“ફાંસ”

ફાંસ 

– વર્ષા અડાલજા
મારી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ.

ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં વર્ષો એટલાં આનંદમાં વીત્યાં ! જાણે મને પરીની જેમ પાંખો ફૂટી હતી અને શ્વેત વસ્ત્રો લહેરાવતી આકાશમાં ઊડતી. દેવતાઓ સાથે ગોષ્ઠી કરતી.
બા-બાપુજીએ ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરેલી. માતુશ્રી વીરબાઈ કાનજી કન્યાશાળા જે સ્કૂલનું નામ હોય ત્યાં અભ્યાસ અને આબોહવા કેવી હશે એ કહેવાની જરૂર ખરી ! જાતભાતની પ્રવૃત્તિ જેવું કશું નહીં, સ્પોર્ટ્સને નામે મોટી ચોકડી. વાળના ચોટલા વાળવા અને ચાંદલો ફરજિયાત. મુંબઈમાં રહીનેય બા-બાપુજી જ્ઞાતિના વાડામાં પુરાયેલાં જીવતાં હોય ત્યાં મને તો મોકળાશ સપનામાંય નહીં. એમનું એકનું એક સંતાન આવી સરસ કેળવણી પામે છે એથી રાજી રાજી. દસમા ધોરણમાં હતી ત્યારે તો જ્ઞાતિના ફંકશનમાં સાડી પહેરતી થઈ ગઈ હતી. આમ પણ હું ખાસ રૂપાળી નહીં પણ ઊંચી અને હાડેતી. સરસ ફિગર. એટલે સાડીમાં શોભું પણ ખરી. નવરાત્રિમાં જ્ઞાતિનો મેળાવડો હોય, માતાની પહેડીનો સમૂહ ભોજનનો અવસર હોય ત્યારે બા તો મારા માટે ખાસ નવી સાડીઓ ખરીદતી. બા બાપુજીને કહેતી, દીકરી તો પહેરેલી ઓઢેલી સારી. ઝટ બધાની નજરે ચડે. મને એનો અર્થ ન સમજાતો. હું તો મારામાં મસ્ત.
કોલેજનું પહેલું વર્ષ. કંપાઉન્ડમાં દાખલ થતાં આનંદવિભોર થઈ ગઈ. બધાં બંધનોમાંથી મુક્ત થવા મન કેટલું ઝંખતું હતું ! ઘરથી થોડે જ દૂર કોલેજ હતી અને ઘર અને કોલેજ વચ્ચે જાણે અદશ્ય લક્ષ્મણરેખા હતી. એ વળોટી જઈ ત્યાં ક્યારે પહોંચું એ માટે તલપાપડ હતી. છોકરા-છોકરીઓ સાથે ભણે, હરેફરે, વાતો કરે એ દશ્ય જ મારા માટે અદ્દભુત હતું. જીન્સ અને ટી-શર્ટ, કુરતીનું મને ગજબનું આકર્ષણ. પણ મને ખબર હતી એ માટે બા-બાપુજીને હું ધીમે ધીમે તૈયાર કરી શકીશ. અત્યારે તો યુનિફોર્મમાંથી સલવાર-કમીઝ પહેરતી એટલાથીય ખુશ હતી. એક તો ગુજરાતી માધ્યમ અને મારો આવો લુક, એટલે હું અને મારી બહેનપણી હંસા અમે બહેનજીની કેટેગરીમાં ખપતાં હતાં. મેં ઘરે બા-બાપુજી પાસે નવું પર્સ, શૂઝ અને જીન્સના પૈસા માગ્યા, બાપુજી પ્લીઝ ના નહીં પાડતા, કોલેજમાં બધાં જ પહેરે છે, સલવાર-કમીઝ તો બિલકુલ ગમતાં નથી.

બા હરખાઈને બોલી,

‘લે બેટા, એ બધી કટાકૂટ ગઈ.’

‘એટલે ? મને સમજાયું નહીં.’

બા-બાપુજી સામસામે મલક્યાં, ‘તારાં તો માગાં આવે છે સામે ચાલીને.’

