Tag Archives: Vishnu Prajapati

‘ફ્રેન્ડશીપ બેલ્ટ’

Standard

વ્હોટ્સ અપની વાર્તા – ૫૨

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

‘ફ્રેન્ડશીપ બેલ્ટ’

© કોપીરાઇટ આરક્ષિત

કાઉન્ટર પર પડેલા જુદાં જુદાં ફ્રેન્ડશીપ બેલ્ટસમાંથી આખરે સુધાને એક લેટેસ્ટ ફ્રેન્ડશીપ બેલ્ટ પસંદ આવ્યો.

સામે ઉભેલા સેલ્સબોય અને બાજુની સેલ્સગર્લ મલકાઇ રહ્યાં હતા કારણ કે સામે રહેલા આન્ટીની ઉંમરના ભાગ્યે જ કોઇ ફ્રેન્ડશીપ બેલ્ટ લેવા આવતાં.

ત્યાં થોડે દૂર ઉભેલા સાવને તો તેની ફ્રેન્ડ સ્વરાને ઇશારો કરીને કહી પણ દીધું, ‘જોયું, પેલા આન્ટી આટલી ઉંમરે પણ પોતાના ફ્રેન્ડ માટે કેટલી બારીકાઇથી ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદી રહ્યાં છે.’ સ્વરા પણ તેમને જ જોઇ રહી હતી.

સુધાએ તેની કિંમત ઇશારો કરીને પુછી.

‘ત્રીસ રુપિયા…!’ સેલ્સ ગર્લે સ્માઇલ સાથે કહ્યું પણ સુધાને કોઇ સમજણ ન પડી હોય તેમ તેને ફરી ઇશારો કરીને પુછ્યું.

સેલ્સગર્લે તેની સાથે લાગેલી ટેગ બતાવી તેના પર લખેલો ભાવ બતાવ્યો અને સુધાએ પર્સમાંથી દસની ત્રણ નોટો આપી અને સરસ મજાની સ્માઇલ સાથે બેલ્ટ પર્સમાં સાચવીને મુકી દીધો.

‘આન્ટી.. તમારી ચોઇસ ખૂબ ફાઇન છે.’ સાવને તો બાજુમાંથી પસાર થતા આન્ટીને આખરે કહી દીધું.

જો કે આન્ટીએ તો માત્ર સ્માઇલ જ આપી અને બહાર નીકળી ગયા.

સ્વરા, સાવન અને તેમનું ગ્રુપ ફ્રેન્ડશીપ બેલ્ટ ખરીદીને ગાર્ડનમાં પહોંચ્યું.

પેલા આન્ટી પણ તે ગાર્ડનમાં સામે ખૂણામાં ઝાડના છાંયડાવાળા બાકડા પર બેસીને કોઇકની રાહ જોઇ રહ્યાં હતા.

તેઓ વારેવારે ઘડીયાળ જોઇ રહ્યા હતા અને તેમની નજર વારેવારે દરવાજા તરફ પહોંચી જતી હતી.

ગ્રુપના બધા ફ્રેન્ડસને તે આન્ટીના ફ્રેન્ડશીપ ડે ની સ્ટોરી જાણવાની તલપ લાગી હોય તેમ તેઓ જોઇ રહ્યાં.

આન્ટીએ પોતાના પર્સમાં રહેલા કવરમાંથી એક કાગળ કાઢ્યો અને ઝડપથી વાંચીને ફરી કવરમાં મુકી દીધો. વળી, તેમને હમણાં જ ખરીદેલો ફ્રેન્ડશીપ બેલ્ટ પણ કાઢ્યો અને તેને કવરમાં મુકી તેને બાકડા પર મુક્યું.

તેમની નજર દરવાજા પર સ્થિર બની અને ત્યાં જ સામે લગભગ પચાસેક વર્ષના એક પુરુષને આવતા જોઇ તેમની આંખો જાણે ખીલી ઉઠી….! આન્ટીના ચહેરા પરનું સ્મિત વધી રહ્યું હતું. તે પોતાની જગ્યાએથી ઉભા થયા અને બે-ત્રણ ડગલા આગળ આવ્યાં.

‘કૌન કહેતા હૈ કી બૂઢે ઇશ્ક નહી કરતે, યે તો હમ હૈ કી ઉનપે શક નહી કરતે.’ સાવને તો જૂની શાયરી ઇશ્કીયા અંદાઝમાં અર્જ કરી. બધા વાહ વાહ કરે તે પહેલા સ્વરાએ નાક પર આંગળી મૂકી બધાને ચૂપ રહેવા જણાવ્યું.

બન્ને સામસામે આવતા તેમની આંખો થોડીવાર માટે એકમેકમાં ખોવાઇ ગઇ.. તેઓ વચ્ચે કોઇ સ્પર્શ કે શબ્દની આપ-લે વિના એક મજબૂત સબંધ હોય તેમ લાગ્યું.

પેલા પુરુષે ગાર્ડનના કોર્નર તરફ આવેલા રેસ્ટોરેન્ટ તરફ જવાનો ઇશારો કર્યો અને બન્ને તે તરફ ચાલ્યાં.

આન્ટીએ પર્સ લીધું પણ તે કવર ત્યાં બાકડા પર જ ભૂલી ગયા.

‘હું તેમનો લવલેટર અત્યારે જ લઇ આવું છું. જોઇએ આન્ટી લેટરમાં કેવી શાયરીઓ લખે છે…?’ સાવને તો કુતૂહલતાવશ તે બાકડા તરફ દોટ મુકી.

જ્યારે બીજા છોકરાએ કહ્યું, ‘હું તેઓ પાછા આવે તેની પર નજર રાખીશ.’

અને થોડીવારમાં સાવનના હાથમાં કવર આવી ગયું. સાવને તો તરત જ કવરની અંદરનો કાગળ ખોલીને ગ્રુપમાં બધાને સંભળાય તે રીતે વાંચવાનું શરુ કર્યું.

‘પ્રિય મિત્ર,
છેલ્લા દસેક મહિનાથી તું ફરી મારી જિંદગીમાં આવ્યો અને મારી જિંદગી બદલી નાખી છે. મારો એ સ્યુસાઇડ એટેમ્પ્ટ અને મારું બચી જવું… હોસ્પિટલમાં મારી આંખો ખુલી તો સામે તું મળ્યો અને લાગ્યું કે જાણે નવું જીવન મળ્યું….! જેને ખૂબ પ્રેમ કર્યો હતો તે મારો પતિ મને જિંદગીની મઝધારે મૂકીને એટલા માટે ચાલ્યો ગયો કે હું તેમને સંતાન સુખ નહોતી આપી શકી. એકલવાયી સ્ત્રીની જિંદગી ખરેખર કેવી દુષ્કર છે તે મેં ખૂબ અનુભવ્યું…! કોલેજમાં આપણે સાથે હતા ત્યારે તેં મને ફ્રેન્ડશીપ બેલ્ટ આપ્યો હતો પણ ત્યારે મેં તે નહોતો સ્વીકાર્યો અને કોલેજમાં જ ફેંકી દીધેલો. મેં પણ ત્યારે તારી નિ:શબ્દ વેદનાની કોઇ પરવા નહોતી કરી.

હવે હું તારા ફ્રેન્ડશીપ બેલ્ટ માટે રાહ જોઇ રહી છું. જો કે તેં આપણાં સંબંધોને એક નાનકડાં બેલ્ટ કરતા પણ વધુ મજબૂત રીતે સાચવીને રાખ્યા છે. દર મહિનાના પહેલા રવિવારે તું મને અચૂક મળે છે. તારો એક આઇસ્ક્રીમ અને તારો થોડી મિનિટોનો સાથ મને ફરી તરોતાજા બની જીવવાની શક્તિ આપે છે.

હું પણ જાણું છું કે તું તારી જિંદગીમાં તારા પરિવારથી જોડાયેલો છે એટલે તું પણ શક્ય એટલો મારાથી દૂર રહે છે અને આપણી વચ્ચે માત્ર મિત્રતા અને મદદનો તાર તેં સારી રીતે સાચવી રાખ્યો છે. તું ન તો મારા ઘરનું સરનામું જાણે છે કે ન હું તારા ઘરનું સરનામું….!

તું જાણે છે તો મારો બેંક એકાઉન્ટ નંબર કે જેમાં મારી જિંદગી જીવી જવાય તેટલું જમા કરાવતો જાય છે.

આજે ફ્રેન્ડશીપ ડે છે. હું તને બીજું તો શું આપી શકું..? આ કવર સાથે અંદર ફ્રેન્ડશીપ બેલ્ટ મોકલી રહી છું. તને પહેરાવવાની હિંમત કરી શકતી નથી. ઉંમર અને સમજણ બંને મને રોકી રહી છે.

