“ધ્રાંગધ્રા રાજ્યાભિષેક”

Standard

તા.૧૨/૧૨/૨૦૧૭ ની માગશર વદ -૧૦ ના રોજ ધાંગ્રધા મા રાજસી અને વૈદિક રીત રસમ થી નામદાર શ્રી જયસિંહજી ઝાલા રાજ્યભિષેક સમારોહ યોજાયો.રાજ્યભીષેક સમારોહ દરમિયાન જાતવંત કાઠી અશ્વ ‘રવિકેતુ‘ (સૂર્ય કિરણ)  નુ પુજન કરવા મા આવ્યુ, જે  દ.શ્રી. ભગરીથસિંહજી ધાધલ દ્વારા  ‘કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન‘ વતી અનુગામી મહારાજ ના અશ્વપુજન ના શુભ સંક્લ્પ અને વિધી માટે સંમેલિત કરવા માં આવેલ.જેમા નામદાર જયસિંહજી ને શુભકામના આપવા ઝાલા વંશ ની શાખા માં પરમ પ્રતાપી માલસીંહજી ના વંશજ ખવડ કાઠી રાજવંશ ના માનદ મુરબ્બીઓ પણ ઉપસ્થીત હતા.

    રાજ્યભિષેક ખુબ જ મહત્વ અને મર્યાદાપુર્ણ  સંસ્કાર છે જેનુ પુરાતન વિવરણ બ્ર્હામણ ગ્રંથો,વેદો રામાયણ,મહાભારત જેવા મહાકાવ્ય,પુરાણો નિતીશાસ્ત્રો વિગેર મા મળે છે.અશ્વ વાહન ના રુપ મા સૂર્ય પુત્ર રેવન્તદેવ નુ પુજન તથા આવાહન શાસ્ત્રોક્ત મંત્રાદિ અને આરતી દ્વારા થાય છે.પશુધન મા ગાય અને અશ્વ પ્રમુખ છે.વેદો ના સુક્તો મા અશ્વ ની સ્તુતીઓ છે.અશ્વો ના વિવિધ અંગો મા પુજન દરમિયાન વિવિધ દેવો નો ન્યાસ કરવા મા આવે છે.નર અશ્વ એ પુર્ણ પુરુષ નુ પ્રતિક છે.એક માત્ર અશ્વ જ એવુ પ્રાણી છે જેને દેવાંશી કહેવાય છે,રાજ્યાભિષેક,દશેરા કે અશ્વારુઢ થવાના સમયે અશ્વ નુ પુજન થતુ એ આપણી આર્ય સંસ્કાર ની પ્રણાલિકા હતી.”હે તુરંગમ અર્થાત અશ્વ જે આપ અગ્ની ના તેજ અને ગરુડ ના વેગ વાળા અમારા મિત્ર રહેજો અને અમને વિજય ના આશીષ આપજો.પશુઓ મા અશ્વ ને ક્ષત્રિય ગણાય છે. અશ્વ પુજન એ પરાક્રમ પ્રકટ કરે છે.
नमस्ते सूर्य-पुत्राय, तुरंगानां हिताय च,

शान्तिं कुरु तुरंगानां, रेवन्ताय नमो नमः।

ॐ गन्धर्व-कुल-जातः त्वं, भू-पालाय च केशव,

ब्रह्मणस्तत्त्व-बाह्येन, सोमस्य वरुणस्य च।

ॐ तेजसा चैव सूर्यस्य, स्व-लीला ते पदा तथा,

रुद्रस्य ब्रह्मचर्यस्य, पवनस्य बलेन च।આ રાજ્યભીષેક નુ અનેરુ મહત્વ ભારતીય પ્રાચિન કાલ મા હતુ તેમા પ્રદેશ અને રાજવંશ ને અનુરુપ પધ્ધતીઓ સમવિષ્ટ થતી, ખુદ રાજા, રાજપરીવાર અને રાજ ના નોકરો દ્વારા અતીથી સત્કાર આગવી અમાન્યા થી થતો.પ્રાચિન કાળ થી રાજા ની તુલના ઇન્દ્ર થી અને પુરોહિત ની દેવગુરુ બ્ર્હસ્પતી થી થઇ છે.તો ક્યાંક એને વિષ્ણુ ના અંશ પણ કહ્યા છે.મનુસ્મુર્તિ મા કહેવાયુ છે કે ‘બ્ર્હ્મા એ રાજા ની સૃષ્ટી ઇન્દ્ર,વાયુ,યમ,સૂર્ય,અગ્નિ,વરુણ,ચંદ્રમા તથા કુબેર આ આઠ દેવો ના નિત્ય અંશ થી સંપન કરી છે.’

   રાજ્યાભિષેક ની વિવિધ પ્રકાર ની વિધીઓ મુજબ ધરિત્રી પુજન ,સૂર્યપુજન, નવગ્રહ પુજન, પૂર્વદિશા મા ઇન્દ્રાદિક કળશ ની સ્થાપના,બ્ર્હમા,વિષ્ણુ ની સ્થાપના પુજા યજ્ઞ-હવન,વિનાયક ની સ્થાપના,કુશોદક પૂર્ણ કળશ,સપ્તછિદ્ર કળશ આદિ ની સ્થાપના તથા વિભ્ભીન પ્રકાર ના વિવિધ સ્થળો ના જળ કળશ મા ભરી એની પુજા થતી,મંગલ ઘોષ,જય જય કાર અને મંત્રોચ્ચાર થી ધ્વનીત વાતાવરણ માં પુર્ણાહુતી અપાતી,એ પશ્ચાત વિભ્ભીન સ્થળો થી એકત્ર કરેલી માટીઓ અનુગામી રાજવી ના ભિન્ન ભિન્ન ભાગો પર મલવા મા આવતી ,તદ્પશ્ચાત પૂર્વ દિશા મા રાખેલ ઘડા ના જળ દ્વારા ઘણી સામગ્રી,ઔષધીઓ,માંગલિક દ્રવ્યો ના ઉપયોગ કરી સ્નાન અને અભિસિંચન અને અભિષેક કરવા માં આવતુ અને રત્ન-આભુષણો, સુંદર વસ્ત્રો ધારણ કરી રાજવી તૈયાર થતા, પુરોહિત રાજ્યસિંહાસન ની પુજા કરતા, એ સમયે ઢોલ- નગારા, ગાયન,ગીત,મંત્રોચ્ચાર થી વાતાવર અલોકિત થઇ જતુ,સામંત,ભાયાત,મહેમાન અને પ્રજા વર્ગ દર્શાનાર્થે આવી ભેટ ધરતા, નવ નિયુક્ત રાજા સિંહાસન આરુઢ થતા પહેલા સોના ના એક પાત્ર પર પગ રાખતા જેમા ૧૦૦ કે ૯ છિદ્રો હોઇ ,એ પાત્ર ના છિદ્રો પર પુરોહિત જલાભિષેક કરી મંત્રોચ્ચાર કરતા,

 પૌરાણીક રાજનીતી ના કથન અનુસાર પુરોહિત ઇન્દ્ર શાંતી નુ આયોજન કરતા રાજા ઉપવાસ કરી વેદી ની અગ્ની માં વૈષ્ણવ મંત્ર,એન્દ્ર મંત્ર,સવિત્ર મંત્ર,વૈશ્વદેવ મંત્ર,સૌમ્ય મંત્ર તથા કલ્યાણ,આયુ અને અભય દેવા વાળા મંત્રો થી હવન કરે છે.

    “સોમ ના વૈભવ થી હુ આપને અભિસિંચિત કરુ છુ, અગ્ની ના તેજ થી, સૂર્ય ના પ્રતાપ થી, ઇન્દ્ર ના બળ થી હુ આપને અભીસિંચિત કરુ છુ.તમે ક્ષત્રપતિયો ના ક્ષત્રરક્ષક થજો” (શુક્લ યજુર્વેદ- વાજસનેયી સંહિતા)

    રાજપદ અધિગ્રહણ ની ઘોષણા પશ્ચાત રાજવી ત્રણ પગથીયા ચઢતા ત્યારે પુનઃહ પુરોહિત મંત્રોચ્ચાર કરતાઃ

  “તમને આ રાષ્ટ્ર સોંપાય છે, તમે સંચાલક અને નિયામક છો, તમે ધ્રુવ(દ્રઢ) અને ધારણ કરવા વાળા(ઉત્તરદાયીત્વ) છો.તમને આ રાજ્ય સોંપાઇ છે, કૃષી,ક્ષેમ,સંપન્નતા અને પોષણ વર્ધન માટે”(શતપથ બ્ર્હામણ)

  તૈતરીય સંહિતા ની પ્રણાલી મુજબ રાજા પૂર્વ થોડે દુર રથ સહિત જતા અને સૂર્ય ના દર્શન કરતા પછી પ્રજા ને નિહાળી પાછા આવતા.

તદ પશ્ચાત આચાર્ય રાજા ની સન્મુખ ઉભા રહિ જય ના ઉદઘોષ કરી રાજતીલક અને શપથ વિધી કરતા પુરોહિત કહેતા કે અભીષેક ભગવાન સવિતા ના આદેશ થી થયો છે, તથા રાજા ને સલાહ અપાતી કે,

   “શાષક ના રુપ માં સબળ અને નિર્બળ લોકો ને ઉચીત ન્યાય આપવો પડશે અને દેશ ને વિપ્પતીયો થી બચાવવો પડશે.”(યજુર્વેદ)

પ્રજા પાલન ની પ્રતિજ્ઞા કરી ચુકનાર રાજા ની પીઠ પર ત્રણ વાર રાજદંડ અડાવાતો જેથી એ ક્યારેય ના ભુલે કે એ ખુદ પણ દંડ ને આધીન છે.

પછી છત્ર ,હથીયારો,કવચ,ઘોડા,ગાય,રથ ની પુજા થતી.અને પૃથ્વી ની આધિનતા સ્વીકૃત થતી.

આ રાજ્યારોહણ વિધી પુરાણો અથવા વેદો મા દર્શાવેલા ઢંગ મુજબ તથા રાજ્યશાસન ની પ્રણાલી મુજબ કરવા મા આવતી.ઘણીવાર રાજા અભીષેક પ્રસંગે નવુ નામ પણ ધારણ કરતા. 

 આવા, આ અતી મહત્વ ના વિશેષ સમારોહ ને અનુરુપ તથા ધાગ્રંધા ઝાલા પરંપરા ની પોતીકી શૈલી મુજબ શ્રી જયસિંહજી ઝાલા નુ રાજતીલક સ્મરણીય નજરાણુ ઝાલાવંશીઓ માટે બનેલ છે.

આ રાજ્યભિષેક સાથે આધુનીક ઇતિહાસ નો પ્રારંભ થયો છે,રાજ્યભિષિક્ત(રાજ્યારુઢ) ઝાલાધીપતી શ્રી જયસિંહજી ઝાલા તથા સ્નેહાળુ,પ્રિયદર્શી ઝાલા બંધુઓ ને ખુબ ખુબ અભીનંદન.

પ્રેષિતઃ કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન

Advertisements

ઘોડાંની પરીક્ષા

Standard

ઘણું કરીને તો
એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની તો શી વાત કરવી ! લખીને બનાવીને ભગવાને હાથ જ ધોઈ નાખ્યા છે. હવે તો લખી આખા કાઠિયાવાડનાં ઘોડાંને લજવેછે.”

ચાડીલો બાવો કોઠી ગામના લૂણા ખાચરની લખી નામની ઘોડીનાં આવાં વખાણ હવે તો સાંખી શકતો નહોતો. એણે એક જાતવંત વછેરી લીધી; મંડ્યો એની ચાકરી કરવા : દૂધભર રાખી; પછી કૌવત આપનારા ભાતભાતના ખોરાક ખવરાવ્યા. બે વરસે ચડાઉ કરી, બીજાં ચારવરસ સુધી કસી. છ વરસની થઈ એટલે એને માથે હેમના મોવડ અને કિનખાબના ચારજામા સજીનેબાવોજી કોઠી ગામે ગયા; જઈને કહ્યું : “આપા લૂણા ! આજ આપણી બેય ઘોડિયું ભેડવવીછે.”

આપો લૂણો હસીને બોલ્યા :“અરે બાવાજી, માળા બાપ ! ભણેં તાળી પંખણીને માળી ગલઢી લખી કીં પોગે ! હું તો ગરીબ કાઠી કે’વાઉ ! માળી ઠેકડી રે’વા દે, બાવા !”

“ના આપા ! નહિ ચાલે. રોજરોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લૂણાની લખી ! આપાની લખી ! એને કોઈ આંબે નહિ ! માટે આજ તો તમારી લખીનું પારખું લીધે જ છૂટકો છે. આપા ! છ વરસની મારી મહેનત હું પાણીમાં નહિ જાવા દઉં, હાલો; થાવસાબદા.”

“છ છ વરસ થયાં દાખડો કરી રહ્યો છો, બાવા ? ઈમ છે? ઠીક કબૂલ. ભણેં, આજ રાત રોકા. કાલ્ય સવારે ભેડવીએ.”

બાવાજી રાત રોકાણા. આપા લૂણાએ બેય ઘેાડીને રાતબ ખવરાવી; જોગાણ દીધાં. સવારે પહર છૂટ્યા વખતે આપા લૂણાએ જોગીને કહ્યું : “ભણેં બાવાજી, ઊઠ્ય, માળા બાપ ! પલાણ માંડ્ય તાળી પંખણી ઉપર, હુંય માળી ટારડી ઉપર ગાભો નાખું લઉ !”

બેય અસવાર ઊપડ્યા; બે ગાઉ ગયા. ચાર ગાઉ ગયા, દસ ગાઉની મજલ કરી. તડકા ખૂબ ચડી ગયા. છાશ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું : “આપા, હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ. હાલે, હવે ઘોડી પાછી વાળીનેભેડવીએ.”

આપાએ કહ્યું : “ભણેં બાવાજી, આંસેં થડમાં જ આપડી ગગીનો ગામ છે, થોડોક કામ પણ છે. હાલ્ય, કામ પતાવું ને પાછા વળુ નીકળીએં.”

આપાએ બાવાને ઉપાડ્યો. આ ગામ, પેલું ગામ, એમ કરતાં કરતાં બરાબર મધ્યાહ્નનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો, તે ઘડીએ બેય ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઊભી રહી. પચીસ-ત્રીસ ગાઉનો પંથ કાપીને પરસેવે નીતરતી ઘોડીઓહાંફી રહી હતી.

આપો લૂણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા : “ભણેં બાવાજી ! આપડે તો મારગ ભૂલ્યા. મુંહેં તો કાંઈ દશ્ય જનો સૂઝી ! ભારે કરી ! આ તો ભણેં લીંબડી ! લ્યો હાલો પાછા.”

“ના આપા ! એમ તો ઘેાડી ફાટી જ પડે ને ! હવે તો પોરો ખાઈએ.”

આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો. કહ્યું : “બાવાજી, ભણેં આપડાસારુ સુખડી અને ઘોડિયું સારુ રજકો લઈ આવ્ય.”

લીંબડીને પાદર ઝાડની છાંયડીમાં ચારે જણાંએ તડકા ગાળ્યા; ધરાઈને ખાધું-પીધું. રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું : “ભણેં બાવાજી, હવે ઊઠ્ય, તાળી પંખણીને સાબદી કરું લે, હુંય માળી ટારડીનો તંગ તાણું લઉં. હાલ્ય, હવે ઘર દીમની ઘોડિયું વે’તી મૂકીએ, એટલે કોઠીના પાદરમાં પારખુંથઉં રે’શે.”

બેય જણા અસવાર થયા. આપો કહે : “ભણેં બાવાજી, લીંબડીની બજાર બહુ વખાણમાં છે. હાલ્ય, ગામ સોંસરવા થઈનેજોતાં જાયેં. ”

બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે. દુકાનમાં એક છોકરો બેઠો છે, ગળામાં બેએક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે, કપાળમાં મોટો ચાંલ્લો છે. મેલાં, પીળા ડાઘવાળાં લૂગડાં પહેરેલાં છે.

