Tag Archives: Navlika

“અમર-આશા”

Standard

આશા અને અમરના મેરેજ થયાને એક વર્ષ જ થયું છે. બંન્નેના મેરેજ પોતાના માતા-પિતાની મંજુરીથી થયા છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંન્ને એકબીજા સાથે બોલતાં નથી. બન્ને પાસે એકબીજા માટે અનેક ફરીયાદોનો રાફળો છે. આશાના સાસુ સરોજબેનના ધ્યાનમાં આવ્યું કે કોઈ તો વાત છે કે, બંન્ને વચ્ચેનું હાસ્ય ગાયબ છે. જેની અસર ઘરના દરેક કાર્યમાં દેખાય રહી છે. રસોઈ બેસ્વાદ બનવા લાગી છે. વાસણોનો ખડખડાટ વધી ગયો છે. ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે. ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાયેલી હતી.

બપોરે જમવાના સમયે સરોજબેને કહ્યું, બેટા આજ મારે અને આશાને શોપીંગ મોલમાં જવું છે તો ઓફીસે જતાં સમયે છોડતો જજે. અમરે ફક્ત હા માં માથું હલાવ્યું. ત્રણ વાગ્યે અમરે આશા અને પોતાની માતાને શોપીંગ મોલે ઉતારી ઓફીસે જવા નીકળી ગયો. સરોજબેને ત્યાંથી મંદિરે જવા માટે રીક્ષા બંધાવી. આશા વિચારવા લાગી. પરંતુ એક શબ્દ બોલી નહીં. મંદિરે બંન્નેએ કૃષ્ણના દર્શન કર્યા. સરોજબેને મંદીરમાં જ આશાને પુછ્યું, “બેટા કૃષ્ણ સાથે ઉભેલ રાધાને તું ઓળખશ?” આશા ઉતરેલા મોએ બોલી બા એને કોણ ના ઓળખે ? તે કૃષ્ણની પ્રેમીકા છે એટલે તો બંન્નેની સાથે પુજા થાય છે. મોકો જોઈ સરોજબેન બોલ્યાં, “તું…? આશા સરોજબેન સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. સરોજબેને કહ્યું, “બેટા તું અમર માટે રાધા જ છો ને ? આશા ગુસ્સા સાથે બોલી, બા હું તેની રાધા હોત તો પાંચ દિવસ પહેલાં મારો જન્મદિવસ ગયો તે તેને બરાબર યાદ હોવો જોઈએ.

સરોજબેને આશાને હાથ પકડી મંદિરના બાંકડા પર બેસાડતાં કહ્યું, બેટા આજ તને મારી અને તારા બાપુજી એક વાત કહું. તારા બાપુજીને મારા જન્મ દિવસની તારીખ ક્યારેય યાદ નથી રહી. અમારા લગ્નની તારીખ ક્યારેય યાદ નથી રહી. અમારા સગાઈની તારીખ ક્યારેય યાદ નથી રહી. બેટા મારી વાત તો છોડી દે પરંતુ અમરના જન્મદિવસની તારીખ પણ યાદ નથી. તું વિચાર કર આ દરેક બાબતે હું રીસાતી રહું તો જીવું ક્યારે ? બેટા, તને એ ખબર છે કે, આ તારીખો તે ભુલવા નથી માંગતા પરંતુ તેની પાસે સમયનો જ અભાવ હોય છે. પુરુષોનો તેમાં કોઈ દોષ નથી હોતો. તેનો પુરો સમય પોતાની પત્ની, પુત્ર, તેના સપનાઓ અને તેની જરૂરીયાતો પુરી કરવામાં જ પસાર થઈ જાય છે. તારા બાપુજીને તો તેનો પોતાનો જન્મદિવસ પણ યાદ નથી રહ્યો આજ દિવસ સુધીમાં. આશા ફાટી આંખે સાસુની વાતો સાંભળી રહી હતી.

રડતાં રડતાં બોલી, બા તમે આ બધું શા માટે સહન કરો છો ? સરોજબેન હસતાં…હસતાં… બોલ્યાં, બેટા, હું તારા બાપુજીને ખુબ પ્રેમ કરું છું. મને ખબર છે તેને પુરી જિંદગી મારા અમર અને મારી પાછળ પુરી કરી નાંખી છે. તે ભુલી જાય તેના માટે ઝગડો કરીને હું તે દિવસને ક્યારેય બગાડતી નથી. પરંતુ હું યાદ કરીને તેને ભાવતી દરેક રસોઈ બનવું છું. તેના માટે તેની પસંદગીની કોઈને કોઈ ચીજ લઈ આપું છું. તે હંમેશા પરિવારની જવાબદારી અને સપનાઓ પુરા કરવામાં ભુલી જતાં હોય છે. પરંતુ મેં હંમેશા યાદ રાખીને દરેક દિવસને ઉજવ્યો છે. આજ વૃદ્ધાવસ્થામાં તેજ યાદોને યાદ કરીને ખુશી ખુશી જીવન પસાર કરીએ છીએ.

બેટા જીવન બહુ નાનું છે. તેને આ રીતે ઝગડો કરીને વેડફવું સારું નથી. સ્ત્રીઓએ તો દરેક પરીસ્થિતિમાં ઢળવાની આદત પાડવી જોઈએ. તને ખબર છે બેટા સ્ત્રી તેને જ કહેવાય જે ફાટેલા દુધને પનીર બનાવી તેનો અનેક જગ્યાએ ઉ૫યોગ કરી જાણે. સ્ત્રી એટલે ઘરને જોડનાર, હંમેશા ઘરમાં હાસ્ય ગુંજતું રહે તેનું નામ સ્ત્રી અને તેજ સ્ત્રી મકાનને ઘર અને સંબંધમા મીઠાશ જાળવી શકે. આશાની આંખોમાંથી ડબડબ આસું વહી રહ્યા હતાં. સરોજબેને આશાને બથમાં લેતાં કહ્યું, બેટા, આ અભણ સાસુ પાસે મન થાય ત્યારે મન હળવું કરી લેવું. આશા હીબકા ભરી મન મુકીને રડી પડી. સરોજબેને પોતાની હેન્ડબેગમાંથી પાણીની બોટલ લઈ પોતાના હાથે આશાને પાણી પાયું.

સરોજબેને કહ્યું, હવે ઘરે જશું ? આશા થોડા મલકાતા બોલી, બા મોલમાંથી અમરની પસંદગી… આશાની વાતને વચ્ચેથી કાંપતા સરોજબેન બોલ્યાં, કેમ નહી બેટા, જાગ્યા ત્યારથી સવાર. આજ તો સાંજે ઘરમાં મીજબાની હશે ને ? બન્ને એક સાથે ઠહાકા સાથે હસી પડ્યાં. ભગવાનને ફરી પગે લાગી. મોલમાંથી ખરીદી કરીને સાસુ વહુ બન્ને ઘરે આવ્યાં.

સાંજે ઓફિસેથી આવી અમર પોતાના રૂમમાં ગયો તો, તેના કપબોડમાં અમર માટે ઝગડો કર્યો તે માટે ગીફ્ટ સાથે માફી માંગતું કાર્ડ હતું. અમરને યાદ આવ્યું કે આશાના જન્મ દિવસના બીજે દિવસે યાદ આવતાં આશા માટે ગીફ્ટ લાવેલ હતો પરંતુ તેના ઝગડા અને અબોલામાં આપવાની જ રહી ગઈ. અમરે ગીફ્ટનું બોક્સ આશાની કપડાંની થપ્પી પર મુક્યું. ફ્રેસ થઈને અમર જમવા માટે હોલમાં પહોચ્યો તો દરેક રસોઈ તેની પસંદગીની હતી. આશાના સસરા બોલ્યાં, બેટા આજ અમરનો જન્મદિવસ છે ? પુરી ડીસ તેની પસંદની છે. આશામાં કહ્યું હા બાપુજી. અમર આશાના હસતાં ચહેરા સામે જોતો રહી ગયો. આશાના સસરા કહ્યું, બેટા, તારી બા એ આ ઘરમાં પગ મુક્યો ત્યારથી આજ સુધી મને એક પણ દિવસ યાદ રહ્યો નથી. તે દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવતી અને હું તે ઉત્સવો મનાવવા માટેની જરૂરીયાત પુરી કરવા માટે તનતોડ મહેનત કરતો અને ક્યારે દિવસ અને વર્ષો પસાર થઈ ગયા તેની ખબર જ ના પડી.

દરેક ઘરમાં આશા – અમર અને સરોજબેન હશે જ. આ રીતેનો મીઠો ઝગડો પણ હશે અને હોવો પણ જોઈએ. પરંતુ ઘરમાં સ્ત્રી હંમેશા સમજદાર અને શાંત હોવી જોઈએ. કોઈપણ મકાન ઘર ત્યારે જ બને છે જયારે તે ઘરમાં કોઈ સ્ત્રી સમજદાર અને શાંત સ્વભાવથી દરેક પરીસ્થિતિ પ્રમાણે સમજદારી પુર્વક નિર્ણય લઈ શકે. સારા દિવસને કોઈ વ્યક્તિના ભુલી જવાથી ઝગડો કરવો તે સમજદારી નથી પરંતુ તે દિવસને યાદ કરીને દરેકને તે ખુશીમાં જોડવા તે સમજદારી છે. તમારા ઘરમાં પણ કોઈ આશા હોય અને ક્યારેક તેની આશાનો દીપ બુઝાતો દેખાય તો જરૂર સરોજબેન જેવી સમજદારી બતાવીને સંભાળી લેજો.

“રૂપી”

Standard

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય છે, ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે. વટેમાર્ગુ જોતાં જોતાં ચેતવતાં જાય છે, ‘રૂપી, ભેખડ પડશે ને તુંને દાટી દેશે, હો બેટા!’

પણ રૂપી તો મેરની દીકરી. એને તો એનાં ઘરખોરડાં આભલાં જેવાં ઊજળાં કરવાં છે. ઓરડામાં કમાનો વાળવી છે. દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના ઉપર નક્શી કરવી છે. ગોખલા કંડારવા છે, ભીંત ઉપર ચિતરામણ આલેખવાં છે. રૂપીને ઠાવકી, ચીકણી, માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે? દટાઈ જાય તોયે શું?

માટીના સૂંડલા પોતાને માથે મેલીને, મલપતી મલપતી, રૂપી ચાલી આવે છે. ધોમધખતા તાપમાં એનું રૂપાળું મોં રાતુંચોળ થાતું આવે છે. મોતીની સેર વીખરાણી હોય તેવાં પરસેવાનાં ટીપાં ટપકતાં આવે છે. કૂવાને કાંઠેય મેરાણીઓ મોઢાં મચકોડીને વાતો કરે છે, “બાઇ, આ તો નવી નવાઇની આવી છે! કૂવામાં પાણી જ રે’વા દેતી નથી. કુણ જાણે અધરાતથી બેડાં તાણવા માંડે છે.”

નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે, ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે ‘વાલામૂઇ પડે તો ઠીક થાય!’ ભૂખી-તરસી વહુને આખો દિવસ ઓળીપો કરતી નિહાળિને સાસુ-સસરો હેતાળ ઠપકો આપે છે કે, “અરે રૂપી, ખાધાનીયે ખબર ન પડે, બેટા?” એને માથે ચારેય છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવરણા ગાલ ઉપર ગોરમટીના છાંટા છંટાઇ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોળાણાં છે. શરણાઇ-શી એના હાથની કળાઇઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીનાં રૂપ કાંઇ અછતા રહે?

રૂપીનો વર નથુ રોટલા ખાવા આવે છે. એકલા બેસીને ખાવાનું એને ભાવતું નથી.

“રૂપી!” નથુ બહાર નીકળીને એને સાદ કરે છે: “રૂપી, આવડી બધી કેવાની અધીરાઇ આવી છે, ઘર શણગારવાની? કાંઇ મરી બરી તો જાવાની નથ ના!”

“લે, જો તો, બાઇ! નથુ કેવી વાણી કાઢી રિયો છે! મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાંઉ ખપનો, નથુ?”

“હે ભગવાન! આ મેરની છોકરી તો નવી નવાઇની! કવરાવ્યો મને! ભગવાન કરે ને નિસરણી લસરે જાય!” એટલું કહીને નથુ હસે છે.

“તો તો, પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાઉં તોયે તારા ખોળામાંથી ઊઠાં નહિ ને! ખોટી ખોટી માંદી પડેને સૂતી જ રાં!”

રૂપી એનો વર નથુ ખોરડાની પછીતે ઊભાં ઊભાં આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતાં ને પેટ ભરવાની વાતો ભૂલી જતાં હતાં. ઇશ્વરે પોતાની વહુને થોડાજ સમયમાં ઘરની આવી મમતા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ અનુભવી રહ્યો છે. નિસરણીની ટોચે ઊભીને કરો લીંપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું. ગોરમટીનાં છાંટણાંમાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો કોઇ નવલખાં રત્ને મઢેલી પ્રતિમા જેવી દેખાતી. એના હૈયામાંથી ઉદગાર નીકળી જતો કે ‘ઓહોહો! બાપોદર ગામના જુવાનિયામાં મારા સરખો સુખી મેર બીજો કોઇ ન મળે.’

એમ કરતાં કરતાં અષાઢ ઊતરીને શ્રાવણ બેઠો. જોતજોતામાં તો બાપોદર ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું. નદી અને નહેરાં છલોછલ હાલ્યાં જાય છે. ધરતીનાં ઢોરઢાંખર અને પંખીડાં હરખમાં હિલાળો મારે છે, ને રૂપીયે વારતહેવાર રહેવા મંડી છે. સવાર પડે છે ને હાથમાં ચોખા-કંકાવટી લઈ રૂપી બાપોદરનાં દેવસ્થાનો ગોતે છે, પીપળાને અને ગાયોને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે, નાગદેવતા રાફડા ઉપર દૂધ રેડે છે. રૂપીને મન તો આ સૃષ્ટિ શી રળિયામણી હતી! ઓહોહો! શી રળિયામણી હતી!

શીતળા-સાતમ અને ગોકળ-આઠમના તહેવારો ઢૂકડા આવ્યા. સાતમ-આઠમ ઉપર તો મેરાણીઓ ગાંડીતૂર બને. પરણેલી જુવાનડીઓને પિયરથી તેડાં આવે. રૂપીનેય માવતરથી સંદેશા આવ્યા કે ‘સાતમ કરવા વહેલી પહોંચજે.’

સાસુ-સસરાએ રાજીખુશીથી પોતાની લાડકવાયી વહુને મહિયર મહાલવાની રજા આપી. નવી જોડ લૂગડાં પહેરી, ઘરેણાંગાંઠાં ઠાંસી, સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી, સેંથે હિંગોળો પૂરી ને આંખે કાજળ આંજી રૂપી પિયર જવા નીકળી. માથે લૂગડાની નાની બચકી લીધી.

પરણ્યા પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી, નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું, “રૂપી! આ બધું પિયરિયામાં મા’લવા રાખી મૂક્યું’તું ને? નથુ! નથુ! બોલીને તો ઓછી ઓછી થઈ જાછ! તંઈ આ શણગાર તો નથુ માટે કોઇ દી નુતા સજ્યા!”

“લે, જો તો બાઇ! આડું કાં બોલતો હઈશ, નથુ! કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કે દી હુતી? અને આજ પે’ર્યું છે એય તારે જ કાજે ને! તું હાલ્ય મારી હરે. મને કાંઇ ત્યાં એકલા થોડું ગમશે?” એટલું બોલતાં તો રૂપીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

“અરે ગાંડી! એમાં કોચવાઇ ગી? અને મા-બાપની રજા વિના મારાથી અવાય ખરું કે?”

“હું ફુઇને અને મામાને બેયને કે’તી જાઉં છું ને! તું જરુર આવજે. હો! તારા વન્યા મારી સાતમ નૈ સુધરે હો, નથુડા!”

એટલું કહીને રૂપી સસરા કને ગઈ. પોતાની તોછડી, મીઠી વાણીમાં મેરની કન્યાએ તુંકારો દઈને કાલું કાલું વેણ કહ્યું, “મામા, નથુને ચોકસ મેલજે, હો! નીકર મારી સાતમ નૈ સુધરે.”

“માડી, મેલશું તો ખરા; પણ તારાં માવતરનું સાચેખોટેય તેડું તો જોવે ને!” બુઢ્ઢી સાસુએ જવાબ દીધો.

“અરે ફુઇ, એનો ધોખો તું કરીશ નૈ. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને!”

એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી-કેમ જાણે ફરી કોઇ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા, છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો. “નથુડા, આવજે હો! નીકર મારી સાતમ નૈ સુધરે.”

આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયો, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પરોવાઇ ગયું.

“અરરર! માડી! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમૂઇ કરે નાખી, માથેથી મોડિયો ઉતાર્ય. પહેલાં મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.”

“પણ, માડી. તને કહ્યું કુણે?”

“કુણે શું, તારી પડોશણુંએ. સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ દાટે દીધી, માડી! આમ તો જો! મોં માથે નૂરનો છાંટોય ન મળે. અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો -રોગી ઉતરડાઇ જ ગી.”

“માડી, તને કોઈ ભંભેરે ગુ (ગયું) છે, હો! અમારાં પાડોશી ભારી ઝેરીલાં છે. તું કોઇનું માનીશ મા, હો! અને તેં મને તેડું મોકલ્યું, તારેં નથુને કીમ ન તેડાવ્યો? ઇ તો રિસાઇને બેઠો છે. ઝટ દઈને ખેપિયો મેલ્ય.”

“ચૂલામાં જાય તારો નથુડો! મારે એ ભૂતને તેડાવવો જ નથ. અને લાખ વાતેય તને પાછી ઇ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે; એકની એક દીકરીને આખો જનમારો ઓળીપામાં નથ દાટેં દેવી!”

દડ! દડ! દડ! રૂપીની કાળીકાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યાં. એના હૈયામાં ધ્રાસકો પડી ગયો. એનું બોલવું માવતરને ગળે ઊતરતું જ નથી. અદેખી પાડોશણોએ પિયરયાંના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું. રૂપી શું બોલે, કોને સમજાવે? સાસરિયાંનું સારું બોલનારી એ છોકરીને સહુએ શરમાળ, ગુણિયલ અને આબરૂરખી ગણી હસી કાઢી. જેમ જેમ એ બોલતી ગઈ, તેમ તેમ સહુને એને માટે વધુ ને વધુ અનુકંપા ઊપજતી ગઈ. અબોલ બનીને એ છાનીમાની ઓરડામાં બેસી ગઈ. રોવા જેટલું તો ત્યાં એકાંત ક્યાંથી હોય?

રૂપીનો બાપ બાપોદર ગયો. વેવાઇઓને વસમાં વેણ સંભળાવ્યાં. બિચારા બુઢ્ઢા માવતર અને નથુ -એ ત્રણેય જણાંને તો ધરતી માર્ગ આપે તો સમાઇ જવા જેવું થઈ ગયું. ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ માવતરની આગળ દુઃખ ગાયું હશે. રૂપીના બાપે નથુને ગૂંજે થોડા રૂપિયા ઘાલ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું. તે દિવસના નથુના ઘરબારમાંથી રામ ઊડી ગયા. ધાનનો કોળિયો કોઇને ભાવતો નથી. નથુને મનસૂબા ઊપડે છે.

સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને માબાપે નાતરું કર્યું. રૂપીને રૂંવે રૂંવે આગ ઊપડી, પણ ગભરૂડી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઇ ગઈ. એની છાતી ઉપર કોઈ મોટી શિલા જાણે ચંપાઇ ગઈ.

પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે, “મને નથુ પાસે જાવા દિયો. મારે નાતરે નથ જાવું.”

એનું કલ્પાંત કોઇએ ન સાંભળ્યું. એ મૂરખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાલ્યા અને ગાડે નાખી. રૂપી કેમ કરીને રોવા મંડે? ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે? મેરની દીકરીને ઘૂમટા ન હોય.

ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઊઠી “નૈ જાઉં! નૈ જાઉં! મારા કટકા કરી નાખશો તોયે બીજે નહીં જાઉં. મને નથુ પાસે મેલો.”

માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે. રૂપી પાણી ભરવા જાય છે. પાદર થઈને કઈંક વટેમાર્ગુ નીકળે છે ક્યો માણસ ક્યે ગામ જાય છે એટલુંય પૂછ્યા વગર સહુને કહે છે, “ભાઇ, બાપોદરમાં નથુ મેરને મારો સંદેશો દેજો કે સોમવારે સાંજે મને નદીની પાળ પાસે આવીને તેડી જાય; ત્યાં ઊભી ઊભી હું એની વાટ્ય જોઇશ!”

વટેમાર્ગુ બે ઘડી ટાંપીને હાલ્યા જાય છે. બોલતાં જાય છે કે “ફટક્યું લાગે છે!”

સોમવારે બપોરે લૂગડાંનો ગાંસડો લીધો, “મા, હું ધોવા જાઉં છ.”

માએ માન્યું, ભલે મન જરી મોકળું કરી આવે. ફૂલ જેવાં ઊજળાં લૂગડાં ધોઇ, માથાબોળ નાહી, લટો મોકળી મેલી, ધોયેલ લૂગડાં પહેરી, ધૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારગ જોતી રૂપી થંભી છે. ક્યાંય નથુડો આવે છે? ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે? એની હાલ્ય જ અછતી નહીં રહે; એ તો હાથી જેવા ધૂલના ગોટા ઊડાડતો ને દુહા ગાતો ગાતો આવશે! નહીં આવે? અરે, ન આવે કેમ? સંદેશા મોકલ્યા છે ને! કેટલા બધા સંદેશા! સૂરજ નમવા મંડ્યો, પણ નથુડો ન આવ્યો. સાંજના લાંબા લાંબા ઓછાયા ઊતરવા લાગ્યા. તોય નથુડો ન આવ્યો. પંખી માળામાં પોઢ્યા, ગૌધન ગામમાં પહોંચ્યું. ધૂનાના નીર ઊંઘવા લાગ્યા. ઝાડ-પાંદડાને જંપવાની વેળા થઈ, તોય નથુડો ન આવ્યો. ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન જ આવ્યો. અરેરે, નથુડાનું હૈયું તે કેવું વજ્જર જેવું! એને મારી જરાય દયા ન આવી?

“રૂપી! રૂપી! રૂપી!” એવા સાદ સંભાળાણા. રૂપી ચમકી: ‘કોના સાદ? નથુના? ના, ના, આ તો ગામ ભણીથી આવે છે.’ સાદ ઢૂકડા આવ્યા. ‘આ સાદ તો મારી માના. મારી મા મને ગોતવા આવે છે.’

‘નથુ, તેં તો મારી સાતમ બગાડી! અરે, ભૂંડા, સંદેશાય ન ગણકાર્યા! પણ હું હવે પાછી ક્યાં જાઉં? હવે તો આપણે એકબીજાના હાથના આંકડા ભીડીને ભાગે નીકરશું.’

“રૂપી! રૂપી! રૂપી!” ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા. જવાબમાં ધુબ્બાંગ! દેતી રૂપી ધૂનામાં કૂદી પડી. ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળિયે સંતાડી રાખી. પણ નથુડો તો ન જ આવ્યો.

“રૂપી! રૂપી! રૂપી!” પોકારતી મા ધૂનાના કાંઠે આવી. રાતનાં નીર બડબડિયાં બોલાવતાં જાણે હાંસી કરતાં હતાં કે ‘રૂપીની મા! દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગારી, હો!’

-ઝવેરચંદ મેઘાણી.

‘મરુભૂમિનો ચહેરો’

Standard

આજનાં ‘ગુજરાત ગાર્ડિયન’ (‘Sunday ગાર્ડિયન’ પૂર્તિ)
પેઇજ નં. 3
મારી નવલિકા : ‘મરુભૂમિનો ચહેરો’
————
(એક વાર્તાસ્પર્ધામાં વિજેતા નિવડેલી મારી આ વાર્તાની,
મારા નવલકથાકાર મિત્ર મયુરભાઈ પટેલે માત્ર ભારોભાર પ્રશંસા જ નહિ કરી,
પરંતુ એને પ્રકાશિત પણ કરી.
આ માટે હું એમનો આભારી છું!)
————–
★ ધર્મેશ ગાંધી
————–
મરુભૂમિનો ચહેરો
—————
આખો દિવસ પ્રકૃતિને દઝાડતો સૂરજ ક્ષિતિજની ઊંડાણમાં ગરકાવ થયાને કલાકો વીતી ચૂક્યા હતા. તારાઓથી ઝગમગતા આકાશે હવે હાડ થીજાવી દેતી ઠંડી ફેલાવવાનું કામ માથે લીધું હતું. ધૂળની નાની-મોટી ડમરીઓ ઠેકઠેકાણે ઉડ્યા કરતી હતી. વંટોળીયામાં ઉંચે ઊઠતી રેતી થોડીવાર ગોળાકારે ફરતી-ફરતી થાકીને એકાદ ઠેકાણે ઢગલો થઈ જતી હતી. સતત ત્રણ વર્ષથી એકધારું આક્રંદ કરતાં આ સૂકા દુકાળે સાવજ જેવી પહોળી છાતીધારીઓનાયે હાંજા ગગડાવી નાખ્યા હતા. નાનકડા આ ગામના છૂટાછવાયા ખોરડાઓમાં જિંદગીની જીવતી સમાધિ લઈને લોકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. એમના માટે ભૂખ ભાંગવા સારું હવે શહેરી શેઠિયાઓને ત્યાં ધાડ પાડીને પરિવારનું પેટ ભરવા સિવાય કોઈ આરો નહોતો બચ્યો.

આવા ઠંડા ખારાપાટ પર કાળી મેઘલી રાતે પોતાને ભરોસે મરણિયું બનેલું શરીર, પીઠ પર જડીને રણની રાણી બેફામ દોડ્યે જતી હતી. આજે એને શ્વાસ લેવાયે રોકાવાનું પરવડે એમ ન હતું. ભલે હાંફી જવાય, ભલે નાક-કાનમાં ખોબો ભરીને રેતી પેંસી જાય… બસ આ મરુભૂમિ પસાર કરીને શહેર સુધી પહોચવું એજ એક માત્ર એ ઊંટડીનું લક્ષ્ય થઈ પડ્યું હતું.

‘આ જ મોકો છે, મારી રણની રાણી… પહેલો ને છેલ્લો – વેગ પકડ મારી મા…’ ઊંટડી પર સ્વાર મજબૂત મનોબળના કાળા પડછાયાએ હાકલ કરી, ‘…જોઉં આજે કેટલું જોમ છે તારા ચારેય પગમાં ને મારી બંનેય બાજુઓમાં…’

આ વિસ્તારમાં આડે દહાડે પડતી ધાડના પગલે જમાદારોએ ઊંટ પર રખડીને આખી રાત ચોકી-પહેરો દેવાનું શરૂ કર્યું હતું. આવા જ બે ચોકિયાત-જમાદારોના પહેરેદાર ઊંટ એકાએક અડધી રાતે હણહણી ઊઠ્યા. ઊંઘરેટી આંખમાં સુસવાટા મારતો ઠંડો પવન અને નાકના વાળમાં આછી ધૂળ ભરીને બેય જમાદાર સાબદા થયા. રાતનાં ભય પમાડે એવા સન્નાટામાં પવનવેગે દોડતી ઊંટડી પર બુકાનીધારી સ્વાર, અને સ્વારે વીંટેલા ધાબળામાંથી ડોકાતી – ખભે લટકાવેલી બંદૂક… જમાદારો માટે એ ધાડપાડુ હોવાનો સંશય પેદા કરવા માટે પૂરતા હતા.

‘એય ખબરદાર… થોભાવ તારી ઊંટડી, નહીં તો ભડાકે દઈશ.’ ટાઢમાં ધ્રુજતા રુઆબદાર હોઠ કરડાકીભર્યો હુંકાર કરતા ફફડ્યા, ને ઠંડા પવનની એક ઝાપટ એ જમાદારના ગાલ સાથે ઘસાતી, ધૂળ-કાંકરીઓ એના માથાના વાળમાં ભરાવતી પલાયન થઈ ગઈ.

ઊંટડી નહીં થોભી, અને ન તો જમાદારોની ચેતવણીની એ નિર્જન વાતાવરણ પર કોઈ ઘેરી અસર વર્તાઈ. એથી ઊલટું, ઊંટડીનાં વાંકા-ચૂંકા-લાંબા પગોમાં ઝનૂન પેઠું, ને અઢારેય વાંકા અંગોએ દોડવાની ગતિ બમણી કરી. જમાદારો માટે હવે એ સ્વાર ધાડપાડુ હોવાનો સંશય પાક્કા વિશ્વાસમાં પરિણમ્યો. સૂકા-કાંટાળા બાવળિયાની ઓથે-ઓથે પૂરપાટ દોડતી ઊંટડી ક્ષિતિજમાં વિલીન થઈ જાય એ પહેલાં તો જમાદારની બંદૂક ગરજી ઊઠી. સ..ન..ન..ન.. કરતી એક ગોળી સ્વારની કમરે ઘસાઈને રેતીમાં ખૂંપી ગઈ…

લાવાની અગનજ્વાળાઓની જેમ ઊકળતા લોહીનો ફુવારો છૂટ્યો. વરસાદની વાંછટનાં અભાવે ભૂખી-તરસી રહેતી નિર્જીવ ધરતીને એ ગરમ લોહીની ધાર સ્પર્શે એ પહેલાં તો જોતજોતામાં પવનની ઠંડી બરફ જેવી લહેરખી એને હવામાં જ લુપ્ત કરતી ઊડી ગઈ. સ્વારની આંખે અંધારા છવાઈ ગયા. શરીર લથડી પડ્યું. પણ, એક ઘસરકાથી ટાઢું પડી જાય એ ભડકે બળતું ઝનૂન શા કામનું! ઊંટડી દોડતી રહી. કાળજું કઠણ કરી સ્વારે પોતાની લોહી નીંગળતી કમર પર એક હાથ દાબી દીધો… આ એજ કમર હતી જ્યાં એનાં ધણીએ ક્યારેક પોતાના દાંતના હળવાં-મીઠાં-ઉત્તેજનાભર્યા બચકાં ભર્યાં હતાં; તો ક્યારેક એ જ ધણીની ખુન્નસ ભરેલી કઠોર લાતો પણ વિંઝાઈ ચૂકી હતી.

સ..ન..ન..ન.. કરતી બીજી ગોળી છૂટી, ને પછી ત્રીજી…

સ્વારનું શરીર ઢીલું પડ્યું; ઊંટડી પરથી સરકીને રેતીમાં પછડાયું. દરિયાના ઉછાળા મારતા ચોખ્ખા પાણી જેવી બે ભૂરી આંખો બુકાનીની અંદર સ્થિર થઈ; ઉઘાડ-બંધ થઈ. લોહીની ધાર ઠેકઠેકાણેથી વહી રહી હતી. ઘડો ભરીને ઘી-સિંદુર પી ચૂકેલી ઊંટડી માલિકણ માટે વલોપાત કરવા સારું ગળું ફાડીને ગાંગરી પણ ન શકી. મદદ માટે વલખાં મારતી ડોક આમ-તેમ વિંઝાતી રહી. જમાદારોને નજીક આવતા ભાળી એણે ઊંટડીને શહેર તરફ દોટ મૂકવા પાનો ચઢાવ્યો. ને રણની રાણી પોતાની માલિકણનો હુકમ લઈને બેફામ દોડી. એની પીઠ પર હજુયે એક બાળઆકૃતિ ચસોચસ બંધાયેલી હતી – અર્ધી ઊંઘમાં અને અર્ધી અણસમજમાં…

જમાદારો નજીક આવી ચૂક્યા હતા. એક બરાડ્યો, ‘હાથ ઉપર કરીને ઊભો થા, નહીં તો ભેજું ઊડાવી દઈશ.’

બીજાએ રેતીમાં આળોટતા સ્વારનો ધાબળો ખેંચી નાખ્યો. ને બંને જમાદારો અચંબામાં ગરકાવ થઈ ગયા. સ્વાર એક ખૂબસૂરત સ્ત્રી હતી. બંને જણ એ ધગધગતું સ્ત્રી-શરીર ઘૂરી-ઘૂરીને તાકી રહ્યા, લાળ ટપકાવી રહ્યા : ‘આજ તો જીસ્મની જયાફત ઉરાડવાનો મોકો છે, દરોગા…’

બુકાનીની અંદર તગતગતી બે ભૂરી આંખોથી અંજાઈને બીજાએ સ્ત્રીનાં મોં પરથી બુકાની ખેંચી નાખી. પણ ત્યાં જ…

‘હા..કક… થૂ..ઉ..ઉ…’ બુકાનીની અંદર સંતાયેલો ભયાનક અને કદરૂપો ચહેરો જોઈને જમાદારનું મોં કડવું થઈ ગયું.

જાણે કે આગમાં હોમાયો હોય એવો બળીને ભડથું થયેલો ચહેરો જોતા જ એ બંને રાની પશુઓના મોં પર એક ક્રૂર અણગમો ઊભરાયો. બંનેને જાણે કે ઉબકા આવવા લાગ્યા. પણ હવસમાં ઘસડાતા બંને જાનવરોએ સ્ત્રીનાં ચીતરી ચઢે એવા ચહેરા પર ફરીથી બુકાની લપેટી દીધી. બાકીના કપડા ચીરવા માટે, એ કદરૂપા ચહેરાની નીચે તરફના બધાજ ખૂબસૂરત હિસ્સાઓને ચૂંથવા માટે હાથ લંબાયા.

‘ઓ..યય, ખબરદાર… શેતાન જેવા ધણીથી મારી દીકરીને બચાવીને ઢીલા કાળજે નથી નાસતી… આજ કોઈ પણ તકાત મને અટકાવી નહીં શકે.’ સ્ત્રીએ લલકાર ફેંકી; બંદૂકની નળી બંને સામે તાકી.

એની ભૂરી આંખોનાં ઊંડાણમાં થોડા દિવસો પહેલા ભજવાયેલું એક વરવું દ્રશ્ય જીવિત થયું…

‘ચાલ ખોરડામાં…’ શિકાર કરવા ગયેલો ઘણી થાકી-હારીને ખાલી હાથે આવ્યો, ને પેટની ભૂખ ન સંતોષાતા શરીરની ભૂખ મટાડવા ભૂખ્યા વરુની માફક એની પર તૂટી પડેલો.

‘ખાલી પેટ બેવડ વળે છે, રહેમ કર આજ…’ ધણીની ઝપટમાંથી તરફડ્યા મારીને એણે છૂટવાની હિમ્મત કરેલી, પહેલીવાર…

ભાન ભૂલેલો ધણી બળજબરી કરતો રહ્યો. એણે હતું એટલું જોર વાપરી ક્યારેય નહીં ધરાતા ધણીને બળપૂર્વક હડસેલો માર્યો. ને પેલાએ જે વસ્તુ હાથમાં આવી એનો છૂટ્ટો ઘા કર્યો. નસીબની કરુણતાથી ધાડ-લૂટ માટેના હથિયાર તરીકે વાપરવા રાખેલો તેજાબ એના મોં પર ઊડયો.

– ને ફક્ત બે જ ક્ષણ… એનો રૂપ-સૌન્દર્યથી ફાટ-ફાટ થતો ચહેરો તેજાબના મારથી તરડાઈ ગયેલો, ચામડી સળગી ઊઠેલી. ઓગળી રહેલા ચહેરાએ એક ખોફનાક રૂપ ધરી લીધું…

એ જલનમાંથી કળ વળતા દિવસો વિત્યા, ને એક દિવસ…

‘ટોપલો ભરીને સિક્કા આપીશ, આ ખોરડું છોડી શહેરમાં ખોલી વસાવી લેજે…’ એક પઠાણ એની પીઠ પાછળ એનાં ઘણીના કાન ફૂંકી રહ્યો હતો, ‘-બસ, બદલામાં આ તારી છોડી…’ કહેતાં પઠાણે હોઠ પર જીભ ફેરવી…

– વીતી ચૂકેલા એ ભયાવહ દ્રશ્યો ત્યારે અટક્યા જ્યારે એનાં પેટમાં જમાદારની લાત પડી…

ભારે આંખોએ એણે ઊંટડીને પોતાની કુમળી દીકરી સાથે શહેરની રાહે દોડી જતાં જોયા કર્યું. એનાં હાથ દુઆમાં ઊંચા થયા, ‘યા અલ્લાહ, આ મરુભૂમિની પેલે પાર કોઈ ફરિશ્તો મળી જાય – દીકરીની હિફાજત થાય, એનાં ચહેરાનું તેજ ન ઓસરે…’

એની ભૂરી આંખો દૂર દૂર નજરે પડતા કાળા થતા જતા ક્ષિતિજ તરફ મંડાયેલી હતી. ધીમે-ધીમે ચાલતા એનાં ધૂળભર્યા શ્વાસ બેફામ બનીને ફૂંકાતા પવનમાં ભળીને હજુયે દોડી રહેલી રણની રાણી પર લદાયેલા માસૂમ ચહેરા સુધી પહોચવાનો હાંફતો પ્રયાસ કરી રહ્યા હતા! શેતાનોનું ધીમું-ધીમું અટ્ટહાસ્ય એનાં કાનના પડદા ચીરી રહ્યું હતું.

છેલ્લે-છેલ્લે એણે એક કાળું ટપકું ક્ષિતિજમાં વિલિન થતું જોયું!

*******************

– ધર્મેશ ગાંધી (DG)
dharm.gandhi@gmail.com

91064 80527

જિંદગી – એક સફર

Standard

મોહન કે જે મકના હુલામણા નામે ઓળખાતો હતો એ અને એની પત્ની સીતા એમને નૂવાર્કના લિબર્ટી ઇંટરનેશનલ એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા.

‘ડે…ડ, ટેઇક કેર….!!’ મેકે ધીરૂભાઇ સાથે હસ્તધુનન કરતાં કહ્યું, ‘વી આર વેરી સોરી…અમે કોઇ તમારી સાથે આવી નથી શકતા…યૂ નો અવર સિચ્યુએશન..!!!’

‘ડોંટ વરી સન…!! તારી મોમ છે ને મારી સાથે…?!’ મ્લાન હસીને ધીરૂભાઇ બોલ્યા.

‘ડે…એ…એ….ડ…!’ ધીરૂભાઇને ભેટી પડતા મેક ભાવુક થઇ ગયો.. ‘હવે મોમ ક્યાંથી આવવાની….?’

સહુને બા…ય….કહી ધીરૂભાઇ જંબો વિમાનમાં દાખલ થયા.

‘લેટ મી હેલ્પ યૂ સર….’ બિઝનેસ ક્લાસની એરહોસ્ટસે ધીરૂભાઇના હાથમાંથી હળવેકથી હેંડબેગ લઇ ઓવર હેડ લગેજ સ્ટોરેજમાં મૂકી…

‘ટેઇક કેર…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘અંદર ઘણો જ કિંમતી સામાન છે!’

‘આઇ વિલ..’ હસીને એરહોસ્ટેસ બોલી.

ધીરૂભાઇએ લિવાઇઝના નેવી બ્લ્યુ જીન્સ પર વાદળી કોટન શર્ટ અને બ્લ્યુ બ્લેઝર પહેરેલ હતું તે બ્લેઝર કાઢી એરહોસ્ટેસને સોંપ્યુ.

બોર્ડિંગ કાર્ડ પર સીટ નંબર ફરી તપાસી એ પોતાની પહોળી લેધર ચેર પર ગોઠવાયા. ટેઇક ઓફ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી.

‘ડુ યૂ નીડ એનીથિંગ સર…?’

‘નોટ નાઉ…’ બેક-રેસ્ટ પુશ કરી આરામથી બેસતાં ધીરૂભાઇએ આંખો બંધ કરી…

અઢાર કલાકનો પ્રવાસ હતોઃ નૂવાર્કથી મુંબઇનો….વાયા પેરિસ….

