Tag Archives: raja

કહાં રાજા ભોજ..!!!

Standard

ભોજપ્રબંધમાં એક વાત વારંવાર આવે છે કે ભોજરાજા એટલા બધા ઉદાર હતા કે એક અક્ષર વાંચીને લાખ રૂપિયા આપી દેતા. કવિઓ ઉપર તે એટલા બધા વારી જતા હતા. મહાન અને ઉદાર એવા ધારાનગરીના અધિપતિ ભોજરાજા છે. અનેક ગ્રંથો મહારાજ ભોજને વારંવાર યાદ કરે છે. ધારાનગરી એટલે કવિઓની નગરી. પ્લેટોએ એમ કહ્યું હતું કે મારા આદર્શનગરમાં એક પણ કવિ ન જોઈએ જ્યારે ભોજ એમ કહે છે કે મારા આદર્શનગરમાં કવિ સિવાય અન્ય કોઈ ન જોઈએ. એટલ જ ભોજ ટકી ગયા ! ભોજ કવિતાના શબ્દને ઓળખતા હતા. એમણે સોમનાથના મંદિરના બચાવ માટે પણ મદદ કરી હતી. એમના દરબારમાં એક-એકથી ચઢિયાતા એવા કવિઓ બેસતા. શિલ્પકારો અને કલાકારો પણ બેસતા. એમાંના એક મંથર નામના કલાકારની કૃતિ તો હજુ લંડનના મ્યુઝિયમમાં છે. દુઃખની વાત એ છે કે આપણી સરકારે તે પરત મેળવવાની કાર્યવાહી પણ કરી નથી.

લઘુકાવ્યો વરસાદના ફોરાં જેવાં છે. ક્યારેક ભીંજવે, રોમાંચિત કરે, ક્યારેક પલાળે. તે આહલાદક હોય છે. તેમાં આખો કવિ ઠલવાઈ જાય છે. લખનારો ક્યારેક અજ્ઞાત રહીને અમર બને છે. લઘુકાવ્ય માણસનું હૃદય પરિવર્તન કરી નાખે. ભોજપ્રબંધ ત્યાંથી શરૂ થાય છે. ધારાનગરીના સિંધુલ રાજા વૃદ્ધ થયા. મુંજ બળવાન હતો. સિંધુલને થયું કે હું ગાદી દીકરાને આપીશ તો મુંજ કાવાદાવા કરીને મારા દીકરા ભોજને મારી નાખશે. એટલે ગાદી ભોજને આપવાને બદલે તેમણે મુંજને આપી. મુંજના ખોળામાં ભોજને બેસાડ્યો. સિંધુલ દિવંગત થયા. એ પછી શરૂઆતમાં તો મુંજે ભોજ પર થોડું વહાલ વરસાવ્યું પણ પછી એક વખત જ્યોતિષીને બોલાવીને પૂછ્યું કે આ બાળકનું ભવિષ્ય કેવું છે ? જ્યોતિષી કુંડળી જોઈને ચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે આ બાળક રાજા બનીને પૂરા 55 વર્ષ આ પૃથ્વી પર રાજ્ય કરે એવા તેના ગ્રહો છે. મુંજે પોતાના બુદ્ધિસાગર મંત્રીને આદેશ આપ્યો કે આ કાંટાને ગમે તે રીતે દૂર કરો. મુંજને માટે ગાદી છોડવી અસહ્ય હતું. તેઓ મહત્વાકાંક્ષી અને પ્રતાપી હતા પરંતુ ઈર્ષા એવી ચીજ છે કે માણસની મહાનતાને ઘટાડી દે છે. તેમના અંગત સામંત વત્સરાજને તેમણે આ કામ સોંપ્યું. સામંતે રાજાને સમજાવવાની કોશિશ કરી પરંતુ મુંજ સમજ્યા નહીં. મને-કમને વત્સરાજે વાત સ્વીકારી. તેમણે ભોજના જેવું જ એક મોઢું બનાવીને મુંજને બતાવ્યું અને કહ્યું કે ભોજને મેં મારી નાખ્યો છે. પરંતુ હકીકતે જ્યારે વત્સરાજ ભોજને મારવા ગયા ત્યારે ભોજે પોતાના સાથળમાંથી લોહી કાઢીને એક શ્લોક લખ્યો છે, જેનો અર્થ આ પ્રમાણે છે : ‘ન તો આ પૃથ્વી માંધાતાની થઈ, સેતુ રચનાર રામ સાથે પણ આ પૃથ્વી નથી ગઈ, યુધિષ્ઠિર જેવા સત્યવાદી સાથે પણ પૃથ્વીનો એક ટુકડો નથી ગયો તો પછી તને એમ લાગે છે કે આ પૃથ્વી તારી સાથે આવશે ?’ માત્ર આ એક શ્લોક સાંભળીને જ મુંજનું હૃદયપરિવર્તન થઈ ગયું. એટલે જ મેં કહ્યું ને કે લઘુકાવ્ય હૃદયપરિવર્તન કરાવી શકે છે. મુંજને થયું કે આ તો મારાથી ઘોર અપરાધ થઈ ગયો છે. તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા અને પ્રાયશ્ચિત માટે પૂછ્યું. પંડિતોએ કહ્યું કે બાળહત્યાનું કોઈ પ્રાયશ્ચિત ન હોઈ શકે, તમે અગ્નિની ચિતા ખડકીને તેમાં પ્રવેશો તો જ પ્રાયશ્ચિત થાય. મુંજ ચિતામાં પ્રવેશવા તૈયાર થઈ ગયા. બુદ્ધિશાળી મંત્રીએ જણાવ્યું કે જે થઈ ગયું એ થઈ ગયું. અમે ભોજને ગમે તે રીતે જીવતો કરીએ છીએ. તમે ચિતામાં પ્રવેશ ન કરશો. પછી તો કપાલિકોને બોલાવવામાં આવ્યા અને પછી અંતે જીવતા ભોજને રજૂ કરવામાં આવ્યો. આમ પાંચ વર્ષના બાળકે લઘુકાવ્ય દ્વારા હૃદયપરિવર્તન કરી નાખ્યું.

કવિઓ માણસના અસ્તિત્વને હચમચાવી નાખતાં હોય છે. લઘુકાવ્ય માણસને ઝગઝોડી દે છે. કવિઓને કોઈનો ડર હોતો નથી. એનો શબ્દ એ જ સત્ય હોય છે. એ સત્યને માટે એમણે દેશવટો પણ વેઠ્યો છે પરંતુ સત્યનિષ્ઠા છોડી નથી. એ સત્યનિષ્ઠામાંથી લઘુકાવ્ય જન્મે છે. આ બાબતને અનુરૂપ એક પ્રસંગ છે. રાજા ભોજ એકવાર ઉદ્યાનવિહાર કરવા માટે ગયા. સામે બ્રાહ્મણ મળ્યા. ભોજને જોઈને બ્રાહ્મણે આંખો બંધ કરી દીધી. ભોજને નવાઈ લાગી. તેમણે ભૂદેવને કારણ પૂછ્યું. ભૂદેવે જવાબ આપ્યો કે તમે કૃપણ, કંજૂસ છો. જેવી રીતે મર્દાનગી વગરના પુરુષને કોઈ સ્ત્રીઓ ઈચ્છે નહીં તેમ જે રાજી થાય તો કશું આપે નહીં અને ગુસ્સે થાય તો કંઈ કરે નહીં એવા રાજાનો શું અર્થ ? ભોજને વાત સમજાઈ. એમણે કહ્યું કે આપ કહો છો તેવો હું બનીશ. રાજા ભોજે એ જ વખતે ઉદારતા દાખવવાના સોગંદ લીધા. એ સોગંદ એમણે આખી જિંદગી પાળ્યા.

મહાકાવ્યો વિદ્વત્તાના ભારથી દબાયેલા હોય છે માટે ક્યારેક તણાઈ પણ જાય છે. લઘુકાવ્યમાં એવું નથી થતું. રાજા ભોજની સભામાં એકવાર બધા વિદ્યા પંડિતો ભેગા થયાં અને તેમણે નક્કી કર્યું કે રાજા ભોજ જો કવિઓને આટલો પુરસ્કાર આપે છે તો આપણને કેમ ન આપે ? તેમને થયું કે આપણે પણ કવિતા લખીએ. દસ-બાર પંડિતોએ ભેગા થઈને માંડ માંડ બે પંક્તિ બનાવી. એનો ભાવાર્થ એ હતો કે ‘હે રાજન, અમને ભોજન આપો, જેમાં ઘી હોય, દાળ ભાત હોય…..’ એવું કંઈક એમણે લખ્યું. આ બે પંક્તિઓ લખીને તેઓ રાજા પાસે જતાં હતાં ત્યાં માર્ગમાં કાલિદાસ મળી ગયા. તેમણે કાલિદાસને કહ્યું કે બીજી બે પંક્તિઓ તમે પૂરી કરી આપો. કાલિદાસે તરત જ બીજી બે પંક્તિઓ લખી, ‘અમને શરદઋતુની ચાંદની જેવું દહીં સાથે આપો….’ રાજા ભોજ તો કવિતાના મર્મજ્ઞ હતા. તેમણે તરત કહી દીધું કે પહેલી બે પંક્તિઓ માટે તો તમને કંઈ મળે એમ નથી. પરંતુ પાછળની બે પંક્તિઓમાં ઉપમા અલંકાર છે, એના હું તમને પૈસા આપી શકું પણ સાથે આપને એ પણ કહી દઉં કે એ પાછળની બે પંક્તિઓ તમારી નથી. પંડિતોએ ભૂલ સ્વીકારી. એ વખતે રાજા ભોજ એક સુંદર શ્લોક બોલે છે કે હું જ્યારે આખા જગતને યાદ કરું છું ત્યારે ત્રણ જ પદાર્થ મારા હૃદયમાં વસે છે… એક તો સાકરની મીઠાશ, કવિઓની વાણી અને સુંદરીઓના કટાક્ષો.

મહાકાવ્યો તો સમૃદ્ધ માણસે લખ્યા હોય કારણ કે એમને રાજાનો આશ્રય હોય. લઘુકાવ્ય તો કોઈ ગરીબ માણસ પણ લખી શકે. ક્યારેક એક નાના લઘુકાવ્યમાં આખી જિંદગીની દિશાનું પ્રતિબિંબ પડતું હોય એમ જણાય છે. કેવી કમનસીબી છે ગરીબની જ્યારે એ એની વ્યથા રાજાને રજૂ કરે છે. ભોજપ્રબંધમાં એ પ્રકારનો એક શ્લોક છે. એ ગરીબના ઘર પાસેથી પૌંઆ વેચનારો લારી લઈને નીકળે છે. ગૃહિણીએ આ સાંભળ્યું અને તેને થયું કે હમણાં છોકરાંઓ હઠ કરશે. ઘરમાં ધન નથી. કેવી રીતે અપાવવા ? ગૃહિણી એકદમ દોડીને જઈને બાળકના કાન બંધ કરી દે છે. એ પેલા પૌંઆવાળાની બૂમ સાંભળી ન લે તે માટે. ગરીબ ગૃહસ્થ વિચારે છે કે આનો તો હું કોઈ ઉપાય કરી શકું તેમ નહોતો. આંખમાંથી આંસુ નીકળ્યા. આ હૃદયનું શૂળ છે. ગરીબાઈનું શૂળ છે. તે રાજાને કહે છે કે આ શૂળ તમે કાઢો તો ઠીક છે નહીં તો આમ ને આમ હું મરી જઈશ.

લઘુકાવ્યની એક વિશેષતા એ છે કે તેમાં ક્યારેક શબ્દની ચમત્કૃતિ હોય તો ક્યારેક અર્થની ચમત્કૃતિ પણ હોય. વ્યાકરણ એમાં રસાયણ બની જતું હોય છે. ભોજપ્રબંધમાં શબ્દકોશ દ્વારા ગરીબીની દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ ગરીબને પૂછે છે કે ગઈકાલે રાત્રે બહુ ઠંડી હતી તો તેં રાત કેવી રીતે પૂરી કરી ? ગરીબ જવાબ આપે છે કે બે ગોઠણ વચ્ચે માથું નાંખીને રાત પૂરી થઈ. દિવસે સૂર્યપ્રકાશમાં બેઠો રહ્યો અને દિવસ પૂરો થયો. જ્યારે દિવસ કે રાત નહોતી એટલે કે સંધ્યા હતી ત્યારે અગ્નિ સળગાવ્યો. આ રીતે ઠંડીની ઋતુ પૂરી કરી. ‘જાનુ, ભાનુ, કૃષાનુ’ એવા ત્રણ જ શબ્દ વાપરીને કવિએ આખી શિયાળાની ઋતુ વર્ણવી દીધી છે. ગરીબીની લાચારીનું પ્રતિબિંબ કેવા ત્રણ સરસ શબ્દો દ્વારા ઉપસાવવામાં આવ્યું છે !

એક બીજો શ્લોક કવિએ રાજાની પાસે આવીને કીધો છે. એણે રાજાભોજને એમ કહ્યું કે અમારે એક તકલીફ છે કે અમે ઘરમાં કોઈ ગુસ્સે નથી થઈ શકતા. મારી મા નથી મારા પર ગુસ્સે થતી, નથી મારી પુત્રવધૂ પર ગુસ્સે થતી. મારી પત્ની નથી મારી તરફ ગુસ્સે થતી કે નથી મારી સાસુ તરફ ગુસ્સે થતી. મારે પણ કોઈ પર ગુસ્સે થવાનું કોઈ કારણ નથી. અમે ગુસ્સે થઈએ એવું કશું ઘરમાં છે જ નહિ. તો હે રાજા, બતાવ કે આમાં દોષ કોનો છે ? રાજા તો પારખું છે. એ તરત પારખીને દોષ દૂર કરે છે.

કવિતા અકાવ્યને કવિતા બનાવે છે. વ્યાકરણ શુષ્ક વસ્તુ છે પણ કવિનો હાથ અડે અને વ્યાકરણ જીવતું થઈ જાય છે. એક વાર રાજા ભોજે એક સુંદર મહેલ બંધાવ્યો. એ ત્યાં રહેવા જાય તે પહેલાં એક બ્રહ્મરાક્ષસ તેમાં ઘૂસી ગયો. આ રાક્ષસ વારંવાર આવીને અમૂક સૂત્રો બોલતો. જે નોકર ચાકર એનો જવાબ ન આપે તેને ખાઈ જતો. રાજા ભોજે આ વાત કાલિદાસને કરી. કાલિદાસે કહ્યું કે વિદ્વાન હશે તો હું પહોંચી વળીશ માટે આપ ચિંતા ન કરશો. હું આજે રાત્રે ત્યાં જઈને રોકાઈશ. એ રાક્ષસ રાત્રિના પહેલા પ્રહરે આવીને પાણિનીનું સૂત્ર બોલ્યો એટલે કાલિદાસે એમાંથી કવિતાની પંક્તિ બનાવી દીધી. રાક્ષસ સૂત્ર બોલ્યો કે ‘બધાને બે હોય છે.’ કાલિદાસે રચના કરી કે ‘બધાને બે હોય છે – સુમતિ અને કુમતિ. સુમતિ હોય ત્યાં સમૃદ્ધિ હોય છે અને કુમતિ હોય ત્યાં સંકટો ઊભા થાય છે.’ પહેલા પ્રહરે તો કાલિદાસ બચી ગયો. બીજા પ્રહરે રાક્ષસ ફરી આવ્યો અને કહ્યું ‘એક ગોત્ર હોય છે….’ કાલિદાસે પંક્તિ બનાવી કે ‘આખા કુટુંબનું પાલનપોષણ કરે તે એક ગોત્રમાં સૌથી મોટો કહેવાય.’ ત્રીજા પ્રહરે રાક્ષસે આવીને અન્ય સૂત્ર કહ્યું એટલે કાલિદાસે એની પંક્તિ બનાવીને કહ્યું કે ‘વૃદ્ધોને છોડીને કામિનીઓ યુવાન વ્યક્તિ તરફ જતી રહેતી હોય છે…’ છેલ્લા પ્રહરે બ્રહ્મરાક્ષસે ચોથું સૂત્ર ઉચ્ચાર્યું : ‘સ્ત્રી પું વં ચં.’ કાલિદાસે પંક્તિ પૂરી કરી કે ‘સ્ત્રીઓ જ્યારે પુરુષો જેવા અધિકારો ભોગવવા માંડે ત્યારે એ ઘરને નાશ પામેલું માનવું.’ કાલિદાસે પતિ-પત્નીના ઈગો કેવા ટકરાતા હોય છે એનો સચોટ જવાબ આપ્યો છે. બ્રહ્મરાક્ષસે સવારે કીધું કે હું તમારા પ્રશ્નોના જવાબોથી સંતુષ્ટ થયો છું. તમે માંગો. કાલિદાસે કહ્યું કે આપ ખુશ થયા હોવ તો આ મહેલ છોડી દો જેથી તમારી સદગતિ થાય. કવિતા દૂરિતનું નિવારણ આ રીતે કરતી હોય છે.

