Tag Archives: Veer

“વડો વંશ વાઘેલ”

Standard

“વડો વંશ વાઘેલ”

image

નેક નામદાર મહારાજ કુમાર રૂપસિંહજી પૃથ્વીરાજજી વાઘેલા ઓફ ગાંગડ
(છબાસર, વેજી અને વૌઠા ના મૂળ પુરુષ જાગીરદાર)

ઐતિહાસિક પુસ્તક અને વાઘેલાવંશ ગીતા સમાન “વાઘેલાવૃત્તાંત” માંના ઉલ્લેખ અનુસાર અઢીસો પાદરના ધણી ગાંગડ અધિપતિ રાજેશ્વર મહારાણા પૃથ્વીરાજજી બીજા ને ત્રણ કુમારો હતા મોટા પાટવી શેશમાલજી બીજાનંબરના કુંવર રૂપસિંહજી અને ત્રીજા રતનસિંહજી (કુંડળ અને આંબેઠી ના જાગીરદાર), મહારાણા પૃથ્વીરાજજીના પટરાણી રાણીસાહેબ બાજીરાજબા ધ્રોલના જાડેજા ઠાકોર જુવાનસિંહજીના (જુણાજી) ના કુંવરી હતા એમની કુંખે રૂપસિંહજી અને રતનસિંહજી જન્મ્યા હતા.
રૂપસિંહજી નાનપણથી જ હોશિયાર અને શુરવીર હતા એમને એકલા હાથે અનેકવાર પ્રજાની રક્ષા કાજે ધિગાણા કરેલા એમની વીરતા, સાહસ અને કાર્યકુશળતા થી મહારાણાને  કાયમ પોરહના પલા છુટતા, શેશમાલજી મોટા હોવાથી તેમને યુવરાજ પદ મળેલું પરંતુ રૂપસિંહજી કુશળતા થી અંજાઈ ને મહારાણાએ ગાંગડ રાજ્યનો જીવંત પર્યંત કાર્યભાર સંભાળવા રૂપસિંહજી પાસે વચન લીધેલું આથી મહારાણા પૃથ્વીરાજજીબીજાનું આવસાન થતા રૂપસિંહજી ને છબાસર, વેજી અને વૌઠા આ ત્રણ ગામની સ્વતંત્ર જાગીર ફટાયા તરીકે મળેલી અને સૌથી નાના ભાઈ કુંવર રતનસીંહજી ને કુંડળ અને આંબેઠી આ બે ગામની જાગીર આપેલ, પરંતુ પિતાને આપેલ વચનના કારણે રૂપસિંહજી આજીવન ગાંગડ મા રહીને ગાંગડનો વહીવટ સુંદર રીતે ચલાવેલો, રૂપસિંહજી ને પાંચ કુમારો થયા મોટા કુંવર હમીરસિંહજી (હામોભા), બીજા કુંવર મોડ્ભા, ત્રીજા કુંવર તેજસિંહજી (તેજોજી), ચોથા કુંવરજગતસિંહજી, અને છેલ્લા કુંવર કેશરીસિંહજી એમાં કુંવર તેજોજી અને જગતસિંહજી નાની ઉમરે ચુડા ખાતે મામાના વતી ઘોર યુધ્ધમા મહાપરાક્રમ કરી વીરગતિને વરેલા ત્યાર બાદ રૂપસિંહજી એ બાકીના ત્રણેય કુંવારો ને એક એક ગામ સ્વતંત્ર જાગીર તરીકે વેહજી આપેલ જેમાં મોટા કુંવર હમીરજી ને વેજી ગામ વચ્ચેના કુંવર મોડભા ને છબાસર  અને નાના કુંવર કેશરીસિંહજી ને વૌઠા ની જાગીર આપી જેમાં હાલે કુંવર હામોભા અને કુંવર મોડ્ભા નો વંશ છબાસર  અને કુમાર કેશરીસિંહજી નો વંશ વૌઠામાં હયાત છે. મને ગર્વ છે કે આવા મહાન વિભૂતિ રૂપસિંહજી દાદાનું લોહી મારામાં વહે છે…
લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા છબાસર …

वीरसिंह वाघेला, Veersinh Vaghela

Standard

image

સંવત ૧૭૯૭ પોષ વદ ૩
વાઘેલા શ્રી વીરસિંહજી લડાઇ થીઇ તારે
કામ લાગાઃ!!