-કેટલાં ય વખતથી દેશ જવાનું વિચારતા હતા…!! કાંતા સાથે…

-અને આજે…??

-આજે પણ કાંતા તો સાથે જ છે ને….??

-અસ્થિ સ્વરૂપે…!!

-ઓહ…..કાંતા…..!!! એમનાથી ઑવરહેડ સ્ટોરેજ તરફ એક નજર થઇ ગઇ. એમાં મુકેલ સેમ્સોનાઇટ બેગમાં હતી…કાંતા…!!!અસ્થિ સ્વરૂપે…!! ઓમ શાંતિ…ઓમ…લખેલ સરસ રીતે પેક કરેલ બોક્ષમાં સમાઇ હતી કાંતા…!!

એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી… જવું હતું તો કાંતા સાથે દેશમાં ચારધામની યાત્રાએ..એની ખાસ ઇચ્છા હતી.. દુનિયાના ઘણા દેશો ફરી લીધા હતા…આખું અમેરિકા…યૂરોપ….ઓસ્ટ્રેલિયા…આફ્રિકા…બસ, ઘણા લાંબા સમયથી દેશ જવાયું ન હતું.

ધીરૂભાઇ આજથી બેતાલીસ – તેતાલીસ વરસ પહેલાં અહીં યૂએસ આવ્યા હતા અને આજે એઓ છાસઠના થયા.

-કેટલો લાંબો સમય થઇ ગયો…??!!

છાસઠ વરસની ઉમર એમના શરીર પરથી લાગતી ન હતી..એકવડું પોણા છ ફૂટનું ચુસ્ત કદ….એમણે શરીરને બરાબર જાળવ્યું હતું…બસ, એક ચશ્મા હતા…નખમાં ય રોગ ન હતો… હા, વાળ જરૂર ઓછા થઇ ગયા હતા… પણ માંડ પચાસના લાગતા હતા..

‘વી આર રેડી ટુ ટેઇક ઓફ….’ પાઇલટ કેપ્ટન સિન્હાનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગૂંજ્યો, ‘પ્લીસ ફાસન યોર સીટ બેલ્ટ….!!’

-હિયર વી ગો કાંતા!! ધીરૂભાઇ સ્વગત બબડ્યા….સીટ બેલ્ટ બાંધી બેક રેસ્ટ એમણે યથા સ્થાને ગોઠવ્યું.

જમ્બો વિમાન ટરમેક પરથી ધીમેથી બેક-અપ થયું…રનવે પર ગોઠવાયું, દોડ લગાવી પલકવારમાં હવામાં અધ્ધર થયું….થોડાં સમયમાં તો ત્રીસ-બત્રીસ હજાર ફુટની નિર્ધારીત ઊંચાઈએ પહોંચી ગયું…

સીટ બેલ્ટની સાઇન ઑફ થઇ.

ચપળ એર હોસ્ટેસ એમની પાસે આવી, ‘વોટ વિલ યૂ લાઇક ટુ ડ્રીંક….??’

‘બ્લેક લેબલ ઓન ધી રોક્સ…!!!’

ચળકતા ક્રિસ્ટલ ગ્લાસમાં આઇસ ક્યુબ ભરી, બ્લેક લેબલ વ્હિસ્કીથી ગ્લાસ ભરી એર હોસ્ટેસ બીજાં પ્રવાસીઓની સરભરામાં પરોવાઈ…

વ્હિસ્કીનો ઘૂંટ ચૂસતા ચૂસતા ધીરેથી ગળા નીચે ઉતારી ધીરૂભાઇએ આજુ-બાજુ સહ પ્રવાસીઓ તરફ નજર કરી.

-સહુ કેટકેટલાં પાસે હતા..!! છતાં પણ જાણે પોત પોતના કોચલામાં પૂરાયેલ હતા… ટોળામાં જાણે સહુ એકલવાયા…!!! અને હવે તો ધીરૂભાઇ પણ સાવ એકલવાયા જ થઇ ગયા હતાને ?? નવેક મહિના પહેલાં મધ્યરાત્રિએ કાંતાને અચાનક હાર્ટ-એટેક આવ્યો. પોતે તો ભર ઊંઘમાં હતા…નિંદ્રાદેવીનું એમને વરદાન હતું. કાંતાએ જેમ તેમ કરીને ઢંઢોળ્યા. જાગ્યા…નાઇન વન વન….પાંચ મિનિટમાં તો એમ્બ્યુલંસ આવી ગઇ….પણ કાંતાનું હ્રદય બે-ત્રણ મિનિટ માટે ધબકવાનું ચૂકી ગયું. ઇએમએસ વાળાએ વાળાએ જંપ આપ્યો…શોક આપ્યો ને..હ્રદય ફરી ધબકવા તો માંડ્યુ પરતું, કાંતા ફરી ધબક્તી ન થઇ… ફેફસામાં પાણી ભરાઈ ગયું…વળી મગજને લોહી ન મળતાં મગજમાં ક્લોટ થઇ ગયો…ફેફસાએ જવાબ આપી દીધો…રેસ્પિરેર્ટર- લાઇફ સપોર્ટ પર મૂકી દેવાઇ…જિંદગીમાં પુર્ણવિરામ પહેલાં કોમા આવે એ ત્યારે ધીરૂભાઇએ જાણ્યું….દશ દિવસ બાદ નિર્યણ લેવાનો હતો.

-શું કરવું….??

પણ કાંતાએ એ પ્રશ્ન જ ઉભો ન થવા દીધો..

પોતે જ હરિના મારગે ચાલી નીકળી….ધીરૂભાઇને સાવ એકલા મૂકીને….

દશ દિવસ એ બેહોશ રહી..ધીરૂભાઇ કાંતા પાસે બેસી રહેતા એ આશામાં કે ક્યારેક તો આંખ ખોલે….કઈંક બોલે…એની આખરી ઇચ્છા કહે….પણ…!!!

કાંતા ધાર્મિક હતી. એની ખાસ ઈચ્છા હતી કે એક વાર દેશમાં ચારધામની યાત્રા કરવી…ધીરૂભાઇને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાંબી લાઇનો…મંદિરોની ગંદકી…ઘેરી વળતા પંડાઓ…ખોટા ખોટા શ્લોક બોલતાં બ્રાહ્મણો….એમને પસંદ ન હતા. એઓ નાસ્તિક ન હતા…પરંતુ, ધર્મની એમની વ્યાખ્યા સાવ અલગ હતી….

માનવ ધર્મ !! ધર્મ માટે મંદિરના પગથિયા ચઢવા જરૂરી ન હતા એમના માટે….

લો’રિયાલ કોસ્મેટિકમાં સિનિયર કેમિસ્ટથી શરૂ કરેલ ત્રીસ વરસની કારકિર્દિને અંતે રિસર્ચ એંડ ડેવલેપમેંટના વાઇસ પ્રેસિડેંટ તરીકે ધીરૂભાઇ રિટાર્યડ થયા. હવે તો બસ કાંતા સાથે આખી દુનિયા ફરવી એવા એઓના અરમાન હતા. રિટાયર થયાના બીજા અઠવાડિયે તો ત્રણ આઠવાડિયાની ક્રુઝ-દરિયાઇ મુસાફરીએ જવાનું નક્કી જ હતું…પણ પ્રભુને કંઈ જુદું જ મંજૂર હતું. કાંતા સ્વર્ગના કદી ય પાછા ન ફરનારા પ્રવાસે ચાલી નીકળી એકલી…ધીરૂભાઇને એકલા મૂકીને…!

ધીરૂભાઇને બે પુત્રો હતા…મોહન – મેક કે જે ન્યુ જર્સી ખાતે ફાઇઝર ફાર્માસ્યુટિકલ્સમાં ક્લિનીકલ ટ્રાયલ્સનો હેડ ઓફ ધ ડિપાર્ટમેંટ હતો…જ્યારે નાનો નીક કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફ્ટમાં પ્રોડેક્ટ ડેવલપમેંટનો પ્રેસિડેંટ હતો… બંને પરણીને ઠરી-ઠામ થઇ ગયા હતાઃ મેક સીતાને અને નીક ઇટાલિયન છોકરી મારિયાને….!! બંનેને ધીરૂભાઇ ખૂબ જ ભણાવ્યા હતા… બંન્નેના પોતાના આલિશાન ઘરો હતા…બાળકો હતા…કાંતાના અવસાન બાદ બંને એ ધીરૂભાઇને. એઓના ઘરે આવી સાથે રહેવા કહ્યું….અરે…!! મારિયાએ તો ઘણો જ આગ્રહ કર્યો… પણ ધીરૂભાઇએ સહુને નમ્રતાથી ના પાડી અને પોતે એકલા જ જીવવાનુ નક્કી કર્યું. એઓ માનતા હતા: શરૂઆતમાં તો સહુને સારું લાગે પણ સમય જતા પોતાનાનો પણ સ્વજનને બોજ લાગવા માંડે….અતિ નિકટતા આકરી લાગે…નડતર લાગે…. એના કરતાં દૂર રહીને વધુ પ્રેમ પામવો જ સારો….!!! પૈસાનો તો એમને કોઇ સવાલ જ ન હતો…રિટાયર થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા….સ્ટોક ઓપ્શન….સ્ટોક માર્કેટમાં પણ એમણે સારૂં રોકાણ કરેલ હતું….પેન્શન અને સોશિયલ સિક્યુરિટીના પણ પૈસા આવતા હતા…. છોકરાઓને તો એમના પૈસાની કોઇ જરૂર ન હતી… એઓ પોતે જ ખૂબ કમાતા હતા !!

કાંતાના સ્વર્ગવાસ પછીના શરૂઆતના દિવસો તો ઝડપથી પસાર થયા. પણ પછી ધીરે ધીરે ધીરૂભાઇને એકલતા સતાવવા લાગી. પળ કલાક જેવી અને દિવસ યૂગ જેવો લાગતો…. થોડાં સમય પહેલાં ખૂબ જ પ્રવૃત્ત હતા. પોતાના કામને કારણે- વાઇસ પ્રેસિડેંટ ઓફ આર એંડ ડીના કારણે…દિવસની બેત્રણ તો મિટિંગો હોય….બસો અઢીસો ઇમેઇલ…વિડિયો કોન્ફરંસ….વરસમાં ચાર-પાંચ વાર તો હેડ્ક્વાર્ટર ફ્રાંસ – પેરિસના આંટા થતા! દર વખતે કાંતા તો સાથે જ હોય….!!પણ હવે એઓ સાવ એકલા થઇ ગયા હતા..

નિયમિત કસરત, યોગાસન, પ્રાણાયમ – મેડિટેશન મારફતે તન-મન તંદૂરસ્ત રાખ્યું હતું. પણ કાંતા વિના જાણે હવે બધું ય નકામું હતું…એના સરળ સહવાસ વિના એઓ મુંઝરાતા, મુંઝાતા, અકળાતા છટપટતા હતા… ખરે સમયે જ કાંતા છેહ દઇ ગઇ…!! આવી અસીમ એકલતા આમ વેંઢારવી પડશે એવી કલ્પના તો સ્વપ્નેય ન હતી…!! પોતાના પુત્રો સાથે રહેવા જવું ન્હોતું…ટીવી, કોમ્પ્યુટર, ઇંટરનેટથી પણ સમય કપાતો ન્હોતો…કાંતા સાવ છેતરી ગઇ હતી…એના વિના જીવન જાણે એક સજા લાગતી હતી…જીવવું આકરૂં લાગતું હતું !!!

ફ્લાઇટમાં ડિનર સર્વ થયું..ડિનર પત્યા બાદ ધીરુભાઇએ લૅપટોપ ચાલુ કર્યું… ઇમેઇલ ચેક કરી.. મારિયાની ઇમેઇલ હતી… મારિયા નાની પુત્રવધુ રોજ એકાદ ઇમેઇલ તો કરતી જ! એને છેલ્લી ઇમેઇલમાં ધીરૂભાઇએ પુછ્યું હતું કે ઇંડિયાથી એના માટે શું લાવવું?? એણે જવાબ આપ્યો હતોઃ સરપ્રાઇઝ મિ!!! એના આ જવાબથી ધીરૂભાઇ હસી પડ્યા…બીજી ઇમેઇલ નવસારીથી હોટલ સૌરસના મેનેજરની હતી…એમના રિઝર્વેશનનું કન્ફરમેશન અંગે હતી… મુંબઇના સહાર એરપોર્ટ પર એરકંડિશન કાર એમને લેવા આવનાર હતી તેનો રજીસ્ટ્રેશન નંબર અને ડ્રાયવરનું નામ હતું.. છેલ્લાં કેટલાંય વરસોથી એઓ દેશ ગયા ન હતા. નવસારીની બાજુમાં આવેલ ગામ જલાલાપોર એમનુ વતન હતું…ત્યાં એમનું ઘર હતું.. જે વરસો પહેલાં વેચી દીધેલ… એ ઘર જોવું હતું… ગામ જોવું હતું…જે મહોલ્લામાં વરસો પહેલાં ક્રિકેટ રમેલ એ મહોલ્લાની ધૂળ કપાળે ચઢાવવી હતી..!! શક્ય હોય, બને તો જે ઘરમાં એમનું બાળપણ વીત્યું હતું…જે ઘરમાં યૂવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો એ ઘરમાં એક ડગ માંડવો હતો….!!

જ્યારે ધીરૂભાઇએ અમેરિકા જવાનું નક્કી કર્યું અને ઘરમાં જણાવ્યું ત્યારે એમના પિતા હરિભાઇ ખૂબ જ નારાજ થયા હતા. એમની માએ તો રડવાનું ચાલુ કરી દીધું. ધીરૂભાઇ એમનું એકનું એક સંતાન હતા. એઓ એમને આમ અમેરિકા મોકલવા રાજી જ ન હતા. ધીરૂભાઇને એમ કે બા-બાપુજી તો માની જશે….સમજી જશે…!! પરતું હરિભાઇ ન માન્યા તે ન જ માન્યા…!! ધીરૂભાઇએ માતા-પિતાને અમેરિકા બોલાવવા માટે ય ઘણા પ્રયત્નો કર્યા. પણ હરિભાઇ શાના માને…?? પછી તો હરિભાઇએ ધીરે ધીરે પુત્ર પર પત્ર લખવાનું ય બંધ કરી દીધું અને ધીરૂભાઇને પણ લખી નાંખ્યુ કે આપણા સબંધ આટલે જ થી અટકી જાય તો સારૂં !! તારે અમારી સાથે સબંધ રાખવા હોય તો દેશ આવીને રહે અમારી સાથે…!!! પિતાએ જાણે જાકારો જ આપી દીધો….!!! ધીરૂભાઇ ઘણું કરગર્યા!! કાલાવાલા કર્યા….!! પણ હરિભાઇ એક ના બે ન થયા તે ન જ થયા અને ધીરૂભાઇ અમેરિકા છોડીને દેશ આવી ન શક્યા….!! ધીરૂભાઇને મા-બાપને નારાજ કર્યાનો ઘણો જ વસવસો રહી ગયો હતો…એમના મા-બાપનું ઘડપણ એઓ સાચવી ન શક્યા….એમની સેવા-ચાકરી ન કરી શક્યા….એમની અંતિમ ક્ષણે એઓ હાજર ન રહી શક્યા….!!મા-પિતાએ જે ઘરમાં છેલ્લો દમ તોડ્યો એ ઘરમાં જઇને રડવું હતું…!! માત-પિતાને નામે વૃધ્ધાશ્રમમાં દાન કરી, થાય એવું તર્પણ કરવું હતું…

મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પ્લેન હળવેકથી ઊતર્યું….ગ્રીન ચેનલમાંથી ધીરૂભાઇ આસાનીથી કસ્ટમ ક્લિયર કરી બહાર આવી ગયા… બિઝનેસ ક્લાસની મુસાફરીને કારણે એમને પુરતો આરામ મ્ળ્યો હતો એટલે તરો-તાજા લાગતા હતા… મુંબઇની મધ્યરાત્રીની હવામાં જાન્યુઆરી મહિનાની માદક ઠંડક હતી… એરાઇવલની લોંજમાં ડ્રાઇવર એમના નામનું પ્લેકાર્ડ લઇને ઉભો હતો તેના તરફ હાથ હલાવી ઇશારો કરી ધીરૂભાઇએ હાસ્ય કર્યું.

‘ધીરૂભાઇ….??’ ડ્રાવયરે પૂછ્યું. એ પચ્ચીસેક વરસનો યુવાન હતો, ‘માયસેલ્ફ ઇસ સતીશ. સર!! હાઉ ડુ યૂ ડુ…??’

‘ફાઇન!! થેન્ક યૂ!!’

ધીરૂભાઇના હાથમાંથી બેગની ટ્રોલી સતીશે પોતે લઇ લીધી, ‘હાઉ વોઝ યોર ફ્લાઇટ…?’

‘વેરી ગુડ…!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘સતીશ, મને ગુજરાતી આવડે છે અને આપણે ગુજરાતીમાં જ વાત કરીશું….’

‘ઓકે…..!!’ હસી પડતાં સતીશ બોલ્યો, ‘આપણે ચારેક કલાકમાં નવસારી પહોંચી જઇશું.. તમો આરામ કરજો… તમારે તો આત્યારે અમેરિકાના ટાઇમ મુજબ દિવસ ચાલે છે.. બરાબરને…??’

‘હં !!!’

સતીશે વ્હાઇટ હુંડાઇ સોનાટાનો પાછળનો દરવાજો સલૂકાઇથી ખોલ્યો..ધીરૂભાઇએ વિચાર્યું: નાઇસ કાર….!!!

સતીશે સામાન ડિકિમાં ગોઠવ્યો.. કુલરમાંથી મિનરલ વોટરની એક બોટલ કાઢી. પાછળ આવેલ બોટલ હોલ્ડરમાં ગોઠવી…

‘નીકળીશું…?’

‘યસ….સ…તી…શ…!!’ ધીરૂભાઇ હસીને બોલ્યા..

‘રસ્તે એક-બે ચેકપોસ્ટ આવશે…પાસપોર્ટ તૈયાર રાખશો…ઉપરનું બીજૂં બધું હું સંભાળી લઇશ….એમનો ભાવ નક્કી જ છે…પાસપોર્ટ દીઠ પાંચસો….!!’

‘પાંચસો…??’

‘હા, પોલિસને આપવા પડે….લાંચ…!!’

ધીરૂભાઇ હસી પડ્યા…. ‘પોલિસને પાંચસોનો ચાંદલો કરવાનો એમ કહેને….!!’

મુંબઇના અંધેરી પરાને પસાર કરી સોનાટા હાઇવે નંબર આઠ પર આવી ગઇ.. રસ્તામાં કોઇ તકલીફ ન પડી…વહેલી સવારે તો નવસારી પહોંચી ગયા. હોટલ સૌરસનો રૂમ પણ સરસ હતો…ચેક-ઇન થયા પછી મેનેજર પણ રૂબરૂ આવીને મળી ગયો…

શાવર લઇ ધીરૂભાઇ હળવા થયા..રૂમ સર્વિસથી કોફી મંગાવી કોફી પીધી…કફની-સુરવાલ પહેરી એ નીચે ફૉઇઅરમાં ગયા.

‘ગુડ મોર્નિંગ સર…!!’ મેનેજરે હસીને કહ્યું, ‘યૂ શુડ ટેઇક રેસ્ટ…!!!’

‘ઇટ્સ ઓકે…!! આઇ એમ ફાઇન….!! મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે… મારે અહીં ખાસ કોઇ રિલેટિવ્સ, સગા-સબંધી નથી…ને મારે થોડાં કામો વ્યવ્સ્થિત રીતે પતાવવાના છે.. સમયનો સવાલ નથી. આઇ હેવ ઓપન ટિકિટ…!!!મારે જે કંઇ કરવું છે તે વ્યવ્સ્થિત કરવું છે…..!!’

‘જેમકે…??’

‘એક તો મારે હરદ્વાર જવું છે….અસ્થિ વિસર્જન માટે…બીજું, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..!! ત્યારબાદ, જો મન થાય તો દેશમાં ફરીશ….!!’ સહેજ અટકીને એ બોલ્યા, ‘અ….ને અફકોર્સ !! આજે જ બપોરે, લંચ બાદ મારે જલાલપોર જવું છે…સતીશ ઇસ ગુડ…!! જો એની સાથે….!!’

‘એ આવશે..એના મોબાઇલ પર રિંગ કરી દઉં છું…અમારા એન. આઇ. આર મહેમાનો માટે અમે એને રિઝર્વ જ રાખ્યે છીએ…એ ભણેલ છે…એ સ્પેશ્યલ છે…..!!’

‘મને પણ એનો નંબર આપો…હું પણ મારા સેલમાં એંટર કરી દઉં….!!!’

સતીશનો નંબર મોબાઇલમાં એંટર કરી ધીરૂભાઇએ અમેરિકા મેક -નીકને ફોન કરી દીધા પોતે સુખરૂપ નવસારી પહોંચી ગયા છે એમ જણાવી દીધું.

‘તમારા હરદ્વાર અને ભારત દર્શન માટે ‘ઓમ ટ્રાવેલ’ના મેનેજરને સાંજે બોલાવીશ…ધે આર વેરી ગુડ….!! ધે વીલ મેનેજ એવરીથિંગ….!!’

‘ગુ…..ડ….!!’

‘સતીશને ત્રણ વાગ્યાનું જણાવી દઉં??’ મેનેજરે પૂછ્યું…

બપોરે હળવું લંચ લઇ ધીરૂભાઇએ વામકુક્ષી કરી… જેટ-લેગની કોઇ ખાસ અસર લાગતી ન હતી… બપોરે ત્રણ વાગ્યે સતીશ તાજો-માજો થઇ હાજર થઇ ગયો.

‘આપણે જલાલપોર જવાનું છે…!! કેટલું રોકાવું પડે તે કંઇ ખબર નથી…!! જલાલપોર મારૂં વતન છે….મારી જન્મભૂમિ….!!પણ વરસોથી જઇ શકાયું નથી…બસ, એક આંટો મારવો છે….કોઇ ઓળખીતું-પારખીતું મળવાના તો કોઇ ચાંસ નથી….તારે કોઇ એપોઇંટમેન્ટ તો નથીને….??’

‘ના….ના… મેનેજરે મને તમારા માટે જ રિઝર્વડ રાખ્યો છે…!!’

લગભગ સાડા-ત્રણ વાગ્યે તો જલાલપોર પહોંચી પણ ગયા….રસ્તો તો એ જ હતો…રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે ચાર-પાંચ માળના એપાર્ટમેંટ ઊગી નીકળ્યા હતા.

‘ક્યાં લેવાની છે….??’

વાણિયાવાડમાં પોતાના જુના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર ધીરૂભાઇએ કાર ઉભી રખાવી…કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઊઠીને સમી ગયું..

કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જુના ઘરની જગ્યાએ બે માળનુ મકાન ઉભું થઇ ગયું હતું….એમનું જુનું ઘર તો એક માળનું બેઠા ઘાટનું હતું.. થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી ધીરૂભાઇ કારની બહાર આવ્યા… એક ઊંડો શ્વાસ લઇ વતનની તાજી હવા ફેફસામાં ભરી એમણે આંખો બંધ કરી…બાપુજીની યાદથી હૈયું ભરાય આવ્યું. રિમલેસ ચશ્મા કાઢી, પેપર ટિસ્યુથી આંખમાં તરી આવેલ ભીનાશ લૂંછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર દોડાવી…થોડે દૂર આવેલ દેરાસરના શિખર પર ધજા મંદ મંદ ફરકતી હતી…મહોલ્લામાં પણ બીજાં ત્રણ ચાર કાચા મકાનોની જગ્યાને મોટાં પાકા મકાનો બની ગયા હતા… ધૂળિયા રસ્તાની જગ્યાને આલ્સ્ફાટનો રોડ થઇ ગયો હતો….

-હવે ??

-પોતાનું ઘર પારકાનુ મકાન બની ગયું હતું….!!

થોડો વિચાર કરી એઓ ઓટલાના ચાર પગથિયાં ચઢ્યા. એટલાંમાં જ ઘરમાંથી એક યૂવાન બહાર આવ્યો.

‘આ….વો….!!’ ધીરૂભાઇના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંગણામાં ઉભેલ સોનાટા જોઇ યૂવાને એમને આવકાર આપ્યો…

‘થેં….ક્સ…..!!!’ ચંપલ ઓટલા પર બહાર કાઢી ધીરૂભાઇ સહેજ ખંચકાઈને બેઠક ખંડમાં દાખલ થયા.

‘અહીં હીંચકો હતો…!!’ એમનાથી સહજ બોલાય ગયું.

‘આપની ઓળખાણ ન પડી….અંકલ…!!!’

‘ઓ….હ…!! આઇ એમ સોરી…..!!’ ધીરૂભાઇએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘માયસેલ્ફ ધીરૂભાઇ…!!’ બેઠકખંડમાં મુકેલ લાકડાના સોફા પર બેસતા ધીરૂભાઇ બોલ્યા, ‘તમો મને ઓળખતા નથી…હું ન્યુજર્સી… અમેરિકાથી આવું છું….!!’ જરા અટકીને એ બોલ્યા, ‘તમને તકલીફ આપવા બદલ સોરી….!!! મારાથી રહેવાયું નહિં !! વરસો પહેલાં આ અમારું ઘર હતું….ડુ યૂ નો….વોટ આઇ મીન ટુ સે….!!!’

‘ઓ…..હો….!!! તો તમે અહીં રહેતા હતા….?!’ યૂવાને સાશ્ચર્ય કહ્યું…

‘હા!! વરસો પહેલાં…!!!’

એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઇ આવી ધીરૂભાઇને પાણી આપ્યું. ‘થેં…ક્સ….!!’ બે ઘૂંટ પી ધીરૂભાઇ અટક્યા, ‘મીઠા કૂવાનું…..??’

‘હં…!!’ સ્ત્રી હસીને બોલી, ‘પણ હવે તો નળ આવી ગયા છે….મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે આવે છે….!!’

‘ઓ…હ…!! ગુડ…ગુડ…!!’ ધીરૂભાઇએ ગ્લાસ ખાલી કરી ધીમેથી બાજુની ટિપાઇ પર મૂક્યો, ‘તમો અહીં કેટલા વખતથી રહો છો….?? તમો જ ઘરના માલિક છો કે પછી ભાડે…..!!’

‘અમો ઘણા વખતથી છીએ….!! મારા પપ્પાનો નવસારીમાં હીરાનો બિઝનેસ છે….!!અમે જુનું તોડી નવું ઘર બંધાવ્યું હતું….!!’

‘એ તો લાગે જ છે….!!! અમારૂં જુનું ઘર તો એક જ માળનું હતું…!!! મારી એક રિક્વેસ્ટ છે….વિનંતી છે….!! જો તમને કોઇ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે..ઇફ યૂ ડોન્ટ માઇન્ડ…!!’

‘અ…..રે…..!!! અમને શું વાંધો હોય…?? આવો…અંદર આવો….’ સ્ત્રીએ રાજી થતાં કહયું….’તમે ચા-કોફી શું લેશો….??’

‘બ….સ…., કંઇ નહિ…!! તમે મને ઘરમાં દાખલ થવા દીધો એ જ વધારે છે !! આમ અચાનક આવીને મેં તમને મૂંઝવણમાં તો નથી મુક્યાને….??’

‘ના…..રે…!’ યૂવાને ધીરૂભાઇને ઘરમાં દોરતા કહ્યુ, ‘આવો અંદર આવો…!’

ધીરૂભાઇ બેઠક-ખંડમાંથી અંદરના ઓરડામાં ગયા….

-અહીં બાનો ખાટલો રહેતો….!!

જાણે પ્રદક્ષિણા ફરતાં હોય તેમ ધીરૂભાઇએ ત્યાં એક આંટો માર્યો…બાનો હેતાળ ચહેરો મન-દર્પણ પર ઉપસી આવ્યો….એમની આંખ એમની જાણ બહાર ફરી ભીની થઇ ગઇ…!!

રસોડું પાછળ પેજારીમાં રહેતું ત્યાં માર્બલનું રસોડું થઇ ગયું હતું…ત્યારે વાડામાં એક નાળિયેરીનું વૃક્ષ હતું ….આજે એ વાડામાં પથ્થરો જડાઈ ગયા હતા..ત્યારે લાકડાનો દાદર હતો, હવે પથ્થરનો…!! એ દાદર ચઢી ધીરૂભાઇ ઉપરના માળે ગયા…એમની પાછળ પાછળ યૂવાન અને સ્ત્રી સાશ્ચર્ય દોરવાતા હતા…ઉપર આગળનો ઓરડો હવે તો ખાસો મોટો લાગતો હતો…

-આ જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો….

-કદાચ!!! બાપુજીએ છેલ્લાં શ્વાસ અહીં જ લીધા હશે…!

-ઓહ…બાપુજી….!! મને માફ….કરજો….!!!

પિતાને યાદ કરતા આવેલ હીબકું ધીરૂભાઇએ માંડ માંડ રોક્યું…

થોડાં ડગલા ચાલીને એઓ બારી પાસે ગયા. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી.

-આ રહ્યું સામે જમુભાઇ ફોજદારનુ ઘર….! આ પેલો હસુ વાણિયાનો બંગલો…!! ને આ રહી પાનાચંદકાકાની હવેલી….!!

ધીરૂભાઇની નજર પાનાકાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઇ…હવેલી હજુ એવી ને એવી જ હતી…સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે….!! ઊંચા ઓટલા પર ધૂળના થરના થર બાઝી ગયા હતા…દીવાલ પર પોપડા ઊખડી ગયા હતા અને પીપળાનું ઝાડ ઊગી ગયું હતું….

-કેવી ભવ્ય જાહોજલાલી હતી એ હવેલીની !!!

એમની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં જ ચોંટી ગઇ !!

-વરસો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી!!!

-એમાંથી એક નજર કાયમ એમને તાકી રહેતી…એમને માટે તડપતી રહેતી…. તરસતી રહેતી…

-ઓહ….!

-સરલા… સરળ સરલા..!!! મુગ્ધ…મનોહર… મધુરી… સરલા.. !!!

જાણે હજુ ય એ બંધ બારીઓમાંથી સરલા તાકી રહી હોય એવું આજેય અનુભવ્યું ધીરૂભાઇએ !!

-સ..ર…લા…..!

સરલાની યાદનુ બીજ મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઇ ગયું હતું તે એકદમ જાણે સ્ફુરિત થઇ ગયું….

પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું ધીરૂભાઇએ….!!!

બે હાથો વડે બારીની બારસાખ પકડી લીધી. ધીરૂભાઇએ….!

એમની વ્યાકુળ થઇ ગયેલ નજર હવેલીની એ બંધ બારીઓ પરથી હટતી જ ન હતી…!

‘આ પાનાકાકાની હવેલી કેમ બંધ છે…?’ હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી એ બોલ્યા.

‘અમને કંઇ ખબર નથી…એમની એક છોકરી થોડા સમય રહી હતી પણ હાલે ક્યાં છે એની અમને કંઇ ખબર નથી…!!’

‘સ…..ર…..લા…!’ એક એક શબ્દ છુટ્ટો પાડી એ બોલ્યા.

‘હા, એવું જ કંઇ નામ હતું પણ એ બાઇ કોઇ સાથે બહુ ખાસ વાત ન હતી કરતી…અને હવે તો એ હવેલી પણ પડું પડું થઇ રહી છે…!!’

ધીરૂભાઇએ ફરી વાર એ બંધ બારીઓ પર એક નજર કરી : કાશ….!!હવાના ઝોકાંથી એ બારીઓ ખુલી જાય ને…….!!!

એક ઊંડો નિઃશ્વાસ નાંખી માંડ એ બારીઓથી દૂર ખસી દાદર ઉતરી એઓ નીચેના બેઠકખંડમાં આવ્યા.

‘થેંક યૂ વેરી મચ…!! આપનો ખૂબ ખૂબ આભાર….!!! હું હવે નીકળીશ….!! મેં તમારો ઘણો સમય લીધો…..!!’

ઓટલા પરથી ચંપલ પહેરી ધીરૂભાઇ કારમાં ગોઠવાયા…અહીંથી જાણે નીકળવાનું એમને મન થતું જ ન્હોતું….ન જાણે કેમ વતનની હવાથી મન પ્રફુલ્લિત થવાને બદલે ગમગીન થઇ ગયું !!

-સ…ર….લા……!!!

સરલાએ આચાનક મન પર કબજો જમાવી દીધો….

આજ સુધી કદી ય સરલાના વિચારો આવી રીતે આવ્યા ન હતા..!!

-સ…ર….લા……!!!

યૂવાનીમાં ડગ માંડતી સરલાના મનમાં ધીરૂભાઇ વસી ગયા હતા..ધીરૂભાઇ કરતાં પાંચ-છ વરસ નાની હતી એ….સહેજ ભીને વાન…નમણી…નાજુક…યૂવાનીના સૌંદર્યથી શૃંગારિત સરલા….!!એના કપાળમાં દેરાસરના કેસરનું નાનકડું તિલક એને વધુ આકર્ષક બનાવતું!! એના મોહક સૌંદર્ય અને તિરછી નજરોથી કોઇ પણ યૂવાન ઘાયલ થઇ જાય એવી સુંદર સરલા….!! પણ ધીરૂભાઇ ઘાયલ ન થયા તે ન જ થયા…!! ધીરૂભાઇએ તો ગમેતેમ કરીને પરદેશ જવાનું ધ્યેય રાખ્યું હતું….અને એ હાંસલ કરવામાં એમને કોઇ અવરોધ જોઇતો ન હતો….કોઇ અંતરાય એમને રોકી શકે એમ ન હતો…!!

સરલા ધીરૂભાઇની દિવાની હતી….!! એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર….!! એ ધીરૂભાઇને દિલો-જાનથી ચાહતી….ખૂબ જ પ્રેમ કરતી…!!

ધીરૂભાઇ એને સમજાવતાઃ હું તારા નસીબમાં નથી સરલા …

સરલાએ હસીને કહેલું: ધીરેન, ભલે તું મારા નસીબમાં નથી..પણ હું તારા નસીબમાં જરૂર છું !! તારૂં નસીબ જાગશે ને તું મારી પાસે આવવા ભાગશે….!!!

-ઓહ સરલા!! મારૂં નસીબ તો જાગી ગયું છે. પણ તું છે ક્યાં…??? બસ એક વાર મળવું છે તને…!

‘તમે કંઇ કહ્યું સ…ર…??’ સતીશે ધીરૂભાઇને પુછ્યું…ધીરૂભાઇના મનના વિચારો એમની ધ્યાન બહાર જ એમના હોઠો પર આવી ગયા એની ખુદ એમને ય જાણ ન થઇ.

‘ઓહ….!!! નો…..નો…!!’ ધીરૂભાઇને જાણે વર્તમાનમાં આવવું જ ન હતું.

કેમેસ્ટ્રીમાં એમ એસસી થયા બાદ ધીરૂભાઇએ અમેરિકન કંપનીઓમાં નોકરી માટે અરજીઓ કરી…એમના એક પ્રોફેસર અમેરિકા સ્થાયી થયા હતા એમનો પણ સંપર્ક કર્યો…અને એક કંપની તરફથી એઓ પસંદ થઇ ગયા…એ કંપનીએ એમ્પ્લોયમેંટ વાઉચર મોકલતા એમને યૂએસ કોન્સુલેટ જનરલે અમેરિકાના વિઝા આપ્યા… ને ધીરૂભાઇ પોતાના ધ્યેયમાં સફળ થયા. એમના પિતાશ્રીનો તો ઘણો જ વિરોધ હતો…પરતું ધીરૂભાઇની જીદ આગળ કોઇનું કંઇ પણ ન ચાલ્યું તો બિચારી સરલાના પ્યારની દીવાલ તો એમને કેવી રીતે રોકી શકે…..??

સરલા મળવા આવી હતી ધીરૂભાઇ અમેરિકા જવાના તેની આગલી રાતે..

રડી રડીને એની આંખોમાં જાસૂદ ઊગી ગયા હતા.

‘મેં તને કહ્યું હતું સરલા….’ ધીરૂભાઇ પતરાની પેટીમાં પોતાના કપડાં-સામાન મૂકી રહ્યા હતા, ‘મને તું પ્યાર ન કર…પ્રેમ ન કર…!! ભૂલી જા મને….!! અને સાચુ કહું તો તું મને થોડાં જ વખતમાં ભૂલી પણ જશે…!!’

સરલા એ ડૂસકું ભર્યું, ‘ધી…..રે……ન…..!! પોતાના આંસુ માંડ માંડ ખાળી રડતા રડતા ભીના અવાજે એ બોલી, ‘ધી…..રે……ન….. હું તારી રાહ જોઇશ…!!!’

‘એવી ભૂલ તો કરતી જ નહિં…!!’ હસીને ધીરૂભાઇ બોલ્યા, ‘એને બદલે કોઇ સારૂં ઘર ને સારો વર જોઇને પરણી જજે…!!’

‘ધી…રે….ન…!’ સરલાના આંખમાં સરોવરો સહેજ વધુ છલકાયા, ‘લે…, આ….’ સાથે લાવેલ એક બંધ પરબીડિયું-કવર એણે ધીરૂભાઇને આપ્યું, ‘લે….!! આ, ત્યાં અમેરિકા જઇને વાંચજે…!!’ પછી એ દોડીને ઘરની બહાર જતી રહી….બસ…ફરી કદી ય ન મળી…!!

ધીરૂભાઇને ઘણા કામો હતા…ને સમય ઓછો હતો…નારાજ મા-બાપને રાજી કરવાના હતા…સામાન પેક કરવાનો હતો….વહેલી સવારે વીરમગામ પેંસેજર પકડી મુંબઇ જવાનું હતું…એમણે સરલાએ આપેલ કવર કપડાં સાથે બેગમાં મૂકી દીધું…

અમેરિકા અવ્યા બાદ લગભગ બે-ત્રણ અઠવાડિયા પછી એ પત્ર એમને હાથે ચઢ્યો…પત્ર ખોલ્યો…ધીરૂભાઇએ વાંચ્યો….

–આપણારસ્તાઓહવેસાવજુદાથઇગયા
હતાતમોમારાસનમ, હવેખુદાથઇગયા.

પત્ર લખ્યો હતો સરલાએ….પ્રેમ-પત્ર…!! પત્રના શબ્દે શબ્દે નીતરતો હતો નર્યો પ્રેમ…!!

હસી પડ્યા ધીરૂભાઇ: ગાંડી…!! મને, એક નાચીઝને, ખુદા બનાવી દીધો….!!પગલી..!!

‘ઓ….પ્રભુ…!’ ધીરૂભાઇથી મોટેથી બોલાઈ ગયું.એક નિઃશ્વાસ નંખાઈ ગયો એમનાથી…

‘સ…ર….!! તમને કં…ઈ થાય છે…?? આર યૂ ઓકે….!!’ સતીશને ચિંતા થઈ આવી…એણે કારની ઝડપ ઓછી કરી.

‘ના…..ના…. આઇ એમ ફાઇન….!! આ તો પુરાણી યાદોએ મને વિહ્વળ બનાવી દીધો…!! આઇ એમ ઓકે….!!!’

સૌરસ હોટલ આવી ગઈ..સતીશને પાંચ હજાર રૂપિયા આપી પોતાના રૂમમાં ગયા. જાણે પોતે માઇલોની મેરેથોન દોડી આવ્યા હોય એમ એમને લાગતું હતું…ખાસ તો સરલાએ જે રીતે એમના મન પર કબજો જમાવી દીધો એનાથી એઓ વિચલિત થઇ ગયા….એ વિશે એમને ખુદને નવાઈ લાગતી હતી…

-સરલાનો પ્યાર એક તરફી હતો…!! સાવ યૌવન સહજ આકર્ષણ!!