કવિતા વક્રોક્તિ અને અતિશયોક્તિ સિવાય બને જ નહીં પરંતુ અતિશયોક્તિ ક્યાં લઈ જાય એનું એક ઉદાહરણ છે. એક કવિ આવ્યા અને રાજા ભોજને કીધું કે મને એક ચિંતા થાય છે અને એ તમારા લીધે થાય છે. સાંભળો રાજન, આપની કીર્તિ એવી રીતે ફેલાય છે કે ત્રણે લોકોની તમામ વસ્તુઓ સફેદ રંગની થવા માંડી છે. (આપણે ત્યાં યશ-કીર્તિને સફેદ રંગથી ઓળખાવાય છે. એટલે જ એમ કહેવાય છે કે ધોળામાં ધૂળ પડી. ધોળું નો અર્થ અહીં કીર્તિ થાય છે.) તેથી રાજન, મને ચિંતા એ થાય છે કે તમારે લીધે મારી પ્રિયતમાના વાળ તો ધોળા નહીં થઈ જાય ને ! … આવો જ એક બીજો શ્લોક છે જેમાં રાજા ભોજની કીર્તિના વખાણ કરવામાં આવ્યા છે. એ શ્લોકની ચમત્કૃતિ જુઓ. એક બીજો કવિ કહે છે કે તમારા યશથી ચારે દિશાઓ સફેદ થવા માંડી ત્યારે મુશ્કેલી એ થઈ કે ભગવાન વિષ્ણુને રહેવાની જગ્યા મળતી નથી. એમનો ક્ષીરસાગર સફેદ રંગનો પરંતુ આ બધી સફેદ વસ્તુઓમાં એ ક્ષીરસાગરને શોધે ક્યાં ? આ તો બધા જ દરિયા સફેદ લાગવા માંડ્યા. શંકર ભગવાનનો કૈલાસ પણ સફેદ રંગનો એટલે એ પણ ખોવાઈ ગયો. ઈન્દ્રનો હાથી સફેદ રંગનો એટલે એ ઐરાવત પણ ખોવાઈ ગયો. રાહુ ચંદ્રને શોધે છે કે મારે એને ગળવો છે પણ આ તો બધું જ સફેદ છે એમાં ચંદ્રને ક્યાં શોધવો ? બ્રહ્મા પોતાના હંસને શોધી રહ્યા છે. વાહન મળે તો બેસે ને ? – રાજા ભોજની કીર્તિના પ્રભાવને વર્ણવતો અતિશયોક્તિ અલંકાર અહીં વપરાયો છે. ભોજની કીર્તિ વિશે એક અન્ય શ્લોક પણ છે જેમાં એમ કહેવાયું છે કે બ્રહ્માજી ક્ષીર અને નીર લઈને નીકળ્યા છે. જો કોઈ જુદુ પાડી દે તો ખબર પડે ને કે એ હંસ છે કારણ કે આ તો બધા પક્ષીઓ ધોળા થઈ ગયાં છે. ભગવાન વિષ્ણુ છાશ લઈને ફરે છે જેથી ક્યાંક એને નાખે અને જો દહીં થાય તો ખબર પડે ને કે અહીં ક્ષીર સમુદ્ર છે. ભગવાન શિવ તો રુદ્રાવતાર છે. એટલે તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા. બધા ઉત્તુંગ શિખરોને બાળવા માંડ્યા કારણ કે એમાંથી જે ન બળે તે કૈલાસ હોય, કારણ કે કૈલાસ પર તો બરફ જામેલો રહે છે. તેથી હે રાજા, આ એક મારી મોટી ચિંતા છે કે તમારા યશને લીધે દેવતાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કામધેનુની પરિસ્થિતિ તો આના કરતાં પણ ખરાબ છે. સ્વર્ગનો ગોવાળ મુશ્કેલીમાં છે. તે નારદમુનિને કહે છે કે કામધેનુ ગાયનો વાછરડો ભૂખ્યો થયો છે એની માટે ઘાસ લેવા પૃથ્વી પર જઉં છું. નારદ કહે છે કે વાછરડાને ગાયના આંચળથી પોષ. ગોવાળ કહે છે કે આંચળમાં દૂધ જ સૂકાઈ ગયું છે. એનું મુખ્ય કારણ એ છે કે કામધેનુ ગાય શરમાઈ ગઈ છે. રાજા ભોજ એટલું બધું દાન કરે છે કે કામધેનુ પાસે કોઈ કશું માગતું જ નથી. બધા રાજા ભોજ પાસે માંગે છે. નારદમુનિ કહે છે કે તું રહેવા દે. પૃથ્વી પર પણ ઘાસ નથી. ભોજરાજાના જે દુશ્મનો હતા એમને બીજું કંઈ ખાવા નહોતું મળતું તેથી તેઓ ઘાસ પણ ખાઈ ગયા છે. – શ્લોકોની આ ચમત્કૃતિ એ કવિતાનો એક અદ્દભુત નમૂનો છે.

કેટલીકવાર ‘ઓન-ધ-સ્પોટ’ કવિતા લખવાની હોય છે. ભોજરાજાએ એકવાર સગડી જોઈ અને કાલિદાસને કીધું કે આ સગડી પર કંઈક કવિતા બનાઓ. કાલિદાસ તો પંડિત છે એટલે એ સગડીનું વિદ્વત્તાથી વર્ણન કરે છે. કવિ કહે છે કે આ સગડી છે તે કવિઓની બુદ્ધિ જેવી ‘બહુલોહા’ એટલે કે જેની અંદર ઘણુંબધું લોઢું છે તેવી છે. ‘બહુલોહા’નો એક અર્થ તર્ક-વિતર્કવાળી પણ થાય છે. સવારનું જેમ ચક્ર (schedule) ગોઠવાયેલું હોય છે તેવી આ સગડી છે. જાણે શિવની મૂર્તિ હોય તેવી અટ્ટહાસ્ય કરતી આ સગડી છે. ધૂમાડા વગરની, અગ્નિ સાથેની આ સગડી છે. ‘વિ+ ધૂમા + અનલ’ આ ત્રણ શબ્દો આ શ્લોકમાં વાપર્યા છે. એનો અર્થ એવો થાય છે કે શિવ સાથે ઉમા છે, કપાળમાં અગ્નિ (અનલ) છે અને ‘વિ’ એટલે વિધુ-ચંદ્ર છે. સગડી પરનો આનાથી ઉત્તમ શ્લોક ક્યાંય નહીં રચાયો હોય. લાજવાબ શ્લોક છે.

ભોજરાજા ઘણીવાર બહાર ફરવા નીકળે. કોઈ પંક્તિ સ્ફૂરે તો એને ગણગણતા રાજદરબારમાં આવે. ત્રણ-ચાર કવિઓ પછી ભેગા થઈને એ પંક્તિ પૂરી કરે અને કવિતા રચે, એવું ઘણીવાર બનતું. 105 ગ્રંથો તો ભોજે પોતે લખેલા છે. એવા તો એ વિદ્વાન કવિ છે. એકવાર રાજા ભોજે બહાર અસ્ત પામતો ચંદ્ર જોયો અને આવીને બોલ્યા કે ‘પેલી ચરમગિરિ પર ચંદ્રનું બિંબ આથમી રહ્યું છે.’ આ પંક્તિ સાંભળીને ભવભૂતિએ તરત બીજી પંક્તિ સાથે જોડી, ‘જ્યારે આકાશમાં અરુણના (સૂર્યના) સોનેરી કિરણો પથરાયા ત્યારે પેલું ચંદ્રનું બિંબ આથમ્યું.’ આ ત્રણે પંક્તિ સ્વભાવોક્તિ જેવી છે. આ ત્રણે પંક્તિઓ સુંદર છે પરંતુ કવિતા નથી બનાવતી. રસ નથી આપતી. છેલ્લી પંક્તિ કાલિદાસે પૂરી કરી અને કવિતા બની ! કાલિદાસ કહે છે : ‘જ્યારે યુવતિઓના હોઠ એના પ્રિયતમથી જુદા પડ્યા ત્યારે સવાર પડ્યું.’ આખો શ્લોક શ્રુંગાર રસમાં પલટાઈ જાય છે. કવિનો આ જાદુ છે. માત્ર થોડાક શબ્દોથી એ હવા બદલી કાઢે છે.

એક બીજો પ્રસંગ છે. ભોજ બહુ દાન કરતા હતા એથી નજીકના લોકોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. એના કારભારીએ રાજા ભોજ વાંચે એમ એમના શયનખંડની દિવાલ પર એક પંક્તિ લખી. એને મન એમ હતું કે રાજા ભોજ સમજીને દાન આપતો અટકી જાય તો સારું. એ પંક્તિનો અર્થ એ હતો કે ‘મહારાજ તમે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જશો. આ કવિઓ તો નવરા છે તમે પણ નવરા થઈ જશો. આક્રમણ થશે તો શું કરશો ? કવિઓની કવિતાથી દેશ નહીં જીતાય !…’ ભોજ પંક્તિનો મર્મ સમજી ગયા. એટલે એમણે તરત નીચે બીજી પંક્તિ લખી કે ‘શ્રીમાન માણસોને આપત્તિ ક્યાંથી આવે ?’ ફરી પાછી પેલાએ ત્રીજી પંક્તિ ચપળતાથી કરી કે તમે જે સંપદાની વાત કરો છો એ લક્ષ્મી જતી રહેશે તો ? રાજા ભોજે લખ્યું કે એ તો ભેગી થાય તોય જતી જ રહે છે. એવી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

એકવાર લક્ષ્મીધર નામના પંડિત આવ્યા અને કહ્યું કે મારે આપના નગરમાં રહેવું છે. ભોજે કહ્યું કે તપાસ કરો આપણા નગરમાં કોણ અકવિ છે ? એને કાઢી મૂકો. મારા નગરમાં વિદ્વાન હોય, કવિ હોય અને કલાનો જાણકાર હોય એ જ રહેવો જોઈએ. રાજાના સિપાહીઓ એક વણકરને પકડી લાવ્યા. એમને થયું કે આને તો કવિતા વિશે કશો ખ્યાલ નહીં હોય. રાજાને જઈને તેમણે કહ્યું કે આ એક છે જેને લાગે છે કે કવિતા વિશે કંઈ ખ્યાલ નહીં હોય. રાજાએ પૂછ્યું કે તને કવિતા સમજાય છે ? વણકર કહે છે કે તમે માનો છો એવું નથી. એમ કહીને એણે એક શ્લોક કહ્યો, ‘કવિતા જેવી તેવી લખાય છે પણ લખાય છે ખરી. તમે મને કાઢી ન મૂકો એટલું કૌવત તો મારામાં છે. પ્રયત્નપૂર્વક લખું તો સારી કવિતા પણ લખાય. એમાં કંઈ અઘરું નથી. હું કવિતા કરું છું, વણતો જઉં છું અને ભરણપોષણ પણ કરું છું….’ એમ કહીને એણે પ્રાસમાં આ શ્લોક કહ્યો. આ વણકરની મસ્તી છે !

એકવાર રાજા ભોજ કાલિદાસને કહે છે કે તમે મારા મૃત્યુ પર એક કવિતા લખો. કાલિદાસ રિસાઈને ચાલ્યા જાય છે કે હું આવું નહીં લખું. કાલિદાસના ગયા પછી ભોજ એની પાછળ વેશ બદલીને સંન્યાસી બનીને ગયા. જઈને સમાચાર આપ્યા કે ભોજરાજા મૃત્યુ પામ્યા છે. એ વખતે કાલિદાસે જે પંક્તિ લખી એ જાણે સંસ્કૃત ભાષાનું મરસિયું કહી શકાય ! આ અનુષ્ટુપ છંદનું મરસિયું સાંભળીને રાજા ભોજ એ જ સમયે ત્યાં બેભાન થઈ ને નીચે પડ્યા. કાલિદાસને ખબર પડી જાય છે કે આ તો ભોજે મને છેતર્યો છે. એ જ મરસિયાના શ્લોકના થોડા શ્લોકો બદલીને કાલિદાસ એ શ્લોક થોડો જુદી રીતે બોલે છે અને આખો શોકનો ભાવ આનંદના ભાવમાં બદલાઈ જાય છે.

“મહારાજા ભોજ”

Standard

મહારાજા ભોજ

મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને એક આ રાજા છે જેના પરાક્રમગાથાઓનો કોઈ જ પાર નથી. વિદ્વત્તા અને સાંસ્કૃતિકતાનો પર્યાય એટલે મહારાજા ભોજ !!!

એક વિશ્વવંદનીય શાસક એવં માં સરસ્વતીનાં વરદપુત્ર !!

માં સરસ્વતીના વરદપુત્ર “મહારાજા ભોજ”

પરમાર વંશના સૌથી મહાન અધિપતિ મહારાજા ભોજે ધારમાં ઇસવીસન ૧૦૦૦ થી ઇસવીસન ૧૦૫૫ સુધી શાસન કર્યું. જેનાથી એમની કીર્તિ દૂર દૂર સુધી પહોંચી !!!

એમની તપોભૂમિ ધારા નગરીમાં હતી. એની તપસ્યા અને સાધનાથી પ્રસન્ન થઈને માં સરસ્વતીએ સ્વયં પ્રકટ થઈને દર્શન આપ્યાં હતાં !!! માં ના સાક્ષાત્કાર પશ્ચાત એ દિવ્યસ્વરૂપને માં વાગ્દેવીની પ્રતિમાનાં રૂપમાં અવતરિત કરીને ભોજશાલામાં સ્થાપિત કરાવી !!! રાજા ભોજે ધાર, માંડવ તથા ઉજ્જૈનમાં સરસ્વતી કંઠભરણ નામનું ભવન બનાવ્યું હતું !!! ભોજનાં સમયમાં જ મનોહર વાગ્દેવીની પ્રતિમા સંવત ૧૦૯૧ (ઇસવીસન ૧૦૩૪)માં બનાવી હતી !!! અંગ્રેજોના સમયમાં આ મૂર્તિને અંગ્રેજ શાસક લંડન લઇ ગયાં. એ આજે પણ ત્યાંનાં સંગ્રહાલયમાં બંદી છે !!

