Tag Archives: whatsapp

હોળીની ઝોળી

Standard

લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

હોળીની સવારે જ સોસાયટીના બધા નાના મોટા બાળકોએ હોળીની ઝોળીની તૈયારીઓ માટે મિટીંગ કરી.

દર વર્ષે સોસાયટીના દરેક બાળકો હોળીની ઝોળી લઇને ફરતા અને પૈસા ભેગા કરતા. ધુળેટીની સાંજે તે પૈસાની પાર્ટી કરતા.

પણ બધા તો પોતાની અવનવી પિચકારીઓ બતાવવામાં મશગુલ હતા.

સાવજ તો મોટી પિચકારી લઇને અંદર પાકો રંગ ભરીને આવી ગયો હતો…!
તેને તો સોસાયટીની દિવાલ પર મોટી પિચકારી મારીને પોતાનો પરચો આપી અને ગર્જના કરી, ‘ આવતીકાલે હું આ દિવાલની જેમ તમને સૌને બફેલો જેવા કાળા કલરના કરી નાખીશ….!’

‘જો સાવજ્યા.. તું જાડો એટલે અમે તારાથી ડરી જઇશું…? અને આ સોસાયટીની દિવાલ તેં કેમ બગાડી…?’ બાજુમાં ઉભેલો શ્લોક બોલી ઉઠ્યો.

‘એમ.. તું મને સાવજ્યા… કહે છે… લેં લેતો જા…!’ એમ કહી સાવજે તેની પિચકારીમાં છેલ્લે વધેલા થોડા રંગનો ફુવારો તેની તરફ છોડ્યો. જો કે તેમાં કલરવાળું પાણી નહોતું એટલે માત્ર હવા અને થોડાં છાંટા ઉડ્યાં…. જો કે શ્લોક તેનાથી ડરી ગયેલો.

અને સાવજ હસી પડ્યો અને બોલ્યો, ‘હજુ તો આવતીકાલે જો જો મારી પિચકારીનો કમાલ…!’

‘જો સાવજ, આ વખતે અમે કોઇ તારી સાથે હોળી નહી રમીએ….!’ રાધાએ ગુસ્સે થઇને તરત જ સાવજને કહી દીધું.

‘હા… રાધા… આ પિન્કી.. મયંક… મૈત્રી… શ્લોક બધાએ એમ જ કીધું છે કે સાવજ સાથે કોઇ હોળી નહી રમે..!’ રાધાનો સૂર પુરાવતા ક્રિમી બોલી ઉઠી.

‘સાવજ તું ગઇ વખતે પાકો રંગ લાવ્યો’તો અને અમારી આંખોમાં ગયેલો અને પિન્કીને કેટલી તકલીફ થઇ હતી..! અમારા મોં પરથી રંગ જતા ચાર પાંચ દિવસ લાગેલા… આ અમે નહી ચલાવીએ…!’ રાધાના કહેવાથી સોસાયટીના બધા છોકરાઓએ સાવજને એકસાથે હોળી રમવાથી દુર કર્યો.

‘એ તો પિન્કી મને ક્યાં કોઇ દી તેની નોટબુક લખવા આપે છે એટલે મને તેની પર ખીજ ચડેલી…!’ સાવજે ગઇ ધૂળેટીની ભૂલ આ વખતે સ્વિકારતા કહ્યું.

‘પણ.. એમાં તેની આંખોમાં રંગ નાખવાનો…? અને વળી…. શ્લોકને પણ તે પિચકારી મારેલી…!’ રાધાએ તેની તરફ ગુસ્સાથી કહ્યું.

‘એ તો.. શ્લોક મને કાયમ જાડીયો.. જાડીયો.. કહીની ચિડવે છે.. એટલે તેના પર ખીજ ચડે છે…!’ સાવજે ગુસ્સાથી પોતાની પિચકારી દબાવી.

‘જો શ્લોક આજથી તારે સાવજને જાડીયો નહી કહેવાનો અને પિન્કી તારે સાવજને નોટબુક આપવાની..!’ રાધાએ તો જજ બની હુક્મ કરી દીધો.