-કે પછી ધીરૂભાઇ પણ અંદર અંદર સરલાને ચાહતા હતા કે શું.. ?? એમના મને એમને તીક્ષ્ણ સવાલ પૂછ્યો….!!

-ના, એવું નથી…

-તો પછી આટલા વરસ પછી સરલા કેમ આમ યાદ આવવા લાગી…?? સતાવવા લાગી….??

-એક વાર બસ એક વાર મળવું છે એ…ને…!!

-ક્યાં શોધવી હવે એને…??

સાથે લાવેલ બ્લેક લેબલ ની બોટલમાંથી અડધો ગ્લાસ વ્હિસ્કી ભરી, ગ્લાસ આઇસ ક્યુબથી ભરી દીધો…રૂમના ખૂણામાં રાખેલ સોફા પર બેસી એક ઘૂંટ ભર્યો….એમને વરસોથી સાંજે નિયમિત બે પેગ વ્હિસ્કી પીવાની આદત હતી..

-ફરગેટ હર….!! હવે તો કોણ જાણે ક્યાં હશે એ…..??!! કોક વેપારી વાણિયાને પરણીને ઠરી-ઠામ થઇ ગઈ હશે….!!

એટલામાં ફોન રણક્યો….સૌરસના મેનેજરનો જ ફોન હતો..ઓમ ટ્રાવેલનો મેનેજર આવી ગયો હતો….એમને બન્નેને ઉપર રૂમમાં આવવાનું જણાવતા બન્ને ધીરૂભાઇના રૂમમાં આવ્યા. હાય…હલ્લો થયું…ધીરૂભાઇએ વ્હિસ્કીની ઓફર કરી હસીને કહ્યું, ‘આઇ હેવ પરમિટ….લિકર પરમિટ…!! માટે ડરતા નહિ…આઇ નો…!! ગુજરાત ડ્રાય સ્ટેટ છે…!!!’

બન્નેએ નમ્રતાપુર્વક ના પાડી….

ઓમ ટ્રાવેલ્સના મેનેજરને ધીરૂભાઇએ પોતાના પ્રવાસની માહિતી આપી…ત્રણ-ચાર દિવસમાં આઇટેનરી સાથે એર અને કાર મારફતે પ્રવાસની પૂરી માહિતી સહિત ફરી મળવા અંગે જણાવ્યું.

‘સર…!’ સૌરસના મેનેજરે પુછ્યું, ‘આપ કંઇ વૃધ્ધાશ્રમ અંગે કહેતા હતા…!!’

‘હા…, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે. કોઈ વ્યસ્થિત ચાલતા આશ્રમમાં બહુ હો- હા કર્યા વિના દાન કરવું છે… !! પણ એ પહેલાં, મારે જાતે એ વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..એની પ્રવૃત્તિઓ વિશે જાણવું છે….!!’

‘સ…મ…જી ગયો….!! અહીં વલસાડ નજીક તિથલ ‘ખાતે દીકરાનું ઘર’ કરીને એક આશ્રમ છેલ્લા કેટલાંક વરસોથી ચાલે છે. મને એની ખાસ માહિતી ન હતી. પણ આપના ગયા બાદ તપાસ કરાવી તો મને થયું કે……’

‘તો પછે ત્યાં….થી જ શરૂઆત કરીએ…!’ હસીને ધીરૂભાઇએ કહ્યું, ‘શુભસ્ય શીઘ્રમ….!! કાલે સવારે તિથલ જઇશ…અગાઉથી જાણ કરવાની કે દાનની વાત કરવાની નથી…નહિતર ખરી હકીકત જાણવા ન મળે ….!!’

‘બ..રા….બ….ર……!!!’ મેનેજરે સમજી જતાં કહ્યું… ‘સવારે કેટલા વાગે નીકળવું છે…?? તિથલ પહોંચતા કલાક-સવા કલાક થાય….!’

‘તો પછી અહીંથી સાત સવા સાતે સતીશ સાથે નીકળીશું…તો નવેક વાગ્યે તો ત્યાં…!’

બીજો પેગ પી ડિનર લઈ ધીરૂભાઇ નિંદ્રાધીન થયા.

કોઈ દિવસ નહિ ને આજે સપનામાં પણ સરલા આવી !! આજ સુધી કદી ય સરલાનું સ્વપ્ન આવ્યું ન હતું…સદાય પ્રફુલિત ઊઠનારા ધીરૂભાઇનું મન સવારે ઊઠ્યા ત્યારે બેચેન હતું !! હોટલની હેલ્થ ક્લબમાં અડધો કલાક વર્ક આઉટ કરી આવ્યા…શાવર લઇ ડબલ ઑમલેટ-બ્રેડ, ઓરેંજ જ્યૂસનો નાસ્તો કરી તૈયાર થયાને સતીશે બારણે ટકોરા માર્યા.

‘ગુડ મોર્નિંગ સર…!! મને મેનેજરે કહ્યું કે તિથલ જવાનું છે…કો…ઇ આશ્રમમાં…?’

‘હા…. તને સરનામું આપ્યું..??’

‘હા…, કંઇ લેવાનું છે સાથે…? મિનરલ વોટર તો ગાડીમાં છે જ…..’

‘બ…સ, તો ચાલો….!’

જાન્યુઆરી મહિનાનો સુરજ પુર્વાકાશમાં ઘૂંટણિયા કરી રહ્યો હતો…

સવા કલાકના પ્રવાસ બાદ તિથલના દરિયા કિનારાથી થોડે દૂર, એક કમ્પાઉંડની બહાર સતીશે હળવેકથી કાર ઉભી રાખી…

‘અંદર લેવી છે…?’ કમ્પાઉંડનો મોટો દરવાજો બંધ હોય સતીશે પુછ્યું.

‘ના….ના…… તું બહાર જ રાખ…! તારે અહીં કશે ફરવું હોય…., સાંઈબાબાના દર્શન-બર્શન કરવા હોય તો કરી આવ…મને કદાચ વાર લાગે…!! તારો સેલ નંબર તો મારી પાસે જ છે એટલે મને કાર જોઇશે ત્યારે રિંગ કરીશ…!!’ કારમાંથી ઉતરી ધીરૂભાઇએ કહ્યું

મોટા દરવાજાની બાજુમાં આવેલ નાનો ઝાંપો ખોલી ધીરૂભાઇ અંદર દાખલ થયા. બેઠા ઘાટનું પચ્ચીસેક ઓરડાનું, ત્રણેક એકરમાં પથરાયેલ મકાન હતું. કમ્પાઉંડમાં મકાન તરફ જતાં રસ્તાની બન્ને તરફ નાળિયરી અને આસોપાલવના વૃક્ષોની હારમાળા હતી…દરિયા પરથી ફૂંકાઈ રહેલ પવનમાં નાળિયેરી પાન હલવાને કારણે લયબધ્ધ સુરિલો અવાજ થતો હતો..પંખીઓને મધુરો કલરવ વાતાવરણમા સંગીત રેલાવી રહ્યો હતો. ધીરૂભાઇએ શાલ બરાબર ઓઢી…આજે ઠંડક વધારે હતી…થોડાં વૃધ્ધો કંમ્પાઉંડમાં ગોઠવેલા બાકડાં પર, તો કેટલાંક આરામ ખુરશીમાં બેસી તડકામાં શરીર તપાવી રહ્યા હતા.. તો કેટલાંક વડીલો સળગી રહેલ તાપણાની આજુબાજુ બેસી ઠંડી ઉડાડી રહ્યા હતા… અંદર ક્યાંક વાગી રહેલ ભજનની મધુરી સુરાવલિ સંભળાઇ રહી હતી : અબ તો આવો ગિરધારી….લાજ રાખો હમારી…..!!

થોડું વિચારી ધીરૂભાઇ વૃધ્ધોના ટોળાં પાસે ગયા…

‘જે શ્રી કૃષ્ણ…..!!’

‘જે…..જે….ભાઇ…!’ એક બોખાં વડીલે સહેજ હસીને પુછ્યું, ‘આવો…આવો….!! દાખલ થવા આવ્યા…એકલા….?! છોકરો ઊતારીને જતો પણ રહ્યો….?!’ વૃધ્ધે કારને જતી જોઇ હતી, ‘અંદર પણ ન આવ્યો….!! જમાનો બહુ ખરાબ આવી ગયો, ભાઇ…..!!’

ધીરૂભાઇને એમના બાપુજીની તીવ્ર યાદ આવી ગઈ….

‘ચા…લો…!! ચા…લો…!! દાદા…!!’ અંદરથી એક બાર-તેર વરસનો છોકરો સ્ટીલની થોડી તાસકોમાં નાસ્તો લઇ ઝડપથી આવ્યો, ‘આજે…તો મહારાજે શીરો બનાવ્યો છે…!! ટેસ્ટી…!! ગરમાગરમ…!! તમારે ચાવવાની જરૂર જ નહિ….!! ગળા નીચે ઊતરી જાય સીધો સડસડાટ…!!’

અચાનક છોકરાની નજર ધીરૂભાઇ પર પડી ને અજાણ્યાને જોઇ એ ચમક્યો, ‘ત…મે….?? કોને મળવું છે….??’

‘મારે મેનેજરને મળવું છે…!! જો…હોય તો…’

‘આવો….., તમે ઓફિસમાં બેસો….’ ધીરૂભાઇને એક ઓરડા તરફ દોરતાં એ બોલ્યો., ‘અહીં બેસો…હું મોટાબેનને મોકલું છું…’

છોકરાની પાછળ પાછળ ધીરૂભાઇ એક ઓરડામાં બનાવવામાં આવેલ ઓફિસમાં ગયા. એક મોટા ટેબલની આગળ ત્રણ ખુરશી અને પાછળ એક ખુરશી ગોઠવેલ હતી. ટેબલ પર ખાદીનો ટેબલક્લોથ પાથરેલ હતો. બારી પર સહેજ ઝાંખા પડી ગયેલ ખાદીનાં પડદા લટકતા હતા. દીવાલ પર બંધ પડી ગયેલ ઘડિયાળમાં સમય જાણે થીજી ગયો હતો..દીવાલ પર ગાંધી, જવાહર અને સરદાર પટેલની તસ્વીર લટક્તી હતી.. ધીરૂભાઇ ટેબલ આગળની એક ખુરશી પર હળવેકથી ગોઠવાયાં….

‘હું બા-બહેનને મોકલાવું છુ..!! તમે બેસો….!’ કહી છોકરો બહાર દોડી ગયો…

થોડાં સમય પછી એક બહેન ઓફિસમાં આવ્યા…એમણે ગુલાબી કોટન સાડી પહેરી હતી…

‘ન….મ…સ્તે….!! હું અહીં ઓફિસનું તથા દેખ-ભાળનું કામ કરૂં છું.. !’ બહેને બે હાથ જોડી નમ્રતાપૂર્વક નમસ્કાર કરતા કહ્યું…

ઉભા થઇ ધીરૂભાઇએ બે હાથો જોડ્યાં..અ…..ને..એમના હાથ જોડેલ જ રહી ગયા….!!

ધીરૂભાઇને લાગ્યું કે, એમનુ હૃદય એક વાર ધબકવાનું ચૂકી ગયું અને પછી બમણા જોરથી ધબકવા લાગ્યું…ધક… ધક… ધક… ધક… ધક…!!!

‘બે….સો…!’ ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં સાડીનો પાલવ બરાબર વીંટાળી ગોઠવાયા…એમને ઠંડી લાગી રહી હોય એમ લાગતું હતું…

ધબ દઈને ખુરશી પર બેસી પડ્યા ધીરૂભાઇ…!!

એમણે ઓઢેલ કાશ્મિરી શાલ પણ ખભા પરથી સરી ગઈ. સ્વયમ્‍ પર જાણે કોઈ કાબૂ જ ન રહ્યો ધીરૂભાઇનો….!!!

‘બો…..લો.. શું કામ પડ્યું….? આશ્રમનું…?!’ ટેબલ પરના કેટલાંક અસ્ત-વ્યસ્ત પત્રો વ્યવ્સ્થિત કરતાં એ બહેન બોલ્યા, ‘આપને આશ્રમની કોઇ માહિતી જોઇએ છે….? કોઈને આશ્રમમાં મૂકવા હોય તો….’

‘…………………!!’ ધીરૂભાઇ અવાક…નિઃશ્બ્દ….!! શબ્દો જાણે હવા થઇ ગયા…!!

‘હાલે અહીં જગ્યા નથી…! હાલે બાવીસ વૃધ્ધો અને પંદર માજીઓ છે…!! જે પણ વધારે છે….!!’

-એ જ ર…ણ….કા….ર…..!!! એ જે વીંધી નાંખનારી કાતિલ નશીલી નજર…!! ઘંઉવર્ણા ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઇ છે….!! પણ એ કરચલીઓ ચહેરાની આભામાં વધારો કરી રહી છે….!! ને કપાળમાં પેલું એ જ ટ્રેડમાર્ક સમું દેરાસરના કેસરનું તિલક..! એ જ છે….!! એ જ છે….!!!

-સરલા જ છે….!! એમનું મન કહેતું હતું…સરલા જ છે….!! ઓહ…!! પણ એ અહીં ક્યાંથી…!?

-શું એણે મને ઓળખ્યો હશે…!?

-પણ ક્યાંથી ઓળખે….?! ત્યારે તો મને કાળ દેવાનંદ સ્ટાઇલના ઘુંઘરાળા વાળ હતા અને હ…વે ટાલ….!!

ધીરૂભાઇ શબ્દ્શઃ ધ્રૂજતા હતા…. ઉત્તેજનાથી…! કોઇ અગમ્ય આવેશથી!! શબ્દો મળતા ન હતા એમને….!!

પોતાના જ હ્રદયના ધબકાર કાનમાં સંભળાઈ રહ્યા હતા…. ધક… ધક… ધક…!!!

જીભ લોચા વાળતી હતી…

‘પા…..પા….આ…આ….ણી મળશે પીવા માટે…?!’ સામે ટેબલ પર મિનરલ વોટરની બોટલ હોવા છતાં ધીરૂભાઇએ પાણી માંગ્યુ.

આટલી ઠંડીમાં ય એમને પરસેવો વળી ગયો… જે મનમાં હતી…જે ક્યાંક દિલમાં સંતાયેલ હતી… સ્વપ્નમાં સતાવતી હતી એ સરલા આજે સામે હતી…રૂબરૂ હતી…!જેની હતી જૂત્સજૂ થઈ ગઈ હતી એ અચાનક રૂબરૂ…! હૂબહૂ…!!

‘ચો…ક્ક…સ…!!’ થોડી નવાઇ સાથે બહેન ઉઠીને બહાર ગયા. ઓટલા પર મૂકેલ માટલામાંથી ગ્લાસમાં પાણી ભરી, જાતે લઇ આવી ધીરૂભાઇને આપ્યું.

-તો મને નથી ઓળખ્યો…!!

-અને ઓળખે પણ કેવી રીતે….??

-પણ એ અહીં ક્યાંથી….!?એ પણ આ વૃધ્ધાશ્રમમાં….!?

પ્રશ્નોની ધાણી ધીરૂભાઇના મનમાં ફૂટી રહી હતી..જમણા કાન પાછળ પરસેવાનો રેલો ધીમેથી ઉતરી રહ્યો હતો…શરીર પાણી પાણી થઇ ગયું હતું….

‘આપને કંઈ થાય છે…?’

‘ના…ના..!! આઇ એમ ઓકે…!!’ એકી ઘુંટે ગ્લાસ ખાલી કરી ધીરૂભાઇ બોલ્યા…એઓ હાંફતા હતા…શ્વાસ માટે જાણે વલખાં મારતા હતા….

‘અહીં આશ્રમમાં અઠવાડિયામાં બે વાર ડોકટર આવે છે…!! આ….જે…..!!’

‘વેઈટ અ મિનિટ….!!’ બહેનને વચ્ચેથી અટકાવતા મોટેથી ધીરૂભાઇએ અચાનક કહ્યું, ‘વેઈટ અ મિનિટ….!!’ પણ પછી શું કહેવું-કરવું એ સમજ ન પડતા એઓ સાવ મૌન થઇ ગયા!

‘બો……લો…!’ એમના મોટા અવાજને કારણે બહેન પણ સહેજ ચમક્યા!

ખુરશી પરથી ધીરૂભાઇ ધ્રુજતાં ધ્રુજતાં ઉભા થયા. હાથ પર સરકી ગયેલ શાલ હળવેકથી ખુરશીના હાથા પર મૂકી, ત્રણેક ડગલા પાછળ હટીને, બારણાની વચ્ચે ટટાર ઉભા રહી ધીમેથી સંયત અવાજે બોલ્યા, ‘મને ન ઓળખ્યો…સરલા…?! તા…રા….ધીરેનને….?’

હવે ચમકવાનો વારો હતો સરલાનો…!

‘ધી……રે….એ….એ…..ન…??!! ઓ પ્રભુ….!! તું…??’

સરલા ચમકી…ઝડપથી એ ખુરશી પરથી ઉભી થઇ. ધીરૂભાઇ કંઈ સમજે તે પહેલાં તો એણે આગળ વધીને નમીને ધીરૂભાઇના ચરણસ્પર્શ કર્યા, ‘પ્ર…ભુ આવ્યા મારે આંગણે ને હું પામર એને જ ન ઓળખી શકી…!!’ સરલાની આંખમાંથી શ્રાવણ – ભાદરવો વહેવા લાગ્યો.. ધ્રૂસકે ચઢી એ ધીરૂભાઇને એકદમ ભેટી પડી…!! ધીરૂભાઇના નયનો પણ છલકાયા…સહેજ સંકોચથી ધીરૂભાઇએ સરલાની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો…

સમય જાણે થંભી ગયો.

ડૂસકાં ભરતી સરલા ખુરશી પર ફસકાઈ ગઈ… ધીરૂભાઇ એની બાજુની ખુરશી પર બેસી ગયા…હજુ ય એ માની જ શકતા ન હતા કે એઓ સરલા સાથે બેઠાં છે….! સરલા પાસે બેઠાં છે…!!

‘ધી…..રે…એ….ન…..!!! ધી…..રે…એ….ન…..!!’ ધીરૂભાઇની આંખમાં આંખ પરોવી રડતા રડતા હસી પડતા સરલા બોલી, ‘મને ખાતરી હતી….!! મને શ્રધ્ધા હતી, તું આવશે….જરૂર આવશે…જ !!’ રડતા રડતા ભીગી ભીગી આંખે હસી રહેલ સરલા દિવ્ય લાગતી હતી…ભવ્ય લાગતી હતી… અદ્ભુત લાગતી હતી….પ્યારી પ્યારી લાગતી હતી….!! હર્ષાશ્રુથી ભીંજાયેલ સરલા અદ્વિતીય લાગતી હતી…

‘પ….ણ….તું અહીં..?!વૃધ્ધાશ્રમમાં…??’ એના જમણા હાથનો પંજો પોતાના બન્ને હાથોમાં લઇ પંપાળતા પંપાળતા ધીરૂભાઇએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘તારૂં ફેમિલી …??’

‘આ જ મારૂં ફેમિલી ….!! પણ તારી વાત કર મને….!! કેમ કરીને તેં મને શોધી કાઢી….??’

‘અ…..રે….ભા…ઇ!! હું તો આવ્યો હતો વૃધ્ધાશ્રમમાં દાન કરવા માટે….!!’ સહેજ અટકીને ધીરૂભાઇ બોલ્યા, ‘એમ જોવા જઇએ તો બાપુજીએ જ મેળવ્યા છે આપણને….!! એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવું છે…હું બે જ દિવસ પહેલાં આવ્યો અમેરિકાથી….!!’

‘એ….ક….લો…?’ સરલાએ એકદમ પુછ્યું

‘હા….એકલો….! સાવએકલો…!!’ ધીરૂભાઇએ સાવ શબ્દ પર ભાર દેતાં કહ્યું, ‘પ…..ણ…!’ સહજ વિચારી એ અટકી ગયા….

‘કેમ અટકી ગયો…..?!’

‘હ…વે…મને તારી વાત કર…!’

‘મારી વાત…??’ સરલા અટકી ને સહેજ મરકતા બોલી, ‘મારી વાત તો તારી આગળ આવીને અટકી જાય છે ધીરેન…!! મેં તો તારી રાહ જોઈ જિંદગીભર…!! અ…ને…જો, તું આજે મારે આંગણે આવીને ઊભો છે….!’

‘શું વા……ત કરે છે…?!!’ ધીરૂભાઇ માની જ ન શક્યા…

‘મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઈશ…..!! અ…..ને….મેં જોઈ તારી રાહ…..!!’

સાવ અવાચક જ રહી ગયા ધીરૂભાઇ…!!

-આવો ભવ્ય ત્યાગ….!! આ…વો અમર પ્રેમ….!!!

‘તું તો જતો રહ્યો હતો અમેરિકા મને પાછળ સાવ એકલી મૂકીને….!! તરફડતી છોડી ગયો હતો મને….!! પહેલાં તો મને થયું કે કેમ જીવાશે તારા વિના…!! પણ પછી મને રાહ મળી ગયો….જિંદગીનો…!!’પ્રેમભરી નજરે ધીરૂભાઇ તરફ જોતાં સરલા બોલી, ‘રસ્તો મળી ગયો જિંદગીનો….!! તારી યાદ….!!તારી મધુરી યાદ મારા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ…!! જ્યાં જોઉં હું ત્યાં તને જ જોતી….!! શું કામ શોધું હું તને આસપાસમાં….?? તું તો વસ્યો હતો મારા શ્વાસે શ્વાસમાં….!! મીરાંએ માધવને ચાહ્યો છે એના કરતાં વધુ તીવ્રતાથી મેં તને ચાહ્યો છે…!! મીરાંએ તો વિષનો પ્યાલો પીધો હતો….જ્યારે મેં તો તારા અમર પ્રેમનો પ્યાલો પીધો….!! પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન…..!!’ એક શ્વાસ લેવા સરલા અટકી….પણ એની નજર ધીરૂભાઇ પરથી જરાય હટતી ન હતી…એણે વાતનું અનુસંધાન કરતાં કહ્યું…. ‘પ્રેમ કરીને તને હું તો થઈ ગઈ પાવન….!! વસ્યો હતો દિલમાં મારા, સાજન મારો મનભાવન….!! મનોરોગીની કક્ષાએ જઈને મેં તને મહોબ્બત કરી છે…માણ્યો છે તને…!! તારી સાથે સવંનન કર્યું છે….તારી સાથે એકલી એકલી વાતો કરતી…લડતી, ઝગડતી રહી છું…!! અરે! પેટી ભરીને પ્રેમપત્રો લખ્યા છે તને…. કાવ્યો રચ્યા છે તારા અમરપ્રેમના ….!!’ ડૂસકું ભરવા સરલા અટકી….ધીરૂભાઇ સ્તબ્ધ બની જાણે કોઇ દિવ્ય વાણી સાંભળી રહ્યા હતા… ‘મોટાભાઈએ તો બહુ આગ્રહ કર્યો…! સમજાવી કે પરણી જા…!’સરલા પોતાના પિતા પાનાચંદકાકાને મોટાભાઈ કહેતી હતી, ‘પણ મારી જીદ મેં ન છોડી તે ન જ છોડી…!! ને તું જ કહે કેમ કરીને પરણું હું પારકાને જ્યારે મનથી વરી ચૂકેલ હું તને..?! કેમ કરીને છેતરું મને અને અન્યને…?!’ સરલાની આંખો વહેતી હતી, ‘પછી તો મને નોકરી મળી ગઈ ગામની સ્કૂલમાં શિક્ષિકાની. મોટાભાઇના સ્વર્ગવાસ પછી તો હું સાવ એકલી થઈ ગઈ…!!મોટાભાઈએ ખૂબ જ જીદ કરી હતી, મને પરણાવવા માટે….!!તારી યાદનો એક મજબુત સહારો હતો…!! એક તરાપો હતો ઝંઝાવાત ભર્યા જીવનસાગર તરી જવાનો…પણ ક્યારેક થઈ આવતું કે દીક્ષા લઈ લઉં….!! છોડી દઉં આ સંસાર….ને થઈ જાઉં સાધ્વી…!!’ સરલા સ્થાનકવાસી જૈન હતી, ‘વિરકત થઈ જાઉં સંસારથી..!! પણ એ મારૂં તપ ન્હોતું…એ તો એક બહુ સરળ ઉપાય હતો…ભાગી છૂટવાનો…!! …અને મેં તો તારા અમર પ્રેમની દિક્ષા લીધેલ તે કઈ રીતે લઉં હું બીજીવાર દિક્ષા..?!’

‘ઓ…હ સરલા…!!’ ધીરૂભાઇ ઉભા થયા અને નમીને ખુરશી પર બેઠેલ સરલાના લલાટે એક પ્રેમાળ ચુંબન કર્યું…!!

સરલા યંત્રવત ખુરશી પરથી ઉભી થઈ…પોતાના પગના પંજા પર ઊંચી થઇ ધીરૂભાઇને પાગલની જેમ ચૂમવા લાગી..એમના કપાળ પર…ગાલ પર….આંખ પર….હોઠ પર…ગરદન પર…!! પાવન પ્રેમ….!! નર્યો સાત્વિક સ્નેહ નીતરતો હતો….!! સરલાના બધા બંધનો તૂટી ગયા…. પાવક પ્રેમની સરિતા બન્ને કિનારે વહેવા લાગી….!! ચૂંબનો કરતાં કરતાં સરલા ક્યારેક હસતી હતી…તો ક્યારેક રડતી હતી…!! સાંઠ વરસની સરલા જાણે સોળ વરસની મુગ્ધા બની ગઈ !! ષોડશી બની ગઈ….!! હાંફતી હાંફતી સરલા પાછી ખુરશીમાં ફસડાય પડી….

‘ઓ…હ સરલા…!!! ઓ…હ સરલા…!!!’ એક અસીમ પસ્તાવાની આગમાં સળગવા લાગ્યા ધીરૂભાઇ… સરલાના બન્ને હાથના પંજાઓ પોતાના હાથોમાં પ્રેમથી જકડી ધીરૂભાઇ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા…માંડ હીબકું ખાળી, આક્રંદ રોકી એ બોલ્યા, ‘તારે મને સહજ જાણ તો કરવી હતી પગલી…!! હું જ મૂરખ તારા અમર પ્યારને સમજી ન શક્યો….!! મને માફ કર સરલા…!!’

ધીરૂભાઇએ પહેરેલ ચશ્મા કાઢી ટેબલ પર મૂકી પોતાના પાલવથી ધીરૂભાઇના આંસુઓ સ્નેહથી લૂછતા સરલા સહજ મરકીને બોલી, ‘તારો કોઇ દોષ નથી ધીરેન !! તેં તો મને વારી જ હતી…પણ હું જ તારા પર વારી ગઇ હતી…!! રોજ તારા માટે મહાવીરસ્વામીને પ્રાર્થના કરતી…!! વિનવતી કે હે વર્ધમાન, મારા ધીરેનને એના જીવનમાં સફળતા આપજે…..!! એના ચરણકમળમાં સુખના સુમનો પાથરજે….!! તારો કોઇ જ દોષ નથી….!! બસ, મારા નસીબમાં એ જ લખેલ હતું !! મોટાભાઇના ચાલી ગયા પછી મે હવેલી વેચી દીધી… સ્કૂલમાં હું મુખ્ય શિક્ષિકા બની ગઈ હતી એમાંથી રિટાયર થઈ….અહીં આશ્રમમાં માણસની-વ્યસ્થાપકની જરૂર હતી…ટ્ર્સ્ટીઓ મને ઓળખતા હતા…ને અહીં આવી ગઈ….સહુ વડીલોની સેવા માટે….!! બસ, મારી યૂવાનીમાં તારો એટલો જ સાથ હતો…. સહવાસ હતો…પણ…….’

‘પણ…….!!’ ધીરૂભાઇએ સરલાની વાતનુ અનુસંધાન કરતાં કહ્યું, ‘હવે હું તને લેવા આવ્યો છું.. મારી સાથે તારે આવવાનું જ છે…!! અ…..ને જો તું ન આવી શકે તો, મને તારા આશ્રમમાં સ્થાન આપી દે…!!’ ગળગળા થઇ જતાં ધીરૂભાઇ સરલાના હાથના બન્ને પંજાઓ પકડી સરલાના પગ પાસે ફરસ પર જ બેસી પડ્યા. જાણે ભીખ ન માંગતા હોય…!!

ખુરશી પર બેઠાં બેઠાં જ સરલાએ એમના બન્ને હાથો પોતાની ભીની ભીની આંખોએ અંજલિ લેતી હોય એમ અડાડ્યા, ‘ધીરેન…. ધીરેન…. ધીરેન….!!’ સરલા ફરીથી રડી પડી…

યાચક નજરે ધીરૂભાઇ આતુરતાથી સરલાને જોતા હતા…ધ્રૂજતા હતા….

સરલાએ ધીરૂભાઇના બન્ને હાથ જોરથી પકડી રાખ્યા હતા તે એના હ્રદયે લગાવી સહેજ હસીને સરલા બોલી, ‘તારૂં સ્થાન તો અહીંયા છે…!! મારા ઉરમાં…મારા હ્રદયમાં છે…!!’એની આંખમાથી અશ્રુધારા વહેતી હતી, ‘ઓ મારા પ્રાણનાથ, મેં તો તારે નામ મારી આ અને આવનારી હરેક જિંદગી કરી છે…આ આખી જિંદગી મેં તારી બંદગી કરી છે…ધીરેન, હવે….’ એ સહજ અટકી, ‘હવે તો જિંદગીની આ સફરમાં તારે ડગલે મારે મારૂં ડગલું ભરવું…ને તારી સાથે જ જીવવું ને તારી સાથે જ મરવું….!!’

‘મરવાની વાત ન કર…સરલા!! હવે જ તો શરૂ થાય છે…આપણી જિંદગીની ખરી સફર….!!’ સરલાને ખભાથી પકડી બે હાથો વડે ઊભી કરતાં ધીરૂભાઇ આભારપૂર્વક હેતથી ભેટી પડ્યા..

પછીની વાત તો છે….બહુ ટૂંકી !!!

સરલાએ વૃધ્ધાશ્રમ છોડ્યો… ધીરૂભાઇ સાથે ચારધામની યાત્રા કરી…ભારે હૈયે બન્નેએ કાંતાની અસ્થિનું ગંગાના પવિત્ર જળમાં વિસર્જન કર્યું…સરલાનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર થયો…એને સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા…ધીરૂભાઇએ મારિયાને ઇમેઇલ કરીઃ ગેટ રેડી ફોર સરપ્રાઈઝ…! ધ બીગ સરપ્રાઇઝ….!!!

વૃધ્ધાશ્રમમાં બાપુજીના નામે પચાસ લાખનું દાન કરી ધીરૂભાઇ અને સરલા આજે નૂવાર્કના લિબર્ટી ઈંટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરતા હતા….

(સમાપ્ત…..)

– નટવર મહેતા

સરપ્રાઈઝ

Standard

– નટવર મહેતા

હેલ્લો…. કોણ ?!’ કૉલર-આઈડી માં નંબર ન પડતાં મે પૂછ્યું.
‘હું નીલ… અંકલ !’ સામેથી ઘેરો અવાજ આવ્યો. એ નીલનો ફૉન હતો.
‘ઓહ ! ની…ઈ…ઈ…લ !! આફટર અ લૉંગ ટાઈમ !’ મેં કહ્યું.
‘સોરી… અંકલ ! યુ નો અવર લાઈવ્સ…’
‘યા…યા…. !’ સોફા પર પગ લંબાવી મેં આરામથી બેસતાં કહ્યું, ‘તારી જૉબ કેમ છે ? આઈ.બી.એમ કે બીજે ક્યાંક ?’
‘આઈ.બી.એમ ? ઈટ્સ કુઉઉલ !!’ નીલે હસતાં હસતાં કહ્યું. નીલ સૉફટવેર ઍન્જિનિયર હતો. એણે આગળ વાત કરતાં કહ્યું, ‘યુ નો અંકલ, આજકાલ જૉબ માર્કેટ ડાઉન છે. પણ અત્યારે તો જોબ છે. બાકી કહેવાય છે ને કે…. યુ કેન નોટ રિલાય ઓન થ્રી ડબ્લ્યુઝ ઈન યુ.એસ ! વર્ક…… વેધર…. ઍન્ડ…..!’
‘વુમન…..!!’ હસતાં હસતાં મેં એનું વાક્ય પૂરું કર્યું. નીલ મારા મિત્ર કરસનનો દૂરનો ભત્રીજો હતો. કરસને જ એને દેશથી અમેરિકા બોલાવ્યો હતો…..ભણાવ્યો હતો…. પરણાવ્યો હતો… અને ઠેકાણે પણ પાડ્યો હતો. ‘અંકલ, હાઉ ઈઝ રાધા આન્ટી ?’
‘એઝ યુઝઅલ, શી ઈઝ બીઝી ઈન કિચન…’
‘અંકલ, કેકે અંકલની બર્થ ડે છે….યુ નો ?’ એને વાત વાતમાં ‘યુ…નો’ બોલવાની આદત હતી.
‘યસ, આઈ નો.’
‘તો એમના માટે સરપ્રાઈઝ બર્થ-ડે પાર્ટી એરેન્જ કરવાની છે. એમને ફિફ્ટી થવાના. યુ નો. ગોલ્ડન જ્યુબિલી ! તમારે, આન્ટીએ અને સોનીએ તો ખાસ આવવાનું જ છે. યુ નો ! આ સરપ્રાઈઝ પાર્ટી છે.’
‘યસ !’
‘એટલે જ ઈન્વીટેશન કાર્ડ કે એવું કંઈ નથી. ખાસ રિલેટિવ્ઝ, ફ્રેન્ડ્ઝ અને અંકલનું ક્લોઝ સર્કલ છે. એબાઉટ 150 થઈ જશે.’ એ અટક્યો અને ઊમેર્યું, ‘આઈ નીડ યોર હેલ્પ. પ્રોગ્રામની આઉટ લાઈન અને ગેસ્ટ લીસ્ટ તમને ઈ-મેઈલ કરું છું. પ્લીઝ, ચેક ઈટ. તમારે કંઈ ચેઈન્જ કરવું હોય, એડ કરવું હોય….જસ્ટ ડુ ઈટ… યુ નો, કેકે અંકલની સહુથી કલોઝ હોય તો તમો જ છો !’

કેકે એટલે કરસન ! કરસન કડછી ! મારો લંગોટિયો સીધો સાદો ભોળિયો કરસન કડછી.. હું અને કરસન વરસો પહેલા દેશમાં એક જ સ્કુલમાં સાથે ભણ્યા હતા. એક જ આસને ભોંય પર બેસતા હતા. કરસન, મોહન કડછીનો એકનો એક પુત્ર….. અમારી ગામમાં ખેતીવાડી હતી. બે માળનું ઘર હતું, જ્યારે કરસન બ્રાહ્મણ ફળિયામાં એક ખોરડામાં એના પિતા મોહનકાકા સાથે રહેતો હતો. મોહનકાકા રસોઈયા હતા. સમાજમાં લગ્ન પ્રસંગ હોય કે મરણનું જમણ હોય, મોહનકાકાની રસોઈ વગર પ્રસંગ અધૂરો ગણાતો. એમની દાળ એટલી સ્વાદિષ્ટ બનતી કે બધા એમને કડછી કહેતા અને પછી એ એમની અટક બની ગઈ ! કરસન પણ એમની સાથે મદદે જતો. એ જમાનામાં લાપસી, રીંગણ બટાકાનું શાક અને દાળભાતનું જમણ લગ્ન પ્રસંગે સર્વમાન્ય ગણાતું. મોહનકાકાની દાળનો સ્વાદ આટલા વરસે પણ મારા મોઢામાં પાણી લાવી દેતો હતો !!

કરસન પણ પિતાની સાથે સાથે રસોઈ બનાવતા શીખી ગયો. અમે બંને હાઈસ્કુલ સાથે ભણ્યા. ભણવામાં એ સામાન્ય હતો. નિર્દોષ, ભોળિયો અને કોઈ ખોટી લાગણી નહીં, કોઈ ખોટી માંગણી નહીં. સમયના રોજ બદલાતા જતા ચોકઠામાં ગોઠવાઈ જવાનું જો શીખવું હોય તો કરસન પાસે જ શીખવું પડે. હાઈસ્કુલ પછી હું સુરત ‘ગાંધી એન્જિન્યરિંગ કૉલેજ’ માં ઈજનેરીનું ભણવા લાગ્યો અને કરસન પિતાની સાથે ખાનદાની ધંધામાં જોડાયો અને ધીરે ધીરે રાંધવાની કળામાં પાવરધો બની ગયો. મોહનકાકાની તબિયત નરમ-ગરમ રહેતી પણ કરસને એમની સાથે રહી યુવાન વયે જ એમની બધી કળા આત્મસાત્ કરી લીધી. હું આ દરમિયાન ગાંધી કૉલેજમાં ભણી ઈલેક્ટ્રીકલ એન્જિનિયર બની ગયો અને કરસન અવ્વલ રસોઈયો !! મને સુરત મ્યુનિસિપાલીટીમાં નોકરી મળી ગઈ અને કરસન લગ્નની સિઝનમાં બીઝી રહેવા લાગ્યો. એના જીવનમાં પણ તકલીફો રહેતી પરંતુ એ જિંદગી જેવી હતી એવી અપનાવતા શીખી ગયો હતો. જિંદગી વિશે કદી કોઈ કડવી વાત, ફરિયાદ એના મોંએથી નીકળી ન હતી. થોડા સમય બાદ તો મોહનકાકા સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા હતા. કરસનની આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી, પણ એ હરદમ હસતો રહેતો. હું એની પરિસ્થિતિ સમજતો અને મારાથી બનતી મદદ કરતો. અરે ! મારા પહેરેલા કપડાં એને આવી રહેતા અને એ પણ એ રાજીખુશીથી પહેરતો !

જિંદગીનું ચગડોળ નિરંતર ફરતું રહેતું હોય છે. નજીકના ગામના એક અંબુ પટેલ અમેરિકાથી એમના કુટુંબ સાથે દરેક શિયાળામાં આવતા. પટેલ ફળિયામાં એમનું મહેલ જેવું ઘર હતું. અમેરિકામાં એમનો ઈલેક્ટ્રોનિક્સ આઈટમનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો બહોળો બિઝનેસ હતો અને ગામમાં ખેતી. ગામમાં એમણે રાધા-કૃષ્ણનું ખૂબ મોટું મંદિર બંધાવ્યું હતું અને મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વખતે બહુ મોટો જમણવાર રાખેલો. એ જમણવારમાં પણ રસોઈ તો કરસનની જ ! અંબુભાઈએ એ વખતે કરસનના હાથની દાળ પહેલીવાર ચાખી અને આંગળા ચાટતા રહી ગયા. એમને પોતાના ગામના ઘર માટે આવા જ કોઈ માણસની જરૂર હતી. તેથી એમણે કરસનને પોતાના ઘરે રાખી લીધો. કરસન તો બટાકા જેવો હતો !! ગમે તે શાકમાં ગમે તે રીતે વાપરી શકો ! થોડા સમયમાં તો ઘરના માણસની જેમ અંબુભાઈના કુટુંબનો જ સભ્ય બની ગયો.