મહારાજા ભોજ મુંજનાં નાનાં ભાઈ સિંધુરાજનાં પુત્ર હતાં. રોહ્ક એમનાં પ્રધાન મંત્રી અને ભુવનપાલ મંત્રી હતાં. કુલચંદ્ર, સાઢ તથા તરાદીત્ય એમનાં સેનાપતિ હતાં જેમની સહાયતાથી ભોજે રાજ્યસંચાલન સુચારુ રૂપથી કર્યું હતું. પોતાના કાકા મૂંજની જેમ જ પશ્ચિમી ભારતમાં એક સામ્રાજ્ય સ્થાપિત કરવાં માંગતા હતાં અને આ ઈચ્છાની પૂર્તિ માટે એને પોતાનાં પાડોશી રાજયોની દરેક દિશામાં યુધ્દ્ધ કરવું પડયું હતું !! એમણે દહાલના કલચુરી ગાંગેયદેવની તથા તાંજોરનાં રાજેન્દ્રચોલ સાથે સંધિ કરી અને સાથો સાથ દક્ષિણ પર આક્રમણ પણ કરી દીધું, પરંતુ તત્કાલીન રાજા ચાલુક્ય જયસિંહ દ્વિતીયે બહાદુરીપૂર્વક સામનો કર્યો અને પોતાનું રાજ્ય બચાવી લીધું !!!

સન ૧૦૪૪માં થોડાં સમય પછી જયસિંહના પુત્ર સોમેશ્વર દ્વિતીયે પરમારો સાથે ફરીથી શત્રુતા કરી અને માલવ રાજ્ય પર આક્રમણ કરીને ભોજને ભાગવા માટે બાધ્ય કરી દીધાં !!! ધારાનગરી પર આધિકાર કરી લીધા પછી એમણે ત્યાં આગ લગાડી દીધી પછી સોમેશ્વરે માલવા છોડી દીધું અને રાજા ભોજે રાજધાનીમાં પાછાં ફરીને સત્તાધિકાર પ્રાપ્ત કર્યો !

સન ૧૦૧૮માં થોડાંક જ પહેલાં રાજા ભોજે ઇદ્રસ્થ નામના એકવ્યક્તિને હરાવ્યો હતો જે સંભવત : કલિંગનાં ગંગ રાજાઓનો સામંત હતો !!! જયસિંહ દ્વિતીય તથા ઇન્દ્રસ્થની સાથે યુદ્ધ સમાપ્ત કરી લીધાં પછી રાજા ભોજે પોતાની સેના
ભારતની પશ્ચિમી સીમા સાથે લાગેલાં દેશો તરફ ધપાવી અને લાટનામના રાજ્ય પર કે જેનો વિસ્તાર દક્ષિણ મુંબઈ રાજ્યની અંતર્ગત સુરત સુધી હતો એનાં પર અક્રમન કરી દીધું !!! ત્યાંના રાજા ચાલુક્ય કીર્તિરાજે આત્મસમર્પણ કરી દીધું અને ભોજે કેટલાંક સમય સુધી એનાં પર અધિકાર જમાવ્યો
આના પછી લગભગ સન ૧૦૨૦માં રાજા ભોજે લાટનાં
દક્ષિણમાં સ્થીત થાણા જિલ્લાનાંથી લઈને માલાગાર સમુદ્રતટસુધી વિસ્તૃત કોંકણ પર આક્રમણ કર્યું અને શિલાહારોનાં અરિકેશરી નામનાં રાજાને હરાવ્યો. કોંકણને પરમારોનાં રાજ્ય સાથે મિલાવી દીધું

મહારાજા ભોજનાં પરાક્રમને કારણે જ મહેમુદ ગઝનીએ કયારેય મહારાજા ભોજનાં રાજ્ય પર અક્રમણ નહોતું કર્યું !!!
તથા સોમનાથ વિજય પશ્ચાત તલવારનાં બળ પર બનાવવામાં આવેલાં મુસલમાનોને પુન: હિંદુધર્મમાં પાછાં લાવવાનું મહાન કાર્ય કર્યું !!! ભોજે એકવાર દાહલનાં કલચુરી ગાંગેયદેવની વિરુદ્ધ કે જેણે દક્ષિણ પર આક્રમણ કરતી સમયે એમનો સાથ આપ્યો હતો એના પર પણ ચઢાઈ કરી દીધી હતી
ગાંગેયદેવ હારી ગયો પરંતુ એને આત્મસમર્પણ નહોતું કરવું પડયું !!! સન ૧૦૪૪ની થોડોક જ સમય પહેલાં ગાંગેયનાં પુત્ર કર્ણે ગુજરાતનાં ચાલુક્ય ભીમ પ્રથમની સાથે એક સંધિ કરી લીધી અને માલવ પર પૂર્વ તથા પશ્ચિમ બાજુએથી આક્રમણ કરી દીધું

ભોજ પોતાનું રાજ્ય બચાવવાનો પ્રબંધ કરી જ રહ્યાં હતાં ત્યાં બીમારીને કારણે એમનું મૃત્યુ થઇ ગયું અને રાજ્ય સુગમતાથી આક્રમણકારીઓનાં અધિકારમાં ચાલ્યું ગયું !

અનોખા કાવ્યરસિક

માં સરસ્વતીની કૃપાથી મહારાજા ભોજે ૬૪ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તથા પોતાનાંયુગનાં બધાં જ જ્ઞાત વિષયો પર ૮૪ ગ્રંથો લખ્યાં. જેમાં ધર્મ, જ્યોતિષ, આયુર્વેદ, વ્યાકરણ, વાસ્તુશિલ્પ, વિજ્ઞાન, કલા,નાટ્યશાસ્ત્ર ,સંગીત, યોગશાસ્ત્ર,દર્શન, રાજનીતિશાસ્ત્ર આદિ પ્રમુખ છે !

વિશ્વવિખ્યાત વિદ્વાન

આઈને- એ- અકબરીમાં પ્રાપ્ત ઉલ્લેખો અનુસાર ભોજની રાજસભામાં પાંચસો વિદ્વાન હતાં !!! આ વિદ્વાનોમાં નવરત્નનું નામ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે. મહારાજા ભોજે પોતાનાં ગ્રંથોમાં વિમાન બનાવવાની વિધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે ચિત્રોનાં માધ્યમથી એમણે એ આખી વિધિ બતાવી છે !!! આજ રીતે એમણે નાવ એવં મોટાં જહાજ બનાવવાની વિધિ વિસ્તૃતપૂર્વક બતાવી છે !!! કોઈ રીતે ખિલાને જંગરોધી કરવામાં આવે જેનાથી નાવને પાણીમાં સુરક્ષિત રાખી શકાય છે. આ અતિરિક્ત એમણે રોબોટીક્સ પર પણ કામ કર્યું હતું. એમણે ધારાનગરીનાં તળાવોમાં યંત્ર ચાલિત પૂતળીઓનું નિર્માણ કરાવ્યું હતું જે તળાવમાં નૃત્ય કરતી હતી !

વિશ્વનાં અનેક મહાવિદ્યાલયોમાં મહારાજા ભોજ દ્વારા કરવામાં આવેલાં કાર્યો પર શોધ કાર્ય થઇ જ રહ્યું છે !!! એમણે માટે આ આશ્ચર્યનો વિષય છે કે એ સમયે એમણે કેવી રીતે વિમાન, રોબોટીક્સ, અને વાસ્તુશાસ્ત્ર જેવાં જટિલ વિષયો પર મહારત હાંસલ કરી હતી. વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત છે જે રોબોટીક્સ આજે પણ હજી પોતાનાં પ્રારંભિક દોરમાં છે તો એ સમયે કેવી રીતે આ વિષય પર એમણે પ્રયોગો કર્યા અને સફળ પણ રહ્યાં ! મહારાજા ભોજ સંબંધિત ઇસવીસન ૧૦૧૦થી ૧૦૫૫ સુધીનાં ઘણાં તામ્રપત્ર, શિલાલેખ અને મૂર્તિલેખ પ્રાપ્ત થાય છે !!! આ બધામાં ભોજની સંસ્કૃતિક ચેતનાનું પ્રમાણ મળે છે !
એક તામ્રપત્રની અંતમાં લખ્યું છે  —
‘સ્વહસ્તોયં શ્રીભોજદેવસ્ય”
અર્થાત —- આ તામ્રપત્ર ભોજ્દેવે પોતાના હાથોથી લખેલું અને આપેલું છે !

અપ્રતિમ સ્થાપત્ય કલા

રાજા ભોજનાં સમયમાં માલવા ક્ષેત્રમાં નિર્માણ ક્રાંતિ આવી ગઈ હતી. અનેક પ્રસાદ, મંદિર, તળાવ અને પ્રતિમાઓ નિર્મિત થઇ!!! મંદસૌરમાં હિંગળાજગઢ તો તત્કાલીન અપ્રતિમ પ્રતિમાઓનો અદ્વિતીય નમુનો છે. રાજા ભોજે શારદા સદન અથવા સરસ્વતી કંઠાભરણ બનાવ્યાં. વાત્સ્યાયનનાં કામસૂત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પ્રત્યેક નગરમાં સરસ્વતી ભવન હોવું જોઈએ. અહીંયા ગોષ્ઠિઓ, નાટક અને અન્ય સાહિત્યિક -સાંસ્કૃતિક ગતિવિધિઓ થતી રહેવી જોઈએ !

રાજા ભોજનાં નામ પર ભોપાલ પાસે ભોજપુર વસેલું છે
આધુનિક ભોપાલ શહેર ભોજપાલનો જ અપભ્રંશ છે

અહીંનું વિશાળ કિન્તુ ખંડિત શિવમંદિર આજે પણ ભોજની રચના, ધર્મિતા અને ઇસ્લામિક જિહાદ અને વિધ્વંસનાં ઉદાહરણ રૂપે ઉભેલું છે!!! અહીં બેતવા નદી પર એક અનોખો બંધ બનવવામાં આવ્યો હતો. જેનું જલક્ષેત્ર ૨૫૦ વર્ગ માઈલ છે !!! આ બંધને પણ હોશંગશાહ નામના આક્રમણ ખોરે તોડીને ઝીલ ખાલી કરાવી દીધી હતી. આ માનવનિર્મિત સૌથી મોટી ઝીલ હતી જે સિંચાઈના કામમાં આવતી હતી. એની મધ્યમાં જે દ્વીપ હતો જે આજે પણ દીપ (મંડીદ્વીપ)નામની વસ્તી છે

મહારાજા ભોજે જ્યાં અધર્મ અને અન્યાય સાથે જમકર લોહા લીધો હતો !!!! અને અનાચારી ક્રૂર આતતાઈઓનું મનમાર્દન કર્યું ત્યાં પોતાનાં પ્રજા વાત્સલ્ય અને સાહિત્ય -કલા અનુરાગથી એ પૂરી માનવતાનાં આભુષણ બની ગયાં !!! મધ્યપ્રદેશનાં સંસ્કૃતિક ગૌરવનાં જે સ્મારકો આપની પાસે છે એમાંથી અધિકાંશ રાજા ભોજની જ દેન છે !!! પછી એ વિશ્વ પ્રસિદ્ધ મંદિર હોય અથવા વિશ્વભરનાં શિવ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર, ધરની ભોજશાલા કે ભોપાલનું વિશાળ તળાવ હોય, આ બધું જ રાજા ભોજનાં સૃજનશીલ વ્યક્તિત્વની જ દેન છે !!! એમણે જ્યાં ભોજ નગરી (વર્તમાન ભોપાલ)ની સ્થાપના કરી હતી ત્યાં ધાર, ઉજ્જૈન અને વિદિશા જેવી પ્રસિદ્ધ નગરીઓને નવું સ્વરૂપ આપ્યું હતું. એમણે કેદારનાથ , રામેશ્વરમ , સોમનાથ, મુંદીર આદિ મંદિરો પણ બનાવડાવ્યા જે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર છે !!!

આ બધાં મંદિરો તથા સ્મારકોની સ્થાપત્યકલા બેજોડ છે એને જોતાંજ સહજ જ અનુમાન લગાવી શકાય છે કે એક હજાર વર્ષ પહેલાં આપણે આ ક્ષેત્રમાં કેટલાં સમુન્નત હતાં. મહારાજા ભોજે પોતાના જીવનકાળમાં જેટલાં અધિક વિષયો પર કાર્ય કર્યું છે. એ અત્યંત જ ચકિત કરી દેનારું છે. આ બધું જોઇને એવું લાગે છે કે એ કોઈ દેવપુરુષ હતાં !!! આ બધું એક જ જીવનકાળ દરમિયાન કરવું એ એક સામાન્ય મનુષ્યના બસની વાત નથી જ !

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

Standard

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

ચંદ્ર ટરે સુરજ ટરે , ટરે જગત વ્યવહાર |
પૈ દ્રઢવત હરિશ્ચન્દ્ર કો ,ટરે ન સત્ય વિચાર ||

સત્યની ચર્ચા જયારે અને જ્યાં પણ થતી હશે. ત્યાં મહારાજા હરિશ્ચન્દ્ર નું નામ જરૂર લેવામાં આવશે. હરિશ્ચન્દ્ર ઈશ્ચાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતાં. એવું કહેવાય છે કે સપનામાં પણ એ જે વાત કહેતાં હતાં એનું પાલન એ નિશ્ચિત રૂપે કરતાં હતાં. એમનાં રાજ્યમાં સુખ અને શાંતિ હતી. એમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત હતું. સારાં જગતમાં રાજા હરિશ્ચન્દ્ર અને તારામતીની ચર્ચા થતી હતી. એકવાર મહર્ષિ વિશ્વામિત્રે એમનાં સત્યની પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો !!!!

પ્રતાપી રાજા ———-

ભારતની ભૂમિ પર અનેક પ્રતાપી મહાપ્રતાપી રાજાઓએ જન્મ લીધો છે. જેમણે પોતાના વિશિષ્ટ ગુણો વડે પોતાનું નામ ઇતિહાસના ગ્રંથોમાં સુવર્ણ અક્ષરોથી એમનું નામ લખાયું છે. એમાંથી કેટલાંક એવા છે જેમનો આપણા પૌરાણિક ઈતિહાસ સાથે બહુજ ગહેરો સંબંધ છે. આવાં જ એક પ્રતાપી રાજાઓમાં એક છે સૂર્યવંશી સત્યવ્રતના પુત્ર રાજા હરિશ્ચંદ્ર. જેમને આપણે એમની સત્યનિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા માટે આજે પણ યાદ કરીએ છીએ !!!!

સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર ———

રાજા હરિશ્ચન્દ્ર કોઈપણ સંજોગોમાં કેવળ સત્યનો જ સાથ આપતાં હતાં. પોતાની આ નિષ્ઠાને કારણે કઈ કેટલીયે વાર એમને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં પણ તેમણે ક્યારેય સત્યનો સાથ છોડ્યો નહોતો !!! તેઓ એક વાર જે પ્રણલેતાં એને કોઈપણ રીતે પૂરું કરીને જ સંતોષ લેતાં !!!!

પુત્રનું મૃત્યુ ———-

પણ એકવાર રાજા હરિશ્ચન્દ્ર સત્યનો સાથ આપવાં માં કોક ભૂલ થઈ ગઈ. જેનું પરિણામ એમનાં પુત્ર રોહિતે પોતાનો જીવ આપી દઈને ચુકવવું પડ્યું !!!

