Tag Archives: Samaj

‘અટક એટલે..’

Standard

અટક એટલે નામ જ્યાં અટકે તે સ્થાન..!આપણા માં નામ ની સાથે અટક નુ ઘણુ મહત્વ હોય છે, નામ એક સરખા હોઈ શકે પણ તેમની અટક થી તેમને જુદા વ્યક્તિ તરીકે અલગ ઓળખ પ્રાપ્ત થતી હોય છે.અટક નો ઉદ્ભવ વ્યક્તિ અથવા વ્યક્તિના પુર્વજો ના વ્યવસાય, વતન, ગામ, રાજકિય સત્તા, કોઈ ઉપરથી થતો હોય છે.
 
      કેટલીક અટકોજેવી કે દેસાઇ, મહેતા,મારફતિયા, દલાલ,બ્રોકર,તેમના વ્યવસાય અથવા રાજકિય સતા ના આધારે પડતી હોય છે, દેસાઈ એ રાજાએ આપેલી દેસાઈગીરી ની સતા ના કારણે પડતી હોય છે, એવુજ મહેતા અટક નુ છે,રજવાડાના મંત્રીઓ કે મુત્સદીઓ ને મહેતા કહેવા માં આવતા, જોકે શિક્ષક ને પણ મહેતા  કહેવામાં આવતુ.વ્યવસાય ના આધારે પડતી અટકો માં અગાઉ જણાવ્યુ તેમ મારફતિયા, દલાલ, બ્રોકર,ઝરીવાલા. ચોખાવાલા,મોતીવાલા, સુખડીયા,રંગરેજ, મીઠાઈવાલા,દુધવાલા, સીપાઈ,નાયક, સોની, લુહાર,સુથાર,દરજી,વાળંદ,કડીયા,ઇત્યાદી અટકો તેમના વ્યવસાય ના કારણે પડી હોય છે, આમાંથી કેટલીક અટકો ઉપરથી તેમની જ્ઞાતિ ની ઓળખ મળતી હોય છે, જેમકે સોની, સુથાર, લુહાર, વાળંદ,દરજી જેવી અટકો તેમની જ્ઞાતિ પણ દર્શાવતી હોય છે, જ્યારે એ સિવાય ની અટકો પરથી તેમની જ્ઞાતિ ઓળખાતી નથી,દેસાઈ, મહેતા દલાલ કોઈ પણ જ્ઞાતીના હોઈ શકે, દેસાઈ અટક બ્રાહ્મણોમાં વણિકો માં કે પશુપાલકો માં પણ હોઈ શકે કારણ એ કામગીરી તેમને રાજય તરફ થી એક હોદ્દા તરીકે આપવામાં આવી હોય છે.
 
       કેટલીક અટકો ઉપરથી તેમની જ્ઞાતિ ઓળખી શકાય છે, શાહ ખાસ કરીને વણિકો માંજ  જોવા મળે, એજ રીતે રજપુતો ની અટકો ઝાલા, પરમાર,જાડેજા,રાઓલ, વિહોલ,મહિડા, ચુડાસમા,વાળા,ગોહિલ,મકવાણા, ડોડીયા,રાણાવત, શેખાવત,ઇત્યાદી અટકો થી તેમની રજપુતાઈ છલકાતી હોય છે,
 
        એવુ પણ જોવા મળે છે કે રાજપુતો ની અટકો ઘણીવાર પછાતવર્ગના લોકો માં પણ જોવા મળે છે, દાખલા તરીકે પરમાર, સોલંકી, ગોહેલ,ડોડીયા,મકવાણા, ઝાલા, જેવી અટકો દરજી, સફાઈ કામદારો, વણકરો, મોચી, જ્ઞાતિ માં પણ જોવા મળે છે. આમ શાથી થયુ હશે એ કળવુ મુશ્કેલ છે, એક ગળે ઉતરે એવી સમજુતી એવી છે કે પહેલા રાજાઓ ના લશ્કરમાં અનેક જાતના કારીગરો અને કામદારો ની પણ જરુર રહેતી, એ કારી ગરો જે રાજા ના લશ્કર માં હોય એ રાજા ની અટકો તેમને મળતી.ઝાલા ના લશ્કર નો કામદાર ઝાલા તરીકે પરમાર રાજા નો કામદાર પરમાર તરીકે અને અન્ય રાજાઓ ના કામદારો ની અટક તેમના રાજા ની અટકો ના અધારે પડી જતી. એટલેજ પછાત અને અન્ય પછાત જાતિ ના લોકો ની અટક રજપુતો ના જેવી હોય છે, જોકે તેમના નામ ઉપરથી તેમને બીનરજપુત તરીકે ઓળખી શકાય છે, કારણ રજપુતો માં નામ પાછળ  “સિંહ ‘ શબ્દ ઉમેરવામાં આવતો હોવાથી રજપુત જુદો પડી જતો હતો.
 