અંબુભાઈએ બે-ત્રણ વાર દેશ-પરદેશ કર્યું પણ અમેરિકા આવ્યા બાદ એમને કરસનની દાળ યાદ બહુ આવતી. કરસનની દાળ વિનાનું જમણ એમને અધુરું અધુરું લાગવા માંડ્યું. એક વખતે જયારે તેઓ દેશ આવ્યા ત્યારે તેમણે કરસનને અમેરિકા આવવા માટે કહ્યું. કરસનને શો વાંધો હોય ? મોહનકાકા તો સ્વર્ગે સિધાવી ચુક્યા હતા. વળી એ જમાનામાં આજની જેમ ઈમિગ્રેશન-વીઝા-પાસપોર્ટની લમણાઝીંક પણ ન હતી. થોડા જ સમયમાં તો કરસન ગામથી માયામીમાં આવી ગયો…

આ સમય દરમિયાન હું પણ મારી પત્ની રાધાની પાછળ પાછળ અમેરિકા આવ્યો. રાધા અમેરિકાની સિટિઝન હતી એટલે જલ્દી આવી શકાયું. કરસનના આવ્યા બાદ લગભગ છ-એક મહિને હું અહીં ન્યુજર્સી આવ્યો. અમારે રોજ ફોન પર વાતો થવા માંડી.

કરસને અંબુભાઈને જીતી લીધા હતાં. રસોઈકળામાં તો એ પાવરધો હતો જ. ટીવી જોઈ, પુસ્તકો વાંચી કરસન રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં પારંગત બની ગયો. અંબુભાઈએ પણ એને મોકળું મેદાન પૂરું પાડ્યું. કહેવાય છે કે દિલ જીતવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે ! અંબુ પટેલે કરસનની કળા પારખી. એ તો પોતે ડૉલરના ડુંગરા પર બેઠા હતા જ, ધન ક્યાં રોકવું એ પ્રશન હતો ! આ બધાનું પરિણામ એ આવ્યું કે એક દિવસ કરસન કડછીની આગેવાની હેઠળ માયામીમા એશિયન રેસ્ટોરાં, ‘કડછી’ નું ઉદ્દઘાટન માયામીના મેયરે કર્યું. રેસ્ટોરાં માટે ‘કડછી’ નામ પણ અંબુભાઈએ પસંદ કર્યું.

ખાવાના શોખીનો તો ક્યાં ન હોય ? વળી, માયામી બહુ મોટું ટુરિસ્ટ પલેસ. કરસનની ‘કડછી’ ધમધોકાર ચાલવા માંડી. અંબુભાઈની ધંધાકીય સૂઝ અને કરસનની મહેનતથી સ્વાદનો સપ્તરંગી સાગર અમેરિકામાં ફેલાઈ ગયો. કરસન પછી ‘કેકે’ તરીખે ઓળખાવા લાગ્યો. રેસ્ટોરાંનું ધ્યાન રાખવા છતાં સવારસાંજ અંબુભાઈના ઘરની રસોઈ પણ એ જાતે જ બનાવતો. એની વિનમ્રતા, ભલમનસાઈ અને પ્રમાણિકાતામાં વધારો થતો ગયો. અંબુભાઈએ તેની ભલમનસાઈની કદર કરીને એને ‘કડછી’ રેસ્ટોરાંમાં પાર્ટનર બનાવી લીધો. માયામીમાં કરસન માટે સરસ મજાનું ત્રણ બેડરૂમનું હાઉસ ખરીદ્યું, એને પરણાવ્યો અને સેટલ કર્યો.

પછી તો ‘કડછી’ બ્રાન્ડ નેઈમ બની ગયું. ‘કડછી’ ચેઈન રેસ્ટોરાં અમેરિકામાં ફેલાવા લાગી…. ન્યુર્યોક, શિકાગો, વોશિંગ્ટન, બોસ્ટન, એલ.એ – ‘કડછી’ ની શાખાઓ ખુલતી ગઈ. કેકે વ્યસ્ત રહેવા લાગ્યો પણ તેમ છતાં મારી સાથે દિવસમાં એક વાર વાત કર્યા વિના એ સુતો નહિ. રાત્રે-મધરાત્રે એનો ફોન આવે જ અને ન આવે તો હું કરું. અમારી મિત્રતા પણ મજબૂત થતી ગઈ.

અંબુભાઈ સ્વર્ગે સિધાવ્યા ત્યારે બોર બોર આંસુએ મારા ખભા પર માથું રાખી નાના બાળકની જેમ રડ્યો હતો. કેકે હવે રેસ્ટોરામાં સર્વેસર્વા હતો. પ્રોફિટની રકમમાંથી ભાગીદારીના પૈસા તે અંબુભાઈના સંતાનોને આપી દેતો. વળી, એમના સંતાનોને તો પોતાના ધંધામાંથી સમય ન હતો એટલે ‘કડછી’ ની પૂરેપૂરી માલિકી કેકે ને જે સોપી દીધી. કેકેએ દેશમાંથી પોતાના અનેક સગાવહાલા, મિત્રો, રસોઈયાઓને બોલાવ્યા સાથે રાખ્યા, ભણાવ્યા અને ઠેકાણે પાડ્યા.

કેકેની પત્ની પણ સંસ્કારી હતી. તેને દરેક પગલે સાથ આપતી. એનો પુત્ર શ્યામ પણ હોટલનું ભણ્યો અને માયા નામની સુશીલ કન્યા સાથે પરણ્યો. તેઓ શિકાગોમાં રહેવા લાગ્યા. કેકેની પુત્રી પાયલ સોફટવેર ઈજનેર બની ન્યુયોર્ક સેટલ થઈ હતી. માયામીથી બિઝનેસ ચલાવવો અઘરો લાગતા કેકે દશ-બાર વર્ષ પહેલા એડિસન, ન્યુજર્સી સેટલ થયો. અને આમ એ જીવનમાં સતત પ્રગતિ કરવા લાગ્યો. આવો મારો પરમમિત્ર કેકે, પચાસનો થઈ ગયો હતો, લાખો ડોલરનો માલિક છતાં કોઈ અભિમાન નહીં, કોઈ દેખાડો નહિ. બીજા માટે જીવતો, દાન કરતો, બધાની તકલીફો સમજતો. ખૂબ સાદુ અને સરળ જીવન જીવતો.

હવે આવા કેકેને સરપ્રાઈઝ પાર્ટી આપવાની હતી ! ન જાણે શું હશે એનો પ્રતિભાવ. એના ભત્રિજા નીલની ઈમેઈલ મેં જોઈ. ખૂબ ધ્યાનપૂર્વક મહેમાનોનું લીસ્ટ બનાવેલું. અહીંના ‘રોયલ આલ્બર્ટ પેલેસ’નો ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ બુક કરાવ્યો હતો. અનેક વાનગીઓનું તો મેનુ !! નીલની પુત્રી આ પોગ્રામમાં ભરતનાટ્યમ કરવાની હતી અને ખૂબ મોજમજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા માટે તો આ પાર્ટી સૌથી અગત્યની હતી કારણકે મારા જીગરી દોસ્ત કેકેની સરપ્રાઈઝ પાર્ટી હતી !

મારી જવાબદારી સહુથી વિચિત્ર હતી. મારે કેકેને અને એની પત્ની શાંતાને પાર્ટીમાં લઈ આવવાના હતા અને એ પણ એમને જરાય જાણ ન થાય એ રીતે ! એનો પ્લાન મારે વિચારવાનો હતો. મેં અને રાધાએ નક્કી કર્યું કે અમારી એનિવર્સરીની વાત ઉપજાવી કાઢીને કેકેને પાર્ટીમાં લઈ જઈશું. મને ખાત્રી હતી કે કેકે કદી ના નહીં પાડે અને તેથી મેં કેકેને ફોન જોડ્યો.
‘હલ્લો કેકે’ મેં કેકેને ફોન કર્યો.
‘બોલ… તુ કેમ છે ?’ સામે કેકે બોલ્યો.
‘બસ જલસા છે. તુ કહે……’
‘અમારે તો કડછીમાંથી ઊંચા આવીએ તો ને….ઘણા વખતથી મળવું છે પણ મળાતું નથી.’
‘તેં તો મારા મોંની વાત છીનવી લીધી. લિસન કેકે, આવતા સન્ડે આપણે મળીએ છીએ. કોઈ બહાના નહીં. અને માત્ર તું, ભાભી, હું અને રાધા – બસ ચાર જ જણ કારણકે મારી મેરેજ એનિવર્સરી છે. બરાબર છના ટકોરે હું તને હાઉસ પર લેવા આવીશ.’ મેં વાત બનાવી અને કેકેની સંમતિ લઈ લીધી.

રવિવારે હું અને કરસન નીકળીએ એટલે મારે નીલને મેસેજ આપી દેવાનો હતો. મેં આલિશાન લિમોઝીન કાર ભાડે કરી. નીલે એના મિત્રને અમારી ગાડીનો પીછો કરવા મુક્યો હતો. બરાબર છ ને પાંચે ગાડી કેકેના બારણામાં ઊભી રહી. કેકે અને શાંતાભાભી તૈયાર જ હતા. સાટીનના સુરવાલમાં કેકે માંડ ચાલીસનો લાગતો હતો !
‘અરે બહુ પૈસા વધી પડ્યા છે તારી પાસે ?’ કેકે લિમોઝીન જોઈને બોલ્યો.
‘યાર મારી મેરેજ એનિવર્સરી છે. આટલા વરસોથી અમેરિકામાં છીએ પણ આલિશાન કારમાં કદી બેઠા નથી. ચલ જલ્દી કર, ભાડુ વધી જશે.’
‘યસ યસ’ કહી એ અને શાંતાભાભી ઝડપથી ગાડીમાં ગોઠવાયા. મેં નીલને મેસેજ આપી દીધો અને વીસ મિનિટમાં તો અમે ‘રોયલ આલ્બર્ટ પેલેસ’ પર પહોંચ્યા.

‘અલ્યા, આલ્બર્ટમાં જ ખાવું હતું તો આપણે ઘેર શું ખોટું હતું ?’ કેકે બોલ્યો.

‘જસ્ટ ચેઈન્જ !’ મેં એની સાથે નજર મેળવ્યા વિના જ કહ્યું. મારું દિલ ધક ધક થતું હતું. રાધા એનો ચૂડીદાર દુપટ્ટો સરખો કરતી હતી. શાંતાભાભી બહાર નીકળ્યા. મેં ડ્રાઈવરને પચાસની નોટ ટીપમાં આપી તો કેકેની આંખ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ !

‘આલ્બર્ટ પેલેસ’ વાળા જો કેકેને ઓળખી જાય તો લોચા પડી જાય તેથી મેં એને અને શાંતાભાભીને ઝડપથી ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ તરફ દોર્યા. હોલમાં દોઢસો જેટલા માણસો ટાંકણી પડે તો તેનો અવાજ પણ સંભળાય એવી શાંતિથી અંધારામાં બેઠા હતા.

મેં હૉલનો મેઈન ગેઈટ ખોલ્યો અને ધીરેથી કેકેને અંદર ધકેલ્યો.
‘સ…ર…પ્રા….ઈ….ઝ !!’ હોલમાં સહુ એક સાથે પોકારી ઊઠ્યા. હોલ ઝળહળા થઈ ગયો. ‘હે…પ્પી… બર્થ…ડે…. ટુ…. કે…કે…..’
આશ્ચર્યથી હક્કો-બક્કો થઈ ગયો કેકે…. એના ડોળા ચકળવકળ થવા લાગ્યા. આંખ ભીની થઈ… ‘ઓહ…નો!!’ એ બધા તરફ જોવા લાગ્યો… ચક્રાકારે સહુએ એને ઘેરી લીધો હતો. હું એની એકદમ નજીક હતો. એ મારા તરફ ઢળ્યો. મેં એને સંભાળી લીધો.. એનો હાથ છાતી પર ભિંસાયો.. મને-અમને કોઈને કશી સમજ ન પડી.
‘કે…કે….?!…કે….કે ?!!’ બધાએ એને ઘેરી લીધો… પણ, કેકે બધાને છોડીને જતો રહ્યો હતો.. એને માસિવ હાર્ટ એટેક આવ્યો હતો. અમો કંઈ પણ કરી ન શક્યા.. અમને બધાને સરપ્રાઈઝ આપી ગયો, કેકે !

( સમાપ્ત )

– નટવર મહેતા

“વાર્તા – બિચારી માનસી”

Standard


વિવેક આ ઘટનાને બે પ્રેમીઓ વચ્ચેનો અણબનાવ સમજી વધારે ગુસ્સે થયો. પછી પાછળથી બંને વચ્ચે સુલેહ થઇ ગઇ હોય એમ લાગતું હતું. છેવટે આ પ્રેમપ્રકરણનો કાયમ માટે અંત આણવા ને માનસીના મોંએથી સાચી વાત કઢાવવા માટે એણે માનસી સાથે આક્રમક ઢબે વાતચીત કરવાનું નક્કી કર્યું.

રાહુલ અને માનસી ક્લબની વિશાળ લોનના એકાંત અને સહેજ અંધારિયા ખૂણામાં ઊભાં ઊભાં વાતો કરતાં હતાં. વિવેક ક્લબ-હાઉસની અગાશીમાં એકલો ઊભો રહી પોતાની પત્નીને આ રીતે પોતાના મિત્ર સાથે વાતો કરતી જોઇ રહ્યો હતો. માનસી અને રાહુલ વાતો કરતાં ઊભાં હતાં ત્યાંથી વિવેકને જોઇ શકતાં નહોતા.

લોનમાં ગોઠવેલા ટેબલ-ખુરશી પર બેઠેલા બીજા લોકોથી દૂર એકાંત અને અંધારામાં તે બંનેને હળીમળીને વાતો કરતાં જોઇ વિવેક ક્રોધ અને અપમાન અનુભવવા લાગ્યો. આજે એ પોતાની નદરે એવું કંઇ જોવા ઇચ્છતો હતો, જેનાથી બંને વચ્ચેના અનૈતિક સંબંધો વિશેની એની શંકા વિશ્વાસમાં બદલાઇ જાય.

રાહુલ આજથી લગભગ છ-સાત મહિના અગાઉ મુંબઇથી બદલી થતાં અહીં આવ્યો હતો. વિવેક કરતાં એનો હોદ્દો સહેજ સિનીયર હતો. વિવેક જ એને પોતાની કોલોનીમાં ભાડેથી મકાન મેળવી આપવામાં મદદ કરી હતી. રાહુલની પત્ની નેહા બીમાર હોવાથી પિયરમાં રહેતી અને તેમને કોઇ સંતાન નહોતું.

સમવયસ્ક અને મુક્ત વિચારસરણી ધરાવતા પોતાના સહકાર્યકર સાથે વિવેકની મૈત્રી ધીમે-ધીમે વધતી ગઇ. બંને લગભગ રોજ સાથે જ ખાતાપીત અને હરતાં ફરતાં. મનમોજી રાહુલ પૈસા ખર્ચવામાં ખૂબ ઉદાર હતો. વિવેકને એની મૈત્રી ગમવા લાગી.

રાહુલને ક્યારેય પોતાની પત્ની બીમાર હોવાનું કે પોતે નિ:સંતાન હોવાનું દુ:ખ સાલતું નહીં. એક દિવસ એણે કહ્યું, ”વિવેક, મારા પર તો કુદરતના ખાસ આશીર્વાદ છે. પરિણીત હોવા છતાં હું અપરિણીત યુવકની માફક આઝાદ છું. પથારીવશ બીમાર પત્નીની રોક ટોક કે બાળકોની કોઇ ઝંઝટ નથી. તારા જેવા મિત્રોના લીધે અત્યાર સુધી આનંદથી જીવ્યો છું. અને જીવીશ” આમ કહી એ ખડખડાટ હસી પડયો. વિવેક પણ એને મનગમતી વાત હોવાથી હસવા લાગ્યો.

માનસી સાથે લગ્ન થયા પછી થોડા જ સમયમાં વિવેકને લાગતું હતું કે પોતે જાણે કોઇ વિચિત્ર બંધનમાં બંધાઇ ગયો હોય. એમાંય ચાર વર્ષ પહેલાં તેના પુત્ર હર્ષના જન્મ પછી તો એની અકળામણમાં વધારો જ થયો હતો. રાહુલને આ રીતે મુક્ત જીવન જીવતો જોઇએ મનોમન વધારે વ્યાકુળ રહેવા લાગ્યો.

રાહુલ ઘણીવાર એને અનેક સ્ત્રીઓ સાથેના પોતાના પ્રણવસંબંધીના કિસ્સા સંભળાવતો. આવી મોજીલી વાતો દ્વારા બંને એકબીજાની મજાક-મશ્કરી કરતા. જો કે વિવેકના મનમાં પોતે કોઇ સુખદ અનુભવ કે મનગમતી વસ્તુથી વંચિત રહી ગયો હોય તેવી એક ચસક અવશ્ય ઉઠતી. આમ તો લગ્ન પછી પણ અનેક સ્ત્રીઓ સાથે એનાં લફરાં ચાલતાં જ હતાં,પરંતુ રાહુલની સાથે સરખાવતાં એમની કોઇ વિસાત નહોતી.

હજી એક મહિના અગાઉ વિવેકના મનમાં એવો ખ્યાલ સુધ્ધાં નહોતો આવ્યો કે, રાહુલ માનસી માટે પણ બદદાનત ધરાવે છે. પણ ધીરેધીરે તેને એવી શંકા જાગી કે રાહુલ તેની પત્ની પર નજર બગાડી રહ્યો છે.

શરૃઆતમાં તો રાહુલ પોતાના ઘેર આવે. જાય, તે પણ માનસીને ગમતું નહીં, ત્યારે વિવેક જ રાહુલ સાથે મૈત્રી રાખવા ઇચ્છતો હોવાથી માનસીને ફોસલાવી. પટાવીને શાંત રાખતો.

ત્યાર પછી રાહુલની વાતચીત કરવાની રોચક શૈલી, માનસીના કુશળ ગૃહસંચાલનની પ્રશંસા અને હર્ષ સાથેના તેના પ્રેમાળ વર્તનથી વધતી જતી બંનેની મૈત્રીએ માનસીનું મન જીતી લીધું હતું.

રાહુલની આ કલાનિપુણતાથી વિવેક પણ ત્યારે મનોમન ખુશ થયો હતો. પરંતુ છેલ્લા એક મહિનાથી એને રાહુલ અને માનસી સાથે હળેમળે કે વાતચીત કરે તે જરાય ગમતું નહોતું. પોતાની ગેરહાજરીમાં રાહુલ હર્ષને રમાડવા કે બહાર લઇ જવા પોતાને ઘેર આવે તે પણ વિવેકને ના પસંદ હતું. રાહુલની બદદાનતનો ખ્યાલ આવતાં પળવારમાં જ તેની દ્રષ્ટિમાં રાહુલ મિત્રને બદલે શત્રુ બની ગયો હતો.

વિવેક એનાથી દૂર રહેવા લાગ્યો. આમ છતાં રાહુલ તો તેના શુષ્ક વર્તન પ્રત્યે આંખ આડા કાન કરી એના ઘેર આવતો રહ્યો.

વિવેક સમક્ષ સભ્યતાનો ડોળ કરતા રાહુલે માનસીને પોતાની પ્રેમજાળમાં ફસાવવાના પ્રયત્ન ચાલુ રાખ્યા. વિવેકને ન ગમતું હોવા છતાં માનસીના એની સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે રાહુલ એને ત્યાં વાંછનીય વ્યક્તિ બનીને આવતો. માનસી પણ રાહુલની સારી સરભરાકરતી વિવેકને આ વાત આંખમાં કણાની જેમ ખૂંચતી. તેના દિલમાં અજંપાનો દરિયો ઘૂઘવતો હતો.

”શું માનસી પણ અવળે માર્ગે દોરાઇ ગઇ છે?’ આ પ્રશ્નથી ઉદ્ભવેલ ઇર્ષા ભાવથી વિવેક શાંતિથી ઉંઘી પણ શકતો નહીં. રાહુલના વર્તનનો ઉદ્દેશ પોતાના અનુભવના આધારે જાણી શકતો. તેથી એને રાહુલની બદદાનતનો ખ્યાલ આવી જ ગયો હતો. માનસી રાહુલ સાથે છૂટથી હસીને વાતો કરતી. તેથી એના મનમાં શંકા ઉદ્ભવતી હતી, પરંતુ તે માટેનો કોઇ પ્રત્યક્ષ પુરાવો એની પાસે નહોતો.

ઘણીવાર રાતે ઉંઘ ન આવે ત્યારે એ તટસ્થ ભાવે પોતાના દાંપત્યજીવનનું વિશ્લેષણ કરતો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે પોતે માનસી પ્રત્યે કેટલી બેદરકારીથી વર્તન કરતો હતો. એને પોતાના મિત્રો સાથે રહેવાનું ને મોજ માણવાનું વધારે ગમતું. ઘરની તમામ જવાબદારી માનસી પર જ હતી.

વિવેકના બીજી ત્રણ-ચાર સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધ હોવાની માનસીને જાણ હતી. ઘણીવાર બીજી સ્ત્રીઓની સરખામણીમાં માનસીને અપમાનિત કરતી વાતો પણ એ કહી નાખતો.

જો કે સમય વીતવાની સાથે આ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હોવા છતાં બંને વચ્ચે એક પ્રકારની કટુતા રહી જ ગઇ હતી. પતિના પ્રેમથી વંચિત, એની બેદરકારી ને બેવફાઇથી દુ:ખી સ્ત્રી જ ઘણીવાર પરપુરુષ પ્રત્યે આકર્ષાય છે, તે વાત વિવેક પોતાના જ અનુભવ પરથી સારી રીતે જાણતો હતો.

છેલ્લા થોડા દિવસોથી વિવેકે માનસી સાથે વધુ નિકટતા કેળવવાનો અને તેમની એકધારી અરસિક જિંદગીમાં કંઇક સુખદ પરિવર્તન લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. રાહુલની પ્રેમજાળમાં માનસીને ફસાતી બચાવવા માટે એણે પોતાનામાં પરિવર્તન પણ આણ્યું હતું.

હવે એ માનસી સાથે ગપ્પાં મારતો અને સુખદુ:ખની વાતો કરતો, તેને ફરવા લઇ જઇને એની મનગમતી વસ્તુઓ અપાવતો. આમ છતાં એની તથા રાહુલની વચ્ચે અનૈતિક સંબંધ હોવા અંગે વિવેકના મનમાં ઉદ્ભવેલ શંકા હજી યથાવત્ જ હતી. રાહુલની કેટલીક હરકતો એ પ્રકારની હતી જે શંકાના વમળને વધુ ઘુમરાવે.

ઘણીવાર ઇચ્છા હોવા છતાં એ માનસીને રાહુલ સાથેના સંબંધવિચ્છેદ વિશે હુકમ કરી શકતો નહીં. એ પોતાને દરેક રીતે માનસી કરતાં શ્રેષ્ઠ માનતો. પોતાનાથી દુ:ખી થઇને એ પરપુરુષ તરફ આકર્ષાય, એવા વિચારમાત્રથી એનો અહં ઘવાતો.

જો એ જબરદસ્તીપૂર્વક માનસીને રાહુલને મળતી અટકાવે તો એણે સ્વીકારવું પડે કે માનસી પણ રાહુલ પ્રત્યે આકર્ષાઇ છે, પરંતુ કોઇ પ્રકારના પુરાવા વિના આવું વર્તન કરવાથી પોતે માનસીની દ્રષ્ટિમાંથી ઉતરી જાય. વિવેક જાણતો હતો કે દાંપત્યજીવનમાં કસોટીની આવી કપરી ઘડી ઘણા યુગલોએ ભોગવવી પડે છે. આવા સમયે સાવધાનીથી કામ લેવું જોઇએ.

વિવેક જ્યારે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો, ત્યારે તેમના પતિઓને ‘બિચારા’ અને ‘બેવકૂફ’ માનતો. એ સ્ત્રીઓ સાથે પ્રેમાલાપ દરમિયાન તેમની પ્રશંસા કરતાં તે થાકતો નહીં. આજે એને પોતાને જ ‘બિચારા’ અને ‘બેવકૂફ’ પતિ તરીકે ગણાઇ. જવાનો ભય અત્યંત અપમાનજનક લાગતો હતો. એ મનોમન માનસીને ગાળો દઇ ક્રોધનો ઘૂંટડો ગળી જતો હતો.

ખરાબ વર્તનના કોઇ પુરાવા વિના તે પોતાના સહકાર્યકરને સ્પષ્ટ પણે સંબંધ વિચ્છેદ કરવાનું કહી શકે એમ નહોતો અને આજ કારણસર એ માનસી પર પણ રાહુલથી દૂર રહેવાની જબરદસ્તી કરી શકતો નહીં. આજે એ અગાસી પર છુપાઇને બંનેની કોઇ અવાંછનીય વર્તણૂક જોવા મળે તેનું ધ્યાન રાખતો હતો. એના મનમાં વારંવાર ઇર્ષા અને ક્રોધના ભાવ જાગતા હતા. પોતાની કાલ્પનિક દુનિયામાં એ તેમને પ્રેમાલાપમાં મગ્ન થઇ ગયેલાં નિહાળી રહ્યો હતો.

અચાનક એણે જોયું કે રાહુલ પોતાની આત્મીયતા વ્યક્ત કરતાં એક હાથ માનસીના ખભા પર મૂક્યો હતો ત્યારે એના મનમાં ઘૃણા જાગી. રાહુલ ક્યાંય સુધી માનસીને પ્રભાવશાળી ઢબે કંઇક કહેતો રહ્યો. માનસીએ પણ એનો હાથ ખસેડવાની કોઇ ચેષ્ટા કરી ન હતી. આ જોઇ વિવેકના ક્રોધનો પારો ઉંચો ચડતો જતો હતો.

માનસી અંદર આવવા માટે પાછળ ફરી કે રાહુલે એકદમ એનો હાથ પોતાના બંને હાથથી પકડી લીધો.હવે વિવેકની ધીરજનો અંત આવી ગયો. એ ક્રોધિત થઇ નીચેઉતરવા જતો હતો ત્યાં જ અચાનક ઊભો રહી ગયો. એણે જોયું કે માનસીએ રાહુલના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. પછી એ ઝડપથી ચાલતી હોલમાં પહોંચી.

આ દ્રશ્ય અગાશીમાં ઊભેલા વિવેક ઉપરાંત લોનમાં બેઠેલા બીજા ચાર-પાંચ લોકોએ પણ જોયું હતું. રાહુલ પણ નીચું જોઇ ચૂપચાપ અંદર આવ્યો હતો. વિવેકે નીચે આવીને જોયું તો એ માનસી સાથે કંઇ વાત કરવાની કોશિષ કરતો હતો. માનસીના ચહેરા પર નારાજીના ભાવ સ્પષ્ટ વરતાતા હતા. લગભગ પાંચ મિનિટ વાતચીત કર્યા બાદ રાહુલ ત્યાંથી જતો રહ્યો. માનસી હવે થોડી શાંત અને સહજ લાગતી હતી.

ઘેર આવ્યા બાદ વિવેક કે માનસી બંનેમાંથી કોઇએ આ ઘટના વિશે વાત ન ઉખેડી. માનસી કપડાં બદલી સાવ ગુમસુમ થઇ આંખો બંધ કરી પથારીમાં સૂઇ ગઇ. જો માનસીએ પોતે જ આ વાત એને કહી દીધી હોત, તો વિવેક એને નિર્દોષ માની લેત. વિવેક માનસી કંઇ કહે તેની રાહ જોતો રહ્યો પરંતુ એ કંઇ બોલી નહીં.

વિવેક આ ઘટનાને બે પ્રેમીઓ વચ્ચેનો અણબનાવ સમજી વધારે ગુસ્સે થયો. પછી પાછળથી બંને વચ્ચે સુલેહ થઇ ગઇ હોય એમ લાગતું હતું. છેવટે આ પ્રેમપ્રકરણનો કાયમ માટે અંત આણવા ને માનસીના મોંએથી સાચી વાત કઢાવવા માટે એણે માનસી સાથે આક્રમક ઢબે વાતચીત કરવાનું નક્કી કર્યું.

એણે ગંભીર સ્વરે મોટેથી કહ્યું, ”માનસી, બેઠી થા, મારે તારી સાથે થોડી વાતચીત કરવી છે.”

”શી વાત છે?” માનસીએ એની સામે જોઇ ધીમેથી પૂછયું. વિવેકના ચહેરા પર વધારે ગંભીરતા અને રોષના ભાવ જોઇ એ પથારીમાં બેઠી થઇ ગઇ.

”તું આટલી ઉદાસ, પરેશાન અને ગભરાયેલી કેમ લાગે છે?”

”કંઇ નહીં. મારું માથું ખૂબ દુ:ખે છે” એ પળવાર ચૂપ રહીને બોલી.

વિવેક એકાએક ઉત્તેજિત સ્વરે બોલ્યો ”માનસી, તું માને છે એટલો હું નાદાન અને અંધ નથી. આજે ક્લબમાં જે કંઇ બન્યું, તે મેં સગી આંખે જોયું છે, છેલ્લાં કેટલાંય અઠવાડિયાથી હું ઘણું બધું જોવા છતાં ચૂપચાપ સહન કરતો આવ્યો છું, પરંતુ આજે જે કંઇ બન્યું તે વિશે હું તારા મોંએથી સાંભળવા ઇચ્છું છું.”

”શું જોયું છે તમે, અને શું જોતા આવ્યા છો? બોલો, મને પણ ખબર પડે..” માનસીના સ્વરમાં સ્પષ્ટ નારાજી હતી.

”તો તું પણ સાંભળી લે. રાહુલ સાથે તું આમ મર્યાદા ઉલ્લંઘીને હળેમળે છે. તે હું જાણું છું.”

”તમે કેવી વાત કરો છો? આ રીતે કોઇ પ્રકારના પુરાવ વિના તમે મારા પર આરોપ..” માનસીને અધવચ્ચે જ બોલતી અટકાવી વિવેક ગુસ્સે થઇ બરાડયો, ”બસ, મૂંગી મર. મારે કંઇ સાંભળવું નથી. તારા ‘ના’ કહેવાથી વાસ્તવિક્તા બદલાઇ જવાની નથી. હું એ બદમાશને બરાબર ઓળખું છું. તું આ રીતે મારી સાથે વિશ્વાસઘાત કરીને ઘરની આબરૃના ધજાગરા ઉડીડીશ, એવી મને ખબર નહોતી. આજે તારે આની સજા જરૃર ભોગવવી પડશે.”

”સજા? પણ મેં એવું શું કર્યું છે, વિવેક? તમે કયા પુરાવાના આધારે મારા ચારિત્ર્ય પર આવું આળ મૂકો છો?” ક્રોધ અને અપમાનને લીધે એનો સ્વર ધુ્રજતો હતો.

”મને એ વાતનો જવાબ આપ કે આજે ક્લબની લોનમાં બધાંની હાજરીમાં તારા ખભા પર હાથ મૂકવાની રાહુલે હિંમત કેમ કરી? કોણ જાણે મારી ગેરહાજરીમાં ઘરમાં શું થતું હશે! હવે કહે કે આ તમામ આરોપ નિરાધાર છે?”

માનસી થોડીવાર મૌન રહ્યા પછી બોલી ”ઓહ, એમ વાત છે? તમે ત્યાર પછીની ઘટનાની વાત ન કરી, મેં રાહુલને મારેલી થપ્પડ મારો પ્રેમ પ્રદર્શિત કરતી હતી?”

”એ થપ્પડ માર્યા પછી એ તને મનાવતો હતો તે પણ મેં જોયું હતું. બોલ, તારા પ્રેમી સાથે કઇ બાબત અંગે અણબનાવ થયો હતો? તારા સિવાય બીજી સ્ત્રીઓ સાથે ચાલતાં એવાં લફરાંની તને ખબર પડી ગઇ હતી?” વિવેકનો ચહેરો વિકૃત લાગતો હતો.

આશ્ચર્યચકિત બની માનસી ચૂપચાપ થોડીવાર સુધી, વિવેકની સામે તાકી રહી. પછી એ બોલી, વિવેક તમે પૂછયું છે એટલે હું નિર્દોષ હોવા છતાં સ્પષ્ટતા જરૃર કરીશ, પહેલાં તમે કહો, કે તમે જ્યારે પારકી સ્ત્રીઓ પાછળ ફરતા ત્યારે હું ઝઘડો કરતી, રડતી, પણ તમને ક્યારેય સ્પષ્ટતા કરવાની જરૃર લાગી હતી ખરી?”

”વાત બદલી નાખવાની કોશિશ ન કર, માનસી.”

”તમે સાચી વાત જાણવા માંગો છો ને? તો સાંભળો, રાહુલ આજે મારી સમક્ષ એના પોતાના હલકા ચારિત્ર્યનું જ નહીં, પણ તમારી અનૈતિક વર્તણૂકનું પણ વર્ણન કરી રહ્યો હતો.”

”એટલે તું કહેવા શું માંગે છે?”

”આજે એણે મને તમારી સ્ટેનો મોના વિશે જણાવ્યું, જેની સાથે તમે એના ઘરે અનેકવાર મોજ માણી છે. તમારા સહકાર્યકર મુકેશની પત્ની પ્રિતી સાથે તમે રચેલા પ્રેમના નાટક વિશે પણ તેણે મને જણાવ્યું. એટલું જ નહીં, એની પરિચિત યુવતીઓ સાથે ઓળખાણ કરાવવા તમે એની કેટલી ખુશામત કરતા હતા. તે વિશેપણ તે કહેતો હતો.”

પોતાના અંગત જીવનની ખરી બાબતોનું વર્ણન માનસી પાસેથી સાંભળીને વિવેકનો ચહેરો ધોળી પૂણી જેવો ગયો, આમ છતાં ઉપરછલ્લી રીતે મક્કમતા દર્શાવતાં એણે કહ્યું, ”એ એક નંબરનો બદમાશ અને જૂઠું બોલનાર છે. તને ફોસલાવવા માટે એણે કપોળકલ્પિત વાતો કહી છે. તારા પતિ વિરુધ્ધ તારા મનમાં ઝેર ભરવા માટે જ એણે તારા ખભા પર હાથ મૂક્યો હતો ને તારો હાથ પકડયો હતો?”

”તમારાં પરાક્રમોનું વર્ણન કરતી વખતે એણે મારા ખભા પર એનો હાથ મૂક્યો હતો. મને તો ત્યારે એ વાતનો ખ્યાલ પણ નહોતો. હું તો સ્તબ્ધ બની તમારા વિશ્વાસઘાતને સમજવાની કોશિશ કરતી હતી.”

”ત્યારે તેં અન વિચાર્યું કે એ બદમાશ તને આ બધું શા માટે કહી રહ્યો છે?”

મને પાછળથી ખ્યાલ આવ્યો કે એ મારા તમારા પ્રત્યે ઘૃણા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એ મને સમજાવતો હતો કે, તમારા જેવા બેવફા માણસ સાથે વફાદારી પૂર્વક રહેવું જરૃરી નથી. વિવેક તમારા લીધે સ્ત્રીઓ સમક્ષ તો હું ઘણીવાર અપમાનિત થઇ છું.”

આટલું કહેતાં માનસીની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. વિવેકને એનાં આંસુઓમાં ક્યાંય બનાવટ હોય તેમ લાગતું નહોતું.

એ ચુપચાપ સાંભળતો રહ્યો. માનસીએ રૃંધાયેલા સ્વરે આગળ કહ્યું. ”મને એ ખ્યાલ આવતો હતો કે રાહુલ જે કંઇ કહેતો હતો, તે ખોટું નહોતું. તમારી પત્ની હોવાથી મેં મારી ફરજ બજાવતાં એને તમારી વિરુધ્ધ વિશેષ કંઇ ન કહેવાનું કહ્યું. જ્યારે એ ન માન્યો અને હું એની પાસેથી ખસવા ગઇ, ત્યારે એ બદમાશે પોતાનો વાસનાસભર પ્રેમ મારી સમક્ષ પ્રકટ કરતાં મારો હાથ પકડી લીધો.”

માનસી ફરી રડવા લાગી. એની વાત સાંભળી જડ બની ગયેલા વિવેકને શું કરવું તે સમજાતું નહોતું. એણે કહ્યું, ”માનસી, એમે મને તારી દ્રષ્ટિમાં નીચો ધેકાડવાનો પ્રયત્ન કર્યો. તારા અપમાનની તેં એને યોગ્ય સજા આપી છે. હવે વધારે ન રડીશ, નહીં તો તારું માથું દુખશે.”

પોતાનાં આંસુ લૂછતાં માનસીએ પહેલાં કરતાં સહેજ શાંત સ્વરે કહ્યું, ”સજાને લાયક તો એ હતો જ, પરંતુ મેં એના કોઇ ગેરવર્તન બદલ આ સજા નથી કરી. એ મારા પતિને ચારિત્ર્યહીત સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારી સમક્ષ પ્રણયનિવેદન કરીને એણે તેના પોતાના હલકા ચારિત્ર્યનો પુરાવો તો જાતે જ આવી દીધો હતો.

એ મારી સાતે અનૈતિક સંબંધ બાંધવા ઇચ્છતો હતો. એ આપણા ઘરે આવે ત્યારે હું તેમની મહેમાનગતિ એટલા માટે કરતી હતી કેમકે એ તમારી તમારી ઓફિસમાં તમારાથી સિનિયર છે. સારો વર્તાવ કર્યો હોય તો તમારું માન પણ સચવાય.

વિવેક, આ માગણી પાછળ એની એવી ધારણા હતી કે, તમારા બંનેની માફક હું પણ બદચલન છું. અને એણે ફેંકેલી જાળમાં ફસાઇ જઇશ. પરંતુ રાહુલે રોંગ નંબર લગાવ્યો હતો. માનસી પાસે તેના મલિન ઇરાદા સફળ થવાના નહોતા.

એ નિમ્ન કક્ષાના માણસે મારા તરપથી કોઇ પ્રકારનો સહયોગ ન મળવા છતાં આ પ્રકારની કોઇ ઇચ્છા પ્રકટ ન થવા છતાં માની લીધું કે હું એક ચારિત્ર્યહીન સ્ત્રી છું. એની આવી વિકૃત માનસિક્તા, ક્લુષિત વિચાર અને ગંદી ધારણા માટે જે સજા મળવી જોઇએ, તે તો મેં એને કરી જ છે.”

આટલું કહ્યાં બાદ રડતી – રડતી માનસી બાથરૃમમાં મોં ધોવા ચાલી ગઇ. વિવેકને થયું કે માનસી પર શંકા કરીને આજે એ પોતે એની તથા પોતાની દ્રષ્ટિમાંથી ઉતરી ગયો હતો. એને પોતાને પોતાના કલંકિત ભૂતકાળ પ્રત્યે ઘૃણા જાગી હતી. એ ક્યાંય સુધી વિચારતો રહ્યો, ‘માનસીની માફી માંગીને શું તે માનસીએ તેના પર તથા તેના જેવા બીજા દગાખોર પરિણીત પુરુષો પર મૂકેલા આક્ષેપોમાંથી મુક્ત થઇ શકશે ખરી?”

– જયેન્દ્ર શાહ

કાકવંધ્યા – ચુનીલાલ મડિયા

Standard

કાકવંધ્યા – ચુનીલાલ મડિયા

 

વાસવીની છાતીના ધબકારા વધી ગયા. પોતા ઉપર જ ટ્રેઇન ધસી આવતી હોય એવી ભયભીત રેખાઓ એના મોઢા પર અંકાઈ ગઈ. નૈષધે વધારે અકળામણ અનુભવી.

સપનાંની પાંખે ચડીને બંને સાથીઓ જાણે આકાશમાં ઊડતા હતા- ઊંચે… ઊંચે… આકાશના તારલાથી પણ ઊંચે… અને એમાં એક દિવસ વાસવીને ધરતી પર પાછું આવી જવું પડયું.

ઝલક, ઝમક ને ઝળહળાટ વડે વાતાવરણ ઝાકઝમાળ હતું. એરકન્ડિશન્ડ ઑડિટોરિયમનું વિશાળ પ્રાંગણ પ્રેક્ષકોથી ચિકાર ભરાઈ ગયું હતું. નિયૉંલાઇટની ઉજમાળી રોશનીમાં પચરંગી શહેરના પ્રેક્ષકગણે વિવિધરંગી વસ્ત્રોનો જાણે રંગમેળો રચી દીધો હતો. સાડી, સ્કર્ટ, શુલ્વાર અને સ્લેક્સ સુધીનાં એ વિવિધ શૈલીના વસ્ત્ર પરિધાનમાંથી એટલી જ વૈવિધ્યભરી સુવાસો ઊડતી હતી.