નાંદોદ ગામ માથે હથેવાળે પરણી ઊતરેલી પરણેતરની હથેળી જેવું પો’ ફાટી ગયું છે. સિંદૂરીઆ શેરડા છોડતો સૂરજ ઉદયાચળ પહાડના પગથિયાં ચડી રહ્યો છે. તેજપુંજમાં પલળી પલળીને નાંદોદ નીતરી રહ્યું છે.
એવે ટાણે,
રડીબમ..
રડીબમ…
તરઘાયો ત્રહક્યો. તરઘાયાનો ઘોર
ઊઠતાં નાંદોદનો સુવાંગ ધણી જીતસિંહ
ભરી કચેરીમાંથી કડેડાટ બેઠો થઇ ગયો.

‘કોની ફોજ આવે છે?’

પૂછતાં તો જીતસિંહની આંખોમાંથી ખનખન
અંગારા ખર્યા.

‘બાપુ, ગાયકવાડનો મોવડી દામો પંત
નાંદોદને નાથવા પલ્લો કાપતો આવે છે.’

ઘૂળની ડમરીઓ ઉડાડતી ફોજ ધરતીને
કડાકા લેવરાવી રહી છે. પળવાર જીતસિંહના હોઠ બિડાયા.
બીજી પળે જીતસિંહે વેણ છોડયાઃ

‘ભલે આવે દામોદર પંત.
રણમેદાનમાં ભરી પીશું. નગારે
ઘા નાખો ને જીતનગર વીરસિંહને વાવડ
મોકલો.’

કહીને જીતસિંહે બખ્તર ભીડયું. ખંભે ભાથુ
નાંખ્યુ. હાથમાં કામઠું લીઘું ને ફોજને
સાબદી કરી. નાંદોદથી છૂટેલો અસવાર
જીતનગરમાં પૂગ્યો. તે દિ’ જીતનગરમાં વીરસિંહ વાઘેલાનાં બેસણાં હતાં.

જોરાવરીમાં જેનો જોટો જગતમાં જડવો દોહ્યલો હતો, જેના ભુજબળે ભડવીરો પણ સાવઝની ડણકે ગાડર કાંપે એમ કંપતા હતા.
વાઘેલા નુખનો વીરસિંહ એટલે અણનમ
યોદ્ધો લેખાતો હતો.નાનકડા દરબારગઢની દોઢી માથે બેઠો બેઠો જાણે કે આખા પરગણાને ડારા દઇ રહ્યો હતો.

આવો વીરસિંહ વાઘેલો ભેરૂબંધોને ભરડે
ભીંસાઇને બેઠો છે. ડાયરામાં ઠુંગાની ત્રાસક ફરે છે, કહુંબાની ગરણીઓ ત્રબકે છે, કટોરા છલકાઇ
રહ્યા છે ને રજવાડી રિયાસતના ઓલદોલ
આદમીઓનાં મોં મલકાઇ રહ્યાં છે. ત્યાં તો નાંદોદના કાસદે આવીને ખબર દીધા કેઃ

‘બાપુ, નાંદોદ માથે કટક આવે છે.’

‘કોનું?’

‘દામો પંત સાગર જેવડી સેના લઇને
ચડયો છે. પૂગ્યો કે પૂગશે એટલી વાર છે.’

ડાયરાના હાથમાંથી કહુંબાના કટોરા ટપોટપ
હેઠા મૂકાઇ ગયા. સૌના હાથ તીરકામઠાં માથે પડયા, સબોસબ ઘોડાની સરકું છુટી.

