનેસમાં સાથે હતા. એક હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લૅટ ના   વેચાણ સમયે બન્ને વચ્ચે મનદુઃખ થયું જે એમના વિભાજનમાં પરિણમ્યું અને રાહેજાએ ‘રાહેજા ડેવલપર’ નામે અલગ કંપની શરૂ કરી. રાહેજા ખન્નાને કપરો સમય આપતા. કારણકે એઓ ખન્નાની દરેક ચાલ સમજતા અને રાહેજા ડેવલેપરે ખન્ના કન્સટ્રક્ટશનના ઘણા સોદાઓ પડાવી લીધા હતા. તો ખન્નાએ રાજીવ રાહેજાને ધંધામાં ખતમ કરી દેવાની ધમકી આપી હતી. શું એ ધમકીનો અમલ થાય એ પહેલાં જ રાહેજા ગૃપે અજયને પતાવી દીધા…? એવું પણ જાણવા મળ્યું કે બાબુ બિહારી ગુપ્ત રીતે રાજીવ રાહેજાને મળતો હતો. એમની સલાહ લેતો હતો. આ બાબુ બિહારીએ ઘણા છેડાઓ એવા છોડ્યા હતા કે જેનો અંત મળતો ન્હોતો અને હવે બાબુ બિહારી જ ગુમ થઈ ગયો હતો.
*****                         *****                 *****                 *****
એક વહેલી સવારે પોલીસને એક ફોન આવ્યો.
માહિમની ખાડી પાસે ગટર કામદારો લાંબા સમયથી બંધ એક પડેલ ગટરની સાફ સફાઈ અને સમારકામ કરતા હતા. ત્યાં એમને એક લાશ મળી આવી. લાશ શું? કહો ને કે લગભગ હાડપિંજર જ મળી આવ્યું. પોલીસ દોડી આવી. ગટરની ઊંડાઈ આશરે સાતેક ફૂટ હશે. એના સ્થળ પર ફોટાઓ લેતા પોલીસ ફોટોગ્રાફરને ઊલટી થઈ ગઈ. એક તો અવાવરુ ગટર અને બિહામણી, કહોવાયેલ લાશ!! સ્થળ પર જ પૉસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે વિકીને જાણ કરી. એ દોડી આવ્યો. એ ઓળખી ગયો કે આ એના ભાઈસાબ અજય ખન્નાની જ લાશ છે!!  કારણ કે લાશના જમણા હાથની આંગળીના હાડકાં પર એક વીંટી હતી…!! એ વીંટી હતી એના ભાઈસાબની. અજય ખન્નાની…!! એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.
‘સાલોની ક્યા હાલત કર દી મેરે ભાઈસાબકી….?! મેં ઉનકો જિંદા નહિં છોડુંગા જિસને ભી એ કિયા મેં ઉસકા જિના હરામ કર દુંગા…’
પોલીસે હાડકાં એકત્ર કર્યા. અજય ખન્નાની ખોપરીમાં જમણી તરફ ઉપર એક નાનકડું કાણુ હતું. વિકીએ લાશના તુરંત કબજા માટે ઘણો જ આગ્રહ કર્યો.
‘એમ લાશનો કબજો આપી ન શકાય!’ ઇન્સ્પેક્ટર વિજય વાધમારેએ એને સમજાવ્યો. એણે ત્યાંથી જ બે-ત્રણ ફોન કર્યા. હોમ મિનિસ્ટર શિંદેનો ફોન પોલીસ કમિશ્નર પર આવ્યો. કમિશ્નર રિતેષ દેશમુખે ઈ. વિજયને ફોન કર્યો. પરન્તુ ઈ. વિજય એક ના બે ન થયા. અને ત્યારે જ વિકીએ ઈ. વિજયને ખન્ના કેસમાંથી દૂર કરાવવાનો એણે નિર્ણય લઈ લીધો..
બે દિવસ પછી અજયના અવશેષો ખન્ના ફૅમિલીને સોંપવામાં આવ્યા. અંગત અંગત સગા-સંબંધી અને ખાસ મિત્રોની હાજરીમાં ભારે હૈયે વિકીએ ચંદનવાડી સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપ્યો. આમ ખન્ના કિડનૅપ કેસ એક ખૂનકેસ બન્યો. ઈ.વિજય વાઘમારેની બદલી થવાની જ હતી એ પણ જાણતા હતા અને અંદરખાતેથી એ પણ એવું ઇચ્છતા હતા કે ખન્નાકેસથી એમનો છુટકારો થાય. અને વિજય વાઘમારે પાસેથી ખન્ના ખુનકેસ આવ્યો ઈ. અનંત કસ્બેકરના હાથમાં!
લાશ અજય ખન્નાની છે એ સાબિત થવું જરૂરી હતું. અવશેષોની લંબાઈ પરથી તો મેળ ખાતો હતો. અજય ખન્નાની ઊંચાઈ હતી પાંચ ફુટ અગિયાર ઇંચ. તો હાડકાના એ માળખાને વ્યવસ્થિત ગોઠવતા પાંચ ફુટ નવ ઇંચથી માંડીને અગિયાર ઇંચની ધારણા થઈ શકતી હતી.
‘અમારે આપના ભાઈ અજય ખન્ના વાપરતા હોય એ ટુથ બ્રશ કે કાંસકીની જરૂર પડશે!!’ ઈ. અનંતે વિકીને દિલાસો આપી કહ્યું, ‘વિ હેવ ટુ મેચ ધ ડીએનએ ઓફ ધ ડેડ બોડી…!!
‘ઇન્સ્પેક્ટર સાહેબ…!!’ વિજયે ગંભીર થઈ જતાં કહ્યું, ‘ઈસમે કોઈ શક નહિ હૈ કી યે ભાઈસા’બકી હી બોડી હૈ. ભાઈસાબ જે રિંગ વરસોથી પહેરતા એ રિંગ પરથી…’
‘તો પણ અમારે ખાતરી તો કરવી જ પડે. પ્લિસ…!! કોઓપરેટ વિથ અસ!!’  ઈ. અનંતે વિનંતી કરતા કહ્યું.
વિકીના મ્હોં પર સ્પષ્ટ અણગમો તરી આવ્યો, ‘કેટલો સમય વિતી ગયો?! હવે તમને એ વસ્તુઓ કેવી રીતે આપવી?’
‘કંઈ પણ કાંસકો…ટુથ બ્રશ…જે અજયજી વાપરતા હતા. નહીંતર પછી તમારા બ્લડનું સૅમ્પલ…!!’
‘વો મેરે સગે ભૈયા નહિં થે…!!’ વિકીએ ઈ. અનંતને અટકાવી કહ્યું, ‘હમારી મા અલગ થી…! મેરે ડેડને દુસરી શાદી કી થી…!!’ સહેજ અટકીને એ બોલ્યો, ‘આપ થોડા દિવસ રાહ જોઈ શકશો. ભાભીજી હરદ્વાર ગયા છે. એમની પાસે કંઈ મળી આવશે…! બાકી…’
‘પોલીસ રાહ જોશે.’ ઈ. અનંતે ઉભા થતાં કહ્યું, ‘આપના ભાભીજી આવે એટલે મને રિંગ કરજો…! યુ સી. અમે પુરો પ્રયાસ કરી રહ્યા છીએ. બાબુ બિહારી જે રીતે ગુમ થઈ ગયો છે….’
‘બાબુને રાહેજાએ જ ગુમ કરી દીધો હશે…સંતાડ્યો છે. તમે રાજીવ રાહેજાને કેમ દબોચતા નથી?! જે દિવસે ભાઈસાબની બોડી મળી હતી એ દિવસે એણે મોટી પાર્ટી આપી હતી એની તમને જાણ છે? હી વોસ એન્જોઈંગ માય બ્રધ્રર્સ ડેથ…!’
‘મારા  ધ્યાનમાં એ છે જ. અમારી નજર એના પર ચોવીસ કલાક છે. મેં એની પુરી તપાસ પણ કરી છે. પણ એની વિરૂધ્ધ કોઈ એલિબી નથી મળતી.’
‘તો પુરાવો ઊભો કરો…! કુછ કિજીયે…! મેં તો મારા ભાઈ ખોયા છે. ભલે એ મારા સગા ભાઈ ન્હોતા. પણ એમણે મને કદી પરાયો ગણ્યો ન્હોતો.’ આંખ ભીની કરતા વિકી બોલ્યો, ‘ જ્યાં સુધી બોડી મળી ન હતી ત્યાં સુધી મને થોડો થોડો વિશ્વાસ હતો..! પણ હવે…!!’
‘આઈ એમ સોરી…! પણ હવે કેસ મારા હાથમાં છે…!! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ…!!’ ઈ. અનંતે વિકીના ખભા પર હાથ મૂકી સાંત્વનાના સ્વરે કહ્યું.
ઈ. અનંતે બાબુને શોધવા ભીંસ વધારી. રાજીવ રાહેજા પર દેખરેખ ચાંપતી કરી. એના ફોન, સેલ ફોન, ઈમેઈલ વગેરે પર વોચ ગોઠવી દીધી. બસ, એમણે હવે રાહ જોવાની હતી કે ક્યારે રાજીવ રાહેજા ભૂલ કરે!! ક્યારે બાબુ રાજીવનો સંપર્ક કરે!!
એ સિવાય ઈ. અનંતને એક વાતની ખાસ નવાઈ લાગતી હતી કે આટલા ઓછા રેન્સમ મનીની માંગણી કેમ કરવામાં આવી?!
-ફક્ત દશ કરોડ?!
-ખન્ના બ્રધર્સ તો વધારે આપી શકે એટલાં માતબર હતા…
-અરે…! રાજકોટના સોની ભાઈઓનું કિડનૅપ થયેલ એમાં પણ સિત્તેર કરોડમાં માંડવાલી થયેલ એવું જાણવા મળેલ…!
-ત્યારે આ તો છેક દશ ખોખા…!! જરૂર સ્થાનિક ગેંગનું કે નાદાન છોકરાઓનું કામ હોવાની સંભાવના વધી રહી હતી. એઓનો કોઈ રેકર્ડ ન હોવાને કારણે પોલીસ અંધારાંમાં ફાંફાં મારી રહી હતી.
એ દરમ્યાન વિકીએ પોલીસ સ્ટેશને આવીને એક હેર બ્રશ ઈ. અનંતને આપ્યું, ‘ આ મારા ભાઈ વાપરતા હતા. ભાભીસાબે યાદગીરી રૂપે સાચવેલ છે એ!! આઈ હોપ કે અમને એ પાછું મળશે?’
‘યસ…! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ રિટર્ન યુ. આઈ એમ વેરી થેંકફુલ ફોર ધીસ…!’ ઈ. અનંત લાકડાના હાથાવાળું એ બ્રશ લેતા બોલ્યા. બ્રશ નિહાળી ઈ. અનંતને વિચાર આવ્યોઃ ધીસ વિલ બી વેરી ઈમ્પોર્ટન્ટ એક્ઝિબીટ…!! કારણ કે, એ બ્રશ પર એક બે વાળ પણ વિંટાળાયેલ હતા.  એ બ્રશ અને અજય ખન્નાના લાશ પરથી મળેલ થોડા વાળ બેંગલુરૂ મોકલવામાં આવ્યા. ડીએનએ મેપિંગ કરવામાં આવ્યું. બન્ને નમૂનાઓ મળતા આવ્યા.
-તો એ લાશ ખરેખર અજય ખન્નાની જ છે…! પોલીસ પર દબાણ વધી રહ્યું હતું…ઈ. અનંત કસ્બેકરની નિદ્રા વેરણ બની હતી.
પુત્રી નેહાના કપાળ પર હાથ ફેરવી એની ચાદર બરાબર ઓઢાડી સહેજ નમીને ઈ. અનંતે ઘસઘસાટ નિદ્રાધીન શિવાંગીના કપાળે એક ચુંબન કર્યું. થોડા અસમંજસ અવાજો કરી શિવાંગી પડખું ફરીને સૂઈ ગઈ. એ કારણે ઈ. અનંતના હોઠ સહેજ ફરકી ગયા. એઓ પથારીમાંથી ઉભા થયા. બે-ત્રણ ઊંડા શ્વાસો-શ્વાસ લીધા. રેફ્રિજરેટર ખોલી પાણીની બોટલ લઈ પાણી ગટગટાવ્યું. વરંડામાં ગયા. રાત્રિના અંધકારમાં ગોરેગાંવના સ્વચ્છ આકાશના એ ટુકડામાં તારાઓ ટમટમતા હતા. ઈ. અનંતના મન પર અજય ખન્ના ખૂનકેસ પર કબ્જો જમાવી દીધો હતો. એઓ અંદર આવ્યા. કમ્પ્યુટર ચાલુ કરી ખુરશી પર ગોઠવાયા. વિકીએ શરૂ કરેલ અજય ખન્નાના બ્લોગ પર ગયા.
-આ પણ એક નવું ગતકડું છે!!
બ્લોગ પર જાત જાતની કોમેન્ટસ્ વાંચતા એઓ વિચારતા હતાઃ લોકો સાવ નવરા પડી ગયા લાગે છે!!
મોટે ભાગની કોમેન્ટસ્ પર પોલીસ ની કુથલી જ કરવામાં આવી હતી. બ્લોગ પર અજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એમના ઘણા ફોટાઓ પણ હતા; એકલા તો રાજકારણીઓ સાથે…ફિલ્મ એક્ટર-એક્ટ્રેસ સાથે…!! તો બાબુ બિહારીના પણ જુદા જુદા ફોટાઓ હતા અને એની શોધ કરનારને કે માહિતી આપનારને અપાનારા પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ હતી.
ઈ. અનંતને ચેન પડતું ન્હોતું. એમણે અજય ખન્ના કેસની ફાઈલના પાનાઓ ઉથલાવવા માંડ્યા. ફાઈલમાં સર્વે માહિતીઓ હતી. એમણે જ પેન્સિલથી કરેલ નોંધ ફરી ફરી નિહાળી. છેલ્લે ગટરમાં પાડેલ અજય ખન્નાની લાશના ફોટાઓ એઓ જોવા લાગ્યા. પોલીસ ફોટોગ્રાફરે પાડેલ ફોટાઓ ચિતરી ચઢે એટલા વિકૃત અને બિહામણા હતા. એ ફોટાઓ જોતા જોતા એ ચમક્યા. એમનું હ્રદય જોરથી જોરથી ધબકવા લાગ્યું. એઓ જે નિહાળી રહ્યા હતા એ માની શકતા ન્હોતા…!!
-આજ સુધી આ કેમ કોઈના ધ્યાનમાં ન આવ્યું…!?
લાશના ફોટા નિહાળતા એઓ વિચારવા લાગ્યા. અજય ખન્નાના બ્લોગ પર ગયા. ત્યાંના ફોટાઓ જોયા…!!વારંવાર જોયા…!!
-ઓ…માય ગોડ….!! ઓ પાન્ડુરંગા…!!
-આઈ કાન્ટ બિલીવ ધીસ…!!
-આઈ ગોટ ઈટ…!!
એઓ સવાર પડવાની રાહ જોવા માંડ્યા. કમ્પ્યુટર બંધ કરી, ફાઈલમાં ફરી લાશ પર એક નજર કરતા એમના ચહેરા પર એક હાસ્ય ફરી વળ્યું!! એક હળવી રાહત થઈ એમને…!
-હવે એક એક કદમ સાચવી સાચવીને માંડવું પડશે!!
-ધે આર વેરી ક્લેવર…!!
ટ્રેક સુટ પહેરી એ રોજની જેમ પાંચ માઈલ દોડી આવ્યા. સ્નાનાદિથી પરવારી યોગાભ્યાસ કર્યા બાદ એમણે કમિશ્નર રિતેષ દેશમુખના સેલ ફોન પર ફોન કર્યો.
‘ગુડ મોર્નિંગ સર…!!’
‘ગુડ મોર્નિંગ અનંત…!!’
‘હું આપને હેરાન તો નથી કરતોને સર…!?’
‘ના…ના…!’ હસીને એ બોલ્યા, ‘આ તો અંજલિ સાથે વોક પર નીકળ્યો છું!! યુ નો અંજલિ સાથે ચાલતા ચાલતા તારી જ વાત કરતો હતો. શું ન્યૂઝ છે. એની પ્રોગ્રેસ…?!’
‘યસ…!! ઈટ લુક્સ્ લાઈક એ બિગ ગેઈમ…!! એક ખતરનાક ખેલ…!!’
‘વૉટ…??’
‘યસ…સર…!! આઈ નિડ યોર ફુલ સપોર્ટ…!! એન્ડ ઈટ વિલ બી ઓન્લી યુ એન્ડ મિ…!! ઓન્લી…!! સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ…!!
‘અફકોર્સ…યુ વિલ ગેટ ઓલ સપોર્ટ…!! વ્હેર ઈસ બાબુ બિહારી…??’
‘હું તમને મળું છું. દશ વાગે…!! ઈફ ઈટ ઈસ ઓકે ફોર યુ…!!’
‘વ્હાઈ દશ વાગે…? કમ સુન…તું મારે ઘરે આવ…!! અંજલિ આજે ઉપમા બનાવવાની છે. વિ વિલ હેવ બ્રેક ફાસ્ટ ટુ ગેધર…!!’
‘મારે થોડાંક અખબારોની રેફ્રન્સ ફાઈલ જોવી છે. બીજું પણ એક ઈન્વેસ્ટીગેશન કરવાનું છે. પણ હું તમને બે-ત્રણ કલાકમાં મળું છું…!! અંજલિજીનો ઉપમા નેક્સ્ટ ટાઈમ…!!’
બરાબર હોમ વર્ક કરીને ઈ. અનંત કમિશ્નરને મળ્યા. એમની સચોટ રજૂઆતથી અને હકીકતથી કમિશ્નરશ્રી તો અચંબામાં પડી ગયા અને એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યા, ‘ધીસ વીલ બી વેરી ઈન્ટરેસ્ટીંગ…!! ગો એહેડ…!! કિપ ઈન ટચ…!! બ્રિફ મી..!! માય ઓલ સપોર્ટ ઈસ વિથ યુ ટુ ફાઈન્ડ આઉટ ધ ટ્રુથ…એન્ડ ઓન્લી ધ ટ્રુથ…!!’

ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ ગયો… લોકો ધીરે ધીરે અજય ખન્ના ખૂન કેસ ભૂલવા માંડ્યા હતા ત્યાં જ ‘આજતક’ના ક્રાઇમ રિપોર્ટર મનિષ દુબેના સેલ પર ટેક્સ્ટ મૅસેજ અવતર્યોઃ પ્લીસ કમ ટુ ધ ન્યૂઝ કૉન્ફરન્સ એટ મેઇન પોલીસ સ્ટેશન એટ નાઈન…!!
એવો જ એક મૅસેજ ‘એનડી ટીવી’ની બરખા દત્તને પણ મળ્યો. તો ‘ઝી ન્યૂઝ’ના રમેશ મેનન શા માટે રહી જાય? ‘સી. એન. એન’ની સુહાસિની હૈદર પણ ખરી જ…!!એજ રીતે ‘મિડ ડે’થી માંડીને દરેક સમાચારપત્રોના ખબરપત્રીઓને સંદેશો મળી ગયો. પોણા નવે તો કૉન્ફરન્સ રૂમમાં સર્વે રિપૉર્ટરો-કેમેરામેનથી છલકાય ગયો…!! સહુને આ પ્રેસ કૉન્ફરન્સ અંગે ઈંતેઝારી હતી.
બરાબર સવા નવે કમિશ્નર રિતેષ દેશમુખે હસતા હસતા કૉન્ફરન્સ રૂમમાં પ્રવેશ કર્યો, ‘ગુડ મોર્નિંગ એવરીવન…!! થેન્ક યુ વેરી મચ ટુ યુ ઓલ…!! યુ ઓલ આર હિયર ઈન વેરી શૉર્ટ નોટિસ…!! બટ બિલીવ મી…!! ધીસ વિલ બી ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બ્રિફીંગ ફોર મી એન્ડ યુ…! યુ વિલ ઓલ્સો સરપ્રાઈઝડ્ વિથ ધ ઈનફોર્મેશન ઓફ ધી પરફેક્ટ ક્રાઇમ…!!’
‘પરફેક્ટ ક્રાઇમ…!?’
‘હા, પરફેક્ટ ક્રાઇમ…! પણ તમે તો જાણો જ છો ને કે ક્રાઇમ નેવર પેઈઝ્…’ હસીને કમિશ્નર બોલ્યા, ‘આજે આપ સહુને ખન્ના ખૂનકેસ વિશે ઈન્ફોર્મ કરવા બોલાવ્યા છે. ધ મિસ્ટ્રી ઈસ નાવ રિસોલ્વ્ડ…!!’
‘ખન્ના ખૂનકેસ…!? અજય ખન્ના…!?’
‘હુ ઈસ મર્ડરર….!?’
‘કાતિલ કોન હૈ…!?’
‘ખૂની કોણ આહે…!?’
‘શાંતતા… શાંતતા…!!’ જરા મોટો અવાજ કરીને હસીને કમિશ્નર બોલ્યા, ‘એ જણાવવા માટે જ તો આપને અહિં બોલાવ્યા છે!’
એટલામાં જ પોલીસ યુનિફૉર્મમાં સજ્જ ઈ. અનંત કસ્બેકર ધીમેથી હૉલમાં દાખલ થયા. એમની સાથે પાછળ હાથકડી પહેરાવેલ મ્હોં પર બુરખો ચઢાવેલ એક શખ્સ પણ હતો જેને એમણે એમની બાજુમાં રાખેલ ખુરશી પર ધીમેથી બેસાડ્યો…!
કૉન્ફરન્સ રૂમમાં એક શાંતિ છવાઈ ગઈ.
‘ગુડ મોર્નિંગ એવરીબડી…!!’ ઈ. અનંતે એમના પ્રભાવશાળી ઘેરા અવાજે કહ્યું.’… તો ઓનરેબલ કમિશ્નર સાહેબે કહ્યું એમ ખન્ના ખૂન કેસ મિસ્ટરી ઈસ રિસોલ્વ્ડ…!! એન્ડ ધ મર્ડર વોઝ ડન બાય…!!’ કહીને એઓ અટક્યા
‘………………..??’
એમણે પેલા શખ્સના મ્હોં પરથી બુરખો દુર કર્યો…!!
‘મિસ્ટર અજય ખન્ના…!? ઓ માય ગોડ…!! હી ઈસ અલાઈવ…!! વો જિંદા હૈ…!?’ હોલમાં સર્વે પત્રકારો અચંબિત થઈ ગયા…! સહુ ગણગણાટ કરવા લાગ્યા…!!
‘હા…!! અજય ખન્ના જીવિત છે. આપની સમક્ષ રૂબરૂ છે…!!’
‘તો પછી ખૂની કોણ…!!’
‘ધીસ ઈસ એ વેલ પ્લાન્ડ…વેલ ફર્નિશડ્ ક્રાઇમ…!! એક એવો ખતરનાક ખેલ કે જેના ખેલાડી બહુ ચપળ અને ચબરાક છે…પણ એમની ચતુરાઈ એમને જ ભારે પડી ગઈ.’
‘તો પછી અજય ખન્નાનું અપહરણ કોણે કરેલ…!?’
‘અજય ખન્નાનું અપહરણ થયેલ જ ન્હોતું!! ઈટ વોઝ અ ડ્રામા… વેલ પ્લેઈડ બાય એન્ડ ડેઈઝીંગલી ડાયરેક્ટેડ બાય ખન્ના બ્રધર્સ…!!’
‘ખન્ના બ્રધર્સ ??’
‘યસ…!! બન્ને ભાઈઓ આમાં સંડોવાયેલ છે!!’
‘ઇન્સ્પેક્ટર અનંત આપને ક્યારે અને કેવી રીતે જાણ થઈ કે…’
‘અજય ખન્ના જીવિત છે….?? એમનું ખૂન નથી થયેલ…??’ ઈ. અનંતે એ પત્રકારનું વાક્ય પુરૂં કર્યું…
‘યસ…અને પેલી બોડી કોની કે જેની સાથે અજય ખન્નાના ડીએનએ પણ મળતા આવ્યા અને એમનો દશ કરોડનો લાઇફ ઈન્સ્યુરંસ પણ ક્લિયર થઈ ગયો હતો…!?’
‘વેલ…વેલ…વેલ..!!’ કમિશ્નર ચર્ચામાં સામેલ થતા બોલ્યા, ‘સહુ એમ જ માનતા હતા કે અજય ખન્નાનું જ ખૂન થયેલ. પણ અમારા બાહોશ ઇન્સ્પેક્ટર અનંતની એક નજરે આ કેસને ઉકેલી નાંખ્યો. હવે ઈ. અનંત આપના સવાલોના જવાબો આપશે.’
‘આપને કઈ રીતે શક ગયો કે અજય ખન્ના જીવિત છે??’ બરખાએ પૂછ્યું.
‘આ કેસે મારી ઊંઘ ઉડાડી દીધી હતી. એક રાત્રે જ્યારે હું એની ફાઈલ લઈને બેઠો હતો. એમાં ડેડબોડીના ફોટોગ્રાફ્સ્ પણ હતા. આ ફોટોગ્રાફ્સ્ અમારા ફોટાગ્રાફરે બોડી જ્યારે ગટરમાં અંદર હતી ત્યારે લીધેલ. બોડી મુવ કરવા પહેલાં. એવા જ ડેડ બોડીના એક  ફોટા પર મારી નજર પડી. એક જ ફોટો…હા ફક્ત એક જ ફોટામાં વીંટીનો ભાગ હતો. એ પણ અસ્પષ્ટ…ઝાંખો…! એમાં મેં એ જોયું કે ડેડ બોડીના જમણા હાથની લાંબી વચલી આંગળીના અડધા તૂટેલ હાડકાંની ઉપર હથેલીની નજદીક વીંટી હતી. પણ જ્યારે વિકી ખન્નાએ બનાવેલ બ્લોગ પર મેં અજય ખન્નાના ફોટોગ્રાફ્સ જોયા ત્યારે દરેક ફોટાઓમાં એ મોટા હીરા વાળી ચમકતી વીંટી જમણા હાથની સહુથી નાની આંગળીની બાજુની આંગળીમાં હતી. નહિં કે મોટી આંગળીમાં…! તો પછી લાશમાં વીંટીની આંગળી એકદમ બદલાય કેમ ગઈ?!’ અજય ખન્ના નીચી નજરે બેઠા હતા એમની તરફ હસીને એક નજર કરી ઈ. અનંતે વાતનો દોર આગળ વધાર્યો, ‘મને શક ગયો. મેં પોલીસ ફોટોગ્રાફર પાસે પેલો એક ફોટો કે જેમાં વીંટીનો ભાગ અસ્પષ્ટ દેખાતો હતો એ એન્લાર્જ કરાવ્યા. અને એ સ્પષ્ટ થઈ ગયું કે લાશમાં આંગળી બદલાય ગઈ હતી. હા, લાશ સાવ કહોવાય ગયેલ અને આંગળીના ઉપરના બે સાંધાના હાડકાં તો ખરી પણ ગયેલ. આમ છતાં આંગળીના મૂળના હાડકાં પર વીંટી રહી ગઈ હતી. ખૂની ખૂન કરવા પહેલાં કદી લાશમાં વીંટીની પોઝિશન તો ન જ બદલે એ સ્વાભાવિક છે. મારો શક મજબૂત થવા લાગ્યો. મેં ન્યૂઝ પેપરના રેફ્રન્સ-જુના અંકોમાં અજય ખન્નાના ફોટાઓ પણ નિહાળ્યા. એઓ લાયન્સ ક્લબના પ્રૅસિડેન્ટ પણ હતા. એમના ફોટાઓ આસાનીથી મળી ગયા. દરેક ફોટાઓમાં વીંટી નાની આંગળીની બાજુની વેડીંગ ફિંગર પર જ હતી. એટલે વરસોથી માણસ એક હાથમાં વીંટી પહેરતો હોય તો એકાએક એનું સ્થાન ન બદલે!!’
“તો પછી ડીએનએ મૅચિંગ…!! અને એ ડેડ બોડી કોની…!!’
‘હું પણ ગૂંચવાયો તો હતો જ કે, ડીએનએ રિપોર્ટ ખોટો છે કે શું?! બાયોટેકનોલોજી લૅબ બેંગલુરૂને ફોન જોડ્યો. એમણે એમાં કોઈ જ ભૂલ થઈ શકે નહિ એમ ખાતરીપૂર્વક જણાવ્યું. અમે ડેડ બોડીની એક્સરેસ્ લીધેલ હતા. એમાં સ્કલના પણ દરેક એંગલથી એક્સરે લીધેલ  એટલે એ ફિલ્મ લઈને હું અજય ખન્નાના ડેન્ટિસ્ટને મળ્યો. એમના જડબાના એક્સરે સાથે ડેન્ટિસ્ટ પાસેના એમના ડેન્ચરના એક્સરેની સરખામણી કરી ડેન્ટિસ્ટે મને કહ્યું કે આ લાશના જડબાના એક્સરે અજય ખન્નાના એમના એક્સરે સાથે મેચ નથી થતા. અજયના ઉપરના જડબામાં જમણી તરફ એક દાઢ ઓછી હતી જે એ જ ડેન્ટિસ્ટે ઉખેડેલ. જ્યારે ડેડ બોડીના બધા દાંત સાબૂત હતા. આમ એ નક્કી થઈ ગયું કે જેને મૃત અજય ખન્ના સમજી રહ્યા હતા એ તો કોઈ બીજાની જ બોડી હતી!!’
‘કોન થા…??’
‘કોની લાશ હતી એ….!?’
‘કહું છું…એ પણ કહું છું… પણ એ પહેલાં અમારે અજય ખન્નાને શોધવાના હતા. મેં માનનિય કમિશ્નરસાહેબને વાત કરી એમને વિશ્વાસમાં લીધા. એમણે મને ફુલ સપોર્ટ કર્યો. કોઈને પણ જરા ગંધ ન આવવા દીધી. તમને પણ ત્યારે સાવ ખોટું બ્રિફીંગ કરતા રહ્યા અને અમે બાબુ બિહારીને શોધી રહ્યા છે ના ગીતો ગાતા રહ્યા. પણ ત્યારે અમે અજય ખન્નાને માટે જાળ બિછાવતા હતા. પણ એ જાળ બિછાવતા અમારે નાકે દમ આવી ગયો. ખન્ના બ્રધર્સના દરેક ફોન, ફેક્સ, ઈમેઈલ, સેલ ફોન પર અમારી વોચ હતી. ખાસો સમય ગયો. પણ અમને કંઈ જ જાણવા ન મળ્યું! ખન્ના ગૃપના દરેક ફોનના ટેપના ફીંડલા ના ફીંડલા અમારી પાસે છે. લગભગ દરેક ઈમેઈલ ફિલ્ટર થતી હતી. તો ય કંઈ જ માહિતી ન મળી. અજય ખન્ના ક્યાં છે એની કોઈ જ માહિતી ન મળી તે ન જ મળી. બન્ને ભાઈઓ સંપર્ક તો કરતા જ હશે. પણ કઈ રીતે…!?’ પાણી પીવા ઈ. અનંત કસ્બેકર અટક્યા એ ય રિપોર્ટરોને કઠ્યું.
‘કઈ રીતે…!? કઈ રીતે…!?’
‘એઓ એક બીજાના સંપર્કમાં રહેતા! દિવસ દરમ્યાન લગભગ દરેક કલાકે એમની વચ્ચે માહિતીની આપ-લે થતી. વિકીને ધંધાની સૂઝ ન્હોતી એટલે એને સલાહ-સૂચનની જરૂર પડતી. અરે!! એમના ફોટાઓ વિડીયોની પણ આપ-લે થતી.’
‘હાઉ…??’
‘એ પણ મને અચાનક જાણવા મળ્યું. વિકી ખન્નાએ અજયને શ્રદ્ધાંજલિ માટે બ્લોગ બનાવેલ એ તો આપને સહુને ખબર જ છે ને આપે એને બહુ ફુટેજ પણ આપેલ છે. આ બ્લોગ શું બલા છે એ જાણવા મેં પણ મારો એક બ્લોગ બનાવ્યો. મને ક્મ્પ્યુટરમાં ખાસ રસ નહિ. પણ આ બ્લોગ બનાવતા મને એ જાણવા મળ્યું કે બ્લોગ પર ડ્રાફ્ટ તરીકે માહિતી સાચવી શકાય અને એ પબ્લિશ કરવી ન પડે. આવી રીતે ચિત્રો. વિડીયો..ફોટોગ્રાફ્સ વગેરે સ્ટોર કરી શકાય. હવે જો તમારા બ્લોગનું યુઝર્સ નેઈમ અને પાસવર્ડ તમે બીજા કોઈને આપો તો એ પણ તમારા બ્લોગ પર જઈ શકે અને ડ્રાફ્ટ વાંચી શકે, બનાવી શકે, વાંચ્યા બાદ ડિલીટ કરી શકે…આમ કોઈને પણ જાણ થયા વિના, જાણ કર્યા વિના દુનિયાના કોઈ પણ ખૂણે તમે સંપર્કમાં રહી શકો. બસ ખન્નાબંધુઓ એમ જ કર્યું…બન્ને પાસે એ બ્લોગનંશ યુઝર્સ નેઈમ અને પાસવર્ડ હતા અને દિવસમાં કેટલીય વાર એઓ આ રીતે માહિતીની આપ-લે કરી લેતા. અલબત્ત, આ માટે પોલીસે એમના પ્રોવાઈડરનો સંપર્ક કર્યો પણ એમણે આના-કાની કરી. અમે પ્રોફેશનલ હેકર્સની મદદ લઈ એમના બ્લોગને દિવસો સુધી હેક કર્યો અને  દરેક માહિતી મેળવી લીધી. અજય ખન્નાનું નવું નામ-સરનામું મેળવ્યું! અજય ખન્ના આજે ગુલ મુહમદના નામે ઓળખાય છે અને એમનો મુકામ છે મોરિશિયસ…!! એમણે મોરિશિયસમાં હોટલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. હું મોરિશિયસ ગયો. ત્યાંની પોલીસનો સહકાર લઈ એમની ધરપકડ કરી.’
‘તો પછી કિડનેપિંગ અને પેલી લાશ…!!’
‘કિડનેપિંગ થયું જ ન્હોતું. કિડનેપિંગનો ડ્રામા કરવામાં આવેલ. દશમી જુને એમની બાબુ બિહારી સાથે મિટિંગ હતી અને ખન્ના વિવિંગ્સમાં બાબુ બિહારીને હડતાળ ન પડાવવા માટે એઓ મનાવી ન શક્યા. જો હડતાળ પડે તો એમને કરોડોનું નુકશાન થાય એમ હતું. વળી બાબુએ અજયને બે-ચાર શબ્દો ભલા-બુરા કહ્યા કે ગમે તે હોય. સમજાવીને બાબુ બિહારીને અજય ખન્ના એમની સાથે મુંબઈ લઈ આવ્યા. બન્નેએ મળી બાબુને પતાવી દીધો. બાબુનું શરીર-કાઠું અજય ખન્ના જેવું જ હતું. અજયની વીંટી પહેરાવી બાબુની લાશ આગળથી જોઈ રાખેલ બંધ પડેલ ગટરમાં પધરાવી દીધી. અજય ખન્નાએ પબ્લિક બુથનો ઉપયોગ કરી પોતાના જ અપહરણના ફોન પોતાના ભાઈ વિકીને કર્યા…
‘પણ આમાં એક ફોન તો ઇન્ટરનેશનલ થયેલ…!!?’
‘હા, એ માટે એમણે ‘મેજિક જેક’ નો ઉપયોગ કરેલ!! છ મહિના પહેલા અજય ખન્ના યુએસએ ગયેલ. ત્યાં એક ઉપકરણ મળે છે. એને મેજિક જેક કહે છે. એ એક યુએસબી પૉર્ટ અને હાઈસ્પિડ ઈન્ટરનેટથી મારફત ઇન્ટરનેશનલ ફોન માટેની સસ્તી ડિવાઇસ છે. એક વાર યુએસમાં એક્ટિવેઈટ કરતા તમને યુએસએનો લોક્લ ફોન નંબર મળે. દુનિયામાં ક્યાંય પણ હાઈસ્પિડ ઈન્ટરનેટ વાળા તમારા લૅપટોપ કે ડેસ્કટોપના યુએસબી પૉર્ટમાં  આ મેજિક જેક કનેક્ટ કરો ને બીજે છેડે તમારા ફોનનો જેક નાંખો તો તમે ફોન કરી શકો!! વિઓઆઈપીનો આ સહુથી સાદો અને સરળ ઉપયોગ કરી એમણે ઈંટરનેશનલ ફોન થયાનો ભ્રમ ઊભો કરેલ પણ ખરેખર એ ફોન તો અંધેરીની હોટલ લિલા પરથી  અજય ખન્નાના લૅપટોપ દ્વારા મેજિક જેકથી થયેલ. અહિં પણ એમણે વધારાની સાવચેતી તો રાખેલ જ…! કેમ ખરું ને મિસ્ટર ખન્ના..??’
‘…………….!’  અજય ખન્ના નીચું નિહાળી ગયા.
‘એમણે એ દિવસે હોટલ લિલા પરથી મેજિક જેક મારફત યુએસએ એક ઇન્ટરનેશનલ ફોન સર્વિસ પ્રોવાઈડ કરતી ફોન કાર્ડ એજન્સીને ફોન કરેલ. કારણ કે, મેજિક જેકને લીધે એમને એ ફોન લોકલ થાય અને એ એજન્સી મારફતે ઇન્ડિયા એમના ઘરે ફોન કરેલ. આમ અંધેરીથી જ અંધેરી ફોન વાયા અમેરિકા કરવામાં આવેલ. એટલે સંચાર નિગમ એ ફોન લોકેટ કરી ન શકેલ. ફોન કરી રાત રોકાઈ અજય ખન્ના બાબુ બિહારીના નામે જેટ એરવેઈઝની સવારની છ પચાસની  ફ્લાઇટ નંબર 9W2153 મારફત આગિયારમીએ કોલકાતા ગયા. કોલકાતાથી ફરી દિલ્હી આવ્યા અને ત્યાંથી એર ઈન્ડીયાની ફ્લાઇટ લઈ ખોટા પાસપોર્ટ પર ગુલ મુહમદના નામે મોરિશિયસ ગયા. ત્યાં એમણે અગાઉથી જ સારા એવા પૈસા મોકલી આપેલ. હજુ દરોડા પરથી વધુ માહિતી મળશે.’ ઈ. અનંત કસ્બેકરે એમના બ્લેક બેરી સેલ ફોન પર આવેલ મૅસેજ નિહાળી કહ્યું, ‘જે રિવૉલ્વરથી બાબુની કતલ કરવામાં આવેલ એ બાવીસ કૅલિબરની કૉલ્ટ વિકી ખન્ના પાસેથી મળી આવી છે. બાય ધ વે, ગઈ કાલે આખી રાત ખન્ના બ્રધર્સના દરેક ઠિકાના પર રેડ પાડવામાં આવેલ છે અને એ કાર્યવાહી હજુ ચાલુ જ છે. વિકીની પણ ધરપકડ થઈ છે અને ગરિમાદેવી લખનૌ છે ત્યાં એમને લેવા માટે મુંબઈ પોલીસ પહોંચી ગઈ છે. ઘણા જ ગફલાઓ બહાર આવવાના બાકી છે.’
‘એક વાતની સમજ પાડશો…ડીએનએ….!??’
‘યસ..!! ડીએનએ ટેસ્ટ…!!હમ્ …!! ધે આર સ્માર્ટ…વેરી સ્માર્ટ…!’ હસીને ઈ. અનંત કસ્બેકર બોલ્યા, ‘આખો ખતરનાક ખેલ એવો એમણે માંડ્યો કે એમાં ક્યાં ય લુપ હોલ ન હોય એની   પુરી કાળજી રાખી હતી. અહિં પણ એમની ચાલને દાદ દેવી જ પડે. જ્યારે મેં ડીએનએ માટે અજય ખન્નાના ટુથ બ્રશ કે કાંસકી કે હેર બ્રશની માંગણી કરેલ ત્યારે વિકીએ તો વિરોધ જ કરેલ. વીંટી ભાઈસાબની જ છે. ડીએનએ ટેસ્ટીંગની કોઈ જરૂર નથી. વગેરે વગેરે…!’ હસીને ઈ. અનંત બોલ્યા, ‘…પછી એણે સમય માંગ્યો. ભાભી સાહેબ હરદ્વાર ગયા છે નું બહાનું બતાવીને. અને તમે માનશો નહિ એ દિવસે જ એણે એની ભાભી ગરિમાને હરદ્વાર પણ મોકલી આપેલ. એઓને બે અઠવાડિયાનો સમય મળી જતા બન્ને બંધુએ વિચાર્યું. બ્લોગ પર ડ્રાફ્ટ દ્વારા માહિતીની, વિચારોની આપ-લે કરી. બાબુ બિહારી એમનો નોકરિયાત હતો. બાબુ ભિવંડી ખાતે ખન્ના વિવિંગ્સનો ચિફ સિક્યુરિટી ઓફિસર હતો. એનો યુનિફોર્મ હતો. એને એક લોકર પણ ફાળવેલ. એ લોકરની વિકીએ તલાશી લીધી. નસીબ જોગે એમાંથી એને બાબુ બિહારીનું હેર બ્રશ મળી આવ્યું જેના પર હેર ફોલિકલની સાથે સાથે એક-બે વાળ પણ હતા. લાશ બાબુની જ હતી…હેર બ્રશ બાબુનું જ હતું…!! ડીએનએ મેચ થાય જ ને…!! ડીએનએ મેચ થતા પોલિસે ડેન્ચર મૅચિંગ ન કર્યું. જે પાછળથી મારે કરાવવું પડ્યું! એમની દરેક ચાલ કાબિલે તારીફ હતી. અરે!! અપહરણની રાત્રે વિકી ખરેખર એની લેંડરોવર લઈને  રાતે અઢી વાગે વરસતા વરસાદમાં મુકેશ મિલ પર પણ ગયો હતો અને એ લેંડરોવરને પેલા ટેક્ષી ડ્રાયવરે પણ જોયેલ. મુકેશ મિલનું સ્થળ પણ એમણે અગાઉથી નક્કી કરેલ. આમ આ એક એવો ખતરનાક ખેલ હતો કે જેના ખેલાડીઓ અનાડી ન્હોતા…!! બહુ ચાલાક હતા…!! ચતુર હતા…!! પણ ક્રાઇમ નેવર પેઈસ..!! એક નાનકડી ભૂલ…એમને ગુન્હો કબૂલ કરવા માટે મજબૂર કરી ગઈ. આ ખેલમાં વિજય તો છેલ્લે સત્યનો જ થયો…!!’ ઈ. અનંત કસ્બેકરે અજય ખન્નાને નિહાળી કહ્યું,  ‘શું કહો, છો મિસ્ટર ખન્ના…!?’
‘રિયલી વેરી ઈન્ટરેસ્ટીંગ…!!’ સહુ પત્રકારો, ટીવી રિપોર્ટરસે ઈ.અનંત કસ્બેકરને ધન્યવાદ આપ્યા, ‘વિ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ મુંબઈ પોલીસ…!! ધેટ્સ વાય મુંબઈ પોલીસ ઈસ વન ઓફ ધ બેસ્ટ પોલીસ ફોર્સ ઓફ ધી વર્લ્ડ…!!’

લે. ;- નટવર મહેતા 
પોસ્ટ સાભાર;- સુરેશ કાક્લોતર

દેશ પરદેશ..!!