‘રાધા… તારા પપ્પા સોસાયટીના પ્રમુખ એટલે તું અમારી પ્રમુખ નહી હોં…!’ ખીજાયેલી પિન્કીએ તો તરત સંભળાવી દીધું.

‘એ તો આપણે એકબીજાને મદદ કરવી જોઇએ’ને.. પિન્કી…!’ રાધાએ શાંતીથી કહ્યું.

‘હા.. તો આપણી સોસાયટીના એન્યુલ ફંક્શન વખતે તેં તારો પરીનો ડ્રેસ ક્યાં મને આપેલો..? અને તેં પણ પહેર્યો નહોતો…અને તું મદદ કરવાની વાત કરે છે. મને ખ્યાલ છે કે તારો જ પહેલો નંબર આવે એટલે મને નહોતો આપ્યો.. અને તારા પપ્પા પ્રમુખ એટલે તને જ ચિટીંગ કરી પહેલો નંબર આપેલો… મારી મમ્મી પણ મને કે’તીતી…!’ પિન્કીએ તો જુની તેના મનમાં ભરાયેલી કડવી વાત કહી દીધી.

‘પણ તે તો ઇસ્ત્રી કરતા દાઝી ગયેલો એટલે મેં નહોતો આપ્યો… અને તું હજુ સુધી એમ માને છે કે મેં ચિંટીંગ કરેલી…!’ રાધા નરમ પડી.

‘હા… રાધા તારા ભાઇ રાઘવને સોસાયટીની ક્રિકેટની ફાઇનલમાં મેન ઓફ ધ મેચ આપેલો… મેં સૌથી વધુ વિકેટ લીધી હતી…પણ મને કાંઇ નહોતું આપ્યું… તમે બધા ચિટર છો…!’ શ્લોકે પણ તેની જુની કડવાશ કાઢી લીધી.

‘શ્લોક… તું’યે કાંઇ ઓછો નથી… તે મેચની રાતે રાઘવને જે બેટ ગિફ્ટમાં મળ્યું’તું તે તું સંતાડીને લઇ ગયેલો.. મેં તને જોયો’તો….!’ મૈત્રી પણ હવે ચુપ ના રહી શકી.

‘મને રાઘવ પર ગુસ્સો આવેલો એટલે….!’ શ્લોક સહેજ નરમ પડ્યો.

‘એટલે તેં બેટ ચોરેલું….! ચોર….!!’ રાધાએ શ્લોક તરફ આંગળી કરીને કહ્યું.

‘એ તો મયંકે મને કીધું તુ કે રાઘવનું બેટ સંતાડી દે…!’ શ્લોકે મયંક તરફ ઇશારો કર્યો.

‘જો શ્લોક મને વચ્ચે ના લાવીશ… નહિ તો…!’ મયંક ગુસ્સાથી બોલ્યો.

‘હા મયંક… હું તારી સાથે જ છું…’ સાવજ તો રાહ જોઇને ઉભો હતો કે તે પણ શ્લોક સાથે બદલો લે અને સાવજને તક મળતા તેને પિચકારી ભરીને તેની સામે ઉંચી કરી દીધી.

અને બધા મિત્રો વચ્ચે હોળીની ઝોળીની તૈયારી થાય તે પહેલા હોળી સળગી ઉઠી.

‘એ..ય.. જાડીયા… જો તું મને પલાળીશ તો મારા પપ્પાને કહી દઇશ અને તારા પપ્પાને નોકરીમાંથી કાઢી મુકશે.’ શ્લોક તો અદબ વાળીને સામે ઉભો રહી ગયો.

સાવજના પપ્પા શ્લોકના પપ્પાની ઓફીસમાં નોકરી કરતા હતા એટલે સાવજ ડરથી રોકાઇ ગયો.

‘હું આ રાધાડી સાથે હોળી નહી રમું… તું ચીટર છે…!’ પિન્કી બોલી ઉઠી.

‘હું શ્લોક્યા સાથે હોળી નહી જ રમું…! તે ચોર છે…!’ રાધા બોલી ઉઠી.

‘અને આ સાવજ જાડીયા સાથે તો હું ક્યારેય હોળી રમવાનો નથી…!’ શ્લોક પણ બોલી ઉઠ્યો.