કુરૂક્ષેત્રના મેદાનમાં કર્ણની કમાનમાંથી તીર
છૂટે એમ વીરસિંહ વાઘેલો છૂટયો. જીતસિંહની ફોજમાં ભળી ગયો. ગાયકવાડી ફોજનો મોવડી દામોદર પંત ગુજરાતના સીમાડે શૂરવીરતાના સાથીઆ પૂરતો, વિજયના રણશિંગા ફૂંકતો,
ફડાકા બોલાવી રહ્યો હતો. મઘ્યાહ્ન તપ્યે દામોદર પંતનો નાંદોદના પાદરમાં પડાવ પડયો. તંબુ તણાયો. ઘોડાની હાવળ્યું હણહણી.
પાલખીમાંથી બહાર નીકળી દામા પંતે
જીતસિંહને કહેણ મોકલ્યું ઃ

‘શરણે આવો અથવા રણમેદાનમાં આવો,
સારી વાત તમારી.’

જીતસિંહનો વળતો ઉત્તર દીધો કે-

‘રણમેદાન અમારું.’

જવાબ સાંભળી દામોદર ડણક્યો. ગાયકવાડી ફોજ નાંદોદની ફરતી ફરી વળી. રણસંગ્રામ
મંડાણો. સામસામી તીરની બઘડાટી બોલવા લાગી. નાંદોદની ફોજનો કડુહલો બોલ્યો.
વીરસિંહે દામા પંતની પાલકીનાં ફૂમતાં તોડયાં. ફૂમતા તૂટતાં જાણે દામાપંતનું નાક કપાણું.

વીરસિંહ વાઘેલો હાથતાળી દઇને ગેબ થઇ
ગયો. દામો પંત દાંત કચકચાવતો રહી ગયો. છૂટેલો વીરસિંહ વાવડી ગામ વળોટીને કોતરો-
ખાડી પાર કરીને પોતાના દરબારગઢમાં ગારદ થઇ ગયો.

ગાયકવાડની ભીંસ વધતી રહી. ઠાકોર
સરદાર સણસણી ઉઠયા હતા. દામા પંતને
પછાડવા વહટી કરવા એક દિ’ વાગડીઆ
નામના ગામમાં ભેગા થયા છે. વીરસિંહને
ખબર મળ્યા કે તમારી વાટ જોવાય છે.
વીરસિંહ ઘોડીએ રાંગ વાળી પૂગ્યો,
વાગડીઆ.
વહટીમાં વડછડ થઇ ને વડછડમાંથી અંદરોઅંદર તલવાર તાળીઓ
લેવા માંડી. એક બાજુ એકલો વીરસિંહ
વાઘેલો, સામે બીજા સરદારો. વીરસિંહની તલવાર જોગણીનાં ખપ્પર ભરવા લાગી. કંઇકને કાપી વીરસિંહ ઘોડા માથે અસવાર થઇ ભાગવા ગયો પણ ઘોડીના પાછલા પગ કોઇએ બાંધી દીધેલા એટલે ઘોડીને પડતી મૂકી તલવાર લઇ તળાવમાં કૂદી પડયો. બીજા ઠાકોરો પડયા. તળાવમાં તલવારોનો તાશીરો બોલ્યો. વીરસિંહ તળાવમાં વેતરાયો.

નોંધઃ જીતપુરા ઉર્ફે નવા વાઘપુરા ગામના તળાવની પાળે એક પાળીઓ છે તેના ઉપર નીચેનું લખાણ કોતરેલું છે ઃ

સંવત ૧૭૯૭ પોષ વદ ૩
વાઘેલા શ્રી વીરસિંહજી લડાઇ થીઇ તારે
કામ લાગાઃ!!

Divyrajsinh Sarvaiya (Dedarda)