પુત્ર વિહીનતા ———–

વાસ્તવમાં રાજા હરિશ્ચન્દ્ર ઘણા વખત સુધી પુત્રવિહીન હતાં.
પોતાના ગુરુ વસિષ્ઠના કહેવાથી એમણે વરુણદેવની કઠોર ઉપાસના કરી. વરુણદેવ એમનાં તપથી પ્રસન્ન થયાં અને એમને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. પણ એના માટે એક શરત પણ રાખી હતી કે એમને યજ્ઞમાં પોતાનાં પુત્રની બલિ આપવી પડશે

પુત્રની બલિ ——-

પહેલાં તો રાજા હરિશ્ચંદ્રે આ વાત પર પોતાની નારાજગી દર્શાવી. પરંતુ પુત્ર રોહિતના જન્મ પછી એ એના મોહના બંધનમાં બંધાઈ ગયાં. એવાં બંધાઈ ગયાં કે એ એમણે આપેલું વચન સદંતર ભૂલી જ ગયાં

વરુણદેવ કંઈ કેેટલીય વાર પુત્રનો બલિ લેવાં આવ્યાં પણ દર વખતે રાજા હરિશ્ચન્દ્ર પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યાં !!!

પુત્ર મોહ ———–

પુત્ર મોહના કારણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ના કરી શકવાને કારણે રાજા હરિશ્ચંદ્રે પોતાનું સર્વસ્વ ગુમાવવું પડ્યું. જેમાં રાજ -પાટની સાથે સાથે એમની પત્ની અને પુત્ર પણ સામેલ હતો

રોચક ઘટના ———–

રજા હરિશ્ચંદ્રના જીવનની એક બેહદ રોચક ઘટનાનું વર્ણન કરવું અહી મને જરૂરી લાગે છે. જેનો સંબંધ આજ એકાદશી સાથે જોડાયેલો છે ………

રાજાનું સ્વપ્ન ————-

એકવાર રાજા હરિશ્ચંદ્રે સ્વપ્નું જોયું કે ——
એમને પોતાનું રાજય અને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું છે. બીજે દિવસે જયારે વિશ્વામિત્ર એમનાં મહેલમાં આવ્યાં તો, રાજા હરિશ્ચંદ્રે એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથો સાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું !!!!!

વિશ્વામિત્રની માંગ ———–

જતાં જતાં મહર્ષિ વિશ્વામિત્રે પાંચસો સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી. રાજા હરિશ્ચંદ્રે કહ્યું ——
“પાંચસો સુન કામ ……..તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણમુદ્રાઓ લઇ શકો છો !!!!”
આના પર વિશ્વામિત્ર હસ્યાં અને એમને યાદ અપાવ્યુ કે —–
” રાજ્યની સાથોસાથ તમે રાજ્યનો કોષ પણ દાન કરી દીધો છે. દાન કરેલી કોઈપણ વસ્તુ ફરીથી દાનમાં ના આપી શકાય !!!!”

બધું જ વેચાઈ ગયું ———

જયારે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચીને સુવર્ણ મહોરો હાંસલ કરી. પરંતુ એ પણ પૂરી પાંચસો ના થઇ શકી, તો રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ વેચી નાંખી અને એ સુવર્ણમુદ્રાઓ વિશ્વામિત્રને દાનમાં આપી !!!!

સ્મશાનની નોકરી ———–

રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો. જે બાળવા માટે આવેલા મૃતકોના પરિવારજનો થી લઈને એમનાં અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો. એ ચંડાલે પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું !!!! રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શબ લઈને એના અંતિમસંસ્કાર માટે આવે એની પાસેથી કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઈજાજત આપવામાં આવે.

કર્તવ્યનિષ્ઠા ———

રાજા હરિશ્ચંદ્રે આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પુરતી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતાં હતાં. એક દિવસ એવો પણ આવ્યો જયારે રાજા હરિશ્ચંદ્રે જીવનના સૌથી મોટાં દુઃખનો સામનો કરવો પડયો

એકાદશીનું વ્રત ——–

એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું હતું. અર્ધ રાત્રીનો સમય હતો અને રાજા સ્મશાનના દ્વાર પર પહેરો ભરી રહ્યા હતાં. બહુજ અંધારું હતું. એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી ત્યાં આવી. એનાં હાથમાં એનાં પુત્રનું શબ હતું ……

પુત્રનો શોક ————-

એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એને પોતાની સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યો. પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવાં લાગી એને રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી !!!

સ્ત્રીનો ચહેરો ———

જેવી આકાશમાં વીજળી ચમકી તો એ વીજળીની રોશનીમાં હરિશ્ચંદ્રે એ અબલા સ્ત્રીનો ચહેરો નજરે પડયો. એ એની પત્ની તારામતી હતી અને એનાં હાથમાં એનો જ પુત્ર રોહીત હતો. રોહીતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું.

ભાવુકતા ———

પોતાની પત્નીની આ દશા અને પુત્રનું શબ જોઇને રાજા હરિશ્ચંદ્ર બહુજ ભાવુક થઇ ગયો. એ દીવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઇને એ અંદરથી હચમચી ગયો. એની આંખો માં આંસુ ભરાઈ આવ્યાં
તેમ છતાં પણ એ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતો !!!!!

સત્યની રક્ષા ———-

ભારે મનથી એમણેપોતાની પત્નીને કહ્યું કે ——-
” જે સત્યની રક્ષા માટે એમણેપોતા નાં મહેલ , રાજ-પાટ નો ત્યાગ કર્યો હતો અને પોતાનાં પરિવારને વેચ્યો હતો આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ ………!!!”

કરની માંગણી ——–

રાજાએ કહ્યું કે —– ” કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપું !!!!” આ સંભાળીને પણ રાણી તારમતીએ પોતાની ધીરજ ના ખોઈ અને પોતાની સાડીને ફાડીને એક ટુકડો એમને કરરૂપે આપી દીધો !!!!!

અમરતાનું વરદાન ———–

એજ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયાં અને એમણે રાજાને કહ્યું ——” હરિશ્ચંદ્ર તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્યનિષ્ઠા મહાન છે …….. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો !!!!”

પાછું મળ્યું રાજપાટ ———

હરિશ્ચંદ્રે ઈશ્વરને કહ્યું ——- ” જો સાચેજ મારી કર્તવ્યનિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો ……!!!” એટલામાં જ રોહિતશ્વ જીવિત થઇ ગયો …… ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરીશચંદ્રને એમનાં રાજપાટ પાછાં આપી દીધાં !!!!

લેખક – અજ્ઞાત

મુચકુંદ ગુફા

Standard

જૂનાગઢ માં આવેલી રહસ્યમય મુચકુંદ ગુફા જયાં છુપાયેલો છે ભગવાન રણછોડ શ્રી કૃષ્ણ, મહારાજા મુચકુંદ અને અજેય કાલયવન રાક્ષસ ના વધનો ભેદ …

સંતો અને શૂરા ની ભૂમિ એટલે રૂડું સોરઠ. એ સોરઠ નું અતી પૌરાણીક નગર એવું જુનાણું એટલે જૂનાગઢ અને જૂનાગઢ ને યાદ કરતા જ યાદ આવે, માં અંબા અને ભગવાન ગુરૂદત્ત જેના શિખરો શોભાવી રહ્યા છે એવો ગરવો ગઢ ગિરનાર. તેની સામે ગૂગળ માં લોબાન ભળી રહ્યો હોય તેવી પ્રતિતિ કરાવતો ગરવો દાતાર જેના શિખર પર બિરાજે છે જમિયલશા પીર દાતાર.

હિંદુ ધર્મની શૈવ, શાક્ત અને વૈશ્ર્ણવ પરંપરા તેમજ ઇસ્લામ અને જૈન ધર્મ ના સંગમ સમી આ સોરઠી ધરા પોતાના માં કંઇક રહસ્યો સમાવીને બેઠી છે. જેમાંની એક કથા છે આ મુચકુંદ ગુફાની કે જ્યાં યાદવેન્દ્ર ભગવાન શ્રી ક્રૃષ્ણએ પોતાના અજોડ બુધ્ધિ-ચાતુર્ય થી અજેય કાલયવન રાક્ષસ ને અપાવ્યું હતું નિર્વાણ અને મહારાજા મુચકુંદ ને આપ્યું હતું ભક્તિ નુ વરદાન.

કથા આ પ્રમાણે છે. ઋષિ શેશિરાયણ ત્રિગત રાજ્ય ના કુલગુરૂ હતા અને તેઓ એક અનુષ્ઠાન કરી રહ્યા હતા જેથી તેમને 12 વર્ષ બ્રહ્મચર્ય નું પાલન કરવાનું હતું. કોઇ એ તેમને નપુંષક છો એવુ કેહતા તેમને લાગી આવ્યુ અને તેમણે ભગવાન મહાદેવ ની તપસ્યા કરી અને મહાદેવ પ્રસન્ન થતા તેમણે મહાદેવ પાસે એક એવા પુત્ર નું વરદાન માંગ્યું કે જે અજેય હોય, કોઇ તેને હરાવી ના શકે અને બધા શસ્ત્રો તેની સામે નિસ્તેજ થઇ જાય જેથી કોઇ તેનો સામનો ના કરી શકે. ભગવાન મહાદેવ એ તથાસ્તુ કહ્યું અને અપ્સરા રંભા થી ઋષિ શેશિરાયણ ને એક બાળક નો જન્મ થયો.

યવન રાજ્ય ના મહારાજ કાલજંગ ને કોઇ સંતાન ન હોવાથી તેમણે ઋષિ શેશિરાયણ પાસે આ બાળક ની માંગણી કરી અને ઋષિ શેશિરાયણ એ આ બાળક તેમને આપી દિધું અને ત્યાર થી આ બાળક નું નામ પડ્યું કાલયવન અને તે યવન રાજ્ય નો રાજા બન્યો.

મહાદેવ ના વરદાન થી સુરક્ષિત અજેય કાલયવન ને કોઇ હરાવી નહોતું શક્તું જેથી તેની અનિષ્ટતા અને દુરાચાર વધતો જતો હતો. એક વાર કાલયવને નારદજી ને પુછ્યું કે તે કોની સાથે યુદ્ધ કરે જે પોતાના સમાન વીર હોય. ત્યારે નારદજી એ કાલયવન ને યદુકુળમણિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાનું કહી તેનું મૃત્યુ નિશ્ર્ચિત કરી દિધું અને નારદ્જી એ ભગવાન મધુસુદન નો પરિચય પણ કાલયવન ને આપ્યો કે ભગવાન કેવા લાગતા હશે.

મથુરા પર ચડાઇ કરતી વખતે શૈલ્ય એ જરાસંધ ને કાલયવન ને પણ યુદ્ધમાં શામેલ કરવા કહ્યું અને કાલયવન માની ગયો અને જરાસંધ ની સાથે તેણે પણ મથુરા પર ચડાઈ કરી અને મથુરા ને ઘેરી લીધી. કાલયવન એ મથુરા નરેશ પર સંદેશ મોકલાવ્યો અને એક દિવસ ની મુદત આપી. ભગવાન કૃષ્ણ એ પણ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ એક શરત રાખી કે યુદ્ધ કાલયવન અને પોતાની વચ્ચે જ થવું જોઇએ આટલી મોટી સેનાઓ ને શું કામ લડાવવી. આ સાંભળી કાલયવન હસવા લાગ્યો પરંતું તેને એ ખબર નહોતી કે હવે તેનુ મૃત્યુ નજીક છે. કાલયવને કોઇ દિવસ ભગવાન કૃષ્ણ ને જોયેલા નહી પણ તેને નારદજી આપેલો પરિચય યાદ હતો.

જેવું યુધ્ધ શરૂ થયું અને કૃષ્ણજી મથુરામાંથી બહાર આવ્યા કે તરત જ કાલયવન એ જોયું કે જેવું નારદજી એ કહ્યું હતું એ પ્રમાણે વર્ણ શ્યામ પણ સુંદર હતો, મસ્તક પર મોરપિંછ લહેરાતું હતું, તેજોમય લલાટ પર શોભી રહેલું ચંદ્રવંશી તિલક અને તાજાં તાજાં ખિલેલા કમળ સમાન નેત્રો, તેમના મુખારવિંદ પર રમી રહેલું એ ત્રિભુવનવિમોહીત સ્મિત સૌને દંગ કરી રહ્યું હતું.

સિંહ સમાન છાતી પર કૌસ્તુભમણી અને સ્ફટિક માળા લહેરાય રહી હતી અને વક્ષઃસ્થળ પર શ્રી વત્સ ચિહ્ન શોભાય રહ્યું હતું. એ કસાયેલા ખભા ઉપર પિતાંબર ચળકી રહ્યું હતું અને સાવજ સમા ડગલાં માંડતા ભગવાન ને જોઇ ને કાલયવન ઓળખી ગયો કે આજ વાસુદેવ છે. તેમના હાથ માં કોઇ શસ્ત્ર ન હોવાથી કાલયવન એ પણ નિર્ણય કર્યો કે પોતે પણ તેની સાથે શસ્ત્ર વગર જ યુદ્ધ કરશે. જેવો કાલયવન શ્રી કૃષ્ણ સામે યુદ્ધ કરવા માટે દોડ્યો કે ભગવાન પોતાની પીઠ દેખાડી ને ભાગવા લાગ્યા. બધા અચરજ પામી ગયા કે શ્રી કૃષ્ણ આવી રીતે પીઠ દેખાડી ને ભાગે અને આથી જ તેમનુ નામ “રણછોડ” પડ્યું.

ભગવાન રણછોડ આગળ ભાગી રહ્યા છે અને કાલયવન પાછળ પાછળ છે તેને એવુ લાગી રહ્યુ છે કે હમણાં પકડ્યો હમણાં પકડ્યો પણ જે સમસ્ત બ્રહ્માંડ માં વ્યાપ્ત છે એ તુચ્છ કાલયવન ના હાથ માં કેમ આવે! કાલયવન પોતાના પાછલા જન્મ મા કરેલા પુણ્યો ના કારણે ભગવાન થી બચી રહ્યો હતો આથી ભગવાન તેમની પીઠ દેખાડી ભગવાન ની પીઠ ના દર્શન કરવાથી કાલયવન ના પુણ્યો સમાપ્ત થવા લાગ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ ભાગતા ભાગતા રેવતાચલ પર્વત ની એક ગુફા માં પ્રવેશ્યા. તેમની પાછળ પાછળ કાલયવન પણ એ ગુફા મા પ્રવેશ્યો. ભગવાન કૃષ્ણ ગુફા માં છુપાઇ ગયા એટલે કાલયવન ને કોઇ દેખાયુ નહી પણ કોઇ પિતાંબર ઓઢી ને ત્યાં સુતું હતું એ નજરે પડ્યું. તેને કૃષ્ણ સમજીએ વિચારમાં પડી ગયો કે મને આટલો દોડવીને આ કૃષ્ણ અહિયાં આરામ કરે છે. તેણે એ સુતેલા પુરૂષ ને લાત મારી અને વર્ષો થી નિંદ્રાધીન એ વ્યક્તિએ જ્યાં ઉઠી ને કાલયવન ની

સામે જોયું ત્યાં જ તેના શરીર માં પ્રચંડ આગ સળગી ઉઠી. થોડી જ ક્ષણોમાં કાલયવન બળી ને ભસ્મ થઇ ગયો. ભગવાન કૃષ્ણ આ દ્રશ્ય ગુફામાં છુપાઇને જોઇ રહ્યા હતા. વર્ષો થી આ ગુફામાં નિંદ્રા કરી રહ્યા હતા મહારાજા મુચકુંદ અને તેમની દ્રષ્ટિ માત્ર થી અજેય કાલયવન રાક્ષસ ના ભસ્મ થઇ જવા પાછળ નું કારણ હતું દેવરાજ ઇંદ્ર તરફ થી તેમને મળેલુ વરદાન. આવો જાણીએ મહારાજા મુચકુંદ ની કથા.