આપા લૂણાએ બરાબર એ દુકાનના થડમાં ઘેાડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું : “શેઠ, પછેડીછે કે ? ”

શેઠ એવો ઈલકાબ મળવાથી મોઢું ભારેખમ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી. આપાએ ઘોડી પર બેઠાં બેઠાં પછેડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને આપાએ કહ્યું : “આ લે, કાગળમાં વીંટુને પછેડી લાવ્ય.”

પછેડી કાગળમાં વીંટીનેએ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભોથયો, અને આપાની સામે જેવો એણે હાથ લંબાવ્યો, તેવો જ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો; પોતાના ખોળામાં બેસાડી લીધો, લખીના પડખામાં એક એડી મારી અને સાદ કર્યો : “ભણેં બાવાજી, હાલ્ય, હાંક્યે રાખ્ય તાળી પંખણીને ! હવે ઘોડાં ભેડવવાને મજો આવશે.”

“અરે આપા ! ભૂંડી કરી !” કહીને બાવાએ પણ પોતાની ઘોડી ચાંપી. ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો. ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઊતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા: “એ જાય ! ચેાર જાય ! વરરાજાને ઉપાડી જાય ! કાઠી જાય ! ”

ગામના નગરશેઠનો દીકરો : મોડબંધો વરરાજો : અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું ! એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનોમાનો બેઠો રહે કદી ? કડિંગ ધીન કડિંગધીન ! કોઠા ઉપર મરફો થયો, અને પલક વારમાં તો પાંચસો ઘોડેસવારો લૂંટારાની બે ઘોડાએાની પાછળ ચડી નીકળ્યા.

પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે. પણ બેય ભાઈબંધની રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડાં પહોંચી શકે તેમ નથી. હરણાંની માફક ફાળ ભરતી ભરતી ને ઘડીક વળી પારેવાંની જેમ તરવર તરવર પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાંની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર નાખતા આવે છે, વરરાજો તો ધાકમાં ને ધાકમાં હેબતાઈ ને ચુપચાપ બેઠો છે. એમ કરતાંકરતાં આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડાંમાંથી પાંચ-દસ, પાંચ- દસ ધીરેધીરે ડૂકતાં આવે છે, અને મોયલાં ઘોડાં થોડું થોડું અંતર ભાંગતાં જાય છે. એમ કરતાંકરતાં સાંજ પડી. કોઠી ગામનાં ઝાડવાં દેખાણાં. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું તો પાંચસો અસવારમાંથી માત્ર પચાસેક ઘોડાં પવનને વેગે પંથ કાપતાં આવે છે, અને બાવાની ઘોડી પણ હજુ નથી ડૂકી.

આપાને વિચાર થયો :“આ તો ફોગટનો આંટો થયો. ઘોડીનું પારખું તો પડ્યું નહિ અને આ તો ગામનાં ઝાડવાં દેખાણાં. એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વિણાઈ ને બાકી રહેલ પચાસ ઘોડાં હવે મને છોડશે નહિ. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે. મારી લાજ જાશે. હવે કરવું શું ? હે સૂરજ ધણી ! સમી મત્ય દેજે !”

આપાને કાંઈક વિચાર આવ્યો. એણે ચોકડું ડોંચ્યું, લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટ્યમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા. પચાસ અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડાં જાણે સંતાકૂકડીની રમત રમવા લાગ્યાં. દિવસ ઝડવઝડ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી; ડાબલાના પડઘા ગાજતા હતા.

એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક વોંકળો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે પચાસશત્રુઓ. હવે આપો લૂણો ક્યાંથી છટકે? ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો.

આપા લૂણાએ વોંકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ઝીંકી. વાંસોવાંસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીંકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો, પણ ભેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી; આપાએ લખીને જરા પાછી ફરીવાર દાબી. બચ્ચાં સોતી વાંદરી જેમ છલંગ મારીને જાય તેમ લખી બે જણાને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ, પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું. બીજી વાર ને ત્રીજી વાર એની ઘોડી ભટકાઈને પાછી પડી, એટલે પછી ગભરાઈને બાવાએ. બૂમ પાડી : “આપા, મને રાતરાખ્યો !”

ત્યાં તો પાછળનાં પચાસ ઘોડાં ભેખડ ઉપરથી વેકરામાં. ખાબક્યાં.

બાવો કહે : “એ આપા !”

આપા બોલ્યા : “કાં, ભણેં બાવાજી ! ઘેાડી ભેડવી લીધી ! લાવ્ય લાવ્ય, તાળો હાથ લંબાવ્ય.”

બાવાએ હાથ લંબાવ્યો. આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચે તેાળી લીધો. પોતાની બેલાડ્યે બેસાડ્યો, અને પછી લખીને મારી મૂકી. થોડી વારમાં લખી અલેાપ થઈ ગઈ. એના ડાબલાના પડઘા જ સંભળાતા હતા.

પચાસ ઘેાડાં વોંકળામાં ઊભાં ઊભાં સામસામાં જોઈ રહ્યાં; કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત નહોતી રહી. પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ વોંકળો વીંધીને વેકરો ખૂંદતા ખૂંદતા ઘોડેસવારો ઘણી વારે બહાર નીકળ્યા. રાત પડી હતી. આસપાસનાં ગામોમાં આંટા માર્યા, પણ ચોર હાથ લાગ્યો નહિ.

લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે, કોઠી ગામના આપા લૂણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજુંનથી કે આવી હિંમત કરી શકે. ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા. આપા લૂણાની ડેલીએ જઈને પૂછ્યું :

“આંહીં લૂણો ખાચરરહેછે ને?”

“હા ભણેં, માળો જ નામ લૂણો. હાલ્યા આવો બા, કીં કામ છે ? કીહેંથીઆવડું બધું કટક આદું ?”

ઢોલિયામાં પડ્યાપડ્યા આપો હોકો પીતા હતા – જાણે એક ગાઉની પણ મુસાફરી કરી નથી એવી લહેરમાં પડ્યા હતા.

“આપા, અમે લીંબડીના અસવાર છીએ. અમારા નગરશેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો, તે સોંપીદો.”

“ભણેં જમાદાર ! તમે ઘર ભૂલ્યા લાગો છો !”

“ના, આપા ! ઉડામણી કરો મા, નીકર ધીંગાણું થાશે. ”

“ધીંગાણો ! તો ભણે હુંયે કાઠીનો દીકરો છું. માળી પાંસળ દસ કાઠી છે. ધીંગાણો કરવો હોય તોય ભલે ! બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે, તેા યાને માળા ખોળામાં બેઠેલો માનજો. ભણેં, કાલ્ય સવારે ધીંગાણો કરશું; અટાણે તો વ્યાળુ કરો, હોકો પીવો, નીંદર કરો, ઘોડાને ધરવો, સવારે પછી ધીંગાણો કરશું. એમાં શું બા ! લીંબડીની ફોજ હારે આફળીએ ઈ તો ઝાઝી વાતકે’વાય ને !”

ઘોડેસવારોની નાડીમાં જીવ આવ્યો. નીચે ઊતર્યા. પચાસે ઘોડાંને આપાએ પાલી પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું. પણ ચાળીસ ગાઉનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાંએ બાજરો સૂંઘ્યોયે નહિ. સામે જ આપા લૂણાની લખી ઊભી ઊભી બાજરો બટકાવતી હતી. ઘોડેસવારો પણ દિંગ થઈ ગયા કે લીંબડી જઈને આવનારી આ ઘેાડી શી રીતે બાજરો કકડાવતી હશે ?

ઘોડેસવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી, સવાર પડ્યું એટલે જે વાણિયાને ઘેર આપાએ વરરાજો સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો, કહ્યું: “લ્યો બાપ. સંભાળી લ્યો ! આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પે’રામણી.” એમ કહીને રૂપિયા બસોની ઢગલી કરી. વરરાજાના અંગ ઉપરની સોનાની એક રતી, પણ એાછીનહોતી થઈ. વરરાજો પણ ખુશ હાલતમાં હતો.

ઘોડેસવારોએ અાપાને પૂછ્યું : “આપા, ત્યારે આ છોકરાને લાવ્યું કોણ ? અનેશા માટે લાવેલ?”

“ભણેં બા ! આ બાવોજી વેન લઈને બેઠો હુતો કે હાલ્ય ઘોડાં ભેડવવા ! હાલ્ય ઘોડાં ભેડવવા ! પણ માળી લખી એકલી એકલી કોને એનો પાણી દેખાડે? લખીનો પાણી જોનાર માણસ તો જોવે ને ! હવે જો તમુંહીં ભણીંયે કે હાલો બા, માળી લખીની રમત જોવો, તો તમે પાંચસો જણા કીં બા’ર નીકળત ! માળે તો તમુંને બા’ર કાઢવા હુતા. બાકી, આ છોકરાના અંગની સોનાની કટકીયે ગૌમેટ બરાબર ! હું જાણતો સાં કેઈ મોડબંધો વરરાજો કે’વાય ! એનાં પાલવડાં ચૂંથું તો સૂરજ ધણી માળો કાળો કામો સાંખે નહિ !”

આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘેાડેસવારો ઘોડાં છોડી લીંબડી જવા માટે ચાલ્યા. પણ ઘોડાં ખીલેથીએક ડગલુંયે દેતાં નથી. એના પગ તળવાઈ ગયેલા; અતિશય થાક લાગેલો.

આપો હસવા લાગ્યા.

ઘોડેસવારો હાથ જોડીને બોલ્યા : “આપા, બીજું તો કાંઈ નહિ, પણ આ વરરાજાનાં માવતરનાં ખોળિયાંમાં અત્યારે પ્રાણ નહિ હોય; લીંબડીમાં રોકકળ થાતી હશે. ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તોબસ.”

આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો, એ જ લખી ફરી વાર ત્રીસ ગાઉની મજલ ખેંચીને આપા લૂણાના દીકરાને લીંબડી ઉપાડી ગઈ. ત્યાં જઈ ને ખબર દીધા કે, “તમારો વરરાજો સહીસલામત છે, આવતી કાલે આવીપહોંચશે.”

બીજે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા. પછી આપો લૂણો બાવાજીને વારે વારે કહેરાવતા : “ભણેં બાવા, હાલ્ય ને ઘોડિયું ભેડવિયેં !”

“વેણ અને વચન માટે માથાં આપવાની વિરલ ઘટના”

Standard

વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.
એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. ગામ ગિરાસ મેળવવા, પાલવવા અને સાચવવા અને વચને રહેવું એ વાત એક જમાનામાં માથા સાટેની ગણાતી. માથાં વધેરાય તો કબૂલ. બાકી વચન ન વધેરાય. વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.
એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. વાતની શરૂઆત જરા જુદી રીતે જુદી ઢબે રજૂ થઇ છે.
‘આ ખાંભીઓ જ છે ને ?’
‘હા ખાંભીઓ, માત્ર ખાંભીઓ છે.’
‘આ ગામનું નામ.’
‘દેવ ચરાડી’
‘આ ખાંભીઓ વિશે કંઇક વધારે જાણવું છે…
જણાવશો ?’
‘પૂછો’
‘આ બધું તાજું તાજું છે.’
‘બધું એટલે શું ?’
‘આ સિંદૂર, આ શ્રીફળનાં છાલાં, દીવાનાં કોડિયાંની બળેલી દિવેટ્યો.’
‘હોય જ ને ? હમણાં જ કાળી ચૌદસ ગઇ. કાળી ચૌદસ આ ખાંભીને નિવેદ જુવારવાનો, કસુંબો પાવાનો દિવસ છે.’
‘હેં કસુંબો ?’
‘હા કસુંબો. ગામ માટે, ગરીબ માટે, બહેન-બેટી માટે ધીંગાણે ચડીને ખપી ગયેલા શૂરવીરોનો કસુંબો.’
‘કોણ પાય ?’
‘શહીદોના વારસદારો’
‘કોણ છે વારસદારો આ ખાંભીઓના ?’
‘ગુજરાતના ગઢ ગાજણાના વાઘેલા રાજપૂતો એમના આ પૂર્વજને કાળી ચૌદસે કસુંબો પાવા આવે છે. આહીં છ દીકરાઓ અને એક બાપ એમ સાત જણા શહીદ થઇ ગયા.’
‘શું કારણ’
‘ગામનું રક્ષણ કરવાનું વચન આપેલું એટલે પ્રાણના ભોગે રક્ષણ કરી દેખાડ્યું. હવે વિગતે વાત સાંભળો.
ગુજરાતના ગઢ ગાજણાના ઠાકોર અખેરાજજીનાં દીકરી હળવદ સાસરે હતાં એટલે અખેરાજજી સુવાણે દીકરીને મળવા આવેલા. જમાઇ રાજસિંહે સસરાની માનપાનથી સરભરા કરી. વાતમાંથી વાત નીકળી એટલે જમાઇએ સસરાને પેટછુટી વાત કરી.
‘મારે કુટુંબ સાથે દ્વારકાની યાત્રા કરવાની માનતા છે, પણ જવાતું નથી.’
‘કાં ! શું કામે જતા નથી.’
‘તમે જાણો છો કે આ જમાનો મારે એની તલવાર અને જીતે એનું રાજનો છે. જો હું દ્વારકાની યાત્રાએ જાઉં અને હળવદ રેઢું પડે તો લૂંટારા હળવદને ખેદાનમેદાન કરી નાખે…’
‘કારભારી અને રાજના સપિાઇઓ શા કામના ? એની જવાબદારી નહીં ?’ સસરા હસતાં હસતાં ઊંડે ઊતર્યા.
‘જવાબદારી શાંતિના સમયમાં, બાકી પ્રાણના ભોગે લડે નહીં. બચવા ખાતર લડે એટલે હારી જાય કાં ભાગી જાય. પગારદારો કોને કહે.’
‘તો હળવદના રક્ષણની જવાબદારી હું સંભાળીશ. તમે ખુશીથી દ્વારકા જાઓ.’
‘પણ તમારે ગઢ ગાજણા પણ સંભાળવાનું ને ? સત્યાવીશ ગામની તાલુકાદારી તમારી.’
‘સંભાળી લેશ.’ સસરાએ ગર્વભેર કહ્યું. ‘મારે પ્રભુના પ્રતાપે પાંચ રાણીઓના બાર દીકરા છે. છ દીકરાને અહીં તેડાવી લઇશ અને બાકીના છ અમારાં સત્યાવીસ ગામને સંભાળશે. અને હળવદના ઠાકોર રાજસિંહ પરિવાર સાથે દ્વારકાની યાત્રાએ ઊપડી ગયા.
સસરા અખેરાજજીએ છ દીકરાને હળવદ તેડાવીને રાજ સંભાળ્યું. લૂંટારુઓને ખબર પડી કે ઠાકોર હાજર નથી અને હળવદ રેઢું છે… મોટી સંખ્યા લઇને હળવદ ઉપર ત્રાટક્યા. રાજસિંહને આપેલા વચન મુજબ અખેરાજજી અને છ દીકરા એમ સાત જણે મોરચો આપ્યો. પણ લૂંટારુ દુશ્મનોની સંખ્યા આગળ ટકી શક્યા નહીં. સાતેય લડતાં લડતાં ખપી ગયા.’
જમાઇ દ્વારકાની યાત્રાએથી આવ્યા ત્યારે ઊથલપાથલ થઇ ગઇ હતી. છ સાળા અને સસરાજીએ વચન ખાતર શહીદ થઇ હળવદનું રક્ષણ કર્યું. રાજસિંહે ગઢ ગાજણાથી છ સાળાઓને બોલાવીને દેવ ચરાડી નામનું ગામ બક્ષિસમાં આપ્યું. મોટા ભીમજી વાઘેલાએ દેવ ચરાડી સંભાળ્યું અને બાકીના પાંચ ભાઇઓ ગઢ ગાજણા ગયા.
દેવ ચરાડીના પાદરમાં સાતેય વીર શહીદોની ખાંભીઓ માંડી. દર વરસની કાળી ચૌદસે પૂર્વજોની ખાંભી આગળ ચોખા જુવારીને કસુંબો પાય છે એના વારસદારો. ખાંભીઓના ઈતિહાસથી અજાણ્યા પૃચ્છક ભાઇએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘પણ ખાંભીઓ કસુંબો પીએ ?’
‘હા જરૂર પીએ. શ્રદ્ધા અને પરંપરાની વાત છે…’
‘વાહ !’
‘અને સાંભળો… વારસદારોના વહુવારુઓ લાજના ઘૂંઘટા તાણીને ખાંભીઓને પગે લાગે છે.’
‘એટલી બધી વાત ?’
‘વાત નહીં વિશ્વાસ. એનો વિશ્વાસ છે કે ખાંભીના પથ્થરમાં એમના શ્ચસુરો સાક્ષાત્ છે. વહુવારુઓ આવી પરંપરા જાળવવા માટે પોતાના કુળનું ગૌરવ લે છે. કુળવાન રાજપૂતાણીઓ આવી હોય છે. હોં.’
‘શ્રદ્ધા અને પરંપરાને વંદન.’
પ્રજાના રક્ષણ માટે બહેન-બેટીઓના શિયળના રક્ષણ માટે ઘણા રાજપૂતો ખપી ગયા છે. ગામની બહેન-દીકરીઓ અને વહુવારુ આ ખાંભીઓના ભરોસે અંધારી રાતોએ પણ નિર્ભય થઇને આવ-જા કરે છે. એને અંતરે પૂરી શ્રદ્ધા છે કે અમારા રક્ષણહારો અહીં હાજરાહજૂર છે એટલે એકલાં હોઇએ કે રાત હોય કોઇ પણ હરામ હલાવી અમારી સામે આંખ ન માંડી શકે. દેવ ચરાડીના પાદરની આ ખાંભીઓ હળવદથી લાવીને એના વારસદારોએ અહીં માંડી છે. એમના આ વારસદારોનાં પચ્ચીસેક ઘર આજે પણ દેવ ચરાડીમાં વસે છે… અને ચારસો વરસની ઘટનાને દર કાળી ચૌદસે તાજી કરે છે.’
લેખક:- નાનાભાઈ જેબલિયા