Standard

દેશ પરદેશ

~ નટવર મહેતા 
 દક્ષિણ ગુજરાતનાં કાંઠા વિભાગમાં અરેબિયન સમુદ્ર નજીક આવેલ દાંતી ગામમાં રોજની જેમ આજે પણ સમયસર વીજળી ગુમ થઈ ત્યારે કોળીવાડમાં રહેતા શાંતાબેને દીવો સળગાવતા નિસાસો નાંખી કહ્યું, ‘આજે સપરમાં દિવસે પણ લાઈટ ગઈ. મૂઆ આ લોકો ક્યારે બદલાશે?!’ હા, આજે સપરમો દિવસ હતો. આજે કાળી ચઉદશ હતી અને કાલે તો પ્રકાશનું પર્વ દિવાળી.
મહોલ્લામાં બાળકો તો કેટલાંક વયસ્ક પણ ફટાકડા ફોડી રહ્યા હતા એના ધડાકાનો અવાજ ક્યારેક ક્યારેક વાતાવરણમાં ચમકારા સાથે ગુંજતો હતો. શાંતાબેન માટે આ વરસની દિવાળી ખાસ હતી. એમના પતિ ઈશ્વરભાઈ કેનેડાથી ચાર વરસ બાદ દિવાળી નિમિત્તે ખાસ આવ્યા હતા. ફક્ત બે અઠવાડિયા માટે અને લાભપાંચમે તો એ ફરી ઊડી જવાના હતા. ઈશ્વરભાઈના કેનેડા ગયા બાદ એમના કુટુંબના દિવસો થોડા સુધર્યા હતા. બાકી તો એ જ ચારો કાપવાનો, ઇંધણા કરવા જવાનું, લોકોના ખેતરે નીંદવા જવાનું, જો કે એ કામ તો હજુ પણ એઓ કરતા જ હતા. પરંતુ, ત્યારે હાથ પર પૈસો દેખાતો નહીં ત્યારે હવે થોડી રાહત લાગતી. પરંતુ, એમને ઈશ્વરભાઈની ખોટ બહુ સાલતી. ઈશ્વરભાઈ કહેતા હતા કે હવે એઓ ત્યાં જઈને એમને અને જીગાને જેમ બને એમ જલ્દી કેનેડા બોલાવી લેશે. જીગો-જીગ્નેશ એમનો એકનો એક દીકરો હતો. બીએ થયેલ પણ ખાસ કામ ન મળતા એણે ટર્નર-ફીટરનું શિખવાની શરૂઆત કરી હતી. અને એનો આશય પણ એક જ હતો કે ગમે એમ કરી પરદેશ જવું. કાંઠા વિભાગનાં કુટુંબમાંથી એકાદ વ્યક્તિ ક્યાં ટર્નર, ફીટર કે વેલ્ડર હોય અને આરબ દેશોમાં કામ કરતો હોય એ સામાન્ય હતું. પરંતુ, ઈશ્વરભાઈ પાસે એવી કોઈ આવડત ન હતી તો ય એઓ કેનેડા પહોંચી ગયા હતા. અને ચાર વરસ બાદ દેશ આવ્યા. આજે એ શાંતાબેન અને એમના એકના એક દીકરા જીગ્નેશને કેનેડા લઈ જવા માટેના કાગળિયા કરવા બપોરના સુરત ગયા હતા અને જે એજન્ટે એમને કેનેડા મોકલાવ્યા હતા એને જ કામગીરી સોંપવી હતી જેથી બધું સમુસુતરું પાર પડે. શાંતાબેન એમની જ રાહ જોઈ રહ્યા હતાઃ હવે તો આવી જ રહેવા જોઈએ. એમણે ખાસ દૂધપાક, પુરી, વડા બનાવ્યા હતા જે ઈશ્વરભાઈને ખૂબ જ ભાવતા હતા.
ઈશ્વરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. પંદર વીંઘા ખારપાટની જમીન, મુખ્ય ખેતી ડાંગરની- ચોખાની. ચોમાસામાં પાક સારો રહેતો, ઊનાળુ ડાંગરની ખેતીમાં નહેરવાળા બહુ ત્રાસ આપતા. જ્યારે જોઈએ ત્યારે જ પાણી ન આવે. હાથ તંગ રહેતો. ત્રણ ભેંસ બેંકની લૉનથી લીધેલ એનું દૂધ ડેરીમાં ભરતા એ આવકથી થોડી રાહત રહેતી. ઈશ્વરભાઈ પહેલેથી જ મહેનતુ. પણ ખારપાટની જમીન પર મહેનત ઉગતી ન હતી. દાંતીની નજીક જ ઉંભરાટનો દરિયા કિનારો હતો અને ગાયકવાડ સ્ટેટના સમયથી જ ત્યાં વિહારધામ હતું. ત્યાં લોકો વેકેશન કરવા આવતા. રહેવા આવતા. વિહારધામમાં ગુજરાત ટૂરીઝમની રેસ્ટોરાં ‘તોરણ’માં વેઈટરનું કામ કરતા હતા. અને આ કામ એમને ખરેખર ઉપયોગી થઈ પડ્યું કેમકે એ કામને કારણે જ એઓ કેનેડા જઈ શક્યા. એક ઉનાળામાં એઓ ત્યાં કામ કરતા હતા ત્યારે હબીબ હાજીને કોઈ સાથે ફોન પર વાત કરતા સાંભળ્યુ કે હબીબ નામનો એક ઘરાક કોઈને કેનેડા સેટ કરવાની વાત કરી રહ્યો હતો. અને ઈશ્વરભાઈના કાન સતેજ થયા. હબીબ હાજી જ્યારે રેસ્ટોરાંની બહાર આવ્યો ત્યારે ઈશ્વરભાઈએ એને પુછી જ લીધું, ‘તમે એજન્ટનું કામ કરો છો?’
‘હા…’ હસીને હાજી બોલ્યો, ‘કેમ…?’
‘મારે કામ હતું. ફોરેન જવા માટે. કંઈ થાય તો…!’
‘આ મારો કાર્ડ છે.’ પોતાની કારનો દરવાજો ખોલતા હબીબ હાજીએ ઈશ્વરભાઈને બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘મને મળજે, જો થાય તો તારું પણ કામ કરી દઈશ.’
-દેશ પરદેશ ટ્રાવેલ્સઃ ઈશ્વરભાઈએ કાર્ડ પર વાંચ્યુ, દેશ અને દુનિયાભરના પ્રવાસ, વિસા, પાસપોર્ટ માટે મળો. સુરત નાનપુરાનું સરનામું હતું. ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસ હતા. સાચવીને એ બિઝનેસ કાર્ડ એમણે શર્ટના ઉપરના ગજવામાં મુક્યો.
‘ઇશ્વરિયા…’ ગલ્લા પર બેઠેલ મેનેજરે હસીને કહ્યું, ‘જો જે, આવા એજન્ટથી ચેતતો રહેજે. પૈસા ય જશે અને તું અહીં નો અહીં જ રહી જશે અને તારો બૂચ લાગી જશે.’
‘સાવ સાચું કીધું તમે,’ ઈશ્વરભાઈએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, ‘સો ગળણે ગાળીને જ હું પાણી પીઈશ જાનીભાઈ.’
‘તો સારું…!’
એક અઠવાડિયા પછી ઈશ્વરભાઈ મોટરસાયકલ પર સુરત ગયા. એમની પાસે ખખડધજ રાજદૂત મોટરસાયકલ હતી. સરનામા પરથી ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’ શોધતા વાર ન લાગી. એક બહુમાળી મકાનના પહેલાં માળે ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’ની વિશાળ એરકન્ડિશન્ડ ઓફિસ હતી. રિસેપ્શનિસ્ટે એમને બેસવાનું કહ્યું. થોડા સમય બાદ અંદર કાચની દીવાલ પાછળ બનાવાયેલ ઓફિસમાં એમને જવાનું કહેવાયું. એમને થોડો ડર લાગતો હતો, સંકોચ થતો હતોઃ સાથે કોઈને લાવ્યો હોત તો સારું. એમ વિચારી એઓ અંદર દાખલ થયા. સામે જ મોટા ટેબલ પાછળ ખુરશી પર સફેદ શર્ટ પેન્ટમાં હબીબ હાજી બેઠેલ હતો.
-કાયમ સફેદ જ કપડાં પહેરતો હોય એમ લાગે! ઈશ્વરભાઈએ વિચાર્યું.
‘આવો…’ હબીબે આવકારતા કહ્યું, ‘શું મદદ કરી શકું?’
ઈશ્વરભાઈએ શર્ટના ઉપરના ગજવામાંથી બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘હું મળ્યો હતો તમને… ઉંભરાટ.. યાદ છે?!’
‘હં…’ વિચારતો હોય એમ હબીબે કહ્યું.
એટલામાં જ એક છોકરી ચાનો કપ લઈને આવી અને ઈશ્વરભાઈને આપ્યો.
‘પીજીએ…’ હબીબે ઈશ્વરભાઈને વિનંતિ કરી, ‘મને યાદ નથી આવતુ. ઐસા હૈ કી બહૂત લોગોસે મિલના-જૂલના રહેતા હૈ…! સોરી. પણ યાદ નથી આવતુ.’ હબીબે ઈશ્વરભાઈએ આપેલ એનો બિઝનેસ કાર્ડ હાથમાં ફેરવતા ફેરવતા કહ્યું.
‘તમે ઉંભરાટ આવ્યા હતા. એક અઠવાડિયા પહેલાં. હું ત્યાં તોરણ હોટલમાં વેઈટરનું કામ કરું!’ ઈશ્વરભાઈએ યાદ અપાવવાની કોશિષ કરતા કહ્યું, ‘મેં તમને કહ્યું હતું. ફૉરેન જવા માટે. અને તમે કાર્ડ આપી કહ્યું હતું કે, મને મળજે. એટલે હું અહીં આવ્યો છું…!’
‘ઓ….કે…!’ ચહેરા પર હાસ્ય લાવી હબીબે કહ્યું, ‘તો વાત એમ છે. બોલો ક્યાં જવું છે?’
‘……………’ ઈશ્વરભાઈ મૌન, શું જવાબ આપે?
‘કોઈ રિલેટિવ્સ, સગુ-વહાલું છે ફોરેનમાં?’ હબીબે પૂછ્યું.
‘ના…!’ થૂંક ગળી ઈશ્વરભાઈએ કહ્યું, ‘કેમ એના વિના ન જવાય?’
‘જવાય ને…!’ હસીને હબીબે કહ્યું, ‘એના માટે જ તો અમે બેઠાં છીએ!’
‘…તો મારું કંઈક કરોને…પ્લીઝ…!’
‘કંઈ આવડત છે?’
‘… એ તો કામ પર આધાર રાખે…!’ સહેજ અટકીને ઈશ્વરભાઈએ કહ્યું, ‘હું ગમે એ કામ કરવા તૈયાર છું!’
‘સરસ…’ કમ્પ્યૂટરના મોનિટર પર નજર કરતા હબીબે કહ્યું, ‘તમારું તકદીર જોર કરે છે. એક પાર્ટી છે કેનેડા, મોટી પાર્ટી. એને ચાર પાંચ માણસો જોઈએ છે. ખાસ તો ઘરકામ, મોટેલમાં કામ કરી શકે એવા. પથારી બનાવે, સાફ-સફાઈ કરે, પરચૂરણ કામકાજ બધા જ પ્રકારનું કરે એવા. ત્રણ જણ તો તૈયાર છે. બે વિકમાં તો એ ઉપડી જશે…!’
‘મારું કંઈ થાય કે નહીં ત્યાં…?!’
‘થાય તો ખરૂં લેકિન ખર્ચો કરવો પડે એના માટે પહેલાં. ત્યાં ગયા પછી એ વસૂલ થઈ જાય.’
‘ખર્ચ કરવા હું તૈયાર છું…પણ ત્યાં ખરેખર જવાવું જોઈએ. અને રહેવાવું જોઈએ…કોઈ ગરબડ ન થવી જોઈએ…!’
‘આવડી મોટી ઑફિસ લઈને બેઠો છું હું પંદર વરસથી. કેટલાયને ઠેકાણે પાડ્યા. આપણું બધું જ લીગલ… બાકાયદા… નહીંતર તાળા ન લાગી જાય?’ હસીને હબીબે કહ્યું, ‘ન થતું હોય તો મોઢાં પર જ ન પાડી દેવાની. ચાંદ કોઈને પણ થાળીમાં ન બતાવવાનો આપણો ઉસૂલ… ! જે કંઈ હોય એ બધું ચોખ્ખું. સાફ..!’
‘કેટલો ખરચ થાય?’
‘આ તો હમણાં કેનેડાની લાઈન ખૂલી છે. કોણ જાણે ક્યારે એ બંધ થઈ જાય અમેરિકાની જેમ! એ પણ કેનેડાના અમુક ભાગ, ચોક્કસ સ્ટેટમાં જ એન્ટ્રી છે. જ્યાં એમને માણસોની જરૂર છે. વસ્તી ઓછી એ વિભાગમાં, અને ત્યાં ઠંડી સખત…!’
‘તમે કહ્યું નહીં. ખરચ કેટલો થાય?’
‘ત્યાં તમને ઉતારી દેવાના હોય તો ઓછો થાય, પણ આ તો કામની ખાતરી. જોબ પ્લેસમેન્ટ સાથે. એટલે પંદર પેટી તો થાય…!’
‘પંદર…?’
‘પંદર લાખ…! એમાં બધું જ આવી જાય. પાસપોર્ટ… મુંબઈથી વીનીપેગની એર ટિકિટ…! અરે…! તમને ત્યાંથી તમારા રહેવાના ઠેકાણે જવાનું પણ આવી જાય. ત્યાં ઉતરો એટલે આપણો માણસ તમને રિસીવ કરવા તૈયાર હોય…!’
‘પંદર તો…’ નિરાશ થતા ઈશ્વરભાઈએ કહ્યું, ‘મારી લિમિટની બહાર…’ સહેજ વિચારીને કહ્યું, ‘કંઈ વાજબી…’
‘ઓ…કે…!’ સવાલ કરતા હબીબે પૂછ્યું, ‘તમારી લિમિટ મને કહો…! તો…’
‘પંદર તો બહુ વધારે…!’ ઈશ્વરભાઈએ લગભગ ઊભા થવાની તૈયારી કરતા કહ્યું.
‘અરે…!’ હસીને હબીબે કહ્યું, ‘તમે એમ જ ઊભા થઈ જાઓ એ ન ચાલે, શું કહ્યું નામ તમારું? જૂઓને મેં તો નામ પણ નથી પૂછ્યું.’
‘ઈશ્વર…’
‘વાહ…! ઈશ્વર એટલે અલ્લાહ…! ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન! ’ ઈશારાથી બેસી જવાનું કહેતા હબીબ બોલ્યો, ‘જૂઓ ઈશ્વરભાઈ, આપના માટે દશમાં કામ કરી આપીશ! એક પણ પૈસો એનાંથી વધારે નહીં કે ઓછો નહીં. અડધા પહેલાં. અડધા કેનેડાના પેપર અને ટિકિટ તમારા હાથમાં આવે ત્યારે. ખાતરીનું કામ. કોઈને પણ મારા વિશે પૂછી જુઓ. હું તમને એડ્રેસ આપું. જો કોઈ ‘દેશ પરદેશ’ વિશે એલફેલ બોલે તો દશને બદલે પંદર મારે તમને આપવાના…! કામ ગેરેન્ટીનું. અને તમે તકદીર વાલા છો કે મારી પાસે ઓપનિંગ છે. લાઈન ક્લિયર છે. બાકી આજે વીસ-પચ્ચીસ આપીને જવા વાળા પડ્યા છે!’
‘વિચારીને જણાવું…?’
‘બેશક…!’ હસીને હબીબે કહ્યું, ‘એમ તો વિચારવા જેવું કંઈ નથી! આવો ચાન્સ ન મળે. પણ મને ઉત્તર જલ્દી જોઈએ. એકાદ અઠવાડિયામાં. કારણ કે, કેનેડાવાળી પાર્ટીને ઉતાવળ છે. અને કેનેડા સરકારનું પણ કંઈ કહેવાય નહીં. ક્યારે ઈમિગ્રેશનના કાયદા બદલાય જાય અને ક્યારે લાઇન બંધ થઈ જાય એનું કંઈ જ કહેવાય નહીં. જે કંઈ છે એ આજે છે, હમણાં છે. કલકી બાત કોન જાને?’
‘પણ મારે ફેમિલી સાથે…’
‘અરે! એ કહેવાનું તો હું ભૂલી જ ગયો… ઈશ્વરભાઈ,’ અચાનક કંઈ યાદ આવતા હબીબે કહ્યું, ‘તમારે ત્યાં ગયા પછી પીઆર કાર્ડ મલી ગયા પછી ફેમીલીને પણ બોલાવી શકાશે. બસ તમે ત્યાં કેવું કામ કરો એના પર આધાર. ત્રણ વરસનો કોન્ટ્રેક્ટ કરવાનો રહેશે. એટલે ત્રણ વરસ તો કામ પાક્કુ!’
‘હું ફરી મળું તમને ફેમિલી સાથે વાત કરીને…’ ખંચકાતા ખંચકાતા પૂછ્યું, ‘કોઈ લોચો તો નથીને?! ન પડે ને?!’
‘કસમ ખુદાની…હાજી છું! બે વાર હજ કરી છે. ખુદાના કસમ ખાઈને કહું કે કંઈ લોચો નથી.’ ગળા પર જમણા હાથની આંગળીઓ લગાવી હબીબે કસમ ખાધી.
ઘરે આવ્યા બાદ ઈશ્વરભાઈએ ઘણું વિચાર્યું. એક અવઢવ થયા રાખતી હતી. પેપરમાં એવા ઘણા કિસ્સા વાંચ્યા હતા જેમાં પરદેશ જવાની ઘેલછામાં કેટલાકે પૈસા ગુમાવ્યા હતા. એમની પાસે ખાસ આવડત ન હતી. ગામમાં ઘેર ઘેરથી કોઈને કોઈ ફોરેન, મસ્કત, અબુ-ધાબી, દુબઈ, વગેરે ગયા હતા. જીગ્નેશ પણ બહાર જવા માટેની વાત કરી રહ્યો હતો.
-દશ લાખ બહુ મોટી રકમ હતી.
-પણ એક વાર કેનેડા ગયા બાદ એ એકાદ વરસમાં તો કમાઈ લેવાય. આ તો પાછું કામ સાથે.
-દશ લાખ કાઢવા ક્યાંથી? ઈશ્વરભાઈ ગુંચવાય ગયા.
-જમીન…! જમીન કાઢી નાંખું?
-મકન પટેલને જોઈતી જ છે. એ ક્યારનો માંગ માંગ કર્યા કરે છે. આમ પણ મહેનત કરીને મરી જઈએ ત્યારે માંડ ભાત પાકે. એમના ખેત પડોશી મકન પટેલનો દીકરો દુબઈ ગયો હતો. ત્યાં એણે ખાસી કમાણી કરી હતી. અને મકન પટેલે દીકરાની કમાણી જમીનમાં રોકવા માંડી હતી. ખાસી જમીન એમણે ખરીદી લીધી હતી. દાંતી ગામમાં મકનની જમીન સૌથી વધારે હતી. અને એની પાસે ટ્રેક્ટર પણ હતું.
-જોઈએ! એ મકનિયાને જ દાણો દાબી જોઉં. ઈશ્વરભાઈએ વિચાર્યું.
શાંતાબેનને ઈશ્વરભાઈએ કેનેડા અંગે વાત કરી.
‘જે કંઈ કરો એ સમજી વિચારીને કરજો…’ શાંતાબેન તો એવું જ માનતા હતાઃ ‘ઈશ્વર’ કરે એ ખરું!
મકનભાઈને મળી ઈશ્વરભાઈએ જમીનની વાત કરી. મકનભાઈ તો તૈયાર જ હતા. સોદો જલ્દી પાર પડ્યો. અને હાથ પર પૈસા આવી જતા ઈશ્વરભાઈએ સુરત જઈ હબીબ હાજીને મળી કેનેડા જવા માટે આગળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી. ગામલોકોએ એમને ચેતવ્યા. પરંતુ, ઈશ્વરભાઈએ યા હોમ કરી ઝંપલાવી જ દીધુઃ જે થવાનું હોય એ થાય!
હબીબ હાજી પહોંચેલ હતો. એણે એના ચક્રો ગતિમાન કર્યા. ઈશ્વરભાઈને કેનેડિયન કૉન્સ્યુલટ જરનલ તરફથી પુછાનારા સવાલો માટે તૈયાર કરતા કહ્યું, ‘આમ તો બધું જ ક્લિયર છે. પણ તમારા પર પણ ઘણો આધાર રાખશે જ્યારે તમને કેનેડિયન ઍમ્બેસી પર બોલાવશે. જેટલું પુછે એનો જ જવાબ આપજો. સવાલ જવાબ આમાં તૈયાર જ છે. તમને ત્યાં ઇન્ટપિટર મળશે. એટલે લૅન્ગવેજનો તો વાંધો ન આવવો જોઈએ. બસ તમે કોન્ફિડસ રાખજો. ડરતા નહીં. અલ્લાતાલા પરવરદિગાર ભલું જ કરશે.’
-અને અલ્લાતાલાએ ખરેખર ભલું જ કર્યું. ઈશ્વરભાઈને વીસા મળી ગયા કેનેડાનાં. ઈશ્વરભાઈ-શાંતાબેનની ખુશીનો પાર ન હતો. જીગ્નેશ તો માની જ ન શકતો હતો કે એના પપ્પા કેનેડા જઈ રહ્યા હતા. હવે એ પણ થોડા વરસમાં જઈ શકશે. કેનેડામાં શરૂઆતમાં તકલીફ પડી ઈશ્વરભાઈને! અજાણ્યો દેશ, અંગ્રેજી ભાષા, કડકડતી ઠંડી. પણ એક ધ્યેય સાથે આવ્યા હતા ઈશ્વરભાઈ કેનેડા. ગમે એ થાય ટકી જવું અને એટલું જ નહીં પણ દેશથી કુટુંબને પણ કેનેડા બોલાવી લેવું. ઈશ્વરભાઈને હબીબ મારફત જેણે સ્પોન્સર કરેલ એ ઇસ્માઇલભાઈનો બહોળો વેપાર હતો કેનેડામાઃ ગેસ સ્ટેશન(પેટ્રોલ પમ્પ), મોટેલ, ગ્રોસરી સ્ટોર, રેસ્ટોરાં! એમને માણસની, મહેનતુ માણસોની ખાસ જરૂર હતી. અને મહેનત કરવામાં તો ઈશ્વરભાઈ પાછળ પડે એમ ન હતા. થોડા વરસમાં તો એઓ ઇસ્માઇલભાઈના ખાસ માણસ બની ગયા. એમને એક રૂમ રસોડાનો એપાર્ટમેન્ટ એની મોટેલમાં રહેવા આપી દીધો. રૂમ બનાવવાથી માંડીને બાથરૂમ સાફ કરવા જેવા કે સ્નો પડે તો વોકવેમાંથી રાત-મધરાતે સ્નો સાફ કરવાના કામ કરવામાં પણ ઈશ્વરભાઈને નાનમ ન લાગતી. નકાર તો એમની જીવ્હા પર હતો જ નહીં. ચાલશે, ફાવશે અને ભાવશે…એમણે અપનાવી લીધું હતું.
-યસ મેન. હા, ઇસ્માઇલભાઈએ ઈશ્વરભાઈનું નામ પાડ્યું હતું. એઓ ખુશ હતા. ઈશ્વરભાઈ તરફથી. એમના કામકાજથી.
‘હલો…’ ઈશ્વરભાઈના ફોન આવતા કેનેડાથી, ‘શાંતા…!’
‘હલો…!’ શાંતાબેન વાત ન કરી શકતા, ગદગદિત થઈ જતા, ‘કેમ છો તમે? ઠંડીથી સાચવજો!’
‘અરે! ફીકર ન કર તુ મારી. અને ઠંડી તો બહાર હોય, ઘરમાં, એપાર્ટમેન્ટમાં ન હોય. અને કામ પર પણ ન હોય!’
‘તે તમે કામ શું કરો?’
‘કામ એટલે કામ…!’ હસીને ઈશ્વરભાઈ કહેતા, ‘કંઈ પણ કામ…ઇસ્માઇલભાઈ, મારા શેઠ, મારા બૉસ, મારા માલિક જે કહે એ બધા જ કામ કરું. એ ખુશ તો આપણે ખુશ. અને એમની પાસે કામની ખોટ નથી. થોડા સમયમાં તો તમને બોલાવી લઈશ. એઓ બહુ ભલા માણસ છે. ખુદાના બંદા. છે મુસલમાન.. પણ આપણને શું? આપણે તો આપણું કામ ભલું અને પૈસા નિયમિત આપી દે. દર શુક્રવારે ચેક જમા થઈ જાય પગારનો.’
‘જમવાનું…?’ શાંતાબેન ચિંત્તાતુર અવાજે પૂછતા, ‘ખાવાનું શું કરો છો?’
‘અરે…! ખાવાની ક્યાં ફીકર કરે છે? તને ખબર તો છે ને કે મને રાંધતા આવડે. તો પછી ફીકર શાની?’
‘જો હું થોડા થોડા દિવસે પૈસા મોકલાવીશ. સીધા તમને ન મોકલાવી શકાય તો પેલા ‘દેશ પરદેશ’ વાળા હબીબભાઈના માણસો આવીને આપી જશે!’ ઈશ્વરભાઈએ સમજાવતા કહ્યું, ‘એને કંઈક હવાલો કે એવું કહે. પણ ઇસ્માઇલભાઈ કહે કે એમાં જ સારું. એમાં ડૉલરના પુરા પૈસા એટલે કે રૂપિયા મળશે.’
…. એમ જ નિયમિત પૈસા આવતા રહ્યા, અને હવે ઈશ્વરભાઈ પણ આવી ગયા ને લાભપાંચમે તો પાછા જતા રહેવાનાં હતા.
‘જો… ને… જીગા…!’ શાંતાબેને ઘડિયાળમાં નજર કરતા કહ્યું, ‘નવ વાગી જવાના ને તારા પપ્પાનું કંઈ ઠેકાણું નથી!’ શાંતાબેનન અવાજમાં ચિંતા હતી, ‘આપણા કાગળિયા આપવા એ સુરત ગયા છે તારી મોટરસાયકલ હોન્ડા પર! મોબાઇલનો પણ જવાબ આપતા નથી! ઉંચકતા નથી! તું સાથે ગયો હોત તો શું થાત? બળી તારી મેચ…!’
‘એ આવશે… આવી જશે. કદાચ બેસી ગયા હોય બેઠક જમાવીને પેલા હબીબ સાથે. એના માટે બોટલ પણ લઈ ગયા છેને બ્લેક લેબલની તો…!’ જીગ્નેશે હસીને કહ્યું, ‘મેં કાલે જવા કહ્યું તો આજે જ ઉપડી ગયા. મારે આજે ઉંભરાટ ઈલેવન સાથે સેમીફાયનલ મેચ હતી. મેં પચ્ચોતેર રન બનાવી ઉંભરાટ ઈલેવનને ટુર્નામેંટમાંથી હટાવી દીધી!’ જીગ્નેશ માટે ક્રિકેટ જાણે બીજો ધરમ હતો.
‘તો ય તારે જવું જોઈતું હતું સાથે. એક મેચ ન રમતે તો…!’ પણ એમની વાત કાને ધર્યા વિના જીગ્નેશ બહાર જઈ ફટાકડા ફોડવા લાગ્યો. આ વરસે તો ગયા વરસ કરતા વધારે ફટાકડા અને ખાસ તો સુતળી બોંબ લાવ્યો હતો. એના ધડાકાઓથી કોળીવાડ ધ્રુજવા લાગ્યું.
જીગ્નેશના મોબાઈલ પરથી શાંતાબેને ફરી ઈશ્વરભાઈને ફોન કર્યો. પણ રીંગ વાગતી રહી. અને થોડા સમય પછી મોબાઈલ ફોન કંપનીનો મેસેજ દર વખતની જેમ સાંભળવા મળ્યોઃ તમે ડાયલ કર નંબર કોઈ ઉપાડતું નથી, કૃપયા થોડા સમય પછી ડાયલ કરવા વિનંતિ છે…!
શાંતાબેનની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો.
‘જી…ગા…!’ ઘરની બહાર ફળીયામાં આવી શાંતાબેને બૂમ પાડવા માંડી, ‘જીગા…! જી…..ગા….!’ આજૂબાજૂ નજર કરી એમણે એક છોકરાને કહ્યું, ‘જોને જીગ્નેશને શોધી કાઢ…! જી….ગા…!’
‘શું છે…!?’ પાંચેક મિનિટ પછી જીગ્નેશ આવ્યો, ‘આવ્યો પપ્પાનો ફોન…?’
‘નથી આવ્યો…!’ શાંતાબેને નિસાસો નાંખી કહ્યું, ‘એવું હોય તો તારા પપ્પા ફોન કરીને કહે કે એને મોડું થવાનું છે. ઉપાડતા જ નથી મોબાઇલ!’
‘પેલા હબીબને ફોન કર…’ ફોન હાથમાં લઈ એણે કહ્યું, ‘એનો નંબર આપ.’
‘એની ઑફિસનો નંબર છે. એના પર પણ મેં ફોન કર્યો. કોઈ ઉપાડતુ નથી.’
‘એ તો અત્યારે બંધ જ હોય ને?!’ ચીઢાયને જીગ્નેશ બોલ્યો, ‘સેલ ફોન નંબર આપ..’
‘એ તો તારા પપ્પાના ફોનમાં જ છે…!’ લગભગ રડી પડતા શાંતાબેને કહ્યું, ‘પપ્પા ફોન લઈ ગયેલ એમાં.’
‘ઓ…હ…’ એની ટેવ મુજબ જીગ્નેશથી ગાળ દેવાય ગઈ! હવે એને પણ ચિંતા થવા લાગી હતી. એની મોટરસાયકલ લઈને જ પપ્પા ગયા હતા. એટલે એણે કોઈની મદદ લેવી પડે. એ જલ્દીથી મહોલ્લામાં બહાર આવ્યો. પડોશમાં જ જીતુ રહેતો હતો. એની સાથે જીગ્નેશને બહુ બનતું ન હતું. પણ આજની વાત અલગ હતી. એણે જીતુને વાત કરી એની પાસે મોટરસાયકલ હતી. એને વાત કરતા એ તૈયાર થયો એની મોટરસાયકલ લઈને.
‘અમે પપ્પાને શોધવા જઈએ છીએ!’ જીગ્નેશે ચંપલ ચઢાવતા કહ્યું, ‘લાવ એકવાર મને રીંગ કરી જોવા દે, કદાચ નેટવર્કમાં ખામી હોય તો લાગી પણ જાય…!’
જીગ્નેશે પ્રયત્ન કરી જોયો. પણ સામેથી કોઈએ ન ઉપાડ્યો, ‘અમે મરોલી ચાર રસ્તા સુધી જઈ આવીએ. કદાચ, હોન્ડા બગડી ગયું હોય. કદાચ…’ જીગ્નેશને આગળ વિચારતા ધ્રુજારી થતી હતી.
શાંતાબેન તો રડવા જેવા થઈ ગયા. ઘડિયાળમાં દશ વાગી ગયા હતા.
જીતુ-જીગ્નેશે મોટરસાયકલ મારી મૂકી. આકાશમાં થોડા થોડા સમયે ચમકારા થયા રાખતા હતા. ફટાકડાના! રોકેટના…!
મરોલી ચાર રસ્તા સુધી કોઈ નિશાની ન મળી. કોઈ અકસ્માતની. જો એવું કંઈ થયું હોય તો…!
મરોલી ચાર રસ્તા પર બન્ને થોડો સમય રોકાયા. ત્યાં લારીવાળાને પણ પૂછી જોયું. કંઈ જોયું હોય…કંઈ સાંભળ્યું હોય…પણ એ બધા દિવાળીની રજાના મિજાજમાં હોવાથી ઘરે જવાની ઊતાવળમાં કે પારકી પંચાતમાં ન પડવાની માનવસહજ ખાસિયતને કારણે કોઈએ બરાબર જવાબ ન આપ્યા.
‘પોલીસમાં જઈએ તો…?!’ જીગ્નેશે જીતુને સુચન કર્યું.
જીતુની ઇચ્છા ન હતી, ‘એમને એમ પોલીસમાં…?’
જીગ્નેશ સમજી ગયો. જીતુએ ઢીંચ્યો હતો. એના મ્હોંમાંથી દેશી દારૂની વાસ આવતી હતી. એટલે સ્વાભાવિક એ પોલીસમાં જવાનો ઇન્કાર જ કરવાનો.
‘ચાલ જીગ્નેશ…!’ જીતુએ એની મોટરસાયકલને કીક મારી, ‘ઘરે જઈએ. ઈશ્વરભાઈ ઘરે આવી પણ ગયા હોય…!’
જીગ્નેશને સમજ પડતી ન હતીઃ શું કરવું? ન છૂટકે એ જીતુની પાછળ બેઠો. અને જીતુએ દાંતી તરફ મોટરસાયકલ પુરપાટ હાંકવા માંડી.
હજુ ઈશ્વરભાઈ આવ્યા ન હતા. શાંતાબેને રડતા હતા. બાર વાગી ગયા હતા. કંઈક એવું અજુગતું બની ગયું હતું કે જે ન બનવું જોઈએ. થોડા મહોલ્લાના માણસો, પડોશી પણ એકત્ર થઈ ગયા હતા. અને ધીમા સાદે જાતજાતની વાતો કરતા હતા.
-એકલા જવું ન જોઈએ.
-પીધું હશે.
-કોઈ ઠોકીને ચાલી ગયું હોય.
-હેલ્મેટ તો પહેરવી જોઈએ.
-રસ્તા કેટલા ખરાબ. ખાડાઓ કેટલાં છે?
-સપરમાં દિવસે તો ઘેર રે’વું જોઈએ.
-જમાનો બહુ જ ખરાબ છે.
લગભગ રાતે અઢી વાગે એમના બારણે પોલીસ જીપ આવીને ઊભી રહી. બહાર જ ગુસપુસ વાતો કરી એમણે જીગ્નેશને બહાર બોલાવ્યો. એની હીરો હોન્ડા મોટરસાયકલનાં નંબરની ખાતરી કરી કહ્યું, ‘ઍક્સિડન્ટ થયો છે. સચીનના વળાંક પર!’ પોલીસે મોટરસાયકલના નંબર પરથી એમનું સરનામું શોધ્યું હતું અને ખબર કરવા આવ્યા હતા.

શાંતાબેને તો ઠૂંઠવો જ મૂક્યો અને રડતા રડતા એઓ બેહોશ થઈ ગયા. જીગ્નેશ પણ રડવા લાગ્યો.
-આ શું થઈ ગયું?!
ઈશ્વરભાઈને અકસ્માત થયો હતો સચીનના વળાંક આગળ. આમ પણ એ વળાંક ભયજનક જ હતો. કોઈએ પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કોઈ વાહને ટક્કર મારી હતી એમની મોટર સાયકલને. એમનો દેહ સુરત સિવિલ હૉસ્પિટલમાં હતો.
કાળી ચઊદશનો અંધકાર ઘેરો બની વધારે ગાઢ થઈ ગયો. સોપો પડી ગયો દાંતી ગામમાં.
ગામના સરપંચ, પોલીસ પટેલ પણ ઈશ્વરભાઈના ઘરે આવી ગયા. એમની પાસે જીપ હતી. જીગ્નેશને લઈ એઓ રાતોરાત સુરત સિવિલ હૉસ્પિટલ પર પહોંચ્યા. પણ રાતે તો પોસ્ટ્મૉર્ટમ શક્ય ન હતું. ઉપરાંત, ઘણા સર્જ્યનો પણ દિવાળીની રજા પર હતા. માંડ મોડી સવારે પોસ્ટ્મૉર્ટમ થયા બાદ ઈશ્વરભાઈનો દેહ મળ્યો. કાળી ચઉદશ કાળમુખી બની ગઈ હતી. ઈશ્વરભાઈને હેમરેજ થયું હતું. માથામાં માર વાગવાથી આંતરિક રક્તસ્રાવથી એમનું તત્કાળ મૃત્યુ થયું હતું. ઉપરાંત એમનું જડબું પણ તૂટી ગયું હતું. એમણે હેલ્મેટ પહેરી ન હતી. જો હેલ્મેટ પહેરી હોત શાયદ બચી જાત. એમના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ન હતું. જો કે એમની પાસે મોટરસાયકલ ચલાવવાનું કાયદેસરનું લાયસન્સ ન હતું.

શોકમગ્ન ગામમાં સ્મશાનયાત્રા નીકળી હતી ઈશ્વરભાઈની. આખું દાંતી ગામ હીબકે ચઢ્યું હતું.
સચીનના પોલીસ ઇનસ્પેક્ટર વિક્રમસિંહ પરમારે ઈશ્વરભાઈની મોટરસાયકલને ટક્કર મારનાર વાહનની ઘણી શોધખોળ કરી પણ કોઈ માહિતી મળતી ન હતી. આમ તો એ રસ્તો ખાસો વ્યસ્ત રહે. એના પર ઘણી આવનજાવન હોય. પણ કોઈ ચશ્મદીદ ગવાહ મળતા ન હતા. વળી દિવાળીનો ઉત્સવ પણ હોય સહુ એની ઊજવણીમાં પડ્યા હતા. અકસ્માત વખતે ઈશ્વરભાઈનો મોબાઈલ ફોન તૂટી ગયો હતો. એમને ઉપરના ગજવામાં ફોન રાખવાની આદત હતી અને ફોન સરકીને રોડ પર પડી ગયો હતો. એના પરથી કોઈ વાહન પસાર થતા એ તૂટી ગયો હતો અને એ જ કારણે શાંતાબેને કે જીગ્નેશે જે ફોન કરેલ એના કોઈ પ્રત્યુત્તર મળ્યા ન હતા.
અકસ્માતના ત્રણ દિવસ બાદ, બપોરે ઈશ્વરભાઈના ઘરે હબીબ હાજીની સફેદ સેન્ટ્રો આવીને ઊભી રહી. મહોલ્લામાં હજુ ય ઘેરો માતમ હતો. શ્વેત કપડામાં સજ્જ હબીબ હળવેથી કારમાંથી ઊતર્યો, ‘ઈશ્વરભાઈકા…’ એ વાક્ય પુરું કરે એ પહેલાં જ એક યૂવકે ઈશ્વરભાઈના ઘર તરફ ઈશારો કર્યો.
ચંપલ બહાર ઉતારી એ ઘરમાં હળવેકથી દાખલ થયો. થોડા વયસ્ક શોકમગ્ન બેઠા હતા ફરસ પર પાથરેલ શેતરંજી પર. એમણે હબીબ તરફ સહેજ આશ્ચર્યથી નજર કરી નમસ્કાર કર્યા.
‘હમકો…’ પછી સુધારો કરી હબીબ બોલ્યો, ‘મને આજે જ જાણ થઈ. અખબારમાં સમાચાર વાંચ્યા.’ વિચારીને એ બોલ્યો, ‘હું હબીબ હાજી, એ દિવસે એઓ મને જ મળવા આવેલ. એમના ફેમિલિના પેપર લઈને! ખાસી વાતો થયેલ.’
ડૂસકા પર કાબૂ રાખી જીગ્નેશ હબીબની બાજુમાં બેઠો. એની આંખો તો છલકાય જ આવી. એની પીઠ પર હબીબે હળવે હળવે હાથ ફેરવવા માંડ્યો. કોઈએ અંદરથી આવી ગ્લાસમાં પાણી આપ્યું હબીબને જે હબીબે જીગ્નેશને આપ્યું. એમાંથી જીગ્નેશે બે ઘૂંટ પીધા.
‘બહૂત બુરા હુઆ…!’ નિશ્વાસ નાંખી હબીબે કહ્યું, ‘કુછ પતા ચલા કિસને કીયા? કૈસે હુઆ?’ જીગ્નેશના હાથમાંથી ગ્લાસ લેતા હબીબે હળવેથી પૂછ્યું.
‘ના…!’ ઊંડો શ્વાસ લઈને જીગ્નેશે કહ્યું, ‘કોઈ ટક્કર મારીને ભાગી ગયું ને કોઈએ ન જોયું.’
‘ઓ…હ…! આઈ એમ સોરી…કૈસે? કેમ લોકો આવું કરતા હશે?’
એક ઘેરી ખામોશી છવાય ગઈ.
‘મારી પાસે તને આપવા માટે કંઈક છે!’ હબીબે હળવેથી ગણગણતા કહ્યું, ‘બહાર આવ!’
‘શું?!’ જીગ્નેશે ધીમેથી પૂછ્યું પણ હબીબ એ પહેલાં ઊભો થયો એટલે જીગ્નેશ એની પાછળ પાછળ દોરાયો.
હબીબ એની કાર પાસે ઊભો હતો. જીગ્નેશ એની પાસે ગયો. કારનો આગળનો દરવાજો ખોલી હબીબે અંદરથી એક પેકેટ બહાર કાઢ્યું, ‘આ તમારા માટે છે. પચાસ હજાર છે. ઈશ્વરભાઈ કામ કરતા ત્યાં મેં ઇસ્માઇલ ભાઈજાનને ફોન કરી ઍક્સિડન્ટની માહિતી આપી હતી અહીં આવવા પહેલાં તો એમણે તમને આ પૈસા આપવા કહ્યું. એઓ બહુ દુઃખી થયા છે. તારી સાથે, તારી મમ્મી સાથે વાત કરવા ચાહે છે…!’ સરવાલના ગજવામાંથી એનો આઈફોન બહાર કાઢતા કહ્યું, ‘હું જાણું છું. તારી મમ્મી શાંતાબેન તો વાત ન કરે પણ તું જો વાત કરશે તો ઇસ્માઇલભાઈ સાથે તો સારું. લગાવું ફોન?’
‘હું?’ જીગ્નેશ સહેજ અચકાયો, ‘હું શું વાત કરીશ? મારા પપ્પા જ નથી રહ્યા તો…’
‘તો પણ…જરા વાત કરી લે…’ કહી હબીબે કેનેડા ફોન લગાવ્યો, ‘હલ્લો..ભાઈજાન?…હબીબ હીયર…’
‘……………!’
‘હા…! હું અહીં જ છું. ઈશ્વરભાઈના છોકરા જીગ્નેશ સાથે. તમે કહેલ એ પચાસ આપી દીધા છે. લો.. વાત કરો…’ કહી એણે ફોન જીગ્નેશને આપ્યો.
‘હલો…!’
‘જો બેટા! જો હુઆ બહુત ખરાબ હુઆ…વેરી બેડ…! તારા પપ્પા અલ્લાહના આદમી હતા. એક નેક ઈમાનદાર ઈન્સાન.’
‘……………!’
‘વો તેરે બારે મેં, તારી મોમના બારામાં વાત કરતા. હમ હૈ.. મેં બેઠા હું. કિસીભી મદદકી જરૂર હો તો હબીબને કહેજે. મારો ફોન નંબર એની પાસે લઈ લે જે અને જ્યારે પણ જરૂર હોય ફોન કરજે.’
‘થેન્ક યૂ!’
‘મેં તારા બારામાં હબીબને વાત કરી છે. કાયદા બદલાય ગયા છે. તારા પપ્પા જો હોત તો કોઈ વાંધો ન હતો. પણ હવે…બટ આઈ વીલ ટ્રાય…! હબીબ વાત કરશે તને. વી વીલ ટ્રાય અવર બેસ્ટ ફોર યૂ!’
‘થેન્ક યૂ!’
‘તારા પપ્પાનો હિસાબ પણ કરવાનો છે હજુ. મેં હબીબને તમને પચાસ હજાર રૂપિયા આપવા કહ્યું છે. એ ઈશ્વરભાઈના જ છે. હિસાબ કરી હું બીજા મોકલાવીશ. પરવદિગાર પર. ખુદા પર વિશ્વાસ રાખજે. ભગવાન છે. કંઈ પણ કામ હોય તો મને ફોન કરતા અચકાતો નહીં.’
‘ઓ કે!’ જીગ્નેશને ઇસ્માઇલભાઈ સાથે વાત કરતા સારું લાગ્યુઃ કેટલા ભલા માણસ છે!! વિચારી એણે ફોન હબીબને આપ્યો.
‘જી ભાઈજાન… જી…ખુદા હાફીઝ.’ કહી હબીબે ફોન ડિસકનેક્ટ કર્યો, ‘વીધી પતે પછી મને મળજે. કંઈક વિચાર કરીશું તારું થાય તો…!’ એનો બિઝનેસ કાર્ડ આપતા કહ્યું, ‘મને મળજે અને જાણ કરતો રહેજે. કાર્ડની પાછળ કેનેડાનો નંબર પણ લખેલ છે!’ કહી એ કારમાં ગોઠવાયો.
‘ઓ કે…!’ જીગ્નેશે કાર્ડ એના ગજવામાં મુકતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યૂ વેરી મચ.’
જીગ્નેશ ઘરમાં આવ્યો. અંદર બેઠેલ એના સગાવ્હાલા, કાકા, મામા વગેરે એના તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા.
‘દેશ પરદેશ ટ્રાવેલ્સના માલિક હતા. હબીબ. એને જ મળવા અને અમારા પેપર આપવા પપ્પા ગયા હતા. એણ કેનેડા પપ્પા જ્યાં કામ કરતા ત્યાં પણ જાણ કરી દીધી તો ત્યાંથી એમણે પૈસા મોકલાવ્યા છે!’ પૈસાનું પેકેટ એણે કબાટમાં મુકતા કહ્યું.
‘કેવું પડે…!’ જીગ્નેશના મોટા કાકાએ કહ્યું, ‘આનું નામ તે માણસ…બાકી આજે તો આવું કંઈ થાય તો પૈસા ગયા જ સમજો.’ સહેજ અટકી એ બોલ્યા, ‘ઈશ્વરે હોન્ડા પર જવું જોઈતું ન હતું. એક તો એ ચાર વરસથી એ બહાર હતો. હવે લાયસન્સ પણ ન મળે. પોલીસ તો કંઈ કરવાની નથી. અને કરે તો પણ શું? એટલે ઈશ્વરને પાછો થોડો આવશે? મારો ઈશ્વર…’ કહી એમણે આંખોની ભીનાશ ધોતિયાથી સાફ કરી નાક ધોતિયામાં જ સાફ કરી કહ્યું, ‘જીગા… તારુ થાય તો તું ઊપડી જા!’
‘બરાબર મોટાબાપા, પણ પપ્પા હોત તો અલગ વાત હતી, ‘પપ્પાને તો પીઆર કાર્ડ પણ મળી ગયેલ. અને મારી અને મમ્મીની ફાઈલ મુકવા, એનાં કાગળિયા કરવા જ તો પપ્પા ગયા હતા સુરત…! હવે તો…!’ જીગ્નેશે માંડ એના રૂદન પર કાબુ રાખતા કહ્યું, ‘હવે અઘરૂં છે! અને કાયદા બદલાય ગયા છે.’
ખામોશી ફરી ગુંજવા લાગી. કોઈને સમજ પડતી ન હતી.
આમ થોડા દિવસો પસાર થયા. સારણ તારણની વીધી પતી ગઈ એટલે સહુ પોતપોતના ઘરે જતા રહ્યા હતા. જીગ્નેશે એક વાર કેનેડા ફોન કરી જોયો. પણ ઇસ્માઇલભાઈનો સંપર્ક ન થયો. આમ પણ સમયના ફેર-બદલની એને ખાસ ગતાગમ ન હતી. એના ફોન નંબર કોલર આઈડીમાં નિહાળી થોડા દિવસ બાદ ઇસ્માઇલભાઇનો જ ફોન એના પર આવ્યો, ‘સોરી…તારો ફોન આવેલ પણ હું વેકેશન પર હતો. કૃઝમાં. અલાસ્કા ગયેલ. તો આજે જા આવ્યો અને સેલ પર તારો મીસકૉલ જોયો!’
‘તમે કહેલ ફોન કરજે તો…!’ જીગ્નેશને સમજ પડતી ન હતીઃ શું વાત કરવી?
‘હા.. સારું તેં ફોન કર્યો તો. ઇશ્વરભાઈનો હિસાબ આવી ગયો છે. હું બીજા લાખ રૂપિયા આપવા હબીબને કહીશ. તું હબીબ પાસે જઈને લઈ આવજે. એકાદ અઠવાડિયા પછી જજે. આ છેલ્લા છે. હિસાબ ચૂકતે. જે કંઈ હતું એમાં મેં પચાસ એડ કર્યા છે. ઉમેર્યા છે. મારા તરફથી. સમજ્યો?’
‘મારૂં કંઈ થાય કે નહીં?’ ખચકાતા ખચકાતા જીગ્નેશે વિનવણી કરતા કહ્યું, ‘પ્લીઝ.. કંઈક કરો મારું. હું બીએ પાસ થયેલ છું. મિકેનિકનું બધું જ કામકાજ કરતા આવડે મને…’
‘જો બેટા થાય તો કરીશું જ. મને શો વાંધો હોય? તું ધીરજ રાખજે. હબીબને મળતો રહેજે. એ જે કહે એ કરજે.’
‘ઓકે…!’
‘તારી મોમને મારા આદાબ, નમસ્તે કહેજે…!’
દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. સુરત જઈ જીગ્નેશ લાખ રૂપિયા લઈ આવ્યો. એ પણ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. જીગ્નેશ પાસે કોઈ કામકાજ હતું નહીં. દૂધ સિવાય બીજી કોઈ આવક હતી નહીં. અને એ આવકમાંથી તો ચણા મમરા પણ ન આવી શકે એટલી મોંઘવારી હતી. હવે શું કરવું સમજ પડતી ન હતી. જીવન આખે આખું બદલાય ગયું હતું. સપના જોતો હતો કેનેડાના એ સપના બધા વેરવિખેર થઈ ગયા હતા. એક આશાનાં તણખલે એ ટકી રહ્યો હતો. જેમ તેમ કરીને કેનેડા જવાય તો કંઈ થાય. પાંચ મહિના પછી એ સુરત જઈ ફરી મળ્યો હબીબને.
‘તમે કંઈક કરો !’ મારી પાસે પાસપોર્ટ પણ છે, ‘મિકેનિકનું બધુ જ કામકાજ આવડે છે મને.’
‘હું તારા વિશે જ વિચારતો હતો. આજે જ ઇસ્માઇલ ભાઈજાન સાથે વાત થઈ તારા વિશે!’
‘એમ?’ જીગ્નેશને ક્યાંક આશાનું કારણ દેખાયું, ‘શું વાત થઈ? કંઈ ચાન્સ…!’
‘છે… પણ એનો આધાર ત્યાંથી ગર્વનમેન્ટ પર છે. એમને ઈશ્વરભાઈનું ડેથ સર્ટિફિકેટ અને ઍક્સિડન્ટ રિપોર્ટ જોઈએ. ઓરિજીનલ. સરકારમાં રજૂ કરવા. પછી આગળ તારું શું કરવું એ વિચારી શકાય. પ્લાનિંગ કરાય.’
સુરતથી નીકળી એ સીધો સચિન પોલીસ સ્ટેશને ગયો. એ વિશે તો એ ભૂલી જ ગયો હતો. આમ પણ પપ્પા પાસે લાયસન્સ ન હતું એટલે એમાં કંઈ વરવાનું ન હતું એમ વિચારી એણે પોલીસ રિપોર્ટની, શોધખોળની અવગણના જ કરી હતી. વળી પોલીસ પૈસા ખાવા વિના કોઈ કામ કરવાની ન હતી. એની પાસે ખવડાવવાના વધારાના પૈસા ય ક્યાં હતા?! માંડ પોલીસ ઇ. વિક્રમસિંહ પરમારે એને પાંચ મિનિટ ફાળવી. એણે વાત કરી અકસ્માતની.
‘જો જીગ્નેશ…!’ વિક્રમસિંહે ચાનો ગ્લાસ મોંએ માંડતા કહ્યું, ‘મને યાદ છે. અમે બરાબરની તપાસ કરી છે. શોધ કરી. પણ કોઈ આગળ નથી આવ્યું. દેશમાં લાખેક હીટ એન્ડ રનના કેસો થાય છે. વળી મને યાદ છે કે તારા પપ્પા પાસે તો લિગલ ડ્રાઈવિંગ લાયસંસ પણ ન હતું. એમણ હેલમેટ પણ ન પહરેલ. કાયદો શું કહે? શું કરે? તું જ કહે…’
‘પણ સાહેબ મને ઍક્સિડન્ટ રિપોર્ટ તો મળવો જોઈએને?’
‘તું અરજી આપી દે… ફોર્મ ભરી દે પેલા પોલીસ ક્લર્ક પાસે.’
‘મળી તો જશે ને?’ ચિંતાતુર અવાજે જીગ્નેશે કહ્યું, ‘સાહેબ, એ મળે તો શાયદ મારે કેનેડા જવાનું થાય એમ છે. મારા પપ્પા કેનેડાથી આવેલ. અને ઍક્સિડન્ટ થયો તો…બધુ ખોરવાય ગયું. હવે જો ઍક્સિડન્ટ રિપોર્ટ મળે અને કેનેડાની સરકાર કંઈક વિચારે તો મારો પત્તો લાગે. પ્લીઝ. સાહેબ.. જે કંઈ ખર્ચો થાય, ઉપરનો એ આપવો પડે એવું હોય તો કહો…!’
‘તારે લાંચ આપવી છે મને…?’ ગુસ્સે થઈ વિક્રમસિંહે કહ્યું, ‘મને લાંચ આપવી છે??’
‘સાહેબ,’ થૂંક ગળી એ બોલ્યો, ‘સોરી પણ…’
‘મારો સમય ન બગાડ… મારે કંઈ તારો એક જ કેસ નથી. સમજ્યો? એક તો…’ આગળના શબ્દ ગળી જઈ વિક્રમસિંહે એક સુરતી સંભળાવી.
જીગ્નેશે પોલીસ ક્લર્કને અરજી આપીઃ ઍક્સિડન્ટના પોલીસ રિપોર્ટ માટે.ત્રણ ચાર ધક્કા ખવડાવ્યા બાદ ત્રણ મહિના પછી જીગ્નેશના હાથમાં ઍક્સિડન્ટના પોલીસ રિપોર્ટ આવ્યોઃ હીટ એન્ડ રન.
ખાસો સમય પસાર થઈ ગયો હતો. લગભગ વરસ કહોને? હવે તો જીગ્નેશ-શાંતાબેનને પૈસાની ભારે ખેંચ હતી. જીગ્નેશે છૂટક કામકાજ શરૂ કર્યું હતું. મિકેનીકનું. પણ કોઈ બાંધી આવક ન હતી. જમીન તો વેચી દીધેલ એટલે ખેતીની આવક પણ બંધ થઈ ગયેલ. જીગ્નેશે પોલીસ રિપોર્ટ અને ડેથ સર્ટિફીકેટ હબીબને સોંપ્યાને પણ પાંચ મહિના થઈ ગયા. પણ હબીબ કહેતો હતો કે કેસ ગુંચવાય ગયો છે વાર તો લાગશે. કેટલો સમય જશે એની કોઈ મર્યાદા ન હતી. એક નિરાશાની ગર્તામાં ગોથું ખાઈ રહ્યા હતા જીગ્નેશ અને શાંતાબેન. શાંતાબેનના રહ્યાસહ્યા ઘરેણાં પણ એક પછી એક વેચાતા રહ્યા. આશાનું કોઈ કિરણ દૂર દૂર ક્યાંય નજરે આવતું ન હતું.

**** **** **** ****

પોલીસ ઇ. વિક્રમસિંહ પરમારનો આજનો દિવસ બહુ થકવનારો હતો. સચીન જીઆઈડીસીમાં ધમાલ થઈ હતી. એક કારખાનામાં મજૂરો વચ્ચે દંગલ ફાટી નીકળ્યું હતું. એક તો સ્ટાફ ઓછો હતો અને કારખાનાનો માલિક સુરતના એમપી પાટિલનો સગો થતો હતો એટલે પાટિલ તરફથી પણ દબાણ હતું. એઓ આખો દિવસ જીઆઈડીસી ખાતે રહ્યા ત્યારે પરિસ્થિતિ માંડ કાબૂ હેઠળ આવી. કેટલીક ધરપકડ કરવી પડી. મોડી સાંજે ઘરે આવી ગરમ શાવર લઈ એઓ પરવારી બાલ્કનીમાં ઈઝી ચેર પર ગોઠવાય ચા પીવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ એમનો સેલ ફોન વાયબ્રેટ થવા લાગ્યો. બ્લેકબેરીના સ્ક્રીન પર અજાણ્યો નંબર જોતા એ ફોન લેવો કે ન લેવો વિચાર કરી એમણે ગ્રીન બટન દબાવી કહ્યું, ‘હલો..પીઆઈ પરમાર!’
‘હલો…!’ સામેથી કોઈ પુરૂષે ઘેરો અવાજમાં કહ્યું, ‘સોરી ટૂ ડિસ્ટર્બ યૂ ઓફિસર. આઈ નીડ સમ ઇન્ફોર્મેશન… સમ કન્ફર્મેશન!’
‘હલો…’ ઈ. વિક્રમસિંહ પરમાર ગુંચવાયા, ‘કોન હૈ? હૂ આર યૂ?’
‘આઈ એમ પૌલ ડીસોઝા ફ્રોમ સન લાઈફ ઇન્શુઅરન્સ કેનેડા.’
‘હાઊ કેન આઈ હેલ્પ યૂ?’ ચાની ચૂસકી લેતા ઈ. વિક્રમસિંહે સહેજ અટકીને કહ્યું, ‘સર…?’
‘આઈ એમ કોલિંગ ફ્રોમ કેનેડા. ટોરન્ટો.’
વિક્રમસિંહ ગુંચવાયા, ‘ઓ…કે…’
‘આઈ ડૂ ઈન્વેસ્ટિગેશન ફોર ક્લેઈમ્સ ઓફ લાઈફ ઇન્શુઅરન્સ. ડૂ યૂ ફોલો મી?’
‘ય…સ!’ હજુ ય વિક્રમસિંહની ગૂંચ ઊકેલાય ન હતી, ‘ ય…સ…!’
‘ગૂડ…વેરી ગૂડ…સો…!’ સામેથી સહેજ હસીને પૌલે કહ્યું, ‘આઈ નીડ યોર હેલ્પ ફોર વન પુલિસ રિપોર્ટ ફોર હીટ એન્ડ રન કેઈસ ઓફ…પટેલ…પટેલ…આઈશ્વેરભાઇ…!’
હવે ચમકાવાનો વારો હતો ઈ. વિક્રમસિંહ પરમારનો! એમના હાથમાંથી ચાનો કપ છટકતા છટકતા રહી ગયો. ચા છલકાયને એમના કુર્તા પર પડી.
‘ઈશ્વરભાઈ પટેલ?’
‘યેસ…યેસ… આઈશ્વેરભાઇ હુ વોઝ બીન કિલ્ડ ઓન ટ્વેન્ટિ સેકન્ડ ઓક્ટોબર ઓફ લાસ્ટ યર ઇન રોડ ઍક્સિડન્ટ અરાઉન્ડ નાઈન ઈવિનંગ ટાઇમ સમવેર કોલ્ડ સાચીન…’
‘યેસ…યેસ…! સચિન. આઈ નો એબાઊટ ધેટ હીટ એન્ડ રન…આઈ એમ ઈનચાર્જ ઓફ સચિન!’
‘આઈ ગોટ ઇન્શુઅરન્સ ક્લેઈમ ફોર હીસ ડેથ…એન્ડ આઈ ગોટ રિપોર્ટ ઓફ સચિન પુલિસ એન્ડ આઈ ગોટ યોર સેલ ફોન નંબર ફ્રોમ યોર વેબસાઈટ!’
‘ઓહ…!’ હવે ઈ. વિક્રમસિંહની અંદરનો પોલીસ જાગૃત થઈ ગયો. જલ્દીથી એઓ અંદરના રૂમમાં બનાવેલ એમની ઓફીસમાં ગયા, ‘સર…મી. પૌલ, આઈ એમ એટ હોમ…હાઊસ…નોટ ઈન ઑફિસ.. નોટ ઓન પોલીસ સ્ટેશન. ગીવમી યોર કોન્ટેક્ટ ઇન્ફો. એન્ડ આઈ વીલ કોન્ટેક્ટ યૂ વિથ ઓલ ઇન્ફોરમેશન…!’
‘સ્યોર…’ પૌલે બધી માહિતી આપી એ વિક્રમસિંહે નોંધી લીધી, ફોન નંબર, ઈમેઇલ આઈડી, સરનામુ.
‘મે આઈ નો હૂ ક્લેઇમ્ડ ફોર ઈશ્વરભાઈ પટેલ એન્ડ ધ સમ ઓફ ઇન્શુઅરન્સ. ધ એમાઉન્ટ ઑફ ક્લેઈમ પ્લીઝ…!’
પૌલે એ માહિતી આપી અને ઈ. વિક્રમસિંહના હ્રદયના ધબકારા વધી ગયાઃ ઓહ માય ગોડ…!
-તો ક્યાંક બહુ મોટો કાંડ થઈ રહ્યો છે! વિક્રમસિંહ વિચારતા લાંબો સમય સુધી બાલ્કનીમાં જ બેસી રહ્યા. જ્યારે એમની પત્નીએ જમવા બોલાવ્યા ત્યારે જ એ ઘરમાં આવ્યા.

રાત આખી એઓ વિચારતા રહ્યા.
સવારે સચીન પોલીસ સ્ટેશન પર પહોંચી સહુથી પહેલાં એમણે ક્લર્ક પાસેથી ઈશ્વરભાઈની હીટ એન્ડ રનની બંધ કરી દીધેલ કેઇસ ફાઈલ મંગાવી. જીગ્નેશે પોલીસ રિપોર્ટ માટે અરજી કરેલ એમાં એનો સેલ ફોન નંબર હતો એ ડાયલ કર્યો, ‘જીગ્નેશ પટેલ…?’
‘હં…!’ જીગ્નેશ મોડો સુતો હોય હજુ પથારીમાં જ હતો.
‘સચીન પી. આઈ વિક્રમસિંહ બોલું છું.’
‘જી સાહેબ…!’ જીગ્નેશ પથારીમાંથી એકદમ ઊભો થઈ ગયો, ‘પત્તો લાગ્યો કંઈ…?’
‘પત્તો લાગશે…પણ બધું કામ પડતુ મૂકી જેમ બને એમ જલ્દી તું મને મળ. સચીન પોલીસ સ્ટેશન પર.’
‘જી સાહેબ…’ જીગ્નેશને સમજ પડતી ન હતી, ‘કેમ… સાહેબ?’
‘તુ મળ…સવાલ ન કર…’ કરડાકીથી વિક્રમસિંહે કહ્યું.
‘ઓકે…સાહેબ, નાહી ધોઈને કલાકમાં નીકળું છું. દશ વાગ્યા પહેલાં તો આવી જઈશ.’
‘ધેટ્સ ફાઈન…’
દશ વાગ્યા પહેલાં તો જીગ્નેશ સચીન આવી ગયો, ‘બોલો સાહેબ?’
‘આવ…’ ઈન્સપેક્ટર વિક્રમસિંહે એને આવકારતા કહ્યું, ‘થેન્ક્સ ફોર કમિંગ ઈન શોર્ટ નોટિસ!’ બેલ વગાડી જમાદારને બે સ્પેશ્યલ ચા માટે હુકમ કર્યો, ‘જો જીગ્નેશ. મને બધી જ માહિતી જોઈએ. ક્યારે તારા પપ્પા કેનેડા ગયા, કેવી રીતે ગયા, કોને ત્યાં રહ્યા, કેટલા પૈસા મોકલાવ્યા. ગૂજરી ગયા પછી તમને કેટલા પૈસા મળ્યા…એ ટૂ ઝેડ… સમજ્યો?’
‘પણ કેમ સાહેબ?’ જીગ્નેશ ગભરાયો, ‘કંઈક…’
‘એ તને હું પછી કહીશ. કંઈ પણ છુપાવીશ નહીં. નાની સરખી વાત પણ…’ એટલામાં ચા આવી ગઈ, ‘ચા તો પીએ છે ને? નાસ્તો-બાસ્તો કરવો છે?’
‘ના સાહેબ…પણ…’
‘તું પણની પંચાત મૂક અને શરૂ થઈ જા…’ ચાનો ગ્લાસ મોંએ માંડી ચૂસકી લીધા બાદ ઈ. વિક્રમસિંહે શરૂ કર્યું, ‘ઈશ્વરભાઈને કોણે કેનેડા બોલાવેલ?’
…અને જીગ્નેશે શરૂઆતથી તે અકસ્માત અને અકસ્માત બાદ મળેલ લાખ રૂપિયા અને હબીબને પોલીસ રિપોર્ટ આપ્યા સુધીની વાત કરી.
‘તો એમના ડેથ બાદ, ઍક્સિડન્ટ બાદ તમને દોઢ લાખ રૂપિયા મળેલ છે? બરાબર?’
‘જી સાહેબ!’
‘એ કોણે આપેલ..?’
‘દેશ પરદેશ ટ્રાવેલ્સ વાળા હબીબભાઈએ..!’ થૂંક ગળી જીગ્નેશ બોલ્યો, ‘પપ્પા દર વખતે, એટલે કે જ્યારે જીવતા હતા ત્યારે પણ એની મારફત જ પૈસા મોકલાવતા. એનો ફોન આવતો અને હું જઈને લઈ આવતો. ક્યારેક મહીને, ક્યારેક બે મહીને. પપ્પા ફોન કરતા અમને કે આટલા રૂપિયા મોકલાવ્યા છે તો સુરત જઈને લઈ આવજે અને હું જતો ને લઈ આવતો.’
‘તારું જવાનું શું થયું?’
‘વાત ચાલે છે.’ જીગ્નેશને હજુ ય સમજ પડતી ન હતી, ‘હબીબભાઈએ કહ્યું છે કે હમણાં સ્લો છે.’
‘તારી પાસે આ હબીબની ફોન નંબર છે? એનું સરનામું? સુરતમાં એની ઑફિસ ક્યાં આવેલ છે?…ને કેનેડાનો ફોન નંબર પણ આપી દે…’ પેપરમાં નોંધ કરતા કરતા ઈ. વિક્રમસિંહે કહ્યું.
એના પાકીટમાંથી જીગ્નેશે હબીબે આપેલ ‘દેશ પરદેશ ટ્રાવેલ્સ’નો બિઝનેસ કાર્ડ કાઢી ઇન્સ્પેક્ટરને આપતા કહ્યું, ‘પાછળ નંબર છે એ કેનેડાનો છે. સાહેબ, મને કંઈ કહેશો?’
‘થોડી રાહ જો.’ હસીને ઇન્સપેક્ટરે કહ્યું, ‘બધું જ કહીશ.પણ એ પહેલાં તારે કોઈને કહેવાનું નથી કે મેં તને બોલાવેલ અને તારી પાસેથી આ બધી માહિતી લીધેલ છે. કોઈને પણ…એમાં હબીબ પણ આવી જાય. સમજ્યો?’ નજરથી સવાલ કરતા આગળ કહ્યું, ‘હબીબનો ફોન આવે તો ઉપાડતો નહીં. કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે તારા મોબાઈલ પર તો પણ જવાબ ન આપવાનો.’ સહેજ અટકીને કહ્યું, ‘તારે ઘરે લેન્ડ લાઈન છે?’
‘નથી…’
‘તારી મમ્મી પાસે મોબાઈલ ફોન છે…? જો હોય તો એના પર પણ કોઈ અજાણ્યો કે હબીબનો ફોન આવે તો ઉપાડવાનો નથી. સમજ્યો?’
‘મમ્મી પાસે મોબાઈલ નથી!’
‘ગૂડ…’ હસીને કહ્યું, ‘તારા પર કેનેડાથી ફોન આવે શાયદ, તો પણ જવાબ ન આપવાનો. તારો ફોન ટ્રેકિંગ પર મૂકી દઊં છું. તારા પર જે ફોન આવશે એ કે તું કોઈને પણ ફોન કરશે એ બધા રેકર્ડ થશે. સમજ્યો?’
‘પણ સાહેબ મેં શું કર્યું છે?’ જીગ્નેશ રડવા જેવો થઈ ગયો.
‘તેં કંઈ નથી કર્યું. પણ મારે, અમારે તારા ફોનને પણ રેકર્ડ કરવો જરૂરી છે. એટલે. સમજ્યો?’ ઊંડો શ્વાસ લઈ ઈ. વિક્રમસિંહે કહ્યું, ‘તારે ડરવાનું નથી. થોડા દિવસમાં બધું ક્લિયર થઈ જશે ત્યારે તને સમજાય જશે. સમજ્યો? પણ ફરી કહું છું. તું મને આજે મળ્યો અને જે વાત કરી એ તારે કોઈને પણ ન કહેવાની. તારી મમ્મીને પણ નહીં. તારી ગર્લફ્રેન્ડને પણ નહીં? સમજ્યો? ગર્લફ્રેન્ડ છે…?’
‘હતી…હવે નથી. બ્રેક અપ થઈ ગયું…’ નિરાશ જીગ્નેશ બોલ્યો.
‘તુ ઉપડ… મારો ફોન તારા પર આવેલ એ સેવ કરી લેજે. હું જ્યારે બોલાવું ત્યારે આવી જજે. સમજ્યો?’ વિક્રમસિંહને વારેવારે સમજ્યો બોલવાની આદત હતી.
જીગ્નેશના ગયા બાદ વિક્રમસિંહે જમાદારને બોલાવ્યો, ‘જો હું એક કેઈસની તપાસમાં બહાર જવાનો છું. સુરતમાં જ છું. પરંતુ કોઈનો ફોન આવે તો મારા માટે તો મારા મોબાઇલ પર રીંગ કરજે. પેલા એમપી પાટીલનો ફોન આવશે તો કહેજે કે સાહેબ આજે બીઝી છે. એનો ફોન આજે હું ઉપાડવાનો નથી. સમજ્યો?’
‘જી સાહેબ…’
ખુરશી પરથી એ ઊભા થયા. આજે એ ઘરેથી સિવિલ ડ્રેસમાં જ નીકળ્યા હતા. યુનિફોર્મ પહેર્યો ન હતો. પછી એકદમ યાદ આવી જતા એમણે સુરત હેડ ક્વાર્ટરના માહિતી વિભાગ પર ફોન જોડ્યો, ‘ઈન્સપેક્ટર વિક્રમસિંહ પરમાર બોલું છું.’
‘જય હિંદ…’
‘જય હિંદ…! મારે છેલ્લા ત્રણ વરસમાં હીટ એન્ડ રનનાં પેન્ડિગ કેસની ઈન્ફોર્મેશન જોઈએ છે. સુરત ડિવિઝનના બધા જ અનસૉલ્વ કેસ. પેપર કોપી.’
‘હું પ્રિન્ટ આઊટ કરી તમને મોકલાવી દઈશ.’
‘ના. હું જ રૂબરૂ આવીને લઈ જઈશ. બને તો કાલે સવારે!’
‘ઓકે સાહેબ. જય હિન્દ.’
બહાર આવી પોતાની મોટર સાયકલ રહેવા દઈ, રીક્ષા કરી એ સીધા નાનપુરા ખાતે ‘દેશ પરદેશ’ ટ્રાવેલ્સની ઓફિસ પર આવ્યા. રીક્ષા થોડે દૂર ઊભી રખાવી એને પૈસા આપી એ ચાલતા ‘દેશ પરદેશ’ ની ઓફિસના બહુમાળી પાસે આવ્યા. એમની કડક ચાલ બદલી નાંખી થોડી ખૂંધ બહાર કાઢી એ ‘દેશ પરદેશ’ની ઓફિસમાં દાખલ થયા.
‘આવો…!’ રિસેપ્શનિસ્ટ છોકરીએ એમને આવકાર્યા.
‘મારે બહારગામ અંગે…ફોરેન અંગે…’ ધીમા અવાજે ઇનસ્પેક્ટર વિક્રમસિંહે અવાજ બદલી કહ્યું.
‘બેસો…!’ રિસેપ્શનિસ્ટે ઇન્ટરકૉમ પર વાત કરી ઇનસ્પેક્ટરને કહ્યું, ‘અંદર જાઓ…!’
કાચનો દરવાજો ખોલી વિક્રમસિંહ અંદર એરકન્ડિશન્ડ ઓફિસમાં દાખલ થયા. કાચના વિશાળ ટેબલ પાછળ રિવોલ્વિંગ ખુરશીમાં હબીબ એના કાયમના સફેદ વસ્ત્રોમાં ગોઠવાયો હતો એણે આવકારતા કહ્યું, ‘આવો, બોલો…!’
‘મારે ફોરેન જવું છે. જો જવાય તો. મને મારા એક દોસ્તારે કહ્યું કે તમે ગોઠવી આપો છો.’
‘એમ…? કોણે…!’
‘છે એક એને તમે મોકલાવેલ લંડન. તો મારે પણ…! ગમે એમ કરીને. આ દેશમાં શું દાટ્યૂં છે?’
‘…તો પણ એમ કંઈ બહાર ન જવાય. એ માટે બ્લડ રિલેશન જોઈએ. ત્યાં કામ હોવું જોઈએ!’
‘કેનેડા…’ જરા અટકીને વિક્રમસિંહે કહ્યું, ‘આજકાલ કેનેડા તો એમને એમ પણ જવાય એવું પેપરમાં મેં ક્યાંક વાંચેલ…!’ વિક્રમસિંહ ઓફિસનું બરાબર અવલોકન કરતા હતા. ટેબલ પર બે સેલ ફોન પડ્યા હતા. બને લેટેસ્ટ આઈફોન ને લેન્ડ લાઈન પણ હતી એના પર સફેદ કોર્ડલેસ ફોન પણ પડ્યો હતો.
‘એ બરાબર…કેનેડાની લાઈન ચાલુ છે. પણ…’
‘…પણ બોલોને ખર્ચાની ફિકર ન કરો.’
કમ્પ્યૂટરના મોનિટર પર નજર કરી હબીબે કહ્યું, ‘એક ઓપનિંગ થવાની છે. પણ હાલે એ વિશે કંઈ કહેવાય એમ નથી.’ એનો કાર્ડ આપતા કહ્યું, ‘એકાદ મહિના બાદ મને મળજો. અને બહાર સેક્રેટરીને તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર લખાવી જજો. અમે જો એ પહેલાં કંઈ થાય તો ફોન કરી બોલાવીશું.’
‘આ કાર્ડ પર તમારો મોબાઈલ નંબર નથી!’
‘ના..પણ લેન્ડ લાઈનનો તો છે ને? જો કામ આગળ વધશે તો હું મારો નંબર પણ આપીશ. અત્યારે તો…!’
બહાર આવી ઇ. વિક્રમસિંહે રિસેપ્શનિસસ્ટને એમનું નામ, એમના વતનનું સરનામું, અને એમનો અંગત ફોન નંબર લખાવ્યો.
-તો એ કોઈને એમ મોબાઈલ નંબર નથી આપતો. પણ એમની પાસ એક નંબર તો ઓલરેડી હતો જ. એમણે જીગ્નેશ પાસે લીધેલ. ત્યાંથી સીધા એ એરટેલની ઓફિસે ગયા. જીગ્નેશે જે નંબર આપેલ એ એરટેલનો હતો. એ નંબર પરથી હબીબની બધી માહિતી મળી. એના પરથી એના બીજા મોબાઈલની માહિતી પણ મેળવી. એ વોડાફોનનો નંબર હતો. બન્ને કંપની પાસે એમણે ઓગસ્ટ થી ડિસેમ્બર, ૨૦૧૩ની કોલ રેકર્ડની પ્રિન્ટ મેળવી લીધી. અને એ પહેલાંની પ્રિન્ટ સચિન પોલિસ સ્ટેશને ફેક્સ કરવા હુકમ કર્યો.