અર્કો અને અત્તરો.. સેન્ટ અને સ્નોક્રીમ… યાર્ડલી અને કેટ્ટી… મોનાલિઝા અને ઇવનિંગ ઇન પેરિસ… વિવિધ મહેંક વડે માદક ને મત્ત બનેલા વાતાવરણમાંથી પાગલ હવાનું ગાન ગુંજતું હતું. અલબત્ત, એ ગાનમાં સ્વર કે શ્રુતિની સંવાદિતા નહોતી, બલકે કલબલાટ ને કોલાહલ હતો પણ એ કલશોરમાં જ એક પ્રકારનું કાવ્ય હતું ને!

દરવાજા નજીક ઊભીને આતુર નયને નૈષધની રાહ જોઈ રહેલી વાસવી પણ આ કોલાહલના કાવ્યનું પાન કરી રહી હતી. એની નજર અત્યારે પ્રેક્ષકોની ફેશનપરેડ ઉપર નહોતી. એની એક આંખ કાંડા ઘડિયાળના કાંટા ઉપર મંડાઈ હતી, બીજી આંખે એ ફૂટપાથ પર આવીને ઊભી રહેતી મોટર ગાડીઓને અવલોકી રહી હતી. કોઈ ટુ-સીટરમાંથી નૈષધ ઊતરે છે?

પિક્ચર શરૃ થવાનો સમય ભરાતો ગયો તેમ તેમ થિયેટરના પ્રવેશદ્વાર પર થોભતી ગાડીઓની સંખ્યા પણ વધતી ગઈ. કિસમ કિસમની ગાડીઓમાંથી કિસમ કિસમના પ્રેક્ષકો ઊતરતા હતા. બાળકો ને વૃદ્ધો, યૌવનાઓ ને પ્રૌઢાઓ, નવોઢાઓ ને ત્યક્તાઓ… બે-અઢી કલાક માટે જ એકત્રિત થયેલા પંખીના મેળા જેવા આ માનવ સમુદાયમાં અભિનેત્રીઓ હતી,

અભિસારિકાઓ હતી, એકાકિનીઓ હતી. વાસવી સમી વાસકસજ્જાઓ પણ હતી. અસાધારણ સભાનપણે વાસવીએ સજેલા વસ્ત્રાભૂષણ પરથી સ્ત્રીહૃદયના કોઈ જાણભેદુ સહેજે કલ્પી શકે અને એ કલ્પના સાવ સાચી પણ પડે કે વાસવી પોતાના પ્રિયપાત્રની પ્રતીક્ષા કરી રહી હતી. ઘડિયાળનો કાંટો આગળ વધતો હોય તેમ તેમ પ્રતીક્ષા કરતી આ પ્રેયસીની ધીરજ ખૂટતી જતી હતી.

વાસવીને વધારે અકળામણ તો એ કારણે થતી કે પોતે જ્યારે રસ્તા પરથી પસાર થતી ગાડીઓ તરફ તાકી રહી હતી, ત્યારે આજુબાજુ ઊભેલા કુતૂહલપ્રિય પ્રેક્ષકો વાસવી ભણી તાકી રહ્યા હતા. કોલેજકાળમાં ‘મિસ મેડિકો’નું બિરુદ મેળવી ચૂકેલી આ રૃપસુંદરી આમે ય આકર્ષક તો હતી જ, પણ અત્યારે ખૂણામાં એકલીઅટૂલી, એક હાથમાં અદ્યતન પર્સ અને બીજા હાથમાં મોંઘોદાટ ફર કોટ લઈને ઊભેલી વાસકસજ્જા વધારે ધ્યાન ખેંચી હતી.

પિક્ચર શરૃ થાય છે એ સૂચવતી ઘંટડી વાગી ત્યારે તો વધારાની ટિકિટ કેન્સલ કરાવવી છે કે કેમ, એવો પ્રશ્ન પણ બે-ચાર પ્રેક્ષકો પૂછી ગયા અને એ સહુને વાસવીએ રોષભરી ના સંભળાવી દીધી. પછી નૈષધ ઉપર મનમાં ને મનમાં રોષ ઠાલવી રહી :’આજે શનિવારે ક્લિનિકમાં હાફ-ડે હોય છે છતાં નૈષધ ટાઇમ જાળવી શકતો નથી! કોણ જાણે શું કરતો હશે?..’ પણ બીજી જ ક્ષણે એનો રોષ ઊતરી ગયો. વિલંબનું વાજબીપણું પોતે જ શોધી કાઢ્યું :’કદાચ છેલ્લી ઘડીએ કોઈ કોમપ્લિકેટેડ કેઇસ આવી પડયો હશે… ગાઇનેકોલૉજિસ્ટનું ભલું પૂછવું, કઈ ઘડીએ રોકાઈ જવું પડે એ કેમ કહી શકાય?’

ઘંટડી વાગતાંની સાથે જ પ્રેક્ષકો ઑડિટોરિયમમાં દાખલ થઈ ગયા, તેથી પ્રાંગણ સાવ ખાલી ખાલી લાગવા માંડયું. હવે તો નૈષધની રાહ જોઈ જોઈને વાસવીને કંટાળો આવવા લાગ્યો. પિક્ચરમાં આવવાને બદલે બીજો કોઈ કાર્યક્રમ ગોઠવ્યો હોત તો વધારે સારું થાત એમ પણ વિચારી રહી. કોને ખબર છે, આ ચિત્ર કેવુંક નીકળશે!

અરે, નામ પણ કેવું વિચિત્ર ને જડબાતોડ છે :યુકીવારીસૂ. પ્રાંગણની દિવાલ પર ચાલુ ચિત્રોના કેટલાક ‘સ્ટીલ’ અને બીજું સાહિત્ય ટાંગવામાં આવેલું. નૈષધ આવી પહોંચે ત્યાં સુધી સમય પસાર કરવાના ઇરાદાથી વાસવી એ તસવીરો તરફ વળી. વાંચ્યુ ત્યારે ખબર પડી કે જાપાની ભાષામાં ‘યુકીવારીસૂ’નો અર્થ ‘બરફનું પડ ભેદીને ઊગી નીકળેલું ફૂલ’ એવો થાય છે.

યુકીવારીસૂ એટલે હિમપુષ્પ… વાહ!… તસવીરો જોઈ તો એમાં રોકડાં ત્રણ જ પાત્રો દેખાતાં હતાં :બાળક, માતા અને પિતા. વાસવી અનિમિષ નયને એ નમણા જાપાની બાળકના નિર્દોષ ચહેરામહોરા તરફ તાકી રહી હતી, ત્યાં જ દૂરથી મોટરનું પરિચિત ભૂંગળું સંભળાયું. જોયું તો સામેના રસ્તા ઉપર નૈષધ પોતે જ ‘ફિઆટ’ને પાર્ક કરી રહ્યો હતો.

‘ઓહ! આઇ એમ સૉ… સોરી ફોર બીઇંગ લેઇટ!’ શ્વાસભેર આવી પહોંચતા નૈષધે મોડા પડયા બદલ માફી માગી.

‘પણ ક્યાં હતો અત્યાર સુધી?’

‘ઑપરેેેશન થિયેટરમાં હતો, બીજે ક્યાં?’ નૈષધે કહ્યું, ‘સિઝેરિયન ઑપરેશન આવી પડેલું. પાકા ચાર કલાક લાગ્યા અને પછી તારે માટે કેશ્યુ નટ્સ લેવા ફાઉન્ટન તરફ ફરીને આવ્યો એમાં વધારે મોડું થયું.’

ઑપરેશનની વાત સાંભળી વાસવીના ઝલકભર્યા મુખારવિંદ પરથી નૂર ઊડી ગયું. ગભરાઈને પૂછ્યું :’સિઝેરિયન ઓપરેશન?’

‘હા, બરોબર તારા જેવું જ… મિરેક્યુસલ!’ નૈષધ શસ્ત્રક્રિયાની સફળતા બદલ ગર્વભેર બોલતો હતો :’આ કેઇસ તો મારે ‘લેન્સેટ’માં રિપોર્ટ કરવો પડશે…’

‘બાળક બચી ગયું?’ વાસવીએ ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘બાળક ને માતા બેયને બચાવી લીધા છે! મેં કહ્યું નહીં, તારા જેવો જ કેઇસ હતો – એક્ઝેટલી પેરેલલ!’ અંદર પ્રવેશતા નૈષધે ઉમેર્યું :’આ કેઇસમાં પણ હવે માતાને ફરી વાર બાળક નહિ થઈ શકે. તારી જેમ જ ઑપરેશન કરી નાખવું પડશે.’

પડદા ઉપર મજાનું ન્યૂઝરિલ ચાલતું હતું. કોઈ પ્રધાન કશાકનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા પણ પ્રધાનની વરવી શિકલ જોવામાં વાસવીને જરાય રસ નહોતો. એનું મન તો આ થિયેટરમાંથી ઊડીને નૈષધના ઑપરેશન થિયેટરમાં જઈ બેઠું હતું. સિઝેરિયન ઓપરેશન અને પછી  કદી ગર્ભાધાન ન થઈ શકે એવી શસ્ત્રક્રિયા.. નૈષધે બે-ત્રણ વાર ઔપચારિક ઢબે પૂછ્યું :’તબિયત કેમ છે?’ પણ અન્યમનસ્ક વાસવીએ એ પ્રશ્ન સાંભળ્યા જ નહિ.

નૈષધ વિચારમાં પડી ગયો.

મુખ્ય ચિત્ર શરુ થતાં વાસવીએ પરદા પર જિજ્ઞાાસાભરી નજર નોંધી. બહારગામ ગયેલા પતિના આગમનની રાહ જોતી એક નવોઢા ઘરમાં સાજસજાવટ કરે છે, નાનાં મોટાં હરેક રાચ સાથે પોતાના નવપ્રણયની મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. આજે આવી પહોંચનાર પતિને પોંખવા એ પ્રોષિતભર્તૃકા થનગની રહી છે. દંપતીએ સાથે જઈને ખરીદેલું મનગમતું ઘડિયાળ, હવે મિલનની કેટલીવાર એ સમય બતાવે છે. પોતાના હૈયાના દીવડાના પ્રતીક સમા દીપકો ઘરમાં ઠેર ઠેર પેટાવીને ઉજમાળે ગૃહાંગણે એ પ્રતીક્ષા કરી રહી છે.

નૈષધે નિયમ મુજબ વાસવી સમક્ષ કાજુ ધર્યા પણ વાસવીએ એમાંથી એક પણ કાજુ ઉપાડયો નહિ.

આખરે એ ઉજમાળા ઘરને બારણે ટકોરા પડયા. પત્નીએ ઊછળતે હૈયે બારણું ઉઘાડયું તો પતિને બદલે એક છોકરો ઊભો હતો. એના હાથમાં એક ચિઠ્ઠી હતી, એ વાંચીને ગૃહિણી ડઘાઈ ગઈ. મરણસજાઈએ પડેલી એક માતાએ પોતાના આ પુત્રને, તરણોપાય તરીકે એના સાચા પિતાને આંગણે મોકલી આપ્યો હતો. પત્નીને માટે આ ભારે વસમો અનુભવ હતો. આ અણધાર્યા આઘાતમાંથી એને કળ વળે એ પહેલાં તો પતિનો તાર પણ આવી ગયો કે હું ચાર દિવસ મોડો આવીશ. હવે?.. હવે શું?…

નૈષધને નવાઈ લાગી. રોજ તો હોંશે હોંશે કાજુ ખાનાર વાસવી આજે આ સૂકા મેવાને સ્પર્શતી પણ કેમ નથી? પરદા પર એવું તે શું જોવાનું છે કે એને મારા તરફ નજર સુધ્ધાં કરવાની નવરાશ નથી?

વણતેડાવ્યા આવી ઊભેલા બાળકે ગૃહિણીનું ચિત્તતંત્ર ડહોળી નાખ્યું. રોષ અને કરુણા વચ્ચે એ ઝોલાં ખાવા લાગી. આખરે રોષ ઓસરી ગયો ને માતૃહૃદયમાં વાત્સલ્યનું ઝરણું ફૂટયું. બાળકને રીઝવવા એ પોતે બાળક બની ગઈ. પતિની ગેરહાજરીમાં બન્નેએ ખૂબ ખૂબ ખેલ ખેલ્યા. પ્રાણીઘરમાં ફરી આવ્યા. ચગડોળમાં બેસી આવ્યાં. બહુ મઝા કરી. પત્નીએ પોતાના ભાવિ બાળક માટે સજાવી રાખેલા રમકડાનો આખો ઓરડો આ પારકા જણ્યાને સોંપી દીધો.

બાળકને એના દિલની દુનિયા સાંપડી ગઈ. અરે, આ ઓરડામાં કેટકેટલા દોસ્તો હતા! ચાવી આપતા જ ચાલવા માંડે એવો હાથી હતો, જિરાફ હતું, હરણ હતું…!

વાસવીએ ઊંડો પરિતોષ સૂચવતો ઉચ્છ્વાસ મૂક્યો ત્યારે નિરુત્સાહિત થયેલા નૈષધને જરા ઉત્સાહ આવ્યો. એણે વાસવીનો હાથ પકડવા પ્રયત્ન કર્યો પણ વાસવીએ એ પાછો ખેંચી લીધો! વાસવી આજે આવી વિચિત્ર રીતે કેમ વર્તે છે? આમ તો હરેક ચિત્ર જોતી વેળા હાથમાં હાથ પરોવીને બેસનારી આ તરુણીને આજે થયું છે શું?

… ચોથે દિવસે પતિનું આગમન થયું. આવતાંની વાર જ એ પલટાયેલી પરિસ્થિતિ પામી ગયો… દંપતીના નિર્બંધ પ્રેમવિનિમય આડે બાળક જાણે કે અડીખમ દીવાલ બની રહ્યો હતો. પતિએ પત્નીને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો. પોતાની પૂર્વજીવનની વાત અથતિ કહી સંભળાવી. યુદ્ધકાળમાં બૉમ્બગોળાની ભીષણ અગનવર્ષા વચ્ચે પોતાની સાથે આપત્તિમાં સપડાયેલી એક અસહાય તરુણીની કથા કહી સંભળાવી. સમાન આફત વચ્ચે સપડાયેલા બે માનવીઓ વચ્ચેના અનિવાર્ય સખ્યનું પરિણામ આ બાળકરૃપે રજૂ થયું છે એવો એકરાર કર્યો.

એમાં કોઈનો દોષ નહોતો. એ ભયોન્માદ દશા દૈવની જ સરજત હતી. હું બેવફા નથી બન્યો. મેં ખુટામણ નથી કર્યું. હું માત્ર સંજોગોનો ભોગ બન્યો છું. મારું આ સ્ખલન નિભાવી લો! નિભાવી લો! આ હૃદયદ્રાવક કથની સાંભળીને પત્નીનું કઠણ હૃદય પણ પીગળ્યું. બરફનું અભેદ્ય પડ ઓગળવા લાગ્યું અને એમાંથી વાત્સલ્યનું બીજ અંકુરિત થવા લાગ્યું. સરળહૃદય સુંદરી ધુ્રસકે ધુ્રસકે રડી પડી…

વાસવીએ પર્સમાંથી રૃમાલ કાઢ્યો. નૈષધ મૂંગો મૂંગો જોઈ જ રહ્યો. વાસવીએ આંખ લૂછી ત્યારે જ નૈષધને ખબર પડી કે એ રડી રહી છે. હવે એને કાજુ આપીને રીઝવવાનું અશક્ય હતું. નૈષધ અસહાય બનીને – પરદા પરના કથાનક જેટલો જ અસહાય બનીને – ચલચિત્રના આવા વિલક્ષણ કથાવસ્તુ અંગે અકળામણ અનુભવી રહ્યો.

… શાણા બાળકને સમજતાં વાર ન લાગી કે પોતે આ દંપતીના સુખી દામ્પત્યમાં કલહનાં બીજ રોપી રહ્યાં છે. પોતે આ ઘરમાં અણગમતો છે, અળખામણો છે એમ સમજતા અહીંથી ચાલી નીકળવાની એણે તૈયારી કરી. વિદાય લેવાની? ઘરનાં ધણિ ધણિયાણિની વિદાય તો લેવાની નહોતી,પણ પેલા આપ્તજન જેવાં બની ગયેલાં રમકડાને તો છેલ્લી સલામ કહેવી પડે ને! હાથમાં પેટી લઈને જતાં જતાં, આંસુભરી આંખે એ એ રમકડાં- પ્રાણી તરફ તાકી રહ્યાં. કણ્વાશ્રમમાંથી શકુંતલાની વિદાય વેળાએ તો જીવતાં હરણાંએ ગ્લાનિ અનુભવી હતી; પણ અહીં તો કાગળ- કપડાંનાં નિર્જીવ પ્રાણીઓ રડતાં લાગ્યાં.

વાસવીએ ફરી આંખ લૂંછી. હવે નૈષધને કશું બોલવા-ચાલવાના હોશ નહોતા રહ્યા. એને લાગ્યું કે પોતે આજે ખોટા સ્થળે આવી ભરાયો છે.

… ગૃહિણીએ જોયું કે છોકરો ચાલ્યો ગયો છે, ત્યારે એના પેટમાં ફાળ પડી. બારીમાંથી બહાર નજર કરી તો છોકરો જે રીતે આવ્યો હતો, એ જ રીતે રેલવેના પાટા ઉપર એક હાથમાં પેટી ઝુલાવતો પાછો જતો હતો. ગૃહિણી સફાળી રેલને પાટે પાટે એની પાછળ દોડી. સામે દેખાતા સિગ્નલનો હાથો પડી ગયો હતો એ પરથી સમજાયું કે આ પાટા પર તો ટ્રેન આવી રહી છે… બાળકને બચાવી લેવા એ વધારે ઝડપથી દોડી. પત્ની તથા બાળક મોતના મુખમાં જઈ રહ્યાં છે એમ જણાતાં પાછળ પતિએ પણ દોટ મૂકી. સામેથી ઉપરાછાપરી તીણી વ્હિસલ વગાડતી, માર માર કરતી ઝડપે ગાડી આવી રહી હતી.

વાસવીની છાતીના ધબકારા વધી ગયા. પોતા ઉપર જ ટ્રેઇન ધસી આવતી હોય એવી ભયભીત રેખાઓ એના મોઢા પર અંકાઈ ગઈ. નૈષધે વધારે અકળામણ અનુભવી.

… પિતાએ જોયું કે પાટા પર સામેથી સાક્ષાત્ યમરાજ વિદ્યુત ગતિએ આવી રહ્યા છે અને એમના જડબામાં બન્ને જીવ અબઘડીએ જ હોમાઈ જશે. દિલ ધડકાવનારું આ દ્રશ્ય જોઈ માત્ર પિતાનો જ નહિ, પ્રેક્ષકોનો જીવ પણ તાળવે ચોંટયો હતો.

આંખના પલકારા જેટલી વારમાં જ ત્રણેય પાત્રોનો કચ્ચરઘાણ નીકળી જશે એમ લાગતું હતું… અને ત્યાં જ પતિએ બન્ને જીવોને આંબી લીધા. લગોલગ આવી પહોંચેલી ટ્રેન તળે એમને પિલાઈ જતા અટકાવવા પોતે હડસેલો મારી દીધો અને ત્રણેય જીવ પાટાની બાજુ પર ગબડી પડયા. ગાડી પસાર થઈ ગઈ અને આખુ કુટુંબ હેમખેમ ઊગરી ગયું…

અદ્ધર શ્વાસે અવલોકી રહેલી વાસવીનો શ્વાસ હેઠો બેઠો. નૈષધે પણ એટલા પ્રમાણમાં રાહત અનુભવી.

… અને પરદા પર દ્રશ્ય બદલાયું. મોતના મુખમાંથી ઊગરી ગયેલાં ત્રણેય પાત્રો પાછાં ધેર આવ્યાં. દંપતીના જીવન પર ઘેરાયેલાં વાદળ વીખરાઈ ગયાં. ઘરમાંથી ઉદાસીનતાનો અંધકાર ઓગળી જતાં ચોગરદમ પ્રસન્નતાનો પ્રકાશ રેલાઈ રહ્યો….

ચિત્ર પૂરું થયા પછી પણ વાસવી ખુરશીમાં જ બેસી રહી. આજુબાજુ બેઠેલા સહુ લોકો ઊભા થઈને દરવાજા તરફ ચાલ્યા, ત્યારે નૈષધે એને કહેવું પડયું કે ખેલ ખતમ થયો છે.

વાસવી જાણે કે તંદ્રામાંથી જાગી અને નૈષધની પાછળ પાછળ ચાલી.

છબીઘરમાંથી બહાર નીકળતાં ઠંડો પવન ફૂંકાવા માંડયો હતો; તેથી નૈષધે વાસવીને ફર-કોટ પહેરાવ્યો.

‘કેમ પિક્ચર કેવું લાગ્યું?’ નૈષધે વાસવીને વાતચીતમાં પ્રેરવા ખાતર જ પૂછી નાખ્યું.

જવાબમાં વાસવી  પોતાની વેધક આંખો નૈષધ ઉપર નોંધી રહી. એ મૂંગી નજરનો તાપ જીરવવો નૈષધ માટે મુશ્કેલ હતો. મોટાં મોટાં ડગ ભરીને એ આગળ નીકળી ગયો અને ફિઆટનું બારણું ઊઘાડીને ઊભો રહ્યો.

વાસવી રુઆબભેર – જાણે કે પોતાના અધિકારની રૃએ સ્ટીઅરીંગ વ્હિલ ઉપર બેસી ગઈ.

‘આજે હું હાંકુ તો કેમ?’ નૈષધે બીતાં બીતાં સૂચવ્યું.

‘કેમ ભલા, હું ડ્રાઇવિંગ ભૂલી ગઈ છું?’ વાસવીએ કટાક્ષમાં પૂછ્યું અને નૈષધ કશો ખુલાસો કરે એ પહેલાં તો આ માનુનીએ એકસેલરેટર પર પગ દબાવી દીધો. નિયમ એવો હતો કે, બન્ને જણાં સાથે હોય ત્યારે વાસવીએ જ ગાડી હાંકવાની. નૈષધ એ વણલખ્યા નિયમને આધીન થઈને ચૂપચાપ બાજુ પર બેસી ગયો. બ્રેક છૂટી અને ટુ-સીટર સડેડાટ ઊપડી.

ધોબી તળાવ પરથી ક્વિન્સ રોડ પર વળાંક લીધો… એક તરફ સોનાપુરની સળંગ દીવાલ અને બીજી બાજુ લોકલ ગાડીઓના પાટા… સામસામી આવતી- જતી ટ્રેનો તીણી સીટી બજાવતી જતી હતી… અને એમાં સામેની ફૂટપાથ પર ત્રણ ચાર જણા એક બાળકને સ્મશાન લઈ જતા દેખાયા. ઘરના મોવડી જેવા જણાતા ને મોખરે ચાલતા માણસના હાથમાં કોરા કપડામાં ઢબુરેલું મૃત બાળક હતું.

એની પાછળ પાછળ ગમગીન ચહેરે બીજા બે-ચાર માણસો ચાલતા હતાં. આ વિભાવ સામગ્રી વાસવીના ચિત્તપ્રવાહને વળી પાછો ચલચિત્રની દુનિયામાં વાળી ગઈ. એ પ્રવાહ પરકમ્મા કરતો કરતો બાળક ઉપર આવી ઊભો. નવજાત બાળક… ઝાકળભીના નવકુસુમ સમું કોમળ બાળક… જીવતું બાળક ને મરેલું બાળક…

ઓપેરા હાઉસ પર પહોંચતાં, સૂસવતા શીળા વાયરાએ વંટોળિયાનું રૃપ લીધું હતું. કાગળ-કસ્તર વગેરેની ડમરી ચડી હતી… સામસામા થિયેટરમાંથી સંખ્યાબંધ પ્રેક્ષકોનાં ધાડાં છૂટયા હતાં. બે- અઢી કલાકની પડછાયાની દુનિયા જોઈને નીકળેલા એ સમૂહમાં સ્ત્રીઓ પણ સારી સંખ્યામાં હતી. એમાં કેટલીક તો માતાઓ પણ હતી… બીજી કેટલીક સગર્ભાઓ પણ હશે, જે માતૃત્વ પ્રાપ્ત કરશે.. કેટલી બડભાગી હતી એ સહુ!

ઑપેરાહાઉસ પરથી વળાંક લઈને ગાડી સીધી ચોપાટી પર ઉતરી. નરીમાન પૉઇન્ટથી મલબાર હિલ સુધી દરિયાને કાંઠે કાંઠે ઝબૂકતા દીવાઓએ સોહામણી મુંબઈ નગરીને જાણે કે સાચા મોતીનો હાર પહેરાવી દીધો હતો. ચોપાટીની ફૂટપાથ પર એક અર્ધનગ્ન ભિખારણ પોતાના બાળકને છાતીએ ધવડાવીને પાઇપૈસો મેળવવા માટે રાહદારીઓના દિલમાં દયા ઉપજાવવા મથી રહી હતી. ધન્ય છે એ દીનહીન ભિખારણને, જેને છાતીએ વળગાડવા બાળક સાંપડયું છે…

હ્યુજિસ રોડના ચઢાણ પર ગાડીને ગિયરમાં નાખીને વાસવી પણ વિચારસંક્રમણમાં ચડી ગઈ… ‘બાળક.. જીવતું બાળક ને મરેલું બાળક…’ મેડિકલ કૉલેજના દિવસોની એ વાત. વાસવી અને નૈષધને એક જ વૉર્ડમાં કામગીરી મળેલી. અભ્યાસ સાથે દર્દીઓની શુશ્રૂષા કરતાં કરતાં એ બંને વચ્ચે સારું સખ્ય કેળવાયેલું.

નવયૌવન અને નવપ્રણવના એ દિવસોમાં દુનિયા હરીભરી લાગતી હતી. સપનાંની પાંખે ચડીને બંને સાથીઓ જાણે આકાશમાં ઊડતા હતા- ઊંચે… ઊંચે… આકાશના તારલાથી પણ ઊંચે… અને એમાં એક દિવસ વાસવીને ધરતી પર પાછું આવી જવું પડયું. ગગનવિહારિણી રૃપગર્વિતાના પગ જ્યારે નકકર જમીન પર ઠર્યા ત્યારે જ એને સમજાયું કે પોતે થોડા સમયમાં માતા બનનાર છે…

કેમ્પસ કોર્નર સુધી પહોંચતાં તો વરસાદ શરૃ થઈ ગયો. જોતજોતામાં ગાડીના કાચ પર પાણીના રેલા ચાલવા લાગ્યા. પેડર રોડનાં કપરાં ચઢાણ પર વાસવીએ ગાડીને ફરી ગિયરમાં નાખી પણ અત્યારે એ એટલી તો અન્યમનસ્ક હતી કે કાચ સાફ કરવા માટે વાઇપર ચલાવવાનું એને ન સૂઝ્યું. પોતે ગાડીમાં બેઠી હોવા છતાં સીધા ચઢાણ પર થાક અનુભવી રહી હતી. સારું થયું કે નૈષધે જ ચેતી જઈને વાઇપર-સ્વિચ દાબી દીધી નહિતર સામેથી અથડામણ થતાં વાર ન લાગત.

કાચની સુંવાળી સપાટી પર ઘડિયાળના લોલકની જેમ વાઇપર ડાબે- જમણે ચાલવા લાગ્યું. કાચના જેટલા ભાગ પર એ ચાલતું હતું એટલા ખંડમાંથી બહારની સૃષ્ટિ સ્પષ્ટ દેખાતી હતી, બાકીની ધૂંધળી બની જતી હતી.

વાસવી પૂર્વજીવનને પણ આ રીતે જુદા જુદા ખંડોમાં જ જોઈ શકતી હતી, પોતાની તેમ જ કુટુંબની આબરૃ રક્ષવા પોતે લાંબા પર્યટનને બહાને ઉત્તર હિંદ તરફ ચાલી નીકળેલી… પૂર્વ યોજના મુજબ નૈષધ એને આવી મળેલો અને પછી એક ઓળખીતા તબીબનો આશરો લેવા બંને કલકત્તા જઈ પહોંચેલાં…

મહાલક્ષ્મી સુધી પહોંચતાં તો વરસાદ અનરાધાર તૂટી પડયો હતો. ખટ… ખટ.. ખટ… અવાજ સાથે વાઇપર ફરતું હતું, પણ મુશળધાર વરસાદનું પાણી બરોબર સાફ થઈ શકતું નહોતું. ગૅસલાઇટના દીવાના પ્રકાશમાં બધું ધૂંધળું ધૂંધળું લાગતું હતું.  વાસવી લાઇંગ ઇન હોસ્પિટલમાં પડી છે… પ્રસૂતિની વેદનાનો પાર નથી… છતાં બાળકનો પ્રસવ થતો નથી. નૈષધ તેમજ નર્સો બહુ ચિંતાતુર છે.

શસ્ત્રક્રિયા વિના પ્રસવ નહિ જ થાય એવો તબીબી અભિપ્રાય આવ્યો… વાસવી સ્ટ્રેચર પર સૂતી સૂતી ઑપરેશન થિયેટરમાં દાખલ થઈ… શસ્ત્રક્રિયાનાં ચમકતાં ઓજારોની ધાર ઝબકી ગઈ… ‘ક્લોરોફોર્મ… બાળક જીવતું કે મરેલું…? ક્લોરોફોર્મની ઉગ્ર વાસમાં જ્ઞાાનતંતુઓ મરી ગયા… ચેતનમાંથી જડમાં પરિવર્તન…પછી શું બન્યું એ વાસવી જાણી શકી નહિ. ફરી જ્ઞાાનતંતુ સતેજ થયા ત્યારે સંભળાયું :’થૅંક ગોડ! વી હેવ સેઇવ્ડ ધ મધર!’

… માતા ઊગરી ગઈ… મોતના મોઢામાંથી માતા ઊગરી ગઈ… પણ માતા શાની ? હવે પછી એ જીવનભર માતૃત્વ પ્રાપ્ત ન કરી શકે એવી આખરી શસ્ત્રક્રિયા હતી…. માતા જીવતી હતી? ના, ના. માત્ર વંધ્યા જીવતી રહી… કાકવંધ્યાની કાયા ઊગરી ગઈ, હૃદય હણાઈ ગયું…

માહિમની મધ્યમવર્ગી  વસાહતમાંથી ટુ-સીટર પસાર થતી હતી. રસ્તા ઉપર કાદવકીચડ વધી ગયાં હતાં. આ રસ્તા પર તો દીવાઓ પણ અહીંના વસાહતીઓના જેવાં માંદલા પ્રકાશ વેરતા હતા. નૈષધે ચેતવણી આપી :’ગો સ્લો પ્લીઝ… કાદવમાં ગાડી સ્કીડ થશે.’ પણ વાસવી કશું સાંભળવા ક્યાં તૈયાર હતી? એ તો સાંભળતી હતી :’ઊંઆ.. ઊંઆ… ઊઆ.. ઊંઆ.’ આજુબાજુનાં કંગાલ ઝૂંપડાંમાં કજિયાળા બાળકો રડતાં હતાં, એ કર્કશ રુદન પણ કેટલું મધુર હતું…

વાંદરાની ખાડીના પુલ પર આવતા પેલી મધ્યમવર્ગીય વસાહતના બંધિયાર વાતાવરણમાંથી મોકળાશનો અનુભવ થયો. નૈષધે છુટકારાનો દમ ખેંચ્યો, પણ વાસવીના કાનમાં તો હજી પેલાં બાળકોનું રુદનગીત ગુંજતું હતું. ગાડી ખાર સુધી પહોંચી છતાં ઊંઆ… ઊંઆ…ઊંઆ… ઊંઆ… અવાજ એનો પીછો છોડતો નહોતો. પાછળ કોઈ રોતું બાળક દોડતું આવે છે?

વાસવીએ ઊંચે આરસીના જોયું તો પાછળ એક પબ્લિક કૅરિયરના ખટારા સિવાય કશું ન દેખાયું. આરસીના દર્શનમાં અશ્રદ્ધા ઊપજતાં એણે પોતે જ પાછળ ડોક ફેરવીને નજર કરી… નૈષધ ગભરાયો. સામેથી આવતી એક ટૅક્સી સાથે ટુ સીટર અથડાતાં અથડાતાં રહી ગઈ. ‘પાછળ શા માટે જુએ છે ?’ નૈષધે પૂછ્યું, ‘કાંઈ નહિ… કાંઈ નહિ.’ કહીને વાસવીએ વાત ટાળી નાખી.

પેલા રુદનના અવાજ ક્યાં ટળે એમ હતા ? અસ્વસ્થ બનીને વાસવીએ આજુબાજુ જોયું. ગાડીમાં તો નૈષધ સિવાય કોઈ બેઠું જ નહોતું. બે જણ સિવાય ત્રીજાને બેસવાની જગ્યા જ ક્યાં હતી? નૈષધની ગાડીમાં તેમજ ગૃહજીવનમાં બે જ જણ માટે સ્થાન હતું. ત્રીજા જીવની શક્યતા જ ક્યાં હતી?… તો પછી આ મધુર શિશુરુદનનો ગુંજારવ ક્યાંથી ઊઠે છે!… હં… હં…હવે સમજાયું…મારા ખાલીખમ ઉદરમાંથી સ્તો!

સાન્તાક્રુઝથી જુહૂ રોડ પર જતાં વાસવી વિચારી રહી :બાળક જીવતું કે મરેલું… બાળક રડી શકે ખરું કે? નહિ સ્તો! મારી કૂખે અવતરેલું બાળક જીવતું હતું કે મરેલું?…

‘વાસવી, ગો સ્લો પ્લીઝ!’ બેફામ ઝડપે દોડતી ગાડી ધીમી પાડવા નૈષધે વિનંતી કરી. પણ વાસવીના વિચારસંક્રમણ સાથે ગતિ મિલાવતી ગાડી ધીમી શી રીતે પડી શકે ? ગાડીના રેડિયેટર જેટલી ગરમી વાસવીની નસેનસમાં ફેલાઈ ગઈ હતી. છાતી તો ધમણની જેમ હાંફતી હતી. કોણે મારી નાખ્યું મારા બાળકને? પ્રશ્ન ફરી ફરીને પુછાતો હતો. ઉદરમાંથી ઊઠેલા પ્રશ્નનો ઉત્તર પણ એ ઉદરમાંથી મળ્યો :’નૈષધે સ્તો.

જન્મદાતાએ જ જીવને ટૂંપી નાખ્યો. અવિવાહિત યુવતીને માતૃત્વની નામોશીમાંથી ઉગારવા- કુમારિકાનું કલંક ભૂંસી નાખવા – પિતાએ જ પોતાના પ્રણય પ્રવાહને થંભાવી દીધો – થંભાવી દેવો પડયો. કાકવંધ્યા વનસ્પતિની જેમ પોતે એક જ વાર ફળી અને એનું ફળ ઝૂંટવાઈ ગયું. હવે તો હંમેશને માટે અફળા બની ચૂકી છું ને!

વાસવીનું મન નૈષધ માટે અસહ્ય બની રહ્યું હતું, ત્યાં પહેલી જ વાર વાસવીએ શબ્દોચ્ચાર કર્યો અને તે પણ રાંપીના ઘા જેવો. પતિને પડકારતી હોય એવા આજ્ઞાાસૂચક સ્વરે એણે કહ્યું :’નૈષધ, ગિવ મી માય બેબી બેક (નૈષધ,મને મારું બાળક  પાછું આપ)!’

‘વિચ બેબી (કયું બાળક) ?’ કયા બાળકની માગણી થાય છે એ ન સમજાતાં નૈષધે ડઘાઈ જઈને પૂછ્યું.

‘આપણે કલકત્તામાં હતાં ને મને અવતરેલું એ જ બાળક વળી, બીજું કયું ?’ વાસવીએ સ્ફોટ કર્યો.

‘ઓહ યુ આર રેવિંગ મેડ ! (અરે, તું તો સાવ ગાંડી છે’) કહીને નૈષધ મોટેથી હસી પડયો.

નૈષધના ખડખડાટ હાસ્યમાં વાસવીને ઉપહાસ ન સંભળાયો. કલકલ નાદે વહેતા ઝરણા સામો, કોઈક અણદીઠ શિશુનો મીઠો મુશ્કરાહટ જ કાન પર અથડાયો. જુહૂના નિર્જન રસ્તા પર ચોગરદમ જાણે નવજાત શિશુઓ હસી રહ્યાં હતાં. વરસાદનાં ઝાપટાં અને પવનના સુસવાટામાં પણ જાણે નાનાં નાનાં ભૂલકાંઓનું સુમધુર હાસ્ય ગુંજતું હતું.

સાગરપટ્ટીની હવા ફરી એક વાર પાગલ ગાન ગાતી હતી. એ પાગલ હવામાં વાસવીને ફરી પાછું યાદ આવ્યું કે મારું ઉદર તો અફળ છે, ખોળો ખાલી છે, સદૈવ ખાલી જ રહેવાનો છે… હા મારે ઘેર પાળેલો લેપડોગ છે, એક એલ્સેશિયન પણ છે; પણ એ પાળેલાં ચોપગાં ગમે તેટલાં લાડકવાયાં હોવા છતાં ખાલી કૂંખની કંપાવનારી યાદ તાજી થતાં વાસવીને સમગ્ર જીવન અને સૃષ્ટિ ખાલી ખાલી લાગવા માંડયાં. ભૂતકાળના ભારી રાખેલા પ્રસંગની યાદ જીવતી થતાં એનું ચિત્તતંત્ર ભયંકર શૂન્યતા અનુભવી રહ્યું.

વાસવીના માતૃહૃદયમાં અંતરતમ ઉંડાણમાંથી વેદનાની મૂંગી ચીસ ઊઠી અને ‘ફિઆટ’ના એંજિનના ફૂંફાડા સાથે એ તાલ મિલાવતી રહી. ગાડીની હેડલાઇટના ઝળહળતા ઉજાશમાં અસંખ્ય શિશુઓ રમતાં- ખેલતાં- કૂદતાં દેખાતા હતા. વાસવી એ બાળકોને ગાઢ આશ્લેષ કરવા ગાડીને વધારે ને વધારે ઝડપે દોડાવતી હતી, પણ તેમ તેમ તો એ બાળકો દૂર ને દૂર નાસતા જતાં હતાં.

માતૃત્વ જાણે કે હાથતાળી દઈને અટ્ટહાસ્ય કરતું દોડતું જતું હતું. નજર સામે રહેતો હતો એક માત્ર શસ્ત્રક્રિયાનો તીક્ષ્ણ ને ટચૂકડો લેન્સેટ, બત્તીના શેરડામાં એ અસ્ત્રની અણિયાળી ધાર અનેક ગણી મોટી બનીને ભયંકર ખડગ સમી ઝબકતી હતી અને જાણે કે હજારો શિશુઓની જનનીની કૂખમાં જ કતલ કરી નાખતી હતી.

એ મસમોટું ખડગ વાસવીની નીલી- ભૂરી કીકીઓ આડે આવી બેઠું અને એની દ્રષ્ટિ આડે આવરણ રચાઈ ગયું. ‘ફિઆટ’માંથી ફેંકાતી ધોધમાર ફ્લડ લાઇટમાં પણ વાસવીને પોતાના પૂર્વજીવન જેવા કાળાં ઘોર અંધારાં દેખાયાં અને…

… અને સામેથી માર માર ઝડપે આવી રહેલા ભારખટારાને માર્ગ આપવા વાસવી પોતાની ગાડીને તારવી ન શકી. નૈષધ હજી તો સ્ટીઅરિંગ વ્હિલને અડકવા જાય એ પહેલાં જ ધડાકો થઈ ચૂક્યો હતો. રાક્ષસકાય ખટારાએ ટચૂકડી ‘ફિઆટ’ના ભુક્કેભુક્કા કરી નાખ્યા હતા.

