Tag Archives: varta

ભગવાન નો ભાગ

Standard

શામજી નાનપણ થી જ ભરાડી..!!
ભાઈબંધો ય ઘણા અને શામજી પાછો એ સૌનો હેડ..

ભાઈબંધો ને ભેગા કરી ને પછી આંબલી પાડે ,કોઈના ખેતર માંથી શિંગ ના પાથરા ઉપાડે,ગાંડા બાવળ માંથી હાંઘરા પાડે અને પછી… ગામને ગોંદરે વડ નું ખૂબ મોટું ઝાડ ..એની નીચે બેસીને પછી બધી જ વસ્તુના ઢગલા કરતા અને પછી શામજી ભાગપાડે..

બધા ભાયબંધ ના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે..!!

ભાઈબંધ પૂછે એલા શામજી આ કોનો ભાગ ? તો શામજી કહે : આ ભાગ ભગવાનનો !’

અને… પછીસૌ પોતપોતાનો ભાગ લઈને રમવા દોડી જતા..
અને ભગવાનનો ભાગ ત્યાં મૂકી જતા, “રાતે ભગવાન ત્યાં આવશે,અને છાનામાના તે પોતાનો ભાગ આવી ને ખાઇ જશે” એમ શામજી બધા ને સમજાવે..

બીજે દિવસે સવારે વડલે જઈને જોતા તો ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળીયા ત્યાં પડ્યા હોય
અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ
અને આમ રમતા રમતા શામજી મોટો થયો ગામડે થી શહેર કમાવવા ગયો
બે હાથે ઘણું ય ભેગું કર્યું જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ શામજી નો લોભ વધતો ગયો ધન ભેગુ તો ઘણું કર્યું પણ શામજી પેલો ભગવાન નો ભાગ કાઢવાનું ભૂલી ગયો
લગ્ન કર્યા છોકરા છૈયા ને પરણાવ્યા એના છોકરા છૈયા શામજી ઘર મા દરેક ની જરૂરિયાત પૂરી કરે જેને જે જોતું હોય તે લાવી આપે આ બધી પળોજણ મા ભગવાન નો ભાગ તો હવે હાવ ભુલાઈ જ ગયો
ધીમે ધીમે શામજી ને થાક લાગવા માંડ્યો એમાંય તેની પત્ની માંદગીમાં ગુજરી ગઈ પછી તો શામજી હાવ ભાંગી ગયો હવે શરીર સાથ નહિ આપે તેમ લાગવા માંડ્યું છોકરા ઓ ધંધે ચડી ગયા છે હવે હું કામ નહિ કરું તો ચાલશે આ વિચાર શામજી ને આવ્યો અને શામજી એ કમાવવાનું બંધ કર્યું
છોકરા ઓ એ વ્યવહાર બધો પોતાના હાથમાં લઈ લીધો અને પછીતો મકાન મિલકત ના ભાગ પડ્યા બધાએ બધું વહેંચી લીધું વધ્યો ફક્ત શામજી એક પણ છોકરાએ રાજી ખુશીથી એમ ના કહ્યું કે બાપા અમારી ભેગા હાલો
અને શામજી પાછો પોતાના ગામ પોતાના એ જૂના મકાન મા એકલો રહેવા લાગ્યો હાથે રાંધી ને ખાય ને દિવસો પસાર કરે
એક દિવસ શામજી ને શરીર મા કળતર જેવું લાગ્યું ભૂખ લાગી હતી પણ પથારીમાંથી ઊઠાતુ ન્હોતું અને આજ શામજી ને ભગવાન યાદ આવ્યા હે ઈશ્વર નાનો હતો ત્યારે રમતા રમતા ય તારો ભાગ કાઢવાનું ન્હોતો ભૂલતો અને પછી જેમ જેમ મોટો થયો એમ આ મારું આ મારું કરવામાં તને હાવ ભૂલી ગયો પ્રભુ જેને હું મારા માનતો હતો તે કોઈ મારા નથી રહ્યા અને આજ સાવ એકલો થઈ ગયો ત્યારે ફરી પાછી તારી યાદ આવી છે મને માફ કરજે
ભગવાન…હ્રદય નો પસ્તાવો આંખ માંથી આસુ બનીને વહેવા લાગ્યો… અને ત્યાં
ડેલી ખખડી શામજીએ સહેજ ઊંચા થઈને જોયું તો રઘો કોળી એનો નાનપણ નો સાથી બિચારો પગે સહેજ લંગડો એટલે એને ક્યાંય ભેગો રાખતા નહિ તે આજ હાથમાં કંઇક વસ્તુ ઢાકી ને લાવ્યો હતો
શામજી એ સૂતા સૂતા જ આવકાર આપ્યો
આવ્ય રઘા
રધાએ લાવેલ વસ્તુ નીચે મૂકી અને શામજી ને ટેકો કરીને બેઠો કર્યો પાણી નો લોટો આપ્યો અને કહ્યું લ્યો કોગળો કરીલ્યો તમારી હાટુ ખાવાનું લાવ્યો છું
શામજી કોગળો કરી મોઢું લૂછીને જ્યાં કપડું આઘુ કર્યું ત્યાં ભાખરી ભરેલ ભીંડાનું શાક અને અડદ ની દાળ ભાંળીને શામજીની આંખમાં આંહુડા આવી ગયા

આજ કેટલા દીએ આવું ખાવાનું મળ્યું તેણે રઘા હામુ જોય ને કીધું રધા આપડે નાના હતા ત્યારે તું અમારી હારે રમવા આવતો પણ તારે પગે તકલીફ એટલે અમે તને અમારી ભેગો નો રમાડતા અને આજ તું આ ખાવાનું લાવ્યો મારા ભાઈ આ હું કયે ભવે ચૂકવિશ

પાણી નો લોટો એની બાજુમાં મૂકતા રધો બોલ્યો તમે તો પેલા ચૂકવી દીધું છે હવે મારો વારો છે

ચૂકવી દીધું છે ? ક્યારે ? શામજી ની આંખમાં પ્રશ્નાર્થ આવ્યો

રધાએ માંડીને વાત કરી તમે બધા બોર વીણી ને આંબલી પાડી ને ઓલા વડલા હેઠે ભાગ પાડવા બેહતા ત્યારે ખબર છે ભગવાનનો ભાગ કાઢતા અને કહેતા કે ભગવાન આવશે અને એનો ભાગ ખાઈ જશે .

તમારા ગયા પછી હું ન્યા આવતો અને એ ભાગ હું ખાઈ જતો તમે બધા બિજેદી આવો ન્યા બોરના ઠળિયા પડ્યા હોય એટલે તમને બધાને એમ લાગતું કે ભગવાન એનો ભાગ ખાઈ ગયા પણ એ હું ખાઈ જતો અને વિચારતો કે આ હું કયે ભવ ચૂકવિશ

પણ ગઇકાલે રાતે બધા પાદર બેઠા હતા ત્યારે તમારી વાત થાતી હતી કે બિચારો શામજી દુઃખી દુઃખી થઈ ગયો બિચારા નું કોઈ નથી
અને ઘરે જઈને રાતે હૂતા હુતા વિચાર આવ્યો કે રઘા ઓલ્યું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે એટલે પછી આ ખાવાનું લઈને આવ્યો.

હવે તમારે હાથે નથી રાંધવાનું તમારું બેય ટાઈમનું ખાવાનું મારા ઘરેથી આવશે અને બીજું ક્યારેય નાય નથી પાડવાની અને કાંઈ બોલો તો મારા હમ છે શામજી ની આંખમાંથી આહૂડાં પડી ગયા અને રઘા હામુ જોઈને કીધું રઘા કમાવા શીખ્યો ત્યારથી આ મારા છોકરા આ મારો પરિવાર એ દરેક ની જરૂરિયાત પૂરી કરવામાં આખી જુવાની ખરચી નાખી પણ છેલ્લે બધાએ તરછોડી દીધો

અને નાનપણ મા ખાલી રમતા રમતા અણહમજ મા ભગવાનનો ભાગ કાઢ્યો હતો તોય આજ એણે પાછો મને હંભાળી લીધો રઘો શામજી હામુ અને શામજી રઘા હામુ જોય રહ્યા અને બેય ની આંખ માંથી એક બીજાના આભાર વ્યક્ત કરતા આંસુડા વહી રહ્યાં હતા..

ઈશ્વર માટે જાણે-અજાણે પણ કરેલું , કશુંય એળે નથી જતું..એ’ એક નું અનેક કરીને પાછું આપી જ દે છે !!

હોળીની ઝોળી

Standard

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

હોળીની સવારે જ સોસાયટીના બધા નાના મોટા બાળકોએ હોળીની ઝોળીની તૈયારીઓ માટે મિટીંગ કરી.

દર વર્ષે સોસાયટીના દરેક બાળકો હોળીની ઝોળી લઇને ફરતા અને પૈસા ભેગા કરતા. ધુળેટીની સાંજે તે પૈસાની પાર્ટી કરતા.

પણ બધા તો પોતાની અવનવી પિચકારીઓ બતાવવામાં મશગુલ હતા.

સાવજ તો મોટી પિચકારી લઇને અંદર પાકો રંગ ભરીને આવી ગયો હતો…!
તેને તો સોસાયટીની દિવાલ પર મોટી પિચકારી મારીને પોતાનો પરચો આપી અને ગર્જના કરી, ‘ આવતીકાલે હું આ દિવાલની જેમ તમને સૌને બફેલો જેવા કાળા કલરના કરી નાખીશ….!’

‘જો સાવજ્યા.. તું જાડો એટલે અમે તારાથી ડરી જઇશું…? અને આ સોસાયટીની દિવાલ તેં કેમ બગાડી…?’ બાજુમાં ઉભેલો શ્લોક બોલી ઉઠ્યો.

‘એમ.. તું મને સાવજ્યા… કહે છે… લેં લેતો જા…!’ એમ કહી સાવજે તેની પિચકારીમાં છેલ્લે વધેલા થોડા રંગનો ફુવારો તેની તરફ છોડ્યો. જો કે તેમાં કલરવાળું પાણી નહોતું એટલે માત્ર હવા અને થોડાં છાંટા ઉડ્યાં…. જો કે શ્લોક તેનાથી ડરી ગયેલો.

અને સાવજ હસી પડ્યો અને બોલ્યો, ‘હજુ તો આવતીકાલે જો જો મારી પિચકારીનો કમાલ…!’

‘જો સાવજ, આ વખતે અમે કોઇ તારી સાથે હોળી નહી રમીએ….!’ રાધાએ ગુસ્સે થઇને તરત જ સાવજને કહી દીધું.

‘હા… રાધા… આ પિન્કી.. મયંક… મૈત્રી… શ્લોક બધાએ એમ જ કીધું છે કે સાવજ સાથે કોઇ હોળી નહી રમે..!’ રાધાનો સૂર પુરાવતા ક્રિમી બોલી ઉઠી.

‘સાવજ તું ગઇ વખતે પાકો રંગ લાવ્યો’તો અને અમારી આંખોમાં ગયેલો અને પિન્કીને કેટલી તકલીફ થઇ હતી..! અમારા મોં પરથી રંગ જતા ચાર પાંચ દિવસ લાગેલા… આ અમે નહી ચલાવીએ…!’ રાધાના કહેવાથી સોસાયટીના બધા છોકરાઓએ સાવજને એકસાથે હોળી રમવાથી દુર કર્યો.

‘એ તો પિન્કી મને ક્યાં કોઇ દી તેની નોટબુક લખવા આપે છે એટલે મને તેની પર ખીજ ચડેલી…!’ સાવજે ગઇ ધૂળેટીની ભૂલ આ વખતે સ્વિકારતા કહ્યું.

‘પણ.. એમાં તેની આંખોમાં રંગ નાખવાનો…? અને વળી…. શ્લોકને પણ તે પિચકારી મારેલી…!’ રાધાએ તેની તરફ ગુસ્સાથી કહ્યું.

‘એ તો.. શ્લોક મને કાયમ જાડીયો.. જાડીયો.. કહીની ચિડવે છે.. એટલે તેના પર ખીજ ચડે છે…!’ સાવજે ગુસ્સાથી પોતાની પિચકારી દબાવી.

‘જો શ્લોક આજથી તારે સાવજને જાડીયો નહી કહેવાનો અને પિન્કી તારે સાવજને નોટબુક આપવાની..!’ રાધાએ તો જજ બની હુક્મ કરી દીધો.

‘રાધા… તારા પપ્પા સોસાયટીના પ્રમુખ એટલે તું અમારી પ્રમુખ નહી હોં…!’ ખીજાયેલી પિન્કીએ તો તરત સંભળાવી દીધું.

‘એ તો આપણે એકબીજાને મદદ કરવી જોઇએ’ને.. પિન્કી…!’ રાધાએ શાંતીથી કહ્યું.

‘હા.. તો આપણી સોસાયટીના એન્યુલ ફંક્શન વખતે તેં તારો પરીનો ડ્રેસ ક્યાં મને આપેલો..? અને તેં પણ પહેર્યો નહોતો…અને તું મદદ કરવાની વાત કરે છે. મને ખ્યાલ છે કે તારો જ પહેલો નંબર આવે એટલે મને નહોતો આપ્યો.. અને તારા પપ્પા પ્રમુખ એટલે તને જ ચિટીંગ કરી પહેલો નંબર આપેલો… મારી મમ્મી પણ મને કે’તીતી…!’ પિન્કીએ તો જુની તેના મનમાં ભરાયેલી કડવી વાત કહી દીધી.