મહારાજ મુચકુંદ ઇક્ષ્વાકુવંશી મહારાજ માંધાતા ના પુત્ર હતા અને ભગવાન રામચન્દ્ર ના તેઓ પુર્વજ હતા. દેવતાઓ પણ રાક્ષસો સામે યુદ્ધ કરવા માટે મહાપરાક્રમી અને સંગ્રામવિજયી મહારાજ મુચકુંદની સહાય લેતા. એક વાર રાક્ષસોથી ભયભીત થઇ ને દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને રાક્ષસો સામે યુદ્ધ માં સહાય કરવા પ્રાર્થના કરી.

મહારાજ મુચકુંદ દેવતાઓ સાથે રાક્ષસો સામે યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધ સદી ઓ સુધી ચાલ્યું, ત્યારબાદ કાર્તિકેયના રૂપ માં એક સમર્થ સેનાપતી મળવાથી દેવતાઓ એ મહારાજ મુચકુંદ ને અરજ કરી કે હે! મહારાજ આપ સદીઓથી અહીં યુદ્ધમાં સહાય કરી રહ્યા છો આપ નું કુટુંબ પણ કાળના પ્રભાવ માં નષ્ટ થઇ ચુક્યુ હશે આપ હવે વિદાય લો. દેવરાજ ઇંદ્રએ મહારાજ મુચકુંદ ને કહ્યુ કે માંગો મહારાજ આપ ને શું ઇચ્છા છે? બસ એક મોક્ષ નહી માંગતા કેમકે એ તો માત્ર ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ જ આપી શકે. મહારાજ મુચકુંદ આ યુદ્ધ દરમિયાન એક ક્ષણ પણ ઉંઘ્યા ન હતા, તેથી તેમણે દેવરાજ ઇંદ્ર પાસે માંગ્યું કે હું હવે આરામ કરવા માંગુ છુ આપ મને નિંદ્રાનું વરદાન આપો. ઇંદ્રદેવ એ તથાસ્તુ કહ્યુ અને એ પણ કહ્યુ કે જે કોઇ મૂર્ખ આપને આપની નિંદ્રામાંથી જગાડશે તેના પર આપની દ્રષ્ટિ પડતા જ એ બળી ને ભસ્મ થઇ જશે. ત્યારબાદ મહારાજ મુચકુંદ એક ગુફામાં આવી અને નિંદ્રાધીન થયા.

આ વરદાન વિશે શ્રી કૃષ્ણ જાણતા હતા તેથી જ તેઓ યુદ્ધમાંથી ભાગ્યા અને જે ગુફા માં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફામાં જઇ મુચકુંદ ને પોતાનું પિતાંબર ઓઢાડી દિધુ જેથી કાલયવન મહારાજ મુચકુંદ ને જગાડે અને તેમની દ્રષ્ટિ પડતા કાલયવન બળી ને ભસ્મ થઇ જાય. મહારાજ મુચકુંદ એ જગી ને જોયું તો કાલયવન ભસ્મ થઇ ગયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણ ના તેજ થી આખી ગુફા જળહળી રહી હતી. તેઓ થોડા સમય સુધી ભગવાન ને ઓળખી ના શક્યા પણ પછી જાણ થતાં જ તેઓ ભાવવિભોર થઇ ભગવાન ને વંદન કરવા લાગ્યા.

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને ઇચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે તે પરમ બુદ્ધિમાન મહારાજ મુચકુંદે ભગવાન ની શરણ માંગી. ત્યારે યદુકુળશિરોમણી ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે! રાજન આપ આપના મનોભાવો અને મન ને મને સમર્પિત કરી દો. આપે જે પાપ કર્યા તેને મારા નામ સ્મરણ થી નાશ કરો અને આપ આવતા જન્મમાં એક બ્રાહ્મણ થઇ ને જન્મ લેશો ત્યારે આપને ભક્તિ થી ફરી વાર મારા દર્શન પ્રાપ્ત થશે. એમ કહેવાય છે બીજા જન્મ માં મહારાજ મુચકુંદ નરસિંહ મહેતા થઇ ને જન્મ્યા અને આપણે સૌ જાણીએ છીએ કે નરસિંહ મહેતાના કાર્યો કરવા ભગવાન શ્રી કૃષ્ણ જુનાગઢ આવ્યા હતા.

આ રેવાતાચલ પર્વત એટલે ગિરનારની ગુફા જ્યાં મહારાજ મુચકુંદ સુતા હતા એ ગુફા આજે પણ વર્તમાન છે. જુનાગઢ શહેર થી ભવનાથ તરફ જતા જ્યાં દામોદર કુંડ આવેલો છે ત્યાં દામોદર ભગવાન માધવરાય ના મંદીર થી જમણી બાજુ તરફ સાવ નજીક ના અંતરે આ રહસ્યમય તેમજ રસમય ગુફા આવેલી છે. આ ઐતિહાસીક અને પૌરાણિક ગુફા ના દર્શન કરવા એક લ્હાવો છે.

સોરઠ ની ધરા માટે એમ કહી શકાય કે દરેક પથ્થર ઉંચકાવીએ તો એક કથા આપણ ને મળી આવે. આપણા આ અમુલ્ય ધાર્મિક સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી ફરજ તો છે. આ વારસા ને જાણી ને આપણે ગર્વ અનુભવવો જ રહ્યો. આ કથા ઓ માત્ર આપણા સૌરાષ્ટ્ર માં આપણા ગુજરાત માં કે આપણા ભારત માં જ સંભવી શકે એમા કોઇ બે મત નથી…….

રાજા પોરસ ( રાજા પુરુ )

Standard

રાજા પોરસ ( રાજા પુરુ )

શાસનકાળ —— ઇસવીસન પૂર્વે ૩૪૦ થી ઇસવીસન પૂર્વે ૩૧૭
શાસનક્ષેત્ર —— આધુનિક પંજાબ એવં પાકિસ્તાનમાં જેલમ નદી અને ચિનાબ નદી સુધી
ઉત્તરાધિકારી —— મલયકેતુ (પોરસના ભાઈનો પોંત્ર)
વંશ —-શૂરસેની (યદુવંશી)

સિંધુ નરેશ પોરસનો શાસન કાળ ઇસવીસન પૂર્વે ૩૪૦ થી ઇસવીસન પૂર્વે ૩૧૭ સુધીનો માનવામાં આવે છે
તેમના શાસન વિસ્તાર આધુનિક પંજાબમાં જેલમ નદી અને ચિનાબ નદી (ગ્રીકમાં હ્રીયદસ્પસ અને એસિસ્રસ).
ઉપનિવેશ બિયાસ નદી (હ્રીપસિસ) સુધી ફેલાયેલું હતું
એમની રાજધાની આજના વર્તમાન શહેર લાહોર પાસે હતી
મહારાજા પોરસ સિંધ -પંજાબ સહિત બહુજ મોટાં ભૂ-ભાગના સ્વામી હતાં. એમનું કદ -કાઠી વિશાળ હતું !!!
એવું માનવામાં આવે છે કે એમની ઊંચાઈ લગભગ ૭.૫ ફૂટ હતી

જાણીતા ઇતિહાસકાર ઇશ્વરી પ્રસાદ અને અન્યો માને છે કે પોરસ શૂરસેની હતા. પ્રખ્યાત પ્રવાસી મેગેસ્થીનીસ પણ માન્યું હતું કે પોરસ મથુરાના શૂરસેન રાજવંશના હતા,
જે પોતે યદુવંશી શ્રી કૃષ્ણના વંશજ માનતાં હતાં

મેગેસ્થીનીસ મુજબ —–
એમનાં રાજના ધ્વજમાં શ્રી કૃષ્ણ બિરાજમાન રહેતા હતાં અને ત્યાના નિવાસી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં હતાં !!!! શ્રી કૃષ્ણના મૃત્યુ પછી શુરસેન વંશના કેટલાંક લોકો મથુરા અને દ્વારકાથી પશ્ચિમ દિશામાં વિસ્થાપિત,થઈને આધુનિક પંજાબ અને અફઘાનિસ્તાન નજીક એક નવા સામ્રાજ્યની સ્થાપના કરી. આ સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા પોરસ થયો !!!!

આ વાત ઇસવીસન પૂર્વે ૩૨૬ની છે. જ્યારે મેસિડોનિયનો શાસક સિકંદર વિશ્વ વિજેતા બનવાં માટે નીકળી પડયો હતો
સેના સહિત એણે ભારતની સરહદ પર ડેરા -તંબુ નાખી દીધા હતાં. પરંતુ ભારત કબજે કરતાં પહેલાં, સિંધના મહારાજા પોરસ સાથે લડવાનું જરૂરી હતું. તેમણે પોરસની બહાદુરી વિષે પહેલેથી જ સાંભળ્યું હતું. પોરસની વિશાળ સેના અને મદમાતા હાથીઓની સામે, તેના લશ્કર માટે ટકરાવું મુશ્કેલ હતું તેથી, દુશ્મનાવટને બદલે મહારાજા પોરાસની મિત્રતા વધારવાનું જ ઉચિત સમજ્યું. એ મહારાજ સાથે સંધિ કરવાં માંગતો હતો. સિંધ પાર કર્યા વગર ભારતમાં પગ રાખવાનું મુશ્કેલ હતું. મહારાજા પોરસ સિંધ-પંજાબ સહિત ખૂબ મોટી જમીનના માલિક હતા.

હવે સંધિની દરખાસ્ત સાથે, મહારાજ પોરસ પાસે કોણ જશે? એલેક્ઝાન્ડર આ વિશે ખૂબ મૂંઝવણમાં હતો.
એક દિવસ તેમણે પોતે સંદેશવાહકોનો વેશ લીધો અને મહારાજા પોરસના દરબારમાં પહોંચ્યો.
મહારાજા પોરસમાં, દેશભક્તિ રજેરજમાં અને કણેકણમાં હતી. આ સાથે,તે મનુષ્યની પરીક્ષા કરવામાં અને તેણે પારખવામાં તે નિષ્ણાત હતો. તેમની તીક્ષ્ણ દૃષ્ટિ દુત વેશમાં આવેલાં સિકંદરને ઓળખી ગઈ.
પરંતુ તેઓ ચુપ રહ્યાં ………..
તેમણે દૂતને પરું સન્માન આપ્યું !!!
દૂત વેશધારી સિકંદરે પોતાનો આદેશ સમ્રાટ પોરસને સંભળાવ્યો
“સમ્રાટ સિકંદર વિશ્વ વિજય માટે નીકળ્યાં છે
અને રાજા – મહારાજાઓનનાં માથાં પર પગ મુકીને ચાલી શકવામાં સમર્થ છે પણ સિકંદર તમારી સાથે મિત્રતા કરવા માંગે છે !!!!”

આ સાંભળીને, પોરસે હસતાં હસતાં કહ્યું —-
“રાજદૂત અમે પહેલાં દેશના પહેરેદાર છીએ ત્યાર પછી જ કોઈના મિત્ર …..અને પછી દેશના દુશ્મનો સાથે મિત્રતા ..!
દુશ્મનો સાથે તો યુદ્ધભૂમિમાં તલવારો સાથે લડવાનું જ પસંદ કરીએ છીએ અમે તો !!! ‘
દરબારમાં વાતચીતનો આ સિલસિલો ચાલુ જ હતો.
ત્યારે જ રસોઈયાએ સૌને ભોજન માટે નિમંત્ર્યા.
દૂતને સાથે લઈને મહારાજ પોરસ ભોજનાલય પહોંચ્યા.
ભોજનકક્ષમાં મંત્રી, સેનાપતિ, સ્વજન આદિ બધાં જ મોજુદ હતાં !!!! દરેકની સામે ભોજન પીરસાયું કિન્તુ સિકંદરની થાળી ખાલી હતી.  પછી મહારાજ પોરસે આદેશ આપ્યો,
‘અમારા પ્રિય અતિથિઓને તેમના મનપસંદ ખોરાકની સેવા આપવી જોઈએ.’

આજ્ઞાનુસાર દૂતભેખધારી સિકંદરની થાળીમાં સોનાની રોટીઓ અને ચાંદીની વાડકીઓમાં હીરા-મોતીનું ચૂર્ણ પીરસાયું. બધાએ ભોજન શરૂ કર્યું, પરંતુ એલેક્ઝાન્ડરની આશ્ચર્યજનક આંખો મહારાજ પર હતી
દૂતને પરેશાન જોઇને મહારાજ પોરસ બોલ્યા ——-
“ખાઓને રાજદૂત આનાથી મોંઘુ ભોજન પ્રસ્તુત કરવાં અમે અસમર્થ છીએ !!!”

મહારાજ પોરાસનાં આવચન સાંભળીને, જેણે વિશ્વ વિજયનું સપનું જોયું હતું એ સિકંદર ગુસ્સાથી રાતો-પીળો થઇ ગયો
“‘આ શું મજાક છે પૌરવરાજ !!!”
“આ મજાક નથી, તમારું પ્રિય ભોજન છે !!!”
આ સોનાની રોટીઓ લઇ જઈને પોતાનાં સમ્રાટ સિકંદરને આપજો અને કહેજો કે સિંધુ નરેશે તમારું પ્રિય ભોજન મોકલાવ્યું છે !!!!” —— મહારાજ બોલ્યા !!!
આ સાંભળ્યા પછી સીજંદર ક્રોધિત થઇ ઉઠ્યો ……..
” આજ સુધી કોઈએ સોના ચાંદી ,હીરા-મોતીનું ભોજન કોઈએ કર્યું છે તે હું કરું !!!”
“મારાં પ્રિય મિત્ર સિકંદર …… જયારે તમે જાણો જ છો કે મનુષ્યનું પેટ અન્નથી ભરાય છે ……..સોના-ચાંદી, હીરા-મોતીથી નથી ભરાતું તો પછી તમે કેમ લાખોનાં ઘરો ઉજાડો છો !!!!”

મહારાજ પોરસ બહુજ શાંતચિત્તે બોલી રહ્યાં હતાં !!!!
” મિત્ર અમને તો પરસેવાનો ખોરાક અને શાંતિની હવા જોઈએ છે …….!!!”
જેને તમે ઉજાડવા માંગો છો.
નષ્ટ કરવાં માટે આખું વિશ્વ ઘૂમો છો.
તમને સોના-ચાંદીની ભૂખ વધારે હતી.
એટલાજ માટે મેં તમારાંમાટે ખાસ આ ભોજન બનાવડાવ્યું હતું. પોતાનાં ઓળખાઈ જવાથી સિકંદર ગભરાઈ ગયો !!!!
પરતું મહારાજ પોરસે વિના કોઈ વિરોધે કે ક્ષતિ પહોંચાડયા વગર સિકંદરને સન્માન સહિત એની પાછો પહોંચાડી દીધો !!!! હવે સિકંદરના માથાં પરથી વિશ્વવિજેતાનુ ભૂત ઉતાર્યું !!!!

આજ સાચું પાત્રાલેખન અને સાચી વાત છે મહારાજા પોરસની !!!!! રાજા પોરસના ચારિત્ર્યને ઉપસાવવા માટે આટલી વાત પુરતી છે !!!