ક્યારેક મને અંદરો અંદર લાગ્યા કરે છે કે હું ક્યાંક તને અન્યાય તો નથી કરી રહીને…? મારા કારણે તને કેટકેટલી તકલીફો આવતી હશે તે તું મને ક્યારેય કહેતો નથી… અને ભગવાને આપણને જાણી જોઇને શબ્દો જ નથી આપ્યાં કે કોઇને આપણે આપણી તકલીફો કહી શકીએ. તારા ચહેરા પરની મુશ્કુરાહટ… તારી મદદ… પહેલા રવિવારે તારું અચૂક મળવું…. તારો ખવડાવેલો એક આઇસ્ક્રીમ… આ બધું મને ફરી ફરી એક મહિનો જીવવા અને તારો ઇંતજાર કરવા મજબૂર અને મજબૂત કરે છે. આ રવિવારે ફ્રેન્ડશીપ ડે છે તો હું તને બેલ્ટ આપું છું અને કહું છું કે,
તારા જેવો મિત્ર સૌને આપે અને મારા જેવી તકલીફો ઇશ્વર કોઇને ન આપે…

એ જ તારી મિત્ર…
સુધા’

અને આ પત્ર વાંચતા જ ગ્રુપના દરેક ફ્રેન્ડના આંખોમાં આંસુ હતા.

સાવને કાગળ ફરી કવરમાં મુક્યો અને ત્યાં જ પેલો મિત્ર દોડતો આવ્યો અને બોલ્યો, ‘અંકલ આંટી આ બાજુ આવે છે.’

સાવને તે કવર બાકડાં પર ફરીથી હતું તેમ ને તેમ જ મુકી દીધું.

સુધાની નજર કવર પર પડતા જાણે હાશકારો થયો અને તે કવર પેલા વ્યક્તિને આપ્યું. તેમને ઇશારાથી પુછ્યું પણ ખરું કે શું છે…? પણ આન્ટી કાંઇ બોલ્યા વગર દરવાજા તરફ આગળ વધ્યાં.

અંકલે તે કવર ખોલીને કાગળ વાંચ્યો અને પછી અંદર રહેલા ફ્રેન્ડશીપ બેલ્ટને ઝડપથી બહાર કાઢ્યો.

તેઓ દૂર જઇ રહેલ પોતાની ફ્રેન્ડને બોલાવવા ઇચ્છતા હતા પણ તેમના મોંમાંથી એકેય શબ્દ ન નીકળ્યો એટલે તે પાછળ ઝડપથી તેની તરફ ચાલ્યાં.

ચાલતાં ચાલતાં પોતાના ચહેરા પરનો પરસેવો લૂછવા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો તો તેમના ખિસ્સામાં રહેલો ફ્રેન્ડશીપ બેલ્ટ નીચે પડ્યો અને તે સ્વરાની નજરે ચઢી ગયો.

સ્વરાએ ખૂબ ઝડપથી તે બેલ્ટ લીધો તેના પર જોયું તો આજથી પચ્ચીસ વર્ષ પહેલાની તારીખ તેના પર લખી હતી.

સ્વરાએ અંકલને બોલાવવા પાછળથી બૂમો પાડી પણ અંકલ તો આગળ ચાલતાં જ રહ્યાં છેવટે સ્વરાએ તેમને પકડીને ઉભા રાખ્યા અને બેલ્ટ તેમની સામે ધરીને કહ્યું, ‘ અંકલ, આટલાં વર્ષોથી ફ્રેન્ડશીપ બેલ્ટ સાચવીને રાખો છો, તો પછી પહેરાવી દોને.’

પણ અંકલ કાંઇ સમજતા નહોતા. તેમને ઇશારો કરીને કહ્યું કે પોતે મૂક-બધિર છે અને સ્વરાના પગ તળેની જમીન જાણે સરકવા લાગી.

પછી તરત જ સ્વરાએ પેલા આંટીને ઉભા રાખ્યાં આન્ટીને કહ્યું, ‘અંકલની હિંમત નથી થતી કે તમને બેલ્ટ આપે. તમે એકવાર ફેંકી દીધો હતો તે બેલ્ટ હજુ પણ તેઓ સાચવીને ફરે છે.’ આન્ટી પણ જાણે કાંઇ ન સમજ્યા હોય તેમ તેમને ઇશારાથી કહ્યું કે પોતે બહેરા મૂંગા છે.

આજે સ્વરા અને તેમના ફ્રેન્ડસ આ એક અનોખી મિત્રતાના સાક્ષી બન્યા. જ્યા તેમની વચ્ચે આપ લેના ભલે કોઈ શબ્દો નહોતા પણ મિત્રતાનો પવિત્ર સબંધ સંવેદનાઓથી ભરપૂર હતો.

સ્વરાના આગ્રહથી અંકલે તેમની પાસે રાખી મૂકેલો ફ્રેન્ડશીપ બેલ્ટ આખરે આન્ટીને પહેરાવી દીધો અને આન્ટીએ પણ તેમને બેલ્ટ બાંધ્યો.

બધાએ તાળીઓ પાડી જો કે અંકલ- આન્ટી માટે તો તેનો અવાજ સાયલન્ટ મોડમાં જ હતો પણ તેમની ફ્રેન્ડશીપ વાઇબ્રન્ટ મોડમાં હતી.

સ્ટેટસ

બધા સાથે હતા ત્યારે દોસ્ત તું જ પાસે નહોતો,

ને જ્યારે સાથે કોઇ નહોતા ત્યારે એકલો તું જ પાસે હતો.’

લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની ૧ થી ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહ અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઇ ગયા છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો.

‘બહેનની ભેંટ’

Standard

વ્હોટ્સ અપની વાર્તા – ૫૪

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

‘બહેનની ભેંટ’

‘આ વખતે રક્ષાબંધને બહેનને શું આપીશું..?’ સવારના ચા-નાસ્તા સમયે જ રક્ષિતાએ માલવને પુછ્યું.

‘એ હું પણ વિચારતો હતો કે રોકડાં આપીએ કે કોઇ ગિફ્ટ..?’ માલવે પણ સામે જવાબ આપવાને બદલે પ્રશ્ન કર્યો.

જો કે માલવ અને રક્ષિતા છેલ્લા ત્રણ દિવસથી આ પ્રશ્નની ચર્ચા કરતા હતા પણ કોઇ નિર્ણય પર આવી શક્યા નહોતા.

‘જો કોઇ ગિફ્ટ લાવવી હોય તો અત્યારે મોલમાં ડિસ્કાઉન્ટ છે. હું જોબ પરથી પાછા ફરતી વખતે લેતી આવીશ.’ રક્ષિતાએ આખરે ગિફ્ટનો નિર્ણય લીધો.

‘સારું તને જે સારી લાગે તે લઇ લે જે અને મને વ્હોટસએપ કરી દેજે.’ માલવે તે જવાબદારી રક્ષિતા પર ઢોળી દીધી.

‘માલવ… જો તું કહે તો આ જન્માષ્ટમીએ પેલું જગદીશ અંકલનું સેકેંડ હેન્ડ સ્કુટી લેવાની ઇચ્છા છે…! તેની કન્ડીશન સારી છે. છેલ્લે ચોવીસ હજારમાં આપશે તેવું કહેતા હતા…!’ રક્ષિતા આ માંગણી કરતા સંકોચાઇ રહી હતી.

‘પણ તેટલા પૈસા..?’ માલવે પ્રશ્ન કર્યો.

‘મારી પાસે આઠ હજારની વ્યવસ્થા છે…? અને બીજા હું મારા પપ્પાને કહીશ તો…!’ રક્ષિતાને લાગ્યું કે આ વાત માલવને નહી ગમે.

‘રક્ષિતા… તું પરિસ્થિતિને સમજ… દોઢ વર્ષ પહેલા જ પપ્પાની કેન્સરની બિમારીનો અણધાર્યો ખર્ચ… તેમનું મૃત્યુ અને પછી મમ્મીની દવાઓનો ખર્ચ… મારી નવી નોકરી…! બધુ એકદમ ગોઠવાઇ જતું નથી. આ તો ઘરની જરુરિયાત છે એટલે તારે જોબ કરવી પડે છે… નહિતર તારે જોબ પણ ન કરવી પડે. થોડી રાહ જો પ્લીઝ…! મને ખબર છે કે તારે નોકરીએ ચાલતા જવું પડે છે… હું જલ્દી તને ગોઠવણ કરી આપીશ… પણ પ્લીઝ તારા પપ્પાના ઘરેથી નહીં જ…! ’ માલવ એટલું કહીને ચૂપ થઇ ગયો.