वनराज चावड़ा, Vanraj Chavda

Standard

image

ઘોર જંગલમાં રાણી જેવી દેખાતી એક રૂપાળી સ્ત્રી બાળકને હીંચકા નાખી રહી હતી. તેનું નામ પણ રૂપસુંદરી હતું. તેણે પોતાના બાળક માટે ઝાડની ડાળીએકપડું બાંધીને ઘોડિયું બનાવ્યું હતું.
એવામાં ત્યાં થઇને એક સાધુ નીકળ્યા. તે જૈન જતિ હતા. તેઓ ઘોડિયા નજીક આવ્યા અને બાળકને એકીટશે જોઇ રહ્યા. તેના મુખ પર ઝગારા મારતા જોઇને બોલ્યા :
‘બહેન, આ બાળક તેજસ્વી લાગે છે, ભવિષ્યમાં તે મોટો રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ઘાર કરશે.’
જતિનાં વચનો સાંભળીને રૂપસુંદરીએ તેમને નમસ્કાર કર્યા અને બોલી ‘મહારાજ તમારો જય હો.’ પછી જતિ તો જતા રહ્યા.
તે બાળકને રૂપસુંદરી ઉછેરવા લાગી. બાળકનો જન્મ વનમાં થયો હતો એટલે તેનું નામ ‘વનરાજ’ પાડયું. એ જ વનરાજ ચાવડો.
આજથી આશરે ચૌદસો વરસ પહેલાંની વાત છે. વનરાજના પિતા જયશિખરી ગુજરાતના ખૂબ જ બહાદુર રાજા હતા. તેમના રાજયની જાહોજલાલી જાણીને ભુવડ નામના રાજાએ ઉત્તર ગુજરાત પર ચડાઇ કરવા તેના સરદાર મિહિરને મોકલ્યો. જયશિખરીએ પોતાના સાળા સૂરપાળને તેની સામે લડાઇ કરવા મોકલ્યો. પછી ભુવડ પોતે મોટું લશ્કર લઇને આવ્યો અને પંચાસરને કિલ્લાને બાવન દિવસ સુધી ઘેરો ઘાલ્યો. જયશિખરીને લાગ્યું કે પોતે હારી જશે. તે ચેતી ગયો. તેણે પોતાની પત્ની રૂપસુંદરી અને સૂરપાળને વનમાં મોકલી દીધાં. જયશિખરી ખૂબ વીરતાથી લડ્યો અને વીરગતિ પામ્યો. ભુવડે પંચાસર કબજે કર્યું.
વનમાં રૂપસુંદરીએ બાળકને જન્મ આપ્યો. વનના ભીલ લોકોએ રાણી રૂપસુંદરીને માનપાન આપીને સાચવ્યાં. એ રીતે વનરાજ મોટો થવા લાગ્યો.
તેના મામા સૂરપાળ તેને તીર છોડતાં, તલવાર ચલાવતાં અને ઘોડેસવારી કરતાં શીખવવા લાગ્યા. તે સમજણો થયો ત્યારે પિતાએ ગુમાવેલું રાજય પાછું મેળવવાની ઇચ્છા તેનામાં જાગી ઊઠી. તેના મામા તેને માર્ગદર્શન આપતા રહ્યા. તેણે ભુવડના રાજયમાં લૂંટ ચલાવવા માંડી. ધીમે ધીમે તેણે બહાદુર માણસોને પોતાની ટોળીમાં લેવા માંડયા. તે બહારવટે ચડ્યો હતો. ધીમે ધીમે તેનું લશ્‍કર મોટું બનતું ગયું. હવે વનરાજ જંગલના રસ્‍તા, ખીણો અને કોતરોનો ભોમિયો બની ગયો હતો.
એક વખત એવું બન્યું કે વનરાજ, તેનો મામો અને એક સાથીદાર અણહિલ ભરવાડ ત્રણે જણા શિકારની વાટ જોતા ઊભા હતા. તેવામાં ઘીનો ગાડવો ઊંચકીને ઝટપટ ચાલ્યો આવતો એક વાણિયો તેમની નજરે પડયો તેના હાથમાં તીરકામઠું હતું.
વનરાજે તેને પડકાર્યો :
‘ઊભો રહેજે વાણિયા, આગળ એક પણ ડગલું ભર્યું તો મર્યો જ જાણજે.’