થીડીક નજર પોરસ અને સિકંદરના ઈતિહાસ પર નાખીએ ——-

સિકંદરે ઈરાનના રાજા દારાને પરાજિત કરી દીધો અને એ વિશ્વ વિજેતા કહેવાવા લાગ્યો.  આ વિજય પછી એને બહુજ મોટું જુલુસ કાઢ્યું હતું આ વિજયનો આનંદ વ્યક્ત કરવા માટે !!! માત્ર ૩૨ વર્ષની વયે મોતના મુખમાં ધકેલાઈ જનાર સિકંદરને ઈરાની કૃતિ શહનામામાં એક વિદેશી રાજકુમાર માન્યો છે !!!!

ભારતીય સરહદ સુધી પહોંચીને સિકંદરે પહાડી સીમાઓ પર ભારતના અપેક્ષાકૃત નાનાં રાજ્યો, અશ્વાયન અને આશ્વકાયનની વીર સેનાઓએ કુનાત, સ્વાત, બુનેર, પેશાવર(આજનું)માં સિકંદરની સેનાઓને ભયંકર લડત આપી હતી. મરસાગા (મત્સ્યરાજ) રાજ્યમાં તો મહિલાઓ પણ એની સામે ઉભી થઇ ગઈ હતી. માનસા રાજ્યની મહિલાઓની સામે હતી, પરંતુ ધૂર્ત અને ધોખાથી વાર કરવાંવાળાં યવની (યુનાનીઓ)એ મત્સ્યરાજ સામે સંધિનું નાટક કરીને એમનાં પર રાત્રે હુમલો કર્યો હતો !!!
અને એ રાજ્યની રાજમાતા, બાળકો સહિત પૂરાં રાજ્યને એને તલવાર વડે કાપી નાંખ્યા હતાં. આ હાલત એણે અન્ય નાનાં રાજ્યોમાં પણ કરી હતી. મિત્રતાની સંધિની આડ લઈને અચાનક આક્રમણ કરીને એણે ઘણાં રાજાઓને બંધક બનાવ્યાં. ભલી-ભોળી ભારતીય જનતા અને રાજાઓ સિકંદરની ચાલમાં શિકાર થતાં હતાં. અંતમાં એને ગાંધાર ૦ તક્ષશિલા પર હુમલો કર્યો !!!!!

પોરાસનું સામ્રાજ્ય ———–

પુરુવંશી મહાન સમ્રાટ પોરસનું સામ્રાજ્ય વિશાળકાય હતું. મહારાજા પોરસ સિંધ -પંજાબ સહિત એક બહુજ મોટાં ભૂ -ભાગના સ્વામી હતા. પોરાસનું સામ્રાજ્ય જેલમ નદી અને ચિનાબ નદીની વચ્ચે હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે ——
આ આ જ ક્ષેત્રોમાં રહેવાંવાળાં ખોખરોએ રાજપૂત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની હત્યાનો બદલો લેવાં માટે મહંમદ ધોરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો !!!!

” પોરસ પોતાની બહાદુરી માટે વિખ્યાત હતો. તેમણે તેમના તમામ સમર્થન સાથે પોતાનાં સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. જેમણે ખુખરાયનો પર એમનાં નેતૃત્વનો સ્વીકાર કરી લીધો હતો. જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે જેલમ નજીક પોરસ સાથે એનો સંઘર્ષ થયો હતો. ત્યારે પોરસને ખુખરાયનોનુ પુરતું સમર્થન મળ્યું હતું. આ રીતે પોરસ જે સ્વયં સભરવાલ ઉપજાતિનો હતો અને ખુખરાયન જાતિ સમૂહનો એક હતો. તે એમનો શક્તિશાળી નેતા બની ગયો . “- આઇપી આનંદ થાપર (એ ક્રુસેડર્સ સેન્ચ્યુરી: આ પર્સ્યુટઓફ એથિકલ વેલ્યૂઝ / કેડબ્લ્યુ પબ્લિકેશન્સમાં પ્રકાશિત)

સિંધુ અને જેલમ: ———-

સિંધુ અને જેલમ પાર કર્યા વગર, પોરસના રાજ્યમાં પગ મુકવું અશક્ય હતું. રાજા પોરસ તેમના વિસ્તારની પ્રાકૃતિક સ્થિતિ ભૂગોળ અને ઝેલમ નદીની પ્રકૃતિથી સારી રીતે વાકેફ હતાં. મહારાજા પોરસ સિંધ-પંજાબ સહિત ખૂબ મોટી જમીનના માલિક હતા.. પુરુએ એ વાતનો પતો લગાવવાની કોશિશ ના કરી કે યવન સેનાની રહસ્ય શું છે ? યવન સેનાનું મુખ્ય બળ એમનાં તેજ ઘોડેસવારો અને એ ઘોડાપર સવાર સ્કુર્તીલા તીરંદાજો હતાં !!!!

ઇતિહાસકારોનું માનવું છે કે પુરુને પોતાની વીરતા અને હસ્તિસેના પર વિશ્વાસ હતો. પરંતુ પોરસે સિકંદરને જેલમ નદીને પાર કરતાં રોજ્યો નહીં એ એની ભૂલ હતી. પરંતુ સાથોસાથ ઈતિહાસકારો એ પણ મને છે કે —–
જેલમ નદીની આ પાર આવવાથી સિકંદર બુરી તરહ ફસાઈ ચુક્યો હતો. કારણકે નદી પાર કર્યાં પછી નદીમાં પૂર આવ્યું હતું !!!

જ્યારે સિંકંદરે આક્રમણ કર્યું, તો એનું ગાંધાર તક્ષશિલાનાં રાજા આમ્ભીએ એનું સ્વાગત કર્યું અને આમ્ભીએ સિકંદરને ગુપ્ત રીતે સહાયત કરી હતી. આમ્ભી રાજા પોતે પોરસને તેના દુશ્મન સમજતા હતાં. સિકંદરે પોરસને સંદેશો મોકલ્યો જેમાં તેમણે પોરસને સિકંદર સમક્ષ સમર્પણ કરવાની વાત લખી હતી. પણ પોરસે ત્યારે સિકંદરની આધીન્તાનો અસ્વીકાર કર્યો.

જાસૂસો અને ધુર્તોના બળ પર સિકંદરના સરદારો યુદ્ધ જીતવાં પર પૂર્ણ વિશ્વાસ ધરાવતાં હતાં. રાજા પુરુના શત્રુ લાલચી અમ્ભીની સેના લઈને સિકંદરે જેલમ પાર કરી. રાજા પુરુ જેમની ખુદની ઉચાંઈ સાત ફૂટ ઉપર બતાવવામાં આવી છે. તેઓ પોતાની શક્તિશાળી ગજ્સેના સાથે યવની સેના પર તૂટી પડ્યાં. પોરસની હસ્તિ સેનાએ યુનાનિઓનો જે ભયંકર રૂપે સંહાર કર્યો હતો એનાથી સિકંદર અને એનાં સૈનિકો આતંકીત થઈ ઉઠયા હતાં !!!

ભારતીયો પાસે વિદેશીઓને મારીને ભગાડવા માટે પ્રત્યેક નાગરિકની હઠ, શક્તિશાળી ગજસેના ઉપરાંત કેટલાક અદ્રશ્ય શસ્ત્રો પણ હતા. જેવાં કે સાતફૂટીયા ભાલાજેનાથી એક જ સૈનિક કઈ કેટલાંયે સહય્રું સૈનિકો અને ઘોડા સહિત ઘોડે સવાર સૈનિકોને પણ મારી નાંખી શકતાં હતાં. આ યુદ્ધના પ્રથમ દિવસે સિકંદરની સેનાને બહુજ જોરદાર ટક્કર મળી
સિકંદરના ઘણા સૈનિકો હતાનહતા થઇ ગયાં. યવની સરદારોના ભયાક્રાંત થવાં છતાં પણ સિકંદર પોતાની હઠપર કાયમ રહ્યો !!!! અને તે પોતાની વિશિષ્ટ અંગરક્ષક એવં પ્રતિરક્ષા ટુકડીઓને લઈને યુદ્ધ ક્ષેત્રની વચ્ચે ઘુસી ગયો !!!
કોઈ પણ ભારતીય સેનાપાસે હાથીઓ જોવાના કારણે એમનાં સુધી કોઈ ખતરો નહોતો પહોંચી શક્યો રાજાનીતો વાત તો બહુ દૂરની છે !!! રાજા પૂરુના ભાઈ અમરે, સિકંદરના ઘોડા બ્યુસેફેલોસ (સંસ્કૃત-ભવક્પાલી) ને તેમના ભાલાથી મારી નાંખ્યો અને સિકંદરને જમીન પર પાડી દીધો. આવું તો યુનાની સેના સાથે સમગ્ર યુદ્ધકાળમાં કયારેય નહોતું બન્યું !!!!

સિકંદર જમીન પર પડયો તો સામે રાજા પુરુ હાથમાં તલવાર લઈને સામે જ ઉભો હતો. સિકંદર માત્ર પળભરનો મહેમાન હતો. ત્યાં જ રાજા પૂરુ અચકાઈ ગયો !!! આ ડર નહોતો કદાચ આ જ આર્ય રાજાનો ક્ષાત્ર ધર્મ હતો
બહરહાલ તે જ વખતે સિકંદરના અંગરક્ષકો એને ઝડપથી ત્યાંથી ભગાવી ગયાં !!!

આ યુદ્ધ પછી સિકંદરના સૈન્યનો જુસ્સો પણ આયુદ્ધ પછી તૂટી ગયો હતો અને તેમણે નવાં અભિયાન માટે આગળ વધવાનો ઇનકાર કર્યો. સિકંદરે પાછા જવાનું નક્કી કર્યું કારણ કે લશ્કર બળવાની પરિસ્થિતિમાં હતું. સિકંદર અને તેની સેના સિંધ નદીના કાંઠે પહોંચ્યા અને પશ્ચિમ દિશા તરફ વળી સિકંદરે પ્રતિરોધને ટાળવા માટે નવાં રસ્તેથી પાછુ મોકલ્યું અને પોતે સિંધુ નદીને રસ્તે ગયો જે યનાનો પણ સુરક્ષિત હતો !!!!

ભારતમાં શત્રુઓ માટે ઉત્તર-પશ્ચિમથી ઘુસવા માટે જે રસ્તા રહ્યાં છે. તેમાં સિન્ધુનો રસ્તો ઓછો ખતરનાક માનવામાં આવતો હતો !!!!

સિકંદર પોતાની હોંશિયારીમાંને હોંશિયારીમાં મુસ્તાક થઈને આગળ સુધી ઘુસી ગયો. જ્યાં એની પૂરી પલટનને ભારી ક્ષતિ ઉઠાવવી પડી ……..
આ પહેલાં જ ભારેથી અતિભારે ક્ષતિ ઉઠાવીને યુનાની સેનાપતિ હવે સમજી ચુક્યી હતો. હવે જો યુદ્ધ આગળ ચાલ્યું તો બધાં યવનીઓ અહી જ નષ્ટ થઇ જશે. આ નિર્ણય લઈને સિકંદર પાછો ભાગ્યો પણ એ રસ્તેથી ના ભાગી શક્યો। જ્યાંથી એ આવ્યો હતો અને એણે બીજા ખતરનાક રસ્તેથી ભાગવું પડ્યું !!!!
જે ક્ષેત્રમાં પ્રાચીન ક્ષાત્ર અથવા જાટ નિવાસ કરતાં હતાં !!!

આ વિસ્તાર જેનો પૂર્વીય ભાગ આજે હરિયાણામાં આવેલો છે અને જેને જાટ પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં પહોંચ્યા પછી, સિંકંદરને જાટ વીરો (અને પંજાબી નાયકો સાંગલ ક્ષેત્રમાં ) સાથે સામનો કરવો પડયો હતો અને એની મોટાભાગની પલટનનો સફાયો જાટોએ કરી નાંખ્યો હતો. ભાગતાં સિકંદર પર એક એક જાટ સૈનિકે બરછી(ભાલો) ફેંક્યો જે ની છાતીના કવચને વીંધતો છાતીની આરપાર નીકળી ગયો !!!
આ બનાવ આજના સોનેપત નગરની આસપાસ જ બન્યો હતો !!!

આ હુમલામાં સિકંદર તરત તો ના મર્યો। પણ આગળ જતાં જાટપ્રદેશની પશ્ચિમી સીમા ગાંધારમાં જઈને એના પ્રાણપંખેરૂ ઉડી ગયાં !!!
આ હકીકત છે !!!!
જયારે યવની ઈતિહાસકારો એવું લખ્યું છે કે —–
” સિકંદર બેબીલોન (આધુનિક ઈરાક) માં બીમારીના કારણે મર્યો ઈસ્વીસન પૂર્વે -૩૨૬માં !!!!

એક વાતો નિશ્ચિત જ છ કે જયારે સિકંદર મગધના ધનનંદની વિશાલ સેના જોઇને પાછો ફરતો હતો
ત્યારે આ ઘટના કે યુદ્ધ પંજાબ પ્રાંતમાં બનેલી છે અને એમાં પોરસ હાર્યો નહોતો ઉલટાનો એ વિજયી થયો હતો. સિકંદર હારી ગયો હતો રાજા પોરસ સામે !!!! એટલાં જ માટે મહાન સિકંદર નહોતો પણ રાજા પોરસ હતો !!!!
કારણકે તક્ષશિલામાં તો એ વખતે ચાણક્ય હાજર જ હતાં
અને
અને
અને
સિકંદરના સેનાપતિઓ અને વિશાળ સૈન્યનો ખાત્મો બોલાવનાર
તથા એનાં બધાં જીતેલાં પ્રદેશો પર વિજયનો ડંકો વગાડનાર
મહાન હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય તો એ વખતે બાળક હતો
એનું કાર્ય તો હજી હવે શરુ થવાનું હતું
અને આમ ચંદ્રગુપ્ત મૌર્યથી જ “ભારતીય ઇતિહાસ”ની શરૂઆત થાય છે !!!
અખંડ ,અતૂટ અને અખિલ ભારત બનાવનાર તો હતો —— સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય !!!!

હવે આ બધુ તો થવાનું તો હજી બાકી હતું
ભારત તો સિકંદર ના જીતી શક્યો
જે કામ બિંબીસાર અને ધન્નાન્દની સેનાએ કરવાનું હતું જેનાથી સિકંદર ગભરાયો હતો
આ કામ રાજા પોરસે કરી દીધું
સિકંદરની યશ કલગીમાં પીંછું ઉમેરવાની જગ્યાએ રાજા પોરસે એના પર કલંક લગાડી દીધું હતું
એ સર્વસ્વીકૃત વાત છે !!!!
સિકંદરની આ હારની વાતપર ઈતિહાસકારો પડદો પાડવા માંગે છે અને લેપડાચોપડા કરવાં માંગે છે
એમાં પણ ખાસ કરીને પાશ્ચાત્ય ઈતિહાસકારો !!!!

ઈતિહાસકારોએ કેવાં લેપડા ચોપડા કર્યાં હતાં એના કેટલાંક નમૂનાઓ પણ જોવાં આવશ્યક છે

મહાન સમ્રાટ પોરસને હરાવીને બંધક બનાવીને જયારે સિકંદરની સામે લાવવામાં આવ્યો
તો સિકંદરે પૂછ્યું —–
” તમારી સાથે શું કરવામાં આવે ?”
તો પોરસે કહ્યું ——-
” મારી સાથે એવો વ્યવહાર કરો જે એક રાજા બીજાં રાજાની સાથે કરે છે તેમ જ !!!”
સાચે જ આ વાક્ય તો સારું છે પણ આમાં સચ્ચાઈ કેટલી ?
આ વાત યુનાની ઈતિહાસકારોએ સિકંદરને મહાન બનાવવા માટે લખ્યું છે !!!!