દિવસ આખો એ કામમાં પસાર થઈ ગયો.
બીજા દિવસે એમણે એમના ખાસ વિશ્વાસુ સબ ઇન્સ્પેક્ટર અનંત શર્માને બોલાવ્યા અને હબીબના બન્ને ફોનના કોલ રેકર્ડસના પ્રિન્ટ આઊટ આપતા કહ્યું, ‘શર્મા આ બન્ને લિસ્ટમાંથી જે નંબર પર મેક્સિમમ ડાયલ થયેલ હોય એની યાદી જોઈએ જેમ બને એમ જલ્દી. અને એ દરેક નંબરની ઇન્ફોર્મેશન, દરેક ઇન્ફોર્મેશન સાંજ સુધીમાં મારા ટેબલ જોઈએ.’ હસીને કહ્યું , ‘મોટો શિકાર કરવાનો છે.’
‘કોણ છે?’
‘છે એક લોમડી પણ વાઘનું ચામડું પહેરી ફરે છે…સફેદ વાઘ…’
બપોર સુધીમાં તો શર્મા અને અન્ય કોન્સ્ટેબલે યાદી બનાવી દીધી. એમાં સત્તર નંબર એવા હતા કે જેના પર વધારે વાત થયેલ હોય. ક્યા નંબર પર કેટલી વાર વાત થયેલ એ બધું ઍક્સલની સ્પ્રેડશિટ પર તારીખ પ્રમાણે ઉતારી શર્મા ઇ. વિક્રમસિંહની ચેમ્બરમાં દાખલ થયો.
એના પર નજર કરતા વિક્રમસિંહે કહ્યું, ‘ગૂડ વેરી ગૂડ…’
‘આમાં બે નંબર એના ફેમિલીના છે. એ બે નંબર પર તો રોજ લગભગ પચ્ચીસથી ત્રીસ વાર વાત થયેલ છે. એક એની વાઈફનો અને બીજો એની દિકરીનો.’
‘તો એ લિસ્ટમાંથી ડિલિટ કર!’ કંઈક વિચારીને કહ્યું, ‘અને એક નવી યાદી બનાવ. શોર્ટ. તારીખ ૧૮ થી ૨૬ ઑક્ટોબર સુધીની. એ દરેકની માહિતી કાઢ. અને એમાંથી જે નંબર પર વધારે વાત થયેલ હોય એના દરેક લોકેશન સાથે, અને તારીખ બાવીસ ઑક્ટોબરના ફૂલ રેકર્ડ વિથ લોકેશન. આજે ઘરે લેટ જવાનું થાય તો પણ. તારી વાઈફને ફોન કરીને કહી દે…! સમજ્યો?’
સાંજે સાત વાગે બે નંબર એવા મળી ગયા જેની ઇ. વિક્રમસિંહને જરૂર હતી. અને એનું લોકેશન સુરત નવસારી હાઈવે પર સચીનની નજીક હતું અને એના દ્વારા પર હબીબના વોડાફોનના મોબાઈલ પર ચાર વાર વાત થયેલ. તો અને એક વાર કેનેડા પણ વાત થયેલ. રાતે ૧૦.૧૦ વાગે. કેનેડાનો નંબર જે જીગ્નેશે આપેલ એ જ હતો.
‘યેસ…યેસ…!ધીસ ઇસ ધ મેન આઈ વોન્ટેડ…’ ઉત્તેજીત થતા વિક્રમસિંહે કહ્યું, ‘આ નંબરની પુરી કુંડળી જોઈએ મારે. અત્યારે જ…!’
‘યસ સર…’
થોડા સમય પછી શર્મા ફરી મળ્યો વિક્રમસિંહને, ‘સર.. આ નંબર ૯૭૧ ૮૭૨ ૬૦૫૩ દલપત દરબારનો છે. એના ભેંસના તબેલા છે. દૂધનો મુખ્ય ધંધો. સમરોલીમાં રહે છે. એડ્રેસ પાકુ છે…!’
‘દલપત દરબારને આપણા દરબારમાં હાજર કરવાનો સમય થઈ ગયો છે!’ ઘડિયાળમાં નજર કરી એમણે કહ્યું, ‘સમરોલી કોણ છે ડ્યૂટી પર? હમણાં…?’
‘પી આઈ દિવાન…’
‘ઓકે…! એક ટીમ તૈયાર કરો. હું કમિશ્નર સાહેબને વાત કરી એમને ઇન્ફોર્મ કરી દઊં છું!’ કહી એમણે કમિશ્નરને ફોન કરી વિગતથી વાકેફ કર્યા. ત્યારબાદ પી આઈ દિવાનને પણ ફોન કરી એમના માણસોની ટીમને પણ તૈયાર રહેવા કહ્યું, ‘એમ તો કોઈ વાંધો આવવાનો નથી. તો ય જસ્ટ સેફ્ટી. વેપન સાથે રેડ કરવાની છે. દલપત દરબાર માથાભારે છે ખરો. પણ અજાણ છે. એને એવું હશે કે પોલીસ એની સુધી પહોંચી શકવાની જ નથી અને મારે…આપણે એનો જ લાભ લેવાનો છે.’
‘નો પ્રોબ્લેમ વિક્રમસિંહ!’ સામેથી પીઆઇ દિવાને કહ્યું, ‘હું હમણાં જ મારા બે આદમીને આપે આપેલ સરનામા પર મોકલી ખાતરી કરી લઊં છું કે દરબાર એના ઘરે છે અને અગિયાર વાગે વી વીલ ગેટ હીમ.’
‘ધેટ્સ ફાઈન…’
અને સાડા અગિયાર વાગે તો દલપત દરબાર ઇ. વિક્રમસિંહની કસ્ટડીમાં હતો. એણે ખાસ વિરોધ ન કર્યો. પણ એના વૉરન્ટ માટે એ સતત આગ્રહ રાખતો રહ્યો, ‘વૉરન્ટ વગર તમે પકડી ન જ શકો…’
‘વૉરન્ટની તો…’ પી આઇ વિક્રમસિંહએ ફરસ પર બેઠેલ છ ફૂટ ઊંચા ગોરા મુછાળા દલપત દરબાર સામે ખુરશી ગોઠવી.
‘સાહેબ,’ દલપત ઊભા થતા બોલ્યો, ‘બહુ ભારે પડશે તમને. બહુ ભારે…!’
‘ભારે તો તને પડવાનું છે દલપત.’ ઊભા થઈ દલપતના બન્ને ખભા પર બન્ને હાથ રાખી એને ધક્કો મારી કહ્યું, ‘તારા આકાએ તારા ફટાકડા ફોડી નાંખ્યા છે દરબાર.’
‘મારા આકા…?’
‘જેના ઇશારે તું તારા ટેમ્પોની ટક્કર મારી બધાને રામ ધામ પહોંચાડતો હતો.’
‘શું વાત કરો છો?’ અંદરથી ડરતા તો ય મોં પર હિંમત બતાવતા દરબારે કહ્યું, ‘મારા કોઈ આકા કે કાકા નથી.’
એક સણસણતો તમાચો વિક્રમસિંહે દલપત દરબારને ઝીંકી દીધો.
‘બોલ કાળી ચઉદશને સચિન નજીક તેં ઈશ્વરભાઈ પટેલને ઊડાવી દીધેલને…??’
‘કોણ ઈશ્વરભાઈ…?’
બીજો સણસણતો તમાચો પડ્યો દલપતના ગાલ પર, ‘સીધી વાત કર. નહિંતર મને આંગળી વાંકી કરતા આવડે છે. શર્મા મારો દીવો લાવો.. આ દરબારની આરતી ઊતારવાની છે. એની પછવાડે આગ લગાડવાની છે. તો જ એના મોંમાંથી વાત નીકળશે.’
શર્માએ કસ્ટડીમાં આવી લાઠી વિક્રમસિંહને આપી. અને તરત જ વિક્રમસિંહે એક જોરદાર ફટકો દલપતની પીઠ પર માર્યો.
‘ઓહ…!’ ઊંહકારો ભણી થૂંકી દલપતે ગાળ બોલી.
…અને વિક્રમસિંહનો ગુસ્સો કાબૂ બહાર જતો રહ્યો.
‘બોલ…બોલ…’ ફટાફટ એમની લાઠી વરસતી રહી.
‘કહું છું…સાહેબ…ખમા કરો… ખમ્મા કરો…’ પીડાથી કરાંજતા દલપત દરબારે કહ્યું.
‘ચાલ ભસવા લાગ કૂત્તા…’
‘સાહેબ…! મેં જ એ કામ પતાવેલ.’
‘કેવી રીતે? ચાલ બોલ…’ દલપત સામે ફરી ખુરશી ગોઠવી વિક્રમસિંહ ગોઠવાયા, ‘જો જરા ય ખોટું બોલ્યો તો મારો દંડો બોલશે,’ કહી પીઠ પર ફરી એક ફટકો માર્યો, ‘પહેલેથી શરૂ કર!’
‘હબીબ સાથે સાત વરસથી કામ કરું છું!’
‘સા…ત…વરસ?’ આશ્ચર્યથી વિક્રમસિંહની આંખ પહોળી થઈ ગઈ, ‘તો કેટલાં કાંડ કરેલ છે? કેટલાંને ઊડાવેલ છે?’ એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
‘સાતને…!’
‘ઓહ…!’
ત્યારબાદ તો ઉભરાતી સોડા બાટલીની જેમ  આખી રાત દલપત દરબારના મ્હોંમાંથી વાત નીકળતી રહી. હબીબ ઘરાક નક્કી કરતો. જેવા ઘરાક એવા ભાવ. એ પ્રમાણે દલપત દરબારને પૈસા મળતા. લાખથી બે લાખ રૂપિયા. એની પાસે ચાર ટેમ્પો હતા. એનો ઉપયોગ એ અકસ્માત કરવામાં કરતો. એકમાં એના પર કેસ ચાલતો હતો.
‘તને એ ખબર છે હબીબ તને કેમ લોકોને ઊડાવવાનું કહેતો?’
‘…………..!’ દલપત મૌન.
એક સણસણતો તમાચો પડ્યો એના ગાલ પર.
‘હા..!’ દર્દથી કણસતા દલપત બોલ્યો, ‘હબીબને પૈસા મળતા હતા. કેવી રીતે એ મને જાણ નથી. પણ મને પૈસા મળી જતા અડધા પહેલાં અને અડધા અકસ્માત પછી. એટલે…!’
‘….એટલે તારે લોકોને આમ અમસ્તા જ ઊડાવી દેવાના?’ તિરસ્કારની હદ આવી જતા વિક્રમસિંહે લાઠીનો એક જોરદાર ફટકો દલપતની પીઠ પર લગાવ્યો.
‘સા…હે…બ! મારો નહીં. હવે એવું નહીં કરું…’
‘અરે! મારું ચાલે તો તારું અહીં જ એનકાઉન્ટર કરી નાંખુ.’ બીજો ફટકો લગાવી વિક્રમસિંહ ખુરશી પરથી ઊભા થયા, ‘પણ તારા આકા અને કાકાઓને અંદર કરવાના છે…! સાલાઓ ફ્રોડ…!’
વહેલી સવારે હબીબને એના ઘરેથી ચૂપચાપ ઊઠાવી લેવામાં આવ્યો. ઘણાં ધમપછાડા કર્યા હબીબે, પણ જેવો એને દલપત ભેગો કરવામાં આવ્યો એની હવા નીકળી ગઈ.
‘દેશ પરદેશ ટ્રાવેલ્સ? તારું નામ તો હબીબને બદલે શેતાન હોવું જોઈએ…સા…લા…’ આખી રાતનો ઉજાગરો હતો વિક્રમસિંહને, માથું ફાટ ફાટ થતું હતું, ‘ચાલ, તું એમ જ બોલવાનો છે કે તારા આ કૂતરાની માફક માર ખાઈ ખાઈને?’ એક-બે ફટકા તો ય ઇ. વિક્રમસિંહે લગાવી જ દીધા.
‘બો મારે છે…’ પીડાથી કરાંજતા દલપતે હબીબને કહ્યું, ‘આખી રાત માર ખાધો છે મેં!’
‘…હવે તારો વારો છે…’ કસ્ટડીની કોટડીમાં ફરસ પર બેઠેલ હબીબની એકદમ નજીક ખુરશી ગોઠવી ઈ. વિક્રમસિંહ બેઠા, ‘તારી ટ્રાવેલ્સનું નામ તો ‘દેશ પરદેશ’ને બદલે ‘લોક પરલોક’ હોવું જોઈતું હતું. ચાલ, બોલવા માંડ…શરૂઆતથી…!’
….અને હબીબે કહેવા માંડ્યું. કેનેડા, લંડન, યુએસ, કેન્યા, સાઊથ આફ્રિકામાં એના સંપર્ક હતા. અહીંથી એ ઘરાક નક્કી કરી ખાસા એવા પૈસા લઈ પરદેશ મોકલાવતો. ત્યાં એમને કાયદેસર કરવામાં આવતા. સારી રીતે રાખવામાં આવતા. એ દેશ મોકલાવતા એ પૈસાની લેવડ-દેવડ પણ હબીબ મારફત જ કરવામાં આવતી. એમનો વિશ્વાસ જીતી લેવાતો. એમની જાણ બહાર એમના જીવનનાં લાખો રૂપિયાના વીમા ઉતારાતા. એનાં નિયમિત પ્રિમયમ પણ ભરાતા.  ત્રણ ચાર વરસ પછી એમને એમના કુટુંબને મળવા જવા માટે દેશ મોકલાવાતા. ક્યારેક તો એની પણ ટિકીટ કઢાવી આપવામાં આવતી. અહીં આવે ત્યારે એને દલપત એમને ઊડાવી દેતો અને અકસ્માતનો રિપોર્ટ પરદેશ મોકલાવી વીમાનાં પૈસા મેળવી લેવાતા. મોટે ભાગે, વહેલાં મોડા વીમાના પૈસા પરદેશમાં મળી જતા. પણ ઇશ્વરભાઇના કેઈસમાં વીમાની રકમ હતી પાંચ મિલિયન ડોલર. અને એ કારણે પૌલને શંકા ગઈ. ઉપરાંત પૈસા ઇશ્વરભાઇના ફેમિલિને મળવાને બદલે ઇસ્માઇલને મળવાના હતા એટલ એ શંકા વધુ દૃઢ થતા એમણે ઇ. વિક્રમસિંહને ફોન કરી તપાસ કરતા ભાંડો ફૂટ્યો.
‘કેટલાં કેઈસમાં પૈસા મળ્યા છે વીમાના…અને કેટલાં રૂપિયા?’
‘…………..’ હબીબ મૌન પ્રશ્રાર્થ નજરે જોતો રહ્યો ઇ. વિક્રમસિંહ તરફ. અને વિક્રમસિંહે અચાનક એક ફટકો લગાવી દીધો એની પીઠ પર.
‘સોચતા હું…! સાબ…’
‘જલ્દી બોલ સા….’
‘ચારમેં મિલે…દો મે બાત ચલતી હૈ…!’
‘કેટલા મળ્યા છે ટૉટલ…?’
‘સાબ ઉસકી ગિનતી નહીં કી…’
‘ઓહ… તો ઉતને મિલે કે ગિનતીમેં ભી નહીં આતે…’ ગુસ્સાથી વિક્રમસિંહ ફાટ ફાટ થતા હતા. કોટડીમાંથી બહાર નીકળવા પહેલાં એમણે એમણે એમના બ્લેકબેરીથી હબીબના ફોટા પાડ્યા. દલપતના ફોટા પાડ્યા, ‘હવે તારા પરદેશી આકાઓનો વારો છે.’
‘અરે! કોઈ ચા લાવો…નાસ્તો મંગાવો…’ સુરતની આકાશમાં સૂરજ ધીરે ધીરે બહાર નીકળી રહ્યો હતો. ત્યારે કેનેડામાં અસ્ત થઈ રહ્યો હતો. વિક્રમસિંહે કેનેડા સન લાઈફ ઇન્શુઅરન્સના ફ્રોડ ઇન્વેસ્ટીગેશનના ઓફિસર પૌલ ડીસોઝાને ફોન લગાવ્યો, ‘ઈટ ઇસ મર્ડર…પ્લીસ ટેઈક હેલ્પ ઑફ યોર પોલિસ અને અરેસ્ટ ઇસ્માઇલ. આઈ એમ સેંડીગ પિક્ચર્સ ઓફ હીસ કોનમેન ઓફ ઇન્ડિયા. હું કિલ્ડ પિપલ ઓવર હીયર…!’
‘થેન્ક્સ ઓફિસર…! યુ આર ધ બેસ્ટ…એન્ડ વિ વિલ ડૂ રેસ્ટ…’ હસીને પૌલે ફોન ડિસકનેક્ટ કર્યો.
(સમાપ્ત)

સાભાર- સુરેશ કાક્લોતર

જિંદગી એક કહાની…

Standard

જિંદગી– એક કહાણી…
~ નટવર મહેતા 
 માનસ મહેતાએ ડાબી જમણી તરફ નજર કરી કાળજીપુર્વક લેઈન બદલી. રૂટ એઈટી હાઈવે પર રોજ કરતા શુક્રવારે વધારે ટ્રાફિક હોય એની લૅક્સસ એણે ત્રીસ માઈલની મંદ ગતિએ ચલાવવી પડતી હતી. કારની ઓડિયો સિસ્ટમ પર જગજીસિંગ અને લતાજીના સંયુક્ત સ્વરમાં ગવાયેલ ગઝલ ગુંજી રહી હતીઃ હર તરફ હર જગહ બેસુમાર આદમી…સુબહસે શામ તક બોજ ધોતા હુઆ અપની હી લાશકા ખુદ મજાર આદમી…
-વાહ.. માનસ મ્લાન હસ્યોઃ કેટલું સચ છેઃ અપની હી લાશકા ખુદ મજાર આદમી…
– આ બોજની ખોજ ખુદ તેં તો નથી કરીને??
હર વખત થતો સવાલ એના મને એને પૂછ્યો. એક વાર સાયકલ પર કૉલેજ જવાનો ય કેટલો આનંદ હતો. જલાલપોરથી નવસારી બી. પી. બારિયા સાયન્સ કૉલેજમાં જતા જતા રસ્તો ક્યાં કપાઈ જતો એ જાણ પણ ન થતી. અને આજે? આ ત્રીસ માઈલ કાપતા કાપતા કારમાં બેસીને ય હાંફી જવાય છે!
વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એ જાણ ન થઈ. કારમાં બેઠા બેઠા જ રિમોટથી ગરાજનો ડોર ખોલી કાર ગરાજમાં પાર્ક કરી ગરાજમાંથી જ એ ઘરમાં ગયો. ચાર બેડરૂમનાં એના વિશાળ હાઉસે એને ખામોશીથી આવકાર્યો.
-ધરતીનો છેડો ઘર…! પણ ઘરનો છેડો ક્યાં છે?? એનાથી એક નજર લિવિંગ રૂમની દિવાલ પર લટકતી મધુની તસ્વીર પર નંખાઈ ગઈ. મધુ એની પત્ની. હવે તસ્વીર બનીને દિવાલને સજાવી રહી હતી. ખાલી ખાલી મકાનને ઘર બનાવી રહી હતી. ત્રણ વરસના સ્નેહલને અને માનસને એકલતાના એક દંડિયા મહેલમાં કેદ કરી મધુએ પ્રભુને પ્યારા થવાનું સ્વિકાર્યું હતું.
તારે જો વસવું જ હતું આમ તસવીરમાં,

શું કામ આવી હતી તું મારી તકદીરમાં?
– ઓહ! એક ભારખમ નિઃસાસો નંખાઈ ગયો માનસથી. ખોમોશી હર કમરામાં પઘડાતી હતી. એટલે નિઃસાસાનો પડઘો વધારે મોટો લાગ્યો.
સ્લાઈડિંગ ગ્લાસ ડોર ખસેડી એ બેક યાર્ડમાં ડેક પર આવ્યો. બેક યાર્ડમાં તપસ્યા કરી રહેલ ઑકના ઊંચા વૃક્ષે એને આવકાર્યો. એના વિશાળ થડ પર માનસે હાથ ફેરવ્યોઃ તારી અને મારી હાલત એક સરખી છે યાર! એ હસ્યો. ઑકના એ વૃક્ષે ભગવા પહેરવા માંડ્યા હતા. એક કેસરી પર્ણ ખર્યું અને માનસના પગ પાસે પડ્યું જાણ એ વૃક્ષમિત્રે એને જવાબ આપ્યો. એ પર્ણ એણે ઊંચક્યું. અનાયાસ એને એણે એના નાકે અડાડ્યું. જાણે એમાંથી કોઈ સુગંધ ન આવવાની હોય..!! વરસોથી એને તલાશ હતી એક સુવાસની…! કે જેને એ વરસો પહેલાં ક્યાંક છોડી આવ્યો હતો… પણ એ માદક સુવાસની તલાશે એનો પીછો છોડ્યો નહતો. મોગરાની એ મહેક!! સ્નેહાના ઘુંઘરાળા કાળા કેશમાં, રમતો ભમતો, લહેરાતો, મહેકતો મોગરાનો એ ગજરો…! એની મનમોહક મહેક…! અને એના જેવી જ મનમોહિની સ્નેહા.. સહેજ શ્યામલ, શર્મિલી, નાજુક, નમણી સ્નેહા….!!
-સ્નેહા…સ્નેહા…સ્નેહા….!
-હવે સ્નેહાને આ રીતે યાદ કરવાથી કશું થવાનું ન હતું. પણ નફ્ફટ મન એમ માને તો ને??
-ભગવાને આ મન બનાવી મહાન કાર્ય કર્યું હતું! બસ કમબખ્ત એનો દરવાજો બનાવવાનું જ એ વીસરી ગયો હતો. વાહ રે પ્રભુ.. વાહ.. કેવી છે તારી માયા…!!
બેક યાર્ડમાં પથરાયેલ લીલાછમ ઘાસ પર એ ખૂલ્લા પગે એ ટહેલવા લાગ્યો. કુમળા ભીના ઘાસની કૂંપળનો સ્પર્શ એને ગમતો. આમ જ એ સ્નેહા સાથે હાથમાં હાથ પરોવી ખૂલ્લા પગે નવસારી કૃષિ કૉલેજ કૅમ્પસના બાગમાં વહેલી સવારે સવારે એ ટહેલતો…! આંગળીના ટેરવે ટેરવે એ રેશમી સ્પર્શ હજુ ય સળવળી રહ્યો હતો. સ્નેહાની સ્મૃતિ માનસનો પીછો છોડતી નહોતી કે પછી એ એનો પીછો છોડવા માંગતો નહતો.
પાનખરની શરૂઆતને કારને ખરી પડેલ થોડા રંગબેરંગી પર્ણો પવનને કારણે આમથી તેમ ઊડતા હતા. વાતાવરણમાં ખુશનુમા ઠંડી હતી. દૂર પશ્ચિમાકાશે સૂર્યનારાયણ ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં કેસરવર્ણો રંગ છલકાય રહ્યો હતો.
– હવે આકાશને જીવન સાથે થોડો લગાવ થવા લાગ્યો હતો. લાખ લાખ અભાવની વચ્ચે આ લગાવને કારણે જીવવાનું મન થતું હતું. બાકી તો રૂખ હવાઓકા જીધરકા હૈ …ઉધરકે હમ હૈ…!!  ઊડતા પર્ણો નિહાળી એકલો એકલો એ ખડખડાટ હસી પડ્યો.
– યુએસ આવ્યા બાદ શરૂઆતના કેટલાંય વરસો સુધી એ જીવતો જ ક્યાં હતો? બસ શ્વાસ લેવાની અને છોડવાની એક પ્રતિક્ષિપ્ત ક્રિયા જ કરતો હતો ને? અને આટ આટલા વરસો બાદ આ જીવન ક્યાં રાસ આવ્યું હતું હજુ ય એ ને? એક પંક્તિ એને યાદ આવી ગઈ,
ફૂંક્યા કરું છું હું રોજ થોડો થોડો પ્રાણ મારી લાશમાં;

ખભે નાંખી રોજ નીકળી પડું છું ખુદ મારી તલાશમાં.
-ક્યારે પુર્ણ થશે આ તલાશ?
માનસે બે-ત્રણ વાર ગરદન હલાવી, આવતા વિચારો જાણે ખંખેરી નાંખવા માંગતો ન હોય!
અંદર આવી રેફ્રિજરેટરમાંથી બિયરના થોડાં કેન એણે લીધાં અને સ્ટોરેજમાંથી બીજા થોડા કેન લાવી ફ્રિજરમાં ઠંડા કરવા મૂક્યા.  કેન લઈ એ ફરી ડેક પર આવી એ હીંચકા પર ગોઠવાયો. સાઈડ ડેસ્ક પર  કેન મૂકી હીંચકાને એક ઠેસ મારી બિયરનું એક કેન ખોલી એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. કડવા બિયરની ઠંડક ગળેથી ધીમે ધીમે નીચે ઉતરતી મહેસૂસ કરી.
હીંચકો ધીરે ધીરે ઝૂલતો રહ્યો. મનના હીંચકાને પણ જાણે હીંચ લાગી, માનસ પહોંચી ગયો બી. પી. બારિયાની એ કેમેસ્ટ્રિની લૅબમાં. ડેમોન્સ્ટ્રેટર પંડ્યાસર ગેસ કોમેટોગ્રાફી વિશે કંઈક સમજાવી રહ્યા હતા. જૂદી જૂદી વેવલેન્થ વિશે એઓ સમજ આપી રહ્યા હતા. આજે એઓ લૅબમાં સ્પ્રેક્ટોફોટોમીટરનો ઉપયોગ કરવાના હતા. માનસની લૅબ પાર્ટનર હતી સ્નેહા પરીખ જે ધ્યાનમગ્ન થઈ પંડ્યાસરને સાંભળી રહી હતી અને માનસ એવાં જ એક ધ્યાનથી સ્નેહાને એકધારૂં જોઈ રહ્યો હતો. અચાનક સ્નેહાની નજર માનસ પર પડતા માનસની ચોરી પકડાઈ ગઈ.
કેમેસ્ટ્રી ભણતા ભણતા, પ્રયોગ કરતા કરતા બન્નેના હ્રદયની વેવલેન્થ મળી ગઈ હતી. બન્ને એકબીજાને પસંદ કરતા થઈ ગયા હતા. કૉલેજ જવાની વધારે મજા આવવા લાગી હતી. અભ્યાસમાં પણ રસ પડવા લાગ્યો હતો. ધીરે ધીરે બે યુવાન હૈયા નજદીક આવવા લાગ્યા હતા. ક્યારેક દાંડીના રમણિય દરિયા કિનારે ડૂબતા સૂરજની શાખે તો ક્યારેક ધીર ગંભિર વહેતી પૂર્ણાના જળની સાક્ષીએ ભવોભવ એક થવાના વણલખ્યા કરાર થઈ ગયા. વંસત ટૉકિઝમાં હાથમાં હાથ પરોવી પ્રેમકથા જોતા જોતા એ બે યુવાન હૈયા ભવિષ્યના સુહાના સપનાં સજાવતા. બન્ને સમજુ હતા. એમના પ્રેમમાં પવિત્રતા હતી, પાવકતા હતી. ક્યાંય વિકાર ન હતો. દિલ મળ્યા હતા બન્નેનો. મનમેળાપ થઈ ગયો હતો. બન્ને એ પણ જાણતા હતા કે અભ્યાસ એમનું મુખ્ય લક્ષ્ય હતું.  અને વધારે સારા માર્ક મેળવવા બન્ને વચ્ચે એક તંદુરસ્ત સ્પર્ધા પણ થતી.
સ્નેહાના પિતા એક સહકારી બેંકમાં જુનિયર ક્લર્ક હતા. સ્નેહા એમની એકની એક પુત્રી હતી. જ્યારે માનસ એના મોટાભાઈ સાથે રહેતો હતો. મોટાભાઈ નામાના ચોપડા લખતા હતા. કેટલાય વેપારીઓને ત્યાં એઓ ચોપડા લખવા જતા. માનસ માટે એના મોટાભાઈ જ સર્વસ્વ હતા. એ પાંચ વરસનો હતો ત્યારે એક અકસ્માતમાં પિતાને ગુમાવી બેઠો હતો. મોટાભાઈએ એને સંતાનની માફક ઉછેર્યો હતો. બન્ને વચ્ચે ઉમ્મરમાં પણ લગભગ આઠ વરસનો તફાવત હતો. એના ભાભીએ પણ એને અસીમ પ્રેમ આપ્યો હતો. મોટાભાઈ એને કહેતા, ‘જો માનસ, હું તો ભણી ન શક્યો. પણ તારે બરાબર ભણવાનું છે. જેટલું ભણાય એટલું. બાપુજીની ઈચ્છા હતી કે હું પણ ભણું પણ સંજોગોએ મને ભણવા ન દીધો. બા, બાપુજી આમ અચાનક આપણને છોડી જતા રહેશે એવી આપણને ક્યાં જાણ હતી? પ્રભુ એમના આત્માને શાંતિ આપે. પણ સાચી શાંતિ તો ત્યારે જ મળશે જ્યારે તું ભણીગણી બરાબર કમાતો ધમાતો થાય. અને કુટુંબનું નામ રોશન કરે. ભલે મારે બે પેઢીના ચોપડાઓ વધારે લખવા પડે, ભલે તારી ભાભીએ થોડા ટિફિન વધારે બનાવવા પડે પણ તારૂં ભવિષ્ય સુધરવું જોઈએ. તારું ભાવિ સુધરે તો અમારી મહેનત પણ લેખે લાગશે. અને અમારે ઘરડે ઘડપણ તારો ટેકો રહેશે. તારા ભત્રીજા, ભત્રીજીને પણ સારું રહેશે. બસ, તું એક વાર ગ્રેજ્યુએટ થઈ જા. બને તો એમએસસી પણ કરજે. ખરૂં કહું છું ને હું?’ ભાભી તરફ નજર કરી એમણે પુછ્યું, ‘ શું કહે છે તું?’
‘હું શું કહેવાની? મારી ક્યાં ના છે….?? માનસને ભણીગણીને ઠેકાણે પાડવાનો છે. મારે દેરાણી પણ લાવવાની છે ને?
માનસને સ્નેહાની યાદ આવી જતી. એને થતું કે ભાઈ-ભાભીને વાત કરી દઉં સ્નેહાની. પણ એ વિચરતો એકવાર નોકરી મળી જાય! થોડા પૈસા જમા થાય. એટલે ભાઈ-ભાભીને વાત કરીશ. ભાઈ-ભાભી ક્યાં ના પાડવાના છે?
માનસ-સ્નેહા બીએસસી થઈ ગયા. માનસને અતુલ કેમિકલ્સમાં વલસાડ નજીક અતુલ ખાતે નોકરી મળી ગઈ. તો સ્નેહાએ બી એડનું આગળ ભણવાનું નક્કી કર્યું. હવે એમની મુલાકાતો ઓછી થતી. રોજ મળવાનું ન થતું. પણ એમ થવાથી એમના પ્યારમાં પરિપક્વતા આવી. ક્યારેક બન્ને ગાડીમાં સાથે થઈ જતા. સ્નેહા બિલીમોરા બીએડ કોલેજમાં અભ્યાસ કરતી એથી ક્યારેક સાથે પ્રવાસ કરવાનો લહાવો લેતા.આજે લોકલમાંથી નવસારી ખાતે બન્ને સાથે જ ઉતર્યા. મોગરાના બે ગજરા માનસે ખરીદ્યા. એક સ્નેહાને આપ્યો અને એક એણે ભાભી માટે રાખ્યો. સ્નેહાને સીટી બસ સ્ટેન્ડ સુધી સાથ આપી સાયકલ સ્ટેન્ડ પરથી માનસે પોતાની સાયકલ લીધી. સાયકલને પેડલ મારતા મારતા માનસ વિચારતો હતોઃ આજે તો ભાભીને આ ગજરો આપી ખુશ કરી દઈશ અને ત્યારબાદ મોકો જોઈને સ્નેહાની વાત કરી જ દઈશ. હવે તો નોકરીમાં પણ એ કાયમી થઈ ગયો હતો. તો સ્નેહા પણ થોડા જ સમયમાં શિક્ષિકા બની જનાર હતી. નોકરી કરતી દેરાણી ભાભીને ગમશે?
-કેમ ન ગમે? અને સ્નેહાને તો બધું ઘરકામ પણ આવડતુ હતું. રસોઈપાણીમાં પણ એ નિપુણ હતી.પછી ભાભીને શો વાંધો હોય? ભાભી જ કહેતા હતા કે આજે તો બે જણા કમાઈ તો જ દા’ડો વળે! અરે! ભાભી પણ ક્યાં ઓછી મહેનત કરતા હતા? સવારે પચાસ સાંઠ તો સાંજે પણ ત્રીસ પાંત્રીસ તો થઈ જ જતા. ભાભીના હાથમાં અન્નપુર્ણાનો વાસ હતો. વિચારોમાં ને વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એ જાણ પણ ન થઈ.
ઘરે આંગણમાં સફેદ એમ્બેસેડર કાર ઉભી હતી. માનસને નવાઈ લાગીઃ અત્યારે કોણ આવ્યું હશે? એ પણ કાર લઈને!! ભાડેની કાર હતી. હળવેથી એ ઘરમાં દાખલ થયો.
‘આવી ગયો ?!!’ ભાઈએ એને આવકાર્યો, રોજ તો એ ઘરે આવે ત્યારે ભાઈ ઘરે ન આવેલ ન હોય અને જો આવેલ હોય તો પણ ચોપડા લખવા બેઠા હોય.
‘માનસ,’ ભાઈએ ઘરમાં બેઠેલ બે પ્રોઢ પુરુષો સાથે ઓળખાણ કરાવતા કહ્યું, ‘આ છે રાજુભાઈ. તારા ભાભીના દૂરના મામાના એ દીકરા થાય. એઓ અમેરિકાથી આવ્યા છે. અને આ છગનભાઈને તો તું ઓળખે જ છે ને…ધરમપુરવાળા…!’
‘ન્યુ જર્સી….’ ગંભીર અવાજે રાજુભાઈએ સુધાર્યું. માનસે વારા ફરતી બન્ને સાથે હાથ મેળવી હસ્તધૂનન કર્યું. એને સહેજ સંકોચ થતો હતો. વાળમાં હાથ ફેરવી એણે પોતાની બેચેની દૂર કરવાની કોશિષ કરતા ઓરડામા ગોઠવેલ બાંકડા પર એ બેઠો. એને ગુંગળામણ થતી હતી. રાજુભાઈની નજર એને વીંધી રહી હતી તો છગનભાઈ મરક મરક મરકી રહ્યા હતા.
‘અમારો માનસ બીએસસી થયો છે, કેમેસ્ટ્રિમાં ફર્સ્ટ ક્લાસ સાથે!’ મોટાભાઈએ ગૌરવપુર્વક કહ્યું, ‘અતુલ કેમિકલ્સમાં તરત જ નોકરી પણ મળી ગઈ. અને હવે તો એ કાયમી પણ થઈ ગયો છે.
‘અરે વાહ!’ છગનભાઈ હસીને બોલ્યા, ‘બહુ સારું કહેવાય!’
રાજુભાઈ કંઈ બોલાતા નહતા. અંદરના ઓરડામાંથી ભાભી તાસકમાં નાસ્તો, ચા, વગેરે લઈને આવ્યા. એમની સાથે એક યુવતી અને એક પ્રોઢ સ્ત્રી પણ હાથમાં પાણીના ગ્લાસ, સોસિયોની બોટલ લઈને આવ્યા. યુવતી સહેજ ભરાવદાર હતી એણે ઘેરવાળો ચૂડીદાર પહેર્યો હતો. એના પર નાંખેલ ઓઢણી વારે વારે સરકી જતી હતી. માનસને ખ્યાલ આવી ગયો કે એ યુવતી પરદેશી હતી. અને એને ચૂડીદાર પહેરવાની આદત નહતી.
‘આ મધુ છે.’ ભાભીએ ઓળખાણ કરાવતા કહ્યું, ‘રાજુભાઈની દીકરી. એ પણ ન્યૂ જરસીથી જ આવી છે.’
સ્ટ્રો વડે સોસિયોનો ઘૂંટ પીતા પીતા અટકીને મધુએ માનસ તરફ નિહાળી કહ્યું, ‘હા…ય…!!’
‘હા…આ….આ…ઈ…!’ સહેજ સંકોચાઈને માનસે એનો પ્રત્યુત્તર પાઠવ્યો.
‘આઈ લાઈક સોસિયો…!’ સહેજ હસીને બોટલ પર નામ વાંચી મધુ બોલી, ‘આઈ ડ્રિન્ક ફર્સ્ટ ટાઈમ. મધુ માનસને જોયા કરતી હતી અને ખોટું ખોટું હસતી હતી. માનસને મૂંઝવણ થતી હતી.
થોડો સમય બેસી, થોડી આમતેમની વાતો કરી રાજુભાઈ વગેરે ગયા. હાથપગ ધોઈ માનસ રસોડામાં ગયો. ભાભી રોજ કરતા આજે વધુ ખુશ ખુશાલ લાગતા હતા. એમણે આજે કંસાર બનાવ્યો હતો.
‘કેવી લાગી મધુ?!’ ભાભીએ થાળી પીરસતા પૂછ્યું.
‘સારી…! પણ…!!’ માનસને આગળ શું કહેવું એ સમજ ન પડી.
‘…સહેજ હબધી છે!’ ભાભીએ માનસની વાતનો દોર સાંધતા કહ્યું, ‘ પણ એમ તો ગમી જાય એવી છે. મારી દેરાણી બનવા એકદમ પેલું શું કહે છે એમ પરફેક્ટ…’
‘જો માનસ…!’ હાથ ધોઈ મોટાભાઈ પણ પાટલે ગોઠવાયા, ‘રાજુભાઈ તારા માટે વાત લઈને આવ્યા છે. એમની દીકરી મધુ માટે. સામેથી આવ્યા છે. અને આપણું જાણીતું ફેમિલી. ઘરના જેવા.’
‘પણ ભાઈ, મારે બહારગામ જવું નથી…’ માનસને ગળે કોળિયો અટકી ગયો, ‘મારે તો અહિં આપની સાથે રહેવું છે…’
‘અમારી સાથે જ રહેવું હોય તો અમેરિકા જઈને અમને ત્યાં બોલાવી લે જે….!’ ભાભીએ હસીને કહ્યું, અમે પણ તારી પાછળ પાછળ અમેરિકા આવીશું. પણ આવું ઘર અને આવી ફોરેન રિટર્ન છોકરી ક્યાં મળવાની?’
‘ભા…ભી…!’ માનસને થાળી પરથી ઊઠી જવાનું મન થઈ આવ્યું, ‘પ્લી…સ…! હમણાં મારે લગ્ન કરવા જ નથી.’
‘તો…!?’ ભાભી હસીને બોલ્યા, ‘ આખી જિંદગી કુંવારા રહેવું છે? હમણાં નહિં તો ક્યારે ધોળી ધજા ફરકી જાય પછી…??’
‘જો…ભાઈ મારા…!’ મોટા ભાઈએ સમજાવતા કહ્યું, ‘આખી જિંદગી કોઈ કુંવારા રહેતું નથી, રહી શકતું નથી. તું ભણેલ ગણેલ છે. તને તો ખબર છે જ કે કેટલી તકલીફો વેઠી તને ભણાવ્યો છે. આ તો સામેથી લક્ષ્મી ચાંદલો કરવા આવી છે. કપાળ ધોવાની જરૂર નથી.  અને આ દેશમાં શું દાટ્યું છે? તારી ભાભી પણ કેટલી મહેનત કરે છે? ચોપડા લખી લખી આંગળીઓમાં પણ આંટણ પડી ગયા છે. અને હવે તો ખૂંધ પણ નીકળી આવી છે. અતુલની નોકરીમાં તને મળે મળે ને કેટલાં મળે? પંદર હજાર…? બહુ બહુ તો વિસ હજાર…!? અને એમાં શું વળવાનું?? બસ, એક વાર તું અમેરિકા જાય. સારું કમાતો ધમાતો થાય તો મારી અને તારી ભાભીની મહેનત કંઈક ફળે. તારા સંજોગો ઊજળા થાય તો અમને ય બોલાવી શકે. તારા ભત્રીજા-ભત્રીજીનું પણ કંઈક વિચારે…! તને મેં દીકરાથી અલગ ગણ્યો જ નથી. ગણ્યો છે??’
‘ના મોટાભાઈ. કદી ય નહિં, પણ….’
‘હવે આ પણની પંચાત છોડ માનસ…!’ ભાભીએ થોડો કંસાર થાળીમાં પીરસતા કહ્યું, ‘હવે જો ના તેં ના કહી છે આ લગ્ન માટે તો…’ ભાભીની આંખો ભીની થઈ ગઈ.
‘પણ ભાભી…!’માનસની જબાને સ્નેહાનું નામ આવી ગયું પણ પાણીના ઘૂટડા સાથે એ ગળી ગયો. ભાભીની આંખોની ભીનાશ એને આગળ વાતો કરતા અટકાવી ગઈ.
‘આપણા કોઈ સગા-વ્હાલાં પરદેશમાં નથી, તું એક જશે. તો આપણાં પણ કંઈ દા’ડા સુધરશે. ભાઈ મારા…, પ્લિ..ઇ…ઇ…સ…! તું ના ન પાડતો. હાથ જોડી તને આ સબંધ માટે કહું છું.’ મોટાભાઈએ પણ ગળગળા થઈ જતા કહ્યું. ગાળિયો વિંટળાઈ રહ્યો હતો માનસના ગળાની ફરતે…! અને લાગણીના ગાળિયાના તંતુઓ સુંવાળા હોય છે પણ સાથે સાથે મજબૂત પણ હોય છે.
માનવે અત્યારે પણ એના ગળાની ફરતે હાથ વિંટાળ્યો.
-કાશ..! ત્યારે જ એનાથી ના કહેવાઈ હોત તો…?? કાશ…! એણે લાગણીઓના પ્રવાહમાં પોતાની જાતને વહેવા ન દીધી હોત તો…? કાશ…! એણે નેહાના પ્યારને ઠુકરાવ્યો ન હોત….!!કાશ એ જીવતો જ ન રહ્યો હોત…તો…!!
-કાશ…!! કાશ…!! કાશ…!!
એક પૂરા એવા આ જીવતરની થઈ જાય લાશ;

એ પહેલાં ઓળંગવા પડે છે એણે કેટકેટલાં કાશ!!
બિયરનું કેન ખોલી એક ઘૂંટ ગટગટાવતા માનસ મ્લાન હસ્યોઃ આ ઉદાસી એને કવિ બનાવી દેશે કે શું??
-સ્નેહા…!! સ્નેહા…!! સ્નેહા…!! સ્નેહા…!!
-ક્યાં હશે સ્નેહા…!! …? કેવી હશે? હું જેમ એને પળે પળ ઝખું છું એમ એ ય મને યાદ કરતી હશે? તડપતી હશે?
મધુ સાથે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. બધું બહુ જ ઝડપથી બની રહ્યું હતું. મધુ અને રાજુભાઈ પાસે સમય નહતો.એઓ ફક્ત બે સપ્તાહ માટે જ દેશ આવ્યા હતા. જાણે માનસના હાથમાં કંઈ જ નહતું. ભાઈ ભાભી બહુ ખુશ હતા. લગ્ન બાદ ત્રીજા જ દિવસે તો મધુ અમેરિકા ભેગી થઈ જવાની હતી.
-સ્નેહા સાથે ભવોભવ સાથ નિભાવવાના કોલનુ શું? માનસ મુંઝાઈ રહ્યો હતો. એક તરફ દેવતુલ્ય ભાઈ દેવી જેવા ભાભી તો બીજી તરફ એની જિંદગી હતી. અને જિંદગીને દગો દેવાનો હતો.
-ઓહ…! માનસને મરી જવાનું મન થતું હતું. પણ મરણ એ કોઈ ઊકેલ નહતો.
એ મળ્યો સ્નેહાને. લુણસીકૂઈ મેદાનની પાળ પર. દૂર આકાશમાં તારા ટમટમતા હતા. જાણે માનસના આંસૂ આકાશમાં ચમકી રહ્યા હતા…! અને થોડા આંસુ માનસે આંખોમાં સાચવી રાખ્યા હતા. શબ્દો થીજી ગયા હતા…! સ્નેહાની હથેળી માનસે એના બન્ને હાથોમાં પકડી રાખી હતી. જાણે એ છોડવા જ ન માંગતો ન હોય…!
માનસની બેચેની સ્નેહા સમજી ગઈ, ‘એવી તે વાત આજ શી ખાસ છે? સનમ મારા કેમ ઉદાસ ઉદાસ છે?’
આંસુ આંખની અટારીએ અટકાવી માનસ મ્લાન હસ્યો. દિલ પર પથ્થર રાખી ભીના અવાજે એણે મધુની વાત કરી. અમેરિકા જવા માટે ભાઈ-ભાભીનું દબાણ, એમનું ઋણ એમના ઉપકાર, ભાઈ-ભાભીની મહેનત…માનસ એના રૂદન પર કાબૂ રાખી ન શક્યો.
‘બસ…?’ આછો નિઃશ્વાસ નાંખી સ્નેહા બોલી, ‘આટલી અમસ્તી વાત અને એનો આટલો મોટ્ટો બોજ…!’
‘સ્નેહા…આ…આ…’ માનસે ડૂસકું ભરતા કહ્યું, ‘મને માફ કરજે…!’
‘માફી શા માટે માંગે છે માનસ? મારા માનુ…જાનુ…તેં ક્યાં કોઈ ગુન્હો કર્યો છે? તેં તો પ્યાર કર્યો છે. નિઃસ્વાર્થ પ્યાર. પવિત્ર પ્રેમ…. અને માનસ પ્રેમ એ મુક્તિ છે. પ્રેમ બંધિયાર નથી. પ્રેમ હથિયાર નથી. બંધન નથી. મુક્તિ તરફનો પ્રવાસ છે.’ ઊંડો શ્વાસ ભરી સ્નેહા બોલી , ‘જા માનસ…! હું તને મુક્ત કરું છું! મેં દિલથી પ્રેમથી કર્યો છે, મનથી ચાહ્યો છે તને ખુદાથી વધુ. તું મારા દિલમાં હંમેશ રહેશે, ધબકશે….વિચાર તો કર, દિલ મારું હશે ને એમાં ધબકારા તારા હશે. મુક્ત કરીને ય હું તને પાસે રાખી રહી છું. સદાયને માટે…તું સુખી થા એ જ મારો પ્યાર છે, પૂજા છે…આપણે દાગ દિલમાં નથી લગાવ્યો છે. આપણે દિલને પ્યારથી સજાવ્યું છે. શણગાર્યું છે. સંવાર્યું છે…બે દિલ અલગ છે તો એક ધબકાર છે, માનસ એનું જ નામ તો પ્યાર છે.’
‘સ્નેહા….!’
‘રિ…ઇ….ઇ…ઈ…ઈ…ક્ષા….આ…આ….!’ સાવ અચાનક એક રિક્ષાને ઊભી રખાવી સ્નેહા ઝડપથી એમાં બેસીને જતી રહી. કંઈ જ કરી ન શક્યો માનસ…કંઈ જ કહી ન શક્યો માનસ…!
બસ આ છેલ્લી મુલાકાત હતી માનસની અને સ્નેહાની.
માનસે એનો જમણો હાથ એના હ્રદય પર મુક્યોઃ સ્નેહાના ધબકારનો સુર એમાંથી દૂર તો નથી થયો ને? સ્થિર થયેલ હિંચકાને એણે એક ઠેસ મારી માનસે બિયરનું ત્રીજું કેન ખોલ્યું. એની આંખો એની જાણ બહાર જ છલકાય રહી હતી. ગાલો પર ગંગા જમના વહી રહી હતી.
દિલમાં છે દરદ અને આંખોમાં અખૂટ પાણી;