‘પણ તે તો ઇસ્ત્રી કરતા દાઝી ગયેલો એટલે મેં નહોતો આપ્યો… અને તું હજુ સુધી એમ માને છે કે મેં ચિંટીંગ કરેલી…!’ રાધા નરમ પડી.

‘હા… રાધા તારા ભાઇ રાઘવને સોસાયટીની ક્રિકેટની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ આપેલો… મેં સૌથી વધુ વિકેટ લીધી હતી…પણ મને કાંઇ નહોતું આપ્યું… તમે બધા ચિટર છો…!’ શ્લોકે પણ તેની જુની કડવાશ કાઢી લીધી.

‘શ્લોક… તું’યે કાંઇ ઓછો નથી… તે મેચની રાતે રાઘવને જે બેટ ગિફ્ટમાં મળ્યું’તું તે તું સંતાડીને લઇ ગયેલો.. મેં તને જોયો’તો….!’ મૈત્રી પણ હવે ચુપ ના રહી શકી.

‘મને રાઘવ પર ગુસ્સો આવેલો એટલે….!’ શ્લોક સહેજ નરમ પડ્યો.

‘એટલે તેં બેટ ચોરેલું….! ચોર….!!’ રાધાએ શ્લોક તરફ આંગળી કરીને કહ્યું.

‘એ તો મયંકે મને કીધું તુ કે રાઘવનું બેટ સંતાડી દે…!’ શ્લોકે મયંક તરફ ઇશારો કર્યો.

‘જો શ્લોક મને વચ્ચે ના લાવીશ… નહિ તો…!’ મયંક ગુસ્સાથી બોલ્યો.

‘હા મયંક… હું તારી સાથે જ છું…’ સાવજ તો રાહ જોઇને ઉભો હતો કે તે પણ શ્લોક સાથે બદલો લે અને સાવજને તક મળતા તેને પિચકારી ભરીને તેની સામે ઉંચી કરી દીધી.

અને બધા મિત્રો વચ્ચે હોળીની ઝોળીની તૈયારી થાય તે પહેલા હોળી સળગી ઉઠી.

‘એ..ય.. જાડીયા… જો તું મને પલાળીશ તો મારા પપ્પાને કહી દઇશ અને તારા પપ્પાને નોકરીમાંથી કાઢી મુકશે.’ શ્લોક તો અદબ વાળીને સામે ઉભો રહી ગયો.

સાવજના પપ્પા શ્લોકના પપ્પાની ઓફીસમાં નોકરી કરતા હતા એટલે સાવજ ડરથી રોકાઇ ગયો.

‘હું આ રાધાડી સાથે હોળી નહી રમું… તું ચીટર છે…!’ પિન્કી બોલી ઉઠી.

‘હું શ્લોક્યા સાથે હોળી નહી જ રમું…! તે ચોર છે…!’ રાધા બોલી ઉઠી.

‘અને આ સાવજ જાડીયા સાથે તો હું ક્યારેય હોળી રમવાનો નથી…!’ શ્લોક પણ બોલી ઉઠ્યો.

‘જો તેં મારું નામ આપ્યું એટલે શ્લોક તારી સાથે હું પણ હોળી નહી રમું..!’ મયંક પણ બોલ્યો.

હોળીની ઝોળીની જગ્યાએ તો સૌ એકમેક તરફ કટુતાની ગોળીઓ છોડવા લાગ્યાં.

વાત અહીં પતે તો સારુ હતું પણ દરેક છોકરાઓએ તો વાતનું વતેસર કરી નાખ્યું અને દરેકે તો પોતાની મમ્મીઓને કહ્યુ… અને મમ્મીએ કહ્યું પપ્પાને…! અને સોસાયટીમાં હોળી પ્રગટતા પહેલાં હોળી સળગી ઉઠી..!

પ્રમુખે તો બપોર પછી સૌને તાત્કાલિક મિટીંગમાં હાજર રહેવાનું જણાવી દીધું.

અને સૌ આજે રજા હતી એટલે સોસાયટીના ક્લબ હાઉસમાં ભેગા થયાં.

‘જો મારા પ્રમુખપદ તરીકે અસંતોષ હોય તો હું અત્યારે જ રાજીનામું આપું છું….!’ સોસાયટીના પ્રમુખે તો શરુઆત જ ધડાકાથી કરી.

‘અરે… એમ કેમ બોલો છો….?’ કોઇક બોલ્યું.

‘આ તો બધા કહે છે કે અમે ચિટીંગ કરીએ છીએ….!’

‘હા.. એ તો દરેક સોસાયટીના ફંક્શનમાં તમારી દિકરી દિકરાને જ એવોર્ડ કે ટ્રોફી મળે એટલે….!’ તરત જ પિન્કીની મમ્મી બોલી ઉઠી.

‘જો આ તો તમારી દિકરીને પણ તમે મારા છોકરાને નોટ આપવાનું ના કહો છો’ને.. તે વાત ક્યાં ખોટી છે…?’ સાવજની મમ્મી પણ વચ્ચે બોલી ઉઠી.

‘હા નથી આપવી.. તે નોટના પાના વચ્ચેથી ફાડી નાખે છે… એ તો ઠીક પણ તમે અમારું ઓવન લઇ ગયા’તા તે પણ બગાડીને પાછુ આપેલું…!’ પિન્કીની મમ્મી પણ તાડુકી.

‘એ તો તમે આપેલું જ બગડેલું.. તો…!’ ત્યાં જ સાવજની મમ્મીએ જવાબ આપ્યો.

‘પણ મમ્મી તેં એક પીઝા તો સરસ બનાવ્યો’તો.. પછી બીજીવારમાં તેમાંથી ધુમાડા નીકળી ગયા’તા…!’ સાવજની નાની બેન પૂર્વી એકાએક બોલી ઉઠી.

‘ચુપ કર ચીબાવલી…!’ તરત જ તેની મમ્મીએ તેની સામે જોઇને પોતાના હોઠ પર આંગળી મુકી ચુપ રહેવા કહ્યું.
અને પછી તો છોકરાઓની હોળી મમ્મીઓમાં શરુ થઇ.

અને પછી તો તારા ઘરનું પાણી… પાંદડા… કે’તો તો ને… કે’તી તી… સોસાયટીની પંચાતોની વણઝાર લાગી….!

એકમેક પરના આરોપ પ્રત્યારોપની ઝાળ સૌને લાગી ગઇ અને બધા ઉંચા મને એક પછી એક વારાફરતી છુટા પડ્યાં.

હોળી ધુળેટીના રંગમાં ભંગ પડ્યો.
સોસાયટીમાં હોળી ધુળેટીના ખૂબ શોખીન ત્રિવેદી સાહેબ આ સમયે હાજર નહોતા. તેઓ સોસાયટીમાં જો કોઇ ઝઘડો થાય તો મધ્યસ્થી બની ઉકેલ લાવતાં.

ત્રિવેદી સાહેબની દીકરી ગુલાલ પણ તેના પપ્પા પર જ ગયેલી. તે પણ હોળીની ખૂબ શોખીન અને સોસાયટીની હોળીની ઝોળી તે જ પકડે અને દરેક ઘરેથી પૈસા અવશ્ય લઇને જ રહે…!

હોળી જ ગુલાલનો જન્મદિવસ અને બધા તેને ખૂબ વ્હાલ કરતા. તે ખૂબ સમજુ અને સ્માર્ટ હતી. બોલવામાં તે ભલભલાને હંફાવી દે તેવી હતી.
આ હોળીએ તેના દસ વર્ષ પુરા થયા.

જ્યારે તેઓ સોસાયાટીમાં આવ્યા તો બધુ શાંત…!

ગુલાલ તો તાત્કાલિક રાધાના ઘરે પહોંચી અને તેને બધી માહિતી મેળવી લીધી.

ગુલાલે તો તાત્કાલિક બધા છોકરાઓને ઘરે ઘરે જઇ કલબ હાઉસમાં બર્થ ડે પાર્ટીના બહાને બોલાવ્યા.

બધા આવ્યા ખરા…! પણ એકબીજાથી દુર બેસેલા રહ્યાં.. છોકરાઓ પણ હવે એકમેકથી નાખુશ થવાનું શીખી ગયા હતા.

‘તો એમ વાત છે આ વખતે આપણે સોસાયટીમા હોળી ધુળેટી કરવાની નથી…!’ ગુલાલે દરેકને સંભળાય તેમ કહ્યું.

‘એય.. ગુલાલ કેક ક્યાં.. ?’ સાવજને તો કેક ખાવાની ઉતાવળ હતી.

ગુલાલે કેકની જગ્યાએ એક નાનો યજ્ઞકુંડ બધાની વચ્ચે મુક્યો.

‘આ શું છે..?’ પિન્કીએ પુછ્યું.

‘જો આજે આપણે અહીં નાની હોળી કરીને આપણે મારો જન્મદિવસ ઉજવીશું.’ ગુલાલે કંઇક નવી વાત કરી.

‘તો લાકડા લાવવા પડશે.’ શ્લોક પણ બોલ્યો.

‘જુઓ સવારે તમે બધાએ નાની નાની વાતમાં ઝઘડો કર્યો… અને તેને કારણે આપણાં મમ્મી પપ્પા પણ ઝઘડ્યા.. એટલે હોળી ધુળેટીમાં મજા નહી આવે… પણ અહીં આપણે માઇક્રો હોળી કરીશું જ… !’ ગુલાલ બોલી.

‘આ માઇક્રો હોળી એટલે…? અને લાકડાં…?’ શ્લોક ફરી બોલ્યો.

‘ના આ હોળી લાકડાંથી નહી… પણ જેને પોતાના મિત્ર સાથે ચિટીંગ કરી છે તે બધા પોતાના એક એક કાગળમાં લખશે.. અને પછી તે કાગળો આ યજ્ઞકુંડમાં પધરાવી અને તેને સળગાવીને આપણે એકબીજાને માફ કરી દઇશું.. હોળી એ તો પ્રેમની ઝોળી છે.. હોળી એ તો મિત્રોની ટોળી છે… આજના દિવસે આપણી મિત્રતા ઘટવી ના જોઇએ.. પણ વધવી જોઇએ.. આપણે આપણાં દોષ સળગાવી દઇશું.’ અને ગુલાલે દરેકને એક એક કાગળ અને પેન આપી.

‘હું કાંઇ ના લખું તો…?’ સાવજે કહ્યું.

‘બધાએ ફરજીયાત લખવું પડશે… નહિ તો આપણે એકે’ય તહેવાર સાથે નહી ઉજવી શકીએ..! એકબીજા સાથે લડવાથી તો આપણાં સૌમાં તિરાડો પડશે.’ ગુલાલે સૌને આદેશ કર્યો.

ગુલાલની વાતથી સૌ રાજી થયા અને દરેકે પોતે કરેલી ભૂલો કાગળમાં લખી અને દરેકે પોતાનો કાગળ યજ્ઞકુંડમાં નાખ્યો.

ગુલાલે જાતે તે કાગળોની હોળી પ્રગટાવી અને કહ્યું,’ હવે આપણે આજે પોતાના દુર્ગુણોને સળગાવી દીધા, બધા મિત્રોને માફ કરી દીધા અને બધા ફરી પાછા મિત્રો બની ગયા.

અને કેમ જાણે એકાએક સૌમાં પરિવર્તન આવી ગયું અને ફરી સૌ નાના બની મિત્રો બની ગયા અને હોળીની ઝોળીનું પ્લાનીંગ કરવા લાગ્યાં.

ગુલાલે કહ્યું, ‘આપણે બધા એકસાથે હોળીની ઝોળી લઇને જઇશું અને દરેકના ઘરે જઇ સૌના મમ્મી પપ્પા પાસે પૈસાની જગ્યાએ પોતે કરેલી ભૂલો અને પોતાના દોષો લખેલો કાગળ માંગવો…. અને તે અમે વાંચીશું નહી અને કોઇને પણ વંચાવીશું નહી તેમ કહેવાનું…’ ગુલાલે કંઇક વિચારી રાખ્યું’તુ.

‘પણ ના લખે તો..?’ સાવજ બોલ્યો.

‘બસ તો કહી દેવાનું… તો અમે સૌ છોકરાઓ ભણવાનું બંધ કરી દઇશું… કે ખાવાનું બંધ કરી દઇશું… વગેરે વગેરે અને કહેવાનું કે અમે બધા બાળકોએ પોતાની ભૂલો સળગાવી દીધી છે… તમે આ વખતે હોળીની ઝોળીમાં અમને પૈસા નહી પણ તમારી કરેલી ભૂલો લખીને આપો જેનાથી સોસાયટીમાં બીજાને તકલીફ પડી હોય…! રાત્રે આપણે હોળી ખડકતાની સાથે આપણે તે હોળીની ઝોળી સળગાવી દઇશું… અને સૌ પાછા ભેગા થઇ જઇશું…’ ગુલાલે કહ્યું તો બધા રાજી થયા.

અને તરત જ એક્શન પ્લાન શરુ…

બાળકોના આ રીતના સમજણા પ્રયોગથી સૌ મમ્મી પપ્પા ખુશ થયા અને તેમની હોળીની ઝોળીમાં પોતે કરેલી ભૂલો લખી આપી અને ફરી અમે સોસાયટીમાં કોઇને તકલીફ નહી થાય તેવી ખાત્રી પણ આપતો કાગળ સૌએ લખી આપ્યો.

અને તે રાતે છોકરાઓની હોળીની ઝોળી ભરાઇ ગઇ.