અને માતૃત્વનો ઇશ્વરદત્ત તેમ જ જન્મદત્ત અધિકાર ધરાવનાર એક કાકવંધ્યા આમ આ રીતે મોતને ભેટી.

લેખકનો પરિચય

ચુનીલાલ મડિયા

જન્મ:૧૨ ઓગસ્ટ, ૧૯૨૨

મૃત્યુ:૨૯ ડિસેમ્બર, ૧૯૬૮

નાટયકાર, નવલકથાકાર અને વાર્તાકાર એવી બહુરંગી પ્રતિભા ધરાવતા ચુનીલાલ મડિયા ગુજરાતી સાહિત્યમાં ચિરસ્મરણિય સ્થાન ધરાવે છે. બળકટ શૈલી, અનોખા વિષયવસ્તુ અને વાચકને જકડી રાખતી માવજત વડે મડિયાએ સર્જેલા સાહિત્યએ ગુજરાતી વાચકોની ત્રણ પેઢીમાં તેમને અનોખા સાહિત્યકાર તરીકે સ્થાપિત કર્યા છે. રોજિંદી જિંદગીમાંથી જડેલા પાત્રોની સહજ આંકણી વડે ઘટનાક્રમને નાટયાત્મકતાથી ગૂંથવામાં તેમની હથોટી હતી.

‘સધરા જેસંગનો સાળો’ જેવી રાજકીય શ્લેષથી પ્રચુર નવલકથા વડે તેમણે ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ ખેડાયેલા આ પ્રકારને સભર બનાવ્યો છે. તો સોમનાથ પરના ગઝનીના આક્રમણને કેન્દ્રસ્થાને રાખીને પ્રચુર સાહિત્ય રચાયું હોવા છતાં એ જ વિષય પર મડિયાએ લખેલી નવલકથા ‘કુમકુમ અને આશકા’ નોંખી ભાત પાડે છે. ‘વેળા વેળાની છાંયડી’, ‘લીલુડી ધરતી’, ‘પ્રિતવછોયા’ જેવી તેમની નવલકથાઓ સર્વકાળે વાચકોને આકર્ષતી રહી છે.

ટુંકી વાર્તાઓમાં પણ આગવું સ્થાન ધરાવતા મડિયાની વાર્તા ‘અભુ મકરાણી’ પરથી હિન્દીમાં બનેલી ફિલ્મ ‘મિર્ચ મસાલા’ પણ યાદગાર રહી હતી. ચોટદાર સંવાદો, પાત્રના માનસમાં વાચકને સહજતાથી દોરી જતી શૈલી અને તેજ ઘટનાક્રમ ધરાવતી મડિયાની વાર્તાઓએ ગુજરાતી નવલિકાને અનેક નવા માપદંડો રચી આપ્યા છે.

કમાણી – ચુનીલાલ મડિયા

Standard

હું તો સાંભળતો રહ્યો ને ભગત બોલતા રહ્યા : ‘ઘોડાની કમાણી મને કે મારા છોકરાને કેમ કરીને કળપે ? મેં તો એની મે’નતનું નાણું પાછું એના પેટમાં જ પુગાડી દીધું…
ઝીણા ભગત કોઈક જુદી જ દુનિયામાં જીવે છે. એ દુનિયામાં ‘ઝળહળ જ્યોત’ને માટે આરત જામતી. ઇશ્વરી તત્ત્વ માટે ‘માલિક’ ‘ઘણી, બાવો’ જેવાં ઘરગથ્થુ સંબોધનો યોજાતાં.
સરગપર સ્ટેશનથી ગુંદાળા ગામ વચ્ચે પાકા પાંચ ગાઉનો પલ્લો. ગુંદાળું જ્યારથી મારા ડિસ્ટ્રિક્ટમાં દાખલ થયું અને સર્કલ- દાકતર તરીકે દવાની પેટી લઈને દર અઠવાડિયે મારે ગુંદાળે જવાનું થયું, ત્યારથી કરમની કઠણાઈ બેઠેલી.
કઠણાઈનું મુખ્ય કારણ તો એ હતું કે પૂરા પાંચ ગાઉનો આ ગાડામારગ સાવ કાચો, ખાડાટેકરાવાળો ને એમાં વળી વાહનની કોઈ સગવડ નહીં. સરગપર સ્ટેશને રોકડા ત્રણ ટપ્પા ઊભા હોય, એમાંથી બેના ઘોડા સાજા ન હોય તો ત્રીજાના હાંકનાર માલિક જ માંદો હોય. ઘણી વાર તો એવું પણ બનતું કે હટાણે આવેલા કોઈ ખેડૂતના ગાડામાં દવાની પેટી મુકાવીને મારે ગુંદાળે પહોંચવું પડતું. એક વાર તો ભરચોમાસે અનરાધાર વરસાદમાં ભીંજાતાં ભીજાતાં જવું પડેલું અને પરિણામે ગામ આખાની બીમારીઓ દૂર કરનાર હું પોતે જ ‘બીમાર તબીબ’ બની ગયેલો.
આવી આવી અનેકવિધ કઠણાઈઓને કારણે ગુંદાળું ગામ મારા સર્કલમાંથી રદ કરાવીને બીજાના ડિસ્ટ્રિકટમાં મુકાવવા માટે મેં સી.એમ.ઓ.ઉપર સંખ્યાબંધ અરજીઓ કરી જોયેલી. મેડિકલ ઓફિસરે સર્કલની વ્યવસ્થામાં તો કશો ફેરફાર ન કર્યો, પણ મારો ‘કેસ’ ધ્યાનમાં લઈને અને વાહનની અસાધારણ અગવડો વિચારીને મારા પ્રવાસભથ્થામાં સારો એવો વધારો કરી આપેલો.
પ્રવાસ પેટે મળતું ભથ્થું વધ્યા પછી ગુંદાળા અંગનો મારો ઉત્સાહ પણ પ્રમાણમાં વધેલો. હવે તો આ કથોરું ગામ મારા કરમમાં કાયમ માટે લખાયેલું છે- કહો કે ઘટ સાથે ઘડાઈ ચૂક્યું છે- એમ સમજાતાં મેં પણ એક ટાંગાવાળા સાથે કાયમની ગોઠવણ કરી નાખી. સરગપર સ્ટેશન પર સુલભ હતાં એ ત્રણેય વાહનોમાં ઝીણા ભગતનો ટાંગો બીજા બે કરતાં ઓછો જોખમકારક જણાતાં ભગત સાથે મહિનાને હિસાબે લગવું બાંધી લીધું.
અલબત્ત, ભગતની ગાડીનું વર્ણન કરવા બેસું તો તો નરસિંહ મહેતાની વહેલના વર્ણ કરતાં એ બહુ જુદું ન નીકળે- બલકે, આપણા આદિકવિના એ ઐતિહાસિક વાહનનું વર્ણન આ અર્વાચીન ઘોડાગાડી માટે કદાચ અલ્પોકિત જ બની રહે. છતાં કહેવું પડે કે ભગતની ગાડી ભલે એના વયોવૃદ્ધ ખખડી ગયેલા માલિક જેવી ખડખડપાંચમ હોય, એનો ઘોડો તો સરગપરની બીજી બંને ગાડીઓનાં ટાયડાં ખચ્ચર કરતાં વધારે વેગીલો ને તાજોમાજો લાગતો હતો. અને એનું કારણ એ હતું કે ઘોડાને ભગતની જાતદેખરેખ ને કાળજીભરી ચાકરીનો લાભ મળતો હતો.
ઝીણા ભગત આ મૂંગા પ્રાણીને પેટનો દીકરો ગણીને એની માવજત કરતા. અજવાળી અગિયારસે અને અમાસને દહાડે ભગત અકતો પાળતા, નકોરડો ઉપવાસ કરતા તેથી ઘોડાને પણ આરામ આપતા. અકતાને દહાડે ગમે તેવી મોટી વરદી આવે તો પણ ગાડી જોડે જ નહિ, ઘરાકને સંભળાવી દે : ‘મૂંગા જીવનેય કોક દી વિસામો તો જોઈએ ને ? આપણે આરામ કરીએ તો એણે શું ગુનો કર્યો છે ?’ જીવ તો સહુના સરખા.’
થોડા દિવસમાં જ ભગતની આવી માન્યતાઓ, કેટકેટલીક વિચિત્રતાઓ અને ધૂનનો પણ મેં પેટ ભરીને પરિચય કરી લીધો. મોડે મોડે મને ખબર પડી કે સરગપરમાં તો ઝીણા ભગતની ગણતરી ‘મગજમેડ’માં જ થાય છે. કોઈ એને સાવ ચસકેલ ગાંડામાં ગણતા, કોઈ એને અર્ધગાંડામાં ખપાવતા, કોઈ ‘વા-ઘેલો’ કહીને સંતોષ લેતા, તો કોઈ એને ધૂની અને તરંગી ગણી કાઢતા.
આખા ગામમાં એક માન્યતા તો ઘેર ઘેર પ્રચલિત થઈ ગયેલી કે આ ડોસાને ભક્તિનું ઘેલું લાગેલું, એ કારણે જ એના મગજની ડાગળી ચસકી ગયેલી. ઝીણા ભગત ‘વસવાયા’ કોમમાં જન્મેલા તેથી એમને ઠાકોરસેવા કરવાનો અધિકાર નહોતો અને તેથી જ આ અનધિકૃત ચેષ્ટા બદલ ઇશ્વરે એમને યોગ્ય શિક્ષા કરેલી.
લોકો કહેતા : ‘ઠાકોરસેવા કરવી કાંઈ રમત વાત છે ? એ તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. આઠેય અંગ ચોખ્ખાં હોય ત્યારે ભગવાનની આરતી ઉતારી શકાય. નહીંતર તો આવા માણસને ભગવાન ગાંડાઘેલા કરી મૂકે ને !’
ઇશ્વરભક્તિના આવા ઇશ્વરદત્ત અધિકાર અંગેની ભદ્રવર્ગી માન્યતાઓને ઝીણા ભગતના વિચિત્ર વર્તનમાંથી વધારે પુષ્ટિ મળતી. મને પણ રફતે રફતે ભગતની કેટલીક વિચિત્ર ખાસિયતોનો અનુભવ થવા માંડેલો. અગિયારસને દહાડે ભગત ગાડી ન જોડે ત્યારે અકતાનો લાભ લઈને પોતે પગે ચાલતા દામાકુંડમાં નહાવા ઊપડે. સરગપરથી દામોદરકુંડ એટલે પાકા દસ ગાઉનો પંથ ગણાય. પણ ભગતને એ પવિત્રોદકમાં ખોળિયું બોળ્યા વિના ચેન ના પડે.
અમાસની રાતે એ પોતાની ડેલીમાં ભજન બેસાડતા. કોઈ વાર પોતે પણ પરગામની ભજનમંડળીમાં જઈ બેસતા. ‘ડોસે તો ખોળિયું વટલાવ્યું છે ખોળિયું…’ ભગત તો ભ્રષ્ટાચારી થઈ ગયો છે. એવી એવી ટીકાઓ પણ થતી.  ઉગ્ર જ્ઞાાતિભેદમાં માનતા લોકોએ લોકોએ ભગતની ઘોડાગાડીનો લગભગ બહિષ્કાર જ કરી નાખેલો.
‘રેલવાઈમાં બધા વર્ણના લોકો હારે પડખોપડખ બેહવામાં વાંધો નહિ ને મારી ગાડીમાં બેહવા ટાણે સહુ અભડાઈ જાય છે !’ કોઈ કોઈ વાર ભગત મારી સમક્ષ પોતાની મુશ્કેલી રજૂ કરતા અને પછી, યાદ રહેલી ભજનની કોઈક ટૂંક ટાંકીને ઉમેરતા : ‘સા’બ,  જીવ તો સહુના સરખા જ છે ને !
ધીમે ધીમે મારા મોબાઈલ મેડિકલ યુનિટ સાથે ઝીણા ભગત, એમની ખખડી ગયેલી ગાડી અને ઘોડો સુધ્ધાં સહુ ઓતપ્રોત થઈ ગયાં. દર અઠવાડિયે ગુંદાળાના લોકો કોયદાનની ટીકડી ને વિલાયતી મીઠાનાં પડીકાં માટે ભગતની ગાડીની પ્રતીક્ષા કરતાં. ઘોડાના ઘૂઘરાનો અવાજ સાંભળીને પાદરમાંથી જ છોકરાંની ભૂંજર ‘એ.. દાકતર આવ્યા !
‘ કરીને ગાડીને ઘેરી લેતી અને પછી નાનાસરખા સરઘસ સમું આ આખું હાલરું ચોરાને ઓટે જઈને જાણે કે જાહેર સભામાં ફેરવાઈ જતું. હું દરદીઓને તપાસતો રહું એ દરમિયાન ઝીણા ભગત જાણે કે મારા કાબેલ કમ્પાઉન્ડર હોય એવી અદાથી મને મદદ કરતા. લાંબા મહાવરાને પરિણામે સામાન્ય દવાઓનાં માપસરનાં પડીકાં વાળવાં વગેરે પરચૂરણ કામો ઉપર એમનો હાથ એવો તો બેસી ગયેલો કે એમાં ભાગ્યે જ ભૂલ થવા પામતી.
દર અઠવાડિયે પાંચ પાંચ ગાઉ જાતવળતના સહવાસને પરિણામે ભગત સાથે મારે ના છૂટકે નિકટતા કેળવાઈ ગયેલી. આ નિક્ટતામાંથી થોડી આત્મીયતા પણ અનાયાસે ઊભી થઈ ગયેલી. ભગતના કૌટુંબિક જીવન અંગે પણ હવે હું ઠીક ઠીક પ્રમાણમાં વાકેફ થઈ ગયેલો. ઝીણા ભગત જાતે કુંભાર હતા, પણ નરસી ભગતની જેમ ઘરના દુખિયા જીવ હતા. ઘણાખરા સંતો અને ભક્તોની જેમ ઝીણા ભગતને નસીબે પણ કજિયાળી ને કર્કશા પત્ની સાંપડેલી. એ કારણે હોય કે પછી સાચી વિરક્તિને કારણે હોય, પણ ઝીણા ભગતને બહુ નાની ઉંમરમાં જ સંસારમાંથી રસ ઊડી ગયેલો.
વગડામાંથી માટી ખોદી લાવવી, ખૂંદવી, ચાક પર ચડાવવી ને આતવારે કાચા નિભાડા પકવવાની પ્રક્રિયાઓમાં મૂળથી જ ભગતનો જીવ ચોંટેલો નહિ, તેથી એ બધી જવાબદારી તો એમનાં ઘરવાળાં વેલબાઈએ જ ઉપાડી લીધેલી. ભગત તો ઊટકેલ ભાણે ભોજન કરીને સીધા ભજનમંડળીમાં ઊપડી જાય. ભલા હોય તો વળી કોઈ વાર સામેથી સાત- આઠ ભગવતીઓને જમવા બોલાવી લાવે અને વેલબાઈએ કકળાટ કરી કરીને પણ આ અતિથિઓ માટે મઢા રોટલા ઢીબવા પડે.
ગામ આખામાં ભગત ‘ભગવાનના ઘરનું માણસ’ તરીકે પંકાય પણ પોતાના ઘરમાં એમની કોડીનીય કિંમત નહિ. સોક્રેટિસે પોતાની સહધર્મચારિણી સમક્ષ ‘હું ઇશ્વર છું’ એવી જાહેરાત કરી ત્યારે પત્નીએ એઠવાડના ધોણ વડે પોતાના પ્રાણેશ્વરને અભિષિક્ત કરેલા, એવી જ કરુણ દશા ભગતના ગૃહજીવનમાં પણ સર્જાયેલી. જ્યારથી ઝીણાભાઈ, ઝીણિયો કુંભાર મટીને ‘ઝીણા ભગત’ તરીકે જાણીતા થયા, ત્યારથી વેલબાઈએ પતિના માથા પર પસ્તાળ પાડવા માંડેલી. એટલું જ નહિ પોતાના પ્રાણનાથ માટે ‘પીટડિયો’, ‘હાડકાંનો હરામ’ ‘કાયા રખો’, ‘કામચોર’ વગેરે શબ્દપ્રયોગો વાપરવા શરૃ કરેલા.
‘પતીરો પારકી મે’નતના રોટલા બગાડે છે, ‘આંઘળું રળે ને ઊંટ ચરે,’ ભક્તાણાને નામે ઘરમાં ભૂખ ઘાલી ‘આવાં આવાં’ મહેણાંટોણાંથી ત્રાસી જઈને ભગતે ઘરડેઘડપણ કશુંક કમાવાનો વિચાર કર્યો. પાકટ અવસ્થાએ એમનાથી વંશપરંપરાગત માટીકામ તો ઝાઝું થાય એમ નહોતું, એ ધંધામાં તો હવે પહેલાંના જેવો કસ પણ રહ્યો નહોતો. ગામમાં જે દસવીસ ‘કળ’ હતાં એને તો હવે ભગતનો મોટો દીકરો વશરામ પહોંચી વળતો હતો. છતાં રોજ સવારે ઊઠીને વેલબાઈની જીભમાંથી જે કડવી વાણી વછૂટતી એ આ ભગવતી જીવ જીરવી શક્યા નહિ,
તેથી તેમણે દ્રવ્યોપાર્જનની કોઈક નવી જ ‘લેન’ લેવાનું નક્કી કર્યું. એ જ અરસામાં પડોશમાં રહેતો કાળુ એની ઘોડાગાડી કાઢી નાખીને શહેરમાં રહેવા જતો હતો એ જોગાનુજોગનો લાભ લઈને ભગતે એ ભંગાર જેવું વાહન ઓછેઅદકે ખરીદી લીધું અને એનાં સાલપાંખડાં સમાનમાં કરીને સ્ટેશનની વરદીના ફેરા કરવા માંડયા. ઘોડાના ચંદીચારાનું ખર્ચ બાદ કરતાં પણ ભગત સાંજ પડયે વેલબાઈના હાથમાં રૃપિયોરોડો મેલતા થયા ત્યારથી પત્નીને એ ટાઢા હિમ જેવા વહાલા લાગવા માંડયા.
બીજી કોઈ પ્રવૃત્તિ નહિ ને ગાડી હાંકવાનું કામ શા માટે પસંદ કર્યું એવો પ્રશ્ન મેં પૂછ્યો, ત્યારે ભગતે બહુ માર્મિક ખુલાસો કર્યો : ‘ગાડી હાંકતાં હાંકતાં હરિનું નામ લેવાની ઠીક સરખાઈ આવે છે. બીજું કાંઈ કામ કરું તો ભક્તિમાં મન પૂરેપૂરું પરોવાતું નથી. મનમાં હજાર ઉધામા ચડે ને એકાકાર થવાય નહિ. સીધે મારગે ગાડી હાંકતો હોઉં એટલે મનનું માંકડું આડુંઅવળું ભમે જ નહિ.’
ભગત ગાડી હાંકતાં હાંકતા ભજનની કડીઓ લલકારતા, ત્યારે મને ખ્યાલ પણ નહોતો કે તેઓ શરીર સાથે ચિત્તની ગતિશીલતા અનુભવી રહ્યા છે.
‘પંથ કપાતો જાય એમ ભક્તિરસનો કેફ ચડતો જાય,’ભગતે આ કેફની વાત કરી ત્યારે જ મને સમજાયું કે એમનાં ભજનોમાં ‘ફાટેલ પિયાલો”પ્રેમનો પિયાલો’,ગુરુની પિયાલી પીધી વગેરે વારંવાર આવતા શબ્દપ્રયોગો સંજ્ઞાાવાચક હતા, એમાં અલખની વાતો હતી. એમાં બાવન વીર ને ચોસઠ જોગણીઓના જિજ્ઞાાસાપ્રેરક ઉલ્લેખો આવતા. ભગતનાં ભજનોમાં અલખના આરાધ અને ગેબની ગાયકીના આસમાની રંગો આવી જતા.
ઘણીવાર લાગતું કે ઝીણા ભગત કોઈક જુદી જ દુનિયામાં જીવે છે. એ દુનિયામાં ‘ઝળહળ જ્યોત’ને માટે આરત જામતી. ઇશ્વરી તત્ત્વ માટે ‘માલિક’ ‘ઘણી, બાવો’ જેવાં ઘરગથ્થુ સંબોધનો યોજાતાં. માનવકાયાને રંગરંગીલા મોરલાની ઉપમા અપાતી અને સાથે સાથે કાચના કૂંપા સાથે પણ સરખામણી થતી. સાવ સહેલીસાદી જબાનમાં સોહમથી શૂન્ય સુધીની નિગૂઢ ફિલસૂફી ડહોળાઈ જતી. એમાં સૂરતા અને મનષા જેવાં પ્રયોગો આવતા અને ‘બાર બીજના ઘણી,’ને ‘નકળંક નેજાધારી’નાં શબ્દચિત્રો ઊપસી આવતાં.
આવી જુદી જ દુનિયામાં વિહરનાર ભગતે એક દિવસ જરા સંકોચ સાથે એક દુન્યવી વાતનો પ્રસ્તાવ મૂક્યો : ‘સા’બ, મારા વશરામનો ગગો છે નાનકડો- એને તમારા જેવો દાક્તર બનાવવાનો મારો વિચાર છે.
મને નવાઈ લાગી. તબીબી વ્યવસાય પ્રત્યે ડોસાને શા કારણે આકર્ષણ થયું હશે એ સમજાયું નહિ. ગુંદાળાને ચોરે બેહીને દર અઠવાડિયે હું જે દવાદારૃ આપતો એમાં કાંઈક માનવસેવા થઈ રહી છે એમ આ ભલાભોળા ભગત માની બેઠા હશે ? એમને ખ્યાલ નહિ હોય કે હું તો આ મોબાઈલ મેડિકલ યુનિટના પગારદાર નોકરમાંનો જ એક છું ! ગમે તેમ પણ મને ડોસાના આ સૂચનમાં રસ આવ્યો, પૂછ્યું :
‘છોકરો કેવડોક છે ? શું ભણે છે ?’
‘હશે સાતઆઠ વરસનો, ભગતે કહ્યું : ‘પણ કાંઈ ભણતોગણતો નથી.’
‘પણ ભણ્યા વિના દાકતર થવાય ?’મેં કહ્યું : ‘છોકરાને ખૂબ ખૂબ ભણાવો.’
‘પણ હજી તો એને એકડો ઘૂંટતાંય નથી આવડતો.’
‘એ તો ધીમે ધીમે શીખશે. નિશાળે તો જાય  છે ને ?’ મેં પૂછ્યું.
‘છોકરાવને નિશાળે બેસાડવાના અમ જેવા ગરીબ માણસનાં ગજાં છે ?’
‘ગંજુ ન હોય તો પણ છોકરાને ભણાવ્યા વિના ચાલે ?’ હું શાણી શાણી શિખામણ આપતો હતો.
‘ઘરમાં તાવડી તડાકા લેતી હોય ને છોકરાને નિશાળે કેમ કરીને મોકલાય ? ડોસાએ મુશ્કેલી જણાવી.’ ‘એક વાર એને મોકલી જોયો તો, પણ માસ્તરે ફી માગી.’
‘ફી તો ભરવી પડે ને ?’
‘એકલી ફી ભર્યે ક્યાં પતે એમ છે ? આજકાલનાં ભણતર તો એક તોલડી તેર વાનાં માગે એવાં છે,’ ભગતે કહ્યું : ‘ આ અમારી સાંભરણમાં તો ધૂળી નિશાળમાં પાટી ઉપર ધૂળ નાખીને આંગળીએથી એકડો પાડતા. પણ હવે તો ભણતરમાં હજાર ચીજનો ખપ પડે છે… કોરી નોટું ને મોંઘી સીસાપેનું…ને ભાત ભાતનાં ચીતરવાળી ચોપડિયું… ગરીબ માણસને તો બોકાસું બોલાવી દિયે… અમે તો છોકરાને નિશાળમાંથી પાછો ઉઠાડી લીધો. આપણને આવા ભારે ખર્ચા પોષાય નહિ… પણ સા’બ, ગમે એમ કરીને છોકરાને તમ જેવો હુશિયાર દાગતર કરવો છે મારે.’
છોકરાંને અક્ષરજ્ઞાાન આપવાનું પણ આ કુટુંબનું ગજું નથી, એને તબીબી શિક્ષણની ત્રેવડ તો ક્યાંથી થશે ? એ હું વિચારી રહ્યો, પણ ડોસાને હતોત્સાહ કરવા નહોતો માગતો. બાળકોનું પ્રાથમિક શિક્ષણ પણ પરવડી ન શકે એવી કંગાલિયત અસહ્ય લાગતી હતી. છોકરાને માટે નિશાળિયાના મામૂલી વતરણાં વસાવવા જેટલી મદદ કરવાનું મને સૂઝ્યું પણ તુરત ડોસાનો સ્વમાની સ્વભાવ યાદ આવતાં મનમાં થયું કે કદાચ ને એ મારી મદદનો અસ્વીકાર કરે તો ? સીધી રીતે આર્થિક સહાય સ્વીકારવામાં એમનું સ્વમાન ઘવાય તો ? આમ સમજીને મેં એક અઠવાડિયે ગાડીભાડાની રકમ ચૂકવતી વેળા સાહજિક રીતે થોડી વધારે રકમ ચૂકવી દીધી.
વળતે અઠવાડિયે પણ એવી જ રીતે થોડી વધારે રકમ ભગતના હાથમાં મૂકી.
ભગત રાજા રાજી થઈ ગયા. મૂઠીમાં પૈસા લઈને એમણે માથે ચડાવ્યા અને મૂંગા મૂંગા મારો અહેસાન માની રહ્યા.
મને થયું કે મારી નેમ આ રીતે સિદ્ધ થઈ ચૂકી છે.
પછી થોડા દિવસ સુધી ભગત ખુશખુશાલ દેખાયા તેથી મને ખાતરી થઈ કે એમના પૌત્રના શિક્ષણનો સવાલ હલ થઈ ગયો છે. આડે દિવસે મુડદાની જેમ ચાલતા ઘોડાની ચાલમાં પણ થોડો સુધારો થયો જણાયો. ડોસાનો નિયમ એવો હતો કે ઘોડો ગમે એટલો ધીમો ચાલતો હોય છતાં એને ચાબુક તો શું, સોટી પણ ન અડાડે.
આ બાબતમાં તો જૈનોને પણ શરમાવે એવી જીવદયાની ફિલસૂફી ભગત પાસેથી સાંભળવા મળતી. જેવો આપણા ખોળિયામાં જીવ છે એવો જ ઘોડાના ખોળિયામાં જીવ છે. આપણને કોઈ ચાબુક મારે તો કેવો ચમચમે છે ! પણ આ મૂંગા જીવને કાંઈ બોલવું થોડું છે ? એ તો નિમાણું થઈને ઊભું રહેવાનું-
પણ હવે હું જોઈ શક્તો હતો કે ઘોડાની ચાલમાં સારી ઝડપ આવી શકી છે. ભગતની ચાકરીનો જ એ પ્રતાપ હશે એમ મને લાગ્યું.
એકાદ મહિના પછી ફરી વાર ભગતે દીકરાને દાક્તર બનાવવાની વાત ઉખેળી.
‘છોકરો ભણવામાં ઠીક છે ને ?’ મેં પૂછ્યું.
‘હજી ભણવા બેસાડયો છે જ ક્યાં ?’ ભગતે સાવ સાહજિક રીતે કહ્યું.
‘પણ શા માટે નિશાળે નથી મોકલતા હવે ?’
‘મેં તમને કીધું નહોતું કે આ ભણતર તો અમ જેવાનો બરડો ભાંગી નાખે એવાં છે ! નાણાંવાળાનાં છોકરાં ઘૂઘરે રમે, બાકી આમ જેવાનું ગજું નથી કે છોકરાને નિહાળે બેસાડીએ-‘
પહેલી જ વાર મને ભગત ઉપર ચીડ ચડી. એમની પ્રામાણિકતા અંગે પણ શંકા ઊપજી : ‘ આ માણસ ભગતનો અંચળો ઓઢીને મને છેતરી રહ્યો છે કે શું ? ઉપરટપકે દેખાતી એની વિરકિત પાછળ નરી પૈસાની જ લાલચ રહેલી છે કે શું ? દીકરાને દાક્તર બનાવવાની વાતો કરી કરીને અને ઘરની દરિદ્રતાનાં રોદણાં રોઈ રોઇને એ નાણાં રળવા માગે છે ?’
હવે તો ભગત આજકાલનાં ખર્ચાળ ભણતર અંગે ગમે તેટલી ફરિયાદ કરે, તો પણ હું રાતી પાઈ પરખાવનાર નથી, એવો નિર્ધાર કરીને બેઠેલો ત્યાં જ ભગતે ફરી એ જ ફરિયાદ ઉપાડી :
‘છોકરો સાવ અભણ રહી જશે… એને નસીબે પણ ગારા ખૂંદવાનું ને ચાકડા ફેરવવાનું જ રહેશે.’
‘પણ તમે એને હજી સુધી નિશાળે બેસાડયો કેમ નથી ?’ મેં ઉગ્ર અવાજે પૂછ્યું : ‘તમને બેત્રણ વાર દોથો ભરીને રૃપિયા તો આપ્યા હતા !’
સાંભળીને ભગત સડાક થઈ ગયા. મારી સામે ટગર ટગર તાકી જ રહ્યા. એ આંખોનું ઊંડાણ મારાથી જીરવાય એમ નહોતું. સારી વાર સુધી આ રીતે મને નજરમાં નોંધી રાખીને ડોસાએ હળવે અવાજે પૂછ્યું :

‘એ રૃપિયા તમે છોકરાને ભણાવવા સારુ આપ્યા હતા ?’
નાના બાળકના જેવો નિર્દોષ દેખાવ કરીને પુછાયેલા પ્રશ્નને લીધે મારો રોષ દ્વિગુણિત થઈ ગયો. વધારે ઉગ્ર અવાજે મેં કહ્યું : ‘છોકરાને ભણાવવા સારુ નહિ તો શું તમારે સારુ રૃપિયા આપ્યા હતા ?’
‘મને શું ખબર સા’બ ?’ ડોસાએ ફરી એ જ નિર્દોષભાવે ચલાવ્યું : ‘હું તો સમજ્યો કે આ મારા ઘોડાની કમાણી છે… એટલે મેં તો ગઈ ઇગિયારસે એમાંથી અધમણ ચણા ને ગળનું માટલું લઈને ઘોડાને ખવરાવી દીધું- જનાવરના ડિલમાં જરાક કાંટો આવે એમ સમજીને…’
હું તો સાંભળતો રહ્યો ને ભગત બોલતા રહ્યા : ‘ઘોડાની કમાણી મને કે મારા છોકરાને કેમ કરીને કળપે ? મેં તો એની મે’નતનું નાણું પાછું એના પેટમાં જ પુગાડી દીધું… એ મૂંગા જીવની કાયા પાસેથી આટલું કામ લઉં છું તો એનું ભાડુંય મારે ચૂકવવું પડે ને ! આ તમારા ભાડાના રૃપિયા આવ્યા એમાંથી એનું ભાડું ચૂકવી દીધું- સારીપટ ગળ ખવરાવીને…’
મારી સઘળી શંકાકુશંકાઓનું સમાધાન થઈ ગયું.
તે દિવસે તો હું કાંઈ બોલ્યો નહિ… બોલી શક્યો જ નહિ. દ્રવ્યોપાર્જન અને એના ઉપભોગનું આ અભણ માણસે જે તત્ત્વજ્ઞાાન ડહોળેલું, એ જોઈને હું ડઘાઈ ગયો હતો. મનમાં વિચારતો હતો : એનો છોકરો દાક્તર થાય કે ન થાય, એને પ્રાથમિક કેળવણી યા અક્ષરજ્ઞાાન પણ મળે કે ન મળે, એની કશી ચિંતા કરવા જેવું નથી. ઝીણા ભગત જેવા દાદાને ઘેર જન્મ્યો છે એ કારણે જ એ કિશોરને જીવનની કેળવણી તો મળી જ રહેવાની છે.
લેખકનો પરિચય
ચુનીલાલ મડિયા
જન્મ: ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨
મૃત્યુ: ૨૯ ડિસેમ્બર, ૧૯૬૮
નાટયકાર, નવલકથાકાર અને વાર્તાકાર એવી બહુરંગી પ્રતિભા ધરાવતા ચુનીલાલ મડિયા ગુજરાતી સાહિત્યમાં ચિરસ્મરણિય સ્થાન ધરાવે છે. બળકટ શૈલી, અનોખા વિષયવસ્તુ અને વાચકને જકડી રાખતી માવજત વડે મડિયાએ સર્જેલા સાહિત્યએ ગુજરાતી વાચકોની ત્રણ પેઢીમાં તેમને અનોખા સાહિત્યકાર તરીકે સ્થાપિત કર્યા છે.
રોજિંદી જિંદગીમાંથી જડેલા પાત્રોની સહજ આંકણી વડે ઘટનાક્રમને નાટયાત્મકતાથી ગૂંથવામાં તેમની હથોટી હતી. ‘સધરા જેસંગનો સાળો’ જેવી રાજકીય શ્લેષથી પ્રચુર નવલકથા વડે તેમણે ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ ખેડાયેલા આ પ્રકારને સભર બનાવ્યો છે. તો સોમનાથ પરના ગઝનીના આક્રમણને કેન્દ્રસ્થાને રાખીને પ્રચુર સાહિત્ય રચાયું હોવા છતાં એ જ વિષય પર મડિયાએ લખેલી નવલકથા ‘કુમકુમ અને આશકા’ નોંખી ભાત પાડે છે. ‘વેળા વેળાની છાંયડી’, ‘લીલુડી ધરતી’, ‘પ્રિતવછોયા’ જેવી તેમની નવલકથાઓ સર્વકાળે વાચકોને આકર્ષતી રહી છે.
ટુંકી વાર્તાઓમાં પણ આગવું સ્થાન ધરાવતા મડિયાની વાર્તા ‘અભુ મકરાણી’ પરથી હિન્દીમાં બનેલી ફિલ્મ ‘મિર્ચ મસાલા’ પણ યાદગાર રહી હતી. ચોટદાર સંવાદો, પાત્રના માનસમાં વાચકને સહજતાથી દોરી જતી શૈલી અને તેજ ઘટનાક્રમ ધરાવતી મડિયાની વાર્તાઓએ ગુજરાતી નવલિકાને અનેક નવા માપદંડો રચી આપ્યા છે. 

૨૦. અમારા ગામનાં કૂતરાં – મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ : ઝવેરચંદ મેઘાણી

Standard
← ૧૯. વહુ અને ઘોડો મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
અમારા ગામનાં કૂતરાં

 (પૂર્ણ)

 મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ 

 ઝવેરચંદ મેઘાણી

અમારા ગામનું નવું નામ ‘શ્વાનનગર’ પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો.

આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો જીવતો બેઠો છે. એ સાક્ષી પૂરશે કે, રાત્રે અમે બન્ને પલિતનાથની જગ્યામાંથી ગાંજો પીને પાછા ફરતા, ત્યારે ગામનાં ભસતાં કૂતરાંને અમે જવાબ દેતા કે, “રૈયત!”

‘રૈયત’ એવો શબ્દ સાંભળીને કૂતરાં ભસવું અટકાવી, પાછાં ગૂંચળાં વળી પડ્યાં રહેતાં. પોલીસ-ખાતાના રાત-ચોકિયાતોની આટલી બધી સાન જે ગામનાં કૂતરાંમાં આવી ગઈ હોય, તે ગામનું નામ ‘શ્વાનનગર’ પાડવાના પ્રસ્તાવને તમે મશ્કરી કાં માની લ્યો છો?

એક શેઠિયાએ તો અમારા દરબાર સાહેબને રૂબરૂ મળી અરજ કરી હતી કે, ‘બાપુ, આ ગામમાં હવે પોલીસના આટલા મોટા બેડાની શી જરૂર છે? પોલીસનું કામ તો પોલીસનાં કરતાં પણ આપણાં કૂતરા સારી રીતે બજાવે છે: ચોરને જો પોલીસેય નથી ટપારતા, તો કૂતરાં પણ ચોરને ભસતાં નથી; ને સજ્જનને જો પોલીસ સતાવી શકે છે, તો કૂતરાં પણ સજ્જનને કરડી લ્યે છે.

“ઉપરાંત, પોલીસને ન નભાવવાનું બીજું પણ એક કારણ છે: કૂતરાં પોલીસને દેખીને જ રૂવે છે: ખાખી લૂગડું દેખતાંની વાર તેમના વિલાપ-સ્વર શરૂ થાય છે. પ્રત્યેક શેરીનાં કૂતરાં પોલીસના ચોકિયાતને સામી શેરી સુધી સહીસલામત પહોંચતા કરવાની પોતાની ફરજ એટલી તો વધુ પડતી રીતે સમજી ગયાં છે કે કૂતરાંને આખી રાત જંપ વળતો નથી. કૂતરાંનો એ અજંપો વસ્તીને પણ રાતોરાત જાગતી રાખનારો થઈ પડે છે.

“આટલો બધો સંગીન બંદોબસ્ત રાખવાની તાલીમ જો કૂતરાંને આપોઆપ જડી રહે છે. તો આ શહેરમાં નાહક પોલીસનો ખરચો નભાવવાની રાજને શી જરૂર છે?”

બાપુસાહેબને આ પ્રસ્તાવ પસંદ પડ્યો હશે તે તો તેમના મોં પર ફરકી રહેલ મધુર હાસ્ય પરથી જ પરખાઈ આવ્યું હતું. મારો ભાઈબંધ ટભો તો આજ પણ તમને એ વાતની તસલ્લી આપવા તૈયાર છે: એ રહ્યો ટભો મસાણિયો જૂનાગઢમાં. જીવતો છે હજુ.

કૂતરાંનો મહિમા અમારા ગામમાં કંઈ ઠાલો મફતનો આટલો બધો નથી વધ્યો. કૂતરાંની સેવા-ચાકરી તો અમારા ફૂલા શેઠને હાજરાહજૂર ફળી છે. સારા પ્રતાપ કૂતરાંના કે અમારા શહેરની દેદીપ્યમાન હવેલી ફૂલાશેઠે બંધાવી. પગ પૂજીએ કૂતરાંના કે ફૂલા શેઠે ગામની પાંજરાપોળને, ગામનાં ઠાકર-મંદિરોને, પાઠશાળાને, પુસ્તકાલયને, અવેડાને, પારેવાંની છત્રીને – સર્વને નિહાલ કરી આપ્યાં.

અમારી બજારમાં બીડીઓ વાળતો ફૂલિયો રાત પડે ત્યારે કૂતરાંના રોટલાની પેટી ફેરવતો. થોડાક દિવસમાં તો પેટીના ખખડાટ બજારને એક નાકેથી બીજા નાકા સુધી સંભળાતા થયેલા. એ પૈસામાંથી ફૂલિયો લોટ લાવીને હાથે રોટલા ઘડતો. એ રોટલા એણે ફક્ત પાંચ જ કૂતરીને ખવરાવ્યા. છ મહિને પાંચના ચાલીસ થયાં. એ ચાલીસેયના આશીર્વાદ લઈને ફૂલિયો મલાયા ગયો તે દસ જ વર્ષમાં તો લખશેરી થઈને, ‘ફૂલચંદ અમીચંદ શેઠ: મલાયાવાળા’ એવા નામે, પાછો આવ્યો.

“આટલી બધી માયા, ફૂલા, તું કેમ કરીને કમાયો?” એવું પૂછવા અમારા વડીલો એકાન્તમાં ફૂલા શેઠને મળ્યા હતા.

“મને બીજી તો કશી ગતાગમ નથી;” ફૂલો જવાબ આપતો: “પગ ધોઈને પીઉં આ કૂતરાંના: મને તો એની ચાકરી ફળી છે.”