અને ત્યાં જ માલવના ફોન પર રીંગ વાગી. માલવની નજર તેની સ્ક્રિન પર પડતા ચહેરા પર ચિંતાની વાદળી હટી ગઇ.

‘ઓ મોટીબેન…! સો વર્ષના થશો.. હાલ જ હું અને રક્ષિતા તમને જ યાદ કરતા હતા… ક્યારે આવો છો..?’ માલવ મોટીબેન અવનિકાનો ફોન રીસીવ કરતા જ ખુશ થઇ ગયો.

માલવે સ્પીકર ઓન કર્યુ, ‘શનિવારે રાત્રે નવ વાગ્યાની ટ્રેનમાં આવીશ તારા જીજાજી નહી આવી શકે, પણ તારી લાડક્વાયી ભાણી માલવિકા તો તને મળવા કેટલાય દિવસથી રાહ જોઇને બેઠી છે…!’ અવનિકા પણ ખુશ હતી.

‘હા… સારું પણ હું તને રેલ્વે સ્ટેશને લેવા આવીશ.’ માલવે સામેથી આગ્રહ કરીને કહ્યું.

થોડી આનાકાની પણ પછી બેન માની ગયા. રક્ષિતા સાથે તેમને વાતો કરી.
રક્ષિતાએ આખરે પુછી લીધું, ‘ બેન, આ વખતે રક્ષાબંધને તમને શું જોઇએ તેની જ વાત કરી રહ્યાં હતા.. અમે નક્કી નથી કરી શક્યા.. જો તમે જ કહી દો તો…!’

‘અરે… મારે મન તો તમે સુખીથી રહો એ જ બસ છે…!’ અવનિકાએ માત્ર આશીર્વાદ આપ્યાં.

‘એમ ન ચાલે.. કંઇક…તો માંગ…!’ માલવે આગ્રહ કર્યો.

‘સારું તારો આગ્રહ છે તો તારી ભાણી માલવિકાને કોલેજ જવાની તકલીફ પડે છે માટે એક નવું સ્કુટી લઇ આપજે.’ અવનિકાએ તો એટલી સહજતાથી માંગ્યું કે નવું સ્કુટી સાવ સહેલાઈથી આવી જાય.

આ સાંભળતા જ માલવનું ગળું સુકાઇ ગયું, પણ થૂંકનો ઘૂંટડો ઉતારીને કહ્યું, ‘ચોક્કસ મોટી બેન.. આ રક્ષાબંધનની આ ભેંટ મળી જશે.’ અને થોડીવાર વાતો કરી ફોન મુકી દીધો.

હમણાં જ રક્ષિતાને જુનુ ટુ વ્હીલર લેવાની ના કહી રહ્યો હતો તે માલવે બહેન માટે નવું સ્કુટી ગિફ્ટમાં આપવાની પ્રોમિસ કરી દીધું.

રક્ષિતા અને માલવ વચ્ચે થોડી મિનિટનો શૂન્યવકાશ સર્જાઇ ગયો.

‘રક્ષિતા.. પહેલીવાર મોટીબેને કંઇક માંગ્યું છે… પપ્પાના મૃત્યુ પછી અમે તેમને કશું નથી આપ્યું અને માલવિકાનું નામ પણ અમારા ભાઇ-બહેનના નામ પર છે. મારી ભાણી માટે મારે ગમે તેમ કરીને સ્કુટી લાવી આપવું પડશે… પ્લીઝ તું ખોટું ન લગાડતી કે મને નથી લઇ આપતા અને બહેન માટે….!’

માલવની આંખો રક્ષિતાના જવાબનો ઇંતજાર કરવા તેની તરફ મંડાઇ.

રક્ષિતા માલવના મનોમંથનને એક ક્ષણમાં જ સમજી ગઇ. તે ઉભી થઇ અને તેના આઠ હજાર રુપિયા માલવના હાથમાં મુક્યા અને બોલી, ‘મારા તરફથી મોટી બેનની ગિફ્ટ માટે આ પૈસા રાખજો તમારે જરુર પડશે.’

‘પણ આ તો તારા પગારમાંથી બચાવેલા તારી સ્કુટી લેવા માટેની બચતના પૈસા છે અને તે તારા માટે છે, હું ન લઇ શકું રક્ષિતા…!’ માલવે તે લેવાનો ઇન્કાર કરતા કહ્યું.

‘માલવ, આ ઘર જ હવે મારું છે તો અહીં તારું-મારું કંઇ નથી. બધું આપણું છે અને તકલીફો પણ આપણી છે…! બહેન માત્ર રક્ષાબંધને જ કંઇક માંગે છે, જો મારે ભાઇ હોત તો હું પણ હકથી માંગી લેત.’ અને રક્ષિતાએ પરાણે તે પૈસા માલવને આપી નવુ સ્કુટી બુક કરાવવાનું કહી દીધું.

રક્ષિતાનું આ પ્રકારનું સમર્પણ જોઇ માલવે તેના કપાળે ચુમી લીધી.

બન્ને પોતપોતાની નોકરીએ ગયા.

માલવે પોતાની કરેલી બચત અને થોડા ઉછીના પૈસા લઇ અને રક્ષિતાને સાથે રાખી તેમની પસંદગીના રંગનું નવુ સ્કુટી બુક કરાવી લીધું. રક્ષાબંધને તેની ડિલીવરી લેશે તેમ ગોઠવી દીધું.

રક્ષાબંધને અવનિકા અને માલવિકા આવી ગયા.

સવારે અવનિકાએ ભૈયા કી કલાઇ સે પ્યાર બાંધા હૈ…. રેશમ કી ડોરી સે સંસાર બાંધા હૈ…. ના બેકગ્રાઉન્ડ મ્યુઝીક પર માલવને રાખડી બાંધી. બધાએ ભેગા મળી પપ્પાને પણ યાદ કર્યા.

અવનિકાએ એક રાખડી રક્ષિતાને પણ બાંધી અને બોલી, ‘ આ ભાભી- રાખડી છે. તમારી ખુશીઓ માટે…!’
અને પછી માલવે અને રક્ષિતાએ તેમના માટે તૈયાર રાખેલી નવા સ્કુટીની ચાવી અવનિકાને સોંપી.

‘રક્ષિતા.. આ રક્ષાબંધને બહેનની ભેંટમાં મેં કંઇક વધારે તો નથી માંગી લીધું’ને…?’ અવનિકાએ પુછ્યું.

તે રક્ષિતાની આંખોના ભાવ વાંચવા માંગતી હતી. રક્ષિતા પણ ખૂબ હળવાશથી બોલી, ‘ એ શું બોલ્યા મોટીબેન, આ તો તમારો હક છે, આ તો તમે સામેથી કહ્યું તે સારું થયું નહિ તો અમારે તમને શું આપવું તેની મૂંઝવણ હતી.’

માલવે જોયું કે રક્ષિતાની આંખોમાં એકપણ અણગમાની કે તેને પડેલી તકલીફનો અંશમાત્ર ભાવ નહોતો.

બધા સ્કુટી પાસે આવ્યાં. માલવિકાને તેના પર ચાંલ્લો કરવા કહ્યું.

માલવિકાએ એક ચાંલ્લો કરી બધાને એક એક ચાંલ્લો વારાફરતી કરવા કહ્યું.

પછી તો સ્કુટીને પણ એક રાખડી બાંધી અને સ્કુટીની ચાવી માલવિકાના હાથમાં આપતા રક્ષિતામામીએ કહ્યું, ‘મામા-મામી લો આ ચાવી અને સૌથી પહેલો આંટો તમારો.’

રક્ષિતાએ તો તરત જ ચાવી અવનિકાને આપી અને કહ્યું આજે તો ભાઇ-બહેનનો દિવસ છે. તેના પર પહેલો હક ભાઇ બહેનનો જ છે.

અવનિકાએ ચાવી લીધી અને તેને માલવને પાછળ બેસાડ્યો. બન્ને એક ચક્કર મારીને થોડીવાર પછી આવ્યાં તો બન્નેની આંખોમાં ખુશીઓની અનોખી ચમક હતી.

અવનિકાએ તે ચાવી રક્ષિતાને આપી. રક્ષિતાએ સ્કુટી સ્ટાર્ટ કરી અને જાણે પોતાના સ્વપ્નનું સ્કુટી હોય તેમ આંખમા ચમક આવી ગઇ.

મામી-ભાણી પણ ચક્કર મારીને આવ્યા અને પછી તે ચાવી રક્ષિતાએ અવનિકાને આપતા કહ્યું, ‘ લો, મોટીબેન… તમારા સ્કુટીની ચાવી.’

અને ત્યારે જ અવનિકાએ કહ્યું, ‘ રક્ષિતા, તે ચાવી તારી પાસે જ રાખી લે. આ સ્કુટી તારા માટે છે.’