તેમાં આ વખતે પૈસા નહી પણ એકમેક પ્રત્યેના દ્વેષભાવ કે વેરભાવનું પ્રાયશ્ચિત હતું.

રાત્રે હોળી સાથે છોકરાઓએ ભેગી કરેલી હોળીની ઝોળી બધાની સામે જ સળગાવી અને સૌએ એકબીજાને ગુલાલથી હોળીની શુભકામનાઓ પાઠવી.

સ્ટેટસ

આવી છે પ્રેમની ઝોળી…

વેરભાવને દેજો ઘોળી…

રંગો-ભરી રમશે ટોળી…

આ તો છે હોળી રે હોળી…

લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

તા. ૦૨/૦૩/૨૦૧૮

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
ચાર રોમાંચ જિંદગીના
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
હું
અવશ્ય વંચો અને વંચાવો…

શિયાળા નુ છાણુ અને જુવાની નું નાણું

Standard


જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર પાંચ વર્ષે રાજાની નિયુક્તિ ગામની પ્રજામાંથી જ થાય અને પાંચ વર્ષ સુધી રાજા રાજ કરે અને નવો રાજા આવે એટલે જુના રાજાને રાજ્યની બહાર આવેલ નદીને સામે પારના ગાઢ જંગલમાં ભગવાન ભરોસે મૂકી આવવાનો. ત્યાના જંગલી જાનવરો આ રાજાનો શિકાર પણ કરી જાય અને એનું જીવન સમાપ્ત થઇ જાતું
પ્રજામાંથી રાજાની નિમણૂક એક હાથી કરતો. એની સૂંઢમાં એક મોટો હાર લટકાવવામાં આવતો. ગામ વચ્ચેથી હાથી નીકળે અને જેના ગળામાં હાર નાખે એ રાજા! પાંચ વર્ષ સુધી એ રાજા હતો! અપાર જાહોજલાલી અને એશો આરામની જિંદગી. પણ પાંચ વર્ષ પછી રાજાની હાલત જોવા જેવી હોય! નવો રાજા આવે એ જુના રાજાને દોરડે બાંધીને નદીને પેલે પાર મુકવા જાય. જુનો રાજા કરગરે, જિંદગીની ભીખ માંગે પણ નવો રાજા એને ન સાંભળે
એક રાજાની પાંચ વર્ષની ટર્મ પૂરી થઇ અને નવો રાજા નિયુક્ત થતાં જ જુના રાજાને દોરડેથી બાંધવા સૈનિકો આવ્યા એટલે રાજા હસીને કહે, ‘મને દોરડાથી બાંધવાની જરૂર નથી. હું તમારી સાથે જ આવું છું, ચાલો!’ સૈનિકો વિચારમાં પડી ગયા કે આ પહેલો રાજા આમ બોલે છે. અત્યાર સુધીના રાજાઓ તો કરગરતા. તેમ છતાં સૈનિકોએ એને ચારેબાજુથી કોર્ડન કરી લીધો કે જેથી એ ભાગી ન જાય! રાજા ગામ વચ્ચેથી રૂઆબથી ચાલતો નીકળ્યો અને નેતાની જેમ ગામ લોકોને હાથ હલાવતો ચાલી નીકળ્યો. નવો રાજા પણ એને જોઈ રહ્યો હતો કે આ હસતો હસતો કેમ જાય છે! અત્યાર સુધી ગામ લોકોએ રોતો કકળતો અને કરગરતો રાજા જ જોયો હતો. પણ આજે સાવ વિપરીત પરિસ્થિતિ હતી. આ રાજા તો લોકોનું અભિવાદન ઝીલતો હતો!
નદીને પેલે પાર જવા એને નાવમાં બેસાડવામાં આવ્યો ત્યારે નાવિક પણ અચરજમાં પડી ગયો. અત્યાર સુધીના રાજાઓને તો દોરડે બાંધેલા હતા અને તેઓ રાડો પાડીને ‘બચાવો! બચાવો!ની બૂમ પાડતા હતા! જયારે આ રાજા તો ગીત ગાતો હતો! જયારે નાવ ચાલી નીકળી ત્યારે નાવિક કહે, ‘રાજા, તું પહેલા રાજા છો કે આમ હસતા હસતા વિદાય લઇ રહ્યો છો! તને મોતનો ડર નથી લાગતો? તારામાં કાંઈક રહસ્ય તો છે જ!’ રાજા કહે, ‘તારી વાત સાચી છે! તેં મને સાચો ઓળખ્યો! ચાલ, તને પૂરી વાત કહું’:
જે દિવસે હું રાજા બન્યો ત્યારથી જ હું જાણી ગએલો કે પાંચ વર્ષ પછી મારો વારો પણ દોરડે બંધાઈને જંગલમાં જવાનો જ છે! એટલે મને વિચાર આવ્યો કે હું પાંચ વર્ષ પછી પણ કાયમ રાજા બનીને જ રહું તો! એટલે રાજા બનીને મેં તરત જ સૈનિકો અને મજુરોને નદીને સામેનાં જંગલમાં મોકલીને જંગલ સાફ કરવાનો હુકમ આપ્યો! હું રાજા હતો. ગમે તે હુકમ આપી શકું તેમ હતો. એટલે મેં સૌથી પહેલું આ કામ કર્યું. બીજા વર્ષે ત્યાં હોંશિયાર પ્રધાનોને મોકલીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપ કરાવ્યું. પ્રજા માટે સારા રસ્તા, તળાવ, અને શાળા બનાવરાવ્યા. ત્રીજા વર્ષે કડીયાઓ અને મીસ્ત્રીઓને મોકલીને મારો મહેલ અને પ્રજા માટે મકાનો બનાવરાવ્યા. ચોથા વર્ષે એ વિસ્તારને ‘ટેક્સ ફ્રી’ ઝોન જાહેર કરીને સારા બિઝનેસમેનોને ત્યાં વેપાર કરવા મોકલી દીધા. પાંચમાં વર્ષે ત્યાં તમામ પ્રોફેશનલ લોકો જેવા કે વૈદ્ય, હજામ, સોની, શિક્ષકો, નાણા ધીરનાર જેવા અનેકને સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું. આજે પાંચ વર્ષ પૂરા થયા. જો ભાઈ, ધ્યાનથી સાંભળ…તને દૂરથી શરણાઈ, ઢોલ અને નગારાનો અવાજ સંભળાય છે? એ મારા સ્વાગત માટે પ્રજાજનો રાહ જુએ છે. મને રાજા તરીકે અહીં તો ફક્ત પાંચ વર્ષ જ રાજ કરવા મળ્યું, પણ ત્યાં તો હું આખી જિંદગી રાજા બનીને રહેવાનો! આ છે મારી મુસ્કાનનું રહસ્ય!
દોસ્ત, બીજા રાજાઓ તો પાંચ વર્ષ ફક્ત ભોગ વિલાસમાં જ માહોલતા રહ્યા! પણ હું જાણતો હતો કે ભગવાને આપણી કમાણીને પણ અમુક વર્ષો જ આપેલા છે. જો તે દરમ્યાન ભવિષ્યનું અને આવનારી અવસ્થાનું પ્લાનિંગ કરી લઈશું તો આખી જિંદગી રાજા બનીને જીવી શકાશે! પણ જો 5-15 વર્ષ કરક્સર થી, ઐયાશી વગર, ભવિષ્ય ના પ્લાનીંગ સાથે જીવીશું તો બીજા રાજાઓની માફક કાકલુદી કરવાનો વારો જ ન આવે

દોસ્તો પ્લાનિંગ માટે આવક માંથી સૌ પ્રથમ ઈન્વેસ્ટમેન્ટ નું પ્લાનિંગ કરી પછી ખર્ચ કરાય.

તમને મળેલા કમાણી ના (પાંચ) વરસો માં આખી જિંદગી રાજા બનીને જીવો એવી વ્યવસ્થા કરી લો, કોઈ ની પાસે કાકલૂદી કરવાનો વારો નહીં આવે.

સંબંધ નામ વિનાના

Standard

✍️નટવરલાલ જી. કાપડિયા

સંબંધો નામ વિનાના અને અજાણ્યા હોય છે.પણ તે અવિસ્મરણીય પણ હોય છે. આજે એવા જ અજનબી સંબંધની વાત કરવી છે.

હું 1963ની સાલમાં વડોદરા સારાભાઇ કેમિકાલ્સ કંપનીમાં નોકરી કરતો હતો. દર મહિને મારી શિ ફ્ટ બદલાતી. રાતપાળી હોય તો મારે જમવાનો પ્રશ્ન તહેતો નહીં. એ સમયે બપોરે અને રાત્રે આઠ વાગ્યે ઘડિયાળી પોળમાં એક જૈન કુટુંબમાં જમવા જતો. સુદ્ધ અને સાત્ત્વિક જમવાનું મળતું. તેઓ જૈન હોઇ બટાટા-કંદમૂળ ખાતા નહીં.કાંદા, લસણનો પણ તેમણે ત્યાગ કર્યો હતો. તેઓ ખુદ આ વ્યંજન જમતા નહીં પરંતુ અમારા માટે ખાસબટાટાની વાનગી પણ બનાવતા. પહેલી શિફ્ટમાં

બપોરે કંપનીમાં ડબાની જરૂરત રહેતી. તથા બીજી શિફ્ટમાં રાત્રે આઠ વાગ્યે મારે ડબામાંથી જમવાનો વિકલ્પ રહેતો. તે સમયે બે ટંક જમવાના ફ્ક્ત પચાસ રૂપિયા.

મારા ડબાવાળા ભાઇ વામનદાદા હતા. રત્નાગીરીના મહારાષ્ટ્રીયન હતા. સફેદ પાયજામો, કફની અને માથી કાયમ સફેદ ટોપી પહેરતાં. તેમનું મુખડું કાયમ હસતું જ રહેતું.

1963ની સાલમાં એ દિવસે મારે બીજી શિફ્ટ હતી.

વામનદાદા મારું ટિફિન કંપની કૅન્ટીનના આંગણામાં બાગની નજીક મૂકી દેતા. મારો સહકર્મચારી ગોવિંદભાઇ તે લઇ આવતો. કોઇ સારી વાનગી મારા ટિફિનમાં હોય તો અમે સાથે જમવા બેસતા.

હવે પ્રસંગ એવો બન્યો કે તે સમયના આપણા લોકલાડીલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીનું દુ:ખદ અવસાન થયું. જનતાએ સ્વયંભૂ શોક પાળ્યો ને લાગણીનો પડઘો પાડ્યો. ફૂટપાથની લારીથી માંડીને હોટલ, વેપારધંધા, દુકાનો બંધ થઇ ગયાં. વડોદરાની સમગ્ર જનતા—આબાલ વૃદ્ધો પણ શોકના સાગરમાં ડૂબી ગયાં. જાહેર માર્ગ પર ચાલતી રિક્ષાઓ પણ અદ્રષ્ય થઇ ગઇ.

અમારા પવર હાઉસમાં તો ડીઝલ એંજિનોનો ગડગડાટ ચાલુ હતો. આ અવાજમાં મારા સહકર્મચારીઓનાં મોં પર પણ દુ:ખ ને નિરાશા છવાઇ ગયાં હતાં. રિસેસના સમયે ગોવિંદભાઇ મારું ટિફિન લઇ આવ્યો. આજે મને ભૂખ પણ વિશેષ લાગી હતી. સાંજના સમયે હું દાળભાત મંગાવતો નહીં ફક્ત રોટલી અને શાક મંગાવતો. ટિફિન આવતાં હું કૅબિનમાં ટેબલ પર ટિફિન ખોલીને બેઠો. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો આજે ટિફિનના ડબામાં ચાર પૂરણપોળી (વેઢમી) અને તળેલાં સુંદર પાતરાં હતાં . બીજા ખાનામાં બટાટાની સૂકી ભાજી હતી.

મેં ગોવિંદને બૂમ પાડી અને મને આજે જમવામાં કંપની અપવા કહ્યું. ગોવિંદે મને પ્રત્યુત્તર આપ્યો; “ભાઇ, બહાર સર્વે દુકાનો બંધ છે. હું તો ઘેર જઇને પણ જમીશ. તમે રૂમ પર જઇને ભૂખે રહેશો.” મેં કહ્યું ‘ભાઇ, માર એકલા માટે આટલી આઇટમ વધુ છે. તું આવ.”

ગોવિંદ મારી સામે બેઠો. મેં તેને વેઢમી અને પાતરાં આપ્યાં. ગોવિંદે બે કોળિયા ખાઇને કહ્યું .”ભાઇ, તમે તો જૈન કુટુંબમાં જમો છો. પણ આ તો અદ્દલ અમારી મહારાષ્ટ્રીયન વાનગીઓ છે. અત્મે ગુજરાતીઓ તુવેરની દાળની વેઢમી ખાવ છો. આતો ચણાની દાળની તલ-કોપરા તેમજ ખસખસથી બનેલી છે. તથા ગોળની બનેલી છે. સૂકી ભાજી પણ અલગ પ્રકારની છે. અને સ્વાદિષ્ટ ઘણી છે.”

”ગોવિંદભાઇ, તમારી વાત સાચી છે. પણ ભાઇ અમે તો પેઇંગ-ગેસ્ટ જે આવે તે જમવું પડે. અમારે તો ચાલશે, ફાવશે ને ગમશે વૃત્તિ રાખવી પડે.”