‘જો તેં મારું નામ આપ્યું એટલે શ્લોક તારી સાથે હું પણ હોળી નહી રમું..!’ મયંક પણ બોલ્યો.

હોળીની ઝોળીની જગ્યાએ તો સૌ એકમેક તરફ કટુતાની ગોળીઓ છોડવા લાગ્યાં.

વાત અહીં પતે તો સારુ હતું પણ દરેક છોકરાઓએ તો વાતનું વતેસર કરી નાખ્યું અને દરેકે તો પોતાની મમ્મીઓને કહ્યુ… અને મમ્મીએ કહ્યું પપ્પાને…! અને સોસાયટીમાં હોળી પ્રગટતા પહેલાં હોળી સળગી ઉઠી..!

પ્રમુખે તો બપોર પછી સૌને તાત્કાલિક મિટીંગમાં હાજર રહેવાનું જણાવી દીધું.

અને સૌ આજે રજા હતી એટલે સોસાયટીના ક્લબ હાઉસમાં ભેગા થયાં.

‘જો મારા પ્રમુખપદ તરીકે અસંતોષ હોય તો હું અત્યારે જ રાજીનામું આપું છું….!’ સોસાયટીના પ્રમુખે તો શરુઆત જ ધડાકાથી કરી.

‘અરે… એમ કેમ બોલો છો….?’ કોઇક બોલ્યું.

‘આ તો બધા કહે છે કે અમે ચિટીંગ કરીએ છીએ….!’

‘હા.. એ તો દરેક સોસાયટીના ફંક્શનમાં તમારી દિકરી દિકરાને જ એવોર્ડ કે ટ્રોફી મળે એટલે….!’ તરત જ પિન્કીની મમ્મી બોલી ઉઠી.

‘જો આ તો તમારી દિકરીને પણ તમે મારા છોકરાને નોટ આપવાનું ના કહો છો’ને.. તે વાત ક્યાં ખોટી છે…?’ સાવજની મમ્મી પણ વચ્ચે બોલી ઉઠી.

‘હા નથી આપવી.. તે નોટના પાના વચ્ચેથી ફાડી નાખે છે… એ તો ઠીક પણ તમે અમારું ઓવન લઇ ગયા’તા તે પણ બગાડીને પાછુ આપેલું…!’ પિન્કીની મમ્મી પણ તાડુકી.

‘એ તો તમે આપેલું જ બગડેલું.. તો…!’ ત્યાં જ સાવજની મમ્મીએ જવાબ આપ્યો.

‘પણ મમ્મી તેં એક પીઝા તો સરસ બનાવ્યો’તો.. પછી બીજીવારમાં તેમાંથી ધુમાડા નીકળી ગયા’તા…!’ સાવજની નાની બેન પૂર્વી એકાએક બોલી ઉઠી.

‘ચુપ કર ચીબાવલી…!’ તરત જ તેની મમ્મીએ તેની સામે જોઇને પોતાના હોઠ પર આંગળી મુકી ચુપ રહેવા કહ્યું.
અને પછી તો છોકરાઓની હોળી મમ્મીઓમાં શરુ થઇ.

અને પછી તો તારા ઘરનું પાણી… પાંદડા… કે’તો તો ને… કે’તી તી… સોસાયટીની પંચાતોની વણઝાર લાગી….!

એકમેક પરના આરોપ પ્રત્યારોપની ઝાળ સૌને લાગી ગઇ અને બધા ઉંચા મને એક પછી એક વારાફરતી છુટા પડ્યાં.

હોળી ધુળેટીના રંગમાં ભંગ પડ્યો.
સોસાયટીમાં હોળી ધુળેટીના ખૂબ શોખીન ત્રિવેદી સાહેબ આ સમયે હાજર નહોતા. તેઓ સોસાયટીમાં જો કોઇ ઝઘડો થાય તો મધ્યસ્થી બની ઉકેલ લાવતાં.

ત્રિવેદી સાહેબની દીકરી ગુલાલ પણ તેના પપ્પા પર જ ગયેલી. તે પણ હોળીની ખૂબ શોખીન અને સોસાયટીની હોળીની ઝોળી તે જ પકડે અને દરેક ઘરેથી પૈસા અવશ્ય લઇને જ રહે…!