‘લે આ ઊભો. મરવું હોય તે મારી સામે આવે. ’ એમ કહીને ચાંપા વાણિયાએ તેના ભાથામાંનાં પાંચ તીરમાંથી બે ભાંગીને દૂર ફેંકી દીધા. પછી એક તીર, કામઠાની પણછ પર ચડાવવા લાગ્યો. આ જોઇને પેલા ત્રણ તો છક થઇ ગયા.
‘અલ્યા હોશિયારી ના કર, તીર તો અમનેય ચલાવતાં આવડે છે, પણ એ તો કહે કે પેલાં બે તીર તેં ભાંગી કેમ નાખ્યા ? ’ સૂરપાળે પૂછયું.
‘એટલું ના સમજયા ? ’ ત્રણ આંગળીઓ બતાવતાં બતાવતાં ચાંપો બોલ્યો ‘તમે ત્રણ જણ છો એટલે તમારા માટે ત્રણ તીર પૂરતાં છે. ’
‘અરે વાહ બહાદુર ! તારું નામ શું ? ’ વનરાજે પૂછયું.
‘મારું નામ ચાંપો. ’ તેના અવાજમાં નિર્ભયતા હતી.
‘ચાંપા, હવે ચાંપલાશ છોડીને જે હોય તે આપી દે અને રસ્તો પકડ. ખબર નથી પડતી તને, તું એકલો છે અને અમે ત્રણ છીએ? ’ અણહીલ ભરવાડ બોલ્યો.
‘ભલે ને તમે ત્રણ હો, આ પરદેશી રાજમાં લૂંટારા ખૂબ વધી ગયા છે, આવી લડાઇ તો મારા માટે રોજની વાત થઇ પડી છે. ’ ચાંપો બોલ્યો.
‘એટલે શું પહેલાંની શું વાત કરું? જયશિખરી અને સૂરપાળનું નામ પડતાં લૂંટારા ઊભી પૂંછડીએ ભાગી જતા. ’
‘તો સાંભળ ભાઇ ચાંપા, હું છું સૂરપાળ અને આ છે મારો ભાણો વનરાજ, જયશિખરીનો એકનો એક કુંવર. ’
‘અને હું છું અણહિલ, વનરાજનો મિત્ર. ’ અણહિલે કહ્યું.
આ સાંભળતાં જ ચાંપો ચોંકી ઊઠયો. તે ત્રણેને ભેટી પડયો. તેણે મિત્ર બનીને રાજય પાછું મેળવવા વનરાજને મદદ કરવાનું વચન આપ્યું.
ચાંપો વીર તો હતો જ, સાથે જ ધનવાન પણ હતો. તેની મદદ મળતાં વનરાજ અને તેના મામાએ મોટું લશ્કર તૈયાર કર્યું. પછી ભુવડ સામે યુદ્ઘ કરીને તેને હરાવ્યો અને ૫૦ વર્ષની ઉંમરે વનરાજે પોતાનું રાજય પાછું મેળવ્યું !
વનરાજે પાટણમાં પોતાની રાજધાની બનાવી. રાજા તરીકે તે ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને ઉદાર હતો. તેણે જૈન ધર્મને રાજયાશ્રમ આપ્યો; અનેક મંદિરો બંધાવ્યા. પોતાને કપરા દિવસોમાં મદદ કરનાર દરેકને તેણે યાદ રાખ્યા હતા. મિત્ર અણહિલના ઉપકારના બદલામાં તેણે પોતાની રાજધાનીને ‘અણહિલ-પાટણ’ નામ આપ્યું. ચાંપા વાણિયાની કદર કરવા વડોદરા નજીક પાવાગઢ પર્વતની તળેટીમાં નગર વસાવીને તેને ‘ચાંપાનેર’ નામ આપ્યું. પોતાનું ભવિષ્ય ભાખનાર જૈન જતિ શીલગુણસૂરિની ઇચ્છાને માન આપી પાટણમાં પંચાસરા પાર્શ્ર્વનાથનું દેરાસર બંધાવ્યું. તેમાં પ્રજાના આગ્રહથી પોતાની પ્રતિમા પણ મૂકી. આજે પણ ત્યાં વનરાજની પ્રતિમા જોવા મળે છે.
વનરાજે લાંબું આયુષ્ય ભોગવ્યું અને સાઠ વરસ રાજય કર્યું.

સંકલન : સત્યપાલ સિંહ વાઘેલા

Divyrajsinh Sarvaiya (Dedarda)