મહુવા મધુરમ્

Standard

મહુવા મધુરમ્

 – શશીકાંત દવે
 જમાદાર કેરીના આંબા, કેળા, ચીકુ ઝાડની લીલીછમ વાડીઓથી ઘેરાયેલું અને દખણાદા દરિયા પરથી આવતા શીળા વાયરાના વીંઝણા ઝીલતા મહુવાને ‘સૌરાષ્ટ્રના કાશ્મીર’ તરીકેની અપાયેલી ઓળખ યથાર્થ હતી. માલણ નદીના બંને કાંઠે આંકડા ભીડીને સખીઓની જેમ હારબંધ ઊભેલી નાળિયેરીઓ કેરળની યાદ અપાવે. જમાદાર કેરીનો સ્વાદ માણવા અને કુદરતી ઠંડકના આહલાદ માટે ઉનાળામાં ઘરે ઘરે મહેમાનોની પધરામણી થઈ હોય. જમાદાર, પાયરી અને રસની કેરીના દાબા નાખી પકાવેલી હોય. કેળાં પણ ભઠ્ઠીના બાફમાં પકવવામાં આવતાં.
પૂર્વ દિશાએ બે વિદ્યાર્થીગૃહો પછી માત્ર ખેતરો જ હતાં. રેલવે સ્ટેશનની કાચી સડક માત્ર ખેતરો જ હતાં. રેલવે સ્ટેશનની કાચી સડક પણ વાડી-ખેતરો વચ્ચેથી પસાર થતી. મહુવા-ભાવનગર વચ્ચે નૅરોગેજ ટ્રેન અને ટ્રોલી ચાલતાં. ટ્રેન સવારે ઊપડી સાંજે આવતી-જતી. ટ્રોલીમાં થોડો ઓછો સમય લાગતો. મહુવા-ધોળા વચ્ચે મીટરગેજ લાઈન હતી. વહેલી સવારે અને રાત્રે મેલ ટ્રેન જતી-આવતી. વહેલી ટ્રેનમાં જવું હોયતો ઘોડાગાડીવાળાને અગાઉથી કહેવું પડતું. સ્ટેશનથી બંદર સુધી રેલવે લાઈન હતી. ફરવાના શોખીન માટે એ લાઈન ફરવાનું સ્થળ હતું. વેપારીઓનાં વહાણ મીઠું, ઈમારતી લાકડું, વિલાયતી નળિયાં, ખજૂર, અનાજ, ખાંડની ખેપ કરતાં. દરિયા કાંઠે પૌરાણિક ભવાની માતાનું મંદિર શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્વ છે. મંદિરે જવાનો કાચો રસ્તો બાવળ અને પીલુડીનાં ઝૂંડ વચ્ચે હતો. ગાડા કે ઘોડાગાડીમાં જવાતું. મંદિરથી દૂર રાજબાઈ માતાને સ્થાનકે વાહનો રોકાતાં અને ત્યાંથી રેતીના ઢગ ખૂંદતા મંદિરે પહોંચી શકાતું. પગથિયાં ચડી અંદર થોડું ચાલી ફરી પગથિયાં ઊતરી જવું પડતું. બહારના પ્રકાશમાંથી અંદર આવીએ એટલો થોડો સમય સર્વત્ર અંધારું અંધારું જ લાગતું.
વીજળી નહોતી. ઘરમાં ફાનસનાં અને શેરીઓમાં સુધરાઈના ઘાસલેટના દીવાનાં પીળાં અજવાળાં રેલાતાં. શેરીમાં ઘોડાગાડીના ઘોડાના ડાબલા સંભળાય એટાલે રાત્રે આવતા મેલ/ટ્રોલીનાં છડિયાંનાં આગમન અને રાતના સમયનો અંદાજ લોકો મેળવી લેતા. લગ્નગાળામાં ઢોલ, ત્રાંસાં અને શરણાઈના સૂરથી શેરીઓ ગાજતી. સંપન્ન માણસોના પ્રસંગો પર મહુવાનું બેન્ડ હિંદી-ગુજરાતી ગીતોની સૂરાવલી રેલાવતું.
તોરણિયો, નારિયેલિયો, મીઠો, ફૂલવાડી, જસરાજિયો- એ નામે ઓળખાતા કૂવા શેરીએ શેરીએ હતા. આ કૂવાઓનું પાણી ખારાશવાળું હતું એટલે બહેનો, નદીકાંઠાની લીંબુવાડીનાં પીવા માટે પાણીનાં બેડાં ભરી આવતી. ભાવનગર રાજયે બંધાવેલો ‘વૉશિંગઘાટ’ પણ આજે સૂકોભઠ્ઠ ઊભો છે. દરબારી બાગની સિંચાઈ માટે માલણ નદીમાંથી નહેર વાટે પાણી પહોંચતું જે સારણ કહેવાતી. મોટા મહારાજનના ડેલામાં અને ગોપનાથ મંદિરની ભીંતો પર કલાત્મક ચિત્રોની ઝાંખી આજે પણ થઈ શકે છે. ફરસાણ કે કોઈ વસ્તુનું પડીકું સાચવવામાં બેદરકાર રહ્યા તો આકાશમાં ચકરાવા લેતી સમડીઓ ઝૂંટવી જતી. ગામની વચ્ચે ગઢ હતો એમાં ન્યાય કોર્ટ, વહીવટદાર, ટ્રેઝરી ઈજનેરની ઑફિસો હતી. એક ખૂણામાં જેલ અને એની સામે ટેનિસ કોર્ટ અને પાનાં રમનારા માટે ટેબલ-ખુરશીઓ રહેતી. અમલદારો, વકીલો વગેરે એ કલબમાં રમતા બેસતા. વહીવટીદારની ખુરશી ઉપર કપડાંની ઝૂલવાળો મોટો પંખો રહેતો જે બહાર બેઠેલો ચપરાશી દોરી ખેંચી ઝૂલાવ્યા કરતા. એમ.એન. હાઈસ્કૂલનું સ્થાપત્યસમું સંકુલ અને મિડલ સ્કૂલ આજેય અડીખમ ઊભાં છે. વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગો હતી. પાંચ લાઈબ્રેરીઓ હતી. લાકડાંનાં રમકડાં માટે મહુવાનું નામ હતું. સંઘેડા માનવ સંચાલિત હતા. ચૂડા પહેરનારી બહેનોને ચૂડા ચડાવવાનું કષ્ટદાયક કામ જોવા કિશોરો દુકાન સામે ટોળે વળતા.
ગઢ પાસે વચ્ચે કૅબિનચોક. ચોકને જોડતી ચાર બઝારો પૈકી એક વહોરા અને સંઘેડિયા, બીજી કાપડ, શરાફ, દાણા, ત્રીજી ડૉકટરો અને પરચૂરણ અને ચોથી દૂધ, મીઠાઈ, મોચી-દરજીની દુકાનોની બજાર હતી. માથે પાઘડી, ધોતિયું અને ઉપવસ્ત્ર ઓઢીને પૂ. શિવશંકર શાસ્ત્રીબાપા રોજ રાત્રે પાઠશાળામાં ગીતાનો સ્વાધ્યાય કરાવતા. જૈન દેરાસર, હવેલી, સ્વામિનારાયણ મંદિર અને શિવાલયો સમયાંતરે થોડાં પરિવર્તનો સાથે હજુય દર્શનીય છે. બહારથી નોકરી કે ધંધાર્થે આવેલા પણ મહુવાને મધુરમ્ ગણી અહીં સ્થાયી થયા છે. ભાગલા પછી આવેલા સિંધીભાઈઓ કપરા સંઘર્ષ પછી ધંધામાં સારી રીતે સ્થિર થયા છે.
જૈનાચાર્ય પૂ. નેમિસૂરિજી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ભગતજી મહારાજ, શ્રી વીરચંદભાઈ ગાંધી, સાહિત્યક્ષેત્રે શ્રી હરગોવિંદ કવિ, ડૉ. શ્રી હરિવલ્લભ ભાયાણીસાહેબ, શ્રી હરકિશન મહેતા વગેરે મહુવાની મધુર ભૂમિની દેણ છે. પૂ. મોરારીબાપુએ પણ હમણાં સુધી મહુવામાં જ વસવાટ કર્યો અને તેમના દ્વારા યોજાતાં જુદાં જુદાં પર્વો થકી વિદ્વાનો, સંગીતજ્ઞો, નૃત્યકારો, લોકસાહિત્યકારો, કવિઓ, લેખકો અને મર્મજ્ઞોનો લાભ મહુવાને પ્રાપ્ત થયા કરે છે. ફિલ્મ ક્ષેત્રે શ્રી આશા પારેખનું નામ પણ કેમ ભુલાય ? ફિલ્મ શોખીનો માટે એક માત્ર ગ્લોબ ટૉકીઝ હતું. પિકચર શરૂ થાય ત્યારે ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીનો ફોટો આવતો અને થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠતું.
આજે મહુવાનાં વસ્તી-વિસ્તાર વધ્યાં છે. વાડીઓની રોનક પાણીની ખેંચના કારણે ઘટી છે. ચોમાસા પછી નદી સૂકીભઠ્ઠ થઈ જાય છે. નળ છે પણ પાણી ચાર-પાંચ દિવસે આવે છે. પ્લાસ્ટિકનો કચરો ઠેર ઠેર પથરાયેલો રહે છે. મહુવા છોડી ગયેલી વ્યક્તિની ત્રીજી પેઢીની વ્યક્તિ મહુવા આવે અને એનાં વડીલો કયાં રહેતાં હતાં એ સ્થળ જોવાની જિજ્ઞાસા કરે તો એ કામ એને માટે કપરું થઈ પડે. મહુવા-ભાવનગર વચ્ચેનું નૅરોગેજ ટ્રેનનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. મીટર ગેજ લાઈન બ્રૉડગેજમાં પરિવર્તિત થઈ છે. પણ ટ્રેનની સુવિધામાં વધારો થયો નથી. ઉનાળામાં તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ ગરમ રહે છે. આજે ઊંઘતો પ્રવાસી મહુવામાં પ્રવેશે તો ડુંગળી/લસણ (ડિહાયડ્રેશનનાં કારખાનાં) અને મરઘાંની (પૉલ્ટ્રી ફાર્મ) હધારની વાસથી આંખ ખોલ્યા વિના કહી શકે કે એ મહુવામાં આવી ચૂકયો છે.
( સમાપ્ત ) 
સાભાર – સુરેશ કાક્લોતર

ઈલા હવે રડતી નથી..!!

Standard

ઈલા હવે રડતી નથી..!
 -દીનેશ પાંચાલ
સાભાર

ગોવીન્દ મારુનો ‘અભીવ્યક્તી’ બ્લોગ
*Post by _* 

*સુરેશ કાકલોતર* 
આંખ રડે અને હૃદય રડે એ બે વચ્ચે ખાસ્સો  ફરક હોય છે. માણસ કાંદા કાપે ત્યારે આંખ રડે છે; પણ ઘરમાં કાંદા ખરીદવાના ય પૈસા ના હોય ત્યારે હૃદય રડે છે. હમણાં હૃદયના રુદનના સાક્ષી બનવાનું થયું. વાત ઈલા અને અરુણની છે. નામ કાલ્પનીક છે પણ ઘટના સાચી છે. એમની જીન્દગીની વાત એક લઘુકથા જેટલી ટુંકી છે. સંસાર છોડી સાધુ બની જતાં માણસોની આપણને નવાઈ નથી પણ આ કીસ્સો જરા જુદો છે. બન્નેને પ્રેમ થયો. વડીલોની સમ્મતીથી બન્ને પરણ્યા. દાંપત્યના મધુર દાયકા દરમીયાન બે મજાના બાળકો થયા. બીજાં સાતેક વર્ષ એવાંજ આનન્દમાં વીતી ગયા. સંસારમાં ક્યાંય કોઈ દુઃખ નહોતું. બધું ઠીકઠાક ચાલતું હતું; પણ સત્તરમે વર્ષે અરુણને કોણ જાણે શાથી સાધુ બનવાનું ઘેલુ લાગ્યું. એક દીવસ એણે પત્નીને કહ્યું, ‘આપણું સહજીવન પુરું થયું. હું સંસાર ત્યાગી સાધુ બનવા માગું છું. તું રજા આપ…!’ ને પત્નીએ રજા આપી.

આ– ‘તું રજા આપ’ અને ‘પત્નીએ રજા આપી’ એ બે વાક્ય વચ્ચે અહીં માત્ર એક સેન્ટીમીટરની જગ્યા છે; પણ એમના અસલી જીવનમાં પુરા છ મહીનાનું રડારોળભર્યું અન્તર હતું. છ મહીનાની એકધારી સમજાવટ, વીનન્તી, આજીજી, કાકલુદી, આક્રન્દ વગેરે પછી પણ અરુણ એકનો બે ના થયો ત્યારે ઈલાએ ના છુટકે રજા આપવી પડી. અરુણ ધામધુમીપુર્વક સાધુ બન્યો. કહે છે ઈલા ત્યારબાદ કદી રડી નથી. અરુણને પ્રણામ કરી એણે વીદાય આપી. છોકરાઓ પાસે હાથ જોડાવ્યા.

અરુણના ગયા પછી ઈલાને ઘણી તકલીફ પડી. અરુણ પાસે ખાસ મીલકત હતી નહીં. બલકે થોડું દેવું હતું. પરણીને આવી ત્યારે ઈલા પાસે પાંચ આંકડાના પગારવાળી સુંદર નોકરી હતી. લગ્ન બાદ અરુણે તે પણ છોડાવી દીધી હતી. લગ્ન પુર્વે ઈલા રંગભુમીની નમ્બર વન અભીનેત્રી રહી હતી. બેસ્ટ એક્ટીંગના કોથળો ભરીને શીલ્ડ જીતી હતી; પણ લગ્ન બાદ અરુણે કહ્યું : ‘આ નાટક ચેટક છોડી દે. એમાં આપણી શોભા નથી!’ ઈલાએ તે પણ છોડવું પડ્યું. પોપટ ઉડી જતાં પુર્વે મેનાની બન્ને પાંખો કાપી ગયો હતો. ઈલાને પોતાના કરતાં છોકરાંઓના ભવીષ્યની મોટી ચીંતા હતી; પરન્તુ દુઃખોના દરીયા વચ્ચે પણ ઈલા ભારે સંઘર્ષ કરીને કાંઠે પહોંચી શકી.