હું સ્તબ્ધ થઈ ગઈ. લગ્ન ? હજી તો કોલેજમાં ત્રણ વર્ષ ભણવાનું છે, જાતભાતનાં કપડાં પહેરવાં છે, અને હા, કોમ્પ્યુટર તો ખાસ શીખવું છે ત્યાં તો પૂર્ણવિરામ ! પૂર્ણવિરામ જ તો. જ્ઞાતિના ફંકશનમાં જતી ત્યારે હું ઝીણી આંખે સ્ત્રીઓ અને યુવતીઓને જોતી થઈ ગઈ હતી. કોલેજ પૂરી કરી હોય એવી કોઈ સ્ત્રી દેખાતી નહીં, ત્યાં ઓફિસમાં કામ કરતી હોય એવું તો સાવ દુર્લભ. મારી કોલેજમાં તો કેટલાં લેડી લેક્ચરર્સ અને પ્રોફેસર્સ હતાં ! એમાંનાં ઘણાં પરણેલાં હતાં, સંસાર હતો. છતાં એમની પાસે ઊંચી ડિગ્રીઓ હતી, રિસર્ચ કરતાં હતાં. સાયન્સનાં એક પ્રોફેસર ડૉ. લતા શેટ્ટીને એક વર્ષ માટે અમેરિકાની યુનિવર્સિટીમાં રિસર્ચ માટે ફેલોશિપ મળી ત્યારે કોલેજે એમનું સન્માન કર્યું હતું ત્યારે હું અને હંસા ખાસ ગયેલાં. અમારે માટે આનંદ અને આશ્ચર્યની વાત એ હતી કે એમના પતિ ડૉ. સદાનંદે પત્નીને અભિનંદન આપતાં ખાસ તેમને માટે પ્રવચન કરેલું.
અમારે માટે તો દુનિયા ઊલટપૂલટ જ થઈ ગઈ હતી ! આવું પણ બની શકે છે ! લગ્ન પછી પતિના પ્રોત્સાહનથી પત્ની ભણે, કૉલેજમાં નોકરી કરે, રિસર્ચ પેપર્સ લખે અને એક વર્ષના સંતાનની જવાબદારી લઈ પતિ પત્નીને હોંશભેર પરદેશ પણ મોકલે. કદાચ પૃથ્વી તેની ધરી પર ઝડપથી ફરતી હતી, સૂર્યદેવના હણહણતા અશ્વો અત્યંત તેજ ગતિથી દોડતા હતા, સમય ઝડપથી બદલાતો હતો અને હું અને હંસા કોઈ જુદા કાળખંડની ધરતી પર ઊભાં હતાં જ્યાં સમય ધીમાં ડગલાં ભરતો ખોડંગાતો ચાલતો હતો. અને બે કાળખંડની સીમા વચ્ચે હું વહેરાતી હતી. હું દલીલ કરતી, બા લગ્નની એવી તે શી ઉતાવળ ? મારે ભણવું છે, જીન્સ-કુરતી પહેરવાં છે. બીજું ઘણું કરવું છે, જો કે શું એની મને ખબર નહોતી. માત્ર એ યાદીમાં લગ્નનું નામ નહોતું. બા-બાપુજીને સધિયારો આપતી. એ તો રક્ષા છોકરું છે તે બોલે. એને શી સમજ પડે ? પણ મને એટલી તો સમજ પડતી કે જો હું છોકરું છું તો પછી મને શા માટે પરણાવી દેવાની ? બા પાસે એનોય જવાબ હતો, દીકરીને મોટી હોળાયા જેવડી કરીને પરણાવીએ તો સાસરામાં સમાય નહીં. ને જરા વહેલાં વળાવીએ તો કુમળી ડાળખીની જેમ વાળો એમ વળે. ને બકા, તું કાંઈ નાની નથી. સરખું શોધતાં વરસવટોળ તો થઈ જાય.
બપોરે કોલેજથી આવી ત્યારે ત્રણચાર સ્ત્રીઓ બાઘડબિલ્લા જેવા સાડલા પહેરી, માથે ઓઢીને બેઠી હતી. કોણ કોનું સગું એની વાતો ગાંઠિયા, ગોળપાપડી સાથે થતી હતી. આ ડેન્જર ઝોનમાં પગ મૂકવાને બદલે ઘરમાંથી તરત નીકળી જવાની કોશિશમાં હતી કે બાએ કહ્યું :