બસ, તે દિવસથી અમારા ગામના વેપારી વાણિયાઓને કોઠે આશાના દીવડા ચેતાયા છે: તે દિવસથી તેમણે દેરાસરમાં જવું તેમ જ પર્યુષણના પર્વમાં ઘી બોલાવવું પણ કમતી કરી નાખ્યું છે: તે દિવસથી ઘેરઘેર કૂતરાંને ગરમાગરમ શેરો કરીને ખવરાવવાનું શરૂ થયું છે.

શેરાનો ભોગ ધરવામાં સહુથી વધુ મહિમા અમારા ગામના કૂતરા તૈમુરલંગનો છે. અમે તેને ‘તૈમુરલંગ’ કહીએ છીએ, કારણ કે એ કૂતરાનો એક ટાંગો ભાંગી ગયો છે, તેમ જ ત્રણ ટાંગે ઠેકતો ઠેકતો પણ એ પોતાની પાસે આવનાર હરકોઈને – ખાસ કરીને પોતાને શેરો ધરવા આવનારને – યુદ્ધનું આહ્વાન આપે છે!

પ્રત્યેક સાચા મહાયોગીની જે પ્રતિકૃતિ હોય, તે જ તૈમુરલંગની છે: યોગી પોતાને અન્નપ્રાશન કરાવવા આવનારનું પણ ગાળોથી જ સ્વાગત કરે છે. તૈમુરલંગ એક ઓલિયા ફકીરની ભૂમિકાએ પહોંચેલો જણાય છે.

શ્વાન-પૂજા અને શ્વાન-ભક્તિનો એવો તો પાકો રંગ અમારી વણિક પ્રજાને ચડી ગયો છે કે તેઓના સંઘ-બળનો તાપ અમારા પોલીસ-ખાતા પછી અમારા ન્યાય-ખાતા પર પણ પડ્યો છે. કૂતરાંની સંખ્યાને હદ બહાર વધારી મૂકે એવો તો ઘીના ફળફળતા માનભોગનો સ્વાભાવિક પ્રતાપ છે. આટલી બુલંદ સંખ્યા કૂતરાંની; તેમાં ઉમેરીએ કૂતરા-ભક્ત વણિક ઇત્યાદિ કોમોની સંખ્યા: બેઉનો સરવાળો બીજી વસ્તી કરતાં ચડી જવા લાગ્યો, એટલે વાણિયાઓની સાથોસાથ કૂતરાંનાં રક્ષણની જવાબદારી પણ અમારા મુન્સુફો પર આવી પડી.

એ જવાબદારી અમારાં ન્યાય-મંદિરોએ બેધડક બજાવી છે. તેના દાખલાઓ તો અનેક મોજૂદ છે. અમારા મોના મિસ્ત્રીએ ઘરની ઘોડાગાડી વસાવી તે દિવસથી જ ગામનાં કૂતરાંની અને કૂતરાં-પ્રેમી મહાજનની આંખો લાલ બની હતી.

ગાડાંગડેરાં બજારમાં નીકળે તેને તો અમારાં કૂતરાં સામે જોવા જેટલુંય મહત્ત્વ નહોતાં આપતાં: ગાડાવાળો બહુ બહુ હોકારો કરે ત્યારે સૂતેલાં કૂતરાં કેવળ ત્રીજા ભાગની આંખ ત્રાંસી કરીને પાછાં આરામમાં લય પામી જાય.

પણ મોના મિસ્ત્રીની ઘોડાગાડીના ઘૂઘરાએ અમારા તૈમુરલંગનો જે તેજોવધ કર્યો, તે તેજોવધ ન તૈમુરલંગથી સહેવાયો કે ન અમારા મહાજન પુત્રોથી સહેવાયો…

ત્રણ પગે ઠેકીને તૈમુરલંગ જ્યારે ઊઠ્યો, ત્યારે એણે ફક્ત નાની-શી કરુણ બૂમ નાખી હતી.

બૂમ! કરુણ બૂમ!! તૈમુરલંગની કરુણ બૂમ!!!

દુકાનદારો બધાં કામકાજ પડતાં મૂકીને સ્તબ્ધ બની ગયા. તેઓએ મોના મિસ્ત્રીની ઘોડાગાડીને એક પછી એક શ્ચાન-મોરચો વટાવતી આગળ ચાલી જતી દીઠી.

“જોઈ શું રહ્યા છો?” એક દુકાનદારે બીજાને કહ્યું.

“મા’જનનું નાક કપાય છે…” બીજાએ ત્રીજાને કહ્યું.

“આમ તો આવતી કાલ્ય આંહીં હત્યાનો સુમાર નહીં રહે.”

“આપણામાંથી પાણી જ ગયું ને!” ચોથાએ મુસલમાનોનો દાખલો દીધો: “ઈવડા ઈ લોકોની એક બકરીને ચેપવા તો જાય મોનો!”

“કૂતરાંના નિસાપા ગામની આબાદીને ખાઈ જશે – ખાઈ…”

“ગભરુ બાપડા પશુને પીલી નાખ્યું તોપણ મોનાને એટલુંય ભાન છે કે ગાડી ઊભી રાખે!”

“એની તો આંખ્યો જ ઓડે ગઈ છે.”

તમામ ચર્ચાના પરિણામરૂપે મહાજનના આગેવાનો મુન્સફ પાસે ગયા, અને મુન્સફે તેઓની ફરિયાદ દફતર પર લીધી.

મોના મિસ્ત્રીનો ગાડીવાન ફલજી નામે એક સપાઈ હતો. ગામડાંમાં ખેડ કરતાં કરતાં બાયડી મરી જવાથી એની ખેડ ભાંગી ગઈ હતી. એટલે જ ફલજી સાંતીડાનું બળતણ બનાવીને મોના મિસ્ત્રીની ડેલી પર નોકર થયો હતો. અમે એક વાર એના છોકરાને નદીમાં, ગામથી એક ગાઉ પરના ધૂનામાં, એક માછલું ઝાલતો જોયેલો, ત્યારે ઠીક ઠીક ટીપેલો. ઉપરાંત, એક વાર એ છોકરો બીજે ગામથી ટ્રંકમાં મૂકીને માંસ વેચાતું લઈ આવેલો, ત્યારે પણ મહાજનનાં મન ઉચક થયાં હતાં અને આ સપાઈ ફલજીએ પાઘડી ઉતારી હતી ત્યારે જ એને દંડથી જતો કર્યો હતો.

આવા એક ભરાડી સપાઈને નોકરીમાં રાખનાર મોનો મિસ્ત્રી આખા ગામનું નાક તો વાઢતો જ હતો; તેમાં પાછો આ તૈમુરલંગનો કિસ્સો બન્યો.

“મોનો તો ખાટકી છે – ખાટકી!” એવા અભિપ્રાયો અમે મહાજનને મોંએથી ઝીલીને છેક બાયડી વર્ગને પહોંચાડી દીધા. મારો ભાઈબંધ ટભો ન્યાતનાં નોતરાં દેવા ઘેર ઘેર જતો, તદુપરાંત ન્યાતના જમણવારમાં શાક અને ક્ઢી કરનાર રસોયા તરીકે સહુનો માનેતો હતો; એટલે મોના મોસ્ત્રીનો ધજાગરો બાંધવામાં ટભાની મહેનત વહેલી ફળી ગઈ. ટભાના હાથની બનાવેલી મીઠા લીમડાવાળી કઢીના સબડકામાં જે સ્વાદ હતો, તે જ સ્વાદ સહુ કોઈને ટભા-મુખથી પિરસાતી આ મોનાની વાતમાં પણ આવ્યો.

“હવે મૂકોને વાત, મારી બાઈયું!” મારાં એક ભાભુમાથી આટલું જ બોલાઈ ગયું: “કૂતરાંનો વસ્તાર આટલો બધો વધારી મૂકયો છે તેમાં શી સારી વાત છે? આ નત્ય ઊઠીને કૂતરાંના મેલાં ઊસરડ્યા જ કરવાનાં!”

મારા ભાભુમાને આ બોલ બહુ ભારી પડી ગયા. દેવ-ઠેકાણે પૂજાતાં કૂતરાંની આવડી મોટી ગિલા કોણ ચલાવી લ્યે? મા’જન બેઠું હોય જે ગામમાં, એ ગામની એક વાણિયણના માથામાં શું આટલી બધી રાઈ! એ ન ચલાવી લેવાય. તે જ દિવસથી ભાભુમાને ‘હત્યારી’, ‘ખાટકણ’, ‘ડાકણ’, ‘શ્વાનભરખણ’ વગેરે શબ્દોનાં આળ ચડતાં થયાં.

મુકદ્દમો ચાલવાના દિવસ સુધી મોનો મિસ્ત્રી મક્કમ રહ્યો. એણે એના ગાડીવાનને કહ્યું: “ફલજી, તું ડરીશ મા; હું તારો પૂરેપૂરો બચાવ કરવાનો છું.”

પણ એક… બે ને ત્રણ મુદતો પડી, ત્યાં મોનો ઢીલો પડી ગયો. ગામલોક એને પીંખવા લાગ્યું. ગામની બજારે ગાડી કાઢવી મોનાને મૂશ્કેલ બની ગઈ.

મહાજનનો તાપ એટલો અસહ્ય હતો. મોનાની સાયબી નિસ્તેજ બની; એની હિંમત ખૂટી ગઈ. મોનાએ મહાજનના આગેવાનો આગળ છાનુંમાનું ‘મીનો’ કહ્યું.

“હાં, તો બરાબર…” મહાજનના શેઠિયાઓએ મોનાની સામે અમીની આંખો ઠેરવી: “તો પછી હાંઉ: તું વચ્ચેથી ખસી જા, મોના! અમે ફલજીને તો આરપાર કાઢવા જ માગીએ છીએ.”

પછી મોનો સમજુ બનીને ખસી ગયો. એણે પણ ઉઘાડેછોગ હાકલ કરી કે, “કૂતરું ચેપાણું હોય તો તો મહાજનથી કેમ ચલાવી લેવાય? બાપડાં કૂતરાંનો ધણીધોરી કોણ? એણે ગામનું શું બગાડ્યું છે? કૂતરાંનું લોહી હળવું શા માટે? એ તો સારું થયું તૈમુરલંગ ચપળ હતો, એટલે ઝપાટામાંથી બચી ગયો; પણ ત્યાં કોઈ બાપડી ગાભણી કૂતરી ગાડીની હડફેટમાં આવી ગઈ હોત, તો ત્યાં ને ત્યાં જ એનો ગાભ જ ઢગલો થઈ જાતને! માટે જે કોઈ માણસ આવી ગફલતનો કરવાવાળો હોય – પછી એ મારો નોકર ફલજી હોય, કે બાપુ સાહેબનો કોચમેન રહેમતખાં હોય – એનો ન્યાય તોળાવો જ જોઈએ. કૂતરાં તો મૂંગાં જાનવર છે: એ ક્યાં જઈ ન્યાય મેળવશે?”

પછી ફલજીનો દંડ થયો. દંડ કોર્ટ ખાતે જમા ન કરતાં કૂતરાંપ્રેમી ન્યાયમૂર્તિએ દંડ એ તૈમુરલંગ વગેરે કૂતરાં-કુટુંબને શેરા ખવરાવવા ખાતે મહાજનને જ અપાવ્યો.

તે પછીથી અમારા ગામમાં કૂતરાંની સ્થિતિ સુધરતી જ આવે છે, ને અમે સૌ એવી આશાએ શેરા ખવરાવ્યા જ કરીએ છીએ કે કૂતરાંની આંતરડીની દુવાથી કોઈક દિવસ અમારી સર્વની સ્થિતિ ફૂલા શેઠ જેવી ફાલી નીકળશે.

કૂતરાંના રાતભરના કકળાટ અમને કોઈને ઊંઘ નથી આવવા દેતા, તો તેથી હિંમત હારી જવા જેવું શું છે? કૂતરાંના ભસવાથી વસ્તીના ઊંઘતાં છોકરાં ઝબકી ડરી જાય છે એવી દલીલ આજના જમાનામાં કામ આવે નહીં: આપણાં વણિકોનાં છોકરાંએ તો નાનપણથી જ કઠણ છાતીનાં બનતાં શીખવું જોઈએ.

કૂતરાંનો પાડ માનીએ કે આખી રાત આપણને જાગતા રાખી અનેક ચોરીઓના ત્રાસમાંથી આપણને બચાવે છે. કાઠિયાવાડનાં કેટકેટલાં શહેરો-કસ્બાઓ તેમ જ ગામડાંઓ અત્યારે કૂતરાંના કટક વડે આબાદાન બની રહેલ છે! ભલે ફૂલા શેઠની પેઠે નવું નાણું અપાવવામાં કૂતરાં ન ફળ્યાં હોય; પણ જે જૂનું નાણું છે, તેની તો આખી રાત ચોકી કરવાનો આપણો ધર્મ કૂતરાંએ જ જાગ્રત રખાવ્યો છે ને! કૂતરાંના પાળનાર રાજાઓ પ્રત્યે કેટલાંક છાપાં મહાજનોની લાગણી ઉશ્કેરવા મથી રહેલ છે; પણ મહાજને પોતાનું કાળજું છાપાંવાળાને ખવરાવી દેવાનું નથી . (અગાઉ આપણે એમ કહેતાં કે અલ્યા, તારું કાળજું કૂતરાં ખાઈ ગયાં છે! હવે એવી ભાષા અપમાનસૂચક કહેવાય.) એવા રાજાઓ સદૈવ આબાદાન રહ્યા છે તે બતાવી આપે છે કે કૂતરાંની ભક્તિ કૂતરાંના દેવ દત્તાત્રય વ્યર્થ જવા દેતા નથી.

ફલજી સપાઈ કૂતરાને દુભવ્યા પછી કદી સુખી થયો નથી એ વાત ન માનતા હો, તો પૂછો મારા ભૈઇબંધ ટભાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં! બળબળતે ઉનાળે કૂવામાં તારોડિયો તબકતો હોય એટલાં જ જળ જ્યારે જડતાં, ત્યારે અમે મહાજન તરફથી પાણીની ટાંકીઓ બળદ-ગાડીઓ ઉપર ચાલુ કરી હતી. અમે એક ગાઉ છેટેના નવાણનું પાણી ભરી ભરી ગામને ઘેરઘેર ટાંકીઓ ફેરવતાં. એક ટાંકીને માથે હું બેસતો, ને બીજીને માથે ટભલો. શ્રીમંત ગરીબનો કોઈ તફાવત કર્યા વિના અમે સહુને પાણીનાં વાસણ ભરી આપતા ગામમાં ઘૂમતા હતા.

એમાં પહેલે જ દિવસે ફલજી સપાઈનો છોકરો માટલું લઈને દોડ્યો આવે. ટભાને મેં કહ્યું કે, “ટભા, હમણાં કશું કહેતો નહીં: ટળવળવા દેજે ખૂબ!” વારે વારે એ છોકરો માટલું ધરવા જાય… ને વારેવારે હું હોશિયાર રહીને ટાંકીની સૂંઢ બીજાના વાસણમાં ઠાલવી દઉં: એને ખબર તો ન જ પડવા દઉં કે હું જાણીબૂઝીને એનો વારો નથી આવવા દેતો. એમ તો હું ને ટભો બેઉ બડા ચકોર છીએ!

પછી તો એ છોકરો રોઈ પડ્યો. મેં કહ્યું: “કાં ભા: એમાં મૂંડકો કેમ બનછ! તને કોઈએ કાંઈ કહ્યું? ગાળભેળ દીધી!”

ડોકું હલાવીને એણે તો આંસુડાં ખેરવાં જ માંડ્યાં. પછી એ કહે કે, “હું, મારી બોન ને મારા બાપ – ત્રણેય જણાં તાવમાં પડેલાં છીએ: પાણી ભરીને લાવનારું કોઈ નથી. એક ઘડો આપોને, તો ત્રણ દી પોગાડશું, અમારે વધારે ઢોળીને શું કરવું છે? તાવવેલાં છીએ એટલે ખાતાંપીતાંય નથી ને ખાતાંપીતાં નથી એટલે કાંઈ વધુ પાણી પીવા જોશે પણ નહિ. વાસ્તે આપો, ભાઈશા’બ!”

પણ પછી તો મેં ચોખ્ખું કહી દીધું કે, “ભાઈ, પુણ્યશાળીઓને પ્રથમ પહોંચાડી દેવા દે, પછી તારો વારો…”

ત્યાં તો લાલભાઈ શેઠના ઘોડાને દોરીને એનો નોકર લઈ આવ્યો, એટલે બાકીનું બધું જ પાણી અમે શેઠના ઘોડાની બાલદીમાં ઠાલવી દીધું, ઘોડો ચસકાવી જ ગયો. સૂંઢ ખંખેરીને મેં ફલજીના છોકરાને બતાવી: “જો, ભાઈ: છે પાણી! હોય તો હું ને મારો ભાઈબંધ ટભો કાંઈ ના પાડીએ?”

“ના શા સાટુ પાડીએ, ભા!” ટભાએ પણ ટાપશી પૂરી, ને અમે ટાંકીઓ હંકારીને ગામમાં ચાલ્યા ગયા.

બજારમાં અમને અજાયબી એ જ વાતની થતી કે આ કૂતરાં તો જો – કૂતરાં! કેટલાં સમજણાં! મહાજનની ટાંકીને જરીકે રોકે છે? ઊઠીને કેવાં મારગ આપે છે!

“હા.” ટભાએ કહ્યું: “અને એની પુણ્યે તો આટલુંયે પાણી મળે છે આ કાળે ઉનાળે.”

(પૂર્ણ)

૧૯. વહુ અને ઘોડો – મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ : ઝવેરચંદ મેઘાણી

Standard
← ૧૮. બદમાશ મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
૧૯. વહુ અને ઘોડો
૨૦. અમારા ગામનાં કૂતરાં →
 ઝવેરચંદ મેઘાણી

સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો…

હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્ધી રાતના મારા સંગાથીને મારે પુરુષ-નામ ન આપવું જોઈએ. દીવાને ‘દીવો’ કહેતાં તરત જ મારું મન પાછું ભટકવા લાગે છે: દીવો કેમ જાણે ધીરે ધીરે મારા અંતરની વાતોના સાક્ષી કોઈ જાણભેદુ પુરુષ તરીકે સજીવ બનતો હોય એવું લાગે છે. અહીં એકાંતમાં પુરુષની કલ્પનામૂર્તિ પણ નહિ સારી. હસી હસીને પ્રકાશ દેનાર, એકીટશે મીટ માંડી મારી સામે તાક્યા કરનાર, તેજના સરોવરમાં મારા દેહને ભીંજવનાર અને પોતે મૂંગો રહી મારા હૈયાની વાતો આ કાગળ પરથી વાંચી જનાર એ દીવાની પુરુષ-કલ્પના તો ખરે જ બિહામણી છે. માટે હું કહું છું કે આ મેડીમાં અત્યારે એક હું જાગું છું. ને બીજી જાગે છે આ બત્તી.

મને મારું બાળપણ સાંભરે છે. જો કે અહીં ઘરમાં તો મને સહુ હૈયાફૂટી કહે છે, કેમકે હું રોજની મારી મેલછાંડમાં કઈ ચીજ ક્યાં મૂકી તે ભૂલી બહુ જાઉં છું, નાહીને કે સૂઈ ઊઠીને ગળાનો હેમનો હાર પણ ચોકડીમાં કે પથારીમાં પડ્યો રહેવા દઉં છું અને, તેને પરિણામે , સહુ મને ‘ભાન વિનાની’, ‘રોઝ જેવી’ કે ‘ગામડાનું ભોથું’ કહે છે. તેમ છતાં, મને મારા પાંચ વર્ષના વયનું તલેતલ નાનપણ યાદ આવે છે: તે વખતે હું ઘરની ભીંતેથી કરોળિયાનાં જાળાં તેમ જ ભમરીનાં ભોંણ ઉખેડી નાખતી, તે દેખીને રતનમા મને કહેતાં કે “રે’વા દે, રે’વા દે, પાપણી! નહિ તો તને ઓલ્યે ભવ પરતાપરાય શેઠની ગાડીના ઘોડાનો, ને કાં એમના ઘરની વહુવારુનો, અવતાર મળશે, હો!”

તે વખતે હું બહુ સમજણી નહોતી; પણ મારા મનમાં આ વિચાર દિવસ-રાત ઘોળાવા લાગ્યો: શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી ઘરબાર વગરની ગાંડી વલૂડીના અવતારને બદલે, કે પેલી અમારે ઉંબરે રોજ લાકડી ખાઈને ચાલી જતી ટિપુડી કૂતરીના અવતારને બદલે, પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારુઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું?

“તો તો હું ખૂબ પાપ કરીશ!” નાચતી કૂદતી હું બોલી ઊઠી: “મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મઝા પડે – બહુ જ મઝા પડે. રતનમા, મને એ ઘોડો બતાવજો.”

ગામના મોટા રસ્તાને કાંઠે જ અમારું ઘર હતું. ખડકી ઉઘાડીને રોજ સાંજે ઊંચાં પગથિયાં પર હું રતનમાની જોડે બેસતી, અને પેલા ઘોડાની વાટ જોતી.

“જો આવે: જો, સાંભળ, એના ઘૂઘરા બોલે!” એમ રતનમા કહેતાં કે તરત જ હું તૈયાર થઈ ઊંચે શ્વાસે ઊભી થઈ જતી. પછી જ્યારે ચકચકિત ગાડીને હળવા ફૂલની માફક રમાડતો એ ઘોડો પોતાના ડાબલાના તડબડાટ કરતો નીકળતો, ત્યારે એના કપાળમાં રમતી માણેક-લટ, એકબીજીને અડતી કાનની ટીપકીઓ, કમાન જેવી વાંકી ડોક, કેશવાળી અને શરીરના અવનવા થનગનાટો સામે નીરખી નીરખીને મારા હૈયાના મોરલા નાચી ઊઠતા: “અહાહા! રતનમા!” હું કહેતી: “આવા સુખનો અવતાર પામવા સારુ તો હું તમે કહો તેવાં પાપ કરું!”

“અરે મૂરખી!” રતનમાં સમજાવતાં: “આ તો થોડા દીનાં નાચણ ખૂંદણ: ભલે માણી લ્યે બચાડો…”

પણ મને એ કાંઈ ન સમજાતું. પછી તો હું સવાર-સાંજ, બસ, એ ઘોડાના જ ઘૂઘરાને કાન માંડીને બેસતી: રણકાર થાય કે દોડાદોડ ખડકીએ જતી: બા નવડાવતી હોય તો એના હાથમાંથી વિછોવડાવીને સાબુએ બળતી આંખે પણ ઘોડો જોવા જતી.

‘કેવો ભાગ્યશાળી ઘોડો!’ હું વિચાર્યા કરતી: ‘એની પીઠ ઉપર કેવા રૂપાળા, હસમુખા, ભપકેદાર લોકોની સવારી શોભે છે! ‘ચાઈના સિલ્ક’ના કોટપાટલૂને દીપતા મામલતદાર સાહેબના બન્ને હાથ ભરબજારે સેંકડો લોકોની સલામો ઝીલતા હોય, અને હાથમાં મોટા મોટા હુક્કાવાળા, બગલમાં રૂપેમઢી તલવારોવાળા, મોટા મંદિલવાળા તાલુકદારો એને ‘સરકાર! સરકાર!’ કહી ઓછા ઓછા થતા હોય, ત્યારે શું ટેડી આંખે આ મહાપુરુષને જોઈ જોઈ શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂબ બનતો હશે!’

હરેક ગાડીને ટાઇમે સ્ટેશન પર જઈને કલેક્ટર સાહેબથી માંડી અવલ-કારકુન સાહેબ સુધીના તમામ માનવંતા પેસેન્જરોને ચા-નાસ્તો પહોંચાડનાર આ ઘોડો દિવસના ભાગમાં જ્યારે જ્યારે નીકળતો ત્યારે તો હું અચૂક ખડકી બહાર આવીને એને નીરખી લેતી; અને રાતના બાર કે ચાર બજ્યાની ગાડી પર જ્યારે એ ચૂપચાપ રબર-ટાયરની ગાડીને રમાડતો, પોતાના નાળબંધ ડાબલાના પડછંદા જગાવતો ઘોડો સૂનકાર શેરીઓમાં ઘમકાર કરતો નીકળતો, ત્યારે ઊંઘમાંથીય હું જાગતી – નહોતી જાગતી ત્યારે એ ઘોડો સ્વપ્નમાં જોતી.

બજારમાં પણ અનેક વાર શેઠ સાહેબનો શબ્દ હું સાંભળતી. અમારા મકાન પાસે એ ગાડી ઘણીવાર અટકતી; અમારે ઘેર કોઈ પણ અતિથિ આવેલ હોય કે તરત શેઠ મારા મોટાભાઈને કહેતા કે “મહેમાન માટે આપણી ઘોડાગાડી મંગાવી લેજો, હો કે! જુદાઈ રાખશો નહિ, હો કે! ઘોડો બાંધ્યો બાંધ્યો મારે શા કામનો છે, શેઠ! ભાઈઓને સારુ કામ નહિ આવે તો પછી એનું સાર્થક શું છે?”

‘ઓહોહો!’ હું વિચાર્યા કરતી: કેટલો લાડીલો અને સન્માનિત ઘોડો! ઊભો ઊભો મોંમાં લગામ કરડે છે, તે પણ રૂપાની! માખી ન બેસે માટે તો આખે અંગે જાળીની ઝૂલ્ય.

જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડતી હશે!

એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ એક દી:

અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતેય ગાડાખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. સાતેય જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોનાં કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં. પડખે એક ગાય ભીંસમાં આવી જવાથી દુકાનદારો એ સાત માંહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા-ખેડૂઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસકા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા-ઝગડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીંસમાં આવી જવામાં સાચો વાંક કોનો હતો; પણ આ બધી લડાલડી ને ગાળાગાળીથી આનંદ પામતી હું – આઠ વરસની છોકરી – અમારે ઓટે બેઠી હતી, ત્યાં અટકી ગયેલા બે મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલી: “હદ થઈ છે હવે ને હવે તો? દુકાનના ઓટા લંબાવીને બજારનો મારગ દબાવનારા છે આ વેપારીઓ ને પીટે છે પરગામના ગાડાવાળાઓને! કોઈ દેખનારો જ ન મળે?”

આમ જ્યારે ગાડાં ને ગાડીઓ, રેંકડીઓ ને પગપાળાઓ, પનિહારીઓ ને બકાલણો વગેરે તમામ માણસો તેમ જ વાહનોનો ઠાંસો ત્યાં થઈ ગયેલો, તે વખતે મેં મારા રોજના પરિચિત અને પ્રિય ઘમકાર સાંભળ્યા. મેં ઊઠીને ડોક લંબાવી ઉપલી બજાર તરફ જોયું…

અહાહા! શેઠની ગાડી: નવો ઘોડો: માંકડાને બદલે ધોળો ધોળો: અને અંદર ચાર બૈરાં તથા પાંચ છોકરાં બેઠેલાં.

આજ આટલાં વર્ષે પણ હું એ દેખાવની એકેય વિગત વીસરી નથી શકી. અંદર બેઠાં હતાં તો ચારેય જણાં ઘૂમટા તાણીને, એટલે આછા આછા સોનાસળીના સાળુ સોંસરવી હું એ મોઢાંની ઝાંખી રેખાઓ જ જોઈ શકી હતી; પણ કોણી સુધી ઉઘાડા તે આઠેય હાથ ઉપર તો મારી નજર, કોઈ ભિખારીનું છોકરું દિવાળીના તહેવારમાં અમારા પૂનમચંદ કંદોઈની દુકાનના દરેક થડકલા ઉપર નિહાળી રહે તેવી લગનીથી, તાકી રહી હતી.

મેં એ આંગળીઓની વીંટીઓથી લઈ કોણી ઉપરના બાજુબંધ સુધી શું શું દીઠું તેનું હું કેવું વર્ણન કરું! અત્યારની મારી દૃષ્ટિ દોષિત બની છે, એટલે એ વખતના મારા નયન-તલસાટને હું આજે ન્યાય પણ ન આપી શકું.

અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો!

“શેઠનાં ઘરનાં વહુવારુઓ છે; વેવાઈ-ઘેર આજ જમવા જાય છે: બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ!”

એવા ઉદ્ગારો લોકો કાઢવા લાગ્યા, ત્યાં તો કોચમેને એ રસ્તો રૂંધનાર ગાડાવાળાઓને બે-ચાર ગાળો દઈ ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ-બહારને લાંબે રસ્તેથી એણે શેઠ-ઘરનાં વહુવારુઓને વેવાઈ-ઘેર પહોંચાડી દીધાં.

એ લોકો જ્યાં જમવા આવ્યાં તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોનાસળીના સાળુની અંદર ઢંકાયેલાં મોં જોવાનું ઘણું મન હતું. પણ એ મોટા ઘરના કોણ જાણે ક્યા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ! મને ત્યાં કોણ ભાળ આપવા નવરું હોય! જમવા-જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી, અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલાં ગળાં એકબીજાંની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલ હતાં, કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે એવી બીકે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ-દિને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા.

ગાલ તો છોને ખચકાવ્યા પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે ‘હે ભગવાન, મને એ શેઠ-ઘરની જ વહુ કરજો; નહિતર હું ઘોડાગાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ? એવું મને ક્યાંથી મળશે?’

[૨]

બસ, તે પછી હું બાર-તેર વર્ષની થઈ ત્યાં સુધીના પાંચ વર્ષના ગાળામાં મેં સાતેક વાર એ શેઠ-ઘરનાં વહુઓને ગાડીમાં બેસી નીકળતાં દીઠાં હશે: બે-ત્રણ વાર જમવા માટે; ચારેક વાર અમારી જ્ઞાતિના કોઈ મોટા ગુરુદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે.

પણ મને ચોક્કસ ખબર નથી રહી કે એ ચાર એ-નાં એ જ હતાં કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા એ આઠ હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી-ઓછી જાડાઈ-પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગિયલપણાની જૂજવી ભાતો લાગી હતી.

આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી: કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરોઢિયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી.

એક વાર તો જતાં જતાં બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે “ભાગ્ય એટલાં મોળાં ને, બાઈ, કે આ મારી તારા હજુ ત્રણ વરસ નાની કહેવાય. છોડી તેર વરસની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત. પણ આ તો દસ જ વરસની ને પાછું રાંડને ડિલમાં ગજું મુદ્દલ જ ન મળે ને! દસ વરસનીને પંદરમાં ખપાવાય શી રીતે?”

હું તે વેળા તો બહુ સમજી નહોતી. અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો આટલા આટલા બદલાતા, ને એ ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા આઠ-આઠ હાથની કળાઈઓ આવાં રૂપાન્તર પામતી. તેનો અર્થ એ હતો કે ઘોડા ને વહુઓ ઘણી વાર મરણ પામતાં ને તેને બદલે નવા ઘોડા ને નવી વહુઓ તાબડતોબ આવી જતાં.

અગિયાર…બાર – તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાગાડીની રૂંધામણ થઈ હતી. તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડ્યું: કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે “રાંડને ગજું કરવાની જે દી ખરી જરૂર હતી તે દી તો છપ્પનિયા રાંકા જેવી રહી ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને!”

બાપુ જવાબ દેતા: “આપણે બીજું શું કરીએ! શેઠના ઘરનાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારુ થઈને થોડી માંદી પડી શકે છે…”

સાંભળીને બા બેવડાં ખિજાતાં: “તમારે ઠીક લાગ આવ્યો છે મારા માથે દાઢવાનો! લાજતા નથી ને ગાજો છો શું ઊલટાના! હું ક્યાં એમ કહું છું કે શેઠના છોકરાની વહુવારુ મરે…”

“તું કહેતી નથી પણ અંદરથી પ્રાર્થના તો આપણી બન્નેની એ જ હોય ના!”

“હોતી હશે – તમને ખબર!” બા છણકો કરતાં.

બાપા કહેતા: “પણ એમાં આપણે શું અજુગતું કરીએ છીએ? લાયક ઉમ્મરની દીકરી સારુ તો પ્રત્યેક ચિંતાતુર માબાપ એ જ કરી રહેલ છે. કોઈ આબરૂદાર ઘરની વહુવારુ છેવટના દા’ડા કાઢતી મંદવાડમાં પડી હોય છે ત્યારથી જ શું નથી સહુ વેતરણમાં પડી જતાં? તો પછી આપણે ક્યાં મારણના જપ કરાવીએ છીએ બામણ બેસારીને! આપણે તો એમ ભાવીએ છીએ કે જો શેઠની કોઈ વહુવારુને મંદવાડ આવવાને નિર્માયો જ હોય, તો જરી વે’લો વે’લો કાં ન આવે?”

“કપાળ-!” દાંત ભીંસીને બા બોલતાં: “ભલા થઈને હવે ક્યાંક રાજકોટ અમરેલી આંટો તો મારો!”

“પણ આંટો તે કેને ઘેર મારું?”

“બોર્ડિંગો તો તપાસો: પાંચસો છોકરા ભણે છે.”

“પણ આપણે તો દીકરીને ત્રીજી ચોપડીમાંથી જ ભણતર છોડાવ્યું છે ને પાછો ગોતવો છે બોર્ડિંગવાળો ભણેલો!”

“ત્યારે કેને દેશું?”

“સ્ટેશને છાપાં વેચે છે કડવી ભાભુનો રસિકલાલ: એ શું ખોટો છે?”

બાની આંખે પાણી આવી ગયાં. એનાથી કશું બોલાતું નહોતું. ગળે ડૂમો ભરાઈ આવ્યો; મન મોકળું મૂકીને રડ્યાં. બાપા બાને પટાવવા લાગી પડ્યા: “ગાંડી, હું તો મશ્કરી કરતો હતો! આપણી તારા જેવી દીકરીને શું હું છાપાંના ફેરિયા જોડે પરણાવું કદાપિ?”

એમ કહી બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોઢું ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડ્યાં.

હું, તેર વરસની તારા, છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાંવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊઠ્યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપવું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ ‘સમાચાર’ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક આખા દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહિ ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી: જાણે કે એ દૃષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારા આંગળાં દાબતી! અને ઓ મારા બાપ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું.

હાય રે, આવા ડાઘા ડાઘા પગપાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઊઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારુઓના વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજી વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, ‘ઊઠની હવે! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊઠ, મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.’ એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે! એટલી તો મને બીક લાગતી! ‘મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.’

બે’ક વર્ષો બીજા ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ. તે અરસામાં તો મારી અને બાની (કદાચ બાપાજીની પણ) સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો.

છ મહિના સુધી રોજેરોજ પંદર-પંદર મહેમાનો એ મંદવાડની ખબર કાઢવા ઊમટ્યાં, ઘોડાગાડીના ઘૂઘરાના ઝંકાર વગર એક પણ રેલગાડીનો સમય ખાલી નહોતો જતો. મધરાતે ને પરોઢિયાની થરથરાવતી ટાઢમાં હું મેડીની પથારીએ સૂતી સૂતી એ મારા પ્રિય ઘોડાનાં ધીરાં પગલાં પર કાન એકાગ્ર કરતી: ખબ… ખબ… ખબ…: જાણે કોઈ ભૂત શેરીમાં એક પગે ખોડંગાતું આંટા મારી રહ્યું છે; આટકોટવાળી વહુનો કાળ જાણે કે છેલ્લાં ઘડિયાળાંની વાટ જોતો ટહેલે છે. ઘોડાના શરીર પર કોચમેનનો ચાબુક-ફટકો ચોંટતો, તેનો સમસમાટ પણ મારી સોડ સોંસરો સંભળાતો.

મંદવાડ સારુ મુંબઈથી ફ્રુટના કરંડિયા ઊતરતા, તે લેવા સારુ પણ ગાડી જ જોડાતી; વૈદો-દાક્તરોને લેવા, મૂકવા, પરી-તળાવની સેલગાહ કરાવવા, શહેરમાં મળવાહળવા લઈ જવા પણ ગાડી જ ખડી રહેતી: એ છ મહિના તો શેઠ-આંગણે મીઠા ઉત્સવના મહિના હતા.

એક દિવસ એવી જાહોજલાલી અટકાવી આટકોટવાળી વહુનું મૃત્યુ સુધરી ગયું. મારી મેડીની બારીની ચિરાડમાંથી મેં એ બીજા નંબરના શેઠ-પુત્રને વહુના અવસાન બાદ પાંચમે જ દિવસે પાનપટ્ટી ચાવીને નીકળતા દીઠા. તે જ ક્ષણે –

મારી પાછળથી કોણ જાણે કોણે ધક્કો દઈ બારી અરધી ઉઘાડી નાખી… ને એ ઊઘડવાનો અવાજ થતાં જ શેઠ-પુત્રની ઊંચી થયેલી દૃષ્ટે મને જાણે કે આખી ને આખી પી લીધી.

ગભરાટમાં મેં પાછળ જોયું: ધીરી ફૈબા! મારું મોં લાલ થઈ ગયું: “ફૈબા! શા સારુ તમે મારી આવી વલે કરી?”

“એટલા સારુ તો તને હું ઉપર લઈ આવી’તી!”

“પણ શા માટે?”

“દુત્તી, હજુય પૂછછ – શા માટે?” કહીને ફૈબાએ મારા ગાલ પર ટાપલી મારી: “ચાર વરસથી તપ તપો છો…”

મને સમજાયું: આ તો વર-કન્યાને અરસપરસ બતાવી કરીને સંબંધ જોડવાનો સંકેત હતો! હું ભૂલી: વર કન્યાને જોઈ લ્યે, એટલો જ આમાં મુદ્દો હતો. મારે તો કશું જોવાનું હોય જ નહિ! મને પોતાને એવી ઉત્કંઠા નહોતી. મારા કોડ તો હતા ઘૂઘરીદાર ઘોડાગાડીમાં ચાર વહુવારુઓની વચ્ચે સોના-સળીને સાળુડે ઘૂમટો તાણીને કોણી સુધીનાં હેમ-આભરણ બતાવતાં બેસવાનાં.

એ કોડ સંતોષવાની વેળા આવી પહોંચી: એક દિવસ મારા માથા પર શેઠ-ઘરની ચૂંદડી નખાઈ ગઈ.

[૩]

આ શહેરમાં તો અમે બાપુના ધંધાને કારણે જ આવેલાં; અમારું વતન હતું રાજકોટ. બાપુની ઇચ્છા આંહીં ને આંહીં લગ્ન પતાવી દેવાની હતી; પણ શેઠવાળાઓએ જીદ કરી કે “એમાં અમારી શી શોભા! રાજકોટ શહેર શું બોલશે? કહેશે કે, શેઠવાળા એ રેલભાંડાની બીકે, અથવા રાજકોટ મહાજનના લાગા ચૂકવવા પડે તે બીકે, લોભમાં પડીને ત્યાં ને ત્યાં પતાવ્યું. એવું ઘરઘરેણું નથી કરવું અમારે. અમારા મોભાને છાજતી જાન જોડીને આવશું. તમને એમાં ઘસારો લાગતો હોય તો સુખેથી રૂપિયા ૫૦૦ ખરચીના લેજો.”