ઓ ખુદા કેવી લખી તેં આ જિંદગીની કહાણી?
ગાલને એણે પવિત્ર થવા દીધા. દિલ જો એમ હળવું થતું હોય તો ભલે…! આ આંસુ ય અદભુત પ્રવાહી છે. એ ક્યાં કદી એમને એમ વહે છે? સઘળા દુઃખ દરદને ક્યારેક તો એ ઓગાળીને જ રહે છે.
ભાગ્યચક્ર ફર્યું હતું. કઈ દિશામાં એ તો કોણ જાણે?
લગ્ન બાદ લગભગ છ મહિને માનસ ન્યુર્યોકના જે એફ કે એરપોર્ટ પર ઊતર્યો. સસરા રાજુભાઈ એના એક મિત્ર સાથે એને લેવા આવ્યા હતા. માનસની નજર એની પત્ની મધુને શોધતી હતી. રાજુભાઈ એના માતે જેકૅટ લઈને આવ્યા હતા. એ આપતા કહ્યું, ‘ઈટ ઈસ વેરી કૉલ્ડ…! બહુ ઠંડી છે. આ પહેરી લો.’
માનસને પુછવાનું મન થયુઃ મધુ ન આવી?? પણ એને સંકોચ થયો. ઘરે આવી ગયા બાદ પણ મધુ ક્યાંય નજરે ન આવી.
‘તમે આરામ કરો. મારે સબવે પર જવું પડશે. આઈ હેવ ટુ ગો…’ રાજુભાઈએ કારની ચાવી રમાડતા કહ્યું. માનસની સાસુએ એને પાણી આપ્યું. માનસને ઠંડી લાગતી હતી. એણે બે ઘૂંટ પીધા.
‘આવો…! અંદર…!’ વિશાળ ઘરમાં અંદર જતા સાસુએ એને દોર્યો, ‘આ તમારો રૂમ છે. અંદર જ બાથરૂમ પણ છે. આરામ કરો. ભૂખ લાગી હોય તો….’
‘ના….ના….! વિમાનમાં ખાવાનું આપેલ. મને ભૂખ નથી.’ પોતાની બન્ને બેગ એ વારાફરતી રૂમમાં લઈ આવ્યો.
‘………..ઓ…..કે…’ એની સાસુએ કંઈ ખાસ આગ્રહ ન કર્યો.
‘મધુ નથી?’ આખરે માનસે પૂછી જ નાખ્યું.
‘ઓ… મ…ધુ…ઊ…!’ સહેજ અચકાયને સાસુએ કહ્યું, ‘એની ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે એમાં ગઈ છે એ. ટુમોરો તો આવી જશે. એનું નક્કી જ હતું એટલે શી હેસ ટુ ગો…! એણે જવું પડ્યું…’
-તો વાત આમ હતી…!
બીજે દિવસે છેક સાંજે મધુ આવી હતી. તે પહેલાં ન તો એનો કોઈ ફોન આવ્યો ન કોઈ મૅસેજ…! એ આવી પણ એના ચહેરા પર મેરા પિયા ઘર આયાનો કોઈ આનંદ નહતો. ઉત્સાહ નહતો. સાવ કોરો ચહેરો…ભાવહિન !! મધુ માટે માનસ જાણે એક સાવ અજાણ્યો જણ હતો. એ રાતે બન્ને સાથે સુતા. હતા પતિ પત્ની. પણ પતિ પત્ની વચ્ચે થવા જેવો કોઈ વ્યવહાર ન થયો. માનસે પુરુષસહજ પહેલ કરી.
‘ગિવ મી સમ ટાઈમ…આઈ નીડ મોર ટાઈમ…!’ પડખું ફરી મધુ સૂઈ ગઈ.
-આમને આમ આખે આખી જિંદગી આપી દીધી મેં તો મધુ તને …!’ માનસે બિયરનું કેન ખાલી કર્યું.
દિવસે દિવસે માનસને મધુનો પરિચય થવા લાગ્યો. મધુના કુટુંબનો પરિચય થવા લાગ્યો. મધુએ એના માતા પિતાના દબાણવશ એમના ઈમોશનલ અત્યાચારને કારણે જ માનસ સાથે લગ્ન કર્યા હતા. આ મધુએ જ એને કહ્યું હતું. વળી મધુને કોઈ માનસિક તકલીફ પણ હતી. ક્યારેક એ બહુ ઉત્સાહથી વાતો કરતી. માનસને પ્રેમથી નવડાવી દેતી. તો ક્યારેક સાવ અજાણી બની જતી. ફાટે દોરે એને જોતી રહેતી. ક્યારેક દિવસોના દિવસો સુધી એક શબ્દ ન બોલતી. તો ક્યારેક બોલવાનું શરૂ કરતી તો બંધ જ ન કરતી. ક્યારેક એન શરીરને સ્પર્શ પણ ન કરવા દેતી તો ક્યારેક આક્રમક બની વારંવાર શારિરીક સુખ ભોગવવા માટે અત્યાગ્રહી બની માનસને પરેશાન કરતી. અને માનસ એમ કરવામાં અસફળ રહે તો માનસને મ્હેણાં ટોણાં મારી ઈમ્પોટન્ટ કહેતી… !
-મધુને માનસિક રોગ હતો. માનવને ધીરે ધીરે ખ્યાલ આવી ગયો કે એની પત્ની મધુ બાઈપૉલર હતી. કભી શોલા કભી શબનમ હતી. એને કાયમી દવા લેવી પડતી. અને એ દવા ન લે તો એના માનસનું સંતુલન ખોરવાય જતુ. એને દવા લેવાની જરા ય ગમતી ન હતી અને દવા લેવાને બદલે, ગોળી નિયમિત ગળવાને બદલે એ કોઈ ન જૂએ એમ ફેંકી દેતી. અભ્યાસ તો એણે અડધેથી જ છોડી દીધો હતો. મધુના જ ભાઈ મેક તરફથી માનસને જાણવા મળ્યું કે મધુ બે વાર રિહેબમાં, માનસિક રોગોપચાર માટે રહી આવી હતી. અને ત્યાંથી પણ એ ભાગી આવી હતી.
-ઓહ…! માનસનો પનારો એક માનસિક રોગી સાથે પડ્યો હતો. એના સસરાના ત્રણ સબવે સેન્ડવિચના સ્ટોર હતા. બે ગેસ સ્ટેશનો હતા. અને  સાસુ સસરા બહોળા બિઝનેસને કારણે એક સ્ટૉરથી બીજે સ્ટૉર નિશદિન દોડતા રહેતા. ઘરે લીલી છમ નોટોનાનો વરસાદ થતો હતો. પણ એ લિલોતરીએ એમના સંતાનોને સુકવી દીધા હતા. એઓ મધુ અને મેકના સંસ્કારસિંચનમાં થાપ ખાય ગયા હતા. મેક તો ક્યારેક અઠવાડિયે બે અઠવાડિયે એકાદ વાર ઘરે આવતો. એ ક્યાંક એની સ્પેનિશ ગર્લ ફ્રેન્ડ આથે રહેતો હતો. એ કૉલેજ કદી જતો ન હતો. એ શું કરતો એ કોઈને જાણ નહોતી. એના પિતાના બિઝનેસમાં એને કોઈ રસ નહતો.
રાજુભાઈનો ઈરાદો તો માનસને ય એમનાં બહોળા બિઝનેસમાં જોતરી દેવાનો જ હતો. પણ માનસ ન માન્યો. એના એક પ્રોફેસરના મિત્ર ન્યૂ જર્સી ખાતે ફાયઝર ફાર્માસ્યુટિકલલ્સમાં કામ કરતા હતા. એનો ફોન નંબર હતો. અને એમના પર પ્રોફેસરે ભલામણપત્ર પણ લખી આપેલ. એમને ફોન કરતા માનસને ફાયઝર ફાર્માસ્યુટિકલ્સમાં એનાલિટીકલ કેમિસ્ટની નોકરી મળી ગઈ. માનસે બહુ આગ્રહ કરતા સસરાએ માનસને બે રૂમ રસોડાનું એક હાઊસ ભાડે લઈ આપ્યું. અમેરિકા આવ્યા બાદ લગભગ છ મહિના બાદ મધુને લઈ એ અલગ રહેવા ગયો. કાર ડ્રાઇવિંગ શિખી માનસે એક નાનકડી કાર પણ લઈ લીધી. મધુની હાલત ક્યારેક એકદમ બગડી જતી. અવકાશમાં એ તાકતી રહેતી. સુનમુન બની જતી. માનસનું કોઈ જ સગુ-વ્હાલું અહીં નહોતું. એ મૂંઝાતો. ગુંગળાતો. પણ શું થાય? મધુને સમજાવતો. દવા લેવા માટે દબાણ કરતો. અને નિયમિત દવા આપવાનો પ્રયાસ કરતો. એના મા-બાપને કહેતો કે મદદ કરો. પણ એમને એમના બહોળા બિઝનેસને કારણે સમય નહતો. દવા નિયમિત લેતી ત્યારે મધુ એકદમ સામાન્ય યુવતી બની જતી. ત્યારે એ માનસને પ્રેમથી, સ્નેહથી તરબતર કરી દેતી. અરે! માનસને એ જોબ પર પણ જવા ન દેતી. અચાનક આવતા ઝાંપટાઓથી માનસ ભિંજાય જતો.
-અને એમ કરતાજ સ્નેહલનો જન્મ થયો. માનસે બહુ કાળજી રાખી હતી કે સંતાન જલ્દી ન થાય. પરતું, માતા બનાવાને કારણે કદાચ મધુની માનસિક હાલતમાં સુધારો થાય પણ ખરો. અને જ્યારે સ્નેહલ મધુના ગર્ભમાં વિકસી રહ્યો હતો ત્યારે મધુની માનસિક હાલતમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો હતો.
-સ્નેહલ…! એનો એકનો એક પુત્ર! આજે તો યુએસમાં એક ખ્યાતનામ હાર્ટ સર્જ્યન થઈ ગયો હતો. સ્નેહલને જ કારણે જ એને જીવન જીવવા જેવું લાગતું હતું. સ્નેહલ આજે ઈન્ટરનેશનલ હાર્ટ કૉન્ફરન્સમાં એનું પેપર પ્રેઝન્ટ કરવા ડલાસ ગયો હતો. આવતી કાલે આવવાનો હતો. સ્નેહલ વિક એન્ડ મોટા ભાગે એના ડેડ સાથે જ પસાર કરતો.
સ્નેહલનો નાક નકશો માનસ જેવો જ હતો. એને મોટો કરવામાં, ઊછેરવામાં કેટ કેટલી તકલીફ પડી હતી માનસને! અરે! એક વાર તો બાથ આપતી વખતે મધુએ સ્નેહલને લગભગ ડૂબાડી જ દીધો હતો. એ તો સારું હતું કે દિવસે રવિવાર હતો અને માનસ ઘરે હતો. માનસ સીપીઆર જાણતો હતો એટલે એ સ્નેહલને બચાવી શક્યો હતો. ધીમે ધીમે મધુએ દવા લેવાની બંધ કરી દીધી હતી. માનસ એને ધમકાવી, સમજાવી પટાવી દવા ખવડાવતો. એના સાસુ સસરાને ફરિયાદ કરતો. પણ એમણે તો બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું હતું. એમણે તો હાથ ઊંચા કરી દીધા. મધુના રોગે જોરદાર ઊથલો માર્યો હતો. ક્યારેક તો એ આક્રમક બની જતી. માનસે પણ મધુના હાથના તમાચા ખાવા પડતા. અનિયંત્રિત બની જતી. સ્ક્રિક્ઝોફેનિક બની જતા મધુને રિહેબમાં ફરી દાખલ કરવી પડી. નાનકડા સ્નેહલને વહેલી સવારે ડે કેરમાં મૂકી આવતો. સાંજે ઘરે આવતા લઈ આવતો. રસોઈ કરતો. નોકરીમાં માનસની પ્રગતિ થઈ હતી. એને પ્રમોશન મળી ગયું  અને એ રૉ મટિરિયલ વિભાગનો ડાયરેક્ટર બની ગયો હતો. માનસને સ્નેહાની યાદ સતત સતાવતી. એને થતુઃ સ્નેહાને છોડવાની જ એ સજા ભોગવી રહ્યો હતો….!
ક્રિસમસની રજાઓ હતી. મધુને મળવા ગયો હતો માનસ સ્નેહલને રિહેબ ખાતે. મધુ હવે સામાન્ય લાગતી હતી. એને ય ઘરે આવવું હતું. સ્નેહલ પણ હવે તો ત્રણ વરસનો થઈ ગયો હતો. એણે ય મોમ સાથે રહેવું હતું. ડૉક્ટરને માનસ મળ્યો. તહેવારોની મોસમ હતી. જો સ્નેહા બરાબર નિયમિત દવા લે તો ડાક્ટરે એને ઘરે લઈ જવાની મંજૂરી આપી દીધી. અને મધુએ દવા લેવાનું પ્રોમિસ આપ્યું સ્નેહલના માથા પર હાથ મૂકીને.
ઘરે આવી મધુને બહુ સારું લાગ્યું. એની ગેરહાજરીમાં માનસે ઘર સાફ સુથરું રાખ્યું હતું. એના મધુએ વખાણ પણ કર્યા. સજાવેલ ક્રિસમસ ટ્રિની આસપાસ ગિફ્ટ પણ ગોઠવવામાં આવેલ હતી. એમાં સ્નેહલ માટે મોમ તરફથી ય ભેટ હતી એ જોઈને અને જાણીને મધુ રાજી રાજી થઈ ગઈ. સ્નેહલ તો મોમને છોડતો જ નહતો. માંડ એને એના રૂમમાં સુવડાવી મધુ માનસન પડખે ભરાઈ. ઘણા દિવસો બાદ એ માનસને વિટળાઈને સુતી. બન્ને ઉત્કટ શારિરિક સુખ ભોગવી નિંદ્રાધીન થયા.
-ટ્રિંગ… ટ્રિંગ… ટ્રિંગ… ટ્રિંગ….
વહેલી સવારે ફૉનની રિંગ વાગતા માનસ એકદમ ઝબકીને જાગી ગયો. એણે પડખે જોયું. મધુ નહોતીઃ જાગી પણ ગઈ…! વિચારી આંખો ચોળી એણે ફોન ઉપાડ્યો, ‘હ….લ્લો….!!’
‘…………………..!!’ માનસના હાથમાંથી કૉડલેસ ફોનનું રિસિવર પડી ગયું. સાવ અવાચક થઈ ગયો માનસ. સામે છેડે પોલિસ હતી. અમે એમણે જે માહિતિ આપી એ ચોંકાવનારી હતી. મધુએ માનસની કાર સાથે ઘરની નજીક આવેલ એક લેઈકમાં મોતની ડૂબકી લગાવી હતી. જ્યારે એ ઊંઘમાં હતો ત્યારે ચૂપકીદીથી મધુએ કાર ડ્રાઈવેમાંથી હંકારી મૂકી હતીઃ દુનિયાને આખરી અલવિદા કરવા…!
-ઓહ…! એણે તરત જ એના સસરાને ફોન કર્યો અને ઊંઘતા સ્નેહલને કાર સિટમાં નાંખી એ પોલિસે કહેલ જગ્યાએ ગયો. પોલિસે કાર ખેંચી નાંખી હતી અને મધુનો દેહ ઑટોપ્સી માટે મોકલી આપ્યો હતો. મધુ દગો દઈ ગઈ. માનસને એની જીવનસંગિની મધુ સાવ છેતરી ગઈ હતી….કાણી જીવન નૌકા સાથે પુરે પુરી વૈતરણી તરી ગઈ હતી!!
-શા માટે?? શા માટે?? મધુ કેટ કેટલી સાચવી હતી મેં તને? અને તેં છે…ક આવું કર્યું??!! માનસની આંખો બન્ને કાંઠે છલકાય ગઈ.
સાવ એકલો થઈ ગયો માનસ.
વિચાર કરી માનસે ભાઈભાભીને દેશથી બોલાવી દીધા. એઓ તો આવવું જ હતું. એમના આવવાથી સ્નેહલની ચિંતા સાવ ઓછી થઈ ગઈ. માનસના લગ્ન મધુ સાથે કરવા માટે એમને દબાણ કર્યું હતું. માનસને એમાં કોઈનો દોષ જણાતો નહતો. એની જિંદગીની કહાણી જ એમ લખાણી હતી. તો કોઈ શું કરે એમાં? ભાભી ઘર સંભાળતા. ભાઈને એક ભારતિયની મૉટેલ પર કામ મળી ગયું. એમના સંતાનોને સ્કૂલમાં ઍડમિશન અપાવી દીધું. સમય પસાર કરવા માનસે ફરી અભ્યાસ કરવા માંડ્યો. ફાયઝરમાં એની ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને એ રો મટિરિયલ ડિપાર્ટમેન્ટનો વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો. ન્યુ જર્સીની ઠંડી મોટાભાઈને માફક ન આવતા એમને હ્યુસ્ટન ખાતે નાનકડી મૉટેલ લઈ આપી. અને એમનું કુટુંબ એમાં વ્યસ્ત રહેતું અને બે પાંદડે થયું હતું. સ્નેહલ ભણવામાં હુંશિયાર હતો. સ્નેહલ અભ્યાસમાં તેજ તો હતો જ અને હાર્ટ સ્પેશ્યાલિસ્ટ બની ગયો હતો. મોટાભાઈ-ભાભીએ માનસને બીજા લગ્ન કરવા માટે બહુ સમજાવ્યો, દબાણ પણ કર્યું. પણ આગ સાથે બીજીવાર ખેલ ખેલવા તૈયાર ન હતો. એક વાર યુએસ આવ્યા બાદ ફરી કદી એ દેશ ગયો નહતો. એ કહેતો કે દેશના હવા પાણી સાથે અંજળપાણી પુરા થયા. અને જાય તો પણ કયા મ્હોંએ એ દેશ જાય….?? સ્નેહાને એ શું જવાબ આપે? સ્નેહાની યાદ માનસને સતાવતી રહેતી. આવતી રહેતી. સ્નેહાને એણે કદી અલગ જ કરી ક્યાં હતી. દિલમાં વસાવી હતી સ્નેહાને…! એકલો એકલો એ ક્યારેક સ્નેહા સાથે વાતો કરતો રહેતો. સ્નેહાને પ્રેમ પત્રો લખતો. ફાડી નાંખતો. કેટલાંય પ્રેમપત્રોનાં એણે બે મોટા મોટા ફોલ્ડર બનાવ્યા હતા. એ પ્રેમપત્રોમાં શબ્દેશબ્દ સ્નેહ નિતરતો હતો…! પવિત્ર પ્રેમ પ્રજવતો હતો. દિવ્ય પ્રેમ દેદીપ્યમાન થતો હતો. એ પત્રોમાં એની જિંદગીની કહાણીના એક એક પ્રકરણો સચવાયા હતા. સ્નેહા માટે સાડીઓ, ડ્રેસ લાવીને એ ક્લૉઝેટમાં લટકાવતો. કેટલાંય કિમતી ઘરેણા લાવ્યો હતો સ્નેહા માટે…! અરે…! ક્યારેક તો સ્નેહા વતી ખુદને પ્રેમપત્ર લખી પૉસ્ટ કરતો. એકવાર તો સ્નેહા વતી ખુદને લખ્યું હતુઃ
જાનુ! લોક તો રહી જતે બસ આપણી વાત કરીને,

શું મળ્યું સનમ? મને જિંદગીમાંથી બાકાત કરીને!
આંખો બંધ કરતા એને સ્નેહા દેખાતી. સપનાંમાં આવીને સતાવતી કે ક્યારેક સપનાંમાં એ સ્નેહાને સતાવતો. શતરંજની બાજીઓ મંડાતી. ક્યારેક એ હારતો તો ક્યારેક સ્નેહા જીતતી.
-સ્નેહા…સ્નેહા…સ્નેહા….!!  આ છેલ્લું જ કેન ડાર્લિંગ…! સ્વગત્‍ બોલી માનસે બિયરનું ચોથું કેન ખોલ્યું અને ઘૂંટડો ભર્યોઃ તું તો જાણે છે ને વ્હાલી…! હું ક્યાં કદી પીઊં છું? બસ, આ વિક એન્ડ છે તો.. જસ્ટ ફોર રિલેક્ષ…! માનસને હલકો હલકો નશો થવા લાગ્યો હતો. હવે એ મોટે મોટેથી સ્નેહા સાથે વાત કરવા લાગ્યો હતો, ‘આજ સુધી હું ક્યાં મારા માટે જીવતો હતો? તું જ કહે…ટેલ મી… ટેલ મી…ટેલ મી…! પણ તું ક્યાં કંઈ કહે જ છે? જ્યારે કંઈક કહેવાનું હોય ત્યારે જ નથી કહેતી !! બસ તારા આ પરવાળા જેવા હોઠ સીવી દે…! ફોર..ગો…ડ સેઈક…!! પ્લિ…સ કંઈક તો બોલ…!’
‘અરે…ડેડ ?? કોની સાથે વાત કરો છો??’ સ્લાઇડિંગ ડૉર ખસેડી સ્નેહલ અચાનક ડેક પર આવ્યો. ચિંતાતુર અવાજે એ બોલ્યો, ‘ડે…ડ….!! તમે તો કપડાં પણ બરાબર નથી પહેર્યા. ઈટ ઈસ કૉલ્ડ…’ જલ્દીથી અંદરથી શાલ લઈ આવ્યો અને માનસના ખભા પર નાંખી.
‘તું…!? તું તો કાલે આવવાનો હતોને?’ માનસે શાલ બરાબર વિંટાળી. હવે એ વર્તમાનમાં આવી ગયો હતો. એને પણ ઠંડીનો અહેસાસ થયો, ‘સો…ઓ…ઓ…ડૉક…! હાઊ વોઝ યોર ઇન્ટરનેશનલ હાર્ટ કૉન્ફરન્સ…?’ મોટે ભાગે એ માનસ સ્નેહલને ડૉક કહીને જ સંબોધતો…!
‘ઈટ વોઝ ગ્રે…ઈ…ટ ડેડ…!’ બે ખુરશી સ્નેહલે હીંચકા સામે ગોઠવી, લાઈટ સળગાવતા ડેકની ચાર ખૂણે ગોઠવેલ દૂધિયા ગોળા પ્રકાશમાન થયા. માનસે ખાલી કરેલ બિયરના કેન એણે રિસાયકલના ગાર્બેજ કેનમાં નાંખ્યા, ‘ડેડ…વિ હેવ ગેસ્ટ…!’ અંદર જઈ એક યુવતીને દોરી એની સાથે એ ડેક પર આવ્યો. યુવતીએ નીચે વળીને માનસના ચરણસ્પર્શ કર્યા અને હળવેથી એ ખુરશી પર ગોઠવાઈ.
યુવતી પર માનસની નજર પડી. એ ચોંકી ગયો. એણે આંખો ચોળી…!!
‘મીટ ડૉક્ટર માનસી ફ્રોમ મુંબાઈ….!’
‘……………….!’ માનસ આવ અવાચક્‍.
‘નમસ્તે અંકલ…!’
‘ન..ન…ન…નમસ્તે…એ…’ માનસની જીભ લોચા વાલતી હતી. હ્રદયના ધબકારા વધી ગયા હતા…! ધક… ધક… ધક…! ધબકારા ખુદના કાનમાં સંભળાતા હતા. એ ટીકી ટીકી ડૉક્ટર માનસીને જ જોઈ રહ્યો હતો. એ જ ગોળ ચહેરો…એ જ નાનકડું નમણું નાક…. એ જ મારકણી કથ્થઈ આંખો… એ જ લાંબી ભ્રમરો…એ જ પરવાળા જેવા ગુલાબી હોઠ…! જાને સ્નેહા એના મનોપ્રદેશમાંથી બહાર આવી સામે ગોઠવાઈ ગઈ હતી. સાવ બેશરમ બની માનસ માનસીને જ જોઈ રહ્યો હતો.
‘ડૉક્ટર માનસી મુંબાઈ હિન્ડુજા હૉસ્પિટલમાં કાર્ડિયાક સર્જ્યન છે.’ સ્નેહલે ઓળખાણ આગળ વધારતા કહ્યું.
‘……………….!’ માનસ તો ચૂપ જ. એ વિચારતો હતોઃ છે તો એ જ…! સ્નેહા જ…! પણ અહીં કેવી રીતે? એ અહીં ક્યાંથી હોય…? મારો ભ્રમ છે…!
‘માનસી વોન્ટ ટુ સી ન્યુયોર્ક… સો અમે બન્ને આજે આવી ગયા….!’
‘વો…વો…ઓ…ટ ઇસ.. યોર મૉમ…..તારી મમ્મીનું નામ શું…??’ ધ્રૂજતા અવાજે માનસે પૂછી જ નાંખ્યું, ‘સ્નેહા તો નથીને?’
‘યસ…!!’ એકદમ ચમકીને માનસી બોલી, ‘ પણ તમે કેવી રીતે જાણો….? હાઊ ડુ યુ નૉ…??’
હીંચકા પરથી માનસ હળવેથી ઊભો થયો. એના રોમ રોમમાં કંપનો થઈ રહ્યા હતા. રૂંવે રૂંવે સંતુર વાગી રહ્યું હતું. એના ખભા પરથી શાલ સરકીને ડેકની ફરસ પર પડી. નીચા નમીને ખુરશી પર બેઠેલ માનસીના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું અને બાવડેથી માનસીને બળપૂર્વક ઊભી કરી એ માનસીને ભેટી પડ્યો. માનસીને સંકોચ થતો હતો. એને કંઈ સમજ પડતી નહતી. માનસની આંખોમાંથી ગંગા જમના વહેતી હતી. ધ્રૂજતા કદમે એ ફરી હીંચકા પર ધબ દઈને બેસી પડ્યો. ભીની ભીની આંખે મંદ મંદ હસતો માનસ કંઈક અજબ લાગતો હતો.
‘યુ આર માનસી…બિ…કૉ..ઝ… માય નેઈમ ઈસ માનસ…!’ ડૂંસકું લઈ હસીને માનસ બોલ્યો. સ્નેહલને કંઈ સમજ પડતી નહતી. એને ચિંતા થઈ આવી એના ડૅડની. એ માનસની બાજુમાં ગોઠવાયો અને ટીસ્યુ પેપર આપી પૂછ્યું, ‘ડેડ.. આર યુ ઓકે…?’
‘આઈ એમ ફાઈન…ડૉક…!’ માનસે નાક સાફ કરી કહ્યું, ‘સોરી… આઈ એમ વેરી સોરી… બટ આઈ કુલ્ડ નૉટ સ્ટોપ માઇસેલ્ફ…! હાઊ ઇસ સ્નેહા…??’ એની આંખોમાં છલોછલ પ્રેમ છલકાય રહ્યો હતો.. માનસી માટે…સ્નેહા માટે…!
‘મોમ મજામાં છે. ગઈ કાલે જ ફેઈસબુક પર એની સાથે વિડીયો ચાટ કરી હતી. હજુ માનસીને સંકોચ થઈ રહ્યો હતો, ‘બ….ટ….!’
માનસીને અટકાવી માનસ બોલ્યો, ‘તારે એ જ જાણવું છે ને કે હું કેવી રીતે તારી મોમને ઓળખું…! તો બેટા… ડિયર… એ એક લાં…બી કહાણી છે. પણ મને પહેલાં એ કહે કે તારા ડેડ… પપ્પા શું કરે છે…?કેમ છે…?’
‘……………….!’ હવે ચુપ રહેવાનો વારો હતો માનસીનો. સહેજ અટકીને ધીરેથી એ બોલી, ‘ મેં મારા પપ્પાને  ફોટામાં જ જોયા છે!’ ઊંડો શ્વાસ લઈ એ બોલી, ‘હું જ્યારે છ મહિનાની હતી ત્યારે જ સ્કૂટર એક્સિડન્ટમાં …’
‘ઓહ….! આઈ એમ વેરી સોરી ટુ હિયર…’ માનસ પણ ગમગીન થઈ ગયો, ‘ તો પછી સ્નેહાએ…??’
‘ના…મૉમ એકલીએ જ મને મોટી કરી. ઊછેરી. સહુએ બહુ સમજાવી હતી. ખાસ તો નાના-નાનીએ. અરે દાદા-દાદીએ પણ. બટ મોમે બીજીવાર લગ્ન કરવા માતે ના જ પાડી દીધી!’ સહેજ અટકીને થૂંક ગળી માનસી બોલી, ‘મોમ મને કહેતી રહે છે કે એને કોઈનો ઈંતેજાર છે… અને એ એની રાહ જોશે જિંદગીભર…!ભવોભવ…! પણ હવે મને લાગે છે કે…….’
‘…..કે એ.. ઈંતેજાર હવે પુરો થઈ ગયો…!’ હસીને માનસે વાતનું અનુસંધાન કરતા કહ્યું, ‘ડોક, માય સન…! બુક ટિકિટ રાઈટ નાઊ…ટુ મુંબાઈ…એની એરલાઈન…એની ક્લાસ…! મારી રાહ જોઈ રહી છે સ્નેહા…!!બહુ રાહ જોઈ છે એણે મારી….’
બીજે દિવસે જ્યારે ન્યુ જર્સીના નૂવાર્ક એરપોર્ટ પરથી કૉન્ટિનેંટલ એરલાઈનની ફ્લાઇટ સીઓ ૪૮ હવામાં તરતી થઈ ત્યારે માનસ-સ્નેહાની જિંદગીની કહાણીના નવા પ્રકરણનું પહેલું પાનું લખાઈ રહ્યું હતું…
(સમાપ્ત)

સાભાર – સુરેશ કાક્લોતર

યુ કેન ડુ ઇટ..!!

Standard

‘યુ કેન ડુ ઈટ….!!

~નટવર મહેતા 
  ‘બચાવો…બચાવો…બચાવો….!’
મરિયમ દોડી રહી હતી. હાંફળી ફાંફળી..!! જીવ કાઢીને…જીવ બચાવવા.
‘બચાવો…બચાવો…બચાવો….!’
એની પાછળ પાછળ એક ટોળું દોડી રહ્યું હતું. દરેક ડગલે ટોળામાં પુરુષોની સંખ્યા વધી રહી હતી. પાંચ…દશ…પંદર…! કોઈના ય ચહેરા ઓળખાતા ન હતા! એક ધાબું હતું ચહેરાઓની જગ્યાએ!! કોઈએ શ્વેત વસ્ત્રો પહેર્યા હતા…કોઈએ ભગવા તો કોઈએ પીતાંબર…!!
મરિયમે ઝડપ વધારી.
‘ભૈયા…ભૈયા…ભૈયા…!! મુઝે બચાઓ…!!’
મરિયમ અને ટોળા વચ્ચે અંતર ઝડપથી ઘટી રહ્યું હતું. ઘટી ગયું. મરિયમ જમીન પર ફસડાઈ…ટોળું બેરહમીથી એના પર તૂટી પડ્યું…! ટોળાંએ મરિયમને પીંખી નાંખી…! વીંખી નાંખી…!! ચૂંથી નાંખી!
ફરહાન ઝબકીને એકદમ જાગી ગયો.
પરસેવે રેબઝેબ! એની છાતી ધમણની માફક ચાલી રહી હતી. એ પથારીમાં બેઠો થઈ ગયો. બ્રસેલ્સની રોયલ વિન્ડસર હોટેલના રૂમ નંબર ૪૦૩માં વાતાનુકૂલિત વાતાવરણમાં પણ એનું શરીર  પરસેવે નાહી રહ્યું હતું.
-ડેમ…!! એણે પોતાના હાથના બન્ને પંજા પોતના ચહેરા પર ફેરવ્યા અને કપાળે બાઝેલ પ્રસ્વેદ બિન્દુ દૂર કર્યા. હજુ ય એના હ્રદયના ધબકારા એના કાનમાં સંભળાઈ રહ્યા હતાઃ ધક…ધક… ધક… ધક…!
-ઓ મરિયમ…! મરિયમ…! મરિયમ…!
ફરહાને એની પડખે સુતેલ શિવાની પર એક નજર કરી. શરીર સુખથી સંતૃપ્ત થઈ શિવાની ઘસઘસાટ ઊંઘી રહી હતી. રેશમી ગુલાબી કમ્ફોર્ટરમાંથી એની પાતળી પણ માંસલ જાંઘ બહાર ડોકિયું કરી રહી હતી એને ફરહાને બરાબર ઢાંકી. પલંગ પરથી એ ઊભો થયો. થોડા ઊંડા શ્વાસ લીધા. એના સ્નાયુબધ્ધ એકવડા શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. એટલે ઠંડીનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું! આદતવશ ફરી એણે બન્ને પંજા પોતાના ગોરા ચહેરા પર ફેરવ્યા. કાર્પેટ પડેલ બૉક્સર પહેરી એણે પોતાની નિર્વસ્ત્રતા દુર કરી. હજુ એના હ્રદયના ધબકારા ધીમા થયા નહોતા. હળવા કદમે ચાલી એ બાથરૂમમાં ગયો. લાઈટ ચાલુ કરી વોશ બેસિનને લગોલગ જડેલ આદમકદ અરીસામાં એ પોતાને નિહાળી રહ્યો.
આયનાએ ઓળખવાની ના પાડી છે;

મેં   જ  ખુદને મારી  નજર લગાડી  છે.
મ્લાન હસી ઠંડા પાણીની છાલક પોતાના મ્હોં પર મારી ફરી એ પોતાના પ્રતિબિંબને ઓળખવાની કોશિશ કરવા લાગ્યો. બાથરૂમની બહાર આવી એણે સાઈડ ડેસ્ક પર મૂકેલ ડિજીટલ ક્લૉક પર નજર કરીઃ મધરાતના બે વાગવામાં દશ મિનિટ બાકી હતી. સવારે નવ વાગે તો એની રિટર્ન ફ્લાઇટ હતી. બ્રસેલ્સથી મુંબઈની, જે એણે લઈ જવાની હતી. જેટ એરવેઝમાં ફરહાન મુખ્ય પાઇલટ હતો. કૅપ્ટન હતો.
-ઓહ!! ગમે એમ કરીને ઊંઘવું જરૂરી હતું. પણ આ એક દુઃસ્વપ્ન એને ચેનથી સુવા દેતું નહોતું! સુવા દેવાનું નહોતું. વારેવારે આવતું… સતાવતું રહેતું હતું…!!
-મરિયમ…!
મરિયમને યાદ કરી એણે એક ઊંડો નિઃશ્વાસ નાંખ્યો. એની પાંપણે આંસુનાં તોરણો લટક્યા!! એ કંઈ જ કરી ન શક્યો હતો મરિયમને બચાવવા માટે…!! મરિયમ એની એકની એક નાની દીદી હતી. ખીલતા મોગરાની કળી જેવી મહેકતી…વહેતા ઝરણા જેવી ખળખળ વહેતી…ઊછળતી કુદતી…!! આમ્રકુંજમાં ડાળીએ ડાળીએ ઘૂમતી કોયલની માફક ચહેકતી ગહેકતીઃ ભૈયા ભૈયા…! અબ્બુ અબ્બુ…!! અમ્મી અમ્મી…!!!
ચૂથી નાંખી હતી નાપાક હિન્દુઓએ મરિયમને! બેરહમીથી વીંખી નાંખી હતી એની એકની એક દીદીને…!! બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફાટી નીકળેલ દંગા ફસાદમાં… એની ચૂંથાયેલ લાશ મળી આવી હતી. એની સખીના ઘરેથી પરત આવવા મરિયમ નીકળી હતી. અચાનક દંગા ફાટી નીકળ્યા હતા. આખુ મુંબઈ સળગી ઊઠ્યું હતું. માનવો શેરીમાં નીકળી પડ્યા હતા દાનવ બનીને…! ફરહાન ત્યારે ફ્લોરિડા ભણી રહ્યો હતો. અબ્બુ જાવેદ અલીએ એને ફોન કર્યો હતોઃ મરિયમ ગુમશુદા છે…! મુંબઈ ભડકે બળી રહ્યું છે. ઇન્ડિયા આખું સળગી ઊઠ્યું છે…! માનવતા મરી પરવારી છે. શયતાન રાજ કરી રહ્યો છે. ફરહાન દોડી આવ્યો હતો ફ્લોરિડાથી મુંબઈ…!!એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલે દોડતા રહ્યા હતા હાંફળા ફાંફળા…!!ફસાદ થોડા શાંત થયા બાદ એક મુર્દાઘરમાં એ અબ્બુ સાથે ગયો હતો. એક બેનામી લાશને ઓળખવાઃ એ હતી મરિયમ…!! એક ડૂંસકું આવીને અટકી ગયું ફરહાનના ગળે.
-શું વાંક હતો મરિયમનો…?!
-એણે ક્યાં બાબરી મસ્જિદ બાંધી હતી…?!
-અરે…! એને તો જાણ પણ ન હશે કે બાબરી મસ્જીદ ક્યાં આવી…?!
ફરહાનના ગાલ પર આંસુની સરવાણી વહેવા લાગી…!
-મને માફ કરી દે મરિયમ…! હું તને બચાવી ન શક્યો…!!
-મને બક્સ દે…મારી દીદી…!!
મરિયમની રૂહ ભટકતી હતી…!! એણે એના બન્ને પંજાઓ ફરી પોતાના ચહેરા પર ફેરવ્યા. જાણે એ પોતાના ચહેરા પર ચોંટેલ ખોખલી સ્વસ્થતા શહેરો ઉતારી નાંખવા માંગતો ન હોય…!!
પલંગ પરથી એ ફરી ઊભો થયો. ઘડિયાળ પર ઊડતી નજર કરી એણે ખુદાને યાદ કરી નમાજ અદા કરીઃ ખુદા મારી મરિયમને બક્સ દે…! તારી પનાહમાં લઈ લે…!! યા અલ્લા…!! યા ખુદા…!!! રહમ કર…રહમ કર…!!
લેપટૉપની બેગમાં નાના પાઉચમાં રાખેલ વેલિયમ ફાઈવની એક નાનકડી ગોળી કાઢી એણે ગળી અને   શિવાનીના સુંવાળા પડખે સમાઈ ફરહાને આંખો બંધ કરી…!!
‘વેઈક અપ કૅપ્ટન!!’  તાજુ શેમ્પુ કરી બહાર આવેલ શિવાનીએ એના ભીના ભીના ખુશ્બુદાર વાળથી સુતેલ ફરહાનના ચહેરા પર વાંછટ કરી. છાતી પર બરાબર કસીને બાંધેલ ટુવાલ ખેંચવાની ફરહાનની કોશિશ શિવાનીએ નિષ્ફળ બનાવી.
‘ગેટ રેડી…!!’ એણે હુકમ જ કર્યો, ‘યુ હેવ ઓન્લી થર્ટી મિનિટ્સ…! પછી ફરહાનના રૂમનું બારણું અડધું ખોલી હોટેલના કોરીડોરમાં એક નજર દોડાવી કોઈ નથીની ખાતરી કરી એ ટુવાલભેર ઝડપથી બહાર સરકી ગઈ અને પડખેના એના રૂમમાં સરકી ગઈ.
શાવર નીચે ઊભા રહી ફરહાન વિચારવા લાગ્યોઃ આ શિવાની પણ ગજબની ઓરત છે!! એના અંગેઅંગને એ જાણતો હતો… પહેચાનતો હતો…પણ એના દિમાગમાં શું ચાલે છે એના વિશે એને કશી જ ગતાગમ પડતી નહોતી!! શિવાની પણ જેટ એરવેઝમાં એરહોસ્ટેસ જ હતી. એકવાર શિવાનીએ ફરહાનનો રૂમ છોડ્યો કે એ શિવાની માટે કૅપ્ટન ફરહાન કે કૅપ્ટન અલી જ બની જતો…!! કોઈ પણ જગ્યાએ એ ઊતરતી, કોઈ પણ ડેસ્ટીનેશને, એ હંમેશ બે અલગ અલગ હોટેલમાં રૂમ બુક કરાવતીઃ એક રૂમ ફરહાનના રૂમની સાવ પડખે અને બીજો એને જેટ એરવેઝ તરફથી મળતો ઑફિશિયલ રૂમ…!! આ શિવાની પણ એક કોયડો જ હતી ફરહાન માટે…!! શિવાની સાથેના એના સંબંધો ફરહાને ગુપ્ત રાખ્યા હતા. એને એ ય જાણ નહોતી શિવાની એને ચાહે છે કે નહિ? એ શિવાનીને ચાહે છે કે નહિં??  એના અને શિવાનીના સંબંધોની વ્યાખ્યા શી છે…??
બ્રસેલ્સથી મુંબઈની ફ્લાઇટ એકદમ સરળ અને સમયસર રહી હતી. સહારના શિવાજી છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી બહાર નીકળતી વખતે શિવાનીએ એક વાર પણ ફરીને એના તરફ ન જોયું!!
-એ છે જ એવી!! ફરહાને વિચાર્યું. શી ઈસ લાઈક ધેટ…!!
ફરહાને એની ફોર્ડ ફિયેસ્ટાની ઈગ્નિશન કિ ફેરવી…!! મધરાતનો સમય હોય માહિમ એની કોલોની પર આવતા ફરહાનને જરાય ટ્રાફિક ન નડ્યો. એના બંગલા ‘આશિયાના’ના કંપાઉંડમાં કાર પાર્ક કરતા કરતા એની નજર અબ્બુના રૂમ પર પડી. બારી બંધ હતી. એરકંડિશનરનો ધીમો ઘરઘરાટ સંભળાઈ રહ્યો હતો. ઓટલાના ચોથા પગથિએ એ પહોંચ્યો એ પહેલાં તો એના અબ્બુ જાવેદ અલીએ બારણું ખોલ્યું, ‘આ ગયા બેટા..?’
‘અ…બ્બુ…!! આપ ભી ના…!’ ફરહાન પ્રેમથી પિતાને ગળે મળ્યો, ‘ઈતની રાત હો ગઈ…!! ફિર ભી આપ…! સો જાના ચાહિયે થા…!!’
ચાર ફૂટ બે ઇંચ ઊંચા જાવેદ અલીએ પગના પંજા પર ઊભા થઈ છ ફૂટ એક ઇંચ ઊંચા ફરહાનના કપાળે પ્રેમથી એક ચુંબન કર્યું અને વાળમાં હાથ ફેરવ્યા, ‘કૈસી રહી ફ્લાઇટ…?’
‘આપકી દુઆ હૈ હમારે સાથ તો હમે ક્યા હોને વાલા હૈ…? હસીને ફરહાને કહ્યું, ‘આપકા તજરૂમા કૈસા ચલ રહા હૈ અબ્બુ..?’
‘બસ બેટા…! વહી કર રહા થા..,! ક્યા પાક બાત કહી હૈ ભગવાન કિશનને..! મા કર્મણ્યે વાધિકાર્સ્તે ફલેષુ કદાચન્…! ‘ જાવેદ અલી મુંબઈ યુનિવર્સિટીના ઊર્દુના પ્રોફેસર હતા. એઓ હાલમાં ભગવદ્ ગીતાનું ઊર્દુમાં જ્ઞાનાંતર કરી રહ્યા હતા.
‘અબ્બુ સો જાઓ…! હમ ભી શાવર લે કે સો જોયેંગે…!’ થૂંક ગળી ફરહાને વિચાર્યુઃ મેર ભોલે અબ્બુ યે સબ કિતાબી બાતેં હૈ…!!
‘અચ્છા બેટા…!’ કહી એમણે લિવિંગ રૂમની લાઈટ હોલવી કહ્યું, ‘બેટા, આપકી અમ્મીને આપકે લિયે બહુત બઢિયા બિરયાની પકાઈ હૈ…હો શકે તો…!!’
‘ઓ કે…! અબ્બુ…!!’ કહી ફરહાન પહેલે માળે એના રૂમમાં ગયો. ટાઈ છોડી યુનિફોર્મ કાઢી માસ્ટર બેડરૂમના ઍટેચ્ડ બાથરૂમમાં એ ઘૂસ્યો. શાવર નીચે ઊભા રહી હૂંફાળો શાવર લેતા લેતા એ વિચારવા લાગ્યોઃ કેટલા ભોળા છે મારા અબ્બુ…?!! કેટ કેટલાં ઝહર ગટગટાવી પી ગયા…? પચાવી ગયા…!! કેટલી આસાનીથી એ વીસરી ગયા કે જાવેદ ગદ્દારના નામે એક વાર એમનું નામ દેશભરના અખબારોમાં કાલી સ્યાહીમાં છપાયું હતું…! શું અબ્બુ એ સાવ વીસરી ગયા હશે કે પછી…??!!
થયું એવું હતું કે મુસ્લિમ લીગે પ્રોફેસર જાવેદ અલીને બૃહદ મુંબઈ મહાનગર પાલિકાના વૉર્ડની ચૂંટણી માટે એક ઉમેદવાર તરીકે ઊભા રાખવાનું નક્કી કર્યું હતું. બોર્ડની વસ્તી અને જાતિ મુજબ અને એક નેક પાક ઉમદા ઇન્સાન તરીકે પ્રોફેસરની ઓળખને કારણે એઓ ચૂંટાઈ આવે એવી પુરેપુરી ખાતરી હતી. વૉર્ડમાં મુસ્લિમ વસ્તી ચાલીસથી બેતાલીસ ટકા હતી એટલે પણ એમની ચૂંટાઈ આવવાની પુરે પુરી શક્યતા હતી. એમની આ પસંદગીથી વૉર્ડના શિવસેના શાખાધ્યક્ષ કુશાભાઉ કરકરેને આંખમાં કણાની માફક ખૂંચી હતી. એમની સેનાના ઉમેદવાર વસંત પાટિલની ચૂંટાવાની શક્યતા ડગમગી ગઈ હતી. અને એક કારસો રચાયો હતો પ્રોફેસર જાવેદ અલી પર ગદ્દારનું લાંછન લગાવવાનો…! સેના શાખાભવન પર કોઈએ લેટર બૉમ્બ મોકલ્યો હતો. એ લેટર બૉમ્બ ફૂટ્યો. બે શિવ સૈનિકો ઘવાયા તો એક મર્યો…! બાહોશ કહેવાતી મુંબઈ પોલીસે તપાસ આરંભી…! આંતર રાષ્ટ્રિય અલકાયદાથી દેશી સિમ્મી સુધીના આતંકવાદી સંસ્થાઓની સંડોવણીની જાતજાતની અફવાઓથી અખબારો…ટીવી ચેનલો…રેડિયો છલકાયા… બે મહિના બાદ અચાનક પ્રોફેસર જાવેદ અલીના ‘આશિયાના’ પર પોલીસની રેડ પડી… પ્રોફેસરે ઘરની તલાશી લેવા દીધી હતી…એમનો ક્યાં કોઈ દોષ હતો  કે એમને કોઈ વાંધો પડે…??
પણ એમના આશ્ચર્ય વચ્ચે…સહુના આશ્ચર્ય વચ્ચે… ઘરની તલાશી દરમ્યાન એમની અંગત વિશાળ લાઇબ્રેરીમાં રાખેલ કુરાન-એ-શરીફના પાનાંઓ કાપી એમાં જગા બનાવી રાખેલ ચારસો ગ્રામ જેટલું આર. ડી. એક્ષ. મળી આવ્યું!! પોલીસે ‘શોધી’ કાઢ્યું…!! પ્રોફેસરે બહુ જ વિરોધ કર્યો. આ એમનું ન જ હતું…! એમને ફસાવવામાં આવી રહ્યા છે…!! ફસાવી દેવામાં આવ્યા છે…!! પણ પોલીસ ઈ. મહેશ માંજરેકર કેમ માને?? આ તો સીધો ગુન્હો હતો…! આર. ડી. એક્ષ!! મુંબઈની પોલીસ બહુ કુશળ હતી. બાહોશ હતી. કોઈને ‘ફીટ’ કરી દેવામાં પણ…! મુંબઈ પોલીસ હોશિયાર હતી ગુન્હેગાર પકડવામાં પણ અને ગુન્હેગાર બનાવવામાં પણ…!!
ત્યારે ફરહાન એની ડ્યૂટી પર હતો. લંડનથી પરત એની ફ્લાઇટ વેધરને કારણે બે કલાક મોડી થઈ હતી… વહેલી સવારે એ ઘરે આવ્યો ત્યારે અમ્મીએ રડી રડીને આંખોમાં ગુલાલ આંજી દીધો હતો. અને અબ્બુની પોલીસે ધરપકડ કરી હતી. સહમી ગયો ફરહાન… એક ઈમાનદાર પાક મુસ્લિમ હોવાનો શું આ સરપાવ હતો…??!! એનું જુવાન લોહી ઊકળી ઊઠ્યું હતું. એના પ્રોફેસર ભોળા અબ્બુને ફસાવી દેવામાં આવ્યા હતા…!! જો રસ્તામાં ચીંટીની કતાર જતી હોય તો જે ઇન્સાન ખુદનો રાહ બદલી નાંખે એવા નેકદિલ ઇન્સાન આજે ગદ્દાર…દેશ દ્રોહી…ખૂની તરીકે કારાવાસમાં….?? જેલમાં…?? યા ખુદા કૈસા હૈ તેરા યહ ઇન્સાફ…?? કૈસી યે તેરી ખુદાઈ…?? ફરહાને તરત જ અબ્બુને જેલમાં મળવાની કોશિશ કરી…! પણ પોલીસે એની એક ન માની…! બસ, એને એટલી જાણ થઈ કે અબ્બુએ અનશન શરૂ કર્યા હતા અને જેલમાં અન્ન જળનો ત્યાગ કર્યો હતો…! એના વિસ્તારના વિધાનસભ્યને મળીને પોલીસ અબ્બુ પર થર્ડ ડિગ્રી ન અજમાવે એની વિનંતિ કરી. સાંસદોને મળી રજૂઆત કરી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મળ્યો. ચાન્સેલરે તો બેધડક અબ્બુનો જ પક્ષ લીધો. ફરહાને એક અઠવાડીયાની રજા મૂકી દીધી. મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, લીડરોને મળ્યો. વિદ્યાર્થીઓ એને પુરો સાથ આપ્યો. મુંબઈ વિદ્યાર્થી સંઘે વિધાનસભા તરફ મ્હોંએ કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી વિરોધ દર્શાવ્યો. મુસ્લિમ કોમી એકતા સમિતિએ શાંતિ બનાવી રાખવાની આપી મુસ્લિમોને શાંત રાખ્યા. સરકાર પર દબાણ વધી રહ્યું હતું. પ્રોફેસર જાવેદ અલીએ ગાંધી ચીંધ્યા માર્ગે જેલમાં વિરોધ જારી રાખ્યો. મુસ્લિમ લીગે મુંબઈના જાણીતા ઍડ્વોકેટ લાલવાણીને રોક્યા. પ્રોફેસર નિર્દોષ હતા.. જરૂર નિર્દોષ હતા એમાં કોઈ શક નહોતો. પરંતુ એમના ઘરમાંથી જ..એમની અંગત લાઇબ્રેરીમાં રાખેલ કુરાન-એ-શરીફમાં બનાવવામાં આવેલ ગુપ્ત ખાનામાંથી મળી આવેલ આર. ડી. એક્સને કારણે કેસ સાવ નબળો પડી ગયો હતો…!!
-આ કુરાન-એ-શરીફ ત્યાં  કોણે ગોઠવ્યું??
ઍડ્વોકેટ લાલવાણી માટે આ સહુથી મોટો કોયડો હતો. આવડું દળદાર પુસ્તક સફાઈદાર રીતે રેડ વખતે તો પોલીસ ન જ મૂકી શકે!! ખુદ પ્રોફેસરે પણ કહ્યું હતું કે જ્યારે રેડ પડી ત્યારે ચાર પોલીસ કર્મી અને ઈ. માંજરેકર સાવ ખાલી હાથે વારંટ સાથે આવ્યા હતા…! તો પછી એ ત્યાં આવ્યું કેવી રીતે?? લાલવાણીએ એના અંગત અન્વેષકોને કામે લગાડ્યા. પ્રોફેસરની ઘરે ઘણી આવન-જાવન રહેતી હતી…! ખાસ તો એમના વિદ્યાર્થીઓ…! કેટલાક તો એમના હેઠળ પીએચડી કરતા હતા…એમ.ફીલ કરતા હતા…! એ ઉપરાંત મુસ્લિમ લીગના, મુસ્લિમ સમાજના માણસોની આવરો જાવરો રહેતો હતો. પ્રોફેસરે એ સહુને નિર્દોષ ઠરાવી દીધા હતા!!
-તો??
કોકડું ગૂંચવાયું હતું.
-અને એક દિવસે એક સુરાગ લાલવાણીના માણસને હાથ લાગ્યો!
માહિમના જ રૂપા બારમાં એમનો માણસ બિયર ગટગટાવી રહ્યો હતો. ત્યારે બાર ડાન્સર પર દરેક ઠૂમકે ઠૂમકે એક યુવાન સો સોની નોટ ઊડાવી રહ્યો હતો…! એક ડાન્સર શીલા હતી પણ એવી જ કાતિલ મારકણી…! રાત્રે અઢી વાગે જ્યારે બાર બંધ થયો ત્યારે લાલવાણીના એ માણસે એ યુવાનનો પીછો કર્યો. બે દિવસે રેકી કરી…! અને એક દિવસ એને દબોચી લેવામાં આવ્યો. થોડી ગડદા પાટુ બાદ હલાવેલ સોડા બોટલમાંથી ઊભરાતા સોડાવોટરની જેમ એ યુવાને વાત ઓકીઃ એની મા શાંતા તાઈ પ્રોફેસરને ત્યાં વીસ વરસથી ઘરકામ કરતી હતી. એને સિફતથી ત્યા એ કુરાન ગોઠવી દીધું હતું રેડના આગલા દિવસે…!! પ્રોફેસરની અંગત લાઇબ્રેરીમાં હજારો પુસ્તકો હતા. એક વધે કે ઘટે કોને ખબર પડવાની હતી…?! લાલવાણીના માણસે રાતોરાત શાંતા તાઈને ઉઠાવી હતી. એના દીકરાને પણ ઉઠાવ્યો. પોલીસે ખુદ આ કામ કરાવેલ એટલે પોલીસ પાસે તો જવાનો કોઈ જ મતલબ નહોતો. વળી આ હવે એક બહુ જ હાઈ પ્રોફાઈલ કેસ બની ગયો હતો. એટલે લાલવાણીએ સીધા જ ગૃહ પ્રધાન વિકાસ રાઉતે સામે રજૂ કરવામાં આવ્યા. રાઉતેએ પોલિસ  કમિશ્નરને તેડાવ્યા…ખખડાવ્યા…!! ઈ.મહેશ માંજરેકરને તાબડ્તોબ બોલાવવામાં આવ્યા…! એણે કબૂલી લીધું કે શાખાધ્યક્ષના ઈશારે આ કાંડ કરવામાં આવેલ!! એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને રાતોરાત પ્રોફેસરને જાવેદ અલીને છોડાવામાં આવ્યા. દંગાફસાદ ફાટી ન નીકળે એવી ગૃહ પ્રધાનની માંગણી અને વિનંતિને માન આપી નેક દિલ પ્રોફેસરે શાંતિ-અમન બની રહે એ માટે મોટું દિલ રાખીને સહુને માફ કરી દીધા અને એ જ ઘડીએ ગંદા ગોબરા રાજકારણમાં કદી ન પડવાનો નિર્ણય લઈ લીધો!
-કેટલા મહાન અબ્બુનો દીકરો હતો ફરહાન…!! શાવર બંધ કરી શરીર પર પાણી એમનું એમ જ રહેવા દઈ ફરહાને નાઇટ ગાઉન વીંટાળ્યો. અબ્બુ-અમ્મીના બેડ રૂમની લાઈટ બંધ છે એની ખાતરી કરી આદતવશ બે પંજા પોતાના ચહેરા પર બે- ત્રણ વાર ફેરવ્યા અને પલંગમાં લંબાવ્યું. હવે એને ત્રણ દિવસની છુટ્ટી હતી. પાંચ દિવસના સતત ઉડ્ડયન બાદ મળતી રજાઓમાં એ તાજો-માજો થઈ જતો.
સવારે ઊઠી ફરહાન જિમમાં તૈયારી કરતો હતો ત્યારે જ અબ્બુએ એના ઓરડામાં પ્રવેશ કર્યો, ‘બેટા! કલ સુબહ કુરિયરસે યહ આપકે લિયે આયા થા…!’ ફેડએક્ષનું એક મોટું એન્વેલેપ આપતા કહ્યું, ‘મુઆફ કરના હમે…! કલ રાત યહ હમારે દિમાગસે નિકલ ગયા થા…!!’
‘આપ ભી અબ્બુ…!’ હસીને ફરહાને કહ્યું, ‘ હમે ક્યું બારબાર શરમિંદાં કર રહે હો…! મુઆફ કરના કહકર…! હમ આપકે બેટે હૈ…!!’
‘…ઓ…ર…હોનહાર બેટે હો…!’ ગૌરવથી પ્રોફેસરે કહ્યું, ‘ બેટે…! અમ્મી કો મીલ લેના. વો તેરી શાદીકે બારેમેં સોચકર પરેશાન રહેતી હૈ…! અબ તો તુ…હી… ઉસે સમજા શકતા હૈ….!’ પ્રોફેસરે વાત અધૂરી છોડી એક નિઃશ્વાસ નાંખ્યો.
ફરહાન મૌન જ રહ્યો. ફેડએક્ષના એ એન્વેલેપને એણે બે- ત્રણ વાર ફેરવીને જોયું. મોકલનાર તરીકે જેટ એરવેઝ, દુબઈનું સરનામું હતું. એન્વેલેપને એણે સહેજ દબાવ્યુઃ અંદર પેપર જ છે….! જમાનો બહુ ખરાબ છે. વરંડામાં લટકાવેલ નેતરના હીંચકે એ બેઠો. એન્વેલેપ ખોલ્યું. અંદર બે પત્રો અને ઍમીરાત્સ એરલાઈનની ટિકિટ હતી…!! એક પત્ર જેટ એરવેઈઝના લેટરહેડ પર જ હતો. સૂર્ય પ્રકાશમાં ધરી લેટરહેડમાં સંતાયેલ વોટર માર્કસ્ એણે તપાસ્યા. એ-ફોર સાઇઝના એ કાગળોની બરાબર વચમાં હોવો જોઇતો જેટ એરવેઈઝનો લૉગો બરાબર હતો તો ચાર ખૂણે જે એ નો વોટર માર્કસ્ પણ બરાબર હતાઃ તો લેટર જેટ એરવેઈઝનો જ હતો પણ એના અતિ આશ્ચર્ય વચ્ચે એ ઊર્દુમાં લખાયો હતો. એણે વાંચવાની શરૂઆત કરીઃ જનાબ કપ્તાન ફરહાન અલી, બિસ્મિલ્લાહ અર્ રહેમાન નીર્રહીમ…!!  જે…મ જે…મ એ વાંચતો ગયો એમ એના રૂપાળા ચહેરા પર હાવભાવ બદલાતા રહ્યા. મનોભાવમાં પરિવર્તનો આવતા રહ્યા. એને માટે દુબઈની રિટર્ન ટિકિટ મોકલવામાં આવી હતી. ફર્સ્ટ ક્લાસની… અલ્લાહના રસૂલ તરફથી ખુદાની ખિદમતમાં હાજર રહેવાનું ફરમાન હતું…!
-ઓહ અલ્લાહ…! યા અલી!! યે ક્યા હૈ?? ફરી ફરી એ પત્ર વાંચતો રહ્યો. એનું દિલ ધડકતું હતુઃધક.. ધક… ધક… ધક…!!
-ક્યા કિયા જાય?? એણે ઍમીરાત્સની ટિકિટ પર ફરી નજર કરી. કન્ફર્મ ટિકિટ હતી. આજની બે વાગ્યાની ફ્લાઈટની અને રવિવારે દુબઈથી ચાર વાગે પરત મુંબઈની. સાથે દુબઈમાં ત્રણ દિવસ રોકાવા માટે જરૂરી દુબઈના વિસા પણ હતા…!!
-જવું કે ન જવું…??
-શું આ પણ અબ્બાની જેમ એને ફસાવવા માટેનો ફાંસલો તો નથીને…??
-અબ્બુને વાત કરું…??
-ના…ના…! ભોલે અબ્બુને બિચારાં ખોટી ચિંતામાં શા માટે મૂકવા…??!!
-તો…??
પત્ર જેટ એરવેઝના લેટરહેડ પર જ હતો. એ વારંવાર વાંચી ગયો. એમાં એક આદેશ હતો. ફરમાન હતું…! કંઈક વિચારી એણે એનું લેપટૉપ ચાલુ કર્યું. જેટએરવેઝના એના એકાઉન્ટમાં લોગઇન થયોઃ ના, ત્યાં આ અંગે કોઈ મેસૅજ નહતો. ઊલટું એચઆરનો ત્રણ દિવસની રજા એન્જોય કરવાનો મેસૅજ હતોઃ  એન્જોય યોર વિકએન્ડ, અને હેલ્થ ક્લબની મેમ્બરશિપ રિન્યુ કરી દેવામાં આવેલ એ અંગે મેસૅજ હતો!!
યંત્રવત્ એણે ત્રણ જોડી કપડાં, ત્રણ જિન્સ અને ચાર ટિશર્ટ અને ત્રણ જોડી અંડર ગારમેન્ટસ એની સેમ્સોનાઈટ બેગમાં મૂક્યા.
-દેખ લેતે હૈ ક્યા હૈ અલ્લા કે રસૂલકા ફરમાન…?? વિચારી એણે પ્રોફેસર પિતાને કહ્યું, ‘અબ્બુ…! હમે દુબઈ જાના પડેગા આજ દો દિનકે લિયે. એરવેઝકા સ્પેશ્યલ સેમિનાર હૈ…! ઈતવારકો શામકો હમ વાપસ આ જાયેંગે…!’
‘અચ્છા…?? દુબઈમેં…??’
‘હા…જી…!!’
‘તો ચલે જાઓ બેટા…!! તરક્કીકે લિયે કુછ ભી કરો…!’ સહેજ અટકી એ બોલ્યા, ‘ હમ સોચ રહે થે કી દો દિન આપકી સાથ ગુજારેંગે…!’ પ્રોફેસર સહેજ નિરાશ થઈ ગયા.
‘ફરહાન બેટે…!’ અમ્મીએ એના રૂમમાં દાખલ થતાં કહ્યું, ‘હમને તો ક્યા ક્યા સોચ રખા થા…? ક્યા ક્યા પ્લાન કિયા થા ઈન છુટ્ટીઓ કે લિયે…! ઝરીનાખાલાને તેરે લિયે દો દો લડકી બતાઈ હૈ ઉસે તેરે સાથ દેખને કા મનસૂબા સજાકે રખ્ખા થા…! અબ સબ કૅન્સલ  કરના પડેગા…!’ સહેજ ફરિયાદના સુરમાં કહ્યું, ‘બેટા…! કબ તક મૂઝે હી રોટી પકાની પડેગી…??’
‘અમ્મી આજકી બહુ રોટી નહિ પકાતી…!’  હસીને ફરહાન બોલ્યો. એને શિવાનીની તીવ્ર યાદ સતાવી ગઈ.
‘તો તેરે દિલમેં કોઈ હો તો બતા દે…બેટા…!’
‘મેરે દિલમેં તો મેરી અમ્મી હૈ…!’ અમ્મી ઉમરાઉના બન્ને ખભા પકડી પ્રેમથી ફરહાન બોલ્યો, ‘અબ હમે નીકલના પડેગા…!’
ઍમીરાત્સની ફ્લાઇટ સવા ત્રણ કલાકમાં ફરહાનને દુબઈ લઈ આવી. ફ્લાઇટમાંથી હજુ એ લોંજમાં આવ્યો કે તરત જ એક આરબ ઝડપથી એના તરફ આવ્યો, ‘મિસ્ટર ફ..ર..હા…ન??’
‘યસ…?!’ જમણો હાથ લંબાવી ફરહાને એ આરબ સાથે હાથ મેળવ્યો.
‘પ્લી..ઝ…!’ આરબે એના હાથમાંથી એક માત્ર કૅરીઑન લગેજ બેગ નમ્રતાથી લેતા કહ્યું, ‘પ્લીઝ ફૉલૉ મી…!’ પછી આઈફોન કાઢી અરબીમાં કંઈક કહ્યું. કોઈ પણ જાતની કસ્ટમ વિધી પતાવ્યા વિના વીઆઈપી એક્ઝિટમાંથી બન્ને એરપોર્ટની બહાર આવ્યા કે એક બ્લેક મર્સિડીઝ એમની સામે આસ્તેથી સરકીને ઊભી રહી ગઈ. બન્ને એમાં ગોઠવાયા. કોઈ ફિલ્મી પાત્ર ભજવી રહ્યો હોય એવું લાગ્યું ફરહાનને!! પણ ના, આ કોઈ ફિલ્મ નહોતી. એક નરી વાસ્તવિકતા હતી. અચાનક ફૂટી નીકળેલ આરબ…!કોઈ પણ જાતની કસ્ટમ પ્રક્રિયા વિના વિઆઈપી એક્ઝિટમાંથી બહાર નીકળવું…અને હવે ડાર્ક ટિન્ટેડ વિન્ડો વાળી બ્લેક વૈભવી મર્સિડીઝ…!!
-એ ક્યાં જઈ રહ્યો છે…? હજુ એ વિચારવાનું પુરૂં કરે તે પહેલાં તો કાર હળવેકથી ઊભી રહી ગઈ. આગળની પેસેન્જર સીટ પરથી ઊતરી આરબે ઝડપથી પાછળનો દરવાજો ખોલ્યો, ‘વેલ કમ ટુ વર્લ્ડ’સ ટોલેસ્ટ બિલ્ડિંગ જનાબ ફરહાન અલી…વેલકમ ટુ… બુર્જ ખલીફા…!!’ દુનિયા સહુથી ઊંચા આઠમી અજાયબી સમા બુર્જ ખલીફાના વૈભવશાળી પ્રવેશ દ્વારે એ ઊભો હતો.
-અરે વાહ…!! જેટ એરવેઝ ઈતના સુધર ગયા…?!!
કાર એમને ઉતારીને સરકી ગઈ.
‘પ્લીઝ ફોલો મી…!’ એક અત્યાધુનિક લિફ્ટ મારફતે એ બન્ને ઇઠ્ઠોતરમાં માળે પળભરમાં પહોંચી ગયા.
ભવ્યાતિભવ્ય કોરીડોરમાં લીલા રંગની કાર્પેટ બિછાવેલ હતી. બન્ને ૭૮૬ નંબરના સોનેરી પતરું જડેલ દ્વારે આવીને ઊભા રહ્યા કે દ્વાર ખૂલી ગયું.
‘ખુશામદીદ… ખુશામદીદ…!!’ પાંચ ફૂટ ઊંચા સહેજ શામળા શખ્સે બે હાથો વડે બાવડાથી પકડી ફરહાનને પ્રેમથી આવકાર્યો,‘આહલન વસાલન…આહલન વસાલન…!!’