‘લ્યો, આ આવી રક્ષા. બેટા, પગે લાગો. વાસંતી ખરીને ! મોહનકાકીની દીકરી. એનાં ફોઈજી આવ્યાં છે મળવા.’ પગે લાગતાં મનમાં બોલી, મળવા નહીં મને ‘જોવા.’ એ લોકો ગયા ત્યાં સુધી હું અંદરના રૂમમાં પુરાઈ રહી. રડવાનું મન થતું હતું. હું તો બાની રજા લેવા આવી હતી, મારે અને હંસાને ફિલ્મ જોવા જવું હતું. પણ હવે તો જવાય જ નહીં. ત્યાં મારા મોબાઈલની ઘંટડી રણકી, હંસાનો ફોન. રડું રડું હતી. એના બાપુજીએ ફિલ્મ જોવા જવાની ના પાડી હતી, કારણ કે સાવ ‘ઉઘાડી’ ફિલ્મ હતી. હંસા આક્રોશથી બોલતી હતી, ખોટું બોલીને ગયાં હોત તો હતી કંઈ ઉપાધિ ! સાચું કહ્યું તે ગુનો. મેંય ગરીબડા સ્વરે કહ્યું, મારાથી તો નીકળાત જ નહીં, મને ‘જોવા’ આવ્યાં છે. હંસા બોલી પડી, ઓ માય ગોડ ! (ઓ માય ગોડ…. ટચવૂડ – એવું બધું અમે કોલેજમાં ગયા પછી હમણાં હમણાં બોલતાં શીખેલાં.)
મોડેથી સ્ત્રીઓનું ટોળું ગયું. બાપુજી ઓફિસેથી ઘરે આવ્યા અને બાએ માંડીને વાત કરી તે મેં ધ્યાનથી સાંભળી. છોકરો પાંચ ચોપડી ભણેલો છે પણ મસ્જિદબંદર પર કરિયાણાનો વેપાર મોટો. દીકરી ખાધેપીધે તો સુખી રહે. બાપુજી કડક સ્વભાવના. આમ લાડ કરે પણ એમની સામે ન બોલાય, બાથીય નહીં. તો મારું મોં ખૂલે જ ક્યાંથી ? મારી નજર સામે કોલેજના મંચ પર ડૉ. શેટ્ટીએ એમનાં પત્નીને ફેલોશિપ મળતાં તેમને બિરદાવતાં કરેલા પ્રવચનનું દશ્ય તાદશ્ય થઈ ગયું. ‘જોવા’ આવવાની ઘટના બે-ત્રણ વાર બની અને મારું ગોઠવાઈ ગયું. છોકરો, અનિલ પણ કોલેજને દરવાજેથી પાછો વળી ગયેલો, બાપાની નાની દુકાને બેસી કશીક લે-વેચનો ધંધો સંભાળતો હતો. બે ઓરડાનું ઘર. ઘરમાં મા અને બાપાની કેન્સરની મરણપથારી. ભાઈબહેન નહીં. લો, આથી રૂડું શું ? ભયો ભયો. લગ્ન પણ જલદી લેવાનાં અને ઝાઝી ધામધૂમ નહીં. હું તો હેબતાઈ જ ગઈ. મને ગાવાનો શોખ. ગળું પણ સારું પણ ‘રાગડા’ તાણવાનું આપણે શીખીને શું કરવાનું એટલે સંગીતના કલાસમાં જવા ન મળ્યું. કોલેજમાં હું અને હંસા ટેરેસ જવાનાં પગથિયે બેસીને પ્રેક્ટિસ કરતાં. હંસા નાનું ટેપરેકોર્ડર (અમારા પોકેટમનીમાંથી સંયુક્ત રીતે ખરીદેલું) વગાડે, હું ધ્યાનથી સાંભળીને એવું ગાવાની કોશિશ કરું. ટી.વી. પર શરૂ થનારા મ્યુઝિકના રિયાલિટી શોમાં ભાગ લઉં એવી હંસાની ઈચ્છા-આગ્રહ જે ગણો તે. તારા બાપુજી પાસે રજા માગવાની તૈયારી પણ પછી કરીશું, પહેલાં આ તૈયારી કર.

અને અચાનક આ લગ્ન ?

જીન્સ તો પહેરવાનાં ગયાં પણ આ તો આખું જીવન જ ગયું !

ઘરમાં છેલ્લો શબ્દ બાપુજીનો એ હું ન જાણું ? હતી એટલી હિંમત એકઠી કરી મારી જાતને ધક્કો મારી બાપુજી પાસે ઊભી રહી. કંકોતરીની ડિઝાઈન જોતાં, બાપુજીએ ઝીણી નજરે જોયું.

‘તારી ખરીદીના પૈસા તારી બાને આપી દીધા છે, જે જોઈએ તે લેજે બસ ! રાજી !’

હું બોલી પડી, ‘ના બાપુજી, હું રાજી નથી, મારે લગ્ન નથી કરવાં.’

બોલી દઈ આંખ બંધ. તીર વછૂટ્યું હતું. નિશાના પર લાગશે ?

‘શું બોલી ? રમત છે કે આ ?’

ફટ આંખો ખૂલી ગઈ. શાંત દેખાતા ચહેરામાં આંખમાં કેસરી તણખો. થોથવાઈ ગઈ પછી એકશ્વાસે હંસા સામે રિહર્સલ કરી તૈયાર કરેલું બોલી ગઈ, બી.એ. પછી જ લગ્નનું વિચારીશ, તેય જ્ઞાતિના કૂંડાળામાં નહીં, ભણેલા માણસ સાથે, કદાચ આગળ ભણું, નોકરી કરું, કોલેજમાં લેક્ચરર. ડૉ. લતા શેટ્ટી મારા રોલ મોડલ…. કહી દીધું. બધું જ. ધાર્યા કરતાં ઊલટું થયું. મને ક્યાંય બાપુજીએ અટકાવી નહીં. બા સોપારીનો ભુક્કો કરતી હતી, સૂડીનું પાંખિયું અધ્ધર જ રહી ગયું.
છેલ્લું વાક્ય પૂરું કરતાં આંખે અંધારાં આવી ગયાં મને.

બાપુજી બોલ્યા, ‘પત્યું ? જો લગન તો થશે. સારાં વર-ઘર છે. તને ઝાઝું ભણાવું તો નાતમાં ભણેલા છોકરા ક્યાં છે ? કોલેજ જોઈ લીધી, હર્યાંફર્યાં બસ, હવે ઘર માંડો. આને રસોઈ ને ઘરનાં કામકાજ શીખવો છો કે નહીં ! લે, જો આ કંકોતરી ગમી ? બસ, ચાર જ લીટીમાં મારા જીવનનો ફેંસલો ? આ તે કંકોતરી હતી કે મારા ભાગ્યનો દસ્તાવેજ ! રાત્રે છાનીમાની હીબકાં ભરતી હતી કે બાએ સાંત્વન આપ્યું, બેટા, સ્ત્રી એટલે મીઠાની પૂતળી. આપણે તો જીવનભર ઓગળવાનું. લગન તો કરવા પડે, તે આ છોકરો શું ખોટો છે ? ખાધેપીધે સુખી તો ખરા. પછી નાતમાં ઝટ છોકરા મળતા નથી.
મારો વર અગિયાર ધોરણ જ ભણેલો ! મને જોવા આવેલો ત્યારે એણે ફૂલફૂલની ભાતનો બુશકોટ પહેરેલો, ઓ માય ગોડ ! મારી સ્મૃતિની ફ્રેમમાં જડાઈ ગયેલું એ દશ્ય, ગ્રે સૂટમાં સજ્જ ડૉ. શેટ્ટીનો હસમુખ હેન્ડસમ ચહેરો, પત્નીને આવીને એમણે ફૂલોનો બુકે ધરેલો અને પત્નીના હાથ પર હળવું ચુંબન કરેલું. સાચ્ચું કહું તો, સભાખંડમાં હાજર દરેક છોકરીઓનાં હૃદયમાંથી આહ નીકળી ગઈ હતી. હંસાની આંખમાં તો આંસુ આવી ગયેલાં. બા મને દુનિયાદારીની સમજણ આપતાં ઊઠતાં ઊઠતાં બોલેલી, ચિંતા ન કર. ઘીને ઘડે ઘી થઈ રેશે. મારે કહેવું જોઈતું હતું, હું ઘી નથી માણસ છું. ઘી ઘડામાં સમાય ન સમાય કે ઘડો ફૂટીય જાય ઝાઝું નુકશાન નથી. અને લગ્ન કરવાં જ જોઈએ એ વળી ક્યાંનો કાયદો ? ભણીગણીને પછી હું જાતે પસંદ કરું કે ન પણ કરું એવું પણ બની શકેને ! પણ એ સમયે રડવા સિવાય કશું સૂઝ્યું નહોતું. અઢાર વર્ષ સુધી રક્ષણાત્મક કવચમાં આજ્ઞાંકિત બની જીવેલી (જિવાડેલી) એ કવચમાં છિદ્ર પાડી મેં પહેલી વાર બહારની અજબ દુનિયા જોયેલી, બસ એટલું જ. મારું જોઈને હંસાના ઘરે પણ થોડી હિલચાલ શરૂ થયેલી, પણ એના ભાઈ પ્રદીપે એની જબરી દાદીનાં ત્રાગાં સામે લડીને પણ હંસાને જીવતદાન આપેલું.
લગ્ન થયાં. ભારે હૈયે અને નીતરતી આંખે મેં સાસરે પગ મૂક્યો. વાર-તહેવારે બેએક વાર મને અને હંસાને જમવા તેડેલાં એટલે મેં ઘર તો જોયેલું, નાના નાના બે બેડરૂમનો ફલેટ. એક જ બાથરૂમ. અમને બન્નેને ઘર જરાયે ગમેલું નહીં, પણ હવે તો એમાં મારે રહેવાનું હતું. ચાર દિવસ અમે લોનાવાલા ગયાં. બસ, મારા હરવાફરવાના એ છેલ્લા ચાર દિવસો. આનંદના પણ. મને થયું આ અજાણ્યા પુરુષ સાથે હું ક્યાં આવી ચડી હતી ? એની રહનસહન, ખાવા-પીવાની રીતો અને રુચિ, કપડાં કશું ગમતું નહોતું. સાવ હાલાતુલા જેવો. નમાલો. મને સ્પર્શવા જતો અને હું તરછોડતી. રાત્રે તો ધક્કો જ મારી દેતી. ઘરે પાછાં ફર્યાં અને ઘરકામની ઘાણીએ જોતરાઈ. આંખે ડાબલાં બાંધી ગોળ ગોળ ફર્યા જ કરવાનું. સસરા લગભગ પથારીવશ. જીવનનો એક એક શ્વાસ સોનાના સિક્કાની જેમ સાચવીને, ગણીને લેતા હતા. એમની મોટા ભાગની સેવા સાસુએ મને ભળાવી હતી, મેં બહુ કર્યું, હવે તારો વારો. દવા આપવા ગઈ ત્યારે પહેલી વાર મારો હાથ પકડી લીધો અને ટગર ટગર જોતા રહ્યા ત્યારે મારાથી ચીસ પડાઈ ગઈ, હાથ ઝટકાવી દીધો. સાસુ થોડે દૂર ભાજી વીણતાં હતાં. એમણે તરત અમારી તરફ જોયું, બડબડતાં પાછાં પાંદડાં ચૂંટવા માંડ્યાં, મરવાના થ્યા પણ લખણ જાતાં નથી.

હું એવી ઘા ખાઈ ગઈ.

રાત્રે કામથી થાકીને બેડરૂમમાં આવું કે અનિલ લૂસલૂસ જમીને ચકળવકળ આંખે પથારીમાં મારી રાહ જ જોતો હોય. લોનાવાલાનું સસલું, ઘરમાં સિંહ થઈ ગયો હતો, કારણ કે બારણાંની બહાર લોંઠકી એની બા બેસી રહેતી. રોજ સેક્સની એવી ચિત્રવિચિત્ર હરકતો કરતો કે….
એક વાર સાસુ મંદિરે ગયાં કે ઘરનાં બારણાં ઉઘાડાં ફટાક મૂકી, ઉઘાડા પગે રિક્ષામાં બાને ત્યાં પહોંચી, ખોળામાં માથું મૂક્યું, બા તારે જ હાથે ઝેર પાઈ દે.

એક વાર, બે વાર, ત્રણ વાર

પિયર ગઈ અને મને સાસરે માબાપે પાછી વાળી. હશે બહેન ! એ તો ભાંગ્યું ગાડે ઘલાય. બે વાસણ ખખડે. માણસને સાવ પાંગળો બનાવી દે એવી જાતભાતની કહેવતો પર મને ખૂબ ખીજ ચડતી. કેટલાં માબાપ આવી કહેવતોને આત્મસાત કરી જીવતાં હશે ત્યારે તો રોજ દીકરી-વહુ બિલ્ડિંગના ઊંચા મજલેથી છલાંગ મારતી હતી, છત પર, પંખા પર લટકી જઈ….. આવા વિચારોથી હું ધ્રૂજી જતી. રાત્રે જાગતી પડી રહેતી. મા-બાપ મને જેટલી વાર પાછી મૂકી જતાં એટલી વાર રાત્રે અનિલ ખી ખી હસતો, મને અંગૂઠો બતાવતો, પછી ઓર બળૂકો બની….
સસરા ગયા. એકલા ધંધો ચલાવવાની આવડત નહીં. દુકાન પણ ગઈ. ગણતર કે ભણતરનું ગાંઠે ગરથ તો પહેલેથી જ ક્યાં હતું ? હવે નોકરી શોધવાનો વારો આવ્યો. મારી ના છતાં બાપુજી દર મહિને કવર મોકલતા, સાસુ રાજી રાજી થઈ જતાં. વહુ એટલે વગર મહેનતની કમાણી. ઘરનાં કામ ઉપરાંત સાસુ આજુબાજુમાં રસોઈનાં નાનાં કામ કરવા મોકલતાં અને એ સમયે હંસા બી.એ.ની પરીક્ષા આપી રહી હતી. ધરાયેલા વાઘ જેવો વર પડખામાં લાંબો થઈ નિરાંતે નસકોરાં બોલાવતો હોય ત્યારે રાત્રે મને નીંદર ક્યાંથી આવે ? છતને તાકતી પડી રહું. ઊંડા આઘાતથી સ્તબ્ધ, શબવત. મારી કોને જરૂર છે આ દુનિયામાં ? મારી આવી મનઃસ્થિતિને અનુરૂપ બાપુજી પાસે કોઈ કહેવત હશે ? હું ઝપ દઈને ઊઠીને બારી પાસે ગઈ. નકામા સામાનના પોટલાની જેમ ફંગોળાઈ જાઉં અહીંથી. કાલે અખબારમાં મારા પણ સમાચાર, દુઃખી પુત્રવધૂએ બિલ્ડિંગમાંથી પડતું મૂક્યું. ટી.વી. પર એક ન્યુઝ આઈટમ. આપઘાત કરતાં પહેલાં ચિઠ્ઠી લખું ?…. મારાં સાસુ મને ત્રાસ આપતાં હતાં, પતિ ખૂબ હેરાન કરતો, હાથ પણ ઉપાડે….. પછી બીજું શું શું કરતો હતો એ શરમના માર્યા નહીં લખી શકાય. મર્યા પછીય બાપુજીને કદાચ લાગે કે આવી ચિઠ્ઠી હજી સુધી કોઈએ નાતની વહુ-દીકરીએ લખી નથી – એવું એમને થાય તો ? ભલે થાય. એ માટે મરવું પડે. મારું ઘર બીજે માળે હતું. હું બે વાર ટેરેસ પર ગઈ, પણ ચોથે માળથી ન મરાય તો ? આજકાલ સ્ત્રીઓ પંખા પર લટકીને આત્મહત્યા વધુ કરે છે. થોડા વરસથી આ ટ્રેન્ડ છે. પણ મારા ઘરનો પંખો કદાચ પોતે જ ધડામ નીચે પડે એવો છે.
એ રાત્રે ભાઈબંધોનો ચડાવ્યો અનિલ ચડાવીને આવ્યો, સાથે બીભત્સ ફિલ્મની ડીવીડી. જન્માષ્ટમી હતી એટલે સાસુ રાત્રે મંદિરે ગયાં હતાં ને છેક સવારે આવવાનાં હતાં. અનિલે ડીવીડી મૂકી, મનેય સાથે બેસાડી. મને ઊલટી જેવું થવા લાગ્યું. પાણી પીને આવું- કહી રસોડામાં ગઈ અને ત્યાંથી સીધી બહાર દોડી ગઈ. પછી દોડવા માંડ્યું, હરિણીની જેમ લાંબી ફાળે દોડતી રહી. કૃષ્ણજન્મ થયો હશે એના ઘંટનાદ જોરથી અંધારામાં પડઘાતા હતા. જોરથી મોજું ધસી આવ્યું ત્યારેય મને ભાન ન રહ્યું, હું દરિયામાં દોડી રહી હતી. ઊંડે, હજી ઊંડે. મારા તપ્ત મન પર પાણી ફરી વળ્યાં હતાં અને ખૂબ શાંતિ લાગતી હતી. મૃત્યુ. ન હોવાપણું. કશું જ સિલકમાં ન બચે. મેં બે હાથ છેલ્લે આકાશ તરફ જોડ્યા. હવે જ્યારે અવતાર લો પ્રભુ, સ્ત્રીનો અવતાર લેજો. યુગે યુગે નહીં, રોજેરોજ. અને હું સાચ્ચે જ મીઠાની પૂતળીની જેમ ઓગળતી ગઈ.

હું ક્યાં હતી ? પાતાળનગરીમાં ?

ધીમે ધીમે આંખો ખોલી. ધૂંધળા ચહેરાઓ મારા પર ઝળૂંબી રહ્યા હતા. એમાંથી આકાર કળાતો ગયો, બા, બાપુજી, અનિલ, સાસુ, ડૉક્ટર, પોલીસ….. અચાનક સઘળું સ્પષ્ટ થઈ ગયું. હું બચી ગઈ હતી અને હોસ્પિટલમાં હતી. મેં મોં ફેરવી લીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હું ફરી પાણીમાં ડૂબતી હોઉં એમ થોડા દિવસો ધૂંધળા, અર્ધબેભાનીમાં વીત્યા. પોલીસ કેસ, બાપુજીની પોલીસ-સ્ટેશનની દોડાદોડી. અનિલ અને સાસુના મારે પગે પડીને કાલાવાલા.
ભયંકર આંધી, વિનાશકારી પૂર કે ધરતીકંપ આખરે તો શમે છે. તો આ પૃથ્વી પરની અસંખ્ય સ્ત્રીઓમાંની એક છું, મારા જીવનનું તોફાન પણ શમવા લાગ્યું. ભલા ઈન્સ્પેક્ટરે અકસ્માતનો કેસ બનાવી મારું સ્ટેટમેન્ટ લીધું, સાસુ અને અનિલને થોડા દિવસ જેલની હવા ખવડાવી છોડી દીધાં. બા-બાપુજીએ આગળ પડી છૂટાછેડા અપાવ્યા. અને હું, ઘરે પાછી ફરી. આવું, બધું અમારી જ્ઞાતિમાં પહેલી જ વાર બન્યું હતું, પણ બા-બાપુજીને એનો અફસોસ રહ્યો નહોતો. મારા વેરવિખેર થઈ ગયેલા જીવનના ટુકડાઓ ક્યાંથી શોધું, કઈ રીતે જોડું એની મૂંઝવણ થતી અને મને માઈગ્રેન શરૂ થતું. જીવનનાં ગુમાવેલાં અમૂલ્ય વર્ષો, એક નરાધમ પુરુષને હાથે સહેલો વારંવાર બળાત્કાર, સાસુની નાગડદાઈ અને બા-બાપુજીએ ફેરવી લીધેલું મોં- લીલાછમ વૃક્ષને મૂળમાંથી કાપી નાખે એમ મારું હસતું રમતું જીવન નષ્ટ થઈ ગયું અને આત્મસન્માન તો છેક જ તળિયે.
હંસા એમ.એ થઈ ગઈ હતી અને બી.એડ. કરતી હતી. એ મને સાઈકિયાટ્રિસ્ટ પાસે લઈ ગઈ, કાઉન્સિલ કરાવે, ડિપ્રેશનની દવાઓ હું લેતી, બા-બાપુજી મારો બહુ ખ્યાલ રાખતાં, તોય હું ઊભી વહેરાઈ ગઈ હોઉં એમ થતું કે મારા જીવનનું મૂલ્ય કાંઈ નહીં ? છેક અજાણી સ્ત્રી અને પુરુષે મારા તનમનની સંપત્તિ લૂંટી એ લોકો મોકળાં ફરે ? જે ગયું તે મારું જ ગયું ? એમનું કશું નહીં ?

હંસા કહેતી, ચલ એ દિશાનો દરવાજો બંધ અને નવી દિશા ખોલ.

એટલે ?

એટલે એમ કે તારે ભણવાનું છે, આજે આપણે એડમિશન લેવાનું છે. જો આ ફોર્મ સહી કર. હું ફફડી ઊઠી. બહાર જવું, લોકોને મળવું, વાતો કરવી એનાથી મને ડર લાગતો. એમને નક્કી ખબર પડી જશે આ તો રૂની જેમ પીંજી નાખેલી સ્ત્રી. એનામાં તે વળી શી આવડત. હંસાએ મહિલા કોલેજમાં મારું એડમિશન લીધું. અહીં મોટી વયની સ્ત્રીઓ પણ ભણવા આવતી, જીવનની નવી શરૂઆત કરતી. બા પણ કોલેજમાં આવેલી. રાજી થયેલી. મેં ભણવા માંડ્યું. શરૂઆતમાં આકરું લાગતું. પુસ્તક ખોલું અને અક્ષરો કીડીની જેમ ચાલતા બહાર નીકળી જતા અને પાનાંઓ કોરાધાકોર. સફેદ કોરા કાગળ પર અનિલનો ચહેરો દેખાતો, ખી ખી હસતો. લાળ ટપકતો અને મને મારી દયા આવતી. ઈશ્વર જો આ વિશાળ સંસારનો અધિષ્ઠાતા છે તો એના દરબારમાં ન્યાયની કોઈ પદ્ધતિ જ નહીં ! હંસા ચિડાતી, ભગવાનને કરવું હશે તે કરશે, અને તું તારું કામ કર. ભણવામાં ધ્યાન આપ. તારે તારી દયા ખાવાની જરૂર નથી. તું બિચારી બાપડી નથી. તારું જીવન વેડફાયું થોડું કહેવાય ? સાસરે તારી સ્થિતિ જોઈને તો પ્રદીપભાઈ ઘરમાં સૌ સામે અડીખમ ઊભા રહ્યા અને મને ભણાવે છે. મેં ભણવા માંડ્યું. કોલેજમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી હતી એમાં મેં થોડો થોડો ભાગ લેવા માંડ્યો, ડૉક્ટરની સલાહથી. ડિપ્રેશનની ગોળીઓ બંધ થઈ. ધીમે ધીમે બંધ કળી ખૂલતી જાય, ખીલતી જાય એમ મારા મનની કોમળ પાંખડીઓ ખૂલવા લાગી અને સુગંધની છાલકથી હું ભીંજાઈ ગઈ. તોય બી.એ.ની ડિગ્રી લઈ ઘરે ગઈ ત્યારે બાને ગળે વળગી હું રડી પડી. બાપુજીએ બધાને મીઠાઈ વહેંચી.
મારી વણથંભી યાત્રાનો એક પડાવ આવ્યો, મને ઉત્તમ શિક્ષકનો એવોર્ડ મળ્યો એનો આજે સન્માન સમારંભ છે. ઘણા લોકો આવ્યા છે. મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી. પહેલી જ હરોળમાં છે મારાં બા-બાપુજી, હંસા અને એના પતિ પ્રો. સિંઘ, મહિલા કોલેજનાં પ્રિન્સિપાલે મને શાલ ઓઢાડી અને મને અર્પણ થયેલા સન્માનપત્રનું વાચન કર્યું. એક ક્ષણ વર્ષો પહેલાનું દશ્ય મનમાં ઝબકી ગયું. ડૉ. શેટ્ટી એમનાં પત્નીની પ્રશંસા કરી રહ્યા છે અને છેલ્લે પેલું હાથ પરનું ચુંબન !
કાર્યક્રમ પૂરો થયો. હાથમાં ફૂલહાર ભેટ લઈ હું અને બા-બાપુજી લિફટમાં નીચે ઊતર્યાં. ચંપલનાં સ્ટેન્ડ પર ઊભાં રહ્યાં. બાએ ટોકન કાઉન્ટર પર મૂક્યું ત્યારે હું હજી લોકોનાં અભિવાદન ઝીલતી હતી. પ્યુને મારા પગ પાસે ચંપક મૂક્યાં, એ નીચે બેસી મારાં ઊંધાં પડી ગયેલાં ચંપલ સરખાં કરતો હતો. માથા પર કબરચીતરાં જીંથરાં જેવા વાળ, કોલર પર ફાટી ગયેલું મેલું ખમીસ. બિચ્ચારો ! રોજ લોકોના જૂતા ઊંચકવાના. શું મળતું હશે ? બાએ બે રૂપિયાનો સિક્કો કાઢ્યો, એ રહેવા દઈ મેં દસ રૂપિયાની નોટ કાઢી. એણે હાથ લાંબો કરતાં ઊંચું જોયું. મેં નોટ એના હાથમાં મૂકી. એણે કહ્યું, થેંક્યું મેડમ…. હું ચમકીને જતાં જતાં પાછળ ફરી. અનિલ ! એ કોઈના જોડા મૂકી રહ્યો હતો. એક જોડો હાથમાં અધ્ધર રહી ગયો અને ફાટેલી આંખે મને જોઈ રહ્યો.
એ ક્ષણ મારા મનમાં ઊંડે ઊતરી ગયેલી ઝીણી ફાંસ નીકળી ગઈ અને હું ગૌરવભેર બહાર નીકળી ગઈ અને મેં ડ્રાઈવરને ફોન કર્યો.
( સમાપ્ત ) 

લે. ;- વર્ષા અડાલજા
પોસ્ટ સાભાર ;- સુરેશ કાક્લોતર

Leave a comment