હોળી જ ગુલાલનો જન્મદિવસ અને બધા તેને ખૂબ વ્હાલ કરતા. તે ખૂબ સમજુ અને સ્માર્ટ હતી. બોલવામાં તે ભલભલાને હંફાવી દે તેવી હતી.
આ હોળીએ તેના દસ વર્ષ પુરા થયા.

જ્યારે તેઓ સોસાયાટીમાં આવ્યા તો બધુ શાંત…!

ગુલાલ તો તાત્કાલિક રાધાના ઘરે પહોંચી અને તેને બધી માહિતી મેળવી લીધી.

ગુલાલે તો તાત્કાલિક બધા છોકરાઓને ઘરે ઘરે જઇ કલબ હાઉસમાં બર્થ ડે પાર્ટીના બહાને બોલાવ્યા.

બધા આવ્યા ખરા…! પણ એકબીજાથી દુર બેસેલા રહ્યાં.. છોકરાઓ પણ હવે એકમેકથી નાખુશ થવાનું શીખી ગયા હતા.

‘તો એમ વાત છે આ વખતે આપણે સોસાયટીમા હોળી ધુળેટી કરવાની નથી…!’ ગુલાલે દરેકને સંભળાય તેમ કહ્યું.

‘એય.. ગુલાલ કેક ક્યાં.. ?’ સાવજને તો કેક ખાવાની ઉતાવળ હતી.

ગુલાલે કેકની જગ્યાએ એક નાનો યજ્ઞકુંડ બધાની વચ્ચે મુક્યો.

‘આ શું છે..?’ પિન્કીએ પુછ્યું.

‘જો આજે આપણે અહીં નાની હોળી કરીને આપણે મારો જન્મદિવસ ઉજવીશું.’ ગુલાલે કંઇક નવી વાત કરી.

‘તો લાકડા લાવવા પડશે.’ શ્લોક પણ બોલ્યો.

‘જુઓ સવારે તમે બધાએ નાની નાની વાતમાં ઝઘડો કર્યો… અને તેને કારણે આપણાં મમ્મી પપ્પા પણ ઝઘડ્યા.. એટલે હોળી ધુળેટીમાં મજા નહી આવે… પણ અહીં આપણે માઇક્રો હોળી કરીશું જ… !’ ગુલાલ બોલી.

‘આ માઇક્રો હોળી એટલે…? અને લાકડાં…?’ શ્લોક ફરી બોલ્યો.

‘ના આ હોળી લાકડાંથી નહી… પણ જેને પોતાના મિત્ર સાથે ચિટીંગ કરી છે તે બધા પોતાના એક એક કાગળમાં લખશે.. અને પછી તે કાગળો આ યજ્ઞકુંડમાં પધરાવી અને તેને સળગાવીને આપણે એકબીજાને માફ કરી દઇશું.. હોળી એ તો પ્રેમની ઝોળી છે.. હોળી એ તો મિત્રોની ટોળી છે… આજના દિવસે આપણી મિત્રતા ઘટવી ના જોઇએ.. પણ વધવી જોઇએ.. આપણે આપણાં દોષ સળગાવી દઇશું.’ અને ગુલાલે દરેકને એક એક કાગળ અને પેન આપી.

‘હું કાંઇ ના લખું તો…?’ સાવજે કહ્યું.

‘બધાએ ફરજીયાત લખવું પડશે… નહિ તો આપણે એકે’ય તહેવાર સાથે નહી ઉજવી શકીએ..! એકબીજા સાથે લડવાથી તો આપણાં સૌમાં તિરાડો પડશે.’ ગુલાલે સૌને આદેશ કર્યો.

ગુલાલની વાતથી સૌ રાજી થયા અને દરેકે પોતે કરેલી ભૂલો કાગળમાં લખી અને દરેકે પોતાનો કાગળ યજ્ઞકુંડમાં નાખ્યો.

ગુલાલે જાતે તે કાગળોની હોળી પ્રગટાવી અને કહ્યું,’ હવે આપણે આજે પોતાના દુર્ગુણોને સળગાવી દીધા, બધા મિત્રોને માફ કરી દીધા અને બધા ફરી પાછા મિત્રો બની ગયા.