પેલો આરબ  કુર્નિશ બજાવી બહારથી જ સરકી ગયો.
‘શુક્રિયા…!’ સહેજ સંકોચાયને ફરહાને કહ્યું. વિશાળ બેઠક ખંડમાં વચ્ચે ગોઠવાયેલ વૈભવશાળી સોફા તરફ પેલા શખ્સે ફરહાનને દોરી જઈ બરાબર ફરહાનની સામેના સિંગલ સોફામાં એ ગૌરવથી ગોઠવાયો, ‘તો કપ્તાન ફરહાન અલી…! આ…પ…કી મંઝિલ આપકો યહાં તક લે હી આઈ…!’
‘……………..!!’ ફરહાન મૌન જ રહ્યો. એણે પેલા શખ્સ સાથે નજર મેળવવા કોશિશ કરી પણ એણે પહેરી રાખેલ સોનેરી ફ્રેમવાળા ડાર્ક બ્રાઉન ગોગલ્સને કારણે એનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.
-શું ચાલી રહ્યું છે? ફરહાનની સમજમાં કંઈ જ આવતું નહોતું.
એટલામાં એક સ્ત્રી લચકતી ચાલે આવી. સર્વિંગ ટ્રૉલી પર બે લીલાછમ તરોપા હતા. અને ચાંદીના બે કટોરામાં તરોપામાંથી તાજુ જ કાઢવામાં આવેલ કુમળું મલાઈદાર કોપરું હતું. એ ઔરતે રિદાહ હેઠળ એનો ચહેરો ખુબસુરતીથી સંતાડેલ હતો. પણ એની મારકણી આંખો એના સૌંદર્યને છતી કરી દેતી હતી. એ ઔરતે તરોપામાં ચાંદીની સ્ટ્રો મૂકી નજાકતથી ફરહાનને આપ્યો અને સામેના કોતરણી વાળા ટેબલ પર કોપરાનો કટોરો મૂક્યો.
‘શુક્રિયા…!’ ફરહાને તરોપો લેતા કહ્યું. એને તરોપામાંથી સીધું નાળિયેર પાણી પીવું ખૂબ જ પસંદ હતું તો કુમળું કોપરું એની નબળાઈ હતી. આ વાતનું અહિં ધ્યાન રાખવામાં આવેલ છે એ જાણી ફરહાન સમજી ગયો કે સામે બેઠેલ શખ્સ એના વિશે ઘણું જ જાણતો હોવો જોઈએ…!!
ઇશારો કરી એણે બાંદીને મોકલી દીધી, ‘સો કૅપ્ટન ફરહાન અલી…!! ક્યા કહું…?? વોટ શુલ્ડ આઈ સે…?’ પેલા શખ્સે તરોપામાંથી ચૂસકી મારી કહ્યું, ‘ લેટ મી વેરી ફર્સ્ટ સે થેન્ક યુ વેરી મચ. હમ આપકે દિલ-ઓ-જાંસે શુક્રગુજાર હૈ…! આપ વો શખ્સ હૈ…ખુદાકે વો બંદે હો… જો અબ પુરી દુનિયાકી તાસીર બદલ દેને વાલા હૈ…! તવારીખ બદલ દેને વાલા હૈ…!!’ એ સોફા પરથી ઊભો થયો ફરહાનની નજદીક આવ્યો. એણે વાપરેલ મસ્ક પરફ્યુમની સુગંધ ફરહાને અનુભવી…!
‘હમ સમજે નહિ…!’ ફરહાને સંકોચાયને કહ્યું.
‘ડેસ્ટિની…!’ પેલા શખ્સે ફરહાનના હ્રદયે એની ઇન્ડેક્સ ફિંગર મૂકી કહ્યું, ‘તકદીર…તકદીર…! આપકી કિસ્મતમેં જો લિખા હો વો કોઈ મીટા નહિં શકતા…! બહુત હી કમ પાક નેક દિલ ઈન્સાનકો હી ઐસી ફઝલ અલ્લાહ ખેરાત કરતા હૈ જો જન્નતમેં અપની જગહ બના પાતા હૈ…! ખુદાકે દરબારમેં હસતે હસતે કદમ રખ શકતા હૈ…! ઈસ્લામકા ફરિશ્તા બન શકતા હૈ…! યુ કેન ડુ ઈટ…! એન્ડ યુ વિલ ડુ ઈટ…!’  કહી એ ફરી પોતાના સ્થાને ગોઠવાયો.
-કોણ છે આ શખ્સ?? ફરહાને વિચાર્યું.
‘હમ કૌન હૈ યે મત સોચો…!’
-યા અલ્લા…! ફરહાને બીજી જ ક્ષણે વિચાર્યુઃ આ માણસ તો એના વિચારો પણ વાંચી લે છે…! ચોરી લે છે…!
‘હમ કૌન હૈ યે મત સોચો…!’ ફરી દોહરાવી એ વ્યક્તિએ એના સોનેરી ગોગલ્સ ઉતાર્યા અને ફરહાન સાથે સીધી નજર મેળવી. એની જમણી આંખ સહેજ નાની હતી. એની આંખોમાં સાપ રમતા હતા. ફરહાનને આછો આછો ખ્યાલ આવી ગયો કે કોણ છે આ અજીબ શખ્સ!! એના રૂંવાટા ઊભા થઈ ગયા. આ એ શખ્સ હતો કે જેને દુનિયાભરની પોલીસ શોધતી હતી.
સહેજ હસીને એ બોલ્યો, ‘હમ વો હૈ જો કહીં ભી રહે…સારે જહાંમેં હમ રાજ કરતે હૈ…! ઔર જો હમે નારાજ કરે હમ ઊસે તારાજ કર દેતે હૈ…બરબાદ કર દેતે હૈ…! ઉસકે નામોં નિશાં મિટા દેતે હૈ…!! ઈસ્લામકે લિયે હમ કુછ ભી કર શકતે હૈ…! કુછ ભી…મતલબ કુછ ભી…!!’
એટલામાં જ ફ્લેટમાં હળવા સ્વરે ત્રણ ટકોરા પડ્યા. અને ત્યારબાદ મૃદુ સ્વરે અજાન સંભળાઈઃ અલ્લાહ ઓ અકબર અલ્લા…હ… અલ્લાહ ઓ અકબર અલ્લા..હ…
‘નમાજકા વક્ત હો ગયા….આઓ નમાજ અદા કરે ઓર ખુદાકો યાદ કરકે તાકાત માંગે…’ પેલા સખ્શે આદેશ આપ્યો કે સવાલ કર્યો એ ફરહાનને સમજ ન પડી પણ બન્ને ઊભા થયા. અંદર બનાવવામાં આવેલ ખાસ બંદગી કક્ષમાં જઈ વજૂ કરી બન્નેએ  ઈશાની નમાજ અદા કરી.
‘યા અલ્લા…!રહેમ કર…! મહેરબાની કર…! હમે ઈસ્લામકા હૌંસલા બઢાનેમેં મદદ કર…!!’ નમાજ અદા કર્યા બાદ પેલા શખ્સે ફરહાનના ખબે હાથ મૂકી કહ્યું, ‘આ..ઓ…! હમ આપકો કુછ દિખાને ચાહતે હૈ જનાબ…!’ એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યો, ‘ હમ વો કુછ દેંખે વો તો ઊંટકી પૂંછકા એક બાલ કે બરાબર હૈ…! કિતને હી સિતમ નાપાક અમિરીકી… ઔર શેતાન હિંદુઓને હમ પર બેરહેમીસે ગુજારે હૈ…! હમારે ખૂનકી હોલી ખેલી હૈ ઊન ફિરંગીઓને…! હમે ખતમ કરને કી સાજિશ કી જા રહી હૈ હર ઘડી હર પલ ઈસ જહાંમે…!’ કહી એ ફરહાનન ફ્લેટમાં જ બનાવવામાં આવેલ આધુનિક હોમ થિયેટર તરફ દોરી ગયો. જ્યાં ઊંટના ચામડા મઢેલ બે વિશાળ સોફાઓ દિવાલને લગોલગ ગોઠવવામાં આવેલ હતા. બન્ને એના પર  ગોઠવાયા.
-મને આ બધું બતાવવાનો શો અર્થ??!!  ફરહાને વિચાર્યું પણ એ મૌન જ રહ્યો.
પેલી વ્યક્તિએ રિમૉટ કન્ટ્રોલ હાથમાં લઈ એક બટન દબાવ્યું એટલે સામેની દિવાલ એક મોટા પડદામાં પરાવર્તિત થઈ ગઈ! એના પર એક પછી એક  ચિત્રો, કેટલાંક સ્થિર તો કેટલાંક ચિત્રપટ, હાલતા ચાલતા…ચિત્રો બદલાવા લાગ્યા. ઇરાકમાં અમેરિકન આર્મીએ કરેલ આડેધડ બોમ્બમારો…માસૂમ નાના ભુલકાંઓની લાશ…લાશના ટુકડા…વિચ્છેદિત શરીરના અંગો…સ્ત્રી-પુરુષોની લાશોના જુગુપ્સા પ્રેરક ઢગલે ઢગલા…અને એ લાશોનું ખાડાઓમાં બુલડોઝર વડે સામૂહિક દફન…!! ઠેર ઠેર લોહી જ લોહી…! અરે…!! કેટલાંક દ્ગશ્યો સાથે તો તારીખ અને સમય પણ હતો. કેટલીક એકદમ સ્પષ્ટ તો કેટલીક ફિલ્મ જાંખી અને અસ્પષ્ટ હતી. ઇરાકી સ્ત્રીઓ પર કરવામાં આવતા અત્યાચાર… યુદ્ધ કેદી બનાવી મુસ્લિમો સાથે કરવામાં અમાનુષી વ્યવહાર. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલીઓના આડેધડ વિમાની હુમલા…અફઘાનિસ્તાનમાં રશિયનો અને ત્યારબાદ અમેરિકન સૈનિકોના જુલમો… નિર્દોષ લોકોની લાશોના ખડકલા…! ટોરાબોરામાં કરવામાં આવેલ એકધારો સતત સાત દિવસ સુધીનો બોમ્બમારો…! કીડીઓની જેમ મરતા અફઘાનિસ્તાની મુસ્લિમો…! પાકિસ્તાનમાં ડ્રોન વિમાનો દ્વારા રોજ બરોજ નિર્દોષ પાકિસ્તાનીઓ પર કરવામાં આવતા હુમલાઓ…! ભારતીય સૈનિકો દ્વારા કશ્મિરમાં ગુજારવામાં આવતા સિતમો…! ગોધરા ટ્રેન દહન બાદ ફાટી નીકળેલ તોફાનોમાં ગુજરાતમાં મુસ્લિમોને વીણી વીણી મારવામાં આવેલ એની ફિલ્મ… અમદાવાદમાં એમના નિરાશ્રિત કેમ્પસ્…અને એમાં પડતી અગવડો…! મુસ્લિમોના ધંધા ઉદ્યોગને નિશાન બનાવી કરવામાં આવેલ હિદ્નુઓના હુમલાઓ…!! આખેઆખી ફિલ્મનું એડિટિંગ અવલ દરજ્જાનું હતુ….અરે એમાં જાવેદ અલીને જાવેદ ગદ્દાર તરીકે ચીતરવામાં આવેલ એનો ઉલ્લેખ પણ આવરી લેવામાં આવેલ…!! બાબરી મસ્જિદ ધ્વંસ પછી ફાટી નીકળેલ દંગા ફસાદમાં મુસ્લિમ વસ્તીની તબાહી…અને છેલ્લે એક છોકરી દોડતી હતી…દુરથી…એની પાછળ એક ટોળું…કોઈના ય ચહેરા સ્પષ્ટ ન હતા…પણ વસ્ત્રે પહેરે ઓઢવે એ સહુ હિદ્નુઓ હતા…છોકરીની ચૂંથાયેલ લાશ અને છેવટે મરિયમનો માસુમ ચહેરો પડદા પર સ્થિર થઈ ગયો. જે ચારેક મિનિટ રહ્યો…મરિયમની આંખમાંથી આંસુ ટપકતા હતા…!! અને ફરહાન ધ્રૂસકે ધ્રૂસકે રડતો હતો…એની આંખે બારે મેઘ ખાંગા થયા..!! ક્યાં સુધી એ ચોધાર આંસુંએ રડતો જ રહ્યો. રડતો જ રહ્યો. પેલા શખ્સે એને રડવા જ દીધો. ત્યારબાદ, એ હળવેથી ઊભો થયો અને ફરહાનને આલિંગનમાં લીધો. ફરહાન એને વળગી વળગીને રડવા લાગ્યો. ડૂસકૂં રોકી, ભીના શાંત મક્કમ અવાજે એણે પૂછ્યું, ‘હમારી મરિયમકા ખૂનકા બદલા લેને કે લિયે હમે ક્યા કરના હોગા…??’
*****                                                                                                  *****
મુંબઈથી બ્રસેલ્સની જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9W0228 શિવાજી છત્રપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલ એકના ગેટ 6A પર મળસ્કે ચાર વાગે લાંગરી ચૂકી હતી. જે લગભગ એક કલાક મોડી હતી. એટલે પ્રવાસીઓ ઝડપથી પોતાના બોર્ડિંગ પાસ એરવેઝના કર્મચારીઓને બતાવી વિમાનમાં દાખલ થઈ રહ્યા હતા. ગોરા…કાળા…ખાખી..પચરંગી…એમાં અઢી મહિનાની એક બાળકીથી માંડીને નેવું વરસના એક વૃદ્ધ સહિત કુલ ૨૫૦ પ્રવાસીઓ હતા.
મુખ્ય પાઇલટ કૅપ્ટન ફરહાન અલી અને કો. પાઇલટ અશોક અરોરા લાસ્ટ મિનિટ ચેકિંગ કરી રહ્યા હતા એ એર બસ ૩૩૦-૨૦૦નું…!! વિમાન પુરેપુરું ભરાઈ ગયું…! છ એર હોસ્ટેસ અને ચાર પુરુષ પર્સર પોત પોતના ઝોનમાં ફરી કયા પેસેન્જર તરફથી ટ્રબલ આવી શકે, કોણ ડિમાન્ડીંગ છે નો અડસટ્ટો મેળવી રહ્યા હતા. શિવાનીની ડ્યૂટી હર હંમેશની માફક બિઝનેસ ક્લાસમાં જ હતી. બિઝનેસ ક્લાસમાં ચઉદ અમેરિકન, ચાર બ્રિટિશ, અને બે ઈજરાયેલી પ્રવાસીઓ અને કેટલાંક ભારતીય યાત્રીઓ હતા. એક ઇટાલિયન જોડું ભારત હનીમૂન કરવા આવેલ હશે એ હજુ પણ હનીમૂન મૂડમાંથી બહાર આવ્યું લાગતું નહોતું અને એક બીજાને ચુંબનો પર ચુંબનો કરી રહ્યું હતું! એના પર નજર પડતા શિવાની મનોમન હસી. સોનેરી પીળા કલરમાં જાંબલી રંગની ફૂલપાનની ડિઝાઇન અને પહોળા પાલવવાળી યુનિફૉર્મની સિલ્કની સાડી અને જાંબલી રંગની સ્લિવલેસ બ્લાઉઝમાં સોટા જેવી પાતળી શિવાની બહુ જ મારકણી લાગતી હતી. વિન્ડો સીટ પર બેઠેલ એક આધેડ ભારતીય શિવાની પર નજરથી બળાત્કાર કરી રહ્યો હતો!! એ શિવાનીના ધ્યાનમાં આવી ગયું. એટલે પાલવ વડે એની કમનીય કમર નજાકતથી ઢાંકી સીધી એ પ્રવાસી પાસે જ ગઈ, ‘હાઉ આર યુ સર…?! ડુ યુ નીડ એનીથિંગ સર…??’ દાડમ જેવી ચસોચસ ગોઠવાયેલ મોતીના દાણા જેવી દંતપંક્તિ બતાવતું પહોળું હાસ્ય કરી શિવાનીએ પૂછ્યું.
‘વો…વો…ટર…!’પેલો આધેડ ગલવાઈ ગયો.
‘સ્યો…યો…ર…!’ શિવાનીએ હસીને કહ્યું. પોતાના સ્ટેશન પર જઈ ગ્લાસમાં પાણી લઈ એ સજ્જનને આપ્યું.
મોટાભાગના પેસેજંરોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. કૅબિન ક્રુએ ફટાફટ ઑવરહેડ લગેજ કન્ટેનરને વાસી દીધા. ઉડ્ડયન પહેલાંના સુચનો અપાયા. ડોક પરથી વિમાનને અલગ કરવામાં આવ્યું અને ટ્રેક્ટરે રિવર્સ કરી ટરમેક પર મૂક્યું.
‘વેલકમ ટુ જેટ એરવેઝ ફ્લાઇટ નંબર 9W0228..! આઈ એમ યોર કૅપ્ટન ફરહાન અલી વિથ કો. પાઇલટ અશોક અરોરા વિલ ટેઈક યુ ટુ બ્યુટિફૂલ બ્રસેલ્સ. વિ અપોલાઈઝ ફોર ધ ડિલે…! બટ ઈફ વેધર પરમિટસ્ વિ વીલ રીચ અવર ડેસ્ટિનેશન ઓન ટાઇમ…!’ ફરહાનનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગુંજ્યો, ‘વિ હેવ નાઇન અવર ટ્વેન્ટી મિનિટ જર્ની ટુ બ્રસેલ્સ.ધ વેધર ઓફ બ્રસેલ્સ ઇસ ગુડ અને રાઈટ નાઉ એબાઊટ વન ડિગ્રી સેન્ટિગ્રેડ એન્ડ નો સ્નો ફોરકાસ્ટ…!! થેન્ક યુ વેરી મચ ફોર ફ્લાઈંગ વિથ જેટ એરવેઝ…વી વિલ અપડેઈટ યુ એઝ એન્ડ વ્હેન રિકવાયર્ડ…! હેવ અ નાઈસ જર્ની…!’
ટરમેક પરથી હળવે હળવે રવાલ ચાલે ચાલતું વિમાન મુખ્ય રનવે પર આવીને ગોઠવાયું. સહેજ ઊભું રહ્યું, ‘વી આર ફિફ્થ ઇન ધ ક્યુ…! હેવ ટુ વેઈટ ફોર ફ્યુ મોર મિનિટસ્…! પ્લીસ બી સિટેડ…ફાસન યોર સિટ બેલ્ટ એન્ડ કોઑપરેટ વિથ અસ!! કૅબિન ક્રુ… પ્લીઝ ટેઈક યોર સીટ…! વિ વિલ બી એર બોર્ન વેરી સુન. થેન્ક યુ..!’
કોકપીટનો દરવાજો અંદરથી બંધ ગયો. હવે જો કૅપ્ટન ફરહાન અલી કે કો પાઇલટ અશોક અરોરા ખોલે તો જ એ દરવાજો ખૂલી શકે એવી સુરક્ષા વિમાનના અપહરણને અને કોકપીટમાં કોઈ આતંકવાદી દાખલ ન થઈ શકે એ હેતુ થી કરવામાં આવેલ હતી.
બિઝનેસ ક્લાસમાં કોકપીટની દિવાલને લગોલગ અનફૉલ્ડ સિંગલ સીટ પર શિવાની ટટ્ટાર ગોઠવાઈ હતી. સીટ બેલ્ટ બાંધવાને કારણે એના ચુસ્ત શરીરના ઉન્નત વળાંકો એને વધુ આકર્ષક બનાવતા હતા. વિમાનમાં શિલિંગ લાઈટ સિવાય બધી જ રોશની ઓછી કરી દેવામાં આવી…! કૅપ્ટન ફરહાન અલીએ ફૂલ થ્રોટલ દબાવી વિમાનને પૂરે પુરી તાકાતથી રન વે પર દોડાવ્યું…સહેજ ઘરઘરાટી સાથે દોડ લગાવી વિશાળ પંખીની માફક ગણતરીની પળોમાં વિમાન હવામાં અધ્ધર થયું.
શિવાનીએ આંખો બંધ કરી પ્રભુને યાદ કર્યાઃ હે પાંડુરંગા…!
થોડા જ સમયમાં તો એરબસે બત્રીસ હજારની જરૂરી ઊંચાઈ મેળવી લીધી. સીટ બેલ્ટનો વોર્નિંગ દુર થઈ. કેટલાંક મુસાફરોએ બાથરૂમનો ઉપયોગ પણ શરૂ કરી દીધો. શિવાનીએ વેલકમ ડ્રિન્કની તૈયારી કરવા માંડી. સર્વિંગ ટ્રૉલી પર પેસેન્જરની રિકવેસ્ટ મુજબ સ્કોચ, બ્રાન્ડી, વાઈન ફ્રૂટ જ્યૂસ, સોડા-પેપ્સી-કૉક વગેરે ગોઠવવા માંડ્યા. એટલામાં જ વિમાને એક નાનકડી ડૂબકી મારી… એક આંચકો લાગ્યો. શિવાનીએ પણ પોતાની જાતને પડતા માંડ બચાવી. કેટલાક મુસાફરો તો ગબડ્યા પણ ખરા…! હાયકારો નીકળી ગયો એમનાથી…!
-વા…ઉ…ઊ…! શિવાનીએ વિચારી ફરી તૈયારી કરવા માંડી. એક વાઈન ગ્લાસ તૂટી ગયો એના કાચ કાળજીપુર્વક ઝડપથી એકત્ર કર્યાઃ કૅપ્ટન અલી શુલ્ડ વોર્ન..! એને વિમાન વળાંક લેતું હોય એમ પણ લાગ્યું! ઈસ હિ ગોઇંગ બેક ટુ… મુંબઈ..?? શિવાનીએ વિચાર્યુઃ કદાચ એર ટર્બ્યુલન્સથી બચવા એમ કરવું પડ્યું હશે. શિવાનીએ મનને મનાવ્યું. કદાચ બીજો એર પૉકેટ આવે એમ વિચારી ટ્રૉલીની બ્રેક બરાબર ચકાસી શિવાનીએ થોડી રાહ જોવાનું વિચાર્યું. એણે સાડીનો છેડો બરાબર લપેટ્યો. આમ તો એરહોસ્ટેસ માટે સોનેરી પીળો કોટ અને જાંબલી પેન્ટ જ યુનિફોર્મ હતો પણ શિવાની અલગ જ હતી. એને તો સાડી જ વધારે ગમતી.એણે લિપસ્ટિક લગાવી હોઠને વધારે રતમુડા બનાવ્યા. હોઠોને એકમેક સાથે દબાવી અરીસામાં નજર કરી જમણી આંખ મારી પોતાની સાથે જ ફ્લર્ટ કર્યું!! એટલામાંજ એના બ્લાઉઝમાં સંતાડેલ  સ્માર્ટ સ્લિમ ફોન વાઈબ્રેટ થવા લાગ્યો. શિવાનીના શરીરના રોમ રોમમાં એ કંપન ફરી વળ્યુઃ ફોન એકધારો વાઈબ્રેટ થઈ રહ્યો હતોઃ ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…!!
-ઓ માય ગોડ…! ઓ માય ગોડ…! ઓ માય ગોડ…!
સર્વ કંઈ વીસરી શિવાનીએ ત્વરાથી ફોન હ્રદય પાસેથી ખેંચ્યો. સ્ક્રીન પર નજર કરી. સહેજ અટકીને ફોન ફરી લયબધ્ધ કંપવા લાગ્યો. એણે નંબર ચેક કર્યોઃ યસ…ઈટ ઈસ ગ્રાઉન્ડ કન્ટ્રોલ…!! વ્હોટ ગોઇંગ ઓન? એને વિમાનમાં એક નજર દોડાવી. સહુ સમુસુતરું લાગતું હતું. તો…?
– ઘરરર… ઘરરર… ઘરરર… ઘરરર…!!
ફોન કંપવાનું અટકતો નહોતો. તો…? વિમાનમાં કંઈક ગરબડ છે જ…! ફ્લાઇટ હેસ લોસ ધ કોન્ટેક્ટ વિથ ગ્રાઉન્ડ …!! વાય…?? હાઉ…??
-નો ધીસ ઈસ રિયલ…! નોટ અ ડ્રિલ…!! શિવાનીનું કેળવાયેલ મગજ ઝડપથી વિચારવા લાગ્યુઃ નાઉ. ટાઈમ ટુ એક્ટ…! યસ…!! ઊંડો શ્વાસ લઈ એણે ખુદને કહ્યુઃ શિવાની યુ કેન ડુ ઈટ…! બે ડગલામાં તો એ કોકપીટના પ્રવેશદ્વાર પાસે પહોંચી ગઈ…!એની બોડી લૅન્ગ્વેજ જ બદલાઈ ગઈ…! કોકપીટમાં જ જરૂર કંઈ ગરબડ હતી. પ્લેઈને રસ્તો બદલ્યો હતો…અણધાર્યો વળાંક લીધો હતો!! શું કોકપીટમાં પહેલેથી જ કોઈ આતંકવાદી ધુસ્યો હશે…? વિચારી શિવાનીના હ્રદયના ધબકારા અનિયમિત થયાઃ ઓહ… માય ગોડ…! કોકપીટનો દરવાજો ખોલવા એણે જોર અજમાવ્યું પણ દરવાજો ટસનો મસ ન થયો. ફરી એક વાર એણે પ્રયત્ન કર્યો. બ્લાઉઝમાં બનાવેલ નાના પાઉચમાંથી સ્માર્ટ ડીકૉડર કાર્ડ કાઢી એણે કોકપીટના દ્વાર પાસેથી પસાર કર્યો. લૉક ડિકોડ થઈ જતા સહેજ જોર લગાવતા જ એ ખૂલી ગયું. એની નજર સીધી જ કો. પાયલટ અશોક અરોરા પર પડી…! એ ચમકી ગઈ…! અશોકની ડોક વળી ગઈ હતી…અને એનું માથું છાતી તરફ આગળ નમી ગયું હતું…! એ બેહોશ હતો…! ઓહ…! એણે કૅપ્ટન ફરહાન તરફ નજર કરી, એ બરાબર હતો!!
‘વ્હોટ ઇસ ગોઈંગ ઑન…? કૅપ્ટન ફરહાન અલી??’
‘યુ..???’ ફરહાને એકદમ ચમકીને શિવાની તરફ નિહાળ્યું, ‘હાઊ ડુ યુ ગેન ઈન કૉકપિટ…?’
‘વ્હોટ ઇસ ગોઈંગ ઑન…?’ શિવાની વાઘણની જેમ બરાડી. ફરહાનની ભાવશૂન્ય આંખોમાં શયતાન રમતો હતોઃ આ માણસ આ…વો…?!!
‘ગેટ રેડ્ડી ટુ ગો ટુ જન્નત વિથ મી…!’ ફરહાનનો અવાજ જાણે અવકાશમાંથી આવી રહ્યો હતો.
‘વ્હો…ઓ…ટ…??’ શિવાની બરાડી, ‘વેઈક અપ…અરોરા…!! વેઈક અપ…!!’ શિવાની અશોક અરોરાની નજીક સરકી. અરોરાના બાલ પકડી એનું નિર્જીવ માથું એણે હલાવ્યું…
‘વ્હો જહન્નમમેં જા ચૂકા હૈ…હમને પહોંચા દિયા…!’
‘વ્હો…ઓ…ટ…??’ શિવાની માની શકતી જ ન હતી કે ફરહાન આવું કરે…! હવે શિવાનીને ખ્યાલ આવ્યો કે વિમાને જે ડૂબકી મારેલ એ એર પૉકેટને કારણે નહોતી. પણ કૅપ્ટન ફરહાન અને અરોરા વચ્ચે થયેલ ઝપાઝપીને કારણે હતોઃ ઓ માય ગોડ…!! ફરહાને અરોરાને પતાવી દીધો!!
‘ય…સ…! હી ઈસ ડેડ…!’
‘ક્યા…?’શિવાનીએ સાડી ઊંચી કરી. ફરહાને શિવાનીને સાડી ઊંચી કરતા નિહાળી વિકૃત હસીને કહ્યું, ‘તૂઝે અબ ભી સેક્સ કરના હૈ જબ હમેં જાના હૈ જન્નતમેં…!’
શિવાનીની જમણી જાંઘ સાથે સાયલંસરવાળી કોલ્ટ-45 બાંધેલ હતી તો ડાબી જાંઘે કુશળતા પૂર્વક નાનકડી સ્ટન ગન લગાવેલ હતી. એના જમણા હાથમાં સ્ટનગન આવી ગઈ હતી. હા, શિવાની એક કમાન્ડો હતી…ભારતીય વાયુ સૈનાની ટ્રેઇન્ડ કમાન્ડો…!
પોતાની ધૂનમાં જ ફરહાન મસ્ત રહી બબડતો હતો, ‘મરિયમકી મોતકા કર્જ હમે અદા કરના હૈ…!’ એની નજર શિવાની પર નહોતી. ‘અવકાશના અંધકારમાં નિહાળી એ બોલી રહ્યો હતો, ‘ હમ સબ મરને વાલે હૈ..!’ પાગલની માફક એ બબડતો હતો, ‘હમને ઓટો પાયલટ પર જીપીએસમેં ટાર્ગેટ લૉક કર દિયા હૈ તારપુર એટોમિક રિએક્ટર…! તબાહી મચ જાને વાલી હૈ…સારે હિદ્નુસ્તાનમેં…તબાહી…હી…તબાહી…! કયામત…કયામત…!!’ ફરહાને વિકૃતિથી અટ્ટ હાસ્ય કર્યું.’ અને હસતા હસતા એણે એના હાથના પંજા એની ટેવ મુજબ ચહેરા પર ફેરવવાની શરૂઆત કરી કે એના હાથ એના ચહેરા પર જ થીજી ગયા…!!
શિવાની એની પાછળ સરકી આવી હતી અને એના ડાબા કાન નીચે ગરદન પર એણે સ્ટન ગન મૂકી ટ્રિગર દબાવી જ દીધું…! ફરહાનને એક લાખ વોલ્ટ કરંટનો જોરદાર આંચકો લાગ્યો…! એ તરત મૃતપ્રાય થઈ ગયો…. શિવાની આવું કરશે એની કલ્પનામાં જ નહોતું…! શિવાની તરફ જોવાની એણે દરકાર ન કરી એ એને બહુ જ ભારે પડી ગઈ…! ફરહાને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે સંપર્ક માટેની સુવિધા જ બંધ કરી દીધી હતી અને એ કારણે ફ્લાઇટ 9W0228 રડાર પરથી અદૃશ્ય થઈ ગઈ…એ શંકાસ્પદ હતું અને એટલે જ ગ્રાઉન્ડ કન્ટ્રોલે સ્માર્ટ ફોનથી કમાન્ડો શિવાનીને ચેતવી દીધી…! ગુસ્સાથી પાગલ શિવાનીએ ફરી વાર ફરહાનને કપાળે સ્ટન ગન અડાડી એક ઓર આંચકો આપ્યો. બે બે વારના જોરદાર વીજળીક આંચકાને કારણે ફરહાન બેહોશ થઈ ગયો. શિવાનીએ સીટ બેલ્ટ છોડી પાયલટની સિટ પરથી એને ફરસ પર ફંગોળ્યો…એના ગુપ્તભાગમાં બે વાર જોરદાર લાત મારીઃ આવા શખ્સ સાથે એણે શરીર સુખ ભોગવ્યું હતું…!!?? શિવાનીના ખાસ બનાવેલ અણીદાર શુઝના પ્રહારને કારણે ફરહાનનું વૃષણ ફાટી ગયું. એને આંતરિક રક્ત સ્રાવ થવા લાગ્યો. અને અસહ્ય પીડાથી ફરહાન કણસવા લાગ્યો. એક સાથે હજારો વીંછી ડંખી રહ્યા હતા ફરહાનને…!
‘ઓ માય ગોડ… ઓ માય ગોડ… ઓ માય ગોડ…!’
વિમાન એકધારી ઊંચાઈ ગુમાવી રહ્યું હતું એ શિવાની એ મહેસૂસ કર્યું.
‘હવે…? ઓ પાંડુ રંગા…હેલ્પ મી…હેલ્પ મી…!’ બબડતી શિવાની પાયલટની સીટ પર ગોઠવાઈ… ‘વી હેવ અ પ્રૉબ્લેમ…!’ પીએ સિસ્ટિમ તરત જ એણે મુસાફરોને ચેતવ્યા, ‘પ્લી..ઈ…સ, એવરી વન ટેઈક યોર સીટ એન્ડ ફાસન યોર સીટબૅલ્ટ…પ્લીઝ…!!’ એ બોલતી હતી પણ એના બન્ને હાથ ફટાફટ ચાલતા હતા… વિમાન પર કન્ટ્રોલ મેળવવાની તજવીજ ચાલુ જ કરી દીધી હતી એણે…!! ફરહાને તારાપુર અણુ વિદ્યુત મથકના મુખ્ય રિએક્ટર સાથે ૩૫,૦૦૦ ગેલન પેટ્રોલ ભરેલ ૨૪૦ ટનનું વિમાન ભટકાવવાની પુરી તૈયારી કરી દીધી હતી…! જો એમ થાય તો અણુ રિએક્ટર ફાટે અણુ બૉમ્બની માફક અને આખા ભારતમાં તબાહી મચી જાય…! રેડિયેશન ફેલાઈ જાય…! કરોડો લોકો મરી જાય…!!અડધો દેશ ખલાસ થઈ જાય….!
‘ઓ માય ગોડ… ઓ માય ગોડ… ઓ માય ગોડ…!’ શિવાની ફટાફટ જુદા જુદા બટનો દબાવતી જતી હતી. વિમાન હાલક ડોલક થતું હતું… અને કોકપીટનો દરવાજો ફરી બંધ થઈ ગયો…! સામે કન્ટ્રોલ પેનલ પર અસંખ્ય અલગ અલગ સ્વિચો હતી…ડાયલો હતા…જાત જાતના ઈન્ડીકેટરો હતા..એમાંના જે એ જાણતી હતી એ એણે ચકાસવા માંડ્યા. એને સ્ટિમ્યુલેટર પર સો કલાક એર બસ ૩૩૦-૨૦૦ ઊડાડવાની તાલિમ આપવામાં આવેલ હતી પણ સ્ટિમ્યુલેટર નહોતું. સાચે સાચું પ્લેઇન હતું…૨૫૦ પેસેન્જર હતા… અને ટાર્ગેટ હતું તારાપુર એટોમિક રિએક્ટર…! અને ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે કોઈ જ સંપર્ક નહતો…!!
‘આલ્ફા નાઈન…! આ…લ્ફા ના..ઈ…ન…!’ ગ્રાઉન્ડ કન્ટ્રોલ સાથે સંપર્ક માટેનું બટન દબાઈ જતા અને એ કાર્યરત થતા સંપર્ક થઈ ગયો…
‘મે..ડે..!’ શિવાનીના જીવમાં જીવ આવ્યો…’ મે…ડે…! આલ્ફા નાઈન રિપૉર્ટિંગ.. ઓ…વ…ર’’
‘આલ્ફા નાઈન.. વોટ ઇસ ગોઈંગ ઓન…? ક્યા ગરબડ હૈ…?’
‘મે..ડે…! મે..ડે…!’ શિવાનીએ માઈક્રોફોન કાને ભેરવી માઉથપિસમાં કહ્યું, ‘કમાન્ડો શિવાની રિપૉર્ટિંગ…! ઓ…વ…ર’
‘વ્હોટ રોંગ…? ઓવર…!’
‘કૅપ્ટન ફરહાન બેટ્રેઈડ…વો સાલા ગદ્દાર નીકલા…! હી કિલ્ડ અશોક અરોરા…! બટ નાઊ હી ઇસ  અન્ડર માય કન્ટ્રોલ…! હી ઈસ નોટ કોઑપરેટિંગ…! ઓવર…”
‘ઓકે…’
‘આઈ નીડ હેલ્પ… ટુ ફ્લાઈ ઓર લેન્ડ…!’
‘વિ આર રેડી…! ટ્રાય ટુ ગો અપ ક્વિકલી… ઓ…વ…ર….!’ ગ્રાઉન્ડ કન્ટ્રોલ પરથી મદદ મળવાની આશાથી શિવાનીને થોડી રાહત થઈ…!
‘હા…ઊ..?’
નીચેથી થોડા સૂચનો આવ્યા. શિવાનીએ એ પ્રમાણે પ્રયાસ કર્યા…! ઓલ્ટીમીટર પર ઝડપથી ઊંચાઈ ઘટી રહી હતી…
‘ટાર્ગેટ ઇસ તારાપુર એટોમિક રિએક્ટર…!’શિવાની પ્રયાસ વધારતા કહ્યું, ‘આઈ મસ્ટ ડુ સમથિંગ… પ્લીઝ હેલ્પ… હેલ્પ…!’
‘ઓહ…માય ગોડ…!!’ નીચેથી અવાજ આવ્યો, ‘કમાન્ડો…ગેટ ઓન મૅન્યુઅલ…! પ્લેન કો મૅન્યુઅલ પર લે લો…જલ્દી..જલ્દી…કરો….ટાઈમ નહિં હૈ… ક્વિક…ક્વિક…!’
‘કૈસે…? મૅન્યુઅલ પર કૈસે લું. બતાઓ…!’
નીચેથી સૂચનો આવ્યા. શિવાનીએ એ મુજબ કર્યું. પણ ફરહાને પાસવર્ડ પ્રૉટેક્ટેડ ઓટો પાયલટ કરી દીધેલ અને પાસવર્ડ બદલી નાંખેલ એટલે ઑટો પાયલટમાંથી વિમાન બહાર આવી જ ન શકે…!
‘ઓ માય ગોડ…!!’ ઓરિજીનલ સાચો પાસવર્ડ નીચેથી આવ્યો તે એન્ટર કરતા પણ મૅન્યુઅલ ન થતા વિમાન પર કન્ટ્રોલ ન જ આવ્યો. અને વિમાન ધસી રહ્યું હતું મોતના ગોળાની જેમ તારાપુર અણુ રિએક્ટર સાથે ભટકાવા…
‘ટ્રાય સમ ન્યુ પાસવર્ડ… પ્લીઝ..ક્વિક…ક્વિક…!’ નીચેથી દબાણ વધી રહ્યું હતું.
શિવાનીએ નવા નવા પાસવર્ડ એન્ટર કરવા માંડ્યા. પણ એક પણ કામ આવતો ન હતા…
ફરહાનને થોડું થોડું ભાન આવવા માંડ્યું હતું.. ગુપ્તભાગ પકડી સાતડાની માફક વાંકો વળી એ કણસતો હતો…
‘વોટ ઇસ પાસવર્ડ??’ શિવાની બરાડી, ‘યુ સન ઑફ બીચ…વોટ ઇસ પાસવર્ડ…?’ વાત કરતા કરતા એ નવા નવા પાસવર્ડ તો એન્ટર કર્યે જ જતી હતી… પાયલટની સીટ પરથી એ સહેજ ઊભી થઈ વોટર હોલ્ડરમાં મિનરલ વોટર ભરેલ હતી એ બોટલ ઉપાડી એણે ફરહાન મ્હોં પર ઠાલવી દીધી… ‘યુ બાસ્ટર્ડ…. પ્લીઝ સ્પિક અપ…ફોર ગોડ સેક… પ્લીઝ…વોટ ઇસ યોર પાસવર્ડ…??’
ઠંડું પાણી મ્હોં પર પડવાથી ફરહાનને થોડું ભાન આવતું હોય એમ લાગ્યું. એ લવારા કરવા લાગ્યો, ‘મરિયમ…મરિયમ… હમ આ રહે હૈ તુઝે મિલને…મેરી પ્યારી બહન મરિયમ!! દેખ હમને આપકે ખૂનકા કૈસા બદલા લિયા…? તબાહી મચાદી..હમને…તેરે લિયે…મરિયમ…!’
‘યુ હેવ ઓન્લી ટુ મિનિટ…કમાન્ડો શિવાની…ઓન્લી દો મિનિટ બાકી હૈ…કુછ કરો…વરના સબ મારે જાયેંગે…દેશ બરબાદ હો જાયેગા…!’
વિમાન ધસી રહ્યું હતુઃ યમરાજના પાગલ થઈ ગયેલ પાડાની માફક તારાપુર અણુ વીજળી મથક તરફ…!
શિવાનીના ધબકારા પણ વધી રહ્યા હતા. એને લાગતું હતું કે એની છાતી ફાટી પડશે…એણે ઊંડો શ્વાસ લઈ ટાઈપ કર્યુઃ mariam અને ધ્રૂજતા હાથે એન્ટરનું બટન દબાવ્યું…અને વિમાન મૅન્યુઅલ પર આવી ગયું…! એ દરમ્યાન વિમાને સારી એવી ઊંચાઈ ગુમાવી દીધી હતી…! સહુ પ્રથમ તો શિવાનીએ વિમાનની દિશા જ બદલી નાંખી…! જેથી વિમાન એટોમિક રિએક્ટર સાથે સીધે સીધું ન ભટકાય… સહેજ રાજી થતા એણે માઉથપિસમાં કહ્યું, ‘આઈ ગોટ ઈટ…!! આઈ ગોટ ઈટ…!! વેસલ્સ ઇસ ઈન માય કન્ટ્રોલ…! આઈ ગોટ ઈટ…!!  આઈ વોન્ટ ટુ ગો અપ…! હાઉ કેન.. હાઊ.. ઓવર…!’
નીચેથી સૂચનો આવ્યા. શિવાનીએ એ મુજબ કર્યું. વિમાન નીચે તરફ ધસી રહ્યું હતું.
‘આઈ કાન્ટ…’લગભગ રડી પડતા શિવાની બોલી, ‘મેં ઉપર નહિં જા શકતી…! આઈ કાન્ટ…’
‘યુ કેન ડુ ઈટ…કમાન્ડો…’ હવે શિવાનીને ટ્રેઇનિંગ આપનાર કર્નલ જસવિંદરસિંઘ નરૂલ્લા ગ્રાઉન્ડ કન્ટ્રોલમાં એમની રેસક્યુ ટીમ સાથે આવી ગયા હતા, ‘ઓન્લી યુ કેન ડુ ઈટ..માય ડિયર શિવાની…!!’
‘જય હિંદ સર…!!’
‘જય હિંદ ટાઈગ્રેસ…!’ કમાન્ડોની આકરી તાલિમ વખતે શિવાનીને કર્નલ ટાઈગ્રેસ કહેતા હતા, ‘લિસન…ધેર ઈસ મિડલ સ્ટીક…બ્લ્યુ…ઈન ધ મિડલ ઑફ કૅબિન…પુલ ઈટ અપ…બ્લ્યુ…કેન યુ સિ ઈટ..પુલ…પુલ… ટ્રાય ઈટ…નાઊ..યુ કેન…!’
કર્નલ જસવિંદરસીઘે સચોટ સૂચનો આપવા માંડ્યા. એમની હાજરીથી જ શિવાનીનો આત્મવિશ્વાસ બેવડાયો. શિવાનીએ બળ કરી બ્લ્યુ સ્ટિક ઉપરની તરફ ખેંચી…અને એટલે પ્લેનનું અધઃપતન અટકી ગયું. અને જરા હાલક ડોલક થઈ એ સીધી સમક્ષિતિજ ગતિમાં આવી ગયું.
‘યસ.. નાઊ આઈ એમ નોટ ફોલીંગ ડાઉન…’ શિવાનીનો ઉત્સાહ વધ્યો. પણ એ બહુ ન ટક્યો. કારણ કે વિમાન હવે તારાપુર વીજળી મથકના નો ફ્લાય ઝોનમાં બહુ નીચી ઊંચાઈએ ઊડી રહ્યું હતું. અને એમ થવાને કારણે રિએક્ટરના રક્ષણ માટે રાખવામાં આવેલ એર ડિફેન્સ રોકેટ પ્રણાલિ કાર્યાન્વિત થઈ ગઈ…કારણ કે આ તારાપુર અણુમથક પર એક હવાઈ હુમલો જ હતો. નીચેથી એક વિમાનવિરોધી તોપ ફૂટી અને એક રોકેટ ફ્લાઇટ 9W0228 બાજુમાંથી ઝુ…ઊ…ઊ…ઊ…મ કરતું પસાર થઈ ગયું…એની તણખા ધરાવતી પૂંછડી અંધકારમાં શિવાનીએ જોઈ અને એ ચોંકી ઊઠી..અને બરાડી… ‘સ્ટોપ ધ ફાયરિંગ સર…ધે આર ફાયરિંગ અસ…!’
‘સ્ટોપ ધ ડેમ ફાયરિંગ…’ કર્નલ જસવિંદર સિંઘે સિંહ ગર્જના કરી કોઈને આદેશ આપ્યો. ખરેખર તો આ વાત એમના મનમાંથી નીકળી જ ગઈ હતી એનો હવે એમને અફસોસ થવા લાગ્યો…
ઝોલા ખાતુ શિવાનીનું પ્લેઇન તારાપુર અણુવિદ્યુત મથક પર ઊડી રહ્યું હતું. પેસેન્જર ડરના માર્યા સહમી ગયા હતા. ચીસાચીસ કરી રહ્યા હતા. નીચે તારાપુર મથકની લાઈટ દેખાઈ રહી હતી. પણ હવે શું…?
‘સર! નાઉ વોટ…??’ શિવાની પ્લેઇન પર કાબુ મેળવાની પુરી કોશિશ કરી રહી હતી.
એટલામાં જ નીચેથી વિમાન વિરોધી તોપમાંથી વછૂટેલ એક રોકેટ ફ્લાઇટ 9W0228ની જમણી પાંખને છેડે જરાક ઘસરકો કરી ગયું. એ કારણે જમણી પાંખને છેડે આગ પકડી લીધી…! વિમાન ડાબી તરફ સહેજ નમી ફરી લેવલમાં આવી ગયું.
‘આઈ એમ શોટ…ડે…એ…મ…!!’ શિવાની ડરની મારી બરાડી, ‘આઈ એમ શોટ…’
વિમાનમાં મુસાફરો ચીસો પાડવા લાગ્યા. વિમાન થોડું વધારે હાલક ડોલક થતું હોય એમ લાગ્યું.
‘પ્લીઝ બી સિટેડ… બી સિટેડ…’ શિવાનીએ પીએ સિસ્ટિમ પર પ્રવાસીઓને વિનંતિ કરી ગ્રાઉન્ડ સાથે વાર્તાલાપ શરૂ કર્યો, ‘નાઉ આઈ એમ શોટ…આઈ એમ શોટ ઓન ધ એન્ડ ઑફ રાઇટ વિન્ગ… આઈ ગોટ ફાયર…આઈ નીડ ટુ ગેટ ડાઉન એની હાઉ…આઈ એમ શોટ…!! આઈ નીડ ટુ લેન્ડ નાઉ…’ નાઉ શબ્દ પર ભાર આપતા શિવાનીએ પ્લેઇન કાબૂમાં રાખતા વિચાર્યુઃ હાઉ…?? હાઉ કેન આઈ લેન્ડ નાઉ…? હાઉ…?? એ હવે મનોમન ડરી ગઈ હતી. એ જાણી ગઈ હતી કે તારાપુર અણુ રિએક્ટરને તો એ જેમ તેમ બચાવી શકી હતી…પણ…હવે…મોત સિવાય બીજો કોઈ આરો ન હતો…એક સામટા અઢીસો મુસાફરો… ઓહ… ગોડ…એણે એક કૃધ્ધ નજર ફરહાન તરફ નાંખી જે અર્ધ બેહોશ અવસ્થામાં લવારો કરી રહ્યો હતો. કણસી રહ્યો હતો..
‘યુ કેન ડુ ઈટ…!’ જસવિંદરસિંઘનો આદેશ જ આવ્યો, ‘માય ડિયર શિવાની યુ આર કમાન્ડો… બ્રેવ કમાન્ડો, માય ટાયગ્રેસ યુ વિલ લેન્ડ.. સ્યોર લેન્ડ…’
વિમાન ઊડવાને કારણે હવા લાગવાથી જમણી પાંખે ભડકો નાનો મોટો થતો હતો. અને વિમાન ડાબે પડખે થોડું નમી ગયું હતું. અને થોડું ચક્રાકારે ઊડી રહ્યું હતું.
‘રાઈટ નાઉ… શિવાની… ગ્રેજ્યુઅલી એટ ટ્વેન્ટી ડીગ્રી બ્રિંગ પ્લેઇન લોવર એલિવેશન…! ગિયર ઇસ ઇન ધ મિડલ… યુ નો..ધેટ…યુ નો..! યુ કેન ડુ ઈટ…’ જસવિંદરસિંઘે સંયત સ્વરે શિવાનીને માર્ગદર્શન આપવા માંડ્યું, ‘ ડોન્ટ વરી એબાઉટ ફાયર..ઈટ ઈસ એક્ષટરનલ…ઓનલી…! યુ આર ગોઈન્ગ ટુ લેન્ડ ઓન હોલી વોટર ઑફ અરેબિયન સિ…અરેબિયન સમુદ્રકા પાની તુઝે બચાયેગા બેટી… બ્રિંગ ટ્વેન્ટી ડિગ્રી ડાઉન એન્ડ મેઈક રાઈટ એટ ફિફટિન…! માય ટાયગ્રેસ મેઈક રાઈટ એટ ફિફટિન નાઉ…એન્ડ યુ વિલ સેઈફલી લેન્ડ ઓન હોલી વોટર ઓફ અરેબિયન સિ…ડુ યુ અન્ડરસ્ટેન્ડ…?’
‘યસ સર…!!બટ વો..ટ…ર…??’ શિવાનીએ એમના કહ્યા મુજબ કરતા કહ્યું,
‘વોટર વિલ બી ઈઝિ એન્ડ સેફર ફોર યુ…’
શિવાનીએ ખુદને કહ્યુઃ શિવુ, યુ કેન ડુ ઈટ…પ્લેઈન ધીમે ધીમે નીચે આવવા માંડ્યું. મળસ્કેના અંધારામાં કંઈ નજર આવતું નહતું. બન્ને હાથે એણે લેન્ડિંગ ગિયર પકડી રાખ્યું  હતું અને એ ધીમે ધીમે વિમાનને નીચે લાવી રહી હતી. પ્લેઇન ધ્રૂજતુ હતું…ગમે તે થઈ શકે…એને એકદમ ધ્યાનમાં આવ્યું કે પેસેંજરોને તો જાણ કરવી જરૂરી હતી, ‘વિ આર ગોઈંગ ટુ લેન્ડ ઓન વોટર ઑફ અરેબિયન સિ…ઈટ ઈસ એન ઇમર્જન્સી લેન્ડિગ…પ્લેઇન હેસ કૅપેસિટી ટુ સ્વિમ…પાની પે તૈર શકતા હૈ…! પ્લીઝ કોઑપરેટ વિથ અસ ટુ સેવ અવર લાઈવ્સ…!’ હજુ તો એ વાક્ય પુરું કરે એ પહેલાં તો વિમાનની પૂંછડી અરેબિયન સમુદ્રના પાણીને અડી…અને વિમાન પ્રતિ ધક્કાથી હવામાં સહેજ ઊછળ્યું…! શિવાનીએ લેન્ડિગ ગિયર કસીને પકડી રાખેલ પણ આ બધી ધમાલમાં એ સીટ બેલ્ટ બાંધવાનું તો વીસરી જ ગયેલ એટલે એ ફંગોળાઈ…પણ ગિયર ન છોડ્યું અને થ્રોટલ બિલકુલ બંધ કરી દઈ બળપૂર્વક લેન્ડિગ ગિયર ઉપર તરફ સહેજ ખેંચી રાખ્યું. લગભગ ચાલીસ સેકન્ડ બાદ આખું વિમાન દરિયાના પાણીની સપાટી પર આશરે એકસો વીસ માઈલની ઝડપે સરકવા લાગ્યું…!! દરિયામાં મોટા મોટા મોજાં ઊછળ્યા. વિમાનના બન્ને એન્જિનો પાણી ભરાઈ જવાને કારણે એ તરત બંધ થઈ ગયા. જમણી પાંખે લાગેલ આગ પણ દરિયાના પાણીને કારણે હોલવાઈ ગઈ. બે-ત્રણ માઈલ સરકીને વિમાન ઊભું રહી ગયું… તરવા લાગ્યું…!!
‘ઓહ…માય ગોડ…!! ઓહ…માય ગોડ…!! ઓહ…માય ગોડ…!!’ શિવાની માની શકતી જ ન હતી કે પ્લેઇન લેન્ડ થઈ ગયું છે…
ભારતીય નૌસૈનાની બચાવ નૌકાઓએ વિમાનને ઘેરી લીધું. કૉસ્ટ ગાર્ડના ચોપરોએ ફ્લડ લાઈટ ફેંકવા માંડી…! વીસ જેટલા કમાન્ડો અને ચાર તબીબોની ટૂકડી વિમાનમાં ધસી આવી…વિમાન ડૂબી ન જાય એ માટે ક્લેમ્પ લગાવી બોયાં બાંધવામાં આવ્યા. અને ત્વરાથી એક પછી એક પેસેન્જરોને કાળજીપુર્વક ઊતારી નૌકાઓમાં ચઢાવવામાં આવ્યા. શિવાની પાયલટની સીટ પર બેસી રડી રહી હતી…ધ્રૂસકે… ધ્રૂસકે…! પણ એના એ આંસુઓમાં ખારાશ ન હતી…! એ આંસુ હર્ષના હતા…વિજયના હતા… આનંદના હતા…! લગભગ આખું વિમાન ખાલી થઈ ગયું. ફરહાનના મ્હોં પર શિવાની થૂંકી, ‘ગદ્દાર…! દેશ દ્રોહી…!!’ એના બન્ને હાથ પાછળ લઈ જઈ એણે હાથકડી પહેરાવી. એ હજુ ફરસ પર પડી કણસી રહ્યો હતો…એના ગાલે બે સણસણતા તમાચા માર્યા શિવાનીએ.
એટલામાં જ શિવાની પાસે કર્નલ જસવિંદરસિંઘ નરૂલ્લા પ્રગટ થયા અને શિવાને એ વ્હાલપૂર્વક ભેટી પડ્યા. એમની આંખોમાં પણ આંસુ હતા, ‘આઈ નો ઓન્લી યુ કેન ડુ ઈટ..એન્ડ માય બ્રેવ કમાન્ડો યુ ડીડ ઈટ…આઈ એમ વેરી પ્રાઉડ ઑફ યુ…ટાયગ્રેસ…!’
અરેબિયન સમુદ્રના પૂર્વાકાશમાં સૂરજ સહેજ ડોકિયું કરી શિવાનીને જોઈ રહ્યો હતો…
(સમાપ્ત)