પુરુનું નામ યુનાની ઈતિહાસકારોએ પોરસ લખ્યું છે
ઇતિહાસને નિષ્પક્ષ રીતે લખનાર પ્લુટાર્કે લખ્યું છે —–
” સિકંદર સમ્રાટ પુરુની ૨૦.૦૦૦ની સેના સામે ના ટકી શક્યો !!!
આગળ વિશ્વની મહાનતમ રાજધાની અને મગધના મહાન સમ્રાટ ધનનંદની સેના ૩,૫૦,૦૦૦ની સેના એનું સ્વાગાત કરવાં તૈયાર જ હતી. જેમાં ૮૦,૦૦૦ યોધ્ધાઓ, એથ એવં વિદ્વંસકહઠી સેના હતી !!!

સિકંદરના હમલાની કહાની ગૂંથવામાં પશ્ચિમી દેશોને ગ્રોક ભાષા અને એની સંસ્કૃતિની મદદ મળી
જે એમ કહે છે કે ——
સિકંદરનું અભિયાન એ પશ્ચિમી અભિયાનોમાં પહેલું હતું
જે પૂર્વના બર્બર સમાજને અભય અને સુસંસ્કૃત બનાવવા માટે કરવામાં આવ્યું હતું !!!!

અજબ લાગે છે મને તો !!!!!
જયાં ભારતમાં સિકંદરને મહાન કહેવામાં આવે છે
અને એના પર ગીતો પણ લખવામાં આવે છે
એના પર ફિલ્મો પણ ઘણી બની છે જેમાં એને મહાન બતાવવામાં આવ્યો છે
અને એક કહેવત પણ નિર્મિત થઇ છે —— ” જો જીતા વહી સિકંદર !!! …….”
જો સાચેસાચ આ અબુધ પ્રજાએ ભારતીય ઇતિહાસકારોને વાંચ્યા હોત ને તો જરૂર કહેત કે ——–
” જો જીતા વહી પોરસ !!!! ……..”
પરંતુ અંગ્રેજોની ગુલામીએ આપણને અંગ્રેજ ભકત બનાવી દીધા હતાં.

સિકંદર પોતાનાં પિતાના મૃત્યુ પશ્ચાત પોતાનાં સોતેલા અને ચચેરા ભાઈઓની કતલ કર્યાં પછી મેસેડોનિયાના સિંહાસન પર બેઠો હતો
પોતાની મહત્વાકાંક્ષાઓને કારણે એ વિશ્વ વિજય પ્રાપ્ત કરવાં નીકળ્યો હતો ……
યુનાનનો મકદુનિયાનો આ રાજા સિકંદર કયારેય પણ મહાન નહોતો !!!!
યુનાની યોદ્ધા સિકંદર એક ક્રૂર, અત્યાચારી અને શરાબી રાજા હતો !!!!

ઈતિહાસકારો અનુસાર સિકંદરે કયારેય પણ ઉદારતા નહોતી દાખવી.
એણેપોતાના અનેક સહયોગીને એમની નાનામાંનાની ભૂલને કારણે એમને તડપાવી તડપાવીને માર્યા હતાં
એમાં એનો એક યોદ્ધો બસૂસએમનો એક દૂરનો ભાઈ કલીટોસ અને પમીનિયન આદિના નામો ઉલ્લેખનીય છે. શું એક ક્રૂર અને હત્યારો વ્યક્તિ મહાન કહેડાવવાને લાયક છે ખરો ?????
ગાંધારના રાજા આમ્ભીએ સિકંદરનું સ્વાગત કર્યું હતું. આમ્ભીએ ભારત સાથે ગદ્દારી કરી હતી !!!!

ઇતિહાસમાં એમ લખવામાં આવ્યું છે કે ——
સિકંદરે પોરસને હરાવી દીધો હતો
જો એમ થયું હોત તો સિકંદર મગધ સુધી પહોંચી ગયો હોત અને ઈતિહાસ કૈક જુદો જ હોત
આવાં ઈતિહાસ લખવાંવાળાં યુનાનીઓએ સિકંદરની હારને પોરસની હારમાં બદલી નાંખી.

એલેક્ઝાંડરની મહાન પ્રતિષ્ઠાને જાળવી રાખવા અને તેની પ્રતિષ્ઠાનો મહિમા ગાવાં ગ્રીક લેખકોએ આ ખોટાં ઇતિહાસનો સહારો લીધો છે
સ્ટ્રેબો, શ્વાનબેક જેવા વિદેશી વિદ્વાનોએ ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે
પ્રાચીન ગ્રીક લેખકો અને મેગેસ્થીનીસ વગેરેની વિગતો ખોટી છે.
એમનું વિવરણ તાળાન ખોટું છે !!!!
આવાં વિવરણોને કારણે જ સિકંદરને મહાન સમજવામાં આવ્યો અને પોરસને એક હારેલો યોદ્ધો !!!
જ્યારે સત્ય આ વાતની વિરુદ્ધનું હતું.
સિકંદરને પરાજિત કર્યા પછી, પોરસે તેમને છોડી દીધા હતા અને બાદમાં તેમણે ચાણક્ય સાથે મગધ પર હુમલો કર્યો.

યુનાની ઇતિહાસકારોના આ જૂઠને પકડવા માટે ઈરાની અને ચીની વિવરણ અને ભારતીય ઇતિહાસનાં વિવરણો પર ધ્યાનપૂર્વક વંચાવા જોઈએ !!!
યુનાની ઈતિહાસકારોએ સિકંદર વિષે જુઠ્ઠું જ લખ્યું હતું.
આવું કરીને એમણેપોતાનાં મહાન યોદ્ધા અને દેશના સન્માનને બચાવ્યું હતું.

જવાહરલાલ નેહરુએ પોતાના પુસ્તક ‘ગ્લિમપ્સેસ ઓફ વર્લ્ડ હિસ્ટરી’માં લખ્યું છે કે —–
” એલેક્ઝાન્ડર ઘમંડી, ઉદ્દંડ અત્યંત ક્રૂર અને હિંસક હતા.
તે સ્વયંને ઈશ્વરસમાન સમજતો હતો.
આવેશમાં આવી જઈને એણેપોતાનાં નિકટતમ મિત્રો અને સગાં સંબંધીઓની પણ હત્યા કરી નાંખી હતી !!! અને મહાન નગરોને એમનાં નિવાસીઓ સહિત પૂર્ણત:દ્વસ્ત કરી દીધાં હતાં !!!”

આવું તો ઘણા ઈતિહાસકારોએ લખ્યું છે !!!

મારી ટીપ્પણી ——–

પોરસે સિકંદર સાથે સમાધાન કરેલું એ વાત ઉપજાઉ અને સદંતર ખોટી છે. સિકંદર પશ્ચિમમાંથી પૂર્વ તરફ આવ્યો હતો એટલે પહેલાં ગાંધાર -તક્ષશિલા-પંજાબ અને સિંધ આવે એ ભૌગોલિક રીતે સાચું છે !!!
પોરસ જોડે એને યુદ્ધ તો થયું હતું. પણ તેમાં પોરસ પકડાયો અને જીવતો જવા દીધો અને પછી તે ચંદ્રગુપ્ત સાથે મળીને નંદવંશનો વિનાશ કરે છે એ વાત બંધ બેસતી નથી.
ચંદ્રગુપ્તે પોરસ જોડે કરાર કર્યો હતો એ વાત સોએ સો ટકા સાચી છે.
અને પોરસે સિકંદરને હરાવ્યો હતો એ વાત પણ એટલી જ સાચી છે !!!!
જો સિકંદરે પોરસને હરાવ્યો તે સમયે તક્ષશિલામાં શું ચાણક્ય ઊંઘતા હતાં !!!
ચંદ્રગુપ્ત શું ગાયો ચરાવતો હતો તે સમયે !!!!
આમ્ભીના સિકંદર માટેના સ્વાગત સમારંભમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત ઉપસ્થિત હતાં.
ચાણક્યે ખુલ્લેઆમ જાહેરમાં સિકંદરનો વિરોધ કરેલો.
આ વાત હું ચાણક્યના લેખમાં લખી જ ચુક્યો છું !!!!
પેસ હાર્યો હોય તો તક્ષશિલા શું કામ બાકી રહે
અને
ચાણક્ય અને ચંદર્ગુપ્ત ચુપ બેસી રહે એમાંના તો નહોતાં જ.
પોરસે સિકંદરને હરાવ્યા પછી તો સિકંદરની સેનામાં બળવો થયો હતો.
અને એ ભાગી છૂટ્યો હતો અને જાટોના હાથે મરાયો હતો.
અને મુદ્દાની વાત તો એ છેકે સિકંદર ઘાયલ હતો.
પોરસે એની જાન બક્ષેલી હતી.
પછી એ શું ટમેટા તોડવાં મગધ ભણી ગયો હતો !!!!
માત્ર ૨૦,૦૦૦ હસ્તિસેના દ્વારા પરાજિત થેલો સિકંદર ધનનંદની ૩,૫૦,૦૦૦ ની સેના જોઇને પાછો જ વળે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

હવે હું એક વાત તરફ ધ્યાન દોરવા માંગુ છું
માનવું હોય તો માનજો ના માણવું હોય તો ના માનતાં !!!!
જયારે પોરસે સિકંદરને હરાવ્યો ત્યારે એ પાછો વળી ગયો હતો રસ્તામાં જાટોને હાથે એવો તે ઘાયલ થયો તે રસ્તામાં જ ૩૨ વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો.
કયાં અને કેવી રીતે એમાં મોટાભાગના ઈતિહાસકારો ગોથાં જ ખાય છે
અને તદ્દન ખોટેખોટાં લેપડાચોપડા જ કરે છે !!!!
કહોકે એને છાવરે છે.
જો એ પાછો વળ્યો હોય તો એ મગધ ત્તરફ ગયો કઈ રીતે ?
છે આનો જવાબ કોઈ પાસે ?????

તાર્કિક રીતે જોઈએતો પોરસને બક્ષ્યા પછી મગધ જઈ શકાય છે અને ત્યાંથી પાછાં વળી શકાય છે
અને પાછાં વળતાં જાટોના હાથે ઘાયલ થઈને મૃત્યુ પામી શકાય છે
જે ઈતિહાસકારોએ આ જ રીત અખત્યાર કરી છે
જયારે હકીકત જુદી જ છે !!!!
પહેલાં તે વિના રોકટોક મગધ ગયો હયો અને ત્યાંથી પાછા વળતાં તે પોરસને હાથે પરાસ્ત થયો હતો
અને જાટોના હાથે ઘાયલ થઈને મૃત્યુ પામ્યો હતો !!!!
જેમને મનમાં શંકા લાગે એમને ઈતિહાસ ફરીથી વાંચી જવાં નમ્ર વિનતી છે

પણ
પણ
પણ

સિકંદર હાર્યો હતો
અને
પોરસ જીત્યો હતો
એ નિર્વિવાદ છે

આવાં પરાક્રમી અને ક્ષાત્રધર્મી રાજા પોરસને
સાષ્ટાંગ દંડવત પ્રણામ
“——- જો
જીતા વહી પોરસ ——”

“હવાલદાર”

Standard

​”હવાલદાર”

     “દેવલા ! ઉપરથી તારો પે ઉતરી આવે તો પણ આજ તો તને હું લઇ જઈશ.”

     “પણ હજી કાલે હું વેઠ કરી ગયો અને આજ પાછો મારો જ વારો?” કૉસ હાંકતો હાંકતો દેવો વરત પકડી ઉભો રહ્યો.

     “એ કાલ-બાલમાં હું કઈ ન સમજુ, તારે આજે વેઠે આવવું જ પડશે.” મેરુ હવાલદારે સત્તાદર્શક અવાજે કહ્યું. 

     “આજ વળી શું છે?”

     “એ પૂછનારો તું કોણ? તારે તો હું કહું કે તરત મારી સાથે આવવું જોઈએ.”

     “ત્યારે આ કૉસ છોડી નાખું એમ?”

     “જરૂર.” મેરુએ મૂછો મરડી.

     “આ બકાલું સુકાઈ જશે એનું શું?”

     “ખાડમાં પડે તારું બકાલુ, હું ધીમે ધીમે વાત કરું છું ત્યાં તો આ કેમ ને તે કેમ એમ પૂછી પૂછી ને મારો દમ કાઢી નાખ્યો.” મેરુનો પિત્તો ઉછળ્યો.

     “હવાલદાર ! આ બધું બોલો છો એ અમે તો નીચી મૂંડીએ સાંભળીયે છીએ પણ પ્રભુ નહીં સાંખે હો.”

     “બેસ, બેસ પ્રભુ વારી ! જોયો તને ને તારા પ્રભુને, કૉસ છોડે છે કે ભાઈડાના ઝપાટા જોવા છે?”

     આમ દેવો ખેડૂત અને મેરુ હવાલદાર વચ્ચે ટપાટપી ચાલે છે એ વખતે એક ખેડૂત જેવો લાગતો જુવાન ધોરીમાં હાથપગ ધોતો ધોતો આ વાતો ગુપચુપ સાંભળતો હતો.

     દેવા એ કૉસ છોડવાની તૈયારી કરી. 

     “બળદ ને ગાડું સાથે લેવાના છે-સમજ્યો?” મેરુએ ત્રાડ મારી.

     “કેમ?”

     “કાલે દરબાર આવવાના છે એને માટે સીમમાંથી મગબાફણાં સારવા છે.”

     “દરબાર માટે જોઈએ એટલા મગબાફણાં હું આપીશ, પછી છે કઈ? હવે હું કૉસ જોડું?”

     “તું તો ડાહ્યલીનો દીકરો લાગછ.”

     “કા?”

     “કા શું? સીધે સીધો મારી મોર થઇ જા. અમે કહીયે તેમ તારે કરવાનું છે.”

     “તમે લોકો દરબારને નામે તમારે ઘેર મગબાફણાંના ઢગલા કરાવો છો. તમારે ઘેર ગાદલા, ગોદડાં અને ગાલમશુરીઆ એકઠા કરો છો એ અમે બધું સમજીએ છીયે.”

     “દેવલા, આવી વાતો કરીશ તો ચામડું ઉતરડાઈ જશે.”

     “તો તો, તમે દરબારના પણ દરબાર…”

     “હા, હા, અમે દરબાર છીએ બોલ તારે શું કહેવું છે?”

     “દરબાર તો અમલપુર બેઠો છે, પણ ખેડધરના તો અમે જ દરબાર છીએ.”

     મેરુની છાતી અભિમાનમાં ઉછળી, દેવાએ કૉસ છોડી નાખ્યો અને ગાડું જોડવા બળદ દોર્યા.

     “હું પાસેના આણંદને વેઠે તેડવા જાઉં છું – તું ગાડું જોડી ખળાવાડ આગળ ઉભો રહેજે.”

     આમ કહેતો કહેતો મેરુ ખેતરને શેઢે શેઢે આણંદના ખેતર તરફ જવા નીકળ્યો.

—————————————

     મેરુના જવા પછી પેલો ધોરીયામાં હાથ ધોવાનો ઢોંગ કરીને બેઠેલો યુવાન ઉભો થયો. તે ધીમે પગલે દેવો ગાડું જોડતો હતો ત્યાં આવી ઉભો રહ્યો.

     “ક્યાં રે’વું?”

     “રે’વું તો કઠાળમાં પણ તમારે ત્યાં તો વેઠનો ખુબ જુલમ લાગે છે.”