     વણિકો માં શાહ મુખ્ય અટક છે, એ પછી મહેતા, દેસાઈ, મારફતિયા, દલાલ, વખારીયા જેવી અટકો જોવા મળે છે.શાહ અટક થી વ્યક્તિ વણિક છે  એ નિ:શંક જાણી શકાય છે, બાકી દેસાઈ, મહેતા, માર્ફતિયા, કે દલાલ વણિકજ હશે એમ ખાત્રીબંધ કહી ન શકાય, કારણ એ અટકો તેમના વ્યવસાય ના આધારે પણ પડી હોય છે.બીજી એક અટક શેઠ છે જે પણ દર્શાવે છે કે વ્યક્તિ વણિક કોમ નો હશે, શેઠ અટક નુ મુળ શ્રેષ્ઠી,શબ્દ ઉપરથી ઉતરી આવ્યુ હોય તેમ લાગે છે, અન્ય રાજ્યો માં આને મળતી અટક શેઠી, શેટ્ટી,શ્રેષ્ઠ જેવી જોવા મળે છે.આ બધા જ મુળ વણિકો હોય એવુ લાગે છે,
 
        અન્ય કેટલી ક અટકો વતન કે ગામ ઉપરથી પડે છે, જેમકે ભરુચા, સુરતી, વડોદરીયા,અંકલેશવરીયા,વિરમગામી, ધોળકીયા, ધોલેરીયા,પાટડીયા,માંડલીયા,અજમેરા,ઇત્યાદિ, આ બધી એવી અટકો છે જેના ઉપરથી તેમની જ્ઞાતિ નક્કી કરી શકાતી નથી, જો આપણે જ્ઞાતિવિહિન સમાજ રચવો હોય તો આ અટકો ખુબજ સહાયરુપ થઈ શકે.
 
        કેટલીક અટકો ખુબજ પ્રભાવશાળી હોય છે, મને બચપણમાં મારી શેઠ/ પટેલ અટક ગમતી ન હતી, મને સદાયે એવી ઇચ્છા રહ્યા કરતી કે મારી અટક શેઠ/પટેલ ના બદલે ચુડગર, મહેતા,કે પરમાર હોત તો કેવુ સારુ હતુ….!મને મારુ નામ પણ બહુ ગમતુ ન હતુ, મને રજપુતોના નામો વધુ ગમતા, સુરસિંહ, બળદેવસિંહ, લખધિરસિંહ કિરિટસિંહ કે યજુવેન્દ્રસિંહ જેવા નામો મને ગમતા, પણ અફશોષ નામ બદલી શકાતુ નથી,તેમજ નામ ની સાથે જોડાયેલા ગુણધર્મો પણ ઉપરથી લાદી શકાતા નથી.પટેલ અટક શાહ જેવીજ બહુમતિ ધરાવતી અને ખુબજ કોમન અટક છે, મૂળ તો કણબી નામ થી ઓળખાતા ખેડૂતો પાછળથી પટેલ તરીકે બહાર આવ્યા, જોકે પટેલ એ એક રાજકિય-મહેસુલી દરજ્જો પણ હતો , અને જ્ઞાતિ નો મુખ્ય વ્યક્તિ પણ તે જ્ઞાતિ નો પટેલ કહેવાતો.પણ સામાન્ય રીતે પટેલ એટલે ખેડૂત એ સામાન્ય સમજ હતી.અગાઉ મોટો અને ખમતીધર ખેડૂત જ પટેલ સંબોધન પામી શકતો, આજે તો પટેલ એ કોઈ પણ ખેડૂત સમાજ ના સભ્ય માટે નો કોમન શબ્દ બની ગયો છે.
 