રક્ષિતા કંઇ સમજી નહી એટલે તે માલવ પાસે ગઇ.

અવનિકાએ બન્ને તરફ જોઇને કહ્યું, ‘મને ખબર છે કે ઘરની જરુરિયાતને પહોંચી વળવા રક્ષિતા જોબ કરી રહી છે અને તેને અપડાઉનની પણ તકલીફ છે. એક સુખી ઘરની દિકરી મારા ઘરને સાચવવા પોતાના સુખોનું પણ સમર્પણ કરતી હોય તો તેના માટે મારે પણ કંઇક કરવું પડે. મને પપ્પા જીવતા ત્યાં સુધી અનેકવાર રોકડ રકમ આપતા. તારા જીજાજી તે પૈસાને મને જ આપી રાખતા અને કહેતા કે તારી મરજી હોય તેમ તે વાપરજે. મમ્મીએ મને કહેલું કે રક્ષિતા માટે સેકેન્ડ હેન્ડ સ્કુટી જોઇ રાખ્યું છે. ત્યારે મને થયું કે આ જ સાચો સમય છે કે મારા તે પૈસા આ સ્કુટી માટે આપી દઉં. પણ તમે એમ સીધી રીતે સ્વીકારો પણ નહી એટલે મારે નવી સ્કુટીની માંગણી કરવી પડી. આ સ્કુટી તો રક્ષિતા તારા માટે જ છે અને હું અને માલવ જ્યારે ચક્કર મારવા ગયા ત્યારે મેં બધી હકીકત જણાવી દીધી છે. તેમાં સહેજ પણ આનાકાની કરવાની નથી. આ મોટી બહેનની રક્ષાબંધનની માંગણી છે.’

‘પણ રક્ષાબંધનની તમારી ભેંટ…?’ રક્ષિતાએ પૂછ્યું.

‘અરે, જે ઘરની વહુ પોતાની નણંદની ખુશીઓ માટે પોતાની જમા બચત પણ હસતા મોંએ આપી દે તેનાથી વધુ મોટી ભેંટ શું હોઇ શકે. પપ્પાના ગયા પછી તમે સૌ ફરી ઘરને ખુશીઓથી ભર્યુ ભર્યુ રાખો છે તે કાંઇ ઓછું છે ? ભાઇના ઘરની ખુશીઓ જ બહેન માટેની સૌથી મોટી ભેંટ છે.’ અવનિકા એટલું બોલી અને ભીની આંખે રક્ષિતાને વળગી પડી.

સ્ટેટસ

જે બહેન સાથે નાનપણમાં લડ્યો’તો,

તે ભાઇ તેની વિદાયે ખૂબ રડ્યો’તો…

રાખડીનો તાંતણો એ જ હાથથી બાંધશે,

જે હાથે કાયમ વ્હાલનો સ્પર્શ અડ્યો’તો

લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

ડૉ. વિષ્ણુ પ્રજાપતિની પારિવારીક, સામાજિક અને સંવેદનાસભર ૪૬ વાર્તાઓના બે વાર્તા સંગ્રહો અમોલ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત થઇ ગયા છે. જે એમેઝોન, ફ્લિપકાર્ટ અને આપના નજીકના પુસ્તક વિક્રેતા પાસે ઉપલબ્ધ છે. આપ આ બન્ને અદભૂત વાર્તા સંગ્રહોને સત્વરે બુકિંગ કરાવી લેશો.

‘એ કાપ્યો છે..!!’

Standard

‘એ કાપ્યો છે…..!!’

‘જો કિન્નાને તોલ કરીને બરાબર બાંધ એટલે પતંગ સહેજે’ય ડોલે નહી.. અને એકદમ આપણે જે ધારીએ તે દિશામાં જાય ….!’ ચિંતને  પોતાના પતંગની કિન્નાનો તોલ કરતાં કરતાં પત્ની રંજનાને કહ્યું.
‘જો એ તો મને આવડે એમ બાંધીશ…! મને તમારી જેમ બધુ નો આવડે….!’ રંજનાએ તરત જ જવાબ આપ્યો.
‘પણ એ તો ના આવડે તો’ય શીખવું પડે…. આ તો સાવ સામાન્ય છે…!’ ચિંતને ખૂબ ઝડપથી બીજી પતંગને પણ કિન્ના બાંધી દીધી.
‘હા… હા.. મને ખબર છે.. કે તમને પતંગ ચગાવતાં ખૂબ સારુ આવડે છે… અને પતંગબાજીમાં જો તમને કોઇ ચડે તેવું હોય તો માત્ર પેલા ધીરૂભાઇ… બાકી કોઇ નહી…!’ રંજનાએ હાથમાં અગરબત્તીનો સળગેલો છેડો પતંગને કાણાં પાડવા માટે કમાનની બાજુમાં અડાડ્યો અને પતંગના કાગળમાં સહેજ સગળીને તીખારો થયો.
આ તીખારો તો ઓલવાઇ ગયો પણ તેની લાહ્ય ચિંતનને આખા શરીરમાં વીજળીવેગે ઉઠી ગઇ.
‘હા… હવે તે ધીરુભાઇ આખા દિવસમાં એક પતંગ ચગાવશે… અને તેમને…..!’ ચિંતનની લાહ્ય શબ્દોથી સળગે ત્યાં જ મોબાઇલની રીંગ વાગી.
‘હા.. બોલ.. વિશ્વાસ….!’ ચિંતને કોલ રીસીવ કરતા કહ્યું.
અને થોડીવાર સામે છેડેથી આવતા અવાજને સાંભાળી લીધા પછી તે બોલ્યો, ‘પણ એમા હું શું કરું..? એ તો જેવા કરે તેવા ભોગવે….!’ ચિંતને જવાબ આપ્યો.
થોડીવાર પછી ફરી કહ્યું, ‘જુઓ સારું શું અને ખરાબ શું તે તમારે મને કહેવાની જરુર નથી… હવે હું મેનેજર છું… તે નહી…!’  અને ચિંતને ફોન મુકી દીધો.
‘શું થયું….?’ રંજનાએ સ્ત્રી સહજ આદત મુજબ પોતાની વાતનો દોર શરુ કર્યો.
‘આ તો વિશ્વાસનો ફોન હતો… ઓફીસમાં બધાને એમ છે કે મેં મેનેજર બનવા માટે પેલા જુના મેનેજર વિરુધ્ધ ફરીયાદો કરી હતી.’
‘હા.. એ તો સાચું જ છે.. ને…! તમે જ બધુ લખેલું’ને….!’ રંજનાએ ફરી અગરબતીનો સળગતો છેડો પતંગને અડાડ્યો.
‘હા… હવે જો ક્યારેક આ બધું કરવું પડે…! આ બધું ઓફિસ પોલિટીક્સ છે… તું ના સમજે…!’ ચિંતને વાત વાળવા પ્રયાસ કર્યો.
‘તમે તમારા જુના મેનેજરનો પતંગ તો જોરદાર રીતે કાપ્યો… પણ જો ધીરુભાઇનો પતંગ કાપો તો માનું કે તમે સાચા પતંગબાજ છો…!’ અને રંજનાએ ફરી અગરબતી અડાડી દીધી.
‘હા.. તું જો જે આવતીકાલે …!’ ચિંતને હવે તો ધીરૂભાઇનો પતંગ કાપ્યે જ છુટકો તેવી ગાંઠ વાળીને કિન્ના બાંધી.
ધીરૂભાઇ સોસાયટીના સૌથી સજ્જ્ન વ્યક્તિ અને છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીના પ્રમુખ. આખી સોસાયટી ધીરૂભાઇના પતંગની દિવાની…
ધીરૂભાઇની એક ખાસિયત કે દરવર્ષે તેઓ એક સ્પેશ્યલ પતંગ બનાવે અને તે ઉત્તરાયણના દિવસે એક કલાક માટે જ તે પતંગ ચગાવે. તે પતંગ પણ અવનવા આકારનો… તદ્દન નવી જ ડિઝાઇનવાળો તો હોય પણ સાથે સાથે તેમાં કોઇ સામાજિક ઉત્થાનનો સારો સંદેશ હોય જ…!
અગાઉની ઉત્તરાયણમાં તેમને બનાવેલા ‘બેટી બચાવો’  વિષય પરના એક દિકરીના આકારના પતંગે તો સૌના દિલ જીતી લીધેલાં, પક્ષી બચાવો અભિયાનની કબૂતર જેવી પતંગથી પણ લોકો આકર્ષાયેલા. 
ગયા વર્ષે કલેક્ટેરે તેમને આ પ્રકારે સામાજિક સંદેશો આપતી ઉત્તરાયણ ઉજવવા બદલ સ્પેશ્યલ શહેર રત્નનો એવોર્ડ પણ આપેલો.
ઉત્તરાયણની સવાર આવી. 
આજે ચિંતને તો એક જ ગાંઠ વાળેલી કે ધીરૂભાઇનો પતંગ ચગ્યા પછી  તેને કાપી નાખું એટલે સંતોષ થાય…!
અને બરાબર અગિયાર વાગે ધીરૂભાઇ એક મોટા કદના આકાર સાથે પોતાના અગાસી પર આવ્યાં.
સામેના ધાબા પરથી માઇકમાં એનાઇન્સ પણ થયું. ‘આવ્યા છે… આવ્યા છે… ધીરૂભાઇ આવ્યા છે… આપણાં માટે કોઇ નવો સદંશો લાવ્યા છે…!’ અને બધાનું ધ્યાન હવે આ વખતે ધીરૂભાઇ કેવી ડિઝાઇનવાળો અને કયા સંદેશવાળો પતંગ ચગાવે છે તે તરફ ગયું.
અને ધીરૂભાઇએ પોતાનો પતંગ સહેજ હવામાં ઉપર કર્યો. અને દરેક ધાબા પરથી સૌએ તાળીઓના ગડગડાટથી ધીરૂભાઇના પતંગને વધાવ્યો. 
જો કે ચિંતન તેમની બરાબર પાછળ તેમનો પતંગ કઇ રીતે કાપી શકાય તેનું માપ કાઢી રહ્યો હતો.
પવન પણ ખૂબ સારો હતો અને તેની લહેરોમાં ધીરુભાઇએ પોતાનો પતંગ ખુલ્લા આકાશમાં સરકાવ્યો.
આ ઉત્તરાયણનો સ્પેશ્યલ પતંગ હતો.. તેની ડિઝાઇનમાં ચાર માણસો એકમેકનો હાથ પકડીને ઉભા હોય તે રીતે હતો અને તેની પર લખેલું હતું, ‘એક બને નેક બને…!’ અને તેની પર સુંદર સુશોભને ફરી સૌના દિલ જીતી લીધેલાં.
માઇક પર ફરી સૌએ ‘ એક બને નેક બને…!’ ના નારા લગાવી ધીરૂભાઇને પ્રોત્સાહન આપ્યું.
આ સ્પેશ્યલ પતંગ જેમ જેમ હવામાં પોતાનું સ્થાન જમાવતો ગયો તેમ તેમ ચિંતનની ચિંતા વધતી ગઇ. વળી, તેમની આજુબાજુ કોઇ ધીરૂભાઇનો પતંગ કાપી ના જાય તે માટેના ક્ષેત્રરક્ષકો પણ ગોઠવાઇ ગયા.
આ ક્ષેત્રરક્ષકો બીજા કોઇ પતંગ તેની ઉપર આવીને પડે નહી તે માટે તેનું રક્ષણ કરતા… કોઇ સામેથી ધીરૂભાઇનો પતંગ કાપશે તેવું કોઇએ વિચાર્યુ નહોતું.
પણ ચિંતન જુદું વિચારી રહ્યો હતો.. તેને ધીરે ધીરે પોતાના પતંગની દિશા  સ્થિર કરી અને આ સાત કોઠાનું યુધ્ધ કેવી રીતે જીતવું તે વિચારી લીધું.
રંજના પણ ફિરકી પકડીને સાબદી બની ગઇ હતી. સવારથી તેઓ બન્ને એક જ મિશન લઇને ધાબા પર આવેલા કે આજે તો ધીરૂભાઇનો પતંગ કાપીએ એટલે જાણે જગ જીત્યાં. 
જો કે સવારથી તેમને પોતે બનાવેલી ચીકી, તલ સાંકળી, શેરડી બધું સામે હતું.. પણ તેમને તે ચાખ્યું’યે નહોતું. સાચે.. કેટલાક માણસો બીજાના સુખે દુ:ખી હોય છે.. 
લગ્નના છ વર્ષ થયેલા ચિંતન- રંજનાને કોઇ સંતાન પણ નહોતું.. અને પોતાના સ્વભાવના કારણે  કોઇ સાથે મિત્રતા પણ નહોતી કે કોઇ તેમની સાથે ઉત્તરાયણ મનાવવા આવે.
હવે ધીરૂભાઇનો પતંગ હવામાં સ્થિર અને નિશ્ચિંત હતો. ઘણાં લોકો તેની સાથે દુરથી પોતાનો સેલ્ફી લઇને સોશિયલ મિડિયા પર વાઇરલ કરી રહ્યાં હતા.
અને ચિંતનને હવે સહેજ જગ્યા મળી.