બીજે દિવસે હું જમવા માટે જૈન કુટુંબમાં ઘડિયાળી પોળમાં ગયો. ત્યારે વડીલ કાકીએ કહ્યું.” ભાઇ, માફ કરજો ! કાલે મારા ખાસ સ્નેહી માંદા પડવાથી અચનક હૉસ્પિટલ દીકરાની વહુ સાથે ગઇ હતી. આવતાંમોડું થયું એટલે ટિફિન આપી શકી નહીં. વામનભાઇ ટિફિણ ખાલી જ લઇ ગયા હતા. મને મનમાં થયું કે કાંઇ નહીં તો ડબામાં નાસ્તો પણ ભરી આપત. તો તને થોડોયે આશરો રહેત. હવે આવી ભૂલ થશે નહીં.”

હવે આશ્ચર્ય પામવાનો મારો વારો હતો. “તો પછી મારા ટિફિન માં વેઢમી, પાતરાં અને બટાટાનું શાક આવ્યું ક્યાંથી? ચમત્કાર થયો..”

હવે તો આ રહસ્યનું કોકડું ખરું ગૂંચવાયું . મેં કાંઇ પણ પ્રત્યાઘાત આપ્યા વિના ચૂપચાપ જમી લીધું. રૂમ પાર જઇને પણ વિચાર્યું તો સૂઝયું કે હવે આ વાત કદાચ ડબાવાળા વામનદાદ જ કહી શકે. બપોરે સહેજે આડેપડખે થતો હતો. પણ આજે તો જિજ્ઞાસાએ મને સૂવા દીધો નહીં. બપોરે ત્રણ પહેલાં સાઇકલ પર નોકરી પાર જવા નીકળ્યો. ઇંતેજારની ઘડી પૂરી થઇ. આઠ વાગ્યે મેં ગોવિંદને કહ્યું:”ભાઇ, આજે ટિફિન લેવા જાવ ત્યારે વામનદાદાને સાથે લેતા આવજો .” ગોવિંદભાઇએ કહ્યું:’વામનદાદાની કોઇ ફરિયાદ હોય તો કહો? કારણ કે તમારા ટિફિનના બંદોબસ્ત માટે વામનદાદને મેં જ કહ્યું હતું.’

‘ના, ભાઇ, ના, મારે ફકત વામનદાદાને મળવું છે. આગ્રહ કરીને જરૂરથી સાથે લાવજો.’

મારાથી ચાલુ ડ્યુટીએ પાવર હાઉસ છોડાય નહીં. વામનદાદા ગોવિંદ સાથે આવ્યા. ગોવિંદના હાથમાં ટિફિન હતું. પણ તેને પણ વામનદાદાને બોલાવવાનું કારણ જાણવાનું હતું. મનમાં કુતૂહલ હતું.

વામનદાદાને જોઇ મેં નમસ્કાર કર્યા. ‘દાદા, જયશ્રીકૃષ્ણ. પ્રણામ.’

’બોલ દીકરા, મને કેમ યાદ કર્યો? મારા મજૂરીના પૈસા આપવા માટે સપ્તાહની વાઅર છે. પણ તું તો ગોવિંદ સાથે રૂપિયા મોકલી આપે છે ને ?’

’દાદા, તમારી પૂરણપોળીનો ઉપકાર કેમ કરીને ભૂલીશ….’ કહેતાં મારું ગળું લાગણીથી ભરાઇ ગયું. મારાથી આગળ બોલાયું નહીં.

’દીકરા, બસ ! આ આટલી જ વાત ?ગઇકાઅલ્નો સંજોગ એવો હતો કે મારાથી અત્ને ભૂખ્યો જેમ રખાય? તમારા થકી અમે રોટલા ભેગા થઇએ છીએ. તું પણ મારા દીકરા જેવો છે. પહેલાં તો હું તને પારસી સમજતો હતો. ગોવિંદે મને તારી બાબતમાં કહ્યું કે નાનપણમાં દોઢ વરસની વયે તારો બાપ સ્વર્ગે સીધાવ્યો, વખાનો માર્યો તું આટલે દૂર આવ્યો છે નોકરી માટે. પાવર હાઉસના આટલા કોલાહલમાં આઠ કલાક ઊભો ઊભો નોકરી કરે છે. એંજિનની ગરમીમાં લાલ ટમાટર જેવો થઇ ગયો છે. ગઇ કાલે તારું તિફિન મારા ઘરેથી જ તારી કાકીએ પ્રેમથી ભરી આપ્યું હતું. કેમ લાગ્યું અમારું ભોજન. સ્વાદ ગમ્યો ને ? માઝા ભાઉ.’ આ હતો એક અજાણ્યા આદમીની આત્મીયતાનો અહેસાસ.

’દાદા, તમે તો દિલવાળા ડબાવાળા છો. ઋણાનુબંધના આ કુદરતી સંબંધ છે. મારી પાસે કોઇ શબ્દો નથી.’ મારી આંખમાં અશ્રુબિંદુ છલક્યાં અને વહ્યાં.

”જો દીકરા, હવે પછી આ વાતનો ઉલ્લેખ કરતો નહીં. અને હજુ કોઇ મુસીબત પડે તો મને યાદ કરજે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે, ‘જીવનમાં યોગી નહીં બનો તો ચાલશે, કોઇને ઉપયોગી જરૂર બનજો.’ આટલું બોલી દાદા પીઠ થાબડી જતા રહ્યા.

હું વામનદાદાને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી અશ્રુભરી આંખે આભારવશ જોતો રહ્યો… જોતો રહ્યો…

નટવરલાલ જી. કાપડિયા

“અન્ન એ દેવતા છે”

Standard


લેખક:- મુકેશ સોજીત્રા

લખમણભાઈ માસ્તરનો એકનો એક દીકરો રાજીવ સુરતમાં જઈને સારું કમાયો. હીરામાં પણ બખ્ખા હતાં અને કાપડમાં પણ બખ્ખા હતાં. પોતાની મેળે જ એક સ્વરૂપવાન અને ધનવાન છોકરી સાથે સંબંધ ગોઠવાયો. લખમણભાઈ પણ ખુશ અને રાજીવની થનાર પત્ની દક્ષા પણ ખુશ.

સુરત જ લગ્ન સમારંભ ગોઠવાયો. બધું જ રાજીવે નક્કી કર્યું હતું. પણ જયારે લખમણભાઈએ રિસેપ્સશનમાં જમણવારની એક ડિશનો ભાવ છસો રૂપિયા સંભાળ્યો ત્યારે એના અંતરાત્માને આંચકો લાગ્યો. સારા એવા પાર્ટી પ્લોટમાં રિસેપશન શરૂ થયું ગાવા વાળા અને વગાડવાવાળા થી સ્ટેજ ભરાઈ ગયું હતું. બેય પક્ષના સગા સંબંધીઓ આવી ગયા હતા.

વાતાવરણમાં સુરની સાથે સાથે આનંદની ક્ષણો અનુભવાતી હતી. રાજીવના સસરાએ સફારી માં સજ્જ એવા લખમણભાઈને કહ્યું. " વેવાઈ આ શુભ પ્રસંગે સ્ટેજ પર તમે તમારો રૂદિયાનો રાજીપો વ્યકત કરો. તમેં હતા શિક્ષક અને મારી દીકરી દક્ષા કહેતી હતી કે મારા સસરા સારું બોલી શકે છે." અને ફટ દઈને લખમણભાઈએ એક ગાવાવાળા પાસેથી માઇક લઈને શરૂઆત કરી દીધી. " આ શુભ પ્રસંગે પધારનારા તમામનું હું અને મારા વેવાઈ બને હાર્દિક સ્વાગત કરીયે છીએ. મને ખુબજ ખુશી છે કે મારો દીકરો રાજીવ દક્ષાની ડાળે બંધાઈ રહ્યો છે એનો અપાર આનંદ છે. આ તકે મને કહેવાનું મન થાય છે કે આ બધા દેવી દેવતાઓમાં અન્ન દેવતા સર્વશ્રેષ્ઠ છે. અન્નદેવની જરૂર બધાને પડે છે. તો અહીં પધારેલા તમામને વિનંતી કે તમારી સાથે આવેલ બાળકોને તમારી ડિશમાં જ જમાડશો એના માટે અલગ ડિશ લેવાની જરૂર નથી. જેટલું તમે બે ડિશમાં લઈ શકો છો એટલું જ તમે એક ડિશમાં પણ લઈ શકો છો. એવું લાગે તો ચાર ચાર ધક્કા ખાઈને પણ ડિશ ભરી શકો છો. બાળકો ડિશ લેશે તો એ બગાડ વધુ કરશે અને બગાડ કરતા પણ બીજી એક ભયંકર બાબત થશે કારણે કે મને જાણકાર સૂત્રો પાસેથી માહિતી મળી છે કે મારા દીકરા રાજીવે એક ડિશના છસો રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે અને હું રહ્યો શિક્ષક એટલે અહીં ઉભા ઉભા અનુમાન લગાવી શકું છું કે આ સમારંભમાં ઓછામાં ઓછામાં બસો બાળકો તો છે જ. એ બધાં જ ડિશ લેતો એક લાખ અને વિસ હજારનો ભૂસડીયો વળી જાય એમ છે. તો તમને બધાને પ્રેમપૂર્વક વિનંતી કે બાળકોને તમારી ડિશમાં જ જમાડો. હું કોઈને ભૂખ્યા રહેવાનું નથી કહેતો. પણ તમારી જ ડિશમાં બાળકોને જમાડો.. આજે તમે બાળકોને તમારી ડિશમાં જમાડશો તો આ જ બાળકો મોટા થઈને તમને એમની ડિશમાં જમાડશે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે સાથે જમીએ સાથે રમીએ. સાથે કરીયે સારા કામ..

જે લોકો એક સાથે બેસીને એક જ થાળીમાં જમી શકે.. એ એક સાથે કોઈ પણ મુશ્કેલી સામે લડી પણ શકે.. એટલે એક જ થાળીમાં ખાવાના અદભુત ફાયદા છે..

હું અને રાજીવની મા પણ એક જ થાળીમાં ખાવાના છીએ.. આમાં હું મારા નવોદિત વેવાઈ અને વેવાણને પણ સાથે જોડવાનો છું.. તમને પણ ઈચ્છા થાય તો મોટી ઉંમરના પતિ પત્ની પણ આમાં જોડાઈ શકે. અલગ અલગ ડિશમાં જમીએ તો અન્નનો બગાડ વધારે થાય.

હું તો જ્યાં સુધી નોકરી કરતો ત્યાં સુધી મધ્યાહન ભોજનમાં પણ જે બાળકો ભાઈ બહેન કે સગા ભાઈઓ હોય એને પણ એક જ થાળીમાં જમાડતો અને અન્નદેવનો બગાડ અટકાવતો.. માટે અન્ન દેવનો બગાડ ન કરો અને મારા રાજીવને જે એક લાખ વિસ હજારનો માતબર ધુમ્બો લાગે એમ છે એ તમે બચાવી શકો એમ છો..

ભારત માતાકી જય.. વંદે માતરમ.. આઝાદી અમર રહો.. ઈંકીલાબ ઝીંદાબાદ"!! સહુએ તાળીઓના ગડગડાટથી લખમણભાઈનું ભાષણ વધાવી લીધું..!!

લેખક:- ®©મુકેશ સોજીત્રા™
મુ. પો ઢસાગામ “૪૨” “હાશ” સ્ટેશન રોડ તા. ગઢડા જી બોટાદ પિન 374730

ઘોડીને ઘોડેસવાર :- “રંગ ઘેાડી – ઝાઝા રંગ !”

Standard

ઘોડી ને ઘોડેસવાર


ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા

એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,
સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.

ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર.

ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને !

મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ​ફૂલમાળ, રેશમ, વાંદર્ય…વગેરેની વાતો નીકળી. એક જણે ડુંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું, “એ બાપ ! જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો !”

એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.

“કાં બા, હસો કાં ? મેાટા અસવાર દેખાઓ છો !”

“અસવાર હું તો નથી, પણ એવા એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!”

“ત્યારે, બા, કહો ને એ વાત ! પણ વાતમાં મોણ ન ઘાલજો ! જોયું હોય એવું જ કહી દેખાડજો.”

ખોંખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું. પછી એણે ડાયરાને કહ્યું : “ બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે, પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લાડ લડાવ્યા વગર તો નહિ રહેવાય.”

હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી.

વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઈતરિયા ગામે સૂથો ધાધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે. પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીને ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના સુવાવડ પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીના – એમ ચાર- ચાર મહિનાના વિજોગ થયા એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે ?

એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇંદ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ-જમીનનાં ​વારણાં લેવા માંડી. સાત-સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં.

પછી તો, વાંદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજા ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંઠે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રેાવા માંડ્યાં. પાતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા ‘કે હૂ…ક! કે હુ…ક !’ શબ્દ ગેહકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ ‘ઢેકૂક !… ઢેકૂક!’ કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી. આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું . એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટી આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા.

મેંકડે પહેાંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય ! એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય ? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો : દિવસ અને રાત આભ ઇંદ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવાં પરનાળાં ખોરડાંનાં નેવાંમાંથી મંડાઈ ગયાં. એ પાણીની ધારો નહોતી વરસતી. પણ આપાને મન તે ઇંદ્ર મહારાજની બરછીએા વરસતી હતી ! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ એાઢણાનો છેડોયે નજરે ન પડે ! એમ ત્રણ ​દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે, “મારે તો આજે જ તેડીને જાવું છે.”