અને કેમ જાણે એકાએક સૌમાં પરિવર્તન આવી ગયું અને ફરી સૌ નાના બની મિત્રો બની ગયા અને હોળીની ઝોળીનું પ્લાનીંગ કરવા લાગ્યાં.

ગુલાલે કહ્યું, ‘આપણે બધા એકસાથે હોળીની ઝોળી લઇને જઇશું અને દરેકના ઘરે જઇ સૌના મમ્મી પપ્પા પાસે પૈસાની જગ્યાએ પોતે કરેલી ભૂલો અને પોતાના દોષો લખેલો કાગળ માંગવો…. અને તે અમે વાંચીશું નહી અને કોઇને પણ વંચાવીશું નહી તેમ કહેવાનું…’ ગુલાલે કંઇક વિચારી રાખ્યું’તુ.

‘પણ ના લખે તો..?’ સાવજ બોલ્યો.

‘બસ તો કહી દેવાનું… તો અમે સૌ છોકરાઓ ભણવાનું બંધ કરી દઇશું… કે ખાવાનું બંધ કરી દઇશું… વગેરે વગેરે અને કહેવાનું કે અમે બધા બાળકોએ પોતાની ભૂલો સળગાવી દીધી છે… તમે આ વખતે હોળીની ઝોળીમાં અમને પૈસા નહી પણ તમારી કરેલી ભૂલો લખીને આપો જેનાથી સોસાયટીમાં બીજાને તકલીફ પડી હોય…! રાત્રે આપણે હોળી ખડકતાની સાથે આપણે તે હોળીની ઝોળી સળગાવી દઇશું… અને સૌ પાછા ભેગા થઇ જઇશું…’ ગુલાલે કહ્યું તો બધા રાજી થયા.

અને તરત જ એક્શન પ્લાન શરુ…

બાળકોના આ રીતના સમજણા પ્રયોગથી સૌ મમ્મી પપ્પા ખુશ થયા અને તેમની હોળીની ઝોળીમાં પોતે કરેલી ભૂલો લખી આપી અને ફરી અમે સોસાયટીમાં કોઇને તકલીફ નહી થાય તેવી ખાત્રી પણ આપતો કાગળ સૌએ લખી આપ્યો.

અને તે રાતે છોકરાઓની હોળીની ઝોળી ભરાઇ ગઇ.

તેમાં આ વખતે પૈસા નહી પણ એકમેક પ્રત્યેના દ્વેષભાવ કે વેરભાવનું પ્રાયશ્ચિત હતું.

રાત્રે હોળી સાથે છોકરાઓએ ભેગી કરેલી હોળીની ઝોળી બધાની સામે જ સળગાવી અને સૌએ એકબીજાને ગુલાલથી હોળીની શુભકામનાઓ પાઠવી.

સ્ટેટસ

આવી છે પ્રેમની ઝોળી…

વેરભાવને દેજો ઘોળી…

રંગો-ભરી રમશે ટોળી…

આ તો છે હોળી રે હોળી…

લેખક

ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી

તા. ૦૨/૦૩/૨૦૧૮

ડો. વિષ્ણુ પ્રજાપતિ લિખિત
સબંધોમાં સુખનું સિંચન કરતી નવલકથા
ચાર રોમાંચ જિંદગીના
અને
ખોવાયેલા ખુદની શોધ માટેનું અદભૂત પુસ્તક
હું
અવશ્ય વંચો અને વંચાવો…

અંગ્રેજ અમલદારે બનાવેલ પાળીયો કૂતરાપીર તરીકે પૂજાયો.