સાભાર – સુરેશ કાક્લોતર

પધરામણી

Standard

પધરામણી
~ નટવર મહેતા 
દિનુ થાકીને એના રૂમ પર આવ્યો. રોજ કરતા આજે એ વધારે થાકી ગયો હોય એમ લાગતું હતું. એક તો આજે રોજ કરતા વધારે રૂમ બનાવવા પડ્યા અને ડેસ્ક પર કામ કરવાનું ન મળ્યું. એ મોટેલમાં કામ કરતો હતો. ‘ડેઇઝ ઈન’માં. આજથી ચારેક વરસ પહેલાં એ અહિં અમેરિકા આવ્યો હતો. મોટી બહેન ગીતાએ એની પિટિશન ફાઈલ કરી હતી. જે નવ વરસના લાંબા ઈંતેઝાર બાદ ઓપન થઈ હતી. બનેવી જશુભાઈ તો ફાઈલ કરવા માંગતા જ નહોતા. કે’તા કે અહિં હવે પહેલાં જેવું નથી. વળી દિનુ કંઈ ખાસ ભણેલ નહોતો. અહિં આવીને શું કાંદા કાઢવાનો? દિનુની વિનવણી અને બહેનના મનામણાં બાદ એમણે ફાઈલ કરી. દિનુ આવ્યો ને થોડા દિવસમાં જ બનેવીએ એને કહ્યું, ‘જો દિન્યા…, આ અમેરિકા છે. તું એમ માનતો હોય કે અહિં ઘી-કેળાં છે તો એ માન્યતા છોડી જે દેજે. અહિં પરસેવાની કિંમત છે. આ તક અને લકનો દેશ છે. તક ન મળે તો ઊભી કરવાની. પણ લક ન હોય તો કંઈ ન થાય. વીસ વરસમાં મેં કરોડપતિને રોડપતિ થતા જોયા છે તો રોડ પર રખડતાંને મર્સિડિઝમાં મહાલતા જોયા છે. તારે તારું ફોડી લેવાનું.’ અને બનેવીએ ઉમેર્યું, ‘તારે કેવી નોકરી કરવી એ તારા પર નિર્ભર છે. મારા કન્વિનિયન સ્ટોરમાં કે ગેસ સ્ટેશનો પર તને કામ પર રાખવાનો નથી. ધંધામાં સગાઓને મેં કદી રાખ્યા નથી. એમાંથી ઘરમાં ઝગડો ઘૂસે. મને એ ન ગમે. સો જૉબ શોધવા માંડ. અને જેમ બને એમ જલદી અહિંથી મૂવ થા.’
‘પણ..’ બહેન ગીતાએ સહેજ અચકાઈને કહ્યું, ‘એને લાયક કામ તો મળવું જોઈએને..!’
‘….તે શોધવાનું. એને લાયક એક જ કામ અત્યારે તો મારા ધ્યાનમાં છે. મોટેલમાં..!’ જશુભાઈએ સહેજ ચીઢાયને કહ્યું, ‘બીએ થયેલાથી બૉસ ન બનાય. મોટેલમાં લાગી જા. ત્યાં રૂમો બનાવવાની, મગજ બહુ ખાસ ચલાવવાનું નહિ, અને મોટો ફાયદો એ કે રે’વા માટે એકાદ રૂમ મળી જાય તો રેન્ટ ન આપવું પડે. કામનું કામ અને રહેવાનું મફતમાં. એમાં પણ હવે તો કોમ્પિટિશન છે. આપણા દેશીઓ રહેવા મળે તો સાવ મફતમાં કામ કરવા તૈયાર છે એવું ય સાંભળવા મળ્યું છે. એટલે એ કામ મળી જ જશે એવું પણ નથી. ટ્રાય કર. તારું નસીબ હોય તો કંઈ મળી પણ જાય. લે આ પેપરમાં ઘણી જાહેરાતો છે. મોટેલ હેલ્પ માટેની. ફોન કરવા માંડ.’ કહીને એમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ અખબારોની અમેરિકી આવૃત્તિના ચાર-પાંચ પેપરો દિનુને આપ્યા, ‘ જેમ બને એમ જલદી અહિંથી નીકળવાની કોશિશ કરજે. એવું ન થાય કે પછી મારે…’ બનેવી જશુભાઈ શબ્દો ગળી ગયા પણ એનો ભાવાર્થ દિનુ સમજતો હતો. એણે બહેન તરફ એક નજર કરી પણે બહેને પણ નજર ફેરવી દીધી.
-આ અમેરિકા છે! દિનુને અત્યારે પણ બનેવીના શબ્દો યાદ આવી ગયા..અને એક પ્રશ્ન થયોઃ શું આ અમેરિકા છે? આ પ્રશ્ન એને કેટલાય વખતથી સતાવતો હતોઃ આવું અમેરિકા?! જ્યાં લીલાછમ ડોલરની બોલબાલા હતી અને લીલીછમ લાગણીઓની કોઈ કિંમત નહોતી!
કેટ કેટલાં અરમાનો સાથે એ આવ્યો હતો અહિં? એક વાર અમેરિકા પહોંચી જવાય તો બસ પછી કિસ્મતના દરવાજા ખૂલી જાય. દરવાજા તો ઘણા હતા પણ બધા બંધ હતા..એની ચાવી નહોતી. હતી એ મળતી નહોતી. જેણે કદી ય પોતાની પથારી જાતે પાથરી નહોતી એણે દિવસના ચાલીસથી પચાસ બેડ બનાવવા પડતા..રૂમો બનાવવા પડતા…ગંદા-ગંધાતા સંડાસ-બાથરૂમ સાફ કરવા પડતા…! મેલી ચાદરોની લૉન્ડ્રી કરવી પડતી!! અને દિવસના અંતે શું મળતું?? એક રૂમ દીઠ ચાર ડોલર ને ઢગલો થાક…! આકરી હતાશા…! નરી નિરાશા…!!
-ના, આવું ક્યાં સુધી? દિનુ વિચારતો રહેતો…! આવું ક્યાં સુધી…!?
-હે પ્રભુ બતાવી દે કોઈ તદબીર કે સુધરી જાય આ બગડેલ તકદીર…!!
ધીરે ધીરે એક પછી એક મોટેલ બદલતા બદલતા છેલ્લા ત્રણ વરસથી દિનુ આ એકસો વીસ રૂમની ‘ડેઈઝ ઈન’ મોટેલમાં કામ કરતો હતો. એના માલિક હતા સુનિલભાઈ. એમની પાંચ મોટેલ હતી. કરોડોમાં રમતા હતા. થોડા વિચિત્ર હતા. એમના હાથમાંથી પણ પૈસો સહેલાઈથી છૂટતો નહિ. કોની પાસે કેવું કામ લેવું એ એમની આગવી આવડત હતી. દિનુને ક્યારેક અહિં નાઈટ શિફ્ટમાં ડેસ્ક સંભાળવાની આવતી. એટલે રૂમ બનાવવામાંથી ક્યારેક છુટકારો મળતો. નાઈટ શિફ્ટમાં કામ થોડું ઓછું રહેતું પણ ઊંઘનું બલિદાન આપવું પડતું તો દિવસે રૂમ બનાવી થોડા વધારાના ડોલર પણ મેળવી શકતા. પરન્તુ, આ રીતે કંઈ પૈસા બનાવાય નહિ. દિનુ વિચારતોઃ એક વાર પૈસા આવે તો કંઈ વાત બને. જિંદગી બને. લગ્ન કરાય…! બરાબર સેટલ થવાય! પોતાનું હોય એવું કંઈ કરી શકાય…! ડેસ્ક માટે સુનિલભાઈને સમજાવતા સમજાવતા પણ દિનુને નાકે દમ આવી ગયો હતો. જેમ તેમ સુનિલભાઈ માન્યા એ પણ નાઈટ શિફ્ટ માટે જ! સુનિલભાઈની માન્યતા હતી કે, દેશીઓને ડેસ્કની જૉબ ન અપાય. દેશીઓને જોઈ કસ્ટમર ઓછા આવે! દેશીઓ તો અંદર હાઉસકિપર તરીકે જ સારા…!
શાવર લઈને દિનુ બાથરૂમની બહાર આવ્યો ત્યારે જ ફોનની રિંગ વાગી. માઈક્રોવેવના ઘડિયાળ તરફ એણે એક નજર કરી. અત્યારે રાતે નવ વાગે કોણ હશે વિચારી એણે ફોન ઉપાડ્યો, ‘હલો…!!’
‘દિ…ઈ…નુ…ઊ…!!’ સામે સુનિલભાઈ હતા. આમ તો એઓ અઠવાડિયે એક વાર આવતા. મોટે ભાગે વિક એન્ડમાં. આમ અચાનક સુનિલભાઈનો ફોન આવ્યો એટલે દિનુને સહેજ આશ્ચર્ય થયું, ‘આઇ વોન્ટ ટુ સી યુ નાઉ…’ સુનિલભાઈએ કહ્યું, ‘ડુ યુ અન્ડરસ્ટેન્ડ…!’ ગુસ્સામાં હોય ત્યારે સુનિલભાઈ મોટે ભાગે અંગ્રેજીમાં બોલતા અને એમના અવાજ પરથી લાગતું હતું કે, સુનિલભાઈનો પારો સાતમા આસમાને હતો.
‘ય…સ…!’ દિનુએ ધીમાં અવાજે કહ્યું. જલદી જલદી સ્વેટ સ્યુટ ચઢાવી એ સુનિલભાઈની ઑફિસ તરફ ગયો. સુનિલભાઈની ઑફિસ બે માળના મોટેલના મકાનના એક ખૂણે આવેલ હતી. એનો બંધ દરવાજો ધીરેથી ખોલી એ ઑફિસમાં દાખલ થયો.
‘બો…લો…ભાઈ, કેમ યાદ કર્યો…?!’ દિનુએ ધીમેથી પૂછ્યું.
‘……………’ સુનિલભાઈ મૌન. પણ એમનો ગુસ્સો એમની આંખોમાંથી વરસતો હતો.
દિનુ ડરી ગયો. સુનિલભાઈના ભારેખમ શ્વાસોશ્વાસનો અવાજ પણ તેજ થઈ રહ્યો હતો.
‘પેક અપ યોર બેગ્સ…એન્ડ ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ…! યુ બાસ્ટર્ડ…!’ પોતાની રિવૉલ્વવિંગ ઑફિસ ચેરને ગુસ્સાથી ગોળ ઘુમાવી બોલ્યા.
‘પ…ણ…’ દિનુને કંઈ સમજ ન પડી.
‘યુ…સન ઑફ…!’ સુનિલભાઈના મ્હોંમાંથી અસ્ખલિત ગાળો સરતી હતી, ‘યુ ચીટર…!’
હવે દિનુ ચમક્યો…! તો સુનિલભાઈને જાણ થઈ ગઈ! પણ કેવી રીતે?
‘હાઉ મેની ડોલર યુ મેઈડ ફ્રોમ શોર્ટિયા?’ ગુસ્સેથી ધ્રૂજતા ધ્રૂજતા સુનિલભાઈ ઊભા થઈ દિનુની એકદમ નજદીક આવી ગયા, ‘કેટલા વખતથી..! ફ્રોમ હાઉ લોન્ગ…તું તારી કટકી કાઢતો હતો..? તને એમ કે આઇ વિલ નોટ નો એનિથિંગ…! તને મેં ડેસ્ક પર બેસાડ્યો…! આપણો માણસ સમજીને…!! મારો માણસ સમજીને…!! ને તેં સાલા…જે થાળીમાં ખાધું એમાં જ ટટ્ટી કરી?! તારી જાત પર ગયો?! ગેટ આઉટ નાઉ ફ્રોમ માય મોટેલ…!’
‘ભા..આ…ઈ…!’ દિનુએ મોટ્ટું ધ્રૂસકું નાંખી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘ભાઈ…!! મારાથી મોટી ભૂલ થઈ ગઈ…!આઇ એમ સૉરિ…વેરી… સૉરિ…!’ દિનુએ મજબૂતીથી સુનિલભાઈના પગો જકડી લીધાં, ‘મને માફ કરી દો…’
‘નો…’ સુનિલભાઈએ લગભગ લાત મારી એને છોડવતા કહ્યું, ‘નો..વે…! નાઉ આઇ કાન્ટ ટ્રસ્ટ યુ…! અરે!!  તારા કરતાં તો ધોળિયાઓ સારા…! પેલી મારિયા જો…!કેટલા વખતથી છે ડેસ્ક પર…! એક પેની પણ જો એણે લીધી હોય તો…!’ મારિયા મોટેલમાં ડેસ્ક ક્લાર્ક તરીકે ઘણા સમયથી કામ કરતી હતી, ‘એની નાઈટ શિફ્ટ હોય તો પણ શી નેવર…એન્ડ…યુ…! બોલ કેટલાં બનાવ્યા?’
વાત એમ હતી કે નાઈટ શિફ્ટમાં દિનુ જ્યારે ડેસ્ક પર હોય ત્યારે બે-ચાર કલાક માટે શરીર સુખ ભોગવવા આવતા યુગલોને એ બારોબાર અડધા ભાવે રૂમ ફાળવી આપતો. એની કોઈ રિસિપ્ટ ન બને અને રૂમ  દીઠ ચાલીસ-પચાસ ડોલર એ સીધા પોતાના ગજવામાં સરકાવી દેતો! પેલા યુગલો શોર્ટ ટાઈમ માટે આવે એટલે એઓ ‘શોર્ટિયા’ના નામે ઓળખાય…એઓ મજા કરીને જતા રહે એટલે તરત દિનુ રૂમ બનાવી દેતો. સજાવી દેતો. કોઈને જાણ ન થાય એ રીતે સિફતથી એ આ કામ કરતો હતો…ઘણા સમયથી…! પણ ન જાણે કોઈ રીતે સુનિલભાઈ જાણી ગયા…!
‘મને માફ કરી દો…ભા…ઈ…!’ ધ્રૂસકા દબાવી, રડતા રડતા દિનુ વિનવણી કરતો હતો, ‘હવે હું કદી એવી ભૂલ ન કરીશ…! મારી મતિ મારી ગઈ હતી…!’ દિનુએ ફરીથી સુનિલભાઈના પગ પકડી લીધાં, ‘તમારી જૂતી ને મારું માથું…! તમે મને મારો…! પણ ભાઈ મને કામ પર રહેવા દો…! હું તમારા પૈસા એક એક કરીને આપી દઈશ…! પ્લીઝ…!’ દિનુએ ધ્રૂસકું મૂક્યું. રડતા રડતા એ ફરસ પર ફસડાઈ પડ્યો.
‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ?’ સુનિલભાઈએ દિનુ તરફ તુચ્છ નજર કરી કહ્યું, ‘ટેલ મી…ટેલ મી…!’
‘…………………’ દિનુએ યાચક નજર કરી વિનવણી કરી, ‘એક વાર ટ્રસ્ટ કરો..! એક ભૂલ તો ભગવાન પણ માફ કરે…! તમે તો મારા અન્નદાતા છો…!’
વેપારી મગજના સુનિલભાઈ વિચારવા લાગ્યાઃ આજકાલ ધંધો ખાસો મંદો હતો. બીજો માણસ શોધતા કોણ જાણે કેટલાં દિવસ નીકળી જાય અને કોણ જાણે એ કેવો હોય? જે છે એને પણ ઑવરટાઈમ આપવો પડશે!
‘ભાઈ…!!પ્લી…ઈ…ઝ…!!’ સુનિલભાઈને વિચારતા નિહાળી દિનુ કરગર્યો, ‘ભા…ઈ, તમે કહો એના સોગંદ ખાંઊં…!’
‘હાઉ કેન આઇ ટ્રસ્ટ યુ? તારો કેમ વિશ્વાસ થાય?’ સુનિલભાઈએ સહેજ ઢીલાં પડતા કહ્યું.
‘ભગવાન સ્વામિનારાયણના સોગંદ…!’ દિનુએ ગળામાં પહેરેલ કંઠી આંખે લગાડી કહ્યું, ‘ભાઈ હું સોગંદ ખાઈને કહું કે કદી પણ એવું ન કરીશ…!’ એની આંખમાં ડર ડોકાતો હતો. જો આ નોકરી જતી રહે તો બીજી આવી નોકરી ન મળે. વળી સુનિલભાઈનું મોટેલ બિઝનેસમાં મોટું નામ. એક વાર એ બ્લેક લિસ્ટમાં આવી જાય તો કદી ય એ મોટેલમાં નોકરી ન કરી શકે…! નોકરી તો જાય અને સાથે સાથે માથેથી છાપરું પણ જાય. બનેવી તો એને ઘરમાં જ ન ઘૂસવા દે…! જાણે એ એક ડેડ એન્ડ પર આવી ગયો હતો…!
‘નો…!’ સુનિલભાઈ અસમંજસ થઈ હોય એમ એમનું ડોકું ધૂણાવતા હતા.
‘પ્લી…ઝ…!’
‘હાઉ વિલ યુ ગિવ માય મની?’ સુનિલભાઈએ પાસો ફેંક્યો, ‘તેં કેટલા બનાવ્યા?’
‘………………!’ દિનુ મૌન રહી નીચું જોઈ ગયો.
‘યુ કેન સ્ટે…!’ સુનિલભાઈ અટક્યા
‘………………!’ દિનુના જીવમાં થોડો જીવ આવ્યો.
‘વિથ વન કન્ડિશન…!’
‘આઇ એમ એગ્રી…!!’ દિનુએ શરત સાંભળ્યા વિના જ કહી દીધું.
સુનિલભાઈ હસી પડ્યા, ‘કન્ડિશન ઇસ કે યુ વિલ નેવર વર્ક ઓન ડેસ્ક…એન્ડ…!’
‘મને કબૂલ છે…!’
‘એન્ડ…!’ હજુ શરત બાકી હતી.
‘………………!’ દિનુ મૂંઝાયો, ‘ભાઈ…મને તમારી દરેક શરત મંજૂર છે!’
‘લિસન…! યુ વિલ ગેટ ઓન્લી ડોલર ફોર રૂમ…!વન બક પર વન રૂમ…!’
-ઓહ…! દિનુ ચમક્યો…! ફક્ત એક જ ડોલર…? ચાર ડોલરને બદલે એક જ…! ઓ પ્રભુ…!!
‘વૉટ ડુ યુ થિન્ક…?’ વ્યંગથી સહેજ હસીને સુનિલભાઈ બોલ્યા, ‘ઇફ એગ્રી..સ્ટે…!નોટ એગ્રી…ગેટ ધ હેલ આઉટ ઑફ માય મોટેલ રાઈટ નાઉ…! તારો રૂમ ખાલી થશે તો ગેસ્ટ માટે જગ્યા થશે…! બોલ…વોટ યુ વોન્ટ ટુ ડુ? તારા જેવા બીજા પચાસના રોજ ફોન આવે છે. અને તને કોઈ મોટેલમાં કેવી રીતે કામ મળે એ હું જોઇશ…! આઇ વિલ સી યુ…! દિન્યા…! યુ બ્રોક ધ ટ્રસ્ટ…!’
દરવાજા વસાય રહ્યા હતા દિનુ માટે.
‘મને મંજૂર છે. તમારી દરેક શરત મને મંજૂર છે.’ સુનિલભાઈના જમણા હાથની હથેળી પોતાના બન્ને હાથોમાં લઈ થપથપાવતા દિનુ સહેજ હતાશ થઈને બોલ્યો, ‘થેન્ક યુ ભાઈ!! મારે તમારો વિશ્વાસ ફરી જીતવાનો છે. આ માટે મારે જે કંઈ કરવું પડે એ કરવા હું તૈયાર છું!’
‘રિમેમ્બર યુ વિલ નેવર ચીટ મી…!’
‘આઇ વિલ…!! નોટ ઓન્લી યુ, આઇ વિલ નોટ ચીટ એનીવન…!’
હતાશ થઈને, હારીને દિનુ એના રૂમમાં આવ્યો…! જાણે એના બધા જ અરમાનોનું અવસાન થયું હતું. સુનિલભાઈએ એની પાંખ કાપી લીધી હતી. જ્યારે એણે તો ઊડવાનું હતું ઊંચે ઊંચે આકાશમાં…!
દિવસો પસાર થઈ રહ્યા હતા. દિનુની દશા કોઠીમાં મ્હોં સંતાડીને રડતા બાળક જેવી હતી. દેશથી મા-બાપ પૈસા મંગાવતા હતા. બાપુજીનું મોતિયાનું ઓપરેશન કરવાનું હતું. બા લગ્ન માટે દબાણ કરતી કે એક વાર દેશ આવીને પરણી જા…હવે તેંત્રીસનો તો થઈ ગયો…!! બનેવી જશુભાઈ ફોન પર પણ ભાગ્યે જ વાત કરતા…! બેન ગીતા ક્યારેક વાતો કરતી…! સાવ એકલો થઈ ગયો હતો દિનુ…! એકલો એકલો રડી પડતો…! કાર લીધેલ એના હપ્તા પણ ન ભરાતા બેન્કવાળા કાર લઈ ગયા…! એક એક ડોલરમાં રૂમ સાફ કરીને શું વળશે? એણે બીજી મોટેલોમાં ફોન કરી જોયા. પણ જ્યારે સુનિલભાઈનું નામ પડતું અને જાણે વાત જ આગળ વધતી જ અટકી જતી! સુનિલભાઈ બધે ફરી વળ્યા હતા…! અન્ય કોઈ નોકરી કરી શકે એવી એની હાલત રહી નહોતી. એમાં પણ એક બે ઈન્ટરવ્યુ આપ્યા. પણ કોઈ આવડતના અભાવે, અનુભવના અભાવે અને વધતી જતી બેકારીને કારણે કોઈ બીજું કોઈ કામ મળે એ શક્ય લાગતું નહોતું. દેશ નાસી જવાનું મન થતું હતું…! સપનાઓના મહેલ તૂટી ગયા હતા…! અતૃપ્ત અભિલાષાઓની લાશ ખભે લઈને ફરતો હતો દિનુ…!
દિવસો જેમ તેમ પસાર થતા હતા. મોટેલ પર અન્ય કર્મચારીઓ સાથે પણ ધીરે ધીરે દિનુના સંબંધ ઓછા થઈ રહ્યા હતા. સ્પેનિશ મૅનેજર સ્કોટ પણ એની સાથે ખપપુરતી વાતો કરતો. એક મારિયા હતી જે દિનુની થોડી દરકાર કરતી. એ મોટે ભાગે ડેસ્ક પર જ કામ કરતી. ત્રીસેક વરસની મારિયા સાલસ સ્વભાવની હસમુખી યુવતી હતી. એ સમજતી હતી કે દિનુ કોઈ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિનુ પોતાની વાત કોઈને કેવી રીતે કરે? કેવી રીતે એ કહે કે એ કટકી કરતો હતો શોર્ટિયામાંથી અને સુનિલભાઈએ એને પકડી પાડ્યો હતો…? છતાં પેટ છૂટી વાત દિનુએ મારિયાને કરી. મારિયા પહેલાં તો હસી એના પર. ત્યારબાદ, ધીરે ધીરે મારિયાએ સહાનુભૂતિ  બતાવવા માંડી હતી. એની સાથે એ હસીને વાતો કરતી. એના માટે ક્યારેક ખાવાનું પણ લઈ આવતી! તો ક્યારેક થોડા પૈસા પણ આપતી. એ કહેતી, ‘ડોન્ટ વરી..ડીનુ…એવરીથિંગ વિલ બી ફાઇન…ધ ડે વિલ ચેઇન્જ…!’
-પણ ફાઇન થશે એમ કહેવાથી ફાઇન થઈ જતું નથી…! સમય બદલાતો હોય છે…એનો સ્વભાવ છે, એ બદલાય…એની સાથે પરિસ્થિતિ બદલાતી નથી…! દિનુને ફક્ત થોડી શાંતિ મળતી જ્યારે એ મંદિરે જતો. એના વિસ્તારમાં નવું નવું સ્વામિનારાયણનું મંદિર થયું હતું. એમાં શનિ-રવિના રોજ સાંજે પ્રાર્થના સભા થતી. ઘણા સત્સગીંઓ આવતા. પ્રવચનો થતા. ઉપદેશો અપાતા..! ગમે તેમ કરીને દિનુ એ સત્સંગ સંધ્યાઓમાં ભાગ લેતો. પ્રભુને વિનવણી કરતોઃ હે પ્રભુ…! હે સ્વામિનારાયણ ભગવાન…! મારી દશા સુધાર…! મારા તરફ પણ કંઈક નજર કર…! વળી મંદિરે જવાનો મોટો ફાયદો એ થતો કે ત્યાં સત્સંગ બાદ મહાપ્રસાદી મળતી. જમવાનું મળતું…! બાકી તો રોજ મેક્ડૉનાલ્ડની કે બર્ગરકિંગના ડોલર મેન્યુની સેન્ડવિચના ડૂચા જ મારીને જ પેટપૂજા કરવી પડતી હતીને?
દિનુ પોતાનું કામ કરતો રહેતો. સુનિલભાઈએ શરૂઆતમાં એને મળવાનું ટાળતા. પણ આડકતરી રીતે એની જાણ રાખતા. દિનુ પણ માનતો હતો કે એક દિવસ તો સુનિલભાઈનું હૈયું ઓગળશે. ફરી પહેલાં જેવા દિવસો જરૂરથી આવશે. જ્યારે સુનિલભાઈ મોટેલની વિઝિટે આવતા ત્યારે દિનુ એમની નજરમાં આવવાની કોશિશ કરતો. જેથી સુનિલભાઈના વિચારો કંઈક બદલાય. અમેરિકામાં ભયંકર મંદીનું મોજું ફરી વળ્યું હતું. બેકારી વધી રહી હતી. દરેક ધંધા મંદા થઈ રહ્યા હતા. એની અસર મોટેલના ઉદ્યોગ પર પણ વિપરીત પડી હતી. એ કારણે સુનિલભાઈ પણ ચિંતાતુર રહેતા. સુનિલભાઈએ ‘ડેઈઝ ઈન’માંથી પણ માણસો ઘટાડવા માંડ્યા હતા. એવામાં દિનુ પોતાની સ્થિતિ કેવી રીતે સુધારી શકે? જો દિનુ કંઈ કહેવા જાય તો એને પણ કાઢી મૂકે એ ડરે એ વધારેને વધારે મૂંઝાતો હતો. માનસિક વિટંબણાઓને શાતા મળે એ માટે એના મંદિરના આંટા ફેરા વધી રહ્યા હતા. મંદીના દોરમાં મંદિરનો ધંધો ધમધોકાર ચાલે એ એક નરી વાસ્તવિકતા છે.
આજે સુનિલભાઈ આવ્યા હતા. શનિ-રવિ એઓ આવતા. શનિવારે એઓ રોકાતા. દિનુએ ધીમેથી એમના રૂમના દરવાજે ટકોરા માર્યા. મોટે ભાગે શુક્રવાર સાંજે એ આવી જતા.
‘ય….સ….! હુ ઈસ…ધીસ…?’ અંદરથી સુનિલભાઈનો અવાજ આવ્યો, ‘ડોર ઇસ ઓપન… પ્લીઝ કમ ઇન સાઈડ…!’ સુનિલભાઈ માટે મોટેલમાં એમનો એટેચ્ડ કિચન વાળો સ્યૂટ શનિ-રવિ કાયમ ખાલી રાખવામાં આવતો.
દિનુ ધીરેથી રૂમમાં અંદર દાખલ થયો, ‘જ…ય સ્વામિનારાયણ…! ભા…ઈ…!’
‘જય સ્વામિનારાયણ…! આવ દિનુ…!’ પલંગ પર આરામ ફરમાવતા સુનિલભાઈ પલંગ પર બેઠાં થયા.
‘ભાઈ….’ સ્વામિનારાયણ ભગવાનના ફોટાવાળું ગોળ વાળેલ કેલેન્ડરનું પિંડલું ખોલી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભા…ઈ…! આ આપના માટે લાવ્યો છું. ખાસ આપના માટે…!’
સુનિલભાઈએ કેલેન્ડર હાથમાં લીધું. ફોટા પર એક નજર દોડાવી અને ભાવપૂર્વક કપાળે ફોટો લગાવ્યો.
‘ભાઈ…! આપણા સિટીમાં નવું મંદિર બની રહ્યું છે. લગભગ બંધાય ગયું છે. આપને સમય હોય તો આવો કાલે…! સત્સંગ સભામાં…!! ઘણા માણસો આવે છે…!’
‘હા…મેં વાંચ્યું છે. મારા પર પણ, આઈ મીન મોટેલના સરનામે બે-ત્રણ વાર ઈન્વિટેશન કાર્ડ પણ આવેલ છે….!’
‘તમે કાલે તો અહિં જ છોને? મારી ખાસ વિનંતિ છે કે તમે આવો કાલે…! દેશથી ઘણા સ્વામિ, ગુરુઓ આવેલ છે. મંદિરમાં સ્વામિનારાયણ જયંતીએ પ્રાણ પ્રતિસ્થાની તૈયારી ચાલે છે. આખા યુએસમાંથી, લંડનથી, અને દેશથી ઘણા બધા સ્વામિઓ, સાધુઓ, ગુરુ મહારાજો આવવાના છે!’
‘એ….મ…!!?’ સુનિલભાઈએ થોડો રસ બતાવ્યો.
‘હા…! મહોત્સવની તૈયારીઓ ચાલે છે…!’
‘…તો….તો…!’ વેપારી સુનિલભાઈનું મગજ વિચારવા લાગ્યું, ‘એઓને ઘણી જગ્યાની જરૂર પડશે…! ઉતારા માટે…!’
‘હા જ સ્તો…! અને આપણા ટાઉનમાં એટલાં બધા દેશીઓ પણ ક્યાં છે કે એઓના ઘરે સ્વામિ-સાધુઓને ઉતારો આપી શકાય? ભાઈ…તમે આવો સત્સંગમાં તો સારું…કૉન્ટેક્ટ થાય…! અને…’
‘કેટલા વાગે સત્સંગ થાય છે? મારું સ્કેડ્યુઅલ જો બિઝી ન હોય તો આઈ વિલ ટ્રાય…!’
બીજા દિવસે સુનિલભાઈએ સત્સંગમાં ભાગ લીધો. આજુબાજુના અન્ય ટાઉનમાંથી ઘણા ગુજરાતીઓ પણ આવતા હતા. સ્વામિઓના પ્રવચનમાં ભક્તિની શક્તિ, ભારતીય સંસ્કૃતિની મૉર્ડન જિંદગીમાં અગત્યના અને મંદિર બનાવવા અંગેના મૂળભૂત વિચારોની વિગતવાર છણાવટ સુનિલભાઈએ જાણી. દિનુ તો મંદિરમાં ઘણા સમયથી આવતો હતો એટલે એ તો મોટે ભાગે દરેક ગુરુ સ્વામિઓને, સાધુઓને નામથી ઓળખતો હતો. એણે એ દરેક સાથે સુનિલભાઈની ઓળખાણ કરાવી. મુખ્ય ગાદીપતિ સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત બંધ ઓરડામાં સુનિલભાઈ મળ્યા. સુનિલભાઈ પોતાના ધંધાની મૂંઝવણ વર્ણવે એ પહેલાં જ એ સ્વામિજીએ જાણી લઈ એમને ધીરજ આપતા કહ્યું, ‘ નિશા પછી પ્રભાત આવે છે…અંધકારના વેશમાં પ્રકાશ આવે છે. આજ કાલ દેશ પરદેશમાં સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે. સંસ્કારોની હોળી સળગે છે એમાં જે કંચન હશે એ ટકી જશે, કથીર હશે એ ભસ્મ થશે. કંચન બનો…! સત્સંગ કરો. સાધુઓ, સ્વામિઓ પારસમણિ જેવા હોય છે. એના સંપર્કમાં આવે એ કથીર હોય તો ય કંચન બને…! સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરોડો યુવાનો સત્સંગીઓ દેશ દુનિયામાં જોડાઈને પોતાના જીવનનું ઊર્ધ્વગમન કરી રહ્યા છે. દરેક ધર્મના લોકો એનો લાભ લઈ રહ્યા છે.મનની શાંતિ પ્રાર્થનાથી જ આવે. સત્સંગથી આત્મજ્ઞાન મળે. સાચી માનસિક શાંતિ મળે.’
સુનિલભાઈ માટે આ એક નવો જ અનુભવ હતો. આજ સુધી ધંધાને કારણે એઓને સમય મળતો નહતો. એકલપંડે પાંચ પાંચ મોટેલ સંભાળવામાં, એક મોટેલ પરથી બીજી મોટેલ પર, એક શહેરથી બીજે શહેર…જવામાં જ જિંદગી પુરી થઈ રહી હતી. એમની પત્ની મધુ ઘણી વાર કહેતી કે કંઈ ધરમ કરમ કરો. પણ સમય કોને હતો એ માટે? વળી આજકાલ રિસેસનને કારણે, મંદીને કારણે મોટા ભાગે એમની દરેક મોટેલ અડધા કરતા વધારે ખાલી રહેતી એટલે ગાંઠના ગોપીચંદન કરવા પડતા હતા. મૂડી તૂટી રહી હતી.રાત્રે ઊંઘ ઊડી જતી. એવામાં ધરમ કરવા જાય કે ધંધો કરવા જાય? મધુ તો કહેતી કે મોટેલમાં ઘણા કાળા-ધોળાં કરમો થાય તો એનું ય પાપ લાગે…! પણ ધંધો એ ધંધો…! એમાં થોડુંક તો કાળું-ધોળું કરવું પણ પડે. એ પોતે ક્યાં જાણી જોઈને એવું કરતા હતા? સ્વામિ સેવાશરણદાસ સાથે અંગત વાત કરવાથી, એમની શાંત વાણીથી એમને થોડી શાતા વળી. સ્વામિની વાત સાચી હતી. ધરમને શરણે જવા સિવાય કોઈ આરો નહતો. ધર્મમ્ શરણ્ ગચ્છામિ…!!
એ રાત્રે સુનિલભાઈને નિરાંતે ઊંઘ આવી. પછી તો જ્યારે જ્યારે સુનિલભાઈ આવતા ત્યારે સત્સંગ સભામાં જતા. મહાપ્રસાદી લેતા. ધીરે ધીરે એઓ ધરમના રંગે રંગાઈ રહ્યા હતા. મંદિરનું કામકાજ ચાલી રહ્યું હતું. ચૈત્ર સુદ નોમ, રામ નવમી અને સ્વામિનારાયણ જંયતીના શુભ દિને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું.
‘ભાઈ…!’ દિનુ રૂમ બનાવીને બહાર નીકળ્યો ત્યારે જ સુનિલભાઈ મોટેલમાં આંટો મારવા નીકળ્યા હતા. કેટલાંક રૂમોમાં કાર્પેટ બદલવાની કામગીરી પુરી થઈ ગઈ હતી એ જોવા માટે એઓ અને મૅનેજર સાથે ચેકિંગ માટે ગયા હતા, ‘જય સ્વામિનારાયણ…!ભાઈ…!’ દિનુએ રબ્બરના હાથ મોજાં કાઢી બન્ને હાથ જોડી કહ્યું, ‘જય સ્વામિનારાયણ….!’
સુનિલભાઈએ દિનુના ખભા પર હાથ મૂકી કહ્યું, ‘જય સ્વામિનારાયણ દિનુ…! કેમનું ચાલે છે…?’ પછી એમણે મૅનેજર સ્કોટ તરફ ફરી સહેજ હસીને પૂછ્યું, ‘હાઉ હી ડુઇન…?’
‘હિ ઇસ ડુઇંગ ગુડ…!’ હસીને સ્કોટ બોલ્યો, ‘નો કમ્પ્લેઈન…રાઈટ નાઉ…! હિ ઇસ ડુઇંગ ઓન્લી હાઉસ કપિંગ…!’
‘ગીવ હીમ લિટલ રેઇઝ…!’ સુનિલભાઈ સહેજ પીગળ્યા, ‘શું કહે છે દિનુ?’
‘……………………!’ દિનુ મૌન. સહેજ હસરતભરી નજરે એ સુનિલભાઈ તરફ નિહાળવા લાગ્યો.
‘ગિવ હીમ ક્વાટર મોર ફ્રોમ નેકસ્ટ વીક…!’ દિનુ તરફ જોઈ સુનિલભાઈ બોલ્યા, ‘જો દિનુ, સિચ્યુએશન ઇસ બેડ…! યુ નો…! આજે કેટલા રૂમ બનાવ્યા?’
‘થેન્ક યુ ભાઈ…!’ મ્લાન હસીને દિનુ બોલ્યો, ‘તમે મને ફાયર ન કર્યો એ જ મારા માટે તો ઉપકાર છે.’ સહેજ અચકાઈને દિનુએ કહ્યું, ‘આઈ નો સિચ્યુએશન ઇસ બેડ…!’
‘સ્કોટ…! મૅનેજર તરફ નિહાળી સુનિલભાઈએ કહ્યું, ‘યુ કેન ગો. ફિનિશ યોર વર્ક…’
‘સી યુ લેટર…’ કહીને સ્કોટ એની ઑફિસ તરફ ગયો.
લૉબીમાં કાર્ટ ધકેલતા દિનુ સાથે સુનિલભાઈ ધીમે ધીમે ચાલવા લાગ્યા, ‘ભાઈ, ગુરુજી આપને યાદ કરતા હતા. એમણે આપના માટે કંઠી અને દાદા સ્વામિનો ફોટો આપેલ છે. તમે કહો ત્યારે આપને આપી જઈશ…! બહુ તત્વજ્ઞાની પુરુષ છે એઓ. મારા મનના બધા પાપો એમણે જ ધોયા, સાફ કર્યા. મારા મનમાં આપના પ્રત્યે પણ હવે કોઈ રાગ-દ્વેષ રહ્યો નથી. હા, શરૂઆતમાં મને થોડું લાગી આવ્યું હતું. પણ દોષ મારો હતો. ગુન્હો મારો હતો. ગુરુસ્વામીજીએ મારા મનને સ્વચ્છ કર્યું. બહુ ચમત્કારી વ્યક્તિત્વ છે ગુરુજીનું…! ત્રિકાળ જ્ઞાની છે. એક વાર એમની પધરામણી કરવી જોઈએ આપણી મોટેલ પર…! એમના ચરણકમળ પડશે તો ધંધો પણ…’
‘એઓ પધારશે…?!!…અહિં…? આપણી મોટેલ પર….?!’ સુનિલભાઈએ ઉત્સુકતાથી પૂછ્યું.
‘કેમ નહિ?!’ કાર્ટ પર ચીપકાવેલ લિસ્ટ પર નજર કરી દિનુએ કહ્યું, ‘ભાઈ, મારે હજુ બીજા ત્રણ રૂમો બનાવવાના છે. જો આપને સાંજે સમય હોય તો હું ગુરુજીએ આપેલ ભેટ આપને આપી જઈશ. તમે ક્યાંક જવાનો હો તો…!’
‘ના….!’ સુનિલભાઈએ વચ્ચે બોલી પડ્યા, ‘મારે એકાઉન્ટ મૅટર ચેક કરવાની છે. બટ યુ કેન સી મી એટ.. ફાઇવ…! પાંચ વાગે મળ…!’
‘ઓ…કે…!ભાઈ…! જય સ્વામિનારાયણ….’ દિનુએ રબ્બરના હાથ મોજાં ચઢાવતા કહ્યું, ‘હું આવીશ પાંચ વાગે…! ને ભાઈ થેન્ક યુ ફોર રેઈઝ…!’ સોમવારથી દિનુને હવે એક રૂમ દીઠ સવા ડોલર મળવાનો હતો…! સુનિલભાઈ ઓગળી રહ્યા હતાઃ જય સ્વામિનારાયણ…!!
આખો દિવસ રૂમો બનાવી-સજાવી, થાક ઉતારવા શાવર લઈ, સહેજ તાજા-માજા થઈ સાંજે પાંચ વાગે ભગવા રંગની એક નાનકડી કોથળીમાં દાદા સ્વામિનો લેમિનેટેડ ફોટો, કંઠી અને સુખડીનો પ્રસાદ લઈ દિનુએ સુનિલભાઈના રૂમના બંધ દરવાજા પર ટકોરા માર્યા.
‘આ..આ…વ દિનુ!’ જાણે સુનિલભાઈ દિનુની જ રાહ જોતા હતા.
‘જય સ્વામિનારાયણ…!’ દિનુએ નમ્રતાથી હાથ જોડ્યા, ‘ભાઈ…! આ આપના માટે ગુરુજીએ પ્રસાદ અને ભેટ મોકલાવી છે.’ દિનુએ કોથળી ખોલી એમાંથી દાદા સ્વામિનો ફોટો કાઢી ભાવપૂર્વક એણે આંખે લગાડ્યો, ‘બહુ જ યુગદ્રષ્ટા છે દાદા સ્વામિ તો…!’ એણે ફોટો અને કંઠી સુનિલભાઈને આપતા કહ્યું, ‘ભાઈ આ તમે પહેરજો. ગુરુએ ખાસ આપના માટે બહુ ભાવથી આપી છે… એ આપની રક્ષા કરશે…! જરૂરથી કરશે…! મારો તો અનુભવ છે…! ..ને આ પ્રસાદી છે. ‘સુખડીની નાની નાની લાડુડીમાંથી એક નાનકડો લાડુ એણે સુનિલભાઈને આપ્યો, ‘ભાઈ લો…પ્રસાદી…!’ એની આંખો સહેજ ભીની થઈ, ‘એક વાત કહું…? તમે માનશો નહિ ભાઈ!! પણ આ એક લાડુથી મેં ક્યારેક આખો દિવસ ગુજાર્યો છે…! એટલી દૈવી શક્તિ હોય છે પ્રભુના પ્રસાદમાં…!’
‘જય સ્વામિનારાયણ…!’ સુનિલભાઈએ પ્રસાદ ભાવપૂર્વક મ્હોંમાં મૂકી એમણે એમનો જમણા હાથનો પંજો આસ્થાથી પોતાના મસ્તક પર ફેરવ્યો, ‘દિનુ…તું પધરામણીનું કં…ઈ કહેતો હતોને…!’
‘કેટલા વાગ્યા…?!’ દિનુએ દિવાલ પર લટકાવેલ ઘડિયાળ તરફ નજર કરી કહ્યું, ‘ગુરુજીની સાયં સંધ્યા પુરી થઈ ગઈ હશે! ભાઈ, જો આપને વાંધો ન હોય તો એક ફોન કરી જોઉં?’
‘ના…ના…મને શો વાંધો…!’ સુનિલભાઈએ એમનો મોબાઇલ ફોન દિનુને આપ્યો, ‘લે, રિંગ કર…!’
દિનુએ ફોન લઈ રિંગ કરી. થોડી વાર પછી સામેથી ફોન કોઈએ ઉપાડ્યો, ‘જય સ્વામિનારાયણ…!’
‘જય સ્વામિનારાયણ…મહારાજ…!’ ફોનના માઉથપીસ પર હાથ રાખી એણે ધીમેથી     સુનિલભાઈને કહ્યું, ‘ગુરુજીના મુખ્ય શિષ્ય સ્વામી નિત્યાનંદજી છે. પછી ફોનમાં એ બોલ્યો, ‘ગુરુજી સાથે જરા વાત કરવી હતી. હું દિનુ. હા…!’
‘………………….’
‘હા…એ બાબતમાં જ…! હા, મારા બો…સ…આઈ મિન સુનિલભાઈ અહિં જ છે. એમના સેલ પરથી જ ફોન કર્યો છે. ગુરુજીને ક્યારે ફાવશે? એમની ઇચ્છા છે. સુનિલભાઈ કાલે અહિં જ છે. સાંજ સુધી…!’
‘………………….!’
ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ ગુરુજીને પુછાવે છે…આપને કાલે ફાવશેને ભા…ઈ…? પછી તો ગુરુજીને ક્યારે સમય મળે એ કંઈ કહેવાય નહિ…!’
સુનિલભાઈએ ધીમેથી હકારમાં એમની ડોક હલાવી.
‘હા…! કાલે? સવારે…દશ વાગે…?!’ દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ નિહાળ્યું.
સુનિલભાઈ હકારમાં ફરી એમની ડોક ધુણાવી.
‘સવારનું મુહૂર્ત શુભ છે. ઓકે…!’
‘………………….!’ ધીમેથી દિનુએ સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ આપનાથી એમને લેવા તો જવાશેને? ગુરુજી પાસે કંઈ ગાડી ન હોય…! એવું હોય તો હું ડ્રાઈવ કરી એમને લઈ આવીશ…! આવો મોકો  તો ભાગ્યશાળીને જ મળે. આમ તો ગુરુજી કોઈની ઘરે કે મોટેલ પર જતા નથી. પણ ન જાણે કેમ આપના પર એમને અપાર લાગણી છે. એઓ આવશે તો હું પણ મારા રૂમમાં એમના પાવન પગલાં પડે એવી પ્રાર્થના કરીશ!!’ સુનિલભાઈ કંઈ કહે એ પહેલાં જ દિનુએ ફોનમાં કહી દીધું, ‘હા..! હું અથવા તો સુનિલભાઈ પોતે સવારે દશ વાગે મંદિરે ગુરુજીને લેવા આવીશું એમની મર્સિડિઝમાં…!’
‘………………….!’
‘ઓ..કે…! પોણા દશે મંદિરે પહોંચી જઈશું…! હા…હા…! મને જાણ છે ગુરુજીનો સમય બહુ કીમતી છે. જય સ્વામિનારાયણ…!’ કહીને ફ્લીપ ફોન બંધ કરી એણે સુનિલભાઈને આપતા કહ્યું, ‘હું તો માની જ નથી શકતો કે ગુરુજી આટલી આસાનીથી રાજી થઈ જશે…!’ દિનુએ સાશ્ચર્ય કહ્યું, ‘ભાઈ, આપ પહોંચી જજો ટાઈમસર…! આવો લહાવો ભાગ્યશાળીને જ મળે. હું પણ વહેલાં રૂમો બનાવવાનું શરૂ કરી દઈશ એટલે દશ વાગ્યા પહેલાં તો ફ્રી થઈ જઈશ. બાકી હોય એ પછીથી બનાવીશ…!’
શનિવારે સવારે દશ વાગે સુનિલભાઈની સિલ્વર મર્સિડિઝ ધીમેથી ડેઇઝ ઈન મોટેલના અર્ધગોળાકાર પોર્ચમાં ઊભી રહી. સુનિલભાઈ ડ્રાઈવરની સીટ પરથી ઝડપથી ઊતર્યા અને પેસેન્જર બાજુનો દરવાજો ખોલ્યો નમ્રતાપૂર્વક ખોલ્યો. દિનુ પણ ગુરુજીની રાહ જ જોતો હતો. એ પણ મોટેલમાંથી દોડીને આવ્યો. ગુરુજી સાથે એમના બે શિષ્ય સાધુઓ પણ આવેલ હતા. ગુરુજી હળવેકથી ગાડીમાંથી બહાર નીકળ્યા.
દિનુએ દોડીને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા, ‘જય…સ્વામિનારાયણ… અમારા અહોભાગ્ય…આપના ચરણો અમારા આંગણે પડ્યા…!’
‘અરે…દિનુ…! કેમ છે…?’ ગુરુજીએ દિનુના માથા પર હાથ ફેરવતા કહ્યું, ‘ સુખી રહે…અને સર્વનું કલ્યાણ કર…! જય સ્વામિનારાયણ….!’ આજુબાજુ નજર કરી એમણે સુનિલભાઈને કહ્યું, ‘ સરસ જગા છે…! મોકાની…!’
‘હા…! હાઈવે એઈટી વેઇસ્ટ પર ઍક્ઝિટ ટ્વેન્ટી લેતાં પહેલાં  આપણી જ મોટેલ આવે…’ સુનિલભાઈએ સહેજ ગર્વથી કહ્યું, ‘આવો…! પધારો….!!’ મુખ્ય પ્રવેશદ્વાર તરફ એમણે ગુરુજીને દોર્યા.
ગુરુજી સહેજ અટક્યા. એમના શિષ્યો તરફ એક નજર કરી. શિષ્યો  અને દિનુ પણ કંઈ ગુસપુસ કરી રહ્યા હતા. પ્રવેશદ્વારની સામે જ મોટેલની વર્તુળાકાર રિસેપ્શન ડેસ્ક હતી.
‘ભાઈ…’ દિનુએ સુનિલભાઈની નજદીક જઈ કહ્યું, ‘મારિયા ડેસ્ક પર છે…!’ ડેસ્ક ક્લાર્ક મારિયા એની જગ્યાએ રજિસ્ટરમાં કંઈક નોંધી રહી હતી, ‘ગુરુજી અને સ્વામી, સાધુઓને સ્ત્રીના પડછાયો પણ વર્જ હોય છે…એઓ એનાથી દુર રહે…! એઓ બ્રહ્મચર્ય પાડે…! અખંડ બ્રહ્મચારી હોય છે…!!’
‘ઓહ…એમ વાત છે…!’ કહી સુનિલભાઈ ઝડપથી મોટેલમાં ગયા. મારિયા સાથે કંઈક વાતો કરી. એક ફોન કર્યો. પાંચેક મિનિટ બાદ મારિયા મોટેલમાં અંદરના રૂમમાં ગઈ ને મૅનેજર સ્કોટ ડેસ્ક પર આવીને ગોઠવાયો. એને થોડી સલાહ-સુચનો આપી  સુનિલભાઈ બહાર આવ્યા, ‘પ…ધા..રો…ગુરુજી…આવો…અંદર…!’
‘જય સ્વામિનારાયણ…’ ગુરુજીએ એમની ભગવી ચાદર શરીરે બરાબર વીંટાળી, ‘વિશાળ છે આપની મોટેલ તો આપના વિશાળ દિલની માફક જ…! કેટલા રૂમો છે?!’
‘આમ તો એકસો ત્રીસ છે. પણ ગેસ્ટ માટે આઈ મીન રેન્ટ માટે એકસો વીસ અવેલેઈબલ હોય છે! આમ તો આ વરસે એક્સ્ટેન્શનનું પ્લાનિંગ હતું. બીજા સિક્સટિ માટે પણ આપ તો જાણો છો ને આજકાલ ઈકોનોમી ડાઉન છે એટલે…!’
લૉબીમાં ગુરુજી અને સુનિલભાઈ ઝડપથી આગળ ચાલતા હતા. એમની પાછળ પાછળ બે શિષ્યો અને દિનુ એમને અનુસરતા હતા.
‘કેટલા દિવસ ડાઉન રહેશે?! આ ઓબામા આવ્યા છે.’ ગુરુજીએ હસીને કહ્યું, ‘ એમણે ઘણા પગલાંઓ લેવા માંડ્યા છે. હી વિલ સ્ટિમ્યુલેટ ધ ઈકોનોમી.  અમેરિકા પર આખી દુનિયાની નજર હોય છે. સારા દિવસો જરૂરથી આવશે. આશાવાદી બનો…! આશા અમર છે…! આશા અમૃત છે…!’
‘સાચી વાત…!’ સુનિલભાઈએ એમના રૂમના ડોરના પેડ પર ઈલેક્ટ્રોનિક કાર્ડ અડકાડ્યો ને દરવાજો ખોલી કહ્યું, ‘આમ તો પુરી મોટેલને આપના પગલાંઓથી પાવન કરવી હતી મારે પણ…’ સહેજ અચકાઈને એઓ બોલ્યા, ‘ગેસ્ટ…કસ્ટમર હોય એમાં વુમન હોય…અને…’
‘ડોન્ટ વરી…! આઈ કેન અન્ડરસ્ટેન્ડ…’ ગુરુજીએ મરકીને કહ્યું, ‘હું તો ના જ પાડતો હતો પણ દિનુએ કે’દીનું નક્કી કરેલ. બહુ સેવાભાવી છોકરો છે. આપના બહુ વખાણ કરતો હતો!!’ ગુરુજીએ દિવાલ પર લટકાવેલ દાદા સ્વામિના ફોટાને બે હાથ જોડી નમસ્કાર કર્યા, ‘લો…! આપને મારા આશીર્વાદની શી જરૂર છે? ખુદ દાદા સ્વામિ હાજરા હજૂર છે…! યુગપુરુષ….! દિવ્ય દૃષ્ટા…!’ ગુરુજીએ સોફા પર સ્થાન લીધું.
શિષ્યો સાથે દિનુ પણ હળવેકથી અંદર આવ્યો. એણે જમીન પર સૂઈને ગુરુજીને  સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા…! ગુરુજીએ સોફા પરથી ઊભા થઈને એને છાતી સરસો લગાડ્યો, ‘અરે…દિનુ તારું સ્થાન તો અહિં છે…!’ એમણે એમની છાતી પર હ્રદયની જગ્યાએ આંગળી લગાડી કહ્યું , ‘મારા દિલમાં…! ભલે તેં દીક્ષા નથી લીધી…પણ તારી ભક્તિ…ભાવના… દાસ્યાસક્તિ બેજોડ છે…ઉત્તમ છે… વત્સ, તારું કલ્યાણ થશે…તું સૌનું કલ્યાણ કર…!’
‘આપની આજ્ઞા સર આંખો પર…!’ દિનુની આંખ ભાવથી ભીની થઈ ગઈ. એ ગદગદિત થઈ ગયો, ‘આપે તો મને ડૂબતો બચાવ્યો છે…! આપ તો મારા માર્ગદર્શક…તારણહાર છો…! ઉદ્ધારક છો…’ રૂમની કાર્પેટ પર ગુરુજીની સાવ નજદીક બેસી દિનુ બે હાથો વડે ધીમે ધીમે ગુરુજીના પગો દબાવવા લાગ્યો.
પછી તો જાત જાતની વાતો થઈ.. સુનિલભાઈના કુટુંબ વિશે, મૂળ વતન, દેશપ્રેમ, પ્રગતિ…સંતાનો…સત્સંગ…સંસ્કાર…ધરમ…કરમ…મંદિર…શિક્ષાપત્રી…વચનામૃત…ભણતર…સેવા.. ગુરુજીએ થોડો ફળાહાર કર્યો.
‘આ મારા તરફથી આ ફૂલ નહિ તો ફૂલની પાંખડી.’ સુનિલભાઈએ એક બંધ ઍન્વેલપ ગુરુજીને આપતા કહ્યું, ‘હાલે તો વન થાઊઝન્ડ વન ડોલર છે…! આપ તો જાણો જ છો ઈકોનોમીક કન્ડિશન…!’ સુનિલભાઈએ ગુરુજીના ચરણસ્પર્શ કરતાં કહ્યું.
‘અ….રે…! સુનિલભાઈ…!’ ગુરુજીએ ઍન્વેલપ એમના શિષ્યોને આપતા કહ્યું, ‘ભા…ઈ, આપે તો અમારા માટે કંઈ કહેવાનું બાકી જ ન રાખ્યું. ધન્ય છે આપને. આપના જેવા સત્સંગીઓને કારણે જ આપણો ધર્મ પાંગરી રહ્યો છે. આપના જેવાને કારણે લાગે છે કે હજુ ય કળિયુગ નથી આવ્યો. સ્વામિનારાયણ ભગવાન અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રેયસ્થ ભવઃ!’ ગુરુજીએ બન્ને હાથો સુનિલભાઈના માથા પર થોડો સમય મૂકી રાખ્યા. સુનિલભાઈએ એક અજીબ પરમ શાંતિનો અનુભવ થયો.
‘ગુરુજી…!’ સાથે આવેલ એક શિષ્યે કહ્યું, ‘આપણે હવે નીકળવું જોઈએ…!આજે મંદિર માટે કાઉન્ટીના માણસો આવવાના છે. સેફ્ટી માટે. ફાયર માર્શલ..!એઓ આવે એ પહેલાં આપણે પહોંચવું પડશે.’
‘ઠીક યાદ અપાવ્યું સ્વામિ સત્યપ્રિયવદન!’ સુનિલભાઈ તરફ નિહાળી ગુરુજીએ કહ્યું, ‘અમે નીકળીશું. આપ આવો જ સમભાવ રાખશો…! અહિં વિશાળ વીસ એકરમાં ભવ્ય પંચ શિખરી મંદિર સર્જવાનું દાદા સ્વામિનું સ્વપ્ન છે! અને આપ તો જાણો જ છો કે એઓ જ્યારે પણ લે એ પૂર્ણ કરે જ છે…! અમે નીકળીશું!’ એમને સુચક નજરે એમના શિષ્યો અને પછી દિનુ તરફ જોયું. દિનુ તુરંત સમજી ગયો. એણે સુનિલભાઈને કહ્યું, ‘ભાઈ…! ડેસ્ક પર…મા…રિ…યા…!’
‘હા…!’ સુનિલભાઈ ઝડપથી રૂમની બહાર નીકળ્યા. પાંચેક મિનિટ બાદ આવ્યા, ‘ આવો ગુરુજી…રસ્તો ક્લિયર છે. કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો મહારાજ…! આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે એવી પ્રાર્થના છે.’
‘આશીર્વાદ તો ઉપર બેઠા હજાર હાથવાળાના લેવાના…!’ આકાશ તરફ આંગળી ઊચી કરી ગુરુજી ઊભા થયા, ‘એની કૃપા વિના પાંદડું પણ ન હલે…!આપણે તો…અમે તો નિમિત્તમાત્ર…! એમની સેવા..કરો..! જય સ્વામિનારાયણ…!’
દિનુ ફરી પગે લાગ્યો, ‘મહારાજ આપને મારા રૂમે લઈ જવા હતા પણ હવે સમય થઈ ગયો છે. એટલે બીજી વાર..!’
‘અવશ્ય…!દિનુ…!’ ગુરુજીએ દિનુને કહ્યું, ‘કામ બરાબર કરજે…! તું તો ભાગ્યશાળી છે કે સુનિલભાઈ જેવા પરોપકારી દાતાર તારા શેઠ છે.’
‘જી ગુરુજી…! એઓ અન્નદાતા છે તો આપ મન્નદાતા છો…! અંતઃકરણના અધિષ્ઠાતા છો.’
આશીર્વચન વરસાવી ગુરુજી અને શિષ્યો ગયા. દિનુ એના કામે લાગ્યો. એ દિવસ તો ઝડપથી પસાર થઈ ગયો. બીજા દિવસે રવિવાર હતો. લોન્ગ વિક એન્ડની રજાઓને કારણે મોટેલમાં ગરદી હતી. મારિયા આજે આવી ન હતી. મૅનેજર સ્કોટે મારિયાના ઘરે, એના સેલ ફોન પર ઘણી વાર રિંગ કરી. પણ કોઈ જવાબ ન મળતા સીધો મેઈલબોક્ષ જ મળતો હતો. એણે બધી જગ્યાએ મૅસેજ મૂક્યો. મારિયા લગભગ સાતેક વરસથી ડેસ્ક ક્લાર્ક તરીકે મોટેલમાં કામ કરતી હતી. બહુ જ નિયમિત રહેતી. કામગરી અને સૌની વિશ્વાસુ હતી.
‘બૉસ…!’ સ્કોટે ઇન્ટરકોમ પર સુનિલભાઈને રૂમ પર ફોન કર્યો, ‘મારિયા ઈસ નોટ ઈન…! આઈ નીડ હેલ્પ…!’
‘વ્હોટ હેપન્ડ ટુ હર…? આઈ એમ કમિંગ…!’ ઝડપથી તૈયાર થઈ સુનિલભાઈ મૅનેજર સ્કોટને મળ્યા. રિસેપ્શન પર ચાર પાંચ ગ્રાહકો લાઈનમાં ઊભા હતા. એમના બાળકો દોડધામ કરતા હતા એ ગ્રાહકોની સાથે સ્કોટ જરૂરી કાર્યવાહીમાં પરોવાયો હતો.
‘વ્હોટ હેપન્ડ ટુ મારિયા…?!!’ ડેસ્ક પાછળ જઈ સુનિલભાઈએ સ્કોટને મદદ કરવા માંડી, ‘ડીડ યુ કોલ હર…??!’
‘રૂમ નંબર થર્ટી ફોર…!’ સ્કોટે ગ્રાહકને ઈલેક્ટ્રોનિક કાર્ડ કી આપતા કહ્યું, ‘યસ કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ ઈસ સર્વડ્ ઈન લૉબી. હેવ એ નાઇસ ડે…’ ત્યારબાદ એણે સુનિલભાઈ તરફ ફરીને કહ્યું, ‘આઈ કોલ્ડ હર…મેની ટાઇમ્સ…! નો આન્સર…! આઈ નીડ હેલ્પ…! ઈટ લુક્સ લાઈક વિ વિલ બી બીઝિ ટુડે…!’
સુનિલભાઈએ પોતાના સેલ ફોન પરથી પણ મારિયાને મૅસેજ મૂક્યો. એક તો મંદીને કારણે એમણે દરેક મોટેલમાં માણસો ઓછા કરી દીધા હતા. જરૂર હોય એના કરતા અડધા જ માણસો કામ પર આવે એમાં આ મારિયાએ દિવસ ખાંડો કર્યો. આખો દિવસ એઓએ ડેસ્ક પર કામ કર્યું. વિચારીને એમણે દિનુને ડેસ્ક પર કામે લગાડ્યો. અન્ય મોટેલ પર રાત્રે જઈ આવી દિવસે ‘ડેઈઝ ઈન’ પર એમણે ખુદ ડેસ્ક સંભાળવી પડતી. પાંચ દિવસ પસાર થઈ ગયા. મારિયાના કોઈ સગડ નહોતા. આજે તો એમણે પોલીસને ઈન્ફોર્મ કરવાનું જ વિચાર્યું હતું. ટપાલી મેઈલ આપી ગયો સ્કોટ એનો થોકડી લઈ આવ્યો અને બે રજિસ્ટર્ડ પત્રો સુનિલભાઈના નામે હતા એ એણે સુનિલભાઈને આપ્યા, ‘બૉસ, ઈટ ઇસ ફોર યુ!!’
સુનિલભાઈએ એ એન્વલપ ખોલ્યા અને  હક્કા બક્કા જ રહી ગયા સુનિલભાઈ! એમને લાગ્યું કે એમને ચક્કર આવી રહ્યા છે. એમના દિલની ધડકનો વધી ગઈ…! દિલના ધબકારા કાનમાં સંભળાવા લાગ્યા…ધક…ધક…ધક…!એરકન્ડિશન વાતાવરણમાં પણ  એમને પરસેવો વળી ગયો.
એમની હાલત જોઈ સ્કોટને ચિંતા થઈ આવી, ‘બોસ…આર યુ ઓકે…?!!’
‘આઈ એમ ફાઇન…!’ સુનિલભાઈ એ બન્ને પત્રો લઈ હાંફતા હાંફતા ઝડપથી ઊભા થઈ એમના અંગત રૂમમાં જતા રહ્યા. હજુ ય એ માની શકતા નહોતા. એ બન્ને પત્રો નોટિસ હતી. એક લોયરની…! મારિયાના લોયરની…! મારિયાએ સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ ઠપકાર્યો હતો પાંચ મિલિયન ડોલરનો એમના પર…! જાતીય પ્રેરિત ભેદભાવાત્મક વલણ બદલ એમને કોર્ટમાં ઘસડ્યા હતા…! બીજી નોટિસ હતી યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના ઇન્સપેક્ટર જનરલની કાયદાભંગ બદલ…! ઓ..હ…! એમને લાગ્યું કે એમનું હ્રદય ધબકવાનું બંધ થઈ જશે. એમણે છાતી પર જોરથી હાથ ભીંસી દીધો…!
-આ મારિયાએ તો ભેખડે ભેરવી દીધો…! એઓ ઝડપથી વિચારવા લાગ્યાઃ ગુરુજી આવ્યા ત્યારે એમણે મારિયાને ડેસ્ક પરથી અંદરના ભાગમાં જવાનું કહેલ ત્યારે મારિયાએ સહેજ વિરોધ કરેલ, ‘વાય શુલ્ડ આઇ ગો ઈન સાઈડ…? આઈ એમ ફાઇન હિયર…!’
ત્યારે સુનિલભાઈએ સ્વભાવસહજ ગુસ્સાથી કહી દીધેલ, ‘જસ્ટ ગો ઈન સાઈડ…!’
ત્યારે મારિયાની આંખમાંનો આક્રોશ એઓ પારખી ન શકેલ!
-હવે? એમને પોતાની જાત પર ગુસ્સો આવ્યો…! હવે શું?
-પાંચ મિલિયન ડોલર…!
-આ તો ધરમ કરતા ધાડ પડી..! ગુસ્સાથી એમણે એમના ડોકે લટકતી કંઠી બળપૂર્વક ખેંચી તોડી નાંખી. કંઠીના ઝીણા ઝીણા મણકા કાર્પેટ પર વેરાય ગયા. રોષભરી નજરે સુનિલભાઈએ દિવાલ પર લટકતી દાદા સ્વામિની તસવીર તરફ જોયું.એ તસવીરમાં સ્વામિજી મરક મરક હસી રહ્યા હતા.  કંઈક વિચારી એ તસવીર ઉતારી બારી ખોલી બહાર ફેંકી દીધી સુનિલભાઈએ!!
-ઓહ…!
સાવ હતાશ થઈ એઓ પલંગ પર ફસડાય પડ્યા. કંઈક વિચારી એમણે મારિયાને ફોન કર્યો…! થોડી રિંગો બાદ મારિયાએ ફોન ઉપાડ્યો, ‘ડોન્ટ કોલ મી એવર પ્લીઝ..! કોલ માય લૉયર…’ એટલું કહી મારિયા ફોન કાપી નાંખ્યો…!
-હવે…! મારિયાને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. આટલા આટલા વરસથી કામ કરતી મારિયાએ સાવ મ્હોં ફેરવી દીધું! એક નરી શૂન્યતા છવાય ગઈ સુનિલભાઈના મનમાં. જાણે સળગતો કોયલો ઉપાડતા હોય એમ એમણે વારાફરતી બન્ને નોટિસ વાંચી. સ્થળ સમય પુરાવા સાથે મારિયાએ પોતાનો કેસ મજબૂત કરી દીધો હતો. કાયદાઓ જટિલ હતા. આમાં ક્યાં સ્ત્રીત્વનું અપમાન હતું? એમણે ક્યાં અપમાન કર્યું હતું? સહેજ વિચારી એમણે દિનુને પોતાના રૂમમાં મોકલવા માટે સ્કોટને કહ્યું. દિનુ આજે ડેસ્ક પર ફરજ બજાવી રહ્યો હતો. ડરતા ડરતા દિનુએ સુનિલભાઈના રૂમના દરવાજે બે ટકોરા માર્યાઃ હવે શું હશે…?
‘જય સ્વામિનારાયણ ભા…ઈ…! મને યાદ કર્યો?’
‘………………….!’ ક્રુધ્ધ નજરે સુનિલભાઈ દિનુએ થોડી ક્ષણો નિહાળતા રહ્યા. દિનુએ જોયું કે સુનિલભાઈના શર્ટના ઉપરના બટનો ખુલ્લા હતા. કદાચ તૂટી ગયા હતા. દિવાલ પર લટકતી તસવીર ગાયબ હતી. સુનિલભાઈ હાલ-બેહાલ હતા.
‘દિન્યા…!’ ઊંડો નિઃશ્વાસ નાંખી સુનિલભાઈ બોલ્યા, ‘આ તારા ગુરુજીએ તો ભેરવી દીધો મને…! બરબાદ કરી નાંખ્યો…!’
‘ગુ…રુ…ઉ…ઉ…જી….ઈ…ઈ…એ…??!!’ દિનુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એની આંખો પહોળી થઈ ગઈ.
‘કયા કાળ ચોઘડિયામાં પધરામણી કરી હતી એમની…!’ સુનિલભાઈ ગુસ્સેથી બોલતા હતા, ‘તારી વાતમાં હું આવી ગયો..ને..!’  એમણે ફરી એક નિસાસો નાંખ્યો.
‘પણ થયું શું?’ દિનુને સમજ ન પડી, ‘ગુરુજીએ…?’
‘તારા ગુરુજી અને એના ચેલકાઓ પર સ્ત્રીનો પડછાયો ન પડવો જોઈએ…!બરાબરને…?’
‘હા…! એઓ બાલ બ્રહ્મચારી…!’
‘બાલ બ્રહ્મચારીની તો….!’ સુનિલભાઈએ દિનુની વાત કાપી નાંખી એક ભદ્દી ગાળ દેતાં કહ્યું, ‘તારા ગુરુજીને કારણે મારિયાને મેં અંદર જવા કહેલું…!’
‘હા…!બરાબર…!’
‘એ મારિયાએ સ્યૂ કર્યો છે…મારા પર… સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો…! તારા ગુરુજીને લીધે એને એના સ્ત્રીત્વનું અપમાન થયેલ લાગ્યું એ સ્ટ્યૂપિડ બીચને…!’
‘શું વાત કરો છો ?!!’ દિનુનું મ્હોં પહોળું થઈ ગયું.
‘હા…જો…’ ગુસ્સેથી એમણે પેલી બે નોટિસોના કાગળિઆઓ દિનુના મ્હોં પર ફેંક્યા, ‘આ…જો…સાલીએ પાંચ મિલિયન ડોલરનો સ્યૂ ઠોક્યો છે મારા પર…! હવે કહે તારા અંતર્યામી ગુરુજીને કે બચાવે મને…! મને બરબાદ કરી નાંખ્યો તેં ને તારા ગુરુજીએ….!’ ગુસ્સાથી  કાંપતા હતા સુનિલભાઈ, ‘લગાવ તારા એ ગુરુઘંટાલને ફોન…!’ એમણે એમનો સેલ ફોન દિનુ પર ફેંક્યો જે દિનુએ ચપળતાથી ઝીલી લીધો, ‘લગાવ ફોન… એ…ને ને કહે કે બચાવે મને…!’
ધ્રૂજતા ધ્રૂજતા દિનુએ નંબર ડાયલ કર્યો. સામેથી રિંગ વાગતી રહી. કોઈએ ફોન ન ઊંચક્યો…! દિનુએ પ્રશ્નાર્થ નજરે સુનિલભાઈ તરફ જોયું.
‘મારું ડાચું શું જોઇ રહ્યો છે. મૅસેજ મુક એમને. મારે એમને મળવું છે. તારે પણ આવવું પડશે. સાંજે..આજે સાંજે જ…!’
દિનુએ ડરતા ડરતા મૅસેજ મૂક્યો.
‘અરે…દિન્યા…!’ સુનિલભાઈને એકદમ યાદ આવ્યું, ‘તને તો મારિયા સાથે સારું બને છે ને?!! સ..મ..જાવ…સમજાવ એ રાંડને…!!’
‘ચોક્કસ ભાઈ…!’ હું એને ફોન કરીશ…
‘ફોન પર તો એ કંઈ માને એમ નથી…! રૂબરૂ મળ…! પર્સનલી…!પર્સનલી…! એને કહે કે શા માટે મેં એને અંદર મોકલી હતી…!’
‘હા…ભાઈ હું સાંજે એને મળવા જઈશ…! મારે ટેક્સી લેવી પડશે.’ દિનુ પાસે કાર નહોતી.
‘લે…!’ સુનિલભાઈએ એને થોડા ડોલર આપતા કહ્યું, ‘જોઈએ તો હમણાં જ નીકળી જા. તને તો એના ઘરનું એડ્રેસ તો જાણ હશે ને!’
‘ના…! પણ એ તો આપણા એમ્પલોઈના ડેટાબેઇસમાં હશે એ સ્કોટ પાસેથી મેળવી લઈશ. તમે ફિકર ન કરો…!’
‘અ…રે…!!શું ફિકર ન કરો…! આ યુનાઈટેડ સ્ટેટ ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાળા કાયદાઓ બહુ ખરાબ હોય છે. અને એઓ કોઈનું સાંભળે નહિ!’
સાંજે દિનુ સાથે સુનિલભાઈ ગુરુજીને મળ્યા. ગુરુજીએ તો હાથ ઊંચા કરી દીધા. કહી દીધું કે કોર્ટ કચેરીના મામલામાં એઓ ન પડે. આ તો સુનિલભાઈના નિમંત્રણને માન આપી એઓ મોટેલ પર ગયેલ. હવે એમાં એમનો શો દોષ?
સુનિલભાઈની નિદ્રા વેરણ થઈ ગઈ. બ્લડ પ્રેશર વધી ગયું. બીજા દિવસે એઓ એમના વકીલને મળ્યા. મારિયાના લૉયરની નોટિસ અને ઈક્વલ એમ્પ્લોયમેન્ટ કમિશનના કાગળો લઈને. સુનિલભાઈએ એમના વકીલને કહ્યું કે એમણે જ મારિયાને અંદરના ભાગમાં જવા માટે કહેલ અને મારિયા વિરોધ કરેલ. વિચારણાઓ થઈ. ખુદ એમના વકીલે કહ્યું કે કેસ નબળો છે. છતાં અપીલમાં જવાનું નક્કી થયું. એક મહિના પછી કેસ ખૂલ્યો. સુનિલભાઈના કમનસીબે મહિલા ન્યાયાધિશ સાન્દ્રા ડિ’સોઝા પાસે કેસ ગયો. સ્ત્રી ન્યાયાધીશ…! સેક્સ બેઈઝ્ડ્ ડિસક્રિમિનેશનનો કેસ! ઓહ…! વળી મારિયા પાસે બે વિડિયો ટેઇપ હતી. જે એના લૉયરે કોર્ટમાં રજૂ કરી જેમાં સુનિલભાઈ મારિયાને બે-બે વાર અંદર જવા માટે આદેશ આપતા સ્પષ્ટ દેખાતા હતા અને મારિયાએ શાંત સ્વરે એનો વિરોધ નોંધાવેલ એ પણ સ્વયં સ્પષ્ટ હતું. આ વિડિયો મોટેલમાં જ મૂકેલ સિક્યુરીટિ કૅમેરા દ્વારા ટાઈમ અને તારીખ અને સમય સાથેની હતી એટલે કેસ એકદમ નબળો પડી ગયો!  આ ટેઈપ મારીયા પાસે કેવી રીતે આવી? સુનિલભાઈ વિચારતા રહ્યા. જ્યૂરીનો નિર્ણય પાંચ દિવસ બાદ આવવાનો હતો.
સુનિલભાઈની ઉંમરમાં જાણે દશ વરસનો વધારો થઈ ગયો હતો. સાવ હારી ગયા હતા એઓ. મારિયાને પૈસા આપવા સિવાય છૂટકો નહોતો. નહિતર મારિયા એમને જેલવાસની સજા થાય એ માટે દબાણ કરે…! જેલવાસ…કેદ…! ઓહ…!! એમના વકીલે સલાહ આપી કે હવે કોર્ટ બહાર કેસનો ઊકેલ આવે તો કંઈ રાહત થાય બાકી જડ્જ સાન્દ્રા ડિ’સોઝા અને જ્યૂરીના આદેશમાં કદાચ વધારે કડક સજા અને પૅનલ્ટી આવી પડે. જ્યૂરીમાં પણ સ્ત્રીઓની સંખ્યા વધારે હતી.
સુનિલભાઈના વકીલ મારિયાના લૉયરને મળ્યા અને કોર્ટ બહાર સુલેહ-સમાધાન કરવાનું નક્કી થયું. મારિયા માંડ તૈયાર થઈ. પણ એણે  પાંચ મિલિયન ડોલરથી એક પણ પૈસો ઘટાડવા માટે નન્નો ભણી દીધો. સુનિલભાઈને ડિપ્રેશનનો ભારે ઍટેક આવ્યો. એઓ સુનમુન થઈ ગયા હતા. એમને કોઈ વાતમાં રસ ન રહ્યો. મારિયાએ અને એના લૉયરે એક મહિનાની મુદત આપી. સુનિલભાઈના કુટુંબીજનો પણ ગમે તે રીતે મારિયાથી પીછો છોડાવવા માંગતા હતા. દરેક મોટેલના સુનિલભાઈ સોલ પ્રોપ્રાયટર હતા. જાત મહેનત કરીને એમણે સામ્રાજ્ય ખડું કર્યું હતું. એમણે બે મોટેલ વેચવા કાઢી…! ડાઉન ઈકોનોમીના કારણે ભાવ ઓછા આવતા હતા છતાં એમણે એ વેચી નાંખી તો મારિયાએ એક મિલિયન ડોલર ઓછા કર્યા.
જે દિવસે મારિયાને ચાર મિલિયન ડોલર આપવામાં આવ્યા એ દિવસે જ  બિચારા સુનિલભાઈને મેન્ટલ રિહેબમાં દાખલ કરવા પડ્યા. તો બીજી બાજુ બે ભાગ્યશાળી વ્યક્તિઓએ એમના નવજીવનનો શુભારંભ કર્યો. એ હતા દિનુ અને મારિયા! દિનુનાં ગુરુજીના ‘પધરામણી’ના બેજોડ આયોજને રંગ રાખ્યો હતો. રોડપતિ દિનુ મારિયાના પતિની સાથે સાથે કરોડપતિ બની ગયો હતો.  દિનુ અને મારિયાના લગ્ન થયા હતા અને  દિનુ અને મારિયાએ  બે મોટેલ ખરીદી હતી કે જે સુનિલભાઈએ વેચી હતી…પાણીના ભાવે!!
(સમાપ્ત)
સાભાર – સુરેશ કાક્લોતર