          બીજી એક વેપારી કોમ તે લોહાણા કોમ છે, લોહાણા રુપાળા, ગૌરવર્ણના અને સાહસિક વ્યાપારી હોય છે,સામાન્ય રીતે તેઓ ઠક્કર કહેવાય છે.ઠક્કર કોમ એક બીજી રીતે પણ ઉદ્ભવ પામી છે, સાહિત્યકાર શ્રી ગુણવંતરાય આચાર્ય ની સક્કરબાર , હરારી જેવી નવલ કથાઓ માં આ અન્ય પ્રકારના ઠક્કરો જોવા મળે છે. એ સમયે ભારત માંથી લોકો ને ગુલામો બનાવી ને ઉપાડી જવામાં આવતા, આ ગેરરીતી રોકવા વલસાડ નો અમૂલખદેસાઈ, નામનો જંવામર્દ  સક્કરબાર તરીકે દરિયો ખેડવા બહાર પડ્યો અને ગુલામો પકડી ને લઈ જતા વહાણો ને લુંટી ને ગુલામો ને છોડાવવા લાગ્યો.પણ આ છુટેલા ગુલામો ને ભારત વાસીઓ વટલાયેલા કહી ને સ્વિકારતા ન હતા એંટલે સક્કરબારે આફ્રિકા ના કિનારે એક વસાહત સ્થાપી ને આ રીતે છોડાવેલા ગુલામ સ્ત્રિપુરુષો ને વસાવવા માંડ્યા, ત્યાં કોઈ જ્ઞાતિભેદ ન હતો, પરસ્પર લગ્ન પણ થવા લાગ્યા અને આવી વસાહત  એટલે કે ઠકરાત ના સભ્યો ઠક્કર તરીકે એકજ નામ થી ઓળખાવા લાગ્યા.આ ઠક્કરો અથવા લોહાણાઓ સાહસિક વ્યાપારી કોમ તરીકે ગુજરાત ભરમાં ફેલાયેલા છે.
 
         અટકો નો આ ઇતિહાસ બહુ લાંબો છે, ઘણા કારણો સર ઘણી અટકો અસ્તિત્વ માં આવી હોય છે, એવીજ એક બીજી રીત ની અટક કોઈ પરાક્રમી પુર્વજ ઉપરથી પણ પડી  હોય છે ઉદાહરણ તરીકે ભિમાણી,અટક કોઈ ભિમા નામના પુર્વજ ઉપરથી લાખા નામના પુર્વજ ઉપરથી લાખાણી, એવી જ રીતે ભાલાણી, દેવાણી, અદાણી, ભાયાણી,રાજાણી,અંબાણી,ગોકાણી,વિરાણી,રામાણી જેવી અટકો બની હોય છે આ અટકો પણ જ્ઞાતિની ઓળખ થી ઉપર હોય છે,કારણ તેમનો ઉદ્ભવ કોઈ પુર્વજ ના નામ ઉપરથી થયો હોય છે. આ અટક ધરાવતો વ્યક્તિ વણિક, પટેલ, બ્રાહ્મણકે અન્ય કોઈપણ કોમ નો હોઈ શકે છે.
 
        રજપુતો ની માફકજ બ્રાહ્મણો પણ તેમની અટક અને નામ ઉપરથી જુદા પડી આવે છે. ચતુર્વેદી, એટલેકે ચોબે, દ્વિવેદી એટલે કે દવે, ત્રીવેદી એટલે કે તરવાડી, શર્મા,પાંડેય, જોશી, ઉપાધ્યાય,ગોર, પુરોહિત,પાઠક, જેવી અટકો માં અન્ય કોઈ કોમ ભાગ પડાવી શકતી નથી, આવી અટ્કો ધરાવનાર બ્રાહ્મણજ હોય એ સર્વસ્વિક્રુત હકિકત થઈ ગઈ છે.ગુજરાત ની એક સંસ્કારી અને ગૌરવભરી કોમ તે નાગરો ની છે. નાગરો માં પણ મહેતા અને દેસાઈ અટક હોય છે, તે ઉપરાન્ત વસાવડા, મજમુદાર, જેવી અટકો પણ એક જુદોજ પ્રભાવ ઉભો કરે છે.નાગરો ના નામો પણ અત્યંત સુધરેલા અને ભવ્ય હોય છે. નાગર પણ અલગ રીતે ઓળખી શકાય એવા લક્ષણો ધરાવતા હોય છે.
 
          અટકો ની આ વિગત માત્ર ગુજરાત નીજ અત્રે આલેખિત કરેલ છે, ભારત ભરમાં તો અનેક અટકો અને અનેક ઉદ્ભવસ્થાનો જોવા મળી શકે, એ માટે તો વિષદ અભ્યાસ ની જરુર પડે.કોઈ સાચો અભ્યાસી જો આ હાથ ધરે તો ભારતના ઇતિહાસ ના ઘણા છુપા પ્રકરણો બહાર આવી શકે.