Standard

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઝાલાવાડનું નામ સાંભળતા સાથે જ આ પંથકનો ગૌરવવંતો ઇતિહાસ સંગ્રહાયો હોવાનો ખ્યાલ આવી જાય છે. અહીંયાનો ખારો મલક પાટડી હોય કે હરિયાળો હળવદ, ધ્રાંગધ્રા હોય તો વળી લાખેણા લખતર અને ચોટીલાના ઠાંગામાં જાણે પાંદડે પાંદડે ઇતિહાસની વાતુ છે ત્યાગની ગાથા ગાતુ વઢવાણ, લીંબડી, મૂળી અને સાયલાનો પણ અનેરો ઇતિહાસ છે. લખતર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. લખતર આ તાલુકાનું મુખ્ય મથક છે. લખતરમાં આદિશ્વર ભગવાનનું ખૂબ પુરાણું દેરાસર આવેલું છે. અહીંનાં જોવા લાયક સ્થળોમાં તળાવ, દરબારી કુવા, બાપુરાજની દેરી અને કિલ્લાનો સમાવેશ થાય છે. આવા આ લખતરનું એક અજાયબ સ્મારક. લખતર રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર આજે પણ અડીખમ ઉભો જોવા મળે છે એક  પાળીયો.
આજે પણ રેલવે કર્મચારીઓ કુત્તાપીર તરીકે પાળીયાની શ્રધ્ધાપૂર્વક પૂજા કરે છે.  સૌરાષ્ટ્રમાં લગભગ ઈ.સ.૧૮૮૪માં વિરમગામ-સુરેન્દ્રનગર વચ્ચે રેલ્વે લાઈન નાંખવાનું કામ તે જમાનાની બી.બી. એન્ડ સી.આઈ.કંપની દ્વારા ચાલતું હતું. કામ કરનાર અંગ્રેજ અમલદાર હેનકૂક(Hencock) હતા. કામ કરતા સદગૃહસ્થ હેનકૂક પાસે એક જાતવાન અને વફાદાર કુતરો હતો. અંગ્રેજ અમલદાર હેનકૂક લખતર શહેર નજીકનાં મોતીસર તળાવની પાળ પાસે કર્મચારીઓ અને મજૂરો સાથે તંબુઓ નાંખી રહેતાં. મોતીસર તળાવની પાળથી બેએક કી.મી. દુર ચાલતા રેલ્વેનાં કામની દેખરેખવેળાએ તેમની સાથે તેમનો વફાદાર મિત્ર કૂતરો સાથે રહેતો. કામકાજ દરમ્યાન જો કોઈ ચીજ-વસ્તુ કે દસ્તાવેજની જરૂર પડે તો હેનકૂક કૂતરાંની ડોકે ચિઠી બાંધી અને મુકામનાં સ્થળે એટલે કે મોતીસર તળાવની પાળે મેડમ(હેનકૂકનાં પત્ની) પાસે પહોંચી જઈ ચિઠી સુપ્રત કરતો હોય તેમ મેડમ પાસે ઉભો રહતો. અને ચિઠીમાં લખી જણાવ્યા મુજબની ચીજ-વસ્તુ કૂતરાંની ડોકે બાંધી દેતા. આમ કુતરો સંદેશાવાહકનું કામ પણ કરતો હતો.
આમ સંદેશાવાહકનું કામ કરતો કુતરો કે જે પોતાનાં માલિકનો વફાદાર મિત્ર હતો. તે રેલ્વેનાં કામનાં ગાળામાં અહી મરણ પામ્યો હતો. ત્યારે અંગ્રેજ અમલદાર હેનકુકે ખાંભીઓની કથા ઠેર-ઠેર સાંભળેલ એના પગલે પત્થર ઉભો કરી ઉપર વફાદાર કૂતરાંનાં મૃત્યુની યાદી લખી. જે આજે પણ મોજુદ છે. એમાં અંગ્રેજીમાં લખેલું છે. History of Cock. A favourite dog of Eleven years, The Faithful Friend and Companion of his master”. C. E. Hencock. ખાંભીને આજુબાજુમાં રહેતા રેલ્વેમાં કામ કરતા કર્મચારીઓનાં પરિવારો “કુત્તાપીર” તરીકે શ્રદ્ધાથી દૂધથી નવડાવે છે. અને માનતાઓ પણ રાખે છે. અને તે ખાંભી રેલ્વેનાં દફતરે R/36થી નોંધાયાનું પણ જોવા મળે છે. લખતરના રેલવે સ્ટેશન પર અંગ્રેજ શાસનકાળથી સ્થિત શ્વાનના પાળિયાની કર્મચારીઓ આજે પણ સારી રીતે માવજત રાખી રહ્યા છે. 

____________

*વાંચેલી નોંધ.

લે. અજ્ઞાત,

પોસ્ટ : વોટ્સએપ ગ્રુપમાંથી.