ઈલા હવે રડતી નથી. તેણે આછી પાતળી નોકરી શોધી કાઢી છે. ઘરમાં ફ્રીઝ છે. ટીવી છે. સમાજની નજરમાં ઈલા સાધનસમ્પન્ન છે; પણ અમને તે પરવલ્લીની કપાઈ ગયેલી પુંછડીની જેમ તરફડતી દેખાય છે. એક દીવસ અમે એને પુછ્યું, ‘અરુણની યાદ આવે છે ખરી? તે અત્યારે ક્યાં છે?’ ઈલાએ ડુંસકા જેવા ટુંકા વાક્યમાં કહ્યું : ‘એ ખુબ પ્રેમાળ હતો… યાદ તો આવે જ…! અત્યારે ક્યાં હશે કોણ જાણે…; પણ દીલમાં તો છે જ.’ અમે પુછ્યું : ‘પણ એકાએક એનું એવું હૃદયપરીવર્તન શી રીતે થયું?’ ઈલાએ કહ્યું : ‘એકાએક કશું થયું નહોતું. બેએક વર્ષથી એ ધર્મ તરફ ખુબ ઢળ્યો હતો. હમ્મેશાં ઋષીમુનીઓના સમ્પર્કમાં રહેતો હતો. ધન્ધો બન્ધ રાખીને કથાઓ સાંભળવા જતો. ધર્મપુસ્તકો અને સત્સંગ, એ બેના અતી સહવાસથી એનું ચીત્ત ભમી ગયું હતું. મારું માનવું છે કે ધર્મ દ્વારા ઉપદેશાતી સંસારત્યાગની વાતોથી માણસ બગડી જાય છે. પતીને તેના સ્વજનોથી અલગ કરી દે એવા ધર્મમાં હવે મારી શ્રદ્ધા રહી નથી!’

ઈલા હવે બાળકો ખાતર જીવે છે. તે જીવી જશે. ઘણીવાર લાશ પણ (જીન્દગીના કોલ્ડ સ્ટોરેજમાં) લાંબુ જીવે છે. ઈલાની આંખોમાં આંસુ નથી. આંસુઓ વચ્ચે ઈલા ગોઠવાઈ ગઈ છે. પ્રશ્ન થાય છે એના જીવનની એવી સ્થીતી માટે કોણ જવાબદાર­– એનો પતી કે ધર્મ? કંઈક એવું સમજાય છે કે ધર્મએ જ્યારે જ્યારે જીવનવીરોધી ઉપદેશો આપી માણસને જીવનવીમુખ કરવાની કોશીષ કરી છે ત્યારે ધર્મ દ્વારા સમાજની બહું મોટી કુસેવા થઈ છે. એક પરણીત વ્યક્તીનો સાચો ધર્મ તેના પરીવારનું રક્ષણ કરવાનો હોય છે. મોક્ષના મોહમાં તે ધર્મગુરુઓનો ચઢાવ્યો સંસાર છોડી દેતો હોય તો તેનાથી મોટો અધર્મ બીજો એકે નથી. માણસને ન પરણવાની છુટ હોઈ શકે પણ પછી સંસાર છોડીને ભાગી છુટવાની છુટ કદી કોઈ ધર્મે આપવી જોઈએ નહીં. ટીકીટ લીધા પછી માણસ ગાડીમાં ના બેસે તે ગુનો નથી પણ 100 કી.મી.ની ઝડપે દોડતી ટ્રેનમાંથી ભુસકો મારે એ પાગલપણું કહેવાય.

ધર્મ મોક્ષ કે ઈશ્વરપ્રાપ્તીને નામે માણસના પલાયનવાદને પંપાળે છે. પ્રભુભક્તી  સંસારમાં રહીને ય કરી શકાય છે. આપણા મોટા ભાગના પ્રાચીન ઋષીમુનીઓ પરણેલા હતાં; પણ અહીં ભુલ એ થાય છે કે માણસ પ્રેમ કરે… પરણે… બાળકો પણ પેદા કરે  અને પછી સૌને છોડીને સાધુ બની જાય એ ઠંડે કલેજે કરાયેલા ખુન જેવો કાતીલ ગુનો છે. કોઈ ભગવાને કદી એવું કહ્યું નથી કે સંસાર છોડીને સાધુ થઈ જાઓ. સાધુ થનારાઓને મોક્ષ મળતો હશે કે નહીં તે ભગવાન જાણે પણ જીવનમાં અધવચ્ચે જેમને નીરાધાર છોડી દેવામાં આવે છે એમને તો પછી જીવતાં જીવત નર્કથી ય બદતર યાતના વેઠવી પડે છે.

દારુમાં ખુવાર થઈ જનારને આખો સમાજ ધીક્કારે છે; પરન્તુ ધર્મમાં ખુવાર થઈ જનારનો જયજયકાર થાય છે. દારુડીયાને સજા થાય છે; પણ સ્વજનોનો  ઠુકરાવી જેઓ સંસાર છોડી જાય છે તેમનો ધર્મ તરફથી જયજયકાર થાય છે. હયાત પતીએ વીધવા સમુ જીવન ગુજારતી પત્ની કરતાં દારુડીયાની પત્ની વધુ સુખી ગણાય. કેમકે દારુડીયો રાત્રે ઘરે તો આવે છે. સાધુ પોતે બેઘર થઈને તેના સ્વજનોને પણ બેઘર કરતો જાય છે. દારુના નશાનો એક મોટો ફાયદો એ છે કે તે ઉતરી જાય છે. ધર્મનો નશો ઉતરતો નથી.

ઈલા– અરુણની ઘટના સમાજ સામે કેટલાંક પ્રશ્નો ઉભાં કરે છે. પરણ્યા પછી સન્યાસ લેવાની વાતને જેઓ ધર્મના નામે બીરદાવે છે તેમને ઈલા વતી અમે થોડાં પ્રશ્નો પુછીએ છીએ :

પ્રશ્ન (1) : માણસ પોતાની સાંસારીક જવાબદારીઓ છોડીને દુનીયામાં અહીંતહીં ભટકતો રહે એવા ધર્મનો સરવાળે માનવજાતને શો ફાયદો થાય છે?  (દુનીયાના સૌ સંસારીઓએ એ માર્ગે ચાલ્યા હોત તો દુનીયાનો જે વીકાસ થયો છે તે થઈ શક્યો હોત ખરો? દુનીયાના બધાં વીજ્ઞાનીઓ સાધુ થઈ ગયા હોત તો આટલી શોધો થઈ છે તે થઈ હોત ખરી?)

પ્રશ્ન (2) : પત્નીને છોડી જતો માણસ સંભવતઃ ધર્મના વૈચારીક ઝનુનથી પોતાની જાતીય જરુરીયાત પર કાબુ રાખી શકે પણ તેની જુવાન પત્નીનું શું? તેની માનસીક જરુરીયાતનું શું? પતીને વૈરાગ્ય જન્મે તે ભેગી જ પત્નીની જાતીય જરુરીયાત આપોઆપ બન્ધ થઈ જાય એવું બની શકે ખરું?  એવી પત્નીએ કયા અપરાધની સજારુપે સંયમની સજા વેઠવી પડે છે? આવી સ્ત્રીઓનો પગ ક્યાંક લપસ્યો તો સમાજ તેને ક્ષમા કરશે ખરો?

પ્રશ્ન (3) : પીતાનો આધાર ગુમાવી ચુકેલા બાળકોનો જરુરી વીકાસ ના થઈ શકે અથવા તેઓ ગુનાની અન્ધારી દુનીયામાં ધકેલાઈ જાય તો એની જવાબદારી કોની?

પ્રશ્ન (4) : લગ્નવેળા બ્રાહ્મણો સપ્તપદીના શ્લોક બોલે છે. તેનો અર્થ એ થાય છે કે પતી માત્ર પત્નીના ભરણપોષણ માટે જ નથી હોતો. એના સમગ્ર જીવનના સુખદુઃખનો સાથી હોય છે. પત્ની તેનું સમગ્ર જીવન પતીને સમર્પીત કરી દે છે. એવી પત્ની પાસેથી તેનો પતી છીનવાઈ જાય છે તે માટે જવાબદાર કોણ? કોઈ પતી પોતાની પત્નીનું ભરણપોષણ ન કરતો હોય તેવા સંજોગોમાં કોર્ટ તેને ભરણપોષણનો ખર્ચ ચુકવવાનો હુકમ કરે છે. સાધુ બની જતા માણસ પર પત્ની એવો કેસ કરે તો કાયદો સાધુને સજા કરશે ખરો?

ઈલાની વ્યથાનો સાચો અન્દાજ પામવા માટે પરકાયા પ્રવેશની વીદ્યા વડે તેના જલતા જીગરમાં પ્રવેશ કરીએ તો જ તેની ભીતરી તારાજીના સાચા આંકડા પ્રાપ્ત થઈ શકે. કહે છે પતીઓથી દુર ફેંકાયેલી વીરહી નારીઓના આંસુઓનો હીસાબ તેના ઓશીકા પાસે હોય છે. છતે ધણીએ વૈધવ્ય ભોગવતી ઈલાની વ્યથા જાણવાના ઉપાયરુપે ઈલાના ઓશીકાનો ઈન્ટરવ્યુ લઈ શકાય; પરન્તુ કદાચ ઓશીકું ય કહી દેશે : ‘ઈલા હવે રડતી નથી! રુદન ઈલાના અસ્તીત્વમાં ઓગળી ગયું છે!’ 
– દીનેશ પાંચાલ

મર્ડર મિસ્ટરી : ખૂન કી ખૂશ્બુ બડી સખ્ત હૈ!

Standard

 સ્પેક્ટ્રોમીટર- જય વસાવડા

  

ઑલ ટાઈમ બેસ્ટ સેલર રાઈટર ઑફ ધ વર્લ્ડ રહસ્યકથાની લેખિકા છે! મિસ્ટી ગાથાઓની લેખિકા આગાથા ક્રિસ્ટી!

આગાથા ક્રિસ્ટીનું સાહિત્ય જરાય સ્કિપ કરવા જેવું નથી. ઈન ફેક્ટ, જગતમાં બાઈબલ અને શૅક્સપિઅરના નાટકો પછી સૌથી વધુ બે અબજથી વધુ નકલો આગાથાની રચેલી ગુન્હાખોરીની વેંચાઇ છે!

એક રમણીય પણ નિર્જન ટાપુ. એમાં એક આલીશાન મકાન. મકાનમાં આવી ચડે છે આઠ અતિથિઓ. જેનું સ્વાગત કરે છે એક બટલર (રસોઇઓ પ્લસ ઘરનો કેરટેકર) અને નોકરાણી. આઠે ય નર-નારીઓ એકબીજાને ઓળખતા નથી. અલગ અલગ ઉંમર ને બેકગ્રાઉન્ડના છે. આખા ય મકાનમાં કુલ (બટલર, હાઉસકીપર મળીને) ૧૦ જ વ્યક્તિ છે. ભરતીને લીધે દરિયો નિર્જન છે. કોઇ આવવાનું નથી.

બધાને ત્યાં એકઠાં કરવા માટેના અલગ અલગ કારણો અને આમંત્રણો અપાયા છે. કોઇ નોકરીના બહાને તો કોઇ સમર હોલીડેના બહાને. ટાપુમાં પહોંચ્યા પછી કોઇ તેડવા ન આવે તો બહાર નીકળવાનો રસ્તો નથી. બીજું કોઇ કોમ્યુનિકેશન નથી. ફરતો દરિયો ખતરનાક છે, તરીને કશે જવાય એમ નથી. દરેક મહેમાનના ઓરડામાં એક જૂના જમાનાની કવિતા ‘ટેન લિટલ નિગર્સ’ લટકાવેલી છે, જેમાં દસ પાત્રોના અલગ – અલગ રીતે (ગળાફાંસા, ઝેર વગેરેથી) મૃત્યુ બતાવવામાં આવ્યા છે.

રાતના ભોજન પછી ઓરડામાં એક ગ્રામોફોન વાગે છે. બધાને બોલાવનાર યજમાન તો ડોકાતા નથી. પણ રેકોર્ડેડ અવાજમાં બટલર-હાઉસકીપર સહિત દસેયના કરતૂતો પ્રગટ કરવામાં આવે છે. દસેય કોઇને કોઇ રીતે ખૂન સાથે સંકળાયેલા છે. પણ કાયદાની નજરમાં આવ્યા જ નથી કે છટકી ગયા છે. કેટલાક ભાંગી પડીને કબૂલાત કરે છે. કેટલાક રદિયો આપે છે. પણ પછી ધીરે ધીરે પેલી જૂની કવિતાના વર્ણન મુજબ જ એક પછી એક લાશ પડે છે. વ્હાય? હાઉ? બાય હૂમ?

એન્ડ ધૅન ધૅર વૅર નન. આગાથા ક્રિસ્ટીની વર્લ્ડ બેસ્ટ સેલર નૉવેલ. અત્યાર સુધીમાં ઓફિશ્યલી જેની ૧૦ કરોડ નકલો વેંચાઇ ચૂકી છે, એવી મેગા બ્લોકબસ્ટર નૉવેલ. આંકડો ફરીથી વાંચજો : દસ કરોડ નકલ. બિનસત્તાવાર જુદી, ને ૫૦ ભાષાઓમાં થયેલા અનુવાદ જુદા. ૧૯૩૯માં પ્રકાશિત આ નવલકથા પર આધારિત એક સુપરહિટ હિન્દી ફિલ્મ પણ બની ગઇ. યાદ છે? ગુમનામ. આજે રિમેક કરવા જેવી છે, ને ન જોઇ હોય તો જોઇ લેજો. સાથોસાથ અંગ્રેજી ‘ક્લ્યુ’ અને ‘સ્લ્યુથ’ પણ. ‘બિગ બૉસ’ની ટાઈમપાસ કૂથલી કરતાં ય રસપ્રદ હોય છે એના કૉન્સેપ્ટમાં હોં કે!

આગાથા ક્રિસ્ટીની જ ‘ધ અનએક્સ્પેકટેડ ગૅસ્ટ’ પરથી બી.આર. ચોપરાની ‘ધુન્દ’ ફિલ્મ બની હતી અને એ જ આગાથા ક્રિસ્ટીની એટલી જ વિખ્યાત કથા ‘મર્ડર ઈન ઓરિએન્ટ એક્સપ્રેસ’ પરથી ધુરંધર એકટર-ડાયરેકટર કેનેથ બ્રનાની ફિલ્મ એકચ્યુઅલી વળી ૧૯૭૪ની સિડની લુમેટ (ટ્વેલ્વ એંગ્રી મેન) જેવા જીનિયસ ફિલ્મમેકરે બનાવેલી આ જ નામની ફિલ્મની રિમેક છે. બેઉ ફિલ્મોની ધરખમ સ્ટારકાસ્ટ. ટેલેન્ટેડ એક્ટર્સનો મેળો જાણે. નવી ફિલ્મ ક્લાસિક બ્રિટિશ ફ્લેવર અને સોર્સ મટીરિયલને એકદમ વફાદાર એડેપ્ટેશન માટે તો જોવા જેવી છે જ.

જરાતરા ફેરફાર સહિત કેનેથ બ્રાનાએ પોતાની મૂછોથી મશહૂર એવું (શેરલેક હૉમ્સ પછી બીજા નંબરે આવતું) કાલ્પનિક પાત્ર હરક્યુલ પૉયરૉ છટાથી ભજવ્યું છે. જૉની ડેમ અને મિશેલ ફાઈફર પણ જામે છે. અને ખાસ તો ડન્કર્ડની જેમ ડિજિટલ કેમેરાને બદલે ફિલ્મ રીલ પર શૂટ કરીને જે ભવ્ય સેટઅપ ડિઝાઇન કર્યો છે, એ ય અદ્ભુત છે. ટિપિકલ ક્લાસિક થ્રિલર. ધીમી બળે, અને વધુ લહેજત આપે!