સાસુ કહે : “અરે બાપ ! આ અનરાધાર મે’ મંડાણો છે… એમાં ક્યાં જશો ?”

“ગમે ત્યાં – દરિયામાં ! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખેાટી થાય છે.”

આપાને શાની વાવણી ખેાટી થાતી હતી ! – હૈયાની વાવણી !

ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : “આપા ! તમને ખબર છે? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઊતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઊતરશો ?”

“ત્યાં વળી થાય તે ખરું, પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.”

“ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે’ વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ.”

તે દિવસ આપો રોકાણા. બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તેાળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ[૧] દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું ​એાળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.

મેંકડા અને ઈતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડીતૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.

ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હું ય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં – જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય ! જોગમાયાના સમ શું એ રૂપ ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત !

આપા સૂથાએ ત્રાપાવાળાને પૂછ્યું : “ સામે કાંઠે લઈ જશે ?”

કોળીઓ બોલ્યા : “દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓ ને – બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે !”

“પાણી ક્યારે ઊતરશે ?” ​ ”કાંઈ કહેવાય નહિ.

ગાડાવાળા પટેલે આપાને કહ્યું : “આપા ! હવે ખાતરી થઈ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું.”

“હવે પાછાં વળીએ તો ફુઈ (સાસુ) ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે ! પાછાં તો વળી રિયાં, પટેલ !”

આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં’ – એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. “ કોઈ રીતે સામે પાર ઉતારશો ?”

“કેટલાં જણ છો ?” લાલચુ ત્રાપાવાળાએાએ હિંમત કરી.

“એક બાઈ ને એક બચ્યું. બોલો, શું લેશો ?”

“રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ.”

“ સોળના કાકા !” કહી આપાએ કમરેથી વાંસળી છોડીને “ખડિંગ….ખડિંગ” કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી “ઊતરો હેઠાં.”

કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઈ એ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ ! જાણે પગની પાનીએામાંથી કંકુની ઢગલી થાતી જાય. કસૂંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું માં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બ આંખો : અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી : હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું : માથે લીલાં લીલાં છૂંદણાં : બંસીધારી ​કા’ન અને ગોપીનાં એ મોરાં : અને હેમની દીવીમાં પાંચ- -પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબા-જમણા હાથની પાંચ-પાંચ આંગળીઓ : મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાંય બોલી ઊઠ્યાં : “આપા, ગજબ કાં કરો ? આવું માણસ ફરી નહિ મળે, હો ! આવું કેસૂડાના જેવું બાળક કરમાઈ જાશે. આપા, પસ્તાશો; પોક મૂકીને રેાશો.”

“જે થાય તે ખરી, ભાઈઓ ! તમારે કાંઈ ન બોલવું.” આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો, કાઠિયાણીને કહ્યું : “બેસી જાઓ.”

જરાયે અચકાયા વિના, કાંઈ યે પૂછપરછ કર્યા વિના, “જે માતા !” કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખેાળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો ! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહેાંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં – એવા અડગ વિશ્વાસથી એ ઊભેા હતેા. માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઉતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા-ન-છબ્યા પગે એ ઊભી છે.

ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક ​નદીની લીલા નિહાળીને ઘુઘવાટા દેતું ઊછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં.

“ભૂંડી થઈ!” એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો.

“ગજબ થયો !” બેય કાંઠાના માણસો એ જાણે પડઘો દીધો.

આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી; વાંભ એક લાંબો, એક કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં. ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલાંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો, બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને “ફૂં…” અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી ! એ ન થડકી. એનાં નેત્રો તેા નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી “જે મા !… જે મા ! ”ના જાપ ઊપડ્યા.

“આપા, ગજબ કર્યો !” માણસો એકશ્વાસે બોલી. ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું, રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી :

“ એ જુવાનો ! સામા કાંઠા સુધી રાંઢવું ન છોડજો, હો ! સો રૂપિયા આપીશ.”

ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા : આ શી તાજુબી ! સો રૂપિયા બીજા ! પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનું છેટું ! ‘વોય બાપ !’ ​ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું; “ ઢબ – ઢબ – ઢબાક ! ” ઢબતા ઢબતા બેય જણા કાંઠે નીકળી ગયા.

રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી…. ઘરરર ! ઘરરર ! ત્રાપો તણાયો. “એ ગયો…. એ ગયો… કેર કર્યો આપા ! – કેર કર્યો” એવી રીડિયારમણ બેય કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી – એના બાળક ઉપર છે; અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. ‘જે જગદમ્બા ‘નો મૃત્યુ-જાપ જપાતો જાય છે.

આપો જુએ છે કે કાઠિયાણી ચાલી ! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાને સંસાર કલ્પી લીધો, અને –

ડુંગર ઉખર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,
જાકી હેડી હલ ગઈ, વો કા બુરા હવાલ.

અને –

કંથા પહેલી કામની, સાંયા , મ માર્યે,
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.

– એવા એવા ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું ?

કાઠીએ માણકીની વગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડેાય ઉતારી લીધો. ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી, ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણીકા-મણીકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહેાંચી. આ બધું વીજળીને વેગે બન્યું.

“બાપ માણકી! મારી લાજ રાખજે !” કહીને ઘોડીના ​પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. “ ધુખાંગ” દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી. ચારે પગ લાંબા કરીને એ પાણીમાં શેલારો દેવા લાગી, પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તલવાર વાઈઃ “ડુફ ” દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડયું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું.

“ રંગ આપા ! વાહ આપા!” નદીને બેય કાંઠેથી લેાકેાએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંદા બેાલ્યા.

ચારે દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે ! કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે : મા-દીકરાનાં મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તેા આરો અર્ધો ગાઉ આઘે રહી ગયેલો; સામે પાણી- એ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં નદીના બેડા માથેાડું-માથેાડું ઊંચા! કેવી રીતે બહાર નીકળવું ?

“બાપ માણકી! બેટા માણકી !” કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી.

“કાઠિયાણી, હવે તારું જીવતર રાંઢવામાં છે, મા બરાબર ઝાલજે.” કાઠીએ કહ્યું.

કાઠિયાણીએ બાળકને પલાંઠીમાં દબાવ્યો : બે હાથે રાંઢવું ઝાલ્યું, રાંઢવાના છેડા આપાએ કાઠાની મૂંડકીમાં ​ભરાવ્યેા. માણકી કાંઠા પાસે પહોંચી, એના પગ માટી ઉપર ઠેરાણા.

“કાઠિયાણી ! ઝાલજે બરાબર !” કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું-માથોડું ભેડા ઉપર છલાંગ મારી… પણ ભેડા પલળેલા હતા, માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પાછો પછડાણો. મા-દીકરા મૂંઝાઈને પાછાં શુદ્ધિમાં આવ્યાં.

“બાપ માણકી !” કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવાં મેાજાં જાણે ભેાગ લેવા દોડ્યાં આવ્યાં.

ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી : “કાઠી, બસ ! હવે ત્રાપો મેલી દ્યો ! તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તે બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા.”

“બોલ મા ! – એવું વસમું બોલીશ મા ! નીકળીએ, તો ચારે જીવ સાથે નીકળીશું; નીકર ચારે જણાં જળસમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે – કાં ઈતરિયાને એારડે, ને કાં સમદરના પાતાળમાં.”

“માણકી ! બાપ ! આંહી અંતરિયાળ રાખીશ કે શું ?” કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. “રંગ આપા ! રંગ ઘોડી !” એમ કિકિયારી કરતાં માણસો ટેાળે વળ્યાં, આપા માણકીને પવન નાખવા ​મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી : એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા.

માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યેા હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. “બાપ માણકી ! મા માણકી !” – એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું, ત્યાં ને ત્યાં જળ મૂકયું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યાં જતાં હતાં.

એંસી વરસનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર તો જાતવંત ઘોડાં હતાં : પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો.

“ રંગ ઘેાડી – ઝાઝા રંગ !” એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.
તસ્વીર- પ્રતિકાત્મક છે
નોંધ :-
કાઠિયાણીઓ અને ચારણ્યો આઇ ઓ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ઘુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો, સોંઘા નામનો ‘પોમેટમ’ જેવો જ ચીકણો. પદાર્થ પણ તે સ્ત્રીઆ જાતે તૈયાર કરતી. એાળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. પણ એ સોપો ભરીને સ્ત્રીએ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી.
🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹
સૌરાષ્ટ્ર ની રસધાર – ઝવેરચંદ મેઘાણી

જીવનમાં સભ્યતાની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ ડોક્ટર કરતા આગળ નીકળી ગઈ – વાંચો હૃદયસ્પર્શી વાર્તા ‘બે કપ ચા’