     “વાત પુછોમાં ભાઈ, આ મેરુ હવાલદારે તો ખેડૂતોના હાલહવાલ કરી મુક્યા છે.”

     “તે એના ઉપરી કાંઈ સાંભળે છે કે નહીં?”

     “ઉપરી પણ મરેલા, ઠેઠ ઉપરથી નીચે સુધી સડી ગયું છે એટલે કોઈ કોઈને કઈ કહે તેમ નથી.” દેવાએ ચારે તરફ નજર ફેરવી ધીમેથી કહ્યું.

     “ત્યારે દરબારને જઈને કહો તો?”

     “દરબાર અહીંથી દશ ગાઉ દૂર અમલપુરમાં રહે છે. એટલે કામ ધંધો છોડી ત્યાં અમારાથી કેમ પહોંચાય?”

     “આમ રોજનું દુઃખ ખમો એના કરતા એકાદ વખત દરબાર પાસે જાઓ તો રોજનું સુખ થઇ જાય ના?”

     “ભાઈ રહેવા દિયોને એ વાત ! દરબાર પાસે જાઇયે અને જો આ કાળમુખાને ખબર પડે તો અમારે રોજનો ત્રાસ વેઠવો પડે, પાણીમાં રહેવું અને મગર સાથે વેર કરવું એના જેવો એ ઘાટ છે.”

     “દરબાર અહીં આવે ત્યારે એને મળો તો?”

     “પણ અમારાથી દરબારને શું કહેવાય?”

     “જે વાત છે એ સાચે સાચી કહી દેવી…”

     “અને દરબાર જાય એ પછી આ લોકો વેર વાવે એનું શું?”

     આ વખતે દેવો ગાડું જોડી મેરુની વાટ જોતો ખેતરમાં ઉભો હતો.

     “મને તમારી સાથે વેઠમાં લેશો?”

     “ના રે ભાઈ ! તમને એ દુઃખમાં નખાય?”

     “મારે તમારા ગામની વેઠ જોવી છે. અમારા દેશમાં તો વેઠ એટલે પ્રેમથી રાજાનું કામ અમે કરી આપીએ છીયે, પણ અહીં કાઈ જુદું જણાય છે. મારી ઈચ્છા છે કે એ અનુભવ પણ લેવો.”

     “તો હાલો આજેજ અનુભવ લ્યો.”

     “પણ એક કામ તમે કરજો, તમને કોઈ કઈ પૂછે તો કહેજો કે મારો માણસ છે.”

     “તમારું નામ શું?”

     “મારુ નામ અજો.”

     અજો અને દેવો બંને મેરુની વાટ જોઈને ઉભા ઉભા વાતો કરે છે એટલામાં મેરુ બબડતો બબડતો આવ્યો. 

     “મારા, ખેડૂત ફાટી ગયા છે વેઠે આવવું પડે છે એ વસમું લાગે છે.”

     “કા, આણદો આવેછ નાં?” દેવાએ પૂછ્યું.

     “એના માથામાં રાઈ ભરાણી છે, એને હું હવે જોઈ લઈશ. દેવા આણંદની બેનનું નામ શું?”

     “જીવી”

     “ચાલ તારું ગાડું કણબીપા તરફ હાંક, આણંદ પણ જુએ કે મેરુની શું તાકાત છે?”

     ગાડું ખેતરમાંથી ગામ તરફ ચાલ્યું.

     મેરુ ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈક બાજી ગોઠવી રહ્યો હતો એટલે એની સાથે ગાડાંમાં બેઠેલા અજા વિષે એને કઈ વિચાર આવ્યો નહીં. થોડે દૂર ગયા પછી એણે દેવાને પૂછ્યું.

     “આ જુવાન કોણ છે?”

     “એ મારો માણસ છે, મગબાફણાં સારવા કામ લાગશે એમ ધારી સાથે લીધો છે.”

     મેરુએ પોતાની ધૂનમાં એ વિષયમાં કઈ તપાસ કરી નહીં.

—————————————

     “જીવલી ! બહાર નીકળ ઘરમાંથી?” મેરુએ આણંદના ઘર આગળ જઈ અવાજ કર્યો.

     “કોણ છે?” ઘરમાંથી છાસ ફેરવતા ફેરવતા જીવીએ પૂછ્યું.

     “છે તારો બાપ ! બહાર નિકળને.” મેરુ કંટાળ્યો હોય એમ બરાડી ઉઠ્યો.

     “કાં શું છે?” પોતાના ઓઢણાનો છેડો સરખો કરતી કરતી જીવી બહાર આવી.

     “તારી આજ વેઠ છે બીજું શું?”

     “વેઠ હોય તો આણંદભાઈને મળો.”

     “તારે આવવું પડશે સમજી.”

     “વેઠમાં ભાઈડાઓ આવે છે તે આવશે.” જીવીએ રોકડું પરખાવ્યું.

     “બાઈડીઓએ પણ આવવું પડશે, એતો અમારી મરજી ઉપર છે કે બાઈડીયુ આવશે કે ભાઈડાઓ.”

     “એ તો આટલા વર્ષમાં આજ સાંભળ્યું.”

     “આજ સાંભળ્યું તો ભલે સાંભળ્યું ; તું આવછ કે ચોટલો પકડીને ઘસડું?”

     “મો સંભાળીને બોલ-ચોટલો પકડીને ઘસડનારા તો મરી ગયા મરી.”

     “જીવી તું કેની સાથે વાત કરછ તેની ખબર છે? જીભ ખેંચી કાઢીશ જીભ.”

     આ રકઝકમાં આખો કણબીપા ભેળો થઇ ગયો. 

     વૃદ્ધ કણબીઓએ મેરુને ઠંડો પાડવા પ્રયત્ન કર્યો. 

     “હવાલદાર ! તું આણંદને જઈને કહે કે વેઠે આવે, આતો બિચારું બાઇમાણસ.”

     “એ બાઇમાણસનું અભિમાન મારે ઉતારવું છે. એનો ચોટલો પકડી મારા ઘરનું વાસીદુ વળાવું ત્યારે જ મને ટાઢક વળે.”

     “હવાલદાર ! મોટું પેટ રાખો, મોટું. એતો છોકરું છે. તમારે એના બોલવા સામું ન જોવું જોઈએ.” બીજા કણબીએ મેરુને સમજાવ્યો.

     મેરુ બબડતો બબડતો ત્યાંથી દેવાનું ગાડું લઇને ચાલ્યો. રસ્તામાં તેને કંઈક યાદ આવ્યું એટલે ગાડેથી પોતે ઉતરી ગયો.

     “દેવા ! તું અને તારો આ માણસ નદીમાંથી રેતીનું ગાડું ભરી મારા ફળિયામાં નાખી આવો.”

     “મગબાફણાં લાવવાતા એનું શું?”

     “એ પછી થઇ રહેશે. તું રેતીનું ગાડું ભરી આવ જા.”

     “દેવો નદીએ જઈ રેતીનું ગાડું ભરી મેરુના ઘરે ગયો, દેવાના માણસ તરીકે આવેલો અજો તો આ બધું જોઈ થંભી ગયો.”

     “દેવો અને અજો રેતી સારતા હતા એટલામાં મેરુ આવ્યો.”

     “દેવા ! આ તારા માણસને મારી સાથે મોકલ, ઝવેરચંદને ત્યાંથી ગાદલા લાવવા છે.”

     તુરત મેરુ સાથે અજો ગાદલા ઉપાડવા ગયો.

     “ઝવેરીયા ! એ ઝવેરીયા !” ડેલી બહાર ઉભા રહી મેરુએ હાક મારી.

     “કોણ છે?”

     “એતો હું મેરુ.”

     તુરત ડેલીનું બારણું ઉઘડ્યું.

     “કેમ?”

     “દરબાર કાલે આવવાના છે એને માટે ગાદલા જોઈએ છે.”

     “ગાદલા કેટલાક ભેળા કરશો? આખા ગામના તો ઉઘરાવ્યા?”

     “દરબાર આવે એટલે ગાદલા તો જોઈએનાં?”

     “પણ ગાદલાનો ગંજ કરીને શું કરશો?”

     “તારે શું પંચાત? મૂંગો મૂંગો ગાદલા કાઢી આપને.”

     “તમારા લોકોનો તો ત્રાસ છે ત્રાસ.”

     “એ અમે તો ઘણાય સારા છીયે, બીજા ગામમાં જાઓ તો ખરા એટલે ખબર પડે કે હવાલદાર એટલે શું?”

     તુરત ઝવેરિયાએ બબડતાં ગાદલું કાઢી આપ્યું.

     “ગાદલું ક્યાં લઇ જવું છે? દરબાર ક્યાં ઉતરવાના છે?” અજા એ મેરુને પૂછ્યું.

     “તુંતારે મ્હારે ઘેર લઇ જા. આ ગાદલું તો મેરુ દરબાર માટે છે.”

—————————————

     ખેડધરના ધણીની સવારી ગામમાં આવી પહોંચી. ખેડધર અમલપુર રાજ્યનું ગામ હતું. દરબાર ગાદીએ આવ્યા પછી પહેલીજ વાર ગામડાઓમાં ફરવા નીકળ્યા હતા.

     ખેડૂતોએ, વસવાયાઓએ અને વ્યાપારીઓએ પોતાના ગામધણીને દિલનો આવકાર આપ્યો. દરબારને ઉતારે પહેલા વ્યાપારીઓનું મહાજન ગયું, ત્યાર પછી ખેડૂતો આવ્યા. દેવો ખેડૂતો સાથે દરબારની સલામીએ ગયો. એતો દરબારને જોઈ આભો થઇ ગયો.

     “આતો કાલ મારી સાથે રેતીના સુંડલા સારતો હતો એ અજા જેવો લાગે છે.” એમ મનમાં ને મનમાં તે લવ્યો, છતાં એની એ વિષયમાં કોઈને કહેવાની હિંમત ચાલી નહીં.

     “કેમ તમારે કઈ કેહવું છે?” ગામના પટેલિયાઓ તરફ ફરીને ખેડધરના ઘણી અજિતસિંહે પૂછ્યું.

     “ના, માબાપ, અમે તો આપના પ્રતાપથી સુખી છીએ.”

     “અમલદારો સાથે તો બધાને ઠીક છે નાં?”

     “બહુ સારા અમલદારો છે, બાપુ !”

     “વેઠ-બેઠનું કેવુંક દુઃખ છે?” અજિતસિંહે દેવા તરફ ઝીણી નજરે જોયું.

     “જરાય દુઃખ નથી બાપુ ! આપ આવો ત્યારે અમારે વેઠ તો કરવીજ જોઈએ નાં?”

     “ના, એમ નહીં. વેઠ એટલે તમે ખેડૂતો તમારા રાજા તરફના પ્યાર અને માનને ખાતર એને બધી સગવડ કરી આપો એ ખરું, પણ એ વિષયમાં તમારા તરફ કોઈ જોર જુલમ તો ન જ કરી શકે.”

     “બાપુ આપના રાજ્યમાં જોર જુલ્મ છે જ નહીં.”

     “સાચે સાચું કહો છો?”

     “બાપુ, આપ આગળ અમે ખોટું શું કરવા બોલીએ?”

     “તમારો હવાલદાર ઠીક છે નાં?”

     “હા, બાપુ ! બહુ સારો માણસ છે.”

     અજિતસિંહને આ સાંભળીને ખુબ દુઃખ થયું. પોતાની પ્રજા આવી ભીરુને કાયર છે તેની તેને આજ ખબર પડી.

     “પટેલ ! સાચે સાચું કહો છો નાં?” દરબારે ફરી ભાર દઈને ખેડૂતોના મુખીને એનોએ પ્રશ્ન ફરીથી કર્યો.

     આ વખતે ખેડૂતો એક બીજા તરફ જોવા લાગ્યા, પણ કોઈમાં સાચી વાત કહેવાની હિંમત આવી નહીં.

     અજિતસિંહને આથી ખાતરી થઇ કે ખેડધરનો પોતે દરબાર નથી પણ મેરુ જ દરબાર છે. તે મનમાં ને મનમાં હસ્યો.

     “કેમ દેવા ! તું શું કહે છે? આ ગામમાં હવાલદારનું કંઈ દુઃખ છે કે નહીં?”

     દેવાને હવે બરાબર ખાત્રી થઇ ગઈ હતી કે કાલે પોતાની સાથે વેઠ કરવા દરબાર પોતે જ વેશપાલટો કરીને આવ્યા હતા. એ જવાબમાં માત્ર હસ્યો.

     “કેમ કંઈ બોલતો નથી?”

     “બાપુ, મારી સાથે આપેય રેતીના સુંડલા સાર્યા છે એટલે હવાલદાર કેવા છે એ જેટલું હું જાણું છું એટલું આપ પણ જાણો છો.”

     “દેવા, ઉઠ-જા આણંદની બેન જીવીને અહીં તેડી આવ.”

     દરબાર અને દેવા વચ્ચેની વાત ખેડૂતો કઈ સમજી શક્યા નહીં.

     થોડીવારમાં દેવો જીવીને તેડી આવ્યો. 

     “બહાર કોણ છે?”

     ” જી હાજર” એક પસાયતાએ દરબારને નમન કર્યું.

     “હવાલદારને બોલાવ.”

     તુરત મેરુ દરબાર સમક્ષ નમન કરી ઉભો રહ્યો. શરૂઆતમાં તો એને કઈ સમજાયું નહીં પણ જીવીને જોઈ એના દિલમાં ધ્રાસકો પડ્યો.

     “હવાલદાર ! કાલે તે મારે માટે શું એકઠું કર્યું છે?” દરબાર મુછમાં હસ્યાં.

     “બાપુ ! આપને જોઈતી બધી તૈયારી કરી રાખી છે.”

     “કેટલા માણસોને વેઠે પકડ્યા હતા?” દરબારની આખો ચમકી.

     “એકાદ-બેને.”

     “સાચું કહે છે? એક તો હું પોતે હતો, તારે ઘેર રેતી તો મેં પાથરી છે.”

     મેરુ આ સાંભળી કાળો શાહીવર્ણો થઇ ગયો.

     “એક વખત આ ખેડુની દીકરીની માફી માંગ, એનો ચોટલો તારે પકડવો હતો તો હવે એના પગમાં તારી પાઘડી નાખ.”

     મેરુનો અરધો જીવ ઉડી ગયો હતો, તેને તમ્મર આવવા માંડ્યા.

     “હવાલદાર – એ બહેનની માફી માગ. એક રાજાનો અમલદાર પ્રજાને રાજાને નામે કનડે તો રાજા પણ એ પાપનો ભાગીદાર છે.”

     મેરુએ દરબારના કહ્યા પ્રમાણે ધ્રુજતા ધ્રુજતા કર્યું.

     “બહેન, આ પાપીએ ગઈકાલે તારું અપમાન કર્યું છે, એ માટે હું રાજા તરીકે તારી માફી માંગુ છું. અને આજથી આ રાજ્યમાં વેઠ કાઢી નાખું છું.”

     જીવી આ સાંભળી રડી પડી, તેણે દરબારના ચરણમાં પોતાનો છેડો પાથર્યો.

     આખા ખેડધરમાં વાયુવેગે ખબર પડી ગયા કે દરબાર ગઈકાલે ખેડુના વેશમાં દેવાને ખેતરે આવ્યા હતા અને પોતે મેરુને ઘેર વેઠે ગયા હતા. મેરુને રાજ્યની હદપાર કર્યો અને અમલપુર રાજ્યમાંથી વેઠ બંધ થઇ. દરબારે ખેડૂતોના આશીર્વાદથી પચાસ વર્ષ સુધી દરબારપદું ભોગવ્યું.

—————————————