‘મર્ડર ઈન ઑરિએન્ટ એક્સપ્રેસ’ જો કે ‘એન્ડ ધૅર વૅર નન’ એકદમ ઑપોઝિટ એવા એના ક્લાઇમેક્સ માટે રહસ્યકથાના વાચકો જ નહિ, લેખકોમાં ય પ્રસિદ્ધ છે. લેખિકા આગાથા ક્રિસ્ટીએ એમાં એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે ભલભલા ક્રાઇમ-ડિટેક્ટિવ સ્ટોરીઝના ખેરખાંઓ વિચારી પણ નથી શક્યા. એનંત સક્સેસફુલ રિપિટેશન પણ ભાગ્યે જ થયું છે!

ડૉન્ટ વરી, ફિલ્મ જોઇ ન હોય અને શોખ હોય તો જોઇ લેવી કે નૉવેલ વાંચવી. આ લેખના લાસ્ટ પેરેગ્રાફમાં એ સિક્રેટ લખાશે. રસભંગ ન કરવો હોય એમણે છેલ્લો ફકરો સ્કિપ કરવો.

પણ આગાથા ક્રિસ્ટીનું સાહિત્ય જરાય સ્કિપ કરવા જેવું નથી. ઈન ફેક્ટ, જગતમાં બાઈબલ અને શૅક્સપિઅરના નાટકો પછી સૌથી વધુ બે અબજથી વધુ નકલો આગાથાની રચેલી ગુન્હાખોરીની વેંચાઇ છે! જે.કે. રૉલિંગે સૌથી વધુ કમાણી કરી અને સિડની શૅલ્ડનના સૌથી વધુ અનુવાદો થયા, પણ સૅલિંગ નંબર્સમાં આગાથા આજે ય અનબીટેબલ છે.

એના બેલ્જીયમ મૂળના જરાક ટણીવાળા અને ‘ભેદભરમ અંગે બે જ વ્યક્તિ જાણે છે : ઉપર ભગવાન અને નીચે હરક્યુલ પૉયરૉ’ એવું કોન્ફિડન્સથી કહેતા ડિટેક્ટીવ પાત્ર ઉપરાંત આગાથીએ મિસ માયૅલ નામની લેડી ડિટેક્ટીવ પણ સર્જેલી. ૧૯૨૦થી આગાથાએ લખવાનું શરૃ કર્યું, ૩૦ વર્ષની ઉંમરે… અને ૧૯૭૬માં ગુજરી ગયા ૮૬ વર્ષની વયે ત્યારે ૬૬ નવલકથાઓ ને અન્ય ટૂંકી વાર્તાઓના ૧૪ ચંદ્રકો અને ‘મેરી વેસ્ટમાકૉટ’ના નામે ૬ રોમેન્ટિક નૉવેલ પણ લખી ચૂક્યા હતા!  અમુકના ગુજરાતી અનુવાદો થયા છે. આજે ય જગતમાં હાઇએસ્ટ સેલિંગ રાઈટર આગાથા છે!

આ લખાણોમાં ૧૯૫૨થી શરૃ કરી છેલ્લા ૬૫ વર્ષથી લંડનમાં પિકાડેલી સર્કસ પાસે વૅસ્ટ ઍન્ડમાં ભજવાતા ‘માઉસટ્રેપ’ નાટકનો ય સમાવેશ થઇ જાય ! સૌથી વધુ એકધારા નોનસ્ટોપ ચાલતા નાટક તરીકે વર્લ્ડ રેકોર્ડ ધરાવતા આ નાટકને તો આ લેખકડાએ નજરે નિહાળવાનો લ્હાવો લીધો છે. એક બરફના તોફાનવાળી રાતે હોટલમાં અમુક પાત્રો ભેગા થાય છે, અને રેડિયો પર સમાચાર આવે છે કે એક કિલર છૂટો ફરે છે, અને…

આગાથા ક્રિસ્ટીની કહાનીઓ આજે ય એવરગ્રીન ગણાય છે, એના મુખ્ય કારણ ત્રણ છે : એક, એની સેન્ટ્રલ થીમ. ડૅથ. આગાથા ક્રિસ્ટીની વાર્તાઓમાં ભાગ્યે જ લૂંટ કે છેતરપીંડી જેવા અન્ય ગુનાઓ આવે. મર્ડર મિસ્ટ્રી જ એમની ફેવરિટ. માટે સૌથી મોટો અપરાધ હત્યા જ એમની કહાનીઓમાં થાય. લાશ જ મળી આવે. એ લાશ પણ ભાગ્યે જ હિંસક રીતે લોહી નીંકળતી મળે. અણધારી મળી આવતી લાશોનો ધીમે ધીમે અલગ અલગ પાત્રોના મનોભાવો અને નજર સામે દેખાતી કડીઓથી કોઇ ડિટેક્ટીવ ઉકેલ શોધે. પૉયરૉની ભાષામાં ‘લિટલ ગ્રે સેલ્સ’થી  મગજ કસીને!

ડૅથની આસપાસ ફરતી થીમે આગાથા ક્રિસ્ટીની લાઈફ સૅટ કરી દીધી. એનું લખાણ કાચના ગ્લાસમાં ભરેલ પાણી જેવું. પ્રવાહી અને પારદર્શક. એન્ડિંગમાં ‘માઉસટ્રેપ’ની જેમ જ વાત પૂરી થઇ ગઇ હોય એમ લાગે, પછી અણધાર્યો ટ્વીસ્ટ લઇ આવવાની ક્ષમતા ય લાજવાબ. સ્ત્રીઓમાં તો આમ પણ નૅચરલ ગિફ્ટ હોય જ, એવું કાતિલાના ઑબ્ઝર્વેશન. એની જ કબૂલાત મુજબ હાલતા ને ચાલતા એને પ્લૉટ મળી આવતા કશુંક જોઇને.

અને એમાં એ એક અજ્ઞાાત ભય ઊભો કરી શકતી. બહારથી પરફેક્ટ લાગતા સૅટઅપ અને સ્માઇલ્સની વચ્ચે – ભીતરમાં કશુંક ખદબદી રહ્યું હોય, અને પેલા ફેક વાતાવરણનો નકાબ ચીરતો ક્રાઇમ થાય. એમાં આઉટસાઇડર તરીકે ડિટેક્ટીવનો પ્રવેશ થાય. અનસૉલ્ડ કે ખોટા જજમેન્ટ કે ભ્રષ્ટ સીસ્ટમને લીધે ક્રિમિનિલ છટકી જતા આપણે ય જોયા જ છે. આગાથાની નવલકથાઓમાં મોટે ભાગે દોષિત નિર્દોષ નીકળે એવો પૉએટિક જસ્ટિસ હોય. પણ એ ઉપદેશને બદલે પઝલના ફૉર્મેટમાં હોય. એટલે વિડિયો ગેઇમ પહેલાના જમાનામાં ગેઇમ રમવાની થ્રિલ એ પાનાઓમાંથી મળે!

આ ટેલન્ટ આગાથામાં આવી, એનું પર્નસલ કનેકશન છે. આ લખવૈયાની જેમ આગાથા ય ‘ફ્રોમ સ્કૂલ’ની સ્ટુડન્ટ. બ્રિટનના રળિયામણા દેવોન વિસ્તારમાં પ્રમાણમાં સુખીસંપન્ન કુટુંબની દીકરી.

પણ સ્કૂલે ન મોકલી એની માતાએ. આઠેક વર્ષની થઇ ત્યાં સુધી તો ઘેર પણ કોઇ ટયુટર શીખવાડવા ન આવે. એમાં વાંચવાનો શોખ વળગ્યો. શેરલોક હોમ્સવાળા આર્થર કોમન ડોઇલનો એ જમાનો. સોળ વર્ષે અગાથા પૅરિસ ભણવા ગઈ. આપણા બંગાળની જેમ જ ક્રાઇમ થ્રીલરની જોનરનું જન્મદાતા યુરોપમાં ફ્રાન્સ. પછી વોલન્ટરી નર્સ તરીકે ફર્સ્ટ વર્લ્ડ વોરમાં જોડાઇ એટલે હથિયારોનું અને ફાર્મેકોલોજી-ફૉરેન્સિક, મેડિકલ સાયન્સનું ફર્સ્ટ હેન્ડ નોલેજ મળ્યું.

કેટલાક અફેર્સ એક નિષ્ફળ લગ્ન એમ પૂરતા ઇમોશનલ એક્સપિરિયન્સીઝ પછી આગાથાને સોલમેટ પેચ આર્કિયોલોજીસ્ટ હસબન્ડ મેક્સમાં મળ્યો. એ હસતા હસતા કહેતી કે ‘પતિ પુરાતત્વશાસ્ત્રી હોય એ સારું, સ્ત્રી જેમ જૂની યાને ઘરડી થાય એમ એ એમાં વધુ રસ લેતો જાય!’ પણ ઓવર ધ સિગારેટ એન્ડ વાઇન આ યુગલ ખૂબ ફર્યું.

આફ્રિકા, ઈજીપ્ત, ઇરાન, ઇરાક, તૂર્કી, જેવા અનેક દેશોમાં વર્ષો સુધી આર્કિયોલોજીકલ સાઇટસ (બ્રિટિશ મ્યુઝિયમમાં ઇરાક ઉર્ફે મેસોપોટેમિયા પાસેથી સચવાયેલા એસિરિયાના અવશેષો આગાથાના પતિની ખોજ છે.) ફરવાને લીધે આગાથાનું જીકે ઉર્ફે જનરલ નૉલેજ ગૂગલ-વિકી પહેલાના જમાનામાં સતત- અપગ્રેડ થતું જ ગયું.

જેનું રિફલેકશન એના ફિકશનમાં આવ્યું. કલ્ચરલ ને લોકેશન ડિસ્ક્રીપ્શનમાં માહેર. ઓરિએન્ટ એક્સપ્રેસ પણ વિમાની યુગ પહેલા શરૃ થયેલી લકઝરિયસ ટ્રેન હતી. ૧૮૮૩માં શરૃ થયેલી. ઇસતંબુલ, પેરિસ, વિએના, બુડાપેસ્ટ, સ્ટ્રાસબર્ગ વગેરેને કવર કરતી. અંદર આરામદાયક રજવાડી સલૂન. આગાથાએ પણ એમાં મુસાફરી કરી હતી. થોડા વર્ષો પહેલા જ હાઇસ્પીડ ટીજીવી જેવી ટ્રેનને લીધે એના પાટિયા પડી ગયા.

આગાથાના આ પ્રવાસોના અનુભવો ‘કમ, ટેલ મી હાઉ યુ લિવ’ નામની આત્મકથાનાત્મક કિતાબમાં વાંચવા જેવા છે. ઓથરની સબ્જેકટ ઓથોરિટી ને સહજ સંશોધનપ્રક્રિયા કેવી ચાલતી હોય એ ગ્રાફ સમજવા માટે પણ. આગાથાએ જ મૂળ બેલ્જીયમના એક નિવાસીના લૂક અને એક ફ્રેન્ચ પ્રોફેસરની વર્તણૂકને મિક્સ કરીને પોયરોનું કેરેકટર ઘડયું હતું.

બહેને કરેલી ચેલેન્જ પરથી લખેલી પહેલી જ નવલકથા છ પ્રકાશકોએ રિજેક્ટ કરી, અને આજે એની લેખિકા વિશ્વમાં સૌથી વધુ વંચાતા પુસ્તકો સાથે જોડાયેલું અમર નામ છે! પણ એ ખબર ઓછા લોકોને હશે કે પોતાના બીજા બે પરમેનન્ટ પતિ કરતા આગાથાની ઉંમર ૧૫ વર્ષ મોટી હતી!

અને એ પતિ સાથે આર્કિયોલોજીકલ સાઇટસનું વિવિધ લોકેશન પર થતું એન્કેવેશન (ઉત્થાનન) જ આગાથાને ઘડતું ગયું. ભૂતકાળના ઇતિહાસની કોઇ સ્પષ્ટ વાતોનો સુરેખ આલેખ (ક્લીઅર ગ્રાફ) તો હોય નહિ. માત્ર છૂટા છૂટા હાડકા જોડીને અનુમાનથી જ ડાયનોસોર બનાવવું પડે. આપણે ઇતિહાસને જાણે જાતે ત્યાં જઈને સીસીટીવી ફૂટેજનું કવરેજ કર્યું હોય, એમ જ વાંચતા-વિચારતા થયા છીએ. વાસ્તવમાં તો ઇતિહાસમાં દસ્તાવેજી લખાણ પણ હોય તો ય પરસ્પર વિરોધાભાસી હોય. જે-તે ઘટના વખતે કોઈ ત્યાં સાક્ષી તરીકે હાજર તો હોય નહિ.

માટે અનુમાન કરીને, ઇમેજીનેશનના સહારે સ્ટોરી ઘડવી પડે. થોડું ઘણું સાયન્સ તવારીખના ચૂકાદા પૂરતું મદદરૃપ થાય. એટલે હિસ્ટ્રીમાં ફેક્ટ કેટલું ને ફિકશન કેટલું, એ મિસ્ટ્રી તો સનાતન છે. ખૂટતી કડીઓ જાતે જ જોડવી પડે. એને આખરી સત્ય મુગ્ધ ઇમોશનલ પીપલ માની લે, પણ વાસ્તવમાં એ ટ્રુથ મીટ્સ ટેલ (વાર્તા) જેવું જ હોય.

આ ટ્રેનિંગ આગાથાને ચુસ્ત ને નવા સરપ્રાઇઝવાળા પ્લોટ ગૂંથવામાં બહુ કામ લાગી. પ્રવાસ અને પુરાતત્વે એની કલમમાં જીવંત અનુભવના પ્રાણ પૂરી દીધા. સસ્પેન્સ સ્ટોરી એક ઉખાણું હોય છે. આજે આગાથાની એસ્ટેટ એનો ૪૬ વર્ષનો પ્રપૌત્ર સંભાળે છે, જે તો ‘મર્ડર ઈન ઓરિએન્ટ એક્સપ્રેસ’ની રિમેકથી રાજી છે.

નૅટફલિકસ ને સાઇબરગેમિંગની જનરેશન સુધી આ બહાને ફરી દાદીમાની વાર્તાઓ પહોંચશે, એ મુદ્દે એ ફિલ્મને તો સપોર્ટ કરે જ છે. પણ હજુ કેનેથ બ્રાના ‘ડેથ ઇન નાઈલ’ પરથી ય ફિલ્મ બનાવે, એવી ઇચ્છા રાખે છે. આગાથા અગાઉ લખતી, પછી ટાઇપ કરતી, પછી ડિકટાફોનથી એની વાર્તાઓ બોલીને સેક્રેટરીને લખાવતી. પ્લોટ ને કેરેકટર્સની ટાંચણ જેવી નોટ્સ બનાવીને પછી વાર્તા ઘડતી.

પુરૃષમાં ‘સર’ વાળું નાઇટહૂડ હોય એમ બ્રિટિશ એમ્પાયરના બીજા નંબરના ‘ડેમ’ના ખિતાબથી સન્માનિત આગાથા જો કે પર્સન તરીકે ફેમિલી સિવાય પ્રાઇવેટ હતી. પૉયરોની કથા લખીને એટલી કંટાળી કે ૧૯૭૫માં એણે એક વાર્તામાં હોમ્સની જેમ પોતાના ડિરેકટીવ પૉયરોને પણ મારી નાખ્યો. ૧૯૭૬માં એક વર્ષ પછી સ્વયં આગાથા ક્રિસ્ટીનું અવસાન થયું.

પણ પૉયરો અને આગાથા બેમાંથી કોઈ ખરેખર તો મર્યું નહિ. કથાઓ ઘડી બંને જીવતા રહ્યા. લિટરેચરને પડદા પર લઇ આવવામાં મેકબેથથી ફ્રેન્કેન્સ્ટાઇન સુધીનો અનુભવ ધરાવતા અને પહેલી ‘થોર’ ફિલ્મના ડાયરેકટર કેનેથ બ્રાનાએ ખુદ જ કરક્યુલ પૉયરો બનીને ‘મર્ડર ઇન ઓરિએન્ટ એક્સ્પ્રેસ’ વિન્ટેજ સ્ટાઇલમાં દિલથી બનાવી છે.