“કુંડાળું”

Standard

કુંડાળું

~ નટવર મહેતા

  નવસારી ગણદેવી રોડ પર આવેલ નવાગામના પાદરે ડૉક્ટર અવિનાશ અને ડૉ અવનિનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ રોજની જેમ આજેય પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ડૉક્ટર અવિનાશ અને અવનિ સાથે જ ભણતા અને તબિબીશાસ્ત્રનું ભણતા ભણતા બન્નેએ પ્રેમશાસ્ત્રના પાઠો ય પાકા કરી લીધા હતા. અવિનાશ સ્ત્રીરોગના નિષ્ણાત-ગાયનેકોલોજીસ્ટ તો અવનિ હતી રેડિઓલોજીસ્ટ. થોડા સમય નવસારીની વિવિધ હોસ્પિટલમાં બન્નેએ સેવાઓ આપી. ત્યારબાદ પોતાનું જ ફર્ટિલિટિ સેન્ટર સ્થાપવાનું વિચાર્યું. અવનિએ શહેરથી બહાર કુદરતી વાતાવરણમાં સાવ જ અનોખા  પ્રકારના કેન્દ્રની દરખાસ્ત મુકી ત્યારે અવિનાશને  થોડી શંકા થયેલ કે પેશન્ટ ત્યાં આવશે કે કેમ? પણ એને અવનિમાં વિશ્વાસ હતો. નવસારી ગણદેવી રોડ પર, નવસારીથી લગભગ પંદરેક કિલોમિટરે દશ એકરની વિશાળ જગ્યા પર આજે એમનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ દેશનું અગત્યનું સ્ત્રીરોગ નિવારણનું અને સંતાન વિહોણા સ્ત્રી-પુરૂષો માટેનું આશિર્વાદ આપનારું એક યાત્રાધામ બની ચુક્યું હતું. અત્યાધુનિક સારવાર માટે સર્વે પધ્ધતિ અને સાધનોથી સજ્જ એવા આ સેન્ટરની કેટલીય ખાસિયતો હતી. ડૉ. અવિનાશના માર્ગદર્શન હેઠળ ઈન્વિટ્રો, ટેસ્ટટ્યુબ બેબી વગેરેના સંશોધન માટે અત્યાધુનિક લૅબ હતી તો ડૉ. અવનિના ઈમેજીંગ સેન્ટરમાં સામાન્ય એક્ષરેથી માંડીને આધુનિક અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અને દરેક પ્રકારના એમઆરઆઈની  સુવિધાઓ હતી.
પ્રદુષણથી દુર એવા આ સંકુલમાં રોડની એક તરફ અવિનાશ-અવનિનો બંગલો હતો તો સામે સેન્ટરના વિશાળ મુખ્ય મકાનમાં બન્નેના વિભાગો સામસામે હતા અને  ફરતે વર્તુળાકારમાં પચ્ચીસ જેટલા રુમો એકબીજાથી અલગ હતા અને દરેક રૂમને ફરતે નાનકડો બગીચો એ રુમોને શોભાવતો. બધા રૂમમાં રોશની અને ગરમ પાણી માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવતો. આખા ય વિસ્તારમાં વિવિધ નાળિયેરી, આસોપાલવ, આંબા, ચીકુ વગેરે વૃક્ષોની વનરાજી પર પંખીઓ કલબલાટ કરતા રહેતા તો રુમમાં નવજાત શિશુઓના મીઠા રૂદનના ગુંજનો થતા રહેતા.
‘તો…દીકરા..માહી!’ ડૉ. અવિનાશે કેસ પેપરમાં નજર કરી એમની સામે બેઠેલ બાવિસેક વરસની છોકરી તરફ નિહાળી સહેજ હસીને કહ્યું, ‘એવરિથીંગ ઈસ ઓકે!’ ત્યારબાદ એની સાથે આવેલ સ્ત્રીને કહ્યું, ‘ફિકર-ચિંતાની કોઈ જરૂર નથી. હું થોડા વિટામિન અને એક બે ગોળીઓ લખી આપું છું. એ બરાબર લેજે. થોડું હિમોગ્લોબિન ઓછું છે. પાલક, બિટ,ગાજર વગેરેનો સેલાડ ખાજે. ને ખુશ રહેજે. આ ફાઈલમાં હવે પછીની તારી દરેક ટ્રીટમેન્ટની વિગત છે. તારે એક મહિના પછી ફરી ચેકઅપ માટે આવવાનું છે ત્યારે અલ્ટ્રાસાઉન્ડ કરીશું! તારી ડ્યુ ડેઈટ સપ્ટેમ્બર ૨૩ની આસપાસની રહેશે.’ ડો અવિનાશે કેઈસ ફાઈલમાં એમની નોંધ ટપકાવવામાં ધ્યાન પરોવ્યું ને એ ચમક્યા. સામે બેઠેલ માહી એનું રૂદન રોકવા વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. અને એમાં સફળ ન થતા એનો ડૂમો એક મંદ ડૂસકાંમાં પરાવર્તિત થયો. એઓ ગૂંચવાયા.
બરાબર એ જ સમયે અવનિએ ડૉ. અવિનાશના રૂમમાં પ્રવેશ કર્યો. જો કોઈ અવરોધ ન હોય તો સવારે દશ વાગ્યે બન્ને સાથે નાસ્તો કરતા. અવનિએ ડૉ. અવિનાશની રિવોલ્વવિંગ ચેરની બાજુમાં મુકેલ બીજી ચેર હળવેકથી ખસેડી સ્થાન લીધું અને ઈન્ટરકૉમનું રિસિવર ઉપાડી કહ્યું, ‘સુમિબેન, ચા-નાસ્તો લાવજો. બે ડિશ વધારે લાવશો.’
અવનિ પર નજર પડતા જ માહી નીચું જોઈ ગઈ. પરન્તુ, એની મૃગનયની આંખોમાંથી પડતા બે મોતીને એ ન જ રોકી શકી. અવનિએ અવિનાશ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. તો અવિનાશના ચહેરા પર પણ નર્યું આશ્ચર્ય નીતરતું હતું.
‘કે…એ…એમ રડે છે બેટા?’ અવિનાશે માહી તરફ લાગણીથી નિહાળી પુછ્યું, ‘કહ્યુંને ડરવાની  કોઈ જરૂર નથી!’
ઑટોમેટિક બંધ થઈ જતા બારણે ટકોરા મારી સર્વિંગ ટ્રોલી પર ચા-નાસ્તો લઈને સુમિબેને પ્રવેશ કર્યો. બન્ને પેશન્ટને મળતો જ નાસ્તો સવારે કરતા. અવનિએ સુમિબેનને ચાના મગ અને નાસ્તાની ડિશો ગોઠવવામાં મદદ કરી. આજે નાસ્તામાં ઉપમા હતો. એની એક ડિશ માહીને આપતા ડૉ અવિનાશ બોલ્યા, ‘પહેલાં પહેલાં હોય ડર લાગે…! પણ ડરવાથી શું થાય? હં…!ચાલ જો, અમારા મહારાજે આજે ઉપમા કેવો બનાવ્યો છે એ ચાખી જો..! અરે…!! એમણે તો ઉપમામાં કાજુ પણ નાંખ્યા લાગે છે…!’ ચમચી વડે ડિશમાંથી ઉપમા મ્હોંમાં મુકાતા અવિનાશે માહી સાથે આવેલ સ્ત્રીને કહ્યું, ‘ લો, બહેન તમે પણ…’
‘દાકતર સાહેબ…’ માહી સાથે આવેલ સ્ત્રીએ એના આંસું પર કાબુ રાખી કહ્યું, ‘સાહેબ, માહી મારી એકની એક દીકરી છે…!’ સહેજ અટકી ઊંડો શ્વાસ લઈને એ બોલી, ‘એને બાળક નથી જોઈતું. અમને બાળક નથી જોઈતું…! એનો પગ કુંડાળામાં પડેલ છે.’ માહી તો હવે ધ્રૂસકે ધ્રૂસકે રડવા જ લાગી હતી!
‘તો…?’ અવિનાશે ધીમા અવાજે કહ્યું, ‘એમાં હું શું મદદ કરી શકું?’
‘સાહેબ, તમે એનો ભાર ઓછો કરી દો…!’ પાલવ વડે આંખો સાફ કરતા માહીની મા બોલી!
‘જુઓ બહેન..! આ મારૂં સેન્ટર કંઈ ગર્ભપાત કેન્દ્ર નથી! અહિં સંતાન વિહોણા લોકો માબાપ બનીને જાય છે.’
‘અમને ખબર છે. પણ અમને તમારા સિવાય બીજા ડૉક્ટર પર વિશ્વાસ નથી. તમારી દીકરી જેવી છે માહી…!’
ડૉ. અવિનાશની નજર એમના ડેસ્ક પર મુકેલ ફ્રેમ પર પડી. એમાં એક તસવીર હતી. એમની દીકરીની…વ્હાલસોયી મેઘાની…! ખળખળ વહેતા ઝરણાં જેવું હસતી મેઘાની…! પંખીની જેમ ફર..ર..ર કરતી ઊડી ગઈ હતી એ ક્યાંક દુર દુર ને રહી ગઈ હતી એની યાદોના સંભારણાના રૂપે…પુરાઈ ગઈ હતી હવે તો બસ એક તસવીર બની જે ફ્રેમમાં..જીવન  જાણે વિતી રહ્યું હતું એ કદી ફરી આવશે એ વ્હેમમાં…!!
ત્યારે સેન્ટરના મકાન  તૈયાર થઇ ગયું હતું અને નવા નવા જ રહેવા આવેલ. મેઘા બહુ જ ઉત્સાહિત હતી. હાયર સેકન્ડરીમાં હતી મેઘા. વિદ્યાકુંજમાં એ ભણતી. સેન્ટરમાં એકથી દશમાં તો આવશે એવી એને ખાતરી હતી.
‘પ..પ્પા..’ મેઘા હંમેશ કહેતી, ‘મારે તમારી બન્નેની જેમ ડૉક્ટર નથી બનવું. હું તો ઍસ્ટ્રોનટ બનીશ. નાસાએ મારો એસે પણ સિલેક્ટ કરેલ છે ને એ જ નાસા મને સ્પેશ શટલમાં લઈ જશે!!  હું તો ઊડી ને જઈશ અવકાશમાં…!’ નાસાએ મોકલાવેલ સર્ટિફીકેટ એના રૂમની દીવાલ પર મધ્યમાં એણે ટાંગેલ.
એ દિવસે અવિનાશને હોસ્પિટલમાં કોઈ  ઈમરજન્સી હતી તો અવનિ એની એપોઇન્ટમેન્ટસ્ કેન્સલ કરી શકે એમ ન્હોતી! ડ્રાઇવર સોમાભાઈ આવ્યો ન્હોતો. મેઘાએ સ્કૂલે જવાનું હતું.
‘પ..પ્પા…’ મેઘાએ ફોન કર્યો, ‘સોમાકાકા માંદા છે. નથી આવવાના. હું સ્કૂલે સ્કૂટી લઈ જાઉં?’
‘હા…’ અવિનાશે એકાક્ષરી જવાબ આપી ફોન કાપી નાંખ્યો. બસ…! આ જ છેલ્લી વાત થઈ હતી મેઘા સાથે. અંબિકા નદીમાંથી રેતી લઈ જતી કાળમુખી ટ્રકે મેઘાને અડફેટે લઈ લીધી હતી. અવિનાશ અને અવનિને જ્યારે જાણ થઈ ત્યારે બન્નેના પર જાણે દુઃખનો પહાડ તુટ્યો…! વરસો લાગી ગયા હતા એ આઘાતને પચાવતા. સ્પેશ શટલ વિના જ મેઘા અવકાશમાં પહોંચી ગઈ હતી અને એક શૂન્યવકાશ છવાય ગયો હતો અવિનાશના જીવનમાં…! એક ખાલીપો પાંગરી રહ્યો હતો અવનિના બાગ બાગ થઈ રહેલા જીવનમાં…! બન્નેએ પોતાનું સર્વ ધ્યાન એમના આરોગ્યધામમાં પરોવ્યું. તબીબી ઉદ્યોગ તરીકે વિકસાવેલ એ કેન્દ્ર હવે એક સેવાસદન બની ગયું હતું. ક્યારેક તો એક પણ પૈસો લીધા વિના બન્ને પોતાની સેવા આપતા. આહવા,વઘઈ, વાંસદા, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં એમણે આરોગ્ય કેમ્પ કરવા માંડ્યા. મેઘા એમને ગુરુવારે છોડી ગઈ હતી અને દર ગુરૂવારે એમના કેન્દ્ર પર જરૂરિયાત હોય એવા દર્દીઓની સાવ મફત સેવા સારવાર કરવામાં આવતી. મેઘાની મધુરી યાદમાં. મેઘા એમનાથી ક્યારે અલગ થઈ જ ક્યાં હતી?
અવિનાશે મેઘાની તસવીર પરથી માંડ નજર હઠાવી માહી તરફ પ્રેમથી નિહાળ્યું: મેઘા માહી જેવડી જ હોત…! રડી રડીને માહીની આંખોમાં ગુલાલ અંજાય ગયો હતો. એના મંદ મંદ ડૂસકાં જાણે અટકવાનું નામ લેતા ન્હોતા. હળવેકથી અવનિ ઊભી થઈ. રૂમમાં મુકેલ રેફ્રિજરેટરમાંથી મિનરલ વૉટરની બોટલ કાઢી ગ્લાસમાં પાણી ભરી એણે માહીને આપ્યું. એક ઘૂંટમાં માહી ગ્લાસ ખાલી કરી ગઈ. થોડા સમય માટે એક ખામોશી છવાય ગઈ એ રૂમમાં. ત્યાં જ આમ્રકૂંજમાં સંતાયેલ કોયલે મીઠો ટહૂકો કર્યોઃ કૂ…ઊ…ઊ…ઊ…
‘દાક્તર સાહેબ…!પ્લી..ઈ…સ…!! મારી માહીને…’ માહીની માએ વિનવણી કરતા કહ્યું.
‘માહી…!’ અત્યાર સુધી મૌન રહેલ અવનિએ માહી તરફ જોઈ કહ્યું, ‘શા માટે તારે આ બાળક નથી જોઈતું?! મજા તેં કરી અને એમાં આવનારા બાળકનો શો દોષ?!’
‘મેં કંઈ મજા નથી કરી…!મેં કોઈ મજા નથી કરી…!!’ સહેજ આક્રોશથી માહી બોલી.
અંદર અંદર કોઈ પીડા દબાવતી હોય એમ માહીએ રતુમડી થયેલ આંખો હળવેકથી બંધ કરી. એ દિવસે વરસનો છેલ્લો દિવસ હતો. એકત્રીસમી ડિસેમ્બર…! એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હૉસ્ટેલના એના રૂમમાં એ સવારથી વાંચી રહી હતી. કમ્પ્યુટર સાયન્સનું એનું છેલ્લું સેમિસ્ટર હતું. કૉલેજના છેલ્લા છેલ્લા છબિલા દિવસો…! જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં જ સેમિસ્ટર એન્ડ ઍક્ઝામ હોય ક્રિસમસ વેકેશન હોવા છતાં ય એણે ઘરે જવાનું ટાળ્યું હતું જેથી પરીક્ષાની બરાબર તૈયારી કરી શકાય! સવારથી એક ને એક વિષયનું વાંચીને હવે એને થોડો કંટાળો પણ આવવા લાગ્યો હતો. એણે એના એલાર્મ પર નજર કરી. સાંજના સાડા સાત વાગ્યા હતા. એણે એક આળસ ખાધી. ત્યાં જ એના રૂમનું બારણું ખોલીને ઉષ્મા ધસી આવી. ઉષ્મા એની બહેનપણી હતી. ઉષ્મા ફાઈન આર્ટસના  છઠ્ઠા સેમિસ્ટરમાં હતી. એણે ઘુંટણ પાસેથી ફાટેલું તંગ જિન્સ પહેરલું હતું અને એના પર ચપોચપ જિન્સનું જેકેટ ચઢાવ્યું હતું.
‘શું પ્રોગ્રામ છે આજની નાઈટનો…?!’ ઉષ્માએ માહીના હાથમાંથી પુસ્તક ખેંચી લઈ એના નટખટ નયનો નચાવતા પુછ્યું.
‘વાંચવાનું…વાંચવાનું…અને બસ વાંચવાનું…!’ હસીને માહી બોલી, ‘તારે શું ?! તું તો નવરી થઈ ગયેલ…! મારી તો એક ઍક્ઝામ બાકી છે ને બેનરજી સર તો બહુ ટફ છે…! તારે તો જે પ્રોગ્રામ બનાવવો હોય તે તું બનાવી શકે…! લકી યુ…!’
‘આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ…!’ એના ખાદીના બગલથેલામાંથી પર્સ કાઢી એમાંથી બે ટિકીટ કાઢી હવામાં ફરફરાવતા ઉષ્મા બોલી, ‘વ્હોટ ઈસ ધીસ…? ગેસ…!’
‘આઈ ડોન્ટ નો…!’ માહીએ રસ ન બતાવ્યો.
‘ઈટ્સ ઈસ અ એન્ટ્રી ઓફ ટુ પરસન્સ્ ફોર એ પાર્ટી ટુ નાઈટ…! એમ ને એમ તે કંઈ આજની રાત થોડી જ વિતાવાય?!  લાસ્ટ ડે ઓફ ધ યર…! આખી દુનિયા ધમાલ મચાવે તો…આપણે કંઈ એમને એમ રૂમમાં પુરાઈ રહીયે…?!ગેટ રેડી…! હોટેલ એક્ષપ્રેસમાં આજે આપણે ધમાલ મચાવવાની છે…! લેટ્સ પાર્ટી ટુ નાઈટ…!’
‘ના..! તું તારે જેટલી ધમાલ મચાવવાની હોય એટલી મચાવ અને  જેટલી કમાલ કરવી  હોય એટલી કર..! મને તો એમાંથી દુર જ રાખજે…!’
‘બસ…એટલી જ આપણી દોસ્તીને? એમ કે?? એમ કે..?!’  રિસાવાનો અભિનય કરતા ઉષ્મા બોલી, ‘ તું આવશે એમ કરીને તો મેં જેમતેમ કરીને બે એન્ટ્રી મેળવી. પાર્ટી એકદમ પેક છે. મુંબઈનો ડીજે ને ટ્રુપ આવવાનું છે સાથે છે કોયના મિત્રા..સેક્સી સિઝલીંગ કોયના!! જે કદી ન થાઈ કોઈની મિત્ર…! ને તું યા..યા..ર…!! છેક જ આમ પાણીમાં બેસી પડે એ કંઈ ચાલે…??કમ ઓન…! માહી…!’
‘કેટલાની પડી તને એન્ટ્રી…!’
‘પાંચ હજારનો એક પાસ છે…! પણ એવરિથિંગ ઓન મિ…!ઈટ્સ માય ટ્રિટ…!’ હસીને ઉષ્મા બોલી, ‘…તારે તો એક કાણી પાઈ નથી આપવાની…! સમજી…!’ એણે માહીનું નાક પકડી મચકોડ્યું, ‘લાસ્ટ ચાન્સ ટુ સેલિબ્રેટ ટુગેધર વિથ ફ્રેન્ડસ્…પછી તો કોન જાને તુમ કહાં હમ કહાં…બિચમેં હોગી બસ મિલો દુરિયાં…!’
‘એટલા પૈસા તારી પાસે આજે આવ્યા ક્યાંથી…?’ માહીએ એનું નાક છોડાવતા હસીને પૂછ્યું.
‘તારે બધી જ પંચાત મારી મા…! આટલા સવાલ તો મારી મમ્મી પણ ન કરે…!’ સહેજ ચીઢાયને ઉષ્મા બોલી, ‘તને તો ખબર છે ને મારા કેટલાય ક્લાયંટ્સ છે. એકની ઘરે એના ઈન્ટિરિયર સાથે મેચ થાય એવાં ચાર કેનવાસ મેં બનાવેલ…! એ એને બહુ જ ગમી ગયા…! એની આ ઈવેન્ટ મેનેજર સાથે બેઠક એટલે એણે મને બે એન્ટ્રી પાસ મેળવી આપ્યા…! ફ્રી…! હવે પાડા પંચાત બંધ કર ને.. ચાલ, જલ્દી જલ્દી ચેઇન્જ કર…! ને જોજે, પાછી ચૂડીદાર ન ચઢાવતી…! વિ આર ગોઈંગ ટુ સેલિબ્રેટ થર્ટી ફર્સ્ટ નાઈટ…! નોટ એ ગરબા…!’ માહીના કબાટમાંથી કાળા કલરનું જીન્સ કાઢી એને મેચ થાય એવું કાળા કલરનું જ સિલ્વર એમ્બ્રોડરી કરેલ ટીશર્ટ શોધી એણે માહી પર ફેંક્યું, ‘યુ આર લુકિંગ ગોર્જિયસ ઇન ધીસ બ્લેક એન્ડ બ્લેક…!’
‘મારી ઍક્ઝામ …!’
‘તારી ઍક્ઝામ ગઈ ભાડમાં…!!’ અંગ્રેજીમાં એક ગાળ બોલી ઉષ્માએ માહીને બળપુર્વક ઉભી કરી નાંખી, ‘…અ…ને મને ખબર છે…તારા ઈન્ટરનલ એટલાં છે કે તું આ એક ઍક્ઝામ ન આપે ને તો પણ બબૂચક બેનરજીનો બચ્ચો તારૂં કંઈ બગાડી નથી શકવાનો…!’
પછી તો માહી કાળજીપુર્વક તૈયાર થઈ. સહેજ લાંબા ગૌર ચહેરા પરના મૃગનયની નયનો પર આકાશી આઈ શેડો, પાછળ ખેંચીને બાંધેલ સીધા, લીસ્સા વાળની પોનિટેઇલ અને ભરાઉદાર ઓષ્ઠો પર આછા ગુલાબી રંગની લિપસ્ટીકને કારણે એનું સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું. શ્યામ રંગના વસ્ત્રોને કારણે એની ત્વચા હોય એના કરતાં વધુ શ્વેત-ગુલાબી લાગી રહી હતી, ઊજળી લાગી રહી હતી. તૈયાર થયા બાદ એણે ઉષ્મા તરફ એક પ્રશ્નાર્થભરી નજર કરી.
‘ યુ લુક સ્ટનિંગ…!’ હસીને ઉષ્મા બોલી, ‘મારૂં ચાલે તો તને કાચીને કાચી ખાઈ જાઉં…!’ હવામાં બાચકા ભરવાનો અભિનય કરતાં એ બોલી.
‘બેસ બેસ ચાંપલી…! નીકળીશું હવે કે પછી  મારી સાથે તારે અહિં જ નાઈટ સેલિબ્રેટ કરવી છે…?!’ હસીને માહી બોલી. એનો સેલ ફોન અને નાનકડું પર્સ એણે ઉષ્માને આપ્યું જે ઉષ્માએ એના બગલથેલામાં સરકાવ્યું.
ઉષ્માના કાયનેટિક હોંડા પાછળ માહી ગોઠવાઈ. થોડા સમયમાં તો એઓ અલકાપુરી ખાતે હોટલ એક્ષપ્રેસ રેસિડન્સી પર આવી પહોંચ્યા. વાતાવરણમાં મીઠી ઠંડી હતી તો ય આ વરસે શિયાળો એટલો આકરો નહોતો. માહી માટે આ નવું નવું જ હતું. હોટલમાં એક મોટા હૉલમાં બન્ને દાખલ થયા. રિસેપ્સસન કાઉન્ટર પર ઉષ્માએ પાસ બતાવ્યા ને બગથેલો સોંપ્યો. સો-સવાસો માણસોથી હોલ ઉભરાય ગયો હતો. એક બાજુ જુદા જુદા ટેબલ પર વિવિધ વાનગીઓનો રસથાળ નયનરમ્ય રીતે ગોઠવેલ હતો. તો થોડા ઘોંઘાટિયા સંગીતના સથવારે કેટલાક યુવક યુવતિઓ ડાન્સ ફ્લોર પર ઝૂમી રહ્યા હતા અને રોશનીના ચમકારા થઈ રહ્યા હતા. થોડી અચંબિત થઈ માહી આ બધું જોઈ જ રહી.
‘હાય…!’ ચાર યુવકો એમના તરફ આવ્યા, ‘હાઈ ઉષ્મા…! હાય…!’
‘સો…ગેંગ ઈસ ઓલરેડી હિયર…!’ હસીને ઉષ્મા બોલી. ઉષ્માના ગાલ પર એઓએ એમના ગાલ વારાફરતી ચાંપ્યા તો માહી સાથે એમણે હાથ મેળવ્યા. એમાંના ત્રણને તો માહી થોડા ઓળખતી પણ હતી કારણ કે, એઓ પણ એમ એસમાં જ ભણતા હતા. એક તો હતો મનિષ મલ્હોત્રા જે ઉષ્મા સાથે ફાઈન આર્ટ્સનું જ કરતો હતો, બીજો હતો ફરહાન અખ્તર જે માહીના જ ક્લાસમાં હતો ને ત્રીજો હતો નવીન પ્રભાકર…એ સાયકોલોજી ફેકલ્ટીમાં હતો. અન્ય યુવકને માહી ઓળખતી નહોતી. એ માહી તરફ તાકી તાકીને જોઈ રહ્યો હતો અને એ કારણે માહીને થોડો સંકોચ પણ થયો.
‘લુક, હુ ઈસ હિયર…!’ માહી તરફ ઈશારો કરી ઉષ્માએ નાનકડી ચીસ પાડી, ‘માહી…ઈ…ઈ…ઈ..!’
‘કમો…ઓ…ન…એવરીબડી…’ માહી જરા શરમાઈ ગઈ.
નવીને ઉષ્માને પીણાનો ગ્લાસ પકડાવ્યો. તો ફરહાને માહીને ગ્લાસ આપ્યો ને હસીને  કહ્યું, ‘લેમોનેડ્સ છે!’
‘ચાલો, પહેલાં થોડી પેટપુજા કરીએ…’ માહી બફેના ટેબલ પાસે ગઈ. એક ડિશ એણે માહીને આપી અને બીજી ડિશ પોતાના હાથમાં લઈ ધીમેથી માહીને કહ્યું, ‘ બરાબર ખાજે…! અહિંના પકોડા બહુ ટેસ્ટી હોય છે…!’ સર્વિંગ ફોર્ક વડે પકોડા ઉપાડી માહીની ડિશમાં મુકતા એ બોલી, ‘વા…ઉ…ચિઝ પકોડા! માય ફેવરીટ…! યોર ફેવરીટ…!!’
સહુએ થોડું થોડું ખાધું.
ડીજે સહુને ડાન્સ ફ્લોર પર બોલાવી રહ્યો હતોઃ ઓલ કૂલ ગર્લ પુટસ્    યોર હેન્ડસ્ અપ એન્ડ સે ઓમ…શાંતિ…ઓ…ઓ…મ…!
લેસર લાઈટસ્ ના ઝબકારા પણ સહુને આમંત્રણ આપી રહ્યા હતા. ઉષ્મા કમર લચકાવતા લચકાવતા માહીને ખેંચીને ડાન્સ ફ્લોર પર ખેંચી ગઈ. માહીનો સંકોચ પણ ઓછો થઈ ગયો. સંગીતના સથવારે એ પણ એની કમનિય કાયાને નૃત્યના હિલોળા આપવા લાગી. હાથો હવામાં હલાવી એ પણ નાચવા લાગીઃ ઓમ…શાંતિ…ઓ…ઓ…મ…!!
સંગીતની લય બદાલતી રહી. લેમોનેડ, જ્યૂસના ગ્લાસ ખાલી થતા રહ્યા. માહીને મજા પડી રહી હતી! જાણે એ હવામાં ઊડી રહી હતી. સાવ હળવી થઈ ગઈ હતી માહી! એના પગ જાણે ધરતી પર ટકતા નહોતા. એના તનબદનમાં હજારો પંતગિયા પાંખ ફફડાવી રહ્યા હતા. એ ખુદ પરી બની ગઈ હતીઃ પરી હું મૈં….! એને ગાવાનું મન થતું હતું!! એની આજુબાજુ રૂના ગોટા જેવા સફેદ વાદળો ઊડી રહ્યા હતા…! અને હાથ હલાવી એ એને સ્પર્શી રહી હતી. એ ફોગર મશીનની કમાલ હતી. રાત રંગીન બનાવવા ડીજેએ ફોગર મશીનથી ડાન્સ ફ્લોર પર ધુમ્મસ ફેલાવી દીધું હતું.
‘યુ લુક સો સેક્સી…!’ માહીને ચીપકીને નાચી રહેલ ફરહાને માહીના કાનમાં મોટ્ટેથી કહ્યું. કૉલેજની લોબીમાં જેને જોઈ માહી મ્હોં ફેરવી લેતી હતી એ ફરહાનના ખભા પર બન્ને હાથો મુકી માહી નૃત્ય કરી રહી હતી અને એની આજુબાજુ નાચતા નાચતા નવીન, મનિષ અને ઉષ્મા એને બહેલાવી રહ્યા હતાઃ ગો માહી…ગો માહી…! મનિષ તો માહીને કમરમાંથી પકડી એને હલાવી રહ્યો હતો!! માહી પણ હસી હસીને મોટ્ટેથી ગાવા લાગીઃ આઈ એમ ફ્લાઈંગ…અપ ઈન ધ સ્કાય…હાઈ હાઈ…હાઈ…અપ ઈન ધ સ્કાય…! એનો પોતાના પર કોઈ કાબુ રહ્યો નહોતો. એની આસપાસ અસંખ્ય તારલાઓ ટમટમી રહ્યા હતા. તો એક તરફ આકાશ મેઘધનુષી રંગોથી રંગાઈ ગયું હતું! તો ક્યારેક ક્યારેક કડાકા મારતી વિજળી પણ ઝબકી જતી હતી. અલૌકિક દુનિયામાં વિહરતી હતી માહી…!
-ટેન…નાઈન…એઈટ…ડીજેએ ઊંધી ગણતરી ચાલુ કરી દીધી…! વરસની છેલ્લી છેલ્લી પળો ગણાય રહી હતી…!
‘આજા આજા દિલ નિચોડે…!!’
-સિક્સ…!!
‘રાતકી મટકી ફોડે….!!’
-થ્રી…!!
‘ઢેન…ટેણણણ… ટેણણણ…!!’
ડાન્સિંગ ફ્લોર પર, હોલમાં થોડીક ક્ષણો સાવ અંધારૂં થઈ ગયું…! ત્યારબાદ, ધૂમધડાકા સાથે હોલ ફરી જળહળી ઊઠ્યો. ડીજે એ મોટ્ટેથી બુમ પાડીઃ ‘હે…પ્પી…ન્યૂ…ય…ર…!’
નવા વરસની શરૂઆત થઈ ગઈ હતી…!
‘હે…પ્પી… ન્યૂ…ઉ…ય…ય…ર…!’ કહીને ઉષ્માએ માહીને ગ્લાસ પકડાવી દીધો. માહી એ ગટગટાવી ગઈ.
‘આઈ…લવ…યુ…ઊ…!! ઉ…ઉ…સ…મા…!!’ ઉષ્મા પર માહી ઢળી પડી.
માહીએ ધીરેથી આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો. એની પાપણો પર મણ મણના વજનિયા લટકી રહ્યા હોય એમ એને લાગ્યું. યુગોથી ઊંઘી રહી હોય એવું મહેસુસ કર્યું માહીએ!! એણે હળવેકથી પડખું ફર્યું. એના શરીરમાં કળતર થઈ આવ્યું. એણે ઊંહકારો ભર્યોઃ ઓ…હ…! બળતરા થતી આંખો એણે હળવેકથી ખોલી. એને સમજ ન પડી કે એ ક્યાં છે?!
–એ આ મુલાયમ પથારીમાં કેમ સુતેલ હતી?! એને ધીરે ધીરે ભાન આવ્યું! એ એકદમ ઝબકી ગઈ. એક આંચકામાં એ બેઠી થઈ ગઈ. એના પર પથરાયેલ ગુલાબી ચાદર સરકી ગઈ…! એના દેહ પર એક પણ વસ્ત્ર નહોતું…! એણે ડરીને આજુબાજુ નજર કરી. એના શ્વાસોશ્વાસ તેજ થયા. એના કપડા અને આંતરવસ્ત્રો સાઈડ ડેસ્ક પડ્યા હતા એ ખેંચીને એણે ઝડપથી પહેર્યા. એને ખ્યાલ આવ્યો કે હોટલના રૂમમાં હતી. તકિયા પાસે એનો મોબાઇલ અને નાનકડું પર્સ પડ્યું હતું તે લઈ એણે ધીરેથી રૂમનો દરવાજો ખોલ્યો. બહાર રૂમના નૉબ પર ડુ નોટ ડિસ્ટર્બની સાઈન લટકી રહી હતી. હોટલની લૉબી સુમસામ હતી. લગભગ દોડતી બે દાદર ઉતરી મુખ્ય પ્રવેશદ્વારમાંથી માહી બહાર નીકળી. આજુબાજુ જોયું. એક રીક્ષા થોડે દુર ઊભી હતી. દોડીને એમાં બેસી ગઈઃ ગર્લ્સ હૉસ્ટેલ…! રીક્ષામાં બેઠા બેઠા આંખો બંધ કરી માહી વિચારવાનો પ્રયત્ન કરી રહી હતી.
‘બહેન…!’ રીક્ષાવાળાએ એને મોટ્ટેથી કહ્યું, ‘હૉસ્ટેલ આવી ગઈ…!’
‘ઓ…હ…!’ રીક્ષામાંથી ઊતરી માહી રીક્ષાવાળાને પચાસની નોટ પકડાવી ને હૉસ્ટેલ તરફ દોટ મુકી. રીક્ષાવાળો પાછળ બુમ પાડતો જ રહી ગયો, ‘ઓ..ઓ…!બે..એ..એ..ન તમારા… પૈસા…!’
એના રૂમમાં દાખલ થતાની સાથે જ પોક મુકીને માહી રડી પડીઃ ઓ…ઓ…ઓ…! એનું સર્વસ્વ લુંટાઈ ગયું હતું…! રડતા રડતા અશ્રુભર્યા નયને બારણા પાછળ લગાવેલ આદમકદ અરીસામાં પોતાની જાતને એણે નિહાળી. એના નીચલો હોઠ સુજી ગયો હતો. એ હોઠ પર લોહીનો ટસિયો ફૂટી નીકળ્યો હતો. જમણા ગાલ પર સફેદ રેલો સુકાઈને તડતડી રહ્યો હતો. એ ધ્રૂજી રહી હતી. એના શરીરમાંથી ભયંકર દુર્ગંધ આવતી હોય એવું એને લાગ્યું. મ્હોં સાવ બેસ્વાદ થઈ ગયું હતું! પોતાને એ ઓળખી જ ન શકી…! આયનો જાણે એને પુછતો હતોઃ કોણ છે તું?? તું છે કોણ?? એના શરીરમાંથી એક હળવું લખલખું પસાર થઈ ગયું…! ઓ…ઓ…ઓ…! પોતાના પ્રતિબિંબને ભેટીને એ જોર જોરથી આક્રંદ કરવા લાગીઃ ઓ…ઓ…ઓ…! એક ઊબકો આવ્યો એને…! ટુવાલ લઈ કૉરીડોરમાં કોમન બાથરૂમ તરફ એ દોડી. શાવર ચાલુ કરી એ સવસ્ત્ર શાવર નીચે ઊભી રહી ગઈ…! ઠંડા પાણીને કારણે બદનમાં સળગી રહેલ જ્વાળા શાંત થઈ જશે એવું માનીને…! કંઈક વિચારી એણે ભીના વસ્ત્રો જલ્દી જલ્દી કાઢી નાંખ્યા. એનું બદન જાણે ખુબ મેલું થઈ ગયું હોય એમ એને લાગતું હતું. બાથરૂમમાં સંતાડી રાખેલ સાબુ શોધી એણે એના શરીર પર જોર જોરથી ઘસવા માંડ્યો. એના સુકોમળ અંગો પર જાંબલી રંગના ચાંઠાઓ ઉપસી આવ્યા હતા. એ ડાઘા પર વારંવાર સાબુ લગાવી એને મિટાવવાની કોશિષ કરવા લાગી. એણે એના શરીરને સ્વચ્છ કરી નાંખવું હતું. છેક અંદરથી…!  ઊબકા આવતા હતા પણ ઊલટી થતી નહોતી. એણે ખૂબ પાણી પીધું…! મ્હોમાં આંગળાં નાખી એણે જોર જોરથી ઊલટીઓ કરવા માંડી. ન જાણે ક્યાં સુધી એ નહાતી રહી. ટુવાલ વિંટી ધ્રૂજતી ધ્રૂજતી એ બાથરૂમની બહાર આવી. ક્રિસમસ વેકેશન હોય હૉસ્ટેલ લગભગ ખાલી હતી.
પહેલી તારીખની સાંજ પડી ગઈ હતી. માહીને ચક્કર આવી રહ્યા હતા. ઠંડીને કારણે એના દાંત કડકડાટી બોલાવતા હતા. રૂમમાં આવી એણે એનો મોબાઈલ ફોન શોધ્યો. એની બેટરી ઊતરી ગઈ હતી. એ ચાર્જ કરવા મુક્યો.
હવે?
માહી ધ્રૂસકા ભરતી હતી. એની આંખો છલકાય જતી હતી.સાવ હતાશ થઈ કોકડું વળી એ સુઈ ગઈ. એનું શરીર જાણે ભિંસાઈ રહ્યું હતું. માથામાં સણકા મારતા હતા. છાતીમાં પીડા થતી હતી. ફોન થોડો ચાર્જ થઈ ગયો એટલે તરત એની રિંગ વાગી. રિંગટોન પરથી એને ખ્યાલ આવ્યો કે ઘરેથી ફોન હતો.
‘હ…લ્લો…ઓ…!’ એણે ધીમેથી કહ્યું.
‘હલ્લો માહી…!’ સામે એની મમ્મી હતી, ‘ક્યાં હતી તું?!!  સવારની ફોન કરૂં છું!’
‘…………..!’ માહીએ એના રુદન પર માંડ કાબૂ રાખ્યો.
‘કેમ બોલતી નથી?!’ મમ્મીને ચિંતા થઈ આવી.
‘મમ્મી…ઈ…ઈ!’ માહી એના રુદન પર અંકુશ ન જ રાખી શકી.
‘કેમ રડે છે બેટા?! જો, હવે બે જ દિવસ રહ્યા…ત્રીજીએ તો તું અહિંયા..!’ હસીને મમ્મી બોલી, ‘અ…રે…! તને હેપ્પી ન્યુ યર તો કહેવાનું જ ભુલી ગઈ! હેપ્પી ન્યુ યર…દીકરા…! સવારથી તારો ફોન ટ્રાય કરતી હતી. તારા પપ્પાએ પણ કેટલી ટ્રાય કરી! વાંચવાનું હોય પણ તેથી કંઈ ફોન ઑફ કરાય…?’  સહેજ ઠપકો આપી કહ્યું, ‘લે…તારા પપ્પા સાથે વાત કર…!’ પપ્પાને ફોન આપતા મમ્મીએ પપ્પાને કહ્યું: બહુ વાત ન કરતા એની પરીક્ષા છે…એ માહીએ સાંભળ્યું.
‘હે…પ્પી ન્યુ યર દીકૂ…!’ માહી એના પપ્પાની બહુ લાડકી હતી…!
‘પપ્પા…આ…આ…!’ માહી રડવા લાગીઃ તમારી માહી લુંટાઈ ગઈ…! બરબાદ થઈ ગઈ…! પણ એ કંઈ કહી ન શકી…!
‘અરે…પગલી…!’ સહેજ હસીને પપ્પા બોલ્યા, ‘આટલા ચાર ચાર વરસ મારા દીકરાએ હિમ્મતથી પસાર કર્યા ને તું આમ કાંઠે આવીને રડે છે…! આખો મહાસાગર તરી ગઈ ને કિનારે આવીને હામ હારી ગઈ?! ચાલ…જો, એમ રડ નહિં…! જો રડશે તો માથું દુખશે…! હે..પ્પી ન્યુ યર…!’
-ઓ પપ્પા..!!તમારી માહી તો ડૂબી ગઈ…! તણાય ગઈ…!
‘બહુ ન વાંચતી અને એવું લાગે તો સુઈ જા…!’ પપ્પાએ સમજાવતા કહ્યું, ‘બહુ ટેન્શન ન કરતી…! સહુ સારૂં જ થશે…! પેલો રાંચો આમિરખાન કહે છે એમ આલ ઈસ વેલ…!’ ગાતા ગાતા હસીને પપ્પા બોલ્યા.
-નથિંગ ઈસ વેલ…! હવે તો એવરીથિંગ ઈસ હે…લ… છે…તમારી માહી માટે…!
-હવે બસ થયું. વાંચવા દો એને…મમ્મી બોલી એ માહીએ સાંભળ્યું
‘ઓકે…! માહી, તારી મમ્મીને જલન થાય છે તારી સાથે વધારે વાત કરૂં એટલે..મૂકું છું. આઈ લવ યુ દીકૂ…!’ કહીને પપ્પાએ ફોન કાપ્યો.
પલંગ પર સુતા સુતા માહી વિચારવા લાગીઃ જરૂર ડ્રિન્કમાં કંઈ હતું…! એ જ ડ્રિન્ક ઉષ્માએ પણ પીધું હતું. તો શું એની સાથે પણ…?!
એક ચુંથારો થઈ આવ્યો માહીને. પેઢામાં કંઈ વલોવાતું હતું. છાતી જાણે ભિંસાતી હતી..! પોતાની જાત  પર તિરસ્કારનો એક ઊભરો આવી ગયો એનેઃ શા માટે એ ગઈ ઉષ્મા સાથે…? શા માટે…?? જે શરીર પર એને ગૌરવ થતું હતું એના પર જ હવે તિવ્ર તિરસ્કાર થઈ રહ્યો હતો. પોતાનું શરીર છોડીને એ ક્યાં જાય…? સાપ જેમ કાંચળી ઉતારે એમ એણે એનું અંગેઅંગ બદલી નાંખવું હતું!
બધો જ વાંક એ ઉષ્માડીનો જ…! એણે સ્ક્રિન પર નજર કરી. બેટરીના બે બાર હતા. કંઈક વિચારી એણે ઉષ્માને ફોન કર્યો. એક બે વાર તો સામે રિંગ વાગતી રહી…ચાર પાંચ મિનિટ બાદ એનો ફોન લાગ્યો, ‘ઉષ્મા…!’ ધીમેથી માહી બોલી…
‘હાય…માહી…!’ ઉષ્મા હસીને બોલી, ‘તું તો યાર બહુ નાચી…! પગ ઘુંઘરૂં બીન માહી નાચી રે…!’
સહમી ગઈ માહીઃ તો આ ઉષ્માનું જ કારસ્તાન…!
‘તેં મને બરબાદ કરી નાંખી…!’ ગુસ્સાથી માહી બરાડી, ‘સાલી કૂતરી…!’
‘હાઉ…હાઉ…હાઉ…!’ નફ્ફટ ઉષ્મા ફોનમાં ભસતી હોય એમ હસીને બોલી, ‘માહી ડાર્લિંગ…! મેં તો તને આબાદ કરી દીધી…! આઝાદ કરી દીધી…!! પાડ મારો..!! મણીબેનમાંથી રાતોરાત માહી બનાવી દીધી છે તને…! ધેટ્સ ધ વે…માહીવે…!!એક કાચી કુંવારી કન્યાને રાતોરાત પાક્કી સ્ત્રી બનાવી દીધી…!’ હસીને એ બોલી.
‘સાલી વેશ્યા…!’ માહીનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયોઃ આ ઉષ્માને ઓળખવામાં એ કેટલી મોટી થાપ ખાઈ ગઈ? સહેજ અટકીને એણે પુછ્યું, ‘બોલ! શું નાંખ્યુ હતું લેમોનેડમાં…જ્યુસમાં…?’
‘કેમ તારે પીવું છે અત્યારે? ઊડવું છે ઊંચે..ઊં.. ઊં..ચે…?! કાલની જેમ અપ ઈન ધ સ્કાય…?’ હસીને ઉષ્મા બોલી, ‘એ લવ ડ્રિન્કસ્  હતું…! લવ કૉકટેઈલ…! ટુ મિલિગ્રામ ઓફ ટોપ ગ્રેડ સ્મેક એન્ડ ટેન લવ ડ્રોપ્સ ઓફ પ્યોર સ્પેનિશ ફ્લાય..! ડુ યુ વોન્ટ ઈટ…!’
‘હું પોલીસમાં કમ્પ્લેઇન કરીશ…!’ માહીએ ગુસ્સે થઈ કહ્યું.
‘કોની સામે…? કેટલાની સામે…? શું તને એ પણ જાણ છે કે તેં કોની કોની સાથે મજા કરી છે…?!તને ખબર છે તેં કેટ કેટલાને તેં ખુશ કરી દીધા છે એક રાતમાં!! કેટલીય વાર તેં એન્જોય કર્યું છે…? હેં…? કોની કોની સામે ફરિયાદ કરશે…? કેટલાની સામે કમ્પ્લેઈન કરીશ?? બોલ…બોલ..! જા, પોલીસમાં હમણાં જ જા…’
‘રાં…!!’ ફોનમાં માહી બરાડી, ‘તને હું મારી નાંખીશ…!’
‘રાંડ રાંડ ન કર માહી…! તું પણ એ જ બિરાદરીમાં આવી ગઈ છે હવે…!! આ ઉષ્મા કોઈનું એમનું એમ હરામનું નથી ખાતી! સમજી?’ જાણે માહીને સમજાવતી હોય ઉષ્મા બોલી, ‘તારું પર્સ ચેક કર. ગ્રેજ્યુએટ તો તું થતા થતા થશે પણ તારી પહેલી કમાઈ તારા પર્સમાં જમા થઈ ગઈ છે…! અને તને હમણાં બહુ તકલીફ થતી હોય ને તો પર્સમાં બે એસ્પિરીન પણ મુકેલ છે અને એક વેલિયમ…! પહેલાં બે એસ્પિરીન ગળી લેજે ને દશ મિનિટ પછી વેલિયમ…મજેની ઊંઘ આવી જશે! આઈ કેર ફોર યુ!!’ વ્યંગથી હસીને ઉષ્મા બોલી, ‘ને બહુ પોલીસ પોલીસ ન કરતી..! મારી પાસે તારી અડધા કલાક કરતાં વધારેની સરસ મજાની ક્લિપિંગ્સ છે તેમાં તું આઈ વોન્ટ મોર…ગિવ મી મોરની મસ્તીથી ચીસો પાડે છે!! સમજીને? ચાલ, હવે ડાહી થઈને ગોળી ગળીને સુઈ જા!  કાલે પરીક્ષાનું વાંચવાનું પણ છે ને? ગુડનાઈટ…!’
સુન્ન થઈ ગઈ માહી…! એનું લોહી જાણે સાવ જ થીજી ગયું : આ તે કેવું તોફાન આવ્યું જીવનમાં? આગ લગાવી ગયું હર્યાભર્યા ઉપવનમાં…!
-ઓ ભગવાન…! માહી ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ક્યાંય સુધી એ રડતી જ રહી. રડતી જ રહી! એને વિશ્વાસ બેસતો ન હતો કે ઉષ્મા આટલી અધમ કક્ષાની હશે…! નીચ હશે!! છેલ્લા ચાર સેમિસ્ટરથી એ એને ઓળખતી હતી. એણે એને જરાય અણસાર આવવા દીધો ન હતો. હજુ ય મન માનવા તૈયાર નહોતું. ધીરેથી પલંગ પરથી એ ઊભી થઈ. પગ એકી બેકી ગણતા હતા. કાંપતા હાથે એણે પર્સ ખોલ્યું. અંદરના, ઝિપરવાળા નાના ખાનાની ઝિપર ખોલી. એમાં એક પ્લાસ્ટિકની નાનકડી બેગમાં ત્રણ ગોળીઓ હતી અને બરાબર ઘડી કરીને મુકેલ હજાર હજારની નોટ…! એ શબ્દશઃ ધ્રૂજી ઊઠી…નખશિખ ધ્રૂજી ઊઠી!! ધીરેથી એણે નોટોની ઘડી ઊકેલી…! યંત્રવત્   એ ગણવા લાગીઃ એક..બે..ત્રણ..ચાર! કુલ દશ નોટ હતી…! મહાત્મા ગાંધી છાપ…! દશ હજાર રૂપિયા…! એક પછી એક નોટ ઉપાડી એણે ફાડવા માંડી! નોટના થાય એટલા નાના નાના ટુકડા એ કરતી રહી…!