ધીરૂભાઇના કુલ સાત ક્ષેત્ર રક્ષક પતંગમાંથી ત્રણ કપાઇ ગયા હતા અને પોતાના અને ધીરૂભાઇના પતંગ વચ્ચે માત્ર બે પતંગ જ હતા.
આ મોકો ચિંતનના ધ્યાને આવી ગયો..

અને દૂર ખૂણેથી પોતાનો પતંગ સહેજ વાળીને પોતાની મંજિલ તરફની દિશા પકડી.
પતંગ.. કિન્ના… દોરી… પવન બધું જ બરાબર સજ્જ કરીને ચિંતને આક્રમણ કર્યુ.
આ પતંગનું આક્રમણ આજે ચિંતન માટે એક યુધ્ધ જ હતું જે તેને મનમાં બરાબર ગોઠવી દીધું હતું.
ચિંતન પણ ખૂબ સારો પતંગબાજ હતો..

હવે તેના પતંગે નીચેથી તેજ ગતિએ ખેંચવાનું શરું કર્યુ.
ગતિ પણ કેવી…. આંખના પલકારામાં તો છેક દુર ખૂણેથી યુધ્ધમેદાનમાં આવી ગયો અને ક્ષેત્રરક્ષકનો પહેલો પતંગ તો દોરી અડતાની સાથે જ કાપી નાખ્યો….
અને રંજનાએ બૂમ પાડી… એ કાપ્યો છે…..! 
અને ત્યાં જ દોરીનો એક લસરકો ચિંતનની આંગળી પર થયો અને લોહી નીકળી ગયું..
પણ ઘવાયેલો ચિંતન વધુ આક્રમક બની ખેંચવા લાગ્યો…
અને બીજી ક્ષણે બીજા ક્ષેત્રરક્ષકને પણ  ઉડાડી દીધો..
રંજનાએ ફરી બૂમ પાડી…. એ કાપ્યો છે…!’ 
અને હવે ધીરૂભાઇ અને ચિંતનના પતંગ વચ્ચેનું રણમેદાન સાફ થઇ ગયેલું.
તેના પતંગની ગતી જોઇને બીજાને ખ્યાલ આવી ગયો કે આ ચિંતન ધીરૂભાઇનો પતંગ કાપશે.. એટલે કેટલાકે બૂમ મારી,  ‘ ધીરૂભાઇ.. સાચવજો….!’ 
અને સામેના ધાબે રહેલા ભાવિકે તો પોતાનો હજુ બરાબર ન ચગાયેલો પતંગ પણ વચ્ચે નાંખ્યો. એમ કરતા પણ જો ધીરૂભાઇના પતંગને બચાવી શકાય….! આ જ તેનો આશય હતો. 
જો કે આ ખુલ્લા આકાશના યુધ્ધમાં તેનો પતંગ પણ કપાઇ ગયો.
અને રંજનાએ બૂમ મારી… ‘એ કાપ્યો છે…!’ 
ત્યાં સુધીમાં તો ચિંતનની દરેક આંગળીઓમાંથી લોહી નીકળીને ટપકવાનું શરુ થઇ ગયું હતું. 

જો  કે ‘ એવરીથિંગ ઇઝ ફેયર ઇન લવ એન્ડ વોર’ મુજબ ચિંતનને મન તો આ વોર જ હતી.
અને છેલ્લે ધીરૂભાઇના પતંગ પર એટેક કર્યો… 
તેનો પતંગ વિજળીવેગે આવ્યો… અને દોરી એકધારી રીતે ખેંચાઇ રહી હતી.

સૌ કોઇનું ધ્યાન હવે આ છેલ્લા એટેક પર ચોંટી ગયું હતું.
આ જ દિન સુધી ધીરૂભાઇની પતંગ પર આ રીતે ખૂબ સમજી વિચારીને આયોજનપૂર્વક પહેલીવાર કોઇએ આક્રમણ કર્યુ હતું.
અને…
ચિંતને છેલ્લો શ્વાસ લઇને ખેંચી લીધું…
અને… ધીરુભાઇના સ્થિર પતંગની દોરી પર તેને એટેક કર્યો.. ‘એક બને નેક બને’ લખેલા શબ્દો ધ્રુજવા લાગ્યાં… તે પતંગ પણ ચિંતનના એટેકથી હવામાં ગુંલાટ ખાઇ ગયો..