મારા પિતાનું માથું આ સાંભળીને ફાટ-ફાટ થવા લાગ્યું; પણ બાનાં મેણાએ એને ચૂપ બનાવી દીધા. ટૂંકામાં કહી નાખું છું કે અમે રાજકોટ ગયાં, ત્યાં જબ્બર જાન આવી, શહેરનાં ચારેય બેન્ડો બોલાવવામાં આવ્યાં… અનેક જાનૈયાઓ માટે મોળાં શાક, ઘીના મોણવાળી રોટલી, ગળેલા ભાત, તાંદળિયાની ભાજી, તીખાંનો ભૂકો, તળેલી હીમજ, કમાવેલી સૂંઠ, અરધા દૂધની ચા ઇત્યાદિના અનોખા અનોખા સ્વાદ, તબિયત અને શોખ સાચવવામાં મારી બાએ ત્રણ દિવસ સુધી એકલા હાથે અવધિ કરી નાખી. પણ એક દિવસ જેઠજીને માટે ગલકાંનું શાક છેક જામનગરથી પણ ન મળી શક્યું તે વાતે આખી સરભરા ઉપર પાણી ફેરવી વાળ્યું. મારા બાપુની આ ‘કંજૂસાઈ’ અને ‘બેપરવાઈ’ સારી પેઠે તિરસ્કાર પામી.

“તમને નહોતું કહી રાખ્યું પ્રથમથી જ – કે, ભાઈ, જે ખરચ તમે ન ભોગવી શકો તે મજરે લેજો!” મારા જેઠજી ઉશ્કેરાઈને બોલી ઊઠ્યા: “છતાં તમારો સ્વભાવ તમારી જાત ઉપર જઈને ઊભો રહ્યો, શેઠ! જે અમને છ ટંક ન સાચવી શક્યો, તેનું પેટ અમારા ઘરમાં આવીને શું દા’ડો ઉકાળવાનું હતું!”

“મોં સંભાળીને બોલો, શેઠ!” મારા બાપાજીએ મિજાજ ખોયો: “તમારી શાહુકારી તમારે ઘેર રહી…”

“હાં! હાં! હાં!” કરતાં કુટુંબીઓ, સંબંધીઓ, ગામલોકો અને, ખાસ કરીને, જેઓની કન્યાઓની આડેથી હું આ સૌભાગ્ય ઝડપી ગઈ હતી તેઓએ બધાએ આવીને મારા બાપને મોંએ હાથ દીધા: “દીકરીના બાપનું આ કામ છે, ભાઈ? દીકરીનો બાપતો મોંમાં ખાસડું લેવા લાયક કહેવાય. જો દીકરીનો બાપ ઊઠીને બગાડે, તો તેનાં પ્રાછત ભોગવવાં તો રહ્યાં પોતાના સંતાનને જ ને, ભાઈ!”

બાપ બોલ્યા કે “એમ હોય તો હું હમણાં ને હમણાં દીકરીના ગળામાંથી વરમાળા કાઢીને ફગાવી દઉં છું: મારે એવી નથી પડી કોઈની!”

“અરે, બોલો મા… બોલો મા, શેઠ!” સર્વ લોક મારા બાપને વારવા લાગ્યા: “પરણી લીધેલ કન્યા તો ઊતરેલ ધાન બરાબર લેખાય, ભાઈ! ક્યાં જઈ એનો અવતાર કાઢે? તમારાથી આવું ન બોલાય: ટાઢા પડો; પાઘડી ઉતારીને વેવાઈની પાસે માફી માગો.”

“મારે પાઘડી નથી ઉતારવી.”

“તો એને સાટે અમે સહુ ઉતારીએ છીએ, શેઠજી!” ગામલોકો – ખાસ કરીને પેલી મારા સૌભાગ્યથી વંચિત રહેલી કન્યાઓના પિતાઓ – પોતાની પાઘડીઓ ઉતારીને જેઠજીના પગમાં પડ્યા; બોલ્યા: “એ તો છોકરું છે; પણ અમે ઘરડા બેઠા છીએ ને રાજકોટની લાજ એમ કાંઈ જાવા દેશું? અમે માફી માગીએ છીએ…”

મારા પિતાજીનો ઉત્તાપ આ બધી વેર-વસૂલાત નિહાળીને માઝા મેલતો હતો.

જેઠજીએ ઉદાર બનીને સહુને જવાબ દીધા: “અમારે તો એ વાતનું કશુંય મનમાં નથી; પણ અમે સરખું કુળ ન જોયું, અમારી વડ્ય ન જોઈ – ફક્ત કન્યાના વખાણ પર જ અમે દોરવાઈ ગયાં – એટલે અમારે આજ આરંભથી જ વેઠવાનું બને છે ને, ભાઈ! હશે. અમને એ વાતનું કંઈ નથી. અમે જો મોટાં મન ન રાખીએ તો વહેવાર ક્યાંથી ચાલે? જેવાં સંચિત અમારાં! પણ તે વાતનું અમારે કંઈ નથી… માણસો જે સામા કુળની ખાનદાની જુએ છે તે કાંઈ અમસ્થાં જોતાં હશે, ભાઈ! પણ હશે: ખેર! અમારે એ વાતનું કશું જ નથી… આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું બન્યું. પણ તે તો હશે! અમારે એ વાતનું કશું નથી.”

જમવાને ઉતારે અંદરના ઓરડામાં બેઠાં બેઠાં મેં અને મારી બાએ કજિયો કાનોકાન સાંભળ્યો. મારી બા આંસુ પાડતાં હતાં. હું રડવા જેવી થઈ ગઈ હતી; પણ મને તો, જલદી ત્રણ દિવસ પૂરા થયે સાસરીમાં હેમખેમ પહોંચી જવાની ઊલટમાં ને ઊલટમાં, બાપુનું આ અપમાન તે વખતે બહુ ન સાલ્યું.

પછી મારી બાએ બહાર નીકળીને વેવાઈ પાસે ખોળો પાથર્યો. મોંમાં ધૂળની ચપટી લઈને માફી માગી. સાંજે અમે લગભગ વીસેક જાતનાં જુદાં જુદાં રાંધણાં કરીને જાનૈયાઓ માયલા માંદા, બાદીથી પિડાતા, હરસના રોગી, ગરમીના ભોગ થયેલા એવા દરેક ગૃહસ્થની સગવડ સાચવી. મોડી રાતે દાક્તરની જરૂર પડી, એટલે બાએ અમારા સંબંધી લલ્લુભાઈ દાક્તરને ગાડી મોકલી તેડાવી મગાવ્યા. પણ મારા જેઠજીએ લલ્લુભાઈનાં ખાદીનાં કપડાં જોઈ ભારી કંટાળો બતાવ્યો. દરદીને તપાસી લલ્લુભાઈ દાક્તરે સહેજ સ્મિત કરી કહ્યું કે “આમાં કશું જ નથી: તમે નાહક ગભરાયા! પેટમાં ગૅસ જ થયો છે…” તેથી તો જાનવાળાં સહુને અત્યંત ગુસ્સો આવ્યો; “તમારું કામ નહિ!” એમ કહી લલ્લુભાઈને પાછા કાઢ્યા.

“રાજકોટમાં શું કોઈ ગોરો દાક્તર જ ન મળે?” જેઠજી બૂમ પાડી ઊઠ્યા.

મારી બાએ પંદર રૂપિયાની ફીથી મેજર ફિનફેનીને તેડાવ્યા. એમણે દરદીને અરધા કલાક સુધી ઊંધો, ચિત્તો, પડખાભેર, પેડુમાં, નખમાં, આંખમાં, ગળામાં, કાનમાં વગેરે અંગેઅંગમાં તપાસ્યો; મોઢું ગંભીર રાખીને ભલામણ કરી કે “આખી રાત એક નર્સને આંહીં રાખવી પડશે; સંભાળ નહિ લેવાય તો આ કેસ આંતરડાના સડામાં ચાલ્યો જશે…”

“દોષ તો આમાં ખોરાકનો જ છે ને, સાહેબ?” જેઠજીએ પૂછ્યું.

“બેશક: ખોરાક અને પાણી.”

પછી મેજર ફિનફેનીની મોટર જ્યારે ચાલી ગઈ ત્યારે સહુ ઘણો હર્ષ પામ્યાં. આખી રાત એક ખ્રિસ્તી નર્સને રોકવામાં આવી – અલબત્ત, અમારે ખર્ચે.

બધો વખત મારા બાપુ એક ઓરડીમાં પેસીને સૂઈ રહ્યા હતા.

આખરે હું સાસર-ઘેર આવી પહોંચી. રસ્તામાં મારા બાપુની નાલાયકી એ જ બધાંની વાતનો, ઠઠ્ઠા-મશ્કરીનો ને રોષ-ધિક્કારનો મુખ્ય વિષય હતો. મારું મોં ઘૂમટામાં હોવાથી તેઓ બેવડાં જોરથી મારું અભિમાન હણી રહ્યાં હતાં.

“બીજું તો ઠીક…” મારા જેઠે કહ્યું: “પણ આપણે જેઓને દુઃખી કરીને પારકે ઘેર લઈ ગયાં હોઈએ, તેમની કેવી દશા કહેવાય? એનું આંખ-માથું દુઃખે એ આપણે માટે તો મરવા જેવું ને, ભાઈ!”

આ વચનમાં મારે માટે ઊંડો દિલાસો હતો: આ લોકોને દરેક મનુષ્યના રક્ષણની કેટલી કિંમત છે! હું કેવા પ્રેમાળ ઘરમાં પડી!

[૪]

લગ્નની પહેલી રાત:

તે દિવસોમાં મારી વહાલસોઈ બેનપણીને પણ હું એક અક્ષરેય ન કહી શકી હોત. આજ મને થાય છે કે જાણે એક ચોપડી લખી કાઢું. પણ નહિ, નહિ; એ રાતના ત્રણ પહોર કોઈ શબ્દોમાં બાંધ્યા બંધાય તેવા નથી. મારું આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાકરની કણી જેવી દશા પામી જશે. જાણે રૂના પૂમડા જેવી બનીને હું પવનવેગે ઊડી જઈશ. અગરબત્તીની માફક મારાં અંગેઅંગ બળી જઈ સુગંધીદાર ધુમાડાનાં ગૂંચળાં ફોરાવતાં આકાશે ચઢાતાં હતાં. મારું હ્રદય કોઈ ધૂપિયું બની રહ્યું હતું. કોઈ દિવસ મેં ક્યાંયે ન વાંચેલું, ન સાંભળેલું, ન સ્વપ્નેય અનુભવેલું એવું ગુંજન મારા શરીરની કણીયે કણીમાંથી ઊઠતું હતું. બા કોઈ વાર કપૂરનો કટકો લઈને અંગારા પર મૂકતી હતી તે મને યાદ હતું: હું જાણે કે એ કપૂરની સળગતી પૂતળી બની ગઈ હતી. મને બહુ ન ભણેલીને, અજ્ઞાનીને, અબૂધને, ગઈ કાલ સુધી પાંચીકે રમનારીને આ કોણ છાનુંમાનું અંતર્ધાન રહ્યું રહ્યું રુંવાડે રુંવાડે જીવનની એક અજબ ગોષ્ઠિ કરી રહ્યું હતું? કરોડો મારા જેવી કન્યાઓને શું એ એક જ અદૃશ્ય મિત્ર સદા આ રહસ્ય શીખવી રહેલ છે?

મોડી રાત્રે શેઠ-પુત્ર આવ્યા. એના ચહેરા ઉપર મીટ માંડતાં જ, કોણ જાણે શાથીય, હું થીજી ગયા જેવી થઈ રહી. એને હું ગમીશ કે નહિ ગમું એ ફફડાટ મારો કબજો લઈ બેઠો. એનું મોં દારૂની કશીય દુર્ગંધ વગર પણ મને માતેલું દેખાયું. એની આંખોમાં રુવાબનો તાપ બળતો હતો. કબૂતરને દાઢમાં ભીંસનાર કોઈ બિલાડીની રીતે એણે એની બેહોશ ઈચ્છાને મારા ઉપર ભીંસી દીધી… કપૂરની ગાંગડીને જાણે કોઈએ છૂંદેછૂંદા કરીને મોટી ભઠ્ઠીમાં ભભરાવી દીધી. જરીકે સુગંધ આપ્યા વગર જાણે કે મારું યૌવન ભસ્મ બની ગયું. હું કશુંય ન બોલી શકી: એને કશું સાંભળવા કહેવાનું ન રહ્યું.

સવારે હું નીચે ચાલી ત્યારે એણે કહ્યું: “મોટાભાઈ તારાં માવતર ઉપર ખૂબ ગુસ્સે બળી રહ્યા છે. સંભાળીને રહેજે, લાયકી મેળવજે. નીકર પત્તો નહિ લાગે. તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે – ખબર છે?”

નિહાળી નિહાળીને તો ત્રણેય દેરાણી-જેઠાણીનાં મોં આજ મેં પહેલી વાર જોયાં. જોયાં જ કર્યાં: અહોહો! કેટલાં બધાં શ્વેત! પણ લાલ રંગની એક આછી ઝાંય સુધ્ધાં ન મળે: સોનાની બંગડીઓ કાંડા ઉપર દોડાદોડ કરતી ઊંચે ને નીચે સરકે: પગના છડા – છેલ્લામાં છેલ્લા મુંબઈ ઘાટના – હમણાં જ જાણે પગની પાની પર થઈને નીકળી પડશે: બાવડા પરની સાંકળીઓ આવડી મોટી શા સારુ, તે દોરો બાંધીને દબાવી લેવી પડી હશે! લમણાં ઉપર વાળની ઘાટપ કાં નહિ?

આવાં રૂપાળાં મોં ઉપર તો મલકાટ જ હોય; છતાં ત્રીજા જ દિવસથી મારા તરફ કાં એમનાં મોઢાં ચડેલાં રહેવા લાગ્યાં? હું મેડી ઉપરથી જરી મોડી ઊતરી તો મારું શરીર કળતું હતું, ને માથું ચક્કર ફરતું હતું, એ કારણે. મને કેમ કોઈ પૂછતાં પણ નથી કે, તને શું થાય છે, તારા? હું કાંઈ કામકાજની આળસુ થોડી હતી? પણ મારા આ શરીરના સાંધા, કોણ જાણે શાથી, ટુકડેટુકડા થઈ જાય છે. રાતના એમના પણ શરીરના સાંધા ટૂટી પડતા હતા. એમણે મારી પાસે ચંપી કરાવી. એ બધા ઉજાગરાને લીધે પણ મારાથી મોડું ઉઠાયું. મારી દેરાણી-જેઠાણીઓને હું આ કેમ કરી સમજાવું?

એ બધાં તો બબડવા લાગ્યાં કે “તમે આવ્યે અમારાં રાંધણાનાં ઘસડબોળા કંઈક ઓછા થશે એમ આશા રાખેલ ત્યાં તો તમેય બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવાં જડ્યાં અમારે કપાળે!”

દેરાણી કહે: “મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમ કે હું દી-રાત એકલી તૂટી મરું છું. આંહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે તે મારે એકલીને જ ભીંસાઈ મરવું?”

નાના ભાભીજી પણ મારા હાથમાંથી પાણીનું તપેલું ઝૂંટવી લઈને બોલ્યાં: “લાવો ભા; તમારાથી નહિ ઊપડે. તમને એટલીયે ભાન છે કે મહેમાન સારુ પહેલાં દાતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટ ઝટ ચા કરવો છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મૂંઝાઈને…”

ઉપરથી પુરુષો બૂમો પર બૂમો પાડતા હતા: “ઊનું પાણી કેમ હજી નથી આવતું? ક્યાં મરી ગયાં છે બધાં? ખાઓ છો તો થાળીઓ ભરીભરીને! પછી ચા કે’ દી મોકલશો? મેમાનોને ગાડીએ પોગાડવા છે! એલા, ભગા, જોડ જલદી!”

“ટપાલ લેવા કોઈ ગયું કે નહિ?”

“આ ફાનસ હજી કેમ બળે છે?”

“આ છોકરો હજુ કેમ ગોબરો ભર્યો છે? એને પખાળો તો ખરાં કોઈક!”

“બપોરની ગાડીમાં ચત્રભુજ હેમાશાવાળા આવે છે: રોટલીનો લોટ રાખી મૂકજો…”

“કાલ્ય દહીં-ચટણીમાં કોથમીર કેમ નો’તી નાખી? કોઈ જુઓ છો કે નહિ? મારાં સાળાં આંધળાં…”

આવા અનેક અવાજો પુરુષોનાં મોંમાંથી ઉપરાઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે “તારાવહુ, દહીં-ચટણી તો કાલે તમે જ કરી હતી. એટલુંય ભાન ન રાખીએ? કોથમીર જેવી જ ચીજ ભુલાઈ જાય! ભાયડાનો સ્વભાવ કેવો છે, એ તો તમે જાણો છો ને? કે બાપને ઘેર દહીં-ચટણી કોઈ દી…”

“તમારે પગે લાગું, ભાભીજી!” મારાથી કહેવાઈ ગયું: “તમે મારા ઉપર સૂઝે એટલું કહો, પણ મારા બાપને બચાડાને શા સારુ વારે ને ઘડીએ વાતવાતમાં વચ્ચે નાખો છો? એણે શું બગાડ્યું છે તમારું કોઈનું? જેવા સહુના બાપ, એવો જ મારો બાપ…”

મારી આંખો લાલ બની, ને પછી તેના પર ઝળઝળિયાં ફરી વળ્યાં. મારી આંખો આડે મારા બાપુની મુખમુદ્રા તરવરી ઊઠી, અને હું ઊઠીને રસોડાની બહાર ચાલી ગઈ – મારાં આંસુ ખાળવા. દેરાણી-જેઠાણીઓએ માન્યું કે મેં છણકો કર્યો. બધાં શું બોલ્યાં તે મારાથી સંભળાયું જ નહિ.

હું ઊભી હતી ઓસરીની થાંભલીની આડશે: ઘોડો ઊભો હતો ગાડીએ જૂતેલો. એ મૂંગું પશુ ઓટા પર પડેલા તપેલામાં ચોટેલા ગઈ રાતની ચંદીના ચાર ચણા-દાણા તરફ ડોકું ખેંચતું હતું. કૂંડીમાં એઠવાડનું પાણી પડેલું, તે તરફ લંબાઈને એ ખોંખારતો હતો. રાતમાં બહુ ટાઢ પડેલી, તેથી સાઈસ એને ઘાસ નીરવા ઊઠી નથી શક્યો. એમ મને લાગતું હતું. મને થયું કે એક પૂળો લાવીને એના મોં પાસે મૂકું. ત્યાં તો મેડી ઉપરથી ધડબડ ધડબડ મહેમાનો ઊતર્યા, અને ઘોડાનો આડોઅવળો ગરદન લંબાવતો દેખીને બોલ્યા કે “સાળો આ સાતમો ઘોડો કજાત્ય નીકળ્યો. એની મા તો હતી અસલ ચોટીલાની ચાંગલી; પણ બાપ કોઈક ટારડો પડી ગયો હોવો જોઈએ.”

ઘોડાના બાપની બદબોઈ સાંભળ્યા પછી મને એક સુખ એ થયું કે ઘરમાં જાણે મારો એક સગો ભાઈ જીવે છે! ને હવે મને નાનપણની વાત યાદ આવી કે રોજ ખડકીએ ઓટલે બેસીને હું જેની નસીબદારીના વખાણ કરતી તે ઘોડો એકનો એક નહોતો: દર વર્ષે-બે વર્ષે બદલાયા કરતા એ નવા નવા ઘોડા એકના મડદા ઉપર જ આવતા હતા.

ચોરીછૂપીથી હું વારંવાર ઘોડાને ચણા ખવરાવી આવતી. પગી ન હોય ત્યારે પાણી પણ પાતી; એકસામટા પાંચ પૂળા ઘાસના પણ નીરતી. એક વાર નાના દિયરજી બહુ જ ભઠેલા કે આમ ખડ નાખીએ કોણ આ બગાડ કરી રહ્યું છે? હું થરથરી રહી હતી. પણ રોષ બધો ભગા સાઈસ ઉપર ઠલવાઈ ગયો ને ઘોડા સાથેનો બધો મારો ભાઈ-સંબંધ વધારે ગુપ્ત બન્યો.

[૫]

બારેક મહિના થઈ ગયા હતા. રાતની ગાડીમાં પાંચ મહેમાનો ઊતર્યા હતા. જામનગરથી તેઓ દીકરીના વેવિશાળ સારુ એક બીજવર મૂરતિયાને જોવા આવેલા. ઘોડો સ્ટેશને જઈને તેઓને ખેંચી લાવ્યો.

સાંજરે ગામના અધિકારીઓને, મામલતદાર સાહેબનો દીકરો પરણી આવેલો તે અવસરની ખુશાલીમાં, અમારે ઘેર ચા-પાણી હતાં. તેની ધમાલમાં અમે સહુ માંડ નવરાં પડેલાં. એટલે થાકેલું મારું શરીર નવાં મહેમાનો માટે રોટલીનો લોટ માંડી, ચૂલામાં છાણાં ભરીને મહેમાનો જમવા ઊતરવાની વાટ જોઈ બેઠું હતું.

પણ આવતાંની વાર જ મહેમાનોએ ચા પીધી, તેથી વાળુ કરવા ઊતરવામાં કંઈક મોડું થતું હતું. મોટાં જેઠાણી પિયર ગયેલાં. નાનાં ભાભીજી ચીકાને મોટી ઉધરસ થઈ હોવાથી એને રડતો છાનો રાખવા ઓરડે ધવરાવતાં હતાં. દેરાણી એની એક બંગડી ખોવાઈ હતી તેથી ફાનસ લઈ ઘર તપાસતાં નોકરોને પૂછપરછ કરતાં હતાં.

મારી આંખે ચૂલા પાસે બેઠાં બેઠાં ઝોલું આવી ગયું – ને ઓચિંતાનું મારું લમણું ધગતાં હું જાગી: જોઉં તો ચૂલાનો તાપ મારી એક બાજુની લટને લાગી ગયેલો. સારું થયું કે બળીને એકલી લટ જ ખરી ગઈ. પણ, હું સળગી ગઈ હોત તો શું થાત – એ ફડકામાં ને ફડકામાં રોટલીઓ બગડી. પરોણાઓને ખાવામાં મઝા ન આવી, એવું મારા પતિને લાગ્યું.

મારી લટ બળી ગયાની વાત સાંભળીને તે તો કંઈ બોલ્યા નહિ; પણ સગાસંબંધીઓનાં બૈરાં આ સાંભળીને હસી પડ્યાં: “વાહ રે, વહુ, તમારું ભાન! આ તો ઠીક, ઘરનાં પુણ્ય જબરાં છે તે એટલેથી પતી ગયું; પણ કાંઈક આડું અવળું થઈ બેસત તો દુનિયા તો ઘેલસાગરી એમ જ હાંકત ને કે, ગમતી નો’તી એટલે સળગાવી મેલી!”

મને પણ એમ જ થયું કે, આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારું થયું. બીજું કંઈ નહિ, પણ મારા પતિને અને ગામના ફોજદારને કંઈક આડવેર હોવાથી (લોકો મૂવાં એ આડવેરની કંઈ કંઈ વાતો કરે છે!) પોલીસ એને ખૂબ હેરાન કરત.

જેમ જેમ માણસો ઘેર આવતાં ગયાં તેમ તેમ જેઠજી સહુને જાણ કરતા ગયા કે “કાલે તો, ભાઈ, તારાવહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે.” સહુને ખબર પડી ગઈ કે મને ઝોલું આવી જવાથી આ બન્યું. સહુનું કહેવું એમ થયું કે, આવું ઊંઘણશીપણું તો આજ નવી નવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખળી હતા તેઓએ મારા પતિને વ્યંગ કર્યો કે, “ભાઈ, હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે તે આમ જાગરણ ખેંચાવો છો! શું વાંચી નાખો છો એવડું બધું! પરણ્યાં વરસ વીત્યું તોયે વાતો નથી ખૂટી શું!” વગેરે વગેરે.

એ તો ઠીક, પણ એકેએક જીભને ટેરવે એમ બોલ તો રમતો રહ્યો કે, “ઘરનાં મોટાં પુણ્ય, ભાઈ, કે વહુ બચી ગયાં. આ ખોરડું તો ધરમનો થાંભલો છે.”

મને થતું હતું કે, મારાં બાપુનાં કે મારાં પોતાના પુણ્ય કશાં હશે જ નહિ શું?

વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાંને એક મણ લોટના રોટલા, પારેવાંને એક ગુણી જુવાર અને બોકડાને દસ શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી ગામમાં જેજેકાર વર્તાવ્યો.

મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઊપડેલો તે રાતમાં, પતિની સરત ન હોવાથી, ફૂટ્યો. મને કાળી વેદના ઊપડી. પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી – ક્યાંઈક વરધીમાં ગઈ હતી.

ત્રીજે દિવસે હું દવાખાને ગઈ ત્યારે દાક્તર સાહેબે મને નિરાંતે તપાસી. હું પણ એક ધ્યાન દેવા લાયક, કોમલ સ્પર્શે અને કોમલ શબ્દે અડકવા-બોલવા યોગ્ય છું, કોઈક બે આંખોમાં મને દીઠ્યે અમી ઊભરાઈ શકે છે એ વાતની જાણ મને તે દિવસ પહેલી વાર પડી. મારા લમણાની દાઝ્ય દેખીને, ‘આવું બેવકૂફ ઘારણ!’ અને ‘ઘરડાંને પુણ્યે બચ્યાં!’ એવું ન ઉચ્ચારનાર આ પહેલાવહેલા જ માનવી મળ્યા: “કાંઈ ફિકર નહિ, બહેન; મટી જશે એ તો: સહેજ જ છે. એ તો બની જાય: શું થઈ ગયું! પણ તમે તો એટલાં સાવધાન કે ભાન ભૂલ્યા વગર એકદમ ઊભાં થઈ ગયાં, ને ગભરાટ વગર વાળ ચોળી નાખ્યા… શાબાશ…! વાહ! તમને હું દવા લગાવું છું, છતાં તમે કેટલું ખમી રહો છો! સિસકારોય કરતાં નથી, બીજું હોય તો ચીસેચીસ પાડે, હો! એવું છે આ દાઝ્યાનું દરદ.”

આમ બોલતાં બોલતાં દાક્તર સાહેબે મારી દાઝ્યાની જગ્યાએથી તમામ ખરાબ ચામડીને ચીપિયા વતી ઉપાડી કાતર વડે કાઢી નાખી. પછી મલમ લગાડ્યો. મને વેદના તો ઘણી થતી હતી, પણ દાક્તરના સુંવાળા શબ્દોએ મારામાં હિંમત પણ વધુ જાગ્રત કરી નાખી. “બસ, બહેન, હવે તમે જઈ શકો છો;” દાક્તરે કહ્યું: “કાલે પાછાં આવજો.”

તોપણ હું ઊભી રહી.

“કેમ, કાંઈ બીજું કહેવું છે…?”

મેં ચોરની પેઠે ચોમેર જોયું. અમારી ગાડીનો સાઈસ દૂર રસ્તા પર ઊભેલો, તેની દૃષ્ટિની પણ મને બીક લાગી.

“કહો, આવો અહીં…” એમ કહી દાક્તર મને ઓસરીમાં લઈ ગયા: “કહો હવે.”

મેં કહ્યું: “મારા અંગના સાંધા તૂટી પડે છે. ઘણાં તેલ ચોળું છું તોય મટતું નથી.”

“તમે આંહી પિયર છો કે સાસરે? કોને ઘેર?”

મેં ઓળખાણ આપી – અને દાક્તર બોલી ઊઠ્યા: “કોણ – તું તારા? અરે તારા! તને આ શું થઈ ગયું? ઓળખાતી જ નથી તું તો. તને મેં પાંચ વર્ષ પહેલાં દીઠેલી. પછી તો ક્યાં તારા બાપ તને બહાર જ કાઢતા હતા! તું તો સાવ…”

મેં સંચાની પેઠે ફરીવાર કહ્યું: “સાંધા બહુ દુઃખે છે. ઘણાં તેલ ચોળ્યાં. પણ…”

નિઃશ્વાસ નાખીને દાક્તરે કહ્યું: “તેલ ચોળ્યે ન મટે, બહેન, ન મટે એ સાંધા. એ સંધી-વા નથી, બા! તારો વર…” કંઈક બોલવા જતા દાક્તર વાત ફેરવી ગયા: “ક્યાં છે તારો વર? એક વાર એને લઈને આવજે બપોર વેળાએ.”

સાઈસ આવ્યો: “ચાલોને હવે! મોડું થાય છે. મારે હજી ગાડીને બીજી વરધીમાં લઈ જવી છે દલ્લા શેઠને ઘેર વરઘોડામાં. મોટાભાઈ ખીજે બળશે.”

જતાં જતાં મેં મારી પાછળ એક ઊંડો નિઃશ્વાસ સાંભળ્યો. દાક્તરનો એ નિઃશ્વાસ દરદીઓનાં એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતાં ચડતાં પાછળ જોયું: દાક્તર હજુ ઓસરીમાં ઊભા હતા; દરદીઓ એનાં મોં સામે તાકીને કશુંક કૌતુક થયું હોય તેમ જોતાં હતાં.

આ રીતે ગાડીમાં બેસીને હું બરાબર એ જ ઠેકાણે નીકળી કે જ્યાંથી મેં, નાનકડી તારાએ, આ ઘોડાનું ને ચાર વહુઓનું સદ્ભાગ્ય વારે વારે જોયું હતું – ઝંખ્યું હતું. આજ અત્યારે ફરીવાર જાણે મારો જીવ મારા ખોળિયામાંથી છલાંગ મારીને એ ઓટા ઉપર બેસી ગયો. ફક્ત ચણિયો અને ચોળી પહેરેલ નાની તારા એ પથ્થર ઉપર નવકૂંકરીના લીંટા કાઢવા લાગી; ને નાની તારા મને, મોટી તારાને, પૂછવા લાગી: ‘મોટી તારા! તારાં કોણી લગીનાં ઘરેણાં કેમ હવે લબડી પડ્યાં છે! તારી ચપોચપ બંગડીઓ કાં ઊતરી ગઈ! તારા બાજુબંધની સાંકળી બે તસુ જેટલી કેમ બાંધી લેવી પડી! મોટી તારા, ઘૂમટો ખોલ!’

હું – નાની તારા – જાણે કે ચીસો પાડતી રહી… ને મોટી તારાને લઈ ગાડીવાળો કોઈ ચોરની પેઠે નાઠો. ઘોડાની પીઠ પર ચણચણતા એ કૂમચીના પ્રત્યેક ઘાએ જાણે મારા બરડામાં કોરડો ફાટતો હતો.

“દાક્તરને તો બીજો ધંધો નથી;” મારા પતિએ મારી તે દિવસની વાત સાંભળીને કચવાતે સ્વરે કહ્યું: “હરકોઈ ઇલાજે પ્રેક્ટીસ ચલાવવી છે! ઇંજેક્શનો મારવાં છે મોટા ઘરની બૈરીઓને! આપણે એ ધંધે નથી ચડવું.”

મારી સંગાથે એ આવ્યા નહિ. બીજી વાર હું દાક્તર કને ગઈ ત્યારે દાક્તર મારા વરની અનિચ્છા પારખી ગયા; કહે કે, “કંઈ નહિ… કંઈ ખાસ જરૂર નહોતી. બની શકે તો આટલું કરજો: પ્રસવ થાય કે તરત જ બાળકની આંખોને તમારા કોઈ સમજદાર વૈદ્ય-દાક્તરને હાથે ધોવરાવીને અંદર દવા નખાવી દેજો. ગફલત કરશો નહિ – નહિ તો બાળકનો ભવ બગડશે, બહેન!”

આવી ભલામણનો અર્થ મારાથી કશો જ સમજાયો નહિ. મેં કદી એવું સાંભળ્યું કે જાણ્યું નહોતું. મને વહેમ પેઠો કે, દાક્તરને ‘વિઝિટ’ જો’તી હશે. મેં કોઈને કહ્યું નહિ.

[૬]

તે દિવસે રાતે બે બજ્યે મારા સસરા પ્રતાપરાય શેઠની એ આલેશાન હવેલીના એક છેવાડા અને અંધારિયા ઓરડામાં હું અધભાન ગુમાવીને સૂતી હતી: મારી આંખો ફાટી રહી હતી: મારા શરીરને એકસામટા સો કાળા નાગ જાણે ભરડો લેતા હતા: ગીધડાં મારા પેટમાંથી જાણે જીવતા લોચા તોડી તોડી ખાતાં હતાં: હું બૂમો પાડતી હતી કે, “મારા દાક્તરકાકાને કોઈ બોલાવો! કોઈ મારા દાક્તરકાકાને કહો કે, તારા મરે છે…”

“હવે પડી રે’ ને છાનીમાની!” કહીને બે સુયાણીઓ મને દબાવીને ખાટલે ચડી બેઠી હતી.

મારા વર ઓસરીમાં ઊભા હતા. મારી ચીસો એને કંપાવી રહી હતી. એના શબ્દોમાં તે રાતે પહેલીવહેલી મીઠાશ હતી: “જીવીમા! દાક્તરની જરૂર છે?”

“અરે બાપા, એ તો પહેલી સુવાવડમાં એમ જ હોય. તમેય શું આવાં ગાંડાં કાઢો છો!”

બાર કલાક હું બેશુદ્ધ રહી. કહે છે કે વારે વારે મારે મોંએ ફીણ આવી જતાં હતાં.

આખરે થાકીને મારા વરે દાક્તરકાકાને તો નહિ પણ એક ભેળસેળિયા જ્ઞાનવાળા વૈદ્ય-દાક્તરને તેડાવ્યા. એની ફી ઓછી હતી.

હું જ્યારે પ્રથમ પહેલી શુદ્ધિમાં આવી ત્યારે મારે કાને મારી જણેલી દીકરીની કાળી ચીસો, સીસાના ઓગળેલ રસ જેવી, રેડાતી હતી. મેં બોલવા ઘણી મહેનત કરી કે, દાક્તરકાકાએ કહ્યું છે એની આંખો તપાસો ને ધુઓ પણ અવાજ નીકળ્યો જ નહિ.

ચાર કલાકની અણભંગ ચીસો પછી બાળકનો થાકેલો કંઠ વચ્ચે વચ્ચે અટકી પડવા લાગ્યો. એને મારી પાસે ધવરાવવા લાવ્યા…

ઓ મારી દીકરી! મારું પહેલું બાળક! મારું ફૂલ! એની આંખો ઉપર સોજા ઊઠીને માંસના લોચા થઈ ગયા હતા – આંખો રહી જ ક્યાં હતી? માંસના એ લોચાઓનાં કોઈ ઊંડાણોમાંથી આંસુ ઝરતાં હતાં.

“દાક્તરકાકાને બોલાવો! આની આંખો જશે: મારું કોઈ માનો!” મેં ચીસ પાડી.

વરને પણ સ્થિતિ ગંભીર ભાસી દાક્તરકાકા આવ્યા. પ્રથમ તો એણે દીકરીની આંખો ધોઈ, ટીપાં નાખી, રૂના પોલ બાંધ્યા. પછી એણે વરને બીજા ઓરડામાં લઈ જઈ શું કહ્યું? અરેરે મારા કાનને શા સારુ ઈશ્વરે આટલા બધા સરવા કર્યા?

“નવનીતરાય!” કાકાએ કહ્યું: “આ બે જીવ તમારા રોગના ભોગ બન્યા છે. દીકરીની આંખો ગઈ છે. ફરીથી હવે આને પ્રસવ કરવા ન પડે તો વિશેષ હત્યામાંથી બચશો. તારા અપંગ બનશે. ગાંડી બની જશે. તમારો રોગ તમે ક્યાંથી લઈ આવ્યા છો તે હું જાણું છું.”

મારા વર થીજી ગયા. “જરા વાર ઊભા રહો, દાક્તર!” કહીને એ મેડી પર ગયા. ત્યાંથી આવીને કોણ જાણે કશુંક દાક્તરને આપવા લાગ્યા…”કૃપા કરીને વાતને અહીં જ દફનાવશો, દાક્તર?” એટલું કરગર્યા.

દાક્તરકાકાનો અવાજ નીકળ્યો: “એક હજાર આપો તો પણ ગૌમેટ છે મારે. તારા મારી પુત્રી છે. પણ વાત દફનાવવી તો તમારા હાથમાં છે. ફરી વાર તારાના દેહની આ કમબખતી કરશો તો હું શેરીએ શેરીએ ચીસ પાડીશ.”

દાક્તરકાકા ગયા. મારી નાની સૂરજને એની દવાથી પીડા શમી છે; પણ આંખનાં રત્નો ફૂટી ગયાં, તે હવે પાછાં નથી આવવાનાં…

આ સૂતી મારી સૂરજ: મારું મોં એ એના હાથ ફેરવીને નિહાળે છે. જાણે એની આંગળીઓને ટેરવે ટેરવે નેત્રો ફૂટ્યાં છે. એ સુંવાળાં ટેરવાંના સ્પર્શની ગેબી ભાષામાં મને વાતો સંભળાવે છે. આંખો વિનાની મારી સૂરજ એનાં ટેરવાંને સ્પર્શે મારા ગાલો પર, સ્તનો ને પેટ ઉપર, જે સંગીત બજાવે છે, તેની તોલે ક્યા ગવૈયાની રાગિણી, ક્યા દિલરુબાના સૂર, ક્યા કૃષ્ણની બંસરી આવી શકે! મારા થાનેલાની ડીંટડી મોમાં લઈને એ જ્યારે ચૂસતી, ત્યારે મને એવું લાગતું કે ઊલટાની એ મારા અંતરમાં કંઈક ઠાલવતી હતી.

અને લોકો વાતો કરતાં કે, “બાઈ, સાસરિયાંનાં પુણ્ય મોટાં તે મા-દીકરી બેઉની રક્ષા થઈ. એણે બચાડાં બેઉએ તો પાપ કરતાં પાછું વાળી નહિ જોયું હોય; પણ ખોરડાનાં પુણ્ય આડાં ઓથ દેવા આવ્યાં.”

“જુઓને, બાઈ,” બીજાએ ઉમેર્યું: “જેઠે તરત જ નીમ લીધું કે, વહુને છૂટકો ન થાય ત્યાં લગી ચા નહિ પીઉં. જેઠાણીએ કુળદેવની આખડી રાખી છે કે, જ્યાં લગી બાળકીને પગે લગાડવા નહિ આવું ત્યાં લગી અડદ નહિ ખાઉં.”

“ગલઢાંબૂઢાંનાં પૂન્ય: તેમાં આ બધાં ઉમેરાણાં ને, બાપા! તમે ભાગ્યશાળી છો, વહુ, કે આવું સાસરિયું પામ્યાં.”

આ બધા બોલ હું સ્તબ્ધ બનીને સાંભળી રહેતી.

*

આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે, “ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહિ!”

“ઠીક થયું, મોટાભાઈ!” મારા વર આનંદ પામ્યા: “સ્ટેશનના ફેરા કરવાને જ લાયક છે આ હરામી! હમણાં હમણાં બહુ હઠતો’તો. પાધરોદોર થઈ જશે.”

“વિઠલો આવે ત્યારે છોડી દેજો. પણ સરક નથી દેવાની; બોલી કરી છે કે સરક તો એણે એની જ લાવવી.”

ભાડાત ગાડીવાળો વિઠ્ઠલ બપોરે ઘોડાને છોડીને દોરી ગયો. જેઠાણીએ કહ્યું: “અપશુકનિયાળ હતો મૂવો: છોકરી આંધળી થઈ, વેપારમાં ખોટ ગઈ, ઘરમાં કોઈ માંદા મટે નહિ – આ ઘોડાનાં પગલાં થયાં ત્યારથી જ ઘરમાં જંપ નથી.”

હું મેડી ઉપર ચાલી ગઈ: આંધળી સૂરજને કેડ્યે લઈને બારીમાં ઊભી રહી: ઘોડો દેખાયો ત્યાં સુધી તાકી રહી. મારી આંખો ખળખળી પડી; વિચાર આવ્યો: ‘ઘોડાની માફક માણસને શા સારુ નહિ કાઢી નાખતાં હોય? ઘોડો તો નસીબદાર થઈ ગયો; પણ આવું નસીબ માનવીને કાં નહિ?’

તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે, મને પણ કાઢી નાખી હશે, ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે.

હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ચાલી ગઈ!