એ ક્યાંયની ન રહી. શાવર લેવાને કારણે…શરીર છેક અંદરથી સ્વચ્છ કરવાની એની અદમ્ય ઈચ્છાને કારણે બધા જ પુરાવા ધોવાય ગયા. ઉષ્માએ ધમકી આપી હતીઃ મારી પાસે તારી તારી અડધા કલાકની ક્લિપિંગ્સ છે! જાહેરમાં, હોલમાં પણ એ સહુની સાથે સાથે નાચી રહી હતી…!
-ઓ પ્રભુ…!!તેં આ શું  કર્યું મારી સાથે…?? કેમ કર્યું મારી સાથે?? શું ગુન્હો હતો મારો…?? માહીએ રડતા રડતા અરીસામાં નિહાળ્યું. આત્મઘૃણાનો એક જોરદાર ધક્કો આવ્યો અંદરથી ને ટેબલ પર પડેલ પિત્તળનાં ફ્લાવર વાઝનો એણે અરીસા પર ઘા કર્યો…ખ…ણ…ણ…ણ… કરતો અરીસો તૂટી ગયો.
-હવે આવા જીવન જીવવાનો શો અર્થ…?
-હવે તો મરણ જ એક શરણ…!
-મૃત્યમ્   શરણમ્ ગચ્છામિ…!
કબાટમાંથી એણે એનો ગુલાબી દુપટ્ટો કાઢ્યો. ફોલ્ડિંગ ખુરશી સિલિંગ પંખા નીચે ખસેડી એ ખુરશી પર ચઢી. દુપટ્ટાનો એક છેડો પંખા સાથે બાંધ્યો. એને જાણ જ નહોતી કે એ શું કરી રહી હતી. બીજો છેડે એણે સરકણો ગાંઠ માર્યો.
-આ ગુલાબી રંગ તને નાનપણથી જ ગમે…! મારો પણ એ જ ફેવરિટ કલર…!તું પેટમાં હતીને તો મેં તારા પપ્પાને આખું ઘર અંદર બહાર ગુલાબી રંગે રંગવા કહ્યું અને એ દિવસથી આપણું ઘર ગુલાબી છે…! તું મારા બાગનું એવું ગુલાબ છે કે જેણે મારી જિંદગી ગુલાબી ગુલાબી બનાવી દીધી! હરી ભરી કરી દીધી…! પ્રભુનું અમોલ વરદાન છે તું…!
આ ગુલાબી દુપટ્ટો મમ્મી જ લાવી હતી…! માહીને એની મમ્મીની તિવ્ર યાદ આવી ગઈ. મમ્મી એના માટે દરેક ખરીદી કરતી.
-મને માફ કરજે મમ્મી…!! માહીએ દુપટ્ટાનો સરકણો ગાળિયો ગળામાં ભેરવ્યો. ને ખુરશીને પગથી એક ધક્કો માર્યો…! ખુરશી ખસી! દુપટ્ટામાં ભેરવાઈને માહી ક્ષણભર લટકી અને ધડામ કરતી ફરસ પર પડી! એને સરકણો ગાંઠ મારતા બરાબર આવડતું નહોતું. ફરસ પર એ લાંબો સમય પડી જ રહી. રડતી રહી.
-જો હું મરી જાઉં તો મમ્મીનું શું થાય??
-એ તો મરી જ જાય!! અરે…! મને જરાક છીંક આવે તો મમ્મીનો જીવ કપાય જાય.
-ને પપ્પા…?!
-પપ્પા તો પાગલ જ થઈ જાય…!
-ના…! જિંદગી એટલી સસ્તી નથી! ને મારી જિંદગી કંઈ મારી એકલાની જ નથી.
વહેલી સવાર સુધી માહી ફરસ પર જ પડી રહી. જેમ તેમ બે દિવસ વિતાવ્યા. પરીક્ષા આપી. ઘરે આવી ત્યારે માહી સાવ બદલાય ચુકી હતી. જાણે એનો આત્મા જ મરી ગયો હતો. એક ખાલી ખોળીયું રહી ગયું હતું એ ચુંથાયેલ દેહમાં! એણે એના મમ્મી પપ્પાને કંઈ જ ન કહ્યું. અને કહે પણ કયા મ્હોંએ..? પણ એ સંજોગો જ એવા ઊભા થયા કે એણે મમ્મી-પપ્પાને કહેવું જ પડ્યું: એની અંદર એક વિષબીજ રોપાય ગયું હતું એ ભયાનક રાતે કે જેને એ ધારે તો પણ ઉગતા રોકી ન શકે…! એને તો પાંગરે એ પહેલાં ઉખેડવું જ રહ્યું!! રડી રડીને માહીના આંસું સુકાય ગયા. આખો દિવસ હીબકાં ભરતી રહેતી. છાના છાના હીબકાં..! અત્યારે  પણ એ હીબકાં જ ભરી રહી હતી સુકી સુકી આંખે!
-ઘાયલ હૈયાંઓ એમ કદી ય મલકાતા  નથી, સુકી નદીના કિનારા કદી ય છલકાતા નથી.
ડૉ અવિનાશે એના ડેસ્ક પર રાખેલ પેડ પર એક પંક્તિ લખી. અવિનાશને કવિતા કરવાનો, આવી પંક્તિઓ લખવાનો શોખ હતો..
ઊભા થઈ ડૉ. અવનિએ માહીને બાવડાં પકડી ઊભી કરી એને હેતથી આઘોષમાં લીધી. અવનિની આંખો ભીની થઈ ગઈ હતી. માહીની પીઠે ધીમે ધીમે ક્યાંય સુધી અવનિએ હાથ પસવાર્યા કર્યો. સ્નેહામૃતથી માહી નહાતી રહી. માહીને એક રાહત થઈ.
સ્પિકર ચાલુ રાખી ઈન્ટરકૉમ પર ડૉ. અવિનાશે ફોન જોડ્યો, ‘મહેન્દ્રભાઈ…!’ મહેન્દ્રભાઈ એમના સેન્ટરના જનરલ મેનેજર હતા, ‘રૂમની શું સિચ્યુએશન છે? એક સ્પેશ્યલ રૂમ મળશે?’
‘ભાઈ! પોઝિશન એકદમ ટાઈટ છે. એક પણ ખાલી નથી! વેઈટિંગ લિસ્ટ પણ લાંબું છે. બાર અને પંદરમાં તો પેશન્ટની પરમિશનથી બે બે પેશન્ટસ્ રાખ્યા છે એ તો તમે જાણો જ છો!’
અવિનાશે ઈન્ટરકોમનું બટન ફરી દબાવી બંધ કર્યો અને માહીની મમ્મી તરફ નિહાળી કહ્યું, ‘આમ તો આવા કેસમાં રૂમની ખાસ જરૂર ન પડે ને પાંચેક કલાકમાં ઘરે પણ જઈ શકાય. પરન્તુ, માહીનો કેસ અલગ છે!’ અવનિ સાથે નજર મેળવી કહ્યું, ‘શી ઈસ વેરી ડેલિકેઈટ એન્ડ ડિસ્ટર્બડ્‍..! આફ્ટર વોશિંગ આઈ વોન્ટ ટુ ઓબર્ઝવ હર..! શી ઈસ સફરિંગ ફ્રોમ સિવિયર પૉસ્ટટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ને રૂમ નથી..!’
‘છે…’ ડૉ અવનિ સહેજ હસીને બોલી, ‘છે રૂમ…! આપણા બંગલામાં કેટલા રૂમો ખાલી પડ્યા છે…!…ને મેઘાનો રૂમ તો વરસોથી ખાલી છે…!’નિઃશ્વાસ નાંખી ઊંડો શ્વાસ લઈ મમતાએ કહ્યું, ‘શી વિલ સ્ટે વિથ અસ. હર મોમ ટુ…!’
‘ધેટ્સ રાઈટ…!’ હસીને અવિનાશે પણ કહ્યું, ‘યસ..! માહી. જે કંઈ થયું તેમાં તારો કોઈ જ દોષ નથી. હિંમત રાખ. વડોદરાના એસ.પી મારા મિત્ર છે. સૂપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ…! તારું ક્યાંય નામ ન આવશે. સમજી?’ વડોદરાના એસપીના પત્નીની સારવાર અવિનાશે જ કરી હતી. પોતાના બ્લેકબેરી ફોનની ફોનબુકમાંથી એસપીનો અંગત નંબર જોઈ એણે લેન્ડ લાઈનના ફોનનું સ્પિકર ચાલુ કરી ડાયલ કર્યો, ‘તારે કંઈ બોલવાનું નથી. ફક્ત સાંભળવાનું છે. સમજી?’
થોડી રિંગ વાગ્યા બાદ એસપીએ ફોન ઉપાડ્યો, ‘એસપી હિયર…!’ સામે એસપી ઘેરા અવાજે બોલ્યા.
‘હલ્લો સર…!’ અવિનાશે ફોનની સહેજ નજીક જઈ કહ્યું, ‘અવિનાશ બોલું છું. ડૉક્ટર અવિનાશ.’
‘ઓ…ઓ…ડૉક્ટર!’ એસપીએ રાજી થતા કહ્યું, ‘કેમ છો..તમે?’
‘તમે બીઝી તો નથીને..?’ અવિનાશે પુછ્યું, ‘તમારી સાથે થોડી વાતો કરવી હતી!’
‘અરે…ડૉક્ટર…!’ હસીને એસપી બોલ્યા, ‘તમારા માટે તો ટાઈમ જ ટાઈમ છે! બોલો, શી સેવા કરવાની છે? એનીથિંગ ફોર યુ!’
‘ઓફ ધ રેકર્ડ…!’ હસીને અવિનાશે કહ્યું, ‘આઈ વોન્ટ યોર હેલ્પ..!’
‘આખું વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ કામે લગાડી દઈશ…! જસ્ટ સે…!’
‘નો નેઈમ્સ ! નો એફઆઈઆર…!નો મિડિયા…!!’ ગંભીર થઈ અવિનાશે કહ્યું,‘જો એફઆઈઆર કરવી જ પડે તો મારે નામે…!’
‘કમોન…ડૉક્ટર..!’ સહેજ અટકીને બોલ્યા, ‘મામલો સિરિઅસ લાગે છે..’
‘યસ…ક્લિપીંગ્સ…!’
‘બ્લેક મેઈલિંગ…?’ સામેથી એસપીએ પુછ્યું.
અવિનાશે માહી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. માહીને નકારમાં ગરદન હલાવી.
‘હજુ સુધી તો નહિં! પણ મે બી ઈન ફ્યુચર..! એન્ડ સર…નોટ ઑન્લી ક્લિપીંગ્સ સાથે ડ્રગ્સ પણ ઈનવોલ્વ છે!’
‘ઓહ…! આઈ એમ સોરી ટુ હિયર ધીસ ઈન માય એરિયા!’ એસપીએ અફસોસ વ્યક્ત કર્યો, ‘એની ઈન્ફો..?!’
‘સ્યોર…! એમએસની ટોળી છે. આ જ એમએસમાં હું પણ ભણેલ…સર!’ ખિન્ન થઈ અવિનાશે કહ્યું, ‘લખો નામ. ફરહાન અખ્તર, નવીન પ્રભાકર, મનિષ મલ્હોત્રા, અને એક છોકરી છે ઉષ્મા. એમાંના બે ફાઈન આર્ટસમાં છે.’
ટેબલ પરથી પેન અને કાગળ લઈ માહીએ કંઈક લખીને અવિનાશને આપ્યું. એ અવિનાશે વાંચી ફોનમાં કહ્યું, ‘ઉષ્માની લાસ્ટ નેઈમ છે ચૌહાણ અને એના બ્લેક કાયનેટિકનો નંબર છે. જીજે સિક્સ સીબી સેવન વન ડબલ નાઈન!’ માહી તરફ થમ્સ અપ કરી અવિનાશે ધીરેથી કહ્યું, ‘ગુડ જોબ!’  પછી ફોનમાં કહ્યું, ‘સર..! આ ઉષ્મા નેટવર્કની લિડર છે કે પછી એજન્ટ છે અને છોકરીઓને ફસાવે છે. શી ઈસ સ્માર્ટ…!’ અને સહેજ અટકીને કહ્યું, ‘સર..! આ સિવાય પણ બીજા એક-બે પુરુષ હોય શકે અને આઈ એમ સોરી ટુ સે..! કદાચ, તમારા જ ડિપાર્ટમેન્ટનું પણ કોઈ સંડોવાયેલ હોય શકે…! આઈ ગેસ..! અથવા તો હોટેલ બિઝનેસના માણસો પણ..!’
‘થેન્કસ્ ડૉક્ટર…!’ગંભીર ઘેરા અવાજે એસપીએ કહ્યું, ‘ઈટ વિલ બી ઓવર સુન..! તમે મને સરસ ઈન્ફોર્મેશન આપી છે! ધે વીલ બિહાઈન્ડ ધ બાર ઈન ફ્યુ ડેઈઝ…!’
‘સર…! રિમેમ્બર…! નો નેઈમ્સ ! નો એફઆઈ..આર…!નો મિડિયા..’
‘યસ, આઈ પ્રોમિસ..!’ સહેજ હસીને એસપીએ કહ્યું, ‘પોલીસ નો હાઉ ટુ ડિલ વિથ સચ વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ..!’
‘આપનો ખુબ ખુબ આભાર એસપી સાહેબ! ટેઈક કેર..! મેડમને મારી અને અવનિની યાદ..!’ કહી અવિનાશે ફોન ડિસકનેક્ટ કર્યો અને માહી તરફ જોઈ કહ્યું, ‘જોજે,  હવે એમને જલ્દી સજા મળશે. યુ ડૉન્ટ વરી. આજે અવનિ મેડમ તારી સોનોગ્રાફી કરશે ને કાલે સવારે તારો ભાર ઓછો કરી દઈશું.’
માહી સહેજ હસી, ‘થેન્ક યુ સર..!’
‘યુ વેલકમ્ડ!’ અવિનાશે માહીની મમ્મી સાથે નજર મેળવી કહ્યું, ‘આ તો શરીરનો ભાર હળવો થશે. પણ માહીના મન પર જે ભાર છે એ ઓછો કરવો ખૂબ જ જરૂરી છે.’ એના લેટરપેડ પર કેટલાક નામો લખી એણે એ કાગળ માહીની મમ્મીને આપતા કહ્યું, ‘આ કેટલાંક સાઈક્રિયાટિસ્ટના નામો અને ફોન નંબર છે. માહીને થોડું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે. આમાંથી કોઈ પણ એક ડૉક્ટરની એપોઈન્ટમેન્ટ લેજો. એને કહેજો કે મને ફોન કરે. કાઉન્સેલિંગ ચોક્કસ કરાવશો.’ માહીને કહેતા અવિનાશે પુછ્યું, ‘જશે ને તું?’
‘હા..!’ માહીએ કહ્યું.
બીજે દિવસે માહીનો બોજ હળવો થયો. બધું યોગ્ય લાગતા એક દિવસ બાદ એને ડૉ. અવિનાશે રજા આપી ત્યારે એક નવી માહીનો પુનઃઅવતાર થઈ રહ્યો હતો એવું લાગ્યું ડૉ.અવિનાશને અને અવનિને..!!
*****         *****         *****         *****         *****         *****
ડૉ. અવિનાશનો આજનો આખો દિવસ સેન્ટરમાં બહુ ઝડપથી પસાર થઈ ગયો હતો. રાત્રે સુવા પહેલાં એક વિઝિટ કરવાનો એનો નિત્યક્રમ હતો. એ પતાવી કફની પાયજામો ચઢાવી અવિનાશે કમ્પ્યુટર ચાલુ કર્યું. બેંગલુરૂ ખાતે ઓલ ઈન્ડિયા ઓબસ્ટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ એસોસિએશનના સેમિનાર માટે એન્ડવાન્સડ્‍ ઈનવિટ્રો ટેકનિક પર એનું પેપર એણે સબમિટ કરેલ એ સ્વિકારાઈ ગયું હતું એના પ્રેઝન્ટેશન માટે એણે ખાસો સમય વિતાવ્યો. અવનિ આહવા ગઈ હતી. આહવા પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે એમઆરઆઈ મશીનની ટ્રેઇનિંગ આપવા. અવનિની ખોટ સાલતી હતી. પથારીમાં પડતાની સાથે જ એ ઊંઘી ગયો. નિદ્રાદેવીનું એને વરદાન હતું.
ટ્રીન… ટ્રીન… ટ્રીન… ટ્રીન… ટ્રીન…
ફોનની રિંગ વાગતા એ ઝબકીને જાગી ગયો. આંખો ચોળી એણે ઘડિયાળમાં જોયું. સાડાબાર વાગવાની તૈયારી હતી. કોઈ ઈમરજન્સી હશે એમ વિચારી એણે ફોન ઉપાડ્યો, ‘હ…લ્લો..!’
‘જાગો મોહન પ્યારે…’ સામે એનો મિત્ર મયંક હતો, ‘સોરી, તારી ઊંઘ બગાડવા બદલ…! પણ શું થાય મને ટાઈમ ન મળે. આજે પણ ચાર જણની છાતી ચીરવાની છે. બેને પતાવ્યા ને બ્રેકમાં તારી સાથે વાત કરવા માટે ટાઇમ ચોરી લીધો છે..!’
‘એ બધા જીવતા રહેશે કે પછી રામ બોલો..રામ થઈ જશે. મયંક, સો..રી, સો..રી ડૉ મેક, હવે તો લોકોને ખોટા ખોટા ચીરવાનું બંધ કરો!’ મયંક ન્યુ જર્સી ખાતે કાર્ડિયાક સર્જ્યન હતો. બન્ને સાથે જ ભણેલા. મયંકે એમએસ કર્યા બાદ હિન્દુજા હોસ્પિટલ, મુંબઈ ખાતે ડૉ. ખાંડકે સાથે ચારેક વરસ પ્રેક્ટિસ કરી હતી અને ત્યારબાદ એણે અમેરિકાનો રસ્તો પકડ્યો હતો. ત્યાં એણે ભારે નામના મેળવી હતી. એના પોતાના બે બે કાર્ડિયાક સર્જરી સેન્ટર હતા. એની પત્ની અર્ચના એમબીએ થયેલ હતી એટલે પતિની આવડતને બિઝનેસમાં ફેરવી નાંખી હતી. મયંક ડૉ. મેક બની ગયો હતો અને એના સેન્ટરનો એ સીઇઓ હતો તો એની પત્ની અર્ચના ઊર્ફે આર્ચિ હતી એની ડાયરેક્ટર.
‘કેમ છે..! તું..?’ મેકે કહ્યું, ‘તને જોવાનું મન થયું છે. પણ યાર અહિં આ બિઝનેસ…’
‘ધેટસ્ રાઈટ..!’ હસીને અવિનાશે કહ્યું, ‘તેં સેવાને બિઝનેસ બનાવી દીધો તો એવું જ થવાનું. અહિં આવી જા.. અને સેવા કર..પૈસા ન મળે તો કંઈ નહિં પણ શાંતિ મળશે ને આશીર્વાદ મળશે. ડોલર ન મળશે પણ દુઆ મળશે!’ મયંક પહેલાંથી જ પૈસા પાછળ પાગલ હતો.
‘હવે તારો ઉપદેશ રાખ તારી પાસે..! મેં તને ખાસ ફોન કર્યો છે એ કહેવા કે હું આવું છું ઈન્ડીયા…!’
‘કાયમ માટે…?!’ અવિનાશે એકદમ પુછ્યું.
‘નો..ઓ..ઓ.…એક વિક માટે!’ હસીને મેકે કહ્યું, ‘યા…ર! આ એક વિક કેમ કરીને ફ્રી થયો એ મારૂં મન જ જાણે!’ પછી એણે કોઈને કહ્યું: યસ કિપ હિમ રેડી..! અને ફરી ફોનમાં એ બોલ્યો, ‘સાંભળ અવિ, હું એક વિક માટે આવું છું મારા સન નિકના મેરેજ માટે. આર્ચિ ને નિક તો ત્યાં પહોંચી પણ ગયા છે! તારે પણ ફ્રી થઈ જવાનું છે. લુક, મારો પેશન્ટ અત્યારે મારી રાહ જોઈ રહ્યો છે. મારી ડિટેઈલ્સ તને ઈમેઈલ કરવા માટે હું મારી સેક્રેટરીને કહી દઈશ. પ્લીસ, ડોન્ટ ફરગેટ ટુ ચેક યોર મેઈલ્સ..! ને હવે તો હાઈસ્પિડ ઈન્ટરનેટ ચાલુ થઈ ગયું કે નહિ?’
‘હા…પણ આર્ચિને નિક અહિં આવ્યા છે ને મને…!’
‘એ પંચાત છોડ..’ એની વાત કાપતા મેક બોલ્યો, ‘આર્ચિ પણ ત્રણ દિવસથી જ આવી છે. નિક વહેલો ગયો હતો. એને એક છોકરી પસંદ પડી ગઈ છે ને એની સાથે એ લગ્ન કરવા રેડી થઈ ગયો એ ખુશીની વાત છે અને અમને પણ કોઈ ઓબજેક્સન નથી. અહિં કોઈ બીએમડબલ્યુમાં ભેરવાય એના કરતાં ગુજ્જુ દેશી છોકરી એને ગમી એટલે…!’
‘બી એમ ડબલ્યુ…તો કાર છે ને…?! કાર ને છોકરી…??!’ અવિનાશને સમજ ન પડી.
‘હા…હા…હા…’ સામે મેક જોરથી હસી પડ્યો, ‘અરે.. નિક પાસે તો ઔડી છે ઔડી!! બી એમ ડબલ્યુ એટલે બ્લેક, મુસ્લિમ કે વ્હાઈટ છોકરી..!સમજ્યો? એમાં ભેરવાય જાય એના કરતા આપણી ગુજ્જુ શું ખોટી? આ તો ફેઈસબુક પર એ છોકરીને મળ્યો હતો. ત્યારબાદ, ઈ મેઈલ, ફોન અને વેબકેમ મારફત વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. નિકે લગ્નમાં જલસો કરવો છે. મારે પણ. એકનો એક જ તો છે! એન્ગેજમેન્ટ તો એણે મારા વગર આર્ચિ સાથે પતાવી પણ દીધા છે. તને તો ખબર છે ને કે નિક સોફ્ટવેર એન્જિનિયર છે…! ચાલ..! મારા પેશન્ટની છાતી મારા આસિસ્ટન્ટે ખોલી નાંખી હશે એટલે મુકુ છું..પણ ડોન્ટ ફરગેટ ટુ ચેક યોર મેઈલ…!’ કહીને મયંક ઊર્ફે મેકે ફોન કાપ્યો.
-ડૉક્ટર મયંક મહેતા…!
હવે ડૉક્ટર  મેક મહેતા બની ગયો હતો…!!કરોડોમાં રમતો હતો. અવિનાશની ઊંઘ ઉડી ગઈઃ આ મયંક ન હોત તો અવિનાશ ડૉક્ટર બની જ ન શક્યો હોત. અવિનાશના પિતા પોષ્ટ ઑફિસમાં ક્લર્ક હતા. પૈસાની હંમેશ ખેંચ રહેતી. પહેલા વરસે ફી ભરવાના પૈસા તો આપેલ. પણ પછી હોસ્ટેલ અને મેસના પૈસા માટે કેટલી તકલીફ પડેલ…? ને મયંકે એની ફી તો ભરી દીધેલ અને બે વરસ સુધી હોસ્ટેલ અને મેસની ફી પણ એણે જ હસતા હસતા ભરી દીધેલ. એના પિતા શેરબજારમાં હતા અને કાપડનો પણ બિઝનેસ. સારા એવા પૈસા. મયંક અને અવિનાશની દોસ્તી નિઃસ્વાર્થ દોસ્તી. પણ મયંકે પહેલેથી જ નક્કી કરેલ કે ડૉક્ટર બનીને પૈસા તો બનાવવા જ રહ્યા. સેવા કરીએ તો મેવા ન મળે એવું એ ચોક્કસ માનતો. એણે તો અવિનાશને પણ અમેરિકા બોલાવવા માટે ઘણા જ પ્રયત્ન કરેલ. પણ અવિનાશ ન માન્યો તે ન માન્યો. અવિનાશ-અવનિએ જ્યારે ફર્ટિલિટી સેન્ટરની રચના કરવાનું નક્કી કર્યું ત્યારે પણ મેક જ વ્હારે ધાયો હતો ને?! બેન્કની લોન પાસ તો થઈ ગઈ હતી. પણ જ્યારે મુખ્ય મકાનનો સ્લેબ ભરવાનો હતો ત્યારે બિલ્ડરને પૈસા આપવાના સમયે જ બેન્ક મેનેજરની બદલી થતા નવા મેનેજરે મુશ્કેલી ઊભી કરી લોન માટે વાંધા-વચકા કાઢ્યા. અવનિએ મેકને ફોન કરવાનું સૂચન કરતાં અવિનાશે મેકને ફોન કરેલ અને એના સેલફોન પર સંદેશ મુકેલઃ આઈ નીડ યોર હેલ્પ. દશ મીનીટમાં એનો ફોન આવેલ, ‘બોલ…અવિ..કેમ યાદ કર્યો?’
અચકાતા અચકાતા અવિનાશે વાત કરી કહ્યું, ‘બેન્ક લોન પાસ થાય એટલે…’
‘એટલે તું મારા પૈસા આપી દેવાનો હોય તો હું હેન્ગ અપ કરું છું…’ કહી એણે ફોન ડિસકનેક્ટ જ કરી દીધેલ. દશ મીનીટ પછી ફરી એનો ફોન આવ્યો, ‘બોલ, મારી શરત મંજુર છે?’
‘મયંક…! એમ તો…’
‘તો…શું?? ઊલ્લુના પઠ્ઠા..!!’ મેક ગુસ્સે થતા બોલ્યો, ‘ આપણી દોસ્તીની આટલી જ કિંમત કરી તેં? બોલ, કેટલા જોઈએ છે? મારી પાસે એટલા પૈસા છે કે જેનો કોઈ હિસાબ નથી. રોજની ચાર ચાર બાય પાસ કરૂં છું. વિકએન્ડમાં પણ ક્યારેક તો કરવી પડે છે. હવે દોસ્ત દોસ્તને ન કામ આવે તો એવી દોસ્તી શા કામની…! તું આંકડો બોલ…! આર્ચિને કહી દઈશ. શી વિલ મેનેજ..! યાર, બૈરી એમબીએ થયેલ છે એનો આ ફાયદો. ચાલ, મારી પાસે ટાઈમ નથી. જલ્દી બો..લ…!’
‘પચાસ લાખ…’ સંકોચથી અવિનાશે કહ્યું.
‘બસ? ડન..! તું કહ્યા રાખે છે ને કે સેવા કર..! સેવા કર..!  તેં મને આ સેવા કરવાની તક  સામેથી આપી છે. ચેરિટિ બિગિન્સ એટ હોમ. થેન્ક્સ યાર..!’ મેક ભાવુક થઈ ગયો, ‘તને પૈસા મલી જશે. જરા ઈન્કમ ટેક્ષવાળાને તું સંભાળી લેજે. નહિંતર પછી પીછે પડ ગયા ઈન્કમ્ ટેક્ષમ્ ન થાય. આર્ચિ પણ ખુશ થઈ જશે કે ચાલો, થોડા પૈસા તો ઓછા થવાના અને  શુભકામમાં વપરાવાના!’
ત્રીજે દિવસે હવાલા મારફતે પૈસા આવી ગયા હતાઃ કુરિયરમાં બે બોક્ષ ભરીને એક કરોડ રૂપિયા!! બોક્ષમાં રોકડા રૂપિયા જોઈને અવિનાશ અને અવનિ હક્કા બક્કા થઈ ગયા હતાઃ ખરો છે મેક તો…!
મયંક સાથે બહુ ઓછી વાત થતી. એને સમય નહોતો. પણ જ્યારે તક મળે ત્યારે એ ચોક્કસ ફોન કરે કે ટુંકી ઈમેઇલ કરે. એવો મેક આવવાનો હતો. એના દીકરાના લગ્ન માટે! એક વિક માટે. એણે જલસો કરવો હતો દીકરાના લગ્નમાં. આજે મેઘા હોત તો મેઘાના લગ્ન પણ…!! અવિનાશ મેઘાના રૂમમાં આવ્યો. મેઘાની આદમકદની તસવીર દીવાલે લટકતી હતી. એના તરફ નિહાળી એ બોલ્યોઃ આઈ મિસ યુ મેઘુ!!
બે દિવસ પછી બુધવારે મેકની સેક્રેટરીની ઈમેઈલ આવી. મેક શુક્રવારે અમદાવાદ ઊતરવાનો હતો. મંગળવારથી લગ્નની ધમાલ ચાલુ થવાની હતી ને પછીના શનિવારે રાત્રે તો ફરી પાછો એ ન્યુજર્સી ઉડી જવાનો હતો.  આર્ચિ અને નિક કોર્ટયાર્ડ-મેરિયટમાં રોકાયા હતા અને એમણે બે માળ અને બૅન્કેવેટ હોલ ચાર દિવસ માટે બુક કરી દીધા હતા. અવિનાશે નક્કી કર્યું કે મેક અને આર્ચિ સાથે તો લગ્નમાં રહેવું જ પડશે. એણે એના આસિસ્ટન્ટ ડૉક્ટરસને બરાબર સમજાવી દીધું. તો અવનિએ એના મદદનીશને જવાબદારી સોંપી. બન્ને આતુર હતા મેકને મળવા માટે!! આર્ચિને મળવા!! નિકના લગ્નમાં મહાલવા માટે..!! શુક્રવારે બીજી મેઈલ આવી જે મેકના કહેવાથી એની સેક્રેટરીએ જ મોકલી હતી જેમાં નિકના એન્ગેજમેન્ટના ફોટાઓ હતા અને એક વિડીયો પણ હતો. ફોટા ડાઉનલૉડ થતા વાર લાગી એટલે અવિનાશની આતુરતા વધતી ગઈ. પણ જ્યારે એ ડાઉનલૉડ થયા ત્યારે સ્તબ્ધ જ રહી ગયો અવિનાશ!! સાવ અવાચક્‍! દિડ્મૂઢ !! નિકે પસંદ કરેલ દુહિતા હતી માહી..!! નિકે પસંદ કરેલ કન્યા બીજી કોઈ નહિ પણ માહી…!! ઓહ..!! હવે? પ્રતિક્ષિપ્ત પ્રક્રિયાથી અવિનાશે મોનિટરની સ્વીચ તરત બંધ કરી દીધી! સ્ક્રિન પર અંધારૂ છવાયું!
-હવે? આ તો  એ જ માહી કે જેના પર બળાત્કાર થયો હતો…!
-જેનું અવિનાશે એબોર્શન કરેલ…!!
-આ તે કેવો સંજોગ…?!
-માહીનો પગ જે કુંડાળામાં પડેલ એ કુંડાળું મોટું થઈ રહ્યું હતું…!! અવિનાશે બારી પાસે ગયો. એણે પોતના ઉદ્વેગને શાંત કરવા ઊંડા શ્વાસ ભરવા માંડ્યા. રાત્રીના આકાશમાં તારાઓ ટમટમી રહ્યા હતા. પણ મનના આકાશ પર તો સાવ કોરૂં અંધારૂં છવાય ગયું..! એ ફરી કમ્પ્યુટર પાસે આવ્યો. અવનિ તો પુસ્તક વાંચતી વાંચતી ઊંઘી ગઈ હતી એના તરફ એક નજર કરી એણે ફરી મોનિટરની સ્વિચ ઑન કરી. ધ્રૂજતા હ્રદયે એણે દરેક ફોટાઓ નિહાળ્યા. વિડિયો તો સ્લો ઈન્ટરનેટને કારણે જોઈ ન શક્યો. પરન્તુ, ફોટાઓમાં સહુ આનંદિત હતા. એ દિવસે જોયેલ માહી અને આજની માહી સાવ અલગ હતી.
-આ માહીને ખબર હશે કે અવિનાશ લગ્નમાં આવનાર છે?
-શું આ લગ્ન યોગ્ય છે? ધારો કે મેકને ખબર પડે કે માહી…
-તો…? અરે! આ માહીની તો ક્લિપિંગ્સ પણ ઉતારેલ પેલા લોકોએ..! એ કોઈ રીતે જો મેક સુધી પહોંચે તો…?
-ક્લિપિંગ્સ ઉતાર્યા બાદ લગભગ બે એક મહિના પછી માહીનું એબોર્શન થયેલ ત્યારબાદ એસપીને ફરિયાદ કરેલ..! એ દરમ્યાન તો કેટલાય ને એ ક્લિપિંગ્સ પહોંચી ગઈ હશે?
-યસ..!સેન્ડ બટન દબાવતા સેકન્ડ થાય! કેટલા બધા મોબાઈલ છે આજે તો લોકો પાસે!!
-અને બિકોઝ ઓફ ડ્રગ્સ, ક્લિપિંગ્સમાં માહી તો સેક્સ ઍન્જોય કરતી હોય એવું હશે. કોઈને એમ ન લાગે કે શી હેસ બિન રેપ્ડ…!
-એસપીને ફોન કરી પુછી જોઉં કે એમણે શું સ્ટેપ લીધેલ છે? ત્યારબાદ એસપીનો કોઈ કોન્ટેક્ટ પણ થયો નથી! અરે! માહીનો પણ કોઈ કોન્ટેક્ટ નથી થયો. અને આજે એ જ માહી આમ સાવ અચાનક ફરી સામે આવી ગઈ! મેકની વહુ બનીને…!
-અરે! આ ક્લિપિંગ્સવાળા તો તકની રાહ જોઈને બેઠા હશે. એક વાર માહીના લગ્ન થઈ જાય તો પછી વધારે પૈસા ઓકાવી શકાય. અ..ને મેક તો અબજોપતિ છે.
-ઓહ!! શું કરૂં? અવિનાશનું મન ડહોળાઈ ગયું.
-જો ગમે એમ કરીને મેકને જાણ થાય કે મેં જ માહીનું એબોર્શન કરેલ..તો..??
-તો એ કદી ય મને માફ ન કરે…!!
-અરે..! કેટલા ઉપકાર છે એના મારા પર..?
-શું કરૂં!! વ્હોટ…!વ્હોટ…!વ્હોટ…!
-એક વાર મેકને જણાવવું જરૂરી તો છે જ! એ સમજુ છે. સમજી જશે.
પથારીમાં પડખા ઘસતા અવિનાશે વિચાર્યું. એટલે તરત જ બીજા મને પુછ્યું: તારા ઉસુલનું શું? તારો તબીબીધર્મ કેમ વિસર્યો? કોઈ પણ સંજોગોમાં દર્દીનું ભલું કરવાની પણ લીધી છે તેં…! એની ગુપ્તતાના સોગંદ લીધા છે.
અવિનાશ પથારીમાંથી ઊભો થઈ ગયોઃ હિપોક્રેટિક ઓથ! ધ ડેમ હિપોક્રેટિક ઓથ!
એને સહેજ પરસેવો થઈ આવ્યો. સાઈડ ડેસ્ક પર મુકેલ વોટર બોટલમાંથી એણે પાણી પીધું. ગળે સોસ પડતો હોય એમ લાગતું હતું!
એક તરફ મિત્રધર્મ…! એક તરફ તબીબીધર્મ..!! અવિનાશ ભીંસાઈ રહ્યો હતો.
પ્રથમવાર, જિંદગીમાં પ્રથમવાર એને પોતાના ડૉક્ટર હોવાનો અફસોસ થયો!
-કાશ, માહી એની પાસે આવી ન હોત! કાશ.. એ માહીને ઓળખતો ન હોત…!
એણે અવનિ તરફ એક નજર કરી. એ ઘસઘસાટ ઊંઘી રહી હતી.
-શું અવનિને જાણ કરૂં? એ જે રસ્તો બતાવશે તે રસ્તે કદમ માંડવું!
-ના, આ વાતમાં અવનિને શું કામ વચ્ચે લાવવી જોઈએ?
-વાત મારી અને મેકની વચ્ચેની છે. અવિનાશે વિચાર્યું: મેક એક ડૉક્ટર છે. હિપોક્રેટિક ઓથમાં ડૉક્ટરો ડૉક્ટરો વચ્ચે વાત કરી શકાય…! અવિનાશે પોતે જ નક્કી કરી લીધું: યસ! ફક્ત એક વાર મેકને કહી દેવાનું…! હું એને સમજાવીશ…! એ બ્રોડ માઈન્ડેડ છે..! અમેરિકા રહે છે! એને શો વાંધો હોય? માહીનો કોઈ દોષ નથી. એ સમજી જશે. રાત આખી અવિનાશ વિચારતો રહ્યો. મૂંઝાતો રહ્યો. સવારે પંખીઓનો કલરવ પણ કર્કશ લાગ્યો એને!
અવિનાશે નક્કી કરી લીધું: એક વાર મેકને, મયંકને જણાવી દેવાનું! બસ, પછી… એ વિચારી શકતો નહતો.
‘આજે કંઈ વહેલો ઊઠી ગયોને?!’ અવનિએ અવિનાશને ગાર્ડનમાં હીંચકા પર બેસી ઝુલતો જોઈ બારીમાંથી કહ્યું, ‘ચા પીવા અંદર આવે છે કે…’
-રાતભર સુતુ જ કોણ હતું સ્વગત્  બોલી અવિનાશે કહ્યું, ‘અહિં જ લાવ.. પ્લીસ..!’ અવિનાશે કહ્યું, ‘જરા વહેલા નીકળીએ તો…’
ચાના બે કપ લઈ અવનિ અવિનાશની બાજુમાં હીંચકા પર ગોઠવાઈ, ‘કેમ મિત્રને મળવાની ઉતાવળ છે?!’
અવિનાશ મ્લાન હસ્યોઃ એનું જો ચાલે તો મેકને મળવા જ ન જાય. લગ્નમાં જ ન જાય…!
‘ટ્રાફિક નડશે. તું જલ્દી તૈયાર થઇ જા.’ જલ્દી જલ્દી ચા પી અવિનાશે કહ્યું, ‘એક વિઝિટ મારી આવું ત્યારબાદ નીકળીશું અમદાવાદ જવા માટે.’
સેન્ટર પર વિઝિટે ગયો ત્યારે એણે માહીની ફાઈલ શોધી, એની કોપી કરી અને એ ફાઈલ એની હોન્ડા સીટી કારમાં પેસેન્જર સિટની પાછળ બનાવેલ ખાનામાં મુકી! કદાચ, ફાઈલનું કામ પડેઃ મેક સમજી તો જશેને? કે પછી એ પણ… અવિનાશ આગળ વિચારી ન શક્યો. ભીના વાળમાંથી પાણી ખંખેરતો હોય એમ એણે ડોક હલાવી વિચારો ખંખેર્યા…!
થોડી વારમાં તો અવિનાશ અને અવનિને લઈને હોન્ડા સીટી હાઈવે નંબર આઠ પર સરકી રહી હતી. સીડી પ્લેયર પર અનુપ જલોટાનું ભજન ગુંજી રહ્યું હતું: પ્રભુજી તુમ ચંદન હમ પાની…!
અવિનાશ મુંઝાતો હતોઃ અવનિને જ્યારે ખબર પડશે કે માહી સાથે નિકના લગ્ન થઈ રહ્યા છે ત્યારે એ શું વિચારશે…?! માહીને નવવધૂ તરીકે એ જોશે તો એનો શો પ્રતિભાવ હશે..?!
‘કેમ શું વિચારે છે?’ અવનિ અવિનાશને બરાબર ઓળખતી હતી, ‘સવારથી જ તું કંઈ ખોવાયેલ ખોવાયેલ લાગે છે!’ હસીને અવનિ બોલી, ‘મિત્રને મળવાની તાલાવેલી ને બદલે તાણ અનુભવતો હોય..ટેન્શનમાં હોય એમ લાગે છે કે પછી બીજી કોઈ ચિંતા છે તને…?!’
– શું આ સ્ત્રીઓ પાસે ત્રીજું લોચન હોય છે? રોડ પરથી સહેજ નજર હટાવી અવિનાશે મ્લાન હસીને અવનિ તરફ નજર કરી કહ્યું, ‘નથિંગ…!’
‘તો સારૂં…!’ હસીને અવનિ બોલી, ‘રાત્રે પણ તું સરખો સુતો નથી. પાણીની આખી બોટલ સવાર સુધીમાં ખાલી કરી ગયો એટલે મને ફિકર થાય છે!’
ભરૂચ પસાર થઈ ગયું હતું. અવિનાશે સ્પિડ સહેજ ઓછી કરી.
‘અવિ, શું વાત છે?’ અવનિએ સીધું પુછી જ લીધું, ‘તારી રગેરગ જાણું છું!’
‘અવનિ…’થૂંક ગળી અવિનાશ બોલ્યો, ‘માહી યાદ છે ને તને..?’
‘અફકોર્સ..! શું એને કોઈ બ્લેકમેઈલ…’ અવનિએ આંખો પહોળી કરી, ‘કે પછી તને કોઈ…’
‘ના…એવું નથી..મને શું કામ..’ અવિનાશને સમજ પડતી ન્હોતી કે વાત શી રીતે કરવી.
‘………….!’ અવિનાશે મૌન રહી એક ઊંડો નિશ્વાસ નાંખ્યો અને કહ્યું, ‘માહી…માહી સાથે મેકના સન નિકના લગ્ન થઈ રહ્યા છે…!’
‘ઓહ…!’ આશ્ચર્યથી એની આંખો પહોળી થઈ ગઈ.
‘હા…માહી…સાથે..જેનું એબોર્શન આપણે કરેલ…!’
‘તો…તેં શું વિચાર્યું?’ અવનિએ પુછ્યું.
‘તું શું કહે છે?’ એક ટ્રકને ઑવરટેઈક કરવા માટે અવિનાશે એક્સિલરેટર દબાવ્યું.
‘…………!’ અવનિ મૌન મૌન વિચારી રહી.
‘એક વાર મેકને કહી દેવું. બસ!’ હોર્ન મારી એ બોલ્યો, ‘મિત્રદ્રોહ હું ન જ કરી શકું. એ સમજુ છે.’થૂંક ગળી અવિનાશ બોલ્યો, ‘સમજી જશે…!’
‘…………!’ અવનિ મૌન.
‘આમાં આપણે ધર્મસંકટમાં મુકાય ગયા. ખરેખર તો લગ્નમાં જવું ન જોઈએ.’ પોતાની જાત સાથે વાત કરતો હોય એમ ધીમેથી અવિનાશ બોલ્યો, ‘પણ મેકને…’
‘ખીચડીમાં જઈશું…?’ સાવ અચાનક અવનિએ કહ્યું, ‘જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘણા વખતથી ‘ખીચડી’માં નથી ગયા!’ વડોદરા પાસે હાઈવેથી થોડી અંદર કાઠીયાવાડી રેસ્ટૉરૉં હતી ‘ખીચડી’ એમાં ફક્ત ભાત ભાતની સ્વાદિષ્ટ ખીચડી જ મળતી. ગામઠી વાતાવરણમાં જમીન પર પાટલે બેસીને જમો કે કાથીના ખાટલે બેસીને જમો કે પછી નાના ઝુપડાંમાં બેસીને જમો, બહાર પ્રાંગણમાં બાંધેલ  સ્વચ્છ ગાયો, અને દુહા ગાતા ગાયકો! જાણે અદ્દલ કાઠીયાવાડી નાનકડું ગામડું!
‘ગુડ આઈડિયા…!’ અવિનાશે હોન્ડા સીટી હાઈવે પરથી અંદરના રસ્તે લીધી!
પેટ ભરાયને મનભાવતી મિક્ષ કઠોળની ખીચડી-કઢી બન્નેએ ખાધી.
‘મજા આવી ગઈ!’ બગાસું ખાતા અવિનાશ બોલ્યો, ‘મને તો ભાઈ હવે ઊંઘ આવે છે. આ ખીચડી તો ભારે પડી!’ એણે એક આળસ ખાધી.
‘અવિ…!’ અવનિએ કહ્યું, ‘તું જરા ઊંઘી જા. રાતભર વિચારતો રહ્યો છે. જાગતો રહ્યો છે. અને હવે તો ફોરલેઇન છે. આઇ વિલ ડ્રાઇવ. ને મને રસ્તો ખબર છે. કોર્ટયાર્ડ મેરિયટ રામદેવનગર સેટેલાઈટમાં ક્યાં આવેલ છે તે. યુ ટેઈક અ નૅપ…!’ બેગમાંથી અવનીએ સાલ અને અવિનાશનો કમ્ફર્ટ ક્લોથ કાઢી અવિનાશને આપતા કહ્યું. અવિનાશને આંખ પર મુલાયમ કપડું નાંખીને ઊંઘવાની આદત હતી અને એના વિના એને ઊંઘ ન આવતી. અવનિ હંમેશ કહેતીઃ અવનિ ન હોય તો ચાલે પણ આ તારા કોકા વગર તને ઊંઘ ન આવે!!
ડ્રાઇવર સીટ પર અવનિ ગોઠવાઈ અને કાર એરકન્ડિશનર સહેજ તેજ કર્યું. ઓડિયો સિસ્ટમ પર મંદ અવાજે શિવકુમાર શર્માના સંતુરના સુરો રેલાવા લાગ્યા. અવિનાશે પેસેન્જર સીટ સહેજ પાછળ હડસેલી, બેક રેસ્ટ એકદમ પાછળ નમાવી સીટ આરામદાયક બનાવી. સાલ ઓઢી આંખો  મુલાયમ કપડા વડે ઢાંકતા એ બોલ્યો, ‘ડ્રાઇવ કેરફુલી…!’
‘ઓ..ક્કે…સર..!’ હસીને અવનિ બોલી ને એણે ગિયર બદલ્યું, અને અવિનાશે નિદ્રાનું શરણું લીધું.
હાઈવે નંબર આઠના લીસા આલ્સ્ફાટના રોડ પર પાણીના રેલાની માફક કાર ફરી સરવા લાગી. ઉદ્વેગને કારણે રાતભર જાગતો રહેલ અવિનાશ નાના બાળકની જેમ નિદ્રાધિન થયો હતો. અવનિએ એની તરફ પ્યારભરી નજર કરીઃ સાવ બચ્ચુ જેવો છે…!
ડ્રાઈવવેમાં કાર પાર્ક કરી અવનિએ અવિનાશને જગાડ્યો, ‘અવિ…! આપણે આવી ગયા.’
આળસ મરડી અવિનાશે કહ્યુ, ‘આવી પણ ગયા?! વાઉ…ઉ…! ખબર પણ ન પડી!’ અવિનાશે આંખો ચોળીઃ અરે…! આ શું? એ વિચારતો રહ્યો ને કારનો દરવાજો ખોલી અવનિ બહાર નીકળી. કારમાંથી અવિનાશે ફરી બહાર નજર કરી. કાર એમના જ બંગલાના પોર્ચમાં ઊભી હતી. અવનિએ પેસેન્જર સાઇડનો દરવાજો ખોલ્યો અને સહેજ મરકતા કહ્યું, ‘કમ ઓન… ડૉક્ટર અવિનાશ..! આપણે બેંગલુરૂ નથી જવાનું તમારૂં રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવા આજ રાતની ટ્રેઈનમાં ?!’
અવિનાશ ધીમેથી કારમાંથી બહાર નીકળ્યો. કારનો દરવાજો પકડીને સામે ઊભેલ અવનિને બાથમાં લઈ ભાવુક થઈ એકદમ ભેટી પડ્યો, ‘થેન્ક યુ!! ડાર્લિંગ..!! તેં મારો પગ કુંડાળામાં પડતો બચાવી લીધો…! થેન્ક યુ!!’
હાથમાં હાથ પરોવી ડૉક્ટર અવિનાશ અને અવનિ જ્યારે પોતના ઘરમાં પ્રવેશ્યા ત્યારે બન્નેની આંખો સહેજ ભીની હતી.
(સમાપ્ત)

સાભાર – સુરેશ કાક્લોતર