સૌ કોઇના જીવ તાળવે ચોંટી ગયા હતા… 
અને ધીરૂભાઇનો પતંગ આ વખતે વધુ સામનો કરી ન શક્યો અને કપાઇ ગયો……! 
દોરી તુટતા મહાકાય પતંગ સાવ કોકડું વળીને હવામાં ફેંકાવા લાગ્યો.. તેના પર લખેલું.. એક બને નેક બને…. પણ હવે વંચાતું નહોતું..
અને ચિંતન અને રંજનાએ આનંદથી… ખુશીથી…. યુધ્ધના જીતના જશ્નના લલકારથી જોરથી બન્ને એ એક સાથે બૂમ પાડી..
‘એ કાપ્યો છે….!’

‘એ કાપ્યો છે….!’
અને રંજનાએ જીતની ખુશીમાં ચિંતનનાં મોં મા ચિકી મુકીને વધામણાં આપ્યાં..
ધીરૂભાઇનો પતંગ કપાતાં જ આજુબાજુ શોકનું વાતાવરણ બની ગયું..

બીજી ક્ષણે બધા લાઉડ સ્પિકર બંધ થઇ ગયા..
કોઇકે તો ચિંતનના ધાબા પર જોઇને જેમ તેમ બોલવાનું પણ શરુ કર્યુ.. પણ ધીરૂભાઇએ તેમને વારી લીધા…
‘હશે… આ વખતે મારા પતંગનું આયુષ્ય ટુંકું હશે તેમ કહી..’ તેમને પોતાનું મન વાળી લીધું અને તે કોઇ ફરીયાદ વિના અગાસી પરથી નીચે ઉતરી ગયા.
ઉત્તરાયણના દિવસે ધીરૂભાઇના પતંગ વિના આકાશ ભેંકાર લાગી રહ્યું હતું.

ધીરૂભાઇનો પતંગ કપાઇ ગયો તો બધાને મન ઉતરાયણની મજા બગડી ગઇ અને બધાએ પોતાના પતંગ પણ નીચે ઉતારી લીધા.
હવે ચિંતન અને રંજનાનો એકલો પતંગ ખુલ્લા આકાશમાં એકલો અટુલો પોતાનો વિજય જશ્ન મનાવી રહ્યો હતો.
ત્યાં જ ચિંતનના ઘર પાસે કોલાહલ કરતું ટોળું ધસી આવ્યું.
ચિંતન અને રંજના નીચે આવ્યાં.

આખો ઓફિસ સ્ટાફ નીચે આવ્યો હતો.
સૌ પોત-પોતાનું રાજીનામું લખીને આવ્યા હતા અને ચિંતન તારું ગંદુ ઓફીસ રાજકારણ બંધ કરો તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
ચિંતન સૌને સમજાવવામાં નિષ્ફળ રહ્યો.
અને ત્યાં જ ધીરૂભાઇ આવ્યાં.. સૌને પોતાના ઘરમાં બેસાડ્યાં અને તેમની વિગત જાણી.
ધીરૂભાઇએ સૌને સમજાવ્યા અને ચિંતનની હાજરીમાં જ કહ્યું, ‘ અરે, તમારી કોઇ ગેરસમજ થઇ હશે. ચિંતનભાઇ ખૂબ સારા છે.. અમારા પડોશી છે… થોડું સમજી જાવ આજે ઉત્તરાયણનો તહેવાર છે.. કોઇનો તહેવાર ના બગાડશો…!’
અને પછી સૌને શાંત કરી પાછા વાળ્યાં.
તે લોકો હજુ દરવાજે જ પહોંચ્યા હશે ત્યાં તેમાનો એક કર્મચારી પાછુ વળીને બોલ્યો, ‘કાકા, તમે ખૂબ સારા છો…! આ ચિંતનને હજુ ઓળખતા નથી. તેને આવીને અમારી ઓફીસમાં દરેક કર્મચારીના સંગઠન અને વિશ્વાસને તોડી નાખ્યાં છે. અરે… તેનું ચાલે તો તમે જો ઉત્તરાયણે સારો પતંગ ચગાવો તો ઇર્ષ્યાથી બળીને તમારો પતંગ પણ કાપી નાખે…..!’
અને છેલ્લા શબ્દોએ ચિંતનને હચમચાવી નાખ્યો.. તેની નજર પોતાની આંગળીમાંથી હાલમાં મેળવેલ  જીતના જશ્નનું લોહી નીકળી રહ્યું હતું તેમાં સ્થિર હતી અને ધીરૂભાઇ પણ અવાક બની ગયા…. 
સ્ટેટસ
બીજાને પછાડવાના ધમપછાડા 

કરવા કરતાં ચલો તેની સંગાથે ઉડી લઇએ..
ને જો પતંગ બની મહાલવું છે તો.. 

કોક દી આપણી દોર પણ તેના હાથમાં દઇ દઇએ… 
લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

તા. ૧૩/૦૧/૨૦૧૮

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦ 
ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત

સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા 

ચાર રોમાંચ જિંદગીના

અને

ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક

હું

અવશ્ય વાંચો, વંચાવો અને વસાવો…

વ્હોટ્સઅપની વાર્તા

Standard

વ્હોટ્સ અપની વાર્તા

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ
‘આન – દોલન…’
‘આન… એય આન…! તું જ્યારે માઇકમાં બોલે છે ત્યારે તારા શબ્દોની અસર વિજળીના  તેજ લીસોટા જેવી હોય છે. સામે બેસેલા બધા મંત્રમુગ્ઘ થઇને તને સાંભળ્યા જ કરે છે… તારા શબ્દોના ઉતાર ચઢાવ અને લયમાં લોકો ભીંજાઇ જાય છે… ખેંચાઇ જાય છે….!’
‘બસ… બસ… હવે…! આજના તારા મસ્કા મારવાનો ક્વોટા પુરો થયો હોય તો ઘરે જાઉં…!’ આને પોતાનો હાથ છોડાવતા કહ્યું.
‘એમ.. થાય છે કે તારો હાથ ક્યારેય ન છોડું…! તને કાયમ સાંભળ્યા જ કરું….!’
‘એ તો ગર્લ ફ્રેન્ડ હોય ત્યાં સુધી આ ડાયલોગ દરેક પુરુષ બોલે છે…. પત્ની બની ગયા પછી હાથ પકડવાનો કે સાંભળવાનો કોઇ પતિ પાસે ટાઇમ નથી હોતો…!’ અને આન તેનાથી દુર થવા ઉભી થઇ પણ ફરી દોલને ખેંચીને બેસવા આગ્રહ કર્યો.
અને ત્યાં જ કેન્ટીનમાં ત્રણેક છોકરા દોડતાં – દોડતાં આવ્યાં… ‘ અરે આંદોલન તમે અહીં બેઠાં છો…! આનની સ્પિચ પછી તો કોલેજમાં વિરોધ શરુ થઇ ગયો છે. વિદ્યાર્થીઓએ આ ડિસેમ્બર મહિનાના જુદાં જુદાં ડે ઉજવ્યાં તેને સમય, નાણાં અને સંસ્કારને લાંછન રુપ કહ્યું હતું તેના માટે આજે કોઇ ક્લાસમાં બેસીને લેક્ચર નહી ભરે તેવી સૌએ જાહેરાત કરી છે….! પહેલા આન બધાની પાસે માફી માંગે, પછી જ અમે કોલેજ શરુ થવા દઇશું તેવી જીએસે જાહેરાત કરી છે….!’
‘પણ.. મને તો જેવું લાગ્યું તેવું કહ્યું…,  ડેની ઉજવણીમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર બન્નેનું ચિરહરણ થતું મેં આ કોલેજમાં જોયું એટલે કીધું…! 31સ્ટ ના નામે ડીજે અને દારુ પીને આવેલા પેલા કોલેજીયનોએ કેવો હંગામો કરેલો….!’ આને તરત જ પ્રત્યુત્તર વાળ્યો.
‘જો એ વિચારવાનો અત્યારે સમય નથી… પ્રિન્સિપાલ સર તને શોધે છે..!’ પેલામાંથી એક છોકરાએ ઉતાવળે કહ્યું.
‘તું ઘરે જા… એ તો હું સંભાળી લઇશ….!’ દોલન તરત જ આનનો હાથ છોડાવી પેલા છોકરા સાથે પ્રિન્સિપાલની ઓફીસ બાજુ ગયો.
‘પણ કેવુ પડે… તમારું બન્નેનું નામ કેવુ..? આન અને દોલન… ભેગું કરીએ એટલે થાય આંદોલન… અને તમે જ્યારે મળો છો ત્યારે કોઇને કોઇ આંદોલન થાય જ છે….!’ પેલા છોકરાએ દોલનને પીઠ પર ધબ્બો મારતાં કહ્યું.
‘હા… અમે પહેલી વાર જ્યારે મળેલાં ત્યારે પણ શહેરમાં કરફ્યુ લાગેલો… આન ને છોકરી સમજીને જવા દીધેલી અને પોલીસવાળાંએ મને તો બે ધોકા બન્ને બમ્પ પર મારેલા… એ..આંદોલન મને દસ દિવસ સુધી દુ:ખેલું…!! પણ તે પછી આન મારી થઇ ગયેલી…!’ દોલને આન તરફ છેલ્લી નજર કરતા કહ્યું.
‘હા… હવે એ તો મહોબ્બત મેં ધોકા ઔર ધોખા સભી કો મિલતા હૈ… તુમ્હે ધોકા પસંદ હૈ… ઇસલિયે પોલીસ કા ધોકા મિલા….!’ આને હસતાં હસતાં કહ્યું.
અને કતરાતી નજરે દોલન પ્રિન્સિપાલની ઓફીસ તરફ આગળ વધ્યો અને જીએસને સમજાવી મામલો થાળે પાડ્યો.
કોલેજના છેલ્લા વર્ષમાં ભણતાં આન અને દોલન વચ્ચે પ્રેમના આંદોલન ઝડપથી આગળ વધ્યાં હતા.