Standard

સાતમ આઠમના તહેવારો હતાં. શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘન સમયથી બહાર ગયાં નહોતા અને હજુ પરણ્યા એને બે જ વરસ થયા હતા. સંતાનનું કાઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી. બને સાથે જ મેડીકલ કોલેજમાં ભણતાં હતા અને ત્યાંજ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટ વ્રુક્ષ બની ગયું. શહેરમાં બેંકની લોન લઈને દવાખાનું કર્યું હતું. સુકેતુ એમડી મેડીસીન હતો અને નેહલ ગાયનેકોલોજીસ્ટ. સ્વભાવ અને હથરોટીને કારણે બને જણાએ ટૂંક સમયમાં જ ખ્યાતી હાંસલ કરી લીધી હતી. ગયા ઉનાળામાં એ લોકો મહાબળેશ્વર અને પંચગીની ગયાં હતાં. આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાના હતાં.
બનેની સમાન ખાસિયતો હતી. બને ને બીજા ડોકટરો સાથે સમુહમાં જવાનું ફાવતું નહિ. પોતાની ગાડી અને પોતાના સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી રહેવું. વારફરતી બને ગાડી ડ્રાઈવ કરી લેતાં હતા. ગુરુવારે બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. તૈયારીમાં તો ખાસ કશું નહોતું બસ કપડાં, જરૂરી દવાઓ અને પાણીનો મોટો જગ લઇ લીધો હતો. વરસાદ આ વરસે ઠીક ઠીક પ્રમાણમાં પડ્યો હતો એટલે જ બને એ મધ્યપ્રદેશ પર પસંદગી ઉતારી હતી. સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો હતો. એ ભણતો ત્યારથી જ એણે ઇન્દોર વિષે ઘણું સાંભળ્યું હતું. ત્યાં રાતે શરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે. વળી દિવસે એક જગ્યાએ ખાવાની છપ્પન દુકાનો હતી. ઇન્દોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું!!
શુક્રવારે સ્વારથી જ વરસાદ શરુ હતો. અને બને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા. વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ ઓછી હતી. સારા વરસાદને કારણે રોડની બને બાજુએ પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી. દોઢસો કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી. ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું. સાથે સાથે બને જણા ભરૂચની પ્રખ્યાત હાજમાં શીંગ ખાઈ રહ્યા હતા. વરસાદમાં શીંગ ખાવાનો એક અદ્ભુત લ્હાવો હોય છે. બને નવયુવાન ડોકટર દંપતી ખુશમિજાજ મુડમાં મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા.
મધ્યપ્રદેશની બોર્ડર હવે ચાલીશ કિમી દૂર બતાવતી હતી. એક નાનકડું શહેર આવ્યું. અને અચાનક જ વરસાદ વધી ગયો. નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે માંડ માંડ કાઢી. તેઓ બને જેમ જલદી બને તેમ મધ્યપ્રદેશમાં પ્રવેશવા માંગતા હતા. આગળ હવે બને બાજુઓ ઘેઘુર વ્રુક્ષોથી છવાયેલી હતી. વરસાદ સતત વધતો જતો હતો. રસ્તો પણ હવે ચડાવ વાળો અને ઉતરાણ વાળો હતો. ના છૂટકે સુકેતુએ ગાડીની સ્પીડ ઓછી કરી. વરસાદની સાથે પવન પણ હરીફાઈમાં ઉતર્યો હોય એમ લાગતું હતું. આજુબાજુની કંદરાઓમાં મોરલા બેવડ વળી વળીને ગહેંકતા હતા. ચારેક કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ પર એક નાનકડી દુકાન હોય એમ લાગ્યું. બને એ નક્કી કર્યું કે કદાચ ત્યાં ચા મળી જાય તો ચા પીને આગળ વધવું. ગાડીને પણ સહેજ પોરો થઇ જાય બાકી બપોરનું ભોજન તો બે વાગ્યે મળે તો પણ ચાલશે.. આમેય રોજ તેઓ બપોરના બે વાગ્યે જ જમવા પામતા હતા. એક નાનકડું છાપરું હતું ત્યાં ગાડી ઉભી રાખી અને બને જણા ત્યાં ઉતર્યા. ઘર ખાસ કોઈ મોટું નહોતું ત્રણ ઓરડા હતા એકમાં દુકાન કરી હતી બીજા બે ઓરડામાં એ લોકો રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા. બે કુતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલ પહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો.
“ છે કોઈ દુકાનમાં?” જવાબમાં એક સ્ત્રી આવી તેણે ચારેક વરસનું છોકરું તેડ્યું હતું. તેને જોઇને સુકેતુ એ બે વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતાં એ લીધા અને કહ્યું.
“ બે સ્પેશ્યલ ચા બનાવોને બહેન!! ઝડપ કરજો હો!! અમારે દૂર જવાનું છે” સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. વરસાદ શરુ જ હતો. આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો. બને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતાં. લગભગ દસ મિનીટ પસાર થઇ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ હતાં નહિ!! સુકેતુ પાછો દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી. વળી પુરુષનો ઉધરસ વાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું. આવીને એ બોલી.
“ ચા ઉકળે છે.. તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું.સાહેબ થોડી વાર જ લાગશે.. બેસો તમે હમણા જ ચા આપું છું” કહીને એ વળી પાછી અંદર અદ્રશ્ય થઇ ગઈ!! નેહલ તો આજુબાજુ જોઈ જ રહી હતી. વેફર્સ ખવાઈ ગઈ હતી. ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં બે મેલા ઘેલા કપ હતાં. એમાં ગરમાગરમ ચા હતી. કપ જોઇને જ સુકેતુનો મુડ ખરાબ થઇ ગયો. પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે એ શાંત રહ્યો. કચવાતા મને બેય કપ લઈને વળી પાછો એ ખુરશી પર બેઠો. એક કપ એણે નેહલને આપ્યો અને એક કપ એણે મોઢે માંડ્યો!!
“ તુલસી અને આદુના સ્વાદ વાળી અદ્ભુત ચા બની હતી. મેલાઘેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા બનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલ ચુકવવા સુકેતુ દુકાન પાસે ગયો. અને સોની નોટ પેલી સ્ત્રીને આપી. પેલી સ્ત્રી બોલી.
“ વિસ રૂપિયા છુટ્ટા આપોને મારી પાસે છુટ્ટા નથી” સુકેતુ એ બીજા વીસ રૂપિયા છુટ્ટા આપ્યા અને પેલી સ્ત્રીએ સો રૂપિયા પાછા આપ્યાં. સુકેતુ બોલ્યો.
“ બે વેફર્સ પણ લીધી છે એના પૈસા પણ લઇ લો”
“ વેફર્સના પૈસા જ લીધા છે.. ચાના પૈસા નથી લીધા” પેલી સ્ત્રી બોલી.
“કેમ ચાના પૈસા નથી લીધા”??? સુકેતુએ નવાઈથી પૂછ્યું.
“ ચા અમે વેચતા નથી.. આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી ચા અમે વેચતા નથી એટલે એના પૈસા અમે નો લઈએને “ પેલી સ્ત્રી મક્કમતાથી બોલી. અને સુકેતુ એકદમ પથ્થરનું પુતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એપણ દુકાન પાસે આવી ગઈ.
“ હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો?? આટલામાં દૂધ ક્યાંથી મળશે??”
“તે એક દિવસ દૂધ નહિ મળે તો છોકરો કાઈ મરી નહિ જાય!! આ તો એના બાપા બીમાર છે નહીતર એ સાયકલ લઈને નજીકના શેરમાંથી દૂધ લઇ આવે..પણ એને તાવ આવે છે કાલનો પણ આજ રાતે મટી જાશે એટલે કાલ સવારે એ દૂધ લઇ આવશે. આ તો તમે માંગી ચા એટલે બનાવી દીધી” પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ. નેહલ પણ ઘડીભર કાઈ બોલી ન શકી. છેલ્લે સુકેતુ બોલ્યો!!
“ અમે ડોકટર છીએ ક્યાં છે આ છોકરાના બાપા? ”
“ એ અંદર છે આવો” સ્ત્રી બોલી અને બને ડોકટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આંટા લઇ ગઈ હતી. ચુલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી. જેમાં તેમના માટે આદુ અને તુલસી વાળી ચા બની હતી. એક ભાંગલા તૂટલાં ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ એ દર્દીના માથે હાથ ફેરવ્યો!! આખું માથું અને શરીર ધગી રહ્યું હતું. પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઇ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠી બેસી ગઈ હતી. સુકેતુ દર્દીને તપાસી રહ્યો હતો. થોડી વાર પછી એ બોલ્યો.
“બહેન આ ટેબ્લેટસ થી કદાચ તાવ નહિ ઉતરે. બોટલ ચડાવવી પડશે. બીજા ઇન્જેક્શન આપવા પડશે. એક કામ કરું હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ તું અહી બેસ આ બહેન પાસે” કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અર્ધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો.સાથે દુધની પાંચ કોથળી અને સફરજન પણ લેતો આવ્યો. સ્ત્રીના પતિને ઇન્જેક્શન આપ્યાં અને બોટલ શરુ કરી. દુધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને એના પતિએ ડોકટરની સામે હાથ જોડ્યા!! પૈસા આપવાની કોશિશ કરી પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈ ને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી. અને ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર!! વરસાદ રોકાઈ ગયો હતો. થોડીવાર પછી નેહલ બોલી.
“આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો બે કપ ચા પીને ધરાઈ ગઈ છું.”
“મને પણ ભૂખ નથી. આવી ચા જીંદગીમાં ક્યારેય પીધી નથી” સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી. ગાડી આગળ ચાલી રહી હતી.
ત્રણ દિવસ મધ્યપ્રદેશમાંથી ફરીને તેઓ પાછા આવ્યાં હતા. ફરીથી એ પેલી દુકાન આગળ ઉભા રહ્યા હતા. નાના છોકરાઓ માટે એ ઘણા બધા રમકડા લાવ્યા હતા. સાથે દુધની કોથળીઓ પણ હતી. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઇ ગયો હતો. બને ખુબજ ભાવુક થઇ ગયા હતા. પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એક વાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યાં.
સોમવારે દવાખાનું ખોલ્યું અને કેઈસ લખવા વાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઇ લઈશ.
અને પછી સુકેતુ અને નેહલે સેવા શરુ કરી દીધી. ગરીબ અને જરુરીયામંદની તેઓ કશી જ ફી ના લેતા હા સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા!! થોડાક સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ. ડોકટર એશોશિએશનના પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું.
“ કેમ મોટો એવોર્ડ લેવો છે કે મહાન થઇ જવું છે?? તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડોકટરને હલકા દેખાડવા માટે છે. આ આપણા સંગઠનનાં નિયમ વિરુદ્ધ છે” સુકેતુ અને નેહલે તેને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડોકટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું. સુકેતુ એ કહેલું.
“ જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું. મેડીકલમાં પણ કોલેજ પ્રથમ હતો. પણ તે દિવસે જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારી કરતાં આગળ નીકળી ગઈ!! પોતાના છોકરા માટે રાખેલ દુધની ચા બનાવીને પાઈ દીધી એ પણ સાવ નિસ્વાર્થ ભાવે!! હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડ મેડાલીસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે!! હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી શું હું પેલી સ્ત્રીની સભ્યતાની આગળ હું ઉણો ઉતરું?? ક્યારેય નહિ હું કોઈ કાળે સભ્યતાની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહિ!! હું તો ઈચ્છું કે તમામ ડોકટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પુરેપુરો ખીલી જશે” અને ડોકટર શર્માને આ ડોકટર દંપતી પર આજે ખુબ જ ગર્વ થયો.
અત્યારે ઘણી બધી હોડ ચાલે છે. કોઈને પછાડવાની તો કોઈને જડમુળથી ટાળી દેવાની હોડ!! પણ જે દિવસથી આ જગતમાં સભ્યતાની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે તેજ દિવસથી જગત ખરેખર નંદનવન બની જશે. {કથા બીજ અકીલ કાગડા તરફથી સાભાર}
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે, અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે

Standard

આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે, અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે.

એક જુવાન સંન્યાસી જંગલમાં ગયો. ત્યાં તેણે ધ્યાન ધર્યું, લાંબા સમય સુધી ઉપાસના અને સાધના કરી. ઘણાં વર્ષો સુધી સખત તપ અને સાધના કર્યા પછી, એક દિવસ એ વૃક્ષ નીચે બેઠો હતો, ત્યારે વૃક્ષ પરનાં સૂકાં પાંદડાં એના માથા પર પડ્યાં.

એણે ઊંચે જોયું તો, વૃક્ષની ટોચે એક કાગડો અને એક બગલો ઝઘડી રહ્યાં હતાં. આ જોઈને સંન્યાસીને ખૂબ ગુસ્સો ચડ્યો. તેણે બંને પક્ષીઓને સંબોધીને કહ્યું : ‘તમે સૂકાં પાંદડાં મારા માથા પર શા માટે નાંખો છો ? તમારું હવે આવી બન્યું લાગે છે !’

આ શબ્દો બોલતાંની સાથે એણે ગુસ્સાભરી નજરે પેલા કાગડા અને બગલા ભણી જોયું , ત્યાં તો પેલાં બંને પક્ષી બળીને ખાખ થઈ ગયાં ! આ જોઈને સંન્યાસીને બહુ આનંદ થયો. નજર માત્રથી પોતે કાગડાને અને બગલાને પળવારમાં બાળીને ભસ્મ કરી શક્યો એ સિદ્ધિના પરચાથી એને ભારે આનંદ થયો. થોડા વખત પછી ભિક્ષા માટે સંન્યાસીને શહેરમાં જવાનું થયું. એ શહેરમાં ગયો. એક ઘરને બારણે જઈને ઊભો . તેણે કહ્યું : ‘માં, મને ભિક્ષા આપો.’

ઘરમાંથી અવાજ આવ્યો : “દીકરા, જરા થોડો વખત થોભજે !’

આ સાંભળીને પેલા સંન્યાસીનું મગજ તપી ગયું : ‘અરે ! તું મને રાહ જોવાનું કહે છે ? મારી શક્તિનું તને હજી ભાન નથી.’ આવો વિચાર તે કરતો હતો ત્યાં તો ઘરની અંદરથી ફરી અવાજ આવ્યો : ‘દીકરા ! તપનું બહુ અભિમાન ન રાખ. અહીં કંઈ કાગડો કે બગલો નથી.’

યોગીને આશ્ચર્ય થયું. એને રાહ પણ જોવી પડી. આખરે સ્ત્રી બહાર આવી. યોગી એના પગે પડ્યો અને પૂછવા લાગ્યો : ‘મા, તમને કાગડા અને બગલાની વાતની ખબર કેવી રીતે પડી ?’

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો : ‘મારા દીકરા ! હું તારા યોગને તેમજ સાધનાને જાણતી નથી. હું તો એક સામાન્ય સ્ત્રી છું. મારે તને રાહ જોવડાવવી પડી ! મારા પતિ બીમાર છે. હું તેમની સેવામાં હતી. આખા જીવનમાં મારું કર્તવ્ય બજાવવાની મેં મથામણ કરી છે. જ્યારે હું કુમારિકા હતી ત્યારે મારાં માબાપ પ્રત્યેનાં કર્તવ્ય મેં બજાવ્યાં ; આજે હું પરણેલી છું ત્યારે મારા પતિ પ્રત્યેનું કર્તવ્ય હું બજાવું છું. એકમાત્ર આ યોગ હું સાધું છું. પણ મારું કર્તવ્ય બજાવવાથી મારામાં જ્ઞાન આવ્યું છે, આથી તારા મનમાં ચાલતા વિચારો હું જાણી શકી અને તે જે વનમાં કર્યું તે સમજી શકી. આથી વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય તો હું કહું છું કે ગામની બજારમાં તું જા. ત્યાં તને એક વ્યાધ મળશે. તને ખૂબ આનંદ આવે એવું કંઈક એ તને કહેશે.’

પહેલાં તો એ સંન્યાસીને થયું : ‘મારે એ ગામમાં અને વળી એ વાઘ પાસે શું કામ જવું જોઈએ?’ પણ પોતે જે જોયું તેથી એની આંખો જરા ખૂલી હતી. એ ગયો. એણે બજારમાં દૂર એક વ્યાઘને જોયો. એ વ્યાઘ મોટા છરા વતી માંસના ટુકડા કાપતો હતો, અને સાથોસાથ જુદા જુદા લોકો સાથે સોદો કરતાં કરતાં વાતો કરતો હતો.

પેલા જુવાન સંન્યાસીને થયું : ‘ઓ પ્રભુ ! આવા માણસની પાસે મારે શીખવાનું શું હોય ? આ તો રાક્ષસ જેવો છે !’ એટલામાં એ વ્યાધે ઊંચે જોયું અને કહ્યું : ‘સ્વામીજી ! તમને પેલી સ્ત્રીએ અહીં મોકલ્યા ? જરા મારું કામ પતાવી લઉં ત્યાં સુધી બેસો,’ સંન્યાસી ચમક્યો : ‘આ શું થઈ રહ્યું છે !’

તે બેઠો અને વાઘ એનું કામ કરતો રહ્યો. કામ પતી ગયા પછી પૈસા ટકા સંભાળી લઈ તેણે સંન્યાસીને કહ્યું : ‘ચાલો સ્વામીજી, મારે ઘેર ચાલો.’ ઘેર પહોંચ્યા એટલે વ્યાધે બેસવાને આસન આપી કહ્યું : ‘બેસો, સ્વામીજી !’

આમ કહી વ્યાઘ ઘરમાં ગયો. વ્યાધે ઘરમાં પોતાનાં ઘરડાં માતાપિતાને નવડાવ્યાં, જમાડ્યાં અને એમને રાજી રાખવા જે કાંઈ થઈ શકે એ બધું કર્યું.