આસપાસના બરફીલા એકાંતનો માહોલ, સ્ટીમ એન્જીનની ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં કોમ્પેક્ટ થઈ ગયેલા કેરેકટર્સ, અમેરિકામાં બનેલા એક રિયલ ક્રાઇમ (બાળકના અપહરણ પછી ખંડણી પડાવી બાળકને મારી નાખવું) પરથી રચાયેલો પ્લોટ અને મ્યુઝિક. ડિઝનીની ફેમિલી સાથે મસ્ટ સી એવી ‘કોકો’ ફિલ્મ સાથે આ ફિલ્મ પણ જોઈ કાઢવા જેવી છે.

વાત કેવળ એમાં ‘હુ ડન ઇટ’ કે ‘ક્રાઇમ નેવર પેઝ’ વાળી મર્ડર મિસ્ટ્રીની નથી. આર્થર કોનન ડેવિલની જેમ જ આગાથા ક્રિસ્ટીને સાહિત્યિક કહેવાય એવા નિરીક્ષણો અને જીવનના સચોટ સત્યો વાર્તારસમાં ગૂંથી લેવાની આદત હતી. મર્ડર ઇન ઓરિએન્ટ એક્સપ્રેસ ક્લાઇમેક્સ સુધીમાં ક્લાસિકલ મોરલ ડાઇલેનામાં પરિવર્તીત થાય છે. નરી આંખે જે ગુનો દેખાય, એમાં અંતરાત્માની આંખે ગુનો છે કે નહિ? એ પ્રશ્નો ઉભા થાય છે. આવી કટોકટીની ક્ષણે ન્યાય કેમ તોળવો એની ગડમથલ ચાલે છે. આગાથા ક્રિષ્ટીના અમુક ફેમસ ક્વૉટસ એટલે જ લાઇફટાઈમ મમળાવવા જેવા છે!

‘ઇમ્પોસિબલ ક્યારે ય બની જ ન શકે. પણ જો એવી કોઇ અસંભવ ઘટના ઘટે તો માની લેવાનું કે એ ઉપરઉપરથી અસંભવ ભલે લાગે પણ વાસ્તવમાં પોસિબલ હશે!…. જે જૂઠું બોલતા હોય એને તમે સાચું પરફેક્ટ ટાઇમે કહો તો એ જૂઠ પકડાઈ ગયાના અચરજથી જ ઘણી વાર સાચું દેખાડી દેતા હોય છે!…. હું હાથની નહિ, મનની ફિંગરપ્રિન્ટસ ઉકેલું છું!… અનુમાનો કાં સાચા પડે કાં ખોટા. સાચા પડે તો તમે એને અંત:પ્રેરણા કહો.

ખોટા અનુમાનો વિશે કોઇ કશું બોલતું નથી હોતું!…. તમે પરફેક્ટ મર્ડરથી રોમાંચિત થઈ એના વખાણ કરી શકો. જેમ તમે ભવ્ય દેખાતા વાઘના વખાણ કરો એમ. પણ એટલે વાઘની પાસે જવાના અખતરા ન કરાય! …. ડહાપણ એને કહેવાય કે કોઇનો ય ભરોસો ન કરવો!…. માણસ ખાસ ઓરિજીનલ પ્રાણી નથી. એટલે એક જ વ્યક્તિના બે અપરાધમાં કશીક સમાનતા તો દેખાય જ!…. જે સ્ત્રી પ્રેમ કરે છે, એનું દિલ કારમા ઘા જીરવી શકે છે!…. મૂર્ખાઈ એવું પાપ છે કે જેને કદી માફી મળતી નથી, અને હંમેશા સજા ભોગવવી જ પડે છે!’

આ તો જરાક ઝલક છે વીણેલા મોતીડાંની. ઓકે, સો ઑલ્ડ ફેશન્ડ. સો એસોર્ટેડ ડાર્ક ચોકલેટ્સની! પણ આગાથા ક્રિસ્ટી વોઝ લકી. નજર સામે ટીવી-ફિલ્મોમાં પોતાની કૃતિઓ જોઈ. ખુદના પૂતળાં જોયા. પોતાનું નામ ગુલાબને અપાય એવું સન્માન જોયું. પોતાને મળેલા એવોર્ડસ તો ઠીક, પોતાના નામના એવોર્ડ ક્રાઇમ ફિકશન માટે અપાતા પણ જોયા! સંપન્ન કુટુંબમાં જન્મ, રોમાન્સ, વિશ્વપ્રવાસ, વિશાળ મહાલયમાં રહેવાનું, ભરપૂર પ્રસિદ્ધિ અને લખલૂટ આવક ભોગવવાની એ બધું જ માણ્યું સાડા આઠ દાયકાના આયખાની સાથે!

આપણે બધા જ આવા સમર્થ સર્જકોની એક્સપ્રેસ ટ્રેનના પેસેન્જર્સ છીએ. શિયાળામાં કસરતના મહાત્મયમાં ઓચિંતો ઉછાળો આવે છે. દિમાગી સ્નાયુને કેવી રીતે કસરત કરાવીને મજબૂત બનાવવા? લોજીક અને ઓબ્ઝર્વેશનથી પઝલ સોલ્વ કરીને સ્તો! માથા પર ડમ્બેલ્સ થોડા ફટકારાય છે! શેરલોક હોમ્સ, પેરી મેસન, હરક્યુલ પોયરો, મેડોક્સ, મિસ માર્યલ, બ્યોમકેશ બક્ષી, ફેલુદા, ડૉ. જૌહરી, ઇન્સ્પેકટર કુમાર, શ્યામસુંદર બેલારોય જેવા સેંકડો ફિકશનલ ડિટેકટીવ્ઝ આપણા મગજના પર્સનલ ટ્રેનર છે, જે લિટલ ગ્રે સેલ્સને મજબૂત કરે છે.

અને ‘મર્ડર ઇન ઓરિએન્ટ એક્સપ્રેસ’ની એક્સકલુઝિવ સ્પેશ્યાલિટી? સ્પોઇલર એલર્ટ. જગતની આ દુર્લભ રહસ્યકથા છે., જેમાં દરેક શકમંદ (જે પૂરા ડઝન છે!) કાતિલ છે! બધા જ ખૂની પુરવાર થાય છતાં સવાલ એ પેદા થાય કે આ મર્ડર બાબતે ન્યાય કરવો, કે એ મર્ડરને જ ન્યાય ગણી લેવું? આગાથા ક્રિસ્ટી જેવાઓનું લેખન એટલે જ કેવળ દૂમધડાકાવાળી થ્રિલ્સને બદલે માણસના મનોભાવો ઉપસાવે છે. એક વાર્તા એવી કે તમામ પાત્રોના મોત, બીજી એવી કે તમામ ગુનેગાર! સો સ્ટાર્ટ રીડિંગ ધ ક્વીન ઓફ સસ્પેન્સ.

– ફાસ્ટ ફોરવર્ડ –

”શરીર એક પિંજરું છે. અને અંદર ક્યારેક તોફાની જંગલી વ્યક્તિત્વ પાંખો ફફડાવી, બહારના મુખવટાની કેદ તોડી આઝાદ થઇને અપરાધ કરવા ઝંખે છે!’ (આગાથા ક્રિસ્ટી)

 

અમે બે..!!

Standard

દીકરી અમારી યુરોપમાં અને દીકરો યુએસમાં, 
અહીં તો બસ અમે બે જ.
જમાઇ ઑફિસમાં રાજ કરે ને વહુરાણી પણ ડૉલર કમાઇ લાવે,
અમારી મદદે આવો એવો એમનો સતત આગ્રહ હોય, પણ 
અમે ચતુરાઇથી એ આમંત્રણ ટાળીએ, કારણ કે અહીં અમે લાઇફ એન્જોય કરીએ છીએ.
મારી પત્ની ખૂબ શોખીન છે, બપોરે એ બિઝી રહે છે,
મને કોઇ શોખ નથી એટલે બાકી રહેલી નીંદર પૂરી કરું છું,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
સાંજે અમે સિનેમા જોવા ઉપડી જઇએ, પાછા ફરતા બહાર જમીને જ આવીએ,
ઘરની પાછળ સૂર્યાસ્ત થાય અને અમારી મસ્તી મજાકનો સૂર્યોદય થાય,
કારણ કે અમે બે જ હોઇએ છીએ.
એક દિવસ દીકરાનો તો બીજે દિવસે દીકરીનો ફોન આવે,
સમય જ નથી મળતો એવી ફરિયાદ કરે, અમારું મન ભરાઇ આવે,
પછી તમે પણ એન્જોય કરશો એની તેમને હૈયાધારણ આપીએ,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
એક વાર નવી નવાઇનું અમેરિકા ફરી પણ આવ્યા, 
સ્વચ્છ ને સુંદર જગ્યાઓ જોઇને માણી સુધ્ધાં આવ્યા
અમે બેઉ દુનિયા માણીએ, કારણ કે અમે બે જ હોઇએ છીએ.
નથી કોઇ જવાબદારી કે નથી કોઇ ફરિયાદ,
નથી કોઇ અડચણ ને અમે સેક્ધડ હનીમૂન એન્જોય કરીએ છીએ,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
મરણની વાતો અમે કરતા જ નથી, પાર્ટીમાં જઇએ અને પિકનિકમાં ફરીએ,
પૈસાની છે છૂટ અને સમય તેમ જ મિત્રો પણ છે ભરપૂર
સંતાનોને કારણે બંધાઇ રહેવાના દિવસો ગયા એ વિચારમાત્રથી ખુશ થવાય છે
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.
બાળકોને અમારી ઇર્ષ્યા ન થાય એ માટે અમારી મોજમજા એમનાથી છાની રાખીએ, 
મારી આ ટ્રીકથી પત્ની હસી પડે અને એને સાથ આપીને હું પણ હસી લઉં,
કારણ કે અહીં અમે બે જ હોઇએ છીએ.

સિક્કાની ત્રીજી બાજુ

Standard

સીક્કાની ત્રીજી બાજુ

–હરનીશ જાની
સાભાર

ગોવીન્દ મારુનો ‘અભીવ્યક્તી’ બ્લોગ*
મારા બાલુકાકાને મેં પુછ્યું, ‘‘તમે ભગવાનમાં માનો છો ?’’
બાલુકાકા બોલ્યા, ‘‘ના.’’
મેં વળી પાછું પુછ્યું, ‘‘કેમ માનતા નથી ? આ ચાંદો–સુરજ કોણે બનાવ્યા છે ? ધરતી–આકાશ કોણે બનાવ્યાં છે ?’’
બાલુકાકા કહે, ‘‘જો ભાઈ, એ બધું જેણે બનાવ્યું હોય તે જાણે. મને હેરાન ના કર…’’
મેં કહ્યું, ‘‘ના, તે પરમાત્માએ બનાવ્યાં છે.’’
બાલુકાકા બોલ્યા, ‘‘તો જા, તારી વાત સાચી ! પરમાત્માએ બનાવ્યાં. તેમાં વાંધો શો છે ? તેના વીશે તારે ફરીયાદ કરવી હોય તો બીજાને કર.’’
મેં કહ્યું, ‘‘તો પછી તમે ભગવાનમાં કેમ માનતા નથી ?’’
બાલુકાકા બોલ્યા, ‘‘ભગવાન જોડે મારે કોઈ વાંધો નથી. મને વાંધો હોય તો તે તારા જેવા લોકો જોડે છે. જો હું કહું કે હું ભગવાનમાં માનું છું તો તારા જેવા લોકો પુછશે કે કયા ભગવાનમાં માનો છો ? અને કેમ માનો છો ? એટલે સો વાતની એક વાત. નન્નો કહી દેવાનો.. નહીં તો મારે બીજા સો જવાબ આપવા પડે.’’
મેં કહ્યું, ‘‘ભગવાન બધા સરખા છે. જ્યાં સુધી તમે કોઈ સુપ્રીમ પાવરમાં માનો ત્યાં સુધી.’’
કાકા કહે, ‘‘તું આટલો બધો જ્ઞાની થઈ ગયો છે તો મને કહે કે તારો ‘સુપ્રીમ પાવર’ એટલે કોણ ? અલ્લાહ – જીસસ – કૃષ્ણ – મહાવીર – ગ્રંથ સાહેબ ??’’
મેં કહ્યું, ‘‘એ બધા જ સુપ્રીમ.’’
કાકા બોલ્યા કે, ‘‘બધા કેવી રીતે સુપ્રીમ કહેવાય. સુપ્રીમ તો એક જ હોય. બધા સુપ્રીમ ન હોઈ શકે.’’
આ જગતમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે કોઈ પણ વાતની બે બાજુ હોય છે. જે એક બાજુને જુએ છે તેને બીજી બાજુ પર શું છે તેની ખબર નથી. એટલે એને પોતાની બાજુ ખરી લાગે છે. હવે બીજી બાજુનાને પોતાની બાજુ ખરી લાગે છે. એમની માન્યતાઓ એટલી દૃઢ હોય છે કે તેમને એવું પણ નથી લાગતું કે બીજી વ્યક્તી ખરી હોઈ પણ શકે.
અમે બ્રાહ્મણ સમાજની પચીસમી જયન્તી ઉજવતા હતા. તેની મીટીંગ હતી. વાત આવી ડીનરની. વડોદરાના ભાગવતભાઈ કહે, ‘‘આપણે બ્રાહ્મણ કહેવાઈએ એટલે આપણા ડીનરમાં લાડુ મસ્ટ !’’ સુરતના મારુતીભાઈ કહે, ‘‘હવે અમેરીકામાં જુના વીચારો છોડીને ઘારી–પુરી રાખો.’’ અને ચાલ્યું ડીસ્કશન. અડધા લાડુની તરફેણમાં અને અડધા ઘારી–પુરીમાં જોડાયા. ડીસ્કશન પછી ‘તું-તાં’ પર આવી ગયું. સારું થયું કે આ બધા બ્રાહ્મણો હતા. જો રજપુતો હોત તો તલવારો ખેંચાઈ હોત. પછી એક વડીલ નીવેડો લાવ્યા કે બન્ને વાનગીમાં જે સસ્તી પડતી હોય તે બનાવો. છેવટે પૈસાની સીચ્યુએશન જોતાં લાપસી જ પોષાય તેમ હતું. છેવટે લાડુ–ઘારીમાં ત્રીજા લાપસીબહેન ફાવી ગયાં !
ઘણી વખતે બે સાઈડ એકમેકની સામસામે આવી જાય તો ત્રીજું એલીમેન્ટ પેદા થાય છે અથવા તો તૈયાર કરવું પડે છે. બન્ને પાર્ટી પોતે ખરી જ છે એમ દૃઢ પણે માનતી હોય છે. ખબર નહીં કે એવું કેમ બને છે કે બન્ને બાજુઓ પોતાના પક્ષને જ સાચો કેમ માનતા હશે ? જો બે પક્ષો વચ્ચે રમતની હરીફાઈ હોય અને રમતમાં હારજીત આંકડાઓથી નક્કી થતી હોય; છતાં અમ્પાયર કે રેફ્રી રાખવા પડે છે. અમે જ્યારે નાના હતા અને રસ્તા પર ક્રીકેટ રમતા, ત્યારે ભીંત પર કોલસાથી સ્ટમ્પ દોરતા. અને બોલ સ્ટમ્પ પર વાગે તેની ખબર કેવી રીતે પડે ? ત્યારે અમે કોઈ આંખે નબળાને અમ્પાયર બનાવી દેતા અને પછી કહેતા કે ‘અમ્પાયર ઈઝ ઓલ્વેઝ રાઈટ.’ આ વાક્યથી વધારે ઈન્ગ્લીશ અમારામાંથી કોઈને નહોતું આવડતું. પણ તેમ છતાં; અમે એ અમ્પાયરનું માનતા. અને આમ, અમે રમતમાં વચલો રસ્તો શોધ્યો હતો. આજે તો કમ્પ્યુટરની આંખે ટેસ્ટ મેચોમાં નીર્ણયો લેવાય છે; તોય મન દુ:ખ તો રહે જ છે.
હું માનું છું કે જો બન્ને પક્ષ ખોટા હોય તો જ ઝગડો લાંબો ચાલે. જો એક પક્ષ શાન્તી રાખવા માંગતો હોય તો બીજા પક્ષની વાત માની લે.. પછી ભલેને તેમ કરવાથી સ્વમાન ઘવાતું હોય. પહેલાં એ નક્કી કરવું જોઈએ કે શું હાંસલ કરવા ઝઘડીએ છીએ.
મારી પત્નીએ એક સફરજન મારી બે દીકરીઓને આપ્યું અને કહ્યું, ‘‘બે બહેનો વહેંચી લેજો.’’ મોટી કહે, ‘‘હું કાપીશ અને અડધો ભાગ નાનીબહેનને આપીશ.’’ નાનીને એમ કે મોટીબહેન કાપીને મોટો ભાગ પોતે લઈ લેશે. એટલે એ મંડી પડી, ‘‘ના, મને કાપવા દે.’’ આમ ‘હું કાપું–હું કાપું’ ચાલું થયું. હવે આ વાતનો નીવેડો મારી પત્ની લાવી. તેણે કહ્યું કે, ‘‘તમારામાંથી જેણે બે ભાગ કરવા હોય તે કરે; પરંતુ તેના બે કટકામાંથી, પહેલો ટુકડો પસંદ કરવાનો હક્ક બીજીનો.’’ પછી બન્ને શાન્ત થઈ.
વરસો પહેલાં, જ્યારે હું હાઈ સ્કુલમાં ભણતો હતો, ત્યારે ‘તલાક’ ફીલ્મનું કવી પ્રદીપનું એક ગીત પ્રખ્યાત થયું હતુ. તેમાં તે ગાય છે : ‘સંભલ કે રહના અપને ઘર કે છીપે હુએ ગદ્દારોં સે.’ તેમાં આવતું કે ‘તુમ્હે હમારે કશ્મીર કી રક્ષા કરની હૈ.’ જે મને ન સમજાતું. મેં મારા બાપુજીને પુછ્યું, ‘‘શ્રીનગર–કશ્મીર તો આપણા ભારતમાં આવ્યું, પછી એની જુદી રક્ષાની આ શી વાત છે ?’’ એમણે મને સમજાવ્યું કે કશ્મીરના બે ભાગ પડી ગયા છે. આપણો ભાગ પાકીસ્તાન માંગે છે. ત્યારે જ મેં તેમને કહ્યું હતું કે હવે જેના ભાગમાં જે આવ્યું છે તે લઈને બેસી રહોને ! ત્યારે તેમણે કહ્યું હતું, ‘‘તું હજુ નાનો છે. મોટો થઈશ ત્યારે સમજાશે.’’ આજે 72 વરસે પણ મને તે હજુ નથી સમજાતું. ત્યારે બન્ને દેશો પાસે પોતાના ભાગનાં કશ્મીર હતાં અને આજે પણ છે. વાત તો ત્યાંની ત્યાં જ છે. બેમાં કોઈકે ખરું હોવું જરુરી છે ? કદાચ તેને જ પોલીટીક્સ કહેતા હશે.
બે દેશો વચ્ચે યુદ્ધને તીલાંજલી આપી અને શાન્તી સ્થાપવી હોય તો મંત્રણાઓમાં સૈનીકોની માતાઓને બેસાડવી જોઈએ અને પોલીટીશીયનોને ઘેર બેસાડવા જોઈએ.
મેં મારા બાલુકાકાને પુછ્યું, ‘‘તમે ભગવાનમાં નથી માનતા તો પછી તમારી જાતને આસ્તીક કેમ ગણાવો છો ?’’
બાલુકાકાએ મને કહ્યું, ‘‘જો ભાઈ, હું ટીલાં–ટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ. તું માનવ શરીરને જ જો. અને શરીરની બધી પ્રક્રીયાઓનું નીરીક્ષણ કર. તો તું એ પરમશક્તીમાં માનતો થઈ જઈશ.’’
મેં કહ્યું, ‘‘ચાલો ત્યારે તમે નાસ્તીક નથી અને તમને કોઈ આસ્તીક ગણે તો તે તમને ગાળ સમાન લાગે છે. બરાબરને ?’’
કાકા બોલ્યા, ‘‘હું આધ્યાત્મીક છું. ભગવાનમાં નથી માનતો. મને ધર્મના નામે ચાલતા ધતીંગો નથી ગમતા. અને તારી જેમ જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથી ગમતા. હા, પરન્તુ જગતને નીયન્ત્રણમાં રાખનાર કોઈક શક્તી છે. તેને હું નમું છું.’
મારે કહેવું પડ્યું કે કાકાએ ‘સીક્કાની ત્રીજી બાજુ’ શોધી કાઢી.
–હરનીશ જાની