આન અને દોલન બન્નેની એક ખાસીયત એ હતી કે બન્ને સારા વક્તા હતા અને કોલેજના દરેક કાર્યક્રમોમાં લીડરશીપ લેતા હતા.
એક દિવસે દોલને આનનો હાથ પકડીને બધાની વચ્ચે કેન્ટીનમાં કહેલું  ‘ જો આન તું મારી નહી થાય તો હું આંદોલન પર ઉતરી આવીશ… તારા પિતાજીને આવેદનપત્ર આપીશ.. ભૂખ હડતાલ અને અગ્નિસ્નાન પણ કરીને દેખાડીશ….!’ દોલનનો ત્યારનો સૂર પ્રેમ કરતા કોઇ આંદોલનમાં ભાગ લઇ રહ્યો હોય તે રીતનો હતો.
પણ.. તે પછી આન ધીરે ધીરે દોલન પ્રત્યે ખેંચાઇ અને બન્ને પ્રેમમાં પ્રવાહિત થઇ ગયા.
‘દોલન… આપણાં લગ્ન ક્યારે થશે…?’ આને એકવાર પુછી લીધું.

‘ક્યારે થશે તેમ નહી…. થશે કે નહી તેમ પુછ….!’ દોલને તરત જ સ્પષ્ટ કરી દીધું.
‘કેમ… આમ બોલે છે….?’ આને થોડી સ્પષ્ટતા માંગી.
‘તું’યે ગાંડી છે’ને… આપણી વચ્ચે નાત-જાતની મોટી દિવાલ છે….! તું જ્યારે ઘરમાં વાત કરીશને તે દિવસે જ ઘરમાં તારે આંદોલન કરવું પડશે…..!’ દોલને જીવનની હકીકત કહી.
‘જો પ્રેમ હોય તો… આપણને કોઇ દિવાલ નહી રોકી શકે….!’ આને ફિલ્મી ડાયલોગ સંભળાવી દીધો.
‘જોઇશું આગળ કેવી દિવાલો આવશે….અને કેવી રીતે કુદીશું… પણ અત્યારે તો પ્રેમ કરી લઇએ….!’ દોલને આખી વાત વાળી લીધી.
સમય વીતતો ચાલ્યો.. આન અને દોલન ભેગા થઇને આંદોલન બની ચુક્યા હતા.
કોલેજ પણ પુરી થવાને આરે હતી…

ઘરેથી કોઇ સહકાર નહી મળે એટલે કોર્ટ મેરેજનું બન્નેએ વિચારી લીધું.
‘આ કમૂરતા ઉતરે એટલે કોર્ટ મેરેજ….!’  આને પોતાનો નિર્ણય દોલનને કહી દીધો.
દોલન માટે તો આન જેવી છોકરી મળવી એટલે કાગડો દહીંથરુ લઇ ગયો એમ જ કહેવાય…!
દોલને તો તરત જ કહેલું, ‘ કોર્ટ મેરેજમાં મૂહૂર્ત નહી માત્ર ઉંમર જોવાની હોય છે…!’
અને બન્નેએ તારીખ નક્કી કરી લીધી.

આન જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા જઇ રહી હતી અને પહેલીવાર તે પોતાના મમ્મી પપ્પાને જણાવી નહોતી રહી તેનો વસવસો હતો પણ ઉંમરની નાદાનિયત તેને પ્રેમ તરફ ખેંચી રહી હતી.
આજ દિન સુધી બન્ને જ્યારે મળતાં ત્યારે શહેરમાં હંમેશા કોઇને કોઇ અશાંતિ ફેલાઇ જ હતી.
અને કોર્ટ મેરેજના આગળના દિવસે જ શહેરમાં જાતિવાદ વકરી ગયો. શહેર બંધ કરવાનું એલાન થઇ ગયું.
અમારી જ્ઞાતિના લોકોને જો કાંઇ થાય તો અમે ચૂપ નહી બેસીએ…. તેમ ધીરે ધીરે આ દાવાનળ જુદા જુદા રાજ્યોમાં પણ પ્રસરી રહ્યો હતો.
શહેર બંધ અને ગમે ત્યારે હિંસા ભડકી ઉઠે તેવું ઉગ્ર આંદોલન પણ શહેરમાં શરુ થઇ ગયું હતું.
આન તેના પિતાજી સાથે ખરીદી માટે નીકળી હતી તે શહેરની પરિસ્થિતિથી અજાણ હતા… અને એકાએક સામેથી મોટું ટોળું આવ્યું અને લોકો પર દુરથી પથ્થરમારો શરુ કર્યો.

આનના પિતાજીએ તરત જ પોતાનો હેલ્મેટ પોતાની દિકરી આનને પહેરાવી સુરક્ષિત જગ્યા શોધવા લાગ્યા..
આંદોલન ઉગ્ર હતું… પોલીસ આવી… પોલીસને જોઇ ટોળું વધુ ઉશ્કેરાયું અને જોર જોરથી પથ્થરમારો કરવા લાગ્યું… 
જો કે આન હેલ્મેટના કારણે બચી ગઇ, પણ તેના પપ્પાના ખુલ્લા માથા પર પથ્થરોએ ભારે ઇજા કરી.

એક ક્ષણમાં તો પપ્પાના માથામાંથી લોહીની ધાર થવા લાગી.
આન તો પપ્પાનું માથું પકડીને બેસી ગઇ.. તે ક્રુર નજરે ટોળા સામે તાકી રહી હતી.. 
હેલ્મેટના કાચમાંથી સામે ટોળામાં દોલન દેખાયો.. તે પણ બધાને આંદોલનને તીવ્ર બનાવવા ઉશ્કેરી રહ્યો હતો… પોલિસે ટીયર ગેસ છોડીને ટોળાને વેરવિખેર કર્યુ… 
આન અને તેના પિતાજી માંડ માંડ હોસ્પિટલે પહોંચ્યા..
લોહી ખૂબ વહી ગયું હતું… લોહીની જરુર ઉભી થઇ… આંદોલનની અસરને કારણે શહેર બંધ હતું. સિવિલ સુધી પહોંચવામાં જોખમ હતું.. પણ… પોતાને હેલ્મેટ આપીને બચાવનાર પપ્પા માટે આને જોખમ લીધું.. આને જોયું કે એક દિવસમાં તો શહેરને કાળો રંગ લાગી ગયો હતો… સળગતા ટાયરોનો ધુમાડો…. તોડી નાખેલી દુકાનો… સળગીને રસ્તામાં ઉભેલી સરકારી બસ… બધું જ જોતા હૈયું ભરાઈ આવ્યું…
આખરે  મહામહેનતે એક બોટલ લોહી મળ્યું.. આંદોલનમાં અનેક ઘવાયેલા હોવાથી શહેરમાં લોહીની અછત ઉભી થઇ હતી….
આને જોયું કે અત્યાર સુધી દસેક વાર દોલનના ફોન આવી ચુક્યા હતા.

લોકોને ઉશ્કેરતા તે ચહેરા પર પહેલી વાર આનને નફરત થવા લાગી હતી.
ફરી ફોન વાઇબ્રેટ થયો… દોલન વારેવારે ફોન કરી રહ્યો હતો.

આને કોલ રીસીવ કર્યો તરત જ સામે છેડેથી અવાજ આવ્યો, ‘ મારી દુલ્હન… કાલે તૈયાર રહેજે…! આપણે હકીકતમાં અંદોલનની સાથે જ આન અને દોલન એક થશે. અને હા.. અમે બધાએ આંદોલન શરુ કર્યુ છે. અમારી જ્ઞાતિનું અપમાન અમે સહેજે’ય નહી સાંખી લઇએ. આવતીકાલે….!’
‘સાંભળ દોલન….!’ આને અધવચ્ચે અટકાવતા કહ્યું પણ દોલન કાંઇપણ સાંભળવા તૈયાર નહોતો. 
તેને પોતાનું કહેવાનું ચાલુ રાખ્યું, ‘ તારી વાત પછી….! આવતીકાલે સવારે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ.. અને તારે તેમા ધારદાર પ્રવચન આપવાનું છે. આખરે હવે તું પણ મારી જ જ્ઞાતિની થવાની છે.. અને એક ધમાકેદાર આંદોલનના પડઘમ સંભળાવી પછી આપણે કોર્ટ મેરેજ કરીશું… આખરે આપણું નામ કુદરતી રીતે આંદોલન જ છે જે કાલે સાબિત  કરી દઇશું.’
‘પણ.. દોલન…!’ આન વિનવતી ગઇ પણ દોલને ફરી કહી દીધું.
‘આવતીકાલે બરાબર અગીયાર વાગે કલેક્ટર ઓફીસ સામે અને પછી સાડા બારે કોર્ટ મેરેજ…!’ એટલું કહી દોલને ફોન મુકી દીધો.
ફોન કટ થતાં આન એક હાથમાં લોહીની બોટલ અને એક હાથમાં ફોન લઇને ધ્રુસકે ધ્રુસકે રડી પડી…
આ દોલન જેને હું પ્રેમ કરું છું.. મારી જિંદગી આપી રહી છું.. તે મને આંદોલન કરાવીને.. લોકોને ભડકાવીને પછી આન-દોલનનો મિલાપ થશે તેવું ઝંખી રહ્યો છે… મારે તેને શીખવવું જ પડશે…
અને આન કોઇ વિચાર કરી ઉભી થઇ.

બ્લડ બેંકના ડિરેક્ટર સાથે થોડી વાતચીત કરી અને આવતીકાલનો પ્રોગ્રામ ગોઠવીને પોતાના પપ્પાને લોહી પહોંચાડવા ઝડપથી  હોસ્પિટલ તરફ ગઇ અને રાત્રે લોહીની બોટલ શરુ કરી દીધી.
પપ્પાને સારું થતા આન પપ્પાને વળગી પડી,’પપ્પા, સોરી….!’ અને ધુસકે ને ધુસકે રડી પડી.
‘કેમ સોરી…?’ પપ્પાએ પુછ્યું.
આને પોતાના આંસુ રોકીને કહ્યું, ‘ એ તો એમ જ…. પણ પપ્પા તમે મને હેલ્મેટ કેમ આપી દીધો..?’
‘અરે.. બેટા… તારો બાપ છું… અને મારી નજર સામે તને એક ઉઝરડો પડેને તો’ય મારું કાળજુ ચિરાઇ જાય… તને જો ક્યાંક પથ્થર વાગી જાય તો તને જે દર્દ થાય તેના કરતા વધુ દર્દ તો મને થાય. વળી,  આખી જિંદગીનો વસવસો રહી જાય કે મારું માથું સલામત રાખવા દિકરીને સુરક્ષિત ના રાખી શક્યો. બેટા કોઇપણ બાપ પોતાની દિકરી માટે હેલ્મેટ તો શું આખું માથું પણ આપતા ક્ષણનો’ય વિલંબ ના કરે…!’
આન ફરી ચોધાર આંસુએ રડી અને વળગી પડી અને મનોમન બબડી, ‘  જે બાપ મને એક ઉઝરડો પણ ના પડવા દે અને મારા માટે હસતા મુખે માથું પણ મુકી શકે તેનું જ માથું દુનિયા સામે શરમથી ઝુકી જાય તેવું કામ કરવા હું જઇ રહી હતી….! ભગવાન મને માફ કરી દે..!’

આંસુની ગંગાથી આન પવિત્ર બની હતી.
બીજા દિવસે સવારે દોલને કહ્યા મુજબ અગિયાર વાગે આન કલેક્ટર ઓફીસ પહોંચી. લોકોનું મોટું ટોળું ઉભું હતું. દોલન આનને જોઇને ખુશ થઇ ગયો. તેને આનને સ્ટેજ પર આવકારી અને સ્પિચ આપવા કહ્યું.
આને માઇક હાથમાં લીધું અને પોતાની ધારદાર સ્પિચથી શરુઆત કરી, 
‘સર્વે આંદોલનકારી ક્રાંતિકારીઓ… તમારી શક્તિને હું નમન કરું છું… આજે એક દિવસમાં જ આપણે આખા શહેરને બતાવી દીધું કે અમારું અપમાન કરશો તો અમે ચુપ નહી બેસી રહીએ….! શહેરને ભડકે બાળીશું… શહેરને બંધ કરાવી દઈશું…!’
આનની ધારદાર શરૂઆતમાં જ સૌએ તાળીઓનો વરસાદ વરસાવી દીધો.
‘અને… આપણી તાકાત આજે બધાને બતાવી દઇશું… આ આવેદન માત્ર કાગળ નથી આપણો જુવાળ છે અને યુવાનોની હૈયાવરાળ છે… સાચુને….?’
આને આવેદનપત્ર ઉંચો કરીને કહ્યું.

સામે બધાએ એકસાથે જોરથી પ્રત્યુત્તર વાળ્યો, ‘ એકદમ સાચુ.’ 
‘તો પછી યુવાનો આજે થાવ તૈયાર કારણ કે કોઇ માઇનો લાલ આપણી સામે આંગળી ચિંધી ના શકે…!’
સભામાંથી અવાજ આવ્યો, ‘ અમે તૈયાર છીએ… તૈયાર છીએ…!’
‘બસ… તો પછી આજે આપણે એક નવું જ આંદોલન કરીશું જેમાં અહીં આપણે રક્તદાન કેમ્પ કરીએ છીએ અને આપણે બ્લડ ડોનેટ કરી આ આંદોલનમાં ઘવાયેલા લોકો માટે લોહીની બોટલ મોકલાવીશું અને બધા પોતાનું ડોનેશન આપી જે કોઇ સરકારી સંપત્તિને નુક્શાન કર્યુ છે તેની ભરપાઇ પેટે આ આવેદન પત્ર સાથે તે દાનની રકમ પણ જમા કરાવીશું. જેથી બધા જ જાણે કે આ આંદોલન હિંસક નહી પણ પ્રેમનું હતું… વેરઝેરનું નહી પણ ભાઇચારાનું હતું… તો તૈયાર છો ને બધા…..!’
‘હા… તૈયાર…!’ બધા એકસૂરે આનની વાતમાં ખેંચાઇ ગયા હતા.
અને તે દિવસે આને આંદોલનકારીઓના દિલમાં અપમાન નહી પણ સન્માનનું આંદોલન જગાવી દીધું. આંદોલનકારીઓનો જુવાળ સમાજમાં અશાંતિ માટે નહી પણ સામાજિક સમરસતા તરફ વાળી દીધો.
દોલન આનને મળવા નજીક આવ્યો પણ આને તેને રોકતા કહ્યું, ‘દોલન આપણું આંદોલન અહીં જ સમાપ્ત થાય છે. આપણાં નામના શબ્દોનો મેળ પણ અરાજકતા તરફ દોરે છે. જે મને કદી’યે મંજુર નથી. હવે કોઇ મુહુર્ત કે તારા આવેદનની મારે જરુર નથી. ગઈકાલે તારા ફેંકાયેલા પથ્થર અને મારા પિતાએ આપેલા હેલ્મેટથી હું જીવનને સમજી ચુકી છું. ’ 
એટલું કહી આન ટોળાં વચ્ચેથી સરકીને પોતાના પિતાજીની સુરક્ષિત છત્રછાયામાં પહોંચી ગઇ.
સ્ટેટસ

‘ચલોને આંદોલન એવું કરીએ, જ્યાં

ભેદભાવ નહી હેતભાવ જ જન્મે….!’
લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

તા. ૦૭/૦૧/૨૦૧૮

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
ડૉ. વિષ્ણુ પ્રજાપતિ લિખિત 

સંબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા,

ચાર રોમાંચ જીંદગીના
અને સ્વવિકાસ માટેનું પુસ્તક

હું – ખોવાયેલા ખુદની શોધ
આજે જ ઘેર બેઠા મંગાવવા લેખકનો સંપર્ક કરો.