ત્યાર પછી એ વ્યાધ સંન્યાસી પાસે આવ્યો અને બોલ્યો : ‘ચાલો ત્યારે, તમે મને મળવા આવ્યા છો તો તમારે માટે હું શું કરું ?’

સંન્યાસીએ એને આત્મા અને પરમાત્મા વિશે થોડા સવાલ પૂછ્યા. વ્યાધે એને એ વિશે એક આખ્યાન આપ્યું , જે ‘મહાભારત’ ના એક ભાગ તરીકે ‘ વ્યાઘ – ગીતા ’ નામે ઓળખાય છે . એમાં વેદાંતનું ઊંચું રહસ્ય છે.

જ્યારે વ્યાધે પોતાનો ઉપદેશ પૂરો કર્યો, ત્યારે સંન્યાસી આશ્ચર્યચક્તિ થયો. તેણે પૂછ્યું : ‘તમારી પાસે આવું જ્ઞાન છે, તો પણ તમે વ્યાઘના શરીરમાં શા માટે રહો છો ? આવું ગંદું અને હલકું કામ શા માટે કરી રહ્યા છો ?’

વ્યાઘે જવાબ આપ્યો : ‘હે વત્સ, કોઈ કર્તવ્ય ગંદું નથી, કોઈ કર્તવ્ય હલકું કે અશુદ્ધ નથી. મારા જન્મ મને આ સંજોગોમાં અને વાતાવરણમાં મૂક્યો છે. મારા બાળપણમાં હું આ ધંધો શીખ્યો છું. હું અનાસક્ત છું અને ગૃહસ્થ તરીકે હું મારાં માતાપિતાને સુખી કરવાનું કર્તવ્ય સારી રીતે બજાવવાનો પ્રયત્ન કરું છું. હું તમારા યોગને જાણતો નથી, હું સંન્યાસી થયો નથી, તેમજ જગત છોડી હું વનમાં ગયો નથી, તેમ છતાં તમે જે કંઈ જોયું અને સાંભળ્યું, તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાસક્ત ભાવે કર્તવ્ય કરવામાંથી મને પ્રાપ્ત થયેલું છે.’

ગીતામા શ્રી કૃષ્ણ અે પણ કહ્યુ છે

स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८-४५॥

પોત પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને(સિધ્ધી)ને પામે છે પોતાના કર્મમાં તત્પર રહેલો
મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ.(૪૫)

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३-३५॥
એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.3.35

यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ૧૬.૨૩
જે શાસ્ત્રોઅે દર્શાવેલ આજ્ઞા વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, તેને સિદ્ધિ, સુખ કે ઉત્તમ/પરલોકની ગતિ પ્રાપ્ત થતી નથી.(૨૩)

આજે જ્યારે ભારત દેશમાંથી વિશ્વ આદર્શ જન્મના વર્ણવ્યવસ્થા, વિવાહ સમયે સ્ત્રી પુરુષના ધર્મ ના વિભાજનથી નિર્ધારિત કરેલ કુંટુંબ વ્યવસ્થાનુ પાલન કરવાનુ લુપ્ત થઈ રહ્યુ છે ત્યારે પ્રત્યેક સનાતની અે ભગવાન કૃષ્ણ ની ગીતા ના આ સંદેશ અંગે વિચારવુ જોઈઅે.
શુ ભૌતિક સુખ ના આ માર્ગ પર આપણો મોક્ષ નો માર્ગ પ્રશસ્ત થશે.???શુ આ લોક માં પણ આપણે આ સિધ્ધાંત નો ત્યાગ કરી સુખ પામી શકીશુ.???
હર હર મહાદેવ

વાત્સલ્ય – ડૉ. નિલેષ ઠાકોર

Standard

વાત્સલ્ય..
– ડૉ. નિલેષ ઠાકોર

અમદાવાદ ના સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ માં આવેલી બી. જે. મેડિકલ કોલેજ ની લાઇબ્રેરિ માં વાંચી રહેલા સક્ષમ ની નજીક એક છોકરી આવી અને સક્ષમ ને કહ્યું
“ હું અહી તમારી પાસે વાંચી શકું ?”

થોડા ખચકાટ અને શરમ ના મિશ્ર પ્રતિસાદ સાથે સક્ષમ એ કહ્યું “ હા, કેમ નહીં! જરૂર થી બેસો ” એ છોકરી વચ્ચે વચ્ચે પોતાને જે સમજણ ના પડે એ ટોપિક સક્ષમ પૂછતી અને સક્ષમ પણ આત્મવિશ્વાશ પૂર્વક એના જવાબ આપી પૂરો ટોપિક સમજાવતો. ધીમે ધીમે આ ક્રમ રોજિંદો બની ગયો.

સક્ષમ એમબીબીએસ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરતો સૌથી તેજસ્વી વિદ્યાર્થી હતો. પોતાના ક્લાસ માં પૂછાતા બધાજ પ્રશ્નો ના જવાબ આપવામાં હમેંશા અવ્વલ રહેતો. ક્લાસ માં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ પણ સક્ષમ ના જવાબ સાંભળી અભિભૂત થઈ જતાં. કોલેજ ની અને યુનિવર્સિટિ ની દરેક પરીક્ષામાં સક્ષમ નું નામ પ્રથમ ક્રમાંકે હોતું. સક્ષમ એક મૃદુ અને સહજ સ્વભાવ નો સીધો સાદો છોકરો હતો.પોતે દરેક પરીક્ષામાં અવ્વલ હોવા છતાં નિર્ભીમાની હતો અને બીજાની મદદ કરવા હમેંશા તત્પર રહેતો. આ કારણસર સક્ષમ પર ફીદા થનારી છોકરીઓ ની સંખ્યા પણ વધારે હતી. આ બધી છોકરીઓ માં શિખા ને સક્ષમ માટે કઇંક વિશેષ લાગણી હતી અને પોતે જ પહેલ કરી એ સક્ષમ પાસે લાઈબ્રરી માં પહોંચી ગઈ અને રોજ એના પાસે લાઇબ્રેરિ બેસી વાંચવાનો ક્રમ રોજિંદો બનાવી દીધો. ધીમે ધીમે લાઇબ્રેરિ ની બહાર પણ તેમની મુલાકાતો વધવા લાગી. ક્યારે તેમનો સંબંધ પ્રેમ માં પરિણમ્યો તેની તેમને ખબર જ ના રહી. સક્ષમ અને શિખા એકબીજા ના ગાઢ પ્રેમ માં ગળાડૂબ અને નિજ મસ્તી માં ગુલ હતા.

અચાનક એક દિવસ લાઇબ્રેરિમાં વાંચી રહેલા સક્ષમ ના મોબાઇલ પર આશરે રાત્રે 9 વાગ્યા ના સુમારે કોલ આવ્યો. કોલ ઉપાડી જરા ગંભીર મુદ્રા સાથે એને સામે રહેલી વ્યક્તિ ને બસ આટલું કહ્યું

“ હા, હું આવું છું.” અને એ પાસે વાંચી રહેલી શિખાને કશું કહ્યા વગર નીકળી ગયો.
રાત્રે 11 વાગ્યા ના સુમારે સક્ષમ પાછો આવ્યો.

શિખા ના મનમાં હજાર સવાલો હતા છતાં સક્ષમ ને ખોટું ના લાગે એ કારણસર એને પૂછવાનું ટાળ્યું.

થોડા દિવસ પછી આ જ રીતે રાત્રે 11 વાગ્યા ના સુમારે કોલ આવ્યો. એ જ ગંભીર મુદ્રા સાથે એને કોલ માં કહ્યું “ હા, હું આવું છું.” અને એ સડસડાટ નીકળી ગયો.

શિખા લાઇબ્રેરિ માં રાહ જોતી રહી. આશરે રાત્રિ ના 2 વાગ્યે સક્ષમ પાછો આવ્યો અને શિખાના ચહેરા પર છવાયેલા હજાર સવાલો ને નજર અંદાજ કરી જાણે કઈંજ ના બન્યું હોય એમ શિખા જોડે બેસી વાંચવા લાગ્યો. થોડા થોડા દિવસે આવી રીતે કોલ આવતા અને સક્ષમ ચાલ્યો જતો અને ક્યારેક ક્યારેક તો લાઇબ્રેરિ માં રાતભર પાછો જ ના આવતો. શિખાના મન માં હવે શંશય થવા લાગ્યો.

“સક્ષમ ક્યાં જતો હશે ? કદાચ સક્ષમ બીજી કોઈ છોકરી ના પ્રેમ માં ? ના, ના, મારો સક્ષમ આવું કદાપિ ના કરે મને સક્ષમ પર પૂરો વિશ્વાશ છે ? તો પછી એ મને કશું કહેતો કેમ નથી ?” વિચારો નું યુદ્ધ શિખા ના મનમાં ફરી વળ્યું.

થોડા દિવસ ના અંતરાલ, પછી રાત્રે 10 વાગ્યે આવો કોલ આવ્યો અને સક્ષમ નીકળી ગયો. હકીકત જાણવા આ વખતે શિખા પણ સક્ષમ ની પાછળ પાછળ સક્ષમ ને ખબર ના પડે એ રીતે સક્ષમ ને અનુસરવા લાગી. દૂર થી એને જોયું તો સક્ષમ ટ્રોમા અને ઇમર્જન્સિ વિભાગ ના સિસ્ટર ઇન ચાર્જ પૃચ્છા કરી ત્યાં હમણાં જ એડ્મિટ થયેલા એક વૃદ્ધ દાદા ને મદદ કરતો હતો. થોડીવાર પછી એ વૃદ્ધ દાદાને ટેકો આપી x-ray પાડવા x-ray રૂમ માં લઈ ગયો.

શિખા ઝડપ થી સિસ્ટર ઇન ચાર્જ પાસે પહોંચી જીજ્ઞાશા પૂર્વક પૂછ્યું “આ સક્ષમ ના દાદા છે ? શું થયું છે એમને ?”

“હા, આ સક્ષમ ના દાદા છે અને આવા કેટલાંય સક્ષમ ને દાદા અને દાદી છે.” સિસ્ટર ઇન ચાર્જ એ જરા હાસ્ય સાથે કહ્યું.

“મતલબ ?” શિખા એ આંખો ની ભ્રમરો ઊંચી ચડાવી ફરી પાછો સવાલ પૂછ્યો ?

“જ્યારે પણ અહીં કોઈ વૃદ્ધ અને અશક્ત અને જેમની કોઈ મદદ કરવા વાળું સાથે હોતું નથી ત્યારે અમે સક્ષમ ને કોલ કરીએ છીએ અને સક્ષમ એક પળ નો વિચાર કર્યા વગર અહી આવી એમની સારવાર માં મદદ કરે છે, એમની ટિફિન ની વ્યવસ્થા કરે છે જ્યાં સુધી એમની પરિસ્થિતી માં સુધાર ના થાય ત્યાં સુધી એમની પાસે જ બેસે છે.” સિસ્ટર ઇન ચાર્જ એ ખુશી ની લાગણી સાથે શિખા ને કહ્યું.

થોડીવાર પછી સક્ષમ ઇમર્જન્સિ વિભાગ માંથી બહાર આવ્યો અને બહાર પોતાની રાહ જોઈ ને ઊભી રહેલી શિખા ને જોઈ થોડું અચરજ પામ્યો. શિખા સક્ષમ ને જોઈ ત્યાં જ ભેંટી પડી અને સહેજ આંખ ના ખૂણાઓ ભીના કરી કરી કહ્યું “ મને માફ કરી દે સક્ષમ મેં તારા પર ખોટો શંશય કર્યો પણ તે મને કશું કહ્યું કેમ નહીં ?”

સક્ષમ એ શિખાનો હાથ પોતાના હાથ માં લઈ તેને સમજાવાતો હોય એમ કહ્યું “ શું કહું શિખા ? તું જાણે જ છે કે હું બહુ નાનો હતો ત્યારથી જ મારા માતા પિતા ગુજરી ગયાં, હું મારા મામા-મામી ના ત્યાં રહી મામી ના મ્હેણોં ટોણાં સાંભળી ઉછર્યો છું. એક માનું વાત્સલ્ય અને પિતા નું હેત શું એની મને આજ દિન સુધી ખબર નથી એટલે અહી જ્યારે પણ કોઈ વૃદ્ધ, અશક્ત અને એકલા બા કે દાદા એડ્મિટ થાય છે તો આવી જાઉં છું, એમના ટિફિન ની વ્યવસ્થા કરું છું,એમને મારા હાથે જમાડું છું, ક્યારેક ક્યારેક કોઈ બા મને એટલું પૂછી લે છે કે “બેટા, તું જમ્યો તો ખરો ને ?” ત્યારે એવું લાગે છે કે મારી મમ્મી મને પૂછી રહી છે અને પછી જ્યારે એ મને એ પોતાના હાથથી જમાડે છે ત્યારે એવું લાગે છે કે જાણે મારી મમ્મી મને જમાડી રહી છે. હું બસ આમ એમના હાથ નો એક કોળિયો ખાવા અહીં આવું છું. જ્યારે કોઈ દાદા ની મદદ કરું છું ત્યારે થતી વાતચીત માં દાદા મારા પરિક્ષાના પરિણામ વિષે પૂછે છે ત્યારે એવું લાગે કે જાણે મારા પપ્પા મને પૂછી રહ્યા છે, દરેક પરીક્ષામાં અવ્વલ આવું છું પણ પરિણામ પછી મારી પીઠ પર હાથ ફેરવી શાબાશી આપવા વાળું કોઈ નથી શિખા. એટલે જ જ્યારે એ દાદા મારૂ પરિણામ જાણી મારી પીઠ અને માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપે છે ત્યારે જાણે એવું લાગે છે કે મારા પપ્પા પાછા આવી ગયાં. અહી આ રીતે દાખલ થતાં દરેક બા- દાદા માં હું મારા મમ્મી-પપ્પા શોધું છું. ક્યારેક એમની બહુ યાદ આવી જાય તો હોસ્ટેલ પર પાછો જઈ મમ્મી પપ્પા ના ફોટા ને છાતી સરસો ચાંપી થોડુક રુદન કરી સૂઈ જાઉં છું.” આટલું કહેતાં કહેતાં સક્ષમ ની આંખ માંથી અશ્રુ ધારા વહેવા લાગી.