એનું સરનામું જઇ ..એને જરા પહોંચાડજો.. લાગણી નામે કશે..જો છોડ ઊગ્યા હોય તો!

Standard

By Dr. Sharad Thakar
એનું સરનામું જઇ ..એને જરા પહોંચાડજો.. લાગણી નામે કશે..જો છોડ ઊગ્યા હોય તો!
‘હાય, લવલી! 

શું કરે છે? 

વાત થઇ શકે તેમ છે?’ 
રોકીએ પૂછી લીધું….
‘વન મિનિટ.’
 કહીને લવલી ડાઇનિંગ ટેબલ પાસે બેઠી હતી, ત્યાંથી ઉભી થઇ ગઇ. પપ્પા, મમ્મી અને ભાઇ એની વાતચીત સાંભળી ન શકે એટલી દૂર ચાલી ગઇ. પછી બોલી…
 ‘હા, હવે વાત થઇ શકશે. 

બોલ, શું કહે છે?’
‘રાતની વાત યાદ છે ને? 

બરાબર બાર વાગે રેલવે સ્ટેશનનાં પગથિયાં પાસે હું તારી રાહ જોતો ઉભો હોઇશ. ટિકિટ નું બુકિંગ થઇ ગયું છે. 

મોડું ન કરીશ.’
‘હું ઘરમાંથી નીકળી તો જઇશ..

 પણ રાત્રે રિક્ષા નહીં મળે તો?’
‘તો તારા પપ્પાને કહેજે, 

ગાડી માં બેસાડી ને તને મૂકી જશે!’ 
રોકી એ મજાક કરી. 

આ એનો સ્વભાવ હતો એટલે તો લવલી ને એ ગમતો હતો. એના પપ્પા ગરમ સ્વભાવના હતા, મમ્મી કડક મિજાજ ની અને ભાઇ ગંભીર પ્રકòતિનો. શિસ્ત અને કાયદા ના શાસન માં વીસ-વીસ વરસ ગોંધાઇ રહ્યા પછી િંજદગીમાં પ્રથમવાર લવલી રોકીને મળી અને જાણે બંધિયાર ભોંયરા ની અધખૂલી બારીમાંથી તાજી હવાની લહેરખી અંદર ધસી આવી. 

હસમુખો રોકી એને ગમી ગયો.
લવલી સંસ્કારી છોકરી હતી. 

પોતાના પ્રેમસંબંધ વિશે પ્રથમ જાણ એણે પપ્પાને જ કરી દીધી…
‘રોકી મને ગમે છે. 

હું એની સાથે પરણવા માંગુ છું.’
મહાશંકરભાઇ એ જ કોલેજમાં પ્રાઘ્યાપક હતા, જે કોલેજમાં રોકી અને લવલી છેલ્લાં ત્રણ વર્ષથી ભણતાં હતાં. એ રોકીને ઓળખતા હતા માટે જ તેમણે દીકરીની પસંદનો વિરોધ કર્યો…
‘બેટા, હું જૂના જમાના નો બાપ નથી, 

પણ તેમ છતાં તારી વાત ને સમર્થન આપી શકતો નથી. રોકી દેખાવમાં જ સારો છે, બાકી સંસ્કાર, અભ્યાસ અને વર્તણૂકમાં એ તારા લાયક નથી.
‘પણ અમે એકબીજાને 

પ્રેમ કરીએ છીએ, પપ્પા!’
‘હું પ્રેમમાં માનું છું, 

પણ કારણ વિના ના પ્રેમમાં નથી માનતો. રોકી ને પ્રેમ કરવા માટે કોઇ પણ છોકરી પાસે કયાં કારણો હોઇ શકે….

એ હું સમજી શકતો નથી.’
‘પણ મને વિશ્વાસ છે કે…

એ મને ખૂબ સારી રીતે સાચવશે.’
‘એનું કારણ મને સમજાય છે, 

મારી લવલી છે જ એટલી બધી લવલી કે એના પ્રેમમાં પડવા માટે હજારો છોકરાઓ તૈયાર થઇ જાય. અને એ દરેક છોકરો તને સારી રીતે જ સાચવશે,…

કદાચ રોકી કરતાં પણ વધુ સારી રીતે!’
લવલી સમજી ગઇ કે ઘરમાંથી રોકી માટે લીલી ઝંડી ફરકાવવામાં નહીં આવે. આ વાતની જાણ બીજા દિવસે એણે રોકીને કરી દીધી…
‘સોરી, પપ્પા ના પાડે છે.’
રોકી વિફર્યો…
‘પ્રેમ તારા પપ્પાને પૂછીને પછી કર્યો હતો? 

લો બોલ્યા, પપ્પા ના પાડે છે! હવે મારું શું થશે એનો વિચાર કર્યોછે તંે?’
‘પણ… તો પછી હું શું કરું?’
‘શું કરું તે લગ્ન કર! મારી સાથે. 

ઘરમાંથી નાસી જઇને.’ 
રોકી પ્રેમિકા ને પ્રેમ ની પરિભાષા અને પ્રપંચ ના પાઠો ભણાવતો રહ્યો. ધીમે-ધીમે લવલી ના દિમાગમાં આખી યોજનાની ‘બ્લૂ પ્રિન્ટ’ ગોઠવાઇ ગઇ. નિર્ધારિત દિવસે આખું ઘર જયારે નિદ્રાની આગોશમાં સરકી ગયું હોય ત્યારે લવલીએ ઘર છોડી દેવાનું. પહેરેલાં કપડે રેલવે સ્ટેશને પહોંચી જવાનું, ત્યાં રોકી પહેલેથી જ બહારગામ જવા માટેની ટિકિટો લઇને ઉભો હશે. કયાં જવાનું છે તે રોકી નક્કી કરવાનો હતો. કયામત નો દિવસ નજીક આવી ગયો. આગલા દિવસે રોકીએ સૂચના આપી દીધી…
‘તારે ખાલી હાથે જ નીકળી જવાનું છે. 

કપડાં અને બીજી જરૂરી ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદી લઇશું. હું પાંચેક હજાર રૂપિયાની સગવડ કરી શકયો છું.’
લવલી ડઘાઇ ગઇ…
‘પાંચ હજાર રૂપિયા? 

ફકત પાંચ હજાર? 

એટલા તો પાંચ દિવસમાં ચટણી થઇ જશે.’
‘તારી પાસે ક્રેડિટ કાર્ડ હશે ને? 

તને… જૉ વાંધો… ન હોય… તો…’ 
રોકી નો સંકોચ ત્રૂટક-ત્રૂટક હતો, 

પણ સૂચના સળંગ અને સ્પષ્ટ હતી.
‘ભલે. મારી પાસે 

વીસેક હજારનું ક્રેડિટકાર્ડ છે.’ 
લવલી એ છાતીમાં ઉંડો શ્વાસ ભરીને જવાબ આપ્યો. રોકી પણ આ જવાબ સાંભળ્યા પછી જ શ્વાસ ખેંચી શકયો.
@@@@@@@@@@@@@@@@
રાતના સાડા અગિયાર વાગ્યા. 

પોતાના અલાયદા બેડરૂમમાં સૂતેલી લવલી ધીમેથી ઉભી થઇ. પપ્પા-મમ્મી બાજુના શયનખંડમાં ઘસઘસાટ ઘતાં હતાં. નાનો ભાઇ છેક છેવાડાની ઓરડીમાં વાંચી રહ્યો હતો. એની બારમા ધોરણની પરીક્ષા નજીકમાં હતી.
‘શું પહેરું? 

સાડી પહેરવાનો તો પ્રશ્ન જ ભો થતો નથી. સલવાર-કમીઝ જ ઠીક રહેશે.’ 
લવલી બબડી. 

એણે કબાટ ખોલીને અંદર નજર ફેંકી, લગભગ ચાલીસથી પણ વધુ સંખ્યામાં એના ‘ડ્રેસીઝ’ હતા. સલવાર-કમીઝ, જિન્સ, ટી-શર્ટ્સ, કેપ્રી, શોર્ટ સ્કર્ટ્સ અને હોલ્ટર નેક અને સ્પેગેટી ટોપ્સ. એના પપ્પા કંઇ એટલા બધા પૈસાદાર ન હતા, તો પણ લવલીને એમણે કયારેય કપડાં ખરીદવા બાબત ટોકી ન હતી.
લવલીએ એક જિન્સ પેન્ટ બહાર કાઢયું. અઢારસો રૂપિયાનું હતું. હજુ ગયા મહિને એની વર્ષગાંઠ ઉપર પપ્પાએ અપાવ્યું હતું. એની ઉપર પહેરવા માટે એણે એક લવેન્ડર કલરનું સ્પેગેટી ટોપ કાઢયું. એ એના ભાઇ જતીને એના પોકેટમનીમાંથી ખરીદીને બહેનને લઇ આપ્યું હતું.
લવલીએ એનું ફેવરિટ પર્સ લીધું. 

અંદર જૉઇ-તપાસી લીધું. હા, ક્રેડિટ કાર્ડ અંદર જ હતું. એ પણ મમ્મી-પપ્પાની લાગણીનું જ પરિણામ. બાકી પપ્પાના મિત્ર પ્રો. શાંતિકાકાએ તો એમને રોકયા પણ હતા..
‘મહાશંકરભાઇ, 

દીકરી ના ખાતામાં વીસ હજાર જેવી રકમ ન રખાય. એનામાં ઉડાઉપણાનો દુર્ગુણ પ્રવેશી જાય.’ 
જવાબમાં પપ્પાએ કહેલું…
‘એવું નહીં થાય. 

મને મારા સંસ્કાર માં શ્રદ્ધા છે. 

હું તો માનું છું કે મારી લવલીમાં જવાબદારીની ભાવના ખીલશે.’
લવલીએ મનોમન પપ્પાનો આભાર માન્યો..
‘સારું થયું કે તમે મારામાં વિશ્વાસ મૂકયો. આ વીસ હજાર રૂપિયા મને અને રોકીને કેટલા કામમાં આવશે! એના સહારે તો અમારું લગ્નજીવન શરૂ થઇ શકશે.’
દબાતે પગલે એ શયનખંડમાંથી બહાર નીકળવા ગઇ, પણ ત્યાં જ એને યાદ આવ્યું-મોબાઇલ ફોન તો ભુલાઇ જ ગયો!
ઇન્સ્ટ્રુમેન્ટ ચાિર્જંગ કરવા મૂકેલું હતું. લવલીએ સેલફોન અને એનું ચાર્જર બંને ઉઠાવીને પર્સમાં મૂકી દીધાં. ફોન સાયલન્ટ મોડ ઉપર મૂકી દીધો, જેથી અણીને સમયે એ ચીસો ન પાડી ઉઠે….
મોબાઇલ ફોન પરથી પાછી એક જૂની વાત યાદ આવી ગઇ. પપ્પા અને મમ્મી વરચેનો સંવાદ.
‘સાંભળો છો? 

કહું છું, આપણી લવલી ને મોબાઇલ ફોન જૉઇએ છે.’ 
મીનાબહેને એક સાંજે ડાઇનિંગ ટેબલ પર વાત કાઢી હતી.
‘શા માટે? 

હું તો માનું છું કે મોબાઇલ ફોન એક મોટું દૂષણ છે.’
‘દૂષણ નહીં, ભૂષણ કહો! 

આખી કોલેજ માં એક આપણી લવલી જ ફોન વગર ફરે છે.’
‘એ એટલા માટે કે માત્ર લવલીનો બાપ જ શિક્ષિત અને સંસ્કારી છે. બાકી મને એ સમજાવ કે ભણતા વિધાર્થીઓને આવા ખોટા ફેશનેબલ રમકડાંની જરૂર જ શી છે!’
‘તમે તો વેદિયા ના વેદિયા જ રહ્યા. 

આધુનિક વિજ્ઞાન ના આ યુગમાં આપણી એ ફરજ છે કે આપણે જયાં પણ હોઇએ ત્યાં કુટુંબીજનો, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવું. છોકરીની જાત છે, ગમે ત્યારે એને આપણી જરૂર પડે. 

બે-ચાર હજાર ની તો વાત છે.’ 
મમ્મી ની વકીલાત જીતી ગઇ.

પપ્પાનો વિરોધ હારી ગયો. 

એ તો પાછળથી લવલીને જાણવા મળ્યું કે પપ્પાએ પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડીને દીકરીને મોબાઇલ ફોન અપાવ્યો હતો.
‘થેન્ક યુ, પપ્પા! 

તમે કેટલા સારા છો!’ 
લવલી દાદરનાં પગથિયાં તરતાં બબડી..
‘જૉ તમે આ મોબાઇલ ફોન ન અપાવ્યો હોત, તો અત્યારે હું રોકીની સાથે પળ-પળ નો સંપર્ક શી રીતે જાળવી શકી હોત! અને આવતી કાલે સવારે કો’ક અજાણ્યા સ્થળેથી ‘રોકીની સાથે મેં લગ્ન કરી લીધાં છે’ એવી માહિતી હું તમને શી રીતે આપવાની હતી!’
લવલી દાદર ઉતરીને નીચે આવી. પગમાં પહેરેલાં સ્લીપર્સ કાઢયાં. હમણાં ચાર દિવસ પહેલાં ખરીદેલાં કીમતી સેન્ડલ પહેરવા માટે શૂઝનું કબાટ ઘાડયું, ત્યાં જ એક કાગળ સેન્ડલમાંથી નીચે સરી પડયો. નાઇટ લેમ્પના આછા પ્રકાશમાં લવલીએ કાગળ ઉઠાવીને વાંચવો શરૂ કર્યો. 

એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. 

અક્ષરો પપ્પાના હતા. 

લખતા હતા…
‘બેટા, લવલી! 

જાય છે? ખરેખર? તો સુખી થજે! 

આજે સાંજે ડિનર વખતે તું ઉભી થઇને ચાલી ગઇ. તારી ગતિવિધિ શંકાસ્પદ લાગી, એટલે હું પાછળ-પાછળ આવ્યો. તારી અને રોકી વરચેની વાતચીત મેં સાંભળી લીધી. પહેલાં તો કાન ઉપર વિશ્વાસ ન આવ્યો, પછી દીકરી ઉપર. ધાર્યું હોત તો હું તને ત્યારે પણ રોકી શકયો હોત અને ધારું તો અત્યારે પણ તને રોકી શકું છું. પણ હું તને એવું નહીં કરું. બેટા, મેં આખી જિંદગી તારામાં સમજણ નાં બીજ વાવ્યાં છે. એ સંસ્કાર ઉપર મને શ્રદ્ધા છે. છતાં તું જૉ ‘પ્રેમ’ નામના છેતરામણા શબ્દ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જવા ઇરછતી હોય તો એક વાત યાદ રાખજે અમે પણ તને પ્રેમ કર્યોછે. તારી જિંદગી પર તારી એકલી ની માલિકી નથી, અમારા ત્રણેયની પણ થોડી ઘણી માલિકી છે. ભગવાન તને “સદ્બુદ્ધિ” આપે… અને સાચો નિર્ણય લેવાની શકિત પણ.’
લવલી રડી પડી. 

તરત જ મોબાઇલ ફોનનાં બટનો દબાવ્યાં…
‘હેલ્લો, રોકી! 

મારી રાહ ન જોઇશ. 

હું નથી આવી રહી. 

સોરી, મને કારણ ન પૂછીશ. 

ના, પ્રેમની દુહાઇ પણ ન આપીશ. 

તને તો બીજી લવલી મળી જશે, 

પણ મારાં મમ્મી-પપ્પાને બીજી દીકરી નહીં મળે. ગુડ બાય..!’
શીર્ષક પંકિત: કૈલાસ પંડિત

જુમો ભીસ્તી

Standard

જુમો ભિસ્તી – ધૂમકેતુ
જુમાએ ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તોે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો.
જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.
આણંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા.
પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલતૂટેલ સાદડી પર જુમો ભિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના-રૃપાનાં વાસણથી માંડીને ઠીંકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકાછાંયા જોઇ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો.
હજી એને સાંભરતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. એ વખતે તેણે શોખની ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા- વેણુ અને જુમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોળ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા; તેમાંથી કોઇક સાહિત્યરસિક હિંદુ મિત્રે પાડાને આવું કુમળું – વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો એ ચાલ્યું.
જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડયો, પાછો પડયો અને આજે છેવટે આ ત્રણ તૂટેલાં ઝૂંપડાંમાં એનો બધો સામાન સચવાઇ રહેતો. એકમાં વેણુ બંધાતો; વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એક-બીજાની સામે જોઇને બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા – માત્ર જુમો અને વેણુ, બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.
આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટીમોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બન્ને પાછા વળતા. જુમાએ એક પૈસાનાં ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ – જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય – પાડા માટે લીધાં હોય.
બસ, આ હમેશની ખરીદી. આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહિ, કોઇ વધુ કામ, આપે તો લેવું નહિ, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહિ. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો; અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા !
છેક સાંજે બન્ને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.
એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બન્ને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઇનાં લક્ષણ નહિ ! એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ‘ના, નહિ ખાઉં’ એમ સ્પષ્ટ સંભળાવી દે !’
અને જુમો થાક્યો : ‘ચાલ ત્યારે, ઘેર જઇને ખાજે. તને પણ લાડ કરવાની ટેવ પડી છે !’
વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડયું ને જુમાની સામે જોઇ કાન ફફડાવીને ‘રણક’ કરતોક તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડયો.
‘જો ! જો ! હવે પાછો વાળું કે ? દોડવાનું છે ?’ જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તોે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યોે, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડયો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડયો.  પણ બધું વ્યર્થ !
આછું અંધારું ને આછો ઉજાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડયો : ગાડી આવશે તો !
તે એકદમ રસ્તા તરફ દોડયો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડયો.
‘એ ભાઇસા’બ ! મારો વે… મારો પાડો. અબઘડી કપાઇ જશે. જુઓ, પણે જુઓ – પાટામાં સપડાયો છે !’
બન્ને જણાએ જુમાએ દેખાડયું ત્યંા જોયું. કાંઇક કાળુંકાળું તરફડતું લાગ્યું.
‘શું છે ?’
‘મારો વેણુ-પાડો !’
‘ઓહો !… જા, જા, ફાટકવાળા પાસે દોડ…’
‘તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.’
‘અમે ? તું દોડ-દોડ- ફાટકવાળાને કહે !’ એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા ! જુમો ફાટકવાળા તરફ દોડયો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખું યે જણાયું નહિ. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડયો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહિ !  તેણે જોરથી બારણામાં પાટું માર્યું.
‘એ કોણ ?’
‘એ ચાલો ! ભાઇ-બહેન ! સિગ્નલ ફેરવો, મારું જાનવર કપાઇ જશે.’
‘ઘેર કોઇ ભાઇમાણસ નથી !’ – બસ. આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા મંડી.
હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ‘દોડો ! દોડો !… મારું જનાવર કપાય છે !’ જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી !
જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.
‘યા પરવરદિગાર !’ તેણે મોટેથી બૂમ પાડી.
એટલું બોલીને જુમો એકદમ દોડયો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડયો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.
‘દોસ્ત ! ભાઇ ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ હો !’ અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડયો.
દર પળે ટ્રનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઇ. જોસબંધ ફરતાં પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડયો. પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊચક્યું, અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો.
વેણુ પર થઇને આખી ટ્રેન ચાલી ગઇ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયુ ભીંજાઇ ગયું. તેને કળ વળી ને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઇ પણ  નામનિશાન રહ્યું ન હતું !
*
હજી પણ હંમેશાં જુમો સવારમાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ લઇને આવતો દેખાય છે, અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ !.. વેણુ !.. વેણુ !’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે !
લેખકનો પરિચય
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’
જન્મ: ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨
મૃત્યુ: ૧૧ માર્ચ, ૧૯૬૫
‘ધૂમકેતુ’ આધુનિક ગુજરાતી ટુંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગણાય છે. વિશ્વ સાહિત્યની કક્ષાએ ગુજરાતી વાર્તાને ગૌરવભેર ઊભી રાખવાનું શ્રેય ધરાવતા ‘ધૂમકેતુ’ના ૨૫થી વધુ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે.ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટયકાર તરીકે તેઓ પ્રસિધ્ધ છે.
સૌરાષ્ટ્રના વીરપુર ખાતે જન્મેલા ‘ધૂમકેતુ’ની કર્મભૂમિ અમદાવાદ રહી હતી. બાળપણથી જ શિષ્ટ સાહિત્યના વાચનને લીધે કથારસ ભણી દોરવાયેલા ‘ધૂમકેતુ’એ રોજબરોજની જિંદગીમાંથી વાર્તાના વિષયો, પાત્રો શોધીને તેને બહુ જ હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યા છે.
‘તણખા’ મંડળ ૧થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, ચંદ્રરેખા જેવા વાર્તાસંગ્રહો ખૂબ લોકપ્રિય નીવડયા હતાં.

 

જુમો લક્ષાધિપતિ હતો; ભિખારી બની ગયો. વળી ચડયો, પાછો પડયો અને આજે છેવટે આ ત્રણ તૂટેલાં ઝૂંપડાંમાં એનો બધો સામાન સચવાઇ રહેતો. એકમાં વેણુ બંધાતો; વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ ને નોકર આખો દિવસ એક-બીજાની સામે જોઇને બેસી રહેતા; અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા, ગયા, મળ્યા અને ટક્યા – માત્ર જુમો અને વેણુ, બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા.
આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટીમોટી મસક ભરીને જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે વાગતી હોય તે પાછળ જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર બન્ને પાછા વળતા. જુમાએ એક પૈસાનાં ગાજર કે બહુ તો ટમેટાં કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ – જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય – પાડા માટે લીધાં હોય.
બસ, આ હમેશની ખરીદી. આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહિ, કોઇ વધુ કામ, આપે તો લેવું નહિ, ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહિ. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો; અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ, પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીંચીને ઊભો હોય કે જાગતો સૂતો હોય. શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળ્યા કરતા !
છેક સાંજે બન્ને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઇ પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા.
એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બન્ને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે પાડો થોડુંઘણું ચરે તો સારું; પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાઇનાં લક્ષણ નહિ ! એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામે ઊભો રહે અને ‘ના, નહિ ખાઉં’ એમ સ્પષ્ટ સંભળાવી દે !’
અને જુમો થાક્યો : ‘ચાલ ત્યારે, ઘેર જઇને ખાજે. તને પણ લાડ કરવાની ટેવ પડી છે !’
વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂંછડાને બરડા પર પછાડયું ને જુમાની સામે જોઇ કાન ફફડાવીને ‘રણક’ કરતોક તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડયો.
‘જો ! જો ! હવે પાછો વાળું કે ? દોડવાનું છે ?’ જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તોે રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતાં, પાડાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યોે, પણ ફોગટ. ધબ દઇને નીચે બેસી ગયો, ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો પાછળ હતો. તે શ્વાસભેર દોડયો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઇ આમતેમ મચડયો.  પણ બધું વ્યર્થ !
આછું અંધારું ને આછો ઉજાશ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડયો : ગાડી આવશે તો !
તે એકદમ રસ્તા તરફ દોડયો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા. તેમના એકેક હાથમાં નેતરની સોટીઓ ઊછળતી હતી અને ખુશનુમા હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઇ લીધી હતી. ગાંડો દોડે તેમ જુમો દોડયો.
‘એ ભાઇસા’બ ! મારો વે… મારો પાડો. અબઘડી કપાઇ જશે. જુઓ, પણે જુઓ – પાટામાં સપડાયો છે !’
બન્ને જણાએ જુમાએ દેખાડયું ત્યંા જોયું. કાંઇક કાળુંકાળું તરફડતું લાગ્યું.
‘શું છે ?’
‘મારો વેણુ-પાડો !’
‘ઓહો !… જા, જા, ફાટકવાળા પાસે દોડ…’
‘તમે માબાપ, ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે.’
‘અમે ? તું દોડ-દોડ- ફાટકવાળાને કહે !’ એમ કહીને એ બન્ને જણા તો ચાલતા થઇ ગયા ! જુમો ફાટકવાળા તરફ દોડયો, પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઇ માણસ ફરકતું લાગ્યું નહિ. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઇ. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. પણ માણસનું કોઇ છૈયું સરખું યે જણાયું નહિ. ઝપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ દોડયો. સાંકળ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહિ !  તેણે જોરથી બારણામાં પાટું માર્યું.
‘એ કોણ ?’
‘એ ચાલો ! ભાઇ-બહેન ! સિગ્નલ ફેરવો, મારું જાનવર કપાઇ જશે.’
‘ઘેર કોઇ ભાઇમાણસ નથી !’ – બસ. આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા મંડી.
હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ‘દોડો ! દોડો !… મારું જનાવર કપાય છે !’ જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી; પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી !
જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી.
‘યા પરવરદિગાર !’ તેણે મોટેથી બૂમ પાડી.
એટલું બોલીને જુમો એકદમ દોડયો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડયો હતો. તેની ગોદમાં તે ભરાઇ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યું.
‘દોસ્ત ! ભાઇ ! વેણુ ! આપણે બન્ને સાથે છીએ હો !’ અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે પડયો.
દર પળે ટ્રનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઇ. જોસબંધ ફરતાં પૈડાં સંભળાયાં. જુમો વેણુને ભેટી પડયો. પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ, પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊચક્યું, અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો.
વેણુ પર થઇને આખી ટ્રેન ચાલી ગઇ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયુ ભીંજાઇ ગયું. તેને કળ વળી ને બેઠો થયો, ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઇ પણ  નામનિશાન રહ્યું ન હતું !
*
હજી પણ હંમેશાં જુમો સવારમાં જ એકલો, અશાંત, એ રસ્તે ફૂલ લઇને આવતો દેખાય છે, અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને ‘વેણુ !.. વેણુ !.. વેણુ !’ એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે !
લેખકનો પરિચય
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’
જન્મ: ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨
મૃત્યુ: ૧૧ માર્ચ, ૧૯૬૫
‘ધૂમકેતુ’ આધુનિક ગુજરાતી ટુંકી વાર્તાના ભીષ્મ પિતામહ ગણાય છે. વિશ્વ સાહિત્યની કક્ષાએ ગુજરાતી વાર્તાને ગૌરવભેર ઊભી રાખવાનું શ્રેય ધરાવતા ‘ધૂમકેતુ’ના ૨૫થી વધુ વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે.ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટયકાર તરીકે તેઓ પ્રસિધ્ધ છે.
સૌરાષ્ટ્રના વીરપુર ખાતે જન્મેલા ‘ધૂમકેતુ’ની કર્મભૂમિ અમદાવાદ રહી હતી. બાળપણથી જ શિષ્ટ સાહિત્યના વાચનને લીધે કથારસ ભણી દોરવાયેલા ‘ધૂમકેતુ’એ રોજબરોજની જિંદગીમાંથી વાર્તાના વિષયો, પાત્રો શોધીને તેને બહુ જ હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યા છે.
‘તણખા’ મંડળ ૧થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, ચંદ્રરેખા જેવા વાર્તાસંગ્રહો ખૂબ લોકપ્રિય નીવડયા હતાં.