શિખા પણ સક્ષમ ના આંસુ લૂછતાં લૂંછતા બોલી “ સક્ષમ, થોડા સમય માં હું તારી જીવનસંગિની બનવાની છું અને હવેથી તારા આ દરેક કાર્ય માં પૂરો સાથ અને સહકાર આપીશ.જાસિસ્ટર ઇન ચાર્જ ને કહી દે કે હવે થી સક્ષમ એકલો નહીં પરંતુ સક્ષમ અને શિખા બંને આવશે.”

હાલ માં, સક્ષમ અને શિખા અમદાવાદ નજીક અમદાવાદ થી ગોધરા હાઇવે પર આવેલી ટ્રસ્ટ ની હોસ્પિટલ માં ફરજ બજાવે છે અને “દીકરા નું ઘર” નામનું વૃદ્ધાશ્રમ ચલાવી એમાંજ રહે છે. અત્યારે સક્ષમ અને શિખા ના પુત્ર વાત્સલ્ય પર 33 દાદી અને 46 દાદા ઓ ના વાત્સલ્ય અને હેત નો ધોધ વર્ષી રહ્યો છે જેના એક ટીંપા માટે પણ સક્ષમ પોતાના નાનપણ વંચિત રહ્યો હતો.

“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર , જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર

“વીરડાનાં વરદાન”

Standard

🌸 “વીરડાનાં વરદાન” 🌸

પ્રસંગસ્થાન : ભટ્ટવદર, જાફરાબાદ (અમરેલી)

ભટ્ટવદર ગામ એટલે દાદા ખાચર નું સાસરું અને એમના જ લગ્ન સમય નો આ પ્રસંગ છે. બધા ન્યાતીલાઓ ભટ્ટવદર આયા અને કહે, “તમે સમાચાર મોકલ્યા એટલે આયા છીએ. સાંભળ્યું છે કે ગઢપૂર થી શ્રીજી મહારાજ આવી રયા છે. અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. ઈ સાચી વાત ?”

“હા ભાઇ ! દીકરી જસુબાને, ગઢપૂરમાં દાદા ખાચરને દીધાં, એટલે ન્યાત ના રિવાજે વેવાઇ લગન લેવા પોતે આવતા હોય છે. પણ આપણે ત્યાં તો વેવાઇને બદલે શ્રીજી મહારાજ પોતે આવી રયા છે ! ધન્ય ભાગ્ય આપણાં…!’‘

“એમાં તો કાંઇ જ ખોટું નથી, આપા નાગપાલ ! પણ પાણીનું શું કરીશું ? આપણું ભટ્ટવદર તો ખારાપાટનું ગામ ! તળમાં મીઠાં પાણીનો છાંટો ય નથી ! તો તમો, જાનને પાણી કઇ રીતે પાશો ? એકલાં માણસ હોય તો પહોચી ય વળાય ! પણ જાનમાં તો ગાડાનાં બળદો, ઘોડા, ઊંટ અને હાથી પણ આવશી ! ઓછામાં ઓછાં પાંચસો જેટલા તો પશુઓ જ હશે. આટલાં બધાં જાનવરોને પાણી પાવાની વાત, હથેળીનો ગોળ નથી હો, આપા !”

અને વાત ને લઈને સૌવ મૂંઝાઇ ગયા. ત્યાં સમજદાર માણસે સમાધાન દેખાડ્યું, “આપા ! આપણે એમ કરીએ કે, લગન આપણે રૂડી રીતે લખી દઇએ. અને પછી મહારાજ પાસે પાણીનો પ્રશ્ન મૂકવો કે, અમારી આ મૂંઝવણનો ઉકેલ આપ જ કરી આપો. આખી જાનને, અમે પરંપરા મુજબ બધી અને સરસ રીતે સાચવશું. સાત પકવાન ય જમાડીશું. પણ મહારાજ ! પાણી માટે નું કાઈંક કરો !.

વાહ વાહ સાથે બેઠક માં આ સમાધાન ને સૌવે વધાવી લીધું. “ભારે રસ્તો કાઢ્યો, તમે તો ! પાણી જેવી ચીજ માંગવામાં કોઈ જ વાંધો નથી.”

મળસ્કે મહારાજને તેડવા માટે શણગારેલા બળદવાળા ચાર ગાડાં સામે મોકલ્યાં. અને .વાજતે ગાજતે શ્રીજી મહારાજ ભટ્ટવદર પધાર્યા. શુભ ચોઘડિયે લગન લખવા માટે બાજોઠ ઢળાયા. ગોર મહારાજ પણ આવી ગયા. અને કાઠી રિવાજ પ્રમાણે ઓસરીમાં દાયરો ભરાયો. નિર્વિધ્ને લગ્ન ય લખાઇ ગયાં. પણ ઈ વખતે ત્યાં પાણીની વાત કરવા કોઇની હિંમત જ નો થઈ. સૌ મૂંઝાતા રયા કે, રજૂઆત કેવી રીતે કરીએ ?

પણ શ્રીજી મહારાજ સૌની મૂંઝવણ પામી ગયા અને સામે થી કીધું “બોલો દરબાર ! અમારા માટે કાંઇ કામકાજ હોય, તો ખુશી થી જણાવો ! તમે અમારા વેવાઇ થાવ છો. અમારે તમને બધી રીતે ઉપયોગી થવું જોઇએ..!”

દરબાર કહે, “મહારાજ ! આપને બીજું તો શું કામકાજ સોંપવાનું હોય ? આપ જેવા મહાન પુરુષનાં પગલાં, અમારે આંગણે થયાં છે. ઇ જ અમારા ધનભાગ્ય. પણ બીજી બૌવ જ નાની એક મૂંઝવણ છે. કહેતાં જીવ જ નથી હાલતો..”

મહારાજ કહે, “પણ જણાવો તો ખરાં, શાની મૂંઝવણ છે?”

દરબાર કહે, “મહારાજ ! અમારો આ આખો વિસ્તાર ખારાપાટનો છે. જાફરાબાદનો દરિયો નજીક હોવાથી અમારી ધરતી માં ખારાસ ઊંડે સુધી પછી ગઈ છે. અમારા ગામમાં મીઠું પાણી ક્યાય પણ નથી. બીજું તો બધુ ઠીક. પણ, પાણી વિના અમે શું કરી શકીશું ?”

મલકાઇ ને મહારાજ કહે, “અચ્છા, તો મુંજવણ પાણીની છે. એમ ને ? તો પાણી, અમે લેતા આવીશું..!”

દરબાર કહે, “અરે, પણ મહારાજ ! જાન કેવી રીતે, પાણી લઇને આવે ? અને લેતા આવે, તો કાંઇ સારું લાગે ? અમારી કેટલી ટીકા થાય.”

અને મહારાજ ગભીર થઈને કહે, “એવું ના હોય. તમારી ટીકા તો ત્યારે થાય કે, ભોજન અમે લઇને આવીએ ! આમાં ટીકા શાની થાય ? કોઈ જાતરાએ જાય ત્યારે પાણી સાથે લઈને જતાં જ હોય છે ને !’

દરબાર કહે, “પણ મહારાજ ! છેક ગઢપુર થી અંહિયા સુધી પાણી કેવી રીતે આવશે ?”

‘તમે આની ચિંતા નઈ કરો’ એમ કહીને મહારાજ લગ્નોતરી લઇને ગઢડે પહોચ્યા. અને દાદા ખાચર ના લગ્નોત્સવ નિમિત્તે ત્રણ દિવસ પહેલા ગઢડા થી ભટ્ટવદર જવા રવાના થઈ.

વિસામો, ભોજન અને રાતમુકામ કરતાં ત્રીજા દિવસ ની વહેલી સવારે ભટ્ટવદર પહોચ્યા. એ વખતે મોંડ સાઇઠેક જેટલા માણસ ની વસ્તી ધરાવતું ભટ્ટવદરખૂબ જ નાનું ગામ હતું. પાંચસો જાનૈયા સાથે બળદગાડાં, ઘોડા, ઊંટ અને એક હાથી થી આખાય ગામ ની વસ્તી ઘેરાઇ ગઇ.

પાદરના વડલે હાથી બાંધ્યો.. ચાકળા નખાયા. વાજિંત્રો વાગ્યાં અને લગ્ન ગીતોની ઝંકોળ બોલી. માંડવેથી જાનૈયાઓ માટે કિઢયેલ દૂધનાં બોઘરાં આયા. અને સ્વાગત કરતા કરતા માંડવિયા ઝીણી નજરે જોવા લાગ્યા કે, “શ્રીજી મહારાજ હીને ગયા’તા કે, પાણી અમે લેતા આવીશું. તો પાણી ક્યાં છે ? આજુ બાજુ, આગળ પાછળ બધે જોઇ વળ્યા પણ ક્યાંય પાણીનો ટાંકો કે કોઠી કે પખાલ દેખાયાં જ નઈ !

અને ફફડતા જીવે દરબાર ને ખબર આપ્યા કે, જાનવાળા પાણી નથી લાવ્યા. અને માંડવેથી બે ચાર મોટેરાને સાથે લઇને આપા, શ્રીજી મહારાજ પાસે પહોંચ્યા, “મહારાજ ! પાણી નથી. આપ પાણી સાથે લાવ્યા છો ?’

મહારાજ કહે, “દરબાર ! પાણી તો તમારા ગામની ધરતીમાં જ છે. પછી અમારે શું કામ સાથે લાવવું જોઈએ ?’

દરબાર કહે, ‘અરે, પણ મહારાજ ! આ ધરતીમાં તો ખારો ઉસ દરિયો જ છે. ઇ ખારું પાણી કેવી રીતે પીવાય ?”

અને મહારાજ કહે, “તમે તીકમ અને પાવડો લઇને મારી સાથે આવો. હું તમને મીઠું પાણી દેખાડું છું.’

અને મહારાજ પોતે ઊભા થયા. અને માંડવિયા તીકમ પાવડો લઇ આવ્યા. પછી મહારાજ ભટ્ટવદર ગામની દક્ષિણે જઇને ઊભા રયા. થોડી વાર જમીનમાં નિરીક્ષણ કરીને, તીકમ પોતાના હાથમાં લઈ ને ખોદવાનું ચાલુ કર્યું.

આ અદ્દભુત લીલા જોઈને લોકો નવાઈ અને રમૂજથી જોઈ ર’યા કે, મહારાજ પણ ખરા છે ને ? તરસ લાગી ત્યારે કૂવો ખોદવા મંડ્યા. થોડી વારમાં તીકમ ચલાવીને, મહારાજે બીજાને કીધું, “તમે થોડું ખોદો. હવે પાણી આવવાની તૈયારી છે. ભગવાનની કૃપાથી ઘણું બધું પાણી નીકળશે..!”

અને ઈ વીરડો માંડ બે હાથ જેટલો ઊંડો થયો કે, સુસવાટ કરતું પાણી આવ્યું ! એકાદ બે મિનિટ માં તો આખો વીરડો છલકાઇ ગયો. પછી સૌએ પાણી ચાખ્યું તો, એકદમ મીઠું ટોપરા જેવું ચોખ્ખું અને નિર્મળ પાણી…!

આખા ય ગામમાં આ ચમત્કારની વાત ફેલાઇ ગઇ, અને થોડી જ વારમાં તો હર્ષઘેલા માણસો ના ટોળાં ભેગા થઈ ગયા. અને મહારાજે, નિષ્કુળાનંદ સ્વામી ના હાથે, વીરડાને કાંઠે હનુમાનજી મહારાજની મૂર્તિ પધરાવી. અને વરદાન આપ્યું, “આ જળ ક્યારેય ખૂટશે નહીં. હમેશા અખૂટ જ રહેશે ! ભગવાનમાં શ્રદ્ધા રાખજો…!”

નાનકડા એવા ભટ્ટવદર ગામની ચારેય છેડા વચ્ચે ની ધરતીમાં ક્યાંય પણ, મીઠું પાણી નહોતું. અને આ વીરડામાં ગંગાજળ સમુ મધુર પાણી જોઇને લોકોએ મહારાજના પરચાનો દિવ્ય અનુભવ કર્યો. આના કારણે બધી બાજુ દાદા ખાચર ના લગ્નનો ઉત્સાહ પણ ડબલ થઈ ગયો

આજે પણ આ મીઠી વીરડીના નામે ઓળખાતો એ કૂવો, ભટ્ટવદરના દક્ષિણ તરફના છેડા ઉપર મોજૂદ છે. એના પર ડંકી મૂકીને આખું ય ગામ, આ અખૂટ જળનો લાભ લઈ રહ્યું છે.

🙏🏼 જય શ્રી સ્વામિનારાયણ…!

લેખક : નામ મળ્યું નથી, જેમ પોસ્ટ આવી તેમ મૂકી. લેખક નામ આપને ખ્યાલ હોય